Showing posts with label disaster. Show all posts
Showing posts with label disaster. Show all posts

Thursday, July 11, 2013

કેદારનાથમાં કુદરતની સાથોસાથ બેદરકારી, ગાફેલિયત અને લોભનું તાંડવ


કેદારનાથ/Kedarnathની દુર્ઘટનામાં થયેલાં હજારો મોતની કરૂણતા ભૂલાઇ જાય, લાગણીનો ઉભરો શમી જાય અને બઘું રાબેતા મુજબ થઇ જાય, એ પહેલાં કેટલીક હકીકતો અને તેના બોધપાઠ અંકે કરવા જેવા છે. નુકસાનમાં નફાની આશ્વાસનકારી દૃષ્ટિએ વિચારીએ તો, હજારોનાં સ્વજન છીનવી લઇને ક્રૂર આંચકો આપનારી આ દુર્ઘટનાએ હિમાલયના છીનવાઇ રહેલા પ્રાકૃતિક સંતુલન વિશે લોકોનું ઘ્યાન દોર્યું છે. નરી આંખે જોઇ શકાય એવી ઉત્તરાખંડની અવદશા છતી કરવા માટે મોટી દુર્ઘટનાની જરૂર પડે એ શરમજનક સચ્ચાઇ છે. પરંતુ તેમાંથી પણ કશો બોધપાઠ લેવામાં ન આવે તો એ ગુનાઇત સ્વાર્થઅંધતા ગણાય.
ઉત્તરાખંડના પહાડી ઇલાકામાં પ્રવાસન મહત્ત્વની આર્થિક પ્રવૃત્તિ છે. રાજ્યમાં પ્રવાસીઓ જેટલા વધારે એટલા સ્થાનિક લોકો પણ રાજી ને શાસકો પણ ખુશ. એમાં પ્રવાસીઓની સંખ્યા પર અંકુશ રાખવા જેવો ‘ખોટનો ધંધો’ કોણ વિચારે? ઉલટું, પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટેના અને પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉભી કરવાના શક્ય એટલા વઘુ પ્રયાસ થાય. પ્રવાસીઓ માટે સૌથી પાયાની જરૂરિયાત ઉતારાની. વર્ષ ૨૦૦૬ના એક અભ્યાસ પ્રમાણે, એ વર્ષે ઉત્તરાખંડમાં આવતા દર ૧૦ લાખ પ્રવાસીઓ દીઠ હોટેલ-ગેસ્ટ હાઉસની સંખ્યા માંડ ૧૦૨.૫ હતી અને ફક્ત ૩૩૭ પથારીઓ ઉપલબ્ધ હતી.

આ સ્થિતિમાં સૌથી પહેલો વિચાર પ્રવાસીઓની સુવિધા - અને પોતાની કમાણી- ખાતર નવાં બાંધકામ ઊભાં કરવાનો આવે. હોટેલ-ગેસ્ટહાઉસ-ભાડાનાં ઘર...આમાંથી ઘણુંબઘું કાયદેસર ન પણ હોય. જમીનો પચાવીને ગેરકાયદે બાંધકામ કરવામાં સરેરાશ ભારતીયો વિશેષ પ્રતિભાશાળી હોય છે- પછી તે ગામડું હોય કે શહેર. કમાઇ લેવાના આશયને કારણે સલામતી કે નિયમોનો વિચાર કર્યા વિના, જ્યાં તક અને જગ્યા મળે ત્યાં મકાનો તાણી બાંધવામાં આવે. છતાં ઉતારા ઓછા જ પડે.

ધંધાનો આવો ધીકતો મોકો હોય ત્યારે પર્યાવરણ તો ઠીક, સામાન્ય સુરક્ષાના કે પોતાની લાંબા ગાળાની સલામતીના વિચાર પણ ક્યાંથી આવે? જાતે તો ઠીક, સરકારી હુકમનામા પછી પણ લોકો સમજતા નથી અને સરકાર તેનો નિષ્ઠાપૂર્વક-કડકાઇથી અમલ કરાવી શકતી નથી. બાકી, ઉત્તરાખંડની સરકારે સત્તાવાર રીતે ઠરાવેલું છે કે નદીના પટના ૨૦૦ મીટરના વિસ્તારમાં કોઇ પણ જાતનું બાંધકામ થઇ શકે નહીં. હિમાલયના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે નદીઓમાં ભારે પૂરની નવાઇ નથી. નદીના તટથી સલામત અંતર રાખવામાં પર્યાવરણ કરતાં પણ પહેલો મુદ્દો જાનના જોખમનો આવે છે. પરંતુ ચોમાસા સિવાયની મોસમમાં એ જમીન આકર્ષક રીતે ખાલી લાગતી હોવાથી, ત્યાં પણ બિનધાસ્ત મકાનો ઊભાં કરી દેવામાં આવે છે. તેની સામે રાજ્ય સરકારના આંખ આડા કાન પછી, ઉત્તરાખંડની વડી અદાલતે કડકાઇ દાખવી હતી. આ વર્ષના આરંભે અદાલતે નદીકાંઠે ૨૦૦ મીટરની હદમાં બંધાયેલાં તમામ ગેરકાયદે બાંધકામ તોડી નાખવાનો આદેશ આપ્યો. પરંતુ કોઇ પણ પ્રકારની જમીનને કેવળ રીઅલ એસ્ટેટ તરીકે જોવા ટેવાયેલા લોકો હાઇકોર્ટનો ચુકાદો ઘોળીને પી ગયા અને સરકારે કદી તેના અમલમાં ઉત્સાહ દેખાડ્યો નહીં. એમાંનાં ઘણાં મકાનનો કેદારનાથના પુરમાં વારો ચડી ગયો. પુર ભલે કુદરતી હોય પણ તેમાં થયેલા ભારે નુકસાનમાં માણસોનો  ફાળો મોટો હતો.

દુર્ઘટના થકી થતી તબાહીને વધારે ગંભીર બનાવતો બીજો મોટો મુદ્દો છે : નદીના પટમાં થતું ખોદાણ અને ખાણકામ. સામાન્ય માન્યતા એવી હોય કે પહાડી વિસ્તારોમાં ડાયનેમાઇટથી ધડાકા કરીને ખનીજ શોધવાની પ્રવૃત્તિથી પહાડી ભૂસ્તરોને ખલેલ પહોંચે છે અને તે અસ્થિર બને છે. આ તો ખરૂં જ, પણ પ્રવાસનને કારણે રીઅલ એસ્ટેટમાં તેજી આવે એટલે બાંધકામ માટે સામગ્રીની જરૂર પડે. એટલે રેતી અને પથ્થરો જેવી માટે કોન્ટ્રાક્ટરો કાયદેસર કે સ્થાનિક સત્તાધીશોને સાધીને નદીના પટ ખોદી કાઢે છે.(હિમાલયની નદીઓમાં કાંપની સાથોસાથ નાનામોટા કદના પથ્થરોનો કાટમાળ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.)  જમીનનું ધોવાણ અટકાવવામાં અગત્યની ભૂમિકા ધરાવતાં જંગલોની પણ સરકારને પરવા નથી. ખનીજના ખાણકામ માટે જંગલો લીઝ પર આપી દેવામાં આવે છે. ‘ડાઉન ટુ અર્થ’ સામયિકમાં ટાંકેલા આંકડા પ્રમાણે, ઉત્તરાખંડ અલગ રાજ્ય બન્યું, તેના પહેલા દાયકામાં (૨૦૦૦-૨૦૧૦) રાજ્ય સરકારે જંગલ વિસ્તાર ગણાયેલી આશરે ૩૯૦૦ હેક્ટર જમીન ખાણકામ માટે ફાળવી દીધી હતી.

સ્વામી નિગમાનંદ જેવા સન્યાસી નદીઓના પટમાં આડેધડ સરકારી ખાણકામનો વિરોધ કરતા રહ્યા અને તેના વિરોધમાં ઉપવાસ કરીને મોતને ભેટ્યા. પરંતુ સરકારો પર તેની કશી અસર પડી નહીં. ઉલટું, સરકારે પહાડી ઇલાકાની મપાયા વગરની જમીન જંગલવિભાગ પાસેથી લઇને મહેસૂલવિભાગને હસ્તક કરી દીધી, જેથી એ ગેરકાયદે ખાણકામ અટકાવી શકે અને કાયદેસર રીતે ખાણકામ માટે જમીનોની હરાજી કરીને રાજ્ય માટે તગડી રકમ ઉપજાવી શકે.

ભારતમાં સામાન્ય રીતે બને છે તેમ, ઉત્તરાખંડનાં કુદરતી સંસાધનનો આડેધડ ઉપયોગ અટકાવવામાં કોંગ્રેસ અને ભાજપ એકસરખાં નકામાં પુરવાર થયાં છે. વિકાસની લ્હાયમાં ઘણી વાર તે રાજ્યની ભૂગોળને અને તેના તકાદાને વિસારે પાડી દેતાં હોય એવી છાપ ઉભી થાય છે. ‘ડાઉન ટુ અર્થ’નાં તંત્રી અને જાણીતાં પર્યાવરણવિદ્‌ સુનીતા નારાયણે એક લેખમાં નોંઘ્યું છે કે (નદીઓના ધસમસતા પ્રવાહની સંપત્તિ ધરાવતા) ઉત્તરાખંડમાં હાઇડ્રોઇલેક્ટ્રિક-જળવિદ્યુત પ્રોજેક્ટ ઊભા કરવામાં આવે, એ મહત્ત્વની આર્થિક પ્રવૃત્તિ છે, પરંતુ ‘અત્યારે ગંગા નદી પર બની ચૂકેલા અને સૂચિત પ્રોજેક્ટનો કુલ આંકડો ૭૦ની આસપાસ છે.’ મર્યાદિત વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં પ્રોજેક્ટ માટે તેમણે વાપરેલો શબ્દપ્રયોગ છેઃ બમ્પર ટુ બમ્પર. અડોઅડ.
ઉત્તરાખંડમાં બિલાડીના ટોપની જેમ ઉભા થયેલા-થઇ રહેલા જળવિદ્યુતના પ્રોજેક્ટ
(wildlife institute of India/ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા)


બંધ બની જાય એટલે નદીઓમાં વહેતો પાણીનો પ્રવાહ સરોવરમાં સંઘરાય અને ચોમાસા સિવાય નદીઓના પટ કોરા બને. એટલે તેમાં બેફામ ખોદકામની ભીતિ રહે છે. એ ઉપરાંત, ભારતમાં હવે થતાં બાંધકામમાં સૌથી મોટો પ્રશ્ન ગુણવત્તાનો છે. બ્રિટિશ રાજમાં બંધાયેલો નર્મદા નદી પરનો ગોલ્ડન બ્રિજ અડીખમ રહીને એક સદી પૂરી કરી શકે છે, પરંતુ સ્વ-રાજમાં અને ખાસ કરીને છેલ્લાં થોડાં વર્ષોમાં મુંબઇ જેવાં મહાનગરોમાં કરોડોના ખર્ચે બંધાયેલા ફ્‌લાય ઓવર કે રસ્તામાં ગમે ત્યારે તિરાડો ને ગાબડાં પડે છે. ઉત્તરાખંડ જેવા ભૌગોલિક રીતે સંવેદનશીલ વિસ્તારમાં પણ સરકારો કશી વિશેષ સાવચેતી રાખતી હોય એવું હજુ સુધી લાગ્યું નથી.

કેદારનાથની દુર્ઘટનાનો સૌથી મોટો બોધપાઠ એ છે કે માણસે હિમાલય જેવી પ્રાકૃતિક જગ્યાએ સલામત રહેવું હોય તો પ્રકૃતિની અદબ જાળવતાં શીખવું પડશે. ખાસ કરીને રાજ્ય સરકારોએ ટૂંકા ગાળાના ફાયદાની સંકુચિત દૃષ્ટિથી વિચારવાને બદલે, આખા વિસ્તારના ઇતિહાસ અને ભવિષ્યના પરિપ્રેક્ષ્યમાં વિચારતાં શીખવું પડશે. હિમાલય જેવા જણસરૂપ પ્રદેશને જાળવી રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અલાયદી ‘હિમાલયન પોલિસી’ તૈયાર કરે અને તેને અમલમાં મૂકે, એવી માગણી લાંબા સમયથી થઇ રહી છે. આવી માગણી કરનારાને પર્યાવરણપ્રેમી કે પર્યાવરણવાદી તરીકે ખતવી કાઢવાને બદલે, તેમની માગણીઓમાં રહેલાં વાજબી અને વૈજ્ઞાનિક તથ્યો ઘ્યાન પર લેવાં જોઇએ અને એ પ્રમાણે નીતિ ઘડીને અમલમાં મૂકવી જોઇએ. આ દિશામાં સૌથી પહેલા પગલા તરીકે ગેરકાયદે ખાણકામ-ખોદકામ તત્કાળ બંધ થવાં જોઇએ અને કાયદેસર અપાયેલી લીઝમાં નફા-નુકસાનની ગણતરી કેવળ રૂપિયાપૈસામાં કરવાને બદલે, પર્યાવરણને થતું નુકસાન પણ લેખામાં લેવું જોઇએ.

ઇમ્પેક્ટ ફી લઇને ગેરકાયદે બાંધકામો કાયદેસર કરી આપવાના ધંધા મેદાની ઇલાકામાં ઠીક છે, પણ હિમાલયમાં એ કામ લાગતા નથી. કુદરત પોતાની ‘ઇમ્પેક્ટ ફી’ બહુ ક્રૂર રીતે વસૂલી શકે છે. કેદારનાથ દુર્ઘટનાનો એ પણ એક બોધપાઠ છે. 

Tuesday, June 25, 2013

કેદારનાથ: દુર્ઘટના પછી

મોદી-નીતિશકુમાર-અડવાણીની ખેંચતાણ, કોલસાકૌભાંડ, આઈપીએલ અને બીસીસીઆઇનો કકળાટ- આ બઘું ગયા અઠવાડિયે બાજુ પર હડસેલાઇ ગયું. શ્રદ્ધાળુઓ માટે પવિત્ર ગણાતાં ચાર ધામમાંથી એક કેદારનાથમાં પુર અને ભૂસ્ખલનની વિનાશલીલામાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા. તેમનો સાચો આંકડો જાણી શકાય એટલું પણ ઠેકાણું હજુ પડ્યું નથી. ગૌરીકુંડથી કેદારનાથ સુધીના આખા પહાડી વિસ્તારમાં રસ્તા ઓળખાય નહીં એ હદે ભાંગીતૂટી ગયા છે. કાદવકીચડનો છ-આઠ ફૂટનો થર પથરાયેલો છે.

વિનાશક વરસાદ અને તેના પરિણામે આવેલા ઓચિંતા પૂરમાં કેટલા તણાઇ ગયા એનો હિસાબ નથી. બચી ગયેલા લોકોએ ગામડાં સિવાયની જગ્યાઓએ, જંગલમાં કે રસ્તા વચ્ચે ક્યાંય આશરો લીધો હોય તો તેમના માટે દિવસો સુધી ખોરાકપાણી વિના જીવતર ટકાવી રાખવાની કસોટી સૌથી કપરી હશે. બચાવ માટે ઉડતાં લશ્કરી હેલિકોપ્ટરનું પહેલું ઘ્યેય ચોક્કસ મંદિરની આસપાસ કે ગામડાંમાં આશરો લેનારા લોકોને સહીસલામત બહાર કાઢવાનું હોય. ફસાયેલા લોકોની સંખ્યા એટલી મોટી છે (અંદાજે પચાસ હજાર) અને દુર્ઘટનાસ્થળની ભૂગોળ એટલી પ્રતિકૂળ કે મોટા પાયે રાહતકાર્ય ચલાવવાનું અશક્ય બની જાય. આ દુર્ઘટનાની થપાટ એવી આકરી છે કે કેદારનાથને ફરી યાત્રાને લાયક બનાવતાં બે-ત્રણ વર્ષ નીકળી જશે, એવું ઉત્તરાખંડના મુખ્ય મંત્રીએ કહ્યું છે.

આવું પહેલી વાર થયું? 

એના જવાબમાં કેટલાક સમાચાર જોઇએઃ

‘ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ અને બાઘેશ્વર જિલ્લામાં ‘ક્લાઉડબર્સ્ટ’- વાદળ ફાટવાને કારણે ઓછામાં ઓછા ૩૦નાં મૃત્યુ થયાં અને ૪૦ હજુ લાપતા છે. આગલી રાતથી વરસાદ ચાલુ હતો અને વહેલી સવારે વાદળ ફાટતાં રૂદ્રપ્રયાગનાં અનેક ગામડાંમાં તબાહીનાં દૃશ્યો સર્જાયાં છે. સરયુ અને કાલીગંગા નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.’ (સપ્ટેમ્બર, ૨૦૧૨)

 ‘વાદળ ફાટતાં થયેલા ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં એક સ્કૂલનું મકાન પડી ગયું. તેમાં ૧૮ બાળકો મૃત્યુ પામ્યાં અને બીજાં ૩૦ હજુ કાટમાળમાં સપડાયેલાં છે. ભારે વરસાદ વચ્ચે બાળકોને બચાવવાની રાહતકામગીરી ચાલી રહી છે. ભારે વરસાદને લીધે છેલ્લાં બે દિવસમાં મૃત્યુઆંક ૬૦નો આંકડો વટાવી ગયો છે. અલકનંદામાં આવેલાં પુરને લીધે બદ્રીનાથના મંદીરને નેશનલ હાઇ વે સાથે જોડતો રસ્તો ધોવાઇ જતાં સંખ્યાબંધ યાત્રાળુઓ અટવાઇ ગયા હતા. બોર્ડર રોડ્‌સ ઓર્ગેનાઇઝેશને કામચલાઉ રસ્તો તૈયાર કરી દીધો હોવા છતાં પાંચેક હજાર યાત્રાળુઓ હજુ ફસાયેલા છે.’(સપ્ટેમ્બર, ૨૦૧૦)

‘ઉત્તરાખંડમાં વાદળ ફાટવાને કારણે પડેલા ધોધમાર વરસાદમાં ભૂસ્ખલનને કારણે ૧૫ માણસો મૃત્યુ પામ્યાં છે અને બીજાં ૩૮ કાટમાળ નીચે દટાયેલાં હોવાની આશંકા છે. રાજ્યના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ‘મેજર ટ્રેજીડી’ ગણાવી છે.’ (ઓગસ્ટ, ૨૦૦૯)

 મતલબ એટલો જ કે ચોમાસાની ૠતુમાં ઉત્તરાખંડમાં અને એમાં પણ રૂદ્રપ્રયાગ જેવા જિલ્લામાં વાદળ ફાટવાની અને નદીઓમાં ભયંકર પુર આવવાની નવાઇ નથી. પહાડી ઇલાકામાં સાંકડા રસ્તે બધો વ્યવહાર ચાલતો હોય. એમાં વાદળ ફાટે અને ભૂસ્ખલન થાય- ભેખડો ધસી પડે, રસ્તા તૂટી જાય એટલે પૂર્વવત્‌ વ્યવહાર સ્થપાતાં સમય નીકળી જાય છે. કાશ્મીરમાં આવેલા યાત્રાધામ અમરનાથમાં પણ ભૂસ્ખલનોને કારણે યાત્રાળુઓને જીવનું કે અટવાઇ પડવાનું જોખમ રહે છે અને યાત્રાને અટકાવી દેવી પડે છે.

આમ, ૨૦૧૩માં કેદારનાથમાં થયેલી દુર્ઘટના વિનાશવ્યાપની રીતે વધારે ખતરનાક નીવડી છે, પણ પ્રકારની રીતે આ તેનું અનેકમી વારનું પુનઃપ્રસારણ છે.

વાદળનું ફાટવું એટલેે?

ક્લાઉડબર્સ્ટ ઉર્ફે વાદળ ફાટવું એ કુદરતી ઘટના છે. આ શબ્દપ્રયોગ વૈજ્ઞાનિક નહીં, પણ બોલચાલની ભાષાનો છે. પાણી ભરેલા ફુગ્ગાની જેમ વાદળમાં પણ ઠાંસોઠાંસ પાણી ભરાવાના કારણે એ ફાટતું હશે, એવી માન્યતાના કારણે તેનું આવું નામ પડ્યું છે. ઉત્તરાખંડ કે લદ્દાખ જેવા પહાડી વિસ્તારોથી માંડીને મુંબઇ-પૂના જેવા મેદાની ઇલાકામાં પણ વાદળ ફાટવાની ઘટનાઓ બની ચૂકી છે. ભરેલું વાદળ ધીમે ધીમે ખાલી થવાને બદલે, જાણે ઠલવાઇ જવાની ઉતાવળ હોય એમ એકસામટું મર્યાદિત વિસ્તાર પર ગાજવીજ સાથે વરસી પડે ત્યારે ક્લાઉડબર્સ્ટ સર્જાય છે. સામાન્ય રીતે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગર પરથી સર્જાયેલું વરસાદી વાદળ ઉત્તર તરફ ઢસડાઇને હિમાલયની પર્વતમાળા સુધી પહોંચીને ‘ફાટે છે’. એવી સ્થિતિમાં એક કલાકમાં આઠ-દસ ઇંચ જેટલો વરસાદ આવી શકે છે. થોડા વિસ્તારમાં એકદમ અને એકસામટું આટલું પાણી પડે એટલે ભારે પૂર આવે અને રસ્તામાં જે આવે તેને તાણી જતો પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય.

ક્લાઉડબર્સ્ટને કારણે આવેલા પૂર માટે ‘ફ્‌લેશફ્‌લડ’ જેવો શબ્દપ્રયોગ વપરાય છેઃ હમણાં કશો અણસાર ન હોય, જોતજોતાંમાં વાદળ ખાબકે અને થોડા વિસ્તારમાં સ્થળ ત્યાં જળ થઇ જાય. પહાડી વિસ્તારમાં વાદળ ફાટે ત્યારે ઠેકઠેકાણેથી ભેખડો ધસી પડવાની કે તોતિંગ શીલાઓ ગબડવાની ઘટનાઓ પણ બને છે, જેના લીધે ફ્‌લેશફ્‌લડની ઘાતકતામાં વધારો થાય છે. કેદારનાથમાં એવું જ બન્યું હતું. ત્યાં ક્લાઉડબર્સ્ટ, તેને કારણે છલકાઇ ઉઠેલી નદીઓ અને મોટી શીલાઓ ધસવાના બનાવને કારણે ત્રિપાંખિયો વિનાશ થયો.

ક્લાઉડબર્સ્ટ અને ફ્‌લેશફ્‌લડ ઓચિંતી ઘટનાઓ હોવાથી, તેમની સવેળા આગાહી થાય અને એ વિસ્તારમાં પ્રવાસીઓ જવાનું ટાળે તો જ જાનહાનિ નિવારી શકાય. બાકી સ્થાનિક લોકોના માથે જાનની  નહીં તો કમ સે કમ માલની નુકસાનીનો ખતરો તોળાયેલો જ રહે છે.  ગૌરીકુંડથી કેદારનાથ જવાના આશરે ૧૩-૧૪ કિ.મી.ના પગપાળા પહાડી રસ્તા પર સેંકડો યાત્રાળુઓ ચાલતા, ડોળીમાં કે ઘોડા પર જતા હોય અને સાંજ પડ્યે પાછા આવી જતા હોય, ત્યારે આગોતરી આગાહીથી યાત્રાળુઓ એ દિવસ પૂરતું કેદારનાથ જવાનું માંડી વળે એ શક્ય છે. પરંતુ ક્લાઉડબર્સ્ટની સચોટ આગાહીની સમસ્યા અને હવામાનખાતા પર લોકોના અવિશ્વાસને કારણે, ચાર ધામ જાતરાની મોસમમાં ક્લાઉડબર્સ્ટ વિનાશ ફેલાવે, ત્યારે વહીવટી તંત્રની સ્થિતિ ખરેખર લાચાર બને છે. ક્લાઉડબર્સ્ટ થકી થયેલા વિનાશ માટે વહીવટી તંત્રનો વાંક કાઢવાનો ઝાઝો અર્થ નથી. અલબત્ત, ક્લાઉડબર્સ્ટની સ્થિતિ કેમ સર્જાઇ એના માટે સરકારો અને વહીવટી તંત્રોને આરોપીના કઠેડામાં ઊભાં રાખવામાં આવે છે.

પર્યાવરણ સાથે છેડછાડ અને બંધોને લીધે આ સ્થિતિ સર્જાય છે? 

ઉત્તરાખંડમાં ક્લાઉડબર્સ્ટ અને જાનમાલની વ્યાપક હાનિના સમાચારને પગલે અરેરાટી અને સહાનુભૂતિની સાથે બે પ્રતિક્રિયાઓ વિશિષ્ટ અને નોંધપાત્ર હતી. ઇશ્વરમાં ન માનતા ઘણા લોકોએ દુર્ઘટનામાં જીવ ખોનારા અને ફસાયેલા લોકો પ્રત્યે યથાયોગ્ય લાગણી પ્રગટ કર્યા પછી એવો પણ મુદ્દો ઊભો કર્યો કે ભગવાને તેમના ભક્તોનું રક્ષણ કેમ ન કર્યું? ખાસ કરીને કેદારનાથનું મંદિર અને તેની બહાર નંદીની પ્રતિમા સલામત રહી હોવાના સમાચારને ઇશ્વરી સંકેત તરીકે ખપાવવાનો પ્રયાસ થયો ત્યારે ભક્તોની સલામતીનો પ્રશ્ન તાર્કિક અને વાજબી લાગે. પરંતુ આટલા મોટા પાયે કરૂણ ઘટના સર્જાઇ હોય ત્યારે શ્રદ્ધાળુઓ થોડા સમય માટે ઇશ્વરી સંકેતો શોધવાનું માંડવાળ કરે અને વિવેકબુદ્ધિવાદીઓ દુર્ઘટનાનું કેવળ નિરીશ્વરવાદી દૃષ્ટિકોણથી વિશ્લેષણ મોકૂફ રાખી શકે, એ સમયની માગ ગણાય.

બીજી પ્રતિક્રિયા પણ ‘કરો એવાં ભોગવો’ પ્રકારની હતી. પહાડી અને જંગલ ધરાવતા ઉત્તરાખંડ કે હિમાચલપ્રદેશ જેવા વિસ્તારોમાં  આડેધડ વ્યાપારીકરણ, જમીનોની સોદાબાજી, પર્યાવરણનો કે સલામતીનો વિચાર કર્યા વિના કેવળ ધંધાદારી ગણતરીથી ઊભાં થઇ રહેલાં મકાન અને રીઅલ એસ્ટેટનો ધંધો, પહાડોમાં થઇ રહેલું ખાણકામ, પહાડી વિસ્તારમાં નદીઓના પ્રવાહ પર બનેલા બંધ અને આ બધાના કારણે ખોરવાતું પર્યાવરણનું સંતુલન- આ કારણ ઠીક ઠીક ચર્ચામાં રહ્યું. પર્યાવરણના મુદ્દે ઝુંબેશ ચલાવતાં ઘણાં વ્યક્તિઓ- સંસ્થાઓએ ‘જોયું? અમે નહોતા કહેતા? પણ અમારું સાંભળે કોણ?’ એવા વલણ સાથે આ દુર્ઘટનાને જોઇ. પ્રસાર માઘ્યમોને પણ આ મુદ્દો સૌથી હાથવગો લાગ્યો.

છેલ્લા એકાદ દાયકાથી મોસમના મિજાજમાં અણધાર્યા અને વિચિત્ર પલટા આવ્યા છે. પુર-વાવાઝોડાં-ત્સુનામી-ભૂકંપ જેવી ઘટનાઓ કાર્યકારણનો સંબંધ સમજાવી ન શકાય એ રીતે વધી રહી છે. આ પ્રકારની કોઇ પણ ઘટના બને ત્યારે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને થઇ રહેલા નુકસાન તરફ આંગળી ચીંધવામાં આવે છે. પરંતુ કુદરતી આફતો માટે જવાબદાર પરિબળો એટલાં સંકુલ હોય છે કે દુર્ઘટના સાથે તેમનો સીધો સંબંધ સ્થાપિત કરી શકાતો નથી. બીજી તરફ, પર્યાવરણપ્રેમીઓના ઇરાદા ગમે તેટલા સારા હોય, પણ ઘણી વાર તે પોતાનો પ્રચાર સાચો ઠેરવવા માટે કાર્યકારણના સગવડિયા સંબંધ ઉપજાવી લેતા હોય છે. એને આધાર આપવા માટેના નક્કર અભ્યાસ કે પુરાવા પૂરતા પ્રમાણમાં અથવા પૂરતા વિશ્વસનીય હોતા નથી. સામા પક્ષે ‘વિકાસ’વાદીઓ પોતાનાં ગુલાબી ચિત્રો વેચવા તૈયાર જ હોય છે. ઉત્તરાખંડમાં પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં પણ આડેધડ બાંધકામો થાય અને બધા પક્ષો તેની સામે આંખમીંચામણાં કરે ત્યારે, દુર્ઘટનાનાં તો ખબર નહીં, પણ દુર્ઘટનામાં ભારે નુકસાનનાં મૂળિયાં અવશ્ય નખાય છે.

ભારત હોય કે અમેરિકા, કુદરતી આફત સામે સૌ લાચારી અનુભવતા હોય છે. ફરક ત્યાર પછીના બોધપાઠ શીખવામાં પડે છે. પરંતુ ગુજરાતમાં ૨૦૦૧ના ભૂકંપ પછી થોડા સમય પૂરતું, કોલમ (ઉભા થાંભલા) પર ઉભા કરાયેલા ફ્‌લેટનું બજાર ગગડીને ફરી પહેલાંના જેવું થઇ ગયું, એવું જ રીઅલ એસ્ટેટની તેજી બાબતે ઉત્તરાખંડમાં બનવાની પૂરી શક્યતા છે. સ્વાર્થઅંધો બોધપાઠ શીખે  એવી અપેક્ષા રાખવી એ ક્લાઉડબર્સ્ટ પછી પૂર ન આવે એવી અપેક્ષા રાખ્યા બરાબર છે.