Monday, March 11, 2013
સરસ્વતીચંદ્રઃ ક્લાસિકનું કચુંબર
![]() |
| ગોવર્ધનરામ ત્રિપાઠી/ Goverdhanram Tripathi |
એક રમુજી વ્યાખ્યા પ્રમાણે, ‘ક્લાસિક’ એટલે એવી કૃતિ, જેના વિશે બધા જાણતા હોય, પણ ભાગ્યે જ કોઇએ વાંચી હોય. ગોવર્ધનરામ ત્રિપાઠીએ ૪ ભાગમાં અને ૧૪ વર્ષમાં (૧૮૮૯-૧૯૦૧) લખેલી ‘સરસ્વતીચંદ્ર’ (ઉપરના અર્થ સહિત) બધા અર્થમાં ગુજરાતી સાહિત્યની ‘ક્લાસિક’ કૃતિ ગણાય છે. ગુણ પ્રમાણે નામ ધરાવતાં પાત્રો (ભણવાનો બહુ મહિમા ન હતો એ જમાનામાં હીરો ભણેલોગણેલો હોવાને કારણે તેનું નામ ‘સરસ્વતી’ચંદ્ર છે), કથાનું વિશાળ ફલક, ઊંડું જીવનદર્શન, સામાજિક વિષમતા દૂર કરીને ‘કલ્યાણગ્રામ’ (આદર્શ સમાજ) સ્થાપવાનું લેખકનું સ્વપ્ન- અને હા, પ્રેમકથા... આવાં અનેક તત્ત્વોને કારણે ‘સરસ્વતીચંદ્ર’ ગુજરાતી નવલકથાઓમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. તેના કર્તા ગોવર્ધનરામ ત્રિપાઠીએ ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં ઘણા લેખ લખ્યા હોવા છતાં, તેમની મુખ્ય ઓળખ ‘સરસ્વતીચંદ્ર’ના લેખક તરીકેની રહી છે.
-અને એક ભાઇ છેઃ સંજય લીલા ભણસાળી. એ ફિલ્મો બનાવે છે અને વખતોવખત ‘ક્લાસિક’ કથાઓનું બેરહમ ભવ્યતાથી કચુંબર કરે છે. અગાઉ એ શરતચંદ્ર ચેટરજીની વિખ્યાત કૃતિ ‘દેવદાસ’ પરથી ફિલ્મ બનાવીને તેના હાલહવાલ કરી ચૂક્યા છે. હવે તેમણે ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’ પરથી ટીવી સિરીયલ શરૂ કરી છે. ‘દેવદાસ’ હોય કે ‘સરસ્વતીચંદ્ર’, પહેલી નજરે એવું લાગે જાણે સંજયભાઇએ આ ચીજો આર્કિટેક્ચરની કોઇ ચેનલ માટે બનાવી હશે. વાર્તાના કેન્દ્રને ખસેડી નાખે એટલી હદની ખલેલ પાડતી ભવ્યતા સંજયભાઇની લાક્ષણિકતા છે. ઘણાને-કદાચ તેમને પણ- એ તેમની સિદ્ધિ લાગતી હશે.
સંજયભાઇના મનમાં ‘દેવદાસ’ કે ‘સરસ્વતીચંદ્ર’ જેવી ક્લાસિક કૃતિઓનું નવસંસ્કરણ કરીને તેમને વર્તમાન પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો ખ્યાલ હશે. વિચાર પવિત્ર કહેવાય, પણ એનો અમલ અરેરાટી ઉપજાવનારો હોય છે. જેમ કે, ‘દેવદાસ’ની મૂળ કથામાં હીરોઇન પારો અને કોઠાવાળી ચંદ્રમુખી કદી મળતાં જ નથી. એ આખી વાર્તાની અનેક વિશિષ્ટતાઓમાંની એક છે. અગાઉ આ જ કથા પરથી ફિલ્મ બનાવનારા પી.સી.બરુઆ અને બિમલ રોય કથાને વફાદાર રહેવાના આગ્રહને કારણે પારો-ચંદ્રમુખીને ભેગાં કરવાની લાલચ ટાળી શક્યા હતા, પણ સંજયભાઇ કોનું નામ? તેમણે તો પારો-ચંદ્રમુખી (ઐશ્વર્યા-માઘુરી)ને ભેગાં કર્યાં તો કર્યાં, સાથે નચાવ્યાં પણ ખરાં. આવી મથરાવટી ધરાવતા ભાઇના હાથમાં ગુજરાતી સાહિત્યની સૌથી પ્રશિષ્ટ અને પ્રતિષ્ઠિત કૃતિઓમાંની એક ‘સરસ્વતીચંદ્ર’ પડે, એટલે ચિંતા થવી સ્વાભાવિક છે.
![]() |
| ’સરસ્વતીચંદ્ર’ ફિલ્મમાં મનીષ-નૂતનઃ Manish-Nutan in Saraswaichandra |
‘સરસ્વતીચંદ્ર’ પરથી નાટક બનાવવાના પ્રયાસ ગોવર્ધનરામ (૧૮૫૫-૧૯૦૭)ની હયાતીમાં શરૂ થઇ ચૂક્યા હતા. કાંતિલાલ પંડ્યાએ ૧૯૧૦માં લખેલા ગોવર્ધનરામના ચરિત્રમાં નોંઘ્યું છે કે ‘મુંબઇ ગુજરાતી નાટક કંપની’ના માલિક તથા મેનેજરે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાની લોકપ્રિયતા જોઇને ખુદ ગોવર્ધનરામને તેના પરથી નાટક લખી આપવા કહ્યું હતું.
કાંતિલાલે લખ્યું છે, ‘ચાર મ્હોટા ભાગવાળા આ ગંભીર ગ્રન્થને એક ચાર કલાકના નાટકના રૂપમાં સારી રીતિએ મૂકવા એ ગોવર્ધનરામને તદ્દન અશક્ય લાગતું. પણ જ્યારે આ માગણી કંઇક આગ્રહથી કરવામાં આવી ત્યારે ગોવર્ધનરામે સરસ્વતીચન્દ્ર સંબન્ધી, પરંતુ પોતાના ગ્રન્થથી જુદા પ્લૉટવાળું એક નાટક લખવાનો વિચાર કર્યો. સરસ્વતીચન્દ્ર, કુમુદસુન્દરી તથા કુસુમસુંદરીનું જીવન પછીથી કેવા પ્રકારનું હતું એ વિષે એમને કેટલાક તરફથી પુછવામાં આવ્યું હતું. એનો ખુલાસો કરવો તથા ત્હેની સાથે કલ્યાણગ્રામની પોતાની યોજના દાખલા સહિત સમજાવવી એ હેતુથી ‘ક્ષેમરાજ અને સાઘ્વી’ એ નામનું એક નાટક રચ્યું. મુંબાઇના ક્ષેમરાજ નામના એક શેઠીઆને સોનેરી ટોળીવાળા કેવી રીતે ઠગી લે છે, એની પત્ની સાઘ્વીને કેવી રીતે દુઃખી કરે છે અને આ સર્વ ઠગાઇમાંથી સરસ્વતીચન્દ્ર, કુમુદ અને કુસુમ, કલ્યાણગ્રામની યોજના દ્વારા કેવી રીતે આ દમ્પતીને બચાવી સુખી કરે છે- એ મુખ્ય વાત છે. આ નાટક ‘મુંબઇની પ્રજાના મનનું રંજન નહીં કરે’ એમ કરીને તે નાટક ‘ગુજરાતી નાટક કંપની’વાળા તરફથી પાછું ફર્યું.’ (જોડણી અસલ પ્રમાણે)
ગોવર્ધનરામના અવસાન પછી ૧૯૧૨માં નીતિદર્શક નાટક મંડળીએ સુરતમાં સ્ટેશનની સામે આવેલી લોટાવાળાની ચાલીમાં આ નાટક ભજવ્યું. તે મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના છોટાલાલ શર્માએ લખ્યું હતું. ઉપલબ્ધ નોંધ પ્રમાણે આ નાટક અત્યંત સફળ નીવડ્યું અને એવું કહેવાતું કે આ નાટક જોવા માટે મુંબઇથી સુરત સ્પેશ્યલ ટ્રેનો દોડતી હતી. (જોકે, તેમાં અતિશયોક્તિ હોવાનો પૂરો સંભવ છે.)
ઓક્ટોબર, ૧૯૧૨માં આ નાટક સુરતથી મુંબઇ આવ્યું અને ભાંગવાડીના થિએટરમાં તેના શોની જાહેરાત થઇ. સુરતમાં ‘સરસ્વતીચંદ્ર’ના નાટકની ભવ્ય સફળતા વિશે મુંબઇના લોકો જાણતા હતા. એટલે નાટકની ટિકિટોના બુકિંગ માટે લાંબી લાઇનો લાગી. પરંતુ પહેલા દિવસે શો શરૂ થાય એ પહેલાં જ ગોવર્ધનરામના વારસદારોએ અદાલતમાં જઇને નાટકની રજૂઆત સામે મનાઇહુકમ મેળવ્યો. તેમાં મૂળ લેખકના હકનું રક્ષણ કરવાની વાત તો હતી જ, પણ વધારે અગત્યનો- સંજય ભણસાળીની સિરીયલ જોતાં ખાસ યાદ આવે એવો મુદ્દો હતોઃ ‘નાટકમાં કશી વિકૃતિ થાય નહીં ને મૂળનું ગૌરવ સાદ્યંત જળવાઇ રહે.’
એ દૃષ્ટિએ વિચારતાં સંજય ભણસાળીનું ‘સરસ્વતીચંદ્ર’ ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’ની મહાવિકૃત આવૃત્તિ જ લાગે છે, જેમાં સરસ્વતીચંદ્ર દુબઇ રહે છે અને સિરીયલની ટેગલાઇન છેઃ ‘મુકમ્મલ મોહબ્બતકી અઘૂરી દાસ્તાન.’
![]() |
| સંજય ભણસાળીની ’સરસ્વતીચંદ્ર’ / Sanjay Bhansali's Saraswatichandra |
સંજય ભણસાળીએ આ શ્રેણીના બે હજાર હપ્તા થાય એવી મહત્ત્વાકાંક્ષા વ્યક્ત કરી છે. ‘દરેક કથાનું જમાને જમાને જુદું અર્થઘટન અને સમયને અનુરૂપ રજૂઆત થતાં રહે, એમાં ખોટું શું છે?’ એવી દલીલ થઇ શકે છે, પરંતુ ભવ્યતામાં જ ભગવાન માનતા સંજય ભણસાળી જેવા દિગ્દર્શકો કૃતિનું મૂળ હાર્દ હણી નાખે અને તેને પરચૂરણ પ્રેમકથા તરીકે રજૂ કરે, ત્યારે ચોક્કસ એવો વિચાર આવે કે એક ક્લાસિક કૃતિના હાર્દની કતલ કરવાનો ગુનો કાયદાની અદાલતમાં ગુનો ગણાય કે એ ‘ક્રીએટીવ લીબર્ટી’માં ખપી જાય?
‘સરસ્વતીચંદ્ર’ના ૧૯૧૨માં થયેલા નાટ્યરૂપાંતર વખતે ‘મૂળમાં કશી વિકૃતિ થાય નહીં, તેનું ગૌરવ સાદ્યંત જળવાઇ રહે’ એ તકરારમાં ગોવર્ધનરામ ત્રિપાઠીના પરમ મિત્ર અને દેશના નામાંકિત ગુજરાતી રસાયણશાસ્ત્રી પ્રો.ત્રિભુવનદાસ ગજ્જરને વચ્ચે રાખીને સમાધાન કરવામાં આવ્યું હતું. એક સાહિત્યકાર-ચિંતક ગોવર્ધનરામ અને એક રસાયણશાસ્ત્રી પ્રો.ગજ્જરની ગાઢ મૈત્રી જુદા લેખનો વિષય છે, પણ અત્યારે એટલું જાણી લઇએ કે નડિયાદના સાક્ષરરત્ન ગોવર્ધનરામે છેલ્લા શ્વાસ મુંબઇમાં પ્રો.ગજ્જરના બંગલે લીધા હતા.
હવે લવાદ તરીકે નીમી શકાય એવા પ્રો.ગજ્જર તો નથી જ, પણ ગુજરાતી સાહિત્યની એક પ્રશિષ્ટ કૃતિના ભવ્ય પરચૂરણીકરણ સામે જેમને વાંધો પડે એવા ગોવર્ધનરામના- ‘સરસ્વતીચંદ્ર’ના ‘સાંસ્કૃતિક વારસદારો’ કેટલા છે, એ પણ મોટો સવાલ છે.
Wednesday, July 25, 2012
‘સત્યમેવ જયતે’ને બદલે નવો મુદ્રાલેખઃ કિંચિદપિ કઃ કરોતિઃ આટલું પણ કોણ કરે છે?
આમીરખાનના રીઆલીટી શો ‘સત્યમેવ જયતે’ વિશે ઘણી ચર્ચા થઇ ચૂકી છે. શોના પ્રશંસકોનો મુખ્ય સૂર હોય છેઃ ભારતમાં કેટલી બધી સમસ્યાઓ છે, જેના વિશે પ્રસાર માઘ્યમો (છાપાં-સામયિકો-ટીવી ચેનલો) ધરાર ઉપેક્ષા અને ઉદાસીનતા દાખવે છે. પરિણામે, દેશનો બોલકો, સમૃદ્ધ વાચક-દર્શક વર્ગ આ સમસ્યાઓથી અજાણ રહી જાય છે. ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ થકી આમીરખાન ભારતની અનેક સમસ્યાઓને પ્રકાશમાં લાવે છે. એ કેટલું સારું કહેવાય? આમીરખાન જેવો ફિલ્મસ્ટાર પોતાના પ્રભાવ અને સ્ટાર વેલ્યુનો ઉપયોગ ગંભીર સમસ્યાઓને ઉજાગર કરવા માટે કરે તેનાથી રૂડું શું હોઇ શકે?
આટલે સુધી બરાબર છે, પણ વાત ફિલ્મસ્ટારની અને ટીવી શોની હોય ત્યારે તે અહીંથી પૂરી થતી નથી. આક્રમક માર્કેટિંગ અને ટીઆરપીની રેસને કારણે ‘સત્યમેવ જયતે’ને ફક્ત સમસ્યાઓની દસ્તાવેજી રજૂઆત કરતો શો બનાવી શકાય નહીં. ખુદ આમીરખાન પણ કહે છે કે એવી રીતે સમસ્યાઓ દર્શાવવામાં આવે તો મોટા ભાગના લોકો એ જુએ નહીં. એટલે એક જૂની રમૂજમાંથી સરખામણી લઇએ તો, સમસ્યાઓની કડવી ગોળીને મનોરંજન-લાગણીના પેંડામાં ખોસીને દર્શકોને પીરસવામાં આવે છે. એમ કરવા પાછળનો પવિત્ર આશય એટલો કે લોકો મનોરંજનના બહાને, રીઆલીટી શોની જેમ કાર્યક્રમ જુએ અને ભારતની ગંભીર સમસ્યાઓથી પરિચિત થાય- તેમના વિચારજગતમાં એ સમસ્યાઓ પ્રવેશે.
પરંતુ જૂની રમૂજમાં બાળક પેંડામાંથી ‘ઠળિયો’ (કડવી ગોળી) ફેંકી દઇને પેંડો ખાઇ જતો હતો. કંઇક એવી જ રીતે, શોના બહુમતી દર્શકો સમસ્યાઓની રજૂઆતમાંથી સમસ્યાઓના મૂળની કડવી ગોળી કાઢી નાખીને, બાકીનો અનુકંપા- અરેરાટી- આંસુ પેદા કરતો કાર્યક્રમ હોંશે હોંશે જોઇ જાય છે. એટલું જ નહીં, એ જોઇને પોતે સામાજિક જાગૃતિ અથવા બદલાવની પ્રક્રિયાનો ભાગ બન્યાનો છૂપો સંતોષ અનુભવે છે. કેટલાક દર્શકોનો સુધરેલા હોવાનો ભાવ પણ એ વિચારે પ્રબળ થાય છે કે ‘આ બઘું તો બીજા લોકો કરે છે. આપણે કેટલા સારા કે આપણે ભ્રુણહત્યા નથી કરતા કે દલિતો માટે કપરકાબી જુદાં નથી રાખતા.’
બહુમતી દર્શકો ‘પેંડામાંથી ગોળી કાઢી નાખે છે’- એવું શી રીતે કહી શકાય? એ માટે અભ્યાસ- સર્વેક્ષણો થયાં નથી, પરંતુ સરેરાશ ભારતીય મથરાવટી માટે એ વાત નવી નથી. ‘કથા સુણી સુણી ફૂટ્યા કાન’ કહેનાર અખાનો મુદ્દો આ જ હતોઃ લોકો ગમે તેવી બોધદાયક કથામાંથી પોતે ગ્રહણ કરવાનો ભાગ બાજુ પર રાખીને, વાર્તારસ માણે છે. એમ કરવામાં બેશક કશું ખોટું નથી- શરત એટલી કે કથાકાર અને કથાશ્રોતાનો વાર્તારસથી વધારે કશો દાવો ન હોવો જોઇએ. માણસ જેમ ફિલ્મ કે નાટક કે ટીવી સીરીયલો જુએ છે, તેમ એ કથા સાંભળે. મનોરંજન, બસ, કેવળ મનોરંજન.
આમીરખાનનો કાર્યક્રમ એ દૃષ્ટિએ આવકાર્ય છે. પરંતુ જેવો કાર્યક્રમના મૂલ્યાંકનનો પ્રદેશ શરૂ થાય કે તરત દલીલ થાય છે, ‘લોકો સમસ્યા વિશે કશું ન જાણતા હોય એના કરતાં થોડુંઘણું કાચુંપાકું પણ જાણતા થાય, એ સારું ન કહેવાય? એમાં ખોટું શું છે? એવા કાર્યક્રમની ગુણવત્તામાંથી ખામી કાઢવી, એ દૂધમાંથી પોરા કાઢવા જેવો વાંકદેખો ઉદ્યમ છે. કોઇ જેટલું પણ સારું કરતું હોય, એટલાનાં આપણે વખાણ કરવાં જોઇએ. બીજા કશું નથી કરતા, ત્યારે એક માણસ આટલું તો કરે છે. બાકી, આપણે ત્યાં આટલું પણ કોણ કરે છે?’
આગળના ફકરામાં થયેલી દલીલો પહેલી નજરે ગળે ઉતરી જાય એવી છે. પરંતુ વાસ્તવિકતાનો થોડો ખ્યાલ કરતાં જણાશે કે મામલો આટલો સીધોસાદો, ફક્ત હકારાત્મક અભિગમ કેળવવાનો નથી. ટીકા કરનારા બધા નકારાત્મક અભિગમ ધરાવતા ટીકાખોર પણ નથી. તેમની ફરિયાદમાં રહેલા તથ્યના આધારે જ ટીકાનો પ્રકાર નક્કી થઇ શકેઃ એ વ્યક્તિગત-પ્રકૃતિગત દ્વેષ-નકારાત્મકતા જેવા ભાવથી કરાયેલી ટીકા છે કે તેમાં આમીરખાન પ્રત્યેના કોઇ અભાવ વિના, ચોક્કસ મુદ્દાને લગતી વાત છે?
‘સત્યમેવ જયતે’ જેવા શોની મુદ્દાસર, બિનવ્યક્તિગત ટીકામાં પણ બધા સંમત હોય એ જરૂરી નથી. ઉદાહરણ તરીકે, આમીરખાન જંતુનાશકોની ખતરનાક અસરો વિશેનો આખો કાર્યક્રમ કરે અને તેમાં મોન્સાન્ટો કંપનીનું નામોનિશાન ન હોય, તો એ વાતને પણ બે રીતે જોઇ શકાય. એક વર્ગ કહેશે,‘તમે જંતુનાશકોનાં અનિષ્ટોની વાત કરતા હો અને એ માટે આખા જગતમાં ગવાઇ ગયેલી કંપનીની વાત જ ન કરો, એ કેવી રીતે ચલાવી લેવાય?’
જ્યારે‘હકારાત્મક દૃષ્ટિકોણ’ ધરાવતા લોકો કહેશે,‘એમાં શું? મોન્સાન્ટોનું નામ ન લીઘું તો કંઇ નહીં. જેટલા મુદ્દા આવ્યા તે બરાબર હતા કે નહીં? જે આવ્યું તેની વાત કરવાને બદલે, જે નથી આવ્યું તેની પિંજણમાં શા માટે પડવું જોઇએ? એમ તો ટીકા કરનારા લોકોને કાર્યક્રમ બનાવવાનો થાય, તો એમાં પણ ઘણું બઘું રહી જાય.’
‘હકારાત્મક’ ઉત્સાહમાં જે મુદ્દો ચૂકાઇ જાય છે તે આઃ જે રહી ગયું તે સમયની અછતના અભાવે- વિષયના બહોળા વ્યાપના અભાવે રહી ગયું કે પછી તેને ઇરાદાપૂર્વક બાકાત રખાયું? અંગ્રેજીમાં ‘સિન્સ ઓફ ઓમિશન’ (જાણીબુઝીને ગુપચાવવાનો ગુનો) કહેવાય છે, એવું તો નથી ને? લખાણોમાં સ્થળસંકોચના અભાવે કે ટીવી પર સમયની મારામારીમાં ઘણી વાર મહત્ત્વના મુદ્દા રહી જતા હોય છે. એ યોગ્ય નથી, છતાં ક્ષમ્ય ગણી શકાય. પરંતુ મોટા ભાગના વિષયમાં ‘રહી જાય તો ચાલે જ નહીં’ એવા કેટલાક મુદ્દા પણ હોય છે.
દા.ત. હિગ્સ-બોસોન પાર્ટિકલની વાત ચાલતી હોય અને કોઇ સત્યેન્દ્રનાથ બોઝને યાદ ન કરે, તો એ કેમ ચાલે? વિદેશીઓ ભારતીયોના પ્રદાનને ઉવેખે કે તેમને યાદ ન કરે ત્યારે તરત એમની પર રંગદ્વેષનો (ઘણી વાર સાચો) આરોપ થતો હોય છે, પરંતુ એ ફૂટપટ્ટી ઘરઆંગણે લાગુ પાડવામાં આવતી નથી. એટલે, આમીરખાન આભડછેટ વિશેનો આખેઆખો કાર્યક્રમ ડો.આંબેડકરને યોગ્ય રીતે સંભાર્યા વિના કરી નાખે, ‘આઉટલૂક’ (૨૩ જુલાઇ,૨૦૧૨)માં એસ.આનંદ શોમાં થયેલા ‘સિલેક્ટીવ એડિટિંગ’ની, અણીયાળા ઉલ્લેખો પર ફરેલી કાતરની ઉદાહરણો સાથે ટીકા કરે, તો પણ આમીરખાન દોષમાં આવતા નથી. ઉલટું, એમની ટીકા કરનારા ટીકાખોરમાં ખપી જાય છે. કારણ કે એ વખતે આપણી અસલ ફુટપટ્ટી-આપણો રાષ્ટ્રિય ઘ્યેયમંત્ર કામે લાગે છેઃ કિંચિદપિ કઃ કરોતિ? (આપણે ત્યાં) આટલું પણ કોણ કરે છે? આવું બીજા લોકો ઉપરાંત કરનારા પોતે પણ માની બેસે ત્યારે ખરી મુશ્કેલી થાય છે.
સમાજસુધારો-જાતસુધારો
સ્વૈચ્છિક સંસ્થા હોય કે સરકારી તંત્ર, ભ્રષ્ટ અધિકારીઓ હોય કે ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશકારો- ‘આટલું પણ કોણ કરે છે?’ના જાદુઇ મંત્રથી તેમની બધી મર્યાદાઓ માફ થઇ જાય છે- એટલું જ નહીં, તેમની મર્યાદાઓ ચીંધનારાને વાંકદેખા તરીકે ખપાવી શકાય છે. સ્વૈચ્છિક સંસ્થાઓ તેમને મળતા ફંડમાંથી મોટો ભાગ વહીવટી ખર્ચમાં વાપરી કાઢે, તો પણ એમની ટીકા ન થાય. ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશની દિશા વિશે પાયાના સવાલો ઊભા ન કરી શકાય. એવું કરનાર પર વળતો પ્રહાર તૈયાર જ હોયઃ ‘બહુ એવું હોય તો તમે કરી બતાવો. તમારે તો બસ બેઠાં બેઠાં પથરા ફેંકવા છે. એક વાર કામ કરવા આવો. પછી ખબર પડશે કે કેટલા વીસે સો થાય છે.’
પરંતુ પ્રશ્ન એ છે કે બીજા જે ન કરતા હોય એવું કામ (કે તેનો દાવો) કરનારને, અહોભાવરહિત મૂલ્યાંકનમાંથી મુક્તિ મળી જાય? તેમનું મૂલ્યાંકન બીજું કોઇ કરી જ ન શકે? સ્વૈચ્છિક સંસ્થાઓની વાત કરીએ તો, સંસ્થા ચલાવવા માટે કેટલીક મર્યાદાઓ અનિવાર્ય હોઇ શકે છે, પરંતુ તેનું પ્રમાણભાન હોય કે નહીં? સંસ્થાને મળતા ભંડોળમાંથી મોટો ભાગ કેવળ વહીવટી ખર્ચા અને કાગળ પરના કાર્યક્રમોમાં ખર્ચાઇ જતો હોય, તો પણ તેમની ટીકા ન કરવી? અને ક્યાં સુધી ન કરવી?
ધારો કે કોઇ સંસ્થા બાળમજૂરી, ભ્રષ્ટાચાર કે દલિત સમસ્યા જેવા મુદ્દે કામ કરતી હોય તો,બે-પાંચ-દસ વર્ષમાં તે આ બઘું નાબૂદ કરી નાખે એવી અપેક્ષા કોઇ રાખતું નથી. પરંતુ આ સમસ્યા સામે લડવાનો દાવો તે કરતાં હોય ત્યારે -અને એ માટે અઢળક નાણાં મેળવતાં હોય ત્યારે તો ખાસ- તેમના કામની દિશાની અને પદ્ધતિની પૂરતી તપાસ શા માટે ન થવી જોઇએ?
અભિનેતા આમીરખાન માટે ‘સત્યમેવ જયતે’ એક શો છે. ‘કૌન બનેગા કરોડપતિ’ કે ‘દસકા દમ’ જેવા શોની સરખામણીમાં તેની વધારાની ખાસિયત એ છે કે એ ભારતની રોજબરોજની છતાં ગંભીર સમસ્યાઓની વાત કરે છે. આ સમસ્યાઓ પોતાની આસપાસ હોવા છતાં, તેમની પ્રાથમિક જાણકારી મેળવવા માટે લોકોને આમીરખાનના શોની જરૂર પડે છે એ જુદી કરુણતા છે.
આમીરખાને જે સમસ્યાઓ વિશે ‘સત્યમેવ જયતે’માં વાત કરી, તેના વિશે પ્રસાર માઘ્યમોમાં કશું આવતું નથી એમ કહેવું પણ સાચું નથી. અખબારો-સામયિકો અને અમુક અંશે ચેનલો ઉપર આ બધી જ સમસ્યાઓ અને તેમના કારણે સર્જાતા સમાચાર, ભલે અપૂરતી માત્રામાં, પણ આવતા હોય છે. પરંતુ તેમને આમીરખાનની સ્ટારવેલ્યુનો લાભ મળતો નથી. આમીરખાનને કારણે શો જોવા બેઠેલા લોકોને સમસ્યાના અસ્તિત્ત્વ વિશે શો જોયા પછી જ ખબર પડે, તો તેમાં એમણે પ્રસાર માઘ્યમોના વાંકની સાથોસાથ, વાસ્તવિકતા પ્રત્યે આંખ આડા કાન કરતી પોતાની જીવનદૃષ્ટિ વિશે પણ વિચારવાની જરૂર નથી?
પરંતુ આમીરખાનનો કાર્યક્રમ પોતાનો વાંક કાઢવા માટે નથી. દુનિયા કેટલી ખરાબ છે, એ જાણીને ડચકારા બોલાવવા અને આંસુ સારવા માટે છે. એ વખતે આપણે પણ એ જ દુનિયાનો હિસ્સો છીએ, એ કેટલાને યાદ રહેતું હશે?
સમસ્યાઓની અખંડ આગમાં અત્યાર સુધી અનેક લોકો યથાશક્તિ ડોલ-પીપડાં-ટેન્કર ભરીને પાણી રેડી ગયા. હવે આમીરખાન પણ તેમાં પોતાના તરફથી ચમચી રેડી રહ્યા છે. આમીરખાનના પ્રયાસનું માપ ચમચીમાં એટલા માટે કે એ જે પ્રકારની સમસ્યાઓની વાત કરે છે, તેમાં એક સ્વપ્ને સવાર પડી જતું નથી. વર્ષોની કામગીરી પછી પણ સમસ્યાઓની ગંભીરતા ઓછી ન થઇ નથી એ યાદ રાખીને, આમીરખાનના દોઢ-બે કલાકના એક કાર્યક્રમનું મૂલ્યાંકન કરવું પડે. સાથોસાથ તેની અસર અને એ કેટલું ટકી તેની પણ માહિતી સમાવી શકાય તો પ્રમાણભાન બરાબર જળવાય.
- અને એ પણ યાદ રાખવું પડે કે સમાજસુધારો - એટલે કે જાતસુધારો- એ હેરઓઇલ- કોલા- ચ્યવનપ્રાશ-સૌંદર્યપ્રસાધનની બ્રાન્ડ નથી કે કોઇ સ્ટાર કહે એટલે લોકો એને હોંશેહોંશે અપનાવી લે.
(શીર્ષકપંક્તિ સૌજન્યઃ સ્વાતિ શાહ)
Tuesday, July 06, 2010
તારક મહેતાકા ઉલ્ટા ચશ્માઃ ચોવડી સદી


તારકભાઇને સફળતા સાથે જબરું લેણું છે.
Friday, February 12, 2010
‘દૃષ્ટિકોણ’માં વેલેન્ટાઇન્સ ડે વિશે
સંચાલનઃ ઉર્વીશ કોઠારી, નિર્માત્રીઃડો.રૂપા મહેતા
શનિવારે સાંજના સાડા સાત વાગ્યે, દૂરદર્શન ગિરનાર
Friday, January 29, 2010
બીટી રીંગણ વિશે માહિતીપ્રદ ‘દષ્ટિકોણ’
આ મુદ્દે વિગતવાર ચર્ચા આવતી કાલના ‘દૃષ્ટિકોણ’ કાર્યક્રમમાં, સાંજે ૭:૩૦ વાગ્યે, દૂરદર્શન (ગિરનાર)
ચર્ચામાં ઇન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન જેનેટીક્સના માનદ્ ડાયરેક્ટર ડો.જયેશ શેઠ, મોટા પાયે ઓર્ગેનિક ખેતી કરનાર (વિદ્યાનગરના સ્થાપક ભાઇકાકાના પૌત્ર) સર્વદમન પટેલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલસચિવ રાજેન્દ્ર ખીમાણી.
સંચાલનઃ ઉર્વીશ કોઠારી. નિર્માત્રીઃ ડો.રૂપા મહેતા.
Saturday, January 09, 2010
આજે પુસ્તકો વિશેના ‘દૃષ્ટિકોણ’માં મહેન્દ્રભાઇ મેઘાણી
પુસ્તકપ્રેમીઓ-વાચનપ્રેમીઓ કાર્યક્રમ જુએ, પ્રતિભાવ જણાવે.
Monday, December 28, 2009
તારક મહેતાની 80મી વર્ષગાંઠ
(Real) Tarak & Indu Maheta with 'Tapu' & 'Gogi' of Tarak Maheta ke ooltah chashmah
Mrs. & Mr. Asit Modi (stripped shirt), Mahesh Vakil (red T shirt) with Tarak & Indu Maheta‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ની પ્રચંડ લોકપ્રિયતા પછી, તારકભાઇની ઓલરેડી દંતકથાસમી લોકપ્રિયતામાં આખેઆખી નવી પેઢીનો અને બિનગુજરાતીઓ ટીવી દર્શકોનો ઉમેરો થયો છે. સિરીયલના નિર્માતા આસિત મોદી ઇન્દુકાકી અને તારકભાઇના પુત્રવત્ સ્નેહી મહેશભાઇ વકીલ સાથે મળીને તારકભાઇ પર પ્રેમ ઢોળવાનાં અવનવાં કાવતરાં ગોઠવતા રહે છે. ‘ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમ તેમાં હોંશભેર સામેલ થાય છે. એવું એક કાવતરું તારકભાઇની 80મી વર્ષગાંઠ (26 ડિસેમ્બર)ની આગલી સાંજે આસિતભાઇએ ગોઠવ્યું.
ઠ
અમદાવાદની એક હોટેલમાં તેમણે તારકભાઇ માટે સરપ્રાઇઝ પાર્ટી રાખી હતી. મુંબઇથી ‘ઉલ્ટા ચશ્મા’ની ટીમના ઘણાખરા સભ્યો બસમાં – અને ડો.હાથી વિમાનમાં- 25 તારીખે અમદાવાદ આવી ગયા. રાત્રે ટીવી પત્રકારોની ભરપૂર હાજરીમાં નવની આસપાસ શરૂ થયેલી પાર્ટીમાં રાત્રે બાર વાગ્યે તારકભાઇએ કેક કાપીને 81મા વર્ષમાં પ્રવેશ કર્યો. સાડા બારની આસપાસ મહેમાનોએ એક પછી એક વિદાય લીધી ત્યારે નવેસરથી ડાન્સની રંગત ચાલી. તારકભાઇ તેમની નાજુક તબિયત અને સ્થિતપ્રજ્ઞ માનસિકતા સાથે વચ્ચે વચ્ચે એક-બે મિનીટ માટે ડાન્સમાં જોડાઇ જતા હતા.
આસિતભાઇએ તારકભાઇ-ઇન્દુકાકીને 81મા વર્ષના પ્રવેશ નિમિત્તે રૂ.1000ની 81 નોટોનો હાર પહેરાવ્યો. દયાનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ ‘આજ તક’ માટે તારકભાઇનો દયા-સ્ટાઇલમાં ઇન્ટરવ્યુ લીધો. રાત્રે એકાદ વાગ્યે પાર્ટી પૂરી થઇ અને બધા બહાર નીકળ્યા, ત્યારે હોટેલની બહાર પણ ઘણા લોકો ‘ઉલ્ટા ચશ્મા’ની ટીમને જોવા ભેગા થયા હતા. તારકભાઇ સાથેના સ્નેહસંબંધ ઉપરાંત એક ગુજરાતી લેખકનો આ રીતે જયજયકાર થાય – અને એ લેખક આછકલાઇના નામોનિશાન વગર બધું પચાવીને સ્વસ્થ-સામાન્ય રહી શકે, એ બન્ને બાબતોથી એકસરખો હરખ થાય છે.



Thursday, December 17, 2009
નોટીઝ- નામા ૨૦૦૦-૦૯ : એકવીસમી સદીનું ‘સમજ્યા હવે!’
સેલફોનઃ નેવુના દાયકાના અંત સુધી સેલફોન ગૌરવભેર હાથમાં પકડવાની કે કમરે લટકાવવાની ચીજ હતો. શરૂઆતનાં વર્ષોમાં આઉટગોઈંગનો મિનીટ દીઠ ૧૬ રૂ. અને ઇનકમિંગનો મિનીટ દીઠ ૮ રૂ. ભાવ જોતાં ફોન વાપરનારનો વટ પડે એ બરાબર હતું. ફોનનું વજન પણ એવું કે કોઇને છૂટોે માર્યો હોય તો ફોનને બદલે સામેવાળાના કપાળની ચિંતા કરવી પડે, પણ આ દાયકામાં ફોનના સામાજિક દરજ્જાનું એટલું ઝડપી અવમૂલ્યન થયું છે કે ‘મારો સેલનંબર? સોરી, હું સેલફોન નથી રાખતો.’ એમ કહેવામાં મોભો ગણાય છે. પચીસ-પચાસ લાખની વૈભવી કાર ફેરવનારા શેઠો-સાહેબોથી માંડીને, ઘરેથી સાયકલ લઇને કારના ડ્રાઇવર તરીકે નોકરી કરવા આવનાર સુધીના સૌને સેલફોન પોસાય છે. ‘અમે અમારા બધા માણસોને એકેક સેલફોન આપી દીધા છે. એટલે કોઇ જાતની મગજમારી જ નહીં’ આવા ઉદગારો ઓફિસના બોસના મોઢેથી બોલાવા લાગે, એટલે સેલફોનના સ્ટેટસની, બકૌલ મુન્નાભાઇ, કેવી વાટ લાગી હશે એ કહેવાની જરૂર રહેતી નથી.
કારઃ ‘ગાડી’ એટલે ‘એમ્બેસેડર’ એવી વ્યાખ્યા ભારતમાં દાયકાઓ સુધી ટક્યા પછી એકાદ-બે દાયકા માટે ‘નવી ગાડી’ એટલે ‘મારૂતિ’ એવો જમાનો આવ્યો. હાથમાં ગાડીની ચાવીની હોય કે ઘરના બારણે ગાડી પાર્ક થયેલી હોય (ભલે કોઇ સગાવહાલાની કે મિત્રની) તો પણ વટ પડતો હતો. એકવીસમી સદીમાં હવે સેલફોનની જેમ કારથી પણ કોઇ અંજાતું નથી. એની સૌથી વધારે ચિંતા કારમાલિકોને છે. કારણ કે દેખાદેખીથી કે રોલા પાડવા માટે લોન લઇને તેના આકરા હપ્તા વેઠીને કાર ખરીદનારાની સંખ્યા મોટી હોય છે. ગ્લોબલ વોર્મંિગ અને પેટ્રોલખાઉ વાહનોથી થતા પ્રદૂષણ વિશે જાણકારી હોવા છતાં, હવે ‘મોટી ગાડી’થી છાકા પાડવાનો જમાનો છે. ફક્ત ‘ગાડી લીધી’ એવું કહેવાથી પ્રભાવ તો બાજુ પર, કોઇ નોંધ પણ લેતું નથી એવું લાગતાં, ઉત્સાહી લોકો કહે છે,‘હમણાં મોટી ગાડી લીધી.’ સાંભળનારા મોટે ભાગે સહિષ્ણુ હોવાથી ‘એમાં અમે શું કરીએ?’ અથવા ‘મોટી એટલે? મોટા હપ્તાવાળી?’ એવું કહી શકતા નથી. મોટી ગાડીવાળા ભલે થોડાં વર્ષ હરખાઇ લે, કારણ કે આવતા દાયકાના અંત સુધીમાં ગ્રીન ટેકનોલોજી ધરાવતી ગાડીઓ બજારમાં પ્રવેશીને ફેશન બની ચૂકી હશે.
સેટેલાઇટ લોન્ચિંગઃ એંસી-નેવુના દાયકામાં ‘ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન’- ઇસરોએ અવકાશમાં ઇન્સેટ ઉપગ્રહો ચડાવવાની ટેકનોલોજી સિદ્ધ કરી લીધી. દૂરદર્શનના એ યુગમાં ‘ઇસરો’નો ઉપગ્રહ ‘ઇન્સેટ’ એ હવામાનના નકશાનો પર્યાય બની ગયો હતો. ઉપગ્રહો અને તેને લોન્ચ કરવાનાં વેહીકલમાં માસ્ટરી મેળવનાર ‘ઇસરો’એ ૨૦૦૦ના દાયકાના પહેલા જ વર્ષમાં, ઇન્સેટ સિરીઝની ‘ત્રીજી પેઢી’નો ઉપગ્રહ ઇન્સેટ ૩-બી તૈયાર કરીને અવકાશમાં મોકલ્યો અને બીજા વર્ષે, ૨૦૦૧માં, પોતાના પોલર સેટેલાઇટ લોન્ચ વેહીકલ (પીએસએલવી) મારફતે પોતાના એક ઉપરાંત જર્મની અને બેલ્જિયમના પણ એક-એક સેટેલાઇટ રવાના કરી આપ્યા. ત્યાર પછીનાં વર્ષોમાં ઉપગ્રહો ચડાવવાની બાબતમાં ‘ઇસરો’નો સિક્કો વિશ્વસ્તરે જામી ગયો. ગયા વર્ષે ઇસરોએ સફળતાપૂર્વક ચંદ્ર પર યાન મોકલીને અને આ વર્ષે સપ્ટેમ્બરમાં એક જ વેહીકલ (પીએસએલવી- સી ૧૪) દ્વારા સામટા સાત સેટેલાઇટ ભ્રમણકક્ષામાં ગોઠવીને બધી નવાઇઓનો જાણે અંત લાવી દીધો છે. સમાનવ ચંદ્રયાત્રાનું લક્ષ્યાંક આવતા દાયકા માટે ઉભું છે, પણ સેટેલાઇટ લોન્ચિંગ સાથે સંકળાયેલો અહોભાવ ‘ઇસરો’એ પોતાની કાબેલિયતથી સમાપ્ત કરી દીધો છે.
સેટેલાઇટ ચેનલઃ દૂરદર્શનના એકધારા, બીબાઢાળ અને ઉત્તમ ધારાવાહિકોને બાદ કરતાં ‘સરકારી’ કહેવાય એવા પ્રસારણ છતાં તેની સાથે નવાઇ અને મઝાનાં તત્ત્વો સંકળાયેલાં હતાં. સેટેલાઇટ ચેનલ ત્યારે વિજ્ઞાનકથાનો વિષય હતી. નેવુના દાયકામાં સી.એન.એન. અને સ્ટાર જેવી ચેનલો ભારતમાં દેખાવા લાગી ત્યારે દર્શકો રોમાંચિત થઇ ગયા અને ભારતમાં ન્યૂઝચેનલો આવશે ત્યારે કેવી મઝા પડી જશે તેની કલ્પના કરવા લાગ્યા. એકવીસમી સદીના પહેલા દાયકામાં એ કલ્પના સાકાર થઇ. ૨૦૦૧માં ટીવી પર પહેલો ધરતીકંપ અને ૨૦૦૨માં પહેલી વાર દિવાનખાનામાં (ગુજરાતની) કોમી હિંસા લોકોએ જોઇ. પણ જેટલાં વર્ષોથી સેટેલાઇટ ચેનલોની પ્રતિક્ષા થઇ રહી હતી, તેનાથી પા ભાગના સમયમાં ચેનલોનો રંગ ઉતરી ગયો.
ભારતમાં દેશીવિદેશી બઘું મળીને અત્યારે ૫૦૦થી પણ વઘુ ચેનલ છે અને બીજી લગભગ ૧૫૦ ચેનલોની અરજીઓ માહિતી-પ્રસારણ મંત્રાલયમાં પડી છે. પરંતુ પ્રમાણભાન જાળવ્યા વગર જે મળ્યું તેને ચગાવવાની વૃત્તિ અને સાવ તુચ્છ બાબતોને ‘બ્રેકિંગ ન્યૂઝ’ તરીકે ચમકાવવાની રસમને કારણે ન્યૂઝ ચેનલો લોકોની ગાળો ખાય છે, જ્યારે મોટા ભાગની સ્થૂળ અને ઢંગધડા વગરની સિરીયલોને લીધે એન્ટરટેઇનમેન્ટ ચેનલો વિશે પણ લોકોના મનમાં જરાય ભાવ રહ્યો નથી. ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રોફિક જેવી ચેનલોએ તેમનો જ્ઞાનવિજ્ઞાનનો ગઢ જાળવી રાખ્યો છે, પણ એકવીસમી સદીમાં અઢારમી સદીની માનસિકતા ઉશ્કેરે-દૃઢ બનાવે એવા સમાચારો-કાર્યક્રમોનો મારો ચલાવતી મોટા ભાગની ચેનલોને કારણે ઘણી વાર લોકોને લાગે છે કે ચોવીસ કલાકની ચેનલોની શી જરૂર છે? દિવસમાં ત્રણ ટાઇમ સમાચાર મળે તો બહુ છે.
કેમેરાઃ કેસેટ કેમેરા તરીકે ઓળખાતા કંપાસછાપ અને સાવ પ્રાથમિક કેમેરાને બાદ કરો તો, વીસમી સદીમાં કેમેરા વાપરવો એ કસબનું અને અમુક હદે કળાનું પણ કામ ગણાતું. એસ.એલ.આર. તરીકે ઓળખાતા પ્રોફેશનલ કેમેરાની કિંમત પાંચ આંકડામાં, ઉપરથી ‘રોલ’ તરીકે ઓળખાતી ફિલ્મનો ખર્ચ અને છેલ્લે ફિલ્મ ડેવલપ કરાવીને પ્રિન્ટ કઢાવવાનો ચાંલ્લો. એમાં કેટલા ફોટા સારા આવ્યા ને કેટલામાં માથાં કપાયાં એ સવાલો તો ખરા જ. એ સ્થિતિમાં સારા (એટલે ‘ચોખ્ખા’- ચહેરો દેખાય એવા) ફોટા પાડનારનો દબદબો રહેતો. પોતાના ફોટા પડાવવા લોકો ફોટોગ્રાફરોને વિનંતી કરતા અને સાધતા. કમ્પ્યુટર ન હોય એટલે ફોટોશોપ પણ નહીં. એટલે એક વાર જે ફોટો પડ્યો તે વિધીના લેખ જેવો. એમાં કશી મીનમેખને અવકાશ નહીં. પણ ફોટોગ્રાફીનો ડિજિટલ યુગ શરૂ થતાં જ આ બધી વાતો સદીઓ જૂની હોય એવી લાગવા માંડી છે. કોઇ પણ પ્રસંગે એકાદ-બે રોકેલા ફોટોગ્રાફરની સાથે પોતપોતાના ડિજિટલ કેમેરા અને સેલફોનમાં જડેલા કેમેરા સાથે આઠ-દસ માણસોનું ટોળું ફોટા પાડવાનો આનંદ લેતું હશે અને વ્યાવસાયિક ફોટોગ્રાફર નિઃસાસા સાથે વિધિના પલટાયેલા ખેલ જોતા હશે.
ભાજપનું હિંદુત્વઃ બે દાયકા પહેલાં અડવાણીની સોમનાથથી અયોઘ્યા યાત્રાના પગલે શરૂ થયેલું ભાજપી હિંદુત્વનું મોજું આખરે ૨૦૦૦ના દાયકામાં ઓસર્યું છે અને વિશાળ મોજું ઓસર્યા પછીનો કાદવકીચડ દેખાવા લાગ્યો છે. લોકસભામાં બે બેઠકો ધરાવતો ભારતીય જનતા પક્ષને હિંદુત્વની લાગણી ઉશ્કેરીને જોતજોતાંમાં સાથીપક્ષોની મદદથી સરકાર બનાવવા સુધી પહોંચી ગયો, પરંતુ છેલ્લી બે ચૂંટણીમાં પરાજિત ભાજપ હિંદુત્વના મુદ્દે અવઢવમાં છે. ‘સંઘ ખેંચે સીમ ભણી ને સાથીપક્ષો ખેેચે ગામ ભણી’ એવો તેના ઘાટમાં હિંદુત્વ કોરાણે મુકાઇ ગયું છે. ગુજરાત જેવા રાજ્યમાં રાજકીય સ્તરે ભાજપી હિંદુત્વની જગ્યા ‘મોદીત્વ’એ લીધી છે. જમ્મુ અને કાશ્મીરમાં સંઘર્ષ થયો ત્યારે ભાજપે હિંદુ રાજકારણ ખેલવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરી જોયો, પણ ગુજરાત જેવી સફળતા બીજે ક્યાંય મળી નથી. ભાજપી હિંદુત્વની લહેરો જ્યાંથી સર્જાઇ હતી, એ ઉત્તર પ્રદેશમાં ભાજપ શોઘ્યું જડે એમ નથી.
બાયપાસ સર્જરીઃ એંસી-નેવુના દાયકામાં બાયપાસ સર્જરી કરાવવી એ આર્થિક અને શારીરિક બન્ને રીતે સાહસનું કામ હતું. સરકારી નોકરી કરતા લોકો કે માલેતુજારોને જ એ પોસાય એવું હતું. ડોક્ટરો પણ દર ત્રીજા (કે ચોથા) દર્દીને એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસના લાંબાપહોળાઊંડા ખાડામાં ધકેલતા ન હતા. બાયપાસ કરાવી આવનાર વ્યક્તિ હિમાલય ચઢીને પાછી આવી હોય તેમ લોકો અમને મળવા, ખબર કાઢવા અને એમના બાયપાસના અનુભવોની કથાનાં પ્રકરણો સાંભળવા જતા હતા. હવે બાયપાસ કરાવવામાં કશું ગૌરવ રહ્યું નથી, પણ કેટલાકને બાયપાસ ન કરાવવામાં શરમ લાગતી હોય- અને સમાજના મહેણાનો ડર લાગતો હોય એવું બને. (અરે? તમે હજુ બાયપાસ નથી કરાવી? કેમ ફાયનાન્શ્યલ પ્રોબ્લેમ છે?) કોઇ ‘બાયપાસ’ કરાવનારા જાહેર જગ્યાએ પોતાનો વિશેષાધિકાર જમાવવા કહે કે ‘જરા આઘા ખસો. મેં બાયપાસ કરાવી છે.’ તો ટોળામાંથી બીજા ચાર-છ-આઠ અવાજો ‘અમે પણ બાયપાસ કરાવી છે. તેથી શું થઇ ગયું?’ એમ કહેતા ઉભા થઇ જાય એવો પૂરો સંભવ છે.
સ્ટીંગ ઓપરેશનઃ હજુ સુધી ‘સ્ટીંગ ઓપરેશન’નું હિંદી ‘કાંટા લગા’ કરવાનું કોઇને કેમ સૂઝ્યું નહીં હોય, એવી નવાઇ બાજુ પર રાખીએ તો અત્યારે કોઇને કહીએ તો માન્યામાં ન આવે કે માંડ એક-બે દાયકા પહેલાં ટેપરેકોર્ડરથી સ્ટીંગ ઓપરેશન થતાં હતાં. અહેવાલ છાપનાર તેમાં લખે કે ‘અમારી પાસે આ વાતચીતના રેકોર્ડેડ પુરાવા છે’ એટલે ખલાસ! ‘આઉટલૂક’ સામયિકે ટચૂકડા વિડીયો કેમેરા વડે મેચ ફિક્સિંગ જેવા વિષયોમાં સ્ટીંગ ઓપરેશન કર્યું, ત્યારે કેટલાય ક્રિકેટરો મેદાનની બહાર ફિલ્ડિંગ ભરતા થઇ ગયા. ત્યાર પછી ‘તહલકા’ની ટીમે સ્ટીંગ ઓપરેશનનો વારસો આગળ વધાર્યો અને ભારતીય લોકશાહીની પવિત્ર ગાય ગણાતા સૈન્યના ભ્રષ્ટાચારનો ભાંડો ફોડ્યો. તેનાથી તરખાટ બહુ થયો, પણ સરકારે સ્ટીંગ ઓપરેશન કરનારાને સાણસામાં લેવાનું વલણ દાખવ્યું. ‘સાધનશુદ્ધિ’ની અને વિશ્વસનીયતાની ચર્ચાઓ જાગી. ત્યાર પછી ‘તહલકા’ના દરેક સ્ટીંગ ઓપરેશન વખતે ‘સ્ટીંગ’ (ડંખ)ની અસર ઉત્તરોત્તર ઘટતી ગઇ. છેલ્લે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં ગુજરાતની કોમી હિંસા અંગે તહલકાએ કરેલા સ્ટીંગ ઓપરેશનમાં ઘણો બારૂદ હોવા છતાં, એની પર લોકોની ઉપેક્ષાનું ટાઢું પાણી રેડાઇ ગયું.
Monday, October 05, 2009
તારક મહેતાકા ઉલ્ટા ચશ્માઃ નામમાંથી બ્રાન્ડ
એક ઉલ્ટા ચશ્મા આપો. Saturday, August 22, 2009
મેઘાણીની વેબસાઇટ વિશે ટીવી કાર્યક્રમ
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને નાનક મેઘાણીના પુત્ર પિનાકીભાઇના આ કર્તૃત્વને આવરી લેતો એક ટીવી કાર્યક્રમ રવિવાર, તા. 23-8-09ની સાંજે આઠ વાગ્યે ગુજરાતી દૂરદર્શન (ગિરનાર ચેનલ) પરથી પ્રસારિત થશે. આ કાર્યક્રમમાં વેબસાઇટનાં કેટલાંક દૃશ્યો ઉપરાંત મેઘાણી-ગાંધીની વિશિષ્ટ મુલાકાત વિશેની વાતો પણ નાનકભાઇના મોઢેથી સાંભળવા મળશે.
મેઘાણી વિશેની કોઇ પણ ઠેકાણાસરની માહિતી જાણવા કે જણાવવા ઇચ્છતા મિત્રો માટે પિનાકી મેઘાણીનું ઇ-મેઇલ એડ્રેસઃ pinakimeghani@yahoo.com
Friday, August 07, 2009
દશરીબહેન ચૌધરી (૯૧ વર્ષ) અને નીમુબહેન દેસાઇ (૯૫ વર્ષ) સાથે વાતો

Monday, June 29, 2009
‘ગુજ્જુ’ સિરીયલોઃ લાગણી, બુદ્ધિ અને ‘અસ્મિતા’
જયેશ અધ્યારુએ આરોપનામું રજૂ કર્યું હતું, જય વસાવડાએ લાગણી દુભાવાની બૂમો પાડનારાને ઝાટકીને તેમની પર આરોપનામું મૂક્યું છે. તેની વિગતમાં ઉતરવાને બદલે, મને જે લાગે છે તે-
- લાગણી દુભાવાની બૂમો પાડીને પૂતળાં-નનામી બાળવાં કે કોર્ટમાં કેસ માંડવા એ આત્યંતિકતા છે. પ્રસિદ્ધિ કમાઇ લેવાનો ધંધો પણ ખરો. લાગણીદુભાવ કંપનીઓ જેટલી ઝડપથી પ્રકાશમાં આવે છે, એના કરતાં વધુ ઝડપથી અદૃશ્ય થઇ જાય છે. એટલે, કોઇ બાબતથી ‘મારી લાગણી દુભાઇ છે’ એમ કહી દેવું અને તેના ટેકામાં અષ્ટમપષ્ટમ અસ્મિતાનાં કારણો રજૂ કરવાં એ ઠીક લાગતું નથી.
- ચચરાટ પહોંચાડે અને ખીજ ચડાવે એવી બાબતમાં લાગણી ન દુભાવા દેવી, એનો અર્થ એવો નથી કે બુદ્ધિ પણ ન દુભાવા દેવી. સિરીયલોમાં ગુજરાતી સહીત તમામ પ્રાંતના લોકોનું જે હદે સ્ટીરીયોટાઇપિંગ થાય છે, તેનાથી લાગણી ન દુભાવા દેવી તે એક વાત છે, પણ તેને ‘સેન્સ ઓફ હ્યુમર’ના નામે વધાવી લેવું એ બીજો અંતિમ છે.
- મહેમૂદની ‘મદ્રાસી’ કોમેડીથી દુભાઇને કોઇ દક્ષિણ ભારતીય કેસ ભલે ન કરે, પણ જો તેની સૌંદર્યબુદ્ધિ અને સાદી બુદ્ધિ ઠેકાણે હોય તો તેને સખત ખીજ તો ચડવી જ જોઇએ. એવું પણ થવું જોઇએ કે મહેમૂદ એક વાર સામે મળી જાય ને તો ફેંટ પકડીને પૂછવું છે... એવું જ ગુજરાતી અને બીજાં સ્ટીરીયોટાઇપિંગનું.
- ગુજરાતીઓના ભદ્દા ચીતરામણને હળવાશથી લેવું એક વાત છે, તેની ઉપેક્ષા કરવી બીજી વાત છે અને હરખાઇને વધાવવું એ ત્રીજી વાત છે. લાગણીદુભાવ અથવા હરખઘેલાં વધામણાં એ બે જ વિકલ્પો નથી.
- જે ફુવડ/ક્રુડ છે તે ફુવડ જ રહે છે- ગમે તેટલું સફળ થાય તો પણ. ‘લોકોને ફુવડ જ ગમે છે’ એવી સાધારણ દલીલ સાંભળવા મળશે, પણ શિષ્ટ કોમેડી કેમ નથી ભજવાતી તેનો અફસોસ સાંભળવા મળે છે? એ દિશામાં તત્પરતા કે પ્રયાસ જોવા મળે છે?
- છેલ્લો મુદ્દો ગુજરાતીને ‘ગુજ્જુ’ કહેવા અંગેનો. મને કોઇ ‘ગુજ્જુ’ કહે તો દુભાઇ ન જવાની સહિષ્ણુતા મારામાં છે. પણ બીજા લોકો આપણને જે ઉપહાસાત્મક ઉપનામથી બોલાવતા હોય, તે આપણે પોતે જ પોતાના માટે વાપરીએ એ સહિષ્ણુતા કે ઉદારતા નથી. એ ફેશનેબલ દેખાવાની- અથવા સીધીસાદી- ઘેલાઇ છે એવું મને વર્ષોથી લાગ્યું છે. કેટલાંક ગુજરાતી સામયિકોમાં તો એ પરંપરા વર્ષોજૂની છે. તેમને એવું પણ લાગતું હોય તો નવાઇ નહીં કે તેમની સફળતા અથવા શૈલીનું અથવા ‘આધુનિકતા’નું રહસ્ય ‘ગુજ્જુ’ જેવા શબ્દોનો વપરાશ છે
Friday, June 19, 2009
દૂરદર્શન અને ‘દૃષ્ટિકોણ’
યોગાનુયોગે દોઢેક વર્ષથી ‘ગુજરાત સમાચાર’માં દર મંગળવારે આવતી મારી કોલમનું નામ પણ ‘દૃષ્ટિકોણ’ છે.
વઘુ એક યોગાનુયોગે, રૂપાબહેનના આમંત્રણથી દૂરદર્શન પરના ટોક શો ‘દૃષ્ટિકોણ’નું સંચાલન ઘણી વાર મારે કરવાનું આવે છે.
છેલ્લા બે-ત્રણ મહિનાથી તો લગભગ દર અઠવાડિયે. એમાં સાચર કમિટીના અહેવાલથી માંડીને અંધશ્રદ્ધાના નામે છેતરપીંડી, મહાગુજરાતનાં પચાસ વર્ષ, વિનય-ચારૂલનાં જાગૃતિગીતો, પચાસ વર્ષમાં ગુજરાતનું દલિત સાહિત્ય જેવા અનેક વિષયો આવરી લેવામાં આવે છે. આ કાર્યક્રમમાં ટીવી પરના છપાઇ ગયેલા ચહેરા સિવાયના બીજા, પોતપોતાના વિષયના અધિકારી લોકોને જોવા-સાંભળવા મળે છે, તે ખાસ નોંધવું જોઇએ. કાર્યક્રમમાં મારી ભૂમિકા મારી પદ્ધતિ પ્રમાણેની- છવાઇ ન જવા માગતા સંચાલકની અને અમુક અંશે ચર્ચામાં સહભાગિતાની- છે, એટલે શો કરવાનું ગમે છે.
રસ ધરાવતા મિત્રો મન થાય તો કાર્યક્રમ જોઇ શકે છે, પ્રતિભાવો આપી શકે છે અને શનિવારે સાંજે સાડા સાત વાગ્યે વઘુ સારાં કામ કરવા હોય તો પણ, કોઇ જોરજુલમી નથીઃ-) આ ચેનલ ગુજરાત બહાર, મુંબઇ અને બીજા વિસ્તારોમાં પણ દેખાય છે, એવી રૂપાબહેને ખાતરી આપી છે.
આવતી કાલના કાર્યક્રમમાં શિક્ષણના ખાનગીકરણ અંગે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગાર અને ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ પ્રો.કે.એસ.શાસ્ત્રી સાથેની ચર્ચા છે.
Wednesday, April 22, 2009
Bharat Ek Khoj : Don't 'khoj', It's here !
For many die-hard fans of Shyam Benegal's epic 'Bharat Ek Khoj' (I'm one), DVD set of the said series proved to be quite a costly affair. Now most of the episodes of the series are availble - with its great title music + text- on
http://watchbharatekkhoj.blogspot.com/
I'm putting the link on my bog-roll too.
Enjoy.
(Have to write this post in english as Guj fonts are not handy rightnow.)
Wednesday, January 21, 2009
તારક મહેતાકા ઉલ્ટા ચશ્માઃ અસરો અને આડઅસરો


ગુજરાતી વાર્તાઓ કે નવલકથાઓ પરથી સિરીયલ બનવાની હવે નવાઇ રહી નથી. હરકિસન મહેતા, રજનીકુમાર પંડ્યા, અશ્વિની ભટ્ટ, મહેશ યાજ્ઞિક, વર્ષા અડાલજા અને બીજા ઘણા નામી- ઓછા નામી લોકોની કૃતિઓ ટીવી પર પહોંચી છે. તેમાં ફક્ત પ્રોડ્યુસરને જ નહીં, લેખકને પણ તંદુરસ્ત રકમ અને લોકપ્રિયતા મળી હોય એવાં ઉદાહરણોમાં અત્યાર સુધી રજનીકુમાર પંડ્યાની અધિકારી બંઘુઓએ બનાવેલી સિરીયલ ‘કુંતી’નું નામ આવતું હતું. હવે તેની સાથે ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ને મુકવી પડે. તેનું વિશેષ મહત્ત્વ એ પણ ખરૂં કે સિરીયલના નામમાં અને તેના ટાઇટલ ગીતમાં ગૌરવપૂર્વક લેખકનું નામ મુકવામાં આવ્યું છે.photolines: Tarak Maheta with characters he created. Tarak Maheta- Induben Maheta sitting with Dayaben & Tapu.
Wednesday, August 13, 2008
આતંકવાદનો સામનો છેતરામણી નારાબાજીથી
બોમ્બવિસ્ફોટ પછીના ગુજરાતમાં શાણપણ અને સ્વસ્થતાની સાથોસાથ શીખામણો, ઉપદેશો અને પડ્યા પછી ટંગડી ઉંચી રાખવાની ફેશનનો વાયરો પણ વાયો છે. સ્થાપિત - અને વિસ્થાપિત- હિતો પોતપોતાના એજેન્ડાને સદભાવના અને સામાજિક જવાબદારીમાં વીંટાળીને રજૂ કરી રહ્યાં છે.
જાહેર ફિક્સરો સહિત ઘણા મુખ્ય મંત્રીને અભિનંદન પાઠવતા હતા. એક જાણીતા ગાયક કલાકારના ફાઉન્ડેશને ઉત્સાહમાં આવીને મુખ્ય મંત્રીની તસવીર સાથે લખાવ્યું હતું ‘મંદિરોમેં ઘંટ બાજે, મસ્જિદોંમેં હો અજાન, શેખ કા હરમ ઔર દિન-એ-બરહમન આઝાદ હૈ/ અબ કોઇ ગુલશન ના ઉજડે, અબ વતન આઝાદ હૈ’. વતન કોનાથી ઉજડ્યું હતું અને કોનાથી ‘આઝાદ’ છે, તેના વિશે ખુલાસો કરવાની ૨૦૦૨ પછીના ગુજરાતમાં જરૂર જોવામાં આવી ન હતી.Wednesday, July 23, 2008
‘દુનિયાને ઉંધા ચશ્મા’ હવે ટીવી પર
ગુજરાતી વાચકોની બે-ત્રણ પેઢી જે વાંચીને મોટી થઇ અને હજું પણ ‘ચિત્રલેખા’ હાથમાં પકડ્યા પછી ઘણા લોકો સૌથી પહેલાં જે શોધે છે, તે કોલમ એટલે ‘દુનિયાને ઉંધા ચશ્મા’. તારકભાઇ-ઇન્દુબહેન મુંબઇ છોડીને અમદાવાદ સ્થાયી થયાં, ત્યાર પછી પણ ‘ઉંધા ચશ્મા’નો માળો વીખરાયો નથી.અત્યંત લોકપ્રિય નીવડેલાં તારકભાઇનાં ‘ઉંધા ચશ્મા’નાં લખાણો પરથી સબ ટીવીએ સિરીયલ તૈયાર કરી છેઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.’ (સબ ટીવીના પ્રેસરીલીઝની જોડણી પ્રમાણે લખીએ તોઃ ‘તારક મેહતા કા ઉલ્ટાહ ચશ્માહ’.)
અગણિત ભૂલો ધરાવતા બે પાનાના ગુજરાતી પ્રેસરીલીઝમાં કેવું ગુજરાતી વપરાયું છે, તેના કેટલાક નમૂનાઃ‘ લોકપ્રિય પત્રકાર અને કોલમનીષ્ટ તરીકે જાણિતા, તારક મેહતા હવે તેમની રમૂજને હવે નાના પડદા પર પણ વહેંચે છે. રમૂજની સુવાસ યુક્ત વિષયલક્ષતા અને તેમના તારક ટ્રેડમાર્ક પર દૃષ્ટિપાત કરતા વિભિન્ન દૃષ્ટિકોણ સાથે વસ્તુલક્ષી રીતે શણગારાએલ સંયોજન.’ (કવિ શું કહેવા માગે છે, કંઇ સમજાયું?)
બિનગુજરાતી એડ એજન્સીઓ ગુજરાતી ભાષાનો કેવો કબાડો કરે છે, તેનાં આવાં અનેક ઉદાહરણ આપી શકાય એમ છે. આ બ્લોગ પર એવા લોચાલાપસી મુકવાનો વિચાર પણ છે. દરમિયાન, એક લેખક અને એક વ્યક્તિ તરીકે તારકભાઇના ચાહક તરીકે એ વાતનો આનંદ છે કે ‘ઉંધા ચશ્મા’ તારકભાઇને વ્યવસાયિક રીતે હજુ સુધી ફળી રહી છે.
સમયઃ ૨૮ જુલાઇથી, સોમવારથી ગુરૂવાર રાત્રે સાડા આઠ વાગ્યે, સબ ટીવી પર.
કલાકારોમાં દિલીપ જોશી અને દિશા વાકાણી જેવાં પ્રતિભાશાળી કલાકારો છે. ખુદ તારક મહેતાનું પાત્ર પણ એક અભિનેતા ભજવવાના છે.
અગાઉ મઘુ રાય (કિમ્બલ રેવન્સવુડ), હરકિસન મહેતા (જડચેતન, વેરવૈભવ), અશ્વિની ભટ્ટ (કટિબંધ), રજનીકુમાર પંડ્યા (કુંતી)ની અત્યંત લોકપ્રિય કૃતિઓ હિંદી સીરીયલ તરીકે ટીવી પર આવી છે અને મહદ અંશે તેમનું કચુંબર થયું છે. પણ ગુજરાતી લેખકોને સામાન્ય રીતે ન મળે એટલા રૂપિયા ટીવી રૂપાંતરમાં મળતા હોવાથી, એટલા પૂરતું તેમના ચાહક તરીકે આપણે રાજી થવું જોઇએ.
‘ઊલ્ટાહ ચશ્માહ’માં શું થાય છે? જુઓ, ૨૮ જુલાઇની રાત્રે સાડા આઠ વાગ્યાહ થી.
Saturday, June 28, 2008
હિંદી ફિલ્મોમાં સંગીતનાં નવાં ધોરણ સ્થાપનાર ગુજરાતી સંગીતકારઃ વનરાજ ભાટિયા
‘તમસ’ ટીવી સિરીયલ યાદ છે? ગોવિંદ નિહલાનીએ નિર્દેશીત કરેલી આ સિરીયલ ન જોઇ હોય તો, કમ સે કમ તેનું ટાઇટલ મ્યુઝિક (ક્યાંયથી ન મળે તો ‘યુટ્યુબ’ પરથી) સાંભળી લેવું. ‘ઓ રબ્બા....’ના સંગીતમય આર્તનાદથી ‘તમસ’ના ટાઇટલ શરૂ થાય અને બીજા એક પણ શબ્દ વિના ફક્ત સંગીતની મદદથી, ભાગલા વખતના માનસિક ત્રાસની અનુભૂતિ મનને ઘેરી વળશે. ‘ભારત એક ખોજ’ સિરીયલના આરંભ અને અંતે આવતા વેદગાન જેવા સંગીત અને શબ્દો ગમે ત્યારે સાંભળવાથી પ્રાચીનતાનો અને જ્ઞાનની ખોજનો માહોલ સર્જાઇ જાય છે. તેનાથી બીજા છેડે આવે ‘મંથન’ ફિલ્મનું પ્રીતિ સાગરે ગાયેલું મસ્તીભર્યું ગીત ‘મારો ગામ કાંઠા પારે, જ્યાં દૂધકી નદીયાં વાહે...’ http://www.youtube.com/watch?v=KdR_Yq7xdlE?v=KdR_Yq7xdlE
ગુજરાતીની ભારે છાંટ ધરાવતા આ હિંદી ગીતમાં ગુજરાતી લહેકા અને માટીની મહેકને કારણે, ફિલ્મમાં તે એક પણ વાર આખું વાગતું નથી. છતાં, દર્શકોના કે શ્રોતાઓના મનમાં એ ગીતની અસર લાંબો સમય ટકી રહે છે. આવી વૈવિઘ્યપૂર્ણ સ્વરસૃષ્ટિના સર્જક છે વનરાજ ભાટિયા.
‘આર્ટ ફિલ્મો’ જેવા સગવડીયા લેબલથી ઓળખાતી સમાંતર ધારાની ફિલ્મો સાથે વનરાજ ભાટિયાનું નામ અભિન્નપણે સંકળાયેલું છે. શ્યામ બેનેગલની પહેલી ફિલ્મ ‘અંકુર’ થી છેક ‘સરદારી બેગમ’ સુધી દરેકે દરેક ફિલ્મમાં સંગીતકાર તરીકે વનરાજ ભાટિયાનું નામ વાંચવા મળે. સિત્તેર-એંસીના દાયકામાં કુંદન શાહનું ‘જાને ભી દો યારોં’ હોય કે વિઘુ વિનોદ ચોપરાનું ‘ખામોશ’, અપર્ણા સેનનું ‘૩૬ ચૌ૨ગી લેન’ હોય કે વિજયા મહેતાનું ‘પેસ્તનજી’, પ્રકાશ ઝાનું ‘હિપ હિપ હુર્રૈ’ હોય કે સઇદ મીર્ઝાનું ‘મોહન જોશી હાઝિર હો’- અર્થપૂર્ણ ફિલ્મોનું સંગીત એટલે વનરાજ ભાટિયા, એવું સમીકરણ ચાહકોના મનમાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ સ્થાપિત થયેલું છે.

પરંતુ વનરાજ ભાટિયાને મળ્યા પછી લાગે કે તેમને આવું કોઇ લેબલ ખપતું નથી. ઊલટું, ‘એનએફડીસીવાળા’ ડીરેક્ટરો સામે હળવી નારાજગી પ્રગટ કરતાં ભાટિયા કહે છે,‘એ લોકોને આખું ગીત પિક્ચરાઇઝ કરતાં ફાવતું જ નથી. વઘુમાં વઘુ એકાદ અંતરો પિક્ચરાઇઝ કરી શકે. બાકીનું ગીત કટ.’ વિદેશી ફિલ્મ નિર્દેશકોની અસર તળે ભારતના સમાંતર સિનેમાના ફિલ્મ નિર્દેશકોએ ‘ફિલ્મમાં ગીતની શી જરૂર?’ એવું વલણ રાખ્યું. એટલે વનરાજ ભાટિયાએ દિલથી બનાવેલાં કંઇક ગીતો ટુકડા સ્વરૂપે વેરવિખેર થઇને ફિલ્મોમાં મુકાયાં. ‘સાવન કે દિન આયે સજનવા આન મિલો’ જેવા મઘુર ગીતોના અંતરા કપાઇ ગયાની વાત કરતી વખતે, ૮૧ વર્ષના વનરાજ ભાટિયાના ટી શર્ટની લાલાશ તેમના ચહેરા પર પથરાઇ જાય છે- ‘અને હવે બધા કેવા ડાહ્યાડમરા થઇને ફિલ્મોમાં ગીતો નાખે છે!’ એવા ઉદગાર પણ એ જ ગરમી સાથે નીકળી આવે છે.
ઉંચાં પહોળાં કદકાઠી, ‘આઇ ડોન્ટ કેર’નો મિજાજ છતો કરતી બોલવાની છટા, ક્યાંક પારસીશાઇ લાગે એવા ગુજરાતીમાં વનરાજ ભાટિયા ઉમળકાથી વાતો કરી રહ્યા હતા. આજુબાજુ શ્યામ બેનેગલની જ નહીં, સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં ખપમાં લઇ શકાય એવો માહોલ હતો. રૂંગટા હાઉસ, ૬૮ એલ, જગમોહનદાસ માર્ગ, મુંબઇ-૬ના સરનામે આવેલા તેમના ઘરનું દીવાનખાનું એટલે એન્ટિક ફર્નિચર-ઝુમ્મર-લેમ્પનું સંગ્રહસ્થાન. સીસમના નકશીદાર કબાટમાં ગોઠવેલાં ડેક-એમ્પ્લીફાયર. તેની પર ઓડિયો કેસેટમાં વનરાજ ભાટિયાએ એક ગીત ચડાવ્યું.
લતા મંગેશકરના અવાજમાં શૃંગારિક શબ્દો ધરાવતું એ ગીત કુમાર સાહનીની ફિલ્મ ‘તરંગ’નું હતું. ગીત પૂરૂં થાય ત્યારે નાયિકા આપઘાત કરે એવી સિચ્યુએશનને લીધે, ગીત અત્યંત મઘુર હોવા છતાં તેની ઘૂન સ્તબ્ધ કરી નાખે એવી હતી. કાચો ગાયક તેને ન્યાય જ ન આપી શકે, પણ વનરાજ ભાટિયાએ કહ્યું, ‘લતા મંગેશકર આવ્યાં. મને ક્હ્યું, ગીત શું છે? ગાઇ સંભળાવો. મેં કહ્યું, હું સારૂં ગાતો નથી. એમણે કહ્યું, વાંધો નહીં. મને ઘૂન સમજાવવા પૂરતું ગાઇ સંભળાવો. મેં એક વાર, બે વાર, ત્રણ વાર ઘૂન ગાઇ સંભળાવી. પછી તેમણે એક રીહર્સલ કર્યું અને ત્યાર પછી એક જ ટેકમાં રેકોર્ડિંગ ફાઇનલ! ’
પણ આટલું મઘુર ગીત માર્કેટમાં આવ્યું જ નહીં, એવું વનરાજ ભાટિયા પાસેથી સાંભળ્યા પછી જરા જુદી રીતે સ્તબ્ધ થઇ જવાય છે. વનરાજ ભાટિયાએ પ્રીતિ સાગર જેવાં નવોદિતથી માંડીને લતા-આશા જેવાં સિનિયર કલાકારો પાસે ગવડાવ્યું છે. શશિ કપુર નિર્મિત અને શ્યામ બેનેગલનું દિગ્દર્શન ધરાવતી ફિલ્મ ‘જૂનુન’માં આશા ભોસલેએ ગાયેલું ‘સાવન કી આઇ બહાર’ સાંભળનારને ડોલાવી દે એવું છે, પણ આશા ભોસલે ઇચ્છતાં હતાં કે એ ગીત તેમનાં દીકરી વર્ષાને ગાવા મળે. આશાની દીકરીના અવાજ અંગે વનરાજ ભાટિયાને ખાસ આશા ન હતી. પણ ‘આશાબાઇએ આગ્રહ ચાલુ રાખ્યો. મારે ઘેર આવ્યાં. કહે, આપણે બે ભેગાં થઇને તેને શીખવાડીએ. ન કેમ આવડે! દીકરીને શીખવડાવા માટે આશાબાઇએ એટલું સરસ ગાયું કે એ સાંભળીને મેં નક્કી કરી લીઘું આ ગીત આશાબાઇ જ ગાશે.’
ભોસલેએ દીકરી પાસે ગીત ગવડાવવાની જીદ ન છોડી. મામલો સ્ટુડિયો સુધી પહોંચ્યો. દીકરીના અવાજમાં ચાળીસેક રીટેક થયા, પણ ગીતનું ઠેકાણું પડતું ન હતું. છેવટે, વનરાજ ભાટિયાના આગ્રહથી શશિ કપુરે આશા ભોસલેને તેમના પરદેશમાં યોજાનારા સ્ટેજ શોમાં મદદરૂપ થઇને બદલામાં તેમની પાસેથી આ ગીત ગાવા મનાવી લીધાં.
બે કલાકની ફિલ્મની સરખામણીમાં એક-એક કલાકનો એક એવા એકાવન હપ્તા ધરાવતી સિરીયલ ‘ભારત એક ખોજ’ નિર્દેશક શ્યામ બેનેગલ માટે જ નહીં, સંગીતકાર વનરાજ ભાટિયા માટે પણ પડકારરૂપ હતી. દરેક વખતે સમયગાળો બદલાઇ જાય, પાત્રો બદલાઇ જાય, વાતાવરણ અને પ્રાંત બદલાઇ જાય. શ્યામ બેનેગલ અધિકૃતતામાં કોઇ સમાધાન કરે નહીં. જરાય ૧૯-૨૦ ચલાવે નહીં. વનરાજ ભાટિયાને એવું આપવાનું ફાવે નહીં. તેમના જણાવ્યા પ્રમાણે, આ સીરીયલ પહેલાં દૂરદર્શને પાસ કરી ન હતી, પછી ઓચિંતી હા પાડી દીધી. એટલે સિરીયલ બનાવવા માટે બહુ ઓછો સમય રહ્યો. ‘આ સિરીયલ માટે તમે કેટલાં વર્ષ રીસર્ચ કર્યું હતું?’ એવા સહજ સવાલના જવાબમાં ભાટિયાએ ખડખડાટ હસીને કહ્યું,‘કેટલાં વર્ષ? અરે એટલો સમય જ ક્યાં હતો? એક અઠવાડિયામાં એક એપિસોડનું મ્યુઝિક કરવાનું હોય. એક તરફ શ્યામ શૂટિંગ કરતો જાય અને શૂટ થયેલી ફિલ્મ મને મોકલી આપે. એ જોઇને બે દિવસમાં બેકગ્રાઉન્ડ અને બે-ત્રણ દિવસમાં ગીતોનું રેકોર્ડંિગ કરી દેવાનું. એ હપ્તો તૈયાર થઇ જાય એટલે બીજા અઠવાડિયે દૂરદર્શન પર ટેલીકાસ્ટ થઇ જાય.’
આટલી ઉતાવળ હોવા છતાં, વનરાજ ભાટિયાની સંગીતપ્રતિભાને કારણે ‘ભારત એક ખોજ’નું સંગીત એટલું યાદગાર બન્યું કે આટલાં વર્ષ પછી હવે તેમાંથી ચુનંદા સંગીતની ચાર સીડી તૈયાર થઇ રહી છે. કોઇ પણ ગીત કે સંગીતના સર્જન માટે પિયાનોનો ઉપયોગ કરતા વનરાજ ભાટિયા ભાંગવાડી જૂની રંગભૂમિનાં નાટ્યસંગીતની સાથોસાથ પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના જ્ઞાનથી સમૃદ્ધ છે. તેમની એ સમૃદ્ધિને કારણે છેલ્લાં ૭૫ વર્ષમાં હિંદી ફિલ્મોના મહાન સંગીતકારોની યાદીમાં વનરાજ ભાટિયાનું નામ લેવું અનિવાર્ય બની જાય છે. તેમણે ત્રીસેક હિંદી ફિલ્મો ઉપરાંત એક ગુજરાતી ફિલ્મ (‘એક ડાળ મીઠી’), એક કચ્છી ફિલ્મ, આઠેક ટીવી શ્રેણી અને જાહેરખબરનાં લગભગ છ હજાર જિંગલમાં સંગીત આપ્યું છે.
31 મે, ૧૯૨૭ના રોજ જન્મેલા વનરાજ ભાટિયાને ગયા અઠવાડિયે ૮૧ વર્ષ પૂરાં થયાં. તેમની તંદુરસ્તી અને સાબૂતદિમાગી જોતાં હજુ વનરાજ ભાટિયા પાસેથી સંગીતપ્રેમીઓને ઘણું મળી શકે એમ છે, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મ્યુઝિક કમ્પોઝરને બદલે મ્યુઝિક એડીટર (કાપકૂપીયા કમ્પ્યુટરબાજો)ની બોલબાલા હોય ત્યાં વનરાજના ભાગે વનવાસ આવે તેની નવાઇ લાગતી નથી. નિજાનંદમાં મસ્ત વનરાજને તેનો કશો વસવસો પણ નથી. આ નુકસાન વનરાજ ભાટિયાનું નહીં, પણ સંગીતપ્રેમીઓનું છે.



