Showing posts with label Samandar Manganiyar. Show all posts
Showing posts with label Samandar Manganiyar. Show all posts

Saturday, July 18, 2015

સિત્તેર વર્ષના અંતરે, એક લોકગીતના બે અંદાજઃ દુર્લભ ઓડિયો-વિઝ્યુઅલ નમૂનો

'કાનુડો શું જાણે મારી પ્રીત'...આ મીરાભજન બાળપણમાં ઘરની સાવ નજીક અને મસ્જિદને અડીને આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં ગવાતું અનેક વાર સાંભળ્યું હતું. એ દિવસોમાં આઠ વાગ્યે રાત પડી જતી. ઘરમાં મોટે ભાગે પીળા બલ્બનો અજવાસ હોય, જેને લીધે ઝળાંહળાં અજવાળું થવાને બદલે ક્યાંક અંધારું ને ક્યાંક માંદો પ્રકાશ પથરાયાં હોય. જમીને સૌ બેઠાં હોય કે નવેક વાગ્યે સૂઇ પણ ગયા હોય. એ વખતે લક્ષ્મીનારાયણ મંંદિરમાં, (અત્યારના ઘણા ભજનગાયકોની જેમ ગાયકીનો કશો ધખારો રાખ્યા વિના કે માઇકમાં મોઢાં ખોસ્યા વિના,) ભજનિકો એક પછી એક ભજન ઉપાડે. ધીમા ઢાળે શરૂઆત થાય. માઇક વિના રેલાતો અને થોડા અંતરથી આવવાને કારણે વધારે મીઠો લાગતો તેમનો અવાજ ઢોલકના તાલ સાથે કોપીબુક મધુરતા નહીં, પણ કર્ણપ્રિય મીઠાશનું વાતાવરણ પેદા કરે. અંત સુધી પહોંચતાં રંગ જામે. ઢોલકના તાલની સાથે કાંસીજોડાનો સળંગ ખણકાટ ભળે અને છેલ્લે ચરમસીમા પર પહોંચીને ભજન પૂરું થાય, ત્યારે પથારીમાં પડ્યાં પડ્યાં સાંભળનારને પણ તેની ભાવટોચનો અનુભવ થાય.

છતાં, 'કાનુડો શું જાણે મારી પ્રીત' કદી વ્યવસ્થિત રીતે, નજીકથી સાંભળ્યું ન હતું. રાજસ્થાની લોકગાયક મિત્ર સમંદરખાન માંગણીયાર અને તેમના સાથીદારો પહેલી વાર મહેમદાવાદના ઘરે આવ્યા અને તેમણે 'કાનુડો ની જાણે મારી પ્રીત' છેડ્યું, ત્યારે થયું, ઓહોહો, આ તો પેલું ભજન, જે નાનપણમાં અને દૂરથી કેટલી બધી વાર સાંભળ્યું હતું. એ ભજનના શબ્દો પણ એટલા રમતિયાળ છે અને વચ્ચે આવતા સરરરરરરર ને ચરરરરરરર જેવા ધ્વનિસૂચક શબ્દોને લીધે ગાયકોને અને શ્રોતાઓને પણ પોરસ ચડે છે.

પહેલી વાર સમંદરખાન અને સાથીદારો 1995માં મહેમદાવાદ આવ્યા અને આખી રાત ગાયું, ત્યારે વિડીયોની વ્યવસ્થા તો ન હતી. તેનું જેવુંતેવું ઓડિયો રેકોર્ડિંગ કર્યું, પણ બીજી વાર 2013માં તે આવ્યા ત્યારે વિડીયો ઉતારી. વચ્ચેના લાંબા સમયગાળામાં સમંદરખાનની ગાયકી અને તેનું શારીરિક ઉપરાંત વ્યાવસાયિક કદ પણ નીખર્યું હતું. સાથે પૂરી મંડળી પણ હતી. એ રાતે મહેમદાવાદની મહેફિલનો અનુભવ અવિસ્મરણીય બની રહ્યો. (તેના વિશેનો બ્લોગ અને થોડી વિડીયો જોવા માટે અહીં અને અહીં ક્લિક કરો)

એ વખતે પણ સમંદરખાને 'કાનુડો શું જાણે મારી પ્રીત' ગાયું, ત્યારે વધુ એક વાર સૌ ડોલી ઉઠ્યા હતા.તેની ગાયકી ઉપરાંત ખડતાલ (કરતાલ) વગાડવાની કળા-- જે રાજસ્થાની લોકગાયકોની ખાસિયત છે--માણવાલાયક છે.


પરંતુ આજે સવારે ફિલ્મસંશોધક અને પરમ મિત્ર હરીશ રઘુવંશીએ મોકલેલી એક લિન્ક જોઇને રોમાંચનો સુખદ આંચકો લાગ્યો. તેમણે મોકલેલા ગીતના શબ્દો હતા 'શ્યામ ક્યા જાને મ્હારી પ્રીત'. ફિલ્મ 'પ્રેમનગર' (1940), ડી.એન. (દીનાનાથ) મધોકના શબ્દો અને સાવ નવોદિત એવા નૌશાદનું સંગીત.

આ તો જાણે બરાબર, પણ એ ગીત 'કાનુડો ની જાણે મારી પ્રીત'નું હિંદીકરણ હતું અને તેનું પિક્ઝરાઇઝેશન અસલ રાજસ્થાની ગાયકોના સમુહ પર કરાયું હતું. (ભૂલતો ન હોઉં તો ફિલ્મના ડાયરેક્ટર જર્મની-રીટર્ન્ડ મોહન ભવનાની હતા) ભારતમાં લોકકળાઓના દસ્તાવેજીકરણ વિશે ભારે ઉદાસીનતા જોવા મળે છે. પાછલાં વર્ષોમાં એ જરા ફેશનેબલ થઇ. બાકી, પહેલાં ઝવેરચંદ મેઘાણી જેવા થોડા લોકોએ ભારે જહેમત લઇને તેના દસ્તાવેજીકરણનો પ્રયાસ કર્યો. પણ દૃશ્ય સ્વરૂપનું દસ્તાવેજીકરણ તો અતિદુર્લભ. એ સ્થિતિમાં એક હિંદી ફિલ્મના ભાગરૂપે રાજસ્થાની લોકગાયકોની 75 વર્ષ પહેલાંની શૈલી, તેમનું સામુહિક ખડતાલવાદન અને તેની વિવિધ મુદ્રાઓ જોવાં મળ્યાં- અત્યારની સ્ટાઇલ સાથે તેની સરખામણીની તક મળી એનો વિશેષ આનંદ અને હરીશભાઇનો આભાર.



Full Text in Gujarati-
(ઘણાં પાઠાંતરોમાંનું એક)

કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે 

જલ રે જમુનાનાં અમે ભરવાને ગ્યાતા વાલા,
કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઉડ્યાં ફરરરર રે 

વૃંદા રે વનમાં વાલે, રાસ રચ્યો રે  વાલા 
સોળસે ગોપીનાં તાણ્યાં ચીર, ફાડ્યાં ચરરરર રે 

હું વેરાગણ કાના, તમારા નામની રે,
કાનુડે માર્યાં બે તીર, વાગ્યાં અરરરર રે 

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વાલા,
કાનુડે બાળીને કીધાં ખાખ, કે ઉડી ખરરરર રે







Monday, July 29, 2013

અનુસંધાન અઢારમા વર્ષે (2) : ઘરઆંગણે રાજસ્થાની 'સમંદર'ની સૂર-ભરતી


R to L : Samandar Manganiyar, Nihal Khan, Satar Khan, Hakim Khan,
Pempa Khan, Mamemdavad,
રાજસ્થાની લોકસંગીતનો જેમનો ખ્યાલ ‘મોરની બાગામાં બોલે આધી રાતકો’ અને ‘નીમ્બુડા નીમ્બુડા’ જેવાં ફિલ્મી ગીતો પૂરતો મર્યાદિત હોય તેમને ભાગ્યે જ અંદાજ આવે કે રાજસ્થાની લોકસંગીતનો - અને એ પણ લાઇવ પર્ફોર્મન્સનો- નશો અને જાદુ કેવાં હશે. એટલે સમંદરખાન અને તેમના સંગીતસાથીઓ બેઠકમાં ગોઠવાયા- સૂર ઠીકઠાક કરવા લાગ્યા, ત્યારે વાયરિંગ થઇ ગયું હોય ને સ્વિચ પાડવાની બાકી હોય એવો માહોલ હતો. રાજસ્થાનના વિશિષ્ટ તંતુવાદ્ય કમઇચા પર સમંદરના વૃદ્ધ કાકા હાકીમખાને ગજ ફેરવ્યો એટલે તેમાંથી વાયોલિનકુળનો દેહાતી પણ અત્યંત મીઠો સૂર નીકળ્યો. સમગ્ર ગાયનમાં કમઇચાનો સ્વર મુખ્ય હોય એવું ભાગ્યે જ બનવાનું હતું, પરંતુ રજનીભાઇ (પંડ્યા)નો શબ્દ વાપરીને કહું તો, કમઇચાનું ‘હોંકારાસંગીત’ જ્યારે કાને પડે ત્યારે અનોખી મીઠાશની અનુભૂતિ કરાવતું હતું. 

આખી સંગીતમંડળી સમંદરના નિકટના પરિવારજનોની જ બનેલી હતી. ગાયક અને મુખ્ય ખડતાલવાદક તરીકે સમંદરખાન પોતે, સહગાયક અને સમંદર સાથે અમારી દોસ્તીના મૂળમાં રહેલા સતારખાન (બનેવી), કમઇચા પર કાકા હાકીમખાન, ઢોલક પર નિહાલખાન (બનેવી), હાર્મોનિયમ પર સમંદરના બનેવી સ્વરૂપખાન, ખડતાલ પર પેમ્પાખાન (ભાણો) - સૌ પોતપોતાની કળામાં પારંગત છે અને કોઇને ‘સંતાડવા પડે’ એવા નથી, તેનો પરિચય ટૂંક સમયમાં અમને સૌને થઇ જવાનો હતો. 


જમીને, ફટાફટ પરવારીને ગૃહિણીઓ સહિત સૌ કોઇ મંડળીની સામે ગોઠવાઇ ગયાં. એટલે સમંદરખાને ગણેશસ્તુતિથી મહેફિલની શરૂઆત કરી. (એ ગીતની વિડીયો અગાઉની પોસ્ટમાં મૂકી છે.) તેના શબ્દો હતા : ‘મહારાજ ગજાનન આવોની, મ્હારી મંડલીમાં રસ બરસાવોની.’સમંદરખાનને સાંભળતી વખતે કે અત્યાર સુધીની અમારી દોસ્તીમાં ધર્મ વિશે કદી વિચાર આવ્યો જ નથી. અમારો ધર્મ એક જ : સંગીત. એ દિલથી ગાય અને અમે દિલથી માણીએ. હકીકતમાં, શાસ્ત્રીય સંગીતની જરાય સમજ ન હોય- એટલે કે અમારા જેવું હોય- પણ સંગીતનો થોડોઘણો રસ હોય, તે સમંદરખાનનાં ગીતો પર ડોલ્યા વિના ન રહે. મિત્ર વિશાલ પાટડિયાએ ફેસબુક પર તેમની કમેન્ટમાં લખ્યું છે તેમ, સમંદરનાં ગીતોમાં કાનુડો ને મીરા, મૌલા ને કલંદર એટલી સાહજિકતાથી આવે કે સાંભળનારને ‘આ બઘું એક જ છે’ તેની અનુભૂતિ કશા ભાર કે દેખીતા બોધ વિના થઇ જાય. એક જ કવ્વાલીમાં સમંદર ‘અલી મૌલા’ અને ‘છાપતિલક સબ છીની’ ભેગાં કરે અને તેમાં વળી દીનાનાથને પણ મસ્તીથી લઇ આવે. 

અઢાર વર્ષ પહેલાં મહેમદાવાદમાં સમંદરે આખી રાત (લગભગ સવારના ચાર વાગ્યા સુધી) ગાયું, તેમાં મુખ્ય ભાગ રાજસ્થાની ગીતોનો હતો. એ સિવાય રમતમસ્તીમાં થોડાં હિંદી ગીતો, ગુજરાતી ગીતો, એકાદ પંજાબી ને એકાદ બંગાળી ગીત પણ ગાયાં હતાં. આ વખતે રાજસ્થાની ગીતો ઉપરાંત ગઇ વખતે (અઢાર વર્ષ પહેલાં) સાંભળેલું એક પંજાબી ગીત (‘ચલ્લા પંખી’) બીરેને યાદ કર્યું. એટલે સમંદરે એ પણ ગાયું. નુસરત ફતેહઅલીખાને અત્યંત જાણીતી બનાવેલી કવ્વાલી ‘યે જો હલ્કા હલ્કા સુરુર હૈ’ અને ‘અલી મૌલા’ થોડા નુસરતના અને થોડા પોતાના અંદાજમાં ગાઇ. 


એક ગીત શરૂ થાય એટલે સમંદર પહેલાં તેના અર્થ વિશે થોડી વાત કરે. પછી શરૂઆતની (સાખી તરીકે ઓળખાતી) પંક્તિઓ આવે. સમંદર પૂરા હાવભાવથી એ પંકિતઓ ખડતાલ વિના ગાય. ત્યાર પછી આવે મૂળ ગીત, જેનો ઉપાડ સમંદર ખડતાલના તાલ સાથે કરે. ખડતાલ એટલે લાકડાની ચાર છૂટ્ટી પટ્ટીઓ. તેમાં પકડ માટે કશી વ્યવસ્થા ન હોય. બન્ને હાથનાં આંગળાં વચ્ચેના વેઢાથી વાળીને આંગળાં પર એક પટ્ટી અને ઉપર વાળેલા અંગુઠાની પકડમાં એક પટ્ટી, આ રીતે બન્ને હાથમાં થઇને ચાર નંગ (બે જોડી) ખડતાલ હોય. છતાં, આવી ચાર છૂટી પટ્ટીઓને સમંદર જે છટાથી અને જે વૈવિઘ્યથી વગાડે, એ જોઇને દૂરથી તો એવું જ લાગે કે ‘નક્કી, આ પટ્ટીમાં કોઇ પ્રકારની ગ્રીપ હોવી જોઇએ. એ સિવાય આવી પટ્ટીઓ પકડાઇને કેવી રીતે રહે?’ ખડતાલવાદનનાં વિવિધ કરતબ અને તેમાં જળવાઇ રહેતો તાલ એટલે જ હેરતઅંગેજ લાગે. 


ગીતની શરૂઆતથી છેક અંત સુધી સમંદરના ચહેરા પર છવાયેલો ઉલ્લાસનો ભાવ એટલો ચેપી હોય કે સાંભળનારને પણ તે અચૂક પલાળે. પોતાના ગાયન-વાદન સાથે સમંદર અને સૌ સાથીદારોની તલ્લીનતા અને તેમનો આનંદ, વચ્ચે વચ્ચે એકબીજા સાથે થતો મૌન સંવાદ અને ઘરગથ્થુ મહેફિલની અનૌપચારિકતા- આ બધું હવે વિડીયોના જમાનામાં કેવળ મનમાં સંઘરી રાખવાની જરૂર રહી નથી. પરંતુ એ આખા પ્રસંગમાં આનંદના જે શીખરે સૌ સાંભળનારા પહોંચ્યા, તેની વિડીયો કે તસવીરો શી રીતે પાડવી? એ જીવનભરની અનુભૂતિનો વિષય છે. 

ત્રણ- સાડા ત્રણ કલાકના ગાયન પછી, રાત્રે જ તેમને પાછા નીકળવાનું હોવાથી, સૌ કલાકારો ભોજન કરવા બેઠા. બે વાગ્યે એ લોકો નીકળ્યા, પણ તેમણે છેડેલા સૂર હજુ મનમાંથી નીકળી શક્યા નથી. કદાચ બીજી મુલાકાત થાય ત્યાં સુધી એ નહીં ગુંજતા રહેશે. 
L to R : Arpit Paradiya, Biren Kothari, Paresh Prajapati, Binit Modi, Nandita
Muni, Jyoti Chauhan (hidden), Kamini Kothari, Sudha Modi

L to R : Biren Kothari, Nandita Muni, Jyoti Chauhan, Kamini Kothari, SHilpa Modi,
Sudha Modi, Sonal Kothari, Vishal Patadiya (Mahemdavad)

... અને થોડી વિડીઓ

કાનુડો ની જાણે મારી પ્રીત
Samandar Manganiyar & Party at Mahemdavad


ઝિરમિર બરસે મેહ
Samandar Manganiyar & Party at Mahemdavad


અલી મૌલા + છાપતિલક સબ છીની
Samandar Manganiyar & Party at Mahemdavad

Friday, July 26, 2013

અનુસંધાન અઢારમા વર્ષે

આ બ્લોગની ૭૦૦મી પોસ્ટ તરીકે અમારા રાજસ્થાની લોકગાયક મિત્રો (સમંદરખાન-સાગરખાન માંગણીયાર) વિશેનો એક લેખ મૂક્યો હતો. તેમાં વીસ વર્ષ પહેલા અમે કેવી રીતે મળ્યા અને ત્યાર પછીનાં બે વર્ષમાં એક વાર કુલ્લુ (હિમાચલ પ્રદેશ) અને એક વાર મહેમદાવાદના ઘરે આકસ્મિક મહેફિલો દ્વારા કેવી રીતે અમારી દોસ્તી પાકી થઇ, એની ઉષ્માસભર વાત હતી. (લિન્ક)
(L to R) Binit Modi, Sagar & Samandar  Manganiyar, Biren Kothari, Chacha,
Kamini Kothari, Satar khan, Paresh Prajapati, (Kullu, 1993)

બીસ સાલ બાદ : .(જમણેથી) સતારખાન, બીરેન કોઠારી, પરેશ પ્રજાપતિ, બિનીત મોદી
વચ્ચે સફેદ વસ્ત્રોમાં સમંદરખાન માગણીયાર અને સાથે ઉર્વીશ કોઠારી
(R to L) Satar Khan, Biren Kothari, Paresh Prajapati, Binit Modi,
Samandar Manganiyar, Urvish Kothari & roup
(Mahemdavad, 24 July, 2013)
મિલનમુલાકાતો પછી અમારી વચ્ચે થોડો સમય પત્રવ્યવહાર ચાલ્યો. રાજસ્થાની લોકસંગીત ફેશનેબલ બન્યું ન હતું ત્યારે તેનો રસ પાનાર મિત્ર સમંદરખાન માંગણીયાર/ Samandarkhan Manganiyarને ભૂલી જવાનો સવાલ ન હતો. મહેમદાવાદની મહેફિલ (૧૯૯૫) વખતે તેમણે અને ભાઇ સાગરખાને ગાયેલાં ગીતોની ઓડિયો કેસેટ અનેક વાર સાંભળવાને કારણે ગીતો મનમાં અંકાઇ ગયાં હતાં. એમ કહી શકાય કે સંગીત અને દોસ્તીના બેવડા રસાયણે એ ગીતોને લગભગ લોહીમાં ઉતારી દીધાં હતાં. પરંતુ ઇન્ટરનેટ અને મોબાઇલ વગરના એ જમાનામાં બાડમેર જિલ્લાના લાલસોંકી ઢાણી ગામે રહેતા મિત્રો સમંદરખાન-સાગરખાન સાથેનો પત્રસંપર્ક કેટલોક ચાલે? સમંદર લખવાનો નહીં, ગાવા-વગાડવાનો જીવ હતો.

વર્ષો વીત્યાં તેમ અમારી મુલાકાત વઘુ ન વઘુ દૂરના ભૂતકાળની ઘટના બની. પરંતુ એ યાદની તીવ્રતા ઓછી ન થઇ.  ક્યારેક એકાદ-બે વાર કોઇ ચેનલ પર ગાતા સમંદરની ઝલક નજરે પડી ત્યારે રોમાંચ થયો હતો. ‘એનું શરીર ભરાયું છે’ - એવું મિત્રસહજ નિરીક્ષણ મનમાં ઉગ્યું હતું. પરંતુ દ્વિપક્ષી સંપર્ક સ્થપાયો નહીં. 

***

ગયા વર્ષે બીરેને મને એક લિન્ક મોકલી. એ સમંદરખાન અને કથ્થક નૃત્યાંગના અનુરાગ વર્માની સંસ્થા ‘સંપ્રવાહી’ની હતી. ત્યાંથી સંસ્થાનું ફેસબુક પેજ મળ્યું. એટલે રાત્રે અનુરાગને ફેસબુક પર એક ટૂંકો સંદેશો લખી મોકલ્યો. ફેસબુક પેજ પર બહુ એક્ટિવિટી દેખાતી ન હતી. એટલે મારો સંદેશો કોઇ વાંચશે કે કેમ અને એ સમંદર સુધી પહોંચશે કે કેમ, એ વિશે જરાય ખાતરી ન હતી. પરંતુ પ્રયાસ કરી જોવામાં કશો વાંધો ન હતો. 

સંદેશો મોકલ્યાને માંડ અડધો-પોણો કલાક થયો હશે. રાતના સાડા અગિયાર-પોણા બાર  થયા હતા ને અચાનક મોબાઇલની રિંગ વાગી.  એક અજાણ્યો નંબર દેખાતો હતો. ફોન કાને માંડતાં સામેથી અવાજ સંભળાયો : ‘ઉરવીસભાઇ, મૈં સમંદર બોલ રહા હું.’

એ સાંભળીને અપાર આનંદ અને સુખદ આશ્ચર્યનો જોરદાર આંચકો લાગ્યો. એ શમતાં વાતચીત શરૂ થઇ. અમારી છેલ્લી મુલાકાતને સત્તર-અઢાર વર્ષ વીતી ગયાં હતાં. મહેમદાવાદમાં અમે મળ્યા ત્યારે હું પત્રકારત્વમાં ન હતો. લગ્ન થયું ન હતું. ઘર જૂનું હતું. બીરેન આઇ.પી.સી.એલ.માં કામ કરતો હતો... સત્તર-અઢાર વર્ષમાં શું ન બદલાય? 

ઉત્તેજના શમ્યા પછી સમંદરને પૂછ્‌યું કે ‘તમને હજુ બઘું યાદ છે?’ એટલે સમંદરે ‘ઐસે કૈસે ભૂલ જાયેંગે? સબકુછ યાદ હૈ’- એમ કહીને અમારી શેરીનું અને ઘરના ફર્નિચરનું વર્ણન શરૂ કર્યું. ત્યારે મને ખાતરી થઇ કે એ વિવેક કરતો ન હતો- અને નવેસરથી નવાઇનો આંચકો લાગ્યો. એણે મિત્રોના- ખાસ કરીને બિનીતના- ખબરઅંતર પૂછ્‌યા. કારણ કે છેલ્લે અમે મળ્યા તેના થોડા દિવસોમાં બિનીત દુબઇ જવાનો હતો અને હું પત્રકારત્વમાં (‘અભિયાન’માં) જોડાવા માટે મુંબઇ.

લગભગ વીસેક મિનીટ સુધી મારી સાથે વાત થયા પછી સમંદરે બીરેનને પણ એ જ રાત્રે ફોન કર્યો. મોબાઇલ સંપર્ક સ્થાપિત થયા પછી વચ્ચે વચ્ચે સમંદર સાથે વાત થતી હતી. થોડી ખુશીમજાની, થોડી તેમના કાર્યક્રમો વિશેની. અમે મળ્યા ત્યારે સમંદર-સાગર ફક્ત રાજસ્થાની ગીતો ગાતા હતી. પછી બદલાતા સમય પ્રમાણે તેમણે રાજસ્થાની સંગીતની સાથોસાથ સૂફી સંગીતનો પણ ઉમેરો કર્યો હતો. (મુખ્યત્વે કવ્વાલી, પણ રાજસ્થાની અંદાજમાં)

અનેક દેશો ફરી ચુકેલા સમંદરખાનના મનમાં એવું હતું કે પાડોશી રાજ્ય ગુજરાતમાં રસિકજનો સામે કાર્યક્રમ થઇ શકે તો મઝા આવે. કારણ કે તેમને ભાગ્યે જ ગુજરાત આવવાનું બનતું હતું. મિત્રો પૂરતું આયોજન હજુ થઇ શકે, પણ વ્યાવસાયિક આયોજનમાં  અમારી મર્યાદા હતી. સમંદરના પ્રસ્તાવમાં દુરાગ્રહનો  નહીં, ઇચ્છાનો જ ભાવ હતો. મિલન-મુલાકાત-મહેફિલ માટે તેમનું જયપુરનું આમંત્રણ પણ હતું જ. હવે સમંદરે બાડમેરનું ગામ છોડીને જયપુરમાં પોતાનું ઘર બનાવ્યું હતું. શરીર સિવાયની સમૃદ્ધિ પણ થઇ હતી. નાના ગામડામાંથી આવતા હોવા છતાં દુનિયાદારીની પાકી સમજણ સમંદરની વાતોમાં પડઘાતી હતી. એ સફળ વ્યાવસાયિક થયો હોવા છતાં, દરેક બાબતને વ્યવસાયના ત્રાજવે તોળતો થઇ ગયો ન હતો.
  
***

નવેસરથી સંપર્ક સ્થાપિત થયા પછી બિનીતની અને મારી સાથે સમંદરની વાત થયા કરતી હતી, પણ મળવાનો જોગ થતો ન હતો. આખરે અમદાવાદ આકાશવાણીની સંગીતસંઘ્યા નિમિત્તે સમંદરને અમદાવાદ આવવાનું ગોઠવાયું. સંગીતસંઘ્યા મંગળવાર (૨૩-૭-૧૩)ની સાંજે હતી. એ બપોરે બિનીત સમંદર સહિત છ જણની આખી મંડળીને ડાઇનિંગ હોલમાં જમવા લઇ ગયો હતો. ત્યાં બપોરે અમારી મુલાકાત થઇ- ૧૮ વર્ષના લાંબા અંતરાલ બાદ. એકબીજાને ભેટ્યા. પછી સાથે આવેલા આધેડ વયના ભાઇ તરફ આંગળી ચીંધીને કહે, ‘પહેચાના ઇનકો?’ હું જોઇ રહ્યો, એટલે સમંદર કહે, ‘સતારખાન’. સતારખાન સમંદરના બનેવી. અમારી આખી કથાનું આરંભબિંદુ સતારખાન હતા. વીસ વર્ષ પહેલાં ઉદેપુરના શિલ્પગ્રામમાં પહેલો પરિચય સતારખાન સાથે થયો હતો. તેના તાંતણે જ કુલ્લુમાં સમંદર-સાગરની ઓળખાણ થઇ હતી. વીસ વર્ષ પહેલાં કાળી મૂછો અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા સતારખાન હવે જરા ખખડ્યા હતા. સતારખાન પણ ઉષ્માપૂર્વક ભેટ્યા. ‘બડે ભૈયા વીરેન્દ્રભાઇ’ (બીરેન)ને યાદ કર્યો. કહે, તમારા લોકોની બહુ યાદ આવતી હતી, પણ અતોપતો ક્યાંથી શોધવો? 

જમ્યા પછી એમને મહેમદાવાદ બોલાવવાનું વિચારીને અમે છૂટા પડ્યા. પછી ડાઇનિંગ હોલની નીચે ઊભા રહીને બિનીતે અને મેં બીજા દિવસની સાંજનો મહેમદાવાદનો કાર્યક્રમ નક્કી કર્યો. છ કલાકારો હતા. તેમના માટે ગાડીની વ્યવસ્થા કરવાની. તેમને રાત્રે પાછા ફરવું કે બીજા દિવસે સવારે એ પણ નક્કી ન હતું. મિત્રોને જાણ કરવાની. આટલી ટૂંકી મુદતમાં કેટલાને ફાવે એ સવાલ. છતાં આવા કાર્યક્રમોની નવાઇ ન હોવાથી, એ બઘું કામ શરૂ કર્યું. પણ બીજા દિવસે સવારે એટલો વરસાદ પડ્યો કે બપોરે કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો. ફરી બધા મિત્રોને જાણ કરી. બપોરે સમંદર અને સાથીદારો બિનીતના ઘરે જમવા ગયા હતા. ત્યાં એમની સાથે વાત થઇ. અમારા બન્નેના સૂરમાં કાર્યક્રમ ન ગોઠવાયા બદલ નિરાશાનો ભાવ હતો. પણ વરસાદ સામે શું થઇ શકે? 

બપોરે ચાર વાગ્યે ફરી એક વાર બિનીતનો ફોન આવ્યો. વરસાદ રહ્યો હતો અને ઉઘાડ નીકળ્યો હતો. ‘કાર્યક્રમ ગોઠવી કાઢવો છે?’ બિનીતે પૂછ્‌યું. વડોદરા બીરેન-કામિની સાથે વાત થઇ અને ફરી જે થોડા મિત્રોએ આવવાનું કહ્યું હતું તેમને સંદેશો કહ્યો. છેવટે સાવ ઓછા મિત્રો આવી શક્યા ઃ વડોદરાથી પરેશ પ્રજાપતિ (અમારી કુલ્લુની અને મહેમદાવાદની મહેફિલોનો સાથી), ગાંધીનગરથી જ્યોતિબહેન (ચૌહાણ) અને નંદિતાબહેન (મુનિ), અમદાવાદથી વિશાલ પાટડિયા દંપતિ, અર્પિત પાટડિયા દંપતિ અને વિશાલની માંડ છ મહિનાની દીકરી. 

કળાકારો તો ‘પહેલે ગાના, ફિર ખાના’ વાળા હતા. એટલે અમે જમીને ઉપરના સિટિંગ રૂમમાં ગોઠવાયા. સમંદરખાને ‘મહારાજ ગજાનન આવોની, મ્હારી મંડલીમાં રસ બરસાવોની’ થી શરૂઆત કરી અને ઢોલક-કમઇચાની સાથે સમંદરના સૂર અને તેની ખડતાલની કળામાં  આગળ થયેલી બધી દોડાદોડ ભૂલાઇ ગઇ. બહાર વરસાદ બંધ રહ્યો હતો, પણ રૂમમાં સંગીતની વર્ષા શરૂ થઇ ચૂકી હતી.  

(વધુ વિડીયો અને તસવીરો હવે પછી)

(નોંધ- આ વિડીયોમાં સમંદર જે વગાડે છે તેને ખડતાલ કહેવાય છે. એ કોઇ પણ જાતની પકડ વગરની લાકડાની ચાર છૂટી પટ્ટી જ હોય છે.) 

ગણેશસ્તુતિ - રાજસ્થાની સ્ટાઇલ/
Samandar Manganiyar & Party, Mahemdavad

રાધારાણી દે ડારો ના બંસરી મોરી/
Samandar Manganiyar & Party, Mahemdavad

Monday, January 02, 2012

700મી પોસ્ટઃ વાત વિશિષ્ટ મૈત્રીની

બ્લોગની 700મી પોસ્ટમાટે શું કરવું, એનો થોડો વિચાર કર્યા પછી ‘મૈત્રીનો સૂર્ય’ (સંપાદકઃ સુરેશ દલાલ)માટે લખેલો એક લેખ થોડા ફેરફાર અને ઘણી (પુસ્તકમાં નહીં આવેલી) યાદગાર તસવીરો સાથે અહીં મૂકવાનું મન થયું. આ પ્રસંગો મારા પત્રકારત્વમાં આવતાં પહેલાંના છે. જેમની વાત કરવાની છે, તેમને રૂઢ અર્થમાં ‘મિત્રો’ કહેવાય કે કેમ ખબર નથી, ફક્ત ત્રણ વાર,ત્રણે જુદાં જુદાં ઠેકાણે અમે મળ્યા છીએ. પણ અમારી મુલાકાત વખતે છલકાયેલા સૂર અને તેની સાથે વીંટળાયેલી લાગણીની ઉષ્માને કારણે, એ સંબંધને મિત્રાચારી કહેવાનું- એ રીતે યાદ કરવાનું બહુ ગમે છે.
***
મોટા ભાઇ બીરેન અને આઠ-નવ મિત્રો (મોટા ભાગનાં દંપતિ) સાથે 1993ની મધ્યમાં ઉદેપુર ફરવા ગયો હતો.ત્યારે બી.એસસી. કેમિસ્ટ્રીનો અભ્યાસ પૂરો થઇ ચૂક્યો હતો. અભ્યાસની સમાંતરે બંધાયેલો સંગીત, કળા અને વાચનના સંસ્કારનો કાચો પોપડો પાકો થવાની રૂપાંતર પ્રક્રિયા ત્યારે ચાલતી હતી. ઉદેપુરમાં ‘સહેલીયોંકી વાડી’ને બદલે ‘પપેટ થિએટર’માં વધારે રસ પડતો હતો. એ જાતના ધક્કાથી અમે સૌ ઉદેપુરથી થોડે દૂર આવેલા ‘શિલ્પગ્રામ’ ગયા.

‘શિલ્પગ્રામ’/Shilpgram વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટરે ઊભું કરેલું વિશાળ સંગ્રહાલય છે. ત્યાં પશ્ચિમ ભારતનાં ગામડાંમાં જોવા મળતા પરંપરાગત મકાનોનાં પૂર્ણ કદનાં મોડલ ઊભાં કરવામાં આવ્યાં છે. એ પ્રદેશોની સંસ્કૃતિની ઝલક પણ ત્યાં આવતા પ્રવાસીઓ સમક્ષ પીરસવામાં આવે છે. અમે ગયા ત્યારે રાજસ્થાની કળાકારોનું એક વૃંદ ત્યાં મોજુદ હતું. એ વખતે ઐશ્વર્યા રાય પર ‘નીમ્બુડા નીમ્બુડા’ પિક્ચરાઇઝ થવાનું બાકી હતું. રાજસ્થાની સંગીત/Folk Music Of Rajasthan ફેશનેબેલ બન્યું ન હતું. પણ કલાકારોના બુલંદ સ્વર અને સંગીતના સૂરતાલથી ખેંચાઇને અમે ત્યાં ગયા અને ત્યાં જ બેસી પડ્યા.
(શિલ્પગ્રામમાં- ડાબેથી બીજા સતારખાન)
બેઠા એટલે ગીતની મહેફિલ શરૂ થઇ.હાર્મોનિયમ, ઢોલક, ‘કમઇચા’ તરીકે ઓળખાતું તંતુવાદ્ય, કરતાલ (કે ખડતાલ) અને ચાર પુરુષ કળાકારોનો સ્વર. રાજસ્થાની ગીત અમે પહેલી વાર સાંભળ્યાં. તેમાંથી છલકાતાં મધુરતા, ઠેકો, કરતાલનાં કરતબ, ઢોલકની થાપ, કળાકારોના દેહાતી વજન ધરાવતા અવાજ- આ બધું શિલ્પગ્રામના ખુલ્લા આકાશ નીચે. ભરબપોરે નશો ચડવા લાગ્યો. અમને ઝૂમતા જોઇને કળાકારોને જોશ ચડ્યું. એ બમણા ઉત્સાહથી ગીત ગાવા લાગ્યા. ‘નીમ્બુડા નીમ્બુડા’ અમે પહેલી વાર ત્યારે સાંભળ્યું અને દિવસો સુધી એ મનમાં ગુંજતું રહ્યું.
થોડાં ગીત સાંભળ્યા પછી અમે ઊભા થવાની વાત કરી. હજુ આખું શિલ્પગ્રામ જોવાનું બાકી હતું, પણ વૃંદના એક કળાકાર સતારખાને આગ્રહપૂર્વક કહ્યું, ‘યે હમારી ઓરસે’ અને ‘દમાદમ મસ્ત કલંદર’ શરૂ થયું.
(ડાબેથીઃ ઉર્વીશ કોઠારી, બકુલ જોશી, હાર્મોનિયમ પર સતારખાન, સાથીદાર, રાજુ પટેલ, કામિની કોઠારી)
ગીત પૂરું થયા પછી ઘણા સમય સુધી તેની મસ્તી ઓસરી નહીં. કળાકારોની વિદાય લઇને અમે આગળ વધ્યા ત્યારે કલ્પના પણ ન હતી કે સતારખાન સાથે ફરી મુલાકાતનો જોગ થશે.
***
એ જ વર્ષે (1993) ઓક્ટોબરમાં અમે સપરિવાર અને ખરા અર્થમાં મિત્રમંડળ સહિત શિમલા-કુલુ-મનાલી/ Shimla-Kullu-Manali નો પ્રવાસ ગોઠવ્યો. શિમલાથી મનાલી જતાં વચ્ચે એક રાત કુલુમાં રોકાણ હતું. નવરાત્રિનો સમય હતો. કુલુના વિખ્યાત ‘દશેરા ઉત્સવ’ની શરૂઆત પણ એ જ રાતથી થવાની હતી.

ઢળતી સાંજે અમે કુલુ પહોંચ્યા. એક રાત પૂરતો હોટેલની રૂમનો બંદોબસ્ત કરવાનો હતો. બે-ત્રણ મિત્રો જુદી જુદી દિશામાં રૂમની તપાસ કરવા ગયા. બીરેન પણ તેમાં હતો. તપાસ દરમિયાન એક જગ્યાએ રૂમના અધખુલ્લા બારણામાંથી બીરેનને સંગીતના સૂર સંભળાયા. જિજ્ઞાસાથી તેણે રૂમમાં ડોકિયું કર્યું. અંદર રાજસ્થાની લોકકળાકારો બેઠા હતા. એમાં મોટા ભાગના જુવાનિયા હતા અને એક ચહેરો....એક ચહેરો બરાબર સતારખાન જેવો લાગતો હતો. નજરો મળી. થોડી ક્ષણો પછી બીરેને નામો યાદ રાખવાની તેની અદભૂત ક્ષમતા પ્રમાણે પૂછ્યું, ‘સતારખાન?’
સતારખાને વળતા ઉમળકાથી પૂછ્યું, ‘શિલિપગ્રામ?’

‘તમે અહીં ક્યાંથી?’ પ્રકારની પૃચ્છા થઇ.તેમાંથી જાણવા મળ્યું કે કુલુમાં દશેરા ઉત્સવની પહેલી રાત્રે રાજસ્થાની લોકસંગીતનો કાર્યક્રમ હતો. તેમાં ભાગ લેવા માટે સતારખાન અને તેમના બે સાળા સમંદરખાન-સાગરખાન માગણિયાર/ Sagar and Samandar Manganiyar, બીજા બે સાથીદારો સાથે રાજસ્થાનથી કુલુ આવ્યા હતા. સતારખાને સમંદર-સાગરની ઓળખાણ કરાવી. લોકકળાકાર તરીકે દેશવિદેશ ફરી ચૂકેલા ભાઇઓ તેમની કળામાં પારંગત હતા.સમંદર ગાવામાં ને સાગર ઢોલક વગાડવામાં. તેમના પિતા સિદ્દીક માંગણિયાર/Siddque Manganiyar સંગીતનાટક અકાદમીના પુરસ્કારથી સન્માનિત અને લોકસંગીતમાં જાણીતું નામ હતા.

બીરેને શાંતિથી મળવાના ઉત્સુકતાભર્યા વાયદા સાથે તેમની રજા લીધી, અમારી પાસે આવ્યો અને ખુશખબર આપ્યા. રાત્રે અમે સરકારી દશેરા ઉત્સવમાં ગયા. ત્યાં સમંદર-સાગરનાં માંડ બે-ત્રણ ગીત હતાં. એ પૂરાં કરીને અમે સાથે કાર્યક્રમમાંથી નીકળી ગયાં અને એમના ઉતારે પહોંચ્યાં. એમનો ઉતારો એક નિશાળમાં હતો. તેનું મકાન બરાબર નદીકિનારે હતું. કુલુમાં સાંકડા પટમાં પુરજોશ વહેતી બિયાસ નદીના કાંઠે નિશાળનો પાછળનો ભાગ અને ઓટલો પડતાં હતાં. વાતાવરણમાં મોડી સાંજની બેઠ્ઠી ઠંડક પથરાયેલી હતી. એ નિશાળના એક રૂમમાં મહેફિલ જામી. એક પછી એક રાજસ્થાની લોકગીતોનો દૌર શરૂ થયો. સ્થિતિ એવી થઇ જાણે આ કળાકારો સરકારી કાર્યક્રમ માટે નહીં, પણ અમારા માટે જ રાજસ્થાનથી હિમાચલ પ્રદેશ આવ્યા હોય.
(ઢોલક પર રમજાનચાચા, સાગર અને હાર્મોનિયમ પર સતારખાન)
(સ્કૂલના બંધ રૂમમાં મિત્રમંડળી સાથે વડીલમંડળીઃ ડાબે ટોપીવાળો સાગરખાન)
સાવ અજાણ્યા પ્રદેશમાં અમે અને અમારા રાજસ્થાની મિત્રો એક જ રાત માટે આવ્યા હોઇએ અને મેળાના માહોલમાં વિખૂટા પડવાને બદલે મળી જઇએ, એ રોમાંચ ઓછો હોય તેમ રાજસ્થાની સંગીતની મસ્તી તેમાં ઉમેરાઇ. રાત્રે સમારંભના સ્થળેથી કળાકારો સાથે ચાલતાં તેમના ઉતારા પર આવ્યા ત્યારે તેમણે અમને એમના રાજસ્થાની સાફા પહેરાવ્યા. તસવીરો લેવાઇ.
(ડાબેથીઃ બિનીત મોદી, સાગરખાન, સમંદરખાન, બીરેન, ચાચા
કામિની, સતારખાન, પરેશ પ્રજાપતિ. પાછળ વહેતી બિયાસ )
ગપ્પાંગોષ્ઠિ. ગીતસંગીત. એ મહેફિલ પર પૂર્ણવિરામ મૂકવાનું મન થતું ન હતું. કળાકારોની પણ એવી તૈયારી હતી કે તમે બેસતા હો તો સવાર પાડી દઇએ અને અહીંથી સીધા જ રાજસ્થાન જવા નીકળી જઇએ. પણ સાથે વડીલો હતા. એટલે બાર-સાડા બારે ગીતસંગીત અટકાવ્યું. અમે લોકો જવા નીકળ્યા એટલે એ લોકો થોડે સુધી મૂકવા આવ્યા. મનમાં આનંદનાં મોજાં ઉછાળા મારતાં હતાં. જરાય અપેક્ષા ન રાખી હોય એવા કળાકારો સાથેની મુલાકાતમાં જાણે વર્ષોજૂની દોસ્તી હોય એવો સ્નેહ છલકાય, તેને શું ગણવું? શું નામ આપવું? અને નામ પણ શા માટે આપવું?
***
કુલુમાં રાજસ્થાની મિત્રોની યાદગાર મહેફિલની તસવીરો જોઇને અમે તેનો આનંદ વાગોળતા હતા અને મિત્રો સાથે ફરી ક્યારે મુલાકાત થશે એ વિચારતા હતા. અચાનક, 1995માં એક દિવસ સમંદરખાન માંગણિયારનો ફોન આવ્યો. એ લોકોને એક કાર્યક્રમ માટે દીવ આવવાનું હતું. ‘ગુજરાત જઇએ છીએ તો મિત્રોને મળતા આવીએ’ એવી તેમની લાગણી હતી. અમે તેમને દીવથી અમદાવાદ આવવા માટે માર્ગદર્શન આપ્યું. કુલુની મહેફિલમાં બિનીત (મોદી)/Binit Modi સામેલ હતો. તે અમદાવાદમાં કળાકારોને કંપની આપે અને પછી મહેમદાવાદ લઇ આવે એવું નક્કી થયું. એ વખતે બીરેન આઇ.પી.સી.એલમાં કામ કરતો હતો, પણ મારી કારકિર્દીનું ઠેકાણું ન હતું. બિનીત ડેન્ટલ ચેર બનાવતી કંપની ‘સુઝડેન્ટ’માં કામ કરતો હતો, જ્યારે હું ‘નવનીતલાલ એન્ડ કંપની’માં ક્લાયન્ટ સર્વિસિંગમાં ટ્રેની તરીકે લમણાં લેતો હતો. અમારા બન્નેનો પગાર ત્રણ આંકડામાં હતો. બીરેનનો પગાર પ્રમાણમાં સારો, પણ એની આવક ઘરનો એકમાત્ર આધાર હતી. એ બધું બાજુ પર રાખીને રાજસ્થાની મિત્રોના સ્વાગતમાં કચાશ ન છોડવી એવું અમે નક્કી કર્યું.

અમારા પરિચયમાં નિમિત્ત બનનાર સતારખાન આ વખતે આવ્યા ન હતા. સમંદરખાન-સાગરખાન સાથે એક છોકરો જમીલખાન હતો. એ ગાવામાં અને ઢોલક વગાડવામાં પણ સાથ આપતો હતો. ત્રણેની મંડળીને અમે ‘વિશાલા’માં પાર્ટી આપવાનું નક્કી કર્યું. કુલુની મહેફિલમાં સામેલ મિત્રો પરેશ પ્રજાપતિ/Paresh Prajapati, બિનીત કે હું-અમારામાંથી કોઇની સ્થિતિ ‘વિશાલા’માં જવાય એવી ન હતી. હું ઘરેથી થોડા રૂપિયા લઇને ગયો હતો. એવું જ બીજા બન્ને મિત્રોનું. અમે ત્રણે ‘વિશાલા’ની બહાર ઊભા રહીને એક વાર અમારી ત્રણેની ‘રકમો’ તપાસી. ‘બધું બરાબર છે. વિશાલામાં વાસણ ઘસવાનો વારો નહીં આવે’ એવી રમૂજી-કમ-ગંભીર ખાતરી પછી અમે અંદર ગયા. રાજસ્થાની મિત્રોને ત્યાં મઝા આવી. ‘વિશાલા’માં ગવાતાં રાજસ્થાની ગીત તેમણે સાંભળ્યાં. એ ગાયકો સાથે થોડી વાતચીત કરી. રાત્રે છૂટા પડતી વખતે મહેમદાવાદ/Mahemdavad કાર્યક્રમ ગોઠવાયો.

બીજે દિવસની સાંજે એ લોકો મહેમદાવાદ આવ્યા. અમારા માટે એ ઉત્સવનો પ્રસંગ હતો. બીરેનના લગ્નમાં અમે જરાસરખી ધામધૂમ કરી ન હતી, પણ રાજસ્થાની મિત્રોની કાર્યક્રમ નિમિત્તે અમે મહેમદાવાદના ઘણા મિત્રોને આમંત્રણ આપ્યાં. ગાંધીનગરથી બીરેન મહેતા/Biren Mehta આવ્યો હતો. બિનીતે તેનાં કેટલાંક કુટુંબીજનોને કહ્યું હતું. એ પણ અમદાવાદથી આવ્યાં હતાં. અમદાવાદમાં એ વખતે બીજું મિત્રવર્તુળ ન હતું. રજનીકુમાર પંડ્યા સાથે આત્મીયતા થઇ હતી. તેમને અનુકૂળ ન હતું, પણ ગીતસંગીતના રેકોર્ડિંગ માટે બિનીત તેમનું રેકોર્ડર લઇ આવ્યો હતો. કાર્યક્રમ માટે બીરેન-કામિનીએ ત્રણ રૂમ જેટલી લંબાઇ ધરાવતો (જૂના) ઘરનો ત્રીજો માળ સજાવ્યો હતો.
સમંદરખાન સાથે ઢોલક પર જમીલ
સાંજે મહેમાન આવવાના શરૂ થયા. રાજસ્થાની મિત્રો પણ આવી ગયા. રાત્રે ઘરમાં બધાની જમવાની વ્યવસ્થા હતી. કળાકારોએ ‘કાર્યક્રમ પછી જમીશું’ એવું કહ્યું. બાકીના સૌ પરવારીને ઉપરના માળે ગયાં. ત્યાં તખતો સજાવેલો હતો. ગણ્યાંગાંઠ્યા લોકો સિવાય બાકીના લોકોને રાજસ્થાની સંગીતનો કશો પરિચય ન હતો.પણ સમંદરે બે હાથમાં કુલ ચાર લાકડાની છૂટ્ટી પટ્ટીઓ (કરતાલ) સાથે ગાવાનું શરૂ કર્યું એટલે વાતાવરણ બંધાઇ ગયું.

વિવિધ મુદ્રાઓ અને કરતબોમાં કરતાલ વગાડવાની અને સાથોસાથ ગાવાની સમંદરખાનની કમાલથી સંગીતની સાથે બહુ લેવાદેવા ન ધરાવતાં મિત્રો-મિત્રપત્નીઓ પણ મુગ્ધ થઇ ગયાં. એક મિત્રે કહ્યું, ‘પહેલેથી ખબર હોત કે આવો પ્રોગ્રામ છે તો વિડીયો કેમેરા લઇને આવત.’

વડોદરાથી બીરેનની સાથે ફાઇન આર્ટસમાં ભણતા બે બંગાળી મિત્રો અજય શર્મા અને રાજેશ શર્મા પણ આવ્યા હતા. રાજસ્થાની ગીતોની રમઝટથી વાતાવરણમાં વહેતી થયેલી વીજળીને કારણે બન્ને બંગાળી મિત્રો પણ ગાવા ઉશ્કેરાયા. તેમણે બંગાળનું એક લોકગીત ગાયું. એટલે સમંદરખાને એ જ ધૂન અને એ જ મીટર ધરાવતું એક રાજસ્થાની ગીત લલકાર્યું. પછી સમંદર-સાગર બંગાળી અને રાજસ્થાની શબ્દોનું ફ્યુઝન કરીને ગાવા લાગ્યા.
(ડાબેથીઃ સાગરખાન, રાજેશ શર્મા, અજય શર્મા, સમંદરખાન, જમીલખાન)
એવી રીતે ગુજરાતી ગીતનો પણ વારો આવી ગયો. ક્યાંકથી ભૂપેન હઝારિકાનું ‘દિલ હૂમ હૂમ કરે ‘  આવી ગયું ને સંગીતની ગલીમાં મનમોજથી ફરતાં ‘હો ગઇ આધી રાત અબ ઘર જાને દો’ પણ અડફેટે ચડી ગયું. એકાદ ગીતમાં સમંદર-સાગરે અમારી દોસ્તીની અને એ વખતે સાવ નાની એવી બીરેનની દીકરી શચિની વાત સાંકળી લીધી.

સમય વીતતો હતો, પણ કોને પરવા હતી? રાત ચડતાં થોડા મિત્રોએ વિદાય લીધી. છતાં ચાળીસ-પિસ્તાળીમાંથી પંદર-વીસ જણ બેઠા હતા. સમંદર-સાગર થાક્યા હોય એવું લાગતું ન હતું. પરોઢિયે ચારેક વાગ્યે મહેફિલનું સમાપન થયા પછી એ લોકો નીચે જમવા આવ્યા. તેમના ચહેરા પર ઉંઘનું નામોનિશાન ન મળે. જમીને સાગરખાન મિત્ર દિલીપ પંચાલ સાથે મહેમદાવાદની લટાર મારવા નીકળ્યા. નજીકના મંદિરમાં પરોઢિયાનું કીર્તન ચાલતું હતું, ત્યાં સાગરખાને થોડાં ભજન ગાયાં.

બીજા દિવસે ફરી કેટલાક મિત્રો ભેગા થયા. મસ્તીના આલમમાં ગીત ઓછાં પડતાં હોય તેમ ગીતોની સાથે ડાન્સ શરૂ થયો. ઘરના આગળના(ડ્રોઇંગ) રૂમમાં સમંદર, સાગર, બીરેન, પરેશ, નીલેશ પટેલ, બન્ને બંગાળી મિત્રો- બધા એકબીજાનો હાથ પકડીને ગાતા જાય અને ધમાકાભેર સ્ટેપ્સ લેતા જાય. નીલેશને બાદ કરતાં બીજા કોઇને અગાઉ આમ મન મૂકીને આવડે એવું નાચતાં જોયા ન હતા. ઘરમાં આ પહેલાં આટલી ધમાલમસ્તી ક્યારે થઇ હશે કોને ખબર? પણ એ દિવસની- એ સંગતની વાત જુદી હતી.

બપોરે છૂટા પડવાનો સમય આવ્યો. અમારા અને એમના મોઢે એક જ સવાલ હતોઃ ‘હવે ક્યાં અને ક્યારે મળવાનું થશે?’ તેનો જવાબ પણ સરખો હતોઃ ‘મળી જઇશું ક્યાંક. આવી જ રીતે.’ અમારા પરિચયને દોસ્તીમાં ફેરવાવામાં મુલાકાતોની સંખ્યા, સાથે વીતાવેલો સમય, પરિચયનો સમયગાળો- આ બધું ગૌણ હતું. આકસ્મિક સંજોગોમાં અણધાર્યા સ્થળે મળવું અને એકબીજા સાથે જુગજૂની દોસ્તી હોય તેમ, વચ્ચે વીતેલો સમય ઠેકીને સીધું અનુસંધાન સાધી લેવું, એ અમારી મૈત્રીનું વણલખ્યું બંધારણહતું.
(15-1-94નો એક પત્ર જે સમંદરે કોઇની પાસે સારા અક્ષરે લખાવ્યો હશે.
નીચે પોતાના અક્ષરમાં નોંધ છે કે 'સાગરને છ મહિના પેરીસ મોકલું છું.
પછી હું મંડળી સાથે જઇશ. તમારે કંઇ મંગાવવું હોય તો લખશો.')
મહેમદાવાદની મહેફિલ પછી થોડા સમય સુધી સમંદર-સાગર સાથે પત્રસંપર્ક ચાલુ રહ્યો..ટીવી પર બે-ત્રણ વાર સમંદરખાનની ગાયકીની ઝલક જોવા-સાંભળવા મળી. તેમની કળાનો ઉપયોગ મુખ્યત્વે શો-પીસ તરીકે થતો હોવાથી આખેઆખો કાર્યક્રમ તેમનો હોય એવું ભાગ્યે જ બને. પરંતુ એ વાત થઇ જાહેર કાર્યક્રમની. અમારી મુલાકાતોમાં વાતો ઓછી ને સંગીત વધારે. એ દિલથી ગાઇને પોતાનો પ્રેમ ઢોળે ને અમે દિલથી સાંભળીને તેનો પ્રતિસાદ આપે એટલે દોસ્તીની સર્કિટ પૂરી.

1995માં થયેલી અમારી મુલાકાતને હવે 16 વર્ષ થયાં. છતાં હજુ બહારગામ જવાનું થાય ત્યારે મનમાં ઊંડે ઊંડે એવી આશા રહે છે કે હમણાં કોઇ ખૂણેથી સમંદર-સાગર પ્રગટશે અને સ્થળકાળની પરવા કર્યા વિના અમારી દોસ્તી સૂરમાં ઢળીને વહેવા લાગશે.