Saturday, August 05, 2023
અચ્યુતભાઈ યાજ્ઞિકનો ઇન્ટર્વ્યૂ (30 એપ્રિલ, 2006) : સગવડિયા ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક અને ક્રૂર બનાવ્યાં છે
વર્ષ 2006-07માં 'દિવ્ય ભાસ્કર' સાથે સંકળાયો ત્યારે ગુજરાતી પત્રકારો કરતાં સાવ જુદાં વલણો ધરાવતા, પ્રયોગશીલ અને મૌલિક એવા આકાર પટેલ તેના ગ્રુપ એડિટર હતા. તેમણે રવિવારની પૂર્તિને નવું રૂપ આપ્યું અને તેમાં એક આખા પાનાના ઇન્ટર્વ્યૂનો સમાવેશ કર્યો. તે સ્વરૂપમાં મારે પાંચ-છ ઇન્ટર્વ્યૂ કરવાના થયા. તેમાંથી એક અચ્યુતભાઈનો હતો. થોડા વખત પહેલાં તેમનું ગુજરાત વિશેનું પુસ્તક આવ્યું હતું. એટલે તે વાંચીને તેમનો ઇન્ટર્વ્યૂ કરવો એવું ઠર્યું. તે ઇન્ટર્વ્યૂ નિમિત્તે અચ્યુતભાઈ સાથે શરૂ થયેલો સંબંધ પછી તો સતત જળવાઈ રહ્યો.
અચ્યુતભાઈની
વિદાય પછી વડીલ મિત્ર વિપુલ કલ્યાણીએ તેમના ઇન્ટર્વ્યૂની વર્ડ ફાઇલ માગી. જાતે
ટાઇપ કરવાનું અનુકૂળ ન હતું. એટલે મિત્ર સુજાતને કહ્યું. તેણે તત્કાળ કરીને તે
મોકલી આપી. એટલે 17 વર્ષ પહેલાંનો આ ઇન્ટર્વ્યૂ અહીં મૂક્યો છે.
*
બેસ્ટસેલર પુસ્તક ‘શેપિંગ ઓફ મોડર્ન ગુજરાત’ના સહલેખક તરીકેની સૌથી તાજી ઓળખ ધરાવતા અચ્યુત યાજ્ઞિક છેલ્લા ત્રણેક દાયકાથી ગુજરાતના જાહેરજીવન સાથે સંકળાયેલા રહ્યા છે. તેમના કૌટુંબિક સંસ્કાર કર્મકાંડી બ્રાહ્મણના. તેની પર રામમનોહર લોહિયાના સમાજવાદનો રંગ ચડ્યો. એટલે ‘ગુજરાત સમાચાર’માં દસ વર્ષની નોકરી દરમિયાન યુનિયન પ્રવૃત્તિ અને કામદાર સંઘની પ્રવૃત્તિઓ સાથે નજીકથી સંકળાયેલા રહ્યા. ગુજરાતી પત્રકારત્વમાં એક દાયકો વિતાવ્યા પછી અચ્યુતભાઈ મુક્ત થયા. ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ (સુરત)ના સંશોધનપત્ર ‘અર્થાત્’ના સ્થાપક-સંપાદક બન્યા. પાંચેક વર્ષ સુધી ‘ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ વીકલી’ જેવા પ્રતિષ્ઠિત સામયિક માટે ગુજરાતમાં રહીને કામ કર્યું. ‘લોકાયન’ પ્રોજેક્ટથી તે સમાજકાર્ય સાથે સંકળાયા અને ‘સેતુ – સેન્ટર ફોર સોશિયલ નોલેજ એન્ડ એક્શન’ની સ્થાપના કરીને સમાજકાર્યમાં ઝંપલાવ્યું. તેમના શબ્દોમાં કહીએ તો, “સાહસ કરી શકું એવી સ્થિતિમાં હતો, એટલે સાહસ કર્યું.” બૌદ્ધિક પ્રતિભા અને સંશોધક તરીકેનું ઊંડાણ તેમના પુસ્તકમાં જ નહિ, તેમની સાથેની વાતચીતમાં પણ સતત (તેમના મુક્ત હાસ્યની જેમ) પ્રગટતું રહે છે. તેમની સાથેની વિશેષ મુલાકાતના અંશો અત્રે પ્રસ્તુત છે:
સાહિત્યનો સમાજ સાથેનો નાતો તૂટી ગયો
છે, એવી ફરિયાદ ભૂકંપ અને ૨૦૦૨નાં રમખાણો પછી તીવ્ર બની છે. આવું થવાનું શું કારણ?
સાહિત્ય હોય કે સામાજિક પ્રવૃત્તિ, તેમાં પડેલા માણસે ડી-લર્નિંગની
પ્રક્રિયામાંથી પસાર થવું પડે. કૌટુંબિક વારસાને લીધે જે ભાષા અને સમજ પ્રાપ્ત થઈ
હોય તેનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થવો જોઈએ કારણ કે બહુજન સમાજ સાથે સંકળાવાનું છે. એ
પ્રક્રિયા ન થાય, તો બહુજન સમાજ સાથે સીધું સંધાન થઈ શકતું નથી. સાહિત્યમાં લેખકોએ
પોતાના પરિવેશની બહાર જવાનો પ્રયાસ ન કર્યો. ગાંધીયુગમાં શહેરના ભણેલાગણેલા લોકોને
પોતાના પરિવેશની બહાર ખેડા કે બારડોલીના ખેડૂતો સાથે વાત કરવાનો સંબંધ ઊભો થયો, પણ
આઝાદી પછી એ પ્રક્રિયા અટકી ગઈ. આઝાદી પછીના સાહિત્યને હું ‘માસ્તરિયું
સાહિત્ય’ કહું
છું. તે ચારસો-પાંચસો અધ્યાપકો-પ્રાધ્યાપકોનું સાહિત્ય થઈ ગયું છે. એ લોકો જ વાંચે
અને એ જ સમજે. લોકમાનસ સાથેના તંતુવિચ્છેદની વાત પણ રસિકલાલ પરીખે સાહિત્ય પરિષદના
અધ્યક્ષપદેથી ૧૯૬૪-૬૫માં કરી હતી. બીજું કારણ એ કે સાહિત્યનો ઇતિહાસ સાથેનો સંબંધ
તૂટી ગયો. તેના સંયુક્ત પરિણામ તરીકે ઘોર વ્યક્તિવાદ ઊભો થયો, જેને ‘રે મઠ’ની
પ્રવૃત્તિ કહેવામાં આવે છે, તેમાં પણ ઘોર વ્યક્તિવાદ હતો. વર્તમાન અને ભૂતકાળ
સાથેનો સંબંધ તૂટી જતાં સાહિત્યકારો સ્વકેન્દ્રી બની જાય છે અને રોગિષ્ટ મનોદશા
ઊભી થાય છે. અત્યારનું આપણું સાહિત્ય રૂગ્ણ મનોદશાનું પરિણામ છે.
કનૈયાલાલ મુનશીએ જે લખ્યું તેને
ઇતિહાસ કહેશો?
મુનશીએ ગુજરાતની અસ્મિતાના તેમના ખ્યાલને પોષે એવું ઇતિહાસમાં જે હતું
એ લીધું. ચૌલુક્ય સમયને તેમણે ઊંચી પાયરી પર મૂકી આપ્યો. નવલકથા હોય તેમાં છૂટછાટ
તો લઈ શકાય, પણ મુનશી-ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાઓના પરિણામે ગુજરાતનું એક દર્શન
એવું ઊભું થયું, જે હિંદુ ભૂતકાળની વાત કરતું હતું. મુસ્લિમ શાસન શરૂ થયું તેના
પહેલાંના સમયની ચર્ચા કરતું હતું. દાખલા તરીકે, આજે અમદાવાદને કોઈ સંબંધ હોય તો એ
જૂના અમદાવાદની સ્થાપના સાથે છે. તેને ઐતિહાસિક રીતે સોલંકીસમય સાથે કોઈ સંબંધ
નથી. પણ (નવલકથાઓ પછી) પ્રવૃત્તિ એવી થઈ કે અમદાવાદને સોલંકીસમય કે ચૌલુક્ય સમય
સાથે જોડી દેવામાં આવે છે. બીજી રીતે એવું પણ કહેવાય કે આ પ્રકારની નવલકથાઓને
કારણે ગુજરાતમાં પ્રતિવાદ ન હતો એ પ્રગટ્યો.
નર્મદે ‘જય જય ગરવી ગુજરાત’ ગાયું
હતું...
નર્મદે કરેલી ગુજરાતી અસ્મિતાની વાત ભાષાકીય અને ‘શું
શાં પૈસા ચાર’ના સંદર્ભમાં હતી. નર્મદથી પહેલાં પ્રેમાનંદે ‘ગરવો
દેશ ગુજરાત’ લખ્યું છે, પણ કયું ગુજરાત એ પ્રેમાનંદે કહ્યું નથી. મુનશી-ધૂમકેતુની
નવલકથાઓમાં જે ગુજરાત આવે છે, એ મુસ્લિમોના આગમન પૂર્વેનું છે એટલે કે ગુજરાતની
બહુવિધતાનો એમાં સ્વીકાર નથી. ‘કરણઘેલો’માં નંદશંકર મહેતાએ પણ એવું કર્યું
છે. એ વખતે સવાલ થાય છે કે તમે કયા ગુજરાતની વાત કરો છો? એ ગુજરાતની જેમાં સુરત, અમદાવાદ,
જામનગર અને ભુજ પણ નહોતું? એ પ્રકારના સાહિત્યમાં, ગુજરાતની સંસ્કૃતિમાં
રહેલા સમન્વયની વાત આગળ ન વધી. સાહિત્યમાં ઇતિહાસ આવ્યો, પણ વિશિષ્ટ રીતે આવ્યો.
તેમાં ઇતિહાસબોધ ન આવ્યો.
પુસ્તકમાં વર્તમાન પરિસ્થિતિ માટે
તમે બૌદ્ધિક ગરીબીને જવાબદાર ગણાવી છે. એના માટે જવાબદાર કોણ?
એક તો આપણી વણિકવૃત્તિ. અત્યારે અમદાવાદની એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટમાં
પોણો લાખ હસ્તપ્રત છે. કોબામાં એક લાખ હસ્તપ્રત છે. ગુજરાતમાં હસ્તપ્રતોનો મોટો
ભંડાર છે. જૈન મુનિઓ જિનવિજયજી અને પુણ્યવિજયજીએ પ્રયત્નો કરીને આ ભંડાર એકઠો
કર્યો. તેનાથી એ ખજાનો સચવાયો અને અત્યારે સુરક્ષિત છે. એની વારસા તરીકે વાત
કરવાની – ગૌરવ લેવાનું પણ તેને આગળ લઈ જવાનું શું? ‘હસ્તપ્રતો વાંચનારા કેટલા?’ એવું
પૂછીએ, તો એનો જવાબ મળતો નથી કારણ કે તેના માટે જૂની ગુજરાતી, પ્રાકૃત અને
અપભ્રંશનો અભ્યાસ કરવો પડે અને તેમાં મુદ્દાનો સવાલ આવીને ઊભો રહે: ‘એમાંથી
મળે શું?’
અત્યારના સમાજમાં સંપ્રદાયોનું
વર્ચસ્વ ઘણું છે. સમાજ પર અસર વિશે બહુ સાંભળવા મળતું નથી.
હિંદુત્વની વાત થાય છે, ત્યારે સંઘ પરિવાર અને તેના જુદા જુદા સભ્યોની
જ ચર્ચા થાય છે. તેને કારણે હિંદુત્વને ગુજરાતમાં આગળ લઈ જવામાં સંપ્રદાયોના
પ્રદાનની વાત થતી નથી. આ સંદર્ભમાં ત્રણ મુદ્દા અગત્યના છે: (૧)
પહેલાં ભક્તિ આંદોલનમાં સમન્વયની વાત હતી. નવા સંપ્રદાયોથી એ તત્ત્વ કોરાણે મુકાઈ ગયું. (૨)
સાયન્સ-ટેક્નોલૉજીમાં નકારાત્મક પરિણામોની ચર્ચા નહિ કરવાની. ઉપરથી, તેમને સિદ્ધિ
તરીકે ઓળખવામાં આવે છે. અણુબોમ્બથી વધારે અધાર્મિક બીજું શું હોઈ શકે? પણ એ
અધાર્મિક છે એવું કહેવાતું જ નથી, એટલે સંપ્રદાયોના લોકો એવા મહાન ભારતની કલ્પના
કરે છે, જે ખરેખર પશ્ચિમની નાની આવૃત્તિ છે. (૩) ઉપભોક્તાવાદની પણ ચર્ચા નહિ
કરવાની. તેના કારણે, મધ્યમવર્ગને બહુ મજા પડી ગઈ.
આ ત્રણેય રીતે એક એવો નવો હિંદુવાદ અને હિંદુધર્મ ઊભો કર્યો, જે તેની
પ્રશિષ્ટ પરંપરાથી દૂર થઈ ગયો.
એટલે કે અત્યારના હિંદુત્વનો હિંદુ
ધર્મ સાથેનો સંબંધ નામ પૂરતો જ રહ્યો.
કુટુંબની દૃષ્ટિએ અમારા કુળદેવતા રામ છે. મેં કોઈ દિવસ રામચંદ્રજીના
હાથમાં ધનુષ્ય અને બાણ હોય એવી મૂર્તિ જોઈ નથી. આખા ગુજરાતમાં કોઈ પણ ઠેકાણે
મંદિરમાં જુઓ તો રામની જોડે સીતા બેઠાં હોય. એ આખી કુટુંબવિશેષની વાત છે. એને બદલે, નવા રામ ઊભા કરવામાં આવ્યા.
તેમના હાથમાં ધનુષ્યબાણ મૂકી દેવામાં આવ્યું. વિશ્વ હિંદુ પરિષદ લંકાદહનની વાત
કરીને કહે છે કે આતતાયીઓ-રાક્ષસોનું
દહન કરવું જોઈએ. પણ લંકાદહન પછી હનુમાનજી કેવું દુઃખ પ્રગટ કરે છે, તેની વાત જ નહિ
કરવાની. અત્યારે હિંદુ ધર્મનું ફક્ત એવું જ સ્વરૂપ રજૂ કરવામાં આવે છે, જેનો મધ્યમ
વર્ગની જીવનપદ્ધતિ
સાથે મેળ બેસી જાય છે. તેમના
મનમાં કોઈ શંકા થતી નથી. જે ઇતિહાસમાંથી, તેમ પુરાણોમાંથી કે રામાયણ-મહાભારત જેવા
મહાગ્રંથોમાંથી ચૂંટેલી વસ્તુ મૂકવાથી બુદ્ધિભ્રમ ઊભો થાય છે. એ ભ્રમ તોડવાનો પ્રયત્ન કરનાર માટે વાદવિવાદનો કોઈ અવકાશ રહેતો નથી. મારામારી જ થાય છે.
સગવડિયા ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક
અને ક્રૂર બનાવી દીધા છે. શાંતિપ્રિય, વણિકબુદ્ધિવાળી અને વચલો રસ્તો કાઢનારી પ્રજા તરીકેની છબિ સાથે તેને ક્યાંય મેળ
ખાતો નથી.
બીજી અગત્યની વાત એ છે કે અત્યારે જે રીતે હિંદુ અને મુસ્લિમના ભાગલા કરવામાં આવે છે, એવા
ભાગલા પહેલાં હતા જ
નહિ. વસતી ગણતરી કે મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓ જેવી પાશ્ચાત્ય અસરોએ આવા ભાગલામાં મોટો ભાગ ભજવ્યો. એ
સંસ્થાનવાદની નીપજ છે. એ રીતે, અત્યારનો હિંદુવાદ પણ સંસ્થાનવાદની નીપજ છે. એ આપણી
ભક્તિ પરંપરા પ્રમાણેનો કે હિંદુ ધર્મમાંથી ફિલસૂફીનું તત્ત્વ પકડીને પુનઃજીવિત
કરાયેલો નથી.
હિંસાના જનીન ગુજરાતીઓમાં ક્યાંથી
આવ્યા?
પુસ્તકમાં આંકડા અને નક્શા સાથે અમે તારવ્યું છે કે જે વિસ્તારોમાં
ભ્રૂણહત્યાનું પ્રમાણ ઊંચું છે, કૌટુંબિક હિંસા જ્યાં વધુ છે ત્યાં ૨૦૦૨માં કોમી
હિંસાને છૂટો દોર મળ્યો, દા.ત. મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, નડિયાદ...
હિંસા એક સ્વરૂપે વ્યક્ત થતી નથી. એ વખતે મને કોઈએ પૂછ્યું, ‘ગુજરાતીઓ
આટલા બધા હિંસક થઈ ગયા છે?’ મેં કહ્યું, ‘જે
પોતાની પુત્રીને મારી શકે એ કોઈને પણ મારી શકે.’
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને બાદ કરતાં, બાકીના ગુજરાતમાં મોટા
પાયે હિંસાચાર થયો નથી. સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે ત્યારે આ વાત ભૂલી જવાય છે
અને છાપ એવી ચાલ્યા કરે છે કે સમગ્ર ગુજરાતમાં હિંસાચાર થયો.
કોમી હિંસા પછી ‘ગુજરાતને
બદનામ કરવાની સાજિશ’ જેવો શબ્દપ્રયોગ સાંભળવા મળે છે...
પોતાની અંદર ઝાંકીને જોવું ન હોય, તો એ બહુ સહેલો રસ્તો છે. ગુજરાતીઓ
પોતાનું આત્મવિશ્લેષણ કરવા માટે તૈયાર નથી. તેમાં માધ્યમો પણ આવી જાય છે. જાહેર
જીવન સાથે સંકળાયેલા તમામ પરિબળો એક યા બીજી રીત રાજકારણીઓએ ઊભી કરેલી ભ્રમણાને
પોષે છે. ૨૦૦૨માં જે કંઈ બન્યું, એ ગુજરાતમાં જ બન્યું છે. આઝાદી પછીનું સૌથી મોટું
કોમી રમખાણ ૧૯૬૯માં ગુજરાતમાં જ થયું. બિનસત્તાવાર આંકડા પ્રમાણે અઢી-ત્રણ હજાર માણસો
તેમાં મરી ગયા હતા. તેની તપાસ માટે નિમાયેલા રેડ્ડી તપાસપંચના અહેવાલનું શું થયું? તેની પર ચર્ચા કે અમલ કેમ ન થયો? આપણી
પાસે વિશ્લેષણાત્મક અભિગમ નથી એટલે સ્લોગન-શાઉટીંગ અને પેમ્ફ્લેટીઅરિંગની (સૂત્રોચ્ચાર-પત્રિકાયુદ્ધની)
બહાર નીકળી શકતા નથી. એનો પડઘો અખબારમાં પડે છે. માધ્યમોમાં આવે ક્યાંથી?
કૂવામાં હોય તો હવાડામાં આવે ને? કૂવો તો સમાજ છે.
ભૂમિકાની નિષ્ફળતા બાબતે ગુજરાતી અને
અંગ્રેજી મીડિયા વચ્ચે તમે તફાવત પાડો છો?
ગુજરાતી માધ્યમો એ જ મધ્યમ વર્ગ થકી ચાલે છે, જે મધ્યમ વર્ગ આ
પરિસ્થિતિ માટે કારણભૂત છે. મધ્યમ વર્ગની આશા-આકાંક્ષાઓ ગુજરાતના ભદ્ર વર્ગની આશા-આકાંક્ષાઓ
જેવી જ છે. નીતિની વાત નહિ કરવાની! એટલે શેરબજારમાં જે કંઈ થાય એમાં
તેમને કશું ખોટું લાગતું નથી. શેરબજારમાં સટ્ટો કરનારા પણ ગુજરાતીઓ છે. તેની ચર્ચા
કોઈ કરતું નથી. ફરી ઇતિહાસબોધની વાત પર આવી જઈએ છીએ. અંગ્રેજી માધ્યમો અતિસરળીકરણનો
ભોગ બને છે. સમગ્ર ગુજરાતમાં હિંસાચારની છાપ ઊભી થઈ, તેનું કારણ એ કે અંગ્રેજી
માધ્યમોને ગુજરાતની સામાજિક પરિસ્થિતિ વિશે ખબર નથી. ગુજરાતમાં કોઈ મોટી ઘટના બને
ત્યારે આવતા અંગ્રેજી અખબારોના પ્રતિનિધિઓ અતિસરળીકરણનો ભોગ બને છે. તેમણે પ્રચલિત
કરેલી છાપ રાષ્ટ્રીય કક્ષાએ આગળ ચાલે છે. પણ પત્રકાર તરીકે આખી વસ્તુનો વિચાર કરો: બીજા
રાજ્યમાં જઈએ ત્યારે આપણી પણ અતિસરળીકરણ જ કરીએ. પત્રકારત્વની કેટલીક સીમાઓ ત્યાં
આપોઆપ આવી જાય છે. તેમાં ઇરાદાનો પ્રશ્ન નથી આવતો. ‘બદનામ કરવાની સાજિશ’ જેવી વાત તો નેતાઓ પોતાના બચાવ માટે
ઉપજાવી કાઢે છે.
ગુજરાતને અન્યાયવાળી વાતમાં કેટલું
તથ્ય છે?
ગુજરાત-મહારાષ્ટ્ર સંયુક્ત હતાં અને મુંબઈ જ્યારે રાજધાની હતી ત્યારે
એવું લાગતું હતું ખરું, પણ કયા ગુજરાતને અન્યાય થાય છે? ગુજરાતના ભદ્ર સમાજને જ્યારે લાગે છે
કે ‘અમને
અન્યાય થાય છે’ ત્યારે એ ‘સમગ્ર ગુજરાતને અન્યાય થાય છે’ એવું
વાતાવરણ ઊભું કરે છે. દા.ત. નર્મદા બંધની વાત કરીએ. તેમાં સમગ્ર ગુજરાતની વાત
કરતાં એ ભૂલી જવાય છે કે દરેક સાતમો ગુજરાતી આદિવાસી છે અને દરેક દસમો ગુજરાતી મુસલમાન
છે. આદિવાસીઓના દૃષ્ટિકોણથી આખો મુદ્દો જોઈએ તો, ધરોઈનો બંધ બાંધ્યો, એ આદિવાસી
વિસ્તારમાં. તાપી-દમણગંગામાં પણ આદિવાસી વિસ્તારોમાં વિસ્થાપન થયું. દરેક સાતમો
ગુજરાતી જે છે, તેના દૃષ્ટિકોણથી પણ ગુજરાતની ચર્ચા ન થવી જોઈએ? એ
ચર્ચા નથી રાજ્યકર્તાઓ કરતા કે નથી મધ્યમ વર્ગ કે નથી વિશ્વવિદ્યાલયોમાં આવી ચર્ચા
થતી કે એક જ સમાજ પાસેથી બલિદાનની અપેક્ષા શા માટે રાખવામાં આવે છે! આમ,
ગુજરાતનો ભદ્ર વર્ગ પોતાના હિતને સમગ્ર ગુજરાતના હિત તરીકે ખપાવીને એ મુદ્દો આગળ
કરે છે અને આખી વાત એવી રીતે મૂકવામાં આવે છે, જાણે પેલા લોકો ગુજરાતી જ નથી.
ગુજરાતની વર્તમાન હાલતમાં કોંગ્રેસની
ભૂમિકા કેવી રીતે જુઓ છો?
માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા ત્યારે મેં લખ્યું હતું, ‘કોંગ્રેસે
અન્ય પછાતોને ‘ઇલેક્શનાઇઝ’ કર્યા, પણ પોલિટિસાઇઝ’ કર્યા
નહિ.’ (ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્યા,
પણ રાજકીય પ્રવાહમાં આણ્યા નહિ.) તેને કારણે અન્ય પછાતમાંથી જે નેતાગીરી ઊભી થવી
જોઈએ, એ ન થઈ એટલે સવર્ણ મધ્યમ વર્ગ સામે કોઈ પડકાર ન રહ્યો. એ સવર્ણ મધ્યમ વર્ગે
પોતાના હિતોની રખવાળી માટે હિંદુત્વનો ઉપયોગ કર્યો. દરમિયાન દલિત અને આદિવાસી
સમાજમાંથી પણ એક મધ્યમ વર્ગ ઊભો થયો. તેમણે પોતાની ઓળખ અને અસ્મિતાવાળી ભૂમિકા ન
લીધી, પણ ‘સમન્વય’ની ભૂમિકા લીધી. ‘સમન્વય’ એટલે
હિંદુત્વ સાથે જોડાઈ જવું! ૧૯૮૧-૧૯૮૫માં સવર્ણ-દલિત સામસામે અને
મુસ્લિમો શાંત હતા. એ ત્રિકોણીયા પરિસ્થિતિનું ૧૯૯૦ આવતાં આવતાં ધ્રુવીકરણ થયું
અને હિંદુ-મુસ્લિમો સામસામે થઈ ગયા. પછાતો તરફથી સવર્ણોને પડકાર ઊભો થયો જ નહિ અને
પડકાર ઊભો થાય તે પહેલાં સવર્ણોએ હિંદુત્વને નામે પછાતોનો ઉપયોગ કરી લીધો. આ ઘટનાક્રમ
માટે કોંગ્રેસ પૂરેપૂરી જવાબદાર હતી. ગુજરાતમાં જે પ્રકારનું વાતાવરણ અને
સાંપ્રદાયિકતા ઊભાં થયાં તેમાં કોંગ્રેસનો પણ ફાળો છે. અત્યારે વિશ્લેષણ થતું નથી
એટલે હંમેશાં સંઘ પરિવારનું નામ લેવાય છે. કોંગ્રેસ જો એનો ધર્મ ના ચૂકી હોત, તો
ગુજરાતની આ પરિસ્થિતિ ન હોત. આજે ગુજરાતમાં ફેશન પડી ગઈ છે કે બધામાં સંઘ
પરિવારનું જ નામ લેવાનું. એમાં સંઘ પરિવારને મજા પડી ગઈ છે. બધી ક્રેડિટ એમને મળી
જતી હોય, તો શું ખોટું?
સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ) સામે
ગંભીર ફરિયાદો થાય છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિ તરીકે તમે શું માનો છો?
૧૯૮૦-૮૫ના ગાળામાં ત્રણ પ્રકારના લોકો ભેગા થઈને દેશના કે સમાજના
પ્રશ્નોની ચર્ચા કરતા હતા: (૧) સામાજિક આંદોલનો કે પ્રવૃત્તિ
સાથે સંકળાયેલા લોકો, (૨) માધ્યમોના લોકો અને (૩) વિદ્યાસંસ્થાઓ-સંશોધન સંસ્થાઓના
લોકો. એવા તબક્કે જે સંસ્થાઓ ઊભી થઈ, તેના લોકોના રાજકીય સંસ્કારો અગાઉ થઈ ચૂક્યા
હતા. વિશ્લેષણ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ તેમનામાં હતી. ૧૯૮૫થી ૧૯૯૦ સુધીમાં
એનજીઓમાં પ્રોફેશનલિઝમ આવવા લાગ્યું. ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં કે બીજી કોલેજમાં ભણીને
બહાર પડેલા લોકો આવતા થયા. તેમની પાસે અગાઉના લોકો જેવું વ્યાપક રાજકીય શિક્ષણ
નહોતું. વ્યાપક સમાજ કે સંસ્કૃતિની દૃષ્ટિએ નહિ, પણ સમાજકાર્યની દૃષ્ટિએ જ એ વિચાર
કરતા હતા. કોઈ તબીબ આવે, તો એ ખાલી હેલ્થનો જ વિચાર કરે. તેના પરિણામે સામાજિક
સંસ્થાનો દાયરો નાનો થતો ગયો. જેમ માધ્યમોમાં અતિસરળીકરણની વાત કરી, એવું જ
અતિસરળીકરણ અહીં થયું. વ્યક્તિગત માન્યતા પ્રમાણે કહું તો ભરયુવાનીમાં આ બધી
પ્રવૃત્તિઓ ‘ધર્મ’ લાગે છે. પછી ‘એ બધાનો ધર્મ નથી’ એવું
લાગતાં એને ‘સ્વધર્મ’ માનતા થઈએ છીએ. પછી પણ જાતજાતના
અનુભવો થાય અને તેની મર્યાદાઓ નજીકથી જોવા મળે, ત્યારે થાય છે કે હવે આ ‘આપદ્દધર્મ’ છે.
પચીસ વર્ષથી હું સમાજકારણમાં છું અને ધર્મથી શરૂ કરીને આપદ્દધર્મ સુધી આવી ગયો
છું. હવે તેમાં એટલું જ જોવાનું હોય છે કે મોટી કટોકટી ઊભી થઈ છે. તેમાં આપણાથી જે
થઈ શકે એ કરવાનું.
Monday, April 19, 2021
કારમા કોરોના-કાળમાં સરકારની ટીકા અને તરફેણઃ કેટલાક પ્રકાર
અત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારના ભયંકર મિસમૅનેજમૅન્ટની ટીકા કરનારા લોકોના મુખ્યત્વે આટલા પ્રકાર પાડી શકાય.
૧. (મારા જેવા લોકો) જે વર્ષોથી નરેન્દ્ર મોદીની આત્મમુગ્ધતાની, રાજકીય ફાયદા માટે કોમવાદના ઉપયોગની, સત્તાના અમર્યાદ કેન્દ્રીકરણની તથા આપખુદ કુશાસનની ટીકા કરતા રહ્યા છે. તેમને મન વર્તમાન પરિસ્થિતિમાં માત્રાનો જ ફરક છે, પ્રકારનો નહીં.
૨. જે લોકોને પોતપોતાનાં કારણસર ધીમે ધીમે કુશાસનનું સત્ય સમજાતું ગયું. તે ખુલીને ટીકા ભલે કરતા નહીં, પણ મનથી સમજતા હતા અને સરકારનું ઉપરાણું લેવું છોડી દીધું હતું. તે લખતા થયા.
૩. જે લોકોને ગયા વર્ષે કોરોનાના પહેલા આક્રમણ વખતે, લૉક ડાઉનમાં સર્જાયેલી અંધાધૂંધી, પગપાળા ચાલતા ગયેલા લોકો, આરોગ્યસેતુ એપના દાવા, ધમણ વેન્ટિલેટર અને એવી બીજી અનેક અરાજકતાઓથી સમજાયું કે આ સરકારને જૂઠાણા ને અસરકારક પ્રચાર સિવાય ભાગ્યે જ બીજું કંઈ ફાવે છે. એટલે ગયા વર્ષથી તેમનો કલર ઉતરવા માંડ્યો અને તે પણ સમજતા-ક્યારેક લખતા થયા.
૪. પાકો રંગ ધરાવનારા કેટલાક લોકો પણ આ વખતની અરાજકતા અને તેની ઉપર અભિમાની અવગણના તથા સરાસર જૂઠાણાં જોઈને દુઃખી થયા અને સરકારની ટીકા કરતા થયા.
૫. ‘શાણી’ આઇટેમો, જેમણે અત્યાર સુધી સાતત્યપૂર્વકની જીહજૂરી કર્યે રાખી અને વચ્ચે વચ્ચે, ‘અમે તો આવું પણ લખ્યું હતું’—એવી છટકબારી ખુલ્લી રાખવા પૂરતી પ્રતીકાત્મક ટીકા કરી હતી. તેમણે જોયું કે અત્યારે સરકારની ટીકા કરવાથી ભક્ત વાચકવર્ગ બહુ નારાજ નહીં થાય, સરકારવિરોધી ટીકાના પૂરમાં તેમની ટીકા પણ સરકારપક્ષે વિશેષ વાંધો લેવાયા વિના નીકળી જશે ઉપરાંત, સરકારની ટીકા નહીં કરવાથી તેમની અસલિયત સાવ ભોળાભટાક લોકો આગળ પણ ઉઘાડી પડી જશે.
*
તેમ છતાં, હજુ ઘણાને સરકારની ટીકા કરવાપણું લાગતું નથી. કેટલાંક કારણઃ
૧. ‘અમે તો બા, પોલિટિક્સમાં પડીએ જ નહીં. અમે તો બા, બહુ ઠરેલ, બહુ સંસ્કારી, બહુ સાહિત્યકળાપ્રેમી.’
૨. ‘એંહ, આ સરકારની ટીકા? કદી નહીં. અમે કોંગ્રેસી નથી. અમે ડાબેરી, અર્બન નક્સલ, હિંદુત્વદ્વેષી, મુસ્લિમતરફી, રાષ્ટ્રવિરોધી નથી. અમે તો આ સરકારની પડખે જ ઊભા રહેવાના. ચાહે ગમે તે થાય.’ (‘કારણ કે આ સરકાર અમારા દ્વેષ, અમારી કુંઠા, અમારા ભય, અમારા પૂર્વગ્રહ જેવી બાબતોનું આબાદ પ્રતિનિધિત્વ કરે છે.’)
૩. ‘અમને પણ લાગે છે કે પાણી માથા પરથી વહી ગયું છે. છતાં, મોદીભક્તિની સાથે અમે અમારી જાતને સાંકળી લીધી છે-અમારી આબરૂને હોડમાં ગણી લીધી છે. એટલે બધું સમજતા હોવા છતાં, અમે કશું નહીં લખીએ-બોલીએ. તમે સમજો, આમાં અમારી પણ આબરૂનો સવાલ થઈ જાય છે.’
૩. ‘અમે તો પોઝિટિવ થિંકિંગમાં માનીએ છીએ. આવા સમયે નકારાત્મક વાતો ન ફેલાવવી જોઈએ. (‘અમને સચ્ચાઈ કરતાં હકારાત્મકતા વધારે વહાલી છે. ખાસ કરીને સચ્ચાઈ અમારાં રાજકીય વલણોને અનુકૂળ ન હોય ત્યારે.’)
૪. ‘આવી બાબતોમાં રાજકારણ ન લાવવું જોઈએ.’ (‘એ તો ત્યારે જ લવાય, જ્યારે અમારા વહાલા નેતાને ફાયદો થતો હોય.’)
૫. ‘કૉંગ્રેસ હોત તો પણ શું ઉખાડી લેવાની હતી? એના કરતાં આ શું ખોટા છે?’ (અને મૂળ તો, અમને ભાજપનું સંકુચિત, હિંદુ ધર્મના હાર્દથી વિપરીત અને કોમવાદી, રાજકીય ‘હિંદુત્વ’ અમને બહુ ભાવે છે. એના માટે અમે બધું વેઠવા તૈયાર છીએ. અમારો વાંધો અનિષ્ટ સામે નહીં, ફક્ત કોંગ્રેસનાં અનિષ્ટ સામે હતો.)
૬. ‘તમારા ઘરમાં દસ માણસ રહેતાં હોય ને એ બધાંને એક સાથે પેટમાં ગરબડ થાય, તો ઘરમાં દસ શૌચાલય હોય? બસ, સરકારને એવું જ થયું છે. હેંહેંહે. ’ (‘સરકારનો બચાવ કરવાનો આવે ત્યારે અમે કોઈ પણ હદે જઈ શકીએ. સરકારની કામગીરીનું-તેની ફરજનું-તેના સ્કેલનું મૂળભૂત અજ્ઞાન દર્શાવતી રમૂજ પણ ખપમાં લઈ શકીએ.’)
Monday, May 11, 2020
ગુજરાત મૉડેલની વાર્તા
તેના જેવું જ બીજું એક બાળક હતું. તેનું નામ ગુજરાત. એ ગુજરાત મૉડેલથી બહુ જુદું. અપટુડેટ-ચકાચક નહીં ને નબળું-પોલું પણ નહીં. ગુજરાત નામના એ બાળકની હાલત જન્મ વખતે ઘણાને નાજુક લાગતી હતી, પણ પછી તે વધતું ગયું. એનાં માવતર અસલના જમાનાનાં. પરિવાર બહોળો. તેમાં બધા હોય. લાડ લડાવનારા પણ હોય અને લપડાક મારનારા પણ હોય. એ બધાની વચ્ચે તંદુરસ્ત બાળકમાંથી ગુજરાત કિશોર, યુવાન અને પ્રૌઢ બન્યું. તેનો સંસાર વિસ્તર્યો. વાસણ હોય એટલે ખખડે તો ખરાં જ. કુટુંબમાં બધાં પ્રકારના સભ્યો હતા. તેમની વચ્ચે અનેક મુ્દ્દે હિંસક-શરમજનક ઝઘડા પણ થતા. અંદરોઅંદરના ભેદભાવ પણ બહુ. છતાં, ઉછેરનો પાયો મજબૂત હતો, એટલે તે પટકાઈને ફરી બેઠું પણ થઈ જતું હતું.
એક વાર કુટુંબના એક સભ્ય બહારથી ‘નયા ગુજરાત’ નામનું એક બાળક લઈ આવ્યા અને જાહેર કર્યું કે આ આપણા જ પરિવારનું સભ્ય છે અને તે આપણી સાથે રહેશે. એ હતું તો બાળક, પણ તેને જોઈને વહાલને બદલે વિચિત્ર લાગણી જાગતી. તે બાળકને કોઈ પણ વાત બઢાવીચઢાવીને કરવાની ટેવ હતી. ઘણી વાર તે વેન કરતું ને તેની જિદ પૂરી ન થાય તો તોડફોડ ઉપર ઉતરી આવતું. પણ તેની ઉપર તેને લઈ આવનારના એવા ચાર હાથ હતા કે એ તેનાં બધાં તોફાન માફ કરી દેતા અને ઉપરથી તેની ટીકા કરનારને દોષી ઠરાવીને ઠપકો આપતા. એ માટે તેમણે બહુ નિરાળી પદ્ધતિ શોધી કાઢી હતી. તેમના આણેલા ‘નયા ગુજરાત’ની ગમે તેવી અવળચંડાઈની કે દુષ્ટતાની કોઈ ફરિયાદ કરવા આવે ત્યારે તે કહેતા હતા, તમે તો ‘ગુજરાતવિરોધી’ છો.
શરૂઆતમાં તો કોઈ તેમનો કાંઠલો પકડીને કહે કે ‘હું આપણા ગુજરાતની નહીં, તમારા નયા ગુજરાત નામના વંઠેલા બાળકની વાત કરું છું’, ત્યારે તે સાંભળતા. પણ ધીમે ધીમે તેમણે કહેવા માંડ્યું, ‘કુટુંબમાં ખોટેખોટા ભાગલા પડાવવાની કોશિશ ન કરશો. ગુજરાત અને નયા ગુજરાત—બધું એકનું એક જ છે.’ તેમનું નયા ગુજરાત નાની વયે હિંસાખોરી કરતું ને રૂપિયાના ગોટાળા કરતું થઈ ગયેલું, તેને લાવનાર સભ્યનો દબદબો ઓસરી ગયા પછી ને તેમનું અવસાન થયા પછી, ‘નયા ગુજરાત’ ખોવાઈ ગયું. એ ક્યાં ગયું તેની કોઈને ખબર ન પડી ને કોઈએ તે જાણવાની દરકાર પણ ન લીધી.
તેના બે-એક દાયકા પછી, બીજા એક વડીલ, લેખની શરૂઆતમાં જેની વાત કરી છે તે ગુજરાત મૉડેલ લઈ આવ્યા. તે હતું તો બાળક, પણ ભગવાનના રૂપ જેવું નહીં, હોરર ફિલ્મોમાં આવતાં બિહામણાં બાળકો જેવું. તેને જોઈને જ લાગે કે આ કોણ જાણે કેટલાના ભોગ લઈને આવ્યું હશે ને કેટલાના ભોગ લેશે. કુટુંબમાં નવા આવેલા ગુજરાત મૉડેલને અગાઉના ગુજરાત સાથે કશી લેવાદેવા ન હતી. ખરેખર તો વડીલને પણ અગાઉના ગુજરાતની પરંપરા સાથે કશી લેવાદેવા રાખવી ન હતી. તેમને પરિવારમાં પોતાનું વર્ચસ્વ જમાવી દેવું હતું. એટલે જ તે આ બાળક લઈ આવ્યા હતા. ધીમે ધીમે વડીલે કહેવા માંડ્યું કે ‘આ ઘરમાં લાઇટ કોણ લાવ્યું, ખબર છે? આ મારું ગુજરાત મૉડેલ. આ ઘરના ધંધારોજગાર કોણ ચલાવે છે? મારું ગુજરાત મૉડેલ. દેશદુનિયામાં આ ઘરનો વટ કોના લીધે છે? અલબત્ત, મારા ગુજરાત મૉડેલને લીધે.’
વડીલના દાવાનો કોઈ વિરોધ કરે ત્યારે તે બમણા જોરથી કહેતા, ‘તમે ગુજરાતના વિરોધી છો. એટલે આવી વાત કરો છો.’ કુટુંબનાં માણસ કહે, ‘અલ્યા ભાઈ, અમે ગુજરાતના નહીં, તારા શેખીબાજ, હિંસક, તોડફોડીયા, જૂઠા, ખોખલા, ખિસ્સાં ખાલી ભપકા ભારી એવા ગુજરાત મૉડેલના વિરોધી છીએ.’ પણ સાંભળે જ કોણ? અગાઉ નયા ગુજરાત વખતે પણ આવું જ થયું હતું ને આ વખતે તો બદલાયેલા જમાનાનો લાભ પણ મોટો હતો. એટલે બિચારું અસલી ગુજરાત બાજુ પર રહી ગયું ને ગુજરાત મૉડેલના ઠેકઠેકાણે ડંકા વાગ્યા. ડંકા વગાડવા માટે મોટી ફોજ હંમેશાં તૈયાર રહેતી. તેનું કામ જ ગુજરાત મૉડેલનો જયજયકાર કરવાનું અને અસલી ગુજરાત તરફ ધ્યાન દોરનારને ‘ગુજરાતવિરોધી’ તરીકે ખપાવી દેવાનું હતું.
ગુજરાત મૉડેલ નામનું યુવાનીમાં પ્રવેશેલું બાળક કેવું બલિષ્ઠ ને કેવું મહાન ને કેવું તેજસ્વી ને કેવું દેવાંશી ને દેશદેશાવરની કુંવરીઓનાં તેના માટે કેવાં માગાં આવે...આ બધું મહિમાગાન બહુ ચાલ્યું. એવામાં એક દિવસ કોરોના વાઇરસ આવ્યો.
પછી શું થયું તે આખ-કાન-મગજ ખુલ્લાં હોય એવાં સૌ કોઈ જાણે જ છે ને કોરોના કરતાં પણ ખતરનાક વાઇરસનો શિકાર બની ચૂક્યા હોય એવા લોકોને જણાવવાનો અર્થ નથી.
Monday, October 30, 2017
એક નવી શરૂઆતઃ 'વિકાસગીત'થી
કેટલાંક મિત્રોએ વ્યક્ત કરેલી વાજબી ચિંતાના અનુસંધાનમાં, ખાસ સ્પષ્ટતા એ કરવાની કે આ કશું લખવાના ભોગે નથી. આપણે જે કહેવું છે, પહોંચાડવું છે, જે શેર કરીને આનંદ કરવો છે, તેના માટે વધુ એક માધ્યમનો ઉપયોગ કરવાનો જ આશય છે.
તમને ગમે તો આનંદ. ચેનલ સબસ્ક્રાઇબ કરજો કે લિન્ક તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. ન ગમે તો વાંધો નહીં. જીવનમાં એવું બધું ચાલ્યા કરે :-)
Tuesday, September 26, 2017
લોકશાહીને ‘વાઇરલ’ થયો છે?
શિકારી અને શિકાર વચ્ચેનું સમીકરણ સોશિયલ મીડિયામાં સદાકાળ એકધારું રહેતું નથી. સોશિયલ મીડિયાની આસુરી તાકાતના જોરે દિગ્વિજયનો ફાંકો રાખનારા--મૂછે લીંબું લટકાવીને ફરનારા--‘વિકાસ ગાંડો થયો છે’-જેવા કોઈ મુદ્દે તારક મહેતાના જેઠાલાલની માફક નવર્સ થઈને મૂછો ચાવવા માંડે, તે આવકાર્ય અને ઇચ્છનીય છે, પણ પૂરતું નથી. નાગરિક તરીકે ફક્ત એટલાથી રાજી થઈને બેસી રહેવાય નહીં. આ પ્રકારના ‘વાઈરલ’ પ્રચારને વાસ્તવિક દુનિયામાં કશો નક્કર આધાર નથી, તે આટલો વાઇરલ કેમ થયો તેની સંતોષકારક સમજૂતી નથી અને તેની આવરદા કેટલી તેનો કશો ભરોસો નથી. પોતાની વિચારશક્તિ ગાંધી કે સંઘ--એકેય પરિવારના કે પક્ષના કે નેતાના ચરણે ન મૂકી હોય તે સૌ માટે આ વિચારવાનો મુદ્દો છે.
ભાજપે સોશિયલ મીડિયા પર, મહાભારતના અંદાજમાં કહીએ તો, ‘અઢાર અક્ષૌહિણી સેના’ ઉતારી દીધી. છતાં ‘વિકાસ ગાંડો છે’ના એક તીરે ભાજપની છાવણીમાં ખળભળાટ મચાવ્યો. પછી ભાજપે શું કર્યું? લોકોનાં કામ શરૂ કરી દીધાં? તેમની શી ફરિયાદ છે એ જાણવાના પ્રયાસ આરંભ્યા? મહત્ત્વની પડતર સમસ્યાઓ ઉકેલવાની શરૂ કરી દીધી? ના, તેમણે સોશિયલ મીડિયા પરના પ્રચાર સામે વળતા પ્રહાર માટે વ્યૂહરચનાઓ આરંભી દીધી. કારણ કે હવે યુદ્ધનું મેદાન બદલાઈ ગયું છે. હવેનું યુદ્ધમેદાન વાસ્તવિક નહીં, વર્ચ્યુઅલ છે. તેની પર છાશવારે ખેલાતી લડાઈઓના વાઇરલ થયા કરતા મુદ્દા ‘હોવા’ પર નહીં, ‘લાગવા’ પર (હકીકતો પર નહીં, માન્યતા પર) આધારિત હોય છે. તેમાં ઘણી વાર ઉપરીના ઇશારે કાગનો વાઘ કરી શકાય છે ને વાઘનો કાગ. ચર્ચાના મહત્ત્વના મુદ્દા તેમાં બાજુ પર રહી જાય છે અને પ્રચારપુરુષો ઇચ્છે તે મુદ્દા મુખ્ય બની જાય છે.
અગાઉ સરકારનો વિકાસપ્રચાર જેટલો ‘ગાંડો’ (અધ્ધરતાલ, મુખ્યત્વે આક્રમક પ્રચારની પેદાશ) હતો, એટલો જ તેનો સોશિયલ મીડિયા પરનો વિરોધ પણ ‘ગાંડો’ છે. સોશિયલ મીડિયા પર ઓચિંતા વાઈરલ થઈ જતા કોઈ મુદ્દા પાસેથી લોકશાહીની ટકાઉ તંદુરસ્તીની આશા ન રાખી શકાય. તાવ શાના કારણે છે તેનો ખ્યાલ ન આવે તો કેટલાક ડોક્ટર કહી દેતા હોય છે કે આ તો ‘વાઇરલ’ છે. એમ લોકશાહી સોશિયલ મીડિયા પરના ‘વાઇરલ’ના ભરોસે હોય, તો લોકશાહીને પણ વાઇરલ (તાવ) છે કે શું, એવી શંકા થાય.
અતિવિશ્વાસ અને સત્તાના મદમાં રાચતા નેતાઓને વ્યાકુળ જોઈને નાગરિકસહજ આનંદ થાય અને તેમની વ્યાકુળતાનું કારણ જાણીને ચિંતા પણ થાય. કેમ કે, ‘વિકાસ ગાંડો થયો છે’ના પ્રચારનું એક મોટું કારણ ને તેનો એક મોટો આધાર રસ્તા પરના ખાડા છે. વાસ્તવમાં, સરકારની સીધી જવાબદારી ધરાવતી ગુજરાતની મુખ્ય સમસ્યાઓમાં રસ્તાના ભયાનક ખાડાનો નંબર એકથી પાંચમાં પણ આવે તેમ નથી. ખાડાની સમસ્યા એટલી નાની નથી, બીજી સમસ્યાઓ એટલી મોટી છે. છતાં, ઘણા નાગરિકોને રસ્તાના ખાડા સરકારની નિષ્ક્રિયતા કે નિષ્ફળતા લાગે છે. આ તો ભયંકર ગુનાના આરોપીને રુમાલ ચોરવા બદલ બદનામ કરવા જેવી વાત થઈ.
અત્યારે અચાનક ‘વિકાસ ગાંડો થયો છે’ના વાઇરલ સૂત્રથી પ્રભાવિત અને આંખ ચોળતા બેઠા થયેલા નાગરિકો જરા શાંતિથી વિચાર કરશે તો તેમને સમજાશે કે સચ્ચાઈ આવા એક અધ્ધરતાલ લાગતા સૂત્ર કરતાં ઘણી વધારે ગંભીર ને ચિંતાજનક છે. છેલ્લાં પંદર વર્ષમાં ગુજરાત આગળ વધ્યું જ છે. સાથોસાથ, એ પંદર વર્ષ પહેલાંના ચાર દાયકામાં પણ ગુજરાત અંધારિયા ખૂણે ન હતું. તેમાં કામ થતાં જ હતાં. દરેક સરકાર આવે, તે ઓછેવત્તે અંશે પોતાનું કામ કરતી હોય છે. કોઈ અઢળક ભ્રષ્ટાચાર કરે, કોઈ થોડો ઓછો કરે. કોઈ પોતાના હાથ બગાડે, કોઈ ‘હું તો લક્ષ્મીને સ્પર્શ કરતો નથી’નો ડોળ ઘાલીને બીજાના હાથે એ કરાવે. પણ કામ થતાં રહે છે.
છેલ્લાં પંદર વર્ષમાં ફરક એ પડ્યો કે નાનામાં નાના કામને મુખ્યમંત્રીના વ્યક્તિગત પ્રચારનું નિમિત્ત બનાવવામાં આવ્યું. સરકારી નોકરીમાં અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવા જેવાં કામ પહેલાં ટપાલી કરતા હતા, તે મુખ્યમંત્રી લાખોના ખર્ચે સમારંભો યોજીને કરવા માંડ્યા. વર્ષોથી ગુજરાત ઉત્તરાયણ ને નવરાત્રિ ઉજવતું હતું. એ લોકોનો તહેવાર હતો. છેલ્લા દોઢ દાયકામાં એ સરકારી તહેવાર થઈ ગયો. નાતાલના અઠવાડિયામાં સરકાર પોતે કાર્નિવલ ઉજવવા લાગી. એમઓયુના નામે મીંડાંની ભરતી આવી.
આ બધાની વચ્ચે જે ઓછુંવત્તું કામ થતું હતું, તેને પેલી ઝાકઝમાળની પિછવાઈમાં, આકર્ષક પેકિંગ સાથે ‘વિકાસ’ તરીકે રજૂ કરવામાં આવ્યું. જાપાનને પોતાની બુલેટ ટ્રેન વેચવામાં ‘રસ’ (ગરજ) છે, એવું જાપાનના વડાપ્રધાન આબેની સહી ધરાવતા જાન્યુઆરી, 2014ના દસ્તાવેજમાં લખેલું છે. એટલે તેણે ઉદાર શરતે ભારતને લોન આપી. ગુજરાતના મુખ્યમંત્રીને પોતાની છબિ ઉપસાવવાની ગરજ હતી, એટલે તેમણે તાતાને ઉદાર શરતે લોન આપી- નેનો પ્લાન્ટ ફક્ત એક રૂપિયાના એસ.એમ.એસ.થી બંગાળને બદલે ગુજરાતમાં આવી ગયો, એવો ‘જુમલો’ ગબડાવ્યો ને રોજગારીનાં આંબાઆંબલી દેખાડ્યાં. અત્યારે તેની શી સ્થિતિ છે, તે સૌ જાણે છે.
આ તો એક ઉદાહરણ. સૌથી મોટું એક નુકસાન થયું તે સરકારી સ્કૂલોનો ખાત્મો, લૂંટના પરવાના ધરાવતી હોય એવી ખાનગી સ્કૂલોનો ધમધમાટ અને મોંઘીદાટ ફી પછી પણ શિક્ષણનું તળીયે ગયેલું સ્તર. સરવાળે, ગુજરાતની કિશોર-યુવા પેઢીના ભવિષ્ય સાથે રમત. કહેવાતો વિકાસ ત્યારે જ ગાંડો થઈ ચૂક્યો હતો. પણ બધાં ઝાકમઝોળથી એવા અંજાયેલા હતા કે ન ‘જુમલા’ ઓળખતાં આવડ્યું, ન વિકાસની અસલિયત સમજાઈ.
હવે જેમની આંખો ખૂલી છે તેમનું નવી, વાસ્તવિક દુનિયામાં સ્વાગત છે અને એવી અપેક્ષા કે એક યા બીજા પક્ષની રાજકીય વફાદારી બાજુ પર મૂકીને નાગરિક તરીકે વિચારો અને સરકારની કામગીરીને આગળપાછળ જોઈને મૂલવો. મત આપો તેને માથે ન ચઢાવો. આપણે વફાદારીના પાટા બાંધી દઈશું તો વિકાસને ગાંડો કરવામાં આપણી જવાબદારી ઓછી નહીં ગણાય.
Tuesday, September 19, 2017
બુલેટ ટ્રેનની ચર્ચા આડા પાટે?
સૌથી પહેલાં બન્ને પક્ષે ઠંડા કલેજે એ સ્વીકારવાનું છે કે બુલેટ ટ્રેન જેમ પ્રગતિ માટેનું જાદુઈ તાવીજ નથી, તેમ અધોગતિ કે પાયમાલીનું મૂળ પણ નથી. દેશની મહત્ત્વની, મૂળભૂત, પ્રાથમિક સમસ્યાઓ (શિક્ષણમાં મોંઘવારી, શિક્ષણની ગુણવત્તા-તેનું કથળેલું સ્તર, જાહેર આરોગ્ય સુવિધાઓના પ્રશ્નો) સાથે બુલેટ ટ્રેનને કશો સંબંધ નથી. બુલેટ ટ્રેન આવવાથી ભારતની રોજગારીનો પ્રશ્ન હળવો થશે, એવો દાવો પણ, ખાસ કરીને ઓટોમેશનના યુગમાં, અતિશયોક્તિથી ભરપૂર જણાય છે.
આ બધામાં બુલેટ ટ્રેનનો કશો વાંક નથી. જાપાનના વડાપ્રધાને એવું નથી કહ્યું કે તમારે ત્યાં બુલેટ ટ્રેન ચાલુ કરો એટલે તરી જશો. એવો આભાસ આપણા વડાપ્રધાન ઊભો કરી રહ્યા છે. બુલેટ ટ્રેનના આગમનથી મુંબઈ-અમદાવાદ વચ્ચેની માળખાકીય સુવિધામાં મહત્ત્વનો ઉમેરો થશે એવું કહેવાયું હોત તો બરાબર. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટેની 80 ટકા રકમ જાપાને 0.1ના દરે આપી છે, જે દેશ માટે બોજારૂપ નથી, એ વાત પણ સાચી. જાપાનમાં અર્થતંત્રની પરિસ્થિતિ એવી છે કે ત્યાં નેગેટીવ ઇન્ટરેસ્ટ રેટ ચાલે છે: બેન્કોમાં નાણાં મૂકનારને વ્યાજ મળે નહીં, તેણે બેન્કને સામેથી રૂપિયા આપવા પડે. એ સંજોગોમાં આ સોદાથી જાપાનના અર્થતંત્રને પણ ફાયદો છે, જેમાં કશો વાંધો નથી. બન્નેને લાભ હોય તો જ કરાર થાય. બસ, ‘મિત્ર’ જાપાને ભાઈબંધીમાં આટલા ઓછા દરે લોન આપી, એવો દાવો માનવો નહીં.
‘લડતાં લડતાં શિવાજી રંગમાં આવી ગયા’ એવી જૂની ઉકતિ પ્રમાણે, બોલતાં બોલતાં વડાપ્રધાન એટલું બધું બોલી નાખે છે કે સાંભળનારને બુલેટ ટ્રેનના આગમનથી બધી સમસ્યાઓ ઉકેલાઈ જશે એવું લાગે. તેમણે બુલેટ ટ્રેનના રસ્તામાં આવતાં બધાં સ્ટેશનના વિકાસથી માંડીને રોજગારીની અઢળક તકો સુધીનાં કંઈક સપનાં બુલેટ ટ્રેન નિમિત્તે બતાવ્યાં. એમાં તેમનો શો વાંક કાઢવો? તે સપનાં બતાવવાના ધંધામાં છે અને બુલેટ ટ્રેનથી અનેક ગણી મામૂલી ચીજોને પણ વર્તમાન વિકાસ-ઉજ્જવળ ભવિષ્યના પ્રતીક તરીકે રજૂ કરવાનું તેમને ફાવે છે. તે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે હવાઈ સહેલ કરી શકાય એવો ટીથર્ડ બલુન કાંકરિયામાં આણીને એવો સીન ઉભો કરેલો કે ઘણા એ બલુનને વિકાસનું પ્રતીક ગણતા થઈ ગયેલા.
અમદાવાદમાં બીઆરટીની સેવા શરૂ થઈ, ત્યારે ગંગાનું અવતરણ કરનારા ભગીરથની મુદ્રામાં મુખ્ય મંત્રીએ અમદાવાદની ધરતી પર બીઆરટીનું અવતરણ કર્યું હોય એવો માહોલ ઉભો કરવામાં આવ્યો. (જેવું અત્યારે નર્મદા બંધના મુદ્દે પણ ચાલી રહ્યું છે.) બીઆરટી શરૂ થયા પછી, કેટલીક પ્રાથમિક સુવિધાઓને બાદ કરતાં એ સેવા ધીમે ધીમે કથળતી ચાલી. અત્યારે એવી સ્થિતિ છે કે બીઆરટીની ઘણી બસો ઉપર ઇલેક્ટ્રોનિક ડીસ્પ્લે ચાલતાં નથી, મોટી પટ્ટીઓના ટુકડા કાપીને ઘણી બસોના કાચ પર તેના રૂટ નંબર ચોંટાડવામાં આવે છે (જે ઉખડી પણ જાય છે). તોતિંગ ખર્ચે તૈયાર કરાયેલાં બીઆરટીનાં સ્ટેન્ડમાંથી ઘણાં પર કાર્ડ રીડર મશીન ચાલતાં નથી. (ડિજિટલ ઇન્ડિયા, ઝિંદાબાદ). કઈ બસ ક્યાં આવશે અને કયા નંબરની બસ ક્યાં જશે, એટલી સાદી વિગતો મોટા ભાગનાં સ્ટેન્ડ પર લખેલી નથી. બીઆરટીથી કેટલાક ફાયદા બેશક થયા છે, પણ તેની સામે ગેરવહીવટ અને દૃષ્ટિ વગરના આયોજનને કારણે ઉભી થયેલી અરાજકતાનો પાર નથી. પણ બીઆરટીથી જે વટ પાડવાનો હતો, તે પાડી લીધો. ખેલ ખતમ.
હવે અમદાવાદમાં મેટ્રો આવી રહી છે. અમદાવાદ એ મુંબઈ, દિલ્હી કે કોલકાતાની જેમ વસ્તીથી ફાટી પડતું શહેર નથી. (ટ્રાફિકની અંધાધૂંધીને કારણે એવું લાગે, તે જુદી વાત છે.) તેમાં વર્તમાન સેવાઓ લોકોની સુવિધા ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવે તથા દીર્ઘ દૃષ્ટિથી, રાજકીય જયજયકારની ગણતરી કર્યા વિના, નવા ઉમેરા કરવામાં આવે તો? ધોળા હાથી જેવી ખર્ચાળ મેટ્રોની જરૂર ન પડે. પરંતુ મેટ્રો હોય કે બુલેટ ટ્રેન, બધી ચર્ચા છેવટે ‘મોદીતરફી કે મોદીવિરોધી?’ના ખાનામાં ફંટાઈ જાય છે. પછી ચિંતાના મુળ મુદ્દા બાજુ પર રહી જાય છે અને કોઈ પણ ફાલતુ મુદ્દે થઈ શકે એવાં યુદ્ધ ચેનલો પર ને સોશ્યલ મિડીયામાં શરૂ થઈ જાય છે.
બુલેટ ટ્રેન સામે વાંધો પાડનારે પણ નક્કી કરવાનું છે કે તેમને વાંધો કઈ બાબતનો છે? (૧) બુલેટ ટ્રેનની જરૂર નથી (૨) અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ-ટ્રેન કેમ? ને બીજાં કોઈ શહેરો વચ્ચે કેમ નહીં? (૩) બુલેટ ટ્રેનના રસ્તામાં જમીનો સંપાદિત થશે. (૪) બુલેટ ટ્રેનનું વ્યાજ વિદેશી હુંડિયામણમાં ચૂકવવાનું મોંઘું પડશે. (૫) આટલા રેલવે અકસ્માતો થાય છે ને બુલેટ ટ્રેન કેવી રીતે ચલાવશો?.. આવા બધા વાંધાને એકબીજામાં ભેળવવા જેવા નથી. તે એકબીજાથી જુદા મુદ્દા છે અને તેમને જુદા રાખીને જ સમજી શકાય—તેના સાચા જવાબ મેળવી શકાય. વાંધાની ભેળસેળ કરીને તેને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સામે --કે એ નિમિત્તે થયેલા રાજકીય દેખાડા સામે--વીંઝવામાં આવે ત્યારે તે વિરોધ પણ મહદ્ અંશે રાજકીય બની જાય છે અને સમસ્યા સમજવામાં કે તેના સાચા ઉકેલ ચીંધવામાં મદદરૂપ બનતો નથી.
બુલેટ ટ્રેનની સમૂળગી ટીકા કરવાને બદલે, એ કહેવું વધારે જરૂરી છે કે બુલેટ ટ્રેન આવે ને સાવ સસ્તી લોનથી આવે, તો ભલે આવતી. તેનું સ્વાગત છે. પણ તે સુશાસનનો વિકલ્પ નહીં બની શકે. બુલેટ ટ્રેન એની જગ્યાએ ને ભ્રષ્ટાચારથી માંડીને બીજી બધી સમસ્યાઓ એની જગ્યાએ રહેવાની જ છે. રસ્તાનાં ઠેકાણાં નથી ને બુલેટ ટ્રેન લાવે છે--એ દલીલ ટેકનિકલ દૃષ્ટિએ સાચી નથી. બન્ને જુદી બાબતો છે. છતાં એ દલીલમાંથી સરકાર માટેનો બોધપાઠ એ છે કે બુલેટ ટ્રેનને મોંઘા રમકડાની માફક આણી દેવાથી બાકીના ગેરવહીવટો પર પડદો નહીં પડી જાય. બુલેટ ટ્રેન લાવવી હોય તો લાવો, ચલાવવી હોય તો ચલાવો ને માપસરના રાજી થવું હોય તો થાવ, પણ આંખ મીંચીને વિજયઘોષ મચાવવાની જરૂર નથી--સરકારે પણ નહીં ને નાગરિકોએ પણ નહીં. ગુજરાતના મોટા ભાગના નાગરિકોને જેમ વિમાનની, તેમ બુલેટ ટ્રેનની જરૂર પડવાની નથી. એટલે, બુલેટ ટ્રેનના રેશમી રુમાલ થકી નાગરિકોની આંખે પાટા બાંધી દેવાનો ઇરાદો હોય તો એ નહીં ફળે, એટલું સમજવું પડે અને કહેવું પણ પડે
