Showing posts with label reservation. Show all posts
Showing posts with label reservation. Show all posts

Tuesday, May 17, 2016

સિવિલ સર્વિસ, મૅરિટ અને સમાનતા

ગુજરાતમાં પાટીદારોની અનામતમાગણીનું હજુ ઠેકાણું પડતું નથી ત્યારે, સિવિલ સર્વિસની દેશવ્યાપી પરીક્ષામાં એક દલિત વિદ્યાર્થીનીનો (વગર અનામતે) પહેલો નંબર આવે, ઘટના અનામતની ચર્ચાને ઘણી રીતે નવા વળાંક આપી શકે છે. યાદ કરી લઇએ કે પાટીદાર આંદોલનની એક માગણી 'અમને અનામત અથવા કોઇને નહીં' પ્રકારની પણ હતી. આવી માગણી કે રજૂઆત પાછળ એવો ખ્યાલ જવાબદાર હોય છે કે અનામત મૅરિટની વિરોધી છે અથવા અનામત સબળી ગુણવત્તાના ભોગે નબળી ગુણવત્તાને પોષે છે. પોતાની મૅરિટપ્રિયતાથી જાતે અભિભૂત એવા ઘણા ઉત્સાહીઓ અનામતના લાભાર્થીઓને 'અનામતીયા' કહેવાની હદે પણ જતા હોય છે. એમ કરીને તે મૅરિટપ્રેમ કરતાં પોતાના મનમાં રહેલો જ્ઞાતિદ્વેષ અથવા સંવેદનશીલતાનો અભાવ વધારે છતો કરે છે.

UPSCની પરીક્ષામાં પહેલો નંબર લાવનાર ટીના પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થીની છે, જે શાખાના એક ચર્ચાસ્પદ વિદ્યાર્થી આજકાલ દેશના વડાપ્રધાન છે અને જેમની ગ્રેજ્યુએશન અને માસ્ટર્સની ડિગ્રી વિશે ઘણી શંકાઓ થઇ. સાચી છે કે નહીં, એના કરતાં વડાપ્રધાન વિશેની આવી શંકા લોકોને સાચી લાગી શકે છે, વધારે અગત્યનું ગણાવું જોઇએ. વડાપ્રધાન બનતાં પહેલાંનાં 'પ્રેરક પ્રવચનો'ની શ્રેણીમાં નરેન્દ્ર મોદી જ્યાં ભાષણ કરી આવ્યા હતા, લેડી શ્રીરામ કૉલેજમાંથી ટીનાએ ગ્રેજ્યુએશન કર્યું. માતાપિતા બન્ને ભણેલાં, નોકરી કરતાં હતાં. તેમણે ટીનાને પહેલેથી સાનુકૂળ વાતાવરણ આપ્યું. એટલે, તેજસ્વી ટીનાને ભેદભાવમુક્ત અને પૂરતી તકોવાળું મોકળું મેદાન-- જ્ઞાતિની દૃષ્ટિએ ખરા અર્થમાં 'લેવલ પ્લેયિંગ ફિલ્ડ' મળ્યું.

દલિતોને યોગ્ય તક મળે તો આગળ આવી શકે છે, એવું અલગથી પુરવાર કરવાની જરૂર નથી. ઉચ્ચતમ રાજકીય (રાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ) અને બિનરાજકીય (સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, યુજીસીના અધ્યક્ષ) હોદ્દા પર દલિતો રહી ચૂક્યા છે વાત કરીએ તો પણ, વેપારઉદ્યોગથી માંડીને લેખન જેવાં ક્ષેત્રોમાં યોગ્ય તક મળી ત્યારે--અને ઘણી વાર તો તક મળી હોવા છતાં-- દલિતોએ નામ કાઢ્‌યું છે. 'દલિત કરોડપતિ' હવે વદતોવ્યાઘાત (પરસ્પર વિરોધી શબ્દપ્રયોગ) ગણાતો નથી. તેમ છતાં, બિનદલિતોનો એક નોંધપાત્ર વર્ગ દલિતોને મૅરિટ સાથે સાંકળવામાં મુશ્કેલી અનુભવે છે.

અનામતની અને દલિતોની વાત આવે એટલે તરત તેમની પાસે ઑપરેશન દરમિયાન પેટમાં કાતર ભૂલી ગયેલા દલિત ડૉક્ટરની કથા હાથવગી હોય છે. આવી કથા (અથવા તો આશંકા) વખત પહેલાં ક્યાંક સાંભળી હોય તો પણ મનમાં જ્ઞાતિ સાથે, બલ્કે જ્ઞાતિને લીધે, બરાબર ચોંટી ગઇ હોય છે. બીજી જ્ઞાતિના ડૉક્ટરોની અણઆવડતની કે અપલક્ષણોની વાત આવે ત્યારે વ્યક્તિની ખાસિયત તરીકે મનમાં નોંધાય છે--તેના આધારે આખી જ્ઞાતિનાં પ્રમાણપત્રો ફાડવામાં આવતાં નથી. આવા ઉત્સાહીઓ પાસે 'અનામતવાળા સાહેબો'ની ભ્રષ્ટાચારની કથાઓ હાથવગી હોય છે. ભ્રષ્ટાચાર જેવી બાબત જ્ઞાતિની નહીં, પણ મનુષ્યના સ્વભાવની લાક્ષણિકતા છે, આટલી સાદી વાત પણ ઘણી વાર જ્ઞાતિદ્વેષથી પ્રેરિત ઉત્સાહમાં ચૂકી જવાય છે.

તેમની તકલીફ સમજાય એવી છે. કારણ કે તેમની મૅરિટની વ્યાખ્યામાં ગરબડ છે. તેમના માટે મૅરિટ એટલે માર્કશીટમાં મેળવેલા માર્ક, જે વ્યક્તિની આવડત કે પ્રતિભા કે ગુણવત્તાનું એકમાત્ર પ્રમાણ છે. દલિત કે આદિવાસી ઉમેદવારના ટકા ઓછા એટલે ઓછો ગુણવત્તાવાળો અને તેમની સરખામણીમાં વધારે ટકા લાવનારા કહેવાતા ઉજળીયાત ઉમેદવારો ચડિયાતી ગુણવત્તાવાળા--આવું સાદું સમીકરણ તે બેસાડે છે. પરંતુ વિદ્યાર્થીના માર્ક પાછળ કેટકેટલાં બીજાં પરિબળ કામ કરે છે, સમજવાની ભાગ્યે કોઇને જરૂર કે ફુરસદ લાગે છે.

આ પરિબળોમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં ઓછી તકો અને ગરીબીને કારણે સંસાધનોના અભાવ જેવી બાબતો જ્ઞાતિથી પર છે. તે કોઇ પણ જ્ઞાતિના વિદ્યાર્થીને એકસરખી નડી શકે છે. પરંતુ દલિત હોવાનો સામાજિક ધબ્બો અને તેના કારણે રોજબરોજના જીવનમાં વેઠવાની આવતી અસમાનતા વ્યક્તિના આત્મવિશ્વાસના મૂળમાં ઘા કરનારી નીવડી શકે છે.

જ્ઞાતિઆધારિત ભેદભાવોનું પોટલું માથે લઇને દોડતા અને પોટલાના બોજ વગરના લોકો વચ્ચે દોડની સ્પર્ધા હોય અને તેમાં'હું તો વીર મૅરિટવાળો. હું બીજું કશું જાણું. મારે તો જે પહેલા ત્રણ લાઇન પાર કરે તેમને વિજેતા જાહેર કરવા પડે. મૅરિટ સાથે હું કશી બાંધછોડ કરી શકું'-- આવું વલણ વ્યક્ત કરવામાં આવે, તો 'મૅરિટ'ના ખ્યાલ વિશે શું કહેવું?

ભણતર, અનામતને કારણે મળેલી થોડીઘણી નોકરીઓ અને કેટલીક સંસ્થાઓના પ્રયાસોથી આવેલી કાયદાકીય જાગૃતિના પરિણામે દલિતોની નવી પેઢી માથું ઊંચું કરતી થઇ છે. સંઘર્ષના પ્રસંગો પણ બને છે. આવા થોડા કિસ્સામાં, દલિતોની નવી પેઢી પાસે (બીજી કોઇ પણ જ્ઞાતિની નવી પેઢીની જેમ) તકો મર્યાદિત છે, જે તેમને ઘણા કિસ્સામાં આસપાસના સમાજ સાથે સંઘર્ષ કરતાં કરતાં મેળવવાની રહે છે.

દલિત યુવતી UPSCની પરીક્ષામાં પહેલા નંબરે આવે કે મૅરિટ લીસ્ટમાં જનરલ- SCના કટ ઑફ માર્ક (પ્રવેશ માટે જરૂરી લઘુતમ માર્ક) વચ્ચેનો તફાવત ઓછો થતો જાય, એની હવે નવાઇ નથી. જનરલ- SCના કટ ઑફ માર્ક એક સરખા થઇ જાય, પણ બહુ દૂરની વાત લાગતી નથી. તેનો શો અર્થ થાય? એક અર્થ એવો કે દલિતોમાં થોડા વિદ્યાર્થીઓને તેજસ્વીતા ઉપરાંત આર્થિક-સામાજિક દૃષ્ટિએ (કોઇ મોટા) ભેદભાવ વગરનું 'લેવલ પ્લેયિંગ ફિલ્ડ' મળવા લાગ્યું છે. એટલે તેમની ટકાવારી જનરલ કૅટેગરીની હારોહાર આવી ગઇ છે. વાતને એવી રીતે પણ ઘટાવી શકાય કે આવા દલિત વિદ્યાર્થીઓને અનામતની જરૂર રહી નથી અને તેમણે લાભ એવા દલિત વિદ્યાર્થીઓ માટે રહેવા દેવો જોઇએ, જેમને હજુ ભેદભાવનાં પોટલાં માથે લઇને દોડવાનું છે. જે દલિતો અનામતના પ્રખર સમર્થક હોય તેમણે દલિતોમાં સૌથી જરૂરતમંદ સુધી અનામતનો લાભ પહોંચે અને પૈસાદાર દલિતોનાં, સામાજિક ભેદભાવનો નહીંવત્‌ અનુભવ કરનારાં સંતાનો અનામતના લાભ લઇ જાય, તે માટે જાગૃતિઝુંબેશ ઉપાડવી જોઇએ.

અનામત થકી દલિતો-આદિવાસીઓનું શિક્ષણ-નોકરીઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ થઇ જાય, તો ડૉ.આંબેડકરનું એક સ્વપ્ન સાકાર થયું ગણાય. પરંતુ ગાંધીનું સ્વપ્ન ત્યાર પછી પણ બાકી રહે છે. કારણ કે તેમાં ફક્ત આંકડાકીય પ્રતિનિધિત્વની નહીં, 'હૃદયનાં કમાડ ઉઘાડવાની' વાત છે. કાયદાથી કોઇનું અપમાન કરવા કહી શકાય ને માનનારને દંડિત કરી શકાય, પણ બીજાની સાથે માણસ જેવા માણસ જેવો વ્યવહાર કરવાનું સામાજિક જાગૃતિ-સભાનતા-સંવેદનશીલતા થકી શક્ય બને.

Tuesday, May 10, 2016

મધ્યમ વર્ગને અનામત : અંધેરી નગરી

રાજકીય પક્ષો માટે અનામત સામાજિક નિસબતનો કે અસરકારક અમલનો નહીં, કેવળ ને કેવળ રાજકારણનો મુદ્દો હોય છે. ભાજપ દ્વારા કરવામાં આવેલી ૧૦ ટકા અનામતની અવિચારી અને બેજવાબદાર જાહેરાત તેનું વધુ એક ઉદાહરણ છે.

બંધારણમાં આર્થિક પછાતપણાના આધારે અનામતની કોઇ જોગવાઇ નથી, એ પાયાની વાત છે. છતાં, બંધારણના હાર્દની અવગણના કરવાની રાજકીય પક્ષોની-સરકારોની સ્ટાઇલ પ્રમાણે, ઘડીભર એ મુદ્દો બાજુ પર રાખીએ. તો પણ, બિનઅનામત વર્ગો માટે અનામત માગનારા એ વાતે સંમત હોય છે કે ફક્ત ગરીબોને અનામત મળવી જોઇએ.

પરંતુ ભાજપની વર્તમાન નેતાગીરીએ આ બાબતમાં અભૂતપૂર્વ બેશરમી બતાવી છે. બિનઅનામત જ્ઞાતિઓના ગરીબો માટે અનામતનું ઠેકાણું પડતું ન હોય, ત્યાં ભાજપે હનુમાનકૂદકો મારીને સીધી મધ્યમ-ઉચ્ચ મધ્યમ વર્ગ માટે અનામતની જાહેરાત કરી દીધી છે. ૧૦ ટકા અનામતની જાહેરાતમાં વાર્ષિક આવકમર્યાદા રૂ.૬ લાખ રાખવામાં આવી છે. એટલે કે, મહિને રૂ.૫૦ હજારની માસિક આવક ધરાવનાર પરિવારનાં સંતાનો ૧૦ ટકા અનામત માટે લાયક બની જશે. આ અનામતને EBC-ઇકૉનૉમિકલી બૅકવર્ડ ક્લાસ માટેની નહીં, EMC-ઇકૉનોમિકલી મિડલ ક્લાસ માટેની ગણવી પડે. મિડલ કલાસને બીજા કોઇ પણ માપદંડ વિના, કેવળ મિડલ ક્લાસ હોવા બદલ અનામત આપવાનો કદાચ આ પહેલો દાખલો હશે.

જૂની રમુજ પ્રમાણે, એક શ્રીમંત બાળકને ગરીબ વિશેનો નિબંધ લખવાનો આવ્યો ત્યારે તેણે લખ્યું હતું કે એક માણસ બહુ ગરીબ હતો. એનો ડ્રાયવર પણ ગરીબ હતો ને એનો માળી પણ ગરીબ હતો.ભાજપી નેતાઓની ગરીબી વિશેની સમજ એનાથી કેવી રીતે જુદી ગણાય? કૉંગ્રેસના નેતાઓ તો વળી આ બાબતમાં તેમનાથી પણ ચડી ગયા. કૉંગ્રેસપ્રમુખે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે તેમની માગણી વર્ષે રૂ.૧૨ લાખની આવકમર્યાદાની છે. એટલે કે, કૉંગ્રેસ મહિને એક લાખ રૂપિયાની આવક ધરાવતા ધનિક વર્ગનાં સંતાનોને અનામતનો લાભ આપવા માગે છે--અને પછી એવું પણ ઇચ્છે છે કે લોકો તેને ભાજપની બી-ટીમને ગણવાને બદલે ગરીબોના હિત માટે કામ કરતી પાર્ટી ગણે. ભાજપનો પગ તો પાટીદાર આંદોલનના કુંડાળામાં પડી ગયો છે. એટલે એ બહાર નીકળવા માટે સાનભાન ભૂલીને મરણિયા પ્રયાસ કરે છે. પણ કૉંગ્રેસી નેતાગીરી કેમ મધ્યમ-ઉચ્ચ મધ્યમ વર્ગને અનામત આપવાના વરઘોડામાં જોડાઇ ગઇ છે?

છ લાખની આવકમર્યાદાવાંચીને બે ઘડી એવું લાગે કે આપણને ખોટું વંચાય છે--આપણી આંખો બરાબર નથી કાં આ લોકોનાં દિમાગ. પછી સમજાય કે આ નેતાઓનાં દિમાગમાં પોતાના ગરીબ દેશવાસીઓના હિતનો ખ્યાલ નહીં, સંકુચિત રાજકીય ગણતરીઓ ભરેલી છે. એટલે જ, તેમને અસમાનતાની વધી રહેલી ખાઇની ચિંતા નથી, પણ મહિને પચાસ હજાર રૂપિયાની નિરાંતવી આવક ધરાવતા લોકોના આર્થિક પછાતપણાની અને તેમની મુશ્કેલીઓની ચિંતા થાય છે. સરકારી યોજનાઓના ફાયદા જોઇતા હોય તો આવક ગરીબીરેખાની નીચે હોવી જોઇએ, પણ શિક્ષણમાં અનામત જોઇતી હોય તો મહિને પચાસ હજાર રૂપિયા સુધીની આવકનો વાંધો નહીં. ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાંવાળી અંધેરી નગરીની કવિતા દલપતરામે ગાંધીનગરને ધ્યાનમાં રાખીને લખી હશે?

અનામતની વાસ્તવિકતા એવી છે કે ઘણા કિસ્સામાં તેનો લાભ સાધનસંપન્ન લોકો લઇ જાય અને જેમને અનામત જેવા બાહ્ય ટેકાની ખરેખર જરૂર હોય એવા લોકો તેનાથી વંચિત રહી જાય. દલિતો માટેની અનામતમાં પણ કંઇક અંશે આવું બને છે. અનામતનો લાભ લેનાર આર્થિક રીતે આગળ આવે, ત્યાર પછી તેમને એવો વિચાર નથી આવતો કે હવે મારા કરતાં બહુ ઉતરતી આર્થિક સ્થિતિ ધરાવતા મારા સમાજના લોકો માટે હું અનામતનો લાભ રહેવા દઉં. દલિતોમાં પણ દલિત કહેવાય એવા વાલ્મિકી સમાજને અનામતનો ઓછામાં ઓછો લાભ મળ્યો છે. એવું જ અન્ય પછાત જ્ઞાતિ (ઓબીસી)માં પણ મોટા પાયે થાય છે ને બિનઅનામત જ્ઞાતિઓ પણ થશે: એ જ્ઞાતિના સમૃદ્ધ લોકોનાં સંતાન અનામતનો લાભ મેળવવા માટે વધારે સજ્જહશે. માટે, એ જ્ઞાતિના ગરીબ લોકોને અનામતના લાભ માટે પણ પોતાનાથી ચડિયાતી આર્થિક સ્થિતિના લોકો સાથે સંઘર્ષ કરવાનો રહેશે.

પરંતુ આ બધી તો કલ્પનાઓ થઇ. સૌથી મહત્ત્વની વાત એ છે કે અનામતનું ઓજાર આર્થિક સમાનતા આણવા માટેનું નથી. તે સામાજિક અસમાનતાથી થતો અન્યાય હળવો કરવા માટે છે. સામાજિક રીતે પછાત સમુદાયોને મુખ્ય ધારામાં ભેળવવાની તકો ઊભી કરવી અને એ માટે તેમને શિક્ષણ-નોકરીમાં માફકસરનું પ્રતિનિધિત્વ મળે એ અનામત પાછળનો મુખ્ય આશય છે. અનામતથી આર્થિક અસમાનતા દૂર કરવાની કોશિશ એ પ્રયોગશાળાની કસનળીથી ગામની પાણીની ટાંકી ભરવા જેવી ચેષ્ટા છે.
શિક્ષણ અને નોકરીમાં અનામત માટેની હુંસાતુંસીમાં આખી સમસ્યાના મૂળ કારણની વાત બાજુ પર રહી જાય છે. શિક્ષણ બેહિસાબ મોંઘું થઇ ગયું હોય, તો તેનો અમાનવીય ભાવવધારો કાબૂમાં રાખવાની સરકારની ફરજ છે. એમાં સરકારો નિષ્ફળ ગઇ છે, બલ્કે રાજકીય મેળાપીપણાથી જ સૅલ્ફ ફાયનાન્સ્ડ કૉલેજોને જાણે લૂંટ ચલાવવાનો પરવાનો મળી ગયો છે. મોંઘી ફી પોસાતી ન હોય એવી આર્થિક સ્થિતિ ધરાવતા બિનઅનામત જ્ઞાતિઓના લોકો (જેમ કે પાટીદારો) આખી સમસ્યાનો હલ અનામતમાં જુએ છે અને પોતાની મુશ્કેલીઓ માટે સરકારને નહીં, પણ અનામત મેળવતી જ્ઞાતિઓને વિલન ગણે છે. શિક્ષણ પોસાય એવું હોય અને પૂરતા પ્રમાણમાં બેઠકો હોય તો બિનઅનામત વર્ગોને અનામત માગવાનો પ્રશ્ન જ ક્યાં રહે? (સિવાય કે એ માગણી પાછળનાં રાજકીય કારણ હોય)

રહી વાત નોકરીમાં અનામતની. એ ફક્ત સરકારી નોકરીઓમાં જ મળે છે--પણ સરકારી નોકરીઓ હવે છે ક્યાં? સરકારી ભરતી પાંખી અને છૂટીછવાયી થાય છે. જેમને દાયકાઓથી અનામત મળેલી છે, એવી જ્ઞાતિઓની ભરાયા વગર પડી રહેલી જગ્યાઓનો--બૅકલોગનો-- પાર નથી. એટલે, નોકરીમાં અનામત માટે બિનઅનામત જ્ઞાતિઓની માગણીમાં સમજ ઓછી ને દેખાદેખી વધારે છે. એ લોકો એવા લાડુમાંથી પોતાનો ભાગ માગી રહ્યા છે, જેનો હવે થોડો ભૂકો માંડ રહ્યો છે.


છેલ્લે એક અગત્યની આડવાત : અનામતનો લાભ ન મેળવતી જ્ઞાતિઓ માટે સવર્ણજેવો શબ્દ છૂટથી વપરાય છે. વાસ્તવમાં આઝાદ ભારતમાં બંધારણનો અમલ થયા પ્રમાણે કોઇ સવર્ણ ને કોઇ અવર્ણ (ચાર વર્ણની બહારનું) નથી. સવર્ણોમાં વર્ણવ્યવસ્થાની (એટલે કે હિંદુ ધર્મની) બહારના લોકોનો સમાવેશ થાય કે નહીં, એ પણ ગુંચવાડો થઇ શકે છે. 

Tuesday, April 19, 2016

પાટીદાર આંદોલન : વાસ્તવતપાસ

ફરી એક વાર પાટીદાર અનામત આંદોલને ઉથલો માર્યો, મોબાઇલ ઇન્ટરનેટ બંધ થયું, તોફાન થયાં, ગુજરાતબંધનું એલાન અપાયું. આ સ્થિતિમાં સરકાર કે પાટીદાર બેમાંથી એકેય પક્ષ પ્રત્યે દુર્ભાવ રાખ્યા વિના, કેવળ નાગરિક તરીકે  શું દેખાય છે-સમજાય છે?
  • આંદોલનકારીઓ હાર્દિક પટેલને છોડી મૂકવાની માગણી કરી રહ્યા છે. હાર્દિક પટેલ પોલીસચોકીમાં એક ખૂણે બેસાડી રખાયેલો કોઇ શકમંદ નથી. તેની સામે રાજદ્રોહનો આરોપ છે અને એને લગતો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે. બે ઘડી માટે આરોપીનું નામ ભૂલી જાવ અને વિચારો : ધારો કે એક માણસ સામે ખોટો આરોપ લગાડી દેવાયો છે, તેની સામે અદાલતમાં કેસ ચાલુ છે અને સુનાવણી થઇ રહી છે. એ વખતે દેખાવકારીઓ અદાલતી કાર્યવાહી અભરાઇ પર ચડાવીને, આરોપીને બારોબાર છોડી મૂકવાની માગણી મૂકે, તો એ માગણી કેવી કહેવાયહાર્દિક પટેલના કિસ્સામાં એવું જણાય છે કે વાત પોલીસ અને સરકારની પહોંચની પણ બહાર નીકળી ચૂકી છે. પરંતુ ધારો કે, સરકાર કોઇક રીતે પોતાની પહોંચ વાપરીને, અદાલતી કાર્યવાહીની અધવચે આરોપીને છોડી મૂકે, તો એ કેવું કહેવાય? એમાં મુખ્ય મંત્રીની કે શાસકપક્ષની આબરૂનો નહીં, કાનૂની પ્રક્રિયાની વિશ્વસનિયતાનો સવાલ ન ઊભો થાય?
  • મુખ્ય મંત્રીએ એ મતલબનું કહ્યું કે આવાં આંદોલન તો થયા કરે, સરકારનું કામ લોકોની સેવા કરવાનું છે.વાત તો સાચી, પણ અડધી સાચી. સરકારનું કામ લોકોની સેવા કરવા ઉપરાંત માગણીના વાજબીપણા વિશે વિચાર્યા વિના ઉભાં થતાં આંદોલનોને ફેલાતાં અટકાવવાનું પણ છે. પાટીદાર અનામત આંદોલન તણખાસ્વરૂપ હતું ત્યારે સરકાર ગાફેલ રહી. પછી ભોંયમાંથી ભાલો ઉગે એમ અચાનક હાર્દિક પટેલ નામનો નેતા ઉભો થયો અને પાટીદાર સમાજને શક્તિપ્રદર્શનોના રસ્તે દોરવા લાગ્યો. ત્યારે સરકારે સહકારી મુદ્રા ધારણ કરી. સંઘર્ષ ટાળવાના નામે જાણે અનુકૂળતાઓ કરી આપી. એ તબક્કે કડકાઇથી કે દમનથી નહીં, પણ મક્કમતાથી અને કુનેહથી કામ પાડવામાં આવ્યું હોત, તો હાર્દિક પટેલ રાજદ્રોહનો આરોપી ન હોત અને પાટીદાર આંદોલન જામતાં પહેલાં વિખેરાઇ ગયું હોત.
  • હવે મુખ્ય મંત્રી શાંતિની અપીલો કરે છે અને શાંતિ સ્થાપવા માટે આકરી પોલીસ કાર્યવાહીઓ કરવી પડે છે. તેમાં હંમેશાં પ્રમાણભાન જળવાતું નથી અને અનામત આંદોલનમાં પોલીસદમનના વિરોધ જેવા નવા મુદ્દા ઉમેરાતા રહે છે. પરંતુ ગુજરાતમાં ભાજપની સફળતાનું મોટું શ્રેય જેમ કૉંગ્રેસને (તેની નિષ્ક્રિયતા કે બિનઅસરકારકતાને) જાય છે, તેમ પાટીદાર આંદોલનની સફળતા અને અત્યારે પકડાયેલી ગંભીરતાનું ઘણું શ્રેય સરકારની અનિર્ણાયકતાને અથવા આંદોલનના આરંભે તેની સાથે પનારો પાડવામાં કરેલી ભૂલોને જાય છે. દુઃખ એ વાતનું છે કે ભૂલ (અણઆવડત) સરકારની, પણ તેનાં માઠાં પરિણામ અનેક નિર્દોષ નાગરિકોએ વેઠવાનાં આવ્યાં છે.
  • પાટીદાર આંદોલનકારીઓે સંખ્યા અને ખાસ તો સંસાધનો-સમૃદ્ધિના બળે સરકારનું કાંડુ મરોડી રહ્યા છે. તેમની અને સરકારની વચ્ચેના સંવાદમાં ફક્ત મોં વપરાય છે. કાનનો ઉપયોગ થતો નથી. એટલે પાટીદારો ફક્ત સરકારની જ નહીં, બીજા લોકોની પણ એકેય વાત સમજવા તૈયાર થતા નથી. અનામતનો આધાર આર્થિક નથી, પાટીદારોનું પ્રતિનિધિત્વ તેમની વસતીના પ્રમાણમાં ઓછું કે અપૂરતું નથી, પાટીદારોને થતો અન્યાયબોધગમે તેટલો વાસ્તવિક અને સાચો હોય તો પણ એ પાટીદારહોવા બદલ નહીં, ‘વિકાસની એકંદર તરાહને લીધે થાય છે અને અનામત એવા અન્યાયને દૂર કરવાની વ્યવસ્થા નથી, સરકારનું નાક દબાવીને મેળવેલી અનામત ઝાઝું ટકતી નથી-- સર્વોચ્ચ અદાલત તેને ગેરબંધારણીય ગણાવીને ફગાવી કાઢે છે...આવાં ઘણાં સત્યો સામે આંદોલનકારીઓનું એક ઊંહુંઆવે એટલે વાટાઘાટો કે વાતચીત સમાપ્ત થઇ જાય છે.
  • અત્યારના આંદોલનની બે સંભાવના છે : કોઇ પણ રીતે હાર્દિક પટેલ છૂટી જાય અથવા યોગ્ય અદાલતી કાર્યવાહી પછી તે રાજદ્રોહના ગુનામાં ગુનેગાર ઠરે. હાર્દિક પટેલ છૂટી જશે તો એ પણ આગળ જણાવેલી એકેય સચ્ચાઇ સ્વીકારશે નહીં અને પોતાની જિદની તીવ્રતા વધારી મૂકશે, એવું અત્યારના વાતાવરણ પરથી લાગે છે. એ સ્થિતિમાં આંદોલન અને અશાંતિ વધશે. તેને ઠારવા માટે સરકાર (હરિયાણાની જેમ) વિધાનસભામાં ખરડો પસાર કરીને અલગ અનામત આપે, તો એ ફક્ત પાટીદારોને નહીં, બધા કહેવાતા ઉજળિયાતોને તેમાં હિસ્સો મળશે. પરંતુ, આ રીતે મળેલી અનામત સામે અદાલતમાં કકળાટ ચાલુ રહેશે. અગાઉ એકથી વઘુ કિસ્સામાં અદાલત દબાણને વશ થઇને કે સમુદાયોના તુષ્ટિકરણ માટે અપાયેલી અનામતો નાબૂદ કરવાના ચુકાદા આપી ચૂકી છે. એટલે, આ વિકલ્પમાં સરકાર તરફથી અનામત મળી જાય તો પણ છેલ્લી લડાઇ અદાલતમાં લડવાની આવશે. તેમાં પાટીદારોને જીત મળવાની સંભાવના પાંખી છે.
  • બીજો વિકલ્પ છે : હાર્દિક રાજદ્રોહના આરોપમાં ગુનેગાર ઠરે અને તેનો જેલવાસ લંબાય. એ સંજોગોમાં હાર્દિકને છોડી મૂકવાથી માંડીને અનામતની માગણી સાથે આંદોલન કરવામાં આવે, તો એમાં પણ આંદોલનકારી પાટીદારોને છેવટે અદાલત સામે ભીડાવાનું આવશે. આમ, બન્ને કિસ્સામાં છેલ્લો મુકાબલો અદાલતમાં હોવાથી, પાટીદારો સરકાર સામે જીતેતો પણ એ જીતનો વાસ્તવમાં શો અર્થ સરે, એ મોટો સવાલ. તેમનો પ્રેરિત કે સ્વયંસ્ફુરિત ઇરાદો મુખ્ય મંત્રીનું આસન અને શાસન ડગુમગુ કરવાનો હોય, તો એ ક્યારનો પાર પડી ચૂક્યો છે.  પરંતુ વર્તમાન રાજકીય ગણિતો પ્રમાણે ૨૦૧૭ની ચૂંટણી સુધી ગુજરાતમાં મુખ્ય મંત્રીની ખુરશી પર પરિવર્તન થવાનાં એંધાણ નથી. કોઇ અણધાર્યા સંજોગોમાં એ પરિવર્તન થાય તો પણ, પાટીદારોને તેનાથી શો ફાયદો થશે? કારણ કે આગળ જણાવેલી ટેક્‌નિકલ પરિસ્થિતિઓ બદલાવાની નથી.
  • પાટીદારોની સામાજિક-ધાર્મિક નેતાગીરી માટે પણ આ કસોટીની અને નિર્ણાયક ઘડી છે. એમાં તેમના વર્તન પરથી ભવિષ્યમાં તેમની ન્યાયપ્રિયતા, સ્વાર્થી સંકુચિતતા, ચામડી બચાવવાની નિષ્ક્રિયતા કે મૂક સંમતિ જેવી ઘણી બાબતો નક્કી થશે. ધાર્મિક-સામાજિક નેતાઓ સમાજના બોલકા વર્ગને દોરે છે કે પછી એ વર્ગ નેતાઓને પોતાની પાછળ ઢસડે છે, એનો આખરી જવાબ પાટીદાર આંદોલન પૂરું થયે જ મળશે. દરમિયાન એટલું નક્કી છે કે પાટીદાર આંદોલનકારીઓને જેમની પર ભરોસો પડી શકે એવા કોઇ પાટીદાર કે બિનપાટીદાર નેતા સરકાર પાસે નથી.
  • કૉંગ્રેસ વિરોધ પક્ષના બીબામાં રહીને મુખ્ય મંત્રીના રાજીનામાથી માંડીને પાટીદારોને ભાજપે મરાવ્યા, એવાં ઊંબાડિયાં કરી રહી છે. પણ આ મુદ્દે તેનું સાફ-સ્પષ્ટ વલણ શું છે? અને એ પોતે સત્તામાં હોત તો પાટીદાર અનામતના મુદ્દે તેણે શો નિર્ણય કર્યો હોત?
  • છેલ્લે,પાટીદાર આંદોલનકારીઓને એટલું તો સમજાવું જ જોઇએ કે જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવાના કે આગ ચાંપવાના બનાવોથી તે પોતાની વાજબીપણા વગરની માગણીમાં હિંસાનો વઘાર કરી રહ્યા છે અને સામાન્ય નાગરિકોનો અણગમો મેળવી રહ્યા છે.

Thursday, September 17, 2015

ભદ્રંભદ્ર : અનામતનાબૂદી આંદોલનમાં (૨) : યુગકાર્ય આગળ વધારવાની યોજના

સો વર્ષ પહેલાં સુધારાવાળાનો પરાજય કરવા મેદાને પડેલા આર્ય ભદ્રંભદ્ર અને તેમના શિષ્ય અંબારામ વર્તમાનકાળમાં અનામત સામે તુમુલ સંગ્રામ કરવા આવી પહોંચ્યા છે. અગાઉના અવતારની જેમ આ વખતે પણ તે યવન (વિદેશી) શબ્દોનો પ્રયોગ કરતા નથી. હવે હું નથી કે આરક્ષણ નથીએવી ભીષણ પ્રતિજ્ઞા લીધા પછી તે શું કરશે? વાંચો આગળ.
***
સાંભળ્યું છે કે જુદા જુદા સમાજો અનામતની માગણી સાથે કૂચ કરી રહ્યા છે.અંબારામે ઉત્સાહથી છલકાતા અવાજે ભદ્રંભદ્રને સમાચાર આપ્યા અને તેમના પ્રસન્નોદ્‌ગાર સાંભળવા શ્વાસ રોકીને ઊભા રહ્યા. સારું થયું, તેમણે શ્વાસ વેળાસર છોડી દીધો. નહીંતર તેમનો દેહ છૂટી જાત. કારણ કે ભદ્રંભદ્ર આ સમાચારથી ખાસ પ્રસન્ન થયા હોય એવું લાગ્યું નહીં.

તેમણે ધીરગંભીર અવાજે, લગભગ ઠપકાના સૂરમાં કહ્યું,‘અંબારામ, તારા જેવા શિષ્યોત્તમ માટે મૂર્ખશિરોમણી જેવા ઉપાલંભવચનો પ્રયોજવાનું સર્વથા અનુચિત લેખીને હું એમ કરતો નથી. તથાપિ તારે પણ મારા સંયમની પરીક્ષા કરવી ન જોઇએ. અનામતઉચ્છેદનની યજ્ઞવેદી પર પ્રાણની આહુતિ આપવાની આપણી તત્પરતા હોય ત્યારે, આટલા ઉત્સાહથી તું આરક્ષણ માગનાર કૂચો વિશે જણાવે છે? અપશોચ, અપશોચ.

શરૂઆતનાં વાક્યોથી ડઘાયેલા અંબારામ આખી વાત સાંભળ્યા પછી નિશ્ચિંત થયા. તેમણે કહ્યું, ‘મેં આપને એ સમાચાર સહેતુક જણાવ્યા છે. કારણ કે અનામતની માગણી માટેની ઘણી કૂચો ખરેખર અનામતનો વિરોધ કરી રહી છે.

આશ્ચર્યમ્‌.ભદ્રંભદ્ર બોલ્યા, ‘એવું શી રીતે સંભવે? જેની માગણી કરીએ તેનો જ વિરોધ? જેનો વિરોધ કરીએ તેની જ માગણી? અંબારામ, મને અંધકારમાં રાખીને તેં કોઇ દિવ્ય દ્રવ્યનું સેવન તો...

ભદ્રંભદ્રને અડધેથી અટકાવીને અંબારામે કહ્યું,‘ના, મારું ચિત્ત સુસ્થિર જ છે... આપ સરખા વિદ્વજ્જનને તો એ યાદ જ હોય : દેવાસુર સંગ્રામમાં દેવોએ અસુરો માટે અમૃતનો વિરોધ અને પોતાના માટે અમૃતની માગણી કરી હતી કે નહીં? ’

ભદ્રંભદ્રે પોતે અમૃતની વહેંચણી કરી હોય એટલા આત્મવિશ્વાસથી હા પાડી અને ચહેરા પર સંતોષનો ભાવ પ્રગટ કરીને કહ્યું,‘અંબારામ, દેવાસુર સંગ્રામનો તર્ક આપીને તેં સિદ્ધ કર્યું છે કે તું શા માટે શિષ્યોત્તમ ગણાવાને યોગ્ય છે. લાંબા સમયથી મારા સહવાસમાં રહેવાને કારણે, તારી ન્યાયબુદ્ધિ અને તારા શાણપણ સંશયાતીત છે. એ વિશે હું નિઃસંશય થયો છું.

જેમ આપની વિદ્વત્તા અને પ્રતિભા વિશે મને કોઇ શંકા નથી.અંબારામે નમ્રતાથી કહ્યું, ‘આપને આ સમાચાર આપવા પાછળનું તાત્પર્ય એ હતું કે આવી કોઇ કૂચમાં પહોંચીને મંચસ્થ થવાથી, આરક્ષણઉચ્છેદનના આપણા યુગકાર્યને પ્રબલ વેગ પ્રાપ્ત થશે.

ઉત્તમ વિચાર છે. કિંતુ કૂચ કે સભા પૂરાં થયા પછી મોદક-ભોજનની સનાતન પરંપરા હજુ ટકી છે કે સુધારાવાળાએ તેનો પણ ભોગ લીધો?’ ભદ્રંભદ્રે મુદ્દાની અને મુદ્દામાલની વાત કાઢી.

અંબારામના ચહેરા પર મૂંઝવણનો ભાવ આવ્યો. તેમણે કહ્યું,‘પૃચ્છા કરતાં જ્ઞાત થયું છે કે એક કૂચ પછી મોદક-પ્રસાદ તો નહીં, પણ મોદી-પ્રસાદ છૂટથી વહેંચાયો હતો. જોકે મેં આ વાત કેવળ કર્ણોપકર્ણ સાંભળી હોવાથી મોદીપ્રસાદશું છે એ હું સમજી શક્યો નહીં.

અંબારામ, મારા માટે આ ધર્મયુદ્ધ છે. તેમાં રણભૂમિ મઘ્યે પ્રાણ ત્યાગવા હું તત્પર છું, કિંતુ ક્ષુધાતુર થઇને, મોદકનું ચિતવન કરતાં કરતાં પ્રાણ જાય, તેમાં મારી, મોદકની કે પ્રાણની-કોઇની શોભા નથી. એટલે તને પૂછ્‌યું. અન્યથા મારું સંપૂર્ણ ધ્યાન...

‘...લાડવા પર નહીં, લડવા પર કેન્દ્રિત છે.અંબારામે ભદ્રંભદ્રનું અધૂરું વાક્ય પૂરું કર્યું, એ સાથે જ ભદ્રંભદ્રે જોરથી પોકાર કર્યો, ‘આરક્ષણનો... ક્ષય. સનાતન ધર્મનો... જય. હે અંબારામા, તું મારું મુખારવિંદ જુએ છે, એટલી સ્પષ્ટતાથી હું આરક્ષણનો અંત નિહાળી શકું છું.

ભદ્રંભદ્ર મંચસ્થ થવાની વાતથી વીરરસમાં આવી ગયા કે મોદક-લાડુના ઉલ્લેખથી, એ અંબારામ નક્કી કરી શક્યા નહીં. પરંતુ ભદ્રંભદ્રોના અંબારામોએ વધારે વિચારવાની જરૂર હોતી નથી. એ જ તેમની મુખ્ય લાયકાત ગણાય છે. થોડી વારમાં અંબારામે સાંજે યોજાનારી એક સભાની વિગત મેળવીને ભદ્રંભદ્રને જાણ કરી. એ સાંભળીને ભદ્રંભદ્રે કહ્યું,‘અંબારામ, એ નિશ્ચિત જાણજે કે આરક્ષણની જે અન્યાયી રીતિએ અનેક ઊચ્ચકુલદીપકદીપિકાઓને ઘોર અન્યાય કર્યો છે અને નિમ્ન કોટિના શુદ્રાદિને પ્રવેશયોગ્ય ગણ્યા છે, તે ભ્રષ્ટ રીતિ આવતી કાલના સૂર્યનાં દર્શન નહીં કરી શકે. ભગવાન નરસિંહે જેમ ઉંબરા પર બેસીને હિરણ્યકશ્યપુનો વધ કર્યો હતો, તેમ હું મંચ પરથી આરક્ષણનો અંત આણીશ. મને એમ કરતો અને એ માટે મંચ પર પહોંચતો અટકાવવો, એ શિવધનુષ્ય ઊંચકવા સમું અસંભવિત કાર્ય છે.

અંબારામે કામની વાત કરતાં કહ્યું,‘એક વાતથી આપને વિદિત કરી દઉં. વર્તમાનકાળના આર્યજનો આરક્ષણને અનામતતરીકે ઓળખે છે અને શુદ્રાદિ જ્ઞાતિઓ વિશે જાહેરમાં અપમાનજનક બોલી શકાતું નથી. કાયદા બહુ ખરાબ છે.

એ સાંભળીને ભદ્રંભદ્રના ચહેરા પર અણગમો પથરાઇ ગયો. તારી જાગૃતિ પ્રશંસનીય છે. કારાગૃહયોગનું પુનરાવર્તન  ત્યાજ્ય છે, એ વિશે હું તારી સાથે સંમત છું. દુષ્ટ સુધારાવાળાની કુટિલતા મારાથી અજાણ નથી. તે જાણે છે કે શુદ્રાદિ જ્ઞાતિઓને આરક્ષણ આપવાથી જ નહીં, તેમનો આદરસહિત ઉલ્લેખ કરવાથી પણ સનાતન ધર્મને હાનિ પહોંચે. સદ્‌ભાગ્યે ઘણા આર્યવીરો લોકનિંદા વહોરીને પણ આરક્ષણ તથા તેના લાભાર્થીઓની યથોચિત ભર્ત્સના કરે છે. એમ કરવા પાછળનો તેમનો સદાશય શુદ્રાદિને તેમના મૂળ વ્યવસાયોથી અને ખરેખર તો સનાતન ધર્મથી વિમુખ થતા અટકાવવાનો છે. એવા જીહ્વાશૂરા જોદ્ધાઓની ધર્મપ્રીતિરીતિનીતિભીતિ ધન્ય છે. તેમને મારા જેવા સમર્થ નેતાની આવશ્યકતા છે અને તેમનું નેતૃત્વ લેવું એ મમ કર્તવ્ય છે. મારા રોમેરોમમાં કર્તવ્યબોધ ઉછાળા મારે છે...કે પછી સુધારાવાળાએ માયાનો સહારો લઇને ક્ષુધાને કર્તવ્યબોધ સ્વરૂપે પ્રેષિત કરી હશે? અંબારામ, શીઘ્ર તું કોઇ આર્ય શાકાહારી અલ્પાહાર ગૃહ શોધ. આરક્ષણઉચ્છેદનના ધર્મકાર્યમાં પ્રવૃત્ત થતાં પૂર્વે હું કોઇ કચાશ રાખવા માગતો નથી.

બન્ને જણા રસ્તા પર આવેલી એક રેસ્તોરાંમાં પ્રવેશ્યા અને સંકોચ સાથે ટેબલ પર બેઠા. 
(ક્રમશઃ)

Tuesday, September 15, 2015

જોઇએ છે : સાચું કહેનારા-સાંભળનારા

પાટીદારોના અનામત આંદોલન મુદ્દે પાટીદાર ધારાસભ્યો-મંત્રીઓની હાલત કફોડી થઇ છે. એક તરફ પક્ષની શિસ્ત, બીજી તરફ સમાજના મોટા સમુહનું દબાણ. જાયે તો જાયે કહાં? આવી બાબતમાં--ખરેખર તો મોટા ભાગની બાબતોમાં-- ભાજપ-કોંગ્રેસ વચ્ચે કશા ભેદ હોતા નથી. (જેમને એ હજુ ન સમજાયું હોય, તેમને ક્યારે સમજાશે?) પાટીદાર અનામતના મુદ્દે કોંગ્રેસનું શું વલણ છે? કોંગ્રેસના કોઇ મોટા નેતાએ પાટીદારોને અનામત કેમ મળવી અથવા ન મળવી જોઇએ, એ વિશે ખોંખારીને કશું કહ્યું? કે કાયદો-વ્યવસ્થાનો કકળાટ કરીનેસરકારનું રાજીનામું માગવાની ઠાલી ઔપચારિકતા નિભાવીને શટર પાડી દીધું?

વાત ફક્ત પટેલ અનામતની નથી. દલિત સહિતના બીજા સમુદાયોના નેતાઓનું ઉદાહરણ લઇએ. એ પોતપોતાના સમાજના બાહ્ય તેમ જ આંતરિક પ્રશ્નો વિશે કેટલું બોલે છે? કેટલા સવાલ કરે છે? પૂછવાના પ્રશ્નો બન્ને પ્રકારના હોય : સમાજ માટે અને સમાજ સામે. સમાજ માટે પ્રશ્નો ઉઠાવવા જરૂરી છે, પરંતુ વ્યાપક દેશહિત માટે હાનિકારક એવી પોતાના સમાજની રીતરસમો સામે સવાલ ઊભા કરવાનું એટલું જ --કે જરા વધારે --જરૂરી નથી? પોતાના સમાજને બે કડવી વાત કહી શકાતી ન હોય, તો સમાજનાહોવાનો અર્થ જ્ઞાતિવાદી હોવાથી વિશેષ શો રહ્યો?

પરંતુ સાચું સમજવાની અને સમજ પડે તો પણ એ કહેવાની હિંમત રાજકીય કે આધ્યાત્મિક આગેવાનોમાં છે? અને જો નથી, તો તેમને આગેવાન-નેતા શી રીતે કહેવાય? આવા વખતે બે-પાંચ હજાર વર્ષ પહેલાં થયા હોય એવા લાગતા એક નેતા યાદ આવે છે : ગાંધી. તેમણે અને તેમના કેટલાક સાથીદારોએ લોકપ્રિયતાની પરવા કર્યા વિના દેશહિત-સમાજહિતમાં જે સાચું લાગે તે કહેવાની પરંપરા ઊભી કરી-- પછી લોક ભલે નિંદો કે વંદો.’ (ગાંધીજી)

ગાંધીજીએ ૧૯૨૧માં અસહકાર આંદોલન પાછું ખેંચ્યું, ત્યારે તેમના પગલાની આકરી ટીકા થઇ હતી. પરંતુ ગાંધીજીને સમજાઇ ગયું હતું કે પ્રજા આઝાદી માટે તૈયાર નથી. ચૌરીચૌરાનો બનાવ મુખ્ય કારણ નહીં, ઊંટની પીઠ પરનું છેલ્લું તણખલું હતો. અન્ના હજારેની ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ કે પાટીદારોના અનામતમાગણી આંદોલન કરતાં સો ગણી વધારે પ્રભાવશાળી રાષ્ટ્રિય ચળવળ ચરમસીમાએ પહોંચી હોય અને આઝાદી હાથવેંતમાં લાગતી હોય, ત્યારે એ ચળવળ પાછી ખેંચવાની નૈતિક હિંમત જેનામાં હોય, તેને નેતા કહેવાય. એવો નેતા, જે પ્રજાને રીઝવવા હવાતિયાં મારતો ન હોય ને તેમની પૂંઠે ઘસડાતો ન હોય, પણ લોકોને કહેવા જેવી વાત કહેતો હોય, કડવી દવા પાતો હોય અને એમ કરવામાં મારી નેતાગીરીનું શું થશેએની પરવા કરતો ન હોય.

સતત દુષ્પ્રચારને કારણે ઘણા લોકો ગાંધીજીને મુસ્લિમતરફી તરીકે કાઢી નાખે છે. એ ગાંધીજીએ એક વાર કોઇ આરબ દેશમાં થતી સંગસારીની (પથ્થરો મારીને ગુનેગારનું મોત નીપજાવવાની) પ્રથાને અન્યાયી ગણાવતો લેખ લખ્યો. એ સંદર્ભે થયેલી ચર્ચામાં તેમણે લખ્યું કે આવી સજાને કુરાનનું સમર્થન ન જ હોય અને ધારો કે કુરાનનું સમર્થન હોય તો પણ એ વાજબી ન કહેવાય. એ વાંચીને એક મુસ્લિમ વાચકે ગાંધીજીને ઠપકો આપતાં લખ્યું કે આવું કહેતાં પહેલાં (કુરાનનો વિરોધકરતાં પહેલાં) ઇસ્લામી જગતમાં તમારા મોભા વિશે તમારે વિચારવું જોઇતું હતું...વળતા જવાબમાં ગાંધીજીએ તેમને એ મતલબનું લખ્યું કે ઇસ્લામી જગતમાં તમે કહો છો એવો મારો મોભો સાચું કહેવાથી જતો રહેવાનો હોય, તો એવો મોભો હું કાણી કોડીની કિંમતે પણ ન ખરીદું.

કયો રાજનેતા ને કયો આધ્યાત્મિક નેતા પોતાના અનુયાયીગણને કે સમર્થકોને આવું કહેવા જેટલી નૈતિક તાકાત ધરાવે છે? ગાંધીજીને દલિતોના મત લેવાના ન હતા. છતાં, અમદાવાદના રૂઢિચુસ્તોની ખફામરજી વહોરીને તેમણે દલિત પરિવારને આશ્રમમાં વસાવ્યું. તેના કારણે આર્થિક મદદ મળતી બંધ થઇ અને આશ્રમ સંકેલી લેવો પડે એવી સ્થિતિ આવી, પણ તે અડગ રહ્યા. (અણીના સમયે અંબાલાલ સારાભાઇએ તેમને ગુપ્ત અને મોટી આર્થિક મદદ કરતાં આશ્રમ ચાલુ રહ્યો.) અસ્પૃશ્યતા સામેની ઝુંબેશ બદલ છેક ૧૯૩૪માં સનાતની હિંદુઓએ પૂનામાં ગાંધીજીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. છતાં, ગાંધીજી કદી ટોળાંથી દોરવાયા નહીં કે પોતાને જે સાચું લાગે તે કહેતાં અચકાયા નહીં. પીડાતા વાછરડાને મૃત્યુદાન આપતાં અને તેના વિશે જાહેરમાં કહેતાં તેમને હિંદુઓની લાગણી દુભાશેએવો ખચકાટ ન થયો. કેમ કે, તેમના માટે નેતાગીરી એટલે લોકલાગણીના મોજા પર તરી જવાનું નહીં, લોકોનું ઘડતર કરવાનું કામ હતું. આચાર્ય કૃપાલાણી, (ઘણે અંશે) સરદાર પટેલ જેવા ગાંધીજીના સાથીદારો પણ લોકપ્રિયતાની પરવા કર્યા વિના સાચું કહેનારા તરીકે જાણીતા થયા.

સરદારના મોટા ભાઇ વિઠ્ઠલભાઇ પટેલનો રાજકીય અભિગમ ગાંધીજી-સરદાર કરતાં અલગ. પરંતુ સાચું લાગે તે કહેવાની બાબતમાં એ જરાય જુદા ન હતા. અંગ્રેજી રાજમાં (લોકસભા સમકક્ષ) કેન્દ્રિય ધારાસભાના પહેલા ભારતીય અધ્યક્ષ વિઠ્ઠલભાઇ ૧૯૨૭માં લંડન ગયા, ત્યારે ત્યાંના પટેલ વિદ્યાર્થીમંડળતરફથી તેમના માનમાં હોટેલ સેસિલમાં સ્વાગત સમારંભ યોજાયો. એ સમારંભમાં,આગળ જતાં સરદાર પટેલના વિશ્વાસપાત્ર અધિકારી બનેલા - જનતા સરકારમાં નાણાંમંત્રીનો હોદ્દો શોભાવનાર એચ.એમ.પટેલ વિદ્યાર્થી તરીકે હાજર હતા. તેમની નોંધ પ્રમાણે, વિઠ્ઠલભાઇએ પટેલ મંડળના વિદ્યાર્થીઓને ઠપકો આપતાં કહ્યું હતું,‘માદરેવતનથી છ હજાર માઇલ દૂર લંડન શહેરમાં પણ તમે જ્ઞાતિની ગણતરી કે મર્યાદા છોડી શકતા નથી, એ મારે મન આશ્ચર્યનો વિષય છે. ભારતે એક રાષ્ટ્ર તરીકે માથું ઊંચું રાખીને જીવવું હશે તો જુવાન ભારતીયોએ (જ્ઞાતિની) મર્યાદાઓથી પર થવું પડશે.

સાચું બોલનારા અને સાચું સાંભળનારા બન્ને દુર્લભ છે, એવી કહેણી જૂની છે. ગુજરાતની વાત કરીએ તો, તેના દેખીતા વિકાસ પાછળ રહેલા અંધારાની વાતો અનેક વાર, અનેક રીતે થઇ ચૂકી છે. ઉદાહરણ તરીકે, તાતાને નેનોપ્લાન્ટ માટે કેવી ઉદાર શરતોએ જમીન આપવામાં આવી તેની સાચી વિગતો જાહેર થઇ હતી. છતાં, તત્કાલીન મુખ્ય મંત્રીએ એક એસ.એમ.એસ. કર્યો ને તાતા આવી ગયાએવું જૂઠાણું ચલાવ્યું, ને લોકોએ હોંશેહોંશે પી લીધું. આવી ઘણી બાબતોમાં સચ્ચાઇ બતાવનારાને ગુજરાતવિરોધીની ગાળો પડી. કોમી હિંસાની ન્યાયપ્રક્રિયામાં સત્યશોધનના નામે કેવા ગોટાળા થયા, તેની સિલસિલાબંધ વિગતો અંગ્રેજી પત્રકાર મનોજ મિત્તાએ ધ ફિક્શન ઓફ ફેક્ટ ફાઇન્ડિંગપુસ્તકમાં આપી. છતાં, બહુમતીએ જાણે સાચું સાંભળવા માટે આંખ-કાન બંધ કરી દીધાં હતાં. અક્ષરધામ કેસમાં ખોટેખોટા સંડોવી દેવાયેલા મુફ્‌તીએ સર્વોચ્ચ અદાલતમાંથી નિર્દોષ છૂટ્યા પછી ગુજરાત પોલીસ અને તેમના સાહેબોનાં કરતૂતો વિશે સ્પષ્ટ ભાષામાં લખ્યું. છતાં, એન્કાઉન્ટરબાજોને જાંબાઝઅને હીરોગણાવનારા સચ્ચાઇ સ્વીકારવા માગતા નથી.

સચ્ચાઇ બજારની ચીજ નથી. છતાં તેને માગ અને પુરવઠાનો નિયમ લાગુ પડી શકે છે. એ હકીકત નાગરિકોનું ઘડતર કરતા આગેવાનો અને આગેવાનો પેદા કરતા નાગરિકસમાજોએ પોતાના હિસાબે ને જોખમે ભૂલી શકે છે.