Friday, November 29, 2013

‘સાહેબ’ વિશે નિબંધ : તુમ એક ગોરખધંધા હો

એક હતું ગુજરાત...ના, ના, હતું નહીં, છે જ. એ ગાંધીનું નથી એટલું જ. એ ગુજરાતમાં એક ‘સાહેબ’ રહેતા હતા...ના,ના, હજુ પણ રહે છે અને હમણાં થોડો સમય તો રહે એમ લાગે છે. ‘સાહેબ’ને બે હાથ છે, પણ ઘણાને એવું લાગે છે કે હરિની માફક સાહેબના પણ હજાર હાથ છે. હજાર હાથવાળા સાહેબ માટે ‘કયા નામે લખવી કંકોતરી’  અને ‘કયા હાથે પહેરાવવી હાથકડી’ એવી બે પ્રકારની મૂંઝવણભરી લાગણીઓ પ્રવર્તે છે.

સાહેબના બે જ પગ છે, પરંતુ તેમને ઠેકઠેકાણે ઉડાઉડ કરતા જોઇને લોકોને લાગે છે કે સાહેબને પગે પૈડાં હશે અથવા પાંખો હશે. સાહેબને એક જીભ છે. તેના અનેક પરચા લોકોમાં અહોભાવનો વિષય બન્યા છે. મેદની સમક્ષ બોલતી વખતે સાહેબની ‘જીભ’ નું સીઘું જોડાણ વિષગ્રંથિઓ સાથે થઇ જાય છે, પરંતુ અઘરા સવાલો પૂછાય ત્યારે સાહેબની એ જ ‘જીભ’, ખતરો જોઇને માથું અંદર લઇ લેતા કાચબાની જેમ, મોઢામાં ગોઠવાઇ જાય છે અને મોંના દરવાજા સજ્જડ ભીડાઇ જાય છે. ભક્તો કહે છે કે ‘સાહેબ’ની જીભે મા સરસ્વતી વસે છે. અ-ભક્તો કહે છે કે તેમની જીભે મા નાગબાઇ વસે છે. જેવી જેની શ્રદ્ધા.

અત્યાર સુધી સ્પષ્ટ થઇ ચૂક્યું હશે કે ‘સાહેબ’ ભલે દૈવી-કે આસુરી-શક્તિઓ ધરાવતા હોય અથવા તેમનામાં એવી શક્તિઓનું આરોપણ કરવામાં આવતું હોય, પણ આખરે તે એક માણસ છે. તે ‘આખરે’ માણસ છે કે ‘પહેલાં’ માણસ છે, એ પણ વિવાદનો વિષય બની શકે છે. એટલે, ‘સાહેબ’ વિવાદાસ્પદ માણસ છે. સુજ્ઞજનો જાણે છે કે ‘સાહેબ’ તેમનું નામ નથી અને તેમને કોઇ ‘સાહેબભાઇ’ કહેતું નથી, પરંતુ પોલીસતંત્રના સાહેબો ને તેમના પણ સાહેબ એવા કાળી દાઢીવાળા તેમને ‘સાહેબ’ તરીકે ઓળખે છે. માટે, તે ‘સાહેબોના સાહેબ’ છે. ‘યારોંકા યાર, દુશ્મનોંકા દુશ્મન’ એવું સાંભળેલું, પણ ‘સાહેબ’ વિશે કહેવાય છે કે એ ‘યારોંકા દુશ્મન, દુશ્મનોંકા જાની દુશ્મન’ છે. ‘સાહેબ’ કોણ છે એ બધા કહી શકે એમ છે. છતાં બીજી રીતે જોતાં, એ કોઇ કહી શકે એમ નથી. કારણ કે તેમનું અસ્તિત્ત્વ રેકોર્ડ થયેલા કેટલાક સંવાદો પૂરતું સીમિત છે.

જગજાહેર બનેલાં રેકોર્ડિંગ સાંભળતાં લાગે છે કે ‘સાહેબ’ મોટા માણસ હોવા જોઇએ. નહીંતર જેલમાં જઇ આવેલા ગુજરાતના ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી તેમનો ઉલ્લેખ ‘સાહેબ’ તરીકે કરે નહીં- તેમની ગેરહાજરીમાં તો નહીં જ. ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી પણ  તેમના જમાનામાં પોલીસોના સાહેબ હતા. હવે તે પક્ષમાં ઘણા લોકોના સાહેબ છે. પરંતુ ‘સાહેબ’ના તે નમ્ર સેવક હશે, એવું તેમની રેકોર્ડ થયેલી વાતચીત પરથી જણાય છે.

ઘણા સંશયાત્માઓને શંકા છે કે ભૂતપૂર્વ મંત્રીશ્રી ‘સાહેબ’ના નામે ચરી ખાય છે. એ દૃષ્ટિએ આને જુદા પ્રકારનું ‘ચારાકૌભાંડ’ ગણવું જોઇએ. પરંતુ ‘સાહેબ’નું નામ જ હોય છે ચરી ખાવા માટે. કબીરજી જેમને ‘સાહેબ’ કહેતા હતા એવા ઉપરવાળા- ભગવાનના નામે કેટકેટલા લોકો ચરી ખાય છે? ‘કર સાહબકી બંદગી’વાળા ‘સાહેબ’ પર ચરી ખાનારા દરેક ધરમમાં હોય છે. દુનિયામાં સૌથી મોટો- માઇક્રોસોફ્‌ટ, ફેસબુક, ગુગલ કે વોલમાર્ટ કરતાં પણ મોટો- ધંધો ઉપરવાળા ‘સાહેબ’ના નામે ચાલતો હોય, તો પછી નીચેવાળા ‘સાહેબ’નો કંઇ મહિમા હોય કે નહીં? જેના પરચા ન હોય એ ભારતમાં ‘સાહેબ’ શી રીતે બની શકે? જેના નામે ચરી ન ખવાય એ ‘સાહેબ’ની બંદગી કરવામાં શી મઝા છે? સદ્‌ભાગ્યે આવું બઘું ‘પૌર્વાત્ય’ ડહાપણ ભારતીય-ગુજરાતી જનતાને સમજાવવું પડતું નથી. એટલે ‘સાહેબ’ અને તેમની બંદગી કરનારા, સૌનો કારોબાર બરાબર ચાલે છે.

કબીરજીના ‘સાહેબ’થી પરિચિત લોકો જાણતા હશે કે સર્વજ્ઞ અને સર્વવ્યાપી હોવું એ ‘સાહેબ’ હોવાનું મૂળભૂત લક્ષણ છે. કબીરજીના જમાનામાં ટેકનોલોજી ન હતી અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પણ ન હતી. એટલે કબીરજીના ‘સાહેબ’ને બીજી પદ્ધતિઓ દ્વારા સર્વજ્ઞતા મેળવવી પડતી હશે અથવા તેમની સર્વજ્ઞતા દંતકથાનો કે શંકાનો વિષય હશે. પરંતુ વર્તમાન ‘સાહેબ’નો પ્રતાપ એવો આભાસી નથી. કબીરજીના ‘સાહેબ’ની સર્વજ્ઞતા વિશે અને તેમના સર્વવ્યાપીપણા વિશે શંકા કરનારા ભલભલા નાસ્તિકો પણ ગુજરાતના ‘સાહેબ’ની શક્તિઓ વિશે શંકા કરી શકે તેમ નથી. કારણ કે આ ‘સાહેબ’ સર્વજ્ઞ રહેવા માટે છૂટથી આઘુનિક ટેકનોલોજીનો, રાજ્યના ગૃહરાજ્યમંત્રીનો અને તેમના ખાતામાં આવતી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડનો ઉપયોગ કરે છે. ટૂંકમાં, વર્તમાન ‘સાહેબ’નું સર્વજ્ઞપણું વૈજ્ઞાનિક કસોટી પર પાર ઉતરે એવું હોવાથી, કબીરજીના ‘સાહેબ’ કરતાં ગૃહરાજ્યમંત્રીના ‘સાહેબ’નો મહિમા વધારે હોય અને તેમની ભક્તિ વધારે ફળદાયી નીવડે, એ સ્વાભાવિક ગણાવું જોઇએ.

કબીરજીના ‘સાહેબ’ જગતના કણકણમાં વ્યાપેલા હશે- હા, તેમના માટે તો ‘હશે’ની ભાષામાં જ વાત કરવી પડે- પણ ગુજરાતના ‘સાહેબ’ તેમના પ્રભાવની રૂએ કણકણમાં તો ઠીક, થિએટરમાં અને વિમાનમાં, મુખ્ય રસ્તા પર અને ગલીઓમાં, ઘરમાં ને ઓફિસમાં -એમ સર્વત્ર વ્યાપેલા છે. ખાસ કરીને ચોક્કસ સન્નારીની વાત આવે ત્યારે ગૃહરાજ્યમંત્રીના ‘સાહેબ’નું  સર્વવ્યાપીપણું અને સર્વજ્ઞતા નિર્વિવાદ બની જાય છે. ‘સાહેબ’ના વિચારશત્રુઓ પણ તેમની આ શક્તિનો ઇન્કાર કરી શકે એમ નથી.  

‘સાહેબ’ની ઇચ્છા વિના જગતમાં પાંદડું ફરકે કે ન ફરકે એ શ્રદ્ધાનો વિષય છે, પણ રેકોર્ડેડ સંવાદમાં જે ‘સાહેબ’નો ઉલ્લેખ છે તેમની ઇચ્છાથી આખેઆખું રાજ્યતંત્ર હરકતમાં આવી જાય છે. ગૃહરાજ્યમંત્રી ‘સાહેબેચ્છા બલિયસી’ ગણીને તેનો અમલ કરે છે અને ‘સાહેબ’ની ઇચ્છાની આણ આપીને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પાસેથી કોર્સ બહારનાં કામ કરાવે છે. ત્રાસવાદનો પ્રતિકાર કરવા માટે સર્જાયેલી ટુકડી ‘સાહેબ’ની ઇચ્છા કે આજ્ઞાથી કોઇની પાછળ પડી જાય તો એમાં કકળાટ શાનો? ત્રાસવાદ ફક્ત બોમ્બધડાકા અને ગોળીઓથી જ ફેલાય? કોઇનું હૃદયમંદિર તહસનહસ થાય એ નાનો ત્રાસવાદ છે? પરંતુ સંકુચિત મનના અને ઉચ્ચ આઘ્યાત્મિક ભૂમિકાએ નહીં પહોંચેલા મોટા ભાગના લોકો ‘સાહેબ’ની આ વિચારસરણી પામી શકતા નથી અને ‘સાહેબ’ની ટીકામાં રાચે છે. કેટલાક તો વળી એથી આગળ વધીને ‘સાહેબ’ કોણ, એ સવાલનો જવાબ શોધવા મથે છે. જિજ્ઞાસા અને જ્ઞાનના નામે થતી આ કવાયત હકીકતમાં સંશયપ્રેરિત છે અને ભગવદ્‌ગીતામાં કહ્યું છે કે ‘સંશયાત્મા વિનશ્યતી’. તપાસપંચો રચવાં એ પણ સંશયાત્માઓનાં કરતૂત છે, પરંતુ મોટા ભાગના પંચોનાં મન સંશયાત્માઓ જેટલાં ભ્રષ્ટ હોતાં નથી. એટલે તે તપાસનો એવી રીતે વીંટો વાળે છે કે સંશયાત્માઓ હાથ ઘસતા રહી જાય.

સમજવા જેવી વાત એ છે કે ‘સાહેબ’ માટે આખું વિશ્વ એક લીલા છે. તેમને મન ગૃહરાજ્યમંત્રી અને વહીવટદાર વચ્ચે, પોલીસ અફસર અને સગવડિયા સોપારી ફોડતા ગુંડા વચ્ચે, એન્ટીટેરરિસ્ટ સ્ક્વોડ અને છોકરીના પીછા કરતી ગેંગ વચ્ચે કશો ફરક નથી. ‘સાહેબ’ આખા વિશ્વને કાયદા-બંધારણની તૃષ્ણા ત્યાગીને, સમદૃષ્ટિથી જુએ છે. તેમાં પરસ્ત્રીને માત ગણવાના ક્લોઝનો સમાવેશ થતો ન હોય, તો તેનો કકળાટ કરવાને બદલે સમજવું જોઇએ કે ‘સાહેબ’ એ ‘સાહેબ’ છે- નરસિંહ મહેતા નથી.  

Thursday, November 28, 2013

દેશનું વિભાજન : ડૉ.લોહિયાની નજરે

Dr. Ram Manohar Lohiya/ રામમનોહર લોહિયા
(courtesy : http://omaurkamala.blogspot.in/)
દેશનું વિભાજન હોય કે બીજી ઐતિહાસિક હકીકતો, તેમના નામે સગવડીયાં જૂઠાણાંનો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દેશનું વિભાજન કોણે કર્યું એ વિશે નેતા નહીં, પણ નાગરિક તરીકે વિચારતાં રામમનોહર લોહિયા અને તેમનું પુસ્તક ‘ગિલ્ટી મેન ઑફ ઇન્ડિયાઝ પાર્ટિશન’ અચૂક યાદ આવે.

લોહિયાનો આશય પણ ઇતિહાસના નામે ફેલાવાતાં જૂઠાણાં સામે સચ્ચાઇ રજૂ કરવાનો હતો. ગાંધીજીના જાણીતા સાથીદારોમાંના એક મૌલાના આઝાદની આત્મકથા ‘ઇન્ડિયા વિન્સ ફ્રીડમ’(૧૯૫૭)માં અનેક ગરબડો હતી. તેના પ્રતિભાવમાં લોહિયા કંઇક લખવા પ્રેરાયા. એ ‘કંઇક’ એટલે ડિસેમ્બર, ૧૯૬૦માં પ્રકાશિત થયેલું પુસ્તક ‘ગિલ્ટી મેન ઑફ ઇન્ડિયાઝ પાર્ટિશન’. તેમાં લોહિયાએ નોંઘ્યું કે ‘મૌલાના આઝાદના પુસ્તકમાં પાને પાને કમ સે કમ એક જૂઠાણું છે અને ઐતિહાસિક અર્થઘટનની બાબતમાં પણ તે સદંતર બિનભરોસાપાત્ર છે.’

ગાંધીયુગમાં ચઢતું લોહી ધરાવતા નેતાઓમાં રામમનોહર લોહિયાનું નામ જયપ્રકાશ નારાયણની સાથે પહેલી હરોળમાં લેવાય છે. આઝાદી પછીના સમયમાં લોહિયા નેહરુના આકરા ટીકાકાર તરીકે જાણીતા થયા, તો જયપ્રકાશ નારાયણને ઇન્દિરા ગાંધી સામે મોરચો માંડવાનો આવ્યો. એ હિસાબે વર્તમાન કોંગ્રેસને આ બન્ને નેતાઓનો ખપ ન હોય તે સમજી શકાય.

સાચકલા સમાજવાદી નેતા તરીકે જાણીતા લોહિયાએ જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ દરમિયાન ભારતના મીઠાવેરા પર થીસીસ લખીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. અંગ્રેજોની જેલમાં તેમને મોટા કોંગ્રેસી નેતાઓ જેવાં આદરમાન નહીં, પણ થર્ડ ડિગ્રીના અત્યાચારો સહન કરવા પડ્યા. આઝાદી પછી કોંગ્રેસી નેતાઓ સત્તાની પળોજણમાં પડ્યા ત્યારે લોહિયા તેમાં સામેલ ન હતા. તે સત્તાલક્ષીને બદલે લોકલક્ષી રાજકારણનું મૂર્તિમંત પ્રતીક હતા. તેમના પ્રજા સમાજવાદી પક્ષની સરકારના રાજમાં સામાન્ય નાગરિકો પર ગોળીબાર થયો, ત્યારે ‘મુખ્ય મંત્રીએ રાજીનામું આપવું જોઇએ’ એવું વલણ લોહિયાએ લીઘું અને તેના બદલામાં મળેલો પક્ષવટો રાજીખુશીથી સ્વીકારી લીધો હતો.

આઝાદી પછીની સરકારો-નેતાગીરીના લોહિયા અડીખમ આલોચક રહ્યા. આક્રમકતા તેમનો સ્થાયી ભાવ હોવા છતાં તેમનું વિશ્લેષણ આવેશમય ન હતું. ‘ગિલ્ટી મેન ઑફ ઇન્ડિયાઝ પાર્ટિશન’માં તેમણે પોતાના સહિત એ સમયના ઘણા નેતાઓની યાદ કરવી ન ગમે, છતાં જાણવી જોઇએ એવી અનેક વાતો જાહેરમાં મૂકી.

‘ગિલ્ટી મેન...’ની વાત કરતાં પહેલાં બે સ્પષ્ટતા : મૌલાના કે નેહરુ તો ઠીક, ગાંધીજી વિશે પણ બિનધાસ્ત કડક ટીપ્પણી કરનાર લોહિયા ભાષાનું ઔચિત્ય ચૂક્યા ન હતા. બીજો, વઘુ અગત્યનો મુદ્દો એ કે આ લખાણ પાછળ લોહિયાનો હેતુ પોતાની લીટી લાંબી કરવાનો નહીં, પણ નાગરિકોને નવેસરથી વિચારતા કરવાનો હતો. તેમનાં લખાણમાંથી અનુકૂળ ભાગ ઉપાડીને તેને ચમકાવવાને બદલે, તેમના વિશ્લેષણમાંથી નીપજતો ઇતિહાસબોધ વધારે અગત્યનો છે. કેમ કે બધા ‘ગિલ્ટી મેન’ હવે સીધાવી ચૂક્યા છે. (હા, બધા ‘મેન’ જ છે - કોઇ સ્ત્રી ‘ગિલ્ટી’ની યાદીમાં નથી)

લોહિયાનાં તમામ વિધાન કે નિદાન સાથે પૂરેપૂરા સંમત થવું જરૂરી નથી. પરંતુ અસંમતિ માટે મજબૂત, તાર્કિક આધાર હોવો જરૂરી છે. રાજકીય પક્ષોની અને જૂના-નવા નેતાઓની દૃશ્ય-અદૃશ્ય કંઠી ધરાવતા લોકોને લોહિયાનું આકરાપણું ખટકી શકે, પણ વિભાજનના છ દાયકા પછી અને લેખક સહિતનાં બધાં પાત્રોની બિનહયાતીમાં નવેસરથી વિચારપ્રક્રિયા શરૂ કરવા માટે ‘ગિલ્ટી મેન...’ ઘણું ઉપયોગી બને એમ છે.
પ્રચલિત વિગતોનું ધારદાર વિશ્લેષણ

સૌથી પહેલાં વાત લોહિયાએ વિભાજન માટે જવાબદાર ગણાવેલાં આઠ પરિબળોની. પુસ્તકના આરંભે, બલ્કે પહેલા ફકરામાં જ તેમણે આપેલી યાદી આ પ્રમાણે છે : ૧. અંગ્રેજોના કાવાદાવા ૨.કોંગ્રેસી નેતાગીરીની ઉતરતી કળા ૩. હિંદુ-મુસ્લિમ હુલ્લડબાજીની વાસ્તવિક સ્થિતિ ૪.લોકોમાં દૃઢતા અને જોમનો અભાવ ૫.ગાંધીજીની અહિંસા ૬.મુસ્લિમ લીગનો અલગતાવાદ ૭. આવેલી તકો ન ઝડપી શકવાની નબળાઇ ૮.હિંદુ અહંકાર.

પરિબળોનો ક્રમ મહત્ત્વ પ્રમાણે અપાયો છે કે કેમ, એ વિશે લોહિયાએ સ્પષ્ટતા કરી નથી. પરંતુ તેમનું વિશ્લેષણ વાંચતાં ક્રમનો મુદ્દો ગૌણ લાગે છે. પુસ્તકના આરંભે લોહિયાએ સ્પષ્ટતા કરી છે કે ‘ઇરાદાને બદલે પરિણામ ઘ્યાન પર લેવામાં આવે તો, સૌથી બુલંદ અવાજે અખંડ ભારતની વાતો કરનારા વર્તમાન જનસંઘ અને તેમના... પૂર્વસૂરિઓએ ભાગલા પાડવામાં બ્રિટન તથા મુસ્લિમ લીગને મદદ કરી છે.’ જનસંઘના પૂર્વસૂરિઓના હિંદુત્વના ખ્યાલ વિશે લોહિયાએ વાપરેલા મૂળ શબ્દો છે : ‘ક્યુરિઅસલી અન-હિંદુ સ્પિરિટ ઑફ હિંદુઇઝમ’ (હિંદુ ધર્મ અંગેનો વિચિત્ર એવો બિનહિંદુ મિજાજ)

લોહિયાની દલીલ છે કે તેમણે (જનસંઘના - અને વર્તમાન ભાજપના- પૂર્વસૂરિઓએ) મુસ્લિમો-હિંદુઓ વચ્ચેનું અંતર ઘટાડીને એક દેશની લાગણી પેદા કરવાનો કશો પ્રયાસ ન કર્યો અને તેમને એકબીજાથી દૂર લઇ જવા માટે લગભગ બઘું જ કરી છૂટ્યા. આ પ્રકારની વિમુખતા ભાગલાના મૂળમાં રહેલું અસલી કારણ હોવાનું લોહિયાએ જણાવ્યું. ચોટદાર અભિવ્યક્તિ ધરાવતા લોહિયાએ નોંઘ્યું કે ‘જો આ લોકો (જનસંઘ-ભાજપના પૂર્વસૂરિઓ) પ્રામાણિક હતા એવું માની લઇએ તો, એક બાજુ હિંદુ-મુસ્લિમ વચ્ચે અંતર પેદા કરવાની ફિલસૂફી ધરાવવી અને બીજી તરફ અખંડ ભારતની વાત કરવી, એ ભયંકર આત્મવંચના- જાતની છેતરપીંડી- કહેવાય.’ (અને જો એ ‘હિંદુ’ નેતાગીરી પ્રામાણિક ન હોય તો એને શું કહેવાય, એ નક્કી કરવાનું લોહિયાએ વાચકો પર છોડ્યું હતું.) સૂત્રાત્મક શૈલીમાં લોહિયાએ લખ્યું હતું, ‘ભારતમાં મુસ્લિમોનો વિરોધી એ (હકીકતમાં) પાકિસ્તાનનો મિત્ર છે. (એ દૃષ્ટિએ) બધા જનસંઘીઓ અને હિંદુત્વની ભાત ધરાવતા બધા અખંડ ભારતવાળા પાકિસ્તાનના મિત્ર છે.’

લોર્ડ માઉન્ટબેટને તેમનાં પત્નીના કામણનો ઉપયોગ કરીને નેહરુને જીતી લીધા-ભાગલા માટે મનાવી લીધા, એવી જૂના વખતથી ચાલી આવતી દંતકથાનું લોહિયાએ સ્પષ્ટ શબ્દોમાં અને વિગતે ખંડન કર્યું. અલબત્ત, એ ખંડન વર્તમાન કોંગ્રેસી નેતાઓ કે પરિવારવફાદારોને માફક આવે એવું નથી. લોહિયાની ટીપ્પણી એવી છે કે નેહરુના સ્ત્રીઓ સાથેના સંબંધો ફક્ત રાજકાજના ઉપયોગ પૂરતા જ મર્યાદિત હતા અને એ ઉપયોગ પૂરો થઇ ગયા પછી નેહરુ પથ્થરદિલ બની જતા હતા. આ દલીલના ટેકામાં તેમણે નેહરુનાં એક સમયનાં મિત્ર અને ચીની પ્રમુખ ચ્યાંગ કાઇ શેકનાં પત્નીનો દાખલો ટાંક્યો છે.

લોહિયાને એક મોટો ધોખો એ સમયની કોંગ્રેસના નેતાઓએ જે રીતે ભાગલાની દરખાસ્ત સ્વીકારી લીધી અને તેનો જોશભેર-અસરકારક વિરોધ ન કર્યો, તેની સામે હતો. વર્તમાન સંદર્ભે એક સ્પષ્ટતા : વિભાજન માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવનાર ગુજરાતના મુખ્ય મંત્રી એવું માનતા હોય કે આઝાદી વખતની કોંગ્રેસ અને વર્તમાન કોંગ્રેસ એક છે, તો તેમણે એટલી જ બુલંદીથી કહેવું જોઇએ કે દેશને આઝાદી અપાવવામાં કોંગ્રેસનો મોટો ફાળો હતો. બીજી સ્પષ્ટતા : વિભાજન માટે જવાબદાર કોંગ્રેસમાં નેહરુ અને સરદાર પટેલ સરખા કદના અને સરખી જવાબદારી ધરાવતા નેતાઓ હતા.

જે બેઠકમાં કોંગ્રેસી નેતાઓએ વિભાજનની દરખાસ્તને મંજૂરી આપી, તેનું લોહિયાએ કરેલું વર્ણન સચોટ અને ધારદાર હતું. તેમણે લખ્યું હતું કે બે દિવસની આ બેઠકમાં મૌલાના આઝાદ નાનકડા રૂમના ખૂણામાં એક ખુરશી પર બેસીને સતત સિગરેટ ફૂંકતા રહ્યા અને વિભાજનની દરખાસ્તની વિરુદ્ધમાં એક અક્ષર પણ બોલ્યા નહીં.‘તેમને બહુ દુઃખ થયું હશે, પણ વિભાજનનો વિરોધ કરનારા તે એકલા જ હતા એવું દેખાડવાનો તેમનો પ્રયાસ નાદાનીભર્યો હતો. આ બેઠકમાં એ કંઇ બોલ્યા નહીં એ તો ઠીક. ત્યાર પછી વિભાજિત ભારતમાં એક દાયકાથી વઘુ સમય સુધી તે મંત્રી પણ રહ્યા.’

કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ આચાર્ય કૃપાલાણી એ મિટિંગમાં સુસ્ત અવસ્થામાં બેઠા હતા. તેના કારણમાં એમણે જણાવ્યું હતું કે તેમને માથાનો સખત દુઃખાવો હતો. સિંધ પ્રાંતના આચાર્ય કૃપાલાણી માટે ભાગલાનો ઘા અંગત પણ હતો. છતાં લોહિયાના મતે ‘આઝાદી માટે લડતા આ સંગઠન (કોંગ્રેસ) પર ખરી તનાવભરી સ્થિતિમાં વૃદ્ધાવસ્થાનો વ્યાધિ અને થકાવટ વ્યાપેલાં હતાં.’ એ સિવાય બોલનારા લોકોમાં ‘સરહદના ગાંધી’ જેવી અઘૂરી ઓળખથી જાણીતા બાદશાહખાન હતા. કોંગ્રેસી સાથીદારોએ વિભાજનનો સ્વીકાર કરી લીધો એ વિશે તેમણે દુઃખ પ્રગટ કર્યું અને સરહદપ્રાંતમાં લેવાનારા લોકમતમાં ભારત કે પાકિસ્તાન સાથે જોડાવા ઉપરાંત અલગ રહેવાનો વિકલ્પ શક્ય છે કે નહીં, એ વિશે જાણવા તેમણે કહ્યું.

સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણે બે દિવસની મિટિંગમાં એક જ વાર કરેલા પ્રવચનમાં ભાગલાનો વિરોધ કર્યો. બાકીનો સમય એ ચૂપ રહ્યા. એ વિશે પણ લોહિયાએ ટીકા કરી હતી. લોહિયા પોતે સતત અને બુલંદ વિરોધ કરતા રહ્યા, પણ તેમના વિરોધનું મોટા સમુહગાનમાં એક વિસંવાદી સૂરથી વધારે મહત્ત્વ ન હતું. ખુદ લોહિયા પણ તેનાથી સંતુષ્ટ ન હતા. તેમણે લખ્યું કે ‘મારા જેવો કોઇ જાતનું સ્થાપિત હિત નહીં ધરાવનારો માણસ પણ ભાગલાનો ગંભીર વિરોધ કરી શક્યો નહીં એ દર્શાવે છે કે મારા સહિતના આપણા લોકોમાં નબળાઇ અને ભય કઇ હદે ઘર કરી ગયાં હશે.’

ભારતીય સામ્યવાદીઓએ દેશના ભાગલાને ટેકો આપ્યો હતો. ડો.લોહિયાના મતે, આમ કરવા પાછળના તેમના આશય : નવા જન્મેલા દેશ પાકિસ્તાનમાં વર્ચસ્વ જમાવી શકાય, ભારતમાં રહેલા મુસ્લિમો પર પ્રભાવ પાડી શકાય અને કશા નિર્ધાર વગરના હિંદુ માનસથી અળગા થવાનું મોટું જોખમ પણ નહીં. સામ્યવાદી વ્યૂહરચના વિશે ટીપ્પણી કરતાં લોહિયાએ લખ્યું, ‘સામ્યવાદ સત્તામાં ન હોય ત્યારે જ એ ભાગલાવાદી હોય છે, જેથી તે મજબૂત રાષ્ટ્રવાદના નામે પોતાના શત્રુને (સત્તાધીશોને) નબળા પાડી શકે. સામ્યવાદ જ્યારે પોતે જ રાષ્ટ્રવાદનો પ્રતિનિધિ બને (એટલે કે સત્તામાં આવે) ત્યારે તે ભાગલાવાદી મટી જાય છે.’

હિંદુ-મુસ્લિમ અલગાવ વિશે લોહિયાનાં નિરીક્ષણ ‘ભાઇ-ભાઇ’ની આદર્શ કલ્પનાને બદલે વાસ્તવની નક્કર ભોંય પર આધારિત હતાં. તેમના મતે ‘પોતાના સહિયારા ઇતિહાસ અંગે હિંદુઓ અને મુસ્લિમોના જુદા અભિપ્રાય તેમની વચ્ચે ઓળખ અને કાર્યોમાં રહેલા અલગાવનું મુખ્ય કારણ છે...મઘ્ય યુગનો ઇતિહાસ હિંદુ-મુસ્લિમ જેટલો જ મુસ્લિમ-મુસ્લિમ વચ્ચેનાં યુદ્ધોનો છે. સ્થાનિક મુસ્લિમો તૈમુર અને નાદિરશાહના મોટા હત્યાકાંડોનો ભોગ બન્યા છે. મોગલ તૈમુરે સ્થાનિક પઠાણોની કતલ કરી અને ઇરાની નાદિરશાહે સ્થાનિક મોગલોને રહેંસી નાખ્યા. જે લોકો (મુસ્લિમો) હુમલાખોરો અને હત્યારાઓને પોતાના પૂર્વજ માનતા હોય તે આઝાદીને લાયક નથી અને તેમનું આત્મગૌરવ પોકળ છે. કારણ કે સળંગપણે જાળવી શકાય એવી તેમની કોઇ ઓળખ જ નથી...બળાત્કારનો સ્વીકાર ન કરવો એક વાત છે અને તેનાં પરિણામ ન સ્વીકારવાં એ સાવ બીજી વાત છે. મુસ્લિમોએ બન્નેના સ્વીકારની અને હિંદુઓએ બન્નેના અસ્વીકારની ભૂલ કરી.’
 ઇતિહાસ ભણી જોવાનો માર્ગ ચીંધતાં લોહિયાએ લખ્યું કે રઝિયા, શેરશાહ, જાયસી, રહીમન, વિક્રમાદિત્ય, અશોક, હેમુ, રાણા પ્રતાપ જેવાં પાત્રો હિંદુ-મુસ્લિમોના સહિયારા પૂર્વજ બની શકે અને ગઝની, ઘોરી, બાબર જેવા બન્ને માટે લૂંટારા તથા હત્યારા હોવા ઘટે.

ભાગલાના પાયામાં રહેલો એક મોટો મુદ્દો મુસ્લિમ હિતનો હતો. હિંદુત્વના રાજકારણવાળા એવી જ રીતે હિંદુ હિતનો મુદ્દો આગળ કરી રહ્યા હતા. લોહિયાએ પાયાનો સવાલ ઉઠાવ્યો, ‘ભાગલા પહેલાં હિંદુ અને મુસ્લિમ હિત કયાં હતાં?’ તેમણે નોંઘ્યું કે સંસદીય, સરકારી તથા વ્યાપારી બાબતોમાં બન્નેનાં હિત અલગ હોઇ શકે. આ ત્રણે બાબતોમાં એવું પણ બને કે એક જૂથના ફાયદાથી બીજા જૂથને નુકસાન થતું લાગે, પરંતુ વિશાળ જનસંખ્યા ધરાવતા દેશમાં સંસદીય-સરકારી અને વ્યાપારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું પ્રમાણ કેટલું ઓછું હોય? તેની સરખામણીમાં ભાવવધારાથી માંડીને કામદારો-કારીગરો અને ખેડૂતોની અવદશા જેવી બાબતોમાં હિંદુ હિત અને મુસ્લિમ હિત જેવા અલગ ભાગ પાડી શકાય એમ ન હતા.

ટૂંકમાં, રોજબરોજની જિંદગીની મોટા ભાગની સમસ્યાઓ હિંદુઓ અને મુસ્લિમોને એકસરખી લાગુ પડતી હતી અને તેના ઉકેલથી બન્નેને એકબીજાનું હિત જોખમાવ્યા વિના, સર્વસામાન્ય ફાયદો થવાનો હતો. એવી જ રીતે, આ સમસ્યાઓનો ઉકેલ ન આવે તો બન્ને જૂથોને નુકસાન પણ ધર્મના ભેદભાવ વિના થવાનું હતું. તેમ છતાં રાજકીય નેતાગીરીએ મર્યાદિત બાબતોના મુસ્લિમ હિતને એકંદર, વ્યાપક મુસ્લિમ હિત તરીકે રજૂ કર્યું અને ભાગલાની નોબત આવી.

લોહિયાને જોકે સૌથી વઘુ ખટકેલી બાબતોમાંની એક હતી : કોંગ્રેસી નેતાગીરીએ કરી લીધેલો ભાગલાનો સ્વીકાર. પોતાના ફાયદા માટે ભારતને શક્ય એટલું નીચોવી લેનાર અંગ્રેજો જતાં જતાં પણ ભારતને થનારા નુકસાનની પરવા કર્યા વિના, શક્ય એટલો ફાયદો રળી લેવા ઇચ્છતા હતા. ભારતના ભાગલા પડે અને મુસ્લિમોનો અલગ દેશ પાકિસ્તાન બને તો પાશ્ચાત્ય સત્તાઓ માટે એક થાણું ઊભું થાય તથા બીજા મુસ્લિમ દેશો સાથેની ધરીમાં એ મદદરૂપ નીવડે, એવી અંગ્રેજોની ગણતરી ભાગલા માટેનું પ્રેરક બળ બની હોવાનું મનાય છે. પરંતુ લોહિયાનો સવાલ એ છે કે અંગ્રેજોની આ ચાલબાજીમાં કોંગ્રેસી નેતાઓ કેવી રીતે હોંશે હોંશે જોડાઇ ગયા?

ભાગલાની દરખાસ્ત કોંગ્રેસની જે બેઠકમાં સ્વીકારાઇ તેમાં લોહિયા હાજર હતા. તેમના જણાવ્યા પ્રમાણે, ગાંધીજીએ આ બેઠકમાં આપેલા પ્રવચનમાં સરદાર અને નેહરુ સામે જોઇને એવો ધોખો કર્યો હતો કે ભાગલાનો સ્વીકાર કરતાં પહેલાં તેમણે (ગાંધીજીને) જાણ ન કરી. શરૂઆતમાં નેહરુએ કહ્યું કે તેમણે ગાંધીજીને પૂરેપૂરા વાકેફ રાખ્યા હતા, પરંતુ ગાંધીજીએ ઇન્કાર કરતાં નેહરુએ (કે પટેલે) કહ્યું કે ગાંધીજી તેમનાથી બહુ દૂર નોઆખલીમાં હતા અને એમને વિગતો નહીં જણાવી હોય તો પણ એકંદર યોજનાની માહિતી આપી હતી. લોહિયાએ નોંઘ્યું કે નેહરુ-સરદારે ભાગલાની યોજના પર મંજૂરીની મહોર મારતાં પહેલાં ગાંધીજીને જાણ કરી ન હતી, બલ્કે ત્યાં સુધી ગાંધીજીને દૂર રાખવાનું નક્કી કર્યું હતું.

એ બેઠકમાં ગાંધીજીએ કહેલી - અને લોહિયાએ નોંધેલી- બીજી યાદગાર વાત હતી : અંગ્રેજોને બાકાત રાખીને દેશના ભાગ પાડવાની દરખાસ્ત. ગાંધીજીએ કહ્યું હતું, ‘કોંગ્રેસના નેતાઓ ભાગલા માટે સંમતિ આપી દીધી છે, તો કોંગ્રેસે તેનો આદર કરવો રહ્યો. પરંતુ  ભાગલાનો સિદ્ધાંત સ્વીકાર્યા પછી કોંગ્રેસે અંગ્રેજો અને વાઇસરોયને બાજુ પર ખસી જવા કહેવું જોઇએ. દેશના ભાગલા કોંગ્રેસ અને મુસ્લિમ લીગે સાથે મળીને કોઇ ત્રીજા પક્ષની દરમિયાનગીરી વિના પાડવા જોઇએ.

લોહિયા ગાંધીજીની આ દરખાસ્તને ‘ગ્રાન્ડ ટેક્ટિકલ સ્ટ્રોક’ (અદ્‌ભૂત વ્યૂહાત્મક પગલું) ગણાવી હતી. બીજા લોકોની જેમ એ પણ માનતા હતા કે સાથે રહીને સરકાર ન ચલાવી શકેલાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દેશના ભાગલા કેવી રીતે પાડવા, એ અંગે એકમત થઇ શકવાનાં નથી. પરંતુ આ દરખાસ્તની અવ્યવહારુતા જ તેની સૌથી મોટી તાકાત હોવાનું લોહિયા માનતા હતા. અંગ્રેજો ખસી ગયા હોય અને કોંગ્રેસ-લીગ વચ્ચે ભાગલા અંગે એકમતી ન થાય, એટલે ભાગલા ટળવાની શક્યતા બહુ વધી જાય એવું લોહિયાને લાગતું હતું. એવી જ રીતે ઝીણાને ‘કોરો ચેક’ આપવાની વાતને પણ લોહિયાએ આ જ સંદર્ભમાં મૂકી અને કહ્યું કે કોગ્રેસી નેતાઓના સાથ વિના આખા ભારત પર રાજ ચલાવવાનું ઝીણા માટે શક્ય ન હતું. પરંતુ કોંગ્રેસી નેતાઓએ- ખાસ કરીને સરદાર અને નેહરુએ- ગાંધીજીની આ બન્ને દરખાસ્તોને ગણકારી જ નહીં. લોહિયાએ આકરા શબ્દોમાં લખ્યું કે ‘મિટિંગ દરમિયાન મેસર્સ નેહરુ અને પટેલ ગાંધીજી સામે અપમાનજક આક્રમકતાથી વર્તતા હતા.’

લોહિયાના મતે, સરદાર-નેહરુ સહિતના થાકેલા કોંગ્રેસી નેતાઓ દેશની અખંડતાના ભોગે આઝાદી મેળવવાનું નક્કી કરી ચૂક્યા હતા. મુસ્લિમ લીગ સાથે સરકાર ચલાવવાના નિષ્ફળ અનુભવ પછી, તેની સાથે કામ પાડવાનું અશક્ય છે, એવું જાહેર કરીને તેમણે ભાગલાને અનિવાર્ય ગણી લીધા હતા. એ માટે હોદ્દાની ભૂખ જવાબદાર હશે? એવું તો સીધેસીઘું ન કહી શકાય, પણ લોહિયાએ એવી શંકા વ્યક્ત કરી છે કે કોંગ્રેસી નેતાઓને નિષ્ફળ ગણાઇ જવાની બીક હતી અથવા એવું લાગતું હતું કે દેશમાં પરિવર્તન આણીને ઇતિહાસ પર અમીટ છાપ છોડવી હોય તો મરણ પહેલાં થોડો સમય સરકારમાં બેસવું જરૂરી છે.

લોહિયા માનતા હતા કે કોંગ્રેસની થાકેલી નેતાગીરીએ ઉતાવળે ભાગલા સ્વીકારી લેવાને બદલે  એ વિશેનો નિર્ણય પછીની પેઢી પર છોડવા જેવો હતો. કોંગ્રેસની બેઠકમાં આવેલા નેહરુના વિભાજન અંગેના ઠરાવના ખરડામાં દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનો ક્યાંય વિરોધ ન હતો. એ ગાંધીજીની મદદથી લોહિયાએ દાખલ કરાવ્યો. અલબત્ત, તેનું મૂલ્ય ઔપચારિકતાથી વિશેષ ન હતું. હિંદુ-મુસ્લિમ હુલ્લડબાજી બંધ કરવા માટે દેશના ભાગલાની દરખાસ્ત સ્વીકારવામાં આવી, પરંતુ જે અટકાવવા માટે ભાગલા પડ્યા એ હુલ્લડબાજી ભાગલાને કારણે એટલા  મોટા પાયે થઇ કે આ નિર્ણય લેનારની નિષ્ઠા અથવા બુદ્ધિમતા પર શંકા જાગે. બન્ને કોમો વચ્ચેનો લોહિયાળ સંઘર્ષ નિવારવા માટે હિંદુઓ અને મુસ્લિમોની પછાત જ્ઞાતિઓને પહેલેથી જ્ઞાતિવ્યવસ્થાનો ખાત્મો બોલાવીને સમાનતા સ્થાપવાનું પ્રોત્સાહન અપાયું હોત અને અસહકારની ચળવળના જમાનાથી જ આ દિશામાં કામ થયું હોત તો કદાચ ભારતના ભાગલા ન પડ્યા હોત, એવી અટકળ પણ લોહિયાએ કરી છે.

ભાગલા જેવી કરૂણ ઘટનાનો વિરોધ કરીને કોઇએ જેલવાસ ન વેઠ્યો- પોતે પણ તેનો વિરોધ કરીને જેલમાં ન ગયા, તેનો ભારે વસવસો વ્યક્ત કરનાર લોહિયાનાં ઘણાં નિરીક્ષણ અને તેમણે વ્યક્ત કરેલી સંભાવનાઓ દેશના વિભાજનની કારૂણી વિશે જુદી રીતે વિચારવા ફરજ પાડી શકે એવાં છે.

(19-11-13 અને 26-11-13ના ’દૃષ્ટિકોણ’માં પ્રગટ થયેલા બે લેખોનો સંયુક્ત લેખ)

Monday, November 25, 2013

બે તંત્રીલેખ : `પીછા કરો` 'અને દલા તરવાડી-ન્યાય'

પીછા કરો

અંગત આરોપોની ગંદકીમાં ન જઇએ તો પણ, ‘કોબ્રાપોસ્ટ’ અને ‘ગુલૈલ’ વેબસાઇટ થકી જાહેર થયેલી વિગતોમાંથી આટલું સ્પષ્ટ છે : ચાર વર્ષ પહેલાં ગુજરાતમાં એક મહિલાની તમામ હિલચાલ પર ગુજરાત સરકારના મંત્રી તેમના કોઇ ‘સાહેબ’ની આજ્ઞાથી અને ગુજરાતનું પોલીસતંત્ર મંત્રીશ્રીની આજ્ઞાથી નજર રાખતાં હતાં. ‘નજર રાખવાનો’ કાર્યક્રમ એકદમ ચુસ્તીથી પાર પાડવામાં આવતો હતો અને ગુજરાતના તત્કાલીન ગૃહરાજ્યમંત્રી અમિત શાહ તેમાં અંગત રસ લેતા હતા. એટલું જ નહીં, અહેવાલો મુજબ અમિત શાહ કોઇ ‘સાહેબ’ની સૂચનાનો પણ વાતચીતમાં ઉલ્લેખ કરે છે. મુખ્ય મંત્રી મોદીના ખાસ માણસ તરીકે અગાઉ વગોવાઇ અને ફસાઇ ચૂકેલા શાહ તેમના ખાતાના પોલીસ અફસરો સમક્ષ કોનો ઉલ્લેખ ‘સાહેબ’ તરીકે કરતા હશે? આ સવાલ ‘કૌન બનેગા કરોડપતિ’ના શરૂઆતના તબક્કાના ‘દૂધપાક સવાલો’માં સ્થાન પામે એવો છે. પરંતુ અહીં મહત્ત્વ ‘સાહેબ’ના પાત્રનું નથી, રાજ્ય સરકારના ચરિત્રનું છે.

ગુજરાત સરકારના ઉત્સાહી પીછા-કરણ કાર્યક્રમની વિગતો જાહેર થયા પછી એક તરફ ભાજપના સત્તાવાર-બિનસત્તાવાર પ્રવક્તાઓએ આક્રમક બચાવની જૂની પદ્ધતિ અપનાવી છે, તો બીજી તરફ યુવતીના પિતાએ રાષ્ટ્રિય તથા રાજ્યના મહિલા આયોગને લખેલો એક પત્ર જાહેર થયો છે, જેમાં તેમણે લખ્યું છે કે ‘૨૦૦૯માં કેટલાંક અંગત અને કૌટુંબિક કારણોસર મેં ગુજરાતના મુખ્ય મંત્રીને મારી દીકરીના હિતમાં વચ્ચે પડવા માટે વિનંતી કરી હતી...મારી અને મારા કુટુંબની સમસ્યા એકદમ અંગત હોવાથી, રાજ્યના રાજકીય વડાની રૂએ મુખ્ય મંત્રીને લેખિતને બદલે મૌખિક વિનંતી કરવાનું મને યોગ્ય લાગ્યું. તેમની સાથે મારે બે દાયકા જૂનો સંબંધ છે...’ ગુજરાત સરકાર દ્વારા કરાયેલી મદદ વિશે તેમની દીકરી જાણતી હતી એવું પણ પત્રમાં જણાવાયું છે અને દીકરીના અંગત જીવનની આણ આપીને પ્રસાર માઘ્યમોને આ મુદ્દાથી દૂર રહેવા જણાવાયું છે.

ભાજપનાં ઉત્સાહી પ્રવક્તા મીનાક્ષી લેખીએ કોંગ્રેસની ટીકાના  જવાબમાં એ મતલબનું કહ્યું છે કે પિતા-પુત્રીને કોઇ ફરિયાદ નથી, તો  કોંગ્રેસને શી પંચાત? મોડેમોડે મોદીભક્ત બનેલાં મઘુ કિશ્વર વળી એક ડગલું આગળ વદીને એવું ટ્‌વીટ્યાં છે કે મહિલાને ભ્રષ્ટ-લંપટ પોલીસ અફસર સાથે સંબંધ હોવાથી તેના પિતાએ દીકરી પર નજર રાખવા માટે મુખ્ય મંત્રીને વિનંતી કરી.

આ વિવાદમાં સચ્ચાઇ નક્કી કરવાનું કામ અદાલતનું છે, પણ સામાન્ય સમજણથી આટલી હકીકતો સ્પષ્ટ છે : સૌથી પહેલી અને અગત્યની વાત એ છે કે મહિલા પર સરકારી રાહે નજર રાખવામાં આવતી હતી, તેનો ઇન્કાર ભાજપે કર્યો નથી. ઊલટું મુખ્ય મંત્રી અને તેમના સાગરિત પ્રકારના સાથીદારોને આબાદ ઉગારવાના આશયથી લખાયા હોય એવા પિતાના પત્રમાં પણ આ જાતનો ચોકીપહેરો રખાતો હોવાનું જણાવાયું છે. મુખ્ય મંત્રી સાથે ‘બે દાયકાના સંબંધ’ની રૂએ, કોઇ ભાઇ કેવળ મૌખિક વિનંતી કરે અને મુખ્ય મંત્રી એ ભાઇની પુત્રી પર નજર રાખવા માટે એક મંત્રી સહિતનું સરકારી તંત્ર કામે લગાડી દે, આ હકીકતનો પણ હજુ સુધી ભાજપે ઇન્કાર કર્યો નથી. સરકારી તંત્રના અંગત ઉપયોગ એટલે કે દુરુપયોગનો ચોખ્ખો કેસ છે. મહિલાના પિતાના દાવા સાચા હોય તો પણ, મુખ્ય મંત્રીના પક્ષે ઓછામાં ઓછો આ ભ્રષ્ટાચારનો કેસ તો બને જ છે અને ભાજપે અત્યાર સુધીના તમામ બચાવમાં આ આરોપનો આડકતરો સ્વીકાર કર્યો છે. કારણ કે, ભાજપી પ્રવક્તાઓનું લક્ષ્ય તેમના વડાપ્રધાનપદના ઉમેદવારને વધારે ગંભીર અને વધારે અંગત આરોપોથી બચાવવાનું રહ્યું છે.

મુખ્ય મંત્રી કે કોઇ મંત્રી આ રીતે સરકારી તંત્રનો ઉપયોગ અંગત હેતુ માટે કરી શકે? કોઇ વ્યક્તિને રક્ષણ આપવાનું કે તેનું હિત જાળવવાનું કારણ આગળ ધરીને સરકાર બેરોકટોક જાસુસી કરાવી શકે?  રાષ્ટ્રિય હિતનો મુદ્દો હોય તેમ, મુખ્ય મંત્રીના ખાસમખાસ મંત્રી અંગત રસ લઇને બિનસત્તાવાર રાહે કોઇ વ્યક્તિ પર નજર રખાવી શકે? મોદીભક્ત મઘુ કિશ્વર જે બચાવ રજૂ કરે છે એ પ્રમાણે તો, પોતાની પુખ્ત વયની પુત્રીના એક પુખ્ત વયના પોલીસ અફસર સાથેના સંબંધોથી નારાજ થયેલા પિતાએ મુખ્ય મંત્રીની મદદ માગી હતી, જે મુખ્ય મંત્રીએ હોંશે હોંશે આપી. આ આરોપ કે પિતાએ લખેલો પત્ર સાચો છે, એવું માની લેવા માટે અસાધારણ ભોળપણ જોઇએ. છતાં દલીલ ખાતર એ સાચું માની લઇએ તો પણ, રાજ્યના મુખ્ય મંત્રીની ફરજમાં પ્રેમ પ્રકરણોની પોલીસપટેલાઇ ક્યારથી આવવા લાગી?

વડાપ્રધાન બનવા માટે જુદી ભ્રમણકક્ષામાં પુરપાટ વેગે ચકરાવા લઇ રહેલા ગુજરાતના મુખ્ય મંત્રીએ પગ તળે રેલો કે પૂર આવે ત્યારે ચૂપકીદી સાધી લેવાની તેમની જૂની રસમ અપનાવી છે. તેમની સરકારને બદલે તેમના પક્ષનું પાયદળ દોઢચતુરાઇના અવનવા નમૂના પૂરા પાડીને આખા મુદ્દાને ભાજપ વિરુદ્ધ કોંગ્રેસનો રંગ આપવા મથી રહ્યું છે. આ કોઇની અંગત જિંદગીનો નહીં, પણ રાજ્યસત્તાના દુરુપયોગનો- એટલે કે જાહેર હિતનો મુદ્દો છે એ ભાજપ ભલે સંતાડે, પણ નાગરિકોએ ભૂલવા જેવું નથી.

(ગુરુવાર-૨૧-૧૧-૧૩)

***

દલા તરવાડી-ન્યાય

સૈન્ય અને રાજકારણથી માંડીને રમતજગતનાં અનેક કૌભાંડનો પર્દાફાશ કરનાર ‘તહલકા’ના માલિક-તંત્રી તરુણ તેજપાલ પોતે જાતીય ગેરવર્તણૂંકના આરોપમાં સપડાયા છે. આરોપી કોઇ પણ હોય, આરોપ ગંભીર કહેવાય. પરંતુ ‘તહલકા’ના માલિક-તંત્રી પર તે લાગે ત્યારે વઘુ ગંભીર ગણાય. કારણ કે અત્યાર સુધી તેમણે ‘તહલકા’ની ભૂમિકા એવી બાંધી છે કે તે સચ્ચાઇ માટે સ્થાપિત હિતો સામે લડે છે. સાચકલાપણું અને મૂલ્યનિષ્ઠા ‘તહલકા’ની ઓળખ બને એવી તેમની કાયમી રજૂઆતો રહી છે. ભારતીય પત્રકારત્વમાં ‘તહલકા’એ ઘણાં સીમાચિહ્નો સ્થાપ્યાં છે એ પણ નિર્વિવાદ છે. છતાં, જેમ તરુણ તેજપાલ પરના આરોપથી ‘તહલકા’નું સારું કામ ઘૂળધાણી થઇ જતું નથી, એવી જ રીતે ‘તહલકા’ના સારા કામથી તરુણ તેજપાલને આરોપની જવાબદારીમાંથી કોઇ પ્રકારની મુક્તિ મળી શકે નહીં. ‘કોઇ પણ વ્યક્તિ કાયદાથી પર નથી અને અમે કોઇની શરમ ભરતા નથી’ એવો બિનસત્તાવાર ઘ્યેયમંત્ર ધરાવતા સામયિકના માલિક-તંત્રી પોતાની જાતને કાયદાથી પર ગણે અથવા જાતે જ પોતાનો ન્યાય તોળી નાખે, એ  માનવસ્વભાવની કરુણ વક્રતા છે. એને દલા તરવાડી-ન્યાય પણ કહી શકાય.

‘થિન્ક ફેસ્ટ’-વિચારમેળા- પ્રકારના ફાઇવ સ્ટાર સમારંભો અને તેના કોર્પોરેટ પ્રાયોજકોને કારણે ઘણા સમયથી ટીકાનું કેન્દ્ર બનેલા ‘તહલકા’માં ગોવાના ‘થિન્ક ફેસ્ટ’  દરમિયાન તરુણ તેજપાલે ‘તહલકા’નાં મહિલા કર્મચારી સાથે જાતીય ગેરવર્તણૂંક કરી. આવું બે વાર બન્યું. ફરિયાદી મહિલાએ ‘તહલકા’માં તેજપાલ પછીનો હોદ્દો ધરાવતાં શોમા ચૌધરીને ફરિયાદ કરી. પરંતુ અત્યારે ઉપલબ્ધ વિગતો પરથી જણાય છે કે ‘ઘરની વાત ઘરમાં રહે’ એવા રૂપાળા બહાના તળે  ભીનું સંકેલી દેવામાં આવ્યું. ઓફિસોમાં અને બહાર મહિલાઓ સાથે થતા દુર્વ્યવહાર વિશે જોસ્સાથી લખનાર ‘તહલકા’ના મુખિયાઓને ફરિયાદ વિશે કશાં શિક્ષાત્મક પગલાં લેવાપણું લાગ્યું નહીં. ઉલટું, તેજપાલે આ શરમજનક ઘટનામાંથી પોતાની નૈતિકતા ઉભારવાનો પ્રયાસ કર્યો. આરોપનો મભમ સ્વીકાર અને એવી જ દિલગીરી વ્યક્ત કર્યા પછી ‘આટલું પ્રાયશ્ચિત પૂરતું નથી’ એમ કહીને તેજપાલે જાતે જ પોતાની સજા પણ નક્કી કરી નાખી : ‘છ મહિના સુધી હું તહલકાની ઓફિસે નહીં આવું.’

તેજપાલના સ્વીકારપત્રમાં શરમનો કે અફસોસનો નહીં, પણ પોતે ઘટનાઓનું કે સંજોગોનું ખોટું અર્થઘટન કર્યું છે, એવો ભાવ હતો. તેમાં એવું પણ સૂચવાતું હતું કે મહિલા કર્મચારીઓ એવું કશું કર્યું હશે જેથી તેજપાલ છૂટછાટ લેવા પ્રેરાય અને છૂટછાટની માત્રા નક્કી કરવામાં તેમના પક્ષે ભૂલ થઇ હોય. બબ્બે વાર આવું બને એ સૂચવે છે કે આરોપીત ગેરવર્તણૂંક ક્ષણિક આવેગનું પરિણામ ન હતી. એવું હોત તો પણ એ અક્ષમ્ય જ ગણાત, પરંતુ આયોજિત ગેરવર્તણૂંક નૈતિક રીતે વધારે ગંભીર ગુનો બને છે. આ ગુના પછી તરુણ તેજપાલને ‘માલિક’ ગણીને કામ લેવામાં આવ્યું અને ‘માફી તો માગી, હવે શું છે?’ એવા અભિગમ સાથે, ‘ફરિયાદીએ માફી સ્વીકારી લીધી છે અને એ સાથે જ આ વાત પૂરી થાય છે’ એવું જાહેર કરી દેવામાં આવ્યું.

આટલું ઓછું હોય તેમ, તેજપાલે મહાત્મા ગાંધીના અંદાજમાં પોતાની જાતને બહુ મહાન સજા કરતા હોય એમ જાહેર કર્યું કે પોતે છ મહિના સુધી ઓફિસે નહીં આવે. તેમની આ જાહેરાત ટીકા અને રમૂજનું કેન્દ્ર બનવાને જ લાયક હતી. કોઇએ કહ્યું, ‘મેં કરેલા દુરાચારની સજા તરીકે હું છ મહિના સુધી આશ્રમે નહીં જઉં, એવું આસારામ કહી દે તો તેમને પણ સજામાંથી મુક્તિ મળી જાય?’ બીજાએ કહ્યું, ‘આ છ મહિનામાં માલિક-તંત્રી તરીકે તે રૂપિયા લેવાના કે નહીં?’ મુદ્દો એ છે કે ગુનાની ગંભીરતા અને તેની સજા આરોપી પોતે કેવી રીતે નક્કી કરી શકે?

ઉપલબ્ધ વિગતો પરથી જણાય છે કે ફરિયાદીને તેજપાલની માફીથી સંતોષ ન હતો. ‘તહલકા’નાં મેનેજિંગ તંત્રી શોમા ચૌધરીએ પણ ન્યાયનો અને મહિલા સાથીદારનો પક્ષ લેવાને બદલે તેજપાલના પક્ષે રહેવાનું પસંદ કર્યું હોય એવી છાપ પડે છે. તેમણે આવું ‘સંસ્થાના હિતમાં’ કર્યું હોવાનું આત્મવંચનાભર્યું આશ્વાસન એ પોતે કદાચ લઇ શકે, પણ તેમની વર્તણૂંકના ખુલાસા તરીકે એ દલીલ ટકે એમ નથી. કારણ કે મોડે મોડે ઊભા થયેલા દબાણ પછી તેમણે આંતરિક તપાસની જાહેરાત કરી છે. સરકાર તપાસસમિતિઓ રચે ને એ વલણની આકરી ટીકા કરનારાં પ્રસાર માઘ્યમો પોતાના પગ તળે રેલો આવે ત્યારે સમિતિબાજીમાં જ રાચે, એ દર્શાવે છે કે સ્થાપિત હિતના મુદ્દે પ્રસાર માઘ્યમો ભ્રષ્ટ રાજકારણીઓ કે રાજકીય પક્ષો કરતાં જરાય જુદાં નથી.  ભૂતકાળમાં બરખા દત્ત અને વીર સંઘવી સહિત પત્રકારત્વનાં મોટાં માથાં સામે લાગેલા આરોપ ભૂલાઇ ગયા હોઇ શકે, પણ તેનો સંતોષકારક ખુલાસો મળ્યો નથી. તેજપાલ પર થયેલા આરોપો બીજાં ક્ષેત્રોની જેમ પત્રકારત્વ માટે પણ નવા નથી, એ ઢંકાયેલું સત્ય આ કિસ્સાથી ઉજાગર અને ચર્ચાતું થાય તો એ આ દુઃખદ પ્રસંગની એક ઉપલબ્ધિ ગણાય.  

(શનિવાર, ૨૩-૧૧-૧૩)

Wednesday, November 20, 2013

’સાર્થક જલસો’ હવે ઇ-સ્વરૂપે

પહેલા જ અંકથી નક્કર વાચનસામગ્રી દ્વારા તાજી હવા પ્રસરાવનાર સાર્થક જલસો સામયિકનો પહેલો અંક હવે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી શકાય એ સ્વરૂપે આવી ગયો છે.  દેશવિદેશમાં રહેતા નક્કર વાચનના પ્રેમીઓ ૦.૯૯ સેન્ટ (આશરે રૂ.૬૧)ની કિંમતે જલસોની કોપી ડાઉનલોડ કરી શકશે. તે કમ્પ્યુટર ઉપરાંત આઇપેડ, કિન્ડલ, ટેબ્લેટ જેવાં તમામ સાધનો પર ડાઉનલોડ કરી શકાશે. એ માટેની લિન્ક 



વાચનનો ’જલસો’ માણવા ઇચ્છતા મિત્રોએ પહેલી વાર www.magzter.com પર ફ્રી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ઉપર આપેલી લિન્ક પર નમૂના લેખે સાર્થક જલસોના અનુક્રમનાં બે પાનાં અને બે લેખની ઝલક જોવા મળી શકે છે. સાર્થક જલસોનો મુખ્ય ભાર લેખકોને બદલે લેખો પર છે. ઓછાં જાણીતાં-અજાણ્યાં નામ પ્રત્યે છોછ અને જાણીતાં-પ્રસિદ્ધ નામ પ્રત્યે અહોભાવ રાખ્યા વિના, જલસોમાં કેવળ ઉત્તમ વાચનસામગ્રી આપવાનો ખ્યાલ છે. ’સાર્થક જલસોના પહેલા અંકને મળેલા સોલ્ડ આઉટ પ્રતિભાવ પછી અમારી દિશા સાચી હોવાની ઉત્સાહજનક પ્રતીતિ અમને થઇ છે. 

જલસોના છપાયેલા સ્વરૂપને અને નક્કર-નવીનતાભરી-વૈવિધ્યપૂર્ણ વાચનસામગ્રી આપવાના અમારા પહેલા જ પ્રયાસને ઉમળકાથી વધાવનારા સૌ વાચકમિત્રોનો હૃદયપૂર્વક આભાર અને જેમને જલસો ગમ્યો હોય તેમને ’જલસોની ઇ-કોપીની લિન્ક તેમનાં દેશપરદેશ વસતાં સગાંસ્નેહી વાચનપ્રેમીઓ સાથે શેર કરવા ખાસ વિનંતી.

Tuesday, November 19, 2013

સરકારી ફાઇલોમાં દટાયેલી ગુજરાતમાં સોનું મળવાની શક્યતા

વર્ષ ૧૯૮૬-૮૭ની વાત છે. ગુજરાત સરકારના ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ વિભાગ દ્વારા જામનગર જિલ્લાના આશરે ૨૭૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તેનો આશય બાંધકામમાં ઉપયોગી અને આર્થિક રીતે ફાયદાકારક હોય એવી  ખનીજોની તલાશ કરવાનો હતો. પરંતુ ‘છીંડું શોધતાં લાધી પોળ’ એ કહેવત પ્રમાણે, બીજી ધાતુઓની શોધખોળ કરતાં એ વિસ્તારનાં કેટલાંક સેમ્પલમાંથી સોનાના અંશ મળી આવ્યા.

તપાસ અભિયાન હાથ ધરનાર આસિસ્ટન્ટ જીઓલોજિસ્ટ ડી.એસ.સુથારે ચમકતા રજકણો ધરાવતાં છ સેમ્પલ ગાંધીનગરમાં આવેલી ભૂસ્તરશાસ્ત્ર વિભાગની લેબોરેટરીમાં મોકલી આપ્યાં. ત્યાંથી મળેલા અહેવાલમાં, તમામ સેમ્પલમાં સોનાના અંશ હોવાનું સ્પષ્ટપણે પુરવાર થયું હતું. છ સેમ્પલમાંથી બે સેમ્પલમાં સોનાનું પ્રમાણ પાંચ પીપીએમ, ત્રણ સેમ્પલમાં ૨૦ પીપીએમ અને એક સેમ્પલમાં તો એ ૩૦ પીપીએમ જેટલું હતું. (‘પીપીએમ’ એટલે ‘પાર્ટ્‌સ પર મિલિયન’. એક પીપીએમનો અર્થ થાય ૧૦ લાખમાં એક) પાંચથી ૩૦ પીપીએમનો આંકડો સાવ નજીવો લાગતો હોય, તો એટલું જાણી લેવું જોઇએ કે ખાણકામને નફાકારક બનાવવા માટે જમીનમાં સોનાનું પ્રમાણ એકથી પાંચ પીપીએમ જેટલું હોય તે પૂરતું ગણાય છે.
આસિસ્ટન્ટ જીઓલોજિસ્ટ ડી.એસ.સુથારે પોતાના તપાસ અહેવાલની સાથે ૧-૫૦,૦૦૦ના સ્કેલમાપથી બનાવેલા નકશામાં સોનું ધરાવતાં સેમ્પલ જ્યાંથી મળી આવ્યાં તે સ્થળો પણ લંબચોરસ સ્વરૂપે એ,બી અને સી નામ આપીને દર્શાવ્યાં હતાં.
આ સ્થળો જામનગરના જામજોધપુર તાલુકાના પાટણ ગામ તથા તેની આસપાસના અલેક હિલ્સ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલાં હતાં. આ પ્રદેશ ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ ‘ફોલ્ટ ઝોન’ છે.

ભૂસ્તરીય હલનચલન દરમિયાન જમીન નીચે આવેલા બે થર એકબીજા સાથે ટકરાય ત્યારે તેમાં ઠેકઠેકાણે તિરાડો સર્જાય છે. પેટાળમાં ધગધગતો લાવા એ તિરાડોમાં ભરાય છે અને ઘણી વાર પોતાની સાથે ભૂગર્ભની ખનીજોને પણ લેતો આવે છે. અડસટ્ટે લીધેલાં સેમ્પલમાં સોના જેવી કિમતી ધાતુ મળી આવે, તો પછી એ સ્થળે વઘુ તપાસ કરવામાં આવે અને સંભવતઃ સોનાનો વઘુ જથ્થો ધરાવતી આખેઆખી તિરાડ કે તિરાડો/ ચેનલ શોધવાનો પ્રયાસ કરવામાં આવે. પરંતુ જામજોધપુર-અલેક હિલ્સના વિસ્તારમાં ડી.એસ.સુથારના અહેવાલ પછી  પણ કોઇ જાતની તપાસ હાથ ધરવામાં આવી નહીં.
અહેવાલના અંતે ‘કન્ક્લુઝન એન્ડ રેકમેન્ડેશન’ (તારણ અને ભલામણો)માં પણ તેમણે ખાસ ઘ્યાન દોરતાં લખ્યું હતું : ‘ (આ સંશોધનની) સૌથી મહત્ત્વની ઉપલબ્ધિ છે પાટણ ગામ નજીક ફોલ્ટ ઝોનમાં મળી આવેલા, સોનાના અંશ ધરાવતા ખડકો. હાલમાં છ જુદાં જુદાં  સેમ્પલમાં ૫ થી ૩૦ પીપીએમ જેટલા પ્રમાણમાં સોનું મળી આવ્યું છે.  તે સારી નિશાની છે. સંભવિત વિસ્તારોમાં પદ્ધતિસર સેમ્પલ એકઠાં કરીને આ દિશામાં ભારે ઝીણવટથી વઘુ અભ્યાસ કરવાનું જરૂરી છે. આથી ભલામણ કરવામાં આવે છે કે જીઓલોજિકલ મેપિંગ, સીસ્ટમેટિક ગ્રિડ પેટર્ન બેસીસ પિટિંગ એન્ડ ટ્રેન્ચિંગ તથા નિયમિત અંતરે યોગ્ય સેમ્પલિંગ જેવી પદ્ધતિઓથી પાટણ ગામની આસપાસમાં તપાસ હાથ ધરવામાં આવે.’

ગુજરાતની ભૂમિમાં સોનું ધરબાયેલું હોવાની સંભાવના છે, એવું વૈજ્ઞાનિક આધારપુરાવા સાથે  દર્શાવતો પહેલો અહેવાલ હતો. ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’માં મળતા ઉલ્લેખ પ્રમાણે, ‘કેપ્ટન મેકમર્ડોએ ૧૮૧૮માં નોંઘ્યું હતું કે આજી નદીની રેતીમાંથી સોનાની રજકણો મળતી હતી, પરંતુ પછીના અન્ય કોઇ ગ્રંથમાં તેનો ઉલ્લેખ મળતો નથી. ગિરનાર પર્વતમાંથી નીકળતી સોનરેખા નદીની રેતી ધોઇને તેમાંથી સોનાની રજકણો મેળવાતી હતી તેવો ૧૮૪૨નો ઉલ્લેખ મળે છે, પરંતુ સોનાની રજકણોના મૂલ્ય કરતાં તેને મેળવવાનો ખર્ચ વઘુ થતો હતો તેથી તે કામગીરી બંધ થઇ ગઇ હતી.’

સૌરાષ્ટ્રમાંથી સોનું મળવાની શક્યતાનો પહેલવહેલો વ્યવસ્થિત ઉલ્લેખ ૧૯૧૪માં હાવર્ડ એડીએ કર્યો હતો. અલેક ડુંગર અને બરડા ડુંગરના અભ્યાસ પછી તેમણે નોંઘ્યું હતું કે સતપર નજીક આવેલી સાડા પાંચ કિ.મી. લાંબી રીજ-જમીનની બહાર ઉપસી આવેલી ધાર-માં સોનું મળવાની શક્યતા છે. આઝાદી પછી ૧૯૫૩માં ડો.બી.સી.રોયે એ વિસ્તારનો અભ્યાસ કરીને ત્યાં સોનાના અંશ મળ્યાની નોંધ કરી હતી. ત્યાર બાદ કેટલાક નિષ્ફળ પ્રયાસ પછી ૧૯૮૬-૮૭ના સર્વેક્ષણમાં મળેલાં સેમ્પલ અને તેના લેબોરેટરી રીપોર્ટના આધારે ડી.એસ.સુથારે પોતાના અહેવાલમાં નોંધ કરી કે ‘આ પરિણામોએ (જામનગર) જિલ્લામાં સોનું ધરાવતા નવા વિસ્તાર મળી આવે, એવી શક્યતાના દરવાજા ઉઘાડી નાખ્યા છે.’
ભૂસ્તરશાસ્ત્ર વિભાગે તૈયાર કરેલો જામનગરનો ખનિજસૂચક નકશો : 
તેમાં સોનાનું નામોનિશાન નથી
આ અહેવાલને લગભગ અઢી દાયકા વીતી ગયા છતાં  એ દિશામાં કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. ‘શા માટે?’ એનો કોઇ એક જવાબ નથી. નિવૃત્ત થઇ ચૂકેલા ભૂસ્તરશાસ્ત્રી ડી.એસ.સુથાર કહે છે,‘ખાતાકીય ખેંચતાણ જેવાં પરિબળોથી માંડીને, તપાસ કરતાં સોનું મળી આવશે તો ગામડાંમાં પડ્યાપાથર્યા રહેવું પડશે અને ઓફિસમાં પોસ્ટિંગ નહીં મળે એવી માનસિકતા પણ કારણભૂત હોઇ શકે છે.’

ઉત્તર પ્રદેશમાં કોઇ સ્થાનિક સાઘુના સ્વપ્નના આધારે અને કહેવાતા વૈજ્ઞાનિક પુરાવાના આધારે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા સ્થળને ઘેરી લીઘું ને મોટા ઉપાડે ખોદકામ ચાલુ કરાવ્યું. દેશવિદેશનાં પ્રસાર માઘ્યમો અને લોકોનાં ધાડેધાડાં માટે એ જોણું બની ગયું. એ જમીનમાં ‘ધાતુ જેવું કંઇક કઠણ’ હોવાનો દાવો કરતા આર્કિયોલોજિકલ સર્વેને છેવટે મળ્યું શું? પથરા. શબ્દાર્થમાં પથરા. તેની સરખામણીમાં ગુજરાતમાં સોનું મળવાની શક્યતા ખરા અર્થમાં વૈજ્ઞાનિક તપાસ પછી વ્યક્ત થઇ હતી. અલબત્ત, તેનાથી એવું બિલકુલ માની લેવાની જરૂર નથી કે જમીનમાં સોનાનાં બિસ્કિટ દટાયેલાં હશે અને કુહાડી-કોદાળી લઇને ખોદતાં એ ધડાધડ નીકળવા લાગશે. ‘ગુજરાતમાં ગોલ્ડ રશ’ જેવાં ઉત્તેજનાપ્રેરક મથાળાં બાંઘ્યા વિના કે આખી વાતને આબરૂનો-દેખાડાનો મુદ્દો બનાવી દીધા વિના, કેવળ વૈજ્ઞાનિક ઢબે તેની તપાસ કરવાની જરૂર છે. તેમાં સફળતા મળે તો દેશનો ફાયદો છે, પણ નિષ્ફળતા મળે તો કોઇની આબરૂ જવાનો સવાલ નથી. કારણ કે તે અદ્ધરતાલ, કોઇના સ્વપ્નના આધારે નહીં, પણ લેબોરેટરીના અહેવાલોમાં દેખાયેલી સંભાવના આધારે થયેલી તપાસ હશે. 

Tuesday, November 12, 2013

‘ઇસરો’નું મંગળયાન : વિજ્ઞાનની સોનેરી થાળીમાં અંધશ્રદ્ધાનો ગોબો

મિશન-મંગળ અઘરૂં તો ગણાય. અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ના અહેવાલ પ્રમાણે, મંગળ સુધી જવા નીકળેલાં ૫૧માંથી માંડ ૨૧ યાન મંગળની ભ્રમણકક્ષા લગી પહોંચ્યાં છે. તેમાંથી એશિયાના એક પણ દેશનું યાન મંગળનાં દર્શન કરી શક્યું નથી. ચીને રશિયાની મદદથી મંગળયાન રવાના કર્યું હતું, પણ એ પૃથ્વીની ભ્રમણકક્ષાથી આગળ ન ગયું. એકાદ દાયકા પહેલાં જાપાનના પ્રયાસને પણ નિષ્ફળતા મળી હતી.

હવે ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ઇસરો’એ મંગળ ગ્રહની ભ્રમણકક્ષા સુધી યાન પહોંચાડવાનું સાહસ હાથ ધર્યું છે. તેમાં પહેલો અને સાવ પ્રાથમિક કહેવાય એવો તબક્કો ગયા મંગળવારના રોજ સફળતાપૂર્વક પાર પડ્યો અને મંગળયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં મુકાયું છે. ત્યાંથી ક્રમશઃ તેની ભ્રમણકક્ષાનું અંતર વધારીને, ૧ ડિસેમ્બરના રોજ તેને મંગળના લાંબા રસ્તે મુકી આપવામાં આવશે.

અફાટ અવકાશમાં યાન બે રીતે ચાલી શકે ઃ બળતણના જોરે  અને ગુરૂત્વાકર્ષણથી. વિરાટ કદના ગ્રહો પોતાનું ગુરૂત્વાકર્ષણ ધરાવતા હોય છે. મોબાઇલ ટાવરના સિગ્નલની જેમ (પણ તેમના કરતાં અનેક ગણા વધારે વ્યાપક-શક્તિશાળી) ગુરૂત્વાકર્ષણનો પ્રભાવ અવકાશમાં મોટા વિસ્તારમાં પથરાયેલો હોય છે. એ વિસ્તારમાં યાન દાખલ થાય એટલે, ઢાળ પરથી ન્યૂટ્રલ ગીઅરમાં સડસડાટ આગળ વધતા વાહનની જેમ, તે બળતણ વિના કે નહીંવત્‌ બળતણ વાપરીને પ્રવાસ ચાલુ રાખે છે. યાનનો પ્રવાસમાર્ગ નક્કી કરતી વખતે આ બાબતને ખાસ ઘ્યાનમાં રાખવામાં આવે છે, જેથી ગુરુત્વાકર્ષણનો મહત્તમ લાભ લઇને ઓછામાં ઓછા બળતણથી લાંબો પ્રવાસ ખેડી શકાય અને બળતણના નામે યાનના વજનમાં થતો વધારો કાબૂમાં રાખી શકાય. (માર્સ ઓર્બિટર એટલે કે મંગળયાનના કુલ ૧,૩૩૭ કિલોગ્રામ વજનમાંથી ૮૫૨ કિલોગ્રામ તો કેવળ બળતણનું જ વજન છે.)

શ્રીહરિકોટા મથકેથી ‘ઇસરો’એ રવાના કરેલું મંગળયાન હજુ સાવ આરંભિક તબક્કામાં છે. એ ભાગ સફળતાપૂર્વક સંપન્ન થયો એટલે ભારે જયજયકાર થયો. એક મહત્ત્વાકાંક્ષી મિશનની શુભ શરૂઆત તરીકે એ બરાબર છે, પણ કેટલાક અભ્યાસીઓને આ ઉજવણાં  વહેલાં અને અપ્રમાણસરનાં લાગ્યાં છે. મંગળયાત્રામાં નિષ્ફળતાના પ્રમાણને ઘ્યાનમાં રાખતાં સાવચેતી અને સંયમ રાખવાનું વઘુ યોગ્ય લાગે છે.

કેવળ સફળ લૉન્ચિંગનો આટલો ઓચ્છવ ન હોય એવી એમની વાત પણ વાજબી છે. કારણ કે ઘુ્રવીય ભ્રમણકક્ષામાં ઉપગ્રહો તરતા મૂકવામાં ‘ઇસરો’ ઘણા સમયથી નિષ્ણાત ગણાય છે. પીએસએલવી- પોલર સેટેલાઇટ લૉન્ચ વેહીકલ- દ્વારા અગાઉ બે ડઝન લૉન્ચિંગ થઇ ચૂક્યાં છે. મંગળયાન એવું પચીસમું લૉન્ચિંગ હતું. અગાઉનાં તમામ લૉન્ચિંગની સરખામણીમાં મંગળયાનનો લૉન્ચિંગ તબક્કો સૌથી લાંબો - ૪૩ મિનીટનો હતો. (તેમાં રોકેટ દાગ્યા પછી ૪૩મી મિનીટે મંગળયાન છૂટું પડીને નિશ્ચિત ભ્રમણકક્ષામાં ફરતું થઇ જવાનું હતું.) છતાં મૂળભૂત ટેકનોલોજીની રીતે પહેલા તબક્કામાં કશી નવાઇ ન હતી.

બઘું ગણતરી પ્રમાણે પાર પડે તો મંગળયાન સપ્ટેમ્બર ૨૦૧૪માં  મંગળની ભ્રમણકક્ષામાં પહોંચશે અને માંડ ૧૫ કિલોગ્રામ વજન ધરાવતાં ઉપકરણોની મદદથી દૂર રહ્યે રહ્યે મંગળનો તાગ મેળવવાનો પ્રયાસ કરશે. ‘રીમોટ સેન્સિંગ’ - દૂર રહીને નિકટ પરિચય  હાંસલ કરવામાં ‘ઇસરો’ની મહારત જોતાં મંગળયાન મંગળ વિશે કશી નવી માહિતી લઇ આવે તો નવાઇ નહીં લાગે.

અમેરિકાએ મંગળની સપાટી પર ઉતારેલા યાનની સરખામણીમાં ‘ઇસરો’નું મંગળયાન સસ્તું અને ઓછી સાધનસામગ્રી ધરાવે છે. છતાં મંગળ ગ્રહની અમુક જ સપાટીનો અભ્યાસ કરનાર અમેરિકાના યાનની સામે ‘ઇસરો’નું મંગળયાન આખા મંગળની પ્રદક્ષિણા કરીને ‘રીમોટ સેન્સિંગ’ થકી માહિતી મેળવવા ધારે છે. તેમાંથી એક અગત્યની માહિતી મંગળ ગ્રહ પર મિથેન વાયુની હાજરી અંગેની છે. જીવસૃષ્ટિનો સૂચક ગણાતો આ વાયુ મંગળ પર ગેરહાજર હોવાનું અમેરિકાના મંગળયાને કહી દીઘું છે. પરંતુ ‘ઇસરો’નું મંગળયાન આખા ગ્રહના અભ્યાસ પછી જુદું તારણ આપી શકે છે. આંતરરાષ્ટ્રિય સંશોધકોનો એક સમુહ માને છે કે ‘ઇસરો’નું મંગળયાન ભારતની વૈજ્ઞાનિક ઉપલબ્ધિથી વિશેષ મહત્ત્વ ધરાવતું નથી અને તેના અભ્યાસમાંથી કોઇ ક્રાંતિકારી પરિણામ મળવાની સંભાવના નથી. પરંતુ મંગળયાન જો મંગળ ગ્રહ પરથી મિથેનની હાજરી શોધી કાઢે તો એ મહત્ત્વની શોધ બની રહેશે.

શ્રીહરિકોટા અને તિરુપતિ

વિરોધાભાસની ભૂમિ જેવા ભારતમાં ‘ઇસરો’ એક તરફ દેશી ઇજનેરી કૌશલ્યનું પ્રતીક છે, તો બીજી તરફ તે વિજ્ઞાન સાથે અંધશ્રદ્ધાની ભેળસેળનો પણ ખેદજનક નમૂનો છે.

‘ઇસરો’એ મંગળયાનનો પ્રોજેક્ટ માંડ રૂ.૪૫૦ કરોડમાં પાર પાડ્યો છે, જે અમેરિકાના આ જ પ્રકારના પ્રોજેક્ટના ખર્ચ કરતાં દસમા ભાગની રકમ હશે. આંતરરાષ્ટ્રિય સમુદાયે ‘ઇસરો’ની આ સિદ્ધિની નોંધ લીધી છે. અલબત્ત, બચાવમાં એવી દલીલો પણ થઇ છે કે ‘અમેરિકાના ઇજનેરોની સરખામણીમાં ભારતીય ઇજેનરોનો પગાર ઘણો ઓછો છે. મંગળયાનમાં મર્યાદિત સાધનસામગ્રી રવાના કરવામાં આવી છે. એટલે ટેકનોલોજીની દૃષ્ટિએ  ભારતના મંગળયાનનું મહત્ત્વ પ્રતીકાત્મકથી વિશેષ નથી.’

આ દલીલો સાચી હોય તો પણ ફક્ત ૧૫ મહિનાના સમયગાળામાં ‘ઇસરો’એ આવો પ્રોજેક્ટ  સસ્તા ભાવમાં સાકાર કરી બતાવ્યો એ મોટી સિદ્ધિ છે. તેનો સંપૂર્ણ જશ ‘ઇસરો’ની ટીમને જાય છે. પરંતુ ‘ઇસરો’માં ઘણાં વર્ષથી એવી પરંપરા ઊભી થઇ છે કે કોઇ પણ લૉન્ચિંગ પહેલાં ‘ઇસરો’ના વડા સત્તાવાર રીતે તિરુપતિ મંદિરની મુલાકાતે જાય, રવાના થનારા સાધનની એક નાની પ્રતિકૃતિ ભગવાનનાં ચરણોમાં ધરે અને મંદિરમાંથી આશીર્વાદ મેળવ્યા પછી મિશન આગળ ધપાવે.

‘ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ પ્રમાણે, ‘ઇસરો’ના વર્તમાન અઘ્યક્ષ રાધાકૃષ્ણન મંગળયાનના લૉન્ચિંગના આગલા દિવસે પત્ની ઉપરાંત ‘ઇસરો’ના ૧૮ સાથીદારો સાથે તિરુપતિ ગયા હતા. રાધાકૃષ્ણન દરેક વખતે લૉન્ચિંગ પહેલાં તિરુપતિની મુલાકાત લીધા પછી સફળતા માટે સ્થાનિક દેવીની પૂજા પણ કરે છે. અહેવાલો પ્રમાણે આ વખતે તેમણે સ્થાનિક મંદિરમાં દેવીની પૂજા પહેલાં કરી અને ત્યાર પછી તિરુપતિ પહોંચ્યા.

મિશનની સફળતા માટે તિરુપતિ મંદિરમાં જવાનો રિવાજ ક્યારથી શરૂ થયો હશે, એ ચોક્કસપણે જાણવા મળતું નથી. પરંતુ હવે ભક્તિભાવપૂર્વક તેનું પાલન કરવામાં આવે છે. વિજ્ઞાન અને (અંધ)શ્રદ્ધાની આ ભેળસેળ વિશે જ્યારે પણ ટીકા થાય ત્યારે ‘ઇસરો’નાં મોટાં માથાંનો કે તેમના સમર્થકોનો જવાબ હોય છે કે ‘આટલો મહત્ત્વનો પ્રોજેક્ટ હોય અને તેની સફળતા વિશે ઘણો ઉચાટ હોય ત્યારે માણસ બે ઘડી ભગવાન સમક્ષ માથું ટેકવે તેમાં શું ખસી જાય છે? ભગવાન કે શ્રદ્ધાનો આટલો આત્યંતિક વિરોધ ન કરવો જોઇએ...’

આ મુદ્દે ચર્ચા કરતાં પહેલાં વ્યક્તિગત શ્રદ્ધા (કે અંધશ્રદ્ધા) અને સંસ્થાકીય રિવાજ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનું જરૂરી છે. ભારતનું બંધારણ દરેક વ્યક્તિને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની કે કોઇ પણ ધર્મ ન પાળવાની સ્વતંત્રતા આપે છે. પરંતુ આવી મોકળાશ કેવળ વ્યક્તિઓ માટે છે, જાહેર સંસ્થાઓ માટે નહીં. ‘ઇસરો’ના અઘ્યક્ષ કે બીજી કોઇ પણ ઇજનેરો વ્યક્તિગત જીવનમાં ગમે તેટલા આસ્તિક કે અંધશ્રદ્ધાળુ હોય, એ તેમની સ્વતંત્રતાનો મામલો છે, પરંતુ ‘ઇસરો’ જેવી વિજ્ઞાનના પર્યાય સરખી સંસ્થાના અઘ્યક્ષ તરીકે તે મિશનની સફળતા માટે પૂજાપાઠ કરે, તે કોઇ પણ રીતે વાજબી ઠરાવી શકાય એમ નથી. તેમના આ પગલાથી ‘ઇસરો’ની ઇજનેરી સિદ્ધિઓની લીટી નાની થાય છે. આ ઉપરાંત ભારતના બંધારણમાં સૂચવાયેલી વૈજ્ઞાનિક મિજાજનો પ્રચારપ્રસાર કરવાની વાતનો અનાદર થાય છે. ‘ઇસરો’ના વડા જેવો માણસ સફળતા માટે ભગવાનનું શરણું લે અને લૉન્ચ વેહીકલની પ્રતિકૃતિ ભગવાનના ચરણે મૂકવા જેવી ઘેલી ચેષ્ટા કરે, તેમાંથી બહુમતી આસ્તિક-અંધશ્રદ્ધાળુ જનતા કેવો બોધપાઠ લે? એ કલ્પી શકાય એવું છે.

વિજ્ઞાનીઓ અંધશ્રદ્ધાળુ હોય તેમાં કશી નવાઇ નથી. કારણ કે તેમની વિજ્ઞાનવિષયક પ્રતિભા અને એ સિવાયની બાબતોની વિચારસરણી વચ્ચે એકસૂત્રતા હોવી જરૂરી નથી. થોડા વખત પહેલાં ભારતના ‘સેન્ટર ફોર ઇન્ક્વાયરી’ અને ‘સેક્યુલર સોસાયટી ઑફ અમેરિકા’એ ૧,૧૦૦ વિજ્ઞાનીઓનું સર્વેક્ષણ કર્યું હતું. તેમાં તબીબી વિજ્ઞાનથી માંડીને પ્રયોગશાળાઓમાં કામ કરનારા લોકોનો અને ૧૪૦ મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. સર્વેક્ષણમાંથી જાણવા મળ્યું કે આશરે ૪૯ ટકા વિજ્ઞાનીઓ પ્રાર્થનાની શક્તિમાં વિશ્વાસ ધરાવતા હતા. ૧૪ ટકા તો વાસ્તુશાસ્ત્ર અને ફળજ્યોતિષમાં પણ માનતા હતા.

સામાન્ય માણસની અંધશ્રદ્ધા અને ‘ઇસરો’ જેવી સંસ્થાની સત્તાવાર અંધશ્રદ્ધાનાં પરિણામ બહુ જુદાં હોય, એ ‘ઇસરો’ના ઇજનેરો કેમ સમજવા નહીં માગતા હોય? સૌ અંધશ્રદ્ધાળુ ઇજનેરો સ્નાન કરે છે એવી રીતે, ખાનગી રાહે, પોતાના ઘરે ઇષ્ટદેવની જેટલી પૂજા કરવી હોય એટલી કરીને આવે તો એ તેમની મુન્સફીની વાત છે, પણ જાહેરમાં તે મિશનની સફળતા માટે મંદિરોમાં પૂજાપાઠ કરતા દેખાય, એ દૃશ્ય વરવું લાગે છે. ફિલ્મમાં સરસ એક્ટિંગ કર્યા પછી બોક્સ ઓફિસ પર તેની સફળતા માટે ધર્મસ્થાનોમાં માથાં ટેકવતાં અભિનેતા-અભિનેત્રીઓ અને ‘ઇસરો’ના કાબેલ ઇજનેરો વચ્ચે કશો ફરક હોવો જોઇએ કે નહીં?

છેલ્લે એ પણ જાણી લેવું જોઇએ કે ડિસેમ્બર ૨૦૧૦માં જીએસએલવી એફ-૦૬ના પરીક્ષણના આગલા દિવસે રાધાકૃષ્ણન્‌ તિરૂપતિ મંદિરે પહોંચી ગયા હતા અને ત્યાં પૂજાપાઠ કર્યાં હતાં. તેમ છતાં, જીએસએલવી નિષ્ફળ નીવડ્યું. એટલું જ નહીં, પીએસએલવીમાં  નિષ્ણાત બન્યાનાં વર્ષો પછી હજુ સુધી ‘ઇસરો’ જીએસએલવીમાં સફળતા મેળવી શક્યું નથી. જીએસએલવી બની ગયું હોત તો મંગળયાન પહેલેથી જ વઘુ ઊંચી ભ્રમણકક્ષામાં લોન્ચ કરી શકાત, પરંતુ પૂજાપાઠ અને તિરુપતિની યાત્રાઓ જીએસએલવીને સફળતા અપાવી શકી નથી. એ સફળતા ‘ઇસરો’ને તેના ઇજનેરી કૌશલ્ય સિવાય બીજી કોઇ રીતે મળી શકે? જવાબ આપણે જાણીએ છીએ.    

Monday, November 11, 2013

સરદાર- નેહરુ મતભેદ : સાચો ઇતિહાસ, સ્વાર્થી રાજકારણ

(સરદાર-નેહરુ વિશે રવિપૂર્તિમાં લખેલા બે લેખનો એક સંયુક્ત લેખ)

સામાન્ય સંજોગોમાં સહેલાઇથી જૂઠું બોલી શકતા રાજનેતાઓની જીભ ચૂંટણીટાણે કંઇક વધારે છૂટી થઇ જાય છે. જૂઠાણાં તે એટલા આત્મવિશ્વાસથી ગબડાવે છે, જાણે એ જ સાચો ઇતિહાસ હોય અને એ ઇતિહાસ તેમની સમક્ષ બન્યો હોય. આ શરમજનક પરંપરાનું તાજું અને વઘુ એક ઉદાહરણ વડાપ્રધાન બનવા માટે તલપાપડ એવા ગુજરાતના મુખ્ય મંત્રીએ પૂરું પાડ્યું. તેમણે સરદારની સૌથી ઊંચી પ્રતિમા વિશેની એક પ્રચાર-મુલાકાત દરમિયાન કહી દીઘું કે સરદારની અંતિમ યાત્રામાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હાજર રહ્યા ન હતા.

હકીકતમાં, સરદાર વિશેનાં ધોરણસરનાં પુસ્તકોમાં નેહરુ સાથેના તેમના મતભેદોની સાથોસાથ, તેમની અંતિમયાત્રામાં નેહરુ હાજર હતા એ વાત સાવ સ્વાભાવિક ક્રમમાં નોંધાયેલી )છે. એટલું જ નહીં, બ્રિટિશ પાથે કંપનીએ ઉતારેલી ન્યૂઝરીલમાં સરદારની અંતિમ ક્રિયામાં નેહરુની હાજરી એકથી વઘુ વાર દેખાય છે. બ્રિટિશ પાથે કંપનીની વેબસાઇટ પર આ ન્યૂઝરીલ ‘ફ્‌યુનરલ ઑફ સરદાર પટેલ’ એ મથાળા સાથે ઉપલબ્ધ છે. તેમાંથી લીધેલાં અને નેહરુની હાજરી દર્શાવતાં કેટલાંક દૃશ્યો આ લેખની સાથે મૂકવામાં આવ્યાં છે. (http://www.britishpathe.com/video/funeral-of-sardar-patel)





ભારતના વડાપ્રધાન બનવા ઇચ્છુક નેતા આટલા નજીકના ઇતિહાસના એક તથ્યને પોતાના સ્વાર્થ માટે મરોડી શકે અને સગવડીયા જૂઠાણાને નવા ઐતિહાસિક તથ્ય તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરે, એ કેવું કહેવાય? અલબત્ત, રાજકારણીઓ માટે આવાં નિવેદન ગાજરની પીપુડી જેવાં હોય છે ઃ એ ચાલી જાય તો એનો ભરપૂર ફાયદો લઇ લેવાનો અને તેની સામે પડકાર ઊભો થાય તો સલુકાઇથી કહી દેવાનું, ‘મેં તો આવું કશું કહ્યું જ નથી.’

નેહરુ અને સરદાર વચ્ચેના મતભેદ તથા તેને વટાવી ખાવાના કુટિરઉદ્યોગ-કમ-કુટિલઉદ્યોગ બહુ જૂનાં છે. આઝાદી પછી ફક્ત ત્રણ વર્ષમાં અવસાન પામેલા સરદાર પટેલને જવાહરલાલ નેહરુની આગેવાની હેઠળની કોંગ્રેસે ભૂલાવી દીધા. તેમના વિશે અનેક ગેરસમજણો પેદા થઇ. ત્યાર પછી રેઢા પડેલા સરદાર પટેલને ભાજપે અપનાવી લીધા. આઝાદીના આંદોલનમાં ભાગ લીધો હોય કે તેમાં નોંધપાત્ર પ્રદાન ધરાવતો હોય એવો કોઇ નેતા ભાજપ પાસે ન હતો. સરદાર પટેલને ‘પોતાના’ બનાવી દેવાથી ભાજપને બેવડો ફાયદો થયો : નેહરુ સાથે મતભેદ ધરાવતું અને જેના નામે નેહરુની આકરી ટીકા કરી શકાય એવું મજબૂત નામ મળ્યું. બીજો ફાયદો એ થયો કે ભાજપના લધુમતીવિરોધી- મુસ્લિમવિરોધી રાજકારણમાં પણ સરદાર જેવા નેતાનો દુરુપયોગ શક્ય બન્યો.

કોંગ્રેસપ્રેરિત કે ડાબેરી વર્તુળોના રાજકારણમાં સરદાર પટેલની છબી ખોટી રીતે કોમવાદી નેતા  તરીકેની હતી. ભાજપે સરદારને એ ખોટી છબી સાથે હોંશેહોંશે અપનાવી લીધા અને એ ખોટી છબી બરાબર ધૂંટી આપી. આખી વાતમાં સરદારને બેવડું નુકસાન થયું : પહેલાં કોંગ્રેસે ઉપેક્ષા કરી અને પછી ભાજપે તેમને અપનાવીને કોમવાદી-હિંદુત્વવાદી તરીકે રજૂ કર્યા, જેવા એ ન હતા.

સરદાર અને તેમના કરતાં ૧૪ વર્ષ નાના જવાહરલાલ વચ્ચેના મતભેદોનો ઇતિહાસ લાંબો છે. તેમાં ઘણા નાટ્યાત્મક ચઢાવઉતાર છે અને સરવૈયું કાઢતાં આ મતભેદોમાં સરદાર મૂઠી ઊંચેરા સાબીત થાય છે, એ હકીકત છે. પરંતુ આ વાત કોઇ તટસ્થ અભ્યાસી કહે અને કોઇ ભાજપી રાજકારણી કહે, ત્યારે બન્ને વચ્ચેનો ફરક સમજવો રહ્યો. સરદાર પટેલની અંતિમ યાત્રા નિમિત્તે થયેલા વિવાદને પણ એ રીતે જોવો રહ્યો.

વડાપ્રધાન તરીકે જવાહરલાલ નેહરુએ તો સી.રાજગોપાચારી સાથે સરદારની અંતિમ યાત્રામાં હાજરી આપી હતી, પરંતુ રાષ્ટ્રપતિના હોદ્દે રહેલા રાજેન્દ્રપ્રસાદે ત્યાં હાજર ન રહેવું જોઇએ, એવો નેહરુનો મત હતો. આ મુદ્દે નેહરુ અને રાજેન્દ્રપ્રસાદ વચ્ચે થોડું ઘર્ષણ પણ થયું. નવી લોકશાહીમાં કાયમી શિરસ્તા સ્થપાઇ રહ્યા હોય ત્યારે, રાષ્ટ્રપતિએ (રાજેન્દ્રપ્રસાદે) નાયબ વડાપ્રધાન (સરદાર)ની અંતિમ વિધિમાં હાજર રહેવાનો રિવાજ ન પાડવો જોઇએ, એવી નેહરુની દલીલ હતી. પ્રોટોકોલની રીતે એ ગમે તેટલી સાચી લાગે તો પણ, રાજેન્દ્રબાબુ સહિત બીજો કોઇ પણ નેતા એ કેવી રીતે માની લે કે સરદાર કેવળ ‘નાયબ વડાપ્રધાન’ ન હતા? કોંગ્રેસના સંગઠન પર સરદારની પકડ અને તેના આંતરિક રાજકારણમાં સરદારના એકચક્રી પ્રભાવ ઉપરાંત, સરદાર એક જૂના, વરિષ્ઠ અને ગાંધીપ્રમાણિત સાથીદાર હતા, એ રાજેન્દ્રપ્રસાદ શી રીતે ભૂલી શકે? એટલે નેહરુની સલાહને અવગણીને તે ધરાર સરદારની અંતિમ વિધિમાં ઉપસ્થિત રહ્યા. એ સમયના અહેવાલો પ્રમાણે, મુંબઇના સોનાપુર સ્મશાનમાં સરદારને અગ્નિદાહ અપાયો ત્યારે એકઠા થયેલા લોકોને વડાપ્રધાન જવાહરલાલે નહીં, પણ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે સંબોધન કર્યું.

આઝાદી પહેલાંની કોંગ્રેસમાં સરદાર અને જવાહરલાલની રાજકીય કારકિર્દી લગભગ સમાંતરે શરૂ થઇ. નેતા બનતાં પહેલાં બન્ને જણ બેરિસ્ટર બનવા માટે પણ લગભગ એક જ સમયે લંડન ગયા હતા. ૩૫ વર્ષના વિઘુર અને બે છોકરાંના પિતા વલ્લભભાઇ કાયદાના અભ્યાસની ચાર સંસ્થાઓમાંથી એક ‘મિડલ ટેમ્પલ’માં દાખલ થયા, ત્યારે ૨૧ વર્ષના ઊર્મિશીલ અમીરજાદા અને વલ્લભભાઇ કરતાં ૧૪ વર્ષ મોટા, બેરિસ્ટર મોતીલાલ નેહરુના પુત્ર જવાહરલાલ ‘ઇનર ટેમ્પલ’માં ભણવા રહ્યા. કોંગ્રેસમાં બન્નેનો સિતારો લગભગ એક જ અરસામાં બુલંદ થયો. એકાદ દાયકા સુધી મુખ્યત્વે ક્ષેત્રીય સ્તરે જાણીતા રહેલા વલ્લભભાઇ ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહ પછી રાષ્ટ્રિય નેતા બન્યા, તો પૂર્ણ સ્વરાજની ઘોષણા માટે વિખ્યાત કોંગ્રેસના ૧૯૨૯ના લાહોર અધિવેશનમાં જવાહરલાલ કોંગ્રેસપ્રમુખ બન્યા.

પ્રકૃતિ અને રાજકારણની દૃષ્ટિએ જવાહરલાલ અને સરદાર વચ્ચે પાયાનો ફરક હતો. બન્ને વચ્ચે લગભગ એક પેઢીનો -૧૪ વર્ષનો- તફાવત હતો એ પણ યાદ રાખવું પડે. જવાહરલાલ ભાવનશાળી અને સરદાર વાસ્તવવાદી. જવાહરલાલ ઝટ દોરવાઇ જાય એવા, સરદાર માણસને ઓળખવામાં પાવરધા. અભિપ્રાય માટે જવાહરલાલ હંમેશાં કોઇ ને કોઇ મજબૂત ટેકા તરફ ઢળતા હોય, જ્યારે સરદાર સ્વતંત્ર અને અડીખમ. કોઇને ટેકો આપી શકે એવા. જવાહરલાલ અત્યંત મોહક વ્યક્તિત્વ ધરાવતા, વાચાળ, સત્તાવાર લખાણો-ઠરાવોમાં ઘણી વાર શબ્દાળુ બની જનારા, જ્યારે સરદાર ધીરગંભીર, પ્રભાવશાળી અને આક્રમક વ્યક્તિત્વના સ્વામી, જરૂર પૂરતું બોલનારા-લખનારા અને ભાષાડંબર પ્રત્યે સખત ખીજ ધરાવનારા.

પરંતુ ગાંધીજીની એ કમાલ હતી કે પોતપોતાની રીતે શક્તિશાળી પણ એકબીજા સાથે પાટો ન બેસે એવા ફક્ત સરદાર-નેહરુ નહીં, બીજા અનેક નેતાઓને તે દેશના હિત ખાતર એક દોરે જોડી શક્યા અને તેમની સહિયારી શક્તિઓનો દેશને લાભ મળે એવો સફળ પ્રયાસ કર્યો. તેમના પ્રતાપે બધા મતભેદો સહિત ગાંધી સાથે સરદાર -નેહરુ મળીને ‘ભારતની સ્વરાજત્રિપુટી’ બની રહ્યા.

આઝાદીની આસપાસનાં વર્ષોમાં સરદાર અને નેહરુ વચ્ચે ગંભીર મતભેદના પ્રસંગ આવ્યા. એકથી વઘુ વાર સરદારે હોદ્દો છોડી દેવાનો વિચાર કર્યો, પરંતુ ગાંધીજી તેમને એવું ન કરવા સમજાવી શક્યા. ગાંધીજીની હત્યા વખતે બન્ને નેતાઓ વચ્ચેના મતભેદ ચરમસીમા પર હતા, પરંતુ પોતાના આદરણીય ગુરુની હત્યાએ બન્નેને હચમચાવી નાખ્યા. ગાંધીજીની હત્યાના ચાર દિવસ પછી નેહરુએ સરદારને અત્યંત લાગણીસભર પત્ર લખ્યો. એ લાગણીનો પડઘો પાડતાં સરદારે જવાહરલાલને પત્રના અંતે લખ્યું,‘આપણા મતભેદો જાહેરમાં કે ખાનગીમાં ગવાયા જ કરે, તે આપણે માટે ખરાબ છે, સરકારી નોકરિયાતો માટે ખરાબ છે અને દેશ માટે પણ ખરાબ છે. જેટલા વહેલા આપણે આ વાતને નિર્મૂળ કરી નાખીએ અને ધૂંધળા વાતાવરણને સ્વચ્છ કરી નાખીએ, એટલું સારું.’

***

જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઇ પટેલ ગાંધીજીને મળ્યા ત્યાર પહેલાં તેમના રસ્તા સાવ જુદા હતા. વલ્લભભાઇ બેરિસ્ટર તરીકે અમદાવાદની કોર્ટ ગજાવતા અને ધીકતી પ્રેક્ટિસથી રૂપિયાની ટંકશાળ પાડતા હતા. મોટા ભાઇ વિઠ્ઠલભાઇએ તેમની સાથે એવી સમજૂતી કરી હતી કે એ દેશસેવાના કામમાં જાય અને સાંસારિક જવાબદારીઓ નાના વલ્લભભાઇ ઉપાડે. આક્રમક વલ્લભભાઇને પ્રકૃતિગત રીતે પણ અરજી અને રજૂઆતોના રાજકારણમાં જવાની કશી હોંશ ઉપજે એમ ન હતું.

વલ્લભભાઇથી ૧૪ વર્ષ નાના જવાહરલાલને લોહીમાંથી મળ્યું હતું. તેમના પિતા મોતીલાલ નેહરુ ગાંધીજીના આગમન પહેલાંથી રાજકારણમાં સક્રિય હતા. જવાહરલાલ પોતે પણ ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેની ‘સર્વન્ટ્‌સ સોસાયટી ઓફ ઇન્ડિયા’ અને એની બેસન્ટની ‘હોમરુલ લીગ’ સાથે સંકળાઇને રાજકારણમાં ડગ માંડી ચૂક્યા હતા. ગાંધીજીના આગમન પછી ફુંકાયેલી તાજી હવામાં જુવાન જવાહરલાલ એ તરફ ખેંચાયા. વલ્લભભાઇ વિશે કહી શકાય કે ગાંધીજી ન આવ્યા હોત તો એ આખી જિંદગી બેરિસ્ટર રહ્યા હોત. કારણ કે જમાનો જોઇ ચુકેલા બેરિસ્ટર વલ્લભભાઇ સહેલાઇથી કોઇના પ્રભાવમાં આવે એવા ન હતા. ગાંધીજીની સૌમ્ય મક્કમતા અને બ્રિટિશ શાસનને પડકારવાનો હિંમતબાજ અભિગમ જોઇને તે પીગળ્યા અને ગાંધીજી ભણી વહ્યા. તેમણે કહ્યું હતું, ‘મહાત્માએ આવી જાહેર જીવન શરૂ કર્યું ત્યારે (મને) લાગ્યું કે એમાંથી અલગ રહેવું એ અધર્મ છે.’ જવાહરલાલનો મામલો જરા જુદો હતો. ગાંધીજી ન આવ્યા હોત તો પણ એ રાજકારણમાં હોત અને સમય જતાં રાષ્ટ્રિય રાજકારણમાં ઝળક્યા હોત. કારણ કે લખાપટ્ટી અને દલીલબાજીનું જાહેરજીવન પણ નેહરુને બરાબર ફાવ્યું હોત.

ગાંધીજી સાથે જોડાયા પછી થોડાં વર્ષોમાં વલ્લભભાઇ અને જવાહરલાલ વચ્ચે વ્યક્તિગત નહીં, પણ વ્યૂહરચનાના મુદ્દે સંઘર્ષનો પ્રસંગ આવ્યો. ૧૯૨૧માં ચૌરીચૌરાની હિંસા પછી અસહકારનું આંદોલન મોકુફ રહ્યું. તેનાથી ઘણા નેતાઓ નારાજ હતા. મોતીલાલ નેહરુ, વિઠ્ઠલભાઇ પટેલ જેવા વડીલ નેતાઓએ નક્કી કર્યું કે અંગ્રેજોને લડત આપવા માટે ધારાસભામાં જવું. વલ્લભભાઇ, જવાહરલાલ, રાજેન્દ્રપ્રસાદ જેવા નેતાઓને એ વિકલ્પ નકામો લાગતો હતો. કોંગ્રેસના અધિવેશનમાં વડીલોનો મત અમાન્ય ઠર્યો, પણ તેમની આમન્યા જાળવવા માટે એવું નક્કી થયું કે વડીલો ધારાસભાની ચૂંટણી લડે તો તેમની તરફેણ કે વિરોધમાં કશો પ્રચાર કરવો નહીં. આટલું ઓછું હોય તેમ, પુરૂષોત્તમદાસ ટંડને ૧૯૨૨માં કોંગ્રેસ મહાસમિતિની મુંબઇ બેઠકમાં એવો ઠરાવ મૂક્યો કે ધારાસભામાં પ્રવેશની પ્રવૃત્તિનો પણ વિરોધ ન કરવો. મૂળ ઠરાવનો આ બિનજરૂરી વિસ્તાર હતો.

જવાહરલાલ પોતે ધારાસભાપ્રવેશના વિરોધી હતા, પણ તેમાં બાંધછોડ કરીને તેમણે ટંડનના ઠરાવને ટેકો આપ્યો. વલ્લભભાઇને આ ઠરાવ વાંધાજનક લાગ્યો. એટલે તેમણે રાજેન્દ્રપ્રસાદ-રાજગોપાલાચારી જેવા સાથીદારો સાથે કારોબારીમાંથી રાજીનામું આપી દીઘું. કોંગ્રેસની પ્રાંતિક સમિતિઓએ પણ કોંગ્રેસના જૂના ઠરાવનું પાલન કરીને ટંડનવાળા ઠરાવનો અમલ નહીં કરવાનો નિર્ણય લીધો.  જવાહરલાલને એ વસમું લાગ્યું. તેમના પ્રયાસોથી ગુજરાત અને તામિલનાડુની પ્રાંતિક સમિતિઓ સામે શિસ્તભંગનાં પગલાંની દરખાસ્ત મુકાઇ, જેને એક રીતે વલ્લભભાઇ અને બીજા આગેવાનો સામેની પણ ગણી શકાય. મતદાનમાં ૬૩ વિરુદ્ધ ૬૫ મતથી આ દરખાસ્ત ઉડી જતાં જવાહરલાલે પણ નારાજ થઇને કારોબારીમાંથી રાજીનામું આપ્યું. આમ બન્ને વચ્ચેના સાવ આરંભિક મતભેદ માટે પુરૂષોત્તમદાસ ટંડન નિમિત્ત બન્યા.

સમયનું ચક્ર કેવી વક્રતા પેદા કરે છે તેનું એક ઉદાહરણ : આઝાદી પછી એ જ પુરૂષોત્તમદાસ ટંડન કોંગ્રેસપ્રમુખ બને તેની સામે જવાહરલાલને વાંધો હતો અને સરદાર ટંડનના પક્ષે હતા. આચાર્ય કૃપાલાનીને હરાવીને ટંડન કોંગ્રેસપ્રમુખ બન્યા, તેનાથી જવાહરલાલ ઘણા દુભાયા હતા. સરદાર અને નેહરુ વચ્ચેના મોટા મનદુઃખનો એ સંભવતઃ છેલ્લો પ્રસંગ હતો.

સરદાર-નેહરુ વચ્ચે સીધા મતભેદનો મોટો પ્રસંગ ૧૯૩૬માં ભરાયેલા કોંગ્રેસના લખનૌ અધિવેશનમાં આવ્યો હતો. કોંગ્રેસની અંદર રહેલા સમાજવાદી ફાંટા પ્રત્યે નેહરુની સહાનુભૂતિ બહુ જાણીતી હતી. વાસ્તવદર્શી સરદારને સમાજવાદીઓ માટે ખાસ ભાવ ન હતો. તેમને એ લોકો ‘અનેક પેટાજૂથોમાં વહેંચાયેલા અને આઝાદી મળ્યા પહેલાં, આઝાદી પછી તંત્ર કેવું હોવું જોઇએ તેની ચર્ચામાંથી ઊંચા ન આવનારા અને માત્ર વાતો કરનારા’ ગણતા હતા. છતાં, ગાંધીજીની ઇચ્છાથી  ત્રણ સમાજવાદી નેતાઓને કોંગ્રેસની કારોબારીમાં લેવામાં આવ્યા. નેહરુને આ ઓછું ને સરદાર સહિતના કેટલાક નેતાઓને તે વઘુ પડતું લાગ્યું. ત્યાર પછી જે થયું તેને ગાંધીજીએ ‘કરુણ ફારસ’ ગણાવ્યું. કારણ કે એક તરફ સરદાર, રાજગોપાલાચારી અને રાજેન્દ્રપ્રસાદે, તો સામે પક્ષે નેહરુએ પણ સામસામા વિરોધમાં રાજીનામાં આપી દીધાં. વ્યથિત થયેલા ગાંધીજીએ નેહરુને કહ્યું,‘તમારા સાથીઓ અસહિષ્ણુ હોય, તો તમે તેમનાથી વધુ અસહિષ્ણુ છો. તમારા લોકોની અસહિષ્ણુતાનો ભોગ હિંદુસ્તાનને બનાવશો નહીં.’

૧૯૪૨ની ચળવળ પછી તમામ નેતાઓની ધરપકડ થઇ ત્યારે ગાંધીજી સિવાયના બીજા નેતાઓ સાથે સરદાર અને નેહરુ પણ અહમદનગર જેલમાં સાથીદાર તરીકે હતા. જેલમાંથી છૂટ્યા પછી કેબિનેટ મિશનની દરખાસ્તો અને ભારતના ભાગલા સ્વીકારવાની વાત આવી, ત્યારે સરદાર ગાંધીજીની ઇચ્છાથી ઉપરવટ ગયા. એ વખતે નેહરુ સરદારની સાથે પૂરેપૂરા સંમત હતા. ભાગલાનો વિરોધ કરતા ગાંધીજી સામે સરદાર જેવા મજબૂત નેતાનો સાથ મળ્યો, એ બાબતે નેહરુએ કદાચ છૂપી રાહત પણ અનુભવી હશે. કોઇની તરફ ઢળવાની અને તેના પર આધાર રાખવાની પ્રકૃતિ પ્રમાણે, આઝાદી પહેલાંના એકાદ વર્ષ દરમિયાન નેહરુ માઉન્ટબેટન અને અમુક અંશે સરદાર ભણી ઢળેલા રહ્યા. આઝાદ ભારતના પહેલા પ્રધાનમંડળમાં શ્યામાપ્રસાદ મુખરજી, સરદાર બલદેવસિંઘ અને ડો.આંબેડકર જેવા સભ્યોના સમાવેશનું શ્રેય પણ સરદાર પટેલને આપવામાં આવે છે.

સરદાર અને નેહરુ વચ્ચેની પસંદગીમાં ગાંધીજીએ નેહરુને પોતાના વારસદાર જાહેર કર્યા, ત્યારે ઘણો ચણભણાટ થયો. મહત્ત્વાકાંક્ષી ન હોવા છતાં, પોતાની જગ્યાએ નેહરુને પસંદ કરાયા એ બદલ સરદારને માનવસહજ નારાજગી થઇ હશે, પણ તેનાં કિન્નાખોરી કે કચવાટ સરદારના ત્યાર પછીના વર્તનમાં દેખાયાં નહીં. આઝાદીના ચારેક મહિના પહેલાં એક જાહેર સભામાં તેમણે કહ્યું હતું,‘આ રાજ્યતંત્ર ઉખેડી નાખવામાં અમારા નેતા ગાંધીજી હતા. રાજ્યતંત્ર ચલાવવામાં અમારા નેતા જવાહરલાલ નેહરુ છે. એની બાહોશી, ત્યાગ અને કુશળતાની જોડી નથી.ગાંધીજીની સિપાઇગીરી જેટલી વફાદારીથી કરી, તેટલી જ વફાદારીથી પંડિત જવાહરલાલજીની સિપાઇગીરી કરવા ત્યાં ગયો છું. એને મારાથી થાય તેટલી મદદ કરવાનો મારો ધર્મ છે અને તે પ્રમાણે કરું છું.’

જમ્મુ-કાશ્મીર, સિવિલ સર્વિસનું ભવિષ્ય, આર્થિક બાબતો, હિંદુ મહાસભા પ્રત્યેનું વલણ જેવા ઘણા પ્રશ્નો અંગે નેહરુ-સરદારના દૃષ્ટિકોણ અલગ હતા. સરદાર સિવિલ સર્વિસના અફસરોને વિશ્વાસમાં લઇને, ભારતના પુનઃનિર્માણ માટે તેમનો ઉપયોગ કરવા ઇચ્છતા હતા, જ્યારે નેહરુ આઇ.સી.એસ. અધિકારીઓને અંગ્રજોના ખાંધીયા ગણીને તેમના પ્રત્યે ફુંગરાતા હતા. ગૃહ પ્રધાન તરીકે પોતાના અધિકારક્ષેત્ર માટે સરદાર અત્યંત સભાન અને સાવધ હતા.  આઝાદીના દોઢેક મહિના પછી એક લાંબા પત્રમાં સરદારે નેહરુ સમક્ષ કેટલીક બાબતોના ખુલાસો કર્યા પછી લખ્યું હતું, ‘મારા ખાતાની જવાબદારીમાં સમાઇ જતી બાબત અંગે તમે અધિકારીઓને સીધેસીધા હુકમો આપો તે મારા માટે અને અધિકારીઓ માટે પણ કેટલાક અંશે મૂંઝવણભર્યું થાય છે...તમે કોઇ સૂચના આપી પણ હોય તો તમારે ઓછામાં ઓછું મને જણાવવું તો જોઇએ અને આવી સૂચનાઓ કોઇ બિનસરકારી તંત્ર દ્વારા આડકતરી રીતે મારા ઘ્યાનમાં આણવામાં આવે એવું ન થવું જોઇએ.’

ગાંધીજીની હત્યાના થોડા દિવસ પહેલાં સરદાર-નેહરુ વચ્ચેનો મતભેદ લેખિત સ્વરુપમાં ગાંધીજી પાસે પહોંચ્યો. નેહરુની નોંધના જવાબમાં સરદારે ગાંધીજીને લખ્યું, ‘સ્વભાવના તફાવત અંગે તથા આર્થિક બાબતો અને હિંદુ-મુસ્લિમ સંબંધોને લગતી બાબતો વિશે અમારાં દૃષ્ટિબિંદુ જુદાં છે, એમાં બેમત નથી. તેમ છતાં, અમે બન્ને દેશના હિતને અમારા અંગત મતભેદ કરતાં ઊંચાં ગણીએ છીએ...અમારી સામે આવેલી ઘણીયે આંધીઓનો અમે સંયુક્ત પુરુષાર્થથી સામનો કર્યો છે...હવે અમે આને આગળ ચલાવી શકીએ એમ નથી, એવો વિચાર કરવો દુઃખદ અને કરુણ પણ છે...પણ વડા પ્રધાનની ફરજો અંગે એમનો ખ્યાલ સ્વીકારવામાં આવે તો વડા પ્રધાનનો દરજ્જો લગભગ સરમુખત્યાર જેવો થઇ જાય...મારા ખ્યાલ પ્રમાણે તે ‘ફર્સ્ટ એમન્ગ ઇક્વલ્સ’ (બધા સરખા, પણ એ બધામાં તે પહેલા) છે...સમાધાન ન થઇ શકે તો પોતે પદત્યાગ પસંદ કરશે, એવું વડા પ્રધાને કહ્યું છે, પણ હું નિશ્ચયપૂર્વક કહું છું કે જો કોઇએ જવાનું હોય તો મારે જ જવું જોઇએ. સક્રિય સેવાની વય હું લાંબા સમય પહેલાં વટાવી ચૂક્યો છું. વડા પ્રધાન દેશના સ્વીકૃત નેતા છે...મને જરાય શંકા નથી કે મારી અને એમની વચ્ચેની પસંદગી એમની તરફેણમાં જ થવી જોઇએ.’

ગાંધીજીની હત્યા થતાં આ કટોકટી ટળી અને સરદારના મૃત્યુપર્યંત, ચઢાવઉતાર છતાં,  બન્ને વચ્ચે સત્તાવાર વિચ્છેદનો પ્રસંગ ન આવ્યો. સરદારે અનેક વાર નેહરુનું માન અને મન સાચવ્યાં. જાહેરમાં કે સાથીદારો સમક્ષ તેમની ટીકાના પ્રસંગ ટાળ્યા અને ગાંધીના સિપાઇ તરીકેની પોતાની કામગીરીને બરાબર દીપાવી. વર્ષો પછી આ બન્ને નેતાઓ વિશે વાત થાય ત્યારે વર્તમાન રાજકીય સ્વાર્થ ખાતર તેમને આમનેસામને ગોઠવવાને બદલે, ગાંધીરથનાં બે ચક્રો તરીકે અથવા એ ત્રણેને ‘સ્વરાજત્રિપુટી’ તરીકે જોવાથી જ તેમને ન્યાય કરી શકાય.

Saturday, November 02, 2013

1000મી પોસ્ટનો ‘સાર્થક જલસો’ : આનંદ, સંતોષ, આભાર..

પાંચેક વર્ષ પહેલાં બ્લોગિંગ શરૂ કર્યું ત્યારે મનમાં કોઇ ચોક્કસ  ઘ્યેય ન હતું- સિવાય કે અભિવ્યક્તિસ્વાતંત્ર્ય અને કોલમમાં ન આવરી શકાય એવા, ક્યારેક અંગતતાનો સંસ્પર્શ ધરાવતા, વિવિધ વિષયો પર લખતા રહેવાનો વિચાર.

બ્લોગની સફર એક હજારમી પોસ્ટે પહોંચી છે ત્યારે, આંકડાનું વિશેષ માહત્મ્ય ન હોવા છતાં, લેખનનું સાતત્ય જળવાયું એ વિચારે સંતોષ થાય છે. છેલ્લા ઘણા સમયથી ‘ગુજરાત સમાચાર’માં અઠવાડિયે ત્રણ વાર પ્રગટ થતી કોલમના ઘણાખરા લેખ બ્લોગમાં મૂકું છું. સંખ્યાપ્રેમીઓને જણાવવાનું કે પાંચ વર્ષ કરતાં વઘુ સમયના બ્લોગલેખનમાં ૧,૦૦૦માંથી ૪૦૦થી વઘુ પોસ્ટ એવી છે કે કેવળ બ્લોગ માટે તૈયાર કરી હોય. એટલે કે, બ્લોગ ન હોત તો આ લખાણો-તસવીરો-વિડીયો પણ ન મુકાયાં હોત.

બ્લોગથી મળેલા મિત્રો વિશે વિચારતાં મનમાં સાર્થકતાની લાગણી જાગે છે. ઘણા વખતથી અંગત ડાયરી લખવાનું બંધ કર્યું હતું, પરંતુ ‘બત્રીસ કોઠે હાસ્ય’ પુસ્તકની તૈયારી, એ નિમિત્તે ભરાયેલી ગુજરાતી સાહિત્ય-લેખનના ઇતિહાસની અભૂતપૂર્વ અદાલત, મારો બીજો કોલેજકાળ, તેમાં જીવનમાં પહેલી (કદાચ છેલ્લી) વાર ભજવેલાં નાટકો, મારી પ્રિય વ્યક્તિઓની વિદાયનોંધો, પ્રકાશનક્ષેત્રે પ્રવેશ, પ્રિય વ્યક્તિઓ સાથેની અનૌપચારિક મુલાકાત-નોંધો, કેટલાક સમારંભોના વિગતવાર અને ક્યાંય પ્રગટ ન થયેલા સમીક્ષાત્મક અહેવાલ, તીખી ટીપ્પણીઓ...આવું ઘણું બ્લોગનિમિત્તે સચવાયું અને સમરસિયાઓ સાથે વહેંચી શકાયું એનો ભારે સંતોષ છે.

અશ્વિની ભટ્ટ જેવા ગુરૂજન ઉપરાંત આયેશા ખાન, અમૃતા શાહ, નિશા પરીખ જેવાં મિત્રોનાં અંગ્રેજી લખાણ આ બ્લોગ પર પ્રગટ કરવા માટે મળ્યાં છે એ વધારાનો આનંદ છે. શરૂઆતનાં વર્ષોમાં ઘણી તસવીરો બિનીત મોદી પાસેથી મળી હતી. હવે બિનીતનો પોતાનો જ બ્લોગ છે. છતાં બીરેનનો, બિનીતનો કે મારો બ્લોગ એમ જુદા નથી.  હકીકતમાં ‘સાર્થક જલસો’નાં મૂળિયાં શોધવા નીકળીએ તો એ, બીજા મિત્રોનાં લખાણ સૂઝપૂર્વક સંપાદિત કરીને બ્લોગ પર મુકવાની બીરેનની જહેમતમાંથી મળી આવે કદાચ.

બ્લોગની એક હજારમી પોસ્ટ તરીકે ‘સાર્થક જલસો’ની સર્જન પ્રક્રિયાની ઝલક મિત્રો સમક્ષ મુકવાનું મન છે. કારણ કે આપ સૌ મિત્રોના ઉત્સાહવર્ધક સહકાર અને આગોતરા ઓર્ડરને કારણે આ ‘સાર્થક જલસો’ બજારમાં આવ્યાના ત્રણ-ચાર દિવસમાં તેની તમામ નકલો અમારી પાસેથી વેચાઇ ચૂકી છે. હવે તે સ્ટોલ પર ક્યાંક થોડીઘણી જોવા મળે તો મળે, પણ ગમે તેટલા અંગત મિત્ર અમારી પાસેથી સામટી દસ-વીસ નકલ માગે તો આપવાનું અમારા માટે અશક્ય છે.

‘સાર્થક જલસો’ના પહેલા જ અંકને મળેલા આ પ્રતિસાદ વિશે શબ્દો જડતા નથી. કેવળ માથું સહેજ ઝુકાવીને આભાર વ્યક્ત કરી શકાય. ભવિષ્યમાં પણ તમારા સૌ તરફથી આવો સહકાર મળતો રહેશે એવી અપેક્ષા અને ખાતરી સાથે, બ્લોગની યાત્રા ૧૦૦૦મી પોસ્ટથી નવા મુકામ તરફ આગળ વધતી રહેશે.

નોંધ :  જે મિત્રોને આ વખતે અંક મળી શક્યા નથી, તેમના પ્રત્યે દિલગીરી વ્યક્ત કરીને જણાવવાનું કે ઇન્ટરનેટ પર આ અંક ટૂંક સમયમાં વાંચવા માટે-ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ બનશે. લિન્ક પરથી ‘સાર્થક જલસો’ની ઇ-કોપી કમ્પ્યુટર, ટેબ્લેટ કે આઇ-પેડ જેવાં સાધનો પર ડાઉનલોડ કરીને વાંચી શકાશે. આ સુવિધાનો લાભ લેવા અને વિદેશમાં રહેતાં તમારાં વાચનપ્રેમી મિત્રો-પરિચિતોને પણ એ વિશે જાણ કરવા વિનંતી.
મેગેઝીનના લેખોનો અને જાહેરાતોનો ક્રમ દર્શાવતું શીડ્યુલ ફાઇનલ
કરવાની પ્રક્રિયા 
’સાર્થક જલસો’નું મુખપૃષ્ઠ અપૂર્વ આશરે આ રીતે તૈયાર કર્યું 






લે-આઉટ કરનાર મિત્ર ફરીદના ઘરે થતી બેઠકોમાંની છેલ્લી બેઠક 
અનુક્રમની ફાઇનલ ડીઝાઇન : કેવી લાગે છે?

છેલ્લી વારની એક નજર અને સુધારાવધારા :  ઉત્સાહી સહાયક નિશા પરીખ સાથે

છેલ્લી વારની બેઠકમાં રાત્રે સાડા બાર વાગે એનો વાંધો નહીં.
લે-આઉટ કરનાર મિત્ર ફરીદ શેખ સાથે કામ પૂરું થયાના હાશકારા સાથે