Showing posts with label tarak maheta. Show all posts
Showing posts with label tarak maheta. Show all posts
Saturday, January 19, 2019
આવજો, જાડીકાકી
![]() |
| ઇન્દુ-તારક મહેતા (ફોટોઃ બિનીત મોદી) |
તારકભાઈ એકદમ ઓલિયા જીવ. ખટપટોથી પર. તેમની દુનિયાદારીનો મોરચો કાકીએ પૂરી ચોંપચીવટથી અને જરૂર પડ્યે કડકાઈથી સાચવી જાણ્યો. નાટ્યક્ષેત્રે તારકભાઈના સિનિયર જયંતિ પટેલ 'રંગલો'એ કાકીનું નામ 'ચીનની દીવાલ' પાડ્યું હતું. (આ માહિતી કાકીએ જ આપી હતી.) પટેલના કહેવાનો અર્થ એ હતો કે તારકભાઈ સુધી પહોંચવું હોય, તો 'ચીનની દીવાલ' ઓળંગવી પડે. પરંતુ આટલાં વર્ષોના તેમની સાથેના સંપર્કમાં અમને તેમના દીવાલપણાનો અનુભવ કદી ન થયો. અમને તો એ હંમેશાં ખુલ્લા દરવાજાસ્વરૂપ જ મળ્યાં. તેમણે અમને છોકરાઓને-બિનીતને, મને, પ્રણવને--હંમેશાં પ્રેમથી આવકાર્યા અને ઇચ્છ્યો એવો સહકાર આપ્યો. પ્રેમ આપ્યો.
![]() |
| તારકભાઈની એંસીમી વર્ષગાંઠની પાર્ટીમાં ઇન્દુ તારક મહેતા |
થોડા વખત પહેલાં જ્યોતીન્દ્ર દવેના એંસી વટાવી ચૂકેલા પુત્ર પ્રદીપભાઈ અને તેમનાં પત્ની રાગિણીબહેન અમદાવાદ આવ્યાં હતાં. જ્યોતીન્દ્ર દવેના મારા કામ નિમિત્તે તેમની સાથે ગાઢ પરિચય. તેમને મળ્યો ને પૂછ્યું, ત્યારે તેમણે ઇન્દુબહેનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. કારણ કે જ્યોતીન્દ્ર દવેને તારકભાઈ ગુરુ ગણે અને મુંબઈમાં નવયુગનગર- ફૉર્જેટ હિલના ફ્લેટમાં એ લોકો ઉપર-નીચે રહે. એટલે એ બંનેને લઈને ઇન્દુકાકીને ત્યાં પહોંચ્યા. શાંતિથી એકાદ કલાક બેઠાં. ગપ્પાંગોષ્ઠિ કરી.
![]() |
| પ્રદીપ જ્યોતીન્દ્ર દવે, ઇન્દુ તારક મહેતા, રાગિણી પ્રદીપ દવે, ઑક્ટોબર ૨૦૧૮ |
તબિયત તો તેમની ઘણા વખતથી ગયેલી હતી. પણ તારકભાઈ હતા ત્યાં સુધી તેમની સારસંભાળમાં એવાં પરોવાયેલાં કે ટકી ગયાં. પ્રશ્નો તો વધતા હતા. પણ એ ટકેલાં. તારકભાઈના ગયા પછી મળીએ ત્યારે થતી ઘણી વાતોમાં તેમની ધાર્મિક શ્રદ્ધાની અને ધાર્મિક યાત્રાઓની વાતો પણ હોય. હું પરંપરાગત ધર્મ કે મંદિર ઇત્યાદિમાં રસ ધરાવતો નથી, તેની એમને ખબર. એવો ઇશારો પણ એ એકાદ લીટીમાં આપે. (ત'મે તો જો કે આમાં નહીં માનતા હો') છતાં, મને તેમને સમજવા માટે થઈને પણ એ વાતો સાંભળવામાં રસ પડે. શીલા ભટ્ટ આવ્યાં હોય ને બંને જણ ક્યાંક સાથે ફરવા નીકળી ગયાં હોય, તો એની વાત કરે. તારકભાઈએ તેમની હયાતિમાં ઘણાં પુસ્તક આપ્યાં, તેમ તારકભાઈના ગયા પછી પણ કાકીએ બે-ત્રણ વાર ખાસ પુસ્તકો માટે બોલાવીને, જે જોઈએ તે લઈ જવા કહ્યું. બીજા વાચનપ્રેમી મિત્રો, ખાસ કરીને ઇશાન ભાવસાર-વિશાલ પટેલને પણ તે કહેતાં. અને બિનીત તો ખરો જ. અમારું ત્યાં જોઈન્ટ અકાઉન્ટ જેવું હતું. પણ બિનીત-શિલ્પાએ અમદાવાદમાં અને પ્રમાણમાં ઘરની નજીક હોવાને કારણે તેમની ઘણી સેવા કરી. ઘણી વાર વેળાકવેળા જોયા વિના.
![]() |
| (ઇન્દુબહેન, બિનીત મોદી, તારક મહેતા, વિનોદ ભટ્ટ, નલિની ભટ્ટ, ૨૦૦૯) |
Thursday, March 02, 2017
મહેતાસાહેબ-જેઠાલાલ સંવાદ
(તારકભાઈની વિદાયના સમાચાર પછી અંજલિ તરીકે લખેલો લઘુસંવાદ)
‘બસ, આવું કરવાનું ને, મહેતાસાહેબ?’
‘શું થયું જેઠાલાલ? વળી પાછું તમને કોઇ ચૂનો લગાડી ગયું? ફરી પાછા બાપુજીએ તમને ધમકાવ્યા? કે ટપુનું કોઈ નવું તોફાન? કે પછી પોલીસનું કંઈ લફરું? ’
‘આ જ તમારી ખૂબી છે, મહેતાસાહેબ. તમે બધાં કારણ ગણાવી દીધાં, પણ તમારી વાત ન કરી?’
‘મારી શું વાત કરવાની, જેઠાલાલ? હું એક ગુજરાતી લેખક... આખી જિંદગી આનંદથી લખ્યું., વાચકોનો અઢળક પ્રેમ મેળવ્યો, કુટુંબીજનો-મિત્રો-સ્નેહીઓએ ભરપૂર ચાહ્યો... ’
‘તમેે યાર જરાય સમજતા નથી. ’ જેઠાલાલ અકળામણથી પોતાની મૂછો ચાવવા લાગ્યા. એટલે ચંપકલાલે ઝુકાવ્યું,
‘અલા મહેતિયા, હું જોઉં છું કે તું ક્યારનો જેઠાને જેઠો બનાવે છે... એની સીધી વાતને તું હમજતો કેમ નથી? તું તો માણસ છું કે મચ્છરદાનની?’
‘એવું નથી મુરબ્બી...’
‘મહેતાઅંકલ, તમે આવું કરશો તો હું તમારા વિરોધમાં ટ્વીટર પર ઝુંબેશ ચલાવીશ... #DownWithMahetaUncle’ ટપુડો તેના વાળનો ગુચ્છો ઉછાળીને બોલ્યો.
‘જોયું મહેતાસાહેબ? હવે તમને મારી ફરિયાદની ગંભીરતા સમજાઈ?’
‘પણ તમારી ફરિયાદ તો કહો.’
‘લો, એ પણ તમને કહેવી પડશે? તમે કેમ મને મૂકીને એકલાએકલા ઉપડી ગયા?’
‘ઓહો, જેઠાલાલ. કાગનો વાઘ કરવાની તમારી ટેવ ગઈ નહીં. ’ જેઠાલાલની નજીક જઈને, જરા ધીમા અવાજે તોફાની સ્મિત સાથે, ‘તમે પણ સમજતા નથી યાર. બધેે તમને સાથે લઈ જવા જરૂરી છે? ક્યાંક મારે એકલા પણ ન જવાનું હોય?’
-અને જેઠાલાલને જ નહીં, લાખો વાચકોને મૂકીને તારક મહેતા ચાલી નીકળ્યા તેમના ગુરુ જ્યોતીન્દ્ર દવેને મળવા.
(તારકભાઈને વિગતવાર અંજલિ માટે જુઓ)
http://urvishkothari-gujarati.blogspot.in/2017/03/blog-post_2.html
‘બસ, આવું કરવાનું ને, મહેતાસાહેબ?’
‘શું થયું જેઠાલાલ? વળી પાછું તમને કોઇ ચૂનો લગાડી ગયું? ફરી પાછા બાપુજીએ તમને ધમકાવ્યા? કે ટપુનું કોઈ નવું તોફાન? કે પછી પોલીસનું કંઈ લફરું? ’
‘આ જ તમારી ખૂબી છે, મહેતાસાહેબ. તમે બધાં કારણ ગણાવી દીધાં, પણ તમારી વાત ન કરી?’
‘મારી શું વાત કરવાની, જેઠાલાલ? હું એક ગુજરાતી લેખક... આખી જિંદગી આનંદથી લખ્યું., વાચકોનો અઢળક પ્રેમ મેળવ્યો, કુટુંબીજનો-મિત્રો-સ્નેહીઓએ ભરપૂર ચાહ્યો... ’
‘તમેે યાર જરાય સમજતા નથી. ’ જેઠાલાલ અકળામણથી પોતાની મૂછો ચાવવા લાગ્યા. એટલે ચંપકલાલે ઝુકાવ્યું,
‘અલા મહેતિયા, હું જોઉં છું કે તું ક્યારનો જેઠાને જેઠો બનાવે છે... એની સીધી વાતને તું હમજતો કેમ નથી? તું તો માણસ છું કે મચ્છરદાનની?’
‘એવું નથી મુરબ્બી...’
‘મહેતાઅંકલ, તમે આવું કરશો તો હું તમારા વિરોધમાં ટ્વીટર પર ઝુંબેશ ચલાવીશ... #DownWithMahetaUncle’ ટપુડો તેના વાળનો ગુચ્છો ઉછાળીને બોલ્યો.
‘જોયું મહેતાસાહેબ? હવે તમને મારી ફરિયાદની ગંભીરતા સમજાઈ?’
‘પણ તમારી ફરિયાદ તો કહો.’
‘લો, એ પણ તમને કહેવી પડશે? તમે કેમ મને મૂકીને એકલાએકલા ઉપડી ગયા?’
‘ઓહો, જેઠાલાલ. કાગનો વાઘ કરવાની તમારી ટેવ ગઈ નહીં. ’ જેઠાલાલની નજીક જઈને, જરા ધીમા અવાજે તોફાની સ્મિત સાથે, ‘તમે પણ સમજતા નથી યાર. બધેે તમને સાથે લઈ જવા જરૂરી છે? ક્યાંક મારે એકલા પણ ન જવાનું હોય?’
-અને જેઠાલાલને જ નહીં, લાખો વાચકોને મૂકીને તારક મહેતા ચાલી નીકળ્યા તેમના ગુરુ જ્યોતીન્દ્ર દવેને મળવા.
![]() |
| Jyotindra Dave-Tarak Mehta / જ્યોતીન્દ્ર દવે- તારક મહેતા |
(તારકભાઈને વિગતવાર અંજલિ માટે જુઓ)
http://urvishkothari-gujarati.blogspot.in/2017/03/blog-post_2.html
Tuesday, July 06, 2010
તારક મહેતાકા ઉલ્ટા ચશ્માઃ ચોવડી સદી

(L to R : Dilip Joshi, Tarak Maheta, Asit Modi)

તારકભાઇને સફળતા સાથે જબરું લેણું છે.
આવું લખતી વખતે તારકભાઇની પ્રતિભા કે પ્રકૃતિની અઢળક ખૂબીઓને જરાય ઓછી આંકવાનો સવાલ નથી. સફળતા-પ્રસિદ્ધિ પચાવવા માટે તે કઇ 'હાજમોલા' લેતા હશે એ તો તારકભાઇ કે ઇન્દુકાકી જ જાણે. પણ આ બધા ખૂબીઓ સહિત- અથવા એ બધાના યથાયોગ્ય ફાળાથી તારકભાઇને જે સફળતા મળી છે તેની કલ્પના પણ બહુ ઓછા ગુજરાતી લેખકો કરી શકે છે. ચિત્રલેખામાં લગભગ ચાર દાયકા સુધી 'દુનિયાને ઉંધા ચશ્મા'ની દંતકથા જેવી સફળતા પછી કોઇ કસર બાકી ન રહી હોય.
છતાં તેનાં પાત્રોને કેન્દ્રમાં રાખીને તારકભાઇના પ્રેમી-નિર્માતા આસિતભાઇ મોદીએ બનાવેલી સિરીયલ 'તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા'ની પ્રચંડ સફળતાથી જાણે 'દુનિયાના ઉંધા ચશ્મા'ની સફળતા પર સુવર્ણકળશ ચડ્યો છે. ('કેક પર આઇસીંગ'ની ઉપમા બહુ નાની પડે.) મિત્ર શિશિર રામાવત આ સિરીયલ વિશે એક પુસ્તક પણ લખી રહ્યો છે. (અગાઉ શિશિરે 'મેકિંગ ઓફ લગાન'નું સરસ ગુજરાતી કર્યું હતું. 'અભિયાન'માં પ્રગટ થયેલી તેની હપ્તાવાર નવલકથા 'વિક્રાંત'નાં ઇન્દુકાકી નિયમિત વાંચક-ચાહક હતાં એટલી પૂરક માહિતી.)
આજે સિરીયલનો 400મો હપ્તો પ્રસારિત થવાનો હતો. એની ઉજવણી માટે આસિતભાઇ મોદી નિર્દેશક-લેખક-કલાકારો સહિત 22 જણના કાફલા સાથે અમદાવાદ આવ્યા હતા અને રાજપથ ક્લબમાં તારકભાઇ-ઇન્દુકાકીની હાજરીમાં ઉજવણી રાખી હતી. પત્રકાર પરિષદ અને 400 હપ્તાનું લખાણ ધરાવતી કેક કાપ્યા પછી તારકભાઇ એક આરામદાયક વ્હીલચેર પર બેસીને તેમની રાબેતા મુજબની સ્થિતપ્રજ્ઞતાથી આખા સમારંભના સાક્ષી બન્યા.
(Photo: Binit Modi/Purav Patel)
Thursday, December 31, 2009
તારક મહેતાના ખબરઅંતર
તારકભાઇની ૮૦મી વર્ષગાંઠની પોસ્ટના પ્રતિભાવ હજુ ચાલુ છે, ત્યાં પરમ દિવસે મોડી રાત્રે તારકભાઇને હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર મળ્યા. નાના પાયે હેમરેજ અને ન્યૂરોપ્રોબ્લેમ હોવાનું આરંભિક પરીક્ષણમાં જણાયું. થોડા કલાક આઇ.સી.યુ. (એટલે કે ‘વી કાન્ટ સી હીમ!’)માં રાખ્યા પછી તેમને ભયમુક્ત ગણીને રૂમમાં ખસેડવામાં આવ્યા. તારકભાઇના ભાણેજ ડો.રામીલભાઇ ન્યૂરોસર્જન છે અને ડોક્ટરોમાં પણ તારકભાઇના ચાહકોની સંખ્યા મોટી છે. એટલે તારકભાઇ અત્યારે અમદાવાદની ‘સાલ હોસ્પિટલ’માં આરામ લઇ રહ્યા છે. આ સમાચાર તરત ન લખવાનું કારણ એટલું જ કે આ બ્લોગ છે- ન્યૂઝ ચેનલ કે ફોર ધેટ મેટર, ટ્વીટર નથીઃ-) અમુક પ્રકારના સમાચાર અહીં થોડા ઠરે પછી જ મૂકવામાં આવે છે.
આજે બપોરે તારકભાઇ-ઇન્દુકાકી જોડે તેમના રૂમમાં કલાકેક ગપ્પાંગોષ્ઠિ થઇ. બિનીતને કારણે તેમના સુધી સરળતા
થી પહોંચવાનું શક્ય બન્યું.તારકભાઇની અકબંધ રમૂજવૃત્તિથી તેમની સ્વસ્થ માનસિક અવસ્થાની સુખદ સાબિતી મળે છે. અલકમલકની વાતોમાં હોસ્પિટલમાં થતા શેવિંગની વાત એમણે કરી. અસ્ત્રો લઇને આવેલા માણસને તેમણે ‘ચાળીસ વર્ષથી ઉછેરેલી’ મૂછો કાઢવાની ના પાડી દીધી અને ફક્ત દાઢી કરાવીને વિદાય કર્યા. તારકભાઇની મૂછો વિશે સામાન્ય છાપ એવી છે કે તેમને જુવાનીમાં રાજ કપૂરનો વહેમ હતો. પરંતુ વાતચીતમાં તારકભાઇએ કહ્યું કે તેમને હોલિવુડના એક્ટર રોનાલ્ડ કોલમેનનો વહેમ હતો! (અહીં મૂકેલી કોલમેનની તસવીર જોતાં તેમની વાત સ્પષ્ટ થઇ જશે.)
તેમના રૂમની બહાર સ્ટાફનર્સની મંડળીનું ટેબલ છે. ત્યાંથી સતત અવાજ આવતો હતો. બિનીતે અવાજ ઓછો કરાવવાની વાત કરતાં તારકભાઇ કહે,‘રહેવા દેને ભાઇ, રેડિયો ચાલુ હોય એવું લાગે છે. મઝા આવે છે.’ પલંગમાં તેમને એક બાજુ પર બેસાડ્યા હતા. ઇન્દુકાકીએ વચ્ચે ખસેડવાનું કહ્યું એટલે તારકભાઇ કહે,‘આ લોકો ‘પડી જશે, પડી જશે’ કરે છે- કેમ જાણે હું વાંદરો હોઊં ને કૂદાકૂદ કરતો હોઊં!’
તારકભાઇની તબિયત સુધારાના પાટે ચડી ગઇ છે અને બઘું બરાબર ચાલે તો રવિવારની આસપાસ તેમને રજા મળશે. ત્યાં લગી અને ત્યાર પછી પણ એમને અને ઇન્દુકાકીને ખલેલ કે તાણ ન પહોંચે એ રીતે શુભેચ્છા વ્યક્ત કરી શકાય તો વધારે સારૂં.
આજે બપોરે તારકભાઇ-ઇન્દુકાકી જોડે તેમના રૂમમાં કલાકેક ગપ્પાંગોષ્ઠિ થઇ. બિનીતને કારણે તેમના સુધી સરળતા
થી પહોંચવાનું શક્ય બન્યું.તારકભાઇની અકબંધ રમૂજવૃત્તિથી તેમની સ્વસ્થ માનસિક અવસ્થાની સુખદ સાબિતી મળે છે. અલકમલકની વાતોમાં હોસ્પિટલમાં થતા શેવિંગની વાત એમણે કરી. અસ્ત્રો લઇને આવેલા માણસને તેમણે ‘ચાળીસ વર્ષથી ઉછેરેલી’ મૂછો કાઢવાની ના પાડી દીધી અને ફક્ત દાઢી કરાવીને વિદાય કર્યા. તારકભાઇની મૂછો વિશે સામાન્ય છાપ એવી છે કે તેમને જુવાનીમાં રાજ કપૂરનો વહેમ હતો. પરંતુ વાતચીતમાં તારકભાઇએ કહ્યું કે તેમને હોલિવુડના એક્ટર રોનાલ્ડ કોલમેનનો વહેમ હતો! (અહીં મૂકેલી કોલમેનની તસવીર જોતાં તેમની વાત સ્પષ્ટ થઇ જશે.) તેમના રૂમની બહાર સ્ટાફનર્સની મંડળીનું ટેબલ છે. ત્યાંથી સતત અવાજ આવતો હતો. બિનીતે અવાજ ઓછો કરાવવાની વાત કરતાં તારકભાઇ કહે,‘રહેવા દેને ભાઇ, રેડિયો ચાલુ હોય એવું લાગે છે. મઝા આવે છે.’ પલંગમાં તેમને એક બાજુ પર બેસાડ્યા હતા. ઇન્દુકાકીએ વચ્ચે ખસેડવાનું કહ્યું એટલે તારકભાઇ કહે,‘આ લોકો ‘પડી જશે, પડી જશે’ કરે છે- કેમ જાણે હું વાંદરો હોઊં ને કૂદાકૂદ કરતો હોઊં!’
તારકભાઇની તબિયત સુધારાના પાટે ચડી ગઇ છે અને બઘું બરાબર ચાલે તો રવિવારની આસપાસ તેમને રજા મળશે. ત્યાં લગી અને ત્યાર પછી પણ એમને અને ઇન્દુકાકીને ખલેલ કે તાણ ન પહોંચે એ રીતે શુભેચ્છા વ્યક્ત કરી શકાય તો વધારે સારૂં.
Monday, December 28, 2009
તારક મહેતાની 80મી વર્ષગાંઠ
(Real) Tarak & Indu Maheta with 'Tapu' & 'Gogi' of Tarak Maheta ke ooltah chashmahઘણા લેખકો લેખક તરીકે વધારે મિડીયોકર કે માણસ તરીકે, એ નક્કી કરવું અઘરું પડે છે. તારકભાઇ જેવા કેટલાક લેખકોના કિસ્સામાં જુદી, સુખદ મૂંઝવણ થાય છેઃ એ લેખક તરીકે વધારે ઊંચા કે માણસ તરીકે એ નક્કી કરવું અઘરું છે. બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાની જરૂર પણ નથી. સરળતા, લાગણી અને નિર્ભારપણું તારકભાઇના વ્યક્તિત્વની દુર્લભ ખાસિયતો છે. ઇન્દુકાકી ‘મહેતા’ના ક્ષેમકુશળનો દિલથી ખ્યાલ રાખે છે અને તબિયતની ગડબડો પછી બહારની દુનિયા સાથેનું એમનું મુખ્ય સંપર્કસૂત્ર બની રહ્યાં છે.
Mrs. & Mr. Asit Modi (stripped shirt), Mahesh Vakil (red T shirt) with Tarak & Indu Maheta‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ની પ્રચંડ લોકપ્રિયતા પછી, તારકભાઇની ઓલરેડી દંતકથાસમી લોકપ્રિયતામાં આખેઆખી નવી પેઢીનો અને બિનગુજરાતીઓ ટીવી દર્શકોનો ઉમેરો થયો છે. સિરીયલના નિર્માતા આસિત મોદી ઇન્દુકાકી અને તારકભાઇના પુત્રવત્ સ્નેહી મહેશભાઇ વકીલ સાથે મળીને તારકભાઇ પર પ્રેમ ઢોળવાનાં અવનવાં કાવતરાં ગોઠવતા રહે છે. ‘ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમ તેમાં હોંશભેર સામેલ થાય છે. એવું એક કાવતરું તારકભાઇની 80મી વર્ષગાંઠ (26 ડિસેમ્બર)ની આગલી સાંજે આસિતભાઇએ ગોઠવ્યું.
ઠ
અમદાવાદની એક હોટેલમાં તેમણે તારકભાઇ માટે સરપ્રાઇઝ પાર્ટી રાખી હતી. મુંબઇથી ‘ઉલ્ટા ચશ્મા’ની ટીમના ઘણાખરા સભ્યો બસમાં – અને ડો.હાથી વિમાનમાં- 25 તારીખે અમદાવાદ આવી ગયા. રાત્રે ટીવી પત્રકારોની ભરપૂર હાજરીમાં નવની આસપાસ શરૂ થયેલી પાર્ટીમાં રાત્રે બાર વાગ્યે તારકભાઇએ કેક કાપીને 81મા વર્ષમાં પ્રવેશ કર્યો. સાડા બારની આસપાસ મહેમાનોએ એક પછી એક વિદાય લીધી ત્યારે નવેસરથી ડાન્સની રંગત ચાલી. તારકભાઇ તેમની નાજુક તબિયત અને સ્થિતપ્રજ્ઞ માનસિકતા સાથે વચ્ચે વચ્ચે એક-બે મિનીટ માટે ડાન્સમાં જોડાઇ જતા હતા.
આસિતભાઇએ તારકભાઇ-ઇન્દુકાકીને 81મા વર્ષના પ્રવેશ નિમિત્તે રૂ.1000ની 81 નોટોનો હાર પહેરાવ્યો. દયાનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ ‘આજ તક’ માટે તારકભાઇનો દયા-સ્ટાઇલમાં ઇન્ટરવ્યુ લીધો. રાત્રે એકાદ વાગ્યે પાર્ટી પૂરી થઇ અને બધા બહાર નીકળ્યા, ત્યારે હોટેલની બહાર પણ ઘણા લોકો ‘ઉલ્ટા ચશ્મા’ની ટીમને જોવા ભેગા થયા હતા. તારકભાઇ સાથેના સ્નેહસંબંધ ઉપરાંત એક ગુજરાતી લેખકનો આ રીતે જયજયકાર થાય – અને એ લેખક આછકલાઇના નામોનિશાન વગર બધું પચાવીને સ્વસ્થ-સામાન્ય રહી શકે, એ બન્ને બાબતોથી એકસરખો હરખ થાય છે.

વર્ષગાંઠના દિવસે 26મીએ સાંજે રાબેતા મુજબ બિનીત-પ્રણવ અને હું તારકભાઇના ઘરે ગયા. એ દિવસે પણ સવારથી લોકલ અને રાત્રે પરદેશના ફોનની વર્ષા વચ્ચે કેક કાપવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. સાંજે વધુ એક કેક કાપતી વખતે એક મહેમાને તારકભાઇના મોંમાં કેકનો ટુકડો મૂક્યો એટલે તારકભાઇ ઉવાચ, ‘અત્યારે મને કાપો તો અંદરથી કેક નીકળે.’
80મી વર્ષગાંઠને નિમિત્ત બનાવીને તારકભાઇએ દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિમાં આવતી તેમની કોલમ ‘બાવાનો બગીચો’ તબિયતનાં કારણોસર સમેટી લેવાની જાહેરાત કરી, જે 27-12-09ની પૂર્તિમાં તેમની કોલમ સાથે છપાઇ છે. કોઇ લેખક સામે ચાલીને, કોઇ જાતના મનદુઃખ વગર, પોતાનાં કારણોસર કોલમ બંધ કરે એવું બહુ ઓછું બને છે. અગાઉ રતિલાલ બોરીસાગરે ‘સંદેશ’માં પોતાની હાસ્યની કોલમ પણ આ જ રીતે, (દર અઠવાડિયે લખાતું નથી એ મતલબના કારણસર) સત્તાવાર જાહેરાત સાથે બંધ કરી હતી. દિવ્ય ભાસ્કરની ‘રસરંગ’ પૂર્તિમાં છેલ્લી કોલમ સાથે પ્રગટ થયેલું તારકભાઇનું લખાણ અહીં તેમના પ્રેમીઓના રેકોર્ડ ખાતર અહીં મૂક્યું છે.




Labels:
Binit Modi,
function,
humor-satire/હાસ્ય-વ્યંગ,
media,
tarak maheta,
tv serial
Monday, October 05, 2009
તારક મહેતાકા ઉલ્ટા ચશ્માઃ નામમાંથી બ્રાન્ડ
એક ઉલ્ટા ચશ્મા આપો. લાવ, એક રૂપિયો.
આ પ્રકારનો સંવાદ અમદાવાદમાં સંભળાય તો નવાઇ ન પામશો. કારણ કે તારક મહેતાકા ઉલ્ટા ચશ્માની અપરંપાર લોકપ્રિયતા પછી હવે થાય એટલું ઓછું છે.
જેમ કે, ઉપરની તસવીરોમાં દેખાય છે તેમ, તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા બ્રાન્ડના મોટા મમરા- બોલ્સ- મૂકવામાં આવ્યા છે. અમદાવાદની એક કંપનીએ આ પ્રકારનાં પેકેટ બજારમાં મૂક્યાં છે અને એક દુકાનદાર મિત્રના કહેવા પ્રમાણે, આ પ્રકારનાં પેકેટ છોકરાં હોંશે હોંશે એક-એક રૂપિયામાં ખરીદે છે ને ખાય છે. પેકેટની ઉપર સિરીયલનાં પાત્રોની તસવીરો અને સિરીયલનો લોગો મૂકવામાં આવ્યા છે, જેથી ઓળખવાનું જરાય અઘરું ન પડે.
જથ્થાબંધમાં ત્રીસ રૂપિયાનાં ચાળીસ પેકેટના ભાવે વેચાતાં આ પેકેટ માટે સિરીયલના પ્રોડ્યુસર પાસેથી પરવાનગી લેવામાં આવી છે કે નહીં એ તો પ્રોડ્યુસર અસિતભાઇ જ કહી શકે.
Tuesday, March 03, 2009
તારક મહેતા સમારંભ # ૨ : મુખ્ય મંત્રીનો સુરક્ષા પરિવાર આપને હાર્દિક ત્રાસ આપે છે...



રવિવારની સવારે ૯-૪૫ વાગ્યે લગભગ બારસોની ક્ષમતા ધરાવતા અમદાવાદના ટાઉનહોલમાં સમારંભ રાખવાની હિંમત તો જ થાય, જો એ સમારંભ તારક મહેતાનો હોય.
- અને રવિવારની સવારના ૯-૪૫ વાગ્યાના સમારંભ માટે ૮-૩૦ વાગ્યાથી ચાહકો આવવાના શરૂ થઇ ગયા હોવા છતાં, છેક ૯-૧૫ સુધી ચાહકોને બહાર ઊભા રાખવામાં આવે અને ત્યાર પછી પણ તેમની સાથે અપમાનજનક વ્યવહાર કરવામાં આવે, ઘણા મહાનુભાવો સાથે બદતમીઝી થાય, સિનિયર સિટીઝનોને ઠેબે ચડાવાય, સંખ્યાબંધ ચાહકો હતાશ થઇને પાછા જાય...આવું તો જ થાય, જો એ સમારંભમાં ગુજરાતના મુખ્ય મંત્રી આવવાના હોય.
તારકભાઇનાં લખાણો અને ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ સિરીયલના પ્રેમીઓ મોટી સંખ્યામાં વહેલી સવારથી સન્માનપૂર્વક પોતાની બેઠક મેળવવા માટે હોલ પર વહેલા આવી પહોંચ્યા. પણ શેઠ મંગળદાસ ટાઉનહોલના બારણે મેટલ ડીટેક્ટરની એક ફ્રેમ સાથે થોડા પોલીસ ઊભા હતા. તેમણે કહી દીઘું કે અંદર જવાનું નથી.
કેમ?
સલામતીનાં કારણોસર.
કોઇ જ દેખીતા કારણ વિના હોલમાં પ્રવેશ ન મળવાથી બહાર ઊભેલા આમંત્રિતોની ધીરજ ખૂટવા લાગી. યાદ રહે કે આવનારા મોટા ભાગના લોકો ‘આમંત્રિતો’ હતા. તેમને કાર્ડ મોકલીને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે રવિવારે સવારે આવજો. લોકો આવ્યા પણ ખરા, કારણ કે પ્રિય લેખકની ઉજવણીમાં સામેલ થવાનું હતું. પણ દરવાજે જ ઘણાખરાનો ઉત્સાહ ટાઢો થઇ ગયો. એટલું જ નહીં, આનંદ ક્રમશઃ ત્રાસ અને ગુસ્સામાં પણ ફેરવાયો.
આમંત્રિતોને અંદર પ્રવેશ આપવાનું શરૂ કર્યા પછી દરેક જણ પાસેથી પાસની પતાકડીઓ ઉઘરાવવાનો અને તેમનું ચેકિંગ કરવાનો આગ્રહ રખાયો, જે વધી પડેલી ભીડને જોતાં અવ્યવહારૂ હતો. જેમ જેમ લોકો આવતા ગયા, તેમ એમનું ચેકિંગ કરીને અંદર બેસાડી શકાયા હોત. સલામતીના નિયમો પાળવાનો કોઇને વાંધો ન હોય. પણ સલામતીના નામે આમંત્રિતોને અપમાનિત સ્થિતિમાં મુકવાનું લાયસન્સ કોઇને ન મળવું જોઇએ.
દરવાજા પર કેવી ધક્કામુક્કી મચી તેની તસવીરો ઉપર મુકી છે. એકાદ વિડીયો પણ યુટ્યુબ પર મુકી છે, જેની લિન્ક અહીં આપું છું.
દરવાજા પર જોવા મળેલી ગીરદી મુંબઇની ટ્રેનોની ગીરદીને સારી કહેવાડવે એવી હતી. થેન્ક્સ ટુ ‘સિક્યુરીટી પર્પઝ’. એકાદ તસવીરમાં તો ઊંચો કરાયેલો દંડો પણ જોઇ શકાય છે.
ભારે ભીડભાડ પછી, એક મિત્રએ કહ્યું તેમ,‘છાપાંની કૂપનોમાંથી ગિફ્ટ લેવાની હોય એમ’, લાઇન કરાવવામાં આવી. દરમિયાન, હાસ્યકાર વિનોદ ભટ્ટની ધીરજ ખૂટી. આર્થરાઇટિસની ગંભીર તકલીફ ધરાવતાં તેમનાં પત્ની નલિનીબહેન સાથે તે ખાસ તારકભાઇ-ઇન્દુબહેનને કારણે આવ્યા હતા. તેમની સાથે રતિલાલ બોરીસાગર પણ હતા. ઘણી રાહ જોયા પછી નલિનીબહેનથી ઊભા ન રહેવાતાં એ લોકો માંડ માંડ હોલના પાછળના દરવાજે ગયા. ઓળખાણ આપી. તકલીફનો ખ્યાલ આપ્યો. છતાં ત્યાં ઊભેલા કર્મચારીઓ પર કશી અસર ન થઇ. તેમની એક જ વાતઃ ‘આગળના દરવાજે જાવ.’ વિનોદભાઇ કહે કે ભાઇ, અહીં સુધી જ માંડ આવ્યાં છીએ. હવે મારી પત્નીને ચલાવીને આગળના દરવાજે લઇ જઇ શકાય એમ નથી. પણ સાંભળે જ કોણ?
કંટાળીને વિનોદભાઇએ કહ્યું,‘ગાડી બોલાવો. આપણે ઘરે જતા રહીએ.’ એ વખતે રતિલાલ સહિત બીજા લોકોની ચાલુ રહેલી માથાકુટ અને સમજાવટ પછી તેમને માંડ અંદર લીધાં.
બહાર લાઇનમાં આયોજન ‘નવભારત સાહિત્ય મંદિર’ના સ્ટાર નવલકથાકાર અશ્વિની ભટ્ટ અને તેમનાં પત્ની નીતિભાભી પણ હતાં. તેમની પાસે કોઇ કારણસર પાસ ન હતા. કાર્યક્રમના એક વક્તા જય વસાવડાએ પણ બીજા ચાહકોને પાસ આપી દેતાં તેમની પાસે પણ પાસ નહીં. મારો પાસ ક્યાંક ખોવાઇ ગયો હતો. અમને બધાને સિક્યુરીટીવાળાએ બાજુ પર ઊભા રાખી દીધા. અમારે પણ વિનોદભાઇની જેમ કહેવું પડત કે ‘ચાલો ઘરે.’ મિત્ર મનીષ મહેતાએ તત્કાળ ખિસ્સામાંથી ચાર-છ પતાકડાં કાઢીને સિક્યુરીટીવાળાને ધરબ્યાં. દરમિયાન, અશ્વિની ભટ્ટને બાજુ પર ઊભા રહેવાનું કહેતાં મારો પારો છટક્યો. મેં કહ્યું,‘જરા માણસને તો ઓળખો. આ કોણ છે, ખબર છે? અશ્વિની ભટ્ટ. ગુજરાતના બહુ મોટા લેખક.’
પેલા ભાઇ ગુજરાતીમાં કહે,‘પણ અહીં તો બહારની પોલીસ છે.’
‘તો થોડી અહીંની પોલીસ પણ રાખો.’
આ બધા સંવાદો નિરર્થક અને પથ્થર પર પાણી જેવા હતા.
અંદર ગયા પછી પણ અવ્યવસ્થાનો પાર નહીં. થોડા વખત પછી હોલનાં બારણાં અંદરથી ભીડી દેવાયાં. ત્યાર પછી બહાર લાંબી લાઇનમાં ઉભેલા પાસધારકો માટે પણ એન્ટ્રી બંધ !
વધારાનો મોટો ત્રાસ ત્યારે થયો જ્યારે સાડા નવ- પોણા દસથી અંદર આવી ગયેલા લોકોને સાડા અગિયાર સુધી ધરાર બહાર જતા અટકાવવામાં આવ્યાં. કુદરતી ક્રિયાઓ માટે આઘાપાછા થતા સિનિયર સિટિઝનો દરવાજે દરવાજે ધક્કા ખાઇને બહુ આગ્રહ-વિનવણી કરે એટલે ચોકિયાત કહે,‘બહાર જવું હોય તો પછી અંદર આવવા નહીં મળે.’ પાસ તો પહેલેથી જ ઉઘરાવી લેવામાં આવ્યા હતા. એટલે અંદર પેઠા પછી કેદ!
મુખ્ય મંત્રી એક કલાક મોડા આવ્યા. આયોજકો એ વિશે જાણતા હોવાથી કાર્યક્રમ શરૂ થઇ ગયો હતો. પછી જાણવા મળ્યું કે બીજા બધાને તો ઠીક, તારકભાઇ-ઇન્દુબહેનને પણ સીધેસીધો અંદર પ્રવેશ મળ્યો ન હતો! થોડાં વર્ષ પહેલાં તારકભાઇનાં પુસ્તકોના વિમોચનનો કાર્યક્રમ ભાઇકાકા હોલમાં હતો, ત્યારનો અનુભવ તાજો થયો. એ સાંજે હું તારકભાઇને ઊભાઊભ મળીને નીકળી જવાના ઇરાદે હોલ પર પહોંચ્યો, ત્યારે તારકભાઇ અને તેમની સાથેના બે-ત્રણ જણને મુખ્ય મંત્રીના સલામતી રક્ષકો અંદર જતાં અટકાવી રહ્યા હતા. એ દૃશ્યના સાક્ષી બન્યા પછી નક્કી કર્યું કે ઝેડ પ્લસ સુરક્ષાવાળા મહાનુભાવોના કાર્યક્રમમાં કદી જવું નહીં અને ક્યારેક અનિવાર્યપણે જવું પડે તો પણ, ધોળા ધરમે તેમને આપણા કાર્યક્રમમાં બોલાવવા તો નહીં જ.
આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રીને બોલાવવા માટે તારકભાઇનો કોઇ આગ્રહ ન હતો, એ હું જાણું છું. આયોજક નવભારત સાહિત્ય મંદિરની આરંભિક ઇચ્છા હોવા છતાં મુદતો પર મુદતોને કારણે તેમણે ઇચ્છા પડતી મુકી હતી. છતાં, કેટલાક આગ્રહોથી મુખ્ય મંત્રીને લાવવામાં આવ્યા અને આ સ્થિતિ સર્જાઇ.
સારઃ
૧. મુખ્ય મંત્રી જે કાર્યક્રમમાં આવવાના હોય, ત્યાં યજમાન તરીકે પોલીસોનાં ધાડાં આવી જાય છે. અસલી યજમાનના ‘માનવંતા મહેમાનો’ સહિત બીજા સૌ કોઇ ગૌણ બની જ નહીં, બીજા નું કોઇ અસ્તિત્ત્વનું કશું મહત્ત્વ રહેતું નથી. એટલે મુખ્ય મંત્રી ટાઇપની સુરક્ષા વ્યવસ્થાથી ઘેરાયેલી વ્યક્તિઓને વાચક-લેખક મિલન પ્રકારના કાર્યક્રમોમાં બોલાવવી નહીં.
૨. આયોજકો, પેટા આયોજકો કે પડદા પાછળના આયોજકો- જેમને મુખ્ય મંત્રીની ભક્તિ કરવી હોય, તેમણે અંગત ધોરણે કરવી. પોતાની ભક્તિમાંથી નીપજતો ત્રાસ બીજાના માથે મારવો નહીં.
૩. તેમ છતાં, મુખ્ય મંત્રીને આ પ્રકારના કાર્યક્રમોમાં બોલાવવામાં આવે જ, તો એવા કાર્યક્રમોમાં જવું જ નહીં.
છેલ્લા નંબરનો સાર મેં વર્ષો પહેલાંથી અમલમાં મુક્યો છે. તારકભાઇ જેવા પ્રેમાળ વડીલ માટે તેમાં અપવાદ કરવાનો અફસોસ ન જ હોય. છતાં, એ સાર દૃઢ થયો તેનો રંજ છે.
જેમના ઘરે કુરિયર આપવા આવનારને પણ નિયમલેખે પ્રેમથી પાણીનો ભાવ પૂછાતો હોય, એવાં તારકભાઇ-ઇન્દુબહેનના સમારંભ નિમિત્તે આવી અવ્યવસ્થા થાય, તે વિશેષ ખેદજનક છે. તેના માટે તારકભાઇ-ઇન્દુબહેને નહીં, પણ મુખ્ય મંત્રીને બોલાવવાનો જેમણે આગ્રહ રાખ્યો હોય, તેમણે દિલગીરી વ્યક્ત કરવાની રહે છે.
Monday, March 02, 2009
અસલ તારક મહેતાની અસ્સલ ફટકાબાજી
ગઇ કાલે સવારે દસ વાગ્યે અમદાવાદના ટાઉન હોલમાં તારક મહેતાનાં પુસ્તકોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાઇ ગયો. લગબગ અઢી-પોણા ત્રણ કલાક ચાલેલા આ કાર્યક્રમ વિશેની ઘણી વાતો કરવાની છે. આજે સૌથી અગત્યની પહેલી પોસ્ટ તારકભાઇ શું બોલ્યા એ વિશેની અને બીજી પોસ્ટ, તારકભાઇ-ઇન્દુબહેનની ખાનદાનીથી તદ્દન વિપરીત રીતે (અને તેમની જાણબહાર) આમંત્રિતો સાથે કેવો અપમાનજનક વ્યવહાર થયો એ વિશે.***
તબિયતનાં કારણોસર તારકભાઇ બોલતી વખતે સાવ ‘બ્લેન્ક’ થઇ જાય છે, એવી ઘણા સમયથી એમની (સાચી) ફરિયાદ છે. એટલે તારકભાઇ સામાન્ય રીતે સમારંભોમાં જવાનું ટાળે છે અને જાય તો સવાલોના જવાબ સ્વરૂપે બોલવાનું વઘુ પસંદ કરે છે. ચાર-પાંચ વર્ષ પહેલાં ‘આરપાર’ માટે અમે તૈયાર કરેલા ‘જ્યોતીન્દ્ર દવે વિશેષાંક’ના સમારંભ નિમિત્તે હાસ્યબારશના કાર્યક્રમમાં વર્ષો પછી પહેલી અને છેલ્લી વાર ચાર હાસ્યલેખકો એકસાથે મંચ પર આવ્યાઃ બકુલ ત્રિપાઠી, તારક મહેતા, વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર. પ્રેમવશ તારકભાઇ ઉપસ્થિત રહ્યા અને બોલ્યા પણ ખરા. એ વખતે વચ્ચે તે પ્રોમ્પ્ટિંગ માગી લેતા હતા. ડિસેમ્બરમાં મારી મોક કોર્ટના કાર્યક્રમ વખતે પણ તે સાક્ષી તરીકે આવ્યા હોવાથી સવાલ અને આરોપોનું ફોર્મેટ જ હતું. રવિવારના કાર્યક્રમમાં પણ યોગ્ય રીતે જ તારકભાઇને સવાલો પૂછવામાં આવ્યા અને તારકભાઇએ મહેતા-સ્પેશ્યલ આપીને શ્રોતાઓને મઝા કરાવી દીધી.તારકભાઇમાં રહેલી અ-નાગરી નિખાલસતા તેમના જવાબોની ખાસિયત રહી છે. ગઇ કાલે પણ એ માણવા મળી. કાર્યક્રમનાં સંચાલક, નવલકથાકાર અને ‘નવભારત સાહિત્ય મંદિર’નાં લેખિકા કાજલ ઓઝા-વૈદ્યએ તારકભાઇ સાથે મળીને થોડીઘણી તૈયારી કરી રાખી હતી. તેમણે તારકભાઇને પૂછેલા સવાલો અને તારકભાઇના જવાબોની ઝલકઃ
‘જવાબ ઊભા રહીને આપશો કે બેઠાંબેઠાં?’ એ સૌથી પહેલો સવાલ હતો. તારકભાઇ કહે,‘ઓડિયન્સને પૂછો. ઓડિયન્સ માટે જીવ્યો છું ને ઓડિયન્સ માટે જ લખ્યું છે.’ તેમની શારીરિક અશક્તિને ઘ્યાનમાં રાખીને ઓડિયન્સે કહ્યું,‘બેઠાં બેઠાં જ બોલો,’
સવાલઃ ટર્નિગ પોઇન્ટ કયો? લખવાનું શરૂ કેમ કર્યું?
તારકભાઇઃ વખાના માર્યા. (હસાહસ) વડીલોએ કોમર્સ કોલેજમાં ધકેલ્યો. ત્યાં સતત ત્રણ વર્ષ એકાઉન્ટન્સીમાં નાપાસ થયો. બાપાને વિનંતી કરી. નાટક-સિનેમાનો ચટકો એ વખતથી જ હતો. આર્ટ્સમાં જઇને પણ ભણતો હોય તો સારૂં એમ વિચારીને બાપાએ આર્ટ્સમાં મુક્યો. ઇન્ટરઆર્ટ્સમાં બાપાનું લખેલું દ્વિઅંકી નાટક ભજવ્યું. પણ પરીક્ષામાં એક વિષયમાં ચોરી કરતાં પકડાયો. ૩ વર્ષ માટે રસ્ટીકેટ થયો. એટલે રાતની ટ્રેન ઉપડ્યા પછી જ ચીઠ્ઠી મળે એ રીતે ચીઠ્ઠી મુકીને મુંબઇ ભાગી ગયો.
મુંબઇ ટાંટીયાતોડ કરી. નાટકોની લાયકાત નોકરી મળે એવી નહીં, નોકરી હોય તો પણ જતી રહે એવી. એ વખતે મેં પંદર-પંદર રૂપિયામાં વાર્તાઓ વેચવાનું શરૂ કર્યું. અઠવાડિક મેગેઝીનના તંત્રીએ વાર્તા દીઠ પુરસ્કાર આપવાને બદલે મહિને સામટો પુરસ્કાર લેવા આવવાનું કહ્યું. મહિના પછી લેવા ગયો તો મેગેઝીન બંધ થઇ ગયું હતું. એક જણ માટે મેટ્રિકની પરીક્ષા આપવા બેઠો. આપી પણ ખરી. એમાં ઠરાવેલા પૈસા ન મળ્યા. બી.એ. થયો. એમ.એ.થયો. પત્રકાર થયો અને સરકારના ફિલ્મ્સ ડિવિઝનમાં ૨૯ વર્ષ નોકરી કરી. ગેઝેટેડ ઓફિસર થયો. ‘સરકારી નોકરીમાં બહુ મોટી સગવડ છે કે ત્યાં રહીને બહારનું કામ થઇ શકે. એ સગવડને લીધે નાટક અને સીરીયલ લખતાં અહીં સુધી પહોંચી ગયો.
***
સઃ તમે નિખાલસ આત્મકથા લખી તેની સામે કોઇને વાંધો..?જઃ સગાંવહાલાંનો સૌથી વધારે વિરોધ હતો. પણ મેં મારી જાતને મોટી ચીતરી નથી. મારાથી જ હું શરૂઆત કરૂં એટલે બીજાના વિરોધનો સવાલ ન રહે.
સઃ ટપુડા સિરીઝમાં જેઠાલાલનું સંતાન છે, પણ તારક મહેતાની ઇશાની (પુત્રી)નું કેમ પાત્ર નથી.જ ઃ ઇશાની એ વખતે સ્કૂલે જતી હતી. એના નામનું પાત્ર બનાવીએ ને સ્કૂલમાં તેને કદાચ હેરાનગતિ થાય.અને લખવાનું શરૂ કર્યું ત્યારે ખબર પણ ન હતી કે આટલું લાંબું ચાલશે.
સઃ તમે ક્યારેય ફરિયાદ કરતા નથી. તકલીફો હસીને વેઠી છે.
જઃ હાસ્ય સ્વબચાવનું હથિયાર છે. કાં આપઘાત કરો, કાં હસતાં શીખો. બીજા વિકલ્પો હોતા નથી.
સઃ હાસ્યલેખકની આત્મકથા આટલી બોલ્ડ હોય...
જઃ જે દુકાનેથી જે મળતું હોય એ જ મળે. મારી સાહિત્યિક એમ્બિશન નહોતી. મુંબઇમાં ટકવાનું હતું. એટલે ફેક્ટરી ચાલુ કરે અને હજુ ચાલે. મારો માલ ઉપડે છે. આત્મકથામાં પણ એ ઘ્યાન રાખવું પડે...(આત્મકથામાં) મણિલાલ નભુભાઇ મારી પ્રેરણા હતા. તેમણે એવી સૂચના આપી હતી કે તેમના જીવતે જીવ આત્મકથા પ્રકાશિત ન થાય. પણ હું એવો ઉઘાડો પડી ગયો હતો...મુંબઇમાં એવું જીવન જીવ્યો હતો કે કંઇ ઢાંકવા જેવું રહ્યું ન હતું.
સઃ મુંબઇ અને અમદાવાદ વચ્ચે શું તફાવત?
જઃ અમદાવાદ બ્લેક એન્ડ વ્હાઇટ છે ને મુંબઇ ટેકનિકલર- અમદાવાદની સરખામણીએ અને મારી દૃષ્ટિએ.
સઃ હજુ શું કરવાનું બાકી છે?
જઃ ફેક્ટરી ચાલુ રહે એજ વળી. લોકોને મનોરંજન આપવાનો નિર્ધાર હતો. લોકો જ્યાં સુધી મેગેઝીન ખરેદે ત્યાં સુધી આપણે છીએ...
સઃ ચિત્રલેખા સિવાય બીજે ક્યાંય લખતા હોત તો પણ આટલા જ પોપ્યુલર હોત?
જઃ મને સામયિકો બદલવાની ટેવ નહીં. નાટકોની સંસ્થા પણ બદલતો ન હતો. આઇએનટીમાં દસ વર્ષ રહ્યો તે રહ્યો. એટલે ચિત્રલેખામાં પણ એવું થઇ ગયું કે ચિત્રલેખા એટલે તારક મહેતા અને તારક મહેતા એટલે ચિત્રલેખા. એ બન્ને પક્ષે લાભદાયક છે.
સઃ ગુજરાતી સાહિત્યના પોલિટિક્સ વિશે...
જઃ હું સાહિત્યમાં છું જ નહીં. એટલે પોલિટિક્સનો અનુભવ નથી. હજુ સુધી એવો અનુભવ નથી કે મને કોઇએ સાહિત્યકાર ગણ્યો હોય.
સઃ કઇ ભૂલો ન કરો?
જઃ પરીક્ષામાં ચોરી ન કરૂં. બીજી ભૂલો તો એના ક્રમમાં ચાલે.
રેપિડ ફાયર રાઉન્ડ
જિંદગી બે લીટીમાં: મનોરંજન, મનોરંજન, મનોરંજનપ્રેમ વિશે શું માનો છોઃ એ માનવાની વાત નથી, અનુભવવાની વાત છે.
લેખક ન હોત તોઃ કંઇ ન હોત.
અમદાવાદીઓની ખાસિયતઃ એમની રમૂજવૃત્તિ. જાત પર હસી શકે. આવી ખાસિયત યહૂદીઓમાં છે.
પ્રવાસમાં શું અનિવાર્યઃ (થોડું વિચારીને) કપડાં પહેરીને નીકળવું તે
ભગવાન વિશેઃ હજુ મળ્યો નથી. મળ્યા વગર શું માનીએ?
અત્યારેઃ આનંદ છે, સંતોષ છે.
છેલ્લો રાઉન્ડ
હાસ્યલેખકઃ વખાના માર્યાપ્રકાશકઃ ન બોલ્યામાં નવ ગુણ
આજની ફિલ્મોઃ જનરલાઇઝ કરાય એવું નથી
ગુજરાતી સાહિત્યઃ પરિચય નથી
વાચકોઃ સલામ
જેઠાલાલઃ મારો ઓલ્ટર ઇગો. હું મુંબઇમાં ગયો ત્યારે જે હાલતમાં હતો એ હાલત એ (જેઠાલાલ દ્વારા) કન્ટીન્યુ કર્યું.
સફળતાઃ હજુ સફળ થયો નથી. પ્રયત્ન ચાલુ છે.
ક્રિકેટઃ હવે આંખની તકલીફને લીધે ક્રિકેટરો દેખાય છે, પણ બોલ દેખાતો નથી.
(નોંધઃ બઘું લખાણ શબ્દશઃ અથવા પૂરેપૂરૂં ન પણ હોય. છતાં તે ભાવશઃ તો છે જ.)
(photo : Tarak Maheta on the eve of Sunday function at Ellisbridge Gymkhana , 28-2-09)
Subscribe to:
Posts (Atom)





