Showing posts with label fake encounters. Show all posts
Showing posts with label fake encounters. Show all posts

Wednesday, May 25, 2016

સૂરજ રે, જલાતે રહેના...

ક્રિકેટમૅચના સ્કોર કે શૅરબજારના સૅન્સેક્સ જેવા આંકડાની ચિંતા કરનારા લોકોનું ગયું સપ્તાહ એક જુદા પ્રકારના આંકડાની ચર્ચા કરવામાં વીત્યું.વાત તો ડિગ્રીની જ હતી, પણ એ ડિગ્રી વડાપ્રધાનની નહીં, થર્મોમીટરની હતી. બન્ને મામલા ગરમાગરમ હતા અને બન્ને પ્રકારની ડિગ્રીની ખરાઇ ચર્ચાસ્પદ રહી. છતાં, એકાદ સપ્તાહ પૂરતો થર્મોમીટરની ડિગ્રીનો આતંક લોકોનાં મનમાં અને સ્માર્ટફોનના સ્ક્રીન પર છવાયેલો રહ્યો.

વડાપ્રધાને દેખાડેલું ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન ગરમીના દિવસોમાં વ્યાપક સ્તરે સાકાર થયુ-- ભલે વાંકદેખા મીડિયાએ તેની નોંધ લેવા જેટલી મૌલિકતા ન દેખાડી હોય. અગાઉની સરકારોના વખતમાં ઘણા લોકો છાપામાં ગરમીના આંકડા વાંચીને પશ્ચાદ્‌વર્તી (ગુજરાતીમાં કહીએ તો, રેટ્રોસ્પેક્ટિવ) અસરથી ગરમીના હાયકારા કરતા હતા. જોયું? છાપામાં લખ્યું છે કે કાલે ૪૪ ડિગ્રી હતી, ને કાલે જ હું ભરબપોરે બહાર ફરતો હતો. આ વાંચ્યા પછી લાગે છે કે ૪૪ ડિગ્રીમાં રખડવા બદલ પટકાઉં નહીં તો સારું. ખરેખર, આ ગરમીનો --એટલે કે તેના સમાચારનો-- બહુ ત્રાસ છે.

આ વખતે નવી સરકારની ડિજિટલ ઇન્ડિયાસ્કીમ એટલી અસરકારક રીતે અમલી બની કે ગરમીના આંકડા વાંચીને હાયવોય કરવા માટે લોકોએ જૂનવાણી યુગનાં છાપાં પર આધાર રાખવાનું છોડી દીઘું અને સૌ ડિજિટલ યુગમાં દાખલ થયા. ગયા સપ્તાહે ગરમીનું બૂમરાણ મચાવનારા મોટા ભાગના લોકો સ્માર્ટફોનધારક હતા. ફોનના સ્ક્રીન પર ૪૯-૫૦ ડિગ્રીના આંકડા જોઇને તેમને બેચેની લાગવા માંડી, માથું ચકરાવા લાગ્યું. તેનો નીવેડો છાશ પીવાથી કે માથે ભીનાં પાણીનાં પોતાં મૂકવાથી આવે એમ ન હતો. સ્ક્રીન થકી માથે ચઢેલી ગરમીનું મારણ એક જ હતું : ગરમીનો આંકડો દેખાડતા સ્ક્રીનની તસવીર (સ્ક્રીનશૉટ) સોશ્યલ મિડીયા પર મૂકીને રાહતનો શ્વાસ લેવો. ફેસબુક-વૉટ્‌સેપ પર ગરમીનું સ્ટેટસ વેળાસર અપડેટ નહીં કરીએ તો સભ્ય સમાજમાંથી બહાર ફેંકાઇ જઇશુંએવી ચિંતાથી ઘણા લોકો તપારો-બફારો-દઝારો અનુભવવા લાગ્યા. એ પણ ગરમીની જ અસર ન કહેવાય?

ફિલ્મોના પ્રતાપે મોટા ભાગના લોકોને પોલીસની થર્ડ ડિગ્રીનો ખ્યાલ હોય છે, પણ સૂરજની થર્ડ ડિગ્રી કેવી હોય તેનો અનુભવ આ ઉનાળે પાકા પાયે થયો. ઉપરવાળા માટે કહેવાય છે કે એની લાકડીમાં અવાજ નથી હોતો. સૂરજની લાકડીપણ એવી જ હતી. તેનો ત્રાસવાદ દેખીતી રીતે પુરવાર કરવાનું અઘરું હતું, પણ તેના આતંકના પરચા એસી ઑફિસથી માંડીને ખુલ્લી સડક સુધી જોવા મળ્યા. એસી ઑફિસમાં કામ કરતા લોકો લોકો લાંબો સમય ઑફિસમાં બેસવા લાગ્યા અને સાહેબોના મનમાં પોતાની નિષ્ઠાનો ભ્રમ પેદા કરવા લાગ્યા. સાહેબોને રહેતે રહેતે સમજાયું કે આ ભાઇ (કે બહેન) વેળાસર ઑફિસે આવી જાય છે ને સમય પૂરો થયા પછી પણ થોડી વાર રહીને નીકળે છે, એ માટે પોતાનો નહીં, સૂર્યનો આતંક જવાબદાર છે.

સૂર્યનો ત્રાસવાદકે સૂર્યનો આતંકજેવા શબ્દપ્રયોગો આમ તો વાજબી નથી. મેઘાણીની બહારવટિયા પરંપરાના પ્રેમીઓ તેને સૂરજનું બહારવટુંકહી શકે. કારણ કે મૂળભૂત ગુનેગાર સૂરજ નથી. સૂરજ તો જે છે, તે જ છે. પણ માણસોની આડેધડ, અવિચારી વિકાસદોડને લીધે, પર્યાવરણના સત્યાનાશને લીધે સૂરજ એવો આકરો લાગે છે, જાણે માણસજાત સામે બહારવટે ચડ્યો હોય.

આવી ગરમીથી બચવા કે તેને અટકાવવા શું કરવું જોઇએ, એ અંગે વિવિધ લોકોનાં સૂચન લેવાયાં હોત તો?

પાટીદાર આંદોલન સમિતિ
અમે માનીએ છીએ કે હાર્દિક પટેલને મુક્ત કરવામાં આવશે અને અમારી અનામત સહિતની તમામ માગણી સંતોષવામાં આવશે, તો તાપમાનનો પારો ૪૮ની આસપાસથી સીધો ૩૮ની આસપાસ આવી જશે. કારણ કે, ૧૦ ડિગ્રી ગરમી તો અમારા આંદોલનની જ હશે. એક વાર સરકાર અમારી શરતો સ્વીકારી લે તો પછી અમે એવી માગણી પણ કરવાના છીએ કે ગુજરાતમાં ઠંડકની પણ અનામત પ્રમાણે વહેંચણી કરવામાં આવે. વ્યવહારમાં આવું કેવી રીતે થાય એની અમને ખબર નથી, એ અમારો વિષય નથી ને એ જાણવાની અમને પરવા પણ નથી. એ કામ સરકારનું છે ને સરકાર એનો અમલ નહીં કરે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. જય સરદાર.

આનંદીબહેન પટેલ
લોકો ભલે એવી અફવા ફેલાવ કે હું હસીશ તો આપોઆપ તાપમાન નીચું આવી જશે. આ અને મારા વિશેની બીજી તમામ અફવાઓનું હું ભારપૂર્વક ખંડન કરું છું. આટલી કાળઝાળ ગરમીમાં મારી પ્રજા શેકાતી હોય ત્યારે બહેન જાય છેએવી અફવા ફેલાવવા બદલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દેવાનો વિચાર મને આવ્યો હતો. પણ પછી થયું કે આવી ગરમીમાં બીજી કોઇ સુવિધા તો છે નહીં ને ઇન્ટરનેટ પણ નહીં હોય, તો લોકો કરશે શું? અને એમનો રોષ કદાચ મારી પર ઠલવાય. આ સ્પષ્ટતાનો અર્થ કોઇએ એવો ન કાઢવો કે ગરમી ઓછી થયા પછી મારી જવાની શક્યતાઓ છે.

ઍન્કાઉન્ટર કરનાર જાંબાઝઅફસરો
ત્રાસવાદ નાબૂદ કરવા માટે અમે કોઇ પણ હદે જવા ઉત્સુક હોઇએ છીએ. માથે સાહેબોનું છત્ર હોવું જોઇએ અને અમને જાંબાઝ-વીર-બહાદુર ગણનાર ભક્તમંડળ હોવું જોઇએ, બસ. સૂર્ય આતંક મચાવતો હોય અને તેના ઍન્કાઉન્ટરથી અમારા સાહેબોને કંઇક ફાયદો થવાનો હોય, તો એનું પણ ઍન્કાઉન્ટર કરી નાખવું જોઇએ, એવું અમારું આગ્રહપૂર્વકનું સૂચન છે. એક વાર ઍન્કાઉન્ટર કરી નાખ્યા પછી આપણે કાયમની જેમ જાહેર કરી દેવાનું કે આ સૂર્ય વાસ્તવમાં પાકિસ્તાને મોકલેલો ત્રાસવાદી હતો, જે ભારતના વડાપ્રધાનને બદનામ કરવા માટે સૂર્યનું માયાવી સ્વરૂપ ધારણ કરીને આવ્યો હતો. (અમને જાંબાઝને જાન પર ખેલનારાતરીકે પૂજી શકતી પ્રજાને ત્રાસવાદી માયાવી સ્વરૂપ ધારણ કરીને સૂર્ય બની શકે, એવું સ્વીકારવામાં તકલીફ ન પડવી જોઇએ.) અમે સૂરજનું ઍન્કાઉન્ટર કરી નાખીએ એટલે દુષ્ટ સૅક્યુલરિસ્ટો રાબેતા મુજબ કકળાટ કરશે, પણ એમની અમને પરવા નથી. અમારી બિરદાવલીઓ ગાનારાના મુખેથી ઝરતી અમારી પરાક્રમગાથા અમને દેશહિતનાં આવાં કાર્યો કરવા માટે પ્રેરે છે અને પ્રેરતી રહેશે.

ગુજરાત કૉંગ્રેસ
અમે રાહુલજીને ગુજરાતમાં બોલાવીને ઠેરઠેર તેમની સભાઓ યોજવા માગીએ છીએ. રાહુલજી દેશનું ભવિષ્ય છે. રાહુલજી ભારતની આવતી કાલ છે. રાહુલજી યુવા નેતૃત્વની સક્ષમ મિસાલ છે...અને અમારો અનુભવ છે કે રાહુલજી જ્યાં જાય ત્યાં બધું ટાઢુંબોળ થઇ જાય છે. તો પછી તેમની આ પ્રતિભાનો લાભ ગુજરાતને શા માટે ન અપાવવો?

Sunday, April 19, 2015

અમદાવાદમાં ઑલિમ્પિક : કેટલીક ખાસ રમતો

ભારતના સ્વપ્નવિક્રેતા વડાપ્રધાન મોદી ભારતમાં ઑલિમ્પિક રમતોત્સવ યોજાય એ માટે પ્રયાસ કરવાના છે. હજુ તેમની સત્તાનું પહેલું વર્ષ છે, એટલે તે સમર ઑલિમ્પિક માટે જ વાત કરશે. બાકી, તેમનું ચાલે તો એ અમદાવાદની ચાળીસ ડિગ્રી ગરમીમાં વિન્ટર ઑલિમ્પિક રમાડે. શરમને ગૌરવ તરીકે ખપાવી શકાતું હોય, તો ઉનાળાને શિયાળા તરીકે ખપાવવામાં શી ધાડ મારવાની?

ધારો કે અમદાવાદમાં-ભારતમાં ઑલિમ્પિક યોજવાના પ્રયાસ સફળ થાય તો, તેમાં કેટલીક (અમદાવાદ માટે જૂની, પણ ઑલિમ્પિક માટે) નવી રમતો ઉમેરવાનું વિચારી શકાય. તેમાંથી મોટા ભાગની રમતો (‘ટ્રેક એન્ડ ફિલ્ડ’ની જેમ) ‘ટ્રેક, ફિલ્ડ એન્ડ રોડ’  વિભાગમાં આવે એવી છે.

સિગ્નલ-જમ્પિંગ
હાઇ-જમ્પ અને લૉન્ગ જમ્પની રમતો હવે જૂની થઇ. એ બન્ને કરતાં વધારે કૌશલ્યની જરૂર સિગ્નલ-જમ્પિંગમાં પડે છે. આ રમતમાં દ્વિચક્રી વાહનચાલકોએ એક પૉઇન્ટથી નક્કી થયેલા રૂટ પર બીજા પૉઇન્ટ સુધી પહોંચવાનું રહેશે. આ માર્ગમાં વચ્ચે તેર સિગ્નલ આવતા હશે અને એ દરેક પર ટ્રાફિક પોલીસ ઊભા હશે. વાહનચાલકે ટ્રાફિક પોલીસને હટાવીને, પટાવીને કે ખટાવીને બને એટલી ઝડપે અંતિમ પૉઇન્ટ સુધી પહોંચવાનું રહેશે. ટ્રાફિક પોલીસ રસ્તા વચ્ચે આડા હાથ દઇને ઊભો રહેવાથી માંડીને હાથમાં રહેલો દંડો છૂટો ફેંકી શકે છે. તેની સાથે કેવી રીતે પનારો પાડવાનો, એ ચાલકે નક્કી કરવાનું રહેશે. કહેવાની જરૂર છે કે આ રમતમાં અમદાવાદી ચાલક જ વિશ્વવિજેતા બનશે?

ઓવરટેકિંગ
સાયકલ રેસિંગ જેવી રમતો માટે ઑલિમ્પિકમાં અલગથી મોંઘાદાટ સ્ટેડિયમ બનાવવામાં આવે છે, જ્યાં સ્પર્ધકો પોતાની ખાસ સાયકલો સાથે જોર અને તકદીર અજમાવવા ઉતરી પડે છે. અમદાવાદની ઑલિમ્પિકમાં આ સ્પર્ધાને નવું રૂપ આપી શકાય છે. સાયકલના સ્થાને રિક્ષા લઇને સ્પર્ધકો અમદાવાદના નક્કી કરેલા રૂટ પર ઉતરી પડે. એ રૂટમાં તે જેટલા વઘુ લોકોને ઓવરટેક કરી શકે, એટલા તેમના વધારે પોઇન્ટ. સ્પર્ધાને વઘુ કઠણ બનાવવી હોય તો એવો નિયમ રાખી શકાય કે દરેક વખતે હૉર્ન વાગે એટલે એક પોઇન્ટ કપાય અને દરેક ઓવરટેકે પોઇન્ટ ઉમેરાય.

આ શરતો પરદેશી ચાલકોને પહેલાં સાવ સહેલી લાગશે, પણ અમદાવાદના રસ્તા પર વાહનની આગળ બિલાડીથી હાથી સુધીની કોઇ પણ સાઇઝનું પ્રાણી ચાલતું હોય ત્યારે વિદેશી ખેલાડીઓના હાંજા તો એવાં દૃશ્યો જોઇને જ ગગડી જશે, પણ-- દેશી અને ખાસ કરીને અમદાવાદી-- ખેલાડીઓ હાથીને રિક્ષા સમકક્ષ, રિક્ષાને બિલાડી સમકક્ષ અને બિલાડીને ઉંદર જેવી ગણીને તેમને સહેલાઇથી ઓવરટેક કરી જશે.

હર્ડલ-રેસ
ગુજરાતીમાં ‘વિઘ્નદોડ’ તરીક ઓળખાતી આંતરરાષ્ટ્રિય રમતમાં અવરોધો કૂદીનેેેેેેેેેેેે દોડવાનું હોય છે. એમાં ખાસ ધાડ મારવાની હોતી નથી. તેમાં રોમાંચ ભેળવવો હોય તો અમદાવાદના રસ્તાઓ પર સાયકલચાલકોને રેસમાં ઉતારવા જોઇએ. રસ્તામાં આવતા નાના-મોટા-મહા સાઇઝના ખાડા, ભૂવા, ખોદકામ, ડાયવર્ઝન, ‘આ કામ આપની સુવિધા વધારવા માટેનું છે’ એવાં પાટિયાં-- આ બઘું વટાવીને ચાલક જેટલી ઝડપથી અંતિમ સ્થાન સુધી પહોંચી શકે, એમાં તેના અનેકવિધ કૌશલ્યની કસોટી થશે.

બસ-રાઇડિંગ
પહેલી નજરે કોઇને લાગે કે આમાં વળી રમત જેવું શું છે? પણ મોટા ભાગની ઑલિમ્પિક રમતો જીવનથી વિમુખ હોય છે, ત્યારે આ રમતને જીવનાભિમુખ રમત તરીકે સ્થાન આપી શકાય. તેના માટે પણ અમદાવાદમાં અલગ સ્ટેડિયમ બાંધવાની જરૂર નહીં પડે. એ.એમ.ટી.એસ.નાં બસ સ્ટેન્ડ પર બાર સ્પર્ધકોને બીજા મુસાફરો સાથે ઊભા રાખી દેવાના. બસ આવે અને સ્ટેન્ડની આગળ કે પાછળ ઊભી રહે ત્યારે દોડાદોડ અને ધક્કામુક્કીમાં, મારામારી કર્યા વિના, જેટલા સ્પર્ધકો ચડી શકે એટલા બે સ્ટેન્ડ પછી ઉતરી જાય અને આગળના રાઉન્ડમાં પ્રવેશે. દરેક રાઉન્ડમાં સ્ટેન્ડ પર ઊભેલા મુસાફરોની સંખ્યા વધતી રહે. ત્રણ-ચાર રાઉન્ડ પછી એક તબક્કો એવો આવે કે જ્યારે એક જ માણસ બસમાં ચડી શક્યો હોય. એ ગોલ્ડ મેડાલિસ્ટ. (આ રમતમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ ન રાખવા પડે. એટલે એ ખર્ચો પણ બચી જાય.)

રોડ-ક્રૉસિંગ
અમદાવાદમાં એવા અનેક ચાર કે ત્રણ રસ્તા છે, જ્યાંથી રસ્તો ક્રોસ કરતી વખતે ઇશ્વર સિવાય બીજા કોઇનો સહારો હોતો નથી. કોઇ પણ દિશામાંથી, કોઇ પણ પ્રકારનાં વાહનો, કોઇ પણ ઝડપે આવી શકે છે અને રાહદારીને રસ્તાની આ બાજુથી પેલી બાજુને બદલે આ લોકમાંથી પેલા લોકમાં પહોંચાડી શકે છે. આવા કેટલાક ચુનંદા રસ્તા પર, સવારના કે સાંજના ભરચક ટ્રાફિકમાં ખેલાડીઓને રસ્તો ક્રોસ કરવાનું કહેવાનું. સમયમર્યાદા આપવાની નહીં. જે સૌથી ઓછા સમયમાં, સૌથી ઓછા ખચકાટ સાથે અને કોઇ પણ પ્રકારની ઇજા વગર રસ્તો ક્રોસ કરે, તે આગલા રાઉન્ડમાં જાય.

એન્કાઉન્ટર-શૂટિંગ 
બાકીની સ્પર્ધાઓની સરખામણીમાં આ જરા અલગ છે. તે ‘ટ્રેક, ફિલ્ડ એન્ડ રોડ’ શ્રેણીની પણ નથી. તેમાં રમતમાં શારીરિક ક્ષમતાનું ઝાઝું પ્રદર્શન આવતું નથી. શૂટિંગ સાથે તેનું કશું સીઘું સામ્ય પણ નથી. મુખ્યત્વે આ ‘ઇનડોર’ રમત છે, જે એક સમયે વાયબ્રન્ટ ગુજરાતના પોલીસ અફસરોમાં અત્યંત લોકપ્રિય હતી. ઑલિમ્પિકમાં બીજા દેશના પોલીસ અફસરો પણ તેમાં ભાગ લઇ શકે. આ રમતમાં સ્પર્ધકે એન્કાઉન્ટર માટેની સૌથી ફળદ્રુપ કાલ્પનિક વાર્તા કહેવાની રહેશે. બીજા હરીફો આ વાર્તાની વચ્ચે વચ્ચે સ્પર્ધકને ગૂંચવનારા પ્રશ્નો પૂછી શકે છે. તેના સંતોષકારક જવાબો અને પોતાની વાર્તાની નક્કરતા પર સ્પર્ધકની જીતનો આધાર રહેશે. આ રમતનું સૌથી મોટું માહત્મ્ય એ દર્શાવી શકાશે કે ઑલિમ્પિકમાં ટૅક્‌નૉલોજીની બોલબાલા વધી પડી છે, ત્યારે આ રમત કેવળ કલ્પનાશક્તિ અને દિમાગની ઉડાનને લક્ષમાં રાખે છે.

ફૂલિંગ-રેસ
આવી કોઇ સ્પર્ધા ઑલિમ્પિકમાં નથી હોતી, પણ એ સિવાય બધે જ હોય છે : પ્રજાને વઘુમાં વઘુ કેટલા સમય માટે મૂર્ખ બનાવી શકે, તેની હોડ. તેની સામે ઑલિમ્પિકની સ્પર્ધાઓની કશી વિસાત નથી. કેમ કે, દર ચાર વર્ષે યોજાતી ઑલિમ્પિકમાં જીતનારાને વધી વધીને ગોલ્ડ મેડલ મળે છે, જ્યારે દર પાંચ વર્ષે યોજાતી આ ‘સ્પર્ધા’માં જીતનારાને રાજ્યનું કે દેશનું રાજપાટ મળે છે. 

Tuesday, March 03, 2015

ધિક્કારમૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા

ગુજરાતનાં નકલી એન્કાઉન્ટરોમાં અભૂતપૂર્વ સંખ્યામાં પકડાયેલા પોલીસ અફસરોના જામીન પર છૂટકારાની સીઝન થોડા વખતથી ચાલે છે. કોરટ-કચેરીનાં ચક્કરોમાંથી મુક્તિના ‘અચ્છે દિન’ ભાજપના પક્ષપ્રમુખ માટે તો ક્યારના આવી ગયા હતા. આ બઘું જાણીને બમ્બૈયા ફિલ્મોનો ટપોરી અંદાજ યાદ આવી શકે : ‘ભાઇકા રાજ હૈ, ભીડુ. ટેન્શન નહીં લેનેકા. ટેન્શન દેનેકા.’

હા, આ ઘટનાક્રમની સમાંતરે ‘ટેન્શન દેવાનો’ બીજો તંતુ પણ સતત ચાલતો આવ્યો છે : ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી (અને દેશના વર્તમાન વડાપ્રધાન)ને જે લોકોએ ‘વીતાડ્યું’ હોય, એવા લોકોને ‘ધંધે લગાડવાનો’ ક્રમ. શ્રીકુમાર, સંજીવ ભટ્ટ, રાહુલ શર્મા જેવા પોલીસ અફસરોથી માંડીને બીજા કેટલાક સરકારી અફસરો અને તિસ્તા સેતલવાડ જેવાં કાર્યકરો ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીને ‘હેરાન કરનારાં’ તરીકે પંકાયેલાં હતાં. ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ની જેમ ‘મોદી ઇઝ ગુજરાત’  ન્યાયે, તેમને મુખ્ય મંત્રીનાં વિરોધી નહીં, પણ ‘ગુજરાતનાં દુશ્મન’ તરીકે રજૂ કરવામાં -ને ઘણી હદે સ્વીકારી લેવામાં- આવ્યાં. સરકારપ્રેરિત પ્રચાર મારો એવો ચાલ્યો કે થોડા વખત પછી સમજણી બનેલી પેઢીને એવું લાગે, જાણે ગુજરાતને (વાંચોઃ ગુજરાતના મુખ્ય મંત્રીને) બદનામ કરવા માટે, તિસ્તા સેતલવાડ પ્રકારના લોકો અમદાવાદની સડકો પર નિર્દોષોને જીવતા જલાવવા નીકળી પડ્યા હશે.

‘અંગત અને વ્યાવસાયિક કારણોસર’ (એટલે કે સરકારી હેરાનગતિથી થાકીને) પોલીસ અફસર રાહુલ શર્મા વહેલી નિવૃત્તિ માગી અને ગયા અઠવાડિયે સરકારે તે આપી દીધી. આઇ.પી.એસ. રાહુલ શર્માએ ૨૦૦૨ની કોમી હિંસા વખતે એક મદ્રેસામાંથી મુસ્લિમ બાળકોને બચાવ્યાં હતાં. તેમની બદલી કરીને કન્ટ્રોલ રૂમમાં નાખ્યા, તો ત્યાં એમણે અમદાવાદમાં કોમી હિંસા વખતે કયા નેતાઓ ક્યાં હતા, તેની કૉલ ડીટેઇલ્સ ધરાવતી એક સી.ડી.તૈયાર કરી. આવા અફસરોની સામે ખાતાંકીય તપાસો ન થાય તો બીજું શું થાય? પોલીસ અફસરોએ ચૂપચાપ સાહેબોની કહી કે વણકહી આજ્ઞાનું પાલન કરવાનું હોય કે તેમનાં કરતૂતો ઉઘાડાં પડે એવાં કામ કરવાનાં હોય?

રાજકીય ઉપરીઓની આજ્ઞાથી કે તેમને ખુશ રાખવા માટે ગુજરાતના પોલીસ અફસરોએ નકલી એન્કાઉન્ટર કર્યાં. ઉત્તમ પત્રકારત્વ અને ઠીક ઠીક તપાસના પરિણામે, એન્કાઉન્ટરોની અસલિયત ખુલ્લી પડી ગઇ. રેકોર્ડબ્રેક સંખ્યામાં પોલીસ અફસરોને જેલમાં જવાનો વારો આવ્યો. ‘મુખ્ય મંત્રીની હત્યાનાં કાવતરાં’ના દાવા પોકળ સાબીત થયા. (તેનો સાંયોગિક છતાં ઉત્તમ પુરાવો એ કે બધા એન્કાઉન્ટરબાજો જેલમાં ગયા પછી, મુખ્ય મંત્રીની હત્યાનું એક પણ કાવતરું પકડાયું નહીં.) એ વખતે મુખ્ય મંત્રીને ગોપીભાવે ભજતા કેટલાકે ‘ગુજરાત પોલીસના મૉરલ પર ગંભીર અસર થશે’ એવી કાગારોળ મચાવી. પણ રાજનેતાઓને બદલે દેશના કાયદા- બંધારણ પ્રત્યે વફાદારી રાખનાર અને એમ કરવા જતાં સરકારી હેરાનગતિનો ભોગ બનેલા પોલીસ અફસરો માટે મૉરલ-ચિંતકોનો ભાગ્યે જ ચિંતા થઇ હતી.

મુખ્ય મંત્રીને તેમની સંદેહાસ્પદ ભૂમિકા અને ચોખ્ખી નિષ્ફળતા માટે જવાબદાર ઠરાવે તથા તેમને જવાબ આપવાની સ્થિતિમાં મુકે, એવું કંઇ પણ કરનાર સામે આખી ફોજ તૈયાર હતી : સરકારી પ્રચારતંત્ર, છાકટા બનેલા છદ્મશ્રીઓ, ચબરાકીપૂર્ણ ચાપલુસી કરીને મુખ્ય મંત્રીની ગુડબુકમાં રહેવા તલસતા કટારલેખકો, ગેરરસ્તે દોરવાયેલા નાગરિકો...એ લોકોનું કામ જ મુખ્ય મંત્રીના ટીકાકારો માટે યેનકેનપ્રકારે ધિક્કાર ફેલાવવાનું હતું. એ માહોલમાં નિહત્થા ગુંડાઓને ઠાર મારવાનુંં પરાક્રમ કરનારાને ‘જાંબાઝ અફસર’ તરીકે બિરદાવવાની અને જેલમાં જઇને કે જેલની બહાર તેમનાં ઓવારણાં લેવાની બેહુદી ફેશન ચાલી. પણ નકલી એન્કાઉન્ટરોના એક સૂત્રધાર ડી.જી.વણઝારાએ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીને ભીંસમાં મૂકતો પત્ર લખીને જાહેર કર્યો, ત્યારે ખરો તાલ થયો. વણઝારા અને મુખ્ય મંત્રીને એક જ કૌંસમાં મૂકીને તેમની આરતીઓ ઉતારનારા, તેમની જાંબાઝીના ચાલીસા ગાનારા શું કરે? કોની બાજુ ઢળે? તેમના સદ્‌ભાગ્યે લોકોની યાદદાસ્ત ટૂંકી હોવાથી, દૂધમાં ને દહીમાં પગ રાખવાના તેમના વલણની જાહેર તપાસ કે ખાસ ચર્ચા થઇ નહીં.

પ્રમાણભાન અને તોલમાપ

મુખ્ય મંત્રીના ટીકાકારો કે તેમને ‘બદનામ કરનારા’ની વાત નીકળે ત્યારે કેટલીક સ્પષ્ટતા જરૂરી છે : તત્કાલીન મુખ્ય મંત્રી મોદીની સામે પડેલા બધા લોકો એક સરખા પ્રામાણિક કે પ્રતિબદ્ધ કે હૈયે લોકહિત ધરાવનારા હોય, એ જરૂરી નથી. મુખ્ય મંત્રી મોદીની આકરી ટીકા માત્રથી કોઇ વ્યક્તિ પોતે નીતિમત્તાની કે ફરજપરસ્તીની મૂર્તિ બની જતી નથી. ટીકા કરનારની કે સામે પડનારની નિષ્ઠા હંમેશાં અલગ તપાસનો વિષય રહે છે.  નાગરિકો તરીકે આપણે યાદ એટલું જ રાખવાનું કે એકનું દોષદર્શન કરાવવાથી બીજો ‘યુધિષ્ઠિર’ બની જતો નથી. આપણે બન્ને પક્ષોની મર્યાદાઓનો સામસામો છેદ ઉડાડીને રાજી થઇ શકીએ નહીં. કેમ કે, આપણું કામ બન્ને પક્ષો પાસેથી જવાબ માગવાનું અને તેમની ગરબડોની ગંભીરતા નક્કી કરવાનું છે. જેમ મોદીની સામે પડવા માત્રથી તિસ્તા સેતલવાડ પર થયેલા રૂપિયાના ગોટાળાના આરોપ ગૌણ બની જતા નથી, તેમ તિસ્તા પર આરોપ લગાડી દેવાથી સરકાર દૂધે ધોયેલી બની જતી નથી. લોહીથી ખરડાયેલા હાથવાળો સામેના પક્ષના ખિસ્સા પર પડેલા ડાઘાની ટીકા કરે, એવું આ લાગે છે. નિર્દોષ નાગરિકોની હત્યા અને તેનો રાજકીય ફાયદો એક તરફ, તો રૂપિયાના વહીવટી ગોટાળાનો આરોપ બીજી તરફ- આ બન્નેની ગંભીરતા એકસરખી નથી, એટલું પણ નાગરિક તરીકે સમજાવું જોઇએ.

સરકારોનો પ્રયત્ન એ રહે છે કે નાગરિકો આવું બઘું વિચારવાને બદલે, હોંશે હોંશે તેમનો પ્રચાર માની લે. ‘અમે ફક્ત પંદર જણા ને સામે ત્રણનું ટોળું’- એવા અંદાજમાં સરકાર પોતાનાં મસમોટાં પાપ ઢાંકવા માટે, સામેના પક્ષની મર્યાદાઓને અનેક ગણીને મોટી કરે છે અને તેમને અસલી ખલનાયક સાબીત કરવા ભરપૂર કોશિશ કરે છે. એ વખતે નાગરિકોએ સરકારી બુદ્ધિથી નહીં, પણ સ્વબુદ્ધિથી, ઠંડા કલેજે બન્ને પક્ષોનો તોલ કરવાનો થાય છે.

સરકારી પ્રચારતંત્ર બધા ટીકાકારોને એકસરખા ચીતરીને, તેમને એક લાકડીએ હાંકવાની વેતરણમાં હોય છે. (દા.ત. ‘મુખ્ય મંત્રીની ટીકા કરનારા બધા તિસ્તા સેતલવાડના સાથીદાર જ ગણાય’) દુઃખની વાત એ છે કે આ યુક્તિ ગુજરાતમાં સફળ થઇ. ઘણા લોકો નરેન્દ્ર મોદીના જુદા જુદા ટીકાકારોનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવાને બદલે, તેમના ગુણદોષ અલગથી જોવાને બદલે, તેમને ફક્ત ‘મોદીના ટીકાકાર’ તરીકે ઓળખતા અને ધિક્કારતા થયા.

ધિક્કારની આ લાગણી રાજનેતાઓ માટે બહુ કામની છે. પોતાની મસમોટી મર્યાદાઓ અને સત્તાલાલસા લોકોની નજરે ન ચડી જાય, એટલા માટે  નેતાઓ હંમેશાં એક કે વઘુ ‘ધિક્કારપાત્રો’ (હેટ ઑબ્જેક્ટ)ની ખોજમાં હોય છે- એવાં પાત્રો, જેમની સામે આંગળી ચીંધીને ‘જુઓ, જુઓ, આ મને એટલે કે આપણને, એટલે કે આપણા મહાન રાજ્યને કે દેશને બદનામ કરી રહ્યાં છે’ એવા બરાડા પાડી શકાય. લોકોનું ઘ્યાન અને તેમનો રોષ એ તરફ કેન્દ્રિત કરીને, પોતાના ઉત્તરદાયિત્વમાંથી અને જવાબદારીઓમાંથી સહેલાઇથી છટકી શકાય.

આ કામ તત્કાલીન મુખ્ય મંત્રી મોદીએ બહુ અસરકારક રીતે કર્યું. પરંતુ આવું કરનારા તે પહેલા ન હતા. ગુજરાતની અસ્મિતાની ‘ખેતી’થી માંડીને ‘ગુજરાતવિરોધી’, ‘ગુજરાતદ્રોહી’ જેવાં વિશેષણો પોતાની સગવડે વેચવામાં ચીમનભાઇ પટેલ નરેન્દ્ર મોદીના પૂર્વસૂરિ હતા. નર્મદા યોજનાનો વિરોધ કરનાર મેધા પાટકરને, બસ ‘ડાકણ’ જાહેર કરવાનું બાકી રહ્યું હતું. મેધાબહેનના કે તેમના જેવા ચળવળકારોના આગ્રહો આત્યંતિક કે માગણીઓ વઘુ પડતી હોઇ શકે. પરંતુ ખોરી દાનત ધરાવતી સરકારો સાથે પનારો પાડવાનો હોય, ત્યારે વિશ્લેષણ લેખોના અંદાજમાં કાંટાકસ તોલનું ધ્યેય રાખી શકાતું નથી. સરકાર સામે સંઘર્ષ કરવાનો હોય ત્યારે ગમે તેટલી ઠંડક પછી પણ અમુક પ્રકારની આક્રમકતા અને આત્યંતિકતા ભળી જાય છે.

આવા પ્રસંગે સરકાર બે વલણ લઇ શકે :  જેમના માટે આંદોલન ઉપાડવામાં આવ્યું હોય, એવા લોકો સાથે વાતચીત કરે. તેમને સીધા વિશ્વાસમાં લેવા પ્રયાસ કરે અને થોડા મહિનાના સમયગાળામાં પોતાની ચોખ્ખી દાનતની સારી છાપ બેસાડે. મોટા ભાગની સરકારોને આ રસ્તો અનુકૂળ આવતો નથી. સત્તાનો મદ અને કુટિલ કાવાદાવા પર ભરોસાના જોરે તે ‘સામ’ને બદલે દામ, દંડ કે ભેદ જેવાં હથિયારો વાપરવાનું વઘુ પસંદ કરે છે. એ માટે, સરકારની સામે પડેલા પાત્રનું ખલનાયકીકરણ કરવામાં આવે છે. એવું ચિત્ર બતાવવામાં આવે છે કે તિસ્તા સેતલવાડ કે મેધા પાટકર ગુજરાતનાં દુશ્મનો છે, દેશનાં દુશ્મનો છે, ગુજરાતની કે દેશની પ્રગતિ રોકવા કામ કરે છે, આવાં રોડાં નાખવા માટે તેમને ફલાણે ઠેકાણેથી ફંડિગ મળે છે, વગેરે.

ચળવળકારોની વાતમાં રહેલા વાજબી અને જનહિતના મુદ્દા સ્વીકારવાને બદલે નાગરિકો પણ સરકારી પ્રચારથી દોરાઇ જાય અને સરકારે સ્વાર્થવશ ઊભા કરેલા ખલનાયકોને અપનાવી લે, ત્યારે મોટું નુકસાન થાય છે. ઉદાહરણ તરીકે, મેધા પાટકરને ગાળો દેતાં ન થાકતા કેટલા લોકો નર્મદા કેનાલોમાં મોદી પહેલાંની અને મોદી પછીની સરકારોએ કરેલા વિલંબ વિશે દસમા ભાગનો રોષ પ્રગટ કરીને, આ સરકારોને ગુજરાતદ્રોહીની ગાળ આપે છે? તિસ્તા સેતલવાડ વિશે બેફામ બોલતા કેટલા લોકો કોમી હિંસા પછી અસરગ્રસ્તોને રાહત અને ન્યાય પૂરો પાડવામાં સરકારની ખોરી દાનત વિશે ખોંખારીને બોલતા હતા? અને હજુ બોલે છે?

સરકારસ્થાપિત ધિક્કારમૂર્તિઓ વિશે પોતાના છેડેથી વિચારવું નાગરિકો માટે આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. 

Tuesday, September 10, 2013

એન્કાઉન્ટર-સંગીત : તુમ એક ગોરખધંધા હો

નુસરત ફતેહઅલીખાને ગાયેલી એક અનોખી કવ્વાલીમાં શાયર ઉપરવાળાને સંબોધીને કહે છે : ‘તુમ એક ગોરખધંધા હો’. સ્પેન્ડેડ પોલીસ અફસર ડી.જી.વણઝારાનો પત્ર વાંચીને ‘ગોરખધંધા’ કવ્વાલીની યાદ આવી ગઇ. કારણ કે પત્રમાં વણઝારાએ ગુજરાતના મુખ્ય મંત્રીને પોતાના ભગવાન ગણાવ્યા અને એ મતલબનું લખ્યું કે મારા ભગવાન પ્રસંગ આવ્યે મારી વહારે આવી શક્યા નહીં.

ડી.જી.વણઝારાનો આખો પત્ર પ્રસાર માઘ્યમોમાં આવી ગયો છે. તેના કેટલાક ચુનંદા અંશ મથાળાંમાં પણ ચમક્યા છે. છતાં સરસ અંગ્રેજીમાં લખાયેલા એ પત્રનાં કેટલાંક વાક્યો વિચારપ્રેરક, હજુ આંખ ભીડીને બેઠેલાની આંખ ઉઘાડી શકે એવાં છે.

વણઝારાના પત્રમાંથી બે વાર વાંચવા અને શાંતિથી સમજવા જેવી કેટલીક ‘કણિકાઓ’.

પત્રકણિકા ૧ : ‘...ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીને હું ભગવાનની જેમ પૂજતો હતો (મૂળ અંગ્રેજી શબ્દપ્રયોગ છેઃ adore), પરંતુ મને કહેતાં બહુ દુઃખ થાય છે કે શ્રી અમિતભાઇ શાહના આસુરી પ્રભાવ તળે આવી ગયેલા મારા ભગવાન પ્રસંગને છાજે એવું વર્તન કરી શક્યા નહીં. તેમનાં (મોદીનાં) આંખ-કાન બની ગયેલા અમિતભાઇ બાર-બાર વર્ષથી બકરાનું કૂતરું ને કૂતરાનું બકરું દેખાડીને તેમને (મોદીને) સફળતાપૂર્વક ગેરમાર્ગે દોરી રહ્યા છે..’ 

દેખીતો આક્ષેપ બહુ સ્પષ્ટ છે, પરંતુ તેનાથી અનેક ગણી વધારે ગંભીર હકીકત બીજી છે- અને તે વણઝારાના દેશભક્તિ- ફરજપરસ્તીના દાવા સામે સદંતર વિરોધાભાસ ઊભો કરે છે ઃ આઇપીએસ કક્ષાનો કોઇ અફસર બંધારણ કે કાયદાને બદલે રાજ્યના સત્તાધીશને ભગવાન (સર્વસ્વ) માનતો હોય, એ કેટલી ખતરનાક વાત ગણાય. તેમના આ વિધાનનો અર્થ એ થયો કે ‘ભગવાન’ના આદેશ મળે, એટલે કાયદાની કે બંધારણની પરવા કર્યા વિના ‘ભક્ત’ તેનો અમલ કરી નાખે.

‘ભગવાન-ભક્ત’ની ભવ્ય ઉપમાને વધારે વાસ્તવિક રીતે સમજવી હોય તો એવું પણ કહી શકાય કે આઇપીએસ કક્ષાના ઉચ્ચ અફસર, ફરજભાન વિસરીને કેવળ ચાવીવાળા રમકડાં જેવા બની ગયા : ‘ભગવાન’ જેટલી  અને જેવી ચાવી આપે, એટલું અને એવું ‘રમકડું’ ચાલે. ‘રમકડા’ને શ્રદ્ધા હોય કે આપણે આગળ-પાછળની, કાયદાકાનૂનનો વિચાર કરવાની શી જરૂર છે? આપણને ઉગારવા માટે તો ‘હજાર હાથવાળો’ (મુખ્ય મંત્રી) બેઠો છે.

આ વિધાનમાંથી ઉપસતી અસલી ચીજ વણઝારાનો એકરાર  છે- એ બાબતનો એકરાર કે ફરજની પ્રતિજ્ઞા પ્રમાણે કાયદા-બંધારણને વફાદાર રહેવાને બદલે, તે રાજ્યના મુખ્ય મંત્રીના હાથની કઠપૂતળી બની ગયા.

પત્રકણિકા ૨ :  (અમિત શાહ વિશે ચુનંદાં વિશેષણ વાપર્યા પછી) ‘અમિતભાઇએ પોતાની જાતને ગુજરાત સરકારનાં રાજકીય હિતોના રક્ષક તરીકે સીમીત કરી દીધી છે અને પોતાની એ ભૂમિકાનું તે ઇર્ષ્યાપૂર્વક, જેલવાસી પોલીસ અફસરોના ભોગે રક્ષણ કરી રહ્યા છે.’ 

આ વાક્યમાં બે શબ્દો ખાસ નોંધપાત્ર છે : ‘રાજકીય હિતો’ અને ‘ઇર્ષ્યાપૂર્વક’ (મૂળ શબ્દો : ‘પોલિટિકલ ઇન્ટરેસ્ટ્‌સ’ અને ‘જેલસલી’). તેનો સૂચિતાર્થ એવો છે કે અગાઉ ગુજરાત સરકારનાં રાજકીય હિતોનું- હા, ત્રાસવાદવિરોધી લડાઇનું નહીં, રાજકીય હિતોનું - રક્ષણ જેલવાસી પોલીસ અફસરો કરી રહ્યા હતા. એ કામ પછી અમિત શાહે ઉપાડી લીઘું. અગાઉ એ કામ કરનારા પ્રત્યે પોલીસ અફસરો પ્રત્યે તેમના મનમાં ઇર્ષ્યાનો ભાવ હતો. એટલે તેમણે ઇર્ષ્યાપૂર્વક, જેલભેગા થયેલા પોલીસ અધિકારીઓને જેલમાં સડતા રાખ્યા.

પત્રકણિકા ૩ :  ‘ભૂતકાળમાં જ્યારે પણ સરકારે અસ્તિત્ત્વની કટોકટી અનુભવી, ત્યારે હું અને મારા અફસરો તેની પડખે અડીખમ ઊભા રહ્યા હતા. અમારી સામે આ જાતની કટોકટી ઊભી થઇ ત્યારે સરકાર પણ વળતા વ્યવહારે  મક્કમ બનીને, દૃઢતાપૂર્વક અને જોશભેર અમારી પડખે ઊભી રહે એવું અપેક્ષિત હતું. પણ મારા પરમ આઘાત અને આશ્ચર્ય વચ્ચે એવું બન્યું નહીં.’ 

વણઝારા જેવા હોંશિયાર અફસર ‘સરકાર’ અને ‘રાજ્ય’ વચ્ચેનો ભેદ ન સમજે એવું કેમ બને? માપીતોળીને લખેલા એક-એક શબ્દમાં વણઝારાએ રાજ્ય સામે ત્રાસવાદની (કહેવાતી) કટોકટીની વાત કરી નથી, પણ સરકારે અનુભવેલી અસ્તિત્ત્વની કટોકટીની વાત કરી છે. ગુજરાતમાં ‘સરકાર’ એટલે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને (વણઝારાના) આરોપ પ્રમાણે, ‘પ્રોક્સી સરકાર’ ચલાવતા અમિત શાહ. પોલીસ અફસરોની ફરજ અને તેમની જવાબદારી સરકારી કટોકટીમાં સરકારના પડખે ઊભા રહેવાની નથી. સરકાર તો એક જાય ને બીજી આવે. સરકાર એ રાજ્ય નથી. પોલીસ અફસર સરકારને બદલે રાજ્યને વફાદાર રહ્યા હોય તો રાજ્ય (એટલે કે બંધારણ અને કાયદાની જોગવાઇઓ) જરૂર તેમના બચાવમાં, તેમના પડખે આવે, પણ એમને રાજ્ય કરતાં સરકારની વફાદારી વહાલી હોય તો પછી બીજું શું થાય?

પત્રકણિકા ૪ : ‘ગાંધીજીનાં એ વિધાનોમાં રહેલી સચ્ચાઇ મને સમજાઇ કે રાજ્યો આત્માવિહોણાં યંત્રો છે અને સરકારોને કોઇ અંતરાત્મા જેવું કશું હોતું નથી....એ પ્રમાણે, આ સરકારે મારા ગરીમાપૂર્ણ મૌનને બદલો વાળવા જેવો ગુણ ગણવાને બદલે અવગણવા જેવી નબળાઇ ગણી લીઘું.’

રાજ્યની કોમી હિંસામાં વિવાદાસ્પદ ભૂમિકા ધરાવતા મુખ્ય મંત્રીને ‘ભગવાન’ ગણનારા પોલીસ અફસરના મોઢેથી ગાંધીજીનાં અવતરણ શોભતાં નથી. મુખ્ય મંત્રીના કે અમિત શાહના હુકમો પ્રમાણે એન્કાઉન્ટરો કરવામાં વણઝારા અને તેમની ટુકડીને કશો વાંધો ન હતો. સરકારને અંતરાત્મા હોતો નથી, એવું ત્યારે ઘણા લોકો કહેતા હતા. પણ સરકાર પોતાના પક્ષે હતી, પોતાને થાબડભાણાં કરતી હતી, પ્રભાવશાળી હોદ્દો આપતી હતી, ત્યાં સુધી વણઝારાને સરકારમાં રહેલો અંતરાત્માનો અભાવ દેખાતો કે ખટકતો ન હતો.

પોતાના ફાયદાનો સમયગાળો પૂરો થયો અને સરકાર બચાવશે એવી અપેક્ષા ઠગારી નીવડી, ત્યાર પછી પણ વણઝારા આશા રાખીને બેઠા હતા કે સરકાર તેમને ઉગારી લેશે. જો સરકારે એવું કર્યું હોત તો,  વણઝારાને એ સરકાર અંતરાત્માવાળી લાગી હોત. પરંતુ છ વર્ષ રાહ જોયા પછી એકેય બાજુથી મદદ આવતી ન દેખાઇ, ત્યારે વણઝારાને ગાંધીજી યાદ આવ્યા છે.

પત્રકણિકા ૫ : દિલ્હી પહોંચવાની ઉતાવળમાં મુખ્ય મંત્રી મહેરબાની કરીને જેલમાં પુરાયેલા પોલીસ અફસરોનું એ ૠણ ચૂકવાનું ભૂલી ન જાય કે તેમને બહાદુર મુખ્ય મંત્રી તરીકેનું તેજવર્તુળ આ જ અફસરો થકી મળ્યું છે. બીજા કોઇ મુખ્ય મંત્રીના નામ આગળ ‘બહાદુર’નું વિશેષણ મુકાતું નથી. 

અમિત શાહનું શાબ્દિક અને બને તો રાજકીય એન્કાઉન્ટર કરવા માટે લખાયેલા હોય એવા આ પત્રમાં ડી.જી.વણઝારાએ એક મહત્ત્વની બાબતનો ઉલ્લેખ કર્યો નથી : તેમની ટુકડીએ કરેલાં એન્કાઉન્ટર  વખતે એવી વાર્તા કહેવામાં આવતી હતી કે મરનાર ‘ત્રાસવાદીઓ’ મુખ્ય મંત્રીની હત્યાના આશયથી આવ્યા હતા. આ જાતની કથાએ ગુજરાતના મુખ્ય મંત્રીના નામ પહેલાં ‘બહાદુર’નું વિશેષણ મૂકવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેનો રાજકીય ફાયદો પણ મળે જ. પરંતુ એ ‘ૠણ ચૂકવવાનો સમય’ આવ્યો ત્યારે ‘ભગવાન’ ખસી ગયા અને ‘ભક્ત’ ફસાઇ ગયા. આ પત્રનું મુખ્ય નિશાન અમિત શાહ હોવાથી આ વાત કદાચ આટલી સીધી રીતે લખાઇ નહીં હોય. પરંતુ પત્રમાં છેલ્લે વણઝારાએ સલુકાઇથી બહાદુરીના તેજવર્તુળનો મુદ્દો લખીને મુખ્ય મંત્રીને વાસ્તવિકતાની યાદ અપાવી- અથવા આડકતરી ચીમકી આપી હોય- હોય એવું લાગે છે.

પત્રકણિકા ૬ :  છેલ્લાં છ વર્ષમાં જેલમાં પુરાયેલા ગુજરાતના પોલીસ અફસરો સાથેની સતત છેતરપીંડીને કારણે ગુજરાતની પોલીસ સાવ વિચ્છિન્ન અને ઓસરેલા મનોબળની અવસ્થામાં છે....ટૂંકમાં મારે એટલું જ કહેવાનું કે કેવળ બોલવામાં બહાદુર ને કરી બતાવવામાં કાયર, કામગીરીમાં નપુંસક એવી કરોડરજ્જુ વગરની આ સરકાર મારાં ભરોસો, વફાદારી અને રાજ્યનિષ્ઠાને પાત્ર રહી નથી. 

પત્રમાં ફક્ત ગુજરાતના જ નહીં, દેશભરના પોલીસતંત્રના નૈતિક બળની ચિંતા કરનારા વણઝારાને ગુજરાતના તેમના તંત્રના એ સાથીદારો નહીં દેખાતા હોય, જેમણે ‘સરકાર’ને બદલે ‘રાજ્ય’ને વફાદાર રહેવાનાં માઠાં પરિણામ ભોગવ્યાં? વણઝારા અને તેમની ટુકડીના બીજા સાથીદારો સરકારના ‘હા’માં ‘હા’ મિલાવીને મહાલી રહ્યા હતા ત્યારે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાને કારણે રાજ્ય સરકાર તરફથી અવહેલના પામેલા પોલીસ અફસરોનો વિચાર કદી વણઝારાને આવ્યો હતો? અને હજુ પણ આવે છે?

વણઝારાનો પત્ર ખરેખર તો પોલીસતંત્ર માટે પ્રેરણાદાયી બની શકે છે. કારણ કે તેનો બોધપાઠ છે : સાહેબોના વહાલા થવા માટે તેમનાં ગમે તેવાં કામ કરી આપવામાં ટૂંકા ગાળાનો ફાયદો હોય તો પણ લાંબા ગાળે એ જોખમી નીવડી શકે છે. એને બદલે સત્તાધીશોના ગેરકાનૂની હુકમો સામે ‘નો સર’ કહેવામાં ટૂંકા ગાળે કદાચ થોડું નુકસાન હોય તો પણ લાંબા ગાળે એ ફાયદાકારક અથવા ઓછું નુકસાનકારક નીવડે છે.

સરકાર અને પોલીસ વચ્ચેનો સંબંધ ભગવાન-ભક્ત કે માલિક - પાલતુ કૂતરા વચ્ચેનો હોય એવો નહીં, બન્ને એકબીજાથી અમુક હદે બીતા રહે અને ખોટું કરતાં-કરાવતાં ખચકાય એવો હોવો જોઇએ. રાજ્યના ખરા માલિક એવા નાગરિકો માટે એ ઇચ્છનીય અને ઉત્તમ સ્થિતિ છે.  

Tuesday, July 16, 2013

એન્કાઉન્ટર : પરંપરા, મહિમાગાન અને પ્રશ્નો

ગુજરાતમાં સોરાબુદ્દીન-કૌસરબી-તુલસી પ્રજાપતિ અને ઇશરતજહાં જેવા એન્કાઉન્ટર કેસ ભરપૂર રાજકીય ગરમાટા વચ્ચે ચાલી રહ્યા છે ત્યારે મુંબઇની સેશન્સ કોર્ટે ગયા સપ્તાહે એક કડક ચુકાદો આપ્યો. તેમાં કોર્ટે છોટા રાજનના સાગરિત મનાતા લખન ભૈયાના સાત વર્ષ જૂના એન્કાઉન્ટર કેસમાં ૧૩ પોલીસ કર્મચારીઓ સહિત કુલ ૨૧ જણને ગુનેગાર ઠેરવ્યા છે. ૧૩માંથી ૩ પોલીસને ખૂનના ગુનામાં અને બાકીના ૧૦ને ખૂની એન્કાઉન્ટરમાં મદદરૂપ થવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

આ ચુકાદા સાથે જ ‘એન્કાઉન્ટરના ગુનામાં ગુજરાત પોલીસ સામે જ કેમ કામ ચલાવવામાં આવે છે?’ એવી એક લોકપ્રિય દલીલનો યોગાનુયોગ જવાબ મળ્યો છે. પરંતુ એન્કાઉન્ટર વિશે બીજી અનેક દલીલો થઇ રહી છે, સવાલ પૂછાઇ રહ્યા છે અને છૂપી અથવા પ્રગટ રીતે એન્કાઉન્ટર કરનારાને જાંબાઝ હીરો તરીકે
ચીતરવાના પ્રયાસ થઇ રહ્યા છે.

ગુજરાતમાં હજુ વિવાદાસ્પદ એન્કાઉન્ટર કેસની કાર્યવાહી ચાલુ છે. આગામી સમય લોકસભાની ચૂંટણીઓનો છે, એ જોતાં એન્કાઉન્ટર વિશે હજુ ઘણી ચર્ચા ચાલશે. આ મુદ્દે આમજનતાથી માંડીને રાજકીય સમીક્ષકો-વિશ્લેષકો ગુલાબી માન્યતાઓમાં રાચતા હોય એવી છાપ અત્યાર સુધીના વાતાવરણ પરથી પડી છે. કેવા હોય છે એન્કાઉન્ટર વિશે પૂછાતા રાબેતા મુજબના સવાલો? કેવી હોય છે એન્કાઉન્ટરની તરફેણ કરતી દલીલો? અને કોઇ રાજકીય પક્ષના ડાબલા પહેર્યા વિના, કેવળ નાગરિક તરીકે એ સવાલો-દલીલોના જવાબ કેવા મળે છે? થોડા નમૂના.

‘એન્કાઉન્ટર અનિવાર્ય અનિષ્ટ છે’

એન્કાઉન્ટરની તરફેણમાં સૌથી પહેલી અથવા સૌથી છેલ્લી, બન્ને પ્રકારની દલીલ તરીકે આ બચાવ કામ આપે છે. એ ખરું કે આ દલીલ એકઝાટકે નકારી શકાય એવી નથી. પરંતુ સહેજ ઘ્યાનથી વિચારતાં જણાશે કે તેમાં ઘાતક રીતે અતિસરળીકરણ થયેલું છે.

આ દલીલ પાછળનો મૂળભૂત તર્ક એવો છે કે દેશમાં ન્યાયતંત્રની ગતિ ગોકળગાયને શરમાવે એવી હોય, ગુનેગારો કાયદાની ઐસીતૈસી કરીને રૂપિયા, તાકાત અને રાજકીય સંપર્કોના જોરે આઝાદ ધુમતા હોય, જાંબાઝ પોલીસ અફસરોની મહેનત કે પ્રામાણિકતા પર પાણી ફરી વળતું હોય અને સામાન્ય નાગરિકને કે દેશહિતને ગુનેગારો તરફથી થતો ખતરો વધતો જ જતો હોય ત્યારે પ્રામાણિક અને કાર્યક્ષમ પોલીસ અફસરો પાસે નકલી એન્કાઉન્ટર કરવા સિવાય બીજો વિકલ્પ બાકી રહેતો નથી.

‘એકસ્ટ્રાજ્યુડિશ્યલ કિલિંગ’ તરીકે પણ ઓળખાતાં આ પ્રકારનાં એન્કાઉન્ટરમાં ખતરનાક ગુનેગારને પકડ્યા પછી પોલીસ તેને કાયદાના અનેક છટકબારીઓથી ભરપૂર મહેલમાં લઇ જવાને બદલે અધરસ્તે જ ક્યાંક ઠંડા કલેજે ખતમ કરી નાખે છે. આ કૃત્ય બેશક ગેરકાયદે છે. માટે તેને સૈદ્ધાંતિક રીતે અનિષ્ટ ગણી શકાય, પરંતુ આગળ વર્ણવેલા સંજોગો અને એ ગુનેગાર દ્વારા સમાજને-દેશને રહેલો ખતરો નજર સામે રાખતાં એ ‘અનિષ્ટ’ અનિવાર્ય બની જાય છે.

આ દલીલ ઝીણવટથી તપાસતાં જણાય છે કે ‘અનિવાર્ય અનિષ્ટ’ એ તો કેવળ કહેવા ખાતરના શબ્દો છે. હકીકતમાં આ જાતનું એન્કાઉન્ટર વાજબી ઠરાવવા માટે જે જાતના સંજોગો ચીતરવામાં આવે છે એ જોતાં, એવાં એન્કાઉન્ટર ‘અનિવાર્ય અને ઇષ્ટ’ બની રહે છે. ન્યાયની મંથર ગતિ અને બિનકાર્યક્ષમ નેતાઓ- કાર્યક્ષમ ગુંડાઓની સાંઠગાંઠનો અનુભવ ધરાવતા લોકોના ગળે આ દલીલ સહેલાઇથી ઉતારી શકાય છે.

આ દલીલની સૌથી મોટી મર્યાદા એ છે કે દરેક નકલી એન્કાઉન્ટરમાં એકસરખા સંજોગો હોતા નથી. એટલે કે આ ‘અનિષ્ટ’ને ‘ઇષ્ટ’ બનાવતા જે સંજોગો ચીતરવામાં આવ્યા છે, તે દરેક એન્કાઉન્ટર વખતે હોતા નથી. છતાં પોલીસ અને એન્કાઉન્ટરના તરફદારો પોતે નક્કી કરેલા બચાવદલીલોના ગુચ્છને આગળ ધરતા રહે છે અને લોકોને એવું ઠસાવવા પ્રયાસ કરે છે કે આ પ્રકારનાં એન્કાઉન્ટર ન થાય તો કાયદો-વ્યવસ્થા ભાંગી પડે અને દેશ ખાડે જાય.

‘બધા એન્કાઉન્ટર ફેક (નકલી) જ હોય?’

જરૂરી નથી. એન્કાઉન્ટરની મૂળભૂત સમજણ એવી હતી કે પોલીસ ગુનેગારની પાછળ પડી હોય અને ગુનેગાર છટકવા માટે પોલીસ પર હુમલો કરે ત્યારે બીજો વિકલ્પ ન રહેતાં પોલીસ ગુનેગાર પર વળતો હુમલો કરે અને તેમાં ગુનેગાર માર્યો જાય. પોલીસ દ્વારા દરેક એન્કાઉન્ટર વખતે આવી વાર્તા રજૂ કરવામાં આવે છે (જોકે એ બહુ મૌલિક હોતી નથી, એટલે તેની પોકળતા ઉઘાડી પડી જાય છે). પરંતુ સૈદ્ધાંતિક રીતે દરેક એન્કાઉન્ટર ‘ફેક’ હોવું જરૂરી નથી.

‘એન્કાઉન્ટર ‘ફેક’ હોય તો પણ વાંધો શો છે? તેમાં ગુંડા જ મરે છે ને’

એન્કાઉન્ટરની તરફેણની સૌથી લોકપ્રિય દલીલોમાંની એક એવી આ દલીલ કરનારા એવું માને છે કે તેમને એન્કાઉન્ટરની ચર્ચા સંદર્ભે આખરી સત્ય મળી ગયું છે. હવે તેમણે એન્કાઉન્ટરના વિરોધમાં કશું વિચારવાનું રહેતું નથી.

આ વાત માની લેવાની લાલચ કોઇને પણ થઇ શકે. છતાં, પ્રચારમારાથી દૂર રહીને શાંત ચિત્તે વિચારતાં સમજાશે કે સૌથી પહેલો મુદ્દો ગુનેગારના ગુનાની ગંભીરતાનો છે. ધારો કે એન્કાઉન્ટરમાં મરનારા બધા જ લોકો ગુનેગાર હોય, તો પણ એ બધા મોતની સજાને લાયક ગુના સાથે સંકળાયેલા હતા? કે પછી પોલીસતંત્ર-નેતાઓની બીજી કોઇ યોજનાઓ અંતર્ગત તેમને ઉડાડી મારવાની અને પછી તેમની હત્યા વાજબી ઠરાવવા માટે તેમના ગુનાની ગંભીરતા બઢાવીચઢાવીને રજૂ કરવાની જરૂર પડી?

બીજો મહત્ત્વનો મુદ્દો ‘લાઇસન્સ ટુ કીલ’નો છે. ‘પાવર કરપ્ટસ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્‌સ એબ્સોલ્યુટલી’- સત્તા ભ્રષ્ટ કરે છે અને નિરંકુશ સત્તા બેફામ રીતે ભ્રષ્ટ કરે છે’- એવી કહેણી ફક્ત રાજનેતાઓને નહીં, એન્કાઉન્ટરબાજ પોલીસકર્મીઓને પણ લાગુ પડે છે. કારણ કે ‘લાઇસન્સ ટુ કીલ’- કોઇની હત્યા કરવાની સત્તા સૌથી ઊંચી છે. (ખરેખર અને બાકાયદા આવો કોઇ પરવાનો હોતો નથી) હાથમાં બંદૂક હોય ત્યારે માણસને  આખી દુનિયા તુચ્છ લાગી શકે છે અને કાયદો ગજવામાં ઘાલીને એ બંદૂક વાપરવાની સત્તા મળી જાય, ત્યારે એ સત્તાનો ઉપયોગ કેવળ ગુનેગારોનાં નકલી એન્કાઉન્ટર કરવા પૂરતો મર્યાદિત રહેશે, એવું શી રીતે માની લેવાય?

રાજકીય પક્ષો રાષ્ટ્રવાદ કે ત્રાસવાદનો મુકાબલો કે આંતરિક સુરક્ષાના નામે ગમે તેટલી ગોળીઓ ગળાવે, પણ નાગરિકોએ આ પ્રકારના બનાવોને સાવચેતીથી જોવાની જરૂર છે. કારણ કે એન્કાઉન્ટર-સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતા અફસરોમાંથી ઘણા સામે અપ્રમાણસરની સંપત્તિ માટે આંગળી ચીંધાઇ છે. બીજા કેટલાક રાજકીય નેતાઓના લાભાર્થી કે કૃપાપાત્ર બન્યા છે અને આર્થિકની સાથોસાથ કારકિર્દીલક્ષી લાભ પણ મેળવ્યા છે.

બંદૂકબાજીની સત્તા અને તેને લોકનજરમાં આદરમાન મળવાના કારણે એવી સત્તા ધરાવનારામાંથી કેટલા ફાટીને ઘુમાડે ગયા વિના રહી શકશે? કેટલા તેનો ઉપયોગ અંગત લાભ, હિત કે રાજકારણીઓના સ્વાર્થ ખાતર કરશે? અને કેટલા માત્ર ને માત્ર કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાના આશયથી, નાગરિકોના હિતાર્થે તેને વાપરશે?  જવાબ સૌએ બીજાની આંખે જોયા વિના, જાતે વિચારવા જેવો છે.

એન્કાઉન્ટર ભૂતકાળમાં અને દરેક સરકારોમાં થયાં છે.

સૌથી પહેલી સ્પષ્ટતા એ કે આ એન્કાઉન્ટર મુદ્દાની કોંગ્રેસ-ભાજપના આધારે કરાતી ચર્ચાવિચારણા નથી. બીજી વાતઃ પહેલાં એન્કાઉન્ટર થયાં હોય અને (પંજાબ-કાશ્મીર જેવાં રાજ્યોમાં) ધારો કે એ ‘અસરકારક’ નીવડ્યાં હોય, તો પણ એનાથી અત્યારે થતાં એન્કાઉન્ટર આપોઆપ વાજબી શી રીતે ઠરી જાય છે? કારણ કે નકલી એન્કાઉન્ટરમાં અનેક પેટાપ્રકાર હોય છે.

આ દલીલ કરનારાનો મુખ્ય મુદ્દો એ હોય છે કે ‘ગુજરાતમાં મુખ્ય મંત્રી મોદીના રાજમાં થયેલાં એન્કાઉન્ટરની રાજકીય કિન્નાખોરીથી તપાસ કરવામાં આવે છે. બાકી, એન્કાઉન્ટરો તો બધે થાય છે અને અમુક પરિસ્થિતિમાં એન્કાઉન્ટર કર્યા વિના છૂટકો પણ નથી હોતો. સૂકાનું પ્રમાણ બહુ વધી ગયું હોય અને એને બાળવા બેસીએ ત્યારે સૂકા ભેગું થોડું લીલું બળે પણ ખરું. રાષ્ટ્રના હિતમાં તેની બહુ પિંજણ કરવા ન બેસાય.’

નવાઇની વાત એ છે કે રાષ્ટ્રિય કક્ષાના કેટલાક પ્રતિષ્ઠિત પત્રકારો પણ આ પ્રકારની વિચારધારાના પ્રેમમાં પડી ગયેલા જણાય છે. ભાજપના રાજમાં થયેલાં એન્કાઉન્ટરને કોંગ્રેસરાજમાં થયેલાં એન્કાઉન્ટરની સામે ત્રાજવે તોળીને સરભર કરવાનો વ્યાયામ રાજકીય પક્ષોના ફાયદામાં છે (કારણ કે તેમનાં પાપ સામસામાં ધોવાઇ જાય છે), પણ નાગરિકો માટે તે બન્ને બાજુથી નુકસાનનો સોદો છે.

ફક્ત ગુજરાતનાં એન્કાઉન્ટર માટે કકળાટ કેમ?

આ સવાલ ઘણા ગુજરાતપ્રેમીઓને થાય છે. લેખના આરંભે જણાવેલા ચુકાદા જેવા પ્રસંગો પછી, કમ સે કમ હવે, આ સવાલ ન થવો જોઇએ. છતાં,  પ્રચારબહાદુરો ઘણી વાર આ સવાલ ફંગોળ્યા કરવાના. તેનો પ્રાથમિક જવાબ એ છે કે અત્યારે ચર્ચાઇ રહેલાં અને તપાસની એરણે ચડેલાં એન્કાઉન્ટરમાં જેમની હત્યા કરવામાં આવી, તે ગુજરાતના મુખ્ય મંત્રીની હત્યા કરવા આવ્યા હોવાનું એ વખતે જાહેર કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સહિત બીજાં રાજ્યોમાં થયેલાં એન્કાઉન્ટરમાં કોઇ ગુનેગાર એ રાજ્યના મુખ્ય મંત્રીની હત્યા કરવા આવ્યો ન હતો. એ રીતે, ખુદ ગુજરાત સરકારે-પોલીસે ગુજરાતનાં એન્કાઉન્ટરને બીજાં રાજ્યોથી અલગ કરીને, તેમને પહેલેથી રાજકીય રંગ આપ્યો છે. (એન્કાઉન્ટરબાજ પોલીસો જેલભેગા થયા પછી કોઇ ગુજરાતના મુખ્ય મંત્રીની હત્યાના ઇરાદે આવ્યું નથી, એ પણ હકીકત છે)

પોતાની હત્યાના કાવતરાની જાહેરાતને કારણે ‘આતંકવાદીઓનો ભોગ બનવામાંથી ઉગરી ગયેલા’ મુખ્ય મંત્રીને રાજકીય ફાયદો થાય, એનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકે. પરંતુ રાજકીય ફાયદો થઇ ગયા પછી એવું જાણવા મળે કે માર્યા ગયેલા લોકો મુખ્ય મંત્રીની હત્યા માટે આવ્યા ન હતા, તો?

‘એમાં શું ખાટુંમોળું થઇ ગયું? ગુંડા જ મર્યા છે ને’ એ દલીલનો જવાબ આગળ આવી ગયો છે.