Showing posts with label food. Show all posts
Showing posts with label food. Show all posts

Monday, November 10, 2025

ઉપમાઃ નાસ્તો કે ભોજન?

ચીન, મેક્સિકો, ઇટાલી જેવા દેશોની ખાણીપીણીએ ગુજરાતી ભોજનરસિયાઓ પર કામણનાં આક્રમણ કર્યાં તે પહેલાં દક્ષિણ ભારતીય વાનગીઓ મોભાનું સ્થાન ભોગવતી હતી. ત્રણ-ચાર દાયકા પહેલાં બહાર જઈને ઢોંસો ખાવો, એ ઇટિંગ આઉટનો એટલે કે બહારની ખાણીપીણીનો પર્યાય હતો. કોઈ દક્ષિણ ભારતીય કે દક્ષિણની પરંપરાથી પરિચિત જણ અગાઉનું વાક્ય વાંચશે તો તે ભડકો થઈ ઉઠશે. કારણ કે, દક્ષિણમાં તે વાનગીને દોસા કે દોસ્સા કહેવામાં આવે છે. ગુજરાતીઓને તેનો સ્વાદ તો અનુકૂળ આવ્યો, પણ ઉચ્ચાર જરા મોળો લાગતો હશે. એટલે તેમણે વાનગી ખાતાં પેટ ભરાય તેનાથી પણ પહેલાં, વાનગીનું નામ બોલવાથી મોઢું ભરાઈ જાય, એ માટે નામ પાડ્યું, ઢોંસા. ઉત્તપ્પમ કે અપમની તરાહ પર કોઈએ ઢોંસમ્ નથી કર્યું એ જ ગનીમત.

પ્રકાશ ન. શાહનો કોપીરાઇટ ધરાવતી એક રમૂજ પ્રમાણે, એક સંશોધકે જાહેર કર્યું કે મહાકવિ કાલિદાસ દક્ષિણ ભારતના હોવા જોઈએ. કોઈએ તેના દાવાનો આધાર જાણવા માગ્યો ત્યારે તેનો જવાબઃ સંસ્કૃતમાં કહ્યું છે ને, ઉપમા કાલિદાસસ્ય. આમ તો આ પ્રકાશભાઈની રમૂજ હતી, પણ ઓસ્ટ્રેલિયાનું નામ અસ્ત્રાલય હોઈ શકે, તો કાલિદાસ દક્ષિણી પણ કેમ ન હોઈ શકે? આમ પણ, ભારતે તક્ષશીલા-નાલંદા યુનિવર્સિટીનો વારસો ક્યાંય પાછળ છોડીને વોટ્સએપ યુનિવર્સિટીનો ચીલો પકડ્યો છે, ત્યારથી ઇતિહાસની વાત કરવામાં રાજદ્રોહ લાગવાનું કે આઇટી સેલમાં હોદ્દેદાર બની જવાનું જોખમ સમાયેલું હોય છે.

એટલે વાત ફક્ત ઉપમાની. ઇડલી-દોસા (ઢોંસા) બહાર જઈને ખાવાની વાનગી, તો ઉપમા ઘરે બનાવાતી ચીજ. પહેલાં તેનું લોકપ્રિય ગુજરાતી નામ હતું તીખો શીરો. તે નામ સફેદ મેશ જેવું પરસ્પર વિરોધી (વદતોવ્યાઘાત) લાગતું હતું. કદાચ એ જ કારણે તેની નવીનતા અને વિશેષતા પણ ઊભી થઈઃ ગળ્યો શીરો તો સૌ કોઈ બનાવે, આ તીખો શીરો છે, તીખો. ઉપમા નાસ્તો કહેવાય કે ભોજન, તે વિશે જેટલાં પેટ, તેટલા અભિપ્રાય છે. કેટલાક લોકો ઉપમાને ભોજન ગણવાના ઉલ્લેખ માત્રથી તાડુકીને કહે છે,ઉપમા સરસ આઇટમ છે. સારી લાગે. ભાવે, પણ ખાવામાં?’ પછી તે એવી તુચ્છકારસૂચક ચેષ્ટા કરે છે, જેનો અર્થ થાય, તમારી સાથે વાત શરૂ કરી, એ જ ભૂલ થઈ.

આવા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે તે માનવતાનો હવાલો આપતાં કહેશે કે જેમને સરખું ખાવા જોઈતું હોય તેમને ગમે તેટલી ઉપમા ખવડાવો તો પણ તેમનું પેટ ન ભરાય. એટલે ભોજનમાં ઉપમા આપવી તે હકીકતમાં માણસને ભૂખ્યો રાખવા બરાબર છે અને ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે તો શું થશે તે હવે બધાને ખબર છે—કશું નહીં થાય, ભૂખ્યો જન કોઈ પક્ષ કે નેતાની ઉશ્કેરણીના રવાડે ચડીને હુલ્લડખોરી કરશે અથવા કોઈકની ઉશ્કેરણીનો ભોગ બનશે અને લાઠી-ગોળી ખાઈને પેટ ભરી લેશે.

ઉપમાની વાત લાઠી-ગોળી સુધી પહોંચેલી જોઈને ઉપમાપ્રેમીઓ ખળભળી ઉઠશે. કેમ કે, તે ઉપમાને શ્રેષ્ઠ આહાર માને છે. તેમની માન્યતાના સમર્થનમાં તે યુટ્યુબ પર ફાટી નીકળેલા આરોગ્યનિષ્ણાતોની જેમ, ઉપમા કેવી રીતે સૌથી આરોગ્યપ્રદ હોઈ શકે છે, તેમાંથી કયાં ફાયદાકારક તત્ત્વો મળશે ને કયાં નુકસાનકારક તત્ત્વો નહીં મળે તેની વાતો વિજ્ઞાનના આધારો આપીને કરશે.

દલીલ ખાતર તેમની વાત સાચી માનવામાં આવે તો પણ, એક મહત્ત્વની સચ્ચાઈ તે ભૂલી જાય છેઃ ભોજનપ્રીતિ અને ભોજનપસંદગીનો સંબંધ વિજ્ઞાન સાથે નહીં, મનોવિજ્ઞાન સાથે વધારે હોય છે. આરોગ્યઘેલા થઈને પોતાનું શારીરિક અને બીજાનું માનસિક આરોગ્ય બગાડી શકતા આરોગ્યપ્રેમીઓને બાદ કરતાં, સામાન્ય-સ્વસ્થ લોકો કેલરી ગણીગણીને અને પોષક તત્ત્વો વીણી વીણીને ભોજન કરતા નથી. તેમને માટે સ્વાદ અને જથ્થો બંનેનું મહત્ત્વ હોય છે. એવા વર્ગ માટે ઉપમાને ભોજન ગણવી, તે ફિલ્મફેર એવોર્ડને ઓસ્કાર એવોર્ડ ગણવા જેવું લાગી શકે.

કેટલાક કદરદાનો ઉપમાની સાહિત્યિકતા પર ફીદા હોય છે. તે કહે છે,વાનગીઓનાં બીજાં નામોની સરખામણીમાં ઉપમા નામ જ કેટલી મધુર અનુભૂતિ પેદા કરે છે. તેનામાં સાહિત્યનો રણકાર છે. અમને તો ઉપમા ઉપ મા જેવી લાગે છે—જેમ ઉપરાષ્ટ્રપતિ હોય, ઉપપ્રમુખ હોય એમ ઉપમા. તેનાથી માની રસોઈની અને માની યાદ આવી જાય છે.

ઉપમા બનાવતી વખતે તેમાં મરચાના ટુકડા, મીઠો લીમડો વગેરે અનેક એવી ચીજો નાખવામાં આવે છે, જે સ્વાદ માટે જરૂરી, પણ ખાઈ જવાની હોતી નથી. એટલે ઉપમા ચમચીમાં ભરતાં પહેલાં, તેમાંથી આ બધી બિનજરૂરી સામગ્રી દૂર કરીને ઉપમાને ચોખ્ખી કરવી પડે છે. તે પ્રક્રિયા ભાષા-સાહિત્યના કેટલાક પ્રેમીઓને પ્રૂફરીડિંગ જેવી લાગે છે. જેમ લખાણમાંથી ભૂલોરૂપી કાંકરા દૂર કર્યા પછી તે છાપવાલાયક બને છે, તેમ ઉપમાનું પણ પ્રૂફરીડિંગ કર્યા પછી જ તે ખાવાલાયક બને છે અને યોગ્ય રીતે તેનું પ્રૂફરીડિંગ ન થાય તો મરચું ચવાઈ જવાનો સંભવ રહે છે.

આટલા વર્ણન પરથી કોઈ રખે માને કે ઉપમા એક તકરારી કે સાહિત્યિક ગૂંચ ધરાવતી ખાદ્યસામગ્રી છે. હકીકતમાં તે બીજી ઘણી ચીજો કરતાં સાત્ત્વિક અને પૌષ્ટિક છે. તકરાર તો ફક્ત તેને ભોજન ગણવી કે નાસ્તો, તેની જ હોઈ શકે છે. તે ચર્ચામાં પડવાને બદલે, જમવા બેસીએ ત્યાં સુધી ઉપમા ચાલશે—એવી સમાધાનકારી ભૂમિકા પર આવી ગયા પછી, બંને પક્ષો ઉપમાનો પૂરો આનંદ લઈ શકે છે.

Thursday, June 19, 2025

ગરમી અને ચા

થોડા દાયકા પહેલાં ગામના રેલવે સ્ટેશનના ટી સ્ટોલ પર એક જૂનું પાટિયું વાંચવા મળતું હતું. ચા એ નિશા (નશા) વગરની પ્યાલી છે. તે શિયાળામાં ઠંડક ને ઉનાળામાં ગરમી આપે છે. તે વાંચીને ચા પ્રત્યે તો ઠીક, તે લખનારના ચા પ્રત્યેના ભક્તિભાવ વિશે માન ઉપજ્યું હતું. ચા-પ્રેમી હોવા છતાં મને આવો મહાન વિચાર ન આવ્યો એવો અહેસાસ પણ થયો હતો.

લોકો પર આખેઆખી રામાયણ-ભાગવતની કથાઓ સાંભળ્યાની કશી અસર થતી નથી, તો મારી પર એક પાટિયાની અસર થાય, એવી અપેક્ષા વધુ પડતી ગણાય. છતાં, ચા-પક્ષની મજબૂત રજૂઆત તરીકે એ લખાણ યાદ રહી ગયું. કવિ દલપતરામે પોતાના માટે રૂડી ગુજરાતી વાણીરાણીનો વકીલ છું એવું ભરદરબારમાં કહ્યું હતું. તેમ, રૂડી આદુવાળી ચાહ-રાણીનો વકીલ છું –એવું ગાવાનો વારો આવે, ત્યારે પાટિયાના લખાણનો ઉપયોગ કરવો, એવું વિચારી રાખ્યું હતું. પણ લોકશાહીમાં દરબારો તો ગુંડાઓ ને મત્રીઓ જ ભરે છે ને ત્યાં ચાનાં વખાણ જેવી બિનઉપજાઉ પ્રવૃત્તિને કોઈ સ્થાન હોતું નથી.

દુનિયામાં બુદ્ધના, ઇસુ ખ્રિસ્તના, ગાંધીજીના વિરોધીઓ (ટીકાકારો નહીં, વિરોધીઓ) હોઈ શકે, તો ચાની શી વિસાત? ચાના વિરોધીઓ ચોક્કસ વર્ગ ટાંપીને બેઠો હોય છે કે ક્યારે લાગ મળે ને ચાની નિંદા શરૂ કરીએ. એવા લોકો માટે ઉનાળો સૌથી અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. કારણ કે, સવારના નવ વાગ્યાથી આકરો તડકો શરૂ થાય અને શહેરોમાં તો રાત્રે પણ ગરમ પવન આવતો હોય. આફતને પોતાની વિચારધારાના પ્રચાર માટે વાપરી લેવાની નવાઈ રહી નથી. એ માનસિકતા પ્રમાણે, કેટલાક લોકો કહે છે,લમણું તપી ગયું ને શરીર પરથી પરસેવાના રેલા જાય છે. બોલો, આવામાં કંઈ ચા પીવાતી હશે?’ આટલું બોલાયા પછી પણ ઓડિયન્સ પર ધારી અસર ન પડે, આસપાસ રહેલા લોકોને ચાના નકામાપણા વિશે ખાતરી ન થાય, તો તે વાતમાં વજન ઉમેરીને કહે છે,બોલો, આવી ગરમીમાં ચા પીનારા મૂરખા કહેવાય કે નહીં?’

પોતાનો ધાર્યો જવાબ ઓડિયન્સ પાસેથી મેળવવાની તરકીબ સારી છે, પણ તે દરેક વખતે અસરકારક નીવડતી નથી. આવો સવાલ પૂછાય ત્યારે આસપાસ બેઠેલામાંથી એક વર્ગ એવો હોય છે, જે બરાબર સમજે છે કે આવા સવાલ જવાબની અપેક્ષાએ પૂછાતા નથી. એટલે તે સવાલ સાંભળ્યો-ન સાંભળ્યો કરે છે અને હવે પછીની ચા મેળવવાની વેતરણમાં પડી જાય છે. બીજો વર્ગ એવો હોય છે, જેને ફેસબુક-પ્રજાતિ કહી શકાય. એ વર્ગના લોકો આવો સવાલ સાંભળીને કહે છે, મૂરખા? અરે, જેવાતેવા નહીં, એક નંબરના મૂરખા. તમારી વાત એકદમ સાચી છે. સો ટકા સંમત. એવામાં બીજો અવાજ આવે છે,ચા તે ચા. બીજા બધા વગડાના વા. ચાને ગરમી સાથે નહીં, ચાહના સાથે-ચાહત સાથે સંબંધ છે. જેમની ચાહના કાચી, તેમને જ ચા નડે. બાકી બધાને ફળે. એ સાંભળીને, તદ્દન વિરોધી લખાણમાં હોંશે હોંશે સૂર પુરાવી આવેલા ફેસબુક-પ્રજાતિના સભ્ય ટહુકે છે, વાહ. કેટલી સરસ વાત. સો ટકા સંમત.

આવા સંવાદોથી ગરમીમાં ચાની અસર વિશે જાણવા મળે, તેના કરતાં ઉભયચર એવી ફેસબુક પ્રજાતિ વિશે વધારે જાણવા મળે છે. (તે બંને અંતિમોના અભિપ્રાયોમાં એકસરખી હોંશથી ટાપશી પુરાવતી હોવાથી તેમના માટે ઉભયચર જેવું નામકરણ પસંદ કર્યું છે.) જોકે, ઉભયચરોના અભિપ્રાયથી ચા-ચર્ચામાં કશી પ્રગતિ થતી નથી. ખરું જોતાં, ચાપ્રેમીઓ પર આવા કોઈ સંવાદોની કશી અસર થતી નથી. કારણ કે, ચાહના ઋતુઆધારિત હોય, એવી કલ્પના સુદ્ધાં તેમને ચાના દ્રોહ અને ચાહનાદ્રોહ સમાન લાગે છે.

એક વર્ગ એવો પણ છે, જે બોલો, આવી ગરમીમાં ચા પીવાય?’ એવો સવાલ કરનારની સામે ધારીને જુએ છે. સવાલકર્તા જરા ઓઝપાય તો ઠીક, ન ઓઝપાય તો તે કહે છે,તમારા મતે ગરમીમાં શું પીવું જોઈએ?’

ચાની ઇચ્છનિયતા સામે સવાલ ઉઠાવનાર જરા જોશમાં આવે છે. તેને થાય છે કે આ જણ ડગુમગુ લાગે છે. તેને બે-ચાર સવાલના જોરદાર જવાબ આપી દઈશું તો તે પણ માનતો થઈ જશે કે ગરમીમાં ચા ન પીવાય. એટલે, તે કહે છે,સરસ સવાલ છે. ખરેખર, સરસ સવાલ. જુઓ, એવું છે કે ગરમીમાં અસંખ્ય વિકલ્પો છે. તૈયાર શરબત, છાશ, બાફલો, લીંબુપાણી, જ્યુસ, શેક, કોલ્ડ કોફી...અરે, ચા વિના ન જ ચાલે એવું હોય તો આઇસ ટી...બોલો.

આટલી લાંબી યાદી આપ્યા પછી તેને આશા જાગે છે કે સવાલ પૂછનાર હમણાં તેના આપેલા વિકલ્પોમાંથી એકાદ પર ટીક કરશે અને તેને ચાની આસક્તિમાંથી છોડાવ્યાનું પુણ્ય હાંસલ થશે. સામેવાળો પણ રીઢો હોવાથી, તે થોડી વાર મૌન રાખે છે અને એવું લગાડે છે, જાણે તે ચાના વિકલ્પો વિશે વિચાર કરી રહ્યો છે. છેવટે, તેના ચહેરા પર વિચારપ્રક્રિયા પૂરી થયાનો સંતોષ પ્રગટે છે અને તે ફાઇનલ જવાબ આપવા તત્પર થાય છે. ચાવિરોધી જણ ઉત્કંઠાથી જવાબ સાંભળવા કાન માંડે, ત્યારે રીઢો જણ કહે છે,તમે આપેલા બધા જ વિકલ્પ બહુ સરસ છે, પણ તમારા માટે હું શી રીતે નક્કી કરી શકું? એક કામ કરો. એ વિકલ્પોમાંથી તમને જે સહેલાઈથી મળે, એ તમે પી લો, પણ મારા માટે તો એક ચા જ. બિલકુલ ઉતાવળ નથી.’ 

Wednesday, February 26, 2025

ઊંધિયું, તેલ અને અસ્મિતા

ગુજરાતની અસ્મિતાની જેમ સુરતની અસ્મિતા જેવો પ્રયોગ ચલણમાં હોત તો તેના કેન્દ્રસ્થાને રહેલી ચીજોમાં ઊંધિયાનો સમાવેશ ચોક્કસપણે થતો હોત. છેલ્લા થોડા દાયકાથી જાહેરાતોમાં વપરાતો શબ્દ સુરતી ઊંધિયું ખરેખર તો એલિસબ્રિજ પુલ જેવો કહેવાય. ઊંધિયું લખ્યા પછી સુરતી લખવાની જરૂર ન હોય. ઊંધિયું તો સુરતી જ હોય ને. પરંતુ છેલ્લા થોડા દાયકામાં વધેલા ઊંધિયાના વ્યાપને કારણે, અસલી ઊંધિયાની ઓળખ માટે સુરતીનું લટકણિયું લગાડવામાં આવે છે. જોકે, માર્કેટિંગની પ્રજા દ્વારા વપરાતાં ઘણાંખરાં વિશેષણોની જેમ, આ વિશેષણ પણ ગેરરસ્તે દોરનારું અને મોટે ભાગે સચ્ચાઈથી વેગળું હોય છે.

ઊંધિયાનો પ્રચારપ્રસાર ગુજરાતબહાર ઓછો છે, બાકી દિલ્હીમાં રચાતી મિશ્ર સરકારો ખીચડી સરકારને બદલે ઊંધિયા સરકાર કહેવાતી હોત. કારણ કે, બંનેનો ગુણ સરખો જ છે. તેમાં એકથી વધુ ચીજોનું સ્વાદિષ્ટ મિશ્રણ હોય છે. જોકે, ખીચડીને વાનગીનો દરજ્જો આપવા વિશે તીવ્ર મતભેદ હોઈ શકે છે—અને તેને ઊંધિયાની હરોળમાં મુકવાથી સુરતી સિવાયના સ્વાદપ્રેમીઓની લાગણી પણ દુભાઈ શકે છે. હોંશીલા ખીચડીપ્રેમીઓ કહેશે કે ખીચડીમાં બહુ વૈવિધ્ય આવે છે—અરે રજવાડી ખીચડી પણ આવે છે. તેમને જણાવવાનું કે ઊંધિયા માટે રજવાડી જેવું વિશેષણ અલગથી લગાડવું પડતું નથી. તેનું બંધારણ મૂળભૂત રીતે રજવાડી હોય છે.

ઊંધિયાની સામગ્રી વિશે વાત કરતાં પહેલાં, એક તાત્ત્વિક સવાલ વિશે ભૂમિકા સ્પષ્ટ કરી દેવી જરૂરી લાગે છેઃ કેટલાક લોકો કહે છે કે ઊંધિયું એટલે મિશ્ર શાકમાં પૂરતું તેલ હોવું જોઈએ. બીજો વર્ગ ભારપૂર્વક કહે છે કે ના, ઊંધિયું એટલે તેલમાં પૂરતું શાક હોવું જોઈએ. આ આખી ચર્ચા, જીવમાં શિવ છે કે શિવમાં જીવ—એ સ્તરની છે. તે ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ રહીને જ, એટલે કે ઊંધિયું ખાતાં ખાતાં, કરી શકાય.

મામલો ફક્ત મિશ્ર શાકનો નથી. દિવાળી વખતે ઘણા લોકો પંચરઉ તરીકે ઓળખાતું મિશ્ર શાક બનાવતા હોય છે. ગુજરાતી ભોજન પર થયેલા પંજાબીના ધુંઆધાર આક્રમણ પછી મિક્સ વેજની સબ્જી ગુજરાતી નથી તે યાદ રાખવું અઘરું પડે છે. છતાં, ઊંધિયામાં થતું શાકનું મિશ્રણ આ બધાથી જુદું ને તેમનાથી ઊપર છે. તેમાં રીંગણ નથી આવતાં તેથી રીંગણદ્વેષીઓ હર્ષ પામે છે અને કંદ (રતાળુ) આવે છે, તેનાથી રતાળુરસિકો હરખાય છે. સુરત સિવાયના પ્રદેશોમાં ઊંધિયા માટે વપરાતા દાણા વાલોળ-પાપડી-તુવેર જેવા ગમે તે શાકના હોઈ શકે, પણ સુરતના અસલી ઊંધિયામાં ટચલી આંગળી જેટલું કદ અને અમુક દાણા ધરાવતી પાપડીમાંથી જ દાણા વાપરી શકાય છે. બટાટા અને શક્કરિયાં માટેના નિયમ એટલા આકરા નથી, પણ તેના ટુકડા કેટલા મોટા રાખવા, એ ચોક્કસપણે વિચારવાલાયક પ્રશ્ન હોય છે.

 

દક્ષિણ ગુજરાતમાં જેવાં રતાળુ બીજે મળતાં નથી—એવું દક્ષિણ ગુજરાતના લોકો જ નહીં, બીજા પણ કેટલાક સ્વાદરસિકો માને છે. ફક્ત રતાળુ જ શા માટે, તેમને તો લાગે છે કે અસલી ઊંધિયું બનાવવું હોય તો તેમાં સુરતનું પાણી જ વાપરવું પડે. અમદાવાદની સાબરમતીમાં સરકાર ઘણા વખતથી નર્મદાનું પાણી ભરે છે, એને બદલે તાપીનું પાણી ભરતી હોત તો કદાચ એ શક્ય બનત. પણ વો દિન કહાં... અને પ્રખ્યાત ઠેકાણે ચિત્રવિચિત્ર સ્વાદવાળું ઊંધિયું ખાઈને, ફક્ત અઢળક રૂપિયા ખર્ચીને આનંદ માણી લેતી અમદાવાદની, અને હવે તો સમસ્ત ગુજરાતી, પ્રજાને તેનાથી કશો ફરક પડે કે કેમ એ પણ સવાલ.

ઊંધિયાને મિશ્ર શાક કરતાં ઊંચો દરજ્જો આપવામાં કારણભૂત કેટલીક બાબતોમાં એક છે તળેલાં મુઠિયાં. તે એક સ્વતંત્ર વાનગી તરીકે ચાલી શકવાની ક્ષમતા ધરાવે છે—અને ઘણા લોકો તેનો એ રીતે ઉપભોગ કરતા હોય છે. છતાં, તેની ખરી સાર્થકતા ઊંધિયામાં બીજાં શાક સાથે ભળી જવાની છે. બીજાં શાક સાથે તેની એકરૂપતા જોઈને ઘણી વાર એવું લાગે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ખરેખર તો ઊંધિયાનું એક શિલ્પ તૈયાર કરવું જોઈએ. કેમ કે, તેમાં દરેક શાક ને મુઠિયું સુદ્ધાં પોતાની આગવી ઓળખ અને આગવો સ્વાદ ગુમાવ્યા વિના, એકબીજાને કચડીને સમરસ કર્યા વિના, સ્વાદિષ્ટ સહઅસ્તિત્વ ધરાવે છે.

ઘણા સ્વાદપ્રેમીઓને નારાજ કરવાનું જોખમ વહોરીને પણ કહેવું જોઈએ કે ઊંધિયા સાથે જલેબીની જોડી મારીમચડીને બનાવેલી હોય એવી લાગે છે. સંસારી જીવનની પરિભાષામાં તેને કજોડું કહેવામાં ખાસ અતિશયોક્તિ નથી. એ જોડીના આશકો કહે છે કે તે ગળ્યા અને તીખાનું સરસ સંયોજન છે. એવી રીતે વિચારતાં ઊંધિયા સાથે મોહનથાળ કે બીજી કોઈ પણ ગરમ મીઠાઈ ખાઈ શકાય. પણ ઊંધિયા સાથે બીજા કશાની જરૂર પડે છે અથવા જલેબી જેવી સાથી વિના ઊંધિયું લાગે, એ વાત જ વાંધાજનક છે. હા, ચટણીઓ કે સેવની વાત અલગ છે. તેમનું અસ્તિત્વ ઊંધિયામાં સમાઈ જાય છે. તે જલેબીની જેમ ઊંધિયાની સમાંતરે અલગ ચોકો ઊભો કરતાં નથી.

સવાલ જલેબીપ્રેમનો નથી. ધારો કે આ લેખ જલેબી વિશેનો હોત તો તેમાં જલેબીની સાથે ઊંધિયાને ઠઠાડી દેવામાં આવ્યું છે, તે વિશે વાંધો પ્રગટ કરવામાં આવ્યો હોત. જેવી જલેબી, એવું ઊંધિયું. કેટલાંક સ્ત્રીપુરુષોની જેમ તે બંને પોતપોતાની રીતે સરસ છે, પણ એટલા માટે તેમને ધરાર ભેગાં કરવાનો લોભ ટાળવા જેવો હોય છે. પરંતુ તેલમાં તરતા ઊંધિયામાં આવા કંઈક મહત્ત્વના બોધપાઠ ડૂબી જાય છે એ ઊંધિયાની નહીં, માણસોની કઠણાઈ છે. 

Friday, December 20, 2024

શક્કરિયાં અને સંસ્કૃતિકરણ

 માણસ કોને કહ્યો? તેને ઊંચનીચ વગર ચાલે નહીં, પછી તે નાતજાતની-રંગની વાત હોય કે શાકભાજી-ફળફળાદિની. ફળ ને શાકભાજીમાં દાયકાઓ સુધી શાક ઉતરતાં ને ફળ ચડિયાતાં ગણાતાં હતાં. રમૂજ તરીકે પ્રચલિત બનેલી એક હકીકત પ્રમાણે, વર્ષો સુધી અમદાવાદ પંથકમાં માણસ બીમાર હોય તો જ તે ફળ ખાય એવો રિવાજ હતો અને કોઈ કથામાં એક અમદાવાદી શેઠ એક કેળું ખરીદીને, અડધું પોતે ખાઈને બાકીનું અડધું દાળમાં નંખાવતા હતા, જેથી તેમનાં સ્ત્રીબાળકોને પણ તે પહોંચે.

પછી સમાજશાસ્ત્રના અભ્યાસીઓ જેને સંસ્કૃતિકરણ (સંસ્ક્રિતાઇઝેશન) કહી શકે એવી પ્રક્રિયામાં શાકભાજીનો દરજ્જો ઊંચો ચડ્યો. માણસની જેમ શાકભાજીના સંસ્કૃતિકરણ માટે પણ પ્રેરક પરિબળ આર્થિક હતું. શાકભાજી મોંઘાં થયાં અને તેમના ભાવ ફળની સમકક્ષ કે તેને પણ આંબે એવા થયા, એટલે આપોઆપ તેમનો દરજ્જો વધ્યો. વચ્ચે એવા મહિનાઓ પણ આવ્યા, જ્યારે ડુંગળી કે કોબી જેવાં શાક ચૂંટણીપંચની પારદર્શકતાની જેમ, નેતાઓની શરમની જેમ, વડાપ્રધાનપદના હોદ્દાની ગરીમાની જેમ, વિપક્ષોની અસરકારક વિરોધ કરવાની ક્ષમતાની જેમ સાવ અદૃશ્ય થઈ ગયાં અને લોકોએ તે ચૂપચાપ સ્વીકારી પણ લીધું.

જૂની કહેવત હતીઃ હર કુત્તેકા દિન આતા હૈ. નવી કહેણી થઈ શકેઃ હર સબ્જીકા દિન આતા હૈ. પરંતુ આખા સમુદાયનું સંસ્કૃતિકરણ થવા છતાં, તેમાં કેટલાક પેટાસમુદાયો ઉપર આવી શકતા નથી, એવું જ શાકની બાબતમાં પણ થયું. કડવાં કારેલાંના ભાવ આવ્યા, પણ શક્કરિયાનો દરજ્જો ઊંચો ન ગયો. ક્યારેક તેના ભાવ થોડાઘણા વધ્યા હશે તો પણ કદી સમાચારોના મથાળામાં તેને સ્થાન મળ્યું નહીં. નવા જમાનામાં પણ જૂની પરંપરા પ્રમાણે, શક્કરિયાંનો ઉલ્લેખ તુચ્છકારપૂર્વક જ થતો રહ્યો છે. કોઈ વસ્તુની નિરર્થકતા વ્યક્ત કરવા માટે લોકો કહે છે, એમાં શું શક્કરિયાં લેવાનાં?’ કોઈ કદી એવું નહીં કહે કે એમાં શું ડુંગળી લેવાની?’ અરે, શિવરાત્રીના દિવસે શક્કરિયા સાથે જય-વીરુ જેવી જોડી જમાવતા બટાટાનો સમાજમાં મોભો છે, પણ શક્કરિયાં સાથે સંકળાયેલો તુચ્છકાર દૂર થયો નથી.

હા, એટલું આશ્વાસન ચોક્કસ લઈ શકાય કે શક્કરિયાના સંસ્કૃતિકરણની શરૂઆત થઈ ચૂકી છે. શિયાળો આવે, એટલે તેના પુરાવા સૌથી પહેલાં નાકે અને પછી આંખે ચડવા શરૂ થાય છે. શિવરાત્રીના દિવસે બાફેલા બટાટા સાથે બાફેલાં શક્કરિયાં ખાવાનું (અને પછી વાયુ થાય છે એવી ફરિયાદ કરવાનું) માહત્મ્ય છે, પરંતુ તે સિવાય શેકેલાં શક્કરિયાં બજારમાં પગપેસારો કરીને ધીમે ધીમે તેમની પ્રતિષ્ઠા ઊભી કરવા પ્રયત્નશીલ છે.

શિયાળાની શરૂઆત થાય એટલે સાંજનો અંધકાર વહેલો ઉતરી આવે છે અને તેની સાથે આવી જતી સુગંધોમાં શક્કરિયાં શેકાવાની સુગંધનો પણ સમાવેશ થાય છે. ધીમી બળે અને વધુ લિજ્જત આપે—એવું એક સિગરેટની જાહેરખબરમાં વપરાતું સૂત્ર શક્કરિયાં શેકાવા માટે એકદમ સાચું છે. દેવતા પર ધીમી આંચે શેકાતાં શક્કરિયાંમાંથી શરૂઆતમાં નીકળતા ધુમાડા જોઈને એવું લાગે, જાણે થોડા સમયમાં શક્કરિયાંની જગ્યાએ શાકભાજીમાંથી બનેલો ઓર્ગેનિક કોલસો જ હાથમાં આવશે. પરંતુ કાઠા ડિલનાં શક્કરિયાં એમ કોલસો બની જતાં નથી. અગ્નિપરીક્ષા આગળ વધે તેમ, તેમાંથી જેને સ્મોકી કહેવામાં આવે છે, તેવી મીઠી અને વિશિષ્ટ સુગંધ આવવા માંડે છે. અલબત્ત, શેકનાર ધ્યાન ન રાખે અને વડાપ્રધાને જેમ મણિપુર તરફ જોવાનું છોડી દીધું છે તેમ, શેકનાર દેવતા પર રહેલાં શક્કરિયા ભણી જોવાનું જ છોડી દે, તો થોડી વારમાં નાકને જુદા પ્રકારનો સંદેશો મળે છે. તેને શક્કરિયાનો એસઓએસ પણ કહી શકાય. નજર ભલે બીજે હોય, પણ નાક સાબૂત હોય તો ખ્યાલ આવી જાય છે કે હવે દેવતાનો તાપ શક્કરિયાની સહનશક્તિની હદથી બહાર જઈ રહ્યો છે અને યોગ્ય સમયે કંઈક કરવામાં નહીં આવે તો શક્કરિયાથી હાથ ધોવાનો વારો આવશે.

વડાપ્રધાન શક્કરિયાં શેકતાં હોત તો શક્ય છે કે એક બાજુ શક્કરિયું બળતું હોય ત્યારે વડાપ્રધાન તેમનો રેડિયો પ્રલાપ એટલે કે વાર્તાલાપ રેકોર્ડ કરતા હોત અથવા તેમના રાજકીય એજેન્ડાનો પ્રચાર કરતી કોઈ ફિલ્મ જોતા હોત અથવા કોઈ ફિલ્મી કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જઈને, ફોટા પડાવવામાં-રીલને લાયક સામગ્રી તૈયાર કરવામાં વ્યસ્ત હોત—અને આખું શક્કરિયું બળી ગયા પછી, તેના માટે જ્યોર્જ સોરોસને, જવાહરલાલ નહેરુને કે અર્બન નક્સલોને દોષી ઠરાવવામાં આવ્યા હોત. એક રીતે જોતાં, તે સારું થાત. કેમ કે, અરાજકતાગ્રસ્ત આખેઆખાં રાજ્યોને બદલે ફક્ત શક્કરિયાનું જ નુકસાન થાત. તેનો સાર એટલો કે હાલમાં દેશ ચલાવવા વિશે ભલે એવું ન કહી શકાતું હોય, પણ શક્કરિયું શેકવું એ જવાબદારીનું કામ છે. તેમાં ચીવટ રાખવી પડે છે. 

એક વાર બજારનો ભાગ બન્યા પછી જે પાણીએ શક્કરિયાં ચડે તે પાણીએ તેમને ચડાવવા પડે છે. ઘણા લારીવાળા શેકેલા શક્કરિયાની યાદ અપાવતી સુગંધ સાથે વેચે છે બાફેલું શક્કરિયું. બંનેના સ્વાદમાં ઘણો ફરક હોય છે, પણ મોટા ભાગના ખાનારને તે લાગતો નથી. કારણ કે, તેમનો જીવ શેકાયેલા કે બફાયેલા શક્કરિયા કરતાં તેની પર નીચોવાતા લીંબું કે છંટાતા મસાલામાં વધારે હોય છે. બાફેલા-શેકેલા શક્કરિયા પર લીંબુ નીતારવામાં આવે છે એવું પહેલી વાર સાંભળ્યું ત્યારે આંચકો લાગ્યો હતો. પરંતુ દરેક સંસ્કૃતિકરણની પ્રક્રિયા અને બજારવાદી પરિબળો આ પ્રકારના આંચકા સર્જે છે, એવું સ્વીકારીને મન મનાવવા સિવાય છૂટકો નથી.

Tuesday, July 23, 2024

કાલિદાસ અને ભજિયાં

દુનિયામાં, એટલે કે સોશિયલ મિડીયાની  દુનિયામાં, મુખ્યત્વે બે પ્રકારના લોકો હોય છેઃ વરસાદની વાતથી જેમને ‘મેઘદૂત’, કાલિદાસ, કવિતાઓ, રમેશ પારેખ વગેરે યાદ આવે તે અને વરસાદના ઉલ્લેખમાત્રથી જેમને ભજિયાં યાદ આવે તે. હળહળતા ધ્રુવીકરણના જમાનામાં પણ આ બંને પ્રકારો વચ્ચે છાવણીઓ પડી ગઈ નથી, એટલું સારું છે. તેના કારણે, એવા પણ લોકો જોવા મળે છે, જે ભજિયાં ખાતાં ખાતાં કાલિદાસની વાત કરતા હોય અથવા ‘મેઘદૂત’ની પંક્તિઓની સાથે ભજિયાંનો આનંદ માણતા હોય.

વરસાદને ભજિયાં સાથે દેખીતો કશો સંબંધ નથી. જો એવો સંબંધ હોત તો ભજિયાં બારમાસી વાનગીને બદલે ફક્ત ચોમાસુ ચીજ ન ગણાતી હોત? પરંતુ ભજિયાંપ્રેમીઓ માને છે કે કોઈ પણ ઋતુમાં, કોઈ પણ સમયે ભજિયાં આરોગવાથી પુણ્યની તો ખબર નથી, પણ એકસરખો આનંદ પ્રાપ્ત થાય છે. તેમની આ માન્યતા સાથે અસંમત થવું અઘરું છે. ભજિયાંની બીજી મહત્તા એ છે કે તે સંપૂર્ણપણે સ્વદેશી વાનગી છે. રોમિલા થાપડ જેવાં વિદૂષી ઇતિહાસકારે પણ ક્યાંય એવો દાવો કર્યાનું જાણ્યું નથી કે ભજિયાં ગ્રીકો, મધ્ય એશિયાના હુમલાખોરો કે ગઝની-ઘોરી ભારત લઈ આવ્યા. ગુપ્ત સામ્રાજ્યનો અમુક સમયગાળો ભારતના ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે ઓળખાય છે, તેનું એક બિનસત્તાવાર કારણ એ હોવું જોઈએ કે ત્યારે પણ ભારતમાં ભજિયાં બનતાં હશે. કોઈ પણ સમયગાળો ભજિયાં વિના સુવર્ણકાળ બની જ શી રીતે શકે? સમૃદ્ધિ હદ વટાવી ગઈ હોય તો શક્ય છે કે ભજિયાં સોનાની થાળીમાં ખવાતાં કે સોનાની તાવડીમાં ઉતરતાં હોય. સદીઓ પછી ખોદકામ કરતાં દટાયેલી ચીજવસ્તુઓ-હાડપિંજરો કે નગરો મળે, પણ ભજિયાનો એકેય અવશેષ ન મળે, તેના આધારે એમ થોડું માની લેવાય કે ભજિયાં ત્યારે ચલણમાં ન હતાં? એવી જ રીતે, ભજિયાંને સંસ્કૃતમાં શું કહેવાય, તે ન આવડતું હોય, તેનાથી પણ સ્વદેશી તરીકેનો તેનો મહિમા ઓછો થઈ જતો નથી.

ભદ્રંભદ્રે મુંબઈ જઈને ભજિયાં ખાધાં ન હતાં, એટલે તેના સંસ્કૃતપ્રચૂર નામથી આપણે વંચિત રહ્યા, પણ ઘણા લોકો ભજિયાંને પકોડા કહે છે. વડાપ્રધાન મોદીએ તો પકોડા તળવાના વ્યવસાયને બેરોજગારી દૂર કરીને રોજગાર સર્જવા માટે ખપમાં લેવા કહ્યું હતું. સાંભળવામાં તે હાસ્યાસ્પદ લાગે તો લાગે, પણ વડાપ્રધાનની સમસ્યા-ઉકેલની પદ્ધતિમાં તે બરાબર બંધ બેસે છે. થોડા સમય પછી તે ભજિયાં તળવાની લારીને સ્ટાર્ટ અપનો દરજ્જો આપવાની જાહેરાત કરે અને દેશભરમાં ચાલતી ભજિયાંની લારી-દુકાનોને સ્ટાર્ટ અપમાં ગણી લે, તો સ્ટાર્ટ અપ ક્ષેત્રે ભારત આખા વિશ્વમાં અવ્વલ સ્થાને પહોંચી જાય અને તેના વિશ્વગુરુપદ વિશે કોઈના મનમાં કશી શંકા ન રહે.

ભજિયાંની જેમ કવિતા પણ, અથવા કવિતાની જેમ ભજિયાં પણ, ઘાણમાં ઉતરતાં હોય છે—વરસાદ આવે ત્યારે તો ખાસ. બંનેનો ચાહકવર્ગ એવો પ્રતિબદ્ધ હોય છે કે ભજિયું કે કવિતા કાચાં ઉતરે તો પણ તેનાં વખાણમાં કચાશ રાખતો નથી. એવાં ભજિયાંથી પેટને અને કવિતાથી સાહિત્યને નુકસાન થવું હોય તો થાય. ગુણવત્તા કે આડઅસરોના મુદ્દે કવિતાપ્રેમીઓ-ભજિયાંપ્રેમીઓ સાથે દલીલમાં ઉતરવાનો મતલબ છે લડાઈ વહોરી લેવી. ભજિયાંની ટીકા કરવામાં એટલી રાહત ખરી કે બહુ ખબર પડતી હોય તો જાતે જ ઉતારી લો ને—એવું સાંભળવા ન મળે.

બંને બાબતોમાં પ્રયોગશીલતા અને પ્રયોગખોરી વચ્ચેનો તફાવત ઘણી વાર ભૂંસાઈ જતો હોય છે. એક સમુહ માને છે કે કોઈ પણ ખાદ્ય ચીજનાં ભજિયાં બની શકે અને કોઈ પણ ચીજ પર, કોઈ પણ સ્વરૂપમાં કવિતા લખી શકાય. ભજિયાં-પ્રયોગવીરો બટાટા-કેળાં-મરચાં-રતાળુ-ડુંગળી જેવી ભજિયાંઘરાનાની પરંપરાનો ત્યાગ કરીને ચીઝ, ચોકલેટ અને આઇસક્રીમનાં ભજિયાં ઉતારવા સુધી પહોંચી ગયા છે. દેખીતું છે કે એવાં ભજિયાંનું ઔચિત્ય જ નહીં, માહત્મ્ય પણ સ્વાદિષ્ટ હોવામાં નહીં, કેવળ હોવામાં એટલે કે અસ્તિત્વ ધારણ કરવામાં હોય છે. એટલે, પ્રયોગખોર કવિતાઓની જેમ તેમને વિવેચનના સ્થાપિત નિયમો લાગુ પાડી શકાતા નથી.

આખી વાતનો બીજો પક્ષ એવો પણ છે કે ઘણા વિવેચકો ભજિયાંના ગુણદોષને બદલે, તેની લોકપ્રિયતાને કેન્દ્રસ્થાને રાખીને તેનું વિવેચન કરે છે અને તે સંભવતઃ આરોગ્યને નુકસાનકારક હોઈ શકે છે માટે નહીં, પણ તે અત્યંત લોકપ્રિય છે એટલા માટે તેમની ટીકા કરે છે. એટલું જ નહીં, લોકપ્રિય બનેલી કોઈ પણ કૃતિની ગુણવત્તાની પરખ કર્યા વિના, કેવળ લોકપ્રિયતાના આધારે તેને ગરમાગરમ ભજિયાં જેવી હલકી ગણાવી દે છે. કૃતિની પરખ કરતી વખતે લોકપ્રિયતા ગુણ પણ નથી ને દોષ પણ નહીં, એટલું સમજવા-સ્વીકારવા માટે ગુજરાતી અધ્યાપકો-વિવેચકોએ ભજિયાં ખાવાનું શરૂ કરે, તો તેનાથી ભજિયાં બનાવનારને જ નહીં, ગુજરાતી સાહિત્યને પણ લાભ થવા સંભવ છે.

કવિ કાલિદાસે ‘મેઘદૂત’ લખ્યું, તેમાં ક્યાંય ભજિયાંનો ઉલ્લેખ આવતો નથી. શક્ય છે કે તેમના જમાનામાં પણ વિવેચકોની માનસિકતા આગળ જણાવી એવી હોય અને કાલિદાસને થયું હોય કે નકામું ભજિયાના વાંકે કવિતાને ગાળ પડશે. એના કરતાં યક્ષને ભજિયાંથી દૂર રાખેલો જ સારો. યક્ષ જાતે રસોઈ ન જાણતો હોય તો શક્ય છે કે અષાઢના પ્રથમ દિવસે તેને પ્રિયતમા જેટલી જ કે તેના કરતાં પણ વધારે તીવ્રતાથી પ્રિયતમાના હાથનાં ભજિયાંની યાદ આવી હોય.

--અને કોને ખબર, કાલિદાસને વરસાદી મોસમમાં ભજિયાં ખાતાં ખાતાં જ ‘મેઘદૂત’ની પ્રેરણા મળી હોય?

Thursday, March 28, 2024

(શાકા)હાર અને જીત

પોતાને બાકીનાથી ચડિયાતી માનતી એક જ્ઞાતિ વિશે એક રમૂજ હતીઃ

‘કોઈ માણસ (આગળ જણાવેલી) જ્ઞાતિનો છે એવી ખબર પડતાં કેટલી વાર લાગે?’
‘બે મિનીટ.’
‘એમ? શી રીતે?’
‘એ માણસ જાતે જ કહી દે. એનાથી રહેવાય જ નહીં.’
આ રમૂજ તમામ પ્રકારના ઓળખના અભિમાન માટે સાચી છે, પછી તે અભિમાન શાકાહારી તરીકેનું હોય કે માંસાહારી તરીકેનું.

શાકાહારી-માંસાહારીની ખેંચતાણ નવી નથી. દાયકાઓથી માંસાહારીઓ શાકાહારીઓનો ‘દાળભાતખાઉ’ તરીકે અને શાકાહારીઓ માંસાહારીઓનો ‘માંસમચ્છીખાઉ’ તરીકે એકડો કાઢતા રહ્યા છે. શાકાહાર સારો કે માંસાહાર કે બંને સારા કે બંને ખરાબ—એ માહિતીલેખનો વિષય છે, પણ બંને બાજુમાંથી જે ઝનૂનીઓ હોય તેમની માનસિકતા હાસ્યલેખનો વિષય છે.

ભારતીયોને બીજું કશું સ્પર્શે કે ન સ્પર્શે, સ્પર્શ બહુ સ્પર્શે છે. એટલે જ, દુનિયાની બીજી કોઈ સંસ્કૃતિ-પરંપરામાં નથી એવી અસ્પૃશ્યતા ભારતમાં અમુક હજાર વર્ષનો ઇતિહાસ ધરાવે છે અને પરંપરાવાદીઓને તો તે વળી ગૌરવવંતો પણ લાગે છે. પરંપરામાં, ખાસ કરીને કોઈ પણ ધર્મની પરંપરામાં, તર્ક થોપી બેસાડવાનું સૌથી સહેલું અને સાચો તર્ક શોધવાનું બહુ અઘરું હોય છે. અસ્પૃશ્યતા ધર્મ સાથે સંકળાયેલી છે કે નહીં, તે નક્કી કરવાનું કામ ધર્મના એવા જાણકારોનું છે, જેમને નરેન્દ્ર મોદીની આંગળી પકડીને ચાલતા રામના ચિત્ર સામે સરખો વાંધો પડતો હોય, જેમને ખબર હોય કે વૈદિક ગણિતને વેદ સાથે કશી લેવાદેવા નથી અને પુષ્પક વિમાન એ વિજ્ઞાનકથા નહીં, સાદી કથા છે. ટૂંકમાં, જેમને ધર્મ સાથે સંકળાયેલી જ્ઞાનપરંપરાનો સાચો અભ્યાસ હોય.

અસ્પૃશ્યતા ધર્મમાં હોય કે ન હોય, પણ તે સદીઓથી ચાલતી રહી છે ધર્મના નામે અને તેનો ઇન્કાર થઈ એમ નથી. આમ કહ્યા પછી યાદ આવે છે કે આજકાલ તો ગમે તેવા સ્થાપિત સત્યનો પણ ઇન્કાર થઈ શકે છે અને ઇન્કાર કરનારને સરકાર તરફથી ને સમાજ તરફથી પુરસ્કૃત કરવામાં આવે એવું પણ બને છે. છતાં, મુદ્દો એ નથી.

મુદ્દો એ છે કે ધર્મના નામે આચરાતી ઘણી ક્રૂરતાઓ હાસ્યાસ્પદ તર્ક ધરાવતી હોય છે. અસ્પૃશ્યતા પણ એવી જ એક હાસ્યાસ્પદ ક્રૂરતા છે. અત્યાર લગી તેનો સંબંધ અમુક જ્ઞાતિઓ સાથે હતો. ચોક્કસ જ્ઞાતિના લોકોને સ્પર્શ કરવાથી અપવિત્ર થઈ જવાય, એવું મનાતું હતું. નવા જમાનામાં એટલે કે ન્યૂ ઇન્ડિયામાં કેટલાક શાકાહારીઓ હવે તેમના મનમાં ધરબી રાખેલી માંસાહારીઓ પ્રત્યેની અસ્પૃશ્યતા ગૌરવપૂર્વક જાહેર કરી રહ્યા છે. ‘અમે તો માંસાહારમાં વપરાયેલી અને ધોવાઈને સ્વચ્છ થયેલી ચમચી પણ શાકાહારી ભોજન માટે ન વાપરીએ. કારણ કે અમે શુદ્ધ શાકાહારી છીએ.’—એવી દલીલથી માંડીને ‘શાકાહારી ભોજનની ડિલીવરી કરવા માટે અમે ફક્ત શાકાહારી માણસોને જ પસંદ કરીશું’—એવી બાહેંધરીઓ ઉત્તમતાના ભાવ સાથે જાહેર કરવામાં આવે છે.

રેસ્તોરાંમાંથી ભોજન લોકોના ઘરે પહોંચાડતી એક જાણીતી ફૂડ ડીલીવરી કંપનીના એક ભાઈએ તો એટલી હદ સુધી જાહેરાત કરી દીધી કે શાકાહારી ભોજનની ડીલીવરી કરનારા સ્ટાફનો યુનિફોર્મ પણ અલગ રાખવામાં આવશે.
તેમની જાહેરાતની આકરી ટીકા થયા પછી તેમણે અલગ યુનિફોર્મનો નિર્ણય માંડવાળ રાખ્યો છે, પણ અલાયદા શાકાહારી સ્ટાફ માટેની તેમની બાંહેધરી ચાલુ છે.

ઘણા શાકાહારીઓને માંસાહારનાં દર્શન, સુગંધ કે ઉલ્લેખમાત્રથી સુગ ચડી શકે છે. તેનાથી દૂર રહેવું એ તેમનો અધિકાર છે. પરંતુ માંસાહાર કરનારા લોકો ઉતરતી કોટીના, નીચલી જાતિઓના, અપવિત્ર, વિધર્મી કે ધર્મભ્રષ્ટ છે—એવી માન્યતા વ્યક્ત કરવી એ કોઈનો કે કોઈના પિતાશ્રીનો અધિકાર નથી. એટલે જ, માંસાહાર કરનાર શાકાહારને સ્પર્શે તો શાકાહાર અપવિત્ર થઈ જાય, એમ માનવું પૂર્વગ્રહ અને અમુક કિસ્સામાં જ્ઞાતિવાદ કે ધાર્મિક દ્વેષ પણ હોઈ શકે છે.

આ એવી તાર્કિક વાત છે, જે માસિક સ્રાવના દિવસોમાં સ્ત્રીને અસ્પૃશ્ય ગણનારી પ્રજાને સમજાવવી અઘરી છે. કેમ કે, ભારતીય પરંપરામાં અપવિત્રતાને ઇલેક્ટ્રિસિટીની જેમ સ્પર્શથી પ્રસરનારી ગણવામાં આવે છે. કહેવાતા અપવિત્ર માણસને સ્પર્શનાર અપવિત્ર થઈ જાય અને તેને અડનાર ત્રીજો માણસ પણ અભડાઈ જાય. તે બધાએ સ્વચ્છ થવું પડે. આટલું કડક ધોરણ એ પ્રજા રાખે છે, જે અન્યથા ગંદકીમાં રાચે છે અને ગંદકી કરતાં જરાય ખચકાતી નથી. કેમ કે, પવિત્ર લોકોને ગંદકી કરવાનો અધિકાર છે અનેં તેમણે કરેલી ગંદકી સાફ કરનારને સ્પર્શવાથી અપવિત્ર થઈ જવાય, એવું સમીકરણ છે.

રામનારાયણ વિ. પાઠક ‘દ્વિરેફ’ના એક કટાક્ષલેખમાં એ મતલબનો સવાલ હતો કે અસ્પૃશ્યને ઘીની લાકડીથી મારવામાં આવે તો મારનાર અભડાય કે નહીં? ન્યૂ ઇન્ડિયામાં, માંસાહાર અને તે કરનારા સામે નવેસરથી જાગેલા ઓળખ-અભિમાનમાં પાઠકસાહેબનો સવાલ જુદી રીતે પ્રસ્તુત બને છે. માંસાહાર કરનાર શાકાહારીના ભોજનના પેકેટ પર પાણીની છાંટ નાખીને તેની ડીલીવરી કરે, તો અભડાયેલો ખોરાક પાછો પવિત્ર થઈ જાય? શાકાહારી ખોરાક ડિલીવરી કરનાર શાકાહારનું પડીકું લઈને માંસાહારી હોટેલની બહારથી પસાર થાય અને તેના રસોડામાંથી બહાર નીકળતી હવા તેને અડે, તો શાકાહારી કે તેની પાસે રહેલો ખોરાક કે બંને અપવિત્ર બને? શાકાહારી ડીલીવરી કરનાર જે વાહન ચલાવતો હોય તેનાં સ્પેરપાર્ટમાં કોઈ પ્રાણીજ પદાર્થનો અંશ હોય તો તેની પાસે રહેલો શાકાહારી ખોરાક અખાદ્ય બને?

એક દેશ તરીકે આટલા મહત્ત્વના અને સળગતા સવાલ આપણી સમક્ષ ઊભા હોય ત્યારે બંધારણ અને લોકશાહીના હાર્દનો ઘડોલાડવો કરવાનાં સતત ચાલતાં કાવતરાં વિશે ચિંતા કરનારને દેશદ્રોહી નહીં તો બીજું શું કહીએ?

Friday, March 31, 2023

પાણીપૂરીનું પોલિટિક્સ

ભારતના વડાપ્રધાને જાપાનના વડાપ્રધાનને પાણીપૂરી ખવડાવી, એટલે પાણીપૂરીને પ્રસાર માધ્યમોમાં સ્થાન મળ્યું. હિંદીભાષીઓ પાણીપૂરીને ગોલગપ્પા કહે છે, પણ વડાપ્રધાન અને ગપ્પા—એ બંને શબ્દો સાથે મુકવાથી દંડાત્મક કાર્યવાહીની પૂરી સંભાવના રહે છે. માટે, તેને પાણીપૂરી કહેવાનું જ ઠીક રહેશે.

પાણીપૂરી અને વડાપ્રધાન વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે પાણીપૂરીને લોકપ્રિયતા મેળવવા માટે જૂઠું બોલવું પડતું નથી, ધિક્કારના મસાલાની જરૂર પડતી નથી, સામાજિક-અસામાજિક પ્રસાર માધ્યમોમાં સતત છવાયેલા રહેવું પડતું નથી અને પોતાના જયજયકાર માટે (બીજાના) લાખો રૂપિયાનો ધુમાડો કરવો પડતો નથી. કદી સાંભળ્યું કે પાણીપૂરીની લોકપ્રિયતા માટે આખો સાયબર સેલ નિભાવવામાં આવે છે? અને તેની પરથી વોટ્સએપ પર સતત ગેરમાહિતીનો પ્રવાહ વહેતો કરવામાં આવે છે?

હકીકત એ પણ છે કે પાણીપૂરીને વડાપ્રધાનપદે બેસાડી શકાતી નથી. એટલે તેને વડાપ્રધાનપદના વિકલ્પ તરીકે રજૂ કરવાનો કોઈ ઇરાદો નથી. તે જાણીને પાણીપૂરીને પણ હાશ થવી જોઈએ કે તેણે રાજદ્રોહ કે ત્રાસવાદવિરોધી કાયદા જેવી કોઈ કાર્યવાહીનો ડર રાખવાની જરૂર નથી. વડાપ્રધાનના વિરોધમાં પોસ્ટર લગાડનારા સામે આકરી કાર્યવાહી થઈ જતી હોય તો તેમના વિકલ્પ તરીકે રજૂ થનારે કેટલી તૈયારી રાખવી પડે?

પાણીપૂરીનાં સાંસ્કૃતિક પાસાંની વાત કરીએ તો, સૌપ્રથમ તે ભારતીય સંયુક્ત કુટુંબપ્રથાના મહિમાનું પ્રતિક છે. નામ તેનું ભલે પાણીપૂરી હોય, પણ તેમાં ચણા, બટાટા, મસાલો, ખાટી ચટણી, ગળી ચટણી, પાણી વગેરે ભેગાં ન થાય ત્યાં સુધી તેનો સ્વાદ આવતો નથી. સંયુક્ત કુટુંબની જેમ સંયુક્ત પાણીપૂરીના પ્રશ્નો હોય છે. ચટણી વધારે પડી જાય, મસાલો ઓછો પડે, ચણા ચડ્યા ન હોય—ટૂંકમાં, સંયુક્ત કુટુંબની જેમ સભ્યો જેટલા વધારે, એટલી તેમાંથી એકાદના વંકાવાની સંભાવના પણ વધારે. છતાં, માણસ એક વાર ગાંઠ વાળે કે ગમે તે થાય, મને સંયુક્ત કુટુંબ જ ગમે. તો બધી મુશ્કેલીઓ ગૌણ થઈ જાય છે. એવું જ પાણીપૂરીનું પણ છે. તેના ઘટકો ગમે તેટલા આડાઅવળા થાય, પણ છેવટે પાણીપૂરી તો પાણીપૂરી જ રહે છે.

સવાલ સાચા પ્રેમનો છે. લૈલામજનુ જેવી અનેક પ્રેમકહાનીઓનાં મુખ્ય બે પાત્રો બહુ સુંદર હતાં, એવું ક્યાંય લખેલું નથી. તે પાત્રો એકબીજાને બહુ સુંદર લાગતાં હતાં. કારણ કે તે એકબીજાના પ્રેમમાં હતાં. પાણીપૂરી અને તેમના પ્રેમીઓનો પણ એવો જ નાતો હોય છે. બિનપ્રેમીઓને તે કદી સમજાતું નથી. પ્રેમીઓને ભાવે સારી પાણીપૂરી, પણ ચાલે ગમે તે પાણીપૂરી. પોતાને ભાવતા સ્વાદ કરતાં સાવ જુદી પાણીપૂરી મળી જાય તો પણ, તે પડ્યું પાનું (કે પાણી) નિભાવી લેવાની સહિષ્ણુતા-ઉદારતાથી, જેવી મળે તેવી પાણીપૂરીનો આનંદ માણે છે. વચ્ચે વચ્ચે યું હોતા તો ક્યા હોતા એવી ફરિયાદો કરે ખરા, પણ ટીકા કરતાં કરતાં મોંમાં પાણીપૂરી ઓરવાનું ચાલુ રહે છે.

આધુનિક પાશ્ચાત્ય સભ્યતાએ ભારતીય પરંપરા સામે જે કેટલાક પાયાના પડકાર ઊભા કર્યા છે, તેમાંનો એક છેઃ પાણીપૂરી ખાવી શી રીતે? ભારતીય પદ્ધતિમાં ભોજન માટે હાથનો ઉપયોગ થાય છે. પાણીપૂરી ખાવા માટે હાથના પણ વિશિષ્ટ કૌશલ્યની જરૂર પડે છે. જેમ કે, માણસ જેવો આકાર ધરાવતા યંત્રમાનવને રોટલી કે દાળભાત ખાતાં શીખવવું ઓછું અઘરું હશે, પણ તેને પાણીપૂરી ખાવાનું શીખવવું ભારે કઠણ નીવડી શકે છે. પાણી ભરેલી પૂરી પર હાથનું દબાણ એટલું હોવું જોઈએ કે પૂરી છટકે નહીં, પણ દબાણ એટલું વધારે ન હોય કે પૂરી ફસડાઈ પડે. ડીશમાં પડેલી પૂરીને કયા ખૂણેથી પકડવી, ત્યાર પછી હાથને કોણીથી કયા ખૂણે વાળવો કે જેથી પૂરીની અંદર રહેલું સત્ત્વ બહાર પડી ન જાય અને પૂરી મોં સુધી લઈ જતી વખતે હાથનો ખૂણો કેટલો રાખવો—આવા સવાલ એન્જિનિયરિંગમાં પૂછાતા ન હોય, પછી ભારત રોબોટિક્સમાં ક્યાંથી આગળ આવે?

પૂરીના કદમાપ વિશે પણ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે લોકો મન ફાવે એટલી નાની-મોટી પૂરીઓ બનાવે છે. કેટલીક પૂરીઓ એટલી મોટી અને ફુલેલી હોય છે કે સીધોસાદો માણસ મહંમદઅલી ઝીણા બનીને વિચારવા માંડે, આના ભાગલા કરવા જોઈશે. પણ સૌ જાણે છે કે ભાગલાનું કામ સૈદ્ધાંતિક રીતે ગમે તેટલું સહેલું લાગે, વ્યવહારમાં તેમાં કકળાટનો પાર નથી હોતો. એટલે, મોટા ભાગના લોકો, મોં કરતાં પૂરી ગમે તેટલી મોટી હોય તો પણ, પૂરીની એકતા-અખંડિતતાનો ભંગ કર્યા વિના, તેને મોમાં ઠાંસવાનો પ્રયાસ કરે છે. ઘણાખરા કિસ્સામાં પૂરી અંદર ઘુસી તો જાય છે, પણ ખાનારનું મોં થોડા સમય પૂરતું બંધ થઈ જાય છે. ક્યારેક પૂરી મોંમાં જાય તે પહેલાં જ તેનું વિસર્જન થઈ જાય છે. તેની અંદરનું પાણી ડીશમાં રેલાય છે, પણ ખાનાર હિંમત હાર્યા વિના, પૂરીનો જેટલો હિસ્સો મોંમાં જાય એટલો ઘુસાડવાનો પ્રયાસ કરીને, તે પૂરીને ખવાયેલી જાહેર કરે છે.

કોચિંગ ક્લાસનો ધમધમતો ધંધો ધરાવતા ભારતમાં પાણીપૂરી બનાવવાના ક્લાસ ચાલતા હોય તે સંભવ છે, પણ હજુ સુધી કોઈને પાણીપૂરી કેમ ખાવી તેના ક્લાસ ખોલવાનો વિચાર આવ્યો નથી. બાકી, તેની જરૂર ફક્ત જાપાનના વડાપ્રધાન જેવા વિદેશીઓને જ નહીં, પૂરીના મોટા કદ અને ચિત્રવિચિત્ર આકારથી પીડીત ભારતીયોને પણ પડી શકે છે.


Sunday, March 12, 2023

મોહનથાળ કે ચીકી?

ખરેખર, આપણામાંથી ઘણા લોકોને કયો મુદ્દો મહત્ત્વનો, તે સમજાતું નથી. વારે વારે બંધારણીય સંસ્થાઓની સ્વાયતત્તા પર પડેલી તરાપનો કકળાટ કરનારા, સરકાર પર તપાસસંસ્થાઓના દુરુપયોગનો આરોપ મુકનારા, સરકાર જૂઠું બોલે છે એવું કહેનારા—આવા અનેક પ્રકારના લોકો અંબાજીના પ્રસાદમાં મોહનથાળને પદભ્રષ્ટ કરીને ચીક્કીને બેસાડી દીધી, ત્યારે મૌન છે. તેમનું રૂંવાડું પણ નથી ફરકતું. તેમને દંભી બૌદ્ધિકો નહીં તો બીજું શું કહેવાય?

મોહનથાળ-ચીકી વિવાદે ધાર્મિકતાને વિશાળ અને વ્યાપક બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. પહેલાં ધાર્મિકતાની વ્યાખ્યામાં મંદિર વહીં બનાયેંગે જેવાં સૂત્રોનો સમાવેશ થતો હતો, તે વિસ્તરીને હવે મોહનથાળ વહીં બનાયેંગે સુધી પહોંચ્યો છે. તે દર્શાવે છે કે ભક્તો પછાત રહી જવાને બદલે, જમાના સાથે તાલ મિલાવી રહ્યા છે. પહેલાં પરસાદિયા ભગત જેવા શબ્દપ્રયોગો કોઈની ટીકા માટે વપરાતા હતા અને ધર્મસ્થાનોમાં પ્રસાદના મહત્ત્વ વિશે ચર્ચા કરનારા ભૂખ્ખડ કે ખાઉધરામાં ખપી જતા હતા. તેને બદલે, અંબાજીમાં પ્રસાદના મુદ્દે ધર્મયુદ્ધનાં મંડાણ જેવો માહોલ ગયા સપ્તાહે સર્જાયો. પ્રસાર માધ્યમોએ પણ પૂરી ગંભીરતાથી, નાગરિક અધિકારોના સંરક્ષણ માટે કટિબદ્ધ થઈને, મોહનથાળ-ચીકી વિવાદમાં ઝંપલાવ્યું. કેટલાકે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ ઉર્ફે ખોજી પત્રકારિતાનો અભરાઈએ ચડાવેલો સંસ્કાર યાદ કરીને પ્રસાદના કોન્ટ્રાક્ટથી માંડીને મોહનથાળના ઇતિહાસ સુધીની શોધખોળ આદરી.

બિનગુજરાતીઓ ભલે ટીકા કરતા કે ગુજરાતીઓને આંદોલન કરતાં નથી આવડતું. હકીકત એ છે કે કયા મુદ્દે આંદોલન થાય, તેની પ્રાથમિકતા ઘણા ગુજરાતીઓમાં સ્પષ્ટ રીતે અંકિત હોય છે. તેમને ખબર છે કે ગુજરાત વિદ્યાપીઠમાં સરકારને અનુકૂળ કુલપતિને બેસાડી દેવાય કે પછી પરીક્ષાનાં પેપર-બેપર ફૂટે તેની બહુ હાયવોય કરવાની ન હોય. બહુ એવું લાગે તો થોડું બૂમરાણ કરીને સરકી જવાનું. પણ મોહનથાળ-ચીકી તો સનાતન ધર્મનો પ્રાણપ્રશ્ન છે. નરેન્દ્રભાઈ કે અમિતભાઈ જ્યાં સુધી કંઈ ન કહે, ત્યાં સુધી એ મુદ્દે ખુલીને વિરોધ કરવો, એ ધાર્મિક ફરજ છે, એવું ઘણાને લાગે છે.

આ લખાતું હતું ત્યાં સુધી સરકાર આખા મુદ્દામાં દાખલ થઈ ન હતી. સરકારને પણ ખબર હોય છે કે લોકશાહી-બંધારણીય સંસ્થાઓ જેવા મુદ્દામાં તો ઉપરવાળો-ઉપરવાળા બેઠા છે. બીબીસી જેવા હજાર આવે તો પણ કશું ઉખડવાનું નથી. પણ મોહનથાળના મુદ્દે એવી ખાતરી નથી. કારણ કે, તે લોકોની ધાર્મિક લાગણીનો સવાલ છે—અને ધાર્મિક લાગણીનો જીન સાથે હોય ત્યાં સુધી જ સારો. તે સામે પડે તો તકલીફ. એ જ કારણથી, આ લેખ તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં લગભગ ફરી એક વાર પ્રસાદ તરીકે મોહનથાળ શરૂ થઈ ચૂક્યો હશે—અને ચીકીવાળા ભાઈની ભક્તિ ફળશે, તો બંને પ્રસાદ પણ રહી શકે છે.

પ્રસાદવિવાદના ઉકેલ અંગે વિચારતાં કેટલાક વિકલ્પ સૂઝ્યા. જેમ કે, મોહનથાળ હટાવવો જ હોય તો નવો જે કોઈ પ્રસાદ રાખવામાં આવે, તેનું નામ મોદીથાળ રાખવું જોઈએ. સરદાર પટેલ સ્ટેડિયમમાંથી સરદાર પટેલનું નામ હટાવીને નરેન્દ્ર મોદીનું નામ મુકી દેવાયા પછી પણ લોકોને વાંધો પડતો નથી, તો સરદાર પટેલની સરખામણીમાં મોહનથાળની શી વિસાત? મૂળ સવાલ ભક્તોને સંતોષવાનો છે. તો મોદીથાળ નામ જુદા પ્રકારના પણ એટલા જ વિશાળ એવા ભક્તસમુદાયને સહેલાઈથી પ્રસન્ન કરી શકશે અને બે-ચાર દહાડામાં ઘણાખરા લોકો ભૂલી પણ જશે કે અંબાજીમાં પ્રસાદ તરીકે ક્યારેક મોહનથાળ અપાતો હતો. સોશિયલ મિડીયા ઉપર પણ એવો પ્રચાર શરૂ થઈ જશે કે મોહનથાળનું મૂળ નામ મોદીથાળ જ હતું અને અંબાજીના ગબ્બર પર પહેલાં તે જ અપાતો હતો. પછી જવાહરલાલ નેહરુએ ગાંધીજીની યાદમાં તેનું નામ મોહનથાળ પાડ્યું. એટલે હવે તેનું નામ ફરી એક વાર મોદીથાળ કરવામાં આવે, તો તે ઐતિહાસિક રીતે ઉચિત છે અને કોંગ્રેસે ભ્રષ્ટ કરેલા ઐતિહાસિક ગૌરવની પુનઃસ્થાપના કરવા બરાબર છે.

ઉપરની થિયરી કલ્પનાને બદલે ઐતિહાસિક હકીકત તરીકે વોટ્સએપ પર વાંચવા મળે તો નવાઈ પામવી નહીં, એવી ચેતવણી પણ અહીં આપી દેવી જરૂરી છે. બીજો વિકલ્પ પણ એટલો જ સહેલો અને અસરકારક લાગે છે. વર્તમાન સરકારની સમસ્યાઉકેલની પદ્ધતિને તે બંધબેસતો પણ છે, એટલે તેમાં ઉપર પૂછવું પડે એવો પણ લાગતું નથી. એક સમસ્યાને ઉકેલવા માટે સરકારનું સામાન્ય વલણ બીજા નવા વિવાદ ઉભા કરીને લોકોનું ધ્યાન તે દિશામાં દોરી જવાનું હોય છે. વિચારો કે એક તરફ મોહનથાળ-ચીકીનું ઠેકાણું ન પડ્યું હોય ત્યાં રણછોડરાયના ડાકોરમાં ગોટા મળતા બંધ થઈ જાય તો?

સ્વાભાવિક છે, ડાકોરમાં ગોટા મળતા બંધ થાય તેને કોંગ્રેસનું, ડાબેરીઓનું, માઓવાદીઓનું, હિંદુવિરોધીઓનું કે ચીનનું કાવતરું તો ગણાવી શકાય નહીં. કારણ કે, ગોટા તો બહાર દુકાન પર વેચાતા મળે છે. પણ ગોટા ડાકોરની અને ડાકોરના ઠાકોરની સાથે એટલા અભિન્નપણે જોડાઈ ગયેલા છે કે તેને ધાર્મિક લાગણીનો મુદ્દો ગણાવવામાં કે બનાવવામાં જરાય અતિશયોક્તિ ન લાગે-જરાય તકલીફ ન પડે. મોહનથાળની સાથે ગોટાની પુનઃસ્થાપના જેવા બબ્બે મહાપડકારો સનાતન ધર્મના ભક્તો સામે ખડા થાય, ત્યારે તેમની મુંઝવણનો પાર ન રહે. એક જમાનામાં ગાંધીજીના નમક સત્યાગ્રહમાં લોકો ઠેકઠેકાણે મીઠું પકવતા હતા, તેમ લોકો અંબાજીમાં મોહનથાળ ને ડાકોરમાં ગોટા બનાવવા માંડે...

--અને ચોતરફ સનાતન ધર્મનો જયજયકાર થઈને સતયુગ વ્યાપી રહે.

Friday, February 24, 2023

જુદા છે વિચારો સમોસે સમોસે

ભારતની લોકશાહી સાથે સૌથી જૂનો સંબંધ ધરાવતી જૂજ વાનગીઓમાં સમોસાનો સમાવેશ કરવો પડે. એક કચોરી, દો સમોસા/ ---- તેરા ક્યા ભરોસા—એ ભારતીય ચૂંટણીઓમાં વપરાતાં સૌથી જૂનાં સૂત્રોમાંનું એક છે. તેનો આશય ભલે સમોસાના બહુમાનનો નહીં, સૂત્રમાં જેનું નામ આવતું હોય તે નેતાના અપમાનનો હોય. છતાં, સમોસા વિના એ સૂત્ર, એ સૂત્ર વિના ચૂંટણી અને ચૂંટણી વિના ભારતની લોકશાહી અધૂરાં છે. એટલે તર્કશાસ્ત્રના ન્યાયે સમોસા વિના ભારતની લોકશાહી અધૂરી છે.

સમોસાનાં કદ-રૂપ-રંગ-સ્વાદ-ચટણી-આરોગવાની પદ્ધતિ ઇત્યાદિમાં જોવા મળતું વૈવિધ્ય પણ લોકશાહી ભારતની યાદ અપાવે છે. વડાપ્રધાન જ્યાં સુધી એક દેશ, એક સમોસું એવું સૂત્ર ન આપે ત્યાં સુધી, લોકશાહીની તો સલામતીની તો ખાતરી નથી, પણ સમોસાનું વૈવિધ્ય સલામત છે.

કેટલાક સમોસા કદમાં એટલા મોટા હોય છે કે તેમને ફાઇટર વિમાનમાંથી બોમ્બની જગ્યાએ ફેંકવામાં આવે તો વગર ધડાકે તે કોઈનું લમણું તોડી શકે અથવા તેની અણીદાર ધાર બોમ્બની કરચની જેમ ખૂંતી શકે. તેના સાવ સામા છેડે, અમદાવાદમાં જેને નવતાડના સમોસા તરીકે ઓળખાતા સમોસા આવે. તેમનું કદ એટલું ટચૂકડું હોય છે કે જો તાતાની નેનો કાર ચાલી ગઈ હોત તો થોડાં વર્ષમાં નવતાડના સમોસા નેનો સમોસા તરીકે ઓળખાતા થઈ જાત.

અંગ્રેજીમાં ગ્રામર નાઝી તરીકે ઓળખાતા, ગુજરાતીમાં ભાષાઝનૂની કહી શકાય એવા લોકોને સવાલ થશે કે સમોસાના બહુવચન પર અનુસ્વાર આવે કે નહીં?  ભાષાની ચિંતા કરવા જેવી છે, પણ ચોવીસે કલાક ભાષાની ચિંતા કરવાથી ચિતા કરનારની માનસિક પરિસ્થિતિ બીજાએ ચિંતા કરવી પડે એવી થઈ શકે છે. અને સમોસાને લાગે વળગે છે ત્યાં સુધી, તેના બહુવચન પર અનુસ્વાર આવે કે નહીં, તેના કરતાં ઘણા વધારે ગંભીર પ્રશ્નો સમોસાસૃષ્ટિમાં વિદ્યમાન છે.

શરણાઈ વર્ષો સુધી જુગલબંદીનું વાદ્ય ગણાતું હતું. પરંતુ ઉસ્તાદ બિસ્મિલ્લાખાને તેને એકલવાદ્ય તરીકે પ્રતિષ્ઠા અપાવી. એવી જ રીતે, ચટણીની જુગલબંદીમાં શોભતા સમોસાને એકલવાનગીનો દરજ્જો અપાવવા માટે કેટલાક ફરસાણિસ્ટો કૃતનિશ્ચયી હોય છે. ફરસાણિસ્ટ સાચો શબ્દ છે કે નહીં, તેની ચિંતા કરવાને બદલે, તેમના દ્વારા થતો દાવો સાચો છે કે નહીં, તે સમોસાપ્રેમીઓ માટે વધારે મહત્ત્વનો સવાલ છે.

કેટલાક, ખાસ કરીને રેલવે સ્ટેશન પર સ્ટોલ ધરાવતા, લોકો બિનધાસ્ત ચટણી વગરના સમોસા વેચે છે. તેમાં ચટણીનું સ્થાન ગૌરવ લે છે. કોઈ નવોસવો જણ સમોસા લીધા પછી ચટણીની માગણી કરે, ત્યારે તેણે સ્ટોલધારકના ચહેરા પર એવો તમતમાટ પથરાઈ જાય છે, જાણે માગનારે તેની આબરૂ પર હાથ નાખ્યો હોય. તે લાગણી જો ભૌતિક સ્વરૂપ ધારણ કરે, તો એકાદ હજાર ટેટાની લૂમ જેટલી ધડબડાટી બોલે. પરંતુ નવોદિત ગ્રાહક લાગણીની લિપિ સમજતો નથી. તેના લાભાર્થે, માંડ સંયમ ધરીને, સ્ટોલધારક તેને સમજાવે છે, ભાઈ, આ તો ફલાણાના સમોસા છે. તેમાં ચટણી ન આવે.

ગ્રાહકને વળી કમતિ સુઝે અથવા તે નવેનવો ગ્રાહકસુરક્ષાના પાઠ ભણીને આવ્યો હોય તો તે વળતી દલીલ કરશે, અરે, એવું તે થોડું ચાલે? આખી દુનિયા સમોસા જોડે ચટણી આપે છે. આ બોલતી વખતે તેના અવાજમાં રહેલો રણકો સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે હું લઈને જંપીશ—એ સ્તરનો હોય છે. સ્ટોલમાલિક ગમ્મતના મૂડમાં હોય તો કહી શકે કે સાવ ખોટી વાત. કારણ કે સમોસા આખી દુનિયામાં મળતા જ નથી. પરંતુ સમોસા સાથે ચટણીની માગણીથી થયેલા સ્વમાનભંગના અહેસાસમાં તેની હાસ્યવૃત્તિને બહાર નીકળવાની જગ્યા મળતી નથી. એટલે તે ટૂંકમાં, કડકાઈથી જવાબ આપે છે, દુનિયા આપતી હોય તો આપે. અમારે ત્યાં એવો રિવાજ નથી. કોઈને પણ પૂછી જુઓ.

મોટા ભાગની દુકાનોમાં સમોસાની સાથે એક કે વધુ પ્રકારની ચટણી અપાય છે. ત્યાં ઢચુપચુ માનસિકતા ધરાવતા ગ્રાહકનો ઘણોખરો સમય ચટણીનું પ્રમાણ નક્કી કરવામાં વીતે છે, લાલ ચટણી નાખ્યા પછી એવું લાગે છે કે સ્વાદ વધારે ગળ્યો થઈ ગયો ને લીલી ચટણી નાખ્યા પછી તે વધારે તીખો લાગે છે. આમ ને આમ દો આરઝુમેં કટ ગયે, દો ઇંતઝારમેં જેવું થાય છે અને સમોસું પૂરું થઈ જાય છે. ત્યાર પછી ગ્રાહકને ખ્યાલ આવે છે કે શરૂઆતમાં બંને ચટણીઓ સાથે નખાવી દીધા પછી, તેણે ચટણીનાં પાત્રોથી દૂર ખસી જવાની જરૂર હતી.

સમોસાનું સ્વતંત્ર વાનગી તરીકે પ્રસ્થાપિત થવું ઘણાને ખૂંચે છે. એવા લોકો, વિકાસના નામે જેમ ઝૂંપડાં ઢાંકી દેવામાં આવે છે કે અસલી સમસ્યાઓને સાવ ભળતાસળતા વિવાદો તળે સંતાડી દેવામાં આવે છે એવી રીતે, સમોસાની સ્વતંત્રતાને બીજી અવનવી ચીજોથી ઢાંકી દેવાનો પ્રયાસ કરે છે. એક ડિશમાં સમોસું લઈને, સૌથી પહેલાં તે સમોસાને બરાબર ભાંગી નાખે છે. પછી તેમાં રગડો, દહીં, ડુંગળી, સેવ, કેચપ, લાલ-લીલી ચટણી, ભલું હોય તો ચીઝ અને બીજું જે સૂઝે તે ઠપકારે છે. આવા સમોસાને ભવ્ય નામ આપીને તેની ઊંચી કિંમત વસૂલવામાં આવે છે, પણ તેમાં સમોસાનો મૂળ સ્વાદ ખોવાઈ ગયો છે તે જણાવવામાં સ્ટોલમાલિકને અને જાણવામાં ગ્રાહકને રસ નથી હોતો. એટલે સમોસાની સ્થિતિ પણ ભારતની લોકશાહી જેવી થાય છે. તેનું અસ્તિત્વ હોય છે, પણ તેની ઉપર એટલા (કુ)સંસ્કાર થાય છે કે તેનો મૂળ સ્વાદ શોધ્યો જડતો નથી.

Tuesday, December 27, 2022

જામફળ પાકાં ખાવાં કે કાચાં?

ગુજરાતમાં કાયદેસર રીતે અને પરમિટ વિના જામની મનાઈ છે, પણ જામફળને કોઈ પ્રતિબંધક કાયદો લાગુ પડતો નથી. કારણ કે, મંત્રીઓ-ધારાસભ્યો જેમ નામના જ લોકસેવક હોય છે, તેમ જામફળ પણ નામનું જ જામ-ફળ છે. એ જુદી વાત છે કે જામફળ ભાવતાં હોય એ લોકોને તેમાંથી પણ જામ જેવી જ કીક આવે છે.

એક વાર ખુમચા પર જઈને કહ્યું, પાકાં જામફળ આપો. ત્યાં ઉભેલો કર્તાહર્તા સવાલ પાછળ મોટું અજ્ઞાન છુપાયેલું હોય અને એ તેને દેખાઈ ગયું હોય તેમ, હસીને કહે,જામફળ તે કદી કાચાં હોતાં હશે?” સામે દેખાતાં લીલાંકચ્ચ જામફળ અને તેની વચ્ચે વચ્ચે વિરાજમાન પીળાં જામફળ છતાં, તેના દાવામાં રહેલો આત્મવિશ્વાસ જોઈને થયું કે આ માણસની પ્રતિભાનો અહીં વેડફાટ થઈ રહ્યો છે. તે વિદેશી બાબતોના મંત્રી જયશંકર પાસે કે તેમના પણ સાહેબ એવા વડાપ્રધાન પાસે હોવો જોઈએ. કેમ કે, ભારતની સરહદે ચીનની લશ્કરી કાર્યવાહી વિશે વાત કરતી વખતે તેમનો આત્મવિશ્વાસ એવો જ હોય છે.

પરંતુ જામફળવાળા પાસે તેનું આત્મવિશ્વાસભર્યું જૂઠાણું માથે મારવા માટે સાયબર સેલ કે ટીવી ચેનલો જેવી કોઈ વ્યવસ્થા ન હતી અને કાચા કે પાકા, એકેય જામફળનો રંગ કેસરી ન હતો. એટલે વાતને બીજો કોઈ વળાંક આપવાની પણ ગુંજાશ ન હતી. એટલે તે ચૂપચાપ પીળાં જામફળ ત્રાજવામાં મુકવા લાગ્યો.

જામફળ તે કદી કાચાં હોતાં હશે?” તેને બદલે એવું ચોક્કસ કહી શકાય કે પાકાં જામફળની જેમ કાચાં જામફળનો પણ ચાહકવર્ગ હોય છે. પાકાં જામફળના પ્રેમી દૂરથી આવતી પાકાં જામફળની સુગંધથી મોહિત થાય છે અને તેને આરોગવા આતુર થઈ ઉઠે છે. એવા લોકોને જોઈને લાગે છે, જાણે તે હમણાં જ પાકું જામફળ ઉઠાવીને, સભ્યતા-બભ્યતાની પરવા કર્યા વિના, તેને બચકાં ભરવા માંડશે. કાચા જામફળના પ્રેમીઓ પ્રમાણમાં સભ્ય હોય છે. તે કાચા જામફળને બચકાટવા માંડતા નથી. તેની પાછળ તેમની પોતાના દાંત વિશેની ચિંતા પણ કારણભૂત હોઈ શકે. કેમ કે, કાચાં જામફળ કઠણ હોય છે. તેમને સીધું બચકું ભરવા જતાં, તે દાંતનો મજબૂત પ્રતિકાર કરે એવી સંભાવના હોય છે.

પાકાં જામફળના પ્રેમીઓને હંમેશાં વિસ્મય થાય છે કે કાચા જામફળમાં શું ખાવાનું? ‘વિસ્મય—એ તો જાહેરમાં કહેવા માટે. બાકી મનોમન એવું જ થાય છે કે આ કાચાં જામફળ ખાનારા ક્યારે સુધરશે અને સભ્ય સમાજમાં-સમાજની મુખ્ય ધારામાં તેમનું સ્થાન પ્રાપ્ત કરશે? માણસ ગુફામાં રહેતો હતો ત્યારે કાચાં ફળફળાદિ-શાકભાજી ખાતો હતો. તે વાતને સદીઓ વીતી. હવે કાચાં જામફળ ખાઈને તે અવસ્થાની પોતાની જાતને અને બીજાને પણ યાદ અપાવવાની શી જરૂર?

પણ પ્રેમ કોને કહ્યો છે? કાચાં જામફળના પ્રેમીઓ પાસે આવેશપૂર્ણ દલીલ મોજુદ હોય છે. તે પાઠ્યપુસ્તકમાં આવતો વિજ્ઞાનનો કોઈ પ્રયોગ વર્ણવતા હોય તેમ કહે છે, એક મસ્ત લીલું જામફળ લો. તેને બરાબર ધોઈ નાખો. પછી એક છરી લો. તેને—એટલે કે, છરીને નહીં, જામફળને—છ-આઠ-દસ ટુકડામાં ક્ષમતાનુસાર કાપો. પછી તેની પર સ્વાદાનુસાર મીઠું, મરચું, ચાટ મસાલો વગેરે નાખો. અને પછી તેનું એક બટકું ભરી જુઓ.

જામફળ પાકું ઉત્તમ કે કાચું, તે મુદ્દે જેમ તીવ્ર મતભેદ છે, તેમ ફળ મસાલા વિના ખાવું કે મસાલો નાખીને, તે મુદ્દે પણ આકરા અભિપ્રાયભેદ પ્રવર્તે છે. એક વર્ગ એવું માને છે કે ફળ ઉપર મસાલો નાખવો એ તેના ફળત્વનું અપમાન છે. કારણ કે, ત્યાર પછી ફળનો મૂળ સ્વાદ મરી જાય છે અને નકરો મસાલાનો જ સ્વાદ આવે છે. બંનેમાંથી એકેય પ્રકારનો અભિપ્રાય ન ધરાવતા જણને આ દલીલ સાચી લાગું લાગું થતી હોય, ત્યાં સામા પક્ષની દલીલ આવે છે, ના જોઈ હોય તો મોટી અસલીયતની પૂંછડીઓ. તમારે સ્વાદ સાથે કામ છે કે શુદ્ધતા સાથે? ફળના અસલ સ્વાદમાં મસાલો નાખવાથી ઉમેરો—જેને માર્કેટિંગવાળા વેલ્યુ એડિશન કહે છે તે—થતું હોય તો શો વાંધો? તટસ્થ માણસને લાગે છે કે એ વાત પણ સાચી છે.

જામફળના મામલે પણ એવી સ્થિતિ સર્જાય છે. પાકા જામફળના પ્રેમીઓ કહે છે, મસાલાનો જ સ્વાદ લેવાનો બહુ ચટાકો હોય તો જામફળની શી જરૂર? થર્મોકોલ પર જ એ મસાલો નાખીને ચૂસી જાવ. રંગનો આગ્રહ હોય તો થર્મોકોલને ગોળ કાપીને લીલો રંગ કરી દેજો. આવી વાત સાંભળીને કાચા જામફળના પ્રેમીઓ ન ઉશ્કેરાય તો જ નવાઈ. કાયદો અને વ્યવસ્થાના લાભાર્થે એટલું સ્પષ્ટ કરી લેવું જોઈએ કે કાચાં અને પાકાં ફળના પ્રેમીઓ વચ્ચે લડાઈનો સંજોગ ઊભો થાય, તો કાચાં ફળના પ્રેમીઓનું પલ્લું નમેલું રહી શકે છે. કારણ કે કાચાં ફળ ફક્ત ચાવવામાં જ નહીં, તેનો માર વેઠવામાં પણ કઠણ પડી શકે છે.

કાચાં-પાકાંનો પક્ષ ન લેવો પડે એટલે કેટલાક યુનોવાદીઓ એવું સમાધાન શોધે છે કે એક કામ કરને. અધકચરાં આપ, પણ એવાં આપજે કે બે દિવસમાં પાકી જાય. આવું કરવાથી બંને પક્ષોને સંતોષી શકાશે એવું તેમને લાગે છે. પણ ઘરે પહોંચ્યા પછી ખ્યાલ આવે છે કે અધપાકાં જામફળથી તેમણે કાચાં-પાકાં બંનેના પ્રેમીઓને નારાજ કર્યા છે. ત્યારે તેમને યુનો ની નિષ્ફળતાનું રહસ્ય સારી રીતે સમજાઈ જાય છે.

Saturday, October 08, 2022

દેખ તમાશા વેઇટિંગકા

દેખ તમાશા લકડીકા—એ બહુ જાણીતું ગીત છે. તેમાં જન્મથી મરણ સુધી માણસના જીવનમાં લાકડું કેવી રીતે સંકળાયેલું છે, તેની વાત હથોડાછાપ રીતે કરવામાં આવી છે. (હથોડાનો હાથો લાકડાનો જ હોય છે, એ જુદી વાત છે) ગુજરાતમાં-ભારતમાં એવું ગીત વેઇટિંગ માટે એટલે કે રાહ જોવા માટે પણ લખી શકાય. ભાવિ માતાપિતાનાં લગ્ન માટે હોલના બુકિંગથી રાહ જોવાનું શરૂ થાય છે અને કપરો કાળ હોય તો, અંતિમ યાત્રામાં પણ વેઇટિંગનો સામનો કરવો પડે છે.

બધાં પ્રકારનાં વેઇટિંગમાં સૌથી કંટાળો, ત્રાસ, ચીડ, અકળામણ, લાચારી, ધુંધવાટ, રોષ, બેચેની જેવી લાગણીઓ જન્માવતું વેઇટિંગ એટલે જમવા માટે રેસ્તોરાંમાં ગયા પછી રાહ જોવી પડે તે. લોકો આપણાં શાસ્ત્રો ધ્યાનથી વાંચતા નથી અને આપણાં શાસ્ત્રોમાં શાનો સમાવેશ થાય છે, તેની પૂરી જાણકારી સુદ્ધાં ધરાવતા નથી. બાકી, જાણકારોને પાકી ખાતરી છે કે એકાદ શાસ્ત્રમાં તો લખ્યું હશે,અર્થવ્યય દ્વારા અન્નપ્રાપ્તિ માટે પ્રવૃત્ત થતી વખતે પ્રતીક્ષાકર્મ સર્વથા ત્યાજ્ય છે. ગુજરાતીમાં કહી શકાય કે રૂપિયા ખર્ચીને રાહ શા માટે જોવી?

પરંતુ બ્રહ્માંડનાં કેટલાંક વણઉકલ્યાં રહસ્યોમાંનું એક રહસ્ય અથવા સંસ્કૃતિના પલટાયેલા પ્રવાહોમાંનો એક મોટો પલટો છેઃ સેંકડો લોકો રૂપિયા ખર્ચીને જમવા માટે પણ રાહ જોવાનું પસંદ કરે છે. જમવા જતી વખતે રસ્તામાં તેમણે ચાર ઠેકાણે ખોટી રીતે ઓવરટેક કર્યું હશે, બે ઠેકાણે તેમનું વાહન કોઈને અથડાતું બચ્યું હશે, એકાદ સિગ્નલ તોડ્યો હશે—ટૂંકમાં, તેમની એકંદર વર્તણૂંક ગરવા ગુજરાતી જેવી હશે. પરંતુ રેસ્તોરાંમાં પહોંચ્યા પછી, અચાનક તે ગુજરાતી મટીને હિમાલયવાસી બની જાય છે. અલબત્ત, તે પરિવર્તન ક્ષણમાત્રમાં નથી થતું.

રેસ્તોરાં પર પહોંચ્યા પછી ત્યાં ઉભેલાં લોકોને જોઈને ભોજનોત્સુકને લાગે છે, “નક્કી, આ બધા જમીને બહાર નીકળ્યા હશે અને આપણા માટે સરસ જગ્યા થઈ હશે. પરંતુ ડુંગરાની જેમ દૂરથી રળિયામણું લાગતું ટોળું નજીક ગયા પછી અકારું લાગવા માંડે છે. કારણ કે, તે પણ રેસ્તોરાંના દરવાજાને કે વેઇટિંગ વિસ્તારને ઘેરો ઘાલીને, જગ્યા જીતી લેવાની ફિરાકમાં હોય એમ જણાય છે. શત્રુસૈન્ય ગમે તેટલું વિશાળ હોય, પણ યોદ્ધો જાણે છે કે યુદ્ધ સંખ્યાબળથી નહીં, આત્મબળથી જીતાય છે. એટલે, તે પોતાની ઓછી સંખ્યાનો અહેસાસ ખંખેરીને, ટોળું ભેદીને રેસ્તોરાંના મર્મસ્થાન સુધી એટલે કે તેના કાઉન્ટર સુધી પહોંચી જાય છે. ત્યાં બેઠેલા જણને તે માસુમિયતથી માહિતી આપે છે, અમે આટલાં જણ છીએ. ક્યાં બેસવાનું છે?” અને સીધો બેઠકો ભણી ધસે છે.

રેસ્તોરાંનો કર્મચારી તેમને બને તેટલા વિવેકથી રોકવાનો અને એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે આવો દાવ ખેલવામાં આજની સાંજે તમારો નંબર બારમો છે. આ શબ્દોમાં તે આ વાત કહી શકતો નથી, એટલે સર,સરની સરસરાટી સાથે તે વિનમ્રતાથી નિવેદન કરે છે કે રાહ જુઓ. વારો આવશે એટલે બોલાવીશું. કેટલાક ઠેકાણે તો નામ નોંધવા જેવી પ્રથા પણ રાખવામાં આવે છે. તેનાથી ગ્રાહકના પ્રતિક્ષાસમયમાં કશો ફરક નથી પડતો, પણ ગ્રાહકને માનસિક રીતે સારું લાગે છે કે તેણે આ ફાની દુનિયામાં જન્મ લીધા પછી અને સાંજે આ રેસ્તોરાંમાં જમવા આવવાનો (ભૂલભર્યો) નિર્ણય લીધા પછી, કમ સે કમ એક કામ તો ઠેકાણાસરનું કર્યું છે. હવે તેનું નામ નોંધાયું છે, તો ક્યારેક નંબર પણ લાગશે. ચોતરફ પોઝિટિવ થિંકિંગના મારાથી ગ્રસ્ત પ્રતિક્ષારત ગ્રાહક શરૂઆતમાં ભીડ અને રાહ જોવાની ક્રિયામાંથી એવું આશ્વાસન મેળવવા પ્રયાસ કરે છે કે રેસ્તોરાં ખરેખર ઉત્તમ હોવું જોઈએ. નહીં તો આટલા બધા લોકો વેઇટિંગમાં હોય?”

કેટલાક લોકો ધૈર્યને બદલે પ્રભાવ વાપરી જુએ છે. જઈને તે મેનેજર જેવા લાગતા જણને કહે છે, પાંચ જણનું એક ટેબલ. ક્યાં બેસવાનું છે? અને તમે ફલાણાસાહેબને તો ઓળખતા જ હશો. આપણા ખાસ મિત્ર થાય. ખરેખર ગિરદી હોય ત્યારે રેસ્તોરાંવાળો સ્થિતપ્રજ્ઞતાથી અને સામેવાળાની સ્થિતપ્રજ્ઞતાની કસોટી થાય એવી રીતે કહી શકે છે,હા, હા, કેમ નહીં? જુઓ, પેલા બેઠા તમારા સાહેબ. વીસ મિનિટથી વેઇટિંગમાં જ છે.

પ્રગટાવેલા ધૈર્ય કરતાં ફરજિયાતપણે પાળવા પડતા ધૈર્યની અસર વિપરીત થાય છે. તેનાથી મન શાંત થવાને બદલે અશાંત થાય છે. માણસને રૂપિયાથી શાંતિ ખરીદવાના નિષ્ફળ પ્રયોગો કરવાની એટલી ટેવ પડી ગઈ છે કે અશાંતિનું સૌંદર્ય તે માણી શકતો નથી. છેવટે, પેટની બેચેની ચહેરા પર દેખાવા લાગે છે. ધીમે ધીમે તે ભૂલવા માંડે છે કે તે જમવા માટે આવ્યો છે કે રાહ જોવા માટે. મગજમાં ખલબલી મચ્યા પછી અનેક દિશામાંથી ઉત્તમ તો નહીં, પણ અવળચંડા વિચાર આવવા લાગે છે. ગમે ઇશ્ક ગર ન હોતા, ગમે રોજગાર હોતા એવા મિસરામાં તેને ગમે રોજગારની જગ્યાએ ગમે ઇંતજાર સંભળાવા લાગે છે. તે શરાબની અવેજીમાં મોબાઇલમાં દુઃખ ડૂબાડવાનો પ્રયાસ કરે છે, પણ થોડા સમય પછી તે પ્રયાસ છોડી દેવો પડે છે. કારણ કે, ભૂખની સાથે થાકની પણ લાગવા માંડે છે.

પાનીમેં મિન પિયાસીની જેમ રેસ્તોરાંમાં ભૂખથી વ્યાકુળ થયેલા જણમાં ભૂખની લાગણી ટોચે પહોંચ્યા પછી ઓસરવા માંડે, ત્યારે અચાનક અંદરથી તેડું આવે છે,સર...પ્લીઝ. ત્યારે સમજાય છે કે વેઇટિંગવાળાને જમણની સાથે બુદ્ધત્વ ફ્રીમાં મળે છે.  

Wednesday, August 24, 2022

ઉપવાસ અને બફવડાં

ગુજરાતમાં ઘણાં ઠેકાણે જન્માષ્ટમી પર...ના, જુગારની વાત નથી, આ વાત છે ઘણાં ઠેકાણે બનતાં-વેચાતાં બફવડાંની. ક્યારેક એવો વિચાર આવે કે જુગાર અને બફવડાં ન હોત તો અમુક લોકો જન્માષ્ટમી શી રીતે ઉજવતા હોત? કાકાસાહેબ કાલેલકરે તહેવારો વિશે મનનીય નિબંધો લખ્યા છે, પણ વર્તમાન સમયમાં દરેક તહેવારનો અનુબંધ નવેસરથી, નવા સમયની ખાદ્યસામગ્રી સાથે જોડવો પડે એમ છે. (જાહેર નીતિમત્તાને અને જેવા છે તેવા કાયદા પ્રત્યેના આદરને ધ્યાનમાં રાખીને પેયસામગ્રીની વાત અહીં ટાળવામાં આવી છે.)

ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાનો ખ્યાલ આપતા ઘણા તહેવારોમાં એક સાથે ઉપવાસ અને ખાણીપીણી, એ બંનેનો મહિમા હોય છે. એક વાર એક પરદેશી મિત્રને ફરાળી વિશે સમજણ પાડતાં ટૂંકમાં કહ્યું કે ફરાળી એટલે ઉપવાસમાં ખાવાનું. ત્યારે તેમણે જવાબ પ્રત્યે ભારોભાર અશ્રદ્ધા વ્યક્ત કરતાં કહ્યું હતું, પહેલાં તું નક્કી કરી લેઃ ઉપવાસ કે ખાવાનું?” ઉપવાસનું ખાવાનું એ વદતોવ્યાઘાત એટલે કે પરસ્પર વિરોધી શબ્દો છે, એ જેટલી હકીકત છે, તેટલી જ હકીકત એ પણ છે કે શ્રાવણ મહિનામાં પિત્ઝાના હિંડોળા અને ફરાળી પિત્ઝા સુધી તો પ્રગતિ થઈ ચૂકી છે. શક્ય છે કે આ માહિતી પણ જૂની હોય અને ફરાળી મંચુરિયન ખાતાં ખાતાં અત્યારે કઈ વિદશી વાનગીને ફરાળી સ્વરૂપ આપવું એનો વિચાર કોઈ ફળદ્રુપ ભેજું કરી રહ્યું હોય.

એક શાયરે કહ્યું હતું કે સુખ એ બીજું કૈં નથી, દુઃખનો ગુલાબી મિજાજ છે. એવી રીતે, બફવડાં એ બીજું કૈં નથી, બટાટાવડાંનો ફરાળી મિજાજ છે. પરંતુ સુખ અને દુઃખ વચ્ચે હોય એટલો જ મોટો ફરક બફ ને બટાટાવડાં વચ્ચે હોય છે. એક માતાપિતાનાં બે સંતાનો સાવ જુદાં હોય, એવું જ સારાં બટાટાવડાં અને બફ વચ્ચેના તફાવતના મામલે બને છે. એ દાવામાં સારાં વિશેષણ ઉમેરવાનું કારણ એ કે ખરાબ બને તે બટાટાવડાં છે કે બફવડાં છે કે બાફેલા બટાટા-મરચાનો મસાલો છે, તે નક્કી કરવું અઘરું હોય છે. પરંતુ બફવડું જો સારું હોય તો એક કિલો બટાટાવડાના ઘાણમાંથી જુદું તરી આવે.

હજુ સુધી ભારત સરકારની કોઈ સંસ્થાએ કયા કદમાપનાં બટાટાવડાં બનાવવાં, તેને લગતું કોઈ ધોરણ નક્કી કર્યું નથી. તેને કારણે લખોટી જેવડાં બટાટાવડાંથી માંડીને નાની તોપમાં ગોળા તરીકે વપરાય એટલા કદનાં બટાટાવડાં લોકો બનાવે છે. તેમની સરખામણીમાં બફનું કદ સામાન્ય રીતે નાનું હોય છે. મહિલા પૂર્તિની ભાષામાં તેમને નાજુક પણ કહી શકાય. તેમની પર પથરાયેલું ફરાળી લોટનું આવરણ પણ પારદર્શક લાગે એટલું પાતળું હોય છે. તેની વચ્ચે વચ્ચેથી અંદર ભરાયેલો બટાટાનો માવો ડોકાં કરતો હોય છે. બટાટાવડાંમાં એવું બનતું નથી. તેમાં માવાની ફરતે ચણાના લોટનું રૂઢિચુસ્ત રીતે અભેદ્ય લાગે એટલું જાડું આવરણ રચાયેલું હોય છે. તેના કારણેં બંને વચ્ચેના તફાવતની શરૂઆત બાહ્ય દેખાવથી જ થઈ જાય છે.

ઘણા લોકો માટે બટાટાવડું રોજ મળતા મિત્ર જેવું હોય છે. તેની કિંમત ઓછી ન હોય, પણ નવાઈ ઓસરી ચૂકી હોય. બફ તેમને ક્યારેક મળતા મિત્ર જેવું લાગે છે. તેને જોઈને ઉમળકો જાગે. સ્વાદિયા ન હોય એવા ઘણા લોકો બફવડાં વર્ષમાં અમુક જ વાર, કેટલાક તો માત્ર જન્માષ્ટમીના દિવસે જ ખાતા હોય તો નવાઈ નહીં. તેના કારણે બફનું આકર્ષણ અને તેના માટેની ઝંખના તેમના મનમાં જળવાયેલાં રહે છે. શહેરોમાં તો હવે તહેવારો નિમિત્તે ખાણીપીણીની સામગ્રી ખરીદવા માટે લાઇનમાં ઊભા રહેવાનો ધારો પડી ગયો છે. ગીરદી તો ગામોમાં પણ હોય. છતાં, ત્યાં ઊભા ઊભા લોકો અરે, આપણાં સાડી સાતસો કરજો, આપણાં પાંચસો-પાંચસોના બે ભૂલતા નહીં—જેવા પોકારો પાડતા હોય છે.

દુકાને બેસીને તળનારા કારીગરના ચહેરા પર એ બધો વખત એવો ભાવ હોય છે કે તમારો ઓર્ડર સાંભળ્યો, પણ હું તો મારે જે કરવું હશે તે રીતે જ કરીશ.

કેટલાક લોકો કારીગરને છોડીને પડીકાં બાંધનાર સાથે જૂની ઓળખાણો કાઢવા કે નવી ઓળખાણો બાંધવા પ્રયાસ કરે છે, જેથી તળાઈ રહેલા ઘાણમાંથી, તેમને વીઆઇપી ક્વોટામાં ફાળવણી થાય. કેટલાક લોકો વફાદારીનો સહારો લેતાં થડા પર બેઠેલા જણને કહે છે, મારા બાપા આઠમ કરે ત્યારે તમારી દુકાનનાં બફવડાં સિવાય બીજા કશાને હાથ પણ ન લગાડે. મારું પણ એવું જ. તમારાં બફ એટલે બાકી...આપણાં કિલો કરજો.

પ્રેમની જેમ બફવડાંનો મસાલો સરખો હોવા છતાં, દરેક કલાકારની અભિવ્યક્તિ તેમાં જુદી જુદી હોય છે અને દરેકને પોતપોતાની અભિવ્યક્તિનું ગૌરવ હોય છે. તેમને લાગે છે કે તેમની દુકાને બને છે, તેવાં બફવડાં વ્હાઇટ હાઉસમાં પણ નથી બનતાં. એક રીતે તેમની વાત સાચી પણ હોય છે. કારણ કે, વ્હાઇટ હાઉસમાં બફવડાં જ નથી બનતાં. 

ગુજરાતમાં બફવડાંનું બજાર આઠમ કે અગીયારસના ઉપવાસ વખતે, પણ બ્લફવડાંનું બજાર બારે મહિના ગરમ હોય છે. બ્લફ કહેતાં ફેંકાફેંકની ફિશિયારીનાં વડાં પ્રજાને એટલાં ભાવે છે કે દરેક પંદરમી ઓગસ્ટે ને એવા બીજા અનેક પ્રસંગે નેતાઓ બ્લફવડાંના ઘાણ ઉતારીને જાય, તો પણ લોકો તેમનો કાંઠલો પકડીને અગાઉ કરેલી ફેંકાફેંકનો હિસાબ માગતા નથી અને હોંશે હોંશે નવા ઘાણની સુગંધથી ડોલવા લાગે છે. 

Tuesday, June 14, 2022

શેરડીનો રસાસ્વાદ

સંત કબીરે—ના, પેલી મોંઘી અંગ્રેજી નિશાળવાળા નહીં, અસલી સંતેલખ્યું હતું કે બિચારા ગોરસ (માખણ)વાળાને ઘરે ઘરે ફરીને માખણ વેચવું પડે છે, જ્યારે મદિરાવાળાને એ મહેનત કરવાની જરૂર નથી. લોકો તેને શોધતા આવી ચઢે છે. કળી યુગમાં ગોરસ હવે અમુલનાં પેકેટમાં અને દુકાનમાં જ વેચાય છે. ગરજાઉ લોકોએ તેને ખરીદવા જવું પડે છે, પણ શેરડીના રસ જેવું દિવ્ય પીણું વેચનારે ઘરે ઘરે ફરવું પડે છે. બધે કદાચ એવો રિવાજ ન હોય, પણ ઘણા ઠેકાણે શેરડીનાં હરતાંફરતાં રસઘર જોવા મળે છે.

વર્ષો સુધી શેરડીનો રસ યાદ કરતાં શેરડી પીલવાના હાથથી ચલાવવાના સંચા (કોલાં) અને તેની સાથે બાંધેલો ઘુઘરીઓનો રણકાર યાદ આવતો હતો. છેલ્લા કેટલાક સમયથી એ મધુર રણકારનું સ્થાન ડીઝલ એન્જિનની ધમધમાટીએ લીધું છે. પહેલાં ડીઝલ એન્જિનનો ઉપયોગ કૂવામાંથી પાણી ખેંચવા માટે થતો હતો. હવે તે શેરડીમાંથી રસ ખેંચવા માટે વપરાય છે.

પહેલાં શેરડીનો રસ કાઢવાની શાસ્ત્રીય પ્રક્રિયા હતી—રેકોર્ડ પ્લેયર પર રેકોર્ડ મુકવા જેવી. તે લોખંડનું મોટું ચક્ર, તેને ફેરવવાનો હાથો, વચ્ચે ફરતા બે કાળમીંઢ નળાકાર—આમ તો આખો મામલો ઔદ્યોગિક સંસ્કૃતિની યાદ અપાવે એવો શુષ્ક અને યાંત્રિક હોય, પણ તેમાં વચ્ચે શેરડીના સાંઠા દાખલ થતાં જ કૃષિ સંસ્કૃતિની મહેક આવવા માંડતી હતી. ઓર્ગેનિક શબ્દ ત્યારે ફક્ત કેમિસ્ટ્રી માટે વપરાતો હતો. એટલે સંચાવાળા તેમના રસને ઓર્ગેનિક તરીકે ઓળખાવીને વધારે રૂપિયા ખંખેરતા ન હતા અને હાઇજેનિક તરીકે ઓળખાવીને લૂંટફાટ ચલાવતા ન હતા. બાકી, કેટલાક નામીચાં રેસ્ટોરાંમાં શેરડીના રસના એક પ્યાલાનો ભાવ વાંચ્યા પછી સવાલ થાય કે આ લોકો રસની સાથે રસ કાઢવાનું મશીન મફત આપતા હશે કે શું?

વર્તમાન સમયમાં જેવી અંતિમવાદની બોલબાલા અગાઉ હોત તો વીગન લોકો શેરડીના રસ સામે વાંધો પાડી શકત. સાંઠાને નિર્મમ રીતે પીલી નાખવાની સાંકેતિક હિંસા ઓછી લાગતી હોય, એવા લોકો કહેત, સંચાની આજુબાજુ કેટલી બધી માખીઓ બણબણે છે. તેમાંની એકાદ પણ વચ્ચે આવી ગઈ તો? આપણને શી ખબર પડે?’

વિચારધારાને કદી એકલા સોરવતું નથી. એટલે આ પ્રકારના લોકો શેરડીના રસના બહિષ્કારની ઝુંબેશ ચલાવત અને શેરડી ઉગાડવામાં કેટલું પાણી વેડફાય છે અને અમુકતમુક પ્રાંતમાં લોકો પાણીના અભાવે કેવા ટળવળે છે તે વિશે, રસના સંચાની સામે ઊભા રહીને, લોકોને જાગ્રત કરતા હોત—અને શક્ય છે કે, રસ પીવા આવનારામાંથી કોઈ વધારે સલુકાઈથી તેમને સમજાવત તો તેમાંથી કેટલાક લોકો એક પ્યાલો રસ પીને ઘરભેગા થઈ જાત.

સારું છે, શેરડીનો રસ ચર્ચવાનો નહીં, પીવાનો અને માણવાનો મામલો છે. સાહિત્યના વિદ્યાર્થીઓએ શેરડીના રસ સાથે કલાપીની કવિતા ગ્રામ્યમાતા પૂરતો જ સંબંધ રાખવો પડે છે, તેમાં વિદ્યાર્થીઓનું અને ખાસ તો શેરડીના રસનું હિત છે. બાકી, ગ્રામ્યમાતાને બદલે શેરડીના રસનું વિવેચન શરૂ થાય તો?

સૌથી પહેલાં તેને લોકપ્રિય કહીને તેના પ્રત્યે છૂપો કે પ્રગટ તુચ્છકાર વ્યક્ત કરવામાં આવે અને તેના રસાસ્વાદ-વિવેચનમાં સમય બગાડવાની કશી જરૂર નથી, એવું સિદ્ધ કરવામાં આવે. બહુ દબાણ થાય તો પછી શેરડીના રસને સાહિત્યના કયા યુગમાં મુકવો, તેના વિશે ચર્ચા કરવી પડે. શેરડીના રસનું યુગનિર્ધારણ જેવા બે-ચાર સેમિનાર કર્યા પછી ને તે સેમિનારોના અંતે તેમાં રખાયેલા ભોજન સિવાય બીજા કોઈ વિષય પર વિગતે ચર્ચા ન થવાથી, થોડા ખંતીલા લોકો યુગનિર્ધારણનું કામ હાથ પર લે ને પંડિત યુગથી શરૂ કરીને અનુઆધુનિક યુગમાં શેરડીને ગોઠવવાનો પ્રયત્ન કરી જુએ. ચર્ચાની શરૂઆત સ્વાભાવિક રીતે જ, શેરડી ભારતમાં ક્યાંથી આવી અને સુધારક યુગમાં રસ કાઢવાના સંચા હતા કે નહીં, ત્યાંથી થાય.

પછી તેમને કોઈ સમજાવે કે સાહેબો, યુગનિર્ધારણ તમતમારે કર્યે રાખજો, પણ પહેલાં રસ પીને સ્વાદનિર્ધારણ તો કરો. એટલે સાહેબલોકો કોઈ સાહિત્ય સંસ્થાની બહાર રહેલા શેરડીના રસની દુકાને જાય, જ્યાં સાહિત્યસંસ્થા કરતાં વધારે લોકો આવતા હોય. તે જોઈને સાહેબોને હાશ થાય કે જ્યાં સુધી શેરડીના સંચે આવે છે એટલા ટોળાબંધ લોકો સાહિત્ય સંસ્થામાં નથી આવતા, ત્યાં સુધી સાહિત્ય લોકપ્રિયતાની માઠી અસરોથી સલામત છે.

રસેચ્છુકોમાંથી બહારની દુનિયા સાથે પનારો પાડી જાણતા એક જણ કોને કયા પ્રકારનો રસ જોઈશે તેની પૂછપરછ કરે, તો તેમને ગૂંચવાડો થઈ શકે. કેમ કે, શેરડીના રસવાળાને બે પંડિત, એક ગાધી, ત્રણ આધુનિક ને અક અનુઆધુનિક રસ આપજે—એવું કહેવાય નહીં. ક્યારેક એવું પણ બને કે આદતવશ રસવાળાને એવો ઓર્ડર આપી દીધો, તો શેરડીનો સંચો ચલાવનાર જણ તેમને કહે, સાહેબો, શેરડીનો રસમાં યુગવિભાજનથી સૌંદર્યબોધ નિષ્પન્ન નહીં થાય. તેના માટે તમારે માપદંડો અને વિવેચનનાં ઓજાર બદલવાં પડશે. યુગલક્ષીને બદલે કૃતિલક્ષી અભિગમ અપનાવવો પડશે.

આ ભાષા સાંભળીને ચકિત થયેલા સાહેબો વધુ પૂછપરછ કરે, તે પહેલાં રસવાળો ઉપસ્થિત સાહેબોમાંથી એકાદને કહેશે, સાહેબ, ભૂલી ગયા? હું તમારો જ વિદ્યાર્થી હતો, પણ નોકરી માટે આપવાના થતા પચીસ-પચાસ લાખ રૂપિયા ક્યાંથી કાઢવા. એટલે આ સંચો શરૂ કર્યો છે. તમારે એકના એક કૂચા વર્ષોવર્ષ ચાલે. મારે તો સાહેબ દર વખતે નવી શેરડી નાખવી પડે છે. પણ તમારા આશીર્વાદથી ધંધો સારો ચાલે છે.

 --અને રસાસ્વાદને બાજુએ મૂકીને ક્ષેત્રવિવેચન શરૂ થઈ જાય.