Showing posts with label toilet. Show all posts
Showing posts with label toilet. Show all posts

Wednesday, October 04, 2017

પ્રચારનાં બાવાજાળાં વચ્ચે સફાઈઝુંબેશ

વડાપ્રધાનની તસવીરો કે વડાપ્રધાનના ભાષણના ટુકડા સાથે સરકારી સ્વચ્છતા ઝુંબેશનો પ્રચારમારો છેલ્લાં ત્રણ વર્ષથી જોરદાર ચાલે છે. 2014ની ગાંધીજયંતિથી શરૂ થયેલી અને ગાંધીને બાહ્ય સ્વચ્છતામાં ખતવી નાખતી આ ઝુંબેશમાં વડાપ્રધાનને ચમકાવતી જાહેરખબરો પાછળ કેટલા રૂપિયાનો ધુમાડો થયો, તે અલગ મુદ્દો છે. પણ આટલા પ્રચારમારા અને ખર્ચ પછી પરિણામ શું આવ્યું?

આ સવાલના ત્રણ રીતે જવાબ આપી શકાયઃ ૧) સ્વચ્છતાના મામલે કેટલી પ્રગતિ થઈ? ૨) આખેઆખા ગાંધીને સ્વચ્છતા પૂરતા સીમિત કરી નાખવામાં કેટલી સફળતા મળી? ૩) સ્વચ્છતાપ્રેમી તરીકે વડાપ્રધાનનું બ્રાન્ડિંગ કેવું થયું?

જવાબ ૧ઃ કેટલાક અહેવાલ પ્રમાણે, શૌચાલયો બનાવવામાં યુપીએ સરકારની સરખામણીમાં વર્તમાન સરકારના રાજમાં સારી પ્રગતિ થઈ છે. અલબત્ત, ખુલ્લામાં શૌચક્રિયા બંધ કરવાના મામલે ધારી (અને દાવા પ્રમાણેની) સફળતા મળી નથી. શૌચાલય બંધાયાં તે આવકાર્ય છે, પરંતુ તેમની ગુણવત્તાથી માંડીને તેના ઉપયોગ અંગે લોકોની ટેવોને બદલવાની બાબતમાં હજુ ઘણા પ્રશ્નો છે. ટેવ બદલવાનું સહેલું નથી--અને કેવળ અઢળક જાહેરખબરોના મારાથી એ સિદ્ધ થઈ શકે તેમ નથી.

'વેસ્ટ મેનેજમેન્ટ' કહેતાં કચરાના અસરકારક નિકાલની ગંભીર સમસ્યા હજુ ઉભી છે. અમદાવાદ જેવાં મોટાં શહેરોથી માંડીને નાનાં ગામમાં કચરાના પહાડ જેવડા ઢગ જોવા મળે છે. સ્વચ્છતા ઝુંબેશની ઝાકઝમાળમાં તેમને શી રીતે નજરઅંદાજ કરી શકાય?

વર્તમાન સરકારની એક ખાસિયત એ છે કે તે અશક્ય વાયદા કરે છે-આંબાઆંબલી બતાવે છે, પછી તે પૂરા કરવામાં નિષ્ફળ જાય છે અને તે નિષ્ફળતાને ઢાંકવા માટે ઝાકઝમાળ, અર્ધસત્યો, જૂઠાણાં તથા લોકોનું ધ્યાન બીજી તરફ ખેંચવા જેવી તરકીબો અજમાવે છે-- પછી તે કાળાં નાણાંની વાત હોય કે સ્વચ્છતાની.
જાહેરમાં ગંદકી કરવાની ટેવ ભારતમાં લગભગ પરંપરા અને સંસ્કૃતિનું સ્થાન ભોગવે છે. તેમાં એમ શી રીતે સુધારો થાય? પણ વડાપ્રધાન એવું માનવા પ્રેરે છે કે હવે એમણે પ્રચારમોરચો સંભાળી લીધો હોવાથી અસ્વચ્છતા દેશમાંથી ગઈ સમજો.

સાઠના દાયકાના ગ્રામ્ય ભારતનું આબાદ ચિત્રણ કરતી વિખ્યાત હિંદી વ્યંગ નવલકથા 'રાગ દરબારી'માં એક દૃશ્ય છેઃ ગામમાં મેલેરિયાનો ઉપદ્રવ ફેલાય ત્યારે સરકારી ખાતું ભીંતો પર મચ્છરવિરોધી સૂત્રો લખીને રાજી થઈ જાય છે-ફરજઅદાયગીનો સંતોષ માની લે છે. આ શૈલી વિશે ગામલોકો કહે છે, ‘લિખે દેખ અંગરેજી અચ્છર (અક્ષર), ભાગે મલેરિયાકે મચ્છર’. વર્તમાન વડાપ્રધાનના પ્રચારતંત્રને ભીંત સુધી જવું પડતું નથી. ટીવી ચેનલો અને સોશ્યલ મિડીયા હાજર છે. વડાપ્રધાન કે તેમના મંત્રીઓ હાથમાં ઝાડુ પકડીને ફોટા પડાવે તેવાં પ્રચાર-ગતકડાંને પ્રેરણાદાયી તરીકે ખપાવવામાં આવે છે. વડાપ્રધાન તેમનાં ભાષણોમાં મનનીય ચિંતન રજૂ કરે, તેનાથી નાગરિકોએ સ્વચ્છતા વિશે વડાપ્રધાન કેટલા ગંભીર, ઉત્સાહી અને લગભગ ક્રાંતિકારી છે, તે માની લેવાનું છે --અને વડાપ્રધાન કેટલા ગાંધીપ્રેમી છે એ પણ.

જવાબ ૨ઃ ગાંધીજયંતિ કે ગાંધીહત્યાદિવસે સામાન્ય રીતે એટેનબરોની 'ગાંધી' કે ‘લગે રહો મુન્નાભાઈ’ જેવી ફિલ્મો ટીવી ચેનલો પર આવતી હતી. આ ગાંધીજયંતિએ વડાપ્રધાનના સ્વચ્છતા મિશનના પ્રયાસ ફળ્યા. એક ચેનલ પર 'ટોઇલેટઃ એક પ્રેમકથા' રજૂ થઈ. હા ભાઈ, હવે ગાંધી એટલે સ્વચ્છતા ને સ્વચ્છતા એટલે વડાપ્રધાને ઉપાડેલી સ્વચ્છતા-ઝુંબેશ.  કોંગ્રેસે ગાંધીજીને દારૂબંધી પૂરતા સીમિત કરી નાખવાનું પાપ કરેલું. રચના અને સંઘર્ષનાં કામ એકસરખી તીવ્રતાથી કરતા તથા પ્રવૃત્તિઓને માપવા માટે 'સાધનશુદ્ધિ'નો આકરો છતાં અસરકારક ગજ આપીને ગયેલા ગાંધી કોઈને ખપતા નથી. એટલે રાજકીય પક્ષો પોતાની બોન્સાઈ સાઇઝના ગાંધી શોધી કાઢે છે ને તેને અસલી ગાંધી તરીકે ખપાવે છે. વર્તમાન વડાપ્રધાન તેમાં એક નહીં, ઘણાં ડગલાં આગળ છે. ગુજરાતના મુખ્ય મંત્રીના હોદ્દે હતા ત્યારે સરદારને ઉંચા અને ગાંધીજીને નીચા પાડવાથી તેમણે શરૂઆત કરી હતી. પછી ભારતના અને આંતરરાષ્ટ્રીય ફલક પર ગાંધી એમ પીછો નહીં છોડે એવું લાગતાં, તેમણે સ્વચ્છતામાં ગાંધીજીને પૂરી દીધા અને એ પણ સ્વચ્છતાની કામગીરીમાં નહીં, સ્વચ્છતાની ઝુંબેશના આક્રમક પ્રચારમાં, જેની પર ગાંધી કરતાં વધારે મોટી છાપ વડાપ્રધાનની પોતાની હતી.

જવાબ ૩ઃ વર્તમાન વડાપ્રધાન માટે કોઈ પણ કામગીરીનું અંતિમ ધ્યેય પોતાનો છાકો પાડી દેવાનું હોય છે. એટલે જ, અગાઉથી જાહેર કરેલાં બીજાં ધ્યેય પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે. નોટબંધી જેવી કાળાં નાણાંના વિરોધની આખી ઝુંબેશમાં ધ્યેય બદલાઈને છેવટે ડિજિટલ પેમેન્ટ ઉપર ઊભું રહે છે. આવાં પગલાં આખરે ગમે તેટલી અંધાધૂંધીમાં પરિણમે, તેનાથી વડાપ્રધાનને કશો ફરક પડતો નથી કે તેના વિશે એ કદી કબૂલાતના મૂડમાં હોતા નથી. તેમને મન પોતાનો વટ અને કંઇક અંશે પોતાની 'મૌલિકતા'ની ધાક બેસી જાય, એટલે એ પગલું સફળ થયેલું ગણાય છે. પછી લોકોનું જે થવાનું હોય તે થાય. તેમના કોથળામાં એટલાં બધાં અવનવાં બિલાડાં ભરેલાં છે કે તે એક પછી એક બિલાડાં અવિરતપણે કાઢી શકે છે. લોકોની ટૂંકી યાદશક્તિ અને તેમના પ્રત્યેનો અપ્રમાણસરનો અહોભાવ તેમાં મદદરૂપ નીવડે છે, તો સોશ્યલ મિડીયા પર વ્યવસ્થિત રીતે ફેલાવાતાં જૂઠાણાં-અર્ધસત્યો અને જયજયકારો તેમના દરેક પગલાને માસ્ટર સ્ટ્રોક જાહેર કરે છે.

કામ થાય એ માટે નહીં, પણ પોતાનો જયજયકાર થાય એ માટે વડાપ્રધાન કોઈ પણ હદે જતાં અચકાતા નથી. રામચંદ્ર ગુહાએ એક લેખમાં બે સમાચારો ટાંકીને નોંધ્યું છે તેમ, સ્વચ્છતા ઝુંબેશને સફળ દેખાડવા--હા, બનાવવા નહીં દેખાડવા--માટે તેમણે સૈન્યને અને પોલીસતંત્રને પણ તેમાં સંડોવતા ફતવા કાઢ્યા છે. પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓ કચરો પાડીને જાય તે સાફ કરવાની જવાબદારી સૈનિકોને સોંપવામાં આવી છે. 'ગુજરાત મોડેલ'થી પરિચિત લોકોને આ જાણીને નવાઈ નહીં લાગે. કારણ કે, ગુજરાતમાં સરકારી કર્મચારીઓ અને ખાસ કરીને શિક્ષકોના માથે એટલાં કામ નાખવામાં આવ્યાં હતાં કે તેમનું મુખ્ય કામ રઝળી પડે અથવા તેના માટેની વૃત્તિ જ ન રહે. બસ, તત્કાલીન મુખ્ય મંત્રી મોદીનો વટ પડી જવો જોઈએ. ગુજરાતના શિક્ષણની ઘોર ખોદવામાં સરકારની છત્રછાયા હેઠળ થયેલા બેફામ ખાનગીકરણની સાથે આ મુદ્દો પણ જવાબદાર છે. પરંતુ પ્રચારનો મારો અને ગુજરાત મોડેલનો જૂઠો જયઘોષ એવો ચાલતો હોય કે બીજા તો ઠીક, ભોગ બનેલાની આંખો પણ અંજાઈ જાય.

ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં (ઘાંઘા થયેલા) ભાજપે 'આભાર નરેન્દ્રભાઈ’ની ટેગલાઇન ધરાવતી જાહેરખબરો છૂટી મૂકી છે. તેમાંથી એકમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવા માટે (ગુજરાતની જનતા વતી) 'નરેન્દ્રભાઈ'નો આભાર માનવામાં આવ્યો છે. વડાપ્રધાનના હોદ્દાજોગને બદલે નામજોગ અાભાર માનતાં પાટિયાં સૂચવે છે કે ગુજરાત ભાજપ પાસે નરેન્દ્રભાઈના નામ સિવાય બીજું કશું બતાવવા જેવું રહ્યું નથી. 'આભાર નરેન્દ્રભાઈ’નું 'ગુજરાતી' થાય છેઃ (ગુજરાત ભાજપને) ‘બચાવો નરેન્દ્રભાઈ’.

સ્વચ્છતાઝુંબેશ જેવાં નાટકોની રાજકારણમાં નવાઈ નથી હોતી. પણ ભાજપની મુશ્કેલી એ છે કે તેનાં નાટકોને બીજા લોકો રાષ્ટ્રસેવા કે રાષ્ટ્રવાદ ગણે એવો આગ્રહ તેના નેતાઓ રાખે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે નાટકને-તેની તૈયારી, આયોજન, સ્ક્રીપ્ટ, અભિનય, રજૂઆત જેવી બાબતોને બહુ ગંભીરતાથી લે છે અને દેખાડે છે એવું કે તેમણે એ મુદ્દાને બહુ ગંભીરતાથી લીધો છે. સ્વચ્છતા ઝુંબેશમાં પણ ઘણે અંશે આવું જ બન્યું છે.

Tuesday, October 15, 2013

દેવાલય, શૌચાલય અને પ્રતિક્ષાલય

વિશ્વ જળ દિન નિમિત્તે આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘે જાહેર કરેલા આંકડા પ્રમાણે, વિશ્વની અંદાજે ૭ અબજની વસ્તીમાંથી લગભગ ૬ અબજ લોકો મોબાઇલ ફોન ધરાવે છે, પણ શૌચાલયની સુવિધા માંડ ૪.૫ અબજ લોકો પાસે છે.

વાત દુનિયા પરથી દેશ પર લાવીએ તો, વિશ્વસ્તરે શૌચાલયવંચિત લોકોમાં ભારતીયોનું પ્રમાણ બહુ મોટું છું. ત્રણ વર્ષ પહેલાંના સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલમાં પહેલી વાર આ વાત નાટ્યાત્મક રીતે પ્રગટ થઇ હતી. તેમાં જણાવાયું હતું કે ભારતની ૧.૨ અબજની વસ્તીમાંથી અડધાઅડધ લોકો પાસે મોબાઇલ ફોન છે, પણ શૌચાલયની સુવિધા હોય એવા લોકોની સંખ્યા માંડ ૩૬.૬ કરોડ છે. એટલે કે, ભારતમાં શૌચાલય ઓછાં ને મોબાઇલ ફોન વધારે છે.

આ જૂની અને જાણીતી વાતને ભારતીય સંદર્ભમાં એક નેતાએ રજૂ કરી અને કહ્યું કે ભારતમાં દેવાલયો કરતાં શૌચાલયો બાંધવાની જરૂર વધારે છે.

એ નેતાનું નામ...નરેન્દ્ર મોદી નહીં, જયરામ રમેશ હતું. તેમણે વર્ષ ૨૦૧૨માં આ વાત કરી ત્યારે ભારે વિવાદ થયો. હિંદુત્વનું રાજકારણ ખેલતાં સંગઠન તેમની પર તૂટી પડ્યાં હતાં. એ વાતના એકાદ વર્ષ પછી વડાપ્રધાનપદના ઉમેદવાર બનેલા ગુજરાતના મુખ્ય મંત્રીએ આ જ વાત કરી. પણ તેમના અસરકારક મીડિયા મેનેજમેન્ટને કારણે એવી છાપ ઊભી થઇ, જાણે તેમણે કેટલી બધી મહાન, મૌલિક અને ક્રાંતિકારી વાત કરી દીધી.

વાતો અને વાસ્તવિકતા

અડવાણીની રામમંદિર રથયાત્રાના સારથી  તરીકે તેમની હારોહાર રહેલા નરેન્દ્ર મોદીને અચાનક મંદિર-દેવાલય પહેલાં  શૌચાલયની વાત કરતા સાંભળીને આશ્ચર્ય થાય, તેમાં કશી નવાઇ નથી.  પરંતુ શૌચાલયનો પ્રશ્ન એટલો ગંભીર છે કે એ અંગે બોલાતું દરેક વાક્ય અને એ દિશામાં થતું નાનામાં નાનું કાર્ય આવકાર્ય છે. મુશ્કેલી એટલી જ છે કે શૌચાલય વિશેની વાતમાં સાચી નિસબત ઓછી અને પ્રચારપટુતાથી છવાઇ જવાનો પ્રયાસ વધારે હોઇ શકે છે. સવાલ એ થાય કે બોલનારનો શી રીતે જાણવો?

એ માટેની સાદી અને સામાન્ય સમજણની કસોટી છે : શૌચાલયની વાતો કરનાર ભાઇ કે બહેન, નેતા કે કથાકાર, સામાજિક અગ્રણીઓ કે સ્વૈચ્છિક સંસ્થાના લોકોએ આ મુદ્દે શું કામ કર્યું છે?  તેમના રસના બીજા વિષયોમાં એ લોકો ફક્ત જીભ હલાવીને કે થોડો દેખાડો કરીને બેસી રહે છે? કે પછી તેના અમલની દિશામાં વધારે પ્રયાસ કરે છે? જો બીજી બાબતોમાં એ સક્રિય અને સારો એવો પ્રયાસ કરતા હોય, પણ શૌચાલયની બાબતમાં એકાદ નિવેદન ફટકારીને કે એકાદ પ્રતીક કાર્યક્રમ કરીને સંતોષ માની લેતા હોય તો એનો અર્થ એવો થાય કે તેમને શૌચાલય-સમસ્યા વિશે વાત કરીને ‘પ્રગતિશીલ’ દેખાવાનું ગમે છે, પરંતુ એનું મહત્ત્વ તેમના માટે પ્રચારકવાયતના એક મુદ્દાથી વિશેષ નથી.

તેમ છતાં, ‘આટલું પણ કોણ કરે છે’ની ભારતીય લાગણીને માન આપીને, શૌચાલયનો મુદ્દો રાજકીય ભાષણો કે ધાર્મિક કથા દ્વારા જાહેર ચર્ચામાં લાવનારા સૌનો આભાર અને ત્યાર પછી તેમને સવાલ : શૌચાલય-સમસ્યા ચર્ચામાં તો આવી. એમાંથી તમે પ્રસિદ્ધિ પણ રળી લીધી. હવે તમે એ વિશે શું કરવા ધારો છો?’

ભવિષ્યકાળની તો ખબર નથી, પણ ગુજરાતના મુખ્ય મંત્રી છેલ્લાં બાર વર્ષથી રાજ્ય પર એકચક્રી શાસન કરે છે, એટલે ભૂતકાળની વાત થઇ શકે તેમ છે. આ સમયગાળામાં ગુજરાતનો  અભૂતપૂર્વ વિકાસ કરી નાખ્યો હોવાનો તેમનો દાવો છે. તો આવા ‘સુપર-વિકસિત’ રાજ્યમાં શૌચાલય બાબતે કેવી પરિસ્થિતિ છે?

જો ગુજરાત શૌચાલયોના મુદ્દે સન્માનજનક સ્થિતિમાં હોય તો મુખ્ય મંત્રીએ શૌચાલય-સમસ્યા વિશે કરેલી ચિંતા અને તેમનું વિધાન સન્નિષ્ઠ- સાચકલાં કહેવાય. પરંતુ જો ગુજરાતમાં પણ શૌચાલયની બાબતમાં ભોપાળાં હોય તો? વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે, ગુજરાતમાં આશરે  ૪૧ ટકા કુટુંબો પાસે શૌચાલયની સુવિધા નથી. આ તો સરેરાશ આંકડો થયો. પરંતુ ગામડાં અને શહેરનો તફાવત પાડવામાં આવે તો, ગ્રામ્ય વિસ્તારોમાં આશરે ૬૬ ટકા લોકોના ઘરમાં શૌચાલય નથી. આ બાબતે વર્ષ ૨૦૦૧માં શું સ્થિતિ હતી એ જાણવા મળતું નથી, પરંતુ વર્તમાન સ્થિતિ બિલકુલ ગૌરવપ્રદ નથી, બલ્કે શરમજનક કહેવાય એવી છે- અને આમાં કેન્દ્ર સરકારનો ભાગ્યે જ કશો વાંક કાઢી શકાય એમ છે.

જેમના બાર વર્ષના શાસન પછી ‘ગુજરાત મોડેલ’ના આદર્શની અને તેને રાષ્ટ્રિય સ્તરે લાગુ પાડવાની વાત ચાલતી હોય, તેમના પોતાના રાજ્યમાં  નક્કર આંકડાકીય વાસ્તવિકતા આટલી વરવી હોય તેને શું કહેવાય? અને બાર વર્ષના શાસનમાં પોતે રાજ્યસ્તરે જે કરી શક્યા નથી, તેનાં રાષ્ટ્રિય સ્તરે સ્વપ્નાં દેખાડવાં, એને શું કહેવાય? એ વિશેષણો સૌએ પોતાની સમજણ-રૂચિ પ્રમાણે વિચારી લેવાં.

હકીકતમાં શૌચાલયના મુદ્દે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે પણ ભેદ પાડવા જેવો નથી. આ બાબતે સૌ એક નાવમાં સવાર છે. કારણ કે મૂળ પ્રશ્ન કેવળ નાણાંની અછતનો નથી. જયરામ રમેશે એક વાર કહ્યું હતું તેમ, એક સારા મોબાઇલ હેન્ડસેટના ભાવમાં ઘરમાં શૌચાલય તૈયાર થઇ શકે છે. પરંતુ શૌચાલય-સમસ્યાની સપાટી નીચે જ્ઞાતિ આધારિત ભેદભાવનો ગંભીર પ્રશ્ન સંકળાયેલો છે.

શૌચાલય ન હોય તો શું થાય? ગંદકી ખુલ્લામાં થાય, પરંતુ ધારો કે તેની સફાઇનું અમાનવીય કામ કરવાની જવાબદારી કહેવાતી ઉજળિયાત જ્ઞાતિઓની હોય તો? શક્ય છે કે આ જ્ઞાતિના નેતાઓ અથવા સાધનસંપન્ન લોકો અથવા સમાજના આગેવાનો જેમ છાત્રાલય, સ્કૂલ, પ્રવેશદ્વાર ને હોલ બનાવે છે, એવી રીતે શૌચાલય બનાવતા હોય. પરંતુ  બિનદલિત જ્ઞાતિઓ ભલે જ્ઞાતિઆધારિત વ્યવસાયના વિષચક્રમાંથી નીકળી ચૂકી હોય, સફાઇકામ હજુ સુધી દલિત સમાજ માટે સો ટકા અનામત રહ્યું છે. મેલું સાફ કરવાનું કામ માત્ર ને માત્ર દલિતો કરે - અને દલિતોમાં પણ સૌથી નીચલા વર્ગના ગણાતા વાલ્મિકી.

ટૂંકમાં, શૌચાલય ન હોય તો તેના ઉપયોગકર્તા તરીકે જેમને તકલીફ પડે અને તેના સફાઇ કરનારા તરીકે જેમને તકલીફ પડે એ બન્ને વર્ગ એવા છે કે જે સમાજમાં તળિયાનું સ્થાન ધરાવે છે. તેમને હાંસિયામાં ધકેલાયેલા પણ ન કહી શકાય. કારણ કે હવે તો એ ફક્ત હાંસિયાની જ નહીં, દૃષ્ટિમર્યાદાની બહાર ધકેલાઇ ચૂક્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિકાસવાર્તાઓમાં તેમને કશું સ્થાન હોતું નથી. જેમના અસ્તિત્ત્વનો સ્વીકાર ન થતો હોય, તેમની સમસ્યાઓનો  ઉકેલ આવે, એવી અપેક્ષા રાખવા માટે બહુ આશાવાદી થવું પડે.

ગુજરાતના મુખ્ય મંત્રી અને વડાપ્રધાનપદના ભાવિ ઉમેદવાર દેવાલયની જગ્યાએ શૌચાલયને પ્રાથમિકતા આપવા માગતા હોય તો તેમની પાસે ઘણા વિકલ્પો હોઇ શકે છે. તેમાં સૌથી સ્વાભાવિક અને તેમને ફાવે એવો વિકલ્પ, દેવાલય માટે કાઢી હતી એવી જ દેશવ્યાપી રથયાત્રા શૌચાલય માટે કાઢવાનો છે. તેમના પ્રચારકર્મીઓ તેમની લોકપ્રિયતાનો જે રીતે પ્રચાર કરે છે અને તેમની સભાઓમાં આવનારા લોકો હોંશેહોંશે ટિકિટ ખરીદતા હોવાનું કહેવાય છે, એ જોતાં તે જાહેર કરે કે અમુક સમય પછી તે ચોક્કસ રૂટનાં ગામડાં પર તે શૌચાલયયાત્રા કાઢશે અને જે ગામમાં શૌચાલયની સુવિધા સંપૂર્ણ નહીં હોય ત્યાં ચોક્કસ વ્યક્તિઓને એ જવાબદારી સોંપીને આગળ વધશે તથા તેનું પાલન થયું કે નહીં, તેની કાળજી લેવામાં આવશે...

આ બઘું બહુ આદર્શ લાગે એવું છે, પણ શાંતિથી વિચારતાં સમજાશે કે વ્યવસ્થાશક્તિ-આયોજનશક્તિના દાવા કરનારા માટે આ એટલું અઘરું નથી- અશક્ય તો બિલકુલ નથી. ખરો સવાલ ઇચ્છાશક્તિ અને દાનતનો હોય છે.

વઘુ એક કાયદો

વક્રતા એ વાતની છે કે નેતાઓને મોઢેથી શૌચાલય ને દેવાલયની વાતો આવે ત્યારે પ્રસાર માઘ્યમોમાં મથાળાં બને છે, પરંતુ સંસદમાં આ મુદ્દા સાથે સીધો સંબંધ ધરાવતો ખરડો મુકાય, પસાર થઇ જાય અને એ કાયદો બની જાય, તો પણ એ મોટા સમાચાર બનતા નથી.

શાસનની બીજી મુદતના છેલ્લા તબક્કામાં મહત્ત્વના ખરડા પસાર કરી રહેલી યુપીએ સરકારે સફાઇ કામદારોના પુનર્વસન માટેનો અને મળસફાઇને ગેરકાયદો ઠરાવતો ખરડો ૬ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ લોકસભામાં અને ૭ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ રાજ્યસભામાં મૂક્યો. એ સફળતાપૂર્વક પસાર થઇ ગયો છે.

અગાઉ ૧૯૯૩ના કાયદામાં મળસફાઇ અને સૂકાં જાજરૂના બાંધકામને ગેરબંધારણીય ઠરાવવામાં આવ્યું હતું. પરંતુ એ કાયદો પસાર થયા પછી તેની અંતર્ગત સજા તો ઠીક, સમ ખાવા પૂરતી પણ કાર્યવાહી થઇ હોય એવું બન્યું નથી. તેની જોગવાઇઓની સરખામણીમાં નવો કાયદો કમ સે કમ કાગળ પર તો વધારે કડક છે. નવા કાયદા હેઠળ આવતા ગુનાને બિનજામીનપાત્ર બનાવવામાં આવ્યા છે અને પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઇ પણ કરવામાં આવી છે.

નવા કાયદા પ્રમાણે, બિનઆરોગ્યપ્રદ શૌચાલયની માલિકી ધરાવનાર દરેક વ્યક્તિએ પોતે ગાંઠના ખર્ચે એ શૌચાલયને આરોગ્યનાં ધારાધોરણ પ્રમાણે બનાવવાનું રહેશે અથવા તેને તોડી નાખવું પડશે. આમ કરવામાં એ નિષ્ફળ જશે તો સ્થાનિક વહીવટી તંત્રને એ કામગીરી હાથ ધરવી પડશે અને તેનો ખર્ચ સ્વાભાવિક રીતે જ માલિક પાસેથી વસૂલ કરવામાં આવશે. નવા કાયદાના જૂના સ્વરૂપમાં રેલવે સ્ટેશન પર કામ કરતા સફાઇ કર્મચારીઓને  બાકાત રાખવામાં આવ્યા હતા, પરંતુ પસાર થયેલા ખરડામાં સ્થાનિક વહીવટી તંત્રો ઉપરાંત કેન્ટોન્ટમેન્ટ બોર્ડ (લશ્કરી નિવાસસ્થાનો) અને રેલવે તંત્ર પર તેમના વિસ્તારમાં રહેલાં બિનઆરોગ્યપ્રદ શૌચાલયોના સર્વેક્ષણની જવાબદારી નાખવામાં આવી છે. ‘જ્યાં પણ સફાઇ કામદારોને મળસફાઇ કરવી પડતી હોય એવાં તમામ શૌચાલય તોડી નાખવાં પડશે, જેથી કોઇને એ કામ કરવું ન પડે’ એવું સામાજિક ન્યાય મંત્રી કુ.સેલજાએ જણાવ્યું હતું.

પરંતુ કાયદાના અમલનો અત્યાર સુધીનો અનુભવ જોતાં, નવા કાયદા અંગે રાજીપો વ્યક્ત થઇ શકે- આનંદ કે સંતોષ વ્યક્ત કરવાની હજુ વાર છે. 

Sunday, August 26, 2012

બિલ ગેટ્‌સનું મહાસ્વપ્નઃ વૈશ્વિક શૌચાલય-ક્રાંતિ

શૌચાલયની નવી, ક્રાંતિકારી ડીઝાઇન માટે બિલ ગેટ્‌સની સંસ્થાએ યોજેલી ૧ લાખ ડોલરની ઇનામી હરીફાઇ ૬૦ કરોડ ભારતીયો સહિત વિશ્વભરના ૨.૬ અબજ લોકોની શૌચાલય-સમસ્યાનો ઉકેલ આણવાની દિશામાં પહેલું પગલું નીવડી શકે છે



ભારતના બોલકા શહેરી વર્ગ માટે સમસ્યાઓની યાદી બહુ જુદી છે. તેમાં (બીજા દ્વારા થતો) ભ્રષ્ટાચાર પહેલા ક્રમે આવતો હશે, પણ શૌચાલયના અભાવના મુદ્દાને કદાચ એકથી દસમાં પણ સ્થાન નહીં હોય. સંભવ છે કે શૌચાલયના ઉલ્લેખમાત્રથી, ભારતને ભાવિ સુપરપાવર તરીકે કલ્પતા ઘણા લોકોના નાકનું ટીચકું ચઢી જાય.

‘ભારતમાં શૌચાલય કરતાં મોબાઇલની સંખ્યા વધારે છે’- એવાં તારણો જાહેર થાય ત્યારે બે ઘડી આઘાત-આશ્ચર્ય વ્યક્ત કરીને આગળ વધી જવાનો રિવાજ છે. ખોટું કેમ કહેવાય? સરકારો સાવ એવું નથી કરતી. તે જાતજાતનાં ફેન્સી નામ ધરાવતી યોજનાઓ બનાવે છે, તેની પાછળ અઢળક નાણાં ફાળવે છે અને અમલીકરણની ચિંતા કર્યા વિના કંઇક કર્યાનો સંતોષ માની લે છે.

પરિણામ? આઝાદીના છ દાયકા પછી અને દેશનું આર્થિક માળખું બદલ્યાના બે દાયકા પછી, ભારતની કુલ વસ્તીમાંથી આશરે ૬૦ કરોડ લોકો પાસે શૌચાલયની મૂળભૂત સુવિધા નથી. વ્યક્તિગત શરમ-સંકોચથી માંડીને (મહિલાઓની બાબતમાં) અસલામતી અને એકંદરે સ્વચ્છતા-આરોગ્યના ગંભીર પ્રશ્નો શૌચાલયના અભાવમાંથી પેદા થાય છે. તેની સફાઇ દલિત સફાઇ કામદારોનું વંશપરંપરાગત કામ બનીને ચાલ્યા જ કરે છે- ભલે ને ભારત સરકારે કાયદા દ્વારા મળસફાઇ કરાવવાને અને પાણીની સુવિધા વગરનાં-સૂકાં શૌચાલય બાંધવાને ગુનો જાહેર કર્યો હોય.  

તેમ છતાં, વિજ્ઞાન-ટેકનોલોજીની આગેકૂચ માટે તલપાપડ દેશમાં શૌચાલયના અભાવ જેવી મૂળભૂત અને પ્રાથમિક કમી પૂરી કરવાની દિશામાં અસરકારક પ્રયાસ થયા નથી. દેશના ગ્રામવિકાસ મંત્રી જયરામ રમેશે થોડા સમય પહેલાં સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ખુલ્લામાં શૌચક્રિયા કરતા વિશ્વભરના લોકોમાંથી ૬૦ ટકા લોકો ભારતના છે અને એ આપણા માટે શરમજનક વાત છે. સરકાર ‘નિર્મળ ભારત અભિયાન’ જેવી ઝુંબેશો ચલાવે છે, શૌચાલયો બાંધવા માટે નાણાંકીય સહાય આપે છે- એ રકમ પણ હવે વધારીને રૂ.૧૦ હજાર કરવાનો નિર્ણય લેવાયો છે - છતાં ધાર્યાં પરિણામ મળ્યાં નથી. જાહેરમાં શૌચક્રિયા બંધ થઇ હોય એવું પહેલું અને એકમાત્ર રાજ્ય સિક્કિમ છે. બીજાં રાજ્યો, ખુદ જયરામ રમેશના કહેવા પ્રમાણે, શૌચાલયો બાંધવા માટે ફાળવાતાં નાણાં લઇ લે છે, પણ શૌચાલયો બાંધતાં નથી અને આંકડા આપવાના થાય ત્યારે તેમાં ઘાલમેલ કરે છે. અત્યારે ૨ લાખ ૪૦ હજાર ગ્રામ પંચાયતોમાંથી ફક્ત ૨૮ હજાર ‘નિર્મળ ગ્રામ’નો દરજ્જો પામી છે. (‘નિર્મળ ગ્રામ’ એટલે એવાં ગામ જ્યાં શૌચક્રિયા માટે ખુલ્લી જગ્યાનો ઉપયોગ થતો ન હોય)

ભારતમાં - અને ગુજરાતમાં તો ખાસ- જેટલી સંખ્યામાં નાનાં-મોટાં ધર્મસ્થાનો છે, એટલી સંખ્યામાં જાહેર શૌચાલયો બંધાયાં હોત તો આ સમસ્યા ઘણી હળવી બની હોત. પરંતુ એવું બન્યું નથી. તેના પરિણામે ગ્રામ્ય વિસ્તારોની વાત છોડો, શહેરી વિસ્તારોમાં પણ લાંબા અંતરે સમ ખાવા પૂરતાં સુલભ શૌચાલય કે જાહેર શૌચાલય જોવા મળે છે. દેખીતી રીતે સુગપ્રેરક લાગતા આ વિષયને ગાંધીજીએ મુખ્ય ધારાની ચર્ચામાં લાવવા ભરપૂર પ્રયાસ કર્યા હતા. તેમનો આશય અસ્વચ્છતા અને અસ્પૃશ્યતા- એ બન્ને દૂષણો પર ઘા કરવાનો હતો. પરંતુ તેમની વિદાય પછી આ વિષય દલિતો અને તેમાં પણ સફાઇ કામદારો પૂરતો સીમિત રહી ગયો. ઘોંઘાટની જેમ ગંદકીને પણ ભારતના રાષ્ટ્રિય ચરિત્રમાં સ્થાન મળ્યું હોવાથી, આ મુદ્દે હોંશથી કામ થયું નહીં.

ભારતમાં અડધોઅડધથી પણ વધારે લોકો શૌચાલયના અભાવથી પીડાય છે, તો અમેરિકા જેવા સમૃદ્ધ દેશોમાં પ્રશ્ન જરા જુદો છેઃ શૌચાલય પ્રણાલિ કાર્યક્ષમ રાખવા માટે ગટર વ્યવસ્થા પર ક્યાં સુધી આધાર રાખવો? અને જથ્થાબંધ પાણી ક્યાં સુધી ખર્ચ્યા કરવું? ફ્‌લશ દબાવવાથી વહી જતું લિટરબંધ પાણી ક્યાંકથી આવે છે અને એક જ વારમાં નકામું થઇ જાય છે, તેનો અહેસાસ ફ્‌લશ વાપરનારને ભલે ન હોય, પણ જાગ્રત (ભારતના નહીં એવા) આયોજકો તેને નજરઅંદાજ કરી શકતા નથી. ‘માઇક્રોસોફ્‌ટ’ કંપની થકી અબજોપતિ બની પરવારેલા બિલ ગેટ્‌સ એવા એક જણ છે.

વિવાદાસ્પદ પ્રકારના એકાધિકારથી કમ્પ્યુટરની ઓપરેટિંગ સીસ્ટમના ધંધામાં અબજો કમાયેલા બિલ ગેટ્‌સ ઘણા સમયથી સેવાનાં કામોમાં નાણાં વાપરે છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ પૂરું પાડતી ખાન્સ એકેડેમીથી માંડીને મલેરિયાનાબૂદી જેવાં અનેક કામોમાં ગેટ્‌સ અઢળક આર્થિક સહાય આપે છે. તેમને લાગ્યું કે પાણીનો અઢળક બગાડ કરતા અને નિભાવ માટે મોટું તંત્ર માગી લેતાં શૌચાલયોની ડીઝાઇનમાં મૂળભૂત ફેરફાર થવો જોઇએ. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશન તરફથી આ હેતુ માટે એક સ્પર્ધા જાહેર કરવામાં આવી. તેમાં ભાગ લેનારે  બત્રીસ લક્ષણા શૌચાલયની ડીઝાઇન તૈયાર કરવાની હતી.

શૌચાલય માટે ‘બત્રીસ લક્ષણું’ એ વિશેષણ વધારે પડતું લાગતું હોય તો વાંચો ડીઝાઇન સ્પર્ધાની શરતોઃ નવી ડીઝાઇનના શૌચાલયમાં પાણીના, ગટરના કે લાઇટના કનેક્શનની જરૂર ન પડવી જોઇએ, તેમાં જમા થતા કચરાનો કશોક સાર્થક ઉપયોગ થવો જોઇએ- શક્ય હોય તો કોઇક રીતે ઊર્જા પેદા થવી જોઇએ અને આ શૌચાલય પાછળ વ્યક્તિ દીઠ રોજનો ખર્ચ પાંચ સેન્ટ (આશરે પોણા ત્રણ રૂપિયા)થી વધવો ન જોઇએ.

ખાનગી કંપનીઓ દ્વારા સફળ અવકાશયાત્રાની ઇનામી હરીફાઇઓ વિશે સાંભળ્યું હોય, પણ શૌચાલયની નવતર ડીઝાઇનની સ્પર્ધા? એ જરા નવાઇ ભરેલું લાગે, છતાં ગેટ્‌સ ફાઉન્ડેશનની ‘રીઇન્વેન્ટ ધ ટોઇલેટ’ સ્પર્ધામાં લોકો અને સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. તેમની શરતો સંતોષતી ૨૫થી પણ વઘુ ડીઝાઇન આવી. તેમાંથી કેલટેક- કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી-ની ડીઝાઇનને ૧ લાખ ડોલરનું પહેલું ઇનામ મળ્યું. કેલટેક દ્વારા તૈયાર થયેલું શૌચાલય સૌર ઉર્જાની મદદથી હાઇડ્રોજન વાયુ અને તેની મદદથી વીજળી પેદા કરે છે. બીજી ત્રણ ડીઝાઇનને પણ ઇનામ આપવામાં આવ્યાં. એ તમામ વચ્ચે સામાન્ય બાબત એ છે કે તેમાં પાણીનો વપરાશ ઓછામાં ઓછો છે અને બદલામાં એક યા બીજા સ્વરૂપનું ઉપયોગી બળતણ પેદા થાય છે. આ પ્રકારનાં શૌચાલયમાં પાણી રીસાયકલિંગ દ્વારા શુદ્ધ કરીને જ વાપરવામાં આવે છે, જેથી પાણીના બગાડનો પ્રશ્ન રહેતો નથી.

સ્પર્ધાનું પરિણામ જાહેર થઇ ગયું, એનો અર્થ એવો બિલકુલ નથી કે હવે એ ડીઝાઇન પ્રમાણે જથ્થાબંધ ઉત્પાદન શરૂ થઇ જાય. કાગળ પર સર્વાંગસંપૂર્ણ લાગતી ઘણી ચીજો સામાજિક, સ્વભાવગત કે બીજાં અનેક કારણસર લોકોમાં સ્વીકૃતિ પામતી નથી. એવું થાય તે સરકારોને પરવડે, કારણ કે તેમની દાનત સમસ્યાના ઉકેલની ભાગ્યે જ હોય છે. પરંતુ ગેટ્‌સ ફાઉન્ડેશન એકદમ કોઇ ડીઝાઇન માથે મારવા માગતું નથી. લોકોની સુવિધા અને સ્વીકૃતિનું પરિબળ ઘ્યાનમાં રાખીને, કિંમત ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે હજુ અનેક નાના-મોટા ફેરફાર થઇ શકે છે. ત્યાર પછી તેના પ્રાયોગિક અખતરા થશે. તેમાં પાર ઉતરેલી ડીઝાઇન પ્રમાણે વાસ્તવિક ઉત્પાદનનું કામ આગળ વધશે.  એ માટે ૧ લાખ ડોલરનું ઇનામ તો શરૂઆત છે. આગામી ત્રણ વર્ષમાં નમૂનેદાર શૌચાલય તૈયાર કરવા પાછળ ફાઉન્ડેશને ૩૭ કરોડ ડોલર ફાળવ્યા છે.

દરમિયાન, ભારતના ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન/ DRDO તરફથી શૌચાલયના કચરાનો અસરકારક નિકાલ કરતું ‘બાયો ટોઇલેટ’ તૈયાર કરવામાં આવ્યું છે. આકરી ઊંચાઇ પર ફરજ બજાવતા જવાનોના શૌચાલયના કચરાના નિકાલ માટે ડીઆરડીઓ તરફથી સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. બાયો-ટોઇલેટ તેનું પરિણામ છે. ગ્રામવિકાસ મંત્રાલય તેને ગામડાં સુધી અને ટ્રેનોના ડબ્બા સુધી પહોંચાડવા માગે છે, જેથી ખુલ્લામાં ગંદકી ન થાય અને આરોગ્ય તથા સફાઇના પ્રશ્નો પર કાબૂ આણી શકાય.

એક વાર ટેકનોલોજી શોધાઇ જાય ત્યાર પછી પણ છેવટનો આધાર લોકોના પક્ષે તેની સ્વીકૃતિ અને સરકારના પક્ષે તેના અમલીકરણ પર છે. એ સિદ્ધ કરવા માટે આ વિષય પ્રત્યેનો છોછ તજવો રહ્યો.