Tuesday, August 28, 2018

કુદરતી આફત કે કુદરતનો કોપ?

કેરળમાં આવેલું વિનાશક પૂર ફક્ત જાનમાલની તબાહી અને લોકોને પડેલી કારમી આપદાની જ કહાણી નથી. બીજી કેટલીક કઠણાઈઓ પણ તેની સાથે જોડાયેલી છે. જેમ કે, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના લાંબી બિમારી પછી થયેલા અવસાન પછી થોડો સમય જાણે કેરળ ભૂલાઈ જ ગયું. આ બાબતને અંગ્રેજી કાર્ટૂનિસ્ટ સંદીપ અધ્વર્યુએ માર્મિક રીતે દર્શાવતાં એવું કાર્ટૂન બનાવ્યું, જેમાં પ્રસારમાધ્યમોનું બધું ધ્યાન આકાશમાં રહેલા વાજપેયી તરફ છે અને વાજપેયી પોતે આંગળી ચીંધીને નીચે કેરળની કરુણ સ્થિતિ બતાવી રહ્યા છે.

કુદરતી આપત્તિના પ્રસંગે સોશ્યલ મિડીયા હકારાત્મક ભૂમિકા ભજવી શકે છે, તેમ તે ધીક્કારની આગ પણ ફેલાવી શકે છે, ભલે ને જમીન પર પાણી જ પાણી હોય.  કેરળ ડાબેરીઓનું વર્ચસ્વ ધરાવતું હોવાથી કેટલાક નમૂનાઓએ જે તબાહી થઈ તેને લગભગ વાજબી ઠરાવી અથવા 'લો, લેતા જાવ'ના અંદાજમાં રજૂ કરી. કેટલાકે કેરળમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓનું મોટું પ્રમાણ હોવાથી ત્યાં મદદ ન કરવી જોઈએ, એવી દ્વેષીલી અપીલો પણ ક્યાંક જોવા મળી. દરેક મુદ્દો જ્યાં રાજકીય ધ્રુવીકરણનો રંગ પકડી લે છે એવા સમયમાં હજુ આવા ધીક્કારને ઝાઝા લેવાલ મળ્યા નહીં તે આશ્વાસન ગણી શકાય.

આ બધાની વચ્ચે, હજુ આ મહિને કેન્દ્ર સરકાર દ્વારા રીઝર્વ બૅન્કના પાર્ટટાઇમ નૉન-ઑફિશ્યલ ડાયરેક્ટર તરીકે નીમાયેલા એસ. ગુરુમૂર્તિ કેરળના પૂર વિશે ટ્વિટર પર મોં ખોલ્યું, ત્યારે પૈસા પડી ગયા.  એક સમયના આક્રમક પત્રકાર અને વર્ષોથી સ્વદેશી જાગરણ મંચ- આરએસએસની વિચારધારા સાથે સંકળાયેલા, જમણેરી વિચારક તરીકેની ખ્યાતિ ધરાવતા ગુરુમૂર્તિએ લખ્યું, ‘સબરીમાલામાં જે કંઈ થઈ રહ્યું છે તે (જળપ્રલય) અને (મંદિરપ્રવેશ અંગેના) કેસ, આ બંને વચ્ચે કશો સંબંધ છે કે નહીં, એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને કદાચ તપાસી શકે. બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ હોવાની શક્યતા લાખોમાં એક હોય તો પણ, લોકો અયપ્પન (ભગવાન)ની મરજી વિરુદ્ધ કેસનો ચુકાદો આવે એમ નહીં ઇચ્છે.’

ટીકા થાય ત્યારે 'મૈંને ઐસા તો નહીં કહા થા' જેવો ઉલાળીયો કરી શકાય, એવા આ શબ્દોનો સાદો અર્થ આટલોઃ કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની સ્ત્રીઓ માટે મંદિરપ્રવેશ પ્રતિબંધિત હતો. આ ભેદભાવયુક્ત પરંપરાને અદાલતમાં પડકારવામાં આવી અને હવે મામલો સર્વોચ્ચ અદાલતમાં છે, ત્યારે આ વિચારક મહાશય એવી શંકા પ્રેરવા માગે છે કે ન કરે નારાયણ ને આ કેસથી કદાચ ભગવાન નારાજ થયા હોય એવું તો નથી ને?

કોઈ પણ વિચારધારા પ્રત્યેની જડ પ્રતિબદ્ધતા માણસની સ્વતંત્ર વિચારશક્તિને કઈ હદે રુંધી શકે છે, તેનો આ ઉત્તમ નમૂનો છે-- પછી તે વિચારધારા જમણેરી હોય કે ડાબેરી. સામ્યવાદને વરી ચૂકેલા લોકો વર્ષો સુધી રશિયામાં સામ્યવાદના નામે ચાલેલી સરમુખત્યારશાહી નજરઅંદાજ કરતા હતા. કદાચ હજુ પણ એ તેની ઉજળી બાજુઓ બતાવવાની કોશિશ કરતા હશે.

અપેક્ષા મુજબ ગુરુમૂર્તિના વિધાનની ટીકા થઈ, ત્યારે વિચારબદ્ધતા સાથે સંકળાયેલી ધૂર્તતાનો પરિચય આપતાં ગુરુમૂર્તિ લાજવાને બદલે ગાજ્યા અને કહ્યું, 'મેં મારી વાત ક્યાં કરી હતી? હું તો લોકોની વાત કરતો હતો કે લોકોને આવું નહીં ગમે. બાકી હું તો અયપ્પાનો ભક્ત નથી.’ અને જમણેરી વિચારધારાની પિન જ્યાં અટકી ગઈ છે તે ટ્રેક પર આવીને ભારતીય બૌદ્ધિકોને ભાંડ્યા. કહ્યું કે 'દંભી બૌદ્ધિકો લોકોની ધાર્મિક આસ્થાને નકારી કાઢે છે.’  ટૂંકમાં, તેમના ટ્વિટની ટીકા કરનારા લોકવિરોધી. જમણેરી વિચારધારાનાં પ્રિય ધીક્કારપાત્રો એવા ઉદારમતવાદી, બિનસાંપ્રદાયિક બૌદ્ધિકોને પણ તેમણે લપેટી માર્યા.

અને આ બધું ત્યારે, જ્યારે કેરળ સૌથી ગંભીર કુદરતી આફતનો ભોગ બન્યું હોય.  મૃતદેહો પર જ્યાફતો ઉડાડવાની રાજકારણની રીત નવી નથી કે કોઈ એક પક્ષનો ઇજારો પણ નથી. છતાં, કહેવાતા વિચારકો પોતાની મનોરુગ્ણતાનું આવું પ્રદર્શન કરે અને એની ટીકા થાય ત્યારે તેમના કાયમી દુશ્મન એવા ઉદારમતવાદી, બિનસાંપ્રદાયિક બૌદ્ધિકોને ભાંડવાની તક ઊભી કરી લે, ત્યારે શું કહેવું-- સિવાય કે ગૅટ વૅલ સૂન. આશા રાખીએ કે તમારું ઝટ ઠેકાણે આવે.

ગુરુમૂર્તિ  કેરળના મામલે કેવી ભીંત ભૂલ્યા અને તેમની વાત કેવી વાહિયાત છે, તેનો સરસ જવાબ એક સમયે 'આઉટલૂક'ના પ્રકાશક રહી ચૂકેલા મહેશ્વર પેરીએ આપ્યો. તેમણે ટ્વિટર પર લખ્યું, ‘પ્રિય ગુરુમૂર્તિ, રીઝર્વ બૅન્કમાં તમારી નિમણૂકથી લક્ષ્મીદેવી બહુ નારાજ લાગે છે. એટલે ડૉલરની સામે રૂપિયાનો ભાવ ગગડી રહ્યો છે. આ પાપનું પ્રાયશ્ચિત આપણે કરી શકીએ?’

કુદરતી આફતો માટે ઇશ્વરનો કોપ કારણભૂત ગણવાની માન્યતા રાખવા બદલ ગાંધીજી અંગે પણ વિવાદ સર્જાયો હતો.  તેમણે બિહારમાં આવેલા ભૂકંપ માટે અસ્પૃશ્યતાના પાપને જવાબદાર ગણાવ્યું હતું. ત્યારે ગાંધીજી માટે પ્રચંડ આદર હોવા છતાં રવીન્દ્રનાથ ટાગોરે તેમના આવા અવૈજ્ઞાનિક નિવેદનની ભારે ટીકા કરી હતી. ગાંધીજીનું નિવેદન બેશક અવૈજ્ઞાનિક હતું. ભૂસ્તરશાસ્ત્રી ન હોવા છતાં તેમને એટલી તો ખબર જ હોય કે અસ્પૃશ્યતાના કારણે ભૂકંપ આવતા હોત તો ભારતની જમીન કદી સ્થિર જ રહી શકતી ન હોત.  ટાગોરે તેમની ટીકા કરી, ત્યારે તેમાં કાર્યકારણના વૈજ્ઞાનિક સિદ્ધાંતની વાત સાથે મક્કમ વિરોધ છતાં ગાંધીજી પ્રત્યે ભારોભાર આદર હતો. ગાંધીજીએ પણ ટાગોરની ટીકા પ્રેમથી ઝીલી અને પાટો બદલી નાખવાને બદલે પોતાની વાત પર અડગ રહ્યા. તેમાં અસ્પૃશ્યતા સામેના વિરોધ અને ધાર્મિક-આધ્યાત્મિક માન્યતાની દૃઢતા બંને દેખાતાં હતાં.

કેરળના સંદર્ભમાં આ કિસ્સો યાદ કરતી વખતે ખાસ યાદ રાખવું જોઈએ કે ગાંધીજી અને ટાગોર બંને અસ્પૃશ્યતાના અનિષ્ટનો વિરોધ કરતા હતા. ગાંધીજીની પહેલથી શાંતિનિકેતનમાં બધી જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે જમવા બેસે એવી પરંપરા શરૂ થઈ હતી. ગાંધીજીની ભૂકંપવાળી વાતમાં ધાર્મિક માન્યતાની અંધશ્રદ્ધા બેશક હતી, જે કેરળના મુદ્દે ઇશ્વરીય કોપની દલીલ કરનારાની વાતમાં છે. પણ મોટો ફરક એ વાતનો છે કે અત્યારે ઇશ્વરના કોપની વાત કરનારા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ અટકાવવા ઇચ્છે છે. પૂરની કારુણીને તે ભેદભાવ અને અન્યાયી રિવાજની તરફેણમાં વટાવી ખાવા ઇચ્છે છે. 

Friday, August 24, 2018

કુલપતિ મુનશીનું ઉત્તરાવસ્થાનું વિચારવિશ્વ

Kanaiyalal Munshi / કનૈયાલાલ મુનશી (courtesy : Life)
ધારાશાસ્ત્રી, નવલકથાકાર, સત્યાગ્રહી, કેદી, બંધારણસભાના સભ્ય, હૈદરાબાદના પોલિટિકલ એજન્ટ, દેશના અન્નપ્રધાન, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, ભારતીય વિદ્યાભવનના સ્થાપક - આવી અનેકવિધ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ અદા કરનારા કનૈયાલાલ મુનશી લાંબું જીવ્યા અને લગભગ છેવટ સુધી સક્રિય રહ્યા. તેમના જીવનપ્રવાહમાં અનેક ફાંટા અને પલટા આવ્યા. સંઘર્ષમય આરંભ અને પ્રતાપી મધ્યાહ્ન ધરાવતા મુનશી તેમના જીવનના સંધ્યાકાળે શું વિચારતા હશે? પોતાના જીવન તરફ, સમકાલીન સાથીદારો, નેતાઓ, ચળવળો અને વિચારસરણીઓ તરફ કેવી રીતે જોતા હશે? આવી જિજ્ઞાસાનો જવાબ હરીન્દ્ર દવે- ઘનશ્યામ દેસાઇ સંકલિત પુસ્તક ‘કુલપતિના પત્રો.’માંથી મળે છે.

ભારતીય વિદ્યા ભવનના કુલપતિ મુનશીને ૧૯૫૨માં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે અલાહાબાદ જવાનું થયું. ત્યાંથી ભવનના વિદ્યાર્થીઓ-સાથીઓને ઉદ્દેશીને અંગ્રેજીમાં પત્રો લખવાનો સિલસિલો તેમણે શરૂ કર્યો. ૧૯૬૧માં ‘સમર્પણ’ શરૂ થતાં કુલપતિના પત્રો  ગુજરાતીમાં પણ છપાવા લાગ્યા. મોટા ભાગના પત્રોનો અનુવાદ ‘સમર્પણ’ના તત્કાલીન તંત્રી હરીન્દ્ર દવેએ કર્યો હોવાની નોંધ ઘનશ્યામ દેસાઇલિખિત પ્રસ્તાવનામાં છે. મુનશીના જાહેર પત્રોનું આ દળદાર પુસ્તક ૭૨૦ પાનાંમાં પથરાયેલું છે અને તેમાં ફક્ત આઠ વર્ષના (૧ ફેબ્રુઆરી, ૧૯૬૨થી ૧૧ ઓક્ટોબર, ૧૯૭૦)ગાળામાં મુનશીએ લખેલા ૧૬૦ પત્રો સમાવવામાં આવ્યા છે. મુનશીની વયના હિસાબે ગણીએ તો, તેમણે ૭૪ વર્ષથી ૮૨ વર્ષ સુધીની અવસ્થાએ લખેલા પત્રો. આ ઉંમર ભલભલા લોકો માટે જોખમી હોઈ શકે છે. કારણ કે નાનાભાઈ ભટ્ટ જેવા કેટલાક અપવાદોને બાદ કરતાં આ ઉંમરે વૈચારિક સ્પષ્ટતાઓમાં ગોટાળા વળે અને જીવનભરના રસ્તા કરતાં જુદા માર્ગે દોરવાઈ જવાય, એવા ઘણા કિસ્સા જોવા મળે છે.

મુનશીના કિસ્સામાં એવું બન્યું નથી. પરંતુ અગાઉ તેમનામાં જોવા મળેલાં કેટલાંક વલણ વધારે દૃઢ બન્યાં છે. પુસ્તકમાં રહેલાં સત્તાવાર લખાણોની ઓળખ પત્રો તરીકેની છે, પણ એ જાહેર પત્રો છે. એટલે સંબોધન-લિખિતંગ સિવાયની બાબતમાં એ તત્ત્વતઃ લેખ છે - એક કુલપતિએ વિદ્યાર્થીઓને-સંસ્થાના સાથીઓને સંબોધીને લખેલા લેખ. તેમાં પત્રોમાં અપેક્ષિત હોય એવી અંગતતા, ઉષ્મા કે અનૌપચારિકતા નથી. મનન, મતપ્રચાર અને ઉપદેશનો ખાસ્સો ભાર છે. આ પ્રકારમાં પત્ર લખનાર પોતે વ્યાસપીઠ પર હોય છે અને દરેક પત્ર દ્વારા તે સામે રહેલા અદૃશ્ય વાચકવર્ગ પર ચોક્કસ માન્યતાઓ-મૂલ્યોની છાપ પાડવા કોશિશ કરે છે.

ગ્રંથસ્થ પત્રોમાં વિષયનાં અને ઘણી વાર તો મુદ્દા-પેટામુદ્દાનાં પુનરાવર્તનનો પાર નથી. ઘણા પત્રોમાં અભ્યાસીના સ્વાધ્યાય કે વિશ્લેષકના નીરક્ષીરવિવેકને બદલે મઠાધીશનો મતપ્રચારોત્સાહ વધારે દેખાય છે. પત્રોમાં વારંવાર આવતા મુનશીના કેટલાક પ્રિય વિષય છેઃ ઇતિહાસપુરૂષ તરીકે શ્રીકૃષ્ણ, ગાંધીજીનું આધ્યાત્મિક દૃષ્ટિકોણથી નિરૂપણ, સનાતન ધર્મ, વર્ણાશ્રમનો મહિમા, મુસ્લિમ આક્રમણના સંદર્ભે જ્ઞાતિપ્રથા દ્વારા સંસ્કૃતિનું રક્ષણ, રાષ્ટ્ર કયા ઘટકોથી બને છે, પાશ્ચાત્ય સમાજની સરખામણીએ ભારતીય કુટુંબસંસ્થા-લગ્નસંસ્થાનો જયજયકાર, શ્રી અરવિંદ પ્રત્યેનો અહોભાવ, સત્ય સાંઇબાબા પ્રકારનાં વ્યક્તિત્વો વિશે ભરપૂર આદર, અંધશ્રદ્ધા ન લાગે એવી સભાનતાથી વ્યક્ત કરાતો ચમત્કારોનો સ્વીકાર-પુરસ્કાર, ‘નક્કર વિગતો’ના આધારે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાની ઉત્તમતા સિદ્ધ કરવાનો પ્રયાસ, (જેમાં વિગતોની પસંદગી અને તેની ‘નક્કરતા’નો ખ્યાલ મુનશીનો પોતીકો હોય), ભારતમાં અહિંસાની નહીં પણ યુદ્ધની લાંબી-ઉજ્જવળ પરંપરા, ભાષાવાર વિભાજનને કારણે દેશની અખંડિતતા સામે ઊભો થયેલો ખતરો, દેશના રાજકીય તંત્રના પ્રશ્નો, બંધારણ અને સંસદીય લોકશાહીની આંટીઘૂંટી, બંધારણમાં કરાયેલા ફેરફાર, સામ્યવાદ અને સામ્યવાદીઓનો તીવ્ર વિરોધ, નાસ્તિકતાના  પર્યાય જેવી બિનસાંપ્રદાયિકતા સામેનો વાંધો...

આ વિષયોમાં મુનશીના ઘણા વિચાર ચર્ચાસ્પદ છે, તેની સરખામણીમાં મુંબઈનાં અદાલતી જીવનનાં સંભારણાં, નવલકથાકાર તરીકેની કેફિયત- માન્યતાઓ તથા કેટલાંક વ્યક્તિચિત્રો અત્યંત રસપ્રદ છે. અલબત્ત, નર્મદના શબ્દચિત્ર જેવાં નિરાંત, સઘનતા અને વિશ્લેષણયુક્ત અવલોકનો બીજાં વ્યક્તિચિત્રોમાં ભાગ્યે જ જોવા મળે છે. જેમ કે, ‘નર્મદે પોતાને ભવ્ય લાગ્યા એવા પ્રસંગો અને વિષયોને ગાવા પ્રયત્ન કર્યો, પરંતુ કલાત્મક સૌંદર્ય હંમેશાં તેની પકડમાંથી છૂટી જતું અને તેનો અહંકેન્દ્રિત મિજાજ તેને કૃત્રિમ વીરત્વનાં વલણો ભણી દોરી જતો.,’ રાજગોપાલાચારી કે રાજેન્દ્રબાબુ જેવા સાથીદારો વિશે લખતી વખતે મુનશી પાસે જે પ્રકારની આંતર્દૃષ્ટિની અને અંદરની વાતોની અપેક્ષા હોય એ સંતોષાતી નથી. મૃતકોને અંજલિ તરીકે લખાયેલાં ઘણાં શબ્દચિત્રોમાં ઔપચારિકતાનો રંગ ઘાટો છે.

બાકી, મુનશી થોડા લસરકામાં પણ કેવું ચિત્ર ખડું કરી શકે એનો ખ્યાલ ભરૂચની હાઇસ્કૂલના આસિસ્ટન્ટ ઉત્તમરામ માસ્તરની વાત પરથી આવે છે. (જુલાઇ ૫, ૧૯૭૦) ઉત્તમરામ માસ્તરનો તકિયાકલામ ‘લે ભાઇ લે’, વિદ્યાર્થીની કાનની બૂટ પકડવાની તેમની રીત અને બાળક કનૈયાના વિકાસમાં તેમણે લીધેલો રસ મુનશીએ એવી રીતે આલેખ્યાં છે કે ઉત્તમરામ માસ્તરને પ્રત્યક્ષ મળ્યાનો અહેસાસ થાય. મુંબઇના ન્યાયાધીશો-વકીલોની લાક્ષણિકતા અને અદાલતી કાર્યવાહી વિશેનાં મુનશીનાં વર્ણન તેમની આત્મકથાના વાચન જેવો આનંદ આપે છે.

ગાંધીજીને ભલે ગમે તેટલી સાચી રીતે, પણ કેવળ અધ્યાત્મના ચોકઠામાં બેસાડવાનો તેમનો વારંવારનો ઉદ્યમ ગાંધીજીના બહુઆયામી વ્યક્તિત્વનો વ્યાપ ઓછો કરનારો લાગે છે. ગાંધીજીના મૃત્યુપ્રસંગનું તેમણે પહેલા પુરૂષ એકવચનમાં કરેલું વર્ણન (ફેબ્રુઆરી ૨, ૧૯૬૯) ઝીણી ઝીણી વિગતોથી સભર છે. તેમાં વાચકને એ પણ જાણવા મળે છે કે ગાંધીહત્યા પછી બિરલાહાઉસમાં કુટુંબનો કોઇ સભ્ય હાજર ન હોવાથી મુનશી ‘જાતે નિયુક્ત કરેલા વ્યવસ્થાપક’ બન્યા, ભવિષ્યમાં સ્મારક રચી શકાય એવું અગ્નિસંસ્કાર માટેનું સ્થળ પસંદ કરવા પણ એચ.એમ.પટેલ અને એક લશ્કરી અધિકારી સાથે એ ગયા હતા અને ‘અમે ગાંધીજીના દેહને ટ્રકમાં મૂક્યો.’

સરદાર સાથે મુનશીની નિકટતા બહુ જાણીતી હતી. છતાં, સરદાર વિશેના તેમના લખાણોમાં એવી એક પણ વધારાની કે અંતરંગ વાત જાણવા મળતી નથી, જે સરદારનું ચરિત્ર વાંચનાર ન જાણતા હોય. આ પ્રકારના લેખોમાં જાણીતી વિગતોની બાહ્યરેખાઓ મળે છે, પણ  નવલકથાકાર મુનશીની ખાસિયત ગણાતું સબળ પાત્રાલેખન અને તેને ઉપસાવનારા ઓછા જાણીતા-અજાણ્યા પ્રસંગો-ઘટનાઓ મોટે ભાગે ગેરહાજર છે. એ માટે ઉંમર અને સમયની પ્રતિકૂળતાથી માંડીને ઘણાં પરિબળો કારણભૂત હોઈ શકે. તેમ છતાં, ભક્તિભાવપૂર્વક નહીં, પણ ખુલ્લા મને વાંચવાની અને એ અવસ્થાના મુનશીને જાણવાની સામગ્રી તરીકે આ પત્રસંગ્રહ વિશિષ્ટ છે. તેમાંથી મુનશીની ઉત્તરાવસ્થાના નહીં લખાયેલા જીવનચરિત્રના કેટલાક છેડા મળી રહે છે. 

Thursday, August 16, 2018

ઓએસિસ ૨૦૧૮ : ધીક્કારની બોલબાલા વચ્ચે પ્રેમની વાત

કોઈ પણ સંસ્થા વિશે સાંભળીએ કે ત્યાં જવાનું થાય, એટલે મનમાં સવાલોનું એક ચૅકલિસ્ટ બની જાય. ચાંદોદ (કે ચાણોદ)થી માંડ દોઢ કિલોમીટરના અંતરે આવેલી 'ઓએસિસ વૅલી'/Oasis Valleyની મુલાકાત વખતે પણ એવા સવાલો મનમાં હતા.

  • સંસ્થાના કેન્દ્રમાં વ્યક્તિ છે કે વિચાર? ઘણે ભાગે શરૂઆત વ્યક્તિના વિચારને કેન્દ્રસ્થાને રાખીને થતી હોય છે, પણ ધીમે ધીમે વ્યક્તિ પોતે કેન્દ્રસ્થાને આવી જાય છે તો સંસ્થા એક જ વ્યક્તિની આસપાસ ગરબે ઘુમે છે?
  • સંસ્થામાં મુખ્ય વિઝન એક જ વ્યક્તિનું હોય તે એક વાત છે, પણ તેની સાથે બીજા (બીજી હરોળના નહીં, બીજા) લોકો સરખા ભાવે સંકળાયેલા છે?
  • મુખ્ય વિઝન ધરાવતી વ્યક્તિ બીજા લોકોનું સાંભળે છે? કે પછી પોતે જે નક્કી કરેલું હોય તે જાહેર કરીને, તેની પર બીજાના મત લેવાની ઔપચારિકતા પૂરી કરીને, લોકશાહી રાહે સરમુખત્યારશાહી ચલાવે છે?
  • મુખ્ય વિઝન ધરાવતી વ્યક્તિની હાજરીને મહત્ત્વના કાર્યક્રમોમાં કેટલી અનિવાર્ય માનવામાં આવે છે? અને એ ગેરહાજર ન હોય ત્યારે તેમનો ઉલ્લેખ કેવો અને કેટલો થાય છે? તેમની ગેરહાજરીમાં બીજાં બધાંની દશા ધણી વિનાનાં ઢોર જેવી થાય છે?
  • સંસ્થા કોઈ એક મુદ્દો પકડીને સાતત્યપૂર્વક કામ કરે છે? કે દર વર્ષે- બે વર્ષે મળતા (ફોરેન કે દેશી) ફંડિંગ પ્રમાણે, પોતાના હેતુઓ બદલતી રહે છે અને દસ ફૂટનો એક ખાડો ખોદવાને બદલે, એક-એક ફૂટના દસ ખાડા ખોદ્યા કરે છે?
  • બીજાના-દુનિયાભરના લોકોના અધિકાર કે સમાનતા માટે કામ કરતી સંસ્થાના પહેલી હરોળના લોકો તેમના પછીની હરોળના લોકો સાથે કેવી રીતે વર્તે છે? તેમનું શોષણ કરે છે? તેમની સાથે ભેદભાવ રાખે છે? તેમને નકરા નોકરિયાત ગણે છે?
  • સંસ્થાનો વિસ્તાર થાય ત્યારે તેની સંપત્તિનો વિસ્તાર થાય છે? કે કામનો? કે બંનેનો? સંસ્થાનો પથારો ફેલાય ત્યારે તેના હાર્દમાં રહેલી હેતુ વિશેની સ્પષ્ટતા અને તીવ્રતા જળવાય છે? કે વિસ્તારની સાથે મોળી પડતી જાય છે અને કેવળ આંકડાબાજીમાં સીમીત બનીને રહી જાય છે? (આટલા જિલ્લા, આટલા તાલુકા, આટલાં ગામ, વાત પૂરી.) 
  • સંસ્થામાં આત્મચિંતન અને સ્વસ્થ ટીકા માટે જગ્યા છે? તેને પ્રોત્સાહન મળે છે? 
  • બીજાનું હિત આયોજનબદ્ધ રીતે થઈ શકે એ હેતુથી રચાયેલી સંસ્થા પોતે ક્યારે સ્થાપિત હિત બની જાય છે, તેની સરત રહેતી નથી. આવું થાય ત્યાર પછી સંસ્થાનો પથારો ટકાવી રાખવા માટે કરવાં પડે એટલાં બધાં જ સમાધાન કરવાની તેના સંચાલકોની તૈયારી હોય છે. તો સંસ્થા સ્થાપિત હીત બની ગઈ છે? 
  • સંસ્થામાં ધર્મસંસ્થાની જેમ જડ આચારવિચારોની કેવી બોલબાલા છે? સંસ્થા દેશભક્તિનો દાવો કરતી હોય તો તેની દેશભક્તિ બીજા માટેના ધીક્કારમાંથી પેદા થયેલી છે? કે પોતાના દેશ પ્રત્યેના પ્રેમમાંથી? 
  • સંસ્થાની સાદગીમાં દંભની અને તેના વિવેકમાં ચાપલૂસીની ગંધ આવે છે? તેની સાથે સંકળાયેલા લોકોની કથની અને કરણીમાં તફાવત હોય એવાં કેટલાં ઠેકાણાં જણાય છે? 
  • સંસ્થા હકારાત્મકતાના નામે અનિષ્ટો પ્રત્યે આંખ આડા કરવામાં માને છે? પ્રેમના નામે, સંઘર્ષ ટાળવાના નામે ખોટું ચલાવી લેવામાં માને છે? અધ્યાત્મના નામે યુનિફૉર્મવાળી કે યુનિફૉર્મ વગરની બાવાબાજીને પ્રોત્સાહન આપે છે? 
  • સંસ્થાની મુખ્ય ગણાતી વ્યક્તિ ન હોય ત્યારે સંસ્થા કેવી રીતે કામ કરશે અથવા કામ કરી શકશે કે નહીં, એવું કોઈ દર્શન સંસ્થા પાસે છે?

***
સાર્થક જલસો-5ના અંકમાં મિત્ર ક્ષમા કટારિયાએ અતિઆગ્રહને વશ થઈને અને ઘણા વિલંબ પછી છેવટે 'ઓએસિસ'ની તેમની સફર વિશે લખ્યું. 'ઓએસિસ' વડોદરામાં યુવાઓ વચ્ચે વિશિષ્ટ રીતે કામ કરતી સંસ્થા હતી. પહેલા તબક્કાની તેની સફર ખાસ્સી વિશિષ્ટ, વિલક્ષણ અને ઝંઝાવાતી રહી.  અગિયારમા ધોરણથી ઓએસિસ સાથે સંકળાયેલાં ક્ષમા કટારિયાએ તેમની નજરે એ તબક્કાની અનેક બાબતોનું ઝીણવટભર્યું અને સંયત આલેખન કર્યું. પહેલા તબક્કાનો અંત ભારે કડવો અને ઓએસિસ સાથે સંકળાયેલા લોકો માટે આંચકાજનક હતો. છતાં, એ ઘટનાના બે-એક દાયકા પછી તેના વિશે લખતી વખતે ક્ષમાએ અસાધારણ સંયમ દાખવ્યો અને કડવાશ નીતારીને કેવી રીતે લખી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

તેમાં ઉપસંહાર તરીકે નાનકડી નોંધ એ પણ હતી કે એ સમયે 'પતી ગયેલી' મનાતી ઓએસિસ હજુ સક્રિય છે, બલ્કે વધુ સક્રિય છે અને પોતાની રીતે કામ કરી રહી છે. ચાંદોદ પાસે ઓએસિસ વૅલી તરીકે ઓળખાતી નવ એકરની ઉબડખાબડ જગ્યામાં સરસ કૅમ્પસ તો છે જ અને વડોદરામાં ઑફિસ પણ ખરી. પરંતુ મૂલ્યોના શિક્ષણની ધરી પકડીને ગુજરાતનાં બીજાં અનેક કેન્દ્રોમાં સક્રિય છે અને વિસ્તરી રહી છે, એટલો ખ્યાલ હતો. પણ એ કામગીરીને આરંભે મુકેલા સવાલોની ગળણીમાંથી ગાળી ન હતી. એટલે, એ નકરી માહિતી હતી, જેના વિશે મારો હકારાત્મક કે નકારાત્મક કશો અભિપ્રાય ન હતો. પોઝિટિવ થિંકિંગના કે મૂલ્યશિક્ષણના નામે ચાલતા ગોરખધંધાથી અૅલર્જી હોવાને કારણે અને 'ઓએસિસ'નાં ઘણાં પ્રકાશન મથાળાથી 'એવાં' લાગવાને કારણે મનમાં થોડો દગદગો પણ ખરો.
***
ક્ષમા સાથે દોસ્તીનો એવો સંબંધ છે કે તે મારી શંકાઓને પણ દોસ્તીના ભાગ તરીકે સ્વીકારી અને પ્રમાણી શકે. સાથોસાથ એવું પણ ઇચ્છે કે હું એકાદ વાર અનુકૂળતાએ ઓએસીસ વૅલી જાઉં અને જાતે જોઉં. આખરે બે-ત્રણ વર્ષ પછી એવો મેળ પડ્યો અને પરમ મિત્ર, સાર્થક પ્રકાશનના સાથીદાર કાર્તિકભાઈ (શાહ) સાથે ઓએસીસ વૅલી જવાનું થયું. ૧૪મી ઓગસ્ટે સવારે પહોંચ્યા અને ૧૫મીએ સવારે નીકળ્યા. આ ચોવીસ કલાકથી થોડા વધુ સમયમાં, ઓએસીસના સ્થાપક અને અત્યારે પણ તેના મુખ્ય ચાલકબળ જેવા સંજીવ શાહની ક્યાંય હાજરી ન હતી. સ્થૂળ રૂપે તો નહીં જ, આખો દિવસ ચાલેલી બેઠકોમાં વારંવાર આવતા અને અહોભાવમંડિત ઉલ્લેખો રૂપે પણ નહીં.  સંજોગ એવો થયો કે ક્ષમાથી પણ અવાય એમ ન હતું. એટલે કાર્તિકભાઈ અને હું સાવ અજાણ્યા સિત્તેર-એંસી લોકો વચ્ચે જઈ પહોંચ્યા. તેમાંથી માયાબહેન કે જૉલી જેવાં નામ ક્ષમાને કારણે કાને પડેલાં. એ સિવાયનાં તો નામ પણ પહેલી વાર સાંભળ્યાં.

કાર્યક્રમ અૅન્યુઅલ રીટ્રીટનો હતો એટલે એક રીતે આખા વર્ષની કામગીરીનું સરવૈયું નીકળે. તેમાં કોર ટીમના સભ્યો હોય, બીજા ફેસિલિટેટર તરીકે ઓળખાતા સ્વયંસેવકો હોય, મોટેરાં માટેની શિબિરોમાં ભાગ લેનારાં લોકો હોય અને વિવિધ કાર્યક્રમો-શિબિરોમાં ભાગ લેનારાં કિશોર-કિશોરીઓ. આ બધામાં સૌથી મોટી અસર શહેરી-ગ્રામ્ય-આદિવાસી એમ ભારે વૈવિધ્ય ધરાવતાં કિશોર-કિશોરીઓની વાતો સાંભળીને થઈ. એ લોકો પોતપોતાની બોલીમાં જે આત્મવિશ્વાસપૂર્વક અને વૈચારિક સ્પષ્ટતાપૂર્વક પોતાની વાત મૂકતાં હતાં, તેમાં પોપટિયું રટણ ન હતું. વચ્ચેના બ્રેકમાં તેમની સાથેની વાતચીતમાં તેમનો આત્મવિશ્વાસ અને કિશોરાવસ્થાએ હોવા જોઈએ એવા ઉત્સાહની સાથે વૈચારિક ઊંડાણનો પાયો રચાવાની પ્રક્રિયાની પણ ઝાંખી મળતી હતી.

ઓએસિસનું કૅમ્પસ ભારે રળિયામણું ને બહુ આયોજનપૂર્વક, કુદરતને વીંખ્યા વિના બનાવેલું છે. પણ તેની વિગતમાં અત્યારે જવું નથી. ઘણા આશ્રમોનાં કૅમ્પસ રળિયામણાં હોય છે. કોઈ પણ સંસ્થાનું અસલી સૌંદર્ય આંતરિક હોઈ શકે અને ચોવીસ કલાકમાં તો એનો કેટલો ખ્યાલ આવે? પણ જે કંઈ જોવાસાંભળવા મળ્યું તેમાં, ખાસ કરીને કિશોર-કિશોરીઓની વાતમાં રહેલી નૈસર્ગીકતા અને જુસ્સો સ્પર્શી ગયાં. તેના વિવિધ કૅમ્પ (લાઇફ કૅમ્પ, ડ્રીમ ઇન્ડિયા કૅમ્પ, લિવ-લવ-લર્ન કૅમ્પ)માં કેન્દ્રસ્થાને બાળકોને જવાબદારીપૂર્વકની સ્વતંત્રતા આપવાની વાત છે. એટલે તેમને જવાબદારી અને સ્વતંત્રતાના, એમ બંને પ્રકારના અનુભવો આપવામાં આવે છે. આવું જ લિવ-લવ-લર્ન કૅમ્પમાં મોટેરાં સાથે કરવામાં આવે છે. તેમને મનમાં પડેલી અનેક ગાંઠો સાથે કામ પાડવાનું અને બાળકો સાથે કેવી રીતે કામ પાડવું તેનું વ્યવહારિક માર્ગદર્શન આપવામાં આવે છે. ટૂંકમાં, બીજાને જજ કરવાને બદલે કે તેમને સુધારવાનો ઉત્સાહ રાખવાને બદલે, તેમને ખુલ્લાશથી સ્વીકારવાની અને એ રીતે તેમને તેમની સારપોથી રૂબરૂ કરી આપવાની વાત છે.

આ બધું સાંભળવામાં બહુ સારું લાગે, પણ એની કોઈ સ્વિચ નથી હોતી કે એક વાર ઓએસિસ સ્વિચ પાડી આપે, એટલે બધું ફુલગુલાબી થઈ જાય. આ રોજેરોજ કરવાની પ્રક્રિયા છે. જેને જાતે આવું ફાવે તે જાતે પણ કરી શકે. પરંતુ ઘણા બધા પાસે એ માટે જરૂરી સમજ કે સમય કે બંને નથી. આ બંને હોય એવા લોકો માટે પણ ક્યારેક પોતાની માપપટ્ટી કે પોતાની પદ્ધતિ સિવાયની પદ્ધતિથી આ કામ કરી જોવાનું આનંદદાયક નીવડી શકે છે. આજકાલ મૂલ્યશિક્ષણ આઉટડેટેડ ગણાય છે અને તેનો બીજો અંતિમ ગુરુકુળ ટાઇપની સંસ્થાઓ છે, જેમાં જૂનું એટલું બધું સારું, એવી જડતા રાખીને જૂનાની હાસ્યાસ્પદ લાગે એવી નકલ કરવામાં આવે છે. ઓએસિસના કાર્યક્રમો વિશે એવી છાપ પડી કે તે જૂના-નવાના ભેદ પાડ્યા વિના, જેમાંથી જે સારું છે તે લેવામાં માને છે. એટલે, તે નવા વિચાર, નવા કાર્યક્રમો અને નવી દિશાઓમાં જવાની મોકળાશ ધરાવે છે એવું પણ લાગ્યું. થોડા વખતથી તે શિક્ષકોને આ પ્રકારની સંવેદનશીલતા તરફ દોરવાના પ્રયાસ કરે છે અને વિદ્યાર્થીઓને પરીક્ષાના તથા પરિણામોના માનસિક તનાવમાંથી દૂર કરવાના યથાશક્તિ પ્રયાસ કરે છે.

ઓએસિસ પાસે જાદુઈ છડી નથી. એવી છડી કોઈની પાસે ન હોય. છેતરાવા માટે તલપાપડ હોય એવા લોકો જ આવી જાદુઈ છડીની અપેક્ષા રાખી શકે. એક દિવસમાં થોડું જોઈસાંભળીઅનુભવીને હું એવું સમજ્યો કે અત્યારના જીવનમાંથી સાવ મૂરઝાઈ ગયેલાં મૂલ્યોને-સંવેદનશીલતાને-ફરજોને અને સરવાળે માનવતાને નવપલ્લવિત કરવાની કોશિશ ઓએસિસના મિત્રો કરે છે. એમ કરવા માટે તેમની પાસે એક સુગ્રથિત માળખું છે, એ કામનો ઠીકઠીક અનુભવ છે --અને તે પોતાના પૂરતો રાખીને તેની રોકડી કરી લેવાને બદલે, તે નવા નવા મિત્રો સાથે તેને વહેંચવા તૈયાર છે.   તેમનું કામ એકલદોકલ છોડને નવપલ્લવિત કરવાનું નથી. માનવતાનાં જંગલનાં જંગલ સુકાઈ ગયાં છે. નકરા ગ્રાહકવાદના-ધીક્કારના-ધ્રુવીકરણના માહોલમાં પ્રેમ અને સમાનુભૂતિ જેવી લાગણીઓ ખોવાઈ ગઈ છે. તેને જગાડવાની છે. અને આ કામ ફક્ત તેમનું નથી. સારી જિંદગી અને સારી દુનિયા ઇચ્છનાર સૌનું છે. એ કામ છે કરવા જેવું. તેમની સાથે મળીને ફાવે તો એ રીતે ને કોઈ કારણસર તેમની સાથે ન ફાવે તો જુદા રસ્તે. પોતાનો જ રસ્તો સાચો કે તે જ એકમાત્ર રસ્તો છે એવો ઓએસિસનો દાવો નથી. મૂળ વાત બાળકોના ઘડતરની, તેમને જવાબદારીપૂર્વકની સ્વતંત્રતા આપવાની અને તમામ ઉંમરનાં લોકોમાં મૂલ્યોના પ્રસારની છે.  એક દિવસની ટૂંકી મુલાકાતમાં ત્યાં આવેલાં સૌની અને ખાસ કરીને કિશોર-કિશોરીઓની વાત સાંભળીને મને અને કાર્તિકભાઈને એવું લાગ્યું કે ઓએસિસમાં આ કામ ખાસ્સી અસરકારકતાથી થઈ રહ્યું છે.
***
--અને હવે ચૅકલિસ્ટ.

  • ઓએસિસના કેન્દ્રમાં સંજીવ શાહનું દર્શન અને માર્ગદર્શન છે. સંજીવ શાહને અગાઉ એકાદ વાર વડોદરામાં મળવાનું થયું હતું. એ પછી મળ્યો નથી. પણ અૅન્યુઅલ રીટ્રીટમાં સંજીવ શાહ હાજર ન હતા. તેમની ગેરહાજરીનો ભાર પણ ન હતો. બાપજીએ કહ્યું છે કે..., બાપજી માને છે કે.., બાપજી હંમેશાં કહેતા કે...આવી કોઈ બાપજીગીરી સંજીવ શાહના નામે ત્યાં ચાલતી જોવા મળી નહીં. આનંદ થયો.
  • સંસ્થાના નિર્ણયોમાં લોકશાહી વિશે એક દિવસની મુલાકાતમાં કહી શકાય નહીં. પણ ત્યાં જે શીખવવામાં આવે છે તેમાં લોકશાહી મુખ્ય છે. ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં તો બાળકો જ પોતાની સંસદ ચલાવે ને પોતાના કાયદા બનાવે, ચર્ચાઓ કરે અને પોતે કોઈ બાબતે ફૅકલ્ટી સાથે અસંમત હોય તો પોતાની તાર્કિક અસંમતિ પણ તે પકડી રાખે, એવું તેમને શીખવવામાં આવે છે. 
  • ઉપરના વર્ણનમાં કહ્યું તેમ, સંજીવ શાહની તો ઠીક, મિત્ર ક્ષમા કટારિયાની ગેરહાજરી પણ એક દિવસમાં અમને ક્યાંય વરતાઈ નહીં અને એવું ન થયું કે એ હોત તો વધારે સારું થાત. 
  • ઓએસિસનાં કામ અને ક્ષેત્રો વિસ્તરી રહ્યાં છે, પણ એ દરેકમાં સ્મિત સાથે કામ કરવાનું, બાળકો પર ત્રાસ નહીં ગુજારવાનું, બાળકોને જવાબદારીનું ભાન અને સ્વતંત્રતાનો સ્વાદ કરાવવાનું, મોટેરાંમાં રહેલી સંવેદનાઓને ઢંઢોળવાનું અને સારા નાગરિક બનવાનું કેન્દ્રસ્થાને હોય છે. એ કૉમન મિનિમમ પ્રોગ્રામ હોય એવું લાગે છે. 
  • અૅન્યુ્લ રીટ્રીટમાં જે રીતે સંસ્થામાં રસોઈ કરતાં ને સફાઈ કરતાં બહેનોને આગળ બોલાવીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું તે દેખાડાથી નહીં, પણ દિલથી થયેલું લાગતું હતું. બીજાને કૅમ્પમાં જે શીખવવામાં આવે છે તે બાજુનાં ગામડાંમાંથી આવતી આ બહેનોને પણ ભૂતકાળમાં શીખવાયું હતું ને ભવિષ્યમાં પણ શીખવાતું રહેશે એવી આશા રાખી શકાય. 
  • સંસ્થાની કામગીરી વિસ્તરે છે, પણ અમદાવાદ સહિતનાં બીજાં શહેરો સંસ્થાની મિલકતો ઉભી કરવાનો ખ્યાલ નથી અને એ બહુ ઇચ્છનીય છે. આવાં ઠેકાણે કાર્યક્રમો હોય ત્યારે એટલા દિવસ પૂરતી જગ્યા ભાડેથી લેવામાં આવે છે. હવે તો બે-બે કલાકના કેટલાક કોર્સ પણ ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેથી ઓછો સમય મળે કે કોઈ સ્કૂલ ખચકાતી હોય તો તે બે કલાકનો કોર્સ આપીને ચકાસી શકે કે આ લોકો ખરેખર શું કરાવવા માગે છે. 
  • મિલકતો-સંપત્તિઓ ઓછાં, એમ સમાધાનો કરવાની મજબૂરી ઓછી. એટલે ઓએસિસ વૅલી અને વડોદરા ઑફિસ સિવાય ઓએસિસ બીજે મિલકતો ઊભી ન કરે એ જ શ્રેયસ્કર છે અને હું એવું સમજ્યો કે ઓએસિસના મિત્રો પણ એવું જ વિચારે છે. 
  • ઓએસિસમાં સ્વામી વિવેકાનંદને અને દેશસેવાને વારેવારે યાદ કરવામાં આવે છે, પણ તે ચાલુ અર્થમાં નહીં. દેશ એટલે દેશના લોકો અને દેશસેવા એટલે દેશના લોકોની સેવા-- એ અર્થમાં. પહેલાં સ્વામી વિવેકાનંદ અને દેશભક્તિની વાતો સાંભળીને જરા શંકા પડે, પણ આ સંદર્ભ જાણ્યા પછી સારું લાગે છે. 
  • સંસ્થામાં દંભી સાદગી દેખાતી નથી. ભોજન ચટાકેદાર નથી હોતું, તેમ બેસ્વાદ પણ નહીં. અભિગમ આનંદવિરોધી નથી ને જલસા મારવાનો પણ નહીં. 
  • જે દિશામાં કામગીરી ચાલી રહી છે, તેમાં માર્ગદર્શન, સતત આત્મમંથન અને નાનામોટા દિશાસુધારનો અવકાશ છે જ. તે કેટલી હદે થાય છે, એનો એક દિવસમાં ખ્યાલ ન આવે. પણ બધાની વાતો સાંભળતાં લાગ્યું કે એ પ્રક્રિયા કેવળ ઉપલા સ્તરે નહીં, દરેક સ્તરે થતી હશે. તેમાં મુશ્કેલીઓ પણ આવતી હશે અને ધીમે ધીમે તેના ઉકેલ પણ નીકળતા હશે.

***
ઓએસીસની વેબસાઇટ https://www.oasismovement.in છે. યુટ્યુબ પર વિડીયો પણ ખરા. છતાં, તેની પરથી ફક્ત અછડતો અંદાજ મળી શકે. વધારે ખ્યાલ તો જાતઅનુભવથી જ આવે. મન થાય તો અનુભવ લઈ જોજો. 

Wednesday, August 15, 2018

સ્વતંત્રતા અને સ્વરાજ વચ્ચેની ખાઈ

૧૯૪૭ની ૧૪મી ઓગસ્ટે દેશના મોટા હિસ્સામાં ઉજવણીનો માહોલ હતો, ત્યારે ગાંધીજી દિલ્હીથી દૂર, કોમી હિંસાથી ગ્રસ્ત કલકત્તામાં હતા. આઝાદીનો તેમને કશો ઉત્સવ મનાવવાનો ન હતો. રાષ્ટ્રપિતા તરીકેનો માનદ્ દરજ્જો ભોગવતા ગાંધીજીને એક પત્રકારે કંઈક સંદેશો આપવા માટે કહ્યું, ત્યારે તેમણે કહ્યું હતું કે 'મારા શબ્દો સુકાઈ ગયા છે.’ આઝાદીની 'ઉજવણી’ તેમણે ચોવીસ કલાકના ઉપવાસથી કરી.

વર્ષ ૨૦૧૮માં ગાંધીજીને તે પણ ઉદ્યોગપતિઓની નજીક હતા--એવાં સંદર્ભવિહોણાં છીછરાં કારણોથી યાદ કરવામાં આવે છે, પણ તેમણે આંકી આપેલી સ્વતંત્રતા અને સ્વરાજ વચ્ચેની ભેદરેખાની ચર્ચા થતી નથી. એ વાસ્તવમાં ભેદરેખા નહીં, ભેદ-દીવાલ કે ભેદ-ખાઈ હતી, જે તૂટવાને બદલે મજબૂત બનતી ગઈ છે. હવેની ૧૫મી ઑગસ્ટ કોઈ ઉપવાસ કરીને મનાવે એવી અપેક્ષા નથી. ઉપવાસના શસ્ત્રનો પણ પૂરતો દુરુપયોગ થઈ ચૂક્યો છે-- ચાહે તે કથિત સદભાવના માટે હોય કે પછી ભ્રષ્ટાચારના વિરોધ માટે.  હવેના દરેક સ્વતંત્રતા દિવસે અે જ અપેક્ષા રહે છે કે સ્વતંત્રતા અને સ્વરાજ વચ્ચેનો મસમોટો ભેદ નાગરિકો અંકે કરે--મનમાં ઉતારે. ત્યાર પછી તેને દૂર કરવાના પ્રયાસ કરી શકાય.

સ્વતંત્રતા બેશક મૂલ્યવાન છે, પણ ભગતસિંઘ હોય કે ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ હોય કે પંડિત નહેરુ-સરદાર પટેલ—આ અને આવા ઘણા નેતાઓએ કેવળ અંગ્રેજોને હટાવવા માટે અનેક બલિદાનો આપ્યાં ન હતાં. એ બધાના રસ્તા જુદા હોઈ શકે છે, પણ તેમનું દર્શન એક જ હતુંઃ ફક્ત શાસનકર્તાઓ બદલાય એટલું પૂરતું નથી.  ભારતના લોકો સ્વરાજની અનુભૂતિ કરે.  પ્રચંડ વસતિ અને વૈવિધ્ય ધરાવતા ભારતમાં યુરોપ-અમેરિકાના સમૃદ્ધિવાળા હિસ્સા જેવી આર્થિક છત થઈ જાય અથવા 'ઘી-દૂધની નદીઓ વહેતી થઈ જાય'એવી અવાસ્તવિક અપેક્ષાની વાત નથી. સાથોસાથ, એવું પણ નથી કે સરકાર માઈબાપ બધું કરી આપે ને નાગરિકો અણવિકસિત સમજ ધરાવતા પુખ્ત જણની જેમ તેની સામે ટાંપીને બેઠા રહે. યાદ રહે, વાત સ્વ-રાજની છે, સરકાર-રાજની નહીં.

સદીઓની લોકશાહી પરંપરા ધરાવતા બ્રિટન-અમેરિકા જેવા દેશોની સરખામણીમાં ભારતની લોકશાહીએ હજુ 'માંડ’ સિત્તેર વટાવ્યાં છે. હજુ ઘણો રસ્તો કાપવાનો છે.  મૂલ્યાંકનમાં આટલી ઉદારતા દર્શાવ્યા પછી પણ લોકશાહીની દિશા અને ગતિનો સવાલ તો રહે છે. ગાંધીજી દૃઢપણે માનતા હતા કે હિંદીઓ રાજ કરવા દે છે, એટલે અંગ્રેજો રાજ કરે છે. જો હિંદીઓ ઇચ્છે તો હમણાં સ્વરાજ મળી જાય.

પરંતુ એ ઇચ્છવું એ કંઈ ખુરશી-ટેબલ પર કે ગામના ચોરે કે ઘરના ઓટલે બેસીને 'ઇચ્છવું'થોડું હતું?  તેના માટે દરેકે નાગરિક બનવું પડે. સામાન્ય રીતે ભારતીયો રાજાનવાબોની 'રૈયત'ની ભૂમિકામાં સદીઓથી ગોઠવાયેલા હતા. એ માનસિકતા એટલી હદે હાડમાં ઉતરી ગઈ હતી કે આઝાદી આવ્યા પછી ઘણા લોકો માનતા હતા કે જવાહરલાલ નહેરુ ભારતના નવા રાજા છે અને ગાંધીજીએ તેમને એ ગાદીએ બેસાડ્યા છે.

રાજકીય વ્યવસ્થામાં જેમ રૈયતપણું કોઠે પડી ગયું હતું ('હશે, રાજા કે સરકાર માઈબાપને જે ગમ્યું તે ખરું...ધણીનો ધણી કોણ?’)  એવી જ રીતે ધાર્મિક વ્યવસ્થામાં 'સંભવામિ યુગે યુગે'ના સગવડિયા અર્થઘટનમાંથી પેદા થયેલું આશ્વાસન હતું, 'આપણે શા માટે કંઈ કરવું જોઈએ? કોઈ ઉદ્ધારક આવશે અને જાદુઈ લાકડી ફેરવીને આપણો ઉદ્ધાર કરી નાખશે.’

એટલે આપણે લોકશાહીથી ચૂંટીને મોકલેલા નેતાઓમાં સેવકને બદલે રાજા અને ઉદ્ધારક શોધતા રહ્યા. કોઈમાં જરા ભલી વાર દેખાય, કોઈ જરા સારું કામ કરે, એટલે તેને સીધા ઉદ્ધારકની ભૂમિકામાં જ ગોઠવી દેવાના. 'બસ, હવે એ આવે એટલી વાર છે...પછી જુઓ, કેવો ચમત્કાર થઈ જાય છે.’ -- આવી માનસિકતા ક્યારેક કોઈની તરફેણમાં ને ક્યારેક કોઈના વિરોધમાં કામ કરતી રહી. (એક વાર આ જાય એટલી વાર... પછી જુઓ, દેશની સિકલ કેવી ફરી જાય છે.’) બંને પરિસ્થિતિમાં એક વાત નક્કી હતીઃ આપણે ઉદ્ધારકની રાહ જોવાથી વધારે કશું કરવાના નથી.

દરેક સ્વતંત્રતા દિવસ ઢંઢોળીને યાદ અપાવે છે કે જાગો, રૈયતમાંથી નાગરિક બનવાનો સમય થઈ ગયો છે, ભક્તહૃદયે ઉદ્ધારકની રાહ જોવાનું છોડીને સ્વસ્થ ચિત્તે સેવકો પાસેથી કામ લેવાનું છે, તેમને જવાબદાર બનાવવાના છે અને ઉત્તરદાયી પણ. નેતાઓ બીજા ગ્રહ પરથી નથી આવતા. એ આ જ સમાજમાંથી આવે છે. તે સમાજની મર્યાદાઓનો કસ કાઢીને, તેની નબળાઈઓને બરાબર નીચોવીને પોતાનો સ્વાર્થ સાધે, ત્યારે તેને દુષ્ટતાને બદલે 'ચાણક્યબુદ્ધિ'નું લેબલ લાગે છે. એ રાજકારણ જેટલી જ સમાજનાં બદલાયેલાં મૂલ્યોની તાસીર છે.

સાથે વિચારવા જેવું એ પણ છે કે જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ધર્મ-કોમ જેવી અસંખ્ય દીવાલો બર્લિનની દીવાલની જેમ બહારની જમીન પર ઊભી થયેલી નથી. એટલે જ, બર્લિનની દીવાલની જેમ તેને એક વારમાં ભોંયભેગી કરી શકાતી નથી.  નેતાઓ એ દીવાલોને મજબૂત બનાવી શકે છે, પણ તેને તોડવાનું કામ નાગરિકોએ શરૂ કરવાનું છે. નાગરિકો એક વાર નક્કી કરી લે કે આ દીવાલો તોડ્યા વિના આપણો છૂટકો નથી, તો પછી રાજકીય પક્ષોના ગમે તેટલા પ્રયાસ નહીં ફળે. પરંતુ ધર્મરક્ષા કે પરંપરા-સંસ્કૃતિના ગૌરવ જેવાં ઘણાં કારણે નાગરિકો એ દીવાલોની કેદમાં ભારે સુખ અને સલામતી અનુભવે છે. આવી દીવાલ તોડવાની કોશિશ કરનારા કે એ માટે સમજાવનારા તેમને ધર્મદ્રોહી ને દેશદ્રોહી લાગી શકે છે. જાણીતી વાર્તાની જેમ, લોકોને લાગે છે કે ભેદભાવની દીવાલોએ તેમને પકડી રાખ્યા છે અને એ દીવાલો તેમને છોડતી નથી.

સ્વરાજ એટલે આવી દીવાલોને અને તેને ટેકો આપીને પોતાનો ધંધો કરી લેનારા લોકોને ફગાવીને રૈયતમાંથી નાગરિક બનવું, એક યા બીજા રાજકીય પક્ષોના ભાડૂતી કે માનદ્ સિપાહી તરીકે વિચારશક્તિ ગીરવે મૂકવાને બદલે,  રોજબરોજના વાસ્તવિક પ્રશ્નોના ઉકેલ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું, રાજનેતાઓને બેફામ બનતાં રોકવાની સત્તા ધરાવતી બંધારણીય સંસ્થાઓ મજબૂત બને અને આઝાદી થકી ઉપલબ્ધ બનેલી મોકળાશ ધર્મ, સંસ્કૃતિ કે રાષ્ટ્રવાદના નામે છીનવાઈ ન જાય એ વિશે સતત સાવચેત રહેવું...આવા સ્વરાજ માટે શુભેચ્છા. 

Thursday, August 09, 2018

એક જાગ્રત ભજિયાંપ્રેમીનો ઇન્ટરવ્યુ

હાસ્યવ્યંગ-કાર્ટૂનના અનોખાા ગુજરાતી સામયિક કાર્ટૂનસૅલ્ફી (સંપાદકઃ અશોક અદેપાલ)ના બીજા અંકમાંથી સાભાર. 
ગુજરાતી સામયિકોમાં સાવ અનોખું અને સાવ જુદી ભાત પાડતું આ સામયિક હાસ્યલેખ ઉપરાંત   હાસ્યવ્યંગની દૃશ્યાત્મક સામગ્રી પર ઘણો ભાર મૂૂૂૂકે છે.આ માસિકની છૂટક નકલ ખરીદવા કે વાર્ષિક લવાજમ ભરવાા માટે સંપર્ક : 63596 50012, cartoonselfie.com

વરસાદ આવે એટલે ભીની ભીની કવિતાના અને ગરમાગરમ ભજિયાંના ઘાણ ઉતરવા લાગે. બંનેમાં એક ફરક એ કે ભજિયાં ઉતારનારને કંઈક અગવડ-ત્રાસ વેઠીને વરસાદમાં લારી ચલાવવી પડે, પણ તેના ગ્રાહકોને મઝા પડી જાય. કવિતાના મામલે ત્રાસ અને મઝાનું સમીકરણ ઉલટાઈ જવાની સંભાવના પૂરેપૂરી. સાહિત્યની સાથે (અને સાહિત્યના) હાઇજીનની ચિંતા સેવનારાં અને તેની ચિંતામાં ને ચિંતામાં આરોગ્ય બગાડનારાં ઘણાંને એવો પણ પ્રશ્ન થાય : શું વધુ નુકસાન કરે? કાચી કવિતા કે કાચાં ભજિયાં? નામબદલીના જમાનામાં એકાદ ભજિયાંપ્રેમી સાહેબ આવી જાય તો તે વર્ષાઋતુને હવેથી સત્તાવાર રાહે ભજિયાંઋતુ ગણવી, એવો પરિપત્ર પણ કાઢી શકે. લોકોની સાચીખોટી લાગણી પંપાળીને જ ચૂંટણી જીતવી હોય તો પછી કોમવાદી કે જ્ઞાતિવાદીને બદલે ભજિયાંવાદી લાગણીનું તુષ્ટિકરણ શું ખોટું?

આવા અનેક વિચારો વચ્ચે એક રીઢા ભજિયાંપ્રેમી સાથેની મુલાકાતનો આરંભ થયો.

નમસ્કાર
એ બધું તો ઠીક છે. આપણે પહેલાં ભજિયાનો ઑર્ડર આપ્યો કે નહીં?

આપી દીધો ભાઈ. મને ખ્યાલ છે કે તમે પ્રખર ભજિયાંવાદી છો.
જેમ હત્યા કરપીણ જ હોય, ઉજવણી પરંપરાગત હર્ષોલ્લાસથી જ હોય ને મામલો બીચકતો જ હોય, એવા અંદાજમાં તમે મને 'પ્રખર' કહી દીધો. મને એ પણ ખબર છે કે તમે મને જાહેરમાં પ્રખર ને ખાનગીમાં રીઢો ગણતા હશો. મને એની પરવા નથી. એક વાત તમે સમજી લો. કોઈ પણ માણસ કાં ભજિયાંપ્રેમી હોય કે ભજિયાંવિરોધી, સંસ્કૃતિવિરોધી અને દેશદ્રોહી...

અરે, તમે તો વગર ચટણીએ વહી ગયા ને દેશદ્રોહ સુધી પહોંચી ગયા...
આજકાલ માહોલ એવો છે કે ભજિયાં-ચટણીની સાથે પ્લેટમાં મરચાં ન આવ્યાં હોય તો પણ બોલી જવાય છે, 'અલ્યા દેશદ્રોહી, મરચાં ક્યાં છે? પાકિસ્તાન મોકલી આપ્યાં કે શું?.. તો પછી લાવ ને...’ 

ઠીક છે. આપણે એ બાજુ જવાને બદલે મુદ્દાની વાત પર આવીએ. તમને કઈ જાતનાં ભજિયાં વધારે ભાવે?
જાત પર જવાનું કમ સે કમ ભજિયાંની બાબતમાં તો રહેવા દો. મને બધી જાતનાં ભજિયાં ભાવે ને ધારો કે ન ભાવે તો પણ હું તેમની સામે ખાર રાખતો નથી. તુલસી આ સંસારમાં, જાતજાતનાં ભજિયાં/ કોને ગણવાં પારકાં ને શીદને કરવા કજિયા.

વાહ, તુલસીદાસનો આ દોહો તો કદી સાંભળ્યો જ નથી.
તુલસીદાસે પણ નથી સાંભળ્યો તો તમે ક્યાંથી સાંભળ્યો હોય? પ્રભુનો મહિમા સમજવા માટે જેમ પ્રભુમય થવું પડે તેમ ભજિયાંની લીલા પામવા માટે ભજિયાંને સમર્પીત થવું પડે.

આમજનતાના લાભાર્થે જરા એ કહેશો કે તમે ભજિયાં કોને ગણો? 
આ તો બુધવાર કયા વારે આવે છે ને સાડા નવની લોકલ કેટલા વાગ્યે આવે છે, એવો સવાલ થયો. ભજિયાં ભારતના નાગરિક નથી કે તેમને નાગરિક ગણાવા માટે ને નાગરિક તરીકે પુરવાર થવા માટે આધાર કાર્ડ કરાવવાં પડે.

મારો પૂછવાનો મતલબ હતો, તમે ગોટાને ભજિયાં ગણો? અને દાળવડાંને?
અમે ભજિયાંવાદીઓ આવા ભેદભાવમાં માનતા નથી. અમારા માટે ભજિયાં એટલે તળેલો ચણાનો લોટ. ઈશ્વરની જેમ ભજિયાંને અમે અનેક સ્વરૂપે ભજી શકીએ છીએ અને એ બધાં અમને એકસરખાં વહાલાં છે. 

ભજિયાંનાં પ્રકારો વિશે થોડો પ્રકાશ પાડશો?
આ થિયરીનો વિષય જ નથી. છતાં ભજિયાંનું ખરાબ ન દેખાય એટલા માટે ટૂંકમાં તમને કહી દઉં. ભજિયાં, દાળવડાં, બટાટાવડાં, ગોટા, પકોડા, બ્રેડપકોડા...આ બૃહદ ભજિયાં પરિવાર છે. એ દરેકનો આગવો ચાહકવર્ગ છે. ભજિયાંવાદીઓમાં પરંપરાગત અને પ્રયોગાત્મક જેવા પ્રકાર પણ હોય છે. જોકે, સાહિત્યવાળાની જેમ એ લોકો એકબીજા સાથે લડતા નથી-  એકબીજાને ઉતારી પાડતા નથી, પણ એકબીજાનું સારું ગ્રહણ કરવાની તૈયારી રાખે છે.

આ વળી નવું...
લડતા નથી એ?

ના, આવા પ્રકાર છે એ... ભજિયાં ગરમ હોય ને વાસી પણ હોઈ શકે, એવું સાંભળેલું, પણ તેમાં પરંપરા અને પ્રયોગ? 
કેમ નહીં? ગઈ કૉન્ફરન્સમાં અમે જેમને 'ભજિયાંશ્રી' ના સન્માનથી નવાજ્યા હતા, એ ભાઈ ડુંગળીમાંથી બાર-તેર જાતનાં ભજિયાં બનાવે છે. અમને ખાતરી છે કે તે જગતની કોઈ પણ ચીજમાંથી ભજિયાં બનાવી શકે છે...ચીઝ, પનીર, ચૉકલેટ, આઇસક્રીમ, કેક... એ પરંપરાભંજક છે.  ભજિયાંના મામલે એ 'નો રીપીટ થિયરી'માં માને છે. આગલી વખતે ખાધાં હતાં એવાં ભજિયાં કદી રીપીટ નથી કરતા. એક વાર એમણે પિત્ઝાનાં ભજિયાં બનાવ્યાં હતાં. હમણાં તે ગુજરાતની કદરદાન જનતા માટે બે નવા પ્રયોગ કરી રહ્યા છે. એક તો ડ્રાયફ્રુટનાં ભજિયાં અને બીજાં છે, જુદા જુદા પ્રકારના ખાખરાનાં ડાયેટ ભજિયાં. હવે તમે જ કહો, તેમની પ્રયોગશીલતા અને સર્જકતાને કેવી રીતે ઓછી અંકાય?

ડાયેટ કોક ને સુગરફ્રી આઇસક્રીમ સાંભળેલાં, પણ ડાયેટ ભજિયાં?
ગુજરાતની જનતા સમક્ષ ટકી રહેવું સહેલું નથી. પડકારો માણસને પુરુષાર્થી બનાવે છે ને પુરુષાર્થથી તે પ્રારબ્ધ ઘડે છે.

તમે પાર્ટટાઇમ ચિંતનનું પણ કરો છો?
ખરેખર તો આ સવાલ તમારે ચિંતકોને કરવો જોઈએ કે તમે પાર્ટટાઇમ ભજિયાંનું પણ કરો છો?

ઓ.કે. ભજિયાં સાથે ચટણી હોવી જોઈએ કે નહીં, એ વિશે તમે શું માનો છો? 
એક વાત યાદ રાખો. તમે અંગ્રેજ નથી ને અમે ભજિયાંપ્રેમીઓ આ બાબત પૂરતા ભારતીયો જેવા નથી. એટલે તમે અમારી વચ્ચે ફાટફૂટ પાડીને અમને લડાવી નહીં શકો. હું માનું છું કે ચટણી બાબતે અમારી બિરાદરીમાં મતભેદો છે. ભજિયાંના સ્વાદની એકતા અને અખંડિતતાના આગ્રહી એવા લોકો ચટણીને બિનજરૂરી ગણે છે. કેટલીક જગ્યાએ ભજિયાં કરતાં ચટણી વધારે વખણાય ત્યારે તેમની હાલત તીખા મરચાંનું ગરમાગરમ ભજિયું ચવાઈ ગયું હોય એવી થઈ જાય છે. પણ હું એટલું જ કહીશ કે એ અમારો આંતરિક મામલો છે. ચટણી બાબતે સામસામા છેડે ઉભેલા લોકો ભજિયાંની ટીકા થાય ત્યારે એક થઈ જાય છે. ભાજપકૉંગ્રેસવાળાએ સહિયારી ભજિયાંક્લબો ચાલુ કરવી જોઈએ. તો રાષ્ટ્રીય એકતાનું મોટું કામ થશે.

અત્યારે બધાની લાગણી દુભાય છે, તો અખિલ ભારતીય ભજિયાંત્મક મંડળના હોદ્દેદાર તરીકે તમારી લાગણી કદી દુભાતી નથી?
દુભાય છે ને. જ્યારે ભજિયાંને ચીપ, કક્ષાહીન કે બિનઆરોગ્યપ્રદ ગણાવવામાં આવે ત્યારે લોહી ઉકળી ઉઠે છે. ક્યારેક ફળવાળા ફેરિયાઓ 'ભજિયાંભૂસાં કરતાં સારાં' એમ કહીને ફળો વેચવાના પ્રયાસ કરે ત્યારે મને તેમની દયા આવે છે. થાય છે કે કેવું પામર જીવન, જેમને પેટ ભરવા ખાતર ભજિયાંની ટીકા કરવી પડે? ભજિયાંવાળાને કદી એવું કહેવું પડે છે કે 'કેળાં-સફરજન કરતાં વધારે સ્વાદિષ્ટ?’ જરૂર જ નથી. ભજિયાંની લીટી પોતાના જોર પર જ એટલી મોટી છે કે બીજાની લીટીઓ ભૂંસવાની અમારે જરૂર પડતી નથી.

તમારા ભજિયાંપ્રેમનો કોઈ યાદગાર પ્રસંગ?
એક વાર હું અમેરિકા ગયો હતો. ત્યાંના ચોમાસાની વાત નીકળી. એટલે એક મિત્ર કહે, 'અમારે ત્યાં સારો વરસાદ છે, ચોક્સાઈથી આગાહી કરતો હવામાનવિભાગ છે, ભૂવા ન પડે ને ખાબોચિયાં ન ભરાય એવા કાદવકીચડ વગરના રસ્તા છે...તમારે ત્યાં શું છે?’ ત્યારે મેં શશિ કપૂરના અંદાજમાં કહી દીધું હતું, 'અમારી પાસે ભજિયાં છે.'

Monday, August 06, 2018

'ભદ્રંભદ્ર' : નવલકથાના માધ્યમથી શાબ્દિક પટ્ટાબાજી


મુંબઈની ટિકિટને 'શ્રી મોહમયીની મૂલ્યપત્રિકા' અને સ્ટેશનને 'અગ્નિરથવિરામસ્થાન'  જેવા 'શુદ્ધ' શબ્દોના આગ્રહી પાત્ર તરીકે ભદ્રંભદ્ર ગુજરાતી વાચકોમાં વિખ્યાત છે.  ભદ્રંભદ્ર માટે યવન-આંગ્લ (અંગ્રેજી) ભાષાના શબ્દો ત્યાજ્ય હતા. એટલે પરભાષાના શબ્દો ગમે તેટલા પ્રચલિત હોય તો પણ એ તેના સંસ્કૃતમય પર્યાય નીપજાવીને જ રહે –- ભલે એ બોલતાં જીભનો ગોટો કેમ ન વળી જાય.
ભદ્રંભદ્ર (મુખપૃષ્ઠ ચિત્રાંકન : રવિશંકર રાવળ)
ઇ. સ. ૧૯૦૦માં રમણભાઈ નીલકંઠે રૂઢિચુસ્તોની જડતાની, તેમના આત્યંતિક આગ્રહોની ઠેકડી ઉડાડવા માટે ભદ્રંભદ્રનું પાત્ર રચ્યું, ત્યારે રમણભાઈ તેમના જીવનની ત્રીસીની શરૂઆતમાં હતા. એ જમાનામાં પરંપરા અને સુધારા વચ્ચે યુદ્ધરેખા અંકાયેલી હતી. અમદાવાદમાં રમણભાઈ સમાજસુધારાની આક્રમક હિમાયત કરતા હતા, જ્યારે નડિયાદમાં કેટલાક નામી સાક્ષરો સુધારાને ભ્રષ્ટ ગણીને પરંપરાને વળગી રહેવા માટે કટિબદ્ધ હતા. પંડિતયુગના પ્રતિભાશાળી લેખક એવા રમણભાઈએ યુદ્ધમાં પરંપરાગત આયુધો ઉપરાંત હાસ્યકટાક્ષને કામે લગાડવાનું નક્કી કર્યું. તેમાંથી સર્જાયું ભદ્રંભદ્ર જેવું અમર પાત્ર અને ગુજરાતી સાહિત્યને પહેલી હાસ્યનવલકથા મળી.
Ramanbhai Neelkanth / રમણભાઈ નીલકંઠ
અલબત્ત, 'ભદ્રંભદ્ર'માં રમણભાઈનો મુખ્ય આશય હાસ્યસાહિત્યને એક નવલકથા આપવાનો નહીં, રૂઢિચુસ્ત જડતાનાં પ્રતિક સમાં કેટલાંક જીવીત પાત્રો પર કટાક્ષનાં તીર વરસાવવાનો હતો. 'જ્ઞાનસુધા' માસિકમાં કકડે કકડે છપાયેલી આ નવલકથામાં તેમણે ઘણાં વાસ્તવિક પાત્રોને ઝપટમાં લીધાં, તેમના પરથી (એ વખતના લોકો સહેલાઈથી ઓળખી શકે એવાં) પાત્રો ઊભાં કર્યાં અને કેટલીક વાર તો તાજા બનાવોને પણ ચાલુ કથામાં વણી લીધા.  નડિયાદના વિદ્વાન છતાં રૂઢિચુસ્ત સાક્ષરો અને તેમનો સંસ્કૃતમય ગુજરાતીનો આગ્રહ 'ભદ્રંભદ્ર'ના પાત્રો તથા ભદ્રંભદ્રની લમણાંતોડ 'શુદ્ધ'  ભાષા માટેની મુખ્ય પ્રેરણા બન્યો હતો. (અગ્રણી સાક્ષર મનઃસુખરામ ત્રિપાઠી માટે એવી વાયકા હતી કે ટપાલી 'મનઃસુખરામ'ને બદલે 'મનસુખરામ' કહીને બૂમ પાડે તો એ સાંભળે જ નહીં.)

આવાં ઘણાં કારણસર પુસ્તક પ્રગટ થયું ત્યારે જેટલો આવકાર એટલી જ ટીકા પણ પામ્યું. ગુજરાતી પહેલી હાસ્યનવલકથા તરીકે તે પોંખાયું, તો વ્યક્તિલક્ષી ટીકાઓને કારણે પીંખાયું પણ ખરું. રમણભાઈ નીલકંઠની પછીની પેઢીના હાસ્યકાર જ્યોતીન્દ્ર દવેએ ઉપોદઘાતમાં નોંધ્યું છે તેમ, આનંદશંકર ધ્રુવે 'ભદ્રંભદ્ર'ને છેક ઉતરતી પંક્તિનું ગણી કાઢ્યું હતું.

'ભદ્રંભદ્ર'ના આગમનથી સુધારાની અને પરંપરાની છાવણીઓ વચ્ચેના યુદ્ધનો નવો રાઉન્ડ શરૂ થયો. તેમાં માધ્યમ તો શબ્દોનું જ હતું, પણ તેનું સ્વરૂપ ચર્ચાપત્ર કે લેખનું નહીં, આખેઆખા પુસ્તકનું હતું. તેના લેખક હતા ત્રવાડી અંબાલાલ નરસિંહલાલ, જે 'વિદ્યાર્થી જીવન' સામયિકના પ્રકાશક પણ હતા. તેમણે ૧૯૦૨માં 'ભ્રમણચંદ્ર : ભદ્રંભદ્રનો ભેદ અથવા આંધળાનો ગોળી બહાર' એ નામે ૨૩૬ પાનાંનું પુસ્તક ફટકારી દીધું. તેમાં 'ભદ્રંભદ્ર'ના લેખક રમણભાઈના નામની પૅરડી 'ભ્રમણચંદ્ર' તરીકે અને 'ભદ્રંભદ્ર'ની કથા કહેનાર રા. અંબારામને બદલે 'રા. અંધારામ' કરવામાં આવ્યું. તેની પ્રસ્તાવનામાં એવી ચીમકી પણ આપવામાં આવી હતી કે વાચકોને આ પસંદ પડશે તો તેના એક પછી એક પુસ્તકો બહાર પડશે.

આ પુસ્તકમાં રમણભાઈ નીલકંઠ પર વ્યક્તિગત પ્રહાર કરવાના જોશમાં તેમનાં વિદૂષી પત્ની વિદ્યાગૌરી નીલકંઠને પણ ભેળાં લઈ લેવાયાં. પુસ્તકમાં તેમનું નામ 'નિવેદ્યા'  રખાયું હતું. આ દંપતિને અંગ્રેજઘેલું દર્શાવાયું હતું અને રમણભાઈને અંગ્રેજીમિશ્રીત ગુજરાતી બોલતા બતાવાયા.  જેમ કે, રમણભાઈને વિદ્યાબહેનને 'માય લવ' તરીકે સંબોધતા હોય, નિવેદ્યા તેમને દારૂ પીવા માટે આગ્રહ કરતાં હોય અને પોતે પણ દારૂ પીતાં હોય તથા ભ્રમણચંદ્ર દારૂ પીને બેભાન તઈ જતા હોય એવાં દૃશ્યો પહેલા જ પ્રકરણમાં રચવામાં આવ્યાં હતાં. સાથોસાથ, 'ભદ્રંભદ્ર'ની કથા કહેનાર અંબારામ કેવળરામ મોદકીયા રમણભાઈ જ છે, એ રહસ્ય ખોલવાનો દાવો પણ પુસ્તકમાં કરાયો હતો.

દેખીતી રીતે જ, આ પુસ્તકના લખનાર પાસે રમણભાઈ નીલકંઠ જેવી લેખનપ્રતિભા, હાસ્યશક્તિ કે બૌદ્ધિકતાના ચમકારા ન હોવાથી તેમનું પુસ્તક અંગત પ્રહારોમાં રાચનારું અને અશોભનીય-ગરિમાહીનના અર્થમાં અશ્લીલ-ભદ્દું બનીને રહી ગયું. પરંતુ વાત ત્યાં પૂરી ન થઈ. ભદ્રંભદ્રવિરોધી પુસ્તકથી ઉશ્કેરાઈને એ જ વર્ષે મોતીલાલ છોટાલાલ વ્યાસે વળતા પ્રહાર તરીકે એક પુસ્તક ધમધમાવી દીધું. તેનું નામ રાખ્યું : ‘ભદ્રંભદ્રના ભેદુનો ભવાડો અને સુધારાની ફત્તેહ'. તેના આરંભે જ લેખકે ચોખવટ કરી દીધી કે આ પુસ્તક શુષ્ક-નીરસ, નીતવિરુદ્ધ કે અશુદ્ધ-અસભ્ય હોય તો પણ તે યોગ્ય જ છે. કારણ કે આ પ્રસંગ એવો છે. ૧૭૦ પાનાંના આ પુસ્તકના લેખક મોતીલાલે વેરની વસૂલાતના ધોરણે અગાઉના પુસ્તકના લેખક ત્રવાડી અંબાલાલ નરસિંહલાલ પરથી પાત્રનું નામ 'ત્રવાડી પંપાલાલ વાનરસિંહ' પાડ્યું. (એ વખતે અટક નામની પહેલાં બોલવી કે છેલ્લે, એ પણ તકરારનો મુદ્દો હતો. પરંપરાવાળા અટક પહેલી બોલે ને અંગ્રેજી સુધારાવાળા છેલ્લે. ) તેમનાં પત્નીનું પાત્ર લઈ આવ્યા અને પત્નીના મોઢે પતિની ખોદણી કરાવી.

ભદ્રંભદ્રના અનુકરણ તરીકે અને તેના આઘાત-પ્રત્યાઘાતમાં લખાયેલાં બંને પુસ્તકોમાં પણ વખાણ દ્વારા ટીકાની શૈલી (વ્યાજસ્તુતિ) વપરાઈ હતી. પરંતુ ભદ્રંભદ્રના લેખક પર અંગત પ્રહારો કરવા માટે લખાયેલું અને એવું પ્રહારાત્મક લખનારની અભદ્ર ટીકા કરવા માટે લખાયેલું પુસ્તક —એ બંનેમાં 'ભદ્રભદ્ર'ની એકેય ખૂબી ન હતી અને તેની મર્યાદાઓ અનેક ગણી વધીને-વકરીને આવી હતી. તેથી 'ભદ્રભદ્ર' તેના બધી મર્યાદાઓ છતાં સર્જનની એક સદી પછી ફક્ત વાચકોને જ નહીં, હાસ્યલેખકોને પણ આકર્ષતું રહ્યું છે. તેની પરથી છેલ્લા બે-એક દાયકામાં ઓછામાં ઓછાં ત્રણ અનુસર્જનો થયાં છે, જેમાં ભદ્રંભદ્રના પાત્રને વર્તમાન સમયમાં ઉતારાયું હોય.  આ પુસ્તકની કેટલીક મર્યાદાઓની વાત કરતાં જ્યોતીન્દ્ર દવેએ તેમની માર્મિક શૈલીમાં નોંધ્યું છે તેમ, ' ભદ્રંભદ્ર દ્વારા રમણભાઈ નીલકંઠે એક કાંકરે બે પંખી મારવાનો પ્રયાસ કર્યો છે. તે હાસ્યસર્જનની સાથે સુધારાની પ્રવૃત્તિને પણ વેગ આપવા ઇચ્છે છે. પણ એમ કરવા જતાં કેટલીક વાર એ બેમાંનું એક પક્ષી ઊડી જાય છે ને ઘણી વાર એ ઊડી જનાર તે ચકોર વિનોદપંખી હોય છે.’

આટલું કહ્યા પછી પણ જ્યોતીન્દ્ર દવેએ લખ્યું છે તેમ, 'મહાનુભાવ ભદ્રંભદ્ર ડોન ક્વિકઝોટ, પિક્વિક્, ફૉલસ્ટાફ જેવા અમરજનોની પંગતમાં વિરાજે છે’, જ્યારે તેમના પગલે લખાયેલાં પુસ્તકો ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં 'ભદ્રંભદ્ર'ના પડછાયામાં ફુદડીવત્ બનીને રહી ગયાં છે.