Showing posts with label language. Show all posts
Showing posts with label language. Show all posts

Thursday, March 20, 2014

શબ્દકોશના શબ્દો, આપણા અર્થ

સાર્થ જોડણી કોશમાં સમાવિષ્ટ કેટલાક શબ્દોના અવળચંડા છતાં અંતરસૂઝવાળા અર્થો આપવાની પરંપરાનો વઘુ આ વઘુ એક મણકો.

અખબાર : નિયમિત ગ્રાહકોને જેનું બંધાણ અને કર્મચારીઓને જેનો નશો થવાની ભરપૂર સંભાવના રહે છે એવો ‘બાર’

અખાત : વિકાસકાર્યોના ભાગરૂપે ન ખોદાયેલું અને બિલ્ડરો કોમ્પ્લેક્સ બાંધવા માટે પૂરી ન નાખ્યું હોય એવું તળાવ, દરિયાની ગેરહાજરીમાં ડૂબી મરવાની સુવિધા પૂરી પાડતો જમીનની અંદર ગયેલો સમુદ્રનો ફાંટો

અગિયારસ : અમીરો દ્વારા પખવાડિયાની અગિયારમી તિથીએ ઉજવાતું અને ગરીબો દ્વારા લગભગ રોજ ફરજિયાતપણે પળાતું એક વ્રત

અગ્નેયાસ્ત્ર : પેટની આગ ઠારીને છાતીની આગ ભડકાવનારા ખાદ્યપદાર્થો, અસલામતીનો અગ્નિ ઠારવા માટે બનાવાયેલાં અને સરવાળે તેને વઘુ ભડકાવતાં અસ્ત્રો  (અંગ્રેજી : મિસાઇલ)

અટલ : સળગતાં લાકડાંને અડવાની ઉતાવળ કરવાને બદલે, પરિસ્થિતિથી ચલિત થયા વિના વિચાર કરનાર

અઠ્ઠો : આઠ કલાકનો ઓવરટાઇમ, ક્રિકેટની રમતમાં અશક્ય ગણાતો ફટકો, અશક્ય કાર્ય

અડકોદડકો : એન્ડ્રોઇડ, એપલ કે વિન્ડોઝમાં ક્યાંય જેનું એક પણ ‘એપ’ બન્યું નથી એવી, જૂના વખતની બાળકોની એક રમત

અડગ : ડગ માંડવાનો (ચાલવાનો) કંટાળો ધરાવતું, (તેના કારણે) પોતાની જગ્યાએથી ડગે નહીં એવું

અડધો : ભીખમાં આપતાં ભીખારી તરફથી પાછો મળતો પચાસ પૈસાનો સિક્કો

અડવાણી : ‘અટલ’ ન હોય એવું, આવેશયુક્ત, યાત્રાપ્રેમી, ઉપેક્ષિત, પોતાના શિષ્ય દ્વારા ઉવેખાનાર

અડબંગ : પૂરું જાણ્યા-સમજ્યા વિના બંગ (બંગાળ)થી અભિભૂત થઇ ગયેલું, નાદાન

અડિયલ : બળદ-ઘોટા-ટટ્ટુ-મનુષ્ય સૌના હઠીલાપણા માટે સમભાવથી વપરાતું વિશેષણ

અણ : નકાર અને નિષેધવાચક ઉપસર્ગ. દા.ત. અણ્ણા, અણવર, અણબનાવ, અણગમતું

અણગમો : અણવર જેવા કામચલાઉ મહત્ત્વ ધરાવતા પાત્ર પ્રત્યે ફરજિયાત વ્યક્ત કરવો પડતો ગમો, આંતરિક કંટાળો

અણવર : જેની સાથે વરની સરખામણી કરીને તત્કાળ વરના સદ્‌ગુણો તારવી શકાય એવો, વરની સાથે મોકલવામાં આવતો સોબતી

અતિજ્ઞાન : છોકરીએ મેળવેલી અને એ મેળવ્યા પછી યોગ્ય મુરતિયો શોધવાનું મુશ્કેલ બનાવતી ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓ

અઘ્યયન : વર્તમાન ભણતર જેવી નિરર્થક પ્રક્રિયાનું મહત્ત્વ ઊભું કરવા માટે વપરાતો સંસ્કૃત શબ્દ

અઘ્યાપક : છઠ્ઠા પગારપંચ પ્રમાણે તગડો પગાર મેળવનાર અને વર્તમાન ભણતરની પ્રક્રિયાને નિરર્થક બનાવવામાં સિંહફાળો આપનાર, પ્રોફેસર, શિક્ષક

અનુસ્નાતક : (વ્યવહારના) અનુભવ સાથે સ્નાનસૂતકનો સંબંધ ન હોય એવો સ્નાતકોત્તર અભ્યાસક્રમ

અપમૃત્યુ : ઊંચે (અપ) ગયેલા લોકોમાં પ્રચલિત, અકુદરતી મૃત્યુનો એક પ્રકાર

અપ્રામાણિક : પ્રામાણિકતાનો સારો બજારભાવ મેળવનાર કાર્યક્ષમ વ્યક્તિ

અફસર : સરકારી રાહે અને કાયદાના નામે અફરાતફરી મચાવવાની ક્ષમતા અને સત્તા ધરાવનાર

અબજ : કૌભાંડકારો અને કટારલેખકોનો પ્રિય ગાણિતીક એકમ, સો કરોડ

અભક્ષ્ય : શાસ્ત્રોમાં જે ખાવાનો નિષેધ છે એવું, (ઘણા લોકોના કિસ્સામાં) પોતાના રૂપિયાથી ખરીદેલું

અભિપ્રેત : મનમાં ધારેલું (અને મનમાં ધારેલી વાત મનમાં જ લઇને મૃત્યુ પામ્યા પછી બનેલું પ્રેત)

અભિસાર : લગ્ન પહેલાં સંકેત મુજબ મળવા આતુર રહેતાં પ્રેમીઓને લગ્ન પછી લાગતો અસાર

અમાન : ઝીનત (શોભા)નો એક પ્રકાર, અભય

અમાન્ય : (સંસ્થાની બાબતે) સરકારની હામાં હા મિલાવવાને બદલે, હકારાત્મક દૃષ્ટિકોણથી સરકારની ‘ના’માં ‘હા’ જોનાર

અયોગ્ય : ‘નાલાયક’નો સમાનાર્થી, પણ સંસદીય અને હળવો શબ્દ

અરુણ : ૠણ (ઉધારી) ચૂકવવાની વાત આવે ત્યારે રતાશ પડતું (ગરમ) થઇ જનાર

અલ્પમતિ : માત્ર સરકારી જ નહીં, મોટા ભાગની નોકરીઓ કરવા માટે જરૂરી મતિનું પ્રમાણ, એટલું પ્રમાણ ધરાવનાર

અલ્પવિરામ : અલ્પમતિ બોલનારને અડઘું વાક્ય બોલ્યા પછી, બાકીનું વાક્ય વિચારવાનો સમય મળી રહે અને અલ્પમતિ સાંભળનારને બોલાયેલું વાક્ય સમજવાનો સમય મળી રહે, એ માટે વાક્યની વચ્ચે આવતું વિરામચિહ્ન

અવનતી : દુન્યવી ઉન્નતિની ઇચ્છાથી ઉપરી સમક્ષ નીચા નમવું તે, પડતી

અવરોહ : સાહેબની ગેરહાજરીમાં ચાલતા વાતોના સૂરમાં, અચાનક સાહેબના ટપકી પડવાથી આવતો ઉતાર, ઊંચા સૂરથી નીચા સૂર પર આવવું તે

અવિક્રેય : ‘વેચવાનું નથી’ એવી ખોટી છાપને કારણે ન વેચાતું હોય એવું

અવિશ્વાસપાત્ર : ઉછીના રૂપિયા મળ્યા પછી શ્વાસ ખાવા રોકાયા વિના ગુમ થઇ જાય અને ત્યાર પછી કાયમ રૂપિયા આપનારના શ્વાસ અદ્ધર રાખે એવું પાત્ર

અસલામત : સલામ ન કરવાની વૃત્તિને કારણે સલામત નહીં એવું

અંકુર : અંકુશની ઐસીતૈસી કરીને ફૂટતો ફણગો

અંગકસરત : બીજા લોકોને ધરપત આપતી આપણા શરીરની કસરત

અંગુલિનિર્દેશ : કોઇના ભણી આંગળી ચીંધવાનું પાપ કે પુણ્ય

અંતર્જામી : અંદરની વાત જાણવાને કારણે (સંસ્થાની) અંદર જામી પડેલું

અંતરિક્ષ : જ્યાં રિક્ષાઓના આડેધડ ડ્રાઇવિંગનો ત્રાસ નડતો ન હોય એવી જગ્યા

અંતરાત્મા : ધર્મગ્રંથોમાં ઉલ્લેખાયેલું, વાંદરાને મળતું આવતું અને હવે લુપ્ત થઇ રહેલું કાલ્પનિક પ્રાણી, જે પોતાના ધમપછાડા, ચીચીયારીઓ અને અવાજો દ્વારા દેહધારીની ઊંઘ હરામ કરવાની ક્ષમતા ધરાવે છે

અંતર્ધાન : વાર્તાઓમાં ભક્તને દર્શન આપતા ભગવાનનું અને વાસ્તવમાં સમાજને ડૂબાડતા દેવાદારો-ગુંડાઓનું અદૃશ્ય થઇ જવું તે

અંતેવાસી : મહાનુભાવોની વઘુ નજીક રહેવાને કારણે અંતે બંધિયાર અને વાસી થઇ જનાર 

Thursday, May 05, 2011

ભાષા આધારિત રાજ્યોઃ ભાગ કે ભાગલા?

ગુજરાત-મહારાષ્ટ્રનો સ્થાપના દિન ૧ મે બન્ને રાજ્યોની સત્તાવાર ઉજવણીના માહોલમાં વીતી જાય છે. પરંતુ ૧ મે, ૧૯૬૦ પહેલાં અને ત્યાર પછી પણ ભાષાના આધારે રાજ્યોની વહેંચણીનો મુદ્દો તીવ્ર પ્રતિક્રિયા જગવતો રહ્યો છે.

ગુજરાત આઝાદી વખતે મુંબઇ રાજ્યનો હિસ્સો હતું, એ વાત છેલ્લી એકાદ-બે પેઢીને ‘હા, એવું કંઇક સાંભળ્યું છે ખરું’ પ્રકારની લાગી શકે. ભાષાકીય બહુમતી માટે જુદું રાજ્ય માગવાના મુદ્દે દલીલો અને આક્ષેપો, રાજકારણ ને અર્થકારણના કેવા આટાપાટા ખેલાયા હશે, તેનો અત્યારે ભાગ્યે જ અંદાજ આવે.

પરંતુ લેવાનારા નિર્ણયો વિશેની ગરમાગરમ ચર્ચા અને અભિપ્રાયો, એ નિર્ણયો અમલમાં મૂકાયાના પાંચ-છ દાયકા પછી ફરી તપાસવાની જુદી જ મઝા છે.

આઝાદીની આસપાસ
આઝાદી પહેલાંના મુંબઇ રાજ્યમાં હાલના ગુજરાત-મહારાષ્ટ્રના ઘણા પ્રાંતનો સમાવેશ થતો હતો, પણ રજવાડાંથી છવાયેલું સૌરાષ્ટ્ર અને કચ્છ તેમાંથી બાકાત હતાં. મુંબઇ રાજ્યમાંથી ગુજરાતીભાષી ગુજરાત અને મરાઠીભાષી મહારાષ્ટ્રના અલગ પડવાનો પ્રશ્ન આઝાદી પછીના દાયકામાં ઉભો થયો. તેની સાથેનો, બલ્કે વધારે સળગતો સવાલ હતોઃ મુંબઇને મહારાષ્ટ્ર સાથે જોડવું કે તેને અલગ ‘સીટી સ્ટેટ’ બનાવવું?

મુંબઇ રાજ્યના વિભાજનો વિખવાદ જાગ્યો તેના દાયકાઓ પહેલાં, ૧૯૧૩થી ભાષા આધારિત પ્રાંતોનો ખ્યાલ માથું ઉંચકવા લાગ્યો હતો. તેલુગુભાષીઓને પોતાનું અલગ આંધ્ર જોઇતું હતું. કોંગ્રેસનો એ વખતે ચડતો સિતારો હતો. ગાંધીજીના આગમન પછી નાગપુર અધિવેશન (૧૯૨૦)માં ફક્ત વકીલો-બેરિસ્ટરોને બદલે આમજનતા માટે પણ કોંગ્રેસના દરવાજા ખુલી ગયા. એ અધિવેશનમાં કોંગ્રેસે પક્ષના વહીવટની સરળતા ખાતર આખા દેશને ભાષા આધારિત ૨૧ ભાગ (રાજ્યો)માં વહેંચ્યો. અખંડ ભારતના એ સમયના નકશામાં બર્મા (અત્યારના મ્યાંમાર)નો સમાવેશ પણ થતો હતો.

તેલુગુભાષીઓની ૧૯૧૩થી શરૂ થયેલી માગણી સમય જતાં મોળી પડવાને બદલે મજબૂત બની, પરંતુ અંગ્રેજોનું રાજ હતું ત્યાં સુધી સિધ અને ઓરિસ્સા સિવાય બીજો કોઇ નવો પ્રાંત રચાયો નહીં. આઝાદી હાથવેંતમાં હતી અને ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભા નીમાઇ ત્યારે ભાષાકીય પ્રાંતોની રચના માટેની માગણી સતત ચાલુ રહી. કોંગ્રેસ એ માગણીનો સ્પષ્ટ વિરોધ કરી શકે એમ ન હતી. કારણ કે તેણે પોતે એ સિદ્ધાંતના આધારે પ્રાંતો પાડીને પ્રાદેશિક સમિતિઓ નીમી હતી. એટલું જ નહીં, અંગ્રેજી શાસનમાં થયેલી પહેલી ચૂંટણી (૧૯૩૫)ના ઢંઢેરામાં કોંગ્રેસે જાહેર કર્યું હતું કે ‘રાષ્ટ્રમાં દરેક જૂથ અને પ્રાદેશિક વિસ્તારની સ્વતંત્રતા જળવાઇ રહે તથા રાષ્ટ્રના વિશાળ માળખામાં તેનો વિકાસ થાય...એ માટે ભાષાકીય અને સાંસ્કારિક ધોરણે આ પ્રકારના પ્રદેશો અને પ્રાંતોનો વિચાર થવો ઘટે.’

ગાંધીજીને પ્રાંતોની પુનઃરચના માટે ભાષાકીય પાયો સાચો લાગતો હતો. પણ આઝાદીની આસપાસના અરસામાં તેમનું વલણ એ જાતનું હતું કે ‘અત્યારની અશાંત પરિસ્થિતિ પ્રાંતોની પુનઃરચના કરવાનો યોગ્ય સમય નથી.’ રાજ્યો લડવા-ઝઘડવાને બદલે અંદરોઅંદર સમજીને સરહદો નક્કી કરે એવું તેમનું સૂચન હતું. (જેનો અમલ ત્યારે પણ અશક્ય લાગે એટલી હુંસાતૂંસીનું વાતાવરણ હતું.)

આઝાદી પછી ભાષાઆધારિત પ્રાંતોની લોકલાગણી-માગણી સંતોષવા માટે એસ.કે.ધારની આગેવાની હેઠળ ભાષાવાર પ્રાંત પુનઃરચના માટેનું ‘ધાર કમિશન’ રચાયું. તેનો અહેવાલથી અસંતોષમાં ઘટાડો ન થતાં, એ જ વર્ષે, ૧૯૪૮માં કોંગ્રેસે જવાહરલાલ, વલ્લભભાઇ અને પટ્ટાભિ સીતારમૈયા- એમ ત્રણ વરિષ્ઠ નેતાઓનું બનેલું ‘જેવીપી કમિશન’ નીમ્યું. ૧૯૪૯માં આ કમિશને રજૂ કરેલા અહેવાલમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે ‘ભાષા કેવળ એકતાનું નહીં, વિખવાદનું કારણ પણ છે.’ અને ‘કોંગ્રેસે ભાષાવાર પ્રાંતોના સિદ્ધાંતને બહાલી આપી ત્યારે તેના વ્યવહારુ સવાલોનો અને બધાં પરિણામોનો ખ્યાલ કર્યો ન હતો.’ ભાષા આધારિત વિભાજનની વાત કરતી વખતે દેશની એકતા, સુરક્ષા અને આર્થિક સ્થિતિને પ્રાથમિકતા આપવી જોઇએ, એવું જાહેર કરવા છતાં, લોકલાગણીને માન આપવાનો વિકલ્પ તેમાં રખાયો હતો.

એ દિવસ માટે ઝાઝાં વર્ષ રાહ ન જોવી પડી. ૧૯૫૨માં તેલુગુભાષી આંધ્રપ્રદેશની માગણી સાથે પોટ્ટી સીરામુલુએ આમરણ ઉપવાસ કર્યા. ૫૬ દિવસના ઉપવાસ પછી તેમનું મૃત્યુ થતાં તોફાનો ફાટી નીકળ્યાં, પરિસ્થિતિ બેકાબૂ બની અને કેન્દ્ર સરકારે તરત અલગ આંધ્ર પ્રદેશનું વચન આપી દીઘું. તેનો અમલ પણ કરી દીધો.
આઝાદ ભારતમાં ભાષા આધારિત પ્રાંતરચનાનો આ પહેલો પ્રસંગ હતો.

ગુજરાતીઓ, મુંબઇ અને ડો.આંબેડકર

બંધારણની ડ્રાફિ્‌ટંગ કમિટીના અઘ્યક્ષ, પ્રખર વિદ્વાન અને તેજસ્વી ધારાશાસ્ત્રી ડો.આંબેડકરે ૧૯૪૮માં રચાયેલા ધાર કમિશન માટે એક અભ્યાસપૂર્ણ આવેદનપત્ર તૈયાર કર્યું હતું. ‘મહારાષ્ટ્ર એઝ એ લિગ્વિસ્ટિક પ્રોવિન્સ’ મથાળું ધરાવતી એ રજૂઆતમાં મુખ્ય બે વિવાદાસ્પદ મુદ્દા ચર્ચવામાં આવ્યા હતાઃ મરાઠીભાષીઓના મહારાષ્ટ્રમાં કયા પ્રદેશો લેવા અને મુંબઇને મહારાષ્ટ્રથી અલગ રાખવું કે સાથે.

અલગ ગુજરાતની રચનામાં વિખવાદો હતા- ખાસ કરીને ડાંગ અને આબુને ગુજરાતમાં ભેળવવા બાબતે. પરંતુ ગુજરાતીઓ-મરાઠીઓ વચ્ચેનો વઘુ આકરો સંઘર્ષ મુંબઇના મુદ્દે જાગ્યો. ભૂગોળની રીતે મુંબઇને ગુજરાત સાથે ભેળવવાનું શક્ય ન હતું. પણ ગુજરાતીઓમાં પ્રવર્તતી સામાન્ય છાપ એવી હતી કે ‘મુંબઇની જાહોજલાલીમાં ગુજરાતીઓનો મોટો હિસ્સો છે. મુંબઇ મહારાષ્ટ્રમાં ભળી જશે તો મુંબઇના ગુજરાતીઓને વેઠવાનું આવશે.’ તેમની માગણી હતી કે મુંબઇનું અસ્તિત્ત્વ મહારાષ્ટ્ર અને ગુજરાત બન્નેથી અલગ રહેવું જોઇએ, જેથી ગુજરાતીઓનું હિત અને ખાસ તો તેમની મુંબઇ પરની પકડ જળવાઇ રહે.

આ હિલચાલથી મરાઠીભાષીઓ ઉકળી ઉઠ્યા હતા. ડો.આંબેડકરે નેતાના ઉકળાટને બદલે વકીલની ટાઢકથી ૧૯૪૮માં ભાષાવાર પ્રાંત પુનઃરચના કમિશન સમક્ષ પોતાની દલીલો રજૂ કરી. આગળ જતાં ૧૯૫૫માં તેમણે ‘થોટ્‌સ ઓન લિગ્વિસ્ટિક સ્ટેટ્‌સ’ નામે અભ્યાસલેખ દ્વારા ફરી એક વાર આંકડા સહિત દાખલાદલીલો ટાંકીને પોતાની સજ્જતા-વિદ્વત્તાનો પરિચય આપ્યો. ભાષાવાર પ્રાંતો અંગે પોતાના અગાઉના કેટલાક વિચારો, પૂરતી માહિતી અને વિગતો મળ્યા પછી બદલાયા છે, એવું જાહેર કરીને ડો.આંબેડકરે લખ્યું હતું કે ‘ભાષાવાર રાજ્યો જરૂરી છે, પણ તે ધાકધમકી કે મવાલીગીરીથી નક્કી થવાં ન જોઇએ. એ જ પ્રમાણે, સાંકડાં પક્ષીય હિતોને ઘ્યાનમાં રાખીને પણ આ સવાલ ઉકેલાવો ન જોઇએ.

પ્રાંત પુનઃરચના કમિશન મુંબઇ રાજ્યને ‘આદર્શ’ પ્રકારનું મિશ્રભાષી રાજ્ય ગણાવતું હતું, પરંતુ ડો.આંબેડકરના મતે ગુજરાતી-મરાઠી ભાષીઓના મિશ્રણ જેવું મુંબઇ સદંતર નિષ્ફળ હતું. તેમણે લખ્યું હતું કે ‘છેલ્લાં વીસ વર્ષમાં ગુજરાતીઓ અને મરાઠીઓ વચ્ચે જે જાતની શત્રુવટ ઉભી થઇ છે, એ જોતાં ભાગ્યે જ મુંબઇ રાજ્યને કોઇ આદર્શ ગણી શકે.’

‘એક ભાષા લોકોને જોડે છે અને બે ભાષા તેમના ભાગલા પાડે છે’ એમ જણાવીને ડો.આંબેડકરે કહ્યું હતું કે ભાષાવાર રાજ્યો ભલે અલગ પડે, પણ તેમની સત્તાવાર ભાષા એક જ (હિદી) હોવી જોઇએ...જે ભારતીય આ દરખાસ્તને ભાષાવાર પ્રાંતના અભિન્ન અંગ તરીકે સ્વીકારે નહીં, તે કદાચ સો ટકા મરાઠી, સો ટકા ગુજરાતી કે સો ટકા તમિલ હોઇ શકે, પણ સો ટકા ભારતીય કદાપી ન હોય.’ ભાષાવાર રાજ્યોમાં સ્થાનિક ભાષાને સત્તાવાર દરજ્જો આપવાનું પગલું તેમને ભારતની અખંડિતતા માટે વિઘાતક લાગ્યું હતું.

‘મુંબઇ ગુજરાતીઓનું છે’ એવી દલીલને ડો.આંબેડકરે અનેક તાર્કિક જવાબો સાથે ફગાવી દીધી હતી. મુંબઇને મહારાષ્ટ્રથી અલગ રાખવાના મુદ્દે એ કહેતા હતા કે મદ્રાસ કે કલકત્તા અલગ ‘સીટી સ્ટેટ’ ન હોય તો ફક્ત મુંબઇ જ શા માટે? ગુજરાતીઓના દાવાનો અસ્વીકાર કર્યા પછી જોકે, તેમણે મુંબઇને અલગ રાખવું જ હોય તો તેની આર્થિકથી માંડીને વીજળી સહિતની કઇ જરૂરિયાતોનો વિચાર થવો જોઇએ, તેની વાત કરી હતી. ‘એક રાજ્ય, એક ભાષા’નો ખ્યાલ તેમને મંજૂર હતો, પણ ‘એક ભાષા, એક (જ) રાજ્ય’ તેમને કબૂલ ન હતું. તેમણે મુંબઇ રાજ્યમાંથી અલગ પડેલા મરાઠીભાષી મહારાષ્ટ્રને ચાર ભાગમાં વહેંચવાની યોજના રજૂ કરી હતી. તેમના મતે એક જ ભાષા ધરાવતા પ્રદેશને કેટલાં રાજ્યોમાં વહેંચવો જોઇએ, એ નક્કી કરવા માટે વહીવટી અસરકારકતા, વિવિધ વિસ્તારોની ખાસ જરૂરિયાતો, જુદા જુદા વિસ્તારોની લાગણી અને બહુમતી-લધુમતીનું પ્રમાણ ઘ્યાનમાં લેવાં જોઇએ. ભાષાકીય લધુમતીના હકો જોખમાય નહીં એ માટે તેમણે બંધારણમાં ફેરફાર કરવાનું પણ સૂચવ્યું હતું.

મુંબઇને મહારાષ્ટ્રથી અલગ રાખવા સામે મરાઠીઓનો વાંધો દૂર કરવા માટે તેમણે મુંબઇને ‘મહારાષ્ટ્ર સીટી સ્ટેટ’ જેવું નામ પણ સૂચવ્યું હતું, જેથી તે મહારાષ્ટ્રનો જ ચોથો હિસ્સો બની રહે. તેમની દૃઢ પ્રતીતિ હતી કે એક ભાષા બોલતા રાજ્યના જુદા જુદા હિસ્સા વચ્ચે પણ અનેક પ્રકારની અસમાનતા હોય છે. (ગુજરાતમાં પણ તે અનુભવી શકાય છે.) તેમને એક છત્ર નીચે લાવવાથી પ્રભુત્વ ધરાવનારા પ્રદેશના લોકો વધારે મજબૂત બનશે અને વંચિત પ્રદેશના લોકો વધુ ને વઘુ ખૂણામાં ધકેલાશે. ડો.આંબેડકરે તો આખા દેશ માટે એક પાટનગર અપૂરતું ગણાવીને, હૈદ્રાબાદ-સિકંદરાબાદ વિસ્તારમાં બીજું પાટનગર સ્થાપવાનું સૂચવ્યું હતું. તેનાથી બીજા ફાયદા ઉપરાંત ‘ઉત્તર ભારતીયો અમારી પર રાજ કરે છે’ એવી દક્ષિણના લોકોની ફરિયાદ પણ દૂર થશે એવી તેમની દલીલ હતી.

આશા અને આશંકા
ભાષાવાર પ્રાંતરચનાનાં જોખમોથી પૂરેપૂરા વાકેફ એવા ડો.આંબેડકર મુંબઇના દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાત-મહારાષ્ટ્ર છૂટાં પડી જાય એમ ઇચ્છતા હતા, ત્યારે ઉમાશંકર જોશી કે દાદા ધર્માધિકારી જેવા અગ્રણીઓએ ભાષા આધારિત પ્રાંતોનો કડક વિરોધ કર્યો હતો. ભાષા પુનઃરચના પંચની કામગીરીની આકરી ટીકા કરીને, ડો. આંબેડકરે જે સંયુક્ત મુંબઇ રાજ્યને ‘સદંતર નિષ્ફળ’ નિષ્ફળ ગણાવ્યું હતું, તેના વિશે ઉમાશંકરે લખ્યું હતું, ‘(પંચ) દ્વારા રાજકારણીઓએ દેશની રહીસહી એકતાને છેક ચૂંથી નાખી. તેમાંથી મુંબઇનું બૃહદ રાજ્ય એક આશાસ્પદ અપવાદરૂપે બચી જવા પામ્યું છે. ભવિષ્યમાં પશ્ચિમ મંડળ (વેસ્ટર્ન ઝોન) તરીકે એ વિકસશે અને હિદમાં એવાં બીજાં બેચાર મંડળોની રચના માટે પ્રેરણારૂપ બનશે, એવી આશા રાખીએ. (સંસ્કૃતિ, નવેમ્બર, ૧૯૫૬)

ગુજરાત અને મુંબઇ સહિતનું મહારાષ્ટ્ર ૧ મે, ૧૯૬૦ના રોજ અલગ પડ્યાં, તેના પછીના વર્ષે કંઠી વગરના ગાંધીવાદી વિદ્વાન દાદા ધર્માધિકારીએ કહ્યું હતું, ‘આજે આપણે બહુરાજ્યવાદ અને બહુરાષ્ટ્રવાદમાં ચકચૂર છીએ...આજે દેશમાં...નર્યો ઉદ્દંડ ભાષાવાદ છે. એમાંથી ભાષાવાર રાજ્યોનો જન્મ થયો છે. અહીંનું એ દુર્ભાગ્ય છે કે અહીંની સંસ્કૃતિ, ઇતિહાસ, ભાષા, લિપિ બઘું સંપ્રદાય સાથે ચાલે છે.’

ભાષાવાર પ્રાંતરચનાનો મુદ્દો મોટા ભાગના પ્રાંતો પૂરતો હવે ઉકલી ગયો છે. પરંતુ ‘સંસ્કૃતિ’ (ઓગસ્ટ, ૧૯૫૬)માં ઉમાશંકર જોશીએ આપેલી ચેતવણી, વર્તમાન ગુજરાતના શાસકોના વલણને ઘ્યાનમાં રાખતા યાદ રાખવા જેવી લાગે છે. તેમણે લખ્યું હતું,‘અત્યારે આપણો સૌથી મોટો દુશ્મન છે ઉપરાષ્ટ્રવાદ (સબનેશનાલિઝમ). તેને દૂર કરવા માટે જે કંઇ કરીએ તે ઓછું છે.’

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના પક્ષીય ઝઘડામાં પ્રાંતવાદ અને ઉપરાષ્ટ્રવાદનું ઝેર રેડવાથી સરવાળે રાષ્ટ્રનું હિત થશે કે અહિત, તે સૌએ વિચારવાનું છે.

Sunday, September 12, 2010

દાઘેસ્તાનઃ કવિનું અને ત્રાસવાદીઓનું...

સહેલાણીઓના સ્વર્ગ તરીકેની ખ્યાતિમાંથી કાશ્મીર જેમ આતંકના અડ્ડા તરીકે વગોવાઇ ગયું, એવું જ કંઇક જુદી રીતે અને જુદાં કારણોસર રશિયાના પાડોશી દેશ દાઘેસ્તાન સાથે થઇ રહ્યું છે.

દૂર કોકેસસની પહાડીઓમાં, કાસ્પિયન સમુદ્રના કિનારે, ચેચેન્યા જેવા લોહિયાળ સંગ્રામ માટે જાણીતા મુલકની પાડોશમાં આવેલા દાઘેસ્તાન સાથે આપણે શી લેવાદેવા? એવો સવાલ થઇ શકે. દાઘેસ્તાનની બહુમતિ મુસ્લિમ વસ્તીમાંથી થોડા અંતિમવાદીઓ રશિયન પોલીસ કે લશ્કર પર હુમલા કરે, ખૂનામરકી મચાવે તેમાં આપણે શું? દાઘેસ્તાન ક્યાં અમેરિકા-ઓસ્ટ્રેલિયા-બ્રિટન છે કે ત્યાં રહેતા ગુજરાતી-ભારતીય નાગરિકોની આપણે ચિંતા કરવી પડે?

ખરી વાત છે. દાઘેસ્તાનને ગુજરાત સાથે કશો સીધો સંબંધ નથી. તેમ છતાં, ઘણા ગુજરાતી વાચનપ્રેમીઓની લાગણીનો તંતુ દાઘેસ્તાન સાથે જોડાયેલો છે. દાઘેસ્તાન સાથે તેમને લાગેવળગે છે. તેનું કારણ છે: દાઘેસ્તાની લોકકવિ રસૂલ હમઝાતોવનાં કાવ્યાત્મક, આત્મકથાત્મક સંભારણાંનો ગુજરાતી અનુવાદ ‘મારૂં દાઘેસ્તાન’.
મોસ્કોમાં વસેલા ગુજરાતી અતુલ સવાણીએ ૧૯૭૪માં કરેલો આ અનુવાદ ‘પ્રગતિ પ્રકાશન’ (મોસ્કો)ના યાદગાર પ્રદાનોમાં મોખરાની હરોળમાં બિરાજે એવો છે.

દાઘેસ્તાન (એટલે કે ‘પહાડોનો મુલક’) માંડ પચીસ-ત્રીસ લાખની વસ્તી ધરાવે છે, પણ એટલા વિસ્તારમાં જુદી જુદી ચાળીસેક સ્થાનિક ભાષાઓ બોલાય છે. તેમાં સૌથી વઘુ પ્રચલિત અવાર ભાષાના લોકકવિ એટલે રસૂલ હમઝાતોવ. તેમની ભાષા બોલનારા લોકોનું પ્રમાણ દાઘેસ્તાનમાં સૌથી વધારે (૩૦ ટકા) છે, પણ સરખામણી ખાતર જોઇએ તો સાડા પાંચ કરોડ પ્લસ ગુજરાતીઓની સામે અવાર ભાષા બોલનારા લોકો માંડ આઠેક લાખ હશે. છતાં, એ ભાષામાં લખીને રસૂલ હમઝાતોવ દાઘેસ્તાનના લોકકવિ તરીકે આખા રશિયામાં અને રશિયાની બહાર પણ વિખ્યાત થઇ શક્યા છે.

‘મારૂં દાઘેસ્તાન’ તેમનું પહેલું ગદ્ય પુસ્તક છે. એ પુસ્તકની શૈલી એવી વિશિષ્ટ છે કે જાણે રસૂલ હમઝાતોવ લેખન-બેખનનો ભાર અને તેની શિસ્ત ફગાવીને, બસ પોતાના મુલકની વાર્તા માંડીને બેઠા હોય. રાતનો પહોર જામ્યો હોય, પવન સિવાય બીજા કશાનો અવાજ ન આવતો હોય, આસપાસના ઘરોમાં દીવા ઠરી ચૂક્યા હોય, પણ રસૂલ હમઝાતોવની વાતો અને એમાં રહેલો રસ ખૂટે જ નહીં. એમની પોતાની વાત આવે, એમના પિતાની અને પિતાના કવિ-મિત્ર અબુતાલિબની વાત આવે, અવાર ભાષાની કહેવતો, ડહાપણની વાતો, જીવનની સીધીસરળ ફિલસૂફી, શહેરની ખટપટ અને દોડધામથી દૂર પ્રકૃતિના ખોળે, એકબીજાની હૂંફમાં સંઘર્ષો ઓગાળીને સુખસંતોષ સાથે વીતતી જિંદગી...એ વર્ણન વાંચીને વાચકને શબ્દદેહે સ્વર્ગની સફરનો આભાસ થાય.

દાઘેસ્તાનની રોજિંદી જિંદગીમાં વપરાતાં કટારી, પથ્થર, ચાવી, પારણું, ટોપી જેવી નિર્જીવ ચીજો પર લખવામાં આવેલાં સુવાક્યો અથવા ચોટદાર ઉક્તિઓથી પ્રકરણોની શરૂઆત થાય. જેમ કે, એક બારણા પર લખેલા શબ્દો: ‘દ્વાર તોડીને ફેંકતા નહીં, ચાવી ખોલશે સહેલાઇથી’. કટાર પર અંકિત શબ્દોઃ ‘મ્યાનમાંથી કદી ન ખેંચાતી કટારે કાટ ચડી જાય/ સદા નીંદરમાં રાચતો મર્દ સ્થૂળ બની જાય’ અથવા એક પથ્થર પર અંકિત પંક્તિઓ: ‘છીએ પથ્થર, જલદી અમે ચણાઇ જવાના/ જેલ, મંદિર કે ઘરદીવાલે જડાઇ જવાના’

પોતાના પ્રિય વતન દાઘેસ્તાનને ‘જગતના અફાટ મહાસાગરમાં પડતી નાનકડી બારી’ તરીકે ઓળખાવતા રસૂલે પુસ્તકમાં અવાર કહેણીઓ, પ્રસંગકથાઓ, ચોટડૂક ઉક્તિઓ, પિતાની અને પોતાની નોટબુકમાંથી ટાંકેલા કિસ્સા અને કાવ્યો જેવી છૂટીછવાયી સામગ્રીનું પહેલી નજરે ખરબચડું લાગે એવું છતાં મનમોહક ગૂંથણ કર્યું છે કે ભરતગૂંથણ-આભલાં-કોડીઓ અને બીજી સામગ્રીથી દીપી ઉઠતો ચાકળો યાદ આવી જાય.

પુસ્તકની શરૂઆતમાં જ તે પોતાનો કલકત્તાનો પ્રવાસ યાદ કરીને રવીન્દ્રનાથ ટાગોરે દોરેલું એક કાલ્પનિક પંખીનું ચિત્ર યાદ કરે છે. ‘એ તો ટાગોરની કલ્પનાના સુફળરૂપે તેમના આત્મામાં જન્મીને જીવતું હતું...હું પણ એવું અદ્ભૂત પંખી ધરાવું છે. મારૂં દાઘેસ્તાન.’ અને લખે છે,‘પહાડી ભૂમિમાં મહેમાન જેવી રીતે આવી ચડે છે, એવી જ રીતે આ પુસ્તકનો ખ્યાલ મને આવેલો.’

પુસ્તકમાં પહાડી જીવનની ઉપમાઓ અને તેની જીવનશૈલીનો ઉલ્લેખ એટલી સાહજિક રીતે, વાતચીતની ભાષામાં આવે છે કે વાંચનાર તે જરાય ખટકે નહીં. ‘ચરબીદાર દુમ ખાતર આખું ઘેટું કુરબાન કરવું’, ‘એક હાથમાં બે તરબૂચ પકડવાની કોશિશ કરવી’, જેવા શબ્દપ્રયોગો, ‘તમે પિસ્તોલ લઇને ભૂતકાળ પર ગોળીબાર કરો તો ભવિષ્ય તમારી પર તોપથી ગોળા વરસાવશે’ અથવા ‘બાળકને બોલવાનું શીખતાં બે વર્ષ લાગે છે, માણસને ચુપ રહેવાનું શીખતાં સાઠ વર્ષ લાગે છે’ એવાં અબુતાલિબનાં કથન કોઠાસૂઝનાં ઉત્તમ ઉદાહરણ બની રહે છે. અવાર સ્ત્રીઓની કદુવાઓ (શાપ) પણ જીવન અને જીવનમૂલ્યો વિશેની તેમની માન્યતાઓનો ખ્યાલ આપે છે. શ્રાપ વરસાવવામાં માહેર ગણાતી એક અવાર સ્ત્રીની ‘સરસ્વતી’ના નમૂના: ‘તારી જીભ કરમાઇ જાય, તારી માશુકનું નામ તું ભૂલી જાય, તું કોઇને કામસર મળવા જાય ત્યારે એ માણસને તારી સાથે ગેરસમજ થાય, તું દૂરદેશાવર રખડીને પાછો ફરે ત્યારે તારા વતનના ગામને સલામ કહેવાનું ભૂલી જાય, તારૂં મોં બોખું થઇ જાય ત્યારે એમાં પવન સુસવાટા બોલાવે...’ પરંતુ અવાર પ્રજામાં સૌથી આકરામાં આકરી કદુવાઓ માટે તેમણે બે સ્ત્રીઓ વચ્ચે થયેલા ઝઘડાની વાત લખી છેઃ
‘અલ્લા તારાં બચ્ચાંને તેમની ભાષા શીખવનાર વગરનાં કરી દે.’
આ સાંભળીને સામેવાળી સ્ત્રીએ એક ડગલું આગળ વધીને કહ્યું,‘અલ્લા તારાં બચ્ચાંને, એ લોકો પોતાની ભાષા જેમને શીખવી શકે એવા ઇન્સાનો વગરનાં કરી દે.’

હા, આપણે જે પરિસ્થિતિને પ્રગતિ, આઘુનિકતા અને ગૌરવનું પ્રતિક ગણીન પોરસાઇએ છીએ (‘અમારા બાબાને ગુજરાતીનો પ્રોબ્લેમ છે!’) તે અવાર પ્રજાની ખરાબમાં ખરાબ કદુવા છે. કેવળ સાહિત્યકારોનો નહીં, પણ સામાન્ય પ્રજાનો માતૃભાષા પ્રત્યે પ્રેમ દર્શાવવા રસૂલ હમઝાતોવે એક કિસ્સો નોંઘ્યો છે. ઇટાલીમાં તેમનો ભેટો એક અવાર ચિત્રકાર સાથે થઇ ગયો. વર્ષો પહેલાં એ માણસ વતન છોડીને નીકળી ગયો હતો. તેને મળ્યા પછી રસૂલ પોતાના ગામ જઇને પેલા ચિત્રકારની માતાને મળ્યા. દીકરાના ખબરઅંતર આપ્યા. અચાનક તેની

માતાએ સવાલ પૂછ્યો,‘તમારી વચ્ચેની વાતચીત અવાર ભાષામાં થઇ?’
રસૂલે કહ્યું,‘ના. અમે દુભાષિયા થકી વાત કરી. હું રશિયન બોલતો હતો અને એ ફ્રેંચ.’
પછી શું થયું? રસૂલે લખ્યું છે,‘અમારા પ્રદેશની સ્ત્રીઓ દીકરાના મોતની ખબર મળતાં કરે છે એવી રીતે એ માએ ચહેરા આડો કાળા કપડાનો મલાજો કરી દીધો...લાંબી ચુપકીદી બાદ મા બોલી, ‘તમારી ભૂલ થાય છે રસૂલ. મારા દીકરાના મોતને તો જમાનો વીતી ગયો. એ મારો દીકરો ન હોય. મારો કોઇ દીકરો અવાર માએ એને શીખવેલી ભાષા કદી ન ભૂલે.’

પોતાની ભાષા અને પોતાના વતનના પ્રેમમાં ગળાડૂબ હોવા છતાં, એ પ્રેમ તેમનામાં રશિયા માટે કે બાકીના વિશ્વ માટે વિરોધી લાગણી પેદા કરતો નથી. રસૂલ લખે છે,‘હું જ્યાં હોઊં ત્યાં મને મારા વતન દાઘેસ્તાનનો ખાસ ખબરપત્રી ગણું છું, પરંતુ હું મારા વતન દાઘેસ્તાનમાં પાછો ફરૂં ત્યારે સમગ્ર માનવસંસ્કૃતિના ખાસ ખબરપત્રી તરીકે, મારા સમગ્ર દેશના તેમ જ આખી દુનિયાના પ્રતિનિધિ તરીકે, પાછો ફરૂં છું...હું મને પોતાને એક સાથે અવાર, દાઘેસ્તાનનો બેટો અને સોવિયેત નાગરિક ગણું છું...હું અવાર શાયર છું, પરંતુ મારા દિલમાં કેવળ અવારિસ્તાન કે દાઘેસ્તાન કે સમગ્ર દેશસંબંધી જ નહીં, બલ્કે વિશ્વનાગરિક તરીકેની જવાબદારીની ભાવના ભરેલી છે. આ વીસમી સદી છે. એટલે ભિન્ન રીતનું જીવન જીવી શકાય જ નહીં.’

સપ્ટેમ્બર ૮, ૧૯૨૩માં જન્મેલા રસૂલ હમઝાતોવે વીસમી સદીમાં રશિયાના ચડાવઉતાર જોઇને નવેમ્બર ૩, ૨૦૦૩ના રોજ વિદાય લીધી, પણ ત્યાં સુધીમાં તેમનું સ્વર્ગ દાઘેસ્તાન હિંસાની જ્વાળાઓમાં લપેટાઇ ચૂક્યું હતું.

(to be continued)

Monday, March 15, 2010

વડોદરામાં ભારતભરની ભાષાઓનો ઐતિહાસિક મહાકુંભ

(L to R) : Narayan Desai, Mahashweta devi, Sudarshan Ayangar

(L to R) Tridip Suhrud, Ganesh Devy, Rajesh Sachdev (CIIL, Bangluru)

(L to R) Raghuveer Chaudhari, Shiv Vishvanathan, Kamalini Sengupta, D.P.Patnaik

ભાષાનો મુદ્દો આજકાલ ચર્ચામાં છે. ભાષાને ગૌરવ આપવાથી માંડીને તેને સરળ બનાવવાના-ટકાવવાના-બચાવવાના-મજબૂત કરવાના પ્રયાસો વિશે વાત થઇ રહી છે, કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. પોતપોતાની મતિ, મહત્ત્વાકાંક્ષા, મુન્સફી અને મુરાદ પ્રમાણે કેટલાક લોકો સક્રિય થઇ રહ્યા છે. પરંતુ આ પ્રક્રિયામાંથી ચર્ચા કરવાના આનંદ અને અંગત પ્રસિદ્ધિ સિવાય બીજું શું નીપજે છે, એ હજુ જોવાનું રહે છે.
ફક્ત ગુજરાતી જ નહીં, તમામ ભારતીય ભાષાઓ માટે વડોદરામાં આયોજિત ‘ભાષાસંગમ’ મહત્ત્વની ઘટના બની રહેશે. દેશભરમાંથી આશરે ૩૦૦ ભાષા-બોલી બોલનારા લોકો એકસાથે એક જ જગ્યાએ એકઠા થાય, એવું કદાચ પહેલી જ વાર વડોદરામાં ૮ માર્ચના રોજ બન્યું. તેજગઢ આદિવાસી અકાદમીના સ્થાપક અને અઘ્યાપક-કર્મશીલ પ્રો.ગણેશ દેવીના નિમંત્રણના જવાબમાં ‘કચ્છથી કોહીમા અને લદ્દાખથી આંદામાન સુધીના’ પ્રતિનિધીઓ આવ્યા. ઉપરાંત, ભાષા વિશે ઉંડાણપૂર્વક વાત કરનારા વિદ્વાનો અને મહાશ્વેતાદેવી, નારાયણભાઇ દેસાઇ જેવા મહાનુભાવો પણ ખરા. ભાષાઓ બોલનારા અને ભાષા વિશે વિચારનારા લોકોના આ અનોખા મેળાવડામાં સમૃદ્ધ વિચારભાથું પૂરૂં પાડે એવં મંથન થયું.
ભાષાઓ વિશેની ભારતની સરકારી અને સત્તાવાર સંસ્થા ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેન્ગ્વેજીસ’ (મૈસૂર)ના ડો.રાજેશ સચદેવે એક અવતરણ ટાંકીને કહ્યું ‘ટુ પ્લાન લેન્ગ્વેજ ઇઝ ટુ પ્લાન સોસાયટી’ (ભાષાનું ઘડતર એટલે સમાજનું ઘડતર). ૨૦૦૧ની વસતી ગણતરીનો હવાલો આપીને તેમણે કહ્યું કે દેશમાં ૧૨૨ ભાષા અને ૨૩૪ માતૃભાષા સરકારી ચોપડે નોંધાયેલી છે. પરંતુ સરકારી નીતિ એવી છે કે જે ભાષા બોલનારા લોકોની સંખ્યા ૧૦ હજારથી ઓછી હોય, તેમની નોંધણી કરવામાં આવતી નથી.
ભાષાના ભેદના આશ્ચર્યજનક આંકડા આપતાં એમણે કહ્યું કે ભારતમાં બોલાતી ભાષાઓમાં ઇન્ડો-આર્યન અને દ્રવિડી ભાષાઓની ટકાવારી માંડ ૨૦ ટકા છે, પણ એ બોલનારા લોકોનું પ્રમાણ ૯૮ ટકા છે, જ્યારે ૮૦ ટકા ભાષાઓ ઓસ્ટ્રો-એશિયાટિક અને તિબેટો-બર્મન પ્રકારની છે, પણ એ બોલનારાનું પ્રમાણ ૨ ટકા છે. ૧૯૯૧ની સરખામણીમાં ૨૦૦૧ની વસ્તી ગણતરીનો અહેવાલ ટાંકીને તેમણે કહ્યું કે ગુજરાત સહિતનાં રાજ્યોમાં ભાષાઓ-બોલીઓની સંખ્યામાં વધારો થયો છે. ‘યુનેસ્કો’એ ભારતની ૧૯૬ બોલીઓ લુપ્ત થવાની અણીએ હોવાનું દર્શાવ્યું છે, પણ મણિપુરી અને ખાસી બોલીનાં ઉદાહરણનો ટાંકીને સચદેવે કહ્યું હતું કે યુનેસ્કોની યાદી સાચી નથી.
આંદામાનમાં રહીને ત્યાંના આદિવાસીઓની ભાષા પર સંશોધન કરનારાં પ્રો.અન્વીતા અબીએ કહ્યું કે ‘માણસ જન્મે છે, મોટો થાય છે, જુવાન થાય છે, વૃદ્ધ થાય છે ને મરે છે એ કુદરતી ક્રમ છે, પણ ભાષાઓ માટે મૃત્યુ કુદરતી નથી. ભાષા તો જન્મે, મોટી થાય, પરિપક્વ થાય, વઘુ પરિપક્વ થાય...મૃત્યુ તેની નિયતી નથી. ભાષા મરતી નથી. તેને મારવામાં આવે છે.’ સંસ્કૃત જેવી ભાષા હજુ પણ ટકી રહી છે, એ યાદ અપાવીને તેમણે કહ્યું ‘આદિવાસીઓની ભાષા કેટલી વિકસીત હોઇ શકે, તેનો ભાગ્યે જ કોઇને અંદાજ હશે. કેટલીક આદિવાસી ભાષાઓ આગળ સંસ્કૃત તો બચ્ચું લાગે. સંસ્કૃતનું બીજ આદિવાસી ભાષાઓમાં છે.
ભાષાઓનો દાટ વાળવા માટે સરકારની ત્રિભાષી ફોર્મ્યુલા (એક સ્થાનિક સ્ટાન્ડર્ડ ભાષા- હિંદી અને અંગ્રેજી) ની પણ આકરી ટીકા થઇ. પ્રો. અન્વીતા આ ફોર્મ્યુલામાં ચોથી (પોતીકી) ભાષા ઉમેરાય એ માટે વર્ષોથી પ્રયત્નશીલ છે. પણ તેમને હજુ સફળતા મળી નથી.
સ્થાનિક લોકોમાં ‘થોટારપુચ’ તરીકે ઓળખાતી ગ્રેટ આંદામાનીઝ ભાષાઓ વિશ્વની સૌથી જૂની ભાષાઓમાં સ્થાન પામે છે, પણ તેમાંની ‘બો’ ભાષા બોલનાર આખરી વ્યક્તિ, ૮૫ વર્ષીય મહિલા બોઆનું આ વર્ષના ફેબુ્રઆરીમાં મૃત્યુ થયું. હવે એ ભાષા કેવળ અભ્યાસલેખો પૂરતી મર્યાદિત રહી ગઇ. બો સમુદાયના થોડા લોકો હજુ છે, પણ એ લોકો પોતાની ભાષા જાણતા નથી. આટલી જૂની પરંપરા તૂટવાનું મુખ્ય કારણ છે અંગ્રેજોએ કરેલા આદિવાસીઓને ‘સુધારવાના’ પ્રયાસ. આઝાદી પછી ભારત સરકારે પણ આદિવાસીઓની સંસ્કૃતિને જૈવિક વૈવિઘ્યના ભાગરૂપે જોવાને બદલે, તેમના વિસ્તારોમાં ‘વિકાસ’નું રોલર ચલાવ્યું. જંગલો કપાતાં ગયાં અને આદિવાસીઓ હડસેલાતા ગયા. ‘આંદામાન ગ્રાન્ટ ટ્રન્ક રોડ’ જેવાં બાંધકામ અને હવે મમતા બેનરજીએ આંદામાનમાં રેલવે લાઇન નાખવાની જાહેરાત કર્યા પછી, રહીસહી આદિવાસી જાતિઓ અને તેમની ભાષાના હાલ પણ જતે દિવસે ‘બો’ જેવા થાય એવી પૂરી શક્યતા છે.
ભાષા અને સંસ્કૃતિ અભિન્ન હોવાનો મુદ્દો વક્તવ્યોમાં વિવિધ સ્વરૂપે વ્યક્ત થતો રહ્યો. ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન લેન્ગ્વેજીસ’ના સ્થાપક-ડાયરેક્ટર ડો.ડી.પી.પટનાયકે કહ્યું કે આદિવાસીઓ બાકીના લોકો કરતાં પહેલાં અંગ્રેજોની સામે લડ્યા હતા. પણ આપણા ઇતિહાસમાં ૧૮૫૭ના સંગ્રામને જ પહેલો ગણવામાં આવે છે. આદિવાસીઓને આપણે બધી બાબતોમાં અવગણ્યા છે, એટલે તેમની ભાષાની પણ આ દશા છે. હિમાચલ પ્રદેશથી આવેલા અભ્યાસી ડો.શેખર પાઠકે વધારે સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે ‘ભાષા અલગથી બચતી નથી. આજુબાજુનું જીવન નહીં બચે, જમીન-જંગલ-પાણી નહીં બચે તો ભાષા પણ નહીં બચે.
દિલ્હીના ‘સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ’ના ભૂતપૂર્વ ડાયરેક્ટર પ્રો. ધીરૂભાઇ શેઠે કહ્યું કે ‘એક વાત બહુ સાદી, છતાં બહુ મહત્ત્વની છે. ભાષા લોકો માટે છે. તેને આપણે એક અલગ-પોતીકું-સ્વતંત્ર સ્વરૂપ આપી દઇએ છીએ (એ બરાબર નથી.) જે લોકોનું થાય છે, એ જ ભાષાનું થાય છે.’ ભાષા લુપ્ત થાય જ છે અને એનાં ઘણાં કારણ હોય છે. એમ કહીને તેમણે સિંઘુ સંસ્કૃતિનું ઉદાહરણ આપ્યું હતું. ‘જેમને આપણે હાંસિયામાં કે હાંસિયાની પણ બહાર રાખ્યાં છે, તેમની ભાષા મરે છે. કેટલીક ભાષાઓ બોલનારની પસંદગીથી મરે છે. કારણ કે બોલનારને લાગે છે કે પોતાની ભાષા પૂરતી નથી.’ ક્યારેક સત્તા માટે પણ પોતાની ભાષા છોડવી પડે છે, તેનું ઉદાહરણ આપતાં ધીરૂભાઇએ પાકિસ્તાનના પંજાબીઓની વાત કરી હતી. પાકિસ્તાનના રાજકારણમાં હિસ્સો મેળવવાનું પંજાબીભાષી તરીકે શક્ય ન હતું. એટલે તેમણે ઉર્દુ અપનાવી અને ભાષાના ભોગે રાજકારણમાં વર્ચસ્વ મેળવ્યું.
આ જ વાત રાજકારણને બદલે આર્થિક વર્ચસ્વના સંદર્ભમાં સિંધી ભાષાને લાગુ પડતી હોવાનું પ્રો. રીટા કોઠારીએ કહ્યું. સાથોસાથ તેમણે કહ્યું કે ‘ભાષાને ટકાવી રાખવા માટે સરકારનો ટેકો પૂરતો નથી. કોઇ ભાષા બોલવામાં શરમ આવે ત્યારે એ ભાષાને સરકાર (માન્ય ભાષાના) પરિશિષ્ટમાં મૂકે કે ન મૂકે, એ ભાષામાં ઇનામો આપે કે ન આપે, કોઇ ફરક પડતો નથી...બજાર અને સરકાર તો પછી આવે છે. પહેલાં જીવન આવે છે અને એ સ્તરે ભાષા સાથેનો સંબંધ તો રાખી જ શકાય છે.’
ભારતમાં ભાષાઓની ચોક્કસ ગણતરી નથી, એ અંગે નુક્તચીની કરતાં ભાષાશાસ્ત્રી પ્રો. ખુબચંદાનીએ કહ્યું હતું કે ‘જેની સંખ્યા ગણી પણ શકતા નથી, એને બચાવશો કેવી રીતે?’ ભાષા અને બોલી વચ્ચેનો તફાવત ભાષાશાસ્ત્રીય નહીં, કેવળ દરજ્જાનો છે એવું પણ તેમણે કહ્યું. માણસની બહુભાષિતા પર ભાર મૂકીને તેમણે કહ્યું કે બહુમતિવાદ વૈવિઘ્ય છીનવી લે છે. એ સૌથી મોટો દુશ્મન છે. વિવિધ ભાષાઓનો ખપ પૂરતો ઉપયોગ કરીને, તેમની વચ્ચે સંતુલન સાધવા પર તેમણે વઘુ ભાર મૂક્યો.
ભારતમાં કેટલી ભાષાઓ અને બોલીઓ છે, તેની છેલ્લી ગણતરી એક સદી પહેલાં અંગ્રેજી રાજના અધિકારી ગ્રીઅર્સને કરી હતી. આઝાદી પછીની વસતી ગણતરી દરમિયાન રાજ્યવાર ૧૦ હજારથી વઘુ લોકો બોલતા હોય એવી ભાષાઓની અને સત્તાવાર ભાષાઓની ગણતરી થાય છે, પણ ભારતના ભાષાવૈવિઘ્યનો સાચો ખ્યાલ આપે એવો અભ્યાસ (લિંગ્વિસ્ટિક સર્વે) આઝાદ ભારતમાં થયો નથી. ભાષા અને પ્રાંતવાદના રાજકારણને લીધે, સરકારને ભાષા સળગતો મુદ્દો લાગે છે. એટલે એક વાર લિંગ્વિસ્ટિક સર્વેનું નક્કી કર્યા પછી છેવટ ઘડીએ કેન્દ્ર સરકારે એ વિચાર પડતો મૂક્યો હતો. ભાષાઓની સાચી સ્થિતિ જાણવા માટે આ જાતના સર્વેક્ષણની જરૂરિયાત અંગે પણ વાત કરવામાં આવી.
વડોદરામાં હાજર રહેલા જુદી જુદી ભાષા બોલનારા લોકોનું રોપા વડે સ્વાગત કરવામાં આવ્યું. પ્રો. ગણેશ દેવીએ જાહેર કર્યું કે આ રોપા તેજગઢ આદિવાસી અકાદમીમાં રોપવામાં આવશે અને તેને ‘ભાષાવન’ તરીકે ઉછેરવામાં આવશે. દરેક વૃક્ષ એક ભાષા બોલશે- આલંકારિક રીતે નહીં, પણ ખરેખર! ટેકનોલોજીની મદદથી એવી ગોઠવણ કરવામાં આવશે કે દરેક વૃક્ષ પાસે જતાં, તે કોઇ એક ભારતીય ભાષામાં બોલે કે ગીત ગાય.
ભારતના વૈવિઘ્યપૂર્ણ વારસા જેવી અનેક ભાષાઓને તેજગઢના ભાષાવનનાં વૃક્ષો ઉપરાંત જીવંત બોલનારા પણ મળી રહે અને તે આબાદ રહે એવી હાર્દિક ઇચ્છા રાખવાનું પૂરતું નથી. બીજી ભાષાઓ અને તેના ફાયદા છોડ્યા વિના, પોતાની ભાષા દિલથી બોલવાનું અને તેની શરમ નહીં અનુભવવાનું આપણા-સામાન્ય નાગરિકોના- હાથમાં છે.