Showing posts with label drama. Show all posts
Showing posts with label drama. Show all posts
Monday, January 28, 2013
ત્રણ મિત્રો, ત્રણ નાટકઃ યાદગાર અનુભવ
નાટકો વિશે લખવાનું તો ઠીક, નાટકો જોવાનું પણ બહુ
બનતું નથી. ગમે તો બધું, છતાં પ્રાથમિકતાઓ નક્કી કરવી પડતી હોય છે – અને નાટકો
તેમાં આવતાં નથી.
છતાં રવિવારની વાત જુદી હતી. ગુજરાત સમાચાર-આઇ.એન.ટી. દ્વારા
છેલ્લાં પચીસ વર્ષથી આયોજિત થતી નાટ્યસ્પર્ધાની ફાઇનલની એ રાત હતી. આગલી રાતે
ફાઇનલનાં ચાર નાટક રજૂ થઇ ચૂક્યાં હતાં અને રવિવારે બીજાં ત્રણ તથા પરિણામ. એ
ત્રણે નાટકો યોગાનુયોગે ત્રણ નજીકના મિત્રોનાં જ હતાં: કબીર ઠાકોર, કાર્તિકેય ભટ્ટ અને અભિષેક. તેમાંથી
અભિષેક અને કબીરભાઇના નાટકનું કથાવસ્તુ જાણતો હતો-એ બન્ને દિલ્હીઘટના પછી ખળભળી
ઉઠેલા માહોલમાં રોપાયેલાં હતાં. એટલે, રવિવારે મહેમદાવાદની
બહાર નીકળવાનું અઘરૂં કામ કરીને પણ, રાત્રે ઠાકોરભાઇ દેસાઇ
હોલ પર વેળાસર પહોંચી ગયો.
દરેક
પ્રકારના કાર્યક્રમમાં ઓડિયન્સના જુદા જુદા રંગ હોય છે. ’ગ્રામોફોન ક્લબ’ના ઓડિયન્સની એક છટા ને ’સપ્તક’ના ઓડિયન્સની બીજી.
સાહિત્યના કાર્યક્રમોમાં અમુક રંગ ને નાટકોમાં બીજો. આંતરકોલેજ એકાંકી સ્પર્ધાને
કારણે ભાગ લેનારા છોકરા-છોકરીઓ અને કેટલાકના કિસ્સામાં તેમના વડીલોને કારણે, હોલની બહારના વાતાવરણમાં નવરાત્રિ વખતે હોય એવો ’ચાર્જ’ હતો. બહાર અડધો કલાક ઊભા રહીએ એટલે જાણીતા-અજાણ્યા મિત્રો પરિચિતો સાથે ’બુફે મેળાવડો’ થઇ જાય એ વધારામાં.
પહેલું
નાટક કબીર ઠાકોરનું હતું, જેના વિશે મને
સૌથી વધારે ઉત્સુકતા હતી. એટલે એની વાત સૌથી છેલ્લે. બીજું નાટક ’પ્રોફેસર’ના લાડકા નામે ઓળખાતા મિત્ર અને પીલવાઇ કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક
કાર્તિકેય ભટ્ટનું હતું. ’ચાલો આપણે પરણી જઇએ’ (કે પૈણી જઇએ).
![]() |
| Kartikey Bhatt/ કાર્તિકેય ભટ્ટ |
હલકુંફુલકું, ફિલ્મી ગીતોના ઉપયોગ
અને વન-લાઇનર્સથી ભરપૂર. ’ચિંતનપ્રેમી’ જનતાને પણ ગમે અને તેમની તાળીઓ ઉઘરાવે એવા ’જીવનની
ફિલસૂફી’ ટાઇપના ઘણા સંવાદ તેમાં હતા. કાર્તિકેય બહુ સારા
લેખક છે અને હળવાશ જેટલી જ સારી રીતે એ ગંભીર વિષયો પર એ લખે છે. સાંપ્રત વિષયો પર
તેમની પકડ અને તેમનાં નિરીક્ષણ ચોટદાર હોય છે. નસીર ઇસમાઇલીના કથાબીજ પરથી બનેલા આ
નાટકનો વિષય સાવ જુદો હોવાથી, પ્રોફેસરની મેં ધારેલી કેટલીક
કમાલ એમાં જોવા ન મળી, જોકે મોટા ભાગના દર્શકોને નાટકે ભરપૂર
મનોરંજન પૂરું પાડ્યું. નાટકમાં મૂજી માણસનું પાત્ર કરતો છોકરો તેના અભિનયથી મઝા
કરાવી ગયો. બીજા કોઇનાં નામ યાદ રહ્યાં નથી, પણ એ છોકરાનું
નામ તેના અભિનય જેવું જ વિશિષ્ટ હોવાથી યાદ રહી ગયું. એનું નામ હતું સદ્દામહુસૈન
સિપાહી.
કાર્તિકેય
ભટ્ટની મઝા એ છે કે તે પિલવાઇ જેવા નાના કેન્દ્રની કોલેજમાં, કેવળ નાટ્યપ્રેમથી દોરવાઇને વર્ષોથી નાટકો કરાવે છે અને એ કામમાં દિલથી
ખૂંપી જાય છે. તેમની એ તીવ્રતા- અને સટાકેદાર વન લાઇનર્સ- નાટ્યક્ષેત્રના
જાણકારોમાં પણ વખણાય છે. મારા જેવા ’બહારના’ લોકો એમની આ પ્રવૃત્તિ વિશે મજબૂત આદર ધરાવે છે..
![]() |
| Abhishek Shah/ અભિષેક શાહ |
અભિષેક
શાહ વિવિધભારતીમાં એનાઉન્સર તરીકે કામ કરે છે. એક સાથે અનેક ઘોડા પર સવારી કરવાના
ઉદ્યમ કે મનોરથને કારણે ઘણી વાર તે લાંબા સમય સુધી અંતર્ધ્યાન થઇ જાય છે, પણ એ બદલ તેને પ્રેમથી ઠપકો આપી શકાય- અને તે સ્વીકારના ભાવ સાથે સાંભળી પણ લે-
એવો મિત્ર છે. અભિષેકે પહેલી વાર લેખક-દિગ્દર્શક તરીકે આ સ્પર્ધામાં ભાગ લીધો અને
ઉત્તમ નાટક આપ્યું ’તું લડજે, અનામિકા’. નાટકની સ્ટોરી કહીને તેની મઝા ઓછી કરવાનો ઇરાદો નથી, પણ ધૈવત ત્રિવેદી જેવા નાટકના જાણક-માણક અને ભૂતકાળમાં આ જ સ્પર્ધામાં
ઉતરી ચૂકેલા મિત્રે અભિષેકના નાટકને નાટ્યકલાનાં વિવિધ પાસાંની દૃષ્ટિએ સંપૂર્ણ
અને શ્રેષ્ઠ ગણાવ્યું. કોલેજનાં યુવક-યુવતીઓ પાસેથી તેમની મર્યાદાઓ સહિત સંવેદનશીલ
અભિનય કરાવવો એ દિગ્દર્શકનું કામ અભિષેકે સરસ રીતે કર્યું. લેખન પણ અસરકારક હતું.
બળાત્કારની દેખીતી કરુણતાથી આગળ વધીને અભિષેકે આપણી વચ્ચે જ રહેલા પણ ભાગ્યે જ ચર્ચાતા અંધારિયા ખૂણા પર શબ્દાર્થમાં અને
ધ્વન્યાર્થમાં પ્રકાશ પાડ્યો.
![]() |
| Kabit Thakore/ કબીર ઠાકોર |
અભિષેકના નાટકની જેમ કબીર ઠાકોર- પરેશ વ્યાસે લખેલું ’એ ટેલ
ઓફ ટીઅર્સ’ જોનારને ઘસરકા પાડી દે એવું નાટક હતું, પરંતુ તેનું કથાવસ્તુ
વધારે ’બોલ્ડ’ અને ગુજરાતમાં રજૂ કરવા માટે
’છપ્પનની છાતી’ ટાઇપ, તાળીઉઘરાઉ કટારલેખકિયા ’હિંમત’
નહીં, પણ સમજણ-સ્પષ્ટતા સાથે ઊંડી આત્મપ્રતીતિ માગી લે એવું
હતું. કારણ કે બન્ને મિત્રોએ
હાલમાં બળાત્કાર નિમિત્તે થયેલા ઉહાપોહને ૨૦૦૨માં થયેલા બળાત્કારો સાથે સાંકળી
લીધો હતો. વાસનાને બદલે વિચારધારાથી અને ધીક્કારથી પ્રેરાઇને થતો બળાત્કાર પણ
વધારે નહીં તો એટલો જ ઘૃણાસ્પદ અને અમાનવીય હોય છે, તે વાત એમણે બહુ કળાત્મક રીતે અને
જરાય ગલગલિયાં ન થાય- બલકે જોનાર સ્તબ્ધ થઇ જાય-એ રીતે મૂકી આપી. એવા નાટક પર
ગુજરાતમાં અને એ પણ અમદાવાદમાં વિરોધની નહીં, પણ સમર્થનની તાળીઓ પડે અને
કોલેજિયનો એ વિશે સ્વસ્થતાથી વિચારતા-સમજતા થાય એ આ મિત્રોની મોટી ઉપલબ્ધિ ગણાય.
દિગ્દર્શક-લેખક તરીકે કબીરભાઇ ઢંઢોળનારાં નાટકો માટે જાણીતા છે. આ નાટક એ જ
પરંપરાનો ઉત્તમ નમૂનો છે.
આ નાટકો અમદાવાદમાં અને ગાંધીનગરમાં થવાનાં છે. એ સિવાય
બીજાં ગામ-શહેરમાં એ નાટક કરવા ઇચ્છતા
પ્રેમીઓ નાટકના દિગ્દર્શકોનો સંપર્ક સાધી શકે છે. આ ત્રણે મિત્રો ફેસબુક પર પણ છે.
કબીર ઠાકોર 93270
03795
કાર્તિકેય
ભટ્ટ 98792 16030
અભિષેક શાહ 90990
11319
(નોંધ-નાટકોમાં ભાગ લેનારા માટે નંબરોનું મહત્ત્વ હોય એ
સ્વાભાવિક છે, પણ સ્પર્ધાનો દિવસ વીતી ગયા પછી મારા જેવા કંઇક દર્શકો
માટે નંબરો ગૌણ બની જાય છે. એટલે અહીં ઇનામોની વિગત મૂકી નથી. તેમાં રસ ધરાવતા
મિત્રોએ મંગળવાર ૨૯-૧-૧૩નું ગુજરાત સમાચાર જોઇ લેવું.)
Labels:
communal violence,
drama,
gujarat - 2002
Sunday, April 01, 2012
અમૃત જાનીને મંચ પર જોઇને કરાચીના પ્રેક્ષકો પોકારતાઃ ‘ખુશ રહો, કોયેટા મેઇલ’
ફિલ્મઉદ્યોગનો દબદબો અને તેની સ્ટાર સીસ્ટમનાં મૂળીયાં શોધવા નીકળીએ તો, ફિલ્મો પહેલાં શરૂ થયેલી નાટ્યસંસ્થાઓમાં મળી આવે. ત્યારે સ્ત્રી ભૂમિકાઓ માટે સ્ત્રીઓ તૈયાર ન હોવાથી, પુરૂષોને એ પાત્રો કરવાં પડતાં, પરંતુ તેમની સ્ટાર વેલ્યુ અત્યારની હીરોઇનો કરતાં જરાય ઓછી ન હતી. શહેરે શહેરે તેમના અભિનયના ચાહકો ને રૂપના પ્રશંસકો હતા, જે તેમની પર યથાશક્તિ ઓવારી જવા તલપાપડ રહેતા. નાટ્યક્ષેત્રે સંકળાયેલા પિતા જટાશંકર જાનીના પુત્ર અમૃત જાની/Amrut Janiએ કારકિર્દીની શરૂઆતથી શીખર સુધીની સફર સ્ત્રીભૂમિકા થકી તય કરી.
![]() |
| સ્ત્રીપાત્રમાં અમૃત જાની |
અભિનેતા તરીકે અમૃત જાની બે વાર કરાચી ગયા. એક વખત તેમનો ચઢતો સિતારો હતો ત્યારે ‘રોયલ’ના કર્મચારી તરીકે અને બીજી વખત ‘આર્યનૈતિક સમાજ’ સાથે. કરાચીના ‘પર્લ ઓપેરા હાઉસ’માં પહેલી જ રાતે ‘એ કોનો વાંક’ નાટકમાં અમૃત જાની કુમુદની ભૂમિકામાં રજૂ થયા અને તેમણે એન્ટ્રી કરી ત્યાં તાળીઓના ગડગડાટ સાથે પ્રેક્ષકોમાંથી પોકાર થયા, ‘ખુશ રહો, ખુશ રહો, ક્વેટા મેલ’. (એ સમયે કેટલીક ટ્રેનોની લોકપ્રિયતા એટલી હતી કે તેમનાં નામ વિશેષણ બની ગયાં હતાં. જેમ કે, ફ્રન્ટિયર મેલ, તુફાન મેલ.)
કરાચીવાળા ક્વેટાનો ઉચ્ચાર ‘કોયેટા’ કરતા. ત્યાર પછી તો દરેક વખતે અમૃત જાની આવે એટલે ‘ખુશ રહો કોયેટા મેલ’ના હર્ષનાદ થતા. તેમાં પ્રેક્ષકો ઉપરાંત તેમનો ગણગણાટ શાંત કરવા માટે થિએટરમાં રખાતા ‘ખામોશિયા’ પણ ભળતા. (કિશોરવયની કુમાશ ગુમાવી દીધા પછી, અમદાવાદથી ટ્રેનમાં બે રાત, ત્રણ દિવસની મુસાફરી કરીને, અમૃત જાની ફરી કરાચી ગયા, ત્યારે તેમનો જાદુ ઓસરી ચૂક્યો હતો. તેમણે આત્મકથામાં નિખાલસતાથી કબૂલ્યું છે, ‘પ્રથમ રાત્રિએ ‘રણગર્જના’ નાટકમાં મને જોઇને, મને ક્વેટા મેલનો ઇલ્કાબ આપી ચૂકેલી કરાચીની નાટ્યશોખીન જનતાને હું સાધારણ એક્સપ્રેસ જેવો લાગ્યો.’)
કરાચીમાં અમૃત જાનીની સ્ત્રીભૂમિકાનાં ગીતોના ‘વન્સ મોર’ પર ‘વન્સ મોર’ થતા હતા. કેટલાક લોકો ચલણી નોટોના હાર ફેંકતા, પરંતુ નાટકકંપની પ્રેક્ષકને બોલાવીને એ રૂપિયા પાછી આપી દેતી. ફીદા થયેલા પ્રેક્ષકોમાંથી કેટલાક અમૃત જાનીને સોના-ચાંદીના મેડલ આપતા, પણ એવી ભેટો તે રૂબરૂ આપી શકતા નહીં. તેમણે માલિક મહાભાઇ ‘કાકાજી’ને કે કાત્રકબાવાને આપવી પડતી. તે અમૃત જાનીને રૂબરૂ મળી શકતા નહીં. સ્ટારની સ્ટારવેલ્યુ અને તેની ફરતે થોડા રહસ્યનું વર્તુળ ટકાવી રાખવાની એ અકસીર પદ્ધતિ હતી. શહેરના અગ્રણી માણસો એકલા અમૃત જાનીને જમવા માટે બંગલે બોલાવે ત્યારે કંપનીના ઘણા અગ્રણીઓ પણ સાથે જતા. યજમાન ગમે તેટલો મોટો માણસ હોય, પણ તે ગાવા માટે આગ્રહ કરે તો તેની સ્પષ્ટ ના પાડવાનો નિયમ હતો. અમૃતભાઇએ લખ્યું છે તેમ, ‘મારી પાછળ પાગલપણું કે ઘેલછાની હદ વટાવી ગયેલા કેટલાક હલકી વૃત્તિના પ્રેક્ષકોના ગંદા પત્રો પણ રોજ આવે, તો કેટલીક નવયુવતીના પણ મારી ઉપર વારી જવાના ભાવાવેશભર્યા કાગળ આવતા રહે. કાકાજી એ બધા વાંચીને ફાડી નાખે. મને ક્યારેક એ બાબતની વાત કરે પણ એવી રીતે કે એનાથી મારામાં ઉદ્ભવતો ગર્વ અટકી જાય.’
કરાચીમાં સ્ત્રીપાત્રો કરતા રૂપાળા અભિનેતાઓને ઉપાડી જવાની કોશિશો પણ થઇ હતી. એટલે અમૃત જાની માટે ખાસ સુરક્ષા રાખવામાં આવતી. પઠાણ ચોકીદાર વિના બહાર નીકળવાની તેમને મનાઇ હતી. એ જ્યારે બહાર નીકળે ત્યારે તેમને જોવા માટે થિએટરના દરવાજે કેટલાય માણસો આંટા મારતા હોય. કરાંચીમાં અમૃત જાનીનો એટલો જયજયકાર થયો કે તેમના પિતાએ નાટકકંપની પાસે એક ‘લાભરાત્રિ’ - બેનીફીટ નાઇટની માગણી કરી (એટલે કે તે નાઇટમાં થતી બધી આવક અમૃત જાનીને મળે). એ સંસ્થાએ કબૂલ રાખી હતી. તેમાં બે હજાર-પચીસસો રૂપિયા અને ભેટોની આવક થઇ હતી. કાત્રકબાવા જેવા કંપનીના આધારસ્તંભ સરખા અભિનેતા-નિર્દેશકે અમૃત જાનીને હળવાશથી છતાં દિલથી કહ્યું હતું, ‘જો ડીકરા, હવે આ બુઢ્ઢા કરતાં પણ તારી કિંમત વધી ગઇ. તારા નામ પર ટિકિટો ફાટે છે.’
નાટકનો એ યુગ અમૃત જાનીએ આત્મકથા ‘અભિનયપંથે’માં જીવંત કરી દીધો છે. ઉદાહરણ તરીકે, નાટકનો શો શરૂ થતાં પહેલાંનું તેમનું વર્ણનઃ ‘ચિક્કાર ઓડિયન્સ હોવાથી કેટકેટલાય પ્રેક્ષકો નિરાશ થવું પડ્યું હતું. એટલે થિયેટરની બહાર એક મોટો સમુદાય કોલાહલ કરતો ઊભો હતો. તેમાં શીંગ, ચણા, ચા, સોડા-લેમન વેચનારાઓના અવાજો પણ અમારા કાન સુધી પહોંચતા હતા...ઓડિયન્સમાં પોતાને ટિકીટ મળ્યાના સંતોષ સાથે જમા થયેલા પ્રેક્ષકો, કુટુંબ-કબીલા તેમ જ મિત્રોની સાથે સંસ્થાની તેમ જ નાટકોની ભાતભાતની સાચી-ખોટી વાતો કરી રહ્યા હતા. એ વાતોની વચ્ચે ‘ચોપડી-ચોપડી’ એવી બૂમો સંભળાતી હતી અને એ બૂમો હતી નાટકોનો ટૂંકસાર અને ગીતો છપાયેલાં હતાં એવી ‘ઓપેરાબુક’ વેચનારા માણસોની. એ બધા અવાજોને દબાવતો, ઉગરચંદ માસ્તરની હારમોનિયમ પર ફરતી આંગળીઓ અને ઉસ્તાદજી રેવાશંકરભાઇની તબલાથાપીનો અવાજ પણ સંભળાતો હતો.’
‘ઓપેરાબુક’ની લોકપ્રિયતાનો અંદાજ આપતી અમૃત જાનીએ નોંધેલી એક વાતઃ આર્યનૈતિક સમાજ નાટક કંપનીમાં એવો ધારો હતો કે ‘ઓપેરાબુક’ના વેચાણમાંથી થતી આવક રોજેરોજ માલિક નકુભાઇનાં ધાર્મિક વૃત્તિ ધરાવતાં પત્નીને આપી દેવાની. તેમનાં પત્નીનું મૃત્યુ થયું ત્યારે તેમની પાસેથી મુખ્યત્વે ઓપેરાબુકની કમાણીના (આજથી સિત્તેરેક વર્ષ પહેલાંના) લાખેક રૂપિયાથી વઘુ નીકળ્યા હતા.
નાટકની દુનિયા સાથે સંકળાયેલાં અનેક પાત્રોનું અમૃત જાનીએ સાવ ઓછા લસરકામાં પણ જીવંત ચિત્ર ઉપસાવ્યું છે. રોયલ નાટક મંડળીના માલિક મહાભાઇ(કાકાજી)ની સાહ્યબીનો ઉલ્લેખ કરતાં તેમણે લખ્યું છે કે એ દાંતનું ચોકઠું પહેરતા હોવાથી તેમને પાન ચાવતાં ફાવતું નહીં. ‘તેમના રસોડામાં એક ખૂબ જ નાની સાઇઝની પિત્તળની ખાંડણી અને દસ્તો રહેતાં. તેમાં પાન બનાવી, તેને ખૂબ ખાંડી, તેની લુગદી બનાવી નોકર ઝીલ્લુ કાકાજીને દઇ જાય અને કાકાજી એ લુગદીને મોઢામાં પાનની જેમ ચાવે.’ આ જ નાટકમંડળીની પડતીના દિવસોમાં, ખાંડેલા પાનને બદલે કાકાજી સોપારીનો એકાદ કટકો મમળાવીને ચલાવી લેતા એ વાત દ્વારા તેમણે વિરોધાભાસ ઉપસાવી આપ્યો છે.
‘રોયલ’ના સ્ટાર અભિનેતા-નિર્દેશક અને આધારસ્તંભ સોરાબજી કાત્રક- કાત્રકબાવા-નું પણ હૃદયસ્પર્શી શબ્દચિત્ર આખા પુસ્તકમાંથી ઉપસી આવે છે. ‘રોયલ’નાં નાટકોની જાહેરખબરમાં ફક્ત કાત્રકબાવાનું જ નામ લખવામાં આવે, એવો તેમનો દબદબો હતો. નાટક શરૂ થતાં પહેલાં તૈયાર થયેલો દરેક અભિનેતા પોશાક-મેક અપ સાથે કાત્રકબાવાને ‘સાહેબજી’ કરવા જાય. બાવા પણ વળતું ‘સાહેબજી’ કરીને એક નજરમાં બધી તૈયારી જોઇ લે. સૌના વડીલ જેવા કાત્રકબાવા કિશોર અમૃત જાનીને ‘જોજે ડીકરા, ઉડતો ના..અને જો ઉડશે તો પરશે.’ એવી શીખામણ આપે અને કિશોરવયના તોફાનમાં અમૃતને શારીરિક ઇજા થાય તો તેને ઠપકો પણ આપે. સિંહની જેમ ગરજતા કાત્રકબાવા પાછલાં વર્ષોમાં ગાઉટથી પીડાતા અને હલનચલનમાં મુશ્કેલી અનુભવતા હોવા છતાં, મંચ પર આવે ત્યારે એ બઘું ભૂલી જાય.
વિશાળ પરિવાર જેવી નાટકકંપનીઓમાં સંબંધના ચઢાવઉતારની જાણે કશી નવાઇ ન હતી. જુદાં જુદાં છાપાંમાં સહજતાથી અવરજવર કરનારા પત્રકારોની જેમ, ઘણા કલાકારો એકથી વઘુ વાર એક કંપની છોડી દેતા ને ફરી પાછા કશું બન્યું ન હોય તેમ જોડાઇ જતા. મહાન અભિનેતા મોહનલાલા ખૂબ દારૂ પીને - અથવા ક્યારેક પીધા વગર પણ ઉશ્કેરાઇને- આર્યનૈતિક સમાજના માલિક નકુભાઇ સાથે ઝઘડો કરે અને નોકરી છોડી દે. પણ થોડો વખત થયો નથી ને પાછા ‘આર્યનૈતિક’માં. દરેક વખતે ગૌરવભેર કહે પણ ખરા કે ‘નકુભાઇ શેઠ તો મારો બાપ છે, ને આર્યનૈતિક મારું ઘર છે. છોકરું બહારગામ જાય એમ થોડો વખત જઇ આવું એટલું જ. બાકી આ સંસ્થા જ મારું સર્વસ્વ છે.’ નકુભાઇ જેવા શેઠ પણ કલાકારોની આડોડાઇ નભાવી લે. માસ્ટર પ્રહ્લાદ જેવા કલાકાર સ્ટાર બન્યા પછી મગજ ગુમાવીને નકુભાઇને ગાળો દેવા લાગ્યા ત્યારે ‘બાપુજી’ તરીકે ઓળખાતા નકુભાઇએ એટલું જ કહ્યું, ‘ભાઇ, છૂટો ભલે થા, પણ તારી આવી ગાળો ખાનાર માલિક ગોતજે.’
![]() |
| L to R: Jaswant Thakar, Amrut Jani, Dina Pathak |
Labels:
drama
Monday, March 26, 2012
ગુજરાતી નાટકોના ઓછા જાણીતા ‘સુંદરી’ : અમૃત જાની

Amrut Jani in Female Role

સાત-આઠ દાયકા પહેલાં નાટકોમાં સ્ત્રીભૂમિકા કરીને છવાઇ ગયેલા અમૃત જાની/Amrut Jani આજીવન રંગમંચ સાથે સંકળાયેલા રહ્યા.જન્મશતાબ્દિ વર્ષે તેમનું અને તેમની આત્મકથામાં ઝીલાયેલા યુગની અત્યારે આશ્ચર્યજનક લાગે એવી વિશિષ્ટતાઓનું સ્મરણ
વર્ષ ૧૯૨૭. મૂંગી ફિલ્મો શરૂ થઇ હતી, પણ બોલતી ફિલ્મોના યુગને હજુ વાર હતી. બોલતા-ગાતા મનોરંજન માટે પ્રજાનો મુખ્ય આધાર મુંબઇથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલી વિવિધ નાટકમંડળીઓ પર હતો. ફિલ્મ કંપનીઓ- સ્ટુડિયોની જેમ દરેક નાટકમંડળીની ખૂબીઓ અને વિશિષ્ટતાઓ હતી. સ્ટાર અભિનેતાઓથી માંડીને નિર્દેશક સુધીના સૌ પગારદાર રહેતા. ફરક એટલો કે નાટકમંડળીઓએ પોતાના આખા સ્ટાફ સાથે ફરવું પડતું.‘નાટક-ચેટક’નું કામ ભદ્ર વર્ગમાં એવું હીણપતભર્યું ગણાતું કે બનીઠનીને નાટક જોવા જવાય, એનાં પાત્રો પર ફીદા થવાય, પણ ‘નાટકિયા’ સાથે સંબંધ ન બંધાય. એ જ કારણથી, મુખ્યત્વે મસાલા-મનોરંજનનાં પર્યાય જેવાં નાટકોમાં સ્ત્રી પાત્રો માટે અભિનેત્રીઓનો સદંતર અભાવ હતો- અને નાટકોમાં સ્ત્રી ભૂમિકાઓ કરતા અભિનેતાઓનો જબરો પ્રભાવ હતો.
હીરોઇનની ભૂમિકા માટે જરૂરી ગણાતી કુમળી વયે- પંદર વર્ષે- અમૃત જાની રાજકોટની એક સાંસ્કૃતિક સંસ્થાના નાટક ‘ભારતગૌરવ’માં નાયિકા બન્યા. ૧૭ જુલાઇ, ૧૯૧૨ના રોજ જન્મેલા અમૃતભાઇ આમ તો આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં વિદ્યાર્થી, પણ તેમના પિતા જટાશંકર જાનીએ ચાર દાયકા સુધી નાટકોમાં કામ કરીને અભિનેતા-દિગ્દર્શક તરીકે ખ્યાતિ મેળવી હતી. પત્નીના મૃત્યુ પછી તે ‘મારા દીકરાને નાટકિયો નથી બનાવવો’ એવા નિર્ધાર સાથે નાટકની દુનિયા છોડીને આવી ગયા. પરંતુ કપરી આર્થિક સ્થિતિમાં રાજકોટના જાણીતા ગૃહસ્થોએ નાટકના રોલ માટે રૂ.ત્રીસની ઓફર કરતાં, તે ના પાડી શક્યા નહીં. યોગાનુયોગે મુંબઇની વિખ્યાત નાટક કંપની ‘રોયલ’/Royal એ વખતે રાજકોટમાં હતી. તેના કર્તાહર્તાઓ ‘ભારતગૌરવ’માં ચંદ્રગુપ્ત મૌર્યની પ્રેમીકાની ભૂમિકામાં અમૃત જાનીને જોઇને એવા પ્રભાવિત થયા કે મહિને ત્રીસ રૂપિયા અને ખાવું-પીવું-રહેવું, એવી શરત સાથે તેમણે અમૃત જાનીને રોકી લીધા.
દીકરાને નાટકથી દૂર રાખવા ઇચ્છતા પિતા માટે એ કપરો નિર્ણય હતો. પણ કુટુંબની આર્થિક સ્થિતિ જોતાં અને ‘રોયલ’માં એક જૂના પરિચિતની હૈયાધારણ પછી તેમણે મંજૂરી આપી. રૂપિયા ત્રીસનો માસિક પગાર ૧૯૨૭માં કેટલો ગણાય? અમૃત જાનીએ તેમની આત્મકથા ‘અભિનયપંથે’માં લખ્યું છે તેમ, એ સમયે મોરબી રાજ્યના ફોજદારને એટલો પગાર મળતો ન હતો. નાટકોમાં કુમળી વયના છોકરાઓની શરૂઆત સામાન્ય રીતે ખાવા-પીવા-રહેવાની શરતે થતી. અંદર રહીને તે ઘડાય અને કંઇક હીર બતાવે ત્યાર પછી પગારની વાત આવે.
કિશોર વયે છોકરાઓનો અવાજ સ્ત્રૈણ હોય અને શારીરિક ફેરફારો શરૂ થયા ન હોય, એટલે સ્ત્રી પાત્રોમાં તે સહેલાઇથી ઢળી શકે. છોકરાનો દેખાવ ખરેખરી સુંદરીને પાણી ભરાવે એવો કરવા માટે કેવી જહેમત લેવાતી તેનું પણ ઝીણવટભર્યું વર્ણન ‘અભિનયપંથે’માં અમૃતભાઇએ આપ્યું છે. ‘મેક-અપ’ માટે ત્યારે ‘પાવડર’ જેવો સીધોસાદો શબ્દ વપરાતો હતો અને ‘પાવડર-રૂમ’નો સરંજામ આટલોઃ બે મોટા વાટકામાંથી એકમાં પાણી અને બીજામાં સફેદ પાવડરની ભૂકી. નાની વાટકીઓમાં પીળા રંગના કટકા, લાલ રંગની ભૂકી. એક વાટકીમાં તેલમાં મિક્સ કરેલો અને બીજીમાં પાણીમાં ઘોળેલો કાળો રંગ. પફ-પાવડરનો એક ડબો, વેસેલીનની શીશી અને કોપરેલ તેલની વાટકી.
પહેલાં લાલ રંગમાં અને પછી પાણીમાં આંગળી બોળીને અરીસા ઉપર ‘ઓમ’ અને ‘શ્રી’ લખીને મેક-અપની શરૂઆત થાય. શરીરનો જે ભાગ વસ્ત્રોની બહાર દેખાવાનો હોય તેની પર સાવચેતીપૂર્વક રંગ ચોપડવાનો. મોઢાના રંગ સાથે તેનું મેચંિગ થવું જોઇએ. પાવડર સુકાઇ જાય પછી લાલ રંગની ભૂકી થોડા પાણીમાં ભેળવીને તેનાથી ગાલ પરની સુરખી કરવાની. આંખની ઉપરની ભ્રમર (‘નેણ’) કાળા રંગમાં દીવાસળીની સળી બોળીને ચીતરવાની. આંખમાં આંજણ અને લાલ રંગમાં સળી બોળીને ચાંલ્લા કરવાના. પરંતુ નેણ-આંજણ-ચાંલ્લા કરતાં પહેલાં કોરિયોગ્રાફરને પાવડર (મેક-અપ) બરાબર થયો છે કે નહીં, એ બતાવી દેવાનું. કોરિયોગ્રાફર માટે એ સમયનો પ્રચલિત શબ્દ હતો ‘નાચ-માસ્તર’. (એવી જ રીતે વાળની વિગનો વહીવટ કરનાર વિગ-માસ્તર અને હાર્મોનિયમ વગાડનાર પેટી-માસ્તર)
કંપનીનો નિયમ એવો કે બધા છોકરાઓએ વાળ કપાવવાના નહીં. લાંબા વાળ રાખવાના. એ લોકો પોતાને શોભે એવા વાળ ઓળીને વિગ-માસ્તર પાસે જાય. એ તેમને ચોટી ગૂંથી આપે કે અંબોડો વાળી આપે. દરેક અભિનેતાને પોતાની ભૂમિકા પ્રમાણેનાં વસ્ત્રો ડ્રેસખાતામાંથી મળે. દરેકના નામ સાથે ત્યાં એનાં કપડાં લટકતાં હોય. સ્ત્રીપાઠ કરતા છોકરાઓના શરીરના વળાંકો બતાવવા માટે કપડાના દડા વપરાય. ‘લ્યો, આ છાતી પહેરો’ એટલી સહજતાથી ડ્રેસ-માસ્તર વાત કરે. અમૃતભાઇએ લખ્યું છે કે જેમ એક કુંવારી કન્યાને લગ્નમંડપમાં તેનાં સગાંવહાલાંની સ્ત્રીઓ સંભાળે એવી રીતે તૈયાર કરનારા સંભાળ રાખે. છેલ્લે દાગીનાખાતામાં જઇને દરેક પોતપોતાને લગતા દાગીના પહેરે. તેમાં ખોટા મોતીનો હાર, ગળામાં ચપોચપ પહેરાતો ગંઠો, મોતીની બંગડીઓ અને એરીંગ.
આ રીતે તૈયાર થયેલા છોકરાઓ પર ઘણા પ્રેક્ષકો મોહી પડતા, તેમને ભેટસોગાદો આપીને તેમની નજીક જવાના પ્રયાસ કરતા અને દરેક વ્યવસાયમાં હોય છે એવા સ્વૈચ્છિક કે ફરજિયાત શોષણના બનાવો પણ બનતા. પરંતુ છેવટનો આધાર વ્યક્તિની પોતાની ઉપર અને નાટકમંડળીની શિસ્ત પર રહેતો. રોયલ નાટકમંડળીના માલિક મહાશંકર અને કંપનીના આધારસ્તંભ જેવા પારસી અભિનેતા-દિગ્દર્શક સોરાબજી કાત્રક આ બાબતમાં ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા હતા.
નાટકકંપનીઓ એક ગામમાં લાંબો નિવાસ કરીને બીજે ગામ જતી હોય ત્યારે ઘણી વાર કંઇક લોકોનાં ગામમાં લેણાં ચૂકવવાનાં બાકી રહી જતાં. પણ ‘રોયલ’ની એવી પરંપરા હતી કે ગામ છોડવાનું હોય તેના અઠવાડિયા પહેલાંથી તે જાહેરાત કરે કે ‘સંસ્થા પાસે યા તો સંસ્થાના કોઇ પણ કાર્યક્ર પાસે કોઇ વ્યક્તિનું કંઇ પણ લેણું નીકળતું હોય તો બે-ચાર દિવસમાં જાતે આવીને લઇ જાય.’
પ્રસિદ્ધ નાટ્યલેખક જામને ‘રોયલ’ માટે ‘સોનેરી જાળ’ નામે એક નાટક લખ્યું હતું. તેમાં વૈષ્ણવ સંપ્રદાયના એક મહારાજના અનીતિમય વ્યવહાર અંગે ચાલતા કેસનો વિષય હતો. નાટક સફળ થયું, પણ વૈષ્ણવ સમાજ નારાજ થયો. તેમણે પહેલાં ધમકી મોકલી. તેની અસર ન થઇ એટલે ‘નાટક બંધ કરો તો અમે મોટી રકમ આપીએ’ એવી વાત કરી. છતાં, કંપનીએ નાટક ભજવવાનું ચાલુ રાખ્યું. નાટક મંડળીઓ સંપૂર્ણપણે ધંધાદારી હોવા છતાં, ‘રોયલ’ જેવી કેટલીક કંપનીઓ કે વ્યક્તિગત રીતે ઘણા લોકો માટે નાટક કેવળ રૂપિયા કમાવાનું સાધન ન હતું. વપરાઇને લપટા પડી ગયેલા શબ્દોમાં કહેવું હોય તો કંપનીનું વાતાવરણ ‘પરિવાર જેવું’ રહેતું.
સૌનું રસોડું સહિયારું. રસોડાની ઘંટડી વાગે એટલે વારાફરતી બધા જમવા જાય. આત્મકથામાં અમૃતભાઇએ કેટલાંક વર્ણન એટલાં ઝીણવટભર્યાં અને આબેહૂબ કર્યાં છે કે એ કોઇ સજ્જ સાહિત્યકારના લખાણ જેવાં લાગે. જમવાની જગ્યા અને રસોડા વિશે તેમણે લખ્યું છે, ‘એક મોટા સમુહને માટે જેમ લોજ-વીશીમાં રસોઇ થતી હોય અને જેવા પ્રકારની હવામાં ઘેરાયેલી વાસ આવે તેવી અહીં પણ આવતી હતી.’ બધા લોકો પરિવારના સભ્યો ખરા, પણ જ્ઞાતિના ચોકાથી પરિવારના બંધન કરતા વધારે મજબૂત. અમૃતભાઇના જ શબ્દોમાં : ‘રસોઇ બનતી તેની લગોલગ લાકડાની આડશવાળા ચોકઠામાં બ્રાહ્મણભાઇઓ જમવા બેસતા. તેનાથી એકાદ ફૂટ દૂર, બીજી એવી જ કરેલી જગ્યામાં નાયકબંઘુઓની જગ્યા મુકરર થયેલી હતી...નાની-નાની એવી બે-પાંચ આડશવાળી જગ્યામાં સંસ્થાના દરજીભાઇ, વાળંદભાઇ વગેરે અને પછીના એવા જ ભાગમાં પારસી અને મુસ્લિમ બિરાદરો કે જે લગભગ, ત્યાં બેસીને જમવાને બદલે પોતાના ટિફિનમાં જમવાનું ભરાવી લઇ જતા અને પોતાની રહેવાની અગર અન્ય અલાયદી જગ્યાએ બેસી જમતા... વાસણ માંજી રહેલા બે ભાઇઓ પાસે થાળી-વાટકાનો ઢગલો પડેલો હતો. જે જે જમવા આવતા, તે તેમાંથી થાળી-વાટકો લઇ, પોતપોતાના ચોકામાં જમવા બેસી જતા.’
નાટક મંડળીમાં એક તરફ પરિવાર જેવું વાતાવરણ, બીજી તરફ આર્થિક અને અંદરોઅંદરની ખટપટો અને થોડાં વર્ષો પછી નાટકમંડળીઓના અંતનો આરંભ- એ પરિસ્થિતિને કારકિર્દીના ચડાવઉતાર સાથે અમૃત જાનીએ કેવી રીતે જોઇ? તેની વાત આવતા અઠવાડિયે.
Labels:
drama,
history/ઇતિહાસ,
society- trends/સમાજ-પ્રવાહો
Subscribe to:
Posts (Atom)





