Showing posts with label narendra modi us visit. Show all posts
Showing posts with label narendra modi us visit. Show all posts

Tuesday, June 14, 2016

વડાપ્રધાનની અમેરિકા-મુલાકાતનું સરવૈયું

વડાપ્રધાનની સોશ્યલ મિડીયા સેના અને તેમના આત્યંતિક ટીકાકારો-- આ બન્ને છેડા વડાપ્રધાનની અમેરિકા-મુલાકાતની ફળશ્રુતિ વિશે જાણવા માટે કામ લાગે એમ નથી. સંસદના સંયુક્ત ઉદ્‌બોધન દરમિયાન વડાપ્રધાને મેળવેલો પ્રતિસાદ ભક્તોને ભક્તિના મહાસાગરમાં હિલોળા લેવા માટે અને વિશ્વવિજયના ઘેલા ખ્યાલ સેવવા માટે પૂરતો લાગે છે. તેનાથી સાવ બીજા છેડે રહેલા લોકો કેટલાક વાસ્તવિક મુદ્દા આગળ કરીને તેમની ઉપલબ્ધિઓ નજરઅંદાજ કરે છે. આ બન્ને લાગણીથી છેટે રહીને, વિવિધ અહેવાલોને સામાન્ય સમજની એરણે ચડાવતાં શું દેખાય છે?

- ‘ન્યૂયોર્ક ટાઇમ્સજેવા એકંદરે મોદીવિરોધી અને નીતિવિષયક બાબતોમાં ક્યારેક ભારતવિરોધી વલણ ધરાવતા અખબારે તેના પહેલા પાને, અમેરિકાના સાંસદો ભારતીય વડાપ્રધાનના હસ્તાક્ષર માગતા હોય, એવી તસવીર પ્રકાશિત કરી. સંસદનાં બન્ને ગૃહોને કરેલા સંબોધનમાં વડાપ્રધાને તેમની વક્તૃત્વ-અભિનય કળાનો પરિચય આપ્યો અને સાંસદોને મુગ્ધ કરી દીધા. તેમના ભાષણમાં આદર્શોની, દુનિયાની બે મહાન લોકશાહીઓ અને તેમના ભાવિ સંબંધો વિશેની, પાકિસ્તાન-ચીન અંગેની વાતો ઉપરાંત શિષ્ટ રમૂજની છાંટ પણ દેખાઇ. આ ભાષણ બીજાએ લખી આપેલું હતું કે તેમણે ટેલીપ્રોમ્પ્ટર પરથી વાંચ્યું હતું કે તેમનું અંગ્રેજી બરાબર ન હતું-- એવી દલીલો જાતને છેતરવા જેવી છે. સાદી વાત એટલી હતી કે વડાપ્રધાન વક્તવ્યમાં છવાઇ ગયા. એ પરીક્ષામાં તેમના સોમાંથી સો માર્ક.

પરંતુ વક્તવ્યની  (એટલે કે તેમાં મળેલાં સ્ટૅન્ડિંગ ઓવેશનની-તાળીઓની) અભૂતપૂર્વતાને કારણેે દેશપ્રેમની-ગૌરવની હેલી ચઢી હોય, ‘જોયું બોસ? કેવો વટ્ટ પાડી દીધો...ગમે તે કહો, પણ માણસ દાદો છેઆવું જેમને લાગ્યું, એ સૌએ શાંત ચિત્તે સ્વ-મૂલ્યાંકન કરવા જેવું ખરું. કારણ કે આ મામલો પર્ફોર્મન્સ કહેતાં કામગીરીનો નહીં,  ‘પર્ફોર્મન્સકહેતાં અભિનય-વક્તૃત્વનો હતો. આ એક પેપરના માર્કના આધારે બીજાં બધાં પેપરોમાં પણ અહોભાવથી માર્ક આપવામાં આવે, તો સાચું મૂલ્યાંકન ન મળે.

- અમેરિકાના પ્રમુખે ન્યુક્લીઅર સપ્લાય ગ્રુપ (NSG)માં ભારતના પ્રવેશને સમર્થન આપ્યું. આ પણ વડાપ્રધાન મોદીના ઓબામા સાથેના સમીકરણને કારણે અને બન્ને દેશો વચ્ચેના દૃઢ થયેલા સંબંધોને આભારી છે. બાકી, વડાપ્રધાનની અમેરિકા મુલાકાત પહેલાં ન્યૂયોર્ક ટાઇમ્સેએક લેખમાં ભારપૂર્વક ભલામણ કરી હતી કે એનએસજીમાં દાખલ થવા માટે ભારત લાયક નથી. માટે અમેરિકાએ ભારતના એ માટેના દાવાને સમર્થન ન આપવું જોઇએ.

અલબત્ત, NSGમાં પ્રવેશ માટે ચીનને મનાવવું જરૂરી છે. અમેરિકાના પ્રમુખ આ બાબતે ચીન સાથે વાતચીત કરશે. ચીન માને છે કે નહીં તેની હવે ખબર પડશે. અત્યારે તો તેનું વલણ સદંતર વિરોધનું છે. મતલબ, વડાપ્રધાન ચીનમાં જઇ આવ્યા અને ત્યાં પણ તેમના વાવટા ફરકી ગયાનો પ્રચાર થયો, એ સાચો ન હતો. ભક્ત ન હોય એવા સૌએ થોડો નજીકનો ભૂતકાળ પણ યાદ કરી લેવો જોઇએ. વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે ભારતે કરેલા પરમાણુ પરીક્ષણ પછી અમેરિકાએ પરમાણુ ઊર્જાના મામલે ભારત પર અનેક પ્રતિબંધ લાદ્યા. મનમોહન સિંઘના વડાપ્રધાન બન્યાનાં થોડાં વર્ષમાં, તેમની સરકારના પ્રયાસો પછી, પરમાણુશક્તિ મુદ્દે અમેરિકા સાથે સંબંધનો દરવાજો ખુલ્યો. બન્ને દેશ વચ્ચે કરાર પણ થયા. ભારત ન્યુક્લીઅર સપ્લાય ગ્રુપનું સભ્ય ન હોવા છતાં તેને પરમાણુ ઊર્જાને લગતી સામગ્રી ખરીદવાનો હક મળ્યો. એ બાબતે અનેક વાંધા સહિત ચીનને પણ સંમતિ આપવી પડી હતી.
ભૂતકાળની ઘટના કરતાં વર્તમાનકાળની ઘટના--અને એ પણ આટલાં ઢોલત્રાંસા સાથે રજૂ થાય ત્યારે-- હોય એના કરતાં વધારે મહાન લાગતી હોય છે. ભવિષ્યમાં અમેરિકાના દબાણથી ચીન હાભણે અને ભારતને ન્યુક્લીઅર સપ્લાય ગ્રુપમાં પ્રવેશ મળે, તો એ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની નોંધપાત્ર સફળતા ગણાશે. ત્યાં સુધી, તેમની આંશિક સફળતાનો ઇન્કાર કર્યા વિના, યુપીએ સરકારની ઉપલબ્ધિ ભૂંસી શકાય એમ નથી. ગુજરાતની જેમ કેન્દ્ર સરકારમાં પણ બધું સાહેબે જ કર્યું ને તેમની પહેલાં બધું અંધારું હતુંએવી જૂઠી છાપ ફેલાવવાનું વડાપ્રધાનના ભક્તોએ છોડી દેવું જોઇએ. તેમના જેવા હોદ્દા માટે એ શોભાસ્પદ નથી.

- ભારત અને અમેરિકાએ પરસ્પરના અને વિશ્વના ભલા માટે સહયોગના રસ્તે આગળ વધવું જોઇએ અને ભારત-અમેરિકા દોસ્તી એશિયાથી આફ્રિકા સુધી, હિંદ મહાસાગરથી પ્રશાંત મહાસાગર સુધી શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સ્થાપી શકશે--આવી રાજદ્વારી કવિતાઓસાંભળવામાં બહુ સારી લાગે છે. વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરેલી આવી ભાવનાને દક્ષિણ-મધ્ય એશિયાનો હવાલો સંભાળતાં અમેરિકાનાં નાયબ ગૃહમંત્રી નિશા દેસાઇ-બિશ્વાલે મોદી ડૉક્ટ્રિનતરીકે ઓળખાવીને તેનું ગૌરવ કર્યું છે. આ પ્રકારના ડૉક્ટ્રિનએટલે કે સિદ્ધાંતમાં મુશ્કેલી અમલીકરણની હોય છે. દરેકે સાચું બોલવું જોઇએ...દેશોએ યુદ્ધ ન કરવું જોઇએ...આતંકવાદનો આપણે સાથે મળીને મુકાબલો કરવો જોઇએ’-- આવી સાત્ત્વિક વાતો મોટે ભાગે આચરણના બળ વગરની હોય છે. દ્વિપક્ષીય સંબંધોની વાત આવે ત્યારે (સ્વાભાવિક રીતે જ)  દેશો પોતપોતાનાં હિત જાળવવા ઇચ્છે અને એમ કરવા જતાં, જેની સાથે સહયોગની ગળચટ્ટી કવિતા કરી હોય તેનું અહિત થાય તો પણ પરવા ન કરે. સામેવાળાને ઓળઘોળ કરીને પોતાનું ધાર્યું કરાવી લેવું, એ ડિપ્લોમસીનું મુખ્ય કામ છે.

મનમોહન સિંઘે અમેરિકા સાથે પરમાણુ ઊર્જાને લગતા કરાર કર્યા ત્યારે, અમેરિકી કંપનીઓના સહયોગથી સ્થપાયેલા પરમાણુ વીજળી મથકોમાં અકસ્માત થાય, તો તેના માટે જવાબદારી કોની--એ મુદ્દો આડખીલીરૂપ બન્યો. ડૉ.સિંઘે એ મુદ્દે નમતું જોખ્યું નહીં. વડાપ્રધાન મોદી અમેરિકાની કંપનીઓને આ જવાબદારી સ્વીકારવાની ફરજ પાડે અને એ શરતે તેમને ભારતમાં લઇ આવી શકે, તો એ તેમની રાજદ્વારી કુનેહની જીત ગણાય. રાજદ્વારી ક્ષેત્રે થતી બધી સમજૂતીઓમાં, ફાઇન પ્રિન્ટ (વિગતવાર શરતો) જાણવા ન મળે, ત્યાં સુધી માપસરના રાજી થવું, પણ જયજયકારની મુદ્રામાં આવી જવું નહીં. એવું અત્યાર સુધીના બોધપાઠ કહે છે. વડાપ્રધાનની અમેરિકા-મુલાકાત નિમિત્તે થયેલી જાહેરાતો તેમાં અપવાદ નથી.


- સંસદ સમક્ષ વક્તવ્યમાં વડાપ્રધાને ભારતના વૈવિધ્યની અને વાણી-ધર્મની સ્વતંત્રતાની વાતો પણ કરી છે. વડાપ્રધાને કહ્યું કે ભારતીયો ભયથી સદંતર મુક્તિ અનુભવી રહ્યા છે.આ વાક્ય દાવો હોય તો એ જૂઠાણું છે અને વાયદો હોય તો એ આવકારદાયક છે. માટે એ સાંભળીને આનંદ થાય. સાથોસાથ એવી પણ અપેક્ષા રહે કે તે આ ભાવના પરદેશોમાં આપવાનાં ભાષણોમાં નહીં, દેશમાં કરવાના વ્યવહારમાં અમલમાં મૂકી બતાવે. તેમના શાસનના બે વર્ષના ટૂંકા ઇતિહાસમાં, તેમનું અને તેમની સરકારનું વર્તન અમેરિકાની સંસદમાં તેમણે વ્યક્ત કરેલી ભાવનાને અનુરૂપ જણાયું નથી. 

Thursday, October 09, 2014

ભારતીય વડાપ્રધાનોની અમેરિકા-યાત્રા

વર્તમાન વડાપ્રધાનની અમેરિકાયાત્રાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવા-સમજવા માટે અગાઉના ભારતીય વડાપ્રધાનોની અમેરિકાયાત્રાની ઝલક ઉપયોગી નીવડી શકે છે.

‘મહાન દેશની આઝાદ પ્રજાના આદરણીય નેતાને આવકાર આપવાનો લાભ મને મળ્યો છે...આપણા બે મહાન દેશો એકબીજાના  અને સમસ્ત માનવજાતના ફાયદા માટે, મૈત્રીપૂર્ણ અને ફળદાયી સહકાર અનેક રસ્તા ખોળી કાઢે એવી આશા રાખું છું.’

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ઉપરનાં વાક્યો કોને કયાં હતાં? હાલના ઉત્તેજનાભર્યા માહોલમાં તેનો જે જવાબ સૂઝે તે, પણ વાસ્તવમાં ઓબામાએ ભારતના તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘને ૨૦૦૯માં આ રીતે આવકાર આપ્યો હતો.

આંતરરાષ્ટ્રિય રાજકારણમાં, ખાસ કરીને લોકશાહી દેશો વચ્ચેના સંબંધ બે વ્યક્તિ નહીં, પણ બે દેશ વચ્ચેના હોય છે. દેશના વડાની વ્યક્તિગત લાક્ષણિકતાઓનું મહત્ત્વ ખરું, પણ મૂળભૂત રીતે એ વ્યવહાર બે દેશો વચ્ચેનો હોય છે. ભારત આઝાદ થયું ત્યારથી અમેરિકા સહિતના દેશોમાં ભારતના ચૂંટાયેલા નેતાને ચોક્કસ પ્રકારનાં માનપાન આપવાનો ધારો છે. દેશ પ્રમાણે અને તેના દરજ્જા પ્રમાણે ભારતના વડા માટે રખાતા પ્રોટોકોલ થોડાઘણા બદલાતા રહે, પરંતુ એ માન વડાનું મોં કે તેણે રોકેલી પી.આર. એજન્સી કે તેનું ડ્રેસિંગ કે તેની વાક્‌છટા જોઇને નહીં, પણ એ દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશનો ચૂંટાયેલો પ્રતિનિધિ છે, એ કારણથી મળતું હોય છે.

આઝાદી પછી તરતના નેહરુયુગમાં વાત જરા જુદી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામની સ્મૃતિઓ ત્યારે તાજી હતી. વડાપ્રધાન નેહરુ ખુદ આઝાદીના આંદોલનના અગ્રણી, જેલવાસ વેઠી ચૂકેલા, બૌદ્ધિક તરીકે જાણીતા. આ બધાં પરિબળો ઉપરાંત  રશિયાતરફી ઝુકાવ ધરાવતા ભારતને અમેરિકા ભણી આકર્ષવાનું કારણ પણ હોય. આ બધાને લીધે જવાહરલાલ નેહરુને અમેરિકામાં ભારે માનપાન મળતાં હતાં- અને એ ત્યાંના ભારતીયો દ્વારા સ્પોન્સર્ડ ન હતાં.

નેહરુ ૧૯૪૯, ૧૯૫૬, ૧૯૬૦ અને ૧૯૬૧ - એમ ચાર વાર અમેરિકાના સત્તાવાર પ્રવાસે ગયા અને અનુક્રમે ટ્રુમેન, આઇઝનહોવર તથા કેનેડી જેવા ત્રણ પ્રમુખો સાથે કામ પાડ્યું. ૪૪ વર્ષની વયે અમેરિકાના પ્રમુખ બનેલા કેનેડી નવા લોહીનું પ્રતીક ગણાતા હતા. પંડિત નેહરુની છેલ્લી અમેરિકાયાત્રા વખતે પ્રમુખ કેનેડી સજોડે રહોડ્સ આઇલેન્ડના ન્યુ પોર્ટ એરપોર્ટ પર વડાપ્રધાન નેહરુના સ્વાગત માટે ગયા હતા અને ત્યાંથી અમેરિકન પ્રમુખના ખાસ વિમાન ’એરફોર્સ વન’માં એ વડાપ્રધાન નેહરુ સાથે વોશિંગ્ટન પહોંચ્યા હતા. (મનમોહન સિંઘ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે અમેરિકા ગયા ત્યારે એરપોર્ટ પર તેમના સ્વાગત માટે અમેરિકાનો નાયબ પ્રધાન કક્ષાનો કોઇ હોદ્દેદાર પણ ફરક્યો ન હતો.)

John Kennedy with Prime Minister Nehru. Jackie Kennedy with Indira Gandhi
arriving at Washington DC airport

અમેરિકાના છેલ્લા સત્તાવાર પ્રવાસ વખતે પંડિત નેહરુએ અમેરિકાના પ્રમુખને વિનંતી કરી હતી કે તેમના માનમાં ‘મઘ્યકાલીન ભપકાબાજી’ ન કરવામાં આવે. એ મુલાકાત વખતે ૭૨ વર્ષના વડાપ્રધાન નેહરુનું શીડ્યુલ એટલું વ્યસ્ત હતું કે ‘વડાપ્રધાનને અચકનમાં રહેલું લાલ ગુલાબ બદલવાનો સમય પણ મળ્યો ન હતો.’ (‘ટાઇમ’, ૧૦-૧૧-૧૯૬૧)

પહેલી વાર ૧૯૪૯માં પંડિત નેહરુ વડાપ્રધાન તરીકે અમેરિકાના પ્રમુખ ટ્રુમેનના મહેમાન થઇને જવાના હતા ત્યારે તેમને  મૂંઝવણ હતી કે અમેરિકાના લોકો સમક્ષ કયો ચહેરો રજૂ કરવો? પાશ્ચાત્ય  રંગે રંગાયેલા બૌદ્ધિકનો? કે પછી ભારતીય નેતાનો? તેમના માટે એક પડકાર એ પણ હતો કે અમેરિકામાં મિત્ર તરીકે રજૂ થવાનું છે, પણ પોતાના મૂળભૂત (સમાજવાદી) વલણ સાથે કોઇ પ્રકારનું સમાધાન કર્યા વિના.

અમેરિકામાં નેહરુ બન્ને મુખ્ય પક્ષના નેતાઓ, ઉદ્યોગપતિઓ, કામદારો, સ્ત્રીઓ અને બીજા સંખ્યાબંધ લોકોને મળીને તેમને પ્રભાવિત કરી શક્યા. નેહરુ અમેરિકાના પ્રમુખને ‘મુક્ત વિશ્વના નેતા’ તરીકે સ્વીકારતા ન હતા અને એ બાબતે અમેરિકાના ગૃહખાતાને નેહરુ સામે કચવાટ હતો. છતાં, સરકારી તંત્ર સિવાયના અમેરિકાને- એટલે કે તેમાં વસતા એન.આર.આઇ. લોકોને નહીં, પણ અમેરિકાનાં વિવિધ જૂથોને- નેહરુ પ્રભાવિત કરી શક્યા.

વિદેશીઓને પ્રભાવિત કરવા માટે નક્કર કામગીરી જરૂરી નથી. થોડી અદા, થોડી વાચાળતા, થોડો પ્રભાવ અને થોડો અભિનય  આવડવાં જોઇએ. નેહરુમાં આ બધા ઉપરાંત બૌદ્ધિકતા પણ હતી. તેમ છતાં, રશિયા સાથેની નજદીકીના નેહરુ-વારસાને કારણે ભારત-અમેરિકાના સત્તાવાર સંબંધો ઉબડખાબડ રહ્યા.

ઇંદિરા ગાંધી પાકિસ્તાન સામે યુદ્ધ છેડવાના એક મહિના પહેલાં વડાપ્રધાન તરીકે અમેરિકાના પ્રવાસે ગયાં હતાં. એ તેમનો બીજો અને ભારતના કોઇ પણ વડાપ્રધાન માટે સૌથી કઠણ કહી શકાય એવો પ્રવાસ હતો. અમેરિકાના પ્રમુખપદે ત્યારે રિચાર્ડ નિક્સન બિરાજતા હતા અને તેમના જમણા હાથ જેવા ગૃહપ્રધાન હેન્રી કિસિન્જરનો દબદબો હતો. પાકિસ્તાન અને ચીનને પાંખમાં લેનારા નિક્સન અને તેમનું અમેરિકા ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં વચ્ચે આવે તે ભારતને પોસાય એમ ન હતું. ઇંદિરા ગાંધી વિદેશોમાં ફરીને ભારતની તરફેણમાં - અને હકીકતમાં પાકિસ્તાન સાથે ભારતના યુદ્ધની તરફેણમાં- વિશ્વમત ઊભો કરી રહ્યાં હતાં. તેમની હિલચાલોથી નિક્સનના પેટમાં તેલ રેડાતું હતું. ઇંદિરા ગાંધી નિક્સનને મળ્યાં ત્યારે નિક્સને તેમને પાકિસ્તાન સામે કોઇ જાતનાં લશ્કરી પગલાં ન લેવાં કહ્યું અને એવું થશે તો અમેરિકા વચ્ચે પડશે એવી આડકતરી ધમકી પણ આપી. છતાં ઇંદિરા ગાાંધીએ મહિના પછી યુદ્ધ છેડીને નિશ્ચિત સમયગાળામાં બાંગલાદેશને પાકિસ્તાનથી છૂટું પાડી દીઘું. સ્વતંત્રમિજાજી ઇંદિરા ગાંધી પર નિક્સન મનોમન કેવા ભડક્યા હશે તેનો અંદાજ આગળ જતાં જાહેર થયેલા દસ્તાવેજો પરથી આવી શકે છે. તેમાં નિક્સને ઇંદિરા માટે ચુનંદા શબ્દો વાપર્યા હતા. (તેમાંનો એક : ‘બુઢ્ઢી ડાકણ’)
Prime Minister Indira Gandhi with President Richard Nixon (Image : Corbis)

ઇંદિરા ગાંધીની મુત્સદ્દીગીરીની મહાન ફતેહ પછી પણ તેમનું મૂલ્યાંકન થાય ત્યારે તેમના રાજમાં પ્રસરેલો ભ્રષ્ટાચાર અને મૂલ્યોનું મોટા પાયે થયેલું ધોવાણ જ (વાજબી રીતે) યાદ કરવામાં આવે છે. બાકી, નિક્સનને ન ગાંઠેલાં ઇંદિરા ગાંધી કટોકટી પછીની ચૂંટણી હાર્યા પછી, ફરી એક વાર ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યાં ત્યારે તે અમેરિકાની મુલાકાતે ગયાં હતાં. ત્યારે પ્રમુખ રોનાલ્ડ રેગને વ્હાઇટ હાઉસની લોનમાં તેમનો સત્તાવાર સ્વાગત સમારંભ રાખ્યો હતો અને તેમના માનમાં ભોજન પણ રાખ્યું હતું. એ વખતે સાથે સંગીતનો કાર્યક્રમ પણ હતો, જેમાં ઑર્કેસ્ટ્રાનું સંચાલન ઝુબિન મહેતાએ કર્યું હતું. (અહીં મૂકેલી કેટલીક વિડીયો જુઓ)

(વડાપ્રધાન ઇંદિરા ગાંધીના માનમાં પ્રમુખ રેગને યોજેલો ભોજન સમારંભ, સાથે ઝુબિન મહેતાનું ઓરકેસ્ટ્રા સંચાલન)

વ્હાઇટ હાઉસના પ્રાંગણમાં સત્તાવાર સમારંભમાં વડાપ્રધાન ઇંદિરા ગાંધીનું સ્વાગત

અમેિરકાની નેશનલ પ્રેસ ક્લબમાં સવાલોના જવાબ આપતાં વડાપ્રધાન ઇંદિરા ગાંધી

વર્તમાન વડાપ્રધાન મોદીની અમેરિકાયાત્રા નક્કી થઇ ત્યારે પ્રસાર માઘ્યમોમાં એવા સમાચાર વહેતા થયા હતા કે તે અમેરિકાની સંસદ (કોંગ્રેસ)નાં બન્ને ગૃહોને સંબોધન કરશે અને એવું થાય તો તેમને મોટું માન મળ્યું ગણાશે. તેમને આવું ‘માન’ મળ્યું નહીં, એટલે હવે ભક્તો એની ચર્ચા કરતા નથી. પરંતુ હકીકત એ છે કે ભૂતકાળમાં રાજીવ ગાંધી (૧૯૮૫માં), નરસિંહરાવ (૧૯૯૪માં), વાજપેયી (૨૦૦૦માં) અને મનમોહનસિંઘ (૨૦૦૫માં) અમેરિકી સંસદની સંયુક્ત બેઠક સંબોધી ચૂક્યા છે.

Atal Bihari Vajpayee addressing joint session of
US congress
આ એવું ‘બહુમાન’ છે, જેનો ઔપચારિકતા સિવાય કશો અર્થ નથી. કેમ કે, આખી યાદી પર નજર નાખતાં જણાય છે કે મહાન લોકશાહી દેશ ભારતના જ નહીં, લાયબેરીઆ, લાત્વિઆ, આયર્લેન્ડ, રોમાનિયા જેવા દેશોના વડા પણ આવું ‘બહુમાન’ મેળવી ચૂક્યા છે. (પાકિસ્તાનના યાહ્યાખાન અને બેનઝીર ભુત્તો સંયુક્ત બેઠક સંબોધી ચૂક્યાં છે.) વડાપ્રધાન મોદીને આ ‘બહુમાન’ મળ્યું હોત તો તેમના ચાહકોએ એને કેવી મહાન ફતેહ ગણાવી હોત અને કેવો જયજયકાર કર્યો હોત એ કલ્પી શકાય એવું છે.

દાયકાઓ સુધી અમેરિકા-ભારત વચ્ચેના સત્તાવાર સંબંધ આપનાર-લેનાર વચ્ચેના હોય એવા હતા. નહેરુ ત્યાં જઇને ગમે તેટલાં છવાઇ જાય કે ઇંદિરા ગાંધી ગમે તેટલાં મજબૂત હોય, પણ તેનાથી અમેરિકાની સત્તાવાર નીતિ પર ભાગ્યે જ કશી અસર પડતી હતી. ભારતે કરેલા પરમાણુપરીક્ષણ પછી અમેરિકા સાથેના મદદના સંબંધ શીતયુગમાં પ્રવેશી ગયા. વડાપ્રધાન તરીકેની પહેલી મુદતમાં મનમોહનસિંઘે ડાબેરીઓની નારાજગી વહોરી લઇને ભારત-અમેરિકા વચ્ચે પરમાણુસંધિ કરી, તેનાથી બન્ને દેશો વચ્ચેના સંબંધમાં નવેસરથી ગરમાટો આવ્યો. ત્યાં લગીમાં અમેરિકાને પણ (ખાસ કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પછી) બહારની દુનિયાના અસ્ત્તિત્ત્વ વિશે જાણ થઇ હતી.

હવેનું અમેરિકા સુપરપાવર રહ્યું નથી. ‘અમેરિકાનો પ્રમુખ મુક્ત વિશ્વનો નેતા છે’ એવી માન્યતામાં ઓબામા પોતે ડગુમગુ હોવાનું કહેવાય છે. આમ સાતત્યપૂર્વક બદલાયેલી પરિસ્થિતિમાં ભારત-અમેરિકા વચ્ચેના સંબંધ નવા યુગમાં પ્રવેશી ચૂક્યા છે. વર્તમાન વડાપ્રધાન તેને હવે પછીના સ્વાભાવિક તબક્કામાં લઇ જાય તે અપેક્ષિત, ઇચ્છનીય અને શક્ય છે. પરંતુ લાંબા ગાળાની આ પ્રક્રિયાને પુખ્ત વયના નાગરિકની જેમ જોવાને બદલે, ‘મારા સાહેબ તો એટલા જોરદાર..એટલા જોરદાર..કે એમણે તો અમેરિકા જઇને ઓબામાને ચીત કરી દીધા’ એવી કાલીઘેલી મુગ્ધતામાંથી બહાર આવવાની જરૂર છે. ભારતીય તરીકેનું ખરું ગૌરવ એવી પુખ્તતામાં રહેલું છે.

Friday, October 03, 2014

મેડીસન સ્ક્વેર ગાર્ડન્સથી લાઇવ

અમેરિકા ગયા વિના, હાસ્યકારસહજ ‘સંજયદૃષ્ટિ’થી લખાયેલો વડાપ્રધાનના મેડીસન સ્ક્વેર ગાર્ડન્સ મેળાવડાનો કાલ્પનિક ‘જીવંત’ અહેવાલ.
***
વડાપ્રધાનના માનમાં યોજાનારા ભવ્ય સમારંભમાં ભાગ લેવા માટે ભારતીયો જમા થયા છે. તેમાં ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં છે. કાર્યક્રમ શરૂ થવાની થોડી વાર છે, પરંતુ મોટા ભાગના લોકો સ્ટેજ તરફ નહીં, આકાશ તરફ ડોકાં તાણીને ઊભા છે. કેટલાક લોકો એકબીજા સાથે વાત કરીને સ્વસ્થ દેખાવા પ્રયાસ કરે છે, પણ વચ્ચે વચ્ચે આકાશ ભણી નજર નાખી લે છે. ભારત પ્રત્યે લાગણી ધરાવતો એક અમેરિકન પણ સમારંભમાં આવ્યો છે. તે એક જૂથ નજીક પહોંચે છે. ત્યાં ચર્ચા ચાલી રહી છે.

અમેરિકન ગુજરાતી ૧ (પૂર્વ દિશાના આકાશમાં જોતાં જોતાં) : હું તમને ગેરન્ટીથી કહું છું, આ બાજુથી આવશે.

અ.ગુ.૨ : (પશ્ચિમ આકાશ પરથી નજર હટાવ્યા વિના) : સવ્વાલ જ નથી. આ બાજુથી જ આવે.

અ.ગુ.૩ : તમે લોકો અમેરિકામાં રહીને અભડાઇ ગયા...

અ.ગુ.૧ (ગીન્નાઇને) : અલ્યા, ગ્રીનકાર્ડ માટે અંડાગંડા તો તું કરતો હતો ને અભડાઇ ગયા અમે?

અ.ગુ.૩ : શાંત, ગ્રીનકાર્ડધારી ભીમ, શાંત. હું સંસ્કૃતિની વાત કરું છું. તમને આપણી સંસ્કૃતિનું ભાન હોત તો તમે પણ મારી જેમ ઉત્તર દિશાના આકાશમાંથી તેજપુંજ પ્રગટવાની રાહ જોઇને ઊભા હોત.

અમેરિકન : તમે લોકો આમ ડોકાં તાણીને શાની રાહ જુઓ છો? તમારા વડાપ્રધાનના વિમાનની?

અ.ગુ.૩ (અમેરિકનને ન સંભળાય એવા અવાજમાં) : આ ધોળિયા અક્કલબુઠ્ઠા જ રહ્યા. એને એમ છે કે આપણે વિમાન ભાળ્યું નથી. (મોટેથી જવાબ આપતાં) ના ભાઇ ના. અમારા વડાપ્રધાનને તમે ઓળખતા નથી. એ પોતે જ ઊડીને આવી શકતા હોય ત્યાં વિમાનનું શું કામ?

અમેરિકન : એટલે?

અ.ગુ.૧-૨-૩ : એટલે એમ કે અમારા વડાપ્રધાન કંઇ અમેરિકાના રાષ્ટ્રપતિ નથી કે વિમાનમાં ઉડીને જાય. એ તો સુપરમેન છે, સુપરમેન...જાતે જ ઉડીને આવે - નવરાત્રિના ઉપવાસ હોય ત્યારે તો  બળતણ પણ ન જોઇએ. હમજ્યા?

અમેરિકન : નો.

અ.ગુ.૧ : (મનમાં) ‘મારો બેટો ગુજરાતી ઝીંકે છે.’ (મોટેથી) નો હમજ્યા?

અમેરિકન : હું એમ કહું છું કે સુપરમેન કંઇ ફંક્શનમાં કે ફિલમ જોવા જાય તો ઉડતો ઉડતો ન જાય. એ તો કંઇક અરજન્સી જેવું હોય, કોઇને બચાવવાનો હોય તો જ...જરાક તો વિચારો...

અ.ગુ.૧-૨-૩ : ધોળીયે વાત તો મુદ્દાની કરી.

અ.ગુ.૪ : તમને એમ કે આપણી જોડે રહીને એનુંય...

(એવામાં ‘આવ્યા, આવ્યા’ ને ઝિંદાબાદ-મુર્દાબાદના પોકાર સંભળાય છે.અ.ગુ.૧-૨-૩ પોતાની જગ્યાએ ઊભા ઊભા, આગળનાં નામ સાંભળ્યા વિના મોટેથી ઝિંદાબાદ અને મુર્દાબાદના નારા ઝીલે છે. નારાબાજી પતી ગયા પછી...)

અ.ગુ. ૫ : અલ્યા આ ઝિંદાબાદ તો હમજ્યા કે મોદીસાહેબ, પણ મુર્દાબાદ કોણ?

અ.ગુ.૩ : ચૂંટણી વખતે હું અહીંથી ફંડ લઇને ઇન્ડિયા ગયો હતોે. એટલે મને ખબર છે. મુર્દાબાદ એટલે કોંગ્રેસ...

અ.ગુ.૪ : પણ અહીં તો કોંગ્રેસનો અર્થ ‘સંસદ’ થાય છે..

અ.ગુ.૧-૨-૩ : દોઢડાહ્યો થયા વિના મૂંગો મર. અહીં નાગરિકશાસ્ત્ર શીખવા નથી આયા.

અ.ગુ.૩ : બોલો, ભારતમાતાકીઇઇઇઇઇઇ

અમેરિકન : જેયયય.

અ.ગુ.૧-૨-૩ : જોયું? જોયો સાહેબનો પ્રભાવ? આ ધોળીયો પણ ભારતમાતાની જય બોલતો થઇ ગયો.

અ.ગુ.૪ : (અમેરિકનને) ભાઇ, તમે કઇ ખુશીમાં આ જે બોલાવી?

અમેરિકન : હું ઇન્ડિયા ગયો ત્યારે આ શીખી લાવ્યો હતો. બહુ મઝા આવે બોલવામાં...એયયય...જેયયય...

અ.ગુ.૩ : બસ, ફક્ત મઝા આવે એટલે?

અમેરિકન : તમારે ત્યાં પણ એવું જ નથી? બાકી, જેયય બોલાવનારા તમારા બધા લોકો દેશમાં રહીને દેશ માટે કામ કરતા હોત તો ભારત અમેરિકા ન થઇ ગયું હોત? તમારે અહીં શું કરવા આવવું પડત?

(અ.ગુ.૧-૨-૩ સાંભળ્યું-ન સાંભળ્યું કરે છે.)

અ.ગુ.૪ : મેં એવી અફવા સાંભળેલી કે આ ફંક્શનમાં સીઆઇએના માણસો ફરે છે... જે ‘ભારતમાતાકી જય’ બોલે એમના અમેરિકન પાસપોર્ટ જપ્ત કરીને એમને ભારત ડીપોર્ટ કરી દેવાના છે.

અ.ગુ.૧-૨-૩ : રબ્બીશ. એમના બાપનું રાજ ચાલે છે? આ ઇન્ડિયા નથી. અહીં તો કાયદાકાનૂન હોય છે. ‘સૂ’ કરી દઇશું તો લટકી રહેશે સોલના ભાવમાં દીકરાઓ...

અમેરિકન : ઇન્ટરેસ્ટિંગ...કાયદાના રાજની વાત આવે ત્યારે તમે અમેરિકન થઇ જાવ છો અને જેયય બોલાવવાની આવે ત્યારે...

અ.ગુ.૩ : બસ ભઇ, માપમાં રહેજે. તને ખબર છે? આજે અમારા સાહેબનું લાઇવ ટેલીકાસ્ટ છે- ઇતિહાસમાં પહેલી વાર...

અમેરિકન : કેમ? તમારા વડાપ્રધાન ગીત ગાવાના છે? ગીટાર વગાડવાના છે? ધર્મપ્રવચન આપવાના છે? કે પછી આજે એડવાન્સમાં ન્યૂ યર મનાવી લેવાના છે?

અ.ગુ.૩ : (મનમાં) વાહ, શું આઇડીયા આપ્યો છે ધોળીયાએ.(મોટેથી, ‘સાંભળો, સાંભળો’ની અદામાં) હું કહું છું કે આપણે આજના દિવસથી અમેરિકામાં વસતા ભારતીયો માટે કે પછી કમ સે કમ, અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે વિક્રમ સંવતની જેમ નવું કેલેન્ડર શરૂ કરવું જોઇએ : નરેન્દ્ર સંવત.  શું કહો છો?

અ.ગુ.૨ : આપણે સિક્કા તો પડાવી જ ચૂક્યા છીએ, હવે તેમના નામનો સંવત જાહેર કરી દઇએ...

અ.ગુ.૪ : અને એમને પગે પડીને વિનંતી કરીએ કે એ ભારતને રાજાશાહી જાહેર કરી દે, અમિતભાઇને તેમના પ્રધાન બનાવેે, ઓબામાને અંગુઠા પકડાવે, જિનપિંગને ઉઠબેસ કરાવે અને શક્ય હોય તો થોડા સમય પછી અમેરિકાનો વહીવટ પણ હાથમાં લઇ લે. આપણા જેવા કેટલા બધા લોકો એમની સાથે જ રહેવાના છે. બોલો, અમેરિકાના ભાવિ પ્રમુખ નરેન્દ્ર મોદીનીઇઇઇઇઇ...

અ.ગુ.૧-૨-૩ : બસ, વાંકું બોલવાની જરૂર નથી. એમાં ને એમાં જ દેશ અત્યાર સુધી પાછળ રહી ગયો.

અ.ગુ.૪ : તો અમેરિકાની પ્રજા કેવી રીતે આગળ આવી? આંખે પાટા બાંધીને નેતાઓની ભક્તિ કરીને ? (અમેરિકન તરફ જોઇને) પૂછો આને...

(અમેરિકન જતો રહ્યો હોય એવું લાગે છે. એટલે ચર્ચા અઘૂરી જ રહી જાય છે.)