Showing posts with label agriculture. Show all posts

Monday, July 03, 2017
લાકડાના લાડુ જેવી ખેડૂતોની લોનમાફી
મધ્ય પ્રદેશમાં હિંસક બનેલું ખેડૂત આંદોલન શમી ગયું, પણ તેણે સર્જેલાં વમળોની અસર ઓસરી નથી. ખેડૂતોની કઠણ સ્થિતિ અને તેમની ખરાબ અવસ્થા એટલાં વાસ્તવિક છે કે વાતોનાં વડાં કરીને તેને ટાળી શકાય એમ નથી કે ગૌરવનાં ગાનથી તેને છુપાવી શકાય તેમ નથી. ત્યાર પછીનો ત્રીજો શોર્ટ કટ એટલે ખેડૂતોની લોનમાફી.
ખેડૂતોને લોનમાફીની શરૂઆત યુપીએના રાજમાં 2008માં થઈ હતી. એ વખતના નાણામંત્રીએ 2008-09ના બજેટમાં નાના અને સીમાંત ખેડૂતોની લોનમાફી પેટે રૂ. 60,000કરોડની જોગવાઈ કરી હતી. આવાં પગલાંને ખેડૂતલક્ષી તરીકે ઓળખાવીને, સરકારને ખેડૂતોની કેટલી ચિંતા છે, એનાં ઢોલનગારાં વગાડવાનો રિવાજ છે. હકીકતમાં આવાં પોલાં (છતાં ખર્ચાળ) પગલાંને કારણે ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી. કારણ કે તેમના દરદની મૂળમાંથી દવા થતી નથી.
આ વખતે લોનમાફીની શરૂઆત ઉત્તર પ્રદેશના ચૂંટણીપ્રચારથી થઈ, જેમાં અત્યારે કેન્દ્ર સરકાર તરીકે લોનમાફીનો ઇન્કાર કરી રહેલા મહાનુભાવો જ લોનમાફીના વાયદા આપીને આવ્યા હતા. તેમના પક્ષની સરકાર બન્યા પછી તેમના મુખ્ય મંત્રીએ લોનમાફી અમલી બનાવી દીધી. આ પગલાથી રાજ્ય સરકાર પર પડનારો કુલ આર્થિક બોજઃ રૂ. 36,569 કરોડ. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વખતથી ઉકળતા ખેડૂત અસંતોષની ચિનગારીમાં ઉત્તર પ્રદેશના નિર્ણયે ઘી હોમ્યું.
ઉત્તર પ્રદેશની લોનમાફી જેવા ધબડકાજનક નિર્ણય વિશે કૉંગ્રેસને શું કહેવાનું હતું? પક્ષ તરીકે તેણે લાંબા ગાળાનાં અને ટકાઉ પગલાં સૂચવવાને બદલે ઉપરથી એવું કહ્યું કે ઉત્તર પ્રદેશની કુલ લોન તો રૂ. 92,241 કરોડની છે. તેમાંથી ફક્ત રૂ. 36,000 કરોડની જ લોન માફ કરી, તો બાકીની ક્યારે કરશો? 'યુપીએ સરકાર રૂ.72,000 કરોડની લોનમાફી કરી શકતી હોય તો મોદીજી કેમ નહીં?’ એવો ટોણો પણ એક કૉંગ્રેસી પ્રવક્તાએ માર્યો. તે એટલું પણ સમજવા માગતા નથી કે આર્થિક ઉંટવૈદું અજમાવતી સરકારોને લાંબા ગાળાના કડાકુટિયા રસ્તાને બદલે, લોનમાફી જેવો સહેલો વિકલ્પ અપનાવી લે ત્યારે શું થાય છેઃ યુપીએ સરકારની લોનમાફીનાં પૂરાં દસ વર્ષ પણ નથી થયાં, ત્યાં ફરી એક વાર લોનમાફીની મોસમ આવી પડી છે. આ વખતે કેન્દ્ર સરકારે કહી દીધું છે કે તે લોનમાફીમાં નહીં પડે, પરંતુ ખેડૂત આંદોલનોથી ભીંસ અનુભવી રહેલી રાજ્ય સરકારો લોનમાફીના રસ્તે દોડવા લાગી છે.
તેમાં સૌથી વધુ દબાણ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી પર આવ્યું. ત્યાં તોફાને ચડેલા ખેડૂતોની માગણી પોતાના પાક માટે સારા ભાવની હતી. વિરોધ પ્રદર્શનની ધાંધલમાં પાંચ ખેડૂત માર્યા ગયા. સરકારે તેમની જવાબદારીનો પહેલાં ઇન્કાર કર્યા પછી નાકલીટી તાણીને પાંચેયના પરિવારોને સરકારે એક-એક કરોડ રૂપિયા જાહેર કર્યા. તેમ છતાં આંદોલન શાંત ન પડ્યું, એટલે મુખ્ય મંત્રીએ (સરકારી આંકડા પ્રમાણે) છ હજાર કરોડનું દેવું ધરાવતા મધ્ય પ્રદેશના છ લાખ ખેડૂતો માટે લોન સેટલમેન્ટ સ્કીમ જાહેર કરી. મુખ્ય મંત્રી ભલે તેને સીધેસીધી લોનમાફી ન ગણાવતા હોય, પણ અસરકારક રીતે જોતાં તે લોનમાફી જ બની રહેશે.
મધ્ય પ્રદેશના પાડોશી મહારાષ્ટ્રનો ખેડૂત અસંતોષ જૂનો છે. વિદર્ભના ખેડૂતોની કરમકઠણાઈ વિશે વર્ષોથી છૂટુંછવાયું ચર્ચાતું આવ્યું છે. ત્યાંની સ્થિતિ મધ્ય પ્રદેશની હદે ન વણસે, એ માટે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ સાર્વત્રિક લોનમાફીની જાહેરાત કરી. સામાન્ય રીતે આવું પગલું નાના અને સીમાંત ખેડૂતોને લક્ષમાં રાખીને લેવામાં આવે છે, પણ ખેડૂત આંદોલનની રાજકીય અસરોથી બચવા માટે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ 'ઐતિહાસિક’ નિર્ણય લીધો અને કહ્યું કે ‘લોનમાફી ફક્ત નાના અને સીમાંત ખેડૂતો પૂરતી સીમિત નથી. એ બધા ખેડૂતો માટે છે. ’ સરકારે એવો અંદાજ કાઢ્યો કે લોનમાફીનો કુલ આંકડો રૂ. 35,000 કરોડની આસપાસ થશે, પરંતુ સત્તાવાર માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું કુલ દેવું 1.14 લાખ કરોડ છે અને કુલ ખેડૂતો 1.36 કરોડ. એટલે સમય જતાં લોનમાફીની રકમમાં વધારો થવાની પૂરી સંભાવના છે.
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની ભાજપી રાજ્ય સરકારોની સાથે પંજાબ અને કર્ણાટકની કૉંગ્રેસી સરકારો પણ લોનમાફીના લક્કડિયા લાડુ વહેંચવામાં જોડાઈ ગઈ છે. કારણ કે ખેડૂતોની સમસ્યા કોઈ એક પક્ષની નિષ્ફળતાનું નહીં, એકંદર શાસકવર્ગની ઉદાસીનતાભરી કે બેદરકારીયુક્ત નીતિનું પરિણામ છે. પાંચ રાજ્યોની લોનમાફી પછી બીજાં રાજ્યો પણ લાઇનમાં છે. એક અંદાજ પ્રમાણે લોનમાફીની જાહેરાતવાળાં પાંચ રાજ્યો ઉપરાંત બીજાં ત્રણ રાજ્યો-- ગુજરાત (રૂ.40,650 કરોડ), હરિયાણા (રૂ.56,000 કરોડ) અને તામિલનાડુ (રૂ.7,760 કરોડ)--માં લોનમાફી લાગુ પડી જાય, તો કુલ આંકડો રૂ.3.1 લાખ કરોડે પહોંચે. આવા આંકડા આમ તો આપણા માથાની ઉપરથી જાય, પણ અહેવાલની સાથે અપાયેલી સરખામણીતી ખ્યાલ આવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા બનાવવા માટે ચાલુ વર્ષમાં ફાળવાયેલા બજેટ કરતાં આ રકમ સત્તર ગણી છે. આ જ રકમમાંથી (સંગ્રહ માટે) 4,43,000 વૅરહાઉસ ઊભાં કરી શકાય અથવા ભારતની સિંચાઈક્ષમતામાં છેલ્લાં સાઠ વર્ષમાં જે વધારો થયો છે તેના કરતાં 55 ટકા વધારો કરી શકાય. આવા અંદાજોની ચોક્સાઈમાં ઓગણીસ-વીસ હોઈ શકે, પણ મૂળ મુદ્દો એ છે કે ખેડૂતોને કામચલાઉ રાહત આપતી લોનમાફીની તોતિંગ રકમોમાંથી ખેડૂતોને કાયમી રાહત આપતી સુવિધા ઊભી કરી શકાય.
રાજ્યકક્ષાના કૃષિમંત્રીએ રાજ્યસભામાં આપેલી માહિતી પ્રમાણે, 30 સપ્ટેમ્બર, 2016 સુધીમાં બાકી કૃષિલોનનો કુલ સરવાળો રૂ.12.60 લાખ કરોડ છે. તેમાંથી રૂ. 7.75 લાખ કરોડ પાક માટેની લોન છે અને રૂ. 4.84 લાખ કરોડ ટર્મ લોન (લાંબા ગાળાની) છે. રૂ.12.60 લાખ કરોડની બાકી લોનમાંથી રૂ. 9.57 લાખ કરોડ કમર્શિયલ બૅન્કોની, રૂ.1.57 લાખ કરોડ સહકારી બૅન્કોની અને રૂ. 1.45 લાખ કરોડ પ્રાદેશિક ગ્રામિણ બૅન્કોની છે. યાદ રાખવા જેવું છે કે પાણી-વીજળી-ખાતર પર સરકારી સબસીડી (આર્થિક સહાય) મળતી હોવા છતાં, તેમાંથી અને લોનમાંથી પણ જરૂરતમંદો સુધી કેવો ને કેટલો લાભ પહોંચે છે એ શંકાસ્પદ છે. બીજો પણ એક મુદ્દો છે. એક અહેવાલ પ્રમાણે, ખેતી માટે થતી ઉધારીમાંથી 45 ટકા ઇન્ફોર્મલ સૅક્ટર એટલે કે બૅન્કો સિવાયની સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી આવે છે. ગામના શરાફ પાસેથી લોન લેનાર ખેડૂતને સરકારી લોનમાફીનો લાભ મળતો નથી ને તેનું દુઃખ દૂર થતું નથી. બીજી તરફ, બૅન્કોની લોન મેળવનારામાં નાના અને સીમાંત ખેડૂત ઓછા, સમૃદ્ધ ખેડૂતો વધારે પ્રમાણમાં હોય છે.
એટલે જ લોનમાફી લાકડાના લાડુ જેવી છે. આપનાર આપ્યાનો સંતોષ લઈ શકે, મેળવનારને ઘડીક સારું લાગે, પણ થોડા વખતમાં ફરી પાછા ઠેરના ઠેર.

Labels:
agriculture,
economy,
politics
Wednesday, June 21, 2017
આર્થિક સમસ્યાઓના રાજકીય ઉકેલનું અનિષ્ટ
અર્થશાસ્ત્ર (આ લેખક સહિતના) મોટા ભાગના લોકોની પહોંચ બહારનો છતાં સૌને સ્પર્શતો વિષય છે. રાજકારણની જેમ અર્થશાસ્ત્રમાં પણ આપણે રસ લઈએ કે ન લઈએ, તે આપણામાં રસ લે છે અને આપણા જીવનને સીધી અસર કરે છે. એટલે, નિષ્ણાતના કે પ્રખર અભ્યાસીની રૂએ નહીં, પણ પીડિતની ભૂમિકાએ તેમાં દાખલ થવાની- તેની સાથે પનારો પાડવાની ફરજ પડે છે.
જેમ કે, નોટબંધીની અસરો, ખેડૂતોની સમસ્યા, બૅન્કોની નૉન-પરફોર્મિંગ અસેટ્સ (સલવાઈ ગયેલાં ધીરાણ)... આ વિષયોમાં નિષ્ણાત ગણાતા લોકોનાં લખાણ વાંચ્યા પછી ગુંચવાડો ઘટવાને બદલે વધી શકે છે. કારણ કે અર્થશાસ્ત્રનાં ઘણાં પગલાંની અસરનો આધાર માપનારની ફુટપટ્ટી પર રહે છે. દા.ત. નોટબંધીના નિર્ણયને અર્થશાસ્ત્રીય વિચારધારા અંતર્ગત વરી ચૂકેલા અભ્યાસીઓ તેની સારી કે સંભવિત સારી અસરોનો મહિમા કરતાં નહીં થાકે. એ સમયગાળામાં સંખ્યાની દૃષ્ટિએ નાના વર્ગના વાંકે લાઈનમાં ઉભા રહી ગયેલા અને મહિનાઓ સુધી અગવડો વેઠનારા મોટા વર્ગની મુશ્કેલી તેમને 'દેશહિત માટે નાનકડું બલિદાન’ લાગશે. દેશના વિકાસના સૂચક ગણાતા કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં નોંધપાત્ર ઘટાડો થાય તો પણ સરકારની માફક કેટલાક અભ્યાસીઓ તેને 'લાંબા ગાળાના ફાયદા માટે ટૂંકા ગાળાની ખોટ' ગણાવશે.
--અને આ ચર્ચામાં કોઈ પણ વિષયને મોદીતરફી અને મોદીવિરોધી એમ બે જ રંગમાં જોનારા (અભ્યાસીઓ સહિતના) લોકોની વાત જ નથી. આ ધ્રુવીકરણમાં ન હોય એવા લોકો પણ પોતાની આર્થિક માન્યતાઓને કટ્ટરતાથી વરેલા હોઈ શકે છે--અને તેમાંથી પેદા થતી મક્કમતા ધાર્મિક ઝનૂન કરતાં થોડીક જ ઓછી હોય છે. આ સંજોગોમાં અર્થશાસ્ત્રને લગતી ચર્ચા પણ ધાર્મિક વિવાદ જેવી આત્યંતિક અને સરવાળે નિરર્થક બની રહે છે. સરકારી જૂઠાણું અને સરકારોના પક્ષે રહેલો વિશ્વસનિયતાનો અભાવ આ સમસ્યાને વકરાવે છે.
‘નરો વા કુંજરો વા’થી માંડીને નરાતળ જૂઠાણાં ઉચ્ચારવાં એ કોઈ એક સરકારની 'ખૂબી' નથી. છતાં, વર્તમાન સરકાર મારા જેવા ઘણાને આ બાબતમાં વિશેષ લાયકાત ધરાવતી લાગે છે અને બીજા ઘણાને તે નકરી પવિત્ર ગાય લાગે છે. એટલે, એનડી ટીવીના એક ખાનગી બૅન્ક સાથેના સેટલમૅન્ટ અને તેમાં સંકળાયેલી રૂ.45 કરોડની રકમ માટે ઉત્સાહી થઈને રૉય દંપતિ પર દરોડા પાડતી સીબીઆઈ વિજય માલ્યા સામેના રૂ.9 હજાર કરોડના કેસમાં છ-છ મહિના થયે બ્રિટનની અદાલતને મજબૂત પુરાવા કેમ નહીં આપી શકતી હોય? એવો સવાલ મહત્ત્વનો કે સરકારે જેનો જાહેરમાં ખુલાસો કરવો પડે એવો ગણાતો નથી. માલ્યા રૂ. 9 હજાર કરોડ રૂપિયામાં નવડાવી જાય, એટલે બીજાને (પ્રમાણમાં) નાની રકમોનું કરી નાખવાનો પરવાનો મળી જતો નથી. પરંતુ સવાલ સરકારી તપાસ સંસ્થાની પ્રાથમિકતા અને તીવ્રતાનો છે. ત્યાં એનડી ટીવી પ્રત્યેનો અભાવ કે દુર્ભાવ મુખ્ય અને અર્થશાસ્ત્ર ગૌણ બની જાય છે.
અર્થશાસ્ત્રનો બીજો અને કાયમી મોરચો છેઃ ખેતી. ખેડૂતોનાં દુઃખનો કેમ ઉકેલ આવતો નથી? તેનું કારણ પણ એ છે કે તેમની આર્થિક-માળખાકીય સમસ્યાઓનો ઉભડક, થૂંકના સાંધા જેવો રાજકીય ઉકેલ કાઢવામાં આવે છે. ખેડૂતોની વર્તમાન અવદશા માટે નોટબંધી કેટલી હદે જવાબદાર ગણાય, તે નિષ્ણાતો વચ્ચે ચર્ચા અને મતભેદનો વિષય છે. કેટલાક માને છે કે નોટબંધીને પરિણામે સર્જાયેલી રોકડની અછતને લીધે ખરીદશક્તિ ઘટી જવાને કારણે (અને ઉપજ વધારે હોવાને કારણે) પાકોના ભાવ ઘટી ગયા અને ખેડૂતોને પાક ફેંકી દેવાનો કે સડી જવા દેવાનો વારો આવ્યો. તેની સામે એવી પણ દલીલ કરવામાં આવે છે કે અનાજ સિવાયના (ફળો-શાકભાજી વગેરે) પાકમાં ભાવના ચઢાવઉતાર આવતા રહે છે. એક વર્ષે તેમના ભાવ ઊંચા જાય એટલે બીજા વર્ષે તેનું વાવેતર વધે અને પાક પણ વધે. આ રીતે ઉતરેલા અઢળક પાકને જાળવી રાખવાની ક્ષમતા ન હોય, એટલે તેને તત્કાળ સસ્તા ભાવે વેચવો પડે. તેના કારણે બીજા વર્ષે તેનું વાવેતર ઓછું થાય, ફસલ ઓછી થાય અને ભાવ વધે. આ ચક્રગતિમાં અપવાદો હોય જ છે. પરંતુ મૂળ મામલો માગ અને પુરવઠાના ખોરવાયેલા સંતુલનનો છે.
આ ચર્ચાને નોટબંધીની તરફેણ કે વિરોધ પર અટકાવી રાખવાને બદલે, તેના ઉકેલ વિશે વિચારવામાં આવે તો? એક હકીકત નિર્વિવાદ છેઃ દેશમાં અનાજ સિવાયના, બાગાયતી (શાકભાજી-ફળો) પાકને સંઘરવાની ક્ષમતા અત્યંત ઓછી છે--અને ખેડૂતોની મજબૂરીનું તે એક મોટું કારણ છે. સરકારી આંકડા પ્રમાણે, બાગાયતી ફસલને સંઘરવાની હાલની ક્ષમતા રાષ્ટ્રિય જરૂરિયાતના માંડ 6 ટકા જેટલી છે. (ફાઇનાનશ્યલ ઍક્સપ્રેસ, 17-6-2017)
એકાદ દાયકા પહેલાં રીટેઇલ કહેતાં છૂટક વેપારમાં વિદેશી કંપનીઓના આગમન વિશે ગરમાગરમ ચર્ચા શરૂ થઈ ત્યારે, વૉલમાર્ટ જેવી કંપનીઓ સામે કરાતી મુખ્ય દલીલ એ હતી કે તે આવશે અને બજારમાં છવાઈ જશે. તેમને ખેડૂતોના શોષક તરીકે પણ રજૂ કરવામાં આવી હતી. આ કંપનીઓનું ચરિત્ર જુદી ચર્ચાનો વિષય છે, પણ એ વખતે અર્થશાસ્ત્રની આંટીઘૂંટીમાં પડ્યા વિના સામાન્ય સમજથી દેખાતી વાત એ હતી કે વૉલમાર્ટ જેવી કંપનીઓની એક મુખ્ય તાકાત તેમની સંગ્રહક્ષમતા છે. બજારમાં ફસલ ઠલવાઈ હોય ત્યારે તે સસ્તા ભાવે ફસલ ખરીદીને સમય આવ્યે તેને ખપમાં લઈ શકે છે. એ વખતે પણ આ જ સવાલ થયો હતો કે કોલ્ડ સ્ટોરેજથી માંડીને બીજી સુવિધાઓ ઉભી કરીને સંગ્રહક્ષમતા વધારવી, એમાં કશું રૉકેટ સાયન્સ નથી. ઉલટું, એક ગંભીર સમસ્યાનો તે પ્રમાણમાં સહેલો અને સાધ્ય કહેવાય એવો ઉકેલ છે. તો સરકારો તે શા માટે અપનાવતી નથી? અને વૉલમાર્ટ આવશે, કોલ્ડ સ્ટોરેજોનું માળખું સ્થાપશે અને આપણા બજારમાં ભેલાણ કરી જશે એવી બીક કેમ રાખે છે? અથવા વધારે અગત્યનો સવાલ એ કે આ સુવિધા ઊભી કરવા માટે સરકાર વૉલમાર્ટ જેવી કંપનીઓ આવે તેની રાહ કેમ જુએ છે?
એવો જ સવાલ નર્મદા યોજનામાં બંધની ઊંચાઇના વિવાદ બાબતે હતો અને છેઃ બંધની ઊંચાઈનો મામલો ભલે હમણાં સુધી અદાલતમાં હતો, પણ આ યોજનાની નહેરોનું માળખું બનાવવાનું સંપૂર્ણપણે રાજ્ય સરકારના હાથમાં હતું. છતાં એ કામ સીધો રાજકીય ફાયદો અપાવનારું ન હોવાથી તેની ઉપેક્ષા થતી રહી. સરદાર સરોવર નિગમની વેબસાઈટ પર જણાવ્યા પ્રમાણે 458 કિ.મી. લાંબી મુખ્ય નહેરનું જ કામ સંપૂર્ણપણે પૂરું થઈ શક્યું છે. બાકી, નાનીમોટી બધી નહેરોના માળખાની કુલ પ્રસ્તાવિત લંબાઈ 71,748 કિ.મી. છે, જેમાંથી આટલાં વર્ષો પછી અને આટલા નેતાઓની ગાજવીજ પછી પણ 45,095 કિ.મી.નું કામ પૂરું થઈ શક્યું છે.
સારઃ અર્થશાસ્ત્રમાં ટપ્પી ન પડે એનો અર્થ એવો નહીં કે સામાન્ય સમજ પણ કોઈ પક્ષ કે નેતાના ચરણોમાં ધરી દેવી.

demonetization,
politics
Subscribe to:
Posts (Atom)