Thursday, December 24, 2020

મજરે મહેમાનો ઉર્ફે 'ગેસ્ટ ક્રૅડિટ'

કોરોનાકાળમાં બીજા ‘ચાળા’ શાંત રહ્યા હોય, તો પણ છેલ્લા થોડા સમયથી લગ્નચાળો પુરજોશમાં ફાટી નીકળ્યો છે. લગ્નો ચાલુ રહે એ તો જાણે બરાબર, પણ લગ્નોની ઉજવણી ચાલુ રહી છે—જાણે સરકારના કુશાસન સામે લોકો પોતાની બેદરકારી લઈને, સરકારને હરાવી દેવાના દૃઢ નિશ્ચય સાથે હરીફાઈમાં ઉતર્યા હોય. જો એવું હોય તો એ સ્પર્ધાના પરિણામ તરીકે લોકોની બેદરકારીને વિજેતા જાહેર કરી દેવી જોઈએ, જેથી એ ભયાનક સ્પર્ધાનો અંત આવે.

સરકારે લગ્નમાં મહેમાનોની સંખ્યા પર અંકુશ મૂક્યો, તેનાથી ઘણા લોકોની સામાજિક લાગણી દુભાઈ છે. ‘અમારે ઘેર પહેલો/બીજો જ/છેલ્લો પ્રસંગ અને અમારે જ બધો અંકુશ રાખવાનો?’ એવો આક્રોશમય સવાલ તેમના મનમાં જાગે છે. નોટબંધી જેમને તઘલકી લાગી ન હતી એવા કેટલાક લોકોને પણ, લગ્નમાં બંને પક્ષે પચાસ—એમ કુલ સો જ મહેમાન બોલાવવાના,એ નિર્ણય તઘલકી અને આપખુદશાહી લાગે છે. આંતરધર્મીય લગ્ન માટે સરકારમાં નોંધણી કરવાની જોગવાઈમાં જેને મૂળભૂત અધિકારનો ભંગ નથી લાગતો, એવા ઘણા લોકોને મહેમાનોનાં નામ કલેક્ટર કચેરીમાં નોંધાવતાં, ધામધૂમ કરવાના પોતાના મૂળભૂત અધિકાર પર તરાપ વાગી હોય એવું લાગે છે. કેટલાક લોકો આખી વાતને આક્રોશને બદલે મજબૂરીના ખાનામાં લઈ જાય છે અને કહે છે કે ‘પચાસ મહેમાનોમાં કોને બોલાવવા અને ખાસ તો કોને ન બોલાવવા, એનું ધર્મસંકટ ઊભું થાય છે. અમારા તો વર્ષોના સંબંધ સરકારે કસોટી પર ચડાવી દીધા. હવે અમારે કેમ કરવું?’

આપણી ધરતી બહુરત્ના છે અને લોકોમાં મૌલિકતાનો ભંડાર છે. છલકાઈ રહેલી મૌલિકતા જ કદાચ તેમને કાયદાના પાલનને બદલે કાયદાના ભંગ ભણી પ્રેરે છે. કાયદો પાળવામાં શી કમાલ? એની તો બધા માટે એક જ રીત હોય. પછી પોતીકી મૌલિકતાનો ઉપયોગ ક્યારે કરવાનો? તેને બદલે કાયદો ન પાળવા માટે અનેક તરકીબો ને તિકડમો કરવાં પડે છે. તેના લીધે મગજની ધાર નીકળેલી રહે છે ને નવા નવા કાયદાના ભંગની નવી નવી રીતો સૂઝતી રહે છે. કમનસીબે આઇડીયા અને ઇનોવેશનની વાતો કરતી સરકારો આવી મૌલિકતાને પ્રમાણી શકતી નથી અને તેને ગુનાઈત ઠરાવવાની કોશિશ કરે છે.

લગ્નમાં મહેમાનોની સંખ્યાનો અંકુશ તોડવા માટે કેટલાક લોકો એક જ પ્રસંગના એકથી વધુ જમણવાર યોજીને સોના ગુણકમાં દરેક વખતે જુદા મહેમાનોને બોલાવી લે છે. તેનાથી બંને પક્ષનું સચવાઈ રહે છેઃ મહેમાનોને માઠું લગાડવાની તક રહેતી નથી અને યજમાનની વટ પાડવાની તક છિનવાતી નથી. બીજો રસ્તો શહેરથી-પોલીસની હાજરીથી દૂર જઈને આવા સમારંભ પાર પાડી આવવાનો છે. તેમાં યજમાન ‘એ દિલ મુઝે ઐસી જગહ લે ચલ, જહાં કોઈ ન હો’ જેવી લાગણી અનુભવે છે. એ પંક્તિમાં ‘કોઈ’નો અર્થ ‘પોલીસ’ થાય છે. આ પ્રકારના લગ્નને બીજા અર્થમાં ‘ડેસ્ટિનેશન વેડિંગ’ પણ કહી શકાય. ફરક એટલો કે તેમાં ડેસ્ટિનેશન કોઈ દરિયાકિનારો કે પરદેશી પર્યટનસ્થળ કે કોઈ મહેલ નહીં, પણ શહેરથી દૂર આવેલું કોઈ ખેતર હોઈ શકે. આ સ્થળ એવું હોય, જ્યાં ચોક્કસ બાતમી વિના પોલીસ પહોંચી ન શકે અને તે પહોંચી જાય તો પણ તેની સાથે એકાંતમાં ‘સંવાદ’ થઈ શકે એવી મોકળાશ હોય.

મિત્ર બિનીત મોદીએ મહેમાનોના ટ્રેડિંગનો વિકલ્પ સૂચવ્યો છે. તેની પાછળનો સાદો સિદ્ધાંત એવો છે કે ૧૦૦ મહેમાનોની પરમિટ ધરાવનારને ત્યાં ૮૦ મહેમાનો આવે, તો તે સિલકમાં રહેલો ૨૦ મહેમાનોનો ક્વૉટા ખુલ્લા બજારમાં, બીજા જરૂરતમંદ યજમાનને વેચી શકે. પહેલી નજરે આવી ગોઠવણ અવ્યવહારુ કે અશક્ય લાગે, પણ ‘કાર્બન ક્રૅડિટ’ વિશે જાણતા લોકોને તે એટલી મોં-માથા વગરની નહીં લાગે. કેમ કે, કાર્બન ક્રૅડિટ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છેઃ કોઈ ઉદ્યોગ પાસે વર્ષના અમુક ટન કાર્બન ડાયોક્સાઇડ (કે બીજો પ્રદૂષણકારી વાયુ) પેદા કરી શકવાની પરમિટ હોય અને તે પરમિટ કરતાં ઓછી માત્રામાં આવો વાયુ પેદા કરે, તો બાકી રહેલો ક્વોટા તે બીજા ઉદ્યોગને વેચી શકે (જેને ત્યાં પરમિટ કરતાં વધુ વાયુ પેદા થતો હોય). આવું ગંભીર ઉદાહરણ ફક્ત એટલું સિદ્ધ કરવા માટે આપ્યું કે પ્રદૂષણકર્તા વાયુની જેમ મહેમાનોનું પણ ટ્રેડિંગ થઈ શકે. એક સમયે અખબારો છાપવાનો કાગળ મર્યાદિત જથ્થામાં મળતો હતો ત્યારે કેટલાંક નાનાં પ્રકાશનો પોતાની ઓછી નકલ છાપીને, બાકીનો કાગળ ઊંચા ભાવે બજારમાં વેચીને, પોતાના પ્રકાશન કરતાં વધારે કમાણી કરતાં હતાં. એવી જ રીતે, મહેમાનોના ખરીદ-વેચાણની આ પદ્ધતિને કારણે કેટલાક લોકોને સાદગીથી પ્રસંગ પાર પાડવાની અને એ રીતે બાકીjરહેલો મહેમાનોનો ક્વોટા ખુલ્લા બજારમાં વેચીને, બીજો ખર્ચ કવર કરવાની ઇચ્છા થશે-તક પણ મળશે.

ભારતમાં અર્થતંત્રની પડતી દશા વચ્ચે મહેમાનોનું નવું માર્કેટ ખુલવાથી બજારમાં થોડીઘણી તેજી આવશે. ભલે નાના પાયે, પણ મહેમાનોનુ કૉમોડિટીની જેમ ટ્રેડિંગ શરૂ થતાં અર્થતંત્રમાં નવી હવાનો સંચાર થશે. હા, એવું બિલકુલ શક્ય છે કે લોકો વગર લગ્નપ્રસંગે ફક્ત બે-પાંચ કંકોત્રી છપાવીને તેના આધારે ૧૦૦ મહેમાનોનો ક્વોટા મેળવી લાવે અને પછી તેને બારોબાર બીજા કોઈ સાચા પ્રસંગવાળાને ફટકારી મારે. પરંતુ આવા કોઈ મૌલિક ક્ષેત્રમાંથી જ કાલના કોઈ મહાન ઉદ્યોગપતિ પેદા થવાના હોય તો પણ કોને ખબર?

Wednesday, December 09, 2020

રસી ભવિષ્ય

ખરાબ વસ્તુ માટે ચરોતરમાં એક વિશેષણ વપરાય છેઃ રાશી. જેમ કે, ‘આવો રાશી માલ કંઈથી ઉઠાઈ લાયો?’ કેટલાક લોકો માને છે કે તેને ‘રાશિ ભવિષ્ય’ સાથે સીધો સંબંધ છે. ચોક્કસ સમયગાળામાં જન્મેલાં સેંકડો લોકોનું ભવિષ્ય ચોક્કસ દિવસે કે ચોક્કસ અઠવાડિયે એકસરખું જ હશે, એવી આગાહીઓને મનોરંજક ગણવી કે ‘રાશી’ ભવિષ્ય, તેનો આધાર વાંચનારની રુચિ પર છે. પરંતુ અત્યારના સમયમાં લોકોને પોતાના રાશી ભવિષ્ય કરતાં કોરોનાની રસીના ભવિષ્યની વધારે ચિંતા છે. એ તો સારું છે કે રામાયણમાં રાવણપુત્ર ઇન્દ્રજિતે લક્ષ્મણને કોરોના વાઇરસના ચેપવાળું બાણ ન માર્યું. નહીંતર, હનુમાન પણ શું કરી શકત? મૂર્છા દૂર કરવાની જડીબુટ્ટી તે આખા પહાડ સાથે ઉપાડી લાવ્યા. બાકી, ચાલુ યુદ્ધે ત્રણ-ત્રણ તબક્કાનાં પરીક્ષણો ધરાવતી રસીનો મેળ શી રીતે પડત?

ઇસવી સનના કોરોનાવર્ષનો ડિસેમ્બર બેસતે લોકોને સમજાઈ ચૂક્યું છે કે રસી બાબતે હરખપદુડા થવાની જરૂર નથી. વડાપ્રધાન જાત્તે રસીનાં સંશોધનોનું નિરીક્ષણ કરી આવે, તેનાથી વડાપ્રધાનના સમર્થકોને અને તેમના ટીકાકારોને ફરક પડતો હશે-વિષય મળતો હશે, પણ રસીના સંશોધન સાથે સંકળાયેલી વૈજ્ઞાનિક પ્રક્રિયાને કશો ફરક પડતો નથી.

વડાપ્રધાનની રસીશોધક સંસ્થાઓની મુલાકાતથી ઘણા સંસ્કૃતિપ્રેમીઓને જૂના વખતના જમણવારની યાદ તાજી થઈ છે. પહેલાં વાડીઓમાં થતા જમણવારોમાં મહારાજ તેમના સ્ટાફ સાથે આગલી રાતે આવીને રસોઈની તૈયારી કરવા માંડતા. એ વખતે યજમાનપક્ષના કેટલાક યુવાનો મહારાજની સેવામાં રહેતા-તેમને જોઈતી ચીજવસ્તુઓ લાવી આપતા, ખૂટતી ચીજવસ્તુઓ માટે દોડાદોડ કરતા. એ બધું કામ પતી જાય અને મહારાજ રસોઈકામે વળગે, લાડુ વળાવા લાગે કે ચકતાં પડાવા લાગે, ત્યારે યજમાનપક્ષના એક-બે વડીલો ‘શું ચાલે છે, મહારાજ? બધું બરાબર છે  ને? કશી તકલીફ તો નથી ને? કામકાજ કેટલે પહોંચ્યું?’ એમ કરતા આવી પડતા હતા. તેમના ચહેરા પરનું ગાંભીર્ય જોઈને એમ જ લાગતું કે તેમણે આવું ન પૂછ્યું હોત તો મહારાજ તો બાપડા મૂંઝાઈ મરત.

ત્યાર બાદ ચહેરા પર ચુસ્તી અને જવાબદારીના ભાવ સાથે વડીલો આસપાસ નજર ઘુમાવતા અને મીઠાઈની પ્રક્રિયા તરફ ધ્યાન કેન્દ્રિત કરતા. તેમની ગંભીરતા જોઈને મહારાજને લાગતું કે પ્રસંગ પછી બિલ પણ આ વડીલો પાસેથી જ લેવાનું હશે. એટલે મહારાજ પણ તેમના એક માણસને હાક મારીને તાસકમાં તાજી બનેલી મીઠાઈ ને બીજી બાજુ ઉતરેલી ફુલવડી મંગાવીને આ નિરીક્ષકોને ધરતા.

પણ એમ રીઝી જાય તો વડીલ શાના? મીઠાઈ ભરેલી તાસક આવતાં વડીલ હાલતીચાલતી એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી)ની ભૂમિકામાં આવી જતા. જાણે આંખોથી સ્વાદ પારખવાનો હોય તેવી ધારદાર નજરે મીઠાઈનું અવલોકન કરતા. પછી પ્રયોગશાળાનો માણસ સેમ્પલ લે, એવી રીતે મીઠાઈનો ટુકડો કરીને મોંમાં મુકતા. એ સાથે જ તેમના મનમાં રસાયણશાસ્ત્રનાં અનેક સમીકરણો વિદ્યુતવેગે થવા માંડ્યાં હશે, એવું જોનારે ધારી લેવાનું રહેતું. વાતાવરણ તો એવું જ લાગતું કે હમણાં તેમના મોઢામાંથી છાપેલો એનાલિટીકલ રીપોર્ટ બહાર આવશે. પણ નિરીક્ષકના મોંમાં જડબાંના હલનચલન સિવાયની બીજી કોઈ ક્રિયા ન થતાં, કાર્ડ નાખીને વિગત ભર્યા પછી એટીએમમાંથી રૂપિયા બહાર ન આવે એવી સ્થિતિ સર્જાતી. મહારાજ શબ્દોમાં મીઠાઈ કરતાં પણ વધારે મીઠાશ ભેળવીને, ‘આટલા ટુકડામાં શું ખબર પડે મારા સાહેબ?’ એમ કહીને તેમને મીઠાઈનું આખું ચકતું લેવા પ્રેરતા. હકીકતમાં નિરીક્ષકને આવી કોઈ બાહ્ય પ્રેરણાની જરૂર ભાગ્યે જ પડતી. તે મસ્તીથી તાસકમાં પડેલાં ચકતાં ઉડાવ્યે જતા અને ટાંકીમાં પેટ્રોલ ભરાતાં જેમ બળતણનો કાંટો ઉંચો જાય તેમ ચકતાંની સંખ્યા સાથે રસોઈ નિરીક્ષકના ચહેરા પર સંતોષનો કાંટો ચઢતો હોય એમ દેખાતું.

મીઠાઈનો નાનો ટુકડો મોંમાં મુક્યા પછી નિરીક્ષક મૌન રહે, તો તેમના મૌનમાં રસોઈ કરનાર મહારાજને અવિશ્વાસની દરખાસ્તનો અવાજ સંભળાતો. પણ તાસકમાંથી ચકતાંની સંખ્યા ઓછી થાય, તેમ મહારાજની ચિંતા ઓછી થતી. એટલે ઘણી વાર ચકતાં ખાય નિરીક્ષક, પણ તેનો આનંદ મહારાજના ચહેરા પર ઝળકતો. કેટલાક નિરીક્ષકો શબ્દો વેડફવામાં માનતા નહીં. તે તાસક સાફ કરવામાં જ ધ્યાન કેન્દ્રીત કરતા અને એ કામ પૂરું થયા પછી તેમનું ડોકું હકારમાં ધુણાવીને ‘ટેસ્ટેડ ઓકે’નું પ્રમાણપત્ર જારી કરતા. કેટલાક યજમાન-નિરીક્ષકોને એવી ચિંતા રહેતી કે મહારાજની રસોઈનાં વખાણ કરીશું તો તે કદાચ ઠરાવ્યા કરતાં વધારે રૂપિયા માગશે. એટલે તાસકમાંનાં બધાં ચકતાં દબાવ્યા પછી પણ તે ચહેરા પર દિવ્ય જ્યોતિ પથરાઈ ન જાય તેની કાળજી રાખતા અને મહારાજ સામેથી મોંમાં આંગળાં નાખીને અભિપ્રાય પૂછે ત્યારે તે ‘ઠરશે એટલે આવી જશે’ એવો ‘નરો વા કુંજરો વા’ અભિપ્રાય આપીને ચાલતી પકડતા.

હવે તૈયાર જમણના સમયમાં આવાં દૃશ્યો દુર્લભ બન્યાં છે. યજમાનો આગોતરું ભોજન ચાખીને તેની ગુણવત્તાની ચીવટ રાખવાને બદલે, મહેમાનો સાથે જ જમણસ્થળે આવવામાં અને તેમના પછી ભોજન કરવામાં ગૌરવ માને છે. પરંતુ વડાપ્રધાન પરંપરાના માણસ છે. તેમને થયું હશે કે રસી તૈયાર થઈ જાય, પછી તેને સીધેસીધી લૉન્ચ કરવામાં શો સ્વાદ આવે? આગલા દહાડે જઈએ, ‘રસોઈયા’ જોડે થોડી વાતોચીતો કરીએ, તેમની આગળ અને ખાસ તો આ બધું જોનારની આગળ પોતાની જવાબદારીનો થોડો ખેલ પાડીએ, તો રંગત આવે-પ્રસંગ જેવું લાગે. બાકી, કોરોના તો આવે ને જાય.

Friday, December 04, 2020

જયંતભાઈ, તમને યાદ કરીને આનંદ કરીશું ને એવી રીતે તમારી ખોટ પુરવાની કોશિશ કરીશું

વયમાં ત્રણ-ચાર દાયકા મોટા હોય એવા મિત્રો માટે મનના છાના ખૂણે કાયમ એવો ભાવ રહેતો હોય છે કે તે આપણાથી પહેલા જવાના. આશિષ કક્કડ જેવા કોઈ લાઇન તોડીને અણધાર્યો આંચકો આપી જાય, એ જુદી વાત. એટલે જયંતભાઈ મેઘાણીની ૮૨ની ઉંમર જોતાં તેમના જવાની માનસિક તૈયારી હોવી જોઈતી હતી. પણ હકીકત એ છે કે તેમની સક્રિયતા અને પ્રસન્નતાને કારણે એવું થઈ શક્યું નહીં--અને આજે સવારે પરમ મિત્ર હેતલ દેસાઇએ સમાચાર આપ્યા કે જયંતભાઈ ગયા. મારી જેમ તેમને પણ ઉંઘતા ઝડપાયાનો આંચકો લાગ્યો હતો. દીપક (સોલિયા) થોડા દિવસથી ભાવનગર હતા. છેલ્લા બે દિવસ તેમણે અને મહેન્દ્રસિંહ પરમારે જયંતભાઈ સાથે બહુ આનંદ કર્યો અને આજે સવારે, તેમના ભત્રીજા પીનાકી મેઘાણીના જણાવ્યા પ્રમાણે, કમ્પ્યુટર સામેની ખુરશીમાં બેઠાં બેઠાં, ઢળી પડ્યા વિના, જાણે કમ્પ્યુટર પર કામ  કરતાં વચ્ચે એક ઝોકું ખાતા હોય તેમ, જયંતભાઈ મળી આવ્યા. પણ ઝોકું નહીં ચિર નિદ્રા હતી. (તેમના પુત્રો નીરજભાઈ-નિહારભાઈ સાથેની વાતચીત પરથી જાણવા મળ્યું કે તે દિવસે ભાવનગરમાં સવારથી બપોર સુધી વીજકાપ હતો. એટલે જયંતભાઈ કમ્પ્યૂટર પર કશુંક કામ કરતા હોય એ સંભવિત નથી. શક્ય છે કે તે બીજા કોઈ કામ માટે તે ખુરશી પર બેઠા હોય. પરંતુ તે જરાય ઢળી પડ્યા ન હતા. તેમના બંને હાથ ખુરશીના હાથા પર હતા. ચહેરા પર પ્રસ્વેદ કે પીડાનાં કોઈ ચિહ્ન ન હતાં.) 

જયંત મેઘાણી/Jayant Meghani  (૧૦-૦૮-૧૯૩૮, ૦૪-૧૨-૨૦૨૦)
જયંતભાઈ જે રીતે કમ્પ્યુટર સાથે સહેલાઈથી કામ પાડતા હતા, એ જોવાની બહુ મઝા આવતી. થોડાં વર્ષ પહેલાં સુધી ભાવનગરમાં 'પ્રસાર' પર તેમને મળવા જઈએ ત્યારે એક તંતોતંત પુસ્તકપ્રેમીનો અડ્ડો કેવો હોઈ શકે તે સમજાતું. બહારનું કાઉન્ટર અને પેસેજ પાર કર્યા પછી, તેમના પુત્રો સાથે હાય-હેલો કર્યા પછી, અંદર જતાં તેમની નાનકડી ઓફિસ આવે. પાછળ નાનકડું એસી, કમ્પ્યુટર અને ચોતરફ પુસ્તકો-ચિત્રો વચ્ચે જયંતભાઈ બેઠા હોય. ત્યાં હોવાની જ મઝા આવી જાય--વાતોની અને સોબતની તો અલગ.
જયંત મેઘાણી, તેમની 'પ્રસાર'ની ઑફિસમાં
જયંતભાઈ સાથે પરિચય પ્રમાણમાં ઘણો મોડો થયો. સંજય ભાવે પાસેથી તેમના વિશે વાંચવા-સાંભળવા મળતું. પણ જયંતભાઈ રહે ભાવનગર ને મારે સૌરાષ્ટ્ર તરફ ભાગ્યે જ જવાનું થાય. એ આ તરફ કોઈ કાર્યક્રમમાં આવ્યા હોય તો તેમને જોવા-સાંભળવાનું કે અલપઝલપ મળવાનું થાય. મહેન્દ્રભાઈ (મેઘાણી) સાથેના જૂના પરિચય પછી અનૌપચારિક દોસ્તી જેવો સંબંધ નાનકભાઈ મેઘાણી સાથે થયો. વર્ષ ૨૦૦૯માં વિનોદ મેઘાણીનું અવસાન થયું ત્યારે સંજય ભાવે-સૌમ્ય જોશી અને બીજા કેટલાક પ્રેમીઓએ તેમને યાદ કરવા માટે સ્મૃતિસભા રાખી હતી. તેમાં જયંતભાઈ આવ્યા હતા. (સ્મૃતિસભાનો અહેવાલ)
વિનોદ મેઘાણીની સ્મૃતિસભાઃ આગળની હરોળમાં ઇલાબહેન ભટ્ટ, તેમની પાછળ થોડો ઢંકાયેલો ચહેરો નાનકભાઈ મેઘાણીનો છે. પાછળ જયંતભાઈ અને મંજરીબહેન મેઘાણી,૨૦૦૯
સૂચિ વિશેના સેમિનારમાં બોલતા જયંત મેઘાણી, ૨૦૦૯
આગલા દિવસે સાહિત્ય પરિષદમાં સૂચિઓ વિશેના સેમિનારમાં જયંતભાઈ હાજર રહીને બોલ્યા હતા. ભાવનગર 'ગાંધીસ્મૃતિ'માં તેમણે લાયબ્રેરિયન  તરીકે જે સક્રિય રસથી સેવાઓ આપી હતી, તેના દાખલા દેવાતા હતા. પણ જયંતભાઈ પોતે જાહેરમાં બોલવાનું ઓછું પસંદ કરતા અને બને ત્યાં સુધી ટાળતા. આ વર્ષના આરંભે મહેન્દ્રભાઈ (મેઘાણી)ની દીર્ઘ મુલાકાતના પ્રાગટ્ય નિમિત્તે અમે ભાવનગર જવાના હતા. મિત્ર-પત્રકાર શૈલી ભટ્ટની એવી ઇચ્છા હતી કે મહેન્દ્રભાઈના વિડીયો ડોક્યુમેન્ટેશન માટે તેમનો ઇન્ટરવ્યૂ કરી લેવો અને તેમની સાથે વાતચીત મારે કરવી.તે સંદર્ભે જયંતભાઈ સાથે પણ વાતચીત કરવી જોઈએ, એમ મેં સૂચવ્યું અને જયંતભાઈને એ વિશે લખ્યું. ત્યારે તેમનો જવાબ હતો,

"ભાઈ, રાહ જ જોઉં છું. પણ હું જે માટે જરાય કામનો નહિ એમાં મને ક્યાં નાખો? અનુભવે કહું છું, 'ફ્લોપ શો' રહેવા દ્યો. દીપકભાઇ હોય એ પછી બીજાની શી જરૂર? તમે આવો. ફ્લેટનો ઉપયોગ થઈ જ શકે. રાતવાસાની સગવડ પણ છે. શૈલીબહેન સાથે એકવાર ફોન પર પરિચય થયો છે." (જાન્યુઆરી ૨૩,૨૦૦૦). પણ તેમને આગ્રહ કરાય એટલી નિકટતા-દોસ્તી તેમની સાથે થઈ હતી. તે નાતે તેમને કહ્યું, એટલે તેમનો ચાર શબ્દોનો વળતો મેઇલ આવ્યો, "ભલે, મારું પારખું કરો!"

પરંતુ એક વાર વાતચીત શરૂ થયા પછી કૅમેરાની સભાનતા જતી રહી અને તે એવા ખીલ્યા હતા કે એકાદ કલાકની વાત થયા પછી તેમને પણ લાગ્યું કે હજુ આગળ ચાલ્યું હોત તો વાંધો ન હતો. અમારી પાસે સમયનાં બંધનો હતાં. છતાં તે રેકોર્ડિંગ સરસ રીતે થઈ શક્યું તેનો સંતોષ થયો. એ સવારે પુસ્તકનો સીધોસાદો કાર્યક્રમ પૂરો થયા પછી જમતી વખતે મહેન્દ્રભાઈ જે રીતે જયંતભાઈને આગ્રહ કરીને પીરસાવતા હતા, તે જોઈને મઝા આવતી હતી.

જયંત મેઘાણી-મહેન્દ્ર મેઘાણી,જાન્યુઆરી ૨૦૨૦
જયંતભાઈ સાથેનો પરિચય દોસ્તી કહી શકાય એવા સંબંધમાં પરિણમ્યો તેના માટે બે મિત્રોનો ખાસ આભારઃ દીપક સોલિયા અને મહેન્દ્રસિંહ પરમાર. દીપકનાં મમ્મી-પપ્પા ભાવનગર રહે. એટલે તેમને અવારનવાર ભાવનગર જવાનું થાય. એટલે ઘણી વાર હું પણ એકાદ રાત માટે ભાવનગર ઉપડું. મહેન્દ્રસિંહ પરમાર અત્યંત પ્રેમી મિત્ર. તે, દીપક અને હું--અમે જયંતભાઈને ત્યાં મળીએ. પછી ક્યાંક બહાર ફરવા અને જમવા જઈએ. અમારી સાથે ક્યારેક સુભાષભાઈ ભટ્ટ કે વિક્રમભાઈ ભટ્ટ હોય. ક્યાંક દૂરના સ્થળે જઈએ, થોડું ચાલીએ, એક વાર કોળિયાક બીચ પર ગયા હતા. આ બધી મહેફિલોમાં અનૌપચારિક ઢબે અવનવી વાતો થતી હોય. સાથે એક પ્રખર જાણકાર વડીલ પણ છે, એવો ભાર જયંતભાઈની હાજરીથી ન લાગે. તે પણ અમારી સાથે મસ્તી-મઝા કરતા હોય, ખડખડાટ હસતા હોય.

(ડાબેથી) દીપક સોલિયા, જયંત મેઘાણી, મહેન્દ્રસિંહ પરમાર,ભાવનગર

મહેન્દ્રસિંહ પરમાર, સુભાષભાઈ ભટ્ટ, દીપક સોલિયા, જયંતભાઈ મેઘાણી, કોળિયાક બીચ,
મહેન્દ્રભાઈના 'લોકમિલાપ'ની જેમ જયંતભાઈનું 'પ્રસાર' ભાવનગરનું સંસ્કારકેન્દ્ર ગણાય એવું ઠેકાણું હતું. જયંતભાઈનો પુસ્તકરસ એવો ભારે કે ચૂંટેલાં પુસ્તક મંગાવે, વાંચનારની પસંદગી જાણીને તેને બતાવે. તેમને હળવામળવાથી રુચિ પોસાવા ઉપરાંત ઘડાય અને ખીલે પણ ખરી. અમેરિકાની વિશ્વપ્રસિદ્ધ લાયબ્રેરી ઑફ કૉંગ્રેસના સંગ્રહ માટે ગુજરાતી પુસ્તકો પસંદ કરવાનું કામ તેમણે વચ્ચે નાનકડા બ્રેક સાથે ઘણાં વર્ષ સુધી કર્યું. 'પ્રસાર' પર તેમને અવનવા અભ્યાસીઓ-પુસ્તકપ્રેમીઓ મળવા આવે. અમે મળવા જઈએ ત્યારે તે ખાસ પ્રકારનું શરબત પોતે ટ્રેમાં લઈને આવે. અમને સંકોચ થાય, પણ તે તેમના પરિચિત હાસ્ય સાથે 'એમાં કશો વાંધો નહીં'ની મુદ્રામાં હોય. 'પ્રસાર' તેની મૂળ જગ્યાએથી સંકેલવાનું થયું, તેના છેલ્લા દિવસોમાં પણ અમે ભાવનગર ગયા હતા. એ વખતની આ યાદગીરી.
'પ્રસાર'ની છેલ્લી યાદગીરીઃ (ડાબેથી) મહેન્દ્રસિંહ પરમાર, ઉર્વીશ કોઠારી, વિક્રમભાઈ ભટ્ટ, જયંતભાઈ મેઘાણી, દીપક સોલિયા

'સાર્થક જલસો' શરૂ થયા પછી તેની પર જયંતભાઈ અત્યંત પ્રસન્ન રહેતા હતા. 'પ્રસાર'ના નોટિસ બોર્ડ પર 'સાર્થક જલસો' માટે 'જેનું એકેએક પાનું વાંચવું પડે એવું સામયિક' એવી નોંધ મુકતા. અમે તેમને 'જલસો'માં લખવા માટે આગ્રહ કરતા હતા, પણ તે 'જલસોના બરનું કંઈક સૂઝશે તો કહીશ' એવું કહેતા. ખાણીપીણી, તેનાં પુસ્તકો અને ફરવાનાં અવનવાં-અજાણ્યાં સ્થળોમાં તેમને પ્રચંડ રસ પડતો હતો. એ વિષયો વિશે વાત કરતી વખતે તેમના ચહેરા પર જુદી ચમક દેખાતી. તેમની વાતમાંથી અમે એવા એકાદ-બે વિષયો પણ સૂચવી જોયા. છેવટે 'લા મિઝરાબ્લ'ની પ્રકાશનકથા તેમણે 'જલસો' માટે લખી. 

ગયા વર્ષે અમારા બંનેના નિકટના મિત્ર હસિત મહેતા પાસેથી જાણવા મળ્યું કે જયંતભાઈ પાસે વિશ્વવિખ્યાત હાસ્યનવલ 'ડોન ક્વિકઝોટ'ની જૂની આવૃત્તિ વિશેની કંઈક સરસ વાત છે. મેં તેમને મેઇલ લખ્યો. તેનો જયંતભાઈએ આપેલો જવાબ તેમની ભાષાની પ્રાસાદિકતા, લખાણના પ્રવાહ અને તેમાં રહેલા ભાવ-ઉમળકાના નમૂના લેખે અહીં આખો મુકું છું. 

પ્રિય ઉર્વીશભાઇ,
આપણને રોમાંચ થાય એવી ઘટનામાળા હમણા ચાલી રહી છે! રૂબરૂ કહેવા રાખી હતી.
દ્રેગોમીર દીમીત્રોવ (સ્લોવાક નામ) નામે જર્મન અભ્યાસી 1888 આસપાસ મુંબઈથી પ્રકાશિત 'ડોન ક્વીઝોટ' નામે ગુજરાતી અનુવાદની શોધમાં છે તેની જાણ સાવ અકસ્માત્‌ થઈ. જહાંંગીર કરાણી નામે મુદ્ર્ક-વિક્રેતા-પ્રકાશકે બહાર પાડેલું 753 પાનાંંનું થોથું એમના પરમ રસનો વિષય બની ગયું હતું. એમને આ ગ્રંથ ક્યાંયથી નહોતો મળતો. પશ્ચિમની લાઇબ્રેરીઓના કૅટલોગ ફેંદી વળ્યા, મુંબઇમાં જ્યાં હોવાની સંભાવના હોય એ બધી જગ્યાઓ તપાસી વળેલા. અને, બન્યું એવું કે મારે એમને લખવાનું આવ્યું કે 'આ પુસ્તક તો મારી પાસે છે'! અને એ ભાઇના રોમાંચનો પાર નહીં. કહે, કદાચ દુનિયામાં જળવાયેલી એક જ નકલ તમારી પાસે છે! મેં થોડાં જૂનાં પુસ્તકો સસ્તામાં મળે ત્યારે વસાવેલાં એમાં આ હતું. અનુવાદક્નું નામ નહીં, પ્રકાશન-સાલ નહીં. પણ સુંદર છાપકામ, 128 તો રેખાંકનો. જર્મનીની માર્બુર્ગ યુનિવર્સિટીમાં ઇંડોલૉજી અને તિબેટોલોજીના પ્રોફેસર આ મિત્ર ગુજરાતી સુધ્ધાં ભારતીય ભાષાઓ જાણે છે, નેપાલના પણ નિષ્ણાત, નેપાલીય જાણે! જુઓ તો ખરા, મારા વાલીડાને આ ગુજરાતી થોથું યથાવત્‌ પણ નવેસર કમ્પોઝ કરાવીને બહાર પાડવું છે! કહે, 'પણ આબેહૂબ એવું જ કમ્પોઝ કોણ કરી આપે?' મેં કહ્યું, કેમ ન કરી આપે, જાણણહાર અહીં જ બેઠો છે! ને અમારા પત્રવ્યવહારમાં અપૂર્વભાઇ પણ જોડાયા; એ એના જોડીદાર હોય તેમ એમણે તો રાતોરાત એક પાનું આબેહૂબ એવું જ તૈયાર કરીને મોકલ્યું! પેલો ભાઇ તો રાજીનો રેડ! ન માની શકાય એવા ચમત્કાર થવા લાગેલા જાણે.  આ પુસ્તક વિશે દીપક મહેતાએ લખેલા બે લેખ મેં એને મોકલ્યા, એમ કહીને કે  કોઇ ગુજરાતી જાણનાર હોય તો તમને તરજુમો કરી દેશે, નહીં તો મને કહેજો, સાર લખી મોકલીશ. અરે, હોય, ગુજરાતી એવું જાણે કે લેખના સૂક્ષ્મ મુદ્દાઓ પકડીને ચર્ચા કરે, પ્રતિવાદ પણ કરે. અને અમારી વિમર્શ-મંડળીમાંં દીપકભાઇ પણ જોડાયા.  ટાંકણે ભારત આવ્યા છે, આ બે દિવસ મંંબઈ છે. મિત્રભાવે ભીનો યુવાન લાગે છે. અમદાવાદની મુલાકાત સમયને અભાવે ફરી આવે ત્યાર પર રાખી છે. આ બાજુ અપૂર્વભાઇએ 753 પાનાંં 'સ્કૅન' કરવા માટે મોંઘું 'પોર્ટેબલ' સ્કૅનર વસાવી લીધું! એ ગ્રંથમણિ અત્યારે નવજીવનમાં છે.
સમજે એવા મિત્રોને આ ઘટનાની વાત હોંશે કરું. 'જલસો'ના બરની વાત જરૂર થઇ શકે. વધુ તમે આવો ત્યારે. (ફેબ્રુઆરી ૨૬,૨૦૧૯)

જયંતભાઈની ભાષાની માફક તેમની સૌંદર્યદૃષ્ટિ પણ અત્યંત ઉમદા અને ભારે કળાત્મક હતી. તેમના નવા ફ્લેટમાં જ્યારે જવાનું થાય ત્યારે હું હંમેશાં કહેતો કે 'કોઈ પુસ્તકોની આર્ટ ગૅલેરીમાં આવી ગયા હોઈએ એવું લાગે છે.' કળાકૃતિઓ ઉપરાંત કેટલાંક મોટાં કદનાં કે નાનાં પુસ્તકોને પણ તે કળાકૃતિની જેમ રાખતા હતા. તેમની એ જ દૃષ્ટિ તેમના ગયા વર્ષે પ્રગટ થયેલા ચાર અનુવાદોના લે-આઉટ-ડીઝાઇનમાં પણ જોવા મળી હતી. 'ગુર્જર' દ્વારા પ્રકાશિત એ તમામ પુસ્તકો રવીન્દ્રનાથની કૃતિઓના અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ હતાઃ રવીન્દ્ર પત્ર-મધુ (રવીન્દ્રનાથના પત્રો), તણખલાં (રવીન્દ્રનાથની કબિતિકાઓ), સપ્તપર્ણી ('તણખલાં'નો બંધુ-સંગ્રહ, રવીન્દ્રનાથની કબિતિકાઓ), રવીન્દ્રસાન્નિધ્યે અને અનુકૃતિ (રવીન્દ્રનાથનાં ૫૧ કાવ્યો). એ પુસ્તકોની ટાઇપોગ્રાફી, તેનો લે-આઉટ, સ્પેસિંગ, વચ્ચે વચ્ચે ચિત્રોનો વિવેકપૂર્વકનો ઉપયોગ..આ બધું જોઈને મેં ફેસબુક પર પરમ મિત્ર અને ઉત્તમ કળાકાર અપૂર્વ આશરને અભિનંદન આપ્યાં. ત્યારે તેમણે કહ્યું કે આ બધો જશ જયંતભાઈનો છે. મોટાં પુસ્તકો ઉપરાંત ચુનંદા અવતરણોની પુસ્તિકા 'વિચારોની વસંત'ની કળાત્મકતા પણ એવી કે પુસ્તક પડ્યું હોય તો તરત ઉપાડીને પાનાં ફેરવવાનું મન થાય. પુસ્તકો ઉપરાંત પ્રસારનાં બુકમાર્ક કે મહાન ચિત્રકારોનાં પુસ્તક-વિષયક ચિત્રોનાં પોસ્ટકાર્ડ કે પછી સરનામું કરવા માટેની પટ્ટી--એ દરેકમાં જયંતભાઈની કળાસૂઝ જણાયા વિના ન રહે.


ગાંધીવિદ્વાન દક્ષાબહેન પટ્ટણીનાં પુસ્તકોના નવેસરથી થતા પ્રાગટ્યની આગળ ભૂમિકા જેવું કંઈક લખી આપવાનો જયંતભાઈનો ભારે આગ્રહ હતો. દક્ષાબહેનની સરખામણીમાં મારો ગાંધીજી વિશેનો અભ્યાસ ઘણો ઓછો. એટલે અત્યંત આનાકાની પછી, તેમના આગ્રહને વશ થઈને  છેવટે ગાંધીપ્રેમી-વિદ્યાર્થીની ભૂમિકાએ લખી આપવાનું સ્વીકાર્યું. એ માટે તેમણે આશ્રમના સરનામે મોકલેલાં દક્ષાબહેનનાં પુસ્તકોની ઉપર સરનામાનું કાર્ડ પણ સાચવી રાખવું ગમે એવું હતું.

શબ્દ અને કળા જેટલો જ અનુરાગ તેમને ભોજન પ્રત્યે હતો. તે ઘણા પ્રયોગશીલ હતા. એક વાર તેમની મુલાકાત દરમિયાન તેમણે ઘરે બનાવેલું પીનટ બટર ઘરે લઈ જવા માટે પૅક કરીને આપ્યું હતું. નવા ફ્લેટ પર તે ચા બનાવતા હતા ત્યારે તેમનો ફોટો મેં મારી 'ટી સિરીઝ' (વિશિષ્ટ વ્યક્તિઓ ચા બનાવતી હોય એવી તસવીરોની શ્રેણી) માટે પાડી લીધો હતો.

જયંતભાઈના ફ્લેટમાં પિતા-માતા ઝવેરચંદ અને ચિત્રાદેવીની આ તસવીર રહેતી હતી
ગયા વર્ષે ગાંધીજયંતિ નિમિત્તે હસિત મહેતાએ મહેન્દ્રભાઈ-જયંતભાઈને અમદાવાદથી નડિયાદ બોલાવ્યા. પહેલાં મહિલા આર્ટ્સ કોલેજ અને સાંજે તેમના ઘરે મિત્રોની મહેફિલ રાખી. તેમાં નેવું વટાવી ગયેલા બે જણ હતાઃ મહેન્દ્ર મેઘાણી અને કુલીનચંદ્ર યાજ્ઞિક. સાથે જયંતભાઈ પણ હતા. અલકમલકની વાતો થઈ અને આખો દિવસ યાદગાર બની ગયો. તેની કેટલીક સ્મૃતિઓ
વ્હીલચેરમાં મહેન્દ્ર મેઘાણીને લઇને ચાલતા જયંત મેઘાણી, સાથે હસિત મહેતા, નડિયાદ, ૨૦૧૯
નડિયાદની મહિલા આર્ટ્સ કોલેજ અને પત્રકારત્વની કોલેજના વિદ્યાર્થીઓ સમક્ષ વાત કરતા જયંતભાઈ, પાછળ મહેન્દ્ર મેઘાણી, હસિત મહેતા, નડિયાદ, ૨૦૧૦
હસિત મહેતાના ઘરે મહેન્દ્ર મેઘાણી, જયંત મેઘાણી, નડિયાદ ,૨૦૧૯
હસિત મહેતાના ઘરે મહેન્દ્ર મેઘાણી, કુલીનચંદ્ર યાજ્ઞિક, જયંત મેઘાણી, નડિયાદ ,૨૦૧૯
હસિત મહેતાના ઘરેથી બહાર નીકળતી વખતે નીચા નમીને મહેન્દ્રભાઈના પગમાં બુટ પહેરાવતા જયંતભાઈની વિશિષ્ટ તસવીર, આગળ લિમિષા હસિત મહેતા

માર્ચ, ૨૦૨૦માં કોરોના ત્રાટક્યો ન હતો, ત્યારે તેમની પાસે લેખની ઉઘરાણી કરી. એટલે તેમનો જવાબઃ "ઊંંઘતા ઝડપાવું એટલે શું એ સમજાયું!  'હા, હા, લખીશ' એમ તે દિવસે કહી તો દીધેલું, પણ તમારી ઉઘરાણી આવીને ઊભી રહી ત્યારે ખ્યાલ આવ્યો કે કાળ મારો સગો થતો નથી કે થોભે!  હવે, એમ કરો, મુદત વધારી આપો : 3/5 એપ્રિલ?  હવે કમર કસુંં કારણ કે તમને ખબર નથી, લખવું એ મારા જેવા માટે કેવુ કઠિન.
મળવાનું ને? તમે કહો ત્યાં ને ત્યારે." (માર્ચ ૧૨, ૨૦૨૦)

છેલ્લે નવેમ્બરમાં આશિષ કક્કડે અણધારી આંચકાજનક વિદાય લીધી, ત્યારે જયંતભાઈનો એક અત્યંત ભાવસભર મેઇલ આવ્યો હતો. તે પણ એક વાર કક્કડના ઘરે થતી અમારી લંચકમિટીની મહેફિલમાં સામેલ થયા હતા. એ યાદ કરીને તેમણે જે લખ્યું હતું, તે જયંતભાઈની સંવેદનશીલતા, રસોઈપ્રેમ અને અભિવ્યક્તિને અંજલિ તરીકે અહીં મુકું છું. 

"દસેક વાગ્યે તો સામાન્ય રીતે ઢાળિયો થઇ જાય મારો, પણ કોણ જાણે અધરાતે આશિષ કક્કડ સાથે તમે મુલાકાત કરાવવા રોક્યો અને અત્યારે દોઢ થયો છે, ને તમારા અને આરતીનાં લખાણ વાંચ્યા પછી અજંપ મન તમારી પાસે ઠાલવું  એવી ઈચ્છાથી પથારી છોડીને કમ્પ્યૂટર પાસે આવ્યો છું. બાર પછી પ્રદીપ્ત થતી ક્ષુધાનો અનુભવ કરું તો છું, પણ થયું કેફ છે ત્યાં જ આ અક્ષરો પાડી લઉં. 

શું કહું? જેની વિદાયની ગ્લાનિ મન પર સવાર છે એ ભુલવાડી  દેતી વાતો તમે કરી -- એવી શૈલીમાં કરી --  તો પણ  હું ઈચ્છિત પણ ચૂકી જવાયેલા અતીતના ઝુરાપામાં સરી પડ્યો. જેની અતિ ઝંખના હોય તેનાથી વંચિત રહ્યાની તીવ્ર લાગણી થઇ એમ કહું તો એને અતિરેક ન ગણી લેતા.  એકવાર તમારી સોબતમાં એમને ઘેર હતો તો પણ પરિચય વધે તેના પ્રયાસ મે કેમ ન કર્યા તેનો ઘેરો અફસોસ છે.  એમણે પ્રબોધ્યું છે એવું સજ્જ રસોડું મેં સ્વપ્ન થકી સાકાર કર્યું છે, અને મને થાય છે કે 'ઓહો, એમના જેવા પેશનેટ રસોઈપ્રેમી કેમ ન થવાયું!'  તમને પણ રસ પડે એવા એક અમેરિકન રસોઈવીર વિષે એમને વાત કરત તો પણ એક સેતુ રચાઈ જાત!  ખેર, આશિષભાઈ જેવા એક અસાધારણ મિત્ર વિષે તમે કહેલી અને આરતીબહેને ક્થેલી વાતો વાંચીને થોડો દિલાસો મેળવું છું. લાગે છે કે એમને વિષે તમે અને આરતીએ આલેખેલી વાતો પણ એક લહાવો છે.
ગુડ નાઈટ!" (નવેમ્બર ૬, ૨૦૨૦)

પરંતુ જેમની સાથે જિંદગીનો આનંદસભર સમય વીતાવ્યો અને જેમણે પૂરું જીવન જીવીને, શાંતિપૂર્વક, આપણને ન ગમે, પણ તેમના માટે ઉત્તમ કહેવાય એવી રીતે વિદાય લીધી, તે વડીલ મિત્ર જયંતભાઈને વિદાય મારે ગમગીન થઈને નથી આપવી. એટલે આ પોસ્ટના છેલ્લા સ્મરણ તરીકે તો આ તસવીર જ રાખવી છે.

અમારા સંયુક્ત પરમ મિત્ર અપૂર્વ આશરની પહેલ 'ઇ-શબ્દ'ના આરંભ સમારંભ પછીઃ ઉર્વીશ કોઠારી, જયંત મેઘાણી, પ્રકાશ ન.શાહ, મનુભાઈ શાહ (ગુર્જર), પાછળ શિલ્પા દેસાઈ

Monday, November 09, 2020

ફાધર વાલેસ : 1925-2020

૯૫ વર્ષનું લાંબું આયુષ્ય ભોગવીને ફાધર વાલેસે તેમના વતન સ્પેનમાં વિદાય લીધી. તેમનો પહેલો પરિચય તો સેન્ટ મેરીઝ (નડિયાદ)માં ભણતા મિત્ર વિપુલ રાવલના શિક્ષક અને જાણીતા લેખક તરીકેનો. ફાધર ૨૦૦૯માં અને ૨૦૧૧માં ભારત-અમદાવાદ આવ્યા ત્યારે તેમના એકથી વધુ કાર્યક્રમો થયા, ઘણા લોકો તેમને મળી શક્યા અને  ત્યારે તેમનાં અંગ્રેજી પુસ્તક પણ પ્રગટ થયાં. ફાધરની એ બંને મુલાકાતો વિશે વિગતવાર, તસવીરો અને બે નાની વીડિયો ક્લિપ સાથે બ્લોગમાં લખ્યું હતું. ગુજરાત સમાચાર માટે તેમનો ઇન્ટરવ્યુ પણ કર્યો હતો. એ વાચનસામગ્રીની લિન્ક અહીં આપું છું. રસ ધરાવતા મિત્રોને આ તમામ લિન્કમાંથી ઘણી જોવા-વાંચવા-વિચારવાની સામગ્રી મળશે.

ફાધરના સન્માનના કાર્યક્રમની જાણકારી આપતો બ્લોગ. સપ્ટેમ્બર ૨૦૦૯ઃ  લિન્ક 

ફાધર વાલેસના અભિવાદન કાર્યક્રમનો અહેવાલ. સપ્ટેમ્બર, ૨૦૦૯ લિન્ક

ફાધર વાલેસઃ થોડી બીજી વાતો. ઓક્ટોબર, ૨૦૦૯ લિન્ક

ફાધર વાલેસ, બે વર્ષ પછી. નવેમ્બર, ૨૦૧૧ લિન્ક

ફાધર વાલેસ, ગુર્જર ધર્મસભાના કાર્યક્રમમાં. નવેમ્બર, ૨૦૧૧ લિન્ક

***

અને હવે થોડી તસવીરો.  

ફાધર વાલેસનો સામાન્ય પરિચય, તેમના જ શબ્દોમાં

ફાધર વાલેસના નામે જાણીતા થયા તે પહેલાંનું તેમનું પહેલું પુસ્તક (પ્રકાશકઃ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય)

અને એ પુસ્તકની અંદરનો તેમનો પરિચય
તેમની અત્યંત જાણીતી બનેલી શ્રેણી-કમ-પ્રયોગ વિહારયાત્રાનાં બે પુસ્તકો, જેમાં તે અમદાવાદમાં જુદા જુદા લોકોના ઘરે રહેવા જતા હતા અને તેના શુભ અનુભવો આલેખતા હતા.
૨૦૦૯માં ફાધર વાલેસની મુલાકાત, ફોટોઃ સંજય વૈદ્ય

ફાધર વાલેસ

મિત્ર રમેશ તન્નાએ ભેટ આપેલા ફાધર વાલેસના પુસ્તક Two Countries, One Life પર તેમના હસ્તાક્ષર, ફોટોઃ સંજય વૈદ્ય

ઉપરના ફોટોમાં જેનો થોડો હિસ્સો દેખાય છે તે આખું પાનું
ફાધર વાલેસે તેમના હસ્તાક્ષરમાં લખી આપેલું તેમનું સ્પેનનું સરનામું...જે હવે બદલાયું છે.

Thursday, November 05, 2020

આશિષ કક્કડ : સ્મરણ થઈ રહ્યા આપણે

(મથાળું : આશિષ કક્કડની ફિલ્મ ‘બૅટર હાફ’ના ગીત ‘આમ અચાનક’ની એક પંકિત, કવિઃ ચિરાગ ત્રિપાઠી)

દરવાજો ખોલીને નાનકડા કમ્પાઉન્ડમાં પ્રવેશીએ એટલે, રોડના સતત લેયરિંગને કારણે કમ્પાઉન્ડ રોડથી નીચું જતું રહ્યું છે એનો ખ્યાલ આવે અને બગીચો હર્યોભર્યો હોવા છતાં આયોજનબદ્ધ નથી—એવો ખ્યાલ આવે. કમ્પાઉન્ડમાં જમણા છેડે સ્ટેન્ડવાળો, શાંતિથી બે ને જરા ગોઠવાઈને ત્રણ જણ બેસી શકે એવો હિંચકો. કમ્પાઉન્ડનું થોડાં ડગલાં ચાલીને દરવાજે બેલ મારીએ, તો ખબર ન પડે કે અંદર બેલ વાગ્યો કે નહીં. દરવાજો ખટખટાવીએ, એટલે અંદરથી આશિષ કક્કડનો રણકાદાર અવાજ આવે, ‘એ આવો…આવો.’ પછી બોલાય, ‘ખુલ્લું જ છે...કે હું ભૂલી ગયો ખોલવાનું? એક મિનીટ...’  

ઘણી વાર ધક્કો મારતાં દરવાજો ખુલી જાય અને આવે આછી રોશની ધરાવતો ડ્રોઇંગ  રૂમ. ડાબી ભીંત પર આશિષભાઈનાં મમ્મી-પપ્પાનો કલર કરેલો ફોટો, જમણી તરફ કાટખૂણે ગોઠવાયેલી બે, સહેજ ઊંચી બેઠકો. બંનેની પાછળ બારી ને બારી ઉપર પડદા, જેનાથી રૂમમાં આછું અંધારું પથરાતું હોય. સામે થોડે દૂર, એક લાંબા, આડા શો-કેસની ઉપર મોટું સ્માર્ટ ટીવી, તેની પાસે અને ભીંત પરની શેલ્ફમાં કેટલાક અવોર્ડ-ટ્રોફી,શો-કેસની આગળ ઘણી વાર એક સાઇકલ હોય, ટીવીની પાછળ થોડે દૂર ઉપરના માળે જવાનો દાદર, રૂમમાં એક નાની, નીચી બેઠકવાળી જાળીદાર ખુરશી, એક બીન બેગ અને એક લાંબી ટીપોઇ, જેની ઉપર તેમ જ નીચેના ખાનામાં જાતજાતની ચીજવસ્તુઓ, વણખોલાયેલી ટપાલો, મેગેઝીન ને કંઈક કાગળીયાં અસ્તવ્યસ્ત પડ્યાં હોય. ઉપરાંત એશ ટ્રે્, ક્યારેક મુખવાસની બોટલ અને પાણીની બોટલ પણ હોય..

રૂમમાં આગળ જતાં ડાબી તરફ ડાઇનિંગ ટેબલ અને રસોડું. ડાઇનિંગનું અડધું ટેબલ તો જાતજાતની ચીજવસ્તુઓથી ઉભરાતું હોય. ડાઇનિંગ ટેબલ પૂરું થાય એટલે તેના જમણા છેડે એક દરવાજો, જે કમ્પાઉન્ડમાં પડે. તે ખુલ્લો હોય ત્યારે ત્યાંથી અજવાળું આવતું હોય. ડાઇનિંગ ટેબલની બરાબર પાછળ વૉશ બેસિન અને થોડે દૂર બાથરૂમ.

બપોરે અમારી લંચ કમિટીના ડબ્બા પાર્ટીના સમયે આશિષ કક્કડના ઘરમાં દાખલ થઈએ ત્યારે આવું કંઈક દૃશ્ય હોય. ઘણી વાર આશિષભાઈ રસોડામાં ભજિયાં તળતા હોય કે હાંડવાનો કે વેજિટેબલ ખીચડીનો વહીવટ કરતા હોય કે પુલાવ કે એવું બીજું કંઈ બનાવતા હોય. ઘણી વાર તેમના લૅપટોપ પર કશુંક લખતા કે જોતા હોય, તો ક્યારેક ટીવી જોતા હોય. છેલ્લાં ઘણાં વર્ષથી એવો ક્રમ થયો હતો કે ત્યાં જમવાનું અને ગપ્પાંગોષ્ઠિ માટે બેસવાનું સાથે જ હોય. હું મારું સાડા ચાર ડબ્બાનું મજબૂત ટિફીન લઈને ગયો હોઉં. પહોંચું એટલે અમે થોડી વાર બેસીએ. આમતેમ વાતો કરીએ. એ રસોડામાં હોય તો હું ત્યાં જઉં. થોડી વારમાં ઝાંપો ખખડવાનો અવાજ આવે અને અમે કહીએ ‘આરતી’.

આરતી નાયર તેનું ટુ વ્હીલર લઈને આવી હોય. ઝાંપો ખોલીને ટુ વ્હીલર અંદર મૂકીને તે અંદર આવે. ઘણી વાર હું પહોંચું ત્યારે એ ત્યાં હાજર જ હોય. બહારથી આવી હોય તો તેનું પર્સ વગેરે બહાર બેઠક પર મુકીને રસોડામાં આવે ને પૂછે, ‘શું કરો છો એબી?’ (આશિષભાઈને તે ‘એબી’ તરીકે બોલાવતી હતી.). આશિષભાઈ રાંધવામાં કશુંક વધારે ચઢી ગયું કે મસાલામાં કશોક લોચો થયો કે એવી કશી વાત કરે અને તેને સરખું કરવાનો રસ્તો પણ તેમણે કાઢી લીધો હોય. મૌલિક રીતે અને વિચારપૂર્વક રાંધવામાં આશિષભાઈ ભારે કુશળ હતા. કયા સ્વાદની સાથે શું જાય, તેનો બરાબર વિચાર કરે, લૉજિક લડાવે અને આરોગ્યનો પણ વિચાર કરે. શેકેલાં ભજિયાંથી માંડીને તેમની બનાવેલી બીજી અનેક વાનગીઓ વિશે ફેસબુક પર પણ શોખીનો ચર્ચા કરતા. (ફેસબુક પરની તેમની બીજી હિટ સિરીઝ એટલે My_City_Mornings હેશટેગ સાથે તેમણે મૂકેલી સવારની તસવીરો અને ત્રીજી ચીજ તે ‘આશિયાસ્પદ’ હેશટેગ સાથે આવતી વિશિષ્ટ રમુજો.)

Ashish Kakkad / આશિષ કક્કડ (ફોટોઃ શૈલી ભટ્ટ)
આરતી, આશિષભાઈ અને હું બેઠાં હોઈએ ને આશિષભાઈના ફોનની રીંગ વાગે. એ મારી સામે જોઈને કહે, ‘બિનીતભાઈ.’
એ ફોન ઉપાડે ને મને પૂછે, ‘કશું લાવવાનું છે? બિનીતભાઈ પૂછે છે.’
પછી તેમણે શું બનાવ્યું છે, તેના આધારે ને ઇચ્છા પ્રમાણે ક્યારેક ખમણ કે એવું કંઈક લાવવા કહીએ ને ઘણી વાર ‘તમે ફટાફટ આવી જાવ. રાહ જોઈએ છીએ.’ કહીને તે ફોન મુકી દે.

બિનીત મોદી પહોંચે તે પહેલાં ઋતુલ જોષી આવે. ત્રણ જણ ભેગા થયા પછી જે આવે તે સૌનું થોડા હર્ષનાદથી સ્વાગત થાય. ઋતુલને વચ્ચેની બેઠકોમાં ખાડો પડ્યો હોય, મળ્યે વખત થયો હોય. એ મતલબની થોડી વાત થાય, ત્યાં બિનીત મોદી માથે હેલ્મેટ અને હાથમાં વિવિધ પાકીટો- કોથળીઓ સાથે દાખલ થાય. દરમિયાન નિશા પરીખ ચૂપચાપ આવીને, ‘હા..ય’ કહીને, બેસી ગઈ હોય. તેની સામેલગીરી પૂરેપૂરી, પણ હાજરી બહુ વરતાય નહીં. અમુક સમયગાળામાં કેતકી જોશી ઘરે હોય. ‘ભાવેસાહેબ બાકી રહ્યા’ એવું કોઈ બોલે. તે આવી શકવાના હોય તો વેળાસર આવી ગયા હોય. પણ ક્યારેક જાહેરાત થાય, ‘ભાવેસાહેબ આજે આવશે ખરા, જમવામાં નહીં જોડાય.’ થોડી વાર પછી સંજય ભાવે, ઘણી વાર મીઠાઈના પેકેટ સાથે આવે. હર્ષનાદોથી તેમનું અને મીઠાઈનું સ્વાગત થાય. આ મંડળીમાં ક્યારેક શારીક લાલીવાલા, ક્યારેક શૈલી ભટ્ટ, ઉષ્મા શાહ, ક્યારેક અનુષ્કા જોશી જેવાં મિત્રો જોડાય.

પછી ‘બહુ ભૂખ લાગી છે’ કહેતાં બધા જમવાના ટેબલ પર ગોઠવાય. ટિફીનો ખુલે. ઋતુલ ઘણી વાર જમીને આવે કે બિનીત મોદીનું ટિફીન ન હોય..એવું બધું થાય. મારા ટિફીનના ડબ્બા ફરતા થાય અને વચ્ચે આશિષભાઈએ બનાવેલી મુખ્ય વાનગી પડી હોય—મોટે ભાગે જરૂર કરતાં વધારે જથ્થામાં. આ મિટિંગના આગલા દિવસે મેં સંદેશો મોકલ્યો હોય, Lunch meeting at Kakkad’s. --day. 1 pm onwards. Pl confirm your presence to Ashishbhai. છતાં ઘણી વાર આશિષભાઈને અંદાજ ન હોય કે કોણ કેટલું જમશે અથવા કોણ ટિફીન લાવશે કે નહીં.

જમતાં જમતાં દુનિયાભરની ગંભીર-અગંભીર, તાત્ત્વિક-બિનતાત્ત્વિક ચર્ચાઓ થાય, સાથે જમવાનો દૌર ચાલતો જાય. છેલ્લે મારા ડબ્બામાં ઘરની બનાવેલી ખજૂર-અંજીરની મીઠાઈ કે એવું કશું હોય તે બધા એક-એક ખાય. પણ ત્યાં સુધીમાં આશિષભાઈ એક-બે વાર બોલી ચૂક્યા હોય, ‘સખ્ખત ઓવરઇટિંગ થઈ ગયું. બસ, હવે નહીં...’ પછી એક તબક્કે તે ‘હવે મારે ઉભા થઈ જવું પડશે...’ એવું કંઈક કહીને ખુરશી પરથી ઉઠી જાય. ‘ઓવરઇટિંગ થઈ ગયું’ એ તેમનો કાયમી સંવાદ. જોકે, મને હંમેશાં એવું લાગતું કે ઓવરઇટિંગથી બચવા માટે તેમણે યોજેલો એ નુસ્ખો હશે.

જમ્યા પછી બેઠકરૂમમાં જઈને બધા પોતપોતાની પ્રિય મુદ્રાઓમાં કે જગ્યાએ ગોઠવાય. આશિષભાઈ ‘હું વ્યસન કરીને આવું’ એમ કહીને સિગરેટ-બ્રેક માટે રૂમના સામા છેડાના દાદર પર જાય. થોડો વખત તેમણે ઇ-સિગરેટ પણ અજમાવી જોઈ હતી. ‘વ્યસન’ પતાવીને તે મંડળીમાં જોડાઈ જાય. દેશદુનિયાની, ફિલ્મોની-કળાની-રાજકારણની ને વિવિધ પાત્રોની વાતો ચાલતી રહે. ઘણી વાર ત્યાં જ પાંચ-સાડા પાંચ થઈ જાય. બપોરના સાડા બાર-એકે ત્યાં પહોંચ્યા પછી, ઑફિસે જવાનું માંડવાળ કરીને ત્યાંથી જ મણિનગર સ્ટેશનનો રસ્તો લીધો હોય એવા દાખલા છે. બીજા લોકો પોતપોતાની અનુકૂળતા પ્રમાણે બેસે. વાતોનો દૌર એવો ચાલતો હોય કે ચા પણ યાદ ન આવે.
આરતી એક વર્ષ માટે બ્રિટન જવાની હતી ત્યાર પહેલાંની કમિટી બેઠકઃ બિનીત મોદી, સંજય ભાવે, આરતી નાયર અને ઋતુલ જોષી
એટલે, ગયા મહિને અમે (છેલ્લી વાર) મળ્યા, ત્યારે તેમણે ચા યાદ કરી. લગ્ન પછી મુંબઈ સ્થાયી થયેલી આરતી અમદાવાદ આવી હતી, એ નિમિત્તે અમે મળ્યાં હતાં. જમ્યા પછી આશિષભાઈ કહે, ‘આપણે યાર દરેક વખતે ચા ભૂલી જઈએ છીએ. તમે લોકો જાવ પછી મને યાદ આવે છે ને દૂધ બહુ બધું વધે છે.’ એટલે તે દિવસે બપોરે જમીને બેઠાં પછી થોડી વાર રહીને ચા પણ પીધી. લૉક ડાઉનમાં ફોન પર વાત થતી હતી, પણ ત્યાર પછી મળવાનું પહેલી વાર થયું હતું. એ ‘સાર્થક જલસો’ માટે લેખ લખતા હતા. તેની શરૂઆત તેમણે કરી દીધી હતી. કહે, ‘જેટલું લખાયું છે એટલું વાંચી લો, તો આગળ વધવાનો ખ્યાલ આવે.’ લખતી વખતે એ હંમેશાં ‘મારું કામ નહીં’—એવી મુદ્રામાં હોય. લેખની શરૂઆત મેં વાંચી. મને ગમી. એકાદ સૂચન કર્યું ને કહ્યું કે ‘તમે શરૂ કર્યો છે તો લખી જ  કાઢો. ‘જલસો’ના આ અંક સુધીમાં ન પતે તો આવતા અંકમાં લઈશું.’

એ પ્રમાણે તેમણે કામ આગળ વધાર્યું. ઓક્ટોબર ૧૫,૨૦૨૦નો તેમનો ઇ-મેઇલ છે. તેમાં તેમણે આશરે ૧,૯૦૦ શબ્દો લખીને મોકલ્યા હતા. તેમાં શરૂઆતમાં સળંગસૂત્ર લેખ પછી અમુક કાચા, છૂટાછવાયા મુદ્દા પણ હતા, જે લેખમાં આવરી લેવાનો તેમનો ખ્યાલ હતો. મેં વાંચીને તેમને એકાદ કલાકમાં જવાબ લખ્યો, ‘વાહ. એકદમ મારા મનમાં હતું એવી જ રીતે જઈ રહ્યું છે. પાછળના મુદ્દા ડેવલપ થશે એટલે ફરી વાંચીશ. પણ જ્યાં સુધીનું સળંગ લખાયું છે એ તો એકદમ સરસ છે... ટૂંકમાં, આગે બઢો. હમ તુમ્હારે સાથ હૈ :-)’

તેમનો ખડખડાટ હાસ્યવાળા ઇ-મોજી સાથેનો જવાબ આવ્યો, ‘થેન્ક યુ’ અને મને તેમના અવાજમાં-તેમના અંદાજમાં ‘થેન્ક યુ. થેન્ક યુ’ સંભળાયું. અંગત માણસોને ‘થેન્ક યુ’ અને ‘સૉરી’ ન કહેવાય, એવા પ્રચલિત મતના તે બહુ વિરોધી હતા. ઘણા વખત પહેલાં તેમણે એ મતલબનું કહ્યું હતું, ‘થેન્ક યુ ને સૉરી તો સભ્યતા છે. અંગત માણસો જોડે સભ્યતાથી નહીં વર્તવાનું, એવું થોડું હોય?’ મને તેમનો મુદ્દો ચોંટી ગયો હતો. અંગત માણસો સાથે ઔપચારિકતા ન થાય, પણ સભ્યતા કેમ નહીં?

‘સાર્થક જલસો’ માટેના તેમના અધૂરા રહેલા લેખનો વિષય હતોઃ ફિલ્મોના રીવ્યુ. જે પ્રકારે ફિલ્મોના રીવ્યુ લખવાની પ્રવૃત્તિ ચાલી (કે હાલી) નીકળી છે, તેની પશ્ચાદભૂમાં તે રીવ્યુની સાચી ભૂમિકા અને રીત વિશે લખવા ઇચ્છતા હતા. અધૂરા લેખના છેડે, લગભગ તો ઇન્ટ્રો તરીકે રાખેલો ફકરો એવો સરસ હતો કે વાંચીને મને થયું, આમાં કશા ફેરફારની જરૂર નથી. તેમનો અધૂરો રહેલો લેખ તો સાર્થક જલસો-૧૫માં (મે, ૨૦૨૧માં) યથાયોગ્ય રીતે આવશે. પણ તેનો ઇન્ટ્રો અહીં આપવાની છૂટ લઉ છું:
  

જીવનના ગણિતમાં એક વત્તા એક બે થાય એવું સાદુ સમીકરણ નથી હોતું. આ લખાણ પણ ફિલ્મ વિવેચનની વ્યાખ્યા નથી. અને અપવાદો પણ બધે જ હોય છે. માનો ને, કહેવાનો મુદ્દો સહેલાઇથી કહી શકાય એ માટે આ લખાણ ‘ફિલ્મ વિવેચન’ નામના એક ‘પાત્ર’ના જીવનની ઉપર લખાયેલી કથા-પટકથા છે.
 

‘સાર્થક જલસો’માં સૌથી વધુ લેખો લખનારા લેખકોમાં તેમનો સમાવેશ થતો હતો. તેમણે અત્યાર સુધીમાં છ લેખ લખ્યા અને તે બધાના વિષય એકબીજાથી સાવ જુદા હતા. પહેલા અંકમાં તેમણે ‘બેટર હાફ’ની સર્જનપ્રક્રિયા વિશે અને ફિલ્મનિર્માણની સમજ વિશે બહુ સરસ અને અનોખો લેખ લખ્યો. પછી એક વાર તેમના રસોઈના પ્રયોગો વિશે, એક વાર જુદી જુદી પ્રકારની ચા વિશે, એક વાર ગંભીર સંદેશ આપતી નાનકડી રમુજો (જેનું તેમણે નામ પાડ્યું હતું ‘મરમિયાં’) અને સાર્થક જલસો-૧૩માં તેમનો એક અજાણ્યા બીમાર વૃદ્ધ સાથેની નાનકડી મુલાકાતનો અતિશય ભાવવાહી લેખ હતો. આશિષભાઈના લેખમાં મૂળ સામગ્રી કે લેખના પ્રવાહમાં એડિટિંગ ભાગ્યે જ કરવું પડતું. તેમના તમામ છ લેખ વાંચનારને કે ‘ડિજિટલ દૈનિક નિરીક્ષક’માં પ્રગટ થયેલો લૉક ડાઉન દરમિયાનના અવાજો વિશેનો લેખ વાંચનારને, લેખક તરીકે આશિષભાઈની સજ્જતાનો ખ્યાલ આવે.

'સાર્થક જલસો'માં આશિષ કક્કડનો છઠ્ઠો અને છેલ્લો લેખ, સાર્થક જલસો-૧૩, ઓક્ટોબર ૨૦૧૯
હું હંમેશાં તેમને લેખક તરીકે અત્યંત ગંભીરતાથી લેતો. ‘બેટર હાફ’ ફિલ્મ તેમણે જ લખી હતી. અને મને તે બહુ ગમી હતી. એ ફિલ્મનું વિષયવસ્તુ બહુ સ્પર્શે એવું હતું ને મને અનેક ઠેકાણે બહુ સ્પર્શ્યું હતું. મેં તેમને એકથી વધારે વાર કહ્યું હતું કે એ ફિલ્મ જોઈને કેટલીક બાબતો પ્રત્યેના મારા અભિગમમાં સ્પષ્ટતા આવી હતી, એટલું જ નહીં, કેટલીક બાબતોમાં ‘સુધરવાનો’ પ્રયાસ પણ મેં કર્યો હતો. આ મુખ્યત્વે તેમના લેખનની કમાલ હતી. પરંતુ બીજા પાસે લખાવવાના ઘણા પ્રયાસ નિષ્ફળ રહ્યા પછી છેલ્લા વિકલ્પે જ તેમણે ‘બેટર હાફ’નું લેખન હાથ પર લીધું હતું. તેમની બીજી ફિલ્મ ‘મિશન મમ્મી’નું લેખન તેમણે દીપક સોલિયાને સોંપ્યું—દીપકના થોડાઘણા ખચકાટને અવગણીને પણ. એ ફિલ્મમાં આવતા કેટલાક ભદ્રંભદ્રીય ગુજરાતી શબ્દો માટે અને એકંદરે સ્ટોરીના વાચન તથા પ્રતિભાવ માટે તે વડોદરા બીરેનના ઘરે ગયા હતા અને ત્યાં આખા પરિવાર સમક્ષ સ્ટોરી વાંચી હતી.

મૌખિક અભિવ્યક્તિમાં તેમનો અવાજ તો તેમની ઓળખ હતો જ, પણ મારા જેવાને તેમની વૈચારિક સ્પષ્ટતા અને અભિવ્યક્તિ બહુ ગમતાં. ઘણી વાર તે અટપટી લાગતી વાતને કે વિવાદને તેમની સમજથી બહુ ટૂંકમાં, એકાદ-બે વાક્યોમાં બોલીને અભિવ્યક્ત કરી દેતા હતા અને એ માટે તેમનાં વખાણ કરીએ ત્યારે તેમનું પડઘાતું હાસ્ય સાંભળવા મળતું.

‘બેટર હાફ’ બની ગઈ હતી અને રિલીઝ થવાની બાકી હતી એ અરસામાં અમારો પરિચય થયો. તેના માટે નિમિત્ત બન્યાં મિત્ર ઉષ્મા શાહ. ત્યારે તે અમદાવાદની ગર્લ્સ પોલિટેકનિકમાં આર્કિટેક્ચર વિભાગનાં હેડ હતાં. અવનવું વાંચનારાં, અંગ્રેજી સામયિકો-પુસ્તકો ઉપરાંત બંગાળી-મરાઠી પ્રવાહોનાં પરિચયમાં રહેનારાં. તેમણે લગભગ ૨૦૦૯માં એક વાર કહ્યું કે ‘માતૃભાષા દિવસની ઉજવણી વિશે અમે થોડા લોકો મળવાના છીએ. તમે આવો.’ એ બેઠકમાં સાત-આઠ સમવયસ્ક કહેવાય એવાં લોકો હતાં. તેમાં આશિષ કક્કડ એક. એ નિમિત્તે થોડી વધુ બેઠકો થઈ. એક વાર દીપક સોલિયા મુંબઈથી આવ્યા હતા, ત્યારે તે પણ આ બેઠકમાં સામેલ થયા હતા. અમારો સૌનો એકમત હતો કે માતૃભાષાનો પ્રેમ અંગ્રેજીનો વિરોધી ન બનવો જોઈએ અને માતૃભાષા વિશે શરમ ન હોવી જોઈએ. આ બંને ભાવ સૂચવતાં કેટલાંક સૂત્રો પણ મેં તૈયાર કર્યાં હતાં.
આશિષ કક્કડ સાથેની આરંભિક મુલાકાતોની યાદગીરી
તેમાંથી ‘દિલની ભાષા, દિલથી બોલો’ બધાને ગમ્યું. આ ચર્ચાઓમાં આશિષભાઈની વૈચારિક સ્પષ્ટતાનો ખ્યાલ આવ્યો. સાથે થોડો ખ્યાલ તેમના અમુક બાબતોમાં કે વિચારમાં આગ્રહી હોવા વિશે પણ આવ્યો. અમુક કામ કેવી રીતે કરવું તે વિશે એક મિત્રનો એક આગ્રહ હતો ને આશિષભાઈનો બીજો. ત્યારે તે પોતાની વાતને અને તેની પાછળના તર્કને તેમના ભરાવદાર અવાજે, પૂરા જોશથી સમજાવવાનો પ્રયાસ કરતા હતા. ઘડીભર મને લાગ્યું કે બે મિત્રો ક્યાંક લડી ન પડે. મેં વચ્ચેનો રસ્તો કાઢ્યો, પછી સમજાયું કે આશિષભાઈનો જુસ્સો કેવળ તેમની વાત અને તેમાં રહેલા તર્કને રજૂ કરવા પૂરતો હતો. તેમાં કટુતા ન હતી અને આક્રમકતા મુખ્યત્વે તેમના અવાજને કારણે લાગતી હતી.

આ પરિચય થોડો થોડો વિકસ્યો હશે, ત્યાં ‘બેટર હાફ’ તૈયાર થઈ. ભૂલતો ન હોઉં તો જોધપુર ચાર રસ્તા પાસે પંદર-વીસ-પચીસ બેઠક ધરાવતા એક મીની થિએટરમાં તેમણે પ્રીવ્યુ રાખ્યો હતો. મને પણ આવવા કહ્યું. સાથે ફિલ્મના સંગીતકાર નિશીથ મહેતા પણ લગભગ હતા. મને ફિલ્મનું વિષયવસ્તુ બહુ સ્પર્શ્યું. તે સચોટ રીતે કહેવાયું હતું. કેટલાક ઠેકાણે હું પણ મારા પોતાના વર્તન વિશે વિચારતો થયો. ત્યાર પછી માર્ચ, ૨૦૧૦માં ફિલ્મ આવી. તેને છવાઈ જવાય એવી સફળતા ન મળી, તો ડબ્બો પણ ન થઈ ગઈ. તે નવી તાજગીનો સંચાર કરનારી બની રહી—અને આગળ જતાં નવી ધારાની ગુજરાતી ફિલ્મોમાં પાયારૂપ ગણાઈ.

આશિષભાઈનો મૂળ વ્યવસાય (આર્થિક પ્રવૃત્તિ) વોઇસ આર્ટિસ્ટ તરીકેનો. નાટકમાં તેમનાં પ્રેમ અને સમજ ઘણાં ઊંડાં, કામ પણ ઘણું. પરંતુ એ વખતે અમારો પરિચય નહીં ને મારો નાટકમાં ઝાઝો રસ નહીં. એટલે એ વિશે સાંભળેલું જ. થોડો સમય તેમણે હૈદરાબાદ ‘ઇ ટીવી’માં કામ કર્યું હતું. તે વિશે પણ તે ઘણી વાર વાત કરતા. એ બધામાં તેમની વિચારવાની પદ્ધતિ અને નૈસર્ગીક વિશ્લેષણશક્તિ દેખાઈ આવતાં. તેમની એક ખાસિયત એવી હતી કે અજાણી વ્યક્તિને જોઈને કે તેની વાત સાંભળીને તે વ્યક્તિ વિશે અમુક બાબતો કહેતા. તેમાં કશું દૈવી કે ગૂઢ નહીં, પણ અત્યંત વિકસીત નિરીક્ષણશક્તિ. એટલે ઘણુંખરું તેમનાં અનુમાન સાચાં પડતાં. વ્યક્તિની લાક્ષણિકતાઓ તે બહુ ઝડપથી પકડી લેતા. ક્યારેક મીમીક્રી પણ કરતા.

આ બધો પરિયય ૨૦૧૦ પછી થયો. ‘બેટર હાફ’ પછીના અરસામાં અમે થોડા મિત્રોએ તેમને અમારી અનૌપચારિક બેઠકમાં આમંત્રિત મહેમાન તરીકે બોલાવ્યા હતા. ઘણે ભાગે પત્રકારત્વ સાથે સંકળાયેલા અમે થોડા મિત્રો વસ્ત્રાપુરના એક રેસ્ટોરાં ‘રૂડું કાઠિયાવાડ’માં અનિયમિત રીતે અને અનૌપચારિક ઢબે મળતા. દર વખતે એકાદ ગમતી વ્યક્તિને મહેમાન તરીકે બોલાવીએ. નિયમ એવો કે ભોજનના રૂપિયા બધા વચ્ચે વહેંચી દેવાના, પણ મહેમાનના ભોજનના રૂપિયા અમારા ખાતે. તેમાં આશિષભાઈ આવ્યા મહેમાન તરીકે અને પછી તેમના રાબેતા મુજબના ઉમળકાથી અમારી ‘રૂડું’ મંડળીના કાયમી સભ્ય થઈ ગયા.
'રૂડું કાઠિયાવાડ'માં રતિલાલ બોરીસાગર સાથે સત્સંગ, (ડાબેથી)આશિષ કક્કડ, લલિત ખંભાયતા, રતિલાલ બોરીસાગર, બિનીત મોદી, પ્રણવ અધ્યારુ, 17-9-2010
‘રૂડું’ મિલનનાં શરૂઆતનાં એ વર્ષોમાં એક વાર આશિષભાઈ એક મહેમાનને લઈને આવ્યા હતા. (મહેમાન લાવવા વિશે તેમણે અગાઉથી પૂછી પણ લીધું હતું.) જમ્યા પછી રાબેતા મુજબ મુક્ત ચર્ચા ચાલતી હતી અને પેલા મહેમાન તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીનાં વખાણ કરવા લાગ્યા. ત્યાર પહેલાં ‘રૂડું’માં મિત્રો વચ્ચે કદી રાજકીય ચર્ચા થઈ ન હતી. પણ તે દિવસે વિષય નીકળ્યો અને આશિષભાઈથી માંડીને અમે બધા પેલા મહેમાનના વિચારોથી સામા છેડાના નીકળ્યા. ત્યારે અમને એ વિચારે સારું લાગ્યું કે આપણે ભલે નામ પાડીને વાત ન થઈ હોય, પણ મૂળભૂત બાબતોમાં આપણે એકસરખું વિચારીએ છીએ. ત્યાર પછી તો આશિષભાઈ પાસેથી તે સરકારમાં વોઇસ ઑવરનું કામ કરતા હતા ત્યારના અને તે કામ છોડ્યું તેના અનુભવ પણ સાંભળ્યા, જે મારી માન્યતા દૃઢ કરનારા અને સમજમાં થોડો વધારો કરનારા હતા.

અમારી વચ્ચે સંપર્ક વધતો ગયો. ત્યારે હું ‘ગુજરાત સમાચાર’માં (ઑફિસે જવાનું બહુ ન  થાય એ રીતે) કામ કરતો હતો. પણ ‘દલિતશક્તિ’ માસિકના સંપાદક તરીકે ‘નવસર્જન’માં બેસવાનું ચાલુ રાખ્યું હતું. એટલે આશિષભાઈ ધરણીધર દેરાસર પાસે આવેલી ‘નવસર્જન’ની ઑફિસે આવતા. અમે ત્યાં વાતો કરતા હતા. એ વખતે ફેસબુક પ્રમાણમાં નવું હતું, કેટલાંક પાત્રો ફેસબુકના આકાશમાં ઉડતાં હતાં. તેમાંના એક ભાઈ અમારા બંનેના સંપર્કમાં આવેલા ને અમને બંનેને તેમનામાં કંઈક ગરબડ લાગી હતી. પછી એ ભાઈના નિકટના ગણાતા મિત્રને અમે ‘નવસર્જન’ પર બોલાવ્યા અને તેમની સાથેની વાતચીતમાં અમારી શંકાઓ સાચી પાડતાં કેટલાંક રહસ્યો ખૂલ્યાં. ત્યારે પણ આશિષભાઈની તીક્ષ્ણ નિરીક્ષણશક્તિનો અને સમજનો વધુ એક વાર પરિચય થયો.

‘નવસર્જન’ પરની મુલાકાતોમાં ક્યારેક એવું પણ થયું હશે કે બપોરે જમવાનો સમય હોય, તે બેઠા હોય, હું ટિફીન ખોલું અને તે પણ જોડાઈ જાય. એકાદ વાર તેમણે મને તેમના ઘરે આવવા કહ્યું હશે. એવી રીતે તેમના ઘરે જવાની શરૂઆત થઈ. શરૂઆતમાં અમે બે જણ હોઈએ. જમતાં જમતાં વિવિધ પ્રકારની વાતો થાય. મને તેમની સમજમાં અને તેમના દૃષ્ટિબિંદુમાં બહુ રસ પડે. ઘણી બાબતોમાં મારી સમજ પણ તેમની સાથે વાત કરીને સાફ થતી લાગે.

અમારા બે જણના બપોર-ભોજનમાં ધીમે ધીમે બિનીત મોદી, ઋતુલ જોષી, સંજય ભાવેને અમે ઉમેર્યા. એકાદ-બે વાર કબીરભાઈ ઠાકોર અને ઉષ્માબહેન શાહ પણ આવ્યાં હશે. ત્યારે આરતી સાવ નાની. શરૂઆતમાં તો એ ત્યાં હોય તો પણ અમારી સાથે વાત ન કરે અને પછી ધીમે રહીને નીકળી જાય. પણ પછી એ મારી સાથે ભળતી થઈ અને જોતજોતાંમાં મારી સૌથી નિકટની મિત્રોમાંની એક બની રહી. આરતીને કારણે તેના સમવયસ્ક મિત્ર શારીક લાલીવાલાને મળવાનું થયું-દોસ્તી થઈ ને એ પણ વખતોવખત આવતો થયો. નિશા પરીખ અમેરિકાથી કાયમ માટે આવી ગઈ અને અમે નિયમિત રીતે મળતાં થયાં, એટલે તે પણ અમારી લંચ કમિટીમાં સામેલ થઈ. થોડો સમય તે ‘સેપ્ટ’ના ‘સેન્ટર ફોર અર્બન ઇક્વિટી’માં હતી ત્યારે તે અને ઋતુલ જોષી સાથે આવતાં હતાં. તેના લગ્નમાં અત્યંત ઓછા આમંત્રિતોમાં આખેઆખી લંચ કમિટીનો સમાવેશ થતો હતો.

‘લંચ કમિટી’ તો અમે ગમ્મતમાં પાડેલું ઔપચારિક નામ હતું. હકીકતમાં તે મૈત્રીની ફ્રી-સ્ટાઇલ મહેફિલ હતી, જેમાં આશિષભાઈ રજમાત્રના ભાર વિના, યજમાનની ભૂમિકાનો અહેસાસ તો ઠીક, અણસાર સુદ્ધાં આવવા દીધા વિના યજમાનગીરી કરતા. લંચ કમિટીની બેઠકો અનિયમીત રીતે મળતી, પણ જ્યારે મળવાનું થાય ત્યારે અનહદ આનંદ આવતો હતો. કલાકો સુધી સમરસિયા મિત્રો સાથે જ્ઞાનચર્ચાના ભાર વગરની વિશુદ્ધ ગપ્પાંગોષ્ઠિ કરવી અને તેમાંથી ઘણું પામવું એ જીવનની બહુમૂલ્ય ઉપલબ્ધિ છે, એવું મને હંમેશાં લાગ્યું છે અને આશિષભાઈની-લંચ કમિટીની સોબતે એ રીતે મને અઢળક સંતોષ-માનસિક સમૃદ્ધિ આપ્યાં.
બ્રિટન જતી આરતીને યાદગીરી માટે આપેલા પુસ્તકની આગળ, કદાચ લંચ કમિટીના એક માત્ર સત્તાવાર દસ્તાવેજ જેવું, બધા સભ્યોની સહી અને બે ગેરહાજર સભ્યોનાં નામ ધરાવતું પાનું
આશિષભાઈ સાથેની બેઠકોમાં અવનવી ચર્ચાઓ થતી. તે હૅરી પૉટર શ્રેણીના પ્રેમી હતા. ક્યારેક નવલકથાની થીમ અને તેનાં પાત્રોના અર્થવિસ્તાર કરતા. કેટલાંક પરિચિત પાત્રોની લાક્ષણિકતાઓ હૅરી પોટરનાં પાત્રોની મદદથી સમજાવતા. જેમ કે, એક ભાઈ વિશે તેમણે કહ્યું હતું, ‘તે હૅરી પોટરના એક પાત્રની જેમ જ્યાં જાય ત્યાંના વાતાવરણમાંથી પૉઝિટીવ એનર્જી શોષી લે છે.’ એક મિત્રની હૅરી પોટરના એક પાત્ર સાથે સરખામણી કરતાં કહ્યું હતું કે ‘તે ખોટા માણસોની સાથે છે, પણ તેનું મન સારા માણસો તરફ ઢળી શકે છે કે ઢળેલું રહે છે..’એવું કંઈક. તેમનો ફિલ્મપ્રેમ અને સંવેદનશીલતા- બંનેનો અંદાજ આવે એવી એક વાત તેમણે બહુ સહજતાથી કરી હતી. યહુદી કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં જીવનની હકારાત્કમતાનું વિષયવસ્તુ ધરાવતી ફિલ્મ ‘લાઇફ ઇઝ બ્યુટીફુલ’ જોયા પછી, તેમણે (નદીના) બ્રિજ પર જઈને મોટેથી બૂમો પાડી હતી— ફિલ્મ જોયા પછી બાઝેલો ડૂમો ઓગાળવા માટે.

તેમના જીવનમાં માતાપિતાનું નજીકના અંતરે (કેન્સરના કારણે) થયેલું મૃત્યુ અને તેમનું એકલા થઈ જવું, એ પણ એવો જ સમયગાળો હતો. પછીથી એ વિશે વાત થતી ત્યારે તે સ્વસ્થતાથી વાત કરતા. અમારી બધી મિત્રાચારી છતાં તેમના અંગત જીવન કે દાંપત્યજીવન વિશે મેં કદી વાત છેડી ન હતી. એ તેમનાં પત્ની તોમાલી કે સાળી (જાણીતાં સ્ક્રીપ્ટ રાઇટર) પુબાલી ચૌધરી વિશે જ્યારે પણ ઉલ્લેખ કરે ત્યારે સહજતાથી-લાગણીથી વાત કરતા હતા. દીકરો રંગ તેમના સાસરે કોલકાતા હતો. તે અવારનવાર કોલકાતા જતા. રંગ પણ ક્યારેક અહીં આવતો. પુબાલી ચૌધરી તેમને ‘બેટર હાફ’માં અને કદાચ ‘મિશન મમ્મી’માં સલાહસૂચનની રીતે મદદરૂપ થયાં હતાં. વાતચીતથી આટલું જાણતો હતો અને એથી વધારે પૂછવામાં મને અંગતતાનો ભંગ લાગતો હતો. તેમની સાથેનો જે ભાવસંબંધ હતો, તેને કોઈ લેબલ મારવાની જરૂર લાગતી ન હતી. તેમનો મિત્રપ્રેમ એવો હતો કે ૨૦૧૨-૧૩ની આસપાસ મારે ‘નવસર્જન’ જવાનું બંધ થયું અને અમદાવાદમાં ક્યાં બેસવું એ વિશે વિચારતો હતો ત્યારે તેમણે બહુ સાહજિકતાથી તેમના ઘરે બેસીને કામ કરવા કહ્યું હતું. મેં કાર્તિકભાઈની ઑફિસે બેસવાનું નક્કી કર્યું, પણ તેમના આ પ્રસ્તાવથી મને બહુ સારું લાગ્યું હતું.

તેમની સંવેદનશીલતા અને દેખીતું બહિર્મુખીપણું નાની નાની બાબતોમાં સહજતાથી વ્યક્ત થતાં રહેતાં. અમદાવાદના ઉનાળામાં બપોરે આવતા કુરિયર કે પોસ્ટમૅનને તે અચૂક પાણી માટે પૂછતા અને ઘડીક શાંતિથી બેસવું હોય તો અંદર આવવા માટે પણ કહેતા. સોસાયટીમાં કચરો વાળનારના પગારવધારા માટે તે સોસાયટીના લોકો સાથે દલીલબાજીમાં ઉતરી શકતા હતા. તેમના કમ્પાઉન્ડમાં કે બીજે ક્યાંય આખા મિત્રમંડળનો ગ્રુપ ફોટો પાડવાનો હોય ત્યારે તે રસ્તે ચાલતા કોઈને પણ એટલા પ્રેમથી ફોટો પાડવા બોલાવી લાવતા કે આવનાર માણસને વપરાઈ ગયાનો અહેસાસ નહીં, કામમાં લાગ્યાનો આનંદ થાય. ફોટો પડી જાય, એટલે છેલ્લે તેમનું ‘થેન્ક યુ, થેન્ક યુ’ તો ખરું જ. પોતે ટોચના વોઇસ આર્ટિસ્ટ છે કે ફિલ્મ ડાયરેક્ટર કે એક્ટર કે નાટકવાળા છે, એવો ભાર કે નાટકીયાવેડા કે ફિલ્મી અંદાજ તેમનામાં જરાય ન હતો અને એવો ભાર નથી, એનો ભાર પણ જરાય નહીં.

અમારી દોસ્તી પછી અમારા દરેક કાર્યક્રમમાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી. તેમના ઘરે બેસીને ઘણાં આયોજન થયાં. એપ્રિલ,૨૦૧૩માં સાર્થક પ્રકાશનની શરૂઆતનો કાર્યક્રમ હોય કે સપ્ટેમ્બર, ૨૦૧૯માં ‘પ્રકાશોત્સવ’—આશિષભાઈએ કામ ઉપાડ્યું એટલે તે કદી રખડાવે નહીં. એટલું જ નહીં, ઉજાળી આપે. સાર્થક પ્રકાશનના આરંભનો કાર્યક્રમ છઠ્ઠી એપ્રિલે, સાહિત્ય પરિષદના મોટા હૉલમાં. તે દિવસે ભાજપના સ્થાપના દિનનો મહામેળાવડો હતો. ત્યારે ટ્રાફિકની અને પોલીસની અડચણો વચ્ચે રતિલાલ બોરીસાગરને ઘરેથી હૉલ પર લઈ આવવાનું અઘરું કામ આશિષ કક્કડે હસિત મહેતા સાથે ઉપાડી લીધું. એ હસિત મહેતાને કહે,’તમે પત્રકાર ને હું નાટકવાળો...ચાલો, કંઈક ખેલ પાડી દઈશું.’ અને બંને બોરીસાગરસાહેબને લઈ આવ્યા હતા. ‘પ્રકાશોત્સવ’માં મૉક કોર્ટનો સેટ બનાવવાનો હતો, ત્યારે પણ આશિષભાઈ અને કબીરભાઈ ઠાકોરના ભરોસે હું નિરાંતમાં હતો અને બધું સરસ રીતે પાર પડ્યું હતું.

આશિષભાઈને ત્યાં મિત્રમંડળીના ઘણા મેળાવડા થયા. મુંબઈથી દીપક સોલિયા-હેતલ દેસાઈ આવ્યાં ત્યારે તો મિત્રોનો મોટો મેળાવડો થયો હતો. ક્યારેક વડોદરાથી બીરેન-કામિની અને મારી પત્ની સોનલ તો ઘણી વાર અમારી મહેફિલમાં સામેલ થયાં હશે. પ્રકાશ ન. શાહ, ચંદુ મહેરિયા, વિપુલ કલ્યાણી, જયંત મેઘાણી જેવા પણ એકાદ વાર અમારા એ અડ્ડે આવ્યાં ને મઝા કરી. એ વખતે આશિષભાઈ જરાય યજમાનગીરીના ભારમાં ન હોય. અમને એવું જ લાગે, જાણે અમારું જ ઘર છે અને આશિષભાઈ પણ અમારી જેમ જ ત્યાં ‘આવ્યા’ છે. એવા વખતે અશ્વિની ભટ્ટના ઐતિહાસિક બંગલા ‘૬૫’ની યાદ તાજી થઈ જતી હતી.

અશ્વિનીભાઈ અમદાવાદમાં હતા ત્યારે એક વાર પચાસથી પણ વધુ મિત્રો-ચાહકો તેમને મળે એવું આયોજન નક્કી થયું. પણ આટલાં માણસ ક્યાં સમાય? અને તે પણ એવી રીતે કે જમવાની વ્યવસ્થા થઈ રહે, છતાં કેન્દ્રસ્થાને અશ્વિનીભાઈ સાથેનો સંવાદ રહે? આશિષભાઈએ તેમના ઘરે આ યોજ્યું અને બહુ સફળતાપૂર્વક, યાદગાર રીતે આખો કાર્યક્રમ પાર પડ્યો.
અશ્વિનીભાઈ સંપૂર્ણ પરિવાર-પુત્ર-પુત્રવધુ-પૌત્રો- મિત્રો સાથે હોય અને અમારા પણ ઘણા મિત્રો-તેમના ચાહકો હોય એવો આ કાર્યક્રમ આશિષભાઈના બંગલાના કમ્પાઉન્ડમાં બહુ સરસ રીતે થઈ શક્યો. 16-3-2012

આશિષભાઈના બંગલે કમ્પાઉન્ડમાં ચાહકો-મિત્રોને પ્રેમથી મળતા અશ્વિની ભટ્ટ, 16-3-2012

એવી રીતે મહેમદાવાદના મારા ઘરે પણ મિત્રોના ઘણા મેળાવડા થતા. તેમાં આશિષભાઈ હોય જ. એક વાર બધાં મિત્રો ઉપરાંત અશ્વિનીભાઈનો દીકરો નીલ પણ મહેમદાવાદ આવ્યો હતો. બીજા મિત્રો રોકાવાનાં હતાં ને નીલને રાત્રે નીકળવું હતું. ત્યારે આશિષભાઈ સહિતનું અમારું આખું ધાડું રાત્રે જંપી ગયેલા મહેમદાવાદના પ્લેટફોર્મ પર નીલને મુકવા પહોંચ્યું. આખા પ્લેટફોર્મ પર લગભગ અમે એકલાં જ હતાં અને લાઇટ પણ એક-બે જ ચાલુ હતી. એટલે કોઈ ફિલ્મના દૃશ્ય જેવું લાગતું હતું. ટ્રેન આવી ને ઉપડી, એટલે એ લાઇટો પણ બંધ થઈ અને અમે ચાલતાં ચાલતાં પાછાં ઘરે આવ્યાં. એ વખતની બધાની મસ્તી જોઈને લાગે કે દોસ્તીનો પણ નશો હોય છે.

એક વાર પરમ મિત્ર હસિત મહેતાએ નડિયાદમાં તેમની મહિલા આર્ટ્સ કૉલેજમાં ફિલ્મો વિશેનો એક શાસ્ત્રીય સૅમિનાર રાખ્યો હતો. આશિષ કક્કડ, અભિષેક શાહ (‘હેલ્લારો’ખ્યાત, ત્યારે રેડિયોમાં કામ કરતા નાટ્યકર્મી), બિનીત મોદી, બીરેન, હું અમે પહોંચ્યા. પણ મામલો એકેડેમિક વધારે હતો. એટલે થોડા કલાક તો સુખેદુઃખે, મસ્તી કરીને કાઢ્યા. પછી અભિષેકને આણંદ નાટકનો શો હતો. એટલે એ ત્યાં ગયો અને અમે મહેમદાવાદ આવી ગયા. રાત્રે મંડળી જમાવી. મોડી રાત્રે અભિષેક નાટકનો શો પૂરો કરીને ટીમ સાથે ખેડા નજીકના કોઈ રોડ પર ઉતરવાનો હતો, જ્યાંથી અમારે તેને લઈ આવવાનો હતો. અભિષેકના આવ્યા પછી અમે વાતોમાં ને નાસ્તાપાણીમાં સવાર પાડી દીધી. ઉંઘવાજોગું રહ્યું નહીં. સેમિનારનો બીજા દિવસનો કાર્યક્રમ તો સવારે શરૂ થઈ જવાનો હતો, પણ ત્યાં અમને બહુ ગોઠે એમ ન લાગ્યું. એટલે અમારો સમાંતર સેમિનાર ડાઇનિંગ ટેબલની આસપાસ ચાલુ રહ્યો. બપોરે રજનીકુમાર પંડ્યાના વક્તવ્યનો સમય થયો, એટલે ‘ગુરુમાં તો જવું પડશે’ એમ વિચારીને તૈયાર થઈને નડિયાદ પહોંચ્યા. આવી બેઠકોમાં કોઈ બાહ્ય નશાના ટેકા વિના આશિષભાઈ બહુ ખીલતા અને મઝા કરતા-કરાવતા.

આશિષભાઈ ઘરે આવે કે ‘સાર્થક જલસો’ની પાર્ટીમાં હોય, પણ મારી દીકરીને કે બીરેનનાં સંતાનોને ચહીને સામેથી મળે. તેમની સાથે તેમની રીતની મસ્તી કરે. બાળકો સાથે તે બહુ સહેલાઈથી ભળી શકતા હતા. કેટલાક પુરુષોમાં સ્ત્રીહૃદય હોય છે. તેનો સૌથી જાણીતો દાખલો ગાંધીજી. સ્ત્રીઓ તેમની સાથે હોય ત્યારે ભારે સલામતી અનુભવે અને તેમની આગળ મન ખોલી શકે. મને પાકી ખબર નથી, પણ ધારું છું કે આશિષભાઈમાં પણ સ્ત્રીહૃદય કે તેના અંશ હશે. તેમની સાથેના વ્યવહારમાં સલામતી, આત્મીયતા અને મૈત્રીમાં-વ્યવહારમાં સરખાપણાની હૂંફ અનુભવતી હોય એવી ઘણી, જુદા જુદા વયજૂથની સ્ત્રીઓ હશે. તેમનાં અમેરિકાનિવાસી મિત્ર શચિ પટેલ મુખ્યત્વે બ્લોગ થકી મારાં લખાણોના પણ સંપર્કમાં હતાં. તે ભારત આવ્યાં ત્યારે અમારા પરિચયના શરૂઆતના એકાદ-બે વર્ષના ગાળામાં તે શચિ સાથે ‘નવસર્જન’ની ઑફિસે આવ્યા હતા અને અમે રાજકીય સહિતની ઘણી વાતો બહુ આનંદથી કરી હતી. પછી તેમણે યાદગીરી માટે મારો અને શચિનો ફોટો પાડી આપ્યો અને મેં તેમનો. આશિષભાઈની એ સમયગાળાની અને ખાસ તો એ દેખાવની તસવીરો ઓછી છે. એટલે એ યાદગીરી તરીકે આ ફોટો.
આશિષ કક્કડ, શચિ પટેલ, 6-1-2011
સાર્થક જલસોના મેળાવડામાં આશિષભાઈ હોય જ. હું અ-કવિ મિત્રોને મસ્તીમાં ‘કવિ’ તરીકે સંબોધું. એટલે આશિષભાઈ પણ વળતા વ્યવહારે મને ‘કવિ’ કહે. તેમના બુલંદ અવાજમાં ‘આવો, આવો કવિ’ એવું કોઈ સાંભળે, તો તેને મારા કવિ હોવા વિશે કશી શંકા ન રહે. એક વાર ‘સાર્થક જલસો’નો મેળાવડો પૂરો થયા પછી બપોરે તેમના આમંત્રણથી અમે બધાં ‘મિશન મમ્મી’ના સૅટ પર ગયાં હતાં. ત્યાં એમણે થોડા મિત્રો સાથે પરિચય કરાવ્યો હતો અને ‘સાર્થક જલસો’નો અંક ‘પ્રોપર્ટી’ તરીકે રાખી લીધો હતો. એટલે ‘મિશન મમ્મી’ના એકાદ દૃશ્યમાં એક પાત્ર ‘સાર્થક જલસો’નો અંક વાંચતું જોઈ શકાય છે.

‘મિશન મમ્મી’ પછી તેમના મનમાં બે-ત્રણ ફિલ્મોનું કથાવસ્તુ રમતું હતું. તેમની એક વાર્તા ‘રાજિયો ફટ્ટુ’ વિશે તેમણે વિગતે વિચાર્યું હતું અને એક વાર તેની કથા પણ કહી હતી. તેના કેન્દ્રસ્થાને રાજુ નામનો દેખીતી રીતે બીકણ એવો એક રિક્ષાચાલક હતો, જે છેવટે એક મોટું પરાક્રમ કરી દેખાડે છે. તેમાં હળવાશ માટે પણ પૂરતો અવકાશ હતો. ઉપરાંત, ઘણા વખતથી શિક્ષણ પદ્ધતિ વિશે તે ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા. તેને લગતી મૌલિક યોજના વર્ણવતો લેખ ‘સાર્થક જલસો’માં લખવો અને તેને ફિલ્મ તરીકે વિકસાવવો એવો તેમનો ખ્યાલ હતો. એ વિશે તેમણે થોડું લખ્યું હતું, પણ તેના બધા છેડા મળતા ન હતા. એટલે તે આગળ વધવામાં સમય લેતા હતા. અમને એમ જ હતું કે હજુ ક્યાં ઉતાવળ છે?

આ બે અધૂરાં કામ તો મને ખ્યાલ છે તેવાં. એ સિવાય પણ ઘણાં હશે, જે તેમના બીજા મિત્રો જાણતા હશે. અમારી લંચ કમિટી જેવી બીજી પણ તેમની ઘણી મિત્રમંડળી હતી અને એ બધા સાથે તેમને એવી જ નિકટતા હતી. તે ‘અટીરા’ મૉર્નિંગ વૉક માટે જાય ત્યારે પણ જાણીતાં-અજાણ્યાં સૌ કોઈને બોલાવે, તેમના રણકતા અવાજમાં ‘ગુડ મૉર્નિંગ’ કહે, હાથ ઊંચો કરીને સ્માઇલ આપે.

ત્યારે મને એ તેમનો બહુ મોટો ગુણ લાગતો હતો. હું વિચારતો કે આ માણસ કેટલાં બધાં લોકોને, કેટલી સહજતાથી અને નિર્મળતાપૂર્વક પ્રસન્નતા વહેંચી શકે છે.
હવે એ જ બાબતે તેમની સામે સૌથી મોટો વાંધો છેઃ આટલો વહાલો ને નિઃસ્વાર્થ ભાવે પ્રસન્નતા વેરતો માણસ, કેટલા બધા લોકોને દુઃખના દરિયામાં વહેતા મૂકીને, બસ આમ જ, પળવારમાં ચાલી નીકળ્યો. બસ, આમ જ…
***

આમ અચાનક શાને અળગાં થયાં આપણે,
છૂટ્યો જ્યાં એકમેકનો સાથ, સ્મરણ થઈ રહ્યા આપણે

મન લાગતું નહીં કશામાં વીતી પળોને ઝંખે
બળબળતું એકાંત હૃદયની ભીતર જઈને ડંખે
સમયની મુઠ્ઠીમાંથી રેત થઈને સર્યાં આપણે...આમ અચાનક

કાલ હતું જે પાસે એ સઘળું આજ બન્યું આભાસ
આંસુઓને પીવા છતાં શમે નહી આ પ્યાસ
પ્રેમઆકાશે ઝૂલતી સાંજ થઈને ઢળ્યાં આપણે...આમ અચાનક

(મથાળાની પંક્તિ અને ઉપરનું ગીતઃ ચિરાગ ત્રિપાઠી, સંગીતઃ નિશીથ મહેતા, ફિલ્મઃ બૅટર હાફ)

આશિષ કક્કડના સ્મરણ માટે મુકેલી તસવીરોનો બ્લોગ http://urvishkothari-gujarati.blogspot.com/2020/11/blog-post.html

આશિષભાઈ વિશે આરતી નાયરે લખેલા અંગ્રેજી બ્લોગની લિન્કઃ
https://aartinair.wordpress.com/2020/11/04/a-tribute-to-ashish-kakkad-and-life-lessons-learnt/

Tuesday, November 03, 2020

આશિષ કક્કડ : તસવીરી યાદો

આશિષભાઈ વિશે લેખ લખવાની હજુ તાકાત નથી. આખો દિવસ તેમની તસવીરો એકઠી કરવાના બહાને તેમની સાથે ગાળ્યો. એકાદ દાયકાની અમારી દોસ્તીની કેટલીક ક્ષણો આશિષભાઈના પ્રેમીઓ સાથે વહેંચવી છે. તેમને બદલે તેમની સ્મૃતિ સાથે જીવવાનું છે--એવો સ્વીકાર હજુ કઠણ પડે છે. છતાં...

'બૅટર હાફ'ના સેટ પર ડાયરેક્ટર આશિષ કક્કડ, 2010 પહેલાં /Director Ashish Kakkad on the set of pathbreaking Gujarati film 'Better half', before 2010

પરિચયના એકાદ વર્ષમાં, નવા ઘર નિમિત્તે યોજેલા મેળાવડામાંઃ આશિષ કક્કડ, પાછળ આશિષ વશી, અભિષેક શાહ (જમણી બાજુ બેઠેલા) ફોટોગ્રાફર પ્રાણલાલ પટેલ, રતિલાલ બોરીસાગર, નગેન્દ્ર વિજય, 31-3-2010

વસ્ત્રાપુર તળાવ પર આવેલા રૂડું કાઠિયાવાડ રેસ્ટોરાંમાં આશિષ કક્કડ સાથે મિત્રોની ગોષ્ઠિ પછી, કોમ્પ્લેક્સની બહાર રાતના એક વાગ્યાની આસપાસ (ડાબેથી) વિશાલ પાટડિયા, ધૈવત ત્રિવેદી, કિંતુ ગઢવી, આશિષ કક્કડ, ઉર્વીશ કોઠારી, દિવ્યેશ વ્યાસ, એક મિત્ર અને હિંમત કાતરિયા, 9-7-2010

પ્રકાશ ન. શાહની ટોલ્સ્ટોયથી ગાંધી વિશેની વ્યાખ્યાનમાળાનું એક વ્યાખ્યાન પૂરું થયા પછી, ગુજરાત વિદ્યાપીઠના અહિંસા શોધ ભવનની બહારઃ (ડાબેથી) કેતન રૂપેરા, આશિષ કક્કડ, તુષાર આચાર્ય, ઉર્વીશ કોઠારી, પ્રકાશ ન. શાહ, ઋતુલ જોષી, અશ્વિનકુમાર, દિવ્યેશ વ્યાસ, 22-9-2011

ટ્રેડમાર્ક દાઢી વગરના આશિષ કક્કડઃ જાન્યુઆરી, 2011

સાર્થક પ્રકાશનના સ્થાપના કાર્યક્રમમાં, 6-4-2013

સાર્થક પ્રકાશનનો સ્થાપના કાર્યક્રમ પૂરો થયા પછીની યાદગાર સમુહ તસવીરમાં ગુરુજનો-મિત્રો ઉપરાંત આશિષ કક્કડ પુત્ર રંગ સાથે, 6-4-2013

કાર્યક્રમોમાં કોઈ પણ  પ્રકારનું કામ ઉપાડી લેવામાં અને ચોક્સાઈપૂર્વક, ઉમળકાભેર મદદરૂપ થવાની આશિષભાઈ અજોડ હતા. 

સાર્થક પ્રકાશનના કાર્યક્રમમાં બેનર લગાડવા માટે નિસરણી પર છેક ઉપર ચઢેલા, 2013
પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમે વિદ્યાર્થીઓ નાટક કર્યું ત્યારે તે ઉલટથી હાજર રહ્યા અને આવીને કોસ્ચ્યુમને લગતી કંઈક મદદ કરવા બેસી ગયા. 2013

'પ્રકાશોત્સવ'ની તૈયારીરૂપે સ્ટેજ પર અદાલતની ગોઠવણનું આયોજન વિચારતા કબીર ઠાકોર અને આશિષ કક્કડ, ગુજરાત વિદ્યાપીઠ, 2019
પ્રકાશોત્સવઃ સ્ટેજ પરની અદાલતમાં આરોપીના પિંજરાની અંદર બેઠકની ઊંચાઈ તપાસતા આશિષ કક્કડ, 2019

અશ્વિની ભટ્ટના સ્મૃતિ-કાર્યક્રમમાં ઑડિયો વિઝ્યુઅલની જવાબદારી ઉપાડી લઈને, સાથી મિત્રોના સહકારથી રેકોર્ડ સમયમાં તે પૂરી કરનાર આશિષ કક્કડ, રંગમંડળના હોલમાં કબીર ઠાકોર, સચિન દેસાઈ અને કિરણ ત્રિવેદી સાથે ઑડિયોની ગોઠવણ કરતા, 27-12-2012
અમારી મિત્રમંડળીનાં કેટલાંક અભૂતપૂર્વ-અનૌપચારિક મિલનોમાંનું એક આશિષભાઈના ઘરેઃ (બેઠેલા જમણેથી ડાબે) આશિષ કક્કડ, બિનીત મોદી, પુનિતા નાગર-વૈદ્ય, ઉભેલા (જમણેથી) ઋતુલ જોષી, અમિત જોશી (દિલ્હી), પ્રણવ અધ્યારુ, (હિંચકા પાછળ) જયેશ અધ્યારુ, સંજય ભાવે, કેતન રૂપેરા, દિવ્યેશ વ્યાસ, રમેશ તન્ના, દિલીપ ગોહિલ, હસમુખ ગજ્જર, તેજસ વૈદ્ય, હિંમત કાતરિયા, મયુરિકા (હિંચકા પર બેઠેલાં, જમણેથી) ધૈવત ત્રિવેદી, પ્રકાશ ન. શાહ, દીપક સોલિયા, હેતલ દેસાઈ, 9-1-2013

મહેમદાવાદના ઘરે થયેલા એવા જ એક મિલનમાં ભજિયાં ઉતારતા આશિષ કક્કડ સાથે સોનલ કોઠારી, કામિની કોઠારી અને નિશા પરીખ, 16-11-2014
આશિષભાઈના ઘરે નવું નવું ટેબલટેનિસનું ટેબલ આવ્યું ત્યારે બહુ આનંદથી અમે એ જોયું હતું ને તેનો ટ્રાયલ પણ લીધો હતો. 15-2-2017
અમદાવાદના પુસ્તકમેળામાં (ડાબેથી) આશિષ કક્કડ, ઉર્વીશ કોઠારી, શૈલી ભટ્ટ, ક્ષમા કટારિયા, નિશા પરીખ, કાર્તિક શાહ, બીરેન કોઠારી, દીપક સોલિયા, 7-5-2017
થોડાં વર્ષથી અમે પ્રકાશભાઈની વર્ષગાંઠ તેમના ઘરે જવાનો ક્રમ રાખ્યો હતો. મિત્રોની સંખ્યા અનુકૂળતા પ્રમાણે ઓછીવધતી થયા કરે. આ ફોટો પ્રકાશભાઈની 77મી વર્ષગાંઠનો છે. (ડાબેથી) કાર્તિક શાહ, સંજય ભાવે, પ્રકાશ ન. શાહ, નયના શાહ, નિશા પરીખ, ઉર્વીશ કોઠારી અને આશિષ કક્કડ, 12-9-2017

નવજીવન પ્રકાશનના જીતેન્દ્ર દેસાઈ હોલમાં કેટલાક મિત્રો-સ્નેહીઓની હાજરીમાં અશ્વિની ભટ્ટની ટૂંકી વાર્તાના પઠન પહેલાં, અશ્વિનીભાઈનો પુત્ર નીલ, અશ્વિનીભાઈનાં બહેન મીનળ યાજ્ઞિક અને આશિષ કક્કડ, 10-12-2017

અમદાવાદમાં મારા બે દાયકા કરતાં વધારેના સમયમાં થયેલી ને આજીવન મનમાં રહે એવી ઉપલબ્ધિઓમાંની એક એટલે અમારી લંચ કમિટી ઉર્ફે ડબ્બા પાર્ટી. અહીં તેના કાયમી સભ્યોમાં ઋતુલ જોષી નથી, જે નીચેની બીજી બેઠકમાં હાજર છે. શારીક લાલીવાલા, ઉષ્મા શાહ, કબીર ઠાકોર ઘણી વાર હોય, એક સમયે કેતકી જોશી પણ. એ સિવાય બહારથી આવતાં અનુષ્કા જોશી, દીપક-હેતલ કે જયંતભાઈ મેઘાણી કે ડિમ્પલ મહેતા જેવાં મિત્રો પણ ખાસ આમંત્રણથી તેમાં સામેલ થાય. (ડાબેથી) આશિષ કક્કડ, આરતી નાયર, સંજય ભાવે, બિનીત મોદી, ઉર્વીશ કોઠારી, નિશા પરીખ,
મનમાં આ જ મુદ્રા અંકાયેલી રહેશેઃ આશિષ કક્કડ, ઋતુલ જોષી, આરતી નાયર, સંજય ભાવે, બિનીત મોદી, ઉર્વીશ કોઠારી