Monday, July 11, 2011
'દલિતશક્તિ'ના 100મો અંકઃ સંપાદકીય અને ઉપયોગી સૂચિ
છાપાં-સામયિકોની દુનિયામાં બાળમરણની નવાઇ નથી. લાખ બુલંદ ઇરાદા ને તૈયારી પછી શરૂ કરેલું પ્રકાશન પણ અકાળે આથમી જાય તો દુઃખ થાય, નવાઇ ન લાગે. સમાંતર ધારાનાં ગણાય એવાં પ્રકાશનોમાં તો પહેલા અંકથી ‘ચાલ્યું એટલું ખરૂં’નો વાસ્તવિક અહેસાસ મનના ખૂણે ઉગી ચૂક્યો હોય. એ સ્થિતિમાં ‘દલિતશક્તિ’ સાડા આઠ વર્ષની સફર કાપીને 100મા અંક સુધી પહોંચ્યું તેનો આનંદ છે.
અત્યાર સુધીની સફર છેક આસાન રહી છે એવું પણ નથી. જાન્યુઆરી 2003માં રંગીન મુખપૃષ્ઠ અને 36 પાનાં સાથે શરૂ થયેલું ‘દલિતશક્તિ’ માર્ચ 2004થી એકરંગી મુખપૃષ્ઠ ધરાવતું થયું અને જુલાઇ 2006થી તેનાં પાનાં 36માંથી ઘટીને 8 થઇ ગયાં- કરવાં પડ્યાં. ત્યાર પછીનાં પાંચ વર્ષમાં એકથી વધુ વખત ‘દલિતશક્તિ’ ચાલુ રાખવું કે કેમ, એ વિશે વિચાર-ચર્ચા થઇ, પણ અંતે તેને ચાલુ રાખવાનું ઠર્યું.
‘દલિતશક્તિ’ના પહેલા અંકથી માર્ટિનભાઇની ભૂમિકા ‘એડિટર-ઇન-ચીફ’ જેવી હતી, તો ચંદુભાઇ મહેરિયા ‘એક્ઝીક્યુટીવ એડિટર’ જેટલી જવાબદારી અને કામગીરી સાથે સક્રિય રહ્યા- ક્રેડિટ લાઇનમાં ભલે તેમનું નામ છપાતું ન હોય. મારા જેવા દલિત સમસ્યા- દલિત વાસ્તવિકતાના ખાસ્સા બિનઅનુભવી સંપાદકનું કામ માર્ટિનભાઇ-ચંદુભાઇના સક્રિય માર્ગદર્શન વિના ચાલ્યું જ ન હોત. તેમની સાથે રહીને ભાર વિના એવું ઘણું શીખવા મળ્યું, જે મુખ્ય ધારાના પત્રકારત્વમાં દાયકાઓ વીતાવ્યા પછી પણ કદાચ ન મળ્યું હોત. શરૂઆતના પાંચ-છ અંકોમાં સહસંપાદક તરીકે પૂર્વી ગજ્જર પણ હતાં. ‘નોખા ચીલે નવસર્જન’ (‘નવસર્જન’ની કામગીરીનાં બાર વર્ષ વિશેનું દસ્તાવેજી પુસ્તક) અમે સાથે લખ્યું હતું. ત્યાર પછી ઓગસ્ટ, 2003માં ઓસ્ટ્રેલિયા જતાં સુધી પૂર્વીએ ‘દલિતશક્તિ’ માટે રીપોર્ટિંગનું કામ કર્યું.
સામયિકમાં આવતી સામગ્રી માટે અમારો મુખ્ય આધાર હતો ‘નવસર્જન’ના કાર્યકરો તરફથી મળતા અહેવાલ. ટૂંકા અહેવાલ ‘પ્રદેશના ખબરઅંતર’માં આવે અને લાંબા અહેવાલ પરથી એક-બે-ત્રણ પાનાંનો લેખ બને. અહેવાલો મોકલનાર સૌ મિત્રોનાં અલગ-અલગ નામ લખવાં શક્ય નથી, પણ આ તબક્કે ‘દલિતશક્તિ’ માટે નિયમિતપણે લખાણો મોકલનારા થોડા મિત્રોથી માંડીને એકલદોકલ લખાણ મોકલનાર સૌનો આભાર. શરૂઆતનાં વર્ષોમાં કાર્યકરોએ- ખાસ કરીને બહેનોએ- લખી મોકલેલી આપવીતી ‘દલિત સાહિત્ય’ જેવા કોઇ લેબલ વિના પ્રગટ થઇ, પણ તેનું સંકલન થાય તો દલિત સાહિત્યમાં માતબર ઉમેરો થાય, એવું ચંદુભાઇ જેવા અભ્યાસી દૃઢપણે માને છે. તેમનો એવો જ અભિપ્રાય પાછલાં વર્ષોમાં પ્રગટ થયેલાં કેન્દ્રનાં વિદ્યાર્થીઓની રોજનીશી-આત્મકથન વિશે છે. માર્ટિનભાઇએ ઘણા અંક સુધી લખેલી ‘આપણી વાત’ વિચારોના ફુગ્ગા ફુલાવતા વિચારક અને વાસ્તવિક કામગીરીનું બળ ધરાવતા વિચારક વચ્ચેનો તફાવત બરાબર દર્શાવી આપે એટલું સબળ-નક્કર અને વિચારપ્રેરક વાચન પૂરું પાડે છે. ‘નવસર્જન’નાં નિયામક મંજુલા પ્રદીપે પણ ક્યારેક પોતાની મુલાકાતો આધારિત અહેવાલ ‘દલિતશક્તિ’ માટે આપ્યા છે.
‘દલિતશક્તિ’માં પ્રગટ થયેલા અનુવાદિત અને અસલ લેખોનું વૈવિધ્ય કેવું છે તેનો પાકો ખ્યાલ 99 અંકોની સૂચિ બનાવતી વખતે આવ્યો. તેમાં ‘ખબરલહરિયા’ના ગ્રામ્ય પત્રકારત્વથી માંડીને ‘ઇકોનોમિક એ્ન્ડ પોલિટિકલ વીકલી’નાં આંતરરાષ્ટ્રિય સ્તરનાં લખાણ આવ્યાં. નોબેલ પારિતોષિક વિજેતા હેરોલ્ડ પિન્ટર અને અરુંધતિ રોયથી માંડીને ભીખુ પારેખ જેવા વિદ્વાનોનાં લખાણ વફાદારીપૂર્વકના અનુવાદ સાથે પ્રગટ થયાં. ઘનશ્યામ શાહ જેવા વિદ્વત્તાના ભાર વગરના વિદ્વાનનો લાભ પણ ‘દલિતશક્તિ’ને મળ્યો છે. ઉપરાંત આંબેડકરના અને તેમના વિશેનાં અનેક મૂલ્યવાન લેખો તો ખરા જ. ડો.આંબેડકરને દેવ બનાવીને ગોખલામાં સ્થાપવાને બદલે માણસ તરીકેની તેમની મહાનતાનો આદર કરવાના વલણને લીધે, એક આંબેડકર વિશેષાંકમાં તેમનાં કાર્ટૂન પણ આપવામાં આવ્યાં હતાં.
ડો.આંબેડકર, પૂનાકરાર, અનામત, આભડછેટ, પિતૃસ્મરણ, અમેરિકાની રંગભેદવિરોધી ચળવળ, ફિલ્મો, દલિતશક્તિ કેન્દ્રના વિદ્યાર્થીઓની રોજનીશી-આત્મકથન જેવા વિષયો પરના ખાસ અંકો ઉપરાંત ચંદુભાઇ મહેરિયા સંપાદિત, દલિત સાહિત્યનાં 229 પુસ્તકોનો ટૂંક પરિચય આપતો દલિત સાહિત્ય વિશેષાંક ‘દલિતશક્તિ’ની અત્યાર સુધીની સફરમાં ખાસ ઉલ્લેખનીય છે. ભેદભાવસૂચક શબ્દો ધરાવતી ગિજુભાઇ બધેકાની બાળવાર્તાઓના યથાતથ પુનઃમુદ્રણ વિશેનો ઊહાપોહ ત્રણ અંક સુધી ચાલ્યો અને ‘નિરીક્ષક’માં આગળ વધ્યો. પરંતુ ઘણે ભાગે બને છે તેમ, ચર્ચા મૂળ મુદ્દો ચૂકીને આડા પાટે ફંટાતાં, તેમાંથી કશું નક્કર-હકારાત્મક નીપજ્યું નહીં.
શરૂઆતનાં વર્ષોમાં પુસ્તક પરિચય, કવિતાનો આસ્વાદ, કવિતાઓ અને ક્યારેક વાર્તા છપાતી હતી. પરંતુ ‘દલિતશક્તિ’ના આઠ પાનાં થયા પછી તેમાં સાહિત્યનો ભાગ્યે જ સમાવેશ થયો છે. (‘દલિતશક્તિ’માં કદી સરકારી કે ખાનગી જાહેરખબર છપાઇ નથી.) સાહિલ પરમાર, સંજય ભાવે, સુવર્ણાબહેન, જિજ્ઞેશ મેવાણી જેવાં સ્નેહી-મિત્રોએ વખતોવખત પ્રેમથી ‘દલિતશક્તિ’ માટે લેખોના અનુવાદ કરી આપ્યા છે.
Tuesday, November 02, 2010
અરૂંધતિ રોય, અભિન્નતા અને ‘આઝાદી’ : કાશ્મીર સમસ્યાનો નવો ક્રમ?
અગાઉ નર્મદા બચાવો આંદોલનની તરફેણમાં તેમણે લખેલા લાંબા લેખથી ખીજાઇને, ધોરણસરના અભ્યાસીની છાપ ધરાવતા રામચંદ્ર ગુહાએ તેમને ‘અરૂણ શૌરી ઓફ ધ લેફ્ટ’ (અરૂણ શૌરીની ડાબેરી આવૃત્તિ) ગણાવ્યાં હતાં. રોય વકીલાત કરતાં હોત તો કદાચ તેમને ‘રામ જેઠમલાણી ઓફ ધ લેફ્ટ’ ગણવાં પડત.
રાજદ્રોહ : અંગ્રેજ ચલે ગયે...
ભારતની એકતા-અખંડિતતા માટે દુઃખતી નસ બની ચૂકેલા કાશ્મીર માટે અરૂંધતિ રોયના મોઢેથી આવાં વચનો સાંભળીને આશ્ચર્ય અને આઘાતથી માંડીને નારાજગી જેવા અનેક પ્રતિભાવો પેદા થયા. પરંતુ તેમાં સૌથી વિચિત્ર અને સૌથી બિનલોકશાહી પ્રતિભાવ હતો : અરૂંધતિ રોય સામે રાજદ્રોહનો કેસ કરવાનો!
રાજદ્રોહનો આરોપ અંગ્રેજોનું પ્રિય હથિયાર હતો. આઝાદી પછી ‘કાળા અંગ્રેજો’એ વખતોવખત એ હથિયાર પ્રજાકીયને બદલે પક્ષીય કે રાજકીય હિત માટે વાપરવાનું ચાલુ રાખ્યું છે. અંગ્રેજી રાજમાં ‘વેજિંગ વોર અગેઇન્સ્ટ ક્રાઉન’ (તાજ સામે બંડ)ના આરોપ હેઠળ તમામ કાયદા નેવે મૂકીને, આરોપીઓને અમર્યાદ સજા થઇ શકતી હતી. આઝાદી મળ્યા પછી, ભારત સરકારને ઉથલાવી પાડવાના કે તેની સામે બંડ કરવાના આરોપ જૂજ અને અપવાદરૂપ રહેવા જોઇતા હતા. પરંતુ સરકારોએ આ ગંભીર આરોપને ઘણી વાર એટલો સસ્તો કરી નાખ્યો કે તે પત્રકારો અને લેખકો પર પણ લાગુ પડાતો થયો.
કાશ્મીર કદી ભારતનું અવિભાજ્ય અંગ ન હતું, એવું ઇતિહાસને ટાંકીને કહી શકાય નહીં. અરૂંધતિ રોયનું આ વિધાન સાવ ખોટું છે. કારણ કે :
૧) ઇતિહાસમાં ‘ભારત’નો એક ભૌગોલિક એકમ તરીકેનો ખ્યાલ ક્યારે આવ્યો, તે વિવાદનો વિષય છે. આજના ભારતનો જન્મ ૧૯૪૭માં થયો એવું સ્વીકારીએ, તો ફક્ત કાશ્મીર જ નહીં, ભારતનાં ૫૫૦થી પણ વઘુ રજવાડાં ભારતનાં ‘છૂટાં’ અને ‘પાછળથી જોડાયેલાં’ અંગ બની જાય.
ઝીણાએ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાવા પટાવી લીઘું, ત્યારે તે જાણતા હતા કે ભૌગોલિક રીતે આ જોડાણ લાંબું ટકશે નહીં, પણ વસ્તીની બહુમતિના જે મુદ્દે જૂનાગઢ ભારતને પાછું આપવાનું થશે, એ જ મુદ્દે કાશ્મીર મેળવી પણ શકાશે.
આટલે સુધી બરાબર હતું, પણ ઝીણાની દાનત કાશ્મીર ઉપરાંત હૈદરાબાદ ઉપર પણ બગડી. સરદાર કાશ્મીર આપીને હૈદરાબાદ જાળવી રાખવા તૈયાર હતા. એટલે ઝીણાએ કાશ્મીરમાં લોકમત લેવાની વાત કરી, ત્યારે સરદારે હૈદરાબાદમાં લોકમત લેવાની વાત કરી.
ઝીણાને લાગતું હતું કે કાશ્મીરનો લોકમત પાકિસ્તાનની તરફેણમાં ને હૈદરાબાદનો લોકમત ભારતની તરફેણમાં જશે. હૈદરાબાદ આટલી સહેલાઇથી ખોવાનું તેમને મંજૂર ન હતું. એટલે લોકમતની દરખાસ્ત પર તેમણે ચોકડી મારી અને કાશ્મીરમાં પણ લોકમતનો આગ્રહ તેમણે પડતો મૂક્યો.
પાણી સાવ માથા પરથી જતું રહ્યું ત્યારે મહારાજા સફાળા જાગ્યા અને તેમણે ભારત સાથેના જોડાણખત પર સહી કરી. ત્યાર પછી સરદાર પટેલની ત્વરા અને મક્કમતાને લીધે ભારતીય સૈનિકો હવાઇ માર્ગે શ્રીનગર પહોંચ્યા અને હુમલાખોરોને હટાવ્યા. છતાં યુદ્ધવિરામ વખતે કાશ્મીરનો નોંધપાત્ર હિસ્સો પાકિસ્તાનના કબજામાં રહ્યો જે ભારતમાં ‘પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર’ અને પાકિસ્તાનમાં ‘આઝાદ કાશ્મીર’ તરીકે ઓળખાયો.
આ ખ્યાલ ગમે તેટલો આદર્શ લાગતો હોય, તો પણ તેની વ્યવહારૂતાના ગંભીર પ્રશ્નો છે. એક તરફ ચીન જેવો વિસ્તારવાદી, જમીનભૂખ્યો અને બળુકો પાડોશી જે મળે તે પચાવી પાડવા તત્પર બેઠો છે. અલગ કાશ્મીર તેના માટે સૌથી સહેલો કોળીયો બની જાય. બીજી તરફ, કાશ્મીરની આઝાદીનો વર્તમાન પ્રવાહ પાકિસ્તાન પ્રેરિત મુસ્લિમ અંતિમવાદથી પણ ઠીકઠીક રંગાયેલો છે. ખુદ અરૂંધતિ રોયે બે વર્ષ પહેલાં નોંઘ્યું હતું કે આઝાદ કાશ્મીરમાં ફક્ત અલ્લાહ અને કુરાનની જ બોલબાલા રહેવાની હોય તો તેમાં ન માનતા બાકીના ધર્મના લોકોનું શું થશે?
ભારત સરકારના અવિચારી-અત્યાચારી વલણનો વિરોધ અરૂંધતિ રોય કડકમાં કડક શબ્દોમાં કરી શકે છે, પરંતુ વાસ્તવિકતા ભૂલીને કાશ્મીરની પ્રજાને ‘આઝાદી’ના મૃગજળ પાછળ દોડવામાં પ્રોત્સાહન આપીને અરૂંધતિ જાણેઅજાણે કાશ્મીરની પ્રજાને જ ખોટી આશા બંધાવી રહ્યાં છે અને તેમને વઘુ હતાશાના રસ્તે ધકેલી રહ્યાં છે.