Showing posts with label education/શિક્ષણ. Show all posts
Showing posts with label education/શિક્ષણ. Show all posts

Tuesday, December 02, 2025

કેટલાક ઇન્ટર્નશીપ આઇડિયા

સરકારી જાહેરાતોના શબ્દો જોઈને તેમની પર ફિદા થવું એ નેતાઓની મુલાકાત વખતે ઝૂંપડાંને ઢાંકતા લીલા પટ્ટા જોઈને લીલોતરી વિશે રાજી થવા જેવું છે. સરકાર જેને નવી શિક્ષણનીતિ કહે છે, તે પણ આવી જ એક બાબત છે. વાંચવામાં ઉત્તમ લાગે એવી વાતો અમલની ચિંતા કર્યા વિના મુકી દેવાય, તેને કવિતા ગણીએ તો નવી શિક્ષણનીતિ એ સરકારનું ખંડકાવ્ય છે—તેની લંબાઈ ઉપરાંત, વાસ્તવિકતા વિચાર્યા વિના (વાતાનુકૂલિત) ખંડમાં બેસીને રચાયેલા કાવ્યના અર્થમાં પણ. તેનો વાસ્તવિક અર્થ વૈશ્વિક સ્તરનો દાવો કરવાની સાથે હકીકતમાં શિક્ષણની રહીસહી ગુણવત્તા પર બુલડોઝર ફેરવી દેવાનો લાગે છે. નવી શિક્ષણનીતિ વાસ્તવમાં અનેક કરુણ હાસ્યલેખોનો વિષય છે, પરંતુ તેમાંથી આજે વાત ફક્ત ઇન્ટર્નશીપની.

પહેલાં જાહેરાત કરવી અને પછી તેના અમલનું માળખું તથા અમલથી સર્જાનારી અરાજકતા વિશે વિચાર કરવો, એ વર્તમાન સરકારની વિશેષતા છે. તે વિશેષતા આગળ ધપાવતાં, નવી શિક્ષણનીતિમાં વિજ્ઞાનપ્રવાહ ઉપરાંત આર્ટ્સ અને કોમર્સમાં ભણતા કોલેજિયન વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાં આવી છે, આટલા બધા વિદ્યાર્થીઓ ઇન્ટર્ન તરીકે કેવી રીતે, ક્યાં જશે અને શું કરશે, તેનું કશું આયોજન નથી. એટલે નવી શિક્ષણનીતિની સાથે જૂની વહીવટી નીતિનું મિશ્રણ કરીને, સરકારે જાહેર કરવું પડ્યું છે કે વિદ્યાર્થી તેના પિતાની દુકાનમાં કે બ્યુટી પાર્લરમાં કામ કરશે અને પ્રમાણપત્ર લઈ આવશે તો પણ ચાલશે.

સરકારની આવી ઉદાર જાહેરાત વાંચીને ઇન્ટર્નશિપ માટેના કેટલાક મૌલિક વિચાર આપવાનું મન થયું, જેનાથી સરકાર નવી શિક્ષણનીતિના અમલનો (રાબેતા મુજબ, લોકહિતના ભોગે મળતો) આનંદ લઈ શકે અને જેમને માથે ઇન્ટર્નશિપ આવી પડી છે, તેમને કંઈક રસ્તો સૂઝે. ભરાઈ પડેલી સરકાર કોઈ પણ બાબતને ઇન્ટર્નશીપ તરીકે ગણી લેવા તૈયાર છે—બસ, પ્રમાણપત્ર હોવું જોઈએ.

ઇન્ટર્નશીપ આઇડિયા 1

દૈનિક ક્રિયાઓ કરવી તે પણ ઇન્ટર્નશીપનો જ એક પ્રકાર છે. તેના પ્રમાણપત્ર અને અહેવાલમાં સામેલ કરી શકાય એવા કેટલાક મુદ્દાઃ સવારે સૌથી પહેલાં મોંની, દાંતની, જીભની સફાઈ કરી. પછી પથારીની સફાઈ કરી. પછી પેટની અને સમગ્ર શરીરની સફાઈ કરી. ત્યાર પછી મોબાઇલ ફોનનાં રોજ ખડકાઈ જતા ડેટાની થોડી સફાઈ કરી. પછી વાહનમાંથી પેટ્રોલની સફાઈ કરી. બપોરે સમય થયે થાળીમાંથી ખાદ્યપદાર્થોની સફાઈ કરી. બપોરે થોડા કલાક વધારાના હતા. એટલે દિવસના કુલ કલાકોમાંથી તેમની સફાઈ કરી. સાંજે બીજા સહપાઠીઓ મળ્યા. તેમને પણ તેમની કોલેજમાંથી ઇન્ટર્નશીપ કરવા કહ્યું હતું. એટલે અમે સાથે મળીને, અમારા કેટલાક મિત્રો, શિક્ષકો, કોલેજ, પાડોશીઓ, ઇન્ફ્લુએન્સરો વગેરેની સામુહિક ધોરણે ધૂળ ખંખેરીને, તેમની થોડી સફાઈ કરી. આમ, ઇન્ટર્ન તરીકે આખો દિવસ વ્યસ્તતામાં વીત્યો. આ વ્યસ્ત આયોજનને રાષ્ટ્રીય સફાઈ અભિયાનમાં મારી ઇન્ટર્નશીપ તરીકે માન્ય રાખવામાં આવશે અને વડાપ્રધાનના પ્રિય અભિયાનને આગળ ધપાવવાના વિદ્યાર્થીઆલમના પ્રયાસોને હતાશા નહીં સાંપડે એવી આશા.

ઇન્ટર્નશીપ આઇડિયા 2

આજે સવારે ઉઠ્યો. ઊંડો શ્વાસ લીધો. પછી તે બહાર કાઢ્યો. ત્યારથી મારી ઇન્ટર્નશીપના વ્યસ્ત દિવસની શરૂઆત થઈ. સવારે ઉઠવાથી સ્નાન કરવા સુધી, તૈયાર થવાથી માંડીને મિત્રોને મળવા પહોંચતાં સુધી, મિત્રો સાથે ચર્ચાઓના વ્યસ્ત સમય દરમિયાન, ત્યાંથી નીકળીને એક મિત્રની હોસ્ટેલે પહોંચતાં સુધીમાં, બધા મિત્રો સાથે કીટલીએ અભ્યાસની ચર્ચા કરવા દરમિયાન, ત્યાંથી પાછા ઘરે પહંચીને જમવા સુધી અને જમીને સુઈ જવા સુધીમાં 23,395 વાર મેં શ્વાસ લીધો અને 23,390 વખત શ્વાસ (એટલે કે ઉચ્છવાસ) બહાર કાઢ્યો. પાંચેક વાર એવી કંઈક વાત થઈ હતી કે તત્કાળ મારો શ્વાસ અટકી ગયો. એટલે તે તાલ ખોરવાયો અને પાંચ ઉચ્છવાસ ઓછા નીકળ્યા.

આ પ્રકારના વિગતવાર અહેવાલ પાવર પોઇન્ટ અથવા બીજા કોઈ પણ સ્વરૂપે રોજ બનાવીને આપીશ અને હું ખરેખર, પ્રામાણિકતાપૂર્વક રોજ શ્વાસ લઉં છું-ઉચ્છવાસ કાઢું છું અને તેમાં કોઈ પ્રકારનાં ગાબડાં પાડતો નથી, તેનાં પ્રમાણપત્ર પણ પૂરાં પાડીશ. આશા છે કે મારી આ નિયમિત પ્રવૃત્તિને ઇન્ટર્નશીપ ગણીને તેની ચાર ક્રેડિટ આપવામાં આવશે.

ઇન્ટર્નશીપ આઇડિયા 3

સવારે ઉઠીને સ્વદેશી બ્રશ અને સ્વદેશી ટુથપેસ્ટનો ઉપયોગ કર્યો. પછી સ્વદેશી ચા પીને સ્વદેશી શેવિંગ ક્રીમથી દાઢી કરી, સ્વદેશી સાબુથી નાહ્યો અને સ્વદેશી ટુવાલથી શરીર લૂછ્યું. પછી સ્વદેશી બનાવટનું જિન્સ ધારણ કરીને સ્વદેશી બનાવટના દ્વિચક્રી પર બહાર નીકળ્યો, સ્વદેશી પેટ્રોલ પમ્પ પર સ્વદેશી બનાવટની ચલણી નોટો ન હોવાથી જી-પે કર્યું. ગુગલ વિદેશી કંપની છે એ સાચું, પણ આપણા માટે અમેરિકા વિદેશ થોડું કહેવાય? એ તો હમણાં જરા સખળડખળ ચાલે છે. બાકી, અમારો મમ્મીની સાઇડનો અડધો પરિવાર અમેરિકા છે. મામા-માસીનો દેશને સ્વદેશ ગણવો એ તો ભારતીય સંસ્કાર છે.

સ્વદેશી પેટ્રોલ પુરાવ્યા પછી રસ્તામાં એક ઠેકાણે ઊભા રહેવું પડ્યું. કારણ કે, મોટા સાહેબની ઇમ્પોર્ટેડ ગાડીઓનો કાફલો પસાર થઈ રહ્યો હોવાથી બધાને રોકી પાડવામાં આવ્યા હતા. પણ મને ખબર છે કે સાહેબો કરે એવું નહીં, તે કહે એવું કરવાનું હોય. એટલે મેં તો સ્વદેશીનો આગ્રહ ચાલુ રાખ્યો અને મારા દિવસનો અંત સ્વદેશી ગાદલા પર પાથરેલી સ્વદેશી ચાદર અને સ્વદેશી ઓશિકા પર સુઈને આવ્યો. બે મહિના દરમિયાન મેં આ રીતે કરેલી પ્રવૃત્તિને વોકલ ફોર લોકલ અથવા મેઇડ ઇન ઇન્ડિયા જેવા રાષ્ટ્રીય (સરકારી) કાર્યક્રમ અંતર્ગત કરેલી ઇન્ટર્નશીપ ગણીને, મને ચાર ક્રેડિટ માટે લાયક ગણવામાં આવે એવી વિનંતી.

 

Sunday, March 17, 2024

ટેલેન્ટ શોના માળખાનું ‘સજ્જડબંબ પાંજરું પહોળું થયું’

આજે મહિલા દિવસ ન હતો. કોઈ સરકારી બેટી/કન્યાલક્ષી ઉજવણું પણ ન હતું. આમ જુઓ તો હતો નડીયાદની સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજનો ટેલેન્ટ શો. પણ તેનું વિચારબીજ, તે બીજને કેન્દ્રમાં રાખીને થયેલું આયોજન અને આજે સવારે થયેલો તેનો અમલ જોયા પછી થયું કે એક કોલેજ-એક વિદ્યાસંસ્થા ધારે તો શું કરી શકે—અને એ વાત આપણી આસપાસના વાતાવરણમાંથી કેટલી હદે ભૂંસાઈ ગઈ છે.

મહિલા આર્ટ્સ કોલેજ અને ખાસ તો તેની એક વિશિષ્ટ પ્રવૃત્તિ વીરામૃત કોલેજ ઓન વ્હીલ્સ સાથે સંકળાયેલા હોવાનો નાતો અને કોલેજના આચાર્ય-પરમ મિત્ર હસિત મહેતા સાથે લગભગ ત્રણ દાયકાની ગાઢ દોસ્તી –આ બંને પરિબળો બાજુ પર રાખ્યા પછી પણ કહેવું પડે કે આવો અસાધારણ, સંવેદનસભર છતાં સાત્ત્વિક રંજકતાથી ભરપૂર કાર્યક્રમ કદી જોયો નથી.

હસિત મહેતાને ઓળખતા લોકો જાણે છે કે તેમને અવનવા મૌલિક વિચાર આવે છે અને તેને સાકાર કરવા માટે પોતાનાં અને સાથીદારોનાં રાતદિવસ એક કરી-કરાવીને જ જંપે છે. એવો જ એક વિચાર હતોઃ કોલેજના ટેલેન્ટ શો નિમિત્તે કંઈક જુદું કરવાનો. જુદું એટલે એવું કશું, જેમાં મહિલા આર્ટ્સ કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓનો સંઘર્ષ અને તેમની સફળતા ઉજાગર થાય. થોડા મહિના પહેલાં આવેલા આ વિચાર પછી ધીમે ધીમે કાર્યક્રમનું સ્વરૂપ ઘડાતું ગયું અને કેટલાક પાયાના નિયમ નક્કી થતા ગયા. જેમ કે,

  • આ કાર્યક્રમનો આશય કોલેજના પ્રચારનો કે કોલેજ કેટલી મહાન છે, તે દર્શાવવાનો નથી. તેનું સઘળું લક્ષ્ય કોલેજમાં ભણતી છોકરીઓની આવડત પર હોવું જોઈએ.
  • ટેલેન્ટ શોમાં સામાન્ય રીતે હોબીમાં સ્થાન પામતી કળા/આવડતો પ્રદર્શિત થતી હોય છે. આપણા ટેલેન્ટ શોમાં તે સિવાય જીવનલક્ષી કસબો-વ્યવસાયોને પણ સ્થાન મળવું જોઈએ.
  • ફક્ત એવી જ વિદ્યાર્થિનીઓને શો માટે પસંદ કરવી, જે તેમના કસબ કે કળામાંથી કમાતી હોય. કેમ કે, મોટા ભાગના કિસ્સામાં એવી કમાણી તેમના ઘર માટે ઉપયોગી અને ટેકારૂપ હોવાની.
  • કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનો પણ શોમાં સમાવેશ કરવો.
  • કાર્યક્રમ રૂઢ અર્થમાં ટેલેન્ટ શો નથી. એટલે તેના આમંત્રણમાં ક્યાંય તે શબ્દનો ઉલ્લેખ ન કરવો.

હવે સામાન્ય લાગે એવી આટલી સ્પષ્ટતાઓ સુધી પહોંચવામાં ઘણો સમય નીકળ્યો. પછી શરૂ થઈ વૈવિધ્યપૂર્ણ આવડત ધરાવતી વિદ્યાર્થિનીઓની તલાશ. મહિલા આર્ટ્સ કોલેજમાં નડિયાદ અને તેની આજુબાજુનાં આશરે 200 ગામમાંથી છોકરીઓ ભણવા આવે છે. મોટા ભાગની છોકરીઓ સામાન્ય, સંઘર્ષરત પરિવારોની હોય છે. દલિત-મુસ્લિમ-પછાત છોકરીઓનું પ્રમાણ બહુ મોટું હોય છે. ધીમે ધીમે વિવિધ આવડતવાળી છોકરીઓની યાદી બનાવવાનું કામ શરૂ થયું. અધ્યાપકો પ્રમાણે જવાબદારીઓ વહેંચવામાં આવી. કોઈ પણ છોકરીનું નામ આવે, એટલે તેના કસબની વિડીયો અધ્યાપકો મેળવે અને તે હસિતભાઈને બતાવે. તેના આધારે છોકરીને સામેલ કરવી કે નહીં, તે નક્કી થાય. આ તબક્કો લાંબો ચાલ્યો.

અગાઉ આ પ્રકારના કોઈ કાર્યક્રમનો આધાર ન હોવાથી, દરેકેદરેક બાબત નવેસરથી નક્કી કરવાની હતી. એટલે સવાલ આવ્યો કે ગાય-ભેંસ દોહીને ડેરીમાં દૂધ ભરીને કમાણી કરનાર અને ખેતરમાં પાણી વાળવાનું અને બીજું કામ કરીને રૂપિયા કમાનાર વિદ્યાર્થિનીઓનો આ કાર્યક્રમમાં સમાવેશ થાય?  તે માટે ઝાઝો વિચાર કરવો ન પડ્યો. તરત નિર્ણય થયોઃ કેમ નહીં? ચોક્કસ. થવો જ જોઈએ. એવી રીતે ગીત, અભિનય અને નૃત્ય જેવી પરંપરાગત શોની આવડતો ઉપરાંત, મેક અપ, રંગોળી, મહેંદી, સીવણ અને રાંધણ જેવી, સ્ત્રીઓ સાથે પરંપરાથી સંકળાયેલી આવડતો અને સ્વરક્ષણ, પશુપાલન, ખેતમજૂરી, પતંગ બનાવવી, વેસ્ટમાંથી બેસ્ટ જેવી બીજી ઘણી અનોખી અને અભૂતપૂર્વ આઇટેમો પણ કાર્યક્રમનો હિસ્સો બની.

યાદીમાં એક પછી એક ચીજો ઉમેરાતી ગઈ, તેમ આશ્ચર્ય સાથે આનંદ અને ઉત્સાહ વધતાં ગયાં. કોઈ છોકરીને તેની આવડત વિશે શીખવવાનું ન હતું, પણ મંચ પરથી નિશ્ચિત સમયમાં તેની પ્રસ્તુતિ શી રીતે થાય તે માટે ભરપૂર તૈયારી કરાવવામાં આવી. અગાઉ જણાવ્યું તેમ, કાર્યક્રમના કેન્દ્રસ્થાને કોલેજ નહીં, વિદ્યાર્થિનીઓ હતી. એટલે, હસિતભાઈનાં સક્ષમ સહાયક પારુલ પટેલે બીજી અનેક કામગીરી ઉપરાંત ભાગ લેનારી તમામ વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરીને તેમના વિશેની વિગત મેળવી, જેને કાર્યક્રમની સ્ક્રીપ્ટમાં વણી શકાય.

કાર્યક્રમનું નામ હસિતભાઈના મનમાં ચોંટી ગયું હતુઃ સો દાડા સાસુના, એક દાડો વહુનો. તેમના મનમાં એવો ખ્યાલ હતો કે કોલેજ, શિક્ષકો અને આખો સમાજ ઘણાખરા કિસ્સામાં જૂના જમાનાની ફિલ્મી સાસુઓ જેવું વર્તન રાખતો હોવા છતાં, છોકરીઓ સંઘર્ષથી અને પોતાની આવડત વડે રસ્તો કાઢે છે. તેમને બિરદાવવા માટેનો આ એક દિવસ છે. આ એક દિવસ અંત નહીં, પણ શરૂઆત છે—એવી ભાવના પણ તેમાં સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવે.

તે બાબતને કેન્દ્રમાં રાખીને નિમંત્રણ તૈયાર કરવામાં આવ્યું અને કાર્યક્રમની સ્ક્રીપ્ટ પણ બીરેન કોઠારીએ અને મેં હસિતભાઈને સાથે રાખીને લખી. ત્યારથી લઇને ગઈ કાલે નડીયાદના ઇપ્કોવાલા ટાઉન હોલમાં થયેલા ગ્રાન્ડ રીહર્સલ અને આજે થયેલા કાર્યક્રમનો વિગતવાર અહેવાલ લખવાને બદલે, તેના રેકોર્ડિંગની લિન્ક જ અહીં આપું છું. 

કાર્યક્રમ વિશે એટલું જ કહેવાનું કે આખી ટીમે અત્યાર સુધી કરેલી દૃષ્ટિપૂર્વકની મહેનત ફળી, કાર્યક્રમમાં અનેક વિવિધતા હોવા છતાં અને સ્ટેજ પર અનેક પ્રકારની વસ્તુઓ થોડા થોડા સમય માટે લાવવાની હોવા છતાં, ક્યાંક ગરબડગોટાળા કે વિલંબ ન થયા. કાર્યક્રમ એટલી ચુસ્તીથી પૂરો થયો કે ઘણાને તે ટૂંકો લાગ્યો. વચ્ચે થોડી મિનીટ માટે હોલની લાઇટ ગઈ ત્યારે પણ વિદ્યાર્થિનીઓ, વાલીઓ અને બીજા મહેમાનોથી ભરેલા આખા હોલમાં ક્યાંય અશાંતિ ન સર્જાઈ. અંગ્રેજીમાં જેને 'ટીઅરજર્કર' કહેવામાં આવે છે એવી, લોકોને પકડી પકડીને રડાવે એવી કોઈ વાત કે સૂચન ન હોવા છતાં, છોકરીઓના સંઘર્ષ અને સફળતાની કથાઓ અને તેનું જે રીતે મંચ પરથી ગૌરવ કરવામાં આવ્યું, તે જોઈને કેટલાયની આંખો ભીની થઈ. પત્રકારત્વમાં જેને 'હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી' કહેવામાં આવે છે એવી કથાઓ મહિલા આર્ટ્સ કોલેજમાં લગભગ દરેક વિદ્યાર્થિની પાસે હોય છે. પરંતુ કોઈ વાત છાપામાં કે સોશિયલ મિડીયા પર ચડે ત્યાર પછી જ તેની મહત્તા સમજવાની આદત પડી ગઈ છે. આ કાર્યક્રમ સંવેદનશીલતા પર ચડેલી આદતની-વ્યવહારની ધૂળને ખંખેરીને, અસલી સંવેદન અનુભવવાનું નિમિત્ત બની રહ્યો. 

વધુ તો આ લિન્ક જોઈને ખાતરી કરજો. સળંગ સમય ન હોય તો ટુકડે ટુકડે કરીને જોશો તો પણ તેનું અનોખાપણું અને તેની સંવેદનપ્રેરક તાકાત તમે અનુભવી શકશો. 

 વિડીયોમાં જોવા નહીં મળે એવી કાર્યક્રમની કેટલીક તસવીરોઃ

કાર્યક્રમ પહેલાં, બંધ પરદાની પાછળ, ભાગ લેનાર વિદ્યાર્થિનીઓ સામે
'પ્રોફેસર'નો ક્લાસઃ છેલ્લી સૂચનાઓ આપતા હસિત મહેતા
કાર્યક્રમ શરૂ થતાં પહેલાં, પરદા પાછળ, ભાગ લનેાર વિદ્યાર્થિનીઓ
અને સ્ટાફની સર્વધર્મપ્રાર્થના

હોલમાં અચાનક લાઇટો ગઈ એટલે મોબાઈલ ઝગમગી ઉઠ્યા,
પણ હોલની શાંતિ જરાય ખોરવાઈ નહીં

છેલ્લે, મંચ પર આખા સ્ટાફ સાથે, કોલેજની એનસીસી કેડેટોની
હાજરીમાં જનગણમન...


સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજ અને વીરામૃત કોલેજ ઓન વ્હીલ્સનો
આખો સ્ટાફ 

Wednesday, January 03, 2024

શિક્ષણક્ષેત્રે કુરુક્ષેત્રે

 ગુજરાતની શાળાઓમાં છથી આઠ ધોરણનાં બાળકોને ભગવદ્ ગીતા શીખવવામાં આવશે, એ સમાચાર વાંચીને મનમાં કેટલાંક દૃશ્યો આવી ગયાં.

સરકાર બતાવવા માગે છે તે દૃશ્યઃ

એક શાળા છે. તેના ઓરડામાં વડા પ્રધાનની શાળા-મુલાકાત વખતે ફોટોશોપ કરીને લગાડેલી એવી નહીં, પણ અસલી બારી છે. તેમાંથી તડકો વર્ગખંડમાં પ્રસર્યો છે. વર્ગખંડમાં બાળકો યુનિફોર્મ પહેરીને લાઇનસર બેઠાં છે અને એકાગ્રતાથી ગીતાના શ્લોકોનું પઠન કરી રહ્યાં છે. એક શ્લોક પૂરો થાય, એટલે શિક્ષક શ્લોકનો એકેએક શબ્દ છૂટો પાડીને તેનો અર્થ સમજાવે છે. તે સાંભળીને બાળકના ચિત્તમાં જ્ઞાનપ્રાપ્તિનો રોમાંચ વ્યાપી જાય છે, જે તેના ચહેરા પર ઝગમગી ઉઠે છે.

--પણ આપણે જાણીએ છીએ કે સરકાર આવી રીતે જ વિદેશમાં ખડકાયેલું કાળું નાણું પાછું લાવીને, ઇલેક્ટોરલ ફંડમાં નહીં, લોકોનાં ખાતામાં નાખવાની હતી. એટલે, આગળ જણાવેલું સપનું જોવા માટે સરકારી ચશ્મા પહેરવા અનિવાર્ય છે.

એ ચશ્મા વિશે પણ લગે હાથ થોડું કહી દેવું જોઈએ. થ્રી-ડી ચશ્મા વિશે મોટા ભાગના લોકોએ સાંભળ્યું હશે ને ઘણાએ તે ફિલ્મ જોતી વખતે પહેર્યા પણ હશે. સરકારના ચશ્મા તેનાથી પણ જૂની છતાં સદાબહાર એવી વન-ડી ટેકનોલોજી ધરાવે છે. તે પહેર્યા પછી એક જ પરિમાણ—સરકાર બતાવે તે જ—દેખાય છે.

શાળામાં બાળકોને ગીતા ભણાવવાના સમાચાર સરકારના વન-ડી ચશ્મા પહેરીને વાંચીએ તો પછી શાળામાં શિક્ષકોની અછત, વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર, ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને નીચલા ધોરણનું ગુજરાતી વાંચવામાં પડતાં ફાંફાં, શિક્ષકોનું આર્થિક શોષણ અને તેમની સાથે સરકારી વેઠિયા જેવું વર્તન—આવું કશું જ નહીં દેખાય. એ ચશ્મા પહેરીને જોતાં દેખાશે કે આઠમું ધોરણ ભણીને પાર ઉતરેલા વિદ્યાર્થીઓ—અને આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દેતી ગ્રામ્ય વિસ્તારોની ઘણીબધી વિદ્યાર્થીનીઓ—એકબીજા સાથે ગીતાના શ્લોકો ટાંકીને જ વાતચીત કરતી હશે. ખેતરમાં મજૂરી કરતી વખતે, કારખાનાંમાં કામ કરતી વખતે કે ભણવાનું છોડીને બીજી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિમાં જોતરાયા પછી પણ તેમના હૃદયમાં અહર્નિશ ગીતાપાઠ ચાલતો હશે. ફળની આશા વિના કર્મ કરવાનું તે શીખે કે ન શીખે, ફળીભૂત થવાની આશા વગરનાં વચનો હોંશે હોંશે પી જવાનું તે જરૂર શીખી જશે.

સરકારી ચશ્માથી એવું પણ દેખાશે કે ગુજરાતી માધ્યમમાં ભણનારા બાળકોમાંથી હજારો બાળકો ગુજરાતી વિષયમાં ભલે નાપાસ થાય, પણ ગીતાના વિષયમાં તેમનું પરિણામ ઝળહળતું હશે અને આખું વિશ્વ એ ચમત્કાર જોઈને ભારતના વિશ્વગુરુપદ પર વધુ એક વાર મહોર મારી દેશે.

ભવિષ્યમાં ગીતાશિક્ષણ બધાં ધોરણ માટે લાગુ કરવામાં આવે ત્યારે શિક્ષણ મંત્રીની સાથોસાથ એક હોદ્દો ગીતા મંત્રીનો પણ ઊભો કરી શકાય, જેથી વિપક્ષમાંથી ખરીદી લાવેલા કોઈ નેતાને મંત્રીપદ આપવાનો વાયદો કર્યો હોય તો, વ્યવહાર મુજબ, વાસ્તવિક સત્તા આપ્યા વિના, એ વાયદો પૂરો કરી શકાય.

ઘણા શિક્ષકો જોવા ઇચ્છે એવું દૃશ્યઃ

ગીતા અભ્યાસમાં આવતાંની સાથે સમૃદ્ધ વાલીઓના ફોન આવવા લાગ્યા હશે કે તેમના સંતાન માટે ગીતાનું ટ્યુશન બંધાવવું છે. કોઈ સારા ટીચર હોય તો બતાવજો. શહેરોમાં બધા વિષયોના ટ્યુશન ક્લાસનું જે પેકેજ નક્કી થતું હશે, તેમાં ગીતાનો સમાવેશ નહીં થાય. તેને સ્પેશિયલ સબ્જેક્ટ ગણીને તેની ફી ગણિત કે વિજ્ઞાન કરતાં દોઢી રાખી શકાશે. ફીવધારાના વિરોધીઓને હિંદુવિરોધી તરીકે ગણાવવાની સુવિધા પણ રહેશે. આઠમા ધોરણમાં ભણતાં સંતાનોને બારમા પછી આપવાની પરીક્ષાની તૈયારી કરાવતાં વાલીઓ, ગીતાની તૈયારી માટે બાળક ચોથા ધોરણમાં હશે ત્યારથી તેનું ટ્યુશન શોધવા લાગશે, જેથી છઠ્ઠામાં ગીતા આવે ત્યારે તેમનું બાળક બીજાં બાળકોની સ્પર્ધામાં પાછળ ન પડી જાય. તેના કારણે ગીતાના ટ્યુશન ક્લાસ ખરેખર તો છઠ્ઠા ધોરણથી નહીં, ચોથા ધોરણથી જ શરૂ કરી શકાશે.

ગીતાનો સબ્જેક્ટ ગુજરાતી ઉપરાંત સંસ્કૃત અને અંગ્રેજીના શિક્ષકો પણ શીખવી શકશે. ગીતાના ટ્યુશનક્લાસ ભરનારાને ગીતાનો એકાદ શ્લોક લખેલું ટી શર્ટ પણ આપી શકાય. શ્લોક સંસ્કૃતની સાથોસાથ અંગ્રેજી લિપિમાં લખેલો હોવાથી શહેરનાં, અંગ્રેજી મિડીયમમાં ભણતાં બાળકો પણ તેનો લાભ લઈ શકશે—અને એવું થાય તો ટી શર્ટના જથ્થાબંધ ઓર્ડરમાંથી મળનારું કમિશન અલગ.

સરકારી જાહેરાત પછી મોડા જાગેલા કેટલાક હજુ ગીતાની ગાઇડ લખી રહ્યા હશે, પણ કેટલાક અનુભવી શિક્ષકો તો ગાઇડનું લેખન પૂરું કરવામાં હશે. કારણ કે, જાહેરાત થતાં પહેલાં તેમને આગોતરી ગાંધીનગરથી ખબર પડી ગઈ હશે.

ગીતાને બારમા ધોરણમાં ફરજિયાત કરવામાં આવે અને તેના માર્ક પણ વિદ્યાર્થીની છેવટની ટકાવારીમાં ગણાશે એવી જાહેરાત થાય, તો વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાને અવગણે છે એવી રીતે ગીતાને અવગણી નહીં શકે અને કમર કસીને તેની તૈયારી કરશે. મતલબ, તેનાં પેપર ફૂટશે અને કમાણીની નવી દિશાઓ ખુલશે, જેના પગલે કહી શકાશે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા.

ઘણા વિદ્યાર્થીઓ જોવા ઇચ્છે એવું દૃશ્યઃ

વિદ્યાર્થીઓ? અને તે વળી ઇચ્છે? અઢળક રૂપિયા ખર્ચીને તે શિક્ષણની ગુણવત્તા સિવાય બીજું કંઈ પણ ઇચ્છી શકે. તેમનો ધર્મ શિક્ષણના તળીયે પહોંચેલા સ્તર વિશે વિચારવાનો તો બિલકુલ નથી. તેમણે આગળ આપેલાં બે દૃશ્યોમાં જ્યાં ગોઠવાઈ શકાય ત્યાં ગોઠવાઈ જવાનું. એની તેમને સંપૂર્ણ છૂટ હશે. ગીતા-પરંપરા પ્રમાણે તેમને કહી પણ શકાશેઃ યથેચ્છસિ તથા કુરુ. તમને ઠીક લાગે તે વિકલ્પ પસંદ કરો.

Tuesday, January 17, 2023

ગૂજરાત વિદ્યાપીઠઃ કુલનાયક ખીમાણીનું રાજીનામું એટલે...

આખરે બે દિવસ પહેલાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક (વીસી) રાજેન્દ્રભાઈ ખીમાણીએ રાજીનામું આપ્યું. 

હાઇકોર્ટના આદેશને પગલે તેમનું જવાનું તો નક્કી જ હતું. 

એક અટકળ એવી હતી કે અમિત શાહ કદાચ તેમને કોર્ટના આદેશની અસરમાંથી બચાવી પણ લે. 

બીજી, વધારે તાર્કિક, અટકળ એવી હતી કે અમિત શાહ તેમને બચાવવા માટે શું કામ પ્રયાસ કરે? તેમનો ઉપયોગ તો કેવળ વિદ્યાપીઠ હાંસલ કરવા પૂરતો જ હોય. 

અને રાજેન્દ્રભાઈ સામે કશી કાર્યવાહી ન થાય, એ પણ તેમના માટે તો સરકારે કરેલી તરફેણ જ ગણાય, એવા આરોપ તેમની સામે છે. 

***

વિદ્યાપીઠમાં આચાર્ય દેવવ્રત જેવા સરકારમાન્ય, સરકાર-અનુકૂળ અને રામદેવના અનુયાયી એવા કુલપતિ (ચાન્સેલર) નીમવા માટે ટ્રસ્ટીમંડળમાં ઠરાવ થયો અને બહુમતીથી પસાર થયો, તેમાં પ્રેરક બળ રાજેન્દ્રભાઈનું હતું. 

સ્ટાફના પ્રતિનિધિઓને એવું સમજાવવામાં આવ્યું કે સરકારને અનુકૂળ નહીં થઈએ તો ગ્રાન્ટ નહીં આવે (કેમ જાણે ગ્રાન્ટ કોઈના પિતાશ્રીની મૂડીમાંથી આવવાની હોય) અને તમારા પગાર અટકશે. ભૂતપૂર્વ સાથીદારોને કહેવામાં આવ્યું કે આરોપોમાં તમે પણ સહઆરોપી બનશો. 

ભૂતપૂર્વ સાથીદારો તો ન માન્યા ને વિરોધમાં થોડા મત પડ્યા. છતાં ઠરાવ બહુમતીથી પસાર થઈ ગયો અને આચાર્ય દેવવ્રત રાજ્યપાલ તરીકે નહીં, વ્યક્તિગત રીતે વિદ્યાપીઠના આજીવન કુલપતિ બની ગયા. ત્યાર પછી તેમણે જે મહાન સફાઈઝુંબેશ ઉપાડી, રાજ્યપાલભવનમાંથી તેની જે ભવ્ય યાદીઓ બહાર પડી અને છપાઈ, તે સૌ જાણે છે. 

તો, સરવાળે શું થયું?

- રાજેન્દ્રભાઈએ વિદ્યાપીઠ સરકારના ચરણે ધરી દીધી. વિદ્યાપીઠના કુલપતિનું પદ ગાંધીવિચારધારાથી વિપરીત વિચારધારા ધરાવતા માણસ પાસે ગયું--અને તે પણ તે ભાઈ જીવે ત્યાં સુધી. તે પાપ રાજેન્દ્રભાઈની સક્રિય આગેવાની હેઠળ થયું. તરફેણમાં મત આપનારા એ પાપના ભાગીદાર. 

- બદલામાં રાજેન્દ્રભાઈની સામે કશાં પગલાં નહીં લેવાય, એવી આશા કે આશ્વાસન હશે? ખબર નથી, પણ હાલમાં તો તેમણે કુલનાયકપદું છોડવું પડ્યું. 

***

રાજેન્દ્રભાઈ કહી શકે કે તેમણે વિદ્યાપીઠને બચાવી લીધી. નહીંતર ગ્રાન્ટ બંધ થઈ જાત અને સ્ટાફ પગાર વિના રવડી પડત અને વિદ્યાપીઠ બંધ થઈ જાત. 

વિદ્યાપીઠના ટીકાકારો કહી શકે કે આમાં કશું ક્યાં નવું છે? વિદ્યાપીઠમાં તો પહેલેથી પુષ્કળ પોલંપોલ ચાલતું હતું. 

--અને આ બંને વાતોમાં સત્યનો ઘણો અંશ હોઈ શકે.  છતાં, તે આખા ચિત્રનો નાનકડો હિસ્સો છે. 

આખું ચિત્ર એ છે કે  કે જેવી હતી તેવી એક ગાંધીસંસ્થા વિરોધી વિચારધારાના સત્તાધીશોએ આંચકી લીધી અને તે પણ કોઈ પણ પ્રકારના પ્રજાકીય-નાગરિકી વિરોધ વિના. 

***

અત્યાર સુધીના બનાવો પરથી સમજાય છે કે આ સરકાર એક જ ભાષા સમજે છેઃ વિરોધની. 

સમેતશિખરને પ્રવાસનધામ ન બનાવાય, એવી જૈનોની માગણી તેમના વિરોધપ્રદર્શન પછી સ્વીકારાઈ. એ તેનો તાજો દાખલો છે.

ત્યાર પહેલાંનાં વિરોધ પ્રદર્શનો પણ યાદ કરી લો. એટલે ખ્યાલ આવી જશે કે વિરોધીઓ પ્રત્યે ગંદકી ફેલાવવા સિવાય, તેમને નહીં જેવા કારણોસર કે કારણવગર જેલમાં ખોસી દેવા સિવાય અને વિરોધીઓ સામે પાળેલાં પ્રાણીઓને છૂટાં મૂકી દીધા સિવાય, બીજું ખાસ કંઈ તેમને ફાવતું નથી. 

આટલાં વર્ષ વિરોધ કરી કરીને અહીં પહોંચ્યા પછી હવે સાહેબલોકોથી કાયદાની હદમાં રહીને થતો વિરોધ પણ સહેવાતો નથી. હવે તો એ વિરોધ પ્રદર્શન વખતે ધરપકડને લગતા કાયદા પણ બદલવા માંડ્યા છે. 

વિરોધથી ડરતા હોવાને કારણે તેમના પ્રયાસ એવા હોય છે કે કોઈ પણ ચીજ હડપ કરી લેતાં પહેલાં ત્યાંના સત્તાધીશોની ફાઇલો સાથે રાખવી અને ભય કે લાલચ કે બંનેના જોરે તેમને દબાવીને, વ્યાપક વિરોધ થાય તે પહેલાં કબજો જમાવી લેવો. 

એવા સંજોગોમાં શિસ્તબદ્ધ, અહિંસક પણ આકરો વિરોધ પણ ન થાય, ત્યારે શું કહેવું? 

***

વિરોધનો અર્થ એવો નથી કે બધાએ સડક પર ઉતરવું. જેને જે અનુકૂળ પડે તે કરે. પણ જેનો દાવો ને હોદ્દો વધારે મોટો, તેની જવાબદારી વધારે મોટી.  બધા વિરોધની પહેલ ન કરે તો પણ, વાજબી રીતે થતા વિરોધને એક યા બીજી રીતે સહકાર તો આપે. 

વિદ્યાપીઠ એ ટ્રસ્ટીઓના કે હોદ્દેદારોની મિલકત નથી. તેની છેવટની માલિકી સમાજની અને તેમાં પણ વિદ્યાપીઠ જેવી સંસ્થાઓના કિસ્સામાં, ગાંધીપ્રેમી હોય અથવા કમ સે કમ ગાંધીદ્વેષી ન હોય, એવા વ્યાપક જનસમુદાયની છે. 'આપણે શી લેવાદેવા?' એવું વિચારતાં પહેલાં આટલું મનમાં રાખજો. 

બાકી તો, ગાંધીજી કહેતા હતા તેમ, તમારા રુદિયાનો રામ સૂઝાડે તેમ કરજો. રુદિયામાં રામના પાવક સ્મરણને બદલે 'જય શ્રી રામ'ની હિંસક નારાબાજી હોય તો જેવાં ગાંધીજીનાં, રામનાં ને દેશનાં નસીબ.

Wednesday, October 05, 2022

ગૂજરાત વિદ્યાપીઠનો શરમજનક ઘટનાક્રમ: જવાબદારી નિભાવવાની, નામોશીથી બચવાની છેલ્લી છેલ્લી તક

ગૂજરાત વિદ્યાપીઠ  Gujarat Vidyapith

ગૂજરાત વિદ્યાપીઠમાં ગઈ કાલે સાંજે થયેલી ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગમાં, વિદ્યાપીઠના ચાન્સેલર પદે આચાર્ય દેવવ્રતને નીમવાની દરખાસ્ત થઈ. તે અત્યારે ગુજરાતના રાજ્યપાલ છે, પણ તેમની નિમણૂંક હોદ્દાની રૂએ નહીં, થઈ, વ્યક્તિગત ધોરણે (સંભવતઃ સરકાર સાથે થયેલી ગોઠવણ પ્રમાણે) થઈ છે. હરિયાણાના આચાર્ય દેવવ્રત પતંજલિ પ્રોડક્ટ્સવાળા રામદેવના શિષ્ય છે. હરિયાણામાં ચાલતા એક ગુરુકુળના આચાર્યપદે લાંબો સમય રહેલા દેવવ્રતને 2015માં પહેલી વાર હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. તેમની નિમણૂંકમાં રામદેવની ભૂમિકા વિશે દેવવ્રતે કહ્યું હતું, “He has always been a guide and his blessings are with me” (તે હંમેશાં મારા માર્ગદર્શક રહ્યા છે અને તેમના આશીર્વાદ મારી સાથે જ છે. ધ ટ્રિબ્યુન, ઓગસ્ટ 5, 2015)

આ દેવવ્રતને હવે વિદ્યાપીઠના ચાન્સેલર બનાવવાની, ગાંધીસંસ્થા માટે શરમજનક કહેવાય એવી દરખાસ્ત ગઈ કાલે પસાર થઈ. કુલ 24 મતમાંથી દરખાસ્તની તરફેણમાં 13 જણે અને વિરોધમાં 9 જણે મત આપ્યા. બે જણ તટસ્થ રહ્યા.

***

ગૂજરાત વિદ્યાપીઠના માળખામાં સત્તાવાર અને મૂળભૂત પરિવર્તન આણે એટલું મોટું કાવતરું પાર પડ્યું ત્યારે, તેમાં કોનું શું વલણ હતું, તે લોકો સમક્ષ મુકાવું જરૂરી છે. 

વિદ્યાપીઠની ગવર્નિંગ કાઉન્સિલનાં 26 જણનાં નામ તેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેમાંથી (જેમનું રાજીનામું સ્વીકારાયું તે) ચાન્સેલર ઇલાબહેન ભટ્ટ અને ઇન ચાર્જ રજિસ્ટ્રાર ડો. નિખિલ ભટ્ટનો મતની યાદીમાં સમાવેશ કર્યો નથી. તે સિવાયના 24 જણના મત આ પ્રમાણે હતાઃ

દરખાસ્તનો વિરોધ કરનારા નવ જણનાં નામઃ (તેમાંથી મોટા ભાગના નાગરિક પ્રતિનિધિ તરીકે લેવાયેલા ટ્રસ્ટીઓ છે.) 

1. નરસિંહભાઈ હઠીલા

2. ડો. મંદાબહેન પરીખ

3. ડો. સુદર્શન આયંગાર

4. કપિલભાઈ શાહ

5. માઇકલ મઝગાંવકર

6. ઉત્તમભાઈ પરમાર

7. ચૈતન્યભાઈ ભટ્ટ

8. નીતાબહેન હાર્ડિકર

9. પ્રો. અનામિકભાઈ શાહ


ગાંધીસંસ્થા માટે શરમજનક એવી દરખાસ્તને ટેકો આપનારા તેર જણનાં નામ. (તેમાં મોટા ભાગના અધ્યાપક પ્રતિનિધિઓ છે.) 

1. ડો. રાજેન્દ્ર ખીમાણી

2. પ્રો. કનુભાઈ નાયક

3. આયેશાબહેન પટેલ

4. સુરેશભાઈ રામાનુજ

5. વિશાલભાઈ ભાદાણી

6. જગદીશચંદ્ર સાવલિયા

7. જશવંતભાઈ પંડ્યા

8. રમેશભાઈ પટેલ

9. જગદીશચંદ્ર ગોઠી

10. અરુણભાઈ ગાંધી

11. નરેશભાઈ ચૌહાણ

12. પ્રવીણકુમાર શર્મા

13. મેહુલભાઈ પટેલ 


તટસ્થ રહેલા એટલે કે એકેય બાજુ મત નહીં આપનારા બે સભ્યો

1. હસમુખભાઈ પટેલ

2. ચંદ્રવદનભાઈ શાહ


ગેરવાજબી દરખાસ્તનો વિરોધ કરનાર સૌને અભિનંદન. 

આ તેમના વિરોધનો અંત નહીં, શરૂઆત હોય એવી અપેક્ષા.

આ પ્રશ્ન ફક્ત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓનો નથી.

જેવા છે તેવા,  વ્યાપક નાગરિક સમાજનો પણ છે. 

ભૂતકાળ પ્રત્યે આંગળીચીંધામણાં કરીને વર્તમાનની જવાબદારીમાંથી છટકી શકાય નહીં,

વર્તમાનની જવાબદારી નિભાવવાની ને ભવિષ્યની નામોશીથી બચવાની આ છેલ્લી છેલ્લી તક છે. 

Monday, August 03, 2020

નવી શિક્ષણનીતિ : રૂપાળા નકશા પર વાસ્તવનાં કાળાં ધાબાં

(ડિજિટલ સાપ્તાહિક 'નિરીક્ષક')
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નવી શિક્ષણનીતિ વિશેના દસ્તાવેજની ઠીક ઠીક ચર્ચા થઈ. તેમાં બે સૂર સર્વસામાન્ય કહી શકાય એવા હતાઃ કેટલાંક પગલાં ખરેખર અમલી બને તો વર્તમાન સ્થિતિમાં ખાસ્સો સુધારો થાય. જેમ કે, ઔપચારિક શિક્ષણની શરૂઆત  પહેલા ધોરણથી નહીં, પણ ત્યાર પહેલાંના જુનિયર-સિનિયર કે.જી.થી કરવી, શક્ય હોય ત્યાં સુધી પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું, વિદ્યાર્થીને કોઈ એક વિદ્યાશાખાના વિષયોમાં બાંધી રાખવાને બદલે, તેને વિવિધ વિષયોમાંથી રુચિ પ્રમાણે વ્યાપક પસંદગીની તક આપવી, પરીક્ષાની ઔપચારિકતા અને તેના વધુ પડતા મહત્ત્વને બદલે કૌશલ્ય-કેન્દ્રી શિક્ષણ પર ભાર આપવો, જેથી તે ભણીને બહાર પડે ત્યારે શિક્ષિત બેકારની નહીં, પણ પોતાના પગ પર ઊભા રહી શકતા નાગરિકની ગણતરીમાં આવે...

આ બધું સાકાર થાય તેવું કોણ ન ઇચ્છે? પરંતુ શિક્ષણ જેવી અત્યંત પાયાની, અટપટી અને દેશવ્યાપી વ્યવસ્થામાં હાલ જે પ્રકારની સુઆાયોજિત અરાજકતાનું વાતાવરણ છે, તે જોતાં નવી શિક્ષણનીતિની વાતો બિલાડીના ગળે ઘંટ બાંધવા મળેલી ઉંદરસભા જેવી લાગે છે. નવી શિક્ષણનીતિને લગતા દસ્તાવેજથી એટલું સમજાય છે કે દસ્તાવેજ તૈયાર કરનાર સમિતિની વિચારવાની દિશા બરાબર છે. પરંતુ શિક્ષણ વિશે ધોરણસરની સમજ ધરાવનાર કોઈને પણ વિચારવાનું કહેવામાં આવે, તો તે પણ લગભગ આવું જ વિચારે. ખરો સવાલ એ વિચારના અમલીકરણ માટેની દાનતનો અને તેની સામે ઊભેલા વાસ્તવિક પડકારોનો છે.

શૈક્ષણિક સજ્જતાને ઉવેખીને પક્ષીય-વિચારાધારાકીય વફાદારી ધરાવતા લોકોની શૈક્ષણિક નિમણૂકોથી માંડીને શિક્ષણના વેપારીકરણ (ખાનગીકરણ નહીં, વેપારીકરણ) અંગે સરકારની ઉદાસીનતા બલકે એ ધંધામાં રાજનેતાઓનું મેળાપીપણું સુધારાના રસ્તામાં ઊભેલો મસમોટો પહાડ છે. બૌદ્ધિકતા અને વિદ્વત્તા સાથે આડવેર વર્તમાન સરકારની બીજી તાસીર છે. તેને બધું ‘જ્ઞાન’ પોતાના કથિત રાષ્ટ્રવાદી એટલે કે એક તરફ કોમવાદના, તો બીજી તરફ સંકુચિત સંસ્કૃતિગૌરવના ઢાંચામાં જ ખપે છે. ત્રીજું, પરદેશનાં મૉડેલ યોગ્ય સમજ, દાનત અને સુવિધા વિના લઈ આવવાથી શું થાય છે, તેની સમજ સૅમેસ્ટર પ્રથાના ધબડકાથી પડી જવી જોઈએ. ‘પ્રાથમિક શિક્ષણ બને ત્યાં સુધી માતૃભાષામાં’ –એ વાતે ફરી અંગ્રેજી વિ. માતૃભાષાની (મૂળ મુદ્દો ચૂકતી) તકરાર અને દક્ષિણનાં રાજ્યો પર હિંદી લાદવાની આશંકા તાજી કરી છે. એ વિશે વિગતે ચર્ચા પછીના અંકોમાં. પણ મેલી મથરાવટી માટે સાચી રીતે પંકાયેલી સરકાર પાસેથી આવેલો શિક્ષણનો સ્વપ્નિલ દસ્તાવેજ, ઉઠી ગયેલી બૅન્કે લખેલા તોતિંગ રકમના ચેક જેવો વધુ લાગે છે.

Tuesday, August 06, 2019

શિક્ષણનીતિઃ કેન્સરના દર્દીને તાવની દવા

‘આજકલકી પઢાઈમેં રખ્ખા હી ક્યા હૈ?’ એ સવાલ-કમ-નિઃસાસો આજકાલનો નથી. નિર્દેશક તરીકે રાજ કપૂરની પહેલી ફિલ્મ 'આગ’ (૧૯૪૮)માં નાયક આ સંવાદ બોલે છે. ત્યાર પહેલાંનાં પુસ્તકો-સંભારણાંમાં પણ તે વખતની શિક્ષણપદ્ધતિ વિશે અસંતોષ વ્યક્ત થયેલો જોવા મળે છે. એટલે,  પત્રકારત્વની જેમ શિક્ષણક્ષેત્રે પણ કદી સતયુગ હતો જ નહીં, એવી પાકી શંકા જાય. પછી મનુભાઈ પંચોળી 'દર્શક’ પણ યાદ આવે, જેમણે એ મતલબનું કહ્યું હતું કે કોઈ એક સમયમાં બધું સારું જ હોય એવું કદી બનતું નથી.  જે સમયમાં માણસમાં રહેલાં અપલક્ષણને નહીં, તેનામાં રહેલા સારા ગુણને સમાજ તરફથી પ્રોત્સાહન, પ્રાધાન્ય કે સ્વીકૃતિ મળતાં હોય તે સતયુગ.

શિક્ષણપદ્ધતિ વિશે પહેલાં ભલે સતયુગ ન હોય. પણ સ્થિતિ ઉત્તરોત્તર બગડતી ગઈ અને છેલ્લા દોઢ-બે દાયકામાં તે એટલી સડી ગઈ છે કે ફુલગુલાબી શિક્ષણનીતિની ગમે તેવી સુગંધીદાર વાતો  તે દુર્ગંધને ઢાંકી શકે તેમ નથી. સરકારોનો મુખ્ય રસ સડો ને તેનાં કારણ દૂર કરવામાં નહીં, પ્રચારની આક્રમક સુગંધથી અસલી દુર્ગંધને ઢાંકી દેવામાં હોય છે. તેથી મોટાં નામ ને મોટાં માથાંને આગળ રાખીને નીતિ ઘડાય છે, તેના વિશે ચર્ચાઓ થાય છે, તેમાં રહેલા ભવ્ય ઇરાદા વિશેનાં વખાણ ઉઘરાવાય છે, પણ આખી પ્રક્રિયા દરમિયાન વર્તમાન સ્થિતિ આણવામાં સરકારી વલણની ભૂમિકા કેટલી મોટી છે, તે વિશે સૌએ મૌન સેવવાનું હોય છે. સો ઉંદર મારીને બેઠેલી બિલાડી હજ કરવાનો ઇરાદો જાહેર કરે એટલા માત્રથી જ લાગતાવળગતા સૌએ પ્રભાવિત થવું પડે છે. તેની વાહવાહમાં ભળવાને બદલે, બિલાડીની ગુનાઇત વર્તણૂંક અને દાનતની ખોટની વાત કરનારાને 'નકારાત્મક’થી માંડીને 'પ્રગતિવિરોધી’ અને ‘દેશવિરોધી’ સુધીનાં કોઈ પણ લેબલ લાગી શકે છે. કેમ કે, અત્યારે 'ઇન્દિરા ઇઝ ઇન્ડિયા'ની નામની ભારતે જોયેલી હોરર ફિલ્મનો બીજો ભાગ દેશભરમાં ચાલી રહ્યો છે.

'શિક્ષણનીતિ' બહુ મોટો શબ્દ છે અને શિક્ષણપદ્ધતિનું આખું શાસ્ત્ર હોય છે. તેનાથી પહેલાંનાં પગથીયે કેટલીક સાદીસીધી વાતો અને આસપાસ જોવા મળતી સમસ્યાઓ આવે છે. તે ખુલ્લી આંખે જોઈ શકાય છે અને દાનત હોય તો તેના લાંબા ગાળાના ઉકેલ પણ શોધી શકાય છે. નવી કે જૂની, શિક્ષણનીતિની વાત તો પછી આવે, પહેલો સવાલ અને પહેલી ખોટ સાદી નીતિની જણાય છે.

ગુજરાતની વાત કરીએ તો, શિક્ષણની બાબતમાં આપણે દેશને શું બતાવી શકીએ એમ છીએ? સરકારી રાહે શોષણનો ભોગ બનેલા વિદ્યાસહાયકો? કન્યાકેળવણીના નામે ચાલતી પ્રચારઝુંબેશો? પ્રવેશોત્સવના નામે ચાલતા પ્રચારકેન્દ્રી તાયફા?  સરકારી નિશાળોના ભોગે ફૂલતીફાલતી અને ગુણવત્તા સાથે નહાવા-નીચોવવાનો સંબંધ ન ધરાવતી શિક્ષણની દુકાનો? શિક્ષણનો બેફામ ફુગાવો અને ડિગ્રીધારીઓનો રોજગાર મેળવવાની ક્ષમતાનો અભાવ? આ યાદી હજુ ઘણી લંબાવી શકાય.

મુખ્ય મંત્રીસહાયક અને વડાપ્રધાનસહાયક સ્વીકાર્ય બનતા હોય, તો વિદ્યા-સહાયક ને અધ્યાપક-સહાયક વિશે વિચારી શકાય. પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા પર ઘાતક અસર કરતા વિકૃત વિચારોમાં આ સહાયકપ્રથાને પહેલી હરોળમાં મૂકવી પડે. જે શિક્ષક કે અધ્યાપક પોતાના બે છેડા ભેગા ન કરી શકતો હોય, તેના માથે ગુજરાતની આવતી કાલની પેઢીને તૈયાર કરવાની જવાબદારી નાખવામાં સરકારના પક્ષે કોઈ પ્રકારની પ્રામાણિક ભૂલ નથી, ગુનાઈત નઘરોળપણું છે અને તેનાં માઠાં પરિણામો ખાતરીપૂર્વક જોઈ લીધા પછી પણ એ ભૂલ ન સુધારવી એ અક્ષમ્ય અપરાધ છે, જેમાં સંબંધિત સરકારો અપરાધી છે ને ગુજરાતના નાગરિકો તેનો ભોગ બનનાર. ખરી વક્રતા એ વાતની છે કે પ્રસિદ્ધિમાં કરોડો રૂપિયા ઠંડા કલેજે વેડફી નાખતી અને તેનો કશો ખટકો નહીં અનુભવતી સરકારો શિક્ષકોની નિમણૂંકમાં કરકસર કરે છે ને સહાયકોની ભરતી કરીને રૂપિયા બચાવે છે. એ જ લોકોને પાછાં ગુજરાતની સમૃદ્ધિનાં ગુણગાન ગાતી વખતે જરાય શરમ નથી આવતી.

ભારતમાં સરકારી તંત્રની અને બાબુશાહીની તાસીરથી કંટાળેલા લોકોને લાગ્યું કે સરકારીકરણની સમસ્યાઓનો ઉપાય ખાનગીકરણથી આવશે. પણ ખાનગીકરણ અને બજારુકરણ વચ્ચેની ભેદરેખા સદંતર નજરઅંદાજ કરવામાં આવી. નવો રિવાજ એવો આવ્યો કે તોતિંગ ફી લેવાની. એટલે આપોઆપ ગુણવત્તા સારી ગણાઈ જાય. કેમ? કારણ કે 'આટલી બધી ફી લે છે, તો કંઈક તો હશે ને?’ રાજકીય નેતાઓના આશીર્વાદથી જ નહીં, ઘણી વાર તો તેમની સીધી કે આડકતરી સામેલગીરીથી શિક્ષણ એવો ધંધો બની ગયું, જેમાં બિલ્ડરોથી માંડીને બીજા તોતિંગ કોર્પોરેટ જૂથોને પણ ઝંપલાવવાનું મન થાય. 

એક સમયે વ્યાપક નેટવર્ક અને મોટી વિદ્યાર્થીસંખ્યા ધરાવતી સરકારી નિશાળો સાથે એવો સાવકો વ્યવહાર કરવામાં આવ્યો કે તે મરવા પડે. કાર્યપદ્ધતિ બહુ સાદી અને ઘાતક હતીઃ સરકારી સેવાઓને એટલી કથળાવી દેવી કે લોકોની ફરિયાદનો પાર ન રહે. પછી લોકોની ફરિયાદનું નિરાકરણ કરવા માટે ખાનગી કંપનીને તૈયાર ભાણું ધરી દેવું. વળતા વ્યવહારે ખાનગી કંપનીઓ  તેમના મદદગારોનું તરભાણું કેવી રીતે ભરતી હશે, તે કલ્પી શકાય છે. આ પદ્ધતિ ટેલીકોમ જેવાં બીજાં કેટલાંક ક્ષેત્રોની જેમ શિક્ષણક્ષેત્રે પણ ક્યારની અમલી બની ચૂકી છે.

બીજી તરફ, જે વિષયની કોલેજ પણ ન હોય તેવા વિષયની યુનિવર્સિટીઓ સરકારી રાહે ધડાધડ ખોલી નાખવામાં આવી. મૂળ હેતું ઝાકઝમાળભર્યા પ્રચાર દ્વારા લોકોને આંજીને માઇલેજ ખાટી જવાનો હોય, ત્યાં કહેવાતી યુનિવર્સિટીઓમાં કેવું ને કેટલું કામ થયું, તેની પિંજણમાં કોણ પડે?  અને ભારતની યુનિવર્સિટીઓનું વૈશ્વિક સ્તરે ભાગ્યે જ ક્યાંય દેખાવું, એ તો હવે કોઠે પડી ગયેલી કરુણતા છે.

ટૂંકમાં, શિક્ષણનીતિનું જે થવું હોય તે થાય, સૌથી પહેલાં સરકારે પોતાની સાફ દાનત દેખાડવાની જરૂર છે. તે માટે શિક્ષણના બેફામ અને બેજવાબદાર ધંધાદારીકરણને અટકાવવું પડે. તેના માટે કયો પક્ષ, કેટલા નેતા તૈયાર થશે? બાળપણથી બાર ધોરણ સુધીના શિક્ષણની સરેરાશ ગુણવત્તા ખાડે ગઈ છે, એવું કહેવામાં ખાડાનું અપમાન થાય એમ છે. તેને સુધારવા માટે બારીક સ્તરના સુધારાની બેશક જરૂર છે, તેમાં નવા સમયના અભિગમો દાખલ કરવાનો પૂરો અવકાશ છે. પરંતુ એ તો કેન્સરના દર્દીને તાવ આવે ત્યારે તેના તાવની દવા કરવા જેવું છે.  શિક્ષણક્ષેત્રે રાજકારણની દખલગીરી, સાંઠગાંઠ અને ધંધાદારીકરણથી જે ગંભીર સમસ્યાઓ પેદા થઈ અને વકરી છે, તેનાં મૂળ દરદની દવા જરૂરી છે. બાકી, ઠોઠ નિશાળીયો ઉત્તરવહીમાં જાતજાતના રંગથી ગમે તેટલાં ચિતરામણ કરે,  પણ તેનો જવાબ જ ખોટો હોય ત્યારે સુશોભનના કેટલા માર્ક આપી શકાય? વિચારજો. 

Sunday, April 28, 2019

નડિયાદની મહિલા આર્ટ્સ કૉલેજની વિદ્યાર્થીનીઓનો કાર્યક્રમ : વો જલવા ચુરાનેકો જી ચાહતા હૈ

સંગીત અમસ્તું પણ મને ભાવાર્દ્ર કરે છે. ગમતાં ગીત સાંભળતાં અનાયાસ આંખ ભીની થઈ જાય કે અમુક ગીત બસો-ત્રણસોમી વાર સાંભળવા છતાં પહેલી વાર સાંભળતો હોઉં એમ રુંવાડાં ઊભાં થઈ જાય એવું બને છે. પરંતુ ગઈ કાલના એક કાર્યક્રમમાં ભાવવશ થવાનું કારણ કેવળ સંગીત ન હતું. કાર્યક્રમ હતો પરમ મિત્ર હસિત મહેતા જ્યાં આચાર્ય છે, જે નડીયાદની સૂરજબા આર્ટ્સ કૉલેજના વાર્ષિકોત્સવનો. તેમાં વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ શાસ્ત્રીય સંગીત પર આધારિત ફિલ્મી ગીતો ગાવાની હતી.

આમ તો, એમાં શી નવાઈ? કૉલેજની ટૅલેન્ટ ઇવનિંગનો એક જમાનો હતો. હવે તો ફિલ્મી સંગીતને લગતા લાઇવ કાર્યક્રમો પણ કેટલા બધા યોજાય છે. વૉઇસ ઑફ ફલાણી ને વૉઇસ ઑફ ઢીકણાથી કાર્યક્રમોનું જગત છલકાય છે. 'ગ્રામોફોન ક્લબ' જેવી પ્રતિષ્ઠિત અને ફિલ્મ સંગીતની રજૂઆતનાં ઉચ્ચ ધોરણો સ્થાપનારી સંસ્થાઓથી માંડીને બીજી ઘણી ક્લબો પોતપોતાની રીતે સંગીતને લગતા કાર્યક્રમો કરે છે અને એ સિવાય પણ બીજું ઘણું. છતાં, મોટે ભાગે આવા કાર્યક્રમોમાં મહિલા સ્વરોના અને ઘણી વાર તો બધા સ્વરના બહુ વાંધા હોય છે. તેમાં ચીસાચીસથી લઈને શરદીગ્રસ્ત સુધીની રેન્જ હોય છે. એ બધાનું સામાન્ય લક્ષણ એ કે તે કાનમાં પ્રવેશે એ સાથે જ કાન પર અત્યાચાર થતો હોય એવું લાગે.

આ વાત થઈ ઘણાખરા ટિકિટ શો કે સભ્યપદ ધરાવતા શોની. તેની સરખામણીમાં, નડિયાદ જેવા પ્રમાણમાં નગર કહેવાય એવા શહેરની, પાછી આર્ટ્સ કૉલેજ અને એ પણ ફૅશનેબલ કૉલેજ રોડ પર ન હોય એવી કૉલેજ—અને તેના વાર્ષિકોત્સવમાં દમદાર અવાજો સાંભળવા મળે ત્યારે બેવડો-ત્રેવડો આનંદ થાય.
હસિત મહેતાથી પરિચિત હોય એવા સજ્જનો અને બીજાઓ જાણતા હશે કે એ અનેકવિધ પ્રવૃત્તિઓ એકસરખી ઝીણવટ, બારીકાઈ, આયોજન અને ગુણવત્તા સાથે કરે છે.  તેમની પ્રવૃત્તિનાં વિવિધ ક્ષેત્રો આશ્ચર્ય ઉપજાવે એટલી હદે જુદાં છે (સમજુલક્ષ્મી પ્રસુતિગૃહ, ડાહીલક્ષ્મી લાયબ્રેરી, સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજ, અમૃત મોદી પત્રકારત્વની કૉલેજ, ઇન્ટીરીયર ડીઝાઇનની કૉલેજ અને બીજું ઘણું.) અધ્યાપક તરીકે મળતા આસમાની પગારનું પૂરેપૂરું નહીં, તેથી પણ વધારે વળતર સમાજને આપતા અપવાદરૂપ અધ્યાપકની ટૂંકી નાતમાં તેમનો સમાવેશ કરી શકાય.

તેમના આયોજન વિશે પુસ્તક લખવાનું થાય તો What they don’t teach you at IIM જેવું કોઈ મથાળું હું રાખું. ગઈ કાલના કાર્યક્રમમાં પણ તેનો પૂરતો પરચો જોવા મળ્યો. સૂત્રધાર તરીકે એક ભાઈ હતા, જે મંચ પર દેખાતા ન હતા. મુખ્ય એવા ગીતસંગીતના કાર્યક્રમનો સંપૂર્ણ દોર વિદ્યાર્થીનીઓના હાથમાં હતો. દરેક ગીત શરૂ થતાં પહેલાં એક જુદી વિદ્યાર્થીની આવે, રાગ વિશે બે વાત પોતાના અંદાજમાં વાંચે અને પછી ગીત ગાનાર આવે. સ્ટેજ પર આવનાર દરેક વિદ્યાર્થીનીનાં નામ પાછળ મૂકેલા બે મોટા ડિજિટલ સ્ક્રીન પર આવતાં રહે. એવી જ રીતે, ગીત શરૂ થતી વખતે અને વચ્ચે એક-બે વાર ગીતની વિગતો ઉપરાંત ગાનારનું નામ પણ આવતું રહે. વચ્ચે વચ્ચે એક રાગનાં ત્રણ-ચાર-પાંચ ગીતોની મૅડલી આવે, એટલે તરત રાગના બંધારણ વિશે મારા જેવા રાગ નહીં જાણનારાને પણ બત્તી થાય.

કૉલેજનો વાર્ષિકોત્સવ એટલે અનિવાર્ય ઔપચારિકતા તો હોય, પણ તેને અલગથી હથોડાની જેમ માથે મારવાને બદલે કાર્યક્રમની માળામાં વચ્ચે પરોવી લેવાઈ.  મુખ્ય અતિથીઓ શરૂઆતમાં સ્ટેજ પર ગયા, દીપપ્રાગટ્ય કર્યું ને પાછા આવીને બેસી ગયા. બે-ત્રણ ગીતો થાય એટલે કૉલેજની સિદ્ધિવંત વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવે. એ બધું સ્ટેજની નીચે જ. પહેલી હરોળમાં બેઠેલા અતિથિઓ નીચેથી જ આ કાર્યક્રમ પતાવે એટલે ગરીમાપૂર્ણ રીતે છતાં ટૂંકમાં પતે અને રસક્ષતિ થાય તે પહેલાં તો ગીત શરૂ થઈ જાય.

આટલી ઔપચારિકતા જરૂરી એટલા માટે હતી કે વિદ્યાર્થીનીઓની સિદ્ધિઓ સાધારણ ન હતી. આ કૉલેજમાં જે પ્રકારના સામાજિક-આર્થિક સંજોગોમાંથી યુવતીઓ ભણવા આવે છે, તેને ધ્યાનમાં રાખતાં તો એ મહાસિદ્ધિ લાગે. કોઈ યુવતી કબડ્ડીની ભારતીય ટીમમાં પસંદગી પામીને શ્રીલંકા રમી આવી હોય, કેટલીય યુવતીઓ રાષ્ટ્રીય ટીમમાં હોય, યુનિવર્સિટીની શૈક્ષણિક સિદ્ધિઓમાં પણ તે આગળ હોય...બે પ્રજ્ઞાચક્ષુ યુવતીઓએ ગીત ગાયાં. બે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ જમાવટ કરી. બીજી પણ વિદ્યાર્થીનીઓ હતી. મોટા ભાગની વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના કંઠમાં ગજબની કશીશ હતી.  લતા મંગેશકરનું કે બીજી કોઈ ગાયિકાનું અનુકરણ કરવાને બદલે, પોતાના અવાજમાં તે ગાતી હતી અને એ અવાજ દમદાર હતો. એટલે જે ગીતો મૂળભૂત રીતે મારી પસંદગીની યાદીમાં ન આવતાં હોય, એવાં પણ તેમના અવાજમાં સાંભળવાં ગમ્યાં.

'નિગાહેં મિલાનેકો જી ચાહતા હૈ’ જેવી રોશનની કવ્વાલીથી શરૂઆત થાય, ‘કૂહુ કૂહુ બોલે કોયલિયા’ના બે અંતરા પણ ગવાય, ‘કભી કભી’ પણ હોય ને ‘એક લડકીકો દેખા તો ઐસા લગા’ હોય ને 'રામલીલા'નું એક ગીત પણ હોય. પુરુષ ગાયકોનાં ગીતો પણ છોકરીઓ તબિયતથી ગાય, સૂરમાં ગાય અને સાંભળવાની મઝા આવે. એ મઝામાં નડિયાદનું કે ભાઈબંધીનું કે બીજું એકેય ડિસ્કાઉન્ટ આપવાની જરૂર ન પડે. સ્વતંત્ર રીતે જ મઝા આવે.

આવો એક કાર્યક્રમ આટલી સફળતાપૂર્વક પાર પાડવાનું કેટલું અઘરું છે, એ તો આવા કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકો જ કલ્પી શકે. અને એ સફળ કેમ થાય જ, એ હસિત મહેતા સાથે સંકળાયેલા લોકો સમજી શકે. એ ટફ ટાસ્ક માસ્ટર છે. ('ટફ'નું ગુજરાતી કડક અથવા આગ્રહી કરી શકાય.) તે કામ સોંપે એટલે કરનારને પૂરતી મદદ કરે, પણ જંપવા ન દે. ધાર્યું કરાવીને છોડે. પ્રક્રિયા વખતે સામેવાળો કચવાય, મુંઝાય, ક્યારેક ખિજાય, પણ છેવટનું પરિણામ જોયા પછી તેને પ્રક્રિયાની અનિવાર્યતા સમજાય અને હસિત મહેતાના હોવાનું મહત્ત્વ પણ.

બીજી વાત તે કાર્યક્રમના હેતુની. આખા કાર્યક્રમના કેન્દ્રસ્થાને વિદ્યાર્થીનીઓ હતી. તેમની પ્રતિભા આગળ આવે, સંકોચ દૂર થાય, એ તેનો આશય હતો. વ્યાવસાયિક ફ્લડલાઇટો આણીને આંજી દેવાને બદલે ઘરદીવડીઓનો મીઠા ઉજાસ બતાવવાનો આ ઉપક્રમ આયોજનપક્ષે ગજબની અને હવે તો નામશેષ બની ચૂકેલી સ્પષ્ટતા માગી લે એવો હતો. હસિત મહેતા માટે જોકે એ નવું નથી.
કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામને ખૂબ અભિનંદન.
***

આ કૉલેજ અને તેના અધ્યાપકો હસિત મહેતાના માર્ગદર્શન-મદદ-આયોજન સાથે બીજું અનોખું કામ કરે છે તે આજુબાજુનાં લગભગ દોઢસો ગામની, કોઈ પણ કારણસર અભ્યાસ અધૂરો મૂકી દીધો હોય એવી વિદ્યાર્થીનીઓને કૉલેજમાં ભણતી કરવાનું. તે આખી પ્રક્રિયા અલગ વિષય છે. તેના વિશે બીરેને લખેલી પુસ્તિકા સાર્થક પ્રકાશને બહુ હોંશથી પ્રકાશિત કરી હતી. હમણાં તેની બીજી આવૃત્તિ થઈ. એ પુસ્તિકા આ લિન્ક પરથી મેળવી શકાય છે.

Friday, November 02, 2018

રામચંદ્ર ગુહા અને અમદાવાદ યુનિવર્સિટી : એ દેશની ખાજો દયા...

રામચંદ્ર ગુહા/ Ramchandra Guha હવે અમદાવાદ યુનિવર્સિટીની વિન્ટર સ્કૂલના ગાંધીકેન્દ્રમાં જોડાવાના નથી. ગઈ કાલે તેમણે ટ્વીટ કર્યું અને આજે અખબારોમાં સમાચાર છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રામચંદ્ર ગુહા પર અવનવા આરોપ મૂકીને અમદાવાદ યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો અને તેમની નિમણૂંક તત્કાળ કેન્સલ કરવા અનુરોધ કર્યો. એવું નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ધમકી પણ આપી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો આખો પત્ર અહીં મૂકું છું.  તેમની દલીલો કેટલી વાહિયાત છે અને આવા લોકો દેશનું, દેશની અખંડિતતાનું કે દેશની સંસ્કૃતિનું રક્ષણ કરવાના હોય, તો દેશને કેમ અલગથી દુશ્મનોની જરૂર નહીં પડે, તે આ પત્ર વાંચીને સમજાઈ જશે.

આ કહેવાતી વિદ્યાર્થી પરિષદની સમજનો અંદાજ તેની પરથી આવી જશે કે રામચંદ્ર ગુહા માટે તે 'કહેવાતા ઇતિહાસકાર' જેવો શબ્દપ્રયોગ કરે છે. આખા પત્રમાં 'મેકર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા'માંથી બે-ચાર વસ્તુઓ કાઢીને, ચાર-પાંચ લેખો ને ટ્વીટ ને એવું બધું જોડીને આ વિદ્યાર્થી પરિષદ ગુહાને કેવા ખલનાયક ચીતરે છે, એ તેમની માનસિક રુગ્ણતાના અંદાજ તરીકે જોવા જેવું છે. ગુહાનાં બીજાં અનેક પુસ્તકોનો કે તેમની સ્કોલરશિપનો સ્વાભાવિક રીતે જ કશો ઉલ્લેખ નથી.

વિદ્યાર્થી પરિષદ તો જે છે તે છે, પણ અમદાવાદ યુનિવર્સિટીથી માંડીને બીજા બધા (આ પત્રની નકલ જેમને મોકલવામાં આવી છે તે મહાનુભાવો સહિતના) લોકો આવી વાહિયાત ધમકીઓને તાબે થઈ જાય અથવા તેને સાંખી લે, ત્યારે મકરંદ દવેએ અનુદિત કરેલી ખલીલ જિબ્રાનની પંક્તિઓ જ યાદ આવે...એ દેશની ખાજો દયા...
નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!

જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.




Tuesday, January 10, 2017

આપણે શું પેદા કરીશું? નોબેલ-સહાયકો?

વિદ્યાસહાયકો’ની ભૂમિ એવા ગુજરાતમાં નવ-નવ નોબેલ સન્માનિતો આવવાના સમાચાર બેવડી લાગણી જગાડે છે. પહેલી તો, સ્વાભાવિક રીતે જ આનંદની અને ‘આવા મહેમાન આપણે આંગણે ક્યાંથી?’ની. અર્થશાસ્ત્રનાં (અને શાંતિ માટેનાં) નોબેલ સન્માન વિવાદાસ્પદ હોઈ શકે છે, પણ ગુજરાતની મુલાકાતે આવેલા મહાનુભાવો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને તબીબીશાસ્ત્ર જેવા નક્કર વિજ્ઞાનક્ષેત્રના શોધકો છે. સત્તાવાર નિવેદનમાં એવું કહેવાયું છે કે નવ નોબેલ-સન્માનિતો પહેલી વાર આ રીતે કોઈ દેશમાં કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

અભિભૂત થવા માટે અને ગુજરાતી તરીકેના ગૌરવથી છાતી ફુલાવી દેવા માટે આટલું પૂરતું નથી?  એના જવાબનો આધાર વાસ્તવિકતા સાથેના તમારા સંબંધ પર છે. એક સમૂહ ગૌરવતરસ્યો-ગૌરવઘેલો છે. તે ગુજરાતમાં દસ વર્ષ (એકંદરે) નિયમિત વરસાદ આવે, તો એ બદલ પણ ગૌરવ અનુભવી શકે છે અને વરસાદ આવતાં પહેલાં, આયોજનના અભાવને કારણે જીવ કેવા તાળવે ચોંટ્યા હતા, તે સહેલાઈથી ભૂલી જાય છે. આ વર્ગની આંખો ઝાકઝમાળ અને રોશનીથી એવી ટેવાઈ ગઈ છે કે કુદરતી પ્રકાશ તેમનાથી ખમાતો નથી. ગુજરાતના ગૌરવનો-ગુજરાતની અસ્મિતાનો તેમનો ખ્યાલ સદંતર સરકારી છે. આ સમૂહ ગુજરાત અને ગુજરાત સરકારને એક માને છે. ‘ગુજરાત એટલે ગુજરાતના લોકો’ એવું સમીકરણ કોઈ તેમને યાદ કરાવે તો તેમને વાંધા પડે છે. ‘ગુજરાત એટલે ગુજરાતના લોકો’ એવું કહેનાર ‘ગુજરાતવિરોધી’માં ગણાઈ જાય, એ ગુજરાતની સરકાર-સ્પોન્સર્ડ અસ્મિતાએ ફેલાવેલું પ્રદૂષણ છે - અને એ બાબતમાં સરકારની સફળતા નોંધપાત્ર છે.

કાશ, એવી સફળતા સરકારને શિક્ષણક્ષેત્રે નક્કર કામગીરી કરવામાં મળી હોત - અથવા જેટલી મહેનત - આવડત આભાસ ઉભો કરવામાં વાપરી, તેટલી ખરેખર કામ કરવામાં વાપરી હોત, તો ગુજરાતનો ઉદ્ધાર થઈ ગયો હોત. પરંતુ ગુજરાતના શિક્ષણની સ્થિતિ સૌ જાણે છે. એ જુદી વાત છે કે બધા એ વિશે બૂમો પાડતા હોવા છતાં અને તેનાથી સીધી કે આડકતરી રીતે પીડિત હોવા છતાં, તેમાં સરકારની સીધી અને ઉઘાડી જવાબદારીની વાત થતી નથી. શિક્ષણના નામે સરકાર કાર્યક્રમબાજીમાં પડી જાય, અવનવા ઉત્સવો અને પ્રોજેક્ટના આંકડાના ખડકલા કરે, પણ જમીની પરિણામ? વ્યક્તિગત રીતે જાણવું હોય તો વાલીઓને પૂછવું અને વ્યાપક રીતે જોવું હોય, તો ‘પ્રથમ’ જેવી સંસ્થાના શિક્ષણની ગુણવત્તા સૂચવતા વાર્ષિક અહેવાલ જોવા.

નવ નોબેલ સન્માનિતોને એક સાથે બોલાવીને છાકો પાડી દેવા માગતી ગુજરાત સરકારે રાજ્યનું શિક્ષણ વર્ષોથી વિદ્યાસહાયકો-અધ્યાપકસહાયકોના હવાલે કર્યું છે. રૂપાળાં નામ ધરાવતા આ હોદ્દા સરકારી રાહે પાંચ વર્ષ સુધી થતા સત્તાવાર શોષણનો પર્યાય છે. વાઇબ્રન્ટ જેવા ઓચ્છવોમાં કરોડોનાં આંધણ કરતી અને દુનિયાભરમાં પોતાની આર્થિક આગેકૂચના ડંકા વગાડાવતી ગુજરાત સરકાર પાસે પોતાની ભાવિ પેઢી તૈયાર કરવા માટેના રૂપિયા નથી. નોબેલ સન્માનિતોનું એક સેશન સરકારી શોષણનો ભોગ બનેલા વિદ્યાસહાયકો-અધ્યાપકસહાયકો સાથે પણ ન થવું જોઈએ જેથી તેમને ખબર પડે કે તેમણે ક્યાં અને કોને પ્રેરણા આપવાની છે. મેડિકલ ક્ષેત્રે નોબેલ સન્માન મેળવનારને કોઈ એ પણ કહેજો કે તમે અમુક કૉલેજમાં અમુક ગેંગના સાહેબોની સામે પડીને પાસ તો થઈ બતાવો - નોબેલ તો બહુ દૂરની વાત છે.

જશ લેવા માટે દોડી પડતી સરકારની મૂળભૂત પ્રકૃતિ જૂઠું બોલવાની હોય છે. શિક્ષણ એક એવું ક્ષેત્ર છે, જેમાં સરકાર ગમે તેટલાં જૂઠાણાં ચલાવે, પણ નાગરિકો અસલિયત જાણતા હોય છે. કારણ કે, શાળામાં ભણતાં બાળકો, તેમાં કામ કરતા કર્મચારીઓ-શિક્ષકો-અધ્યાપકો વ્યાપક નાગરિક સમુદાયમાંથી આવે છે. છતાં, આ સૌ કોઈ શિક્ષણક્ષેત્રની પોતાની મુશ્કેલીઓ માટે સરકારનો કાન પકડવા જેટલાં સંગઠિત કે અસરકારક બની શકતાં નથી.

સિલિકોન વેલીમાં દબદબો ધરાવતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલોજી (આઈ.આઈ.ટી.)ના એન્જિનિયરોની આખી પેઢીમાંથી ઘણાનાં પ્રાથમિક ભણતર સરકારી-મ્યુનિસિપાલિટીની નિશાળોમાં થયાં હતાં. કોઈ પણ દેશના સાચા વિકાસ અને સાચી પ્રગતિ માટે તેની જાહેર નિશાળો અને જાહેર આરોગ્યની વ્યવસ્થાની ‘તબિયત’ તપાસવી પડે. ગુજરાતમાં સરકારી નિશાળોની ઉડી ગયેલા બલ્બ જેવી હાલત કરવામાં સરકાર સિવાય બીજા કોને જવાબદાર ઠેરવી શકાય? શોપિંગ સેન્ટરની જેમ અને ઘણી જગ્યાએ તો ખરેખર શોપિંગ સેન્ટરોમાં ખૂલી ગયેલી શાળાઓ શું સરકારની મંજૂરી વિના ચાલે છે? અને એવી શાળાઓ માટે જવાબદારી કોની? તોતિંગ ફી લેતી ખાનગી નિશાળોમાં સંચાલકો દ્વારા થતું શિક્ષકોનું શોષણ અને પૂરતી લાયકાત વગરના શિક્ષકો - આવાં બધાં પાપ નોબેલસન્માનિતો આવ્યાના રાજીપામાં ભૂંસી નાખવાનાં?

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આચાર્યો અને અધ્યાપકોની અઢળક જગ્યાઓ ખાલી છે. છઠ્ઠા પગારપંચનો તોતિંગ પગાર લેનારા અધ્યાપકોમાંથી ઘણા કામચોરી કરે છે અને અધ્યાપકસહાયક તરીકે પાંચ વર્ષ સુધી મામૂલી પગારે રખાયેલો જણ તૂટી મરે છે. ખાનગી કૉલેજોમાં ચાલતી શોષણખોરી અને ગેરરીતિઓ, માફિયાનાં રાજ અને ટોળકીઓનાં શાસનમાં પહેલો ભોગ શિક્ષણની ગુણવત્તાનો લેવાય છે. કૉલેજના આચાર્યો કે વિભાગીય વડાઓને સંચાલકો આગળ લળી પડતા કે તેમની દાઢીમાં હાથ નહીં, પોતાનું આખેઆખું અસ્તિત્ત્વ સમાવી દેતા જોઈને હસવું કે રડવું એ સમજાતું નથી. એક સમયે સારા અધ્યાપકો અને સારી ગુણવત્તા ધરાવતી કેટલીક યુનિવર્સિટીઓની અવદશા માટે સરકારોને કેમ જવાબદાર ન ઠેરવવી? અને ‘આ સ્થિતિને સુધારવા માટે તમે શું કરવા ઇચ્છો છો? અથવા શું કર્યું?’ એવા સવાલ શિક્ષણમંત્રીને કે મુખ્યમંત્રીને કેમ ન પૂછવા?

પણ સવાલ પૂછવાનું બાજુ પર રહ્યું, નાગરિક તરીકે આપણે તેમના જૂઠા દાવા ને જૂઠાં બણગાં સાંભળી લઈએ છીએ. એટલે તેમને ફાવતું જડે છે. અવનવા ઉત્સવોના ઘોંઘાટમાં તે વાસ્તવિકતાનો - અસંતોષનો અવાજ દબાવી દે છે. એ તેમની સફળતા જેટલી જ નાગરિકસમાજની નિષ્ફળતા છે.

બૂંદ સે બિગડી, હૌજ સે નહીં આતી - એ કહેણી જૂની થઈ. બ્રાન્ડિંગ, પોઝિશનિંગ અને ઇમેજ બિલ્ડિંગના - ટૂંકમાં, જે જેવું નથી તેવું દેખાડવાના - આ યુગમાં દરેક પ્રકારનો સડો ઢાંકવા માટેના રેશમી ગાલીચા મોજૂદ છે અને એવી કોઈ દુર્ગંધ નથી, જે મોંઘાંદાટ અત્તરની સુગંધ તળે દબાઈ ન જાય. વાઇબ્રન્ટ ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે કુલ 157 એમઓયુ થવાના છે. હજારો કરોડ રૂપિયાનાં રોકાણની વાત છે. બરાબર છે. પણ જે થવાનું છે તેનાં ઢોલ વગાડવાથી વર્તમાન સ્થિતિની જવાબદારીમાંથી સરકારને છુટ્ટી મળી જતી નથી. એવી જ રીતે, નોબેલ સન્માનિતોની હાજરી અને તેમના મહિમાનો ઉપયોગ શિક્ષણક્ષેત્રની કરુણ-શરમજનક - કૌભાંડી વાસ્તવિકતાઓને, સરકારના ગેરવહીવટ - તેની નિષ્ફળતાઓને ઢાંકવા માટે ન થાય, એની કાળજી રાખવા જેવી છે.

Monday, August 29, 2016

ટાગોર-ક્ષિતિમોહન સેન જેવાને પ્રભાવિત કરનાર શિક્ષકઃ કરુણાશંકર ભટ્ટ

Karunashankar Bhatt / કરુણાશંકર ભટ્ટ
‘...ભાઇ કરૂણાશંકરને હું સારી રીતે ઓળખતો હતો. તે ગુજરાતનું રત્ન હતા. તેની સેવા અનુપમ હતી.’ - મો.ક.ગાંધીના જયશ્રીકૃષ્ણ (સેવાગ્રામ, ૧૦-૩-૪૫)

ઉપર મૂકેલા  ટૂંકા પત્રમાં ઘણી વિશિષ્ટતાઓ છે : પત્ર છેક ૧૯૪૫માં લખાયેલો હોવા છતાં તે ‘બાપુના આશીર્વાદ’ ને બદલે ‘મો.ક.ગાંધીના જયશ્રીકૃષ્ણ’થી પૂરો થાય છે. તે બે વર્ષ પહેલાંની ગાંધીજયંતિ (૨ ઓક્ટોબર, ૧૯૪૩)ના રોજ મૃત્યુ પામેલા કરુણાશંકરની શોકસભા કે શ્રદ્ધાંજલિગ્રંથ માટે લખાયેલો ઔપચારિક સંદેશ નથી. ગાંધીજી જેવા કડક પરીક્ષક કોઇના માટે ‘ગુજરાતનું રત્ન’ અને ‘અનુપમ સેવા’ જેવાં વિશેષણ શ્રદ્ધાંજલિમાં પણ લૂંટાવી દે એ વાતમાં માલ નથી.

૧૮૭૩માં જન્મેલા કરુણાશંકર કુબેરજી ભટ્ટ વીસ વર્ષની વયે ગાયકવાડી રાજમાં, સંખેડા તાલુકાના કોસિન્દ્રા ગામે શિક્ષક તરીકે જોડાયા, ત્યારે શિક્ષણ અને કેળવણી વિશેના તેમના ખ્યાલ અંગ્રેજી શિક્ષણપદ્ધતિ કરતાં બહુ જુદા હતા. પરીક્ષાઓ અને નંબરોની બોલબાલા તથા માત્ર નોકરી મેળવવા માટે ભણવાનો ખ્યાલ તેમને અકારાં લાગતાં હતાં. બી.એ.-એમ.એ. થઇને શિક્ષણક્ષેત્રમાં આવતા અધ્યાપકો વિશે પણ તેમને ભારોભાર અસંતોષ હતો. પુત્રી કુસુમબહેનને એક પત્રમાં તેમણે ફર્ગ્યુસન કોલેજના બે-ચાર અધ્યાપકોનાં નામ ટાંકીને લખ્યું હતું, ‘(આ લોકોનાં) જીવન એ જ ખરાં જીવન છે. બાકી તો બીજા બધા પોતાના મનને ભાડે ફેરવે છે.’  (૧-૭-૧૯૨૦)

રૂપિયા રળવા ખાતર શિક્ષકની નોકરી કરવી પડે, એ તેમને પોતાને પણ કઠતું હતું. અત્યારની જેમ ત્યારે પણ મોટા ભાગના શિક્ષકો ટ્યુશનમાંથી અઢળક રળી લેવાનાં સ્વપ્નાં જોતા હોય, ત્યારે કરુણાશંકર માસ્તરનું સ્વપ્ન એવું હતું કે તે રૂપિયાની ચિંતા કર્યા વિના આખો વખત અધ્યયન અને અઘ્યાપનમાં મશગૂલ રહી શકે. પરંતુ સંસારજીવનના તકાદાને કારણે એ શક્ય બન્યું નહીં.

સરકારી નોકરીઓ પછી અમદાવાદમાં અંબાલાલ સારાભાઇના પરિવારમાં અને પાછળથી મુંબઇના તુલસીદાસ કીલાચંદ પરિવારમાં તેમણે શિક્ષક તરીકે કામગીરી અદા કરી. સારાભાઇ દંપતી અંબાલાલ- સરલાદેવી સપરિવાર બ્રિટન ગયાં ત્યારે કરુણાશંકરને સાથે લઇને ગયાં હતાં. એ પ્રવાસ દરમિયાન તેમણે એક પત્રમાં પોતાનો કચવાટ ઠાલવતાં લખ્યું હતું,‘દાસત્વ કરીકરીને જેની પાંખ બંધાઇ ગઇ છે તે હવે સ્વતંત્ર કેવી રીતે થાય? હું તો મારા સંબંધમાં આવતા સર્વને કહું છું કે બની શકે તો કોઇ નોકરી ન કરશો. નોકરી સિવાય ઉદરનિર્વાહનો બીજો કોઇ માર્ગ જ નથી? મને પોતાને સુઘ્ધાં સ્વતંત્ર થવાના વિચારો આવ્યા કરે છે...’ (૨૫-૬-૧૯૨૦)

સારાભાઇ પરિવારમાં શિક્ષક તરીકે રહેવાને કારણે, રવીન્દ્રનાથ ટાગોર અને તેમના સાથીદારો સાથે તેમનો પરિચય થયો. ગાંધીજીના આમંત્રણથી એ લોકો અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે અંબાલાલ સારાભાઇના મહેમાન બન્યા હતા. હતા. સારાભાઇ પરિવારની સમૃદ્ધિ-સંસ્કારિતાની સાથોસાથ કોઇ અદૃશ્ય વ્યક્તિનું દૃષ્ટિપૂર્વકનું આયોજન પણ ગુરુદેવથી છાનું ન રહ્યું. તેમણે પોતાના સાથી અને શાંતિનિકેતનના આચાર્ય ક્ષિતિમોહન સેનને તપાસ કરવા કહ્યું. ‘ખિતિબાબુ’ તરીકે ઓળખાતા આચાર્યે શોધી કાઢ્‌યું કે એ અદૃશ્ય વ્યક્તિ કરુણાશંકર માસ્તર હતા.

ત્યારથી રવીન્દ્રનાથ ટાગોર અને ક્ષિતિમોહન સેન સાથે કરુણાશંકરનો સીધો અને ઊંડો સંબંધ બંધાયો. લંડનમાં અંબાલાલ સારાભાઇ અને તેમનાં પત્ની સરલાદેવી (ડો.વિક્રમ સારાભાઇનાં માતા-પિતા) રવીન્દ્રનાથ ટાગોરનું પ્રવચન સાંભળવા ગયાં, ત્યારે ગુરૂદેવે તેમને સામેથી કહ્યું,‘કરુણાશંકરને તો અહીં વિલાયતમાં ઘણી પ્રતિકૂળતાઓ હશે. એમને બિચારાને અહીં શું કરવા લાવ્યા?’

શેઠે જવાબ આપ્યો હતો,‘એેમને તો અહીં ઘર જેવું લાગે છે. અમારા ઘરમાં જ રહે છે. અમે એમને ઘરના માણસ તરીકે ગણીએ છીએ.’ આ સંવાદ પોતાના પત્રમાં નોંધીને કરુણાશંકર લખે છે,‘આ ઉત્તર ખરો છે. આ ઘરમાં રહેવાથી મને તમામ પ્રકારની અનુકૂળતાઓ છે.’ (૨૫-૬-૧૯૨૦)
Gandhi- Kshitimohan Sen / ગાંધીજી- ક્ષિતિમોહન સેન
ધનાઢ્‌ય પરિવારોમાં અને વડોદરા રાજ્યની સરકારી શાળાઓમાં કરુણાશંકરે શિક્ષક તરીકે ઘણાં વર્ષ નિષ્ઠાપૂર્વક કામ કર્યું, પરંતુ તેમની કારકિર્દીનો સૌથી યાદગાર સમયગાળો ૧૯૨૭થી ૧૯૩૦ની વચ્ચે કોસિન્દ્રામાં વીત્યો. માસ્તર પોતે ૧૮૯૩ થી ૧૯૦૦ સુધી સાત વર્ષ કોસિન્દ્રામાં શિક્ષક તરીકે રહી ચૂક્યા હતા. ગામના લોકો પર તેમનો એટલો ઊંડો પ્રભાવ પડ્યો કે લગભગ બે દાયકા પછી કોસિન્દ્રાના લોકોએ તેમને શાળા શરૂ કરવા નિમંત્રણ આપ્યું. કરુણાશંકરે ઉત્સાહપૂર્વક કોસિન્દ્રામાં ગુરુકુળ પદ્ધતિથી શાળા શરૂ કરી. શરૂઆતમાં પોતે માર્ગદર્શકની ભૂમિકામાં રહ્યા અને ૧૯૨૭માં અંબાલાલ સારાભાઇની નોકરી છોડીને એ પણ કોસિન્દ્રા વસ્યા. તેમના આમંત્રણથી આચાર્ય ક્ષિતિમોહન સેન અનેક વાર ગુજરાત આવ્યા.  અમદાવાદ જેવા શહેરને બદલે કોસિન્દ્રા જેવા ખૂણાખાંચરાના ગામમાં તેમનાં વ્યાખ્યાન ગોઠવાયાં. એ વ્યાખ્યાનો સાંભળવા માટે  આજુબાજુના ગામડાંના લોકોથી માંડીને અમદાવાદના કેટલાક જાણીતા લોકો કોસિન્દ્રા જતા હતા.

ક્ષિતિમોહન સેનની પ્રતિભા જાણીતી હોવાથી તેમનાં વ્યાખ્યાનોની વિગતવાર નોંધ લેવાતી હતી અને તે ‘પ્રસ્થાન’ જેવા સામયિકમાં પ્રગટ પણ થતી હતી. વર્ષો પછી (૧૯૯૦માં) નાનકભાઇ મેઘાણીએ ક્ષિતિમોહન સેનના પ્રવચન-લેખોનો સંગ્રહ  ‘સાધનાત્રયી’ શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યો. ૭૦૦થી પણ વઘુ પાનાં ધરાવતા આ દળદાર ગ્રંથમાં, ક્ષિતિબાબુએ કોસિન્દ્રામાં આપેલાં વ્યાખ્યાનો પણ ‘શિક્ષણસાધના’ અને ‘તંત્રની સાધના’ એ મથાળાં હેઠળ ઉપલબ્ધ બન્યાં. ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, મોહનલાલ પટેલ અને જયંતીલાલ આચાર્યના સક્રિય સહયોગથી તૈયાર થયેલો આ ગ્રંથ અમદાવાદના શાંતિનિકેતન આશ્રમિક સંઘે કરુણાશંકર ભટ્ટને અર્પણ કર્યો હતો.

કોસિન્દ્રાનો પ્રયોગ વિવિધ કારણોસર ત્રણ વર્ષથી વધુ ન ચાલ્યો, ત્યારે પોતાની વિશિષ્ટ શાળાના વિદ્યાર્થીઓને કરુણાશંકર શાંતિનિકેતન લઇ ગયા અને ત્યાં મૂકી આવ્યા. રવીન્દ્રનાથ પ્રત્યે હતો એવો જ પૂજ્યભાવ તેમને ગાંધીજી માટે પણ હતો. ગાંધીજીના તંત્રીપદે નીકળતા ‘નવજીવન’ના અંકો તે ધ્યાનથી વાંચતા-વંચાવતા. ‘નવજીવન’ વાંચતાં એમને વિચાર આવ્યો કે અંકનાં છાપેલાં પાનાંની વચ્ચે એક-એક કોરું પાનું હોય તો નોંધ કરવામાં કે વિચારો ટપકાવવામાં સરળતા પડે. આ વાત તેમણે ‘નવજીવન’ની કામગીરી સંભાળતા સ્વામી આનંદને કરી, એટલે સ્વામી કરુણાશંકર માટે ‘નવજીવન’ની થોડી નકલો અલગ તૈયાર કરાવતા હતા. તેમના પુત્ર ચંદ્રકાન્તભાઇએ નોંધ્યું છે કે ‘આવું ઘણો વખત ચાલ્યું અને નવજીવનનું ભાઇ ઉપરનું દેવું વધતું ચાલ્યું. બિલો આવ્યા કરતાં, પણ કોઇ પૈસા માટે તગાદો કરતું નહિ. એ બિલ કોણે ભર્યાં એની મને ચોક્કસ ખબર નથી.’

શિક્ષણને વ્યવસાય ગણીને તેમાંથી બે પાંદડે થવું એ કદી કરુણાશંકરનું લક્ષ્ય ન હતું. એટલે છેવટ લગી આર્થિક રીતે સધ્ધર થઇ શક્યા નહીં. પણ તેમણે પોતાના વિદ્યાર્થીઓને આપેલો સંસ્કારવારસો અને તેમના થકી ગુજરાતની આવનારી પેઢીઓને મળેલો ક્ષિતિમોહન સેનનાં વ્યાખ્યાનનો વારસો સાંસ્કૃતિક ગુજરાતનો અણમોલ ખજાનો છે.

(વિગતો : કરુણાશંકર શતાબ્દી સ્મારક ગ્રંથ, કરુણાશંકર ભટ્ટના પત્રો તથા ક્ષિતિમોહન સેનના લખાણસંગ્રહ ‘સાધનાત્રયી’માંથી)

Monday, June 06, 2016

નંદશંકર મહેતાના ‘જીવનચિત્ર’માં ઝીલાયેલું દોઢસો-બસો વર્ષ પહેલાનું શિક્ષણ

ભારતના પ્રાચીન જ્ઞાનનું વાજબી-ગેરવાજબી બધી જાતનું ગૌરવ લેતી વખતે એ ઘણી વાર ભૂલાઇ જાય છે કે ભારતમાં નવેસરથી શિક્ષણનો અમલ અંગ્રેજી રાજમાં શરૂ થયો. પહેલી ગુજરાતી નવલકથા કરણઘેલોના લેખક નંદશંકર તુળજાશંકર મહેતા (૧૮૩૫-૧૯૦૫)ની જીવનકથામાંથી એ સમયની શિક્ષણરીતિ વિશે ઠીકઠીક જાણવા મળે છે. નંદશંકરના પુત્ર વિનાયક મહેતાએ પહેલી વાર ૧૯૧૬માં પ્રગટ થયેલા પુસ્તક નંદશંકરનું જીવનચિત્રમાં નોંધ્યું છે, ‘તે વેળા છોકરો ચારેક વર્ષનો થાય, એટલે મુંડન કરાવી ઘોડે ચડાવી વાજતેગાજતે તેને નિશાળે મૂકવામાં આવતો...માત્ર તે જ દહાડે ખુશીથી તે શાળામાં જતો. તે દિવસ તહેવારનો ગણવામાં આવતો. છૂટ્ટી મળતી ને છાત્રગણને મીઠાઇ પણ મળતી...નારણ મહેતાને શાલ પામરી કે પાઘડી અને દક્ષિણા મળતી..અમે (નંદશંકરનો ક્લાસ) રોજા ઇચ્છતા કે નવો નિશાળિયો આવે. શિક્ષણમાં રસ પડતો નહિ. મારનો ત્રાસ ભારે. લાંબો વખત બેસી રહેવાનું ને એકનું એક જ પીંજણ. આ તો ઘરમાં છોકરું રહે તો મસ્તી કરે, પડે, આખડે, માને કનડે, પજવે, તે કરતાં શાળામાં જાય તો રીતભાત તો શીખે, ને કાંઇ નહિ તો કાયર કરતું તો રહે એ જ ખ્યાલથી ગામઠી નિશાળે ભરતી થતી.

અંગ્રેજી રાજમાં સરકારી શાળાઓ ખુલી એટલે શિક્ષણની કામગીરી વ્યવસ્થિત રીતે ગોઠવાવા લાગી અને ગામઠી નિશાળોનાં માનપાન ઘટી ગયાં. પુસ્તકમાં નોંધાયા પ્રમાણે, અંગ્રેજ સરકાર તરફથી ઇ.સ.૧૮૨૬માં પહેલવહેલી ગુજરાતી શાળાઓ ખોલવામાં આવેલી. તેના શિક્ષકોમાં ગામઠી નિશાળના સંસ્કાર પૂરેપૂરા ગયા ન હતા. પણ વિષયોનો, કામગીરીનો અને જવાબદારીનો વિસ્તાર થયો. સો વર્ષ પહેલાં વિનાયક મહેતાએ લખ્યું હતું,‘હાલની મેટ્રિક્યુલેશનથી પણ ચઢતું ગણિત ગુજરાતી શાળામાં શીખવવામાં આવતું.ગણિતશિક્ષક ત્રિપુરાશંકર એવી રીતે શીખવે કે શિષ્યો ગણિતને અને ગુરુજીને આજીવન ભૂલે નહીં. આગળ જતાં નંદશંકર નવલકથાકાર ઉપરાંત ગણિતના વિદ્વાન બન્યા અને કરણઘેલોલખવાની સાથોસાથ તેમણે ત્રિકોણમિતિ (ટ્રિગ્નોમિટ્રી)ના પુસ્તકનો અનુવાદ પણ કર્યો. પિતાના એ ગણિતરસનું શ્રેય લેખકે પિતાના ગુરુ ત્રિપુરાશંકરને આપ્યું છે.

નિશાળ સરકારી, એટલે દેશી ઉપરાંત વિદેશી ગુરુઓ પણ હોય. ૧૮૪૦માં બૉર્ડ ઑફ એજ્યુકેશનસ્થપાયું અને ૧૮૪૨માં અંગ્રેજી શાળા શરૂ થઇ. સુરતમાં અંગ્રેજી શાળાના મુખ્ય અધ્યાપક ગ્રીન વિદ્યાર્થીપ્રિય શિક્ષક તરીકે જાણીતા. તે અંગ્રેજી સાહિત્યનો જે સ્વાદ શાળાના વિદ્યાર્થીઓને લગાડતા હતા, એવો સ્વાદ હાલના સમયમાં મોટા ભાગની કૉલેજના વિદ્યાર્થીઓને નસીબ થતો નહીં હોય. એ વખતે ઇતિહાસ અને સાહિત્યની કેળવણી સાથે ચાલતી. એટલે નામી વિદેશી લેખકોનાં ઇતિહાસવિષયક પુસ્તકો બેવડું શિક્ષણ પૂરું પાડતાં.

અંગ્રેજી કેળવણીની સમાંતરે ખ્રિસ્તી ધર્મપ્રચારની આશંકા પણ રૂઢિચુસ્તોના મનમાં સતત રહેતી હતી. એટલું ઓછું હોય તેમ, સુરતમાં એક વિદ્વાન પાદરી મોન્ટગોમરીના પ્રભાવમાં આવીને એક પારસી યુવક નસરવાનજી માણેકજીએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો. પરિણામે, હિંદુ રૂઢિચુસ્તો તો ઠીક, પારસીઓ પણ પોતાનાં બાળકોને અંગ્રેજી નિશાળમાં મૂકતાં ડરવા લાગ્યા. અંગ્રેજી શિક્ષણનું માંડ જામેલું વાતાવરણ બગડી ન જાય, એ માટે મુખ્ય શિક્ષક ગ્રીનસાહેબે સુધારક દુર્ગારામ મહેતાજી અને બીજાઓ સાથે મળીને પારસી યુવકને સમજાવ્યો. વીસ દિવસની માથાકૂટ પછી એ તેનો પારસી ધર્મમાં પુનઃપ્રવેશ થયો. પરંતુ પાદરીઓની ધર્મપરિવર્તન પ્રવૃત્તિ સામે ગ્રીનસાહેબે દેશવિદેશનાં અખબારોમાં લખાણો કરેલાં. દેવળમાં ન જતા અને ભારતીયોની લાગણી જાણતા ગ્રીન કોઇ નેટિવછોકરીના ફંદામાં ફસાયા છે, એવા આરોપ પણ તેમની ઉપર થયેલા. છતાં ગ્રીને ડગ્યા વિના કામ ચાલુ રાખ્યું. એક વર્ષમાં ત્રણ ધોરણ પાસ કરી નાખનાર નંદશંકર તેમના પ્રિય વિદ્યાર્થી હતા. વિદ્યાર્થીઓ માટે ગ્રીનસાહેબનું ખાનગી પુસ્તકાલય સદા ખુલ્લું હોય.

તેમના થકી સુરતમાં રહેતા નૌકાસૈન્યના કૅપ્ટન સ્કૉટ સાથે નંદશંકરનો પરિચય થયો. સ્કૉટ તેમને નંદકહેતા અને જ્ઞાનની અવનવી દુનિયાનો પરિચય કરાવતા. તેમના પુસ્તકાલયમાંથી અનેક સફરનામાં અને જીવનચરિત્રો નંદશંકરે વાંચ્યાં. તેમની અગાસીમાં ગોઠવેલાં અનેક પ્રકારનાં દૂરબીનથી તેમણે નંદને શબ્દાર્થમાં આકાશ બતાવ્યું. નંદશંકરે લખ્યું છે,‘આ બે વ્યક્તિઓના સંસર્ગથી અંગ્રેજ-જાતના સદ્‌ગુણ ઉપર મારો પક્ષપાત વધ્યો. શિષ્ય-શિક્ષક સંબંધ હોવા છતાં સામાન્ય વ્યવહારમાં વર્ણભેદનો ઓળો સરખો પણ પડતો નહીં...એમનું મન એટલું સાનુકંપ હતું કે પોતાનાથી જુદી જાતના અન્ય લોકોની રીતભાત પણ સુઘડ હોઇ શકે, એવી તેમને પ્રતીતિ   થયેલી. નેટિવશબ્દ વપરાતો ખરો, પણ તે સાથે જૅન્ટલમૅનશબ્દ ઉમેરાતો. નેટિવશબ્દમાં જે તુચ્છકારનો ધ્વનિ કલ્પાય છે, તે તો બંગાળમાં જ પહેલવહેલો પ્રગટ થયો.

૧૮૫૭ના સંગ્રામ વખતે બન્ને પક્ષોની હિંસાખોરી હદ વટાવી ગઇ. સત્તાધીશ અંગ્રેજોને કે તેમનાં સ્ત્રીબાળકોને જેટલું વેઠવું પડ્યું તેનાથી અનેક ગણા વધારે અમાનવીય અત્યાચાર તેમના સૈન્યે હિંદીઓ પર ગુજાર્યા. એ વખતે ગ્રીને અંગ્રેજી ઘાતકીપણાની ટીકા અને હિંદીઓનો બચાવ કરતાં લખ્યું,‘અપરાધીઓનો ઇન્સાફ કરી તેમને સજા કરો, પણ નિરપરાધીને શામિલ ન કરશો.૧૮૫૭ હોય કે ૧૯૮૪ હોય કે ૨૦૦૨, આ સાદું સત્ય દરેક વખતે ભૂલાઇ જાય છે અને તે યાદ કરાવનારના માથે પસ્તાળ પડે છે. ગ્રીનના નાસ્તિકપણાથી દુઃખી પાદરીઓમાં સત્તાધીશ અંગ્રેજ વર્ગ ભળ્યો. એટલે, પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, ગ્રીન સામે રાજદ્રોહનો આરોપ પણ મુકાયો હતો અને તેમને ઘણા હેરાન કરવામાં આવ્યા.

ગ્રીન પછી આવેલા ગ્રેહામનો પણ નંદશંકરના ચરિત્રમાં બહુ ભાવથી ઉલ્લેખ મળે છે. ગણિતમાં ગ્રેહામ સાહેબ બહુ પ્રવીણ હતા. છ ફીટ ઊંચા, ચૌડા, મજબૂત બાંધાના, દુર્વાસા જેવા ક્રોધી છતાં તેમનું હૈયું મીણ જેવું મુલાયમ હતું. આ ઉદાર દિલના આયરિશમેનની મહોબ્બત કોઇ દિવસ એમનાથી (નંદશંકરથી) ભૂલાઇ નહીં.તેમણે બધાં શિષ્યોનાં નામ ટૂંકાં કરી નાખેલાં : નંદશંકરનું નેન્ડ’, મહીપતરામનું માઇપઅને પાર્વતીશંકરનું પૉર્વટી’.

આવા શિક્ષકો પાસે તૈયાર થયેલા નંદશંકર ૧૮૫૪માં ૧૯ વર્ષની વયે આસિસ્ટન્ટ માસ્ટર થયા અને  ૧૮૫૮માં પોતે જે શાળામાં  ગરીબ વિદ્યાર્થી તરીકે દાખલ થયેલા, એ જ શાળામાં રૂપિયા અઢીસોના માસિક પગારે મુખ્ય શિક્ષક બન્યા. અંગ્રેજી નિશાળમાં કોઇ દેશી માણસ હેડ માસ્તર બન્યો હોય, એવો આ કદાચ પહેલો બનાવ હતો. એટલે કરણ ઘેલોના લેખક જેટલા જ, કદાચ એનાથી પણ વધારે ગૌરવથી તે પહેલા દેશી હેડ માસ્તરતરીકે આજીવન ઓળખાતા રહ્યા. હોપ વાચનમાળાથી અમર બનેલા કેળવણીખાતાના સર થિયોડોર હોપે નંદશંકરની પ્રતિભા પારખીને તેમને શિક્ષણમાંથી મુલ્કી ખાતામાં નાખ્યા. આગળ જતાં તે વિવિધ દેશી રજવાડાંના અંગ્રેજ સરકારે નીમેલા વહીવટદાર બન્યા, પરંતુ તેમનો મૂળ જીવ શિક્ષકનો રહ્યો.


સો વર્ષ પહેલાં વિનાયક મહેતાએ આલેખેલું પિતા નંદશંકરનું જીવનચિત્રફક્ત ગુજરાતના સાંસ્કૃતિક-સામાજિક ઇતિહાસમાં રસ ધરાવતા જ નહીં, ભૂતકાળની રોમાંચક સફર ખેડવા માગતા સૌને અત્યંત રસ પડે એવું  છે.