Showing posts with label Gujarat government/ગુજરાત સરકાર. Show all posts
Showing posts with label Gujarat government/ગુજરાત સરકાર. Show all posts

Friday, August 19, 2022

ન્યાયનો અંત આવો? : બળાત્કારીઓ અને હત્યારાઓને અપાયેલી માફી વિશે પ્રતાપ ભાનુ મહેતાના અંગ્રેજી લેખનો અનુવાદ

પ્રતાપ ભાનુ મહેતા,  ઓગસ્ટ 19, 2022, ધ ઇન્ડિયન એક્સપ્રેસ

જરાય ગાફેલિયતમાં રહેવાની જરૂર નથી. બિલ્કિસબાનુ પર સામુહિક બળાત્કાર કરનારા, તેમની ત્રણ વર્ષની બાળકીની હત્યા કરનારા અને બીજા તેર લોકોની હત્યામાં સામેલ 11 લોકોને ગુજરાત સરકારની સમિતિએ આપેલી માફી કેવળ ન્યાયની વિડંબના નથી. તે ઉશ્કેરણીનો ખતરનાક રાજકીય ખેલ છે. સરકાર કદાચ હજુ તે હુકમ પર ફેરવિચાર કરી શકે. સર્વોચ્ચ અદાલતે માફીની અરજી પર વિચાર કરવાની મંજૂરી આપી હોવા છતાં, તેનાં દ્વાર ખટખટાવવામાં આવે તો, તે પણ સજામાફીનો (સમિતિએ કરેલો) નિર્ણય કદાચ ઉલટાવી શકે. પણ તેનાથી જે નુકસાન થવાનું હતું, તે થઈ ચૂક્યું છે. શું ન્યાયનો અંત આવો હોય?” એવા બિલ્કીસબાનુના મર્મભેદી સવાલે કાળજીપૂર્વક ઊભા કરેલા ભારતીય ગણતંત્રના બાહ્ય ભ્રામક દેખાવને છેદી નાખ્યો છે. રહીરહીને પોકારે એવા આ સવાલ પાછળ રહેલા ચિત્કારનો કોઈ જવાબ નથી. હકીકત તો એ છે કે, તે સવાલની પાછળ રહેલો ચિત્કાર વ્યાપકપણે અનુભવાયો નથી, તે ગણતંત્રના નૈતિક બુઠ્ઠાપણાની અને હડહડતા કોમવાદીપણાની સાહેદી પૂરે છે.  

રાજ્યે આપેલી માફીમાં શું દાવ પર લાગ્યું છે, તે સમજવામાં કાયદાકીય દલીલો આડે ન આવે તે જરૂરી છે. કમભાગ્યે, ભારતીય ન્યાયપ્રણાલિમાં જામીન, સજા અને માફી મોટા પાયે મુનસફી પર ચાલે છે. ડિસેમ્બર 2012માં દિલ્હીમાં થયેલા ગેંગ રેપ અને મર્ડર કેસ જેવા કેટલાક બળાત્કારના કિસ્સામાં ગુનેગારોને મૃત્યુદંડની સજા મળી, જ્યારે એવા બીજા ઘણા કિસ્સામાં એવી સજા નથી મળી. 1992માં અસ્તિત્વ ધરાવતી અને ત્યાર પછી નાબૂદ કરાયેલી માફીનીતિ હેઠળ માફી આપી શકાય કે નહીં, તેની ચર્ચા થઈ શકે; ભયંકર ગુનાઓમાં માફીની જોગવાઈ લાગુ પાડી શકાય નહીં, એવી કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન આ કિસ્સામાં લાગુ પડી શકે કે નહીં, તેની પણ ચર્ચા થઈ શકે. આ પ્રકારના કેસમાં ન્યાયી સજા કેવી હોઈ શકે, તેની વાત થઈ શકે. દંડ અને સજા વિશેની વ્યાપક ચર્ચા પણ અલગથી થઈ શકે. પરંતુ જે રીતે આ કિસ્સામાં મુન્સફી વાપરવામાં આવી છે, તે સાવ જુદી વાત છે. (આગળ જણાવેલા) બધા કાનૂની આટાપાટાની મદદથી સજા માફ થઈ હોય એવું બને. પરંતુ આ કિસ્સામાં રાજ્ય સરકારે પોતાની મુન્સફીનો ઉપયોગ ન્યાયને ઉથલાવી પાડવા માટે અને રાજકીય સંકેત આપવા માટે કર્યો હોય એવું લાગે છે.

બિલ્કિસબાનુનો કેસ એટલો ભયંકર હતો કે તેના વિશે સાંભળવામાત્રથી મગજ અને કલ્પનાશક્તિ બહેર મારી જાય, ચિત્ત ભ્રમિત થઈ જાય. ગુનો એટલો ભયંકર હતો અને તેની વિગતોની અનેક વાર પુષ્ટિ થઈ ચૂકી છે. તેમ છતાં, એવી હિંસાખોરીના વિચારમાત્રથી આપણને હજુ પણ ત્રાસ છૂટે છે કે જેમાં એક સગર્ભા સ્ત્રી પર બળાત્કાર થયો હોય, એક બાળકને પટકીને મારી નાખવામાં આવ્યું હોય, આખા પરિવારની હત્યા થઈ હોય અને આ બધું પાડોશીઓમાંથી જ કેટલાકે કર્યું હોય. તે ધ્યાનમાં રાખતાં, બિલ્કિસબાનુએ જે હાંસલ કર્યું, તે કોઈ ચમત્કારથી કમ ન હતું. તે જુસ્સાથી સક્રિય થયાં. દુશ્મનાવટભર્યું રાજકીય વાતાવરણ, ડરાવતો સમાજ, ખંડિત ન્યાયતંત્ર અને આર્થિક અભાવ જેવી ભારે વિપરીતતાઓ સામે તેમણે અદમ્ય સાહસ દેખાડ્યું, તેમણે પોતાની ઓળખ ગુનાથી (ભોગ બનનાર તરીકે) નહીં, પણ ન્યાયથી (ઝઝૂમીને ન્યાય મેળવનાર તરીકેની) ઊભી કરી. અને દેશભક્તિની ઉચ્ચતમ મિસાલ તરીકે, ભારતીય બંધારણ અને તેની સંસ્થાઓમાં, તેના રખેવાળોને પણ કદી ન હોય એવો ને એટલો, વિશ્વાસ મુક્યો. આપણે જાતને આશ્વાસન આપવું હોય કે હજુ પણ ન્યાય મેળવવાનું શક્ય છે, ત્યારે બિલ્કીસબાનુનો કેસ આપણા માટે એવા તરણાનું કામ કરે છે, જેને વળગીને આપણે એવો સધિયારો મેળવી શકીએ. અને ન્યાયનો અંત કેવો આવ્યો? બિલ્કીસબાનુને એટલી જાણ કરવાનો વિવેક પણ ચૂકાયો કે તમારા અત્યાચારી પાડોશીઓને છોડી મૂકીએ છીએ. રાજ્યના પગલાનો બેપરવાઈભર્યો મતલબ હતોઃ એ ભય અને માનસિક ત્રાસ ફરી અનુભવો.

આ ઘટનાક્રમનાં બે રાજકીય પાસાં નોંધપાત્ર છે. અગાઉનાં ઘણાં રમખાણોની જેમ, 2002નાં રમખાણોના ઘણા આરોપીઓનો ન્યાય હજુ થયો નથી. પરંતુ ગુજરાતમાં વ્યાપક રીતે એવો માહોલ છે કે જે લોકો સામે અદાલતમાં કામ ચાલ્યું અને સજા થઈ તે હકીકતમાં કેટલાંક એનજીઓ, કર્મશીલો, (કેન્દ્રની) કોંગ્રેસ સરકાર અને મિડીયાના કેટલાક હિસ્સાની રાજકીય કાવતરાબાજીનો ભોગ બનેલા લોકો હતા. ન્યાયની સતત માગણી કરતા લોકોના દબાણને હળવું કરવા માટે, કેટલીક વાર નામીચા પણ આ કિસ્સામાં નિર્દોષ હોય એવા લોકોને ઝડપીને, તેમને રાજકીય સંઘર્ષમાં બલિનો બકરો બનાવાયા. એ વાત સાચી છે કે નહીં, તે અહીં અપ્રસ્તુત છે. અસલી મુદ્દો એ છે કે આપણે આવું માની લઈએ, તેમ ભાજપ ઇચ્છે છે. હિંદુઓ કદી ત્રાસવાદી હોઈ શકે નહીં અને હિંદુઓ હંમેશાં ભોગ બનેલા જ હોય—એવા ભાજપના પ્રચારગાનનો તે હિસ્સો છે.

તે મતલબના પ્રચારને વાજબીપણાની દલીલ તરીકે અપનાવીને, સરકાર હવે 2002માં હિંસાપીડિતોને ન્યાય અપાવવાનું કામ કરનારા લોકોની પાછળ પડી ગઈ છે અને તેમણે ન્યાય મેળવવાનો પ્રયાસ કર્યો તે બદલ તેમને દંડી રહી છે. આ પ્રચારમાં ઉશ્કેરણીની અસલી ઘંટડી એવું સૂચવવામાં છે કે ન્યાય મેળવવાનો પ્રયાસ પોતે જ એક કાવતરું હતો. આ કેવળ બદલો નથી. તે હિંદુઓની નિર્દોષતાની તેમણે (ભાજપે) ઊભી કરેલા માન્યતાને ટેકો આપવા માટે પણ છે. બિનભાજપી સરકાર હશે ત્યાં આ પ્રકારની કાવતરાબાજી વધારે શક્તિશાળી બનશે. માફી થકી સગડવપૂર્વક એવું સૂચવી શકાય છે કે ભાજપ ન્યાયપ્રણાલિમાં પણ હિંદુ હિતનું રક્ષણ કરશે. પોલીસ અને ન્યાયતંત્રની વિશ્વસનિયતા સામે સવાલો ઊઠતા હોય એવા માહોલમાં આ પ્રકારનો પ્રચાર માની લેવાનું સહેલું છે. ગુનેગારો સામે પગલાં ન ભરવા માટે પણ (ન્યાય મેળવવાનો પ્રયાસ પોતે એક કાવતરું હતો) તે પ્રપંચ ઉપયોગી બની રહે છે.

વ્યક્તિની ઓળખ સાથે સંકળાયેલા ગુના હકીકતમાં અસલી ગુના નથી, એવા ભયંકર ખ્યાલને કારણે આ પ્રકારની ઉશ્કેરણીજનક ચેષ્ટા વધારે શક્ય બને છે. આ પ્રકારની વિચારસરણીને કારણે જ, બળાત્કારની હિંસાને કોમના સંદર્ભમાં મુકી દેવાતાં તે ધૂંધળી બની જાય છે. કોમી હિંસાના મામલે, જાતીય હિંસાને ઘણા સમયથી રાજકીય હિંસાનું જ એક સાધન ગણવામાં આવી છે. પરંતુ તે જ્ઞાતિઆધારિત હિંસાને પણ લાગુ પડે છે. જ્ઞાતિની તાકાત બનાવવા માટે કે સામુહિક હત્યાકાંડોમાં કે રમખાણોમાં હિંસાનો ભોગ બનતા લોકોને તેમની ઓળખના આધારે પસંદ કરવામાં આવે છે. હિંસા આચરનારા લોકો માટે (ભોગ બનનારની) ઓળખ મુખ્ય બને, એટલે તેમનો પોતાનો અંતરાત્મા કોરાણે મુકાઈ જાય છે અને તેમને સમર્થન આપનારા લોકો પણ તેમને ગુનેગારને બદલે હીરો તરીકે જુએ છે. હિંદુત્વ અને એવી બીજી અંતિમવાદી વિચારસરણીઓ જેના જોરે ફૂલતીફાલતી હોય છે તેવા યુદ્ધના અતિશયોક્તિભર્યા પોકારો આ પ્રકારના વૈચારિક સંકોચનને સહેલું બનાવે છે. એ જ કારણથી, હત્યારાઓને હારતોરા કરવાનું, બળાત્કારીઓનું સન્માન કરવાનું અને તેમના સમર્થનમાં રેલીઓ કાઢવાનું આપણા માટે સહેલું હોય છે.

એટલે, સજામાફીના પગલે હોબાળો ન થયો કે (ગુનો કેવો છે તે નહીં, પણ) ગુનેગાર કોણ છે તેના આધારે નક્કી થતાં આપણાં બેવડાં ધોરણ અંગે કશો ગુંચવાડો અનુભવવા જેવો નથી. આપણે ફક્ત કોમવાદની માત્રા વધી હોય એવા સમયમાં નથી જીવતાં. આપણી કોમી ઓળખ સંપૂર્ણ બની ચૂકી છે, જેમાં સંગીત, ભાષા જેવાં પ્રમાણમાં નાનાં સાંસ્કૃતિક પરિબળો પણ ઓળખના બોજથી મુક્ત નથી. આ પ્રકારના પૂરેપૂરા રંગાયેલા વાતાવરણમાં ગુનો અને ન્યાય, નિર્દોષતા અને અપરાધભાવ જેવા શબ્દોનો પણ, કોમવાદી એજન્ડાના ભાગ બનવા સિવાય, સ્વતંત્ર-પોતીકો અર્થ રહ્યો નથી.

એટલે શું ન્યાયનો અંત આવો હોય?” એવા બિલ્કીસબાનુના સવાલનો જવાબ અકળાવનારો હોઈ શકે છે. તેમના ધીરજપૂર્વકના પ્રયાસથી તેમને ન્યાય મળ્યો ને ન્યાય મેળવવાનું હજુ શક્ય છે—એવા ભ્રમને વળગી રહેવાનું આપણને નિમિત્ત મળ્યું. પરંતુ હવે જણાય છે કે કોમવાદ અને ગુનાનાં માઠાં પરિણામની જવાબદારીમાંથી મુક્તિનો વાયરો વાય, ત્યારે ન્યાયના તંતુઓ ફરી એક વાર હવામાં ઉડી જશે. ન્યાયનો અંત આવો ન હોય, પણ કદાચ સાચો ન્યાય કદી શરૂ જ થયો ન હતો.

મૂળ લેખની લિન્ક

https://indianexpress.com/article/opinion/columns/justice-bilkis-bano-question-should-haunt-indian-republic-8097740/

Tuesday, June 02, 2020

ઉઘડતા લૉક ડાઉને

સદીમાં એકાદ વાર આવે એવી મહામારી અને એવા અસાધારણ સંજોગોમાં લેવાયેલા લૉક ડાઉનના નિર્ણયથી ભારત જેવા દેશનાં ચક્રો ચાલતાં બંધ થઈ ગયાં. આટલા લાંબા સમય સુધી દેશભરમાં રેલવે બંધ રહી હોય એવું અગાઉ ભાગ્યે જ બન્યું હશે. દેશવાસીઓના મોટા હિસ્સાએ જાણે નજરકેદ વેઠવાની આવી—ભલે તેનો આશય પોતાની ને કુટુંબની સલામતીનો હતો. છેલ્લા થોડા વખતથી તબક્કાવાર લૉક ડાઉનની સાંકળ ઢીલી કરાઈ રહી હતી હતી, છેવટે આજથી જાહેર પરિવહન, એસ.ટી. બસ અને સીટી બસ શરૂ થઈ છે. કેટલીક ટ્રેનો પણ. આટલા લાંબા સમયથી જકડાયેલાં સૌને મુક્તિનો આનંદદાયક અહેસાસ લાગશે. જૂજ કન્ટેઇન્મેન્ટ ઝૉનમાં પણ આખો વિસ્તાર આવરી લેવાને બદલે તેમને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે, મર્યાદિત પેટાવિસ્તાર પૂરતા ચાલુ રખાયા છે.

આ તબક્કે આશા એવી રહે છે કે ધીમે ધીમે સ્થિતિ પૂર્વવત્ બને અને કુદરતી કારણોથી વાઇરસનો પ્રસાર કાબૂમાં આવે. સરકાર પણ એવી આશા રાખી રહી છે. કેમ કે, શરૂઆતનાં લૉક ડાઉન જો કેન્દ્ર સરકારની નિર્ણયશક્તિનું—આયોજનનું નહીં, નિર્ણયશક્તિનું—પ્રતીક હતાં, તો છેલ્લાં બે-એક લૉક ડાઉન સરકારની ગુંચવાડાગ્રસ્ત દશાના નમૂના બની રહ્યાં. અગાઉના લૉક ડાઉનની મુદત પૂરી થતી હોય, પરિસ્થિતિમાં ઝાઝો સુધારો ન થયો હોય, છતાં કંઈક તો કરવાનું જ હોય અને શું કરવું તેની ખબર પડતી ન હોય, એવી સ્થિતિમાં સરકારે ધકેલ પંચા દોઢસો કરીને આદેશોના ખડકલા સાથે લૉક ડાઉન આગળ ધપાવ્યે રાખ્યાં. હવે બધું ખુલી રહ્યું છે અને સમુસૂતરું ચાલે એવી આશા રાખીએ તો, જોતજોતાંમાં વિગતો ભૂલાવા લાગશે અને લૉક ડાઉન એ સરકારે લીધેલા સમયસર અગમચેતીના પગલા તરીકે, તેની મહાન વ્યૂહરચના તરીકે અને અમેરિકાની સરખામણીમાં કોરાના સામેના જંગમાં આપણી જીત તરીકે ઉલ્લેખાવા લાગશે. તેની શરૂઆત તો થઈ જ ચૂકી છે. વડાપ્રધાને તેમની બીજી મુદતના પહેલા વર્ષના સરવૈયામાં કોરોના સામેની લડાઈનો સફળતાની રીતે જ ઉલ્લેખ કર્યો છે.

વડાપ્રધાનનું કામ પોતાની તથા સરકારની પહાડ જેવડી નિષ્ફળતાઓને ઢાંકવાનું છે. તેમની પાસેથી આત્મખોજ કે પ્રામાણિક એકરારની અપેક્ષા રખાય એમ નથી. પરંતુ આજે નહીં ને થોડા મહિના કે વરસ પછી, કોરોનામુદ્દે તેમના વિજય સરઘસમાં જોડાઈ જતી વખતે એટલું યાદ રાખવાનું ભૂલતા નહીં કે પહેલા લૉક ડાઉનનો નિર્ણય યોગ્ય હોવા છતાં, વડાપ્રધાનની આત્મમુગ્ધતા અને મિથ્યાભિમાની અવિચારીપણાને કારણે, આ દેશના લાખો સ્થળાંતરિત શ્રમિકોને તેમણે દાયકાઓમાં નહીં જોવા મળેલી આફતમાં ધકેલી દીધા. એટલું જ નહીં, ત્યાર પછી બે મહિના સુધી તેમની પીડાને ગણકારી સુદ્ધાં નહીં. શાસકીય નિષ્ફળતા અને તેના અહંકારનો આ નમૂનો આઝાદ ભારતના ઇતિહાસમાં વડાપ્રધાનને તેમની અપેક્ષા કરતાં જુદા પ્રકારના અવ્વલ સ્થાને જરૂર મૂકી દેશે. તેમના સમર્થકોનો આક્રમક બચાવ કે પંડિતોની થિયરી—આ કશું ઇતિહાસમાંથી તેમનું આ સ્થાન છીનવી નહીં શકે. કેમ કે, એ તેમની આપકમાઈ છે. 

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી-કમ-આરોગ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય સચિવ જયંતી રવિ વડાપ્રધાનના અહંકારમાંથી અને વાસ્તવિકતાનો ઇન્કાર કરવામાંથી જાણે પ્રેરણા લેતાં હોય તેમ આ મહિનાઓમાં વર્તતાં રહ્યાં છે. સાવ શરૂઆતમાં ઘરે ઘરે ફરીને કેટલા લોકોનાં સર્વેક્ષણ કરી નાખવામાં આવ્યાં, તેને લગતા માની ન શકાય એવા દાવાથી આરોગ્ય સચિવ જયંતી રવિએ શરૂઆત કરી હતી. તેમણે કરેલું અમદાવાદની પરિસ્થિતિનું હેન્ડલિંગ મૅનેજમેન્ટનાં પાઠ્યપુસ્તકોમાં મૂકવું પડે એવું છે—મૅનેજમેન્ટ કેવી રીતે ન કરવું તે માટે. ઇમેજઘેલી રાજ્ય સરકારથી અલગ તરીને કંઈક ઠેકાણાસરની વાત કરનારા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી પણ એ અહંકારી મિસમૅનેજમેન્ટનો જ હિસ્સો જણાઈ હતી, જેના પગલે નહેરાને નિષ્ફળ ઠરાવવા માટે ભાજપના સાયબર સેલની સેવાઓ પણ લેવામાં આવી. અમદાવાદ કોરોના જેટલું જ અહંકારભર્યા મિસમૅનેજમેન્ટની મહામારીનો ભોગ બન્યું. બીમાર માણસ પોતાના ખર્ચે ખાનગી લૅબોરેટરીમાં ટેસ્ટ કરાવવા ઇચ્છતો હોય તો તેને સરકાર પાસેથી પરવાનગી લેવી પડે અને સરકાર તે આપવામાં ઠાગાઠૈયા કરે. કારણ કે, તેને આંકડો ઓછો બતાવવાની લ્હાય લાગી હોય. પછી હાઇ કોર્ટને વચ્ચે પડવું પડે, ત્યારે આપણે આનંદ મનાવવાનો, એમ? આપણે હાઇ કોર્ટને ચૂંટી હતી કે સરકારને? શાસનની સાદી બાબતોમાં હાઇ કોર્ટે આદેશ આપવા પડવાના હોય, તો આ ચૂંટાયેલા નમૂનાઓને શું કરવાના? જાહેરખબરોમાં ને હોર્ડિંગોમાં તેમનાં થોબડાં જોઈને જ રાજી થવાનું? અને જયંતી રવિ ગમે તેટલાં મોટાં અફસર હોય, લોકોએ તેમને ચૂંટીને મોકલ્યાં નથી. તેમના સાહેબો તેમનું જે કરવું હોય તે કરે, પણ નાગરિકોએ આ જવાબ તેમના સાહેબો પાસે માગવાનો છે. (એ જુદી વાત છે કે જયંતી રવિ ૨૦૦૨માં ગોધરાના કલેક્ટર તરીકે ઇતિહાસના પાને ચડેલાં અને ૨૦૨૦માં ફરી વાર, મહામારીમાં રાજ્યનાં આરોગ્ય સચિવ તરીકે તેમનું નામ ઇતિહાસના ચોપડે ચડ્યું છે—કેવી રીતે, એ તો સૌ જાણે છે.)

રાષ્ટ્રીય સ્તરે સ્થળાંતરિત શ્રમિકોની પીડા પ્રત્યે સરકારની ગુનાઈત ઉદાસીનતા-અસંવેદનશીલતા અને અમદાવાદમાં (હજુ તો ચાલુ વર્તમાનકાળ ગણાય એવા) કોરાનાના ખતરા વચ્ચે રાજ્યના વહીવટી તંત્રની નિષ્ફળતા—આ બંને એવા બોધપાઠ છે, જે લૉક ડાઉન ખૂલી ગયાની ઉજવણીમાં ભલે ઘડી-બે ઘડી બાજુ પર રખાય, પણ ત્યાર પછી એ ભૂલવા જેવા નથી. એ ભૂલી જવાનો અને ‘આપણે કેવો જોરદાર મુકાબલો કર્યો’ના વરઘોડામાં જોડાઈ જવાનો મતલબ થશેઃ જડ, અહંકારી, અસંવેદનશીલોની યાદીમાં કેટલાક શાસકો અને કેટલાક અફસરોની સાથે પોતાનું નામ પણ હોંશે હોંશે નોંધાવી દેવું.
(નિરીક્ષક વેબવિશેષ,  ૦૧-૦૬-૨૦૨૦)

Friday, October 27, 2017

ફેરી સર્વિસ અને વિગતોની હેરાફેરી

ઘોઘા-દહેજ વચ્ચે ફેરી સર્વિસના આરંભથી ગુજરાતમાં જળમાર્ગનું નવું પ્રકરણ શરૂ થયું છે. તેનાથી ભાવનગર-સુરત વચ્ચેનું અંતર ઘટીને લગભગ દસમા ભાગનું થઈ જાય છે. ગુજરાતમાં ઘેરાયેલાં ચૂંટણીનાં વાદળ વચ્ચે, વડાપ્રધાને આ સેવા શરૂ કરતાં તેમના અંદાજમાં ઘણી વાતો કરી. ‘તેમનો અંદાજ’ એટલે એવી રજૂઆત, જાણે ગુજરાતની પ્રગતિને લગતા તમામ વિચાર પહેલી વાર તેમને જ આવ્યા છે અને તેમના મુખ્ય મંત્રી બનતાં પહેલાં ગુજરાતમાં--તેમના વડા પ્રધાન બનતાં પહેલાં દેશમાં--અંધકારયુગ હતો.

વડાપ્રધાને કહ્યું કે અગાઉની કેન્દ્ર સરકારોએ ફેરી સર્વિસ શરૂ કરવાનું મુશ્કેલ બનાવ્યું હતું. ‘હું મુખ્ય મંત્રી હતો ત્યારે તત્કાલીન કેન્દ્ર સરકારે ગુજરાતની પ્રગતિ રૂંધવાનો પ્રયાસ કર્યો હતો.’ તેમણે કહ્યું કે તેમનું વિઝન ‘પી ફોર પી’ (પોર્ટસ ફોર પ્રોસ્પરિટી, બંદરો દ્વારા સમૃદ્ધિ) છે અને તે ‘બ્લુ ઇકોનોમી’માં માને છે. ‘બ્લુ ઇકોનોમી’ એટલે શું? તો કહે, ઇકોનોમી (અર્થતંત્ર) અને ઇકોલોજી (પર્યાવરણ)નો મેળાપ. તેમણે કહ્યું કે દક્ષિણ એશિયામાં આ સૌથી મોટી ફેરી સર્વિસ છે. આ નિમિત્તે તેમણે મેરીટાઇમ યુનિવર્સિટીની પણ જાહેરાત કરી.

તથ્યો સાથે છૂટછાટો લેવા માટે અને દરેક બાબત પર પોતાના સિક્કા મારવા માટે વડાપ્રધાન જાણીતા કે નામીચા છે. એટલે, નવી ફેરી સર્વિસ વિશે આનંદ અને તેના ભવિષ્ય વિશે ઉજળી આશા વ્યક્ત કર્યા પછી, તેને લગતી કેટલીક જૂનીનવી હકીકતો તપાસીએ.

સમજણા થયા ત્યારથી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીને જોતાં આવેલાં સૌને જણાવવાનું કે 1950ના દાયકાથી કંડલા ગુજરાતનું મુખ્ય બંદર રહ્યું છે. (હવે આખેઆખા બંદરનું નામ ‘કંડલા’ને બદલે ‘દીનદયાળ’ કરી નાખવામાં આવ્યું છે. ન રહે ઇતિહાસ, ન રહે બીજા કોઈની ક્રેડિટ). ફેરી સર્વિસની વાત કરીએ તો, એ ફક્ત ઘોઘા-દહેજ વચ્ચે જ નહીં, કુલ પાંચ રૂટ પર ચાલતી હતીઃ નવલખી-કંડલા, ભાવનગર-કાળા તળાવ અને ભાવનગર-માઢીયા, જાફરાબાદ-પીપળી કાંઠા અને જાફરાબાદ-બેલાબંદર, ઓખા-બેટ અને ભરૂચ-ઘોઘા. 1958-59માં આ પાંચેય રુટ પર ફેરી સર્વિસ દ્વારા બધું મળીને આશરે પોણા સાત લાખ યાત્રાળુઓની અવરજવર થઈ હતી.

1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના પ્રસંગે ગુજરાત સરકારના પ્રકાશન વિભાગે એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. તેમાં ફેરી સર્વિસ અને યાત્રાળુઓ ઉપરાંત ગુજરાતમાં બંદરોનું કેટલું મહત્વ છે, એ (‘પી ફોર પી’ જેવા કોઈ સૂત્ર વિના) સ્પષ્ટ રીતે આંકવામાં આવ્યું હતું. પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, પહેલી પંચવર્ષીય યોજનાનાં પાંચ વર્ષ અને બીજી પંચવર્ષીય યોજનામાં 1958-59 સુધી કુલ આઠેક વર્ષમાં, ગુજરાતનાં બંદરોના વિકાસ પાછળ કુલ રૂ. 3.54 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. આ વ્યવસાયમાં કુશળ નાવિકોને તૈયાર કરવા માટે યુનિવર્સિટી નહીં, તાલીમશાળાની જરૂર પિછાણીને કેન્દ્ર સરકારે નવલખી બંદરે નાવિક તાલીમશાળા પણ શરૂ કરી હતી. મતલબ, વર્તમાન વડા પ્રધાનનું દરિયાઈ વિકાસનું વિઝન નવું કે પહેલી વારનું નથી અને બીજી ઘણી બાબતોની જેમ, તેનાં પણ નીવડ્યે જ વખાણ થઈ શકે.

આ વાતો બહુ દૂરની લાગતી હોય તો, વધારે નજીકના ભૂતકાળમાં આવીએ. ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં વર્ષ 1998માં પર્યાવરણ વિભાગ (એન્વાયર્નમેન્ટ સેલ)ની સ્થાપના થઈ. તેનું કામ હતું બંદરો અને તેના માળખાકીય વિકાસની સાથોસાથ દરિયાઇ અને કાંઠાના પર્યાવરણની જાળવણી, સાચવણી અને સંરક્ષણ... યાને 2017ની કથિત ‘બ્લુ ઇકોનોમી’. આ હકીકતનો ઉલ્લેખ ગુજરાત મેરીટાઇમ બોર્ડના 30મા એડમિનિસ્ટ્રેટિવ રીપોર્ટ, 2011-12માં છે. (એક આડવાતઃ વર્તમાન ચૂંટણી કમિશનર એ. કે. જોતિ એ વખતે ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધ્યક્ષ હતા)  એ જ અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે દહેજ-ઘોઘા ફેરી સર્વિસ માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન—દરિયાકાંઠાના સુરક્ષિત વિસ્તારોમાં ડ્રેજિંગનું-કાંપ કાઢવાનું- કામ કરવું પડે. તેના માટેની જરૂરી પરવાનગી તત્કાલીન (યુપીએ) કેન્દ્ર સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય તરફથી મળી ગઈ છે.

ઘોઘા-દહેજ ફેરી સર્વિસ વિશેનો એક ઉલ્લેખ CAGના અહેવાલમાં પણ મળે છે. નાણાંકીય વર્ષ 2012-13ના આ અહેવાલના બીજા પ્રકરણમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની કામગીરીની ચર્ચા કરવામાં આવી છે. CAG એટલે કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના યુપીએ સરકારની ટીકા કરતા અહેવાલોને તત્કાલીન મુખ્ય મંત્રી મોદીએ ઉત્સાહપૂર્વક ઉપયોગમાં લીધા હતા. પરંતુ એ જ CAGની ગુજરાત વિશેના અહેવાલ વેળાસર વિધાનસભામાં રજૂ કરવામાં તેમણે કરેલા અખાડા જાણીતા છે.

CAGના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, 2012-13માં ઘોઘા-દહેજ ફેરી પ્રોજેક્ટના બાંધકામ માટે એ વર્ષે રૂ.192 કરોડની કેપિટલ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાંથી ગુજરાત મેરીટાઇમ બોર્ડે રૂ.40.16 કરોડ વાપર્યા અને રૂ. 151.84 કરોડ પડી રહ્યા. (તેમાં કેન્દ્ર સરકારની કોઈ દખલગીરી ન હતી) મેરીટાઇમ બોર્ડે CAG સમક્ષ એવો ખુલાસો કર્યો કે ગુજરાત સરકારની સૂચના પ્રમાણે, ગ્રાન્ટની રકમ બીજા પ્રોજેક્ટમાં ફાળવી દેવામાં આવી હતી. ગુજરાત સરકારે પણ એ દાવાનું સમર્થન કર્યું. પરંતુ CAGએ આ ખુલાસો માન્ય રાખ્યો નહીં. કારણ કે ગ્રાન્ટ બીજે ફાળવવા અંગેનો ગુજરાત સરકારનો સત્તાવાર પત્ર કે દસ્તાવેજ સરકાર તરફથી CAGને મળ્યો નહીં. (પૃ.16)

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ભૂમિકાનો અછડતો ખ્યાલ આપતી, વધુ એક હકીકતઃ માઇનર ફિશિંગ હાર્બર—નાનાં સ્તરનાં બંદરોના વિકાસ માટે તત્કાલીન (યુપીએ) કેન્દ્ર સરકાર તરફથી 2008માં ગુજરાતને રૂ.16.67 કરોડની સહાય મળી, જે જાફરાબાદ બંદર વિકસાવવા માટે હતી. તેમાં પણ ગુજરાત મેરીટાઇમ બોર્ડની નિષ્ફળતાને કારણે કેન્દ્ર સરકારે ફાળવેલાં નાણાં વાપરી શકાયાં નહીં. (પૃ.17) આ બે ઉદાહરણ વર્તમાન વડાપ્રધાનના દાવાની અને દાવપેચની અસલિયત સમજવામાં ઉપયોગી થઈ પડે એમ છે.

છેલ્લી વાત દક્ષિણ એશિયાની સૌથી મોટી કે સૌથી સારી ફેરી સર્વિસના દાવાની. કશા સરખામણીસૂચક આંકડા કે વિગતો વિના આ દાવો કરવામાં આવ્યો છે. એટલે,  બાંગલાદેશમાં ચાલતી રો-રો ફેરી સહિતની બીજી અનેક ફેરી સેવાઓ કરતાં ઘોઘા-દહેજ સેવા કેવી રીતે મોટી કે કેવી રીતે ચડિયાતી છે, એ સ્પષ્ટ થતું નથી. પરંતુ આડેધડ દાવા કરવામાં એક સુખ હોય છેઃ તેની સચ્ચાઈ શોધવાની જવાબદારી બીજા લોકો પર આવે છે અને એ લોકો વિગતમાં ઉતરીને દાવાની અસલિયત બહાર આણે, ત્યાં સુધીમાં તો પ્રિન્ટ, ટીવી ને વેબ એમ ત્રણે લોકમાં દાવા અને દાવા કરનારનો જયજયકાર થઈ ચૂક્યો હોય છે. 

Tuesday, September 26, 2017

લોકશાહીને ‘વાઇરલ’ થયો છે?

સોશિયલ મીડિયા પરથી ઉછળેલો, પ્રસાર માધ્યમોમાં ચગેલો ને સત્તાધારી પક્ષને બરાબર ચચરેલો મુદ્દો છેઃ ‘વિકાસ ગાંડો થયો છે’. સરકારના ટીકાકારો એ વાતે રાજી થયા છે કે બહુ વખતે ભાજપની નેતાગીરી ઘાંઘી થઈ છે. આ ઝુંબેશ કોંગ્રેસે ચલાવી હોત (કાશ, કોંગ્રેસ આટલી અસરકારક ઝુંબેશ ચલાવી શકે એવું દૈવત ધરાવતી હોત) તો તેને કદાચ સહેલાઈથી તોડી પડાઈ હોત. પણ એ કોંગ્રેસની ઝુંબેશ ન હોવાથી તેનો પ્રતિકાર કરવાનું ભાજપને અઘરું પડી ગયું છે. ચપ્પુથી પાકાં કેળાં કાપવાની પ્રેક્ટિસ થઈ ગઈ હોય ને પછી એક દિવસ એ જ ચપ્પુથી લીલું નારિયેળ છોલવાનું આવે, એવી દશા ગુજરાત ભાજપની થઈ છે.

શિકારી અને શિકાર વચ્ચેનું સમીકરણ સોશિયલ મીડિયામાં સદાકાળ એકધારું રહેતું નથી. સોશિયલ મીડિયાની આસુરી તાકાતના જોરે દિગ્વિજયનો ફાંકો રાખનારા--મૂછે લીંબું લટકાવીને ફરનારા--‘વિકાસ ગાંડો થયો છે’-જેવા કોઈ મુદ્દે તારક મહેતાના જેઠાલાલની માફક નવર્સ થઈને મૂછો ચાવવા માંડે, તે આવકાર્ય અને ઇચ્છનીય છે, પણ પૂરતું નથી. નાગરિક તરીકે ફક્ત એટલાથી રાજી થઈને બેસી રહેવાય નહીં. આ પ્રકારના ‘વાઈરલ’ પ્રચારને વાસ્તવિક દુનિયામાં કશો નક્કર આધાર નથી, તે આટલો વાઇરલ કેમ થયો તેની સંતોષકારક સમજૂતી નથી અને તેની આવરદા કેટલી તેનો કશો ભરોસો નથી. પોતાની વિચારશક્તિ ગાંધી કે સંઘ--એકેય પરિવારના કે પક્ષના કે નેતાના ચરણે ન મૂકી હોય તે સૌ માટે આ વિચારવાનો મુદ્દો છે.

ભાજપે સોશિયલ મીડિયા પર, મહાભારતના અંદાજમાં કહીએ તો, ‘અઢાર અક્ષૌહિણી સેના’ ઉતારી દીધી. છતાં ‘વિકાસ ગાંડો છે’ના એક તીરે ભાજપની છાવણીમાં ખળભળાટ મચાવ્યો. પછી ભાજપે શું કર્યું? લોકોનાં કામ શરૂ કરી દીધાં? તેમની શી ફરિયાદ છે એ જાણવાના પ્રયાસ આરંભ્યા?   મહત્ત્વની પડતર સમસ્યાઓ ઉકેલવાની શરૂ કરી દીધી? ના, તેમણે સોશિયલ મીડિયા પરના પ્રચાર સામે વળતા પ્રહાર માટે વ્યૂહરચનાઓ આરંભી દીધી.  કારણ કે હવે યુદ્ધનું મેદાન બદલાઈ ગયું છે. હવેનું યુદ્ધમેદાન વાસ્તવિક નહીં, વર્ચ્યુઅલ છે. તેની પર છાશવારે ખેલાતી લડાઈઓના વાઇરલ થયા કરતા મુદ્દા ‘હોવા’ પર નહીં, ‘લાગવા’ પર (હકીકતો પર નહીં, માન્યતા પર) આધારિત હોય છે. તેમાં ઘણી વાર ઉપરીના ઇશારે કાગનો વાઘ કરી શકાય છે ને વાઘનો કાગ. ચર્ચાના મહત્ત્વના મુદ્દા તેમાં બાજુ પર રહી જાય છે અને પ્રચારપુરુષો ઇચ્છે તે મુદ્દા મુખ્ય બની જાય છે.

અગાઉ સરકારનો વિકાસપ્રચાર જેટલો ‘ગાંડો’ (અધ્ધરતાલ, મુખ્યત્વે આક્રમક પ્રચારની પેદાશ) હતો, એટલો જ તેનો સોશિયલ મીડિયા પરનો વિરોધ પણ ‘ગાંડો’ છે. સોશિયલ મીડિયા પર ઓચિંતા વાઈરલ થઈ જતા કોઈ મુદ્દા પાસેથી લોકશાહીની ટકાઉ તંદુરસ્તીની આશા ન રાખી શકાય. તાવ શાના કારણે છે તેનો ખ્યાલ ન આવે તો કેટલાક ડોક્ટર કહી દેતા હોય છે કે આ તો ‘વાઇરલ’ છે. એમ લોકશાહી સોશિયલ મીડિયા પરના ‘વાઇરલ’ના ભરોસે હોય, તો લોકશાહીને પણ વાઇરલ (તાવ) છે કે શું, એવી શંકા થાય.

અતિવિશ્વાસ અને સત્તાના મદમાં રાચતા નેતાઓને વ્યાકુળ જોઈને નાગરિકસહજ આનંદ થાય અને તેમની વ્યાકુળતાનું કારણ જાણીને ચિંતા પણ થાય. કેમ કે, ‘વિકાસ ગાંડો થયો છે’ના પ્રચારનું એક મોટું કારણ ને તેનો એક મોટો આધાર રસ્તા પરના ખાડા છે. વાસ્તવમાં, સરકારની સીધી જવાબદારી ધરાવતી ગુજરાતની મુખ્ય સમસ્યાઓમાં રસ્તાના ભયાનક ખાડાનો નંબર એકથી પાંચમાં પણ આવે તેમ નથી. ખાડાની સમસ્યા એટલી નાની નથી, બીજી સમસ્યાઓ એટલી મોટી છે. છતાં, ઘણા નાગરિકોને રસ્તાના ખાડા સરકારની નિષ્ક્રિયતા કે નિષ્ફળતા લાગે છે. આ તો ભયંકર ગુનાના આરોપીને રુમાલ ચોરવા બદલ બદનામ કરવા જેવી વાત થઈ.

અત્યારે અચાનક ‘વિકાસ ગાંડો થયો છે’ના વાઇરલ સૂત્રથી પ્રભાવિત અને આંખ ચોળતા બેઠા થયેલા નાગરિકો જરા શાંતિથી વિચાર કરશે તો તેમને સમજાશે કે સચ્ચાઈ આવા એક અધ્ધરતાલ લાગતા સૂત્ર કરતાં ઘણી વધારે ગંભીર ને ચિંતાજનક છે. છેલ્લાં પંદર વર્ષમાં ગુજરાત આગળ વધ્યું જ છે. સાથોસાથ, એ પંદર વર્ષ પહેલાંના ચાર દાયકામાં પણ ગુજરાત અંધારિયા ખૂણે ન હતું. તેમાં કામ થતાં જ હતાં. દરેક સરકાર આવે, તે ઓછેવત્તે અંશે પોતાનું કામ કરતી હોય છે. કોઈ અઢળક ભ્રષ્ટાચાર કરે, કોઈ થોડો ઓછો કરે. કોઈ પોતાના હાથ બગાડે, કોઈ ‘હું તો લક્ષ્મીને સ્પર્શ કરતો નથી’નો ડોળ ઘાલીને બીજાના હાથે એ કરાવે. પણ કામ થતાં રહે છે.

છેલ્લાં પંદર વર્ષમાં ફરક એ પડ્યો કે નાનામાં નાના કામને મુખ્યમંત્રીના વ્યક્તિગત પ્રચારનું નિમિત્ત બનાવવામાં આવ્યું. સરકારી નોકરીમાં અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવા જેવાં કામ પહેલાં ટપાલી કરતા હતા, તે મુખ્યમંત્રી લાખોના ખર્ચે સમારંભો યોજીને કરવા માંડ્યા. વર્ષોથી ગુજરાત ઉત્તરાયણ ને નવરાત્રિ ઉજવતું હતું. એ લોકોનો તહેવાર હતો. છેલ્લા દોઢ દાયકામાં એ સરકારી તહેવાર થઈ ગયો. નાતાલના અઠવાડિયામાં સરકાર પોતે કાર્નિવલ ઉજવવા લાગી. એમઓયુના નામે મીંડાંની ભરતી આવી.

આ બધાની વચ્ચે જે ઓછુંવત્તું કામ થતું હતું, તેને પેલી ઝાકઝમાળની પિછવાઈમાં, આકર્ષક પેકિંગ સાથે ‘વિકાસ’ તરીકે રજૂ કરવામાં આવ્યું. જાપાનને પોતાની બુલેટ ટ્રેન વેચવામાં ‘રસ’ (ગરજ) છે, એવું જાપાનના વડાપ્રધાન આબેની સહી ધરાવતા જાન્યુઆરી, 2014ના દસ્તાવેજમાં લખેલું છે. એટલે તેણે ઉદાર શરતે ભારતને લોન આપી. ગુજરાતના મુખ્યમંત્રીને પોતાની છબિ ઉપસાવવાની ગરજ હતી, એટલે તેમણે તાતાને ઉદાર શરતે લોન આપી- નેનો પ્લાન્ટ ફક્ત એક રૂપિયાના એસ.એમ.એસ.થી બંગાળને બદલે ગુજરાતમાં આવી ગયો, એવો ‘જુમલો’ ગબડાવ્યો ને રોજગારીનાં આંબાઆંબલી દેખાડ્યાં. અત્યારે તેની શી સ્થિતિ છે, તે સૌ જાણે છે.

આ તો એક ઉદાહરણ. સૌથી મોટું એક નુકસાન થયું તે સરકારી સ્કૂલોનો ખાત્મો, લૂંટના પરવાના ધરાવતી હોય એવી ખાનગી સ્કૂલોનો ધમધમાટ અને મોંઘીદાટ ફી પછી પણ શિક્ષણનું તળીયે ગયેલું સ્તર. સરવાળે, ગુજરાતની કિશોર-યુવા પેઢીના ભવિષ્ય સાથે રમત. કહેવાતો વિકાસ ત્યારે જ ગાંડો થઈ ચૂક્યો હતો. પણ બધાં ઝાકમઝોળથી એવા અંજાયેલા હતા કે ન ‘જુમલા’ ઓળખતાં આવડ્યું, ન વિકાસની અસલિયત સમજાઈ.

હવે જેમની આંખો ખૂલી છે તેમનું નવી, વાસ્તવિક દુનિયામાં સ્વાગત છે અને એવી અપેક્ષા કે એક યા બીજા પક્ષની રાજકીય વફાદારી બાજુ પર મૂકીને નાગરિક તરીકે વિચારો અને સરકારની કામગીરીને આગળપાછળ જોઈને મૂલવો. મત આપો તેને માથે ન ચઢાવો. આપણે વફાદારીના પાટા બાંધી દઈશું તો વિકાસને ગાંડો કરવામાં આપણી જવાબદારી ઓછી નહીં ગણાય.

Tuesday, January 10, 2017

આપણે શું પેદા કરીશું? નોબેલ-સહાયકો?

વિદ્યાસહાયકો’ની ભૂમિ એવા ગુજરાતમાં નવ-નવ નોબેલ સન્માનિતો આવવાના સમાચાર બેવડી લાગણી જગાડે છે. પહેલી તો, સ્વાભાવિક રીતે જ આનંદની અને ‘આવા મહેમાન આપણે આંગણે ક્યાંથી?’ની. અર્થશાસ્ત્રનાં (અને શાંતિ માટેનાં) નોબેલ સન્માન વિવાદાસ્પદ હોઈ શકે છે, પણ ગુજરાતની મુલાકાતે આવેલા મહાનુભાવો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને તબીબીશાસ્ત્ર જેવા નક્કર વિજ્ઞાનક્ષેત્રના શોધકો છે. સત્તાવાર નિવેદનમાં એવું કહેવાયું છે કે નવ નોબેલ-સન્માનિતો પહેલી વાર આ રીતે કોઈ દેશમાં કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

અભિભૂત થવા માટે અને ગુજરાતી તરીકેના ગૌરવથી છાતી ફુલાવી દેવા માટે આટલું પૂરતું નથી?  એના જવાબનો આધાર વાસ્તવિકતા સાથેના તમારા સંબંધ પર છે. એક સમૂહ ગૌરવતરસ્યો-ગૌરવઘેલો છે. તે ગુજરાતમાં દસ વર્ષ (એકંદરે) નિયમિત વરસાદ આવે, તો એ બદલ પણ ગૌરવ અનુભવી શકે છે અને વરસાદ આવતાં પહેલાં, આયોજનના અભાવને કારણે જીવ કેવા તાળવે ચોંટ્યા હતા, તે સહેલાઈથી ભૂલી જાય છે. આ વર્ગની આંખો ઝાકઝમાળ અને રોશનીથી એવી ટેવાઈ ગઈ છે કે કુદરતી પ્રકાશ તેમનાથી ખમાતો નથી. ગુજરાતના ગૌરવનો-ગુજરાતની અસ્મિતાનો તેમનો ખ્યાલ સદંતર સરકારી છે. આ સમૂહ ગુજરાત અને ગુજરાત સરકારને એક માને છે. ‘ગુજરાત એટલે ગુજરાતના લોકો’ એવું સમીકરણ કોઈ તેમને યાદ કરાવે તો તેમને વાંધા પડે છે. ‘ગુજરાત એટલે ગુજરાતના લોકો’ એવું કહેનાર ‘ગુજરાતવિરોધી’માં ગણાઈ જાય, એ ગુજરાતની સરકાર-સ્પોન્સર્ડ અસ્મિતાએ ફેલાવેલું પ્રદૂષણ છે - અને એ બાબતમાં સરકારની સફળતા નોંધપાત્ર છે.

કાશ, એવી સફળતા સરકારને શિક્ષણક્ષેત્રે નક્કર કામગીરી કરવામાં મળી હોત - અથવા જેટલી મહેનત - આવડત આભાસ ઉભો કરવામાં વાપરી, તેટલી ખરેખર કામ કરવામાં વાપરી હોત, તો ગુજરાતનો ઉદ્ધાર થઈ ગયો હોત. પરંતુ ગુજરાતના શિક્ષણની સ્થિતિ સૌ જાણે છે. એ જુદી વાત છે કે બધા એ વિશે બૂમો પાડતા હોવા છતાં અને તેનાથી સીધી કે આડકતરી રીતે પીડિત હોવા છતાં, તેમાં સરકારની સીધી અને ઉઘાડી જવાબદારીની વાત થતી નથી. શિક્ષણના નામે સરકાર કાર્યક્રમબાજીમાં પડી જાય, અવનવા ઉત્સવો અને પ્રોજેક્ટના આંકડાના ખડકલા કરે, પણ જમીની પરિણામ? વ્યક્તિગત રીતે જાણવું હોય તો વાલીઓને પૂછવું અને વ્યાપક રીતે જોવું હોય, તો ‘પ્રથમ’ જેવી સંસ્થાના શિક્ષણની ગુણવત્તા સૂચવતા વાર્ષિક અહેવાલ જોવા.

નવ નોબેલ સન્માનિતોને એક સાથે બોલાવીને છાકો પાડી દેવા માગતી ગુજરાત સરકારે રાજ્યનું શિક્ષણ વર્ષોથી વિદ્યાસહાયકો-અધ્યાપકસહાયકોના હવાલે કર્યું છે. રૂપાળાં નામ ધરાવતા આ હોદ્દા સરકારી રાહે પાંચ વર્ષ સુધી થતા સત્તાવાર શોષણનો પર્યાય છે. વાઇબ્રન્ટ જેવા ઓચ્છવોમાં કરોડોનાં આંધણ કરતી અને દુનિયાભરમાં પોતાની આર્થિક આગેકૂચના ડંકા વગાડાવતી ગુજરાત સરકાર પાસે પોતાની ભાવિ પેઢી તૈયાર કરવા માટેના રૂપિયા નથી. નોબેલ સન્માનિતોનું એક સેશન સરકારી શોષણનો ભોગ બનેલા વિદ્યાસહાયકો-અધ્યાપકસહાયકો સાથે પણ ન થવું જોઈએ જેથી તેમને ખબર પડે કે તેમણે ક્યાં અને કોને પ્રેરણા આપવાની છે. મેડિકલ ક્ષેત્રે નોબેલ સન્માન મેળવનારને કોઈ એ પણ કહેજો કે તમે અમુક કૉલેજમાં અમુક ગેંગના સાહેબોની સામે પડીને પાસ તો થઈ બતાવો - નોબેલ તો બહુ દૂરની વાત છે.

જશ લેવા માટે દોડી પડતી સરકારની મૂળભૂત પ્રકૃતિ જૂઠું બોલવાની હોય છે. શિક્ષણ એક એવું ક્ષેત્ર છે, જેમાં સરકાર ગમે તેટલાં જૂઠાણાં ચલાવે, પણ નાગરિકો અસલિયત જાણતા હોય છે. કારણ કે, શાળામાં ભણતાં બાળકો, તેમાં કામ કરતા કર્મચારીઓ-શિક્ષકો-અધ્યાપકો વ્યાપક નાગરિક સમુદાયમાંથી આવે છે. છતાં, આ સૌ કોઈ શિક્ષણક્ષેત્રની પોતાની મુશ્કેલીઓ માટે સરકારનો કાન પકડવા જેટલાં સંગઠિત કે અસરકારક બની શકતાં નથી.

સિલિકોન વેલીમાં દબદબો ધરાવતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલોજી (આઈ.આઈ.ટી.)ના એન્જિનિયરોની આખી પેઢીમાંથી ઘણાનાં પ્રાથમિક ભણતર સરકારી-મ્યુનિસિપાલિટીની નિશાળોમાં થયાં હતાં. કોઈ પણ દેશના સાચા વિકાસ અને સાચી પ્રગતિ માટે તેની જાહેર નિશાળો અને જાહેર આરોગ્યની વ્યવસ્થાની ‘તબિયત’ તપાસવી પડે. ગુજરાતમાં સરકારી નિશાળોની ઉડી ગયેલા બલ્બ જેવી હાલત કરવામાં સરકાર સિવાય બીજા કોને જવાબદાર ઠેરવી શકાય? શોપિંગ સેન્ટરની જેમ અને ઘણી જગ્યાએ તો ખરેખર શોપિંગ સેન્ટરોમાં ખૂલી ગયેલી શાળાઓ શું સરકારની મંજૂરી વિના ચાલે છે? અને એવી શાળાઓ માટે જવાબદારી કોની? તોતિંગ ફી લેતી ખાનગી નિશાળોમાં સંચાલકો દ્વારા થતું શિક્ષકોનું શોષણ અને પૂરતી લાયકાત વગરના શિક્ષકો - આવાં બધાં પાપ નોબેલસન્માનિતો આવ્યાના રાજીપામાં ભૂંસી નાખવાનાં?

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આચાર્યો અને અધ્યાપકોની અઢળક જગ્યાઓ ખાલી છે. છઠ્ઠા પગારપંચનો તોતિંગ પગાર લેનારા અધ્યાપકોમાંથી ઘણા કામચોરી કરે છે અને અધ્યાપકસહાયક તરીકે પાંચ વર્ષ સુધી મામૂલી પગારે રખાયેલો જણ તૂટી મરે છે. ખાનગી કૉલેજોમાં ચાલતી શોષણખોરી અને ગેરરીતિઓ, માફિયાનાં રાજ અને ટોળકીઓનાં શાસનમાં પહેલો ભોગ શિક્ષણની ગુણવત્તાનો લેવાય છે. કૉલેજના આચાર્યો કે વિભાગીય વડાઓને સંચાલકો આગળ લળી પડતા કે તેમની દાઢીમાં હાથ નહીં, પોતાનું આખેઆખું અસ્તિત્ત્વ સમાવી દેતા જોઈને હસવું કે રડવું એ સમજાતું નથી. એક સમયે સારા અધ્યાપકો અને સારી ગુણવત્તા ધરાવતી કેટલીક યુનિવર્સિટીઓની અવદશા માટે સરકારોને કેમ જવાબદાર ન ઠેરવવી? અને ‘આ સ્થિતિને સુધારવા માટે તમે શું કરવા ઇચ્છો છો? અથવા શું કર્યું?’ એવા સવાલ શિક્ષણમંત્રીને કે મુખ્યમંત્રીને કેમ ન પૂછવા?

પણ સવાલ પૂછવાનું બાજુ પર રહ્યું, નાગરિક તરીકે આપણે તેમના જૂઠા દાવા ને જૂઠાં બણગાં સાંભળી લઈએ છીએ. એટલે તેમને ફાવતું જડે છે. અવનવા ઉત્સવોના ઘોંઘાટમાં તે વાસ્તવિકતાનો - અસંતોષનો અવાજ દબાવી દે છે. એ તેમની સફળતા જેટલી જ નાગરિકસમાજની નિષ્ફળતા છે.

બૂંદ સે બિગડી, હૌજ સે નહીં આતી - એ કહેણી જૂની થઈ. બ્રાન્ડિંગ, પોઝિશનિંગ અને ઇમેજ બિલ્ડિંગના - ટૂંકમાં, જે જેવું નથી તેવું દેખાડવાના - આ યુગમાં દરેક પ્રકારનો સડો ઢાંકવા માટેના રેશમી ગાલીચા મોજૂદ છે અને એવી કોઈ દુર્ગંધ નથી, જે મોંઘાંદાટ અત્તરની સુગંધ તળે દબાઈ ન જાય. વાઇબ્રન્ટ ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે કુલ 157 એમઓયુ થવાના છે. હજારો કરોડ રૂપિયાનાં રોકાણની વાત છે. બરાબર છે. પણ જે થવાનું છે તેનાં ઢોલ વગાડવાથી વર્તમાન સ્થિતિની જવાબદારીમાંથી સરકારને છુટ્ટી મળી જતી નથી. એવી જ રીતે, નોબેલ સન્માનિતોની હાજરી અને તેમના મહિમાનો ઉપયોગ શિક્ષણક્ષેત્રની કરુણ-શરમજનક - કૌભાંડી વાસ્તવિકતાઓને, સરકારના ગેરવહીવટ - તેની નિષ્ફળતાઓને ઢાંકવા માટે ન થાય, એની કાળજી રાખવા જેવી છે.

Monday, August 01, 2016

આનંદીબહેન પટેલની કાલ્પનિક છતાં અસલી લાગે એવી રાજીનામા-પોસ્ટ

ગુજરાતનાં મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે ફેસબુક પર એક પોસ્ટ મૂકીને રાજીનામું જાહેર કર્યું. તેમની એ પોસ્ટ ઘણી શેર થઇ રહી છે. પરંતુ એ પોસ્ટનું અસલ સ્વરૂપ જુદું હતું અને તેમાં ઘણી કાપકૂપ થઇ હતી, એવું તદ્દન બિનઆધારભૂત વર્તુળોએ જણાવ્યું છે. એટલું જ નહીં, આ બિનઆધારભૂત વર્તુળો બિનઆધારભૂત અસલી લખાણ પણ (પરીક્ષાના પેપરની જેમ) ફોડી લાવ્યાં છે. તે આ પ્રમાણે છે.
------------------------------------------------------------------------------------------------------------

છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં મને અનેકવિધ જવાબદારીઓ સંભાળવાની તક મળી છે. સંગઠન તેમજ સરકારમાં પક્ષે મને ખુબ જ અગત્યની જવાબદારીઓ સોંપી છે. બાકી, કંઇ કેટલાય નિષ્ઠાવાન કાર્યકર્તાઓ સત્તાકેન્દ્રોની નજીક ન હોય, તો એ ક્યાંય ફેંકાઇ જાય છે અથવા આજીવન કાર્યકરથી આગળ વધી શકતા નથી. મારું એવું ન થયું જેને હું મારૂ સદભાગ્ય માનુ છું.

મહીલા મોરચાની જવાબદારીથી લઈ મુખ્યમંત્રી પદ સુધી ગુજરાતના લોકોએ પક્ષના નેતૃત્વએ મારી પર વિશ્વાસ મુક્યો અને મને ભરપૂર તકો આપી તે માટે હું ઋણી છું. કુશળ સંગઠક, દીર્ધદ્રષ્ટા અને કર્મઠ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે પહેલા સંગઠ્ઠનમાં અને પછી સરકારમાં કામ કરવાની મને તક મળી જેના કારણે એક પણ વાર સાઇડટ્રેક થયા વિના કે અમિતભાઇની ગમે તેટલી નારાજગી હોવા છતાં સાતત્યપુર્વક મારૂ ઘડતર થતું રહ્યું અને મને સત્તા મળતી રહી. છેલ્લા 18 વર્ષથી ગુજરાત સરકારનાં ખુબ જ કસદાર અગત્યનાં વિભાગોની કામગીરી કરતાં કરતાં અનેક રચનાત્મક સુધારાઓ કરી નવી પ્રજાભિમુખ યોજનાઓના સરળ અમલીકરણ દ્વારા પારદર્શિતા લાવવા પ્રામાણિકતા સાથે પરીણામલક્ષી કાર્ય કરવા સતત પ્રયત્નશીલ રહી છું. શિક્ષિકા હોવા છતાં આ વાક્ય હું લખી શકું એમ નથી. પણ મારા કોપીરાઇટરનો આગ્રહ હતો કે એણે બહુ મહેનત કરીને ચાર ‘પ’ ગોઠવ્યા છે.  જતાં જતાં એને દુઃખી ક્યાં કરવો? મે, 2014માં ગુજરાત રાજ્યના પ્રથમ મહીલા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી શ્રી નરેન્દ્રભાઈને કારણે તથા વરીષ્ઠ નેતૃત્વએ મને સોંપી તેને હું સમગ્ર ગુજરાતની મહીલાઓનું ગૌરવ ગણું છું. આ મહિલાઓમાં જેની સરકારી રાહે જાસુસી કરાવવામાં આવી હતી તે કચ્છની મહિલાનો સમાવેશ કરવો કે નહીં એ નક્કી કરવાનું તમારી ઉપર છોડું છું. શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 12 વર્ષથી વધુ સમય સુધી રહ્યાં અને તેમની જગ્યાએ મારી પસંદગી થઈ તે સ્વાભાવિક રીતે જ આકાશ ના તારા તોડી લાવવા જેવું ગણવા જેવું કઠીન કાર્ય હતું પરંતુ, મને એ વાતનો ગર્વ છે કે તેઓએ ગુજરાતના વિકાસની કંડારેલી ખાઇ કેડી એ જ ઝડપથી આગળ વધારવામાં હું ક્યાંય પાછી પડી નથી.

ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સિધ્ધાંતો અને શિસ્તબધ્ધતાથી પ્રેરાઈ હું પક્ષમાં જોડાઈ હતી પણ સત્તા મળ્યા પછી એ બધું રહ્યું નહીં ને એનો અફસોસ પણ નથી રહ્યો. છતાં,જે કંઇ રહ્યું છે અથવા બદલાઇને તેનું જે સ્વરૂપ થયું છે તેનું અને આજ સુધી તેનું પાલન કરતી રહી છું. નરેન્દ્રભાઇને અડવાણીજી નડવા લાગ્યા ત્યારથી છેલ્લા થોડાક સમયથી પક્ષમાંથી પંચોતેર વર્ષની ઉંમર પછી વરિષ્ઠ કાર્યકર્તાઓએ સ્વૈચ્છિક જવાબદારીમાંથી મુક્ત થવાનું સ્વીકારી રસ્તામાંથી કાંટા હટાવવાની આગવી પરંપરા ઉભી કરી છે. જે વડીલો સિવાયના સૌ માટે ઉદાહરણીય અને અનુકરણીય છે. જેના કારણે આવનારી પેઢીને કાર્ય કરવાની તક મળે છે. લોકો કહે છે કે પહેલાં પાટીદાર આંદોલનમાં અને પછી દલિત આંદોલનમાં મુખ્ય મંત્રી તરીકેની સત્તાનાં મારાં સો વર્ષ પૂરાં થઇ ગયાં મારા પણ નવેમ્બરમાં પંચોતેર વર્ષ પુરા થનાર છે. પરંતુ 2017ના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આવવાની હોઈ તેમજ દર બે વર્ષે યોજાતા રાજ્ય માટે મહત્વના વાઈબ્રન્ટ ગુજરાત સમીટ પણ જાન્યુઆરી 2017માં યોજાનાર હોઈ નવનિયુક્ત થનાર મુખ્યમંત્રીને પુરતો સમય મળી રહે અને એ બધી તો કહેવાની વાત  છે, પણ અત્યારના કમઠાણમાંથી મારો છૂટકારો થાય તે માટે મેં બે માસ અગાઉ પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ મને આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરેલ. હું આજે ફરીથી ફેસબુકના માધ્યમથીઅંગત હોવા જોઇએ એવા જાહેર પત્ર દ્વારા પક્ષના વરિષ્ઠ નેતૃત્વને મને મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત કરવા નમ્ર વિનંતી કરૂં છું, જેથી ભવિષ્યમાં કોઇ એવું ન કહી જાય કે મારે રવાના થવાની ફરજ પડી.

ગુજરાતની ગૌરવશાળી પ્રજાની સેવા કરવાની મને તક મળી અને છેવાડાના માનવી સુધી સેવાઓનો લાભ પહોંચાડવા માટે મેં શક્ય તમામ પ્રયત્નો કર્યા છે. રાજ્યરૂપી પરીવારનું નેતૃત્વ કરતા મને જે અપાર પ્રેમ, સ્નેહ (યાદ છે? પાટીદાર આંદોલનકારીઓ વહાલથી મને ‘ફોઇ’ કહેતા હતા) અને આંદોલનકારીઓને કારણે ધંધે લાગેલા રહેવાની તથા ઇન્ટરનેટ પર બેન મૂકતા રહેવાની કામ કરતાં રહેવાની સતત પ્રેરણા મળી છે તે માટે હું મારી હાર્દિક હ્દયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી બે હાથ ને ત્રીજું માથું જોડીને વંદન કરૂં છું.

Tuesday, April 19, 2016

પાટીદાર આંદોલન : વાસ્તવતપાસ

ફરી એક વાર પાટીદાર અનામત આંદોલને ઉથલો માર્યો, મોબાઇલ ઇન્ટરનેટ બંધ થયું, તોફાન થયાં, ગુજરાતબંધનું એલાન અપાયું. આ સ્થિતિમાં સરકાર કે પાટીદાર બેમાંથી એકેય પક્ષ પ્રત્યે દુર્ભાવ રાખ્યા વિના, કેવળ નાગરિક તરીકે  શું દેખાય છે-સમજાય છે?
  • આંદોલનકારીઓ હાર્દિક પટેલને છોડી મૂકવાની માગણી કરી રહ્યા છે. હાર્દિક પટેલ પોલીસચોકીમાં એક ખૂણે બેસાડી રખાયેલો કોઇ શકમંદ નથી. તેની સામે રાજદ્રોહનો આરોપ છે અને એને લગતો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે. બે ઘડી માટે આરોપીનું નામ ભૂલી જાવ અને વિચારો : ધારો કે એક માણસ સામે ખોટો આરોપ લગાડી દેવાયો છે, તેની સામે અદાલતમાં કેસ ચાલુ છે અને સુનાવણી થઇ રહી છે. એ વખતે દેખાવકારીઓ અદાલતી કાર્યવાહી અભરાઇ પર ચડાવીને, આરોપીને બારોબાર છોડી મૂકવાની માગણી મૂકે, તો એ માગણી કેવી કહેવાયહાર્દિક પટેલના કિસ્સામાં એવું જણાય છે કે વાત પોલીસ અને સરકારની પહોંચની પણ બહાર નીકળી ચૂકી છે. પરંતુ ધારો કે, સરકાર કોઇક રીતે પોતાની પહોંચ વાપરીને, અદાલતી કાર્યવાહીની અધવચે આરોપીને છોડી મૂકે, તો એ કેવું કહેવાય? એમાં મુખ્ય મંત્રીની કે શાસકપક્ષની આબરૂનો નહીં, કાનૂની પ્રક્રિયાની વિશ્વસનિયતાનો સવાલ ન ઊભો થાય?
  • મુખ્ય મંત્રીએ એ મતલબનું કહ્યું કે આવાં આંદોલન તો થયા કરે, સરકારનું કામ લોકોની સેવા કરવાનું છે.વાત તો સાચી, પણ અડધી સાચી. સરકારનું કામ લોકોની સેવા કરવા ઉપરાંત માગણીના વાજબીપણા વિશે વિચાર્યા વિના ઉભાં થતાં આંદોલનોને ફેલાતાં અટકાવવાનું પણ છે. પાટીદાર અનામત આંદોલન તણખાસ્વરૂપ હતું ત્યારે સરકાર ગાફેલ રહી. પછી ભોંયમાંથી ભાલો ઉગે એમ અચાનક હાર્દિક પટેલ નામનો નેતા ઉભો થયો અને પાટીદાર સમાજને શક્તિપ્રદર્શનોના રસ્તે દોરવા લાગ્યો. ત્યારે સરકારે સહકારી મુદ્રા ધારણ કરી. સંઘર્ષ ટાળવાના નામે જાણે અનુકૂળતાઓ કરી આપી. એ તબક્કે કડકાઇથી કે દમનથી નહીં, પણ મક્કમતાથી અને કુનેહથી કામ પાડવામાં આવ્યું હોત, તો હાર્દિક પટેલ રાજદ્રોહનો આરોપી ન હોત અને પાટીદાર આંદોલન જામતાં પહેલાં વિખેરાઇ ગયું હોત.
  • હવે મુખ્ય મંત્રી શાંતિની અપીલો કરે છે અને શાંતિ સ્થાપવા માટે આકરી પોલીસ કાર્યવાહીઓ કરવી પડે છે. તેમાં હંમેશાં પ્રમાણભાન જળવાતું નથી અને અનામત આંદોલનમાં પોલીસદમનના વિરોધ જેવા નવા મુદ્દા ઉમેરાતા રહે છે. પરંતુ ગુજરાતમાં ભાજપની સફળતાનું મોટું શ્રેય જેમ કૉંગ્રેસને (તેની નિષ્ક્રિયતા કે બિનઅસરકારકતાને) જાય છે, તેમ પાટીદાર આંદોલનની સફળતા અને અત્યારે પકડાયેલી ગંભીરતાનું ઘણું શ્રેય સરકારની અનિર્ણાયકતાને અથવા આંદોલનના આરંભે તેની સાથે પનારો પાડવામાં કરેલી ભૂલોને જાય છે. દુઃખ એ વાતનું છે કે ભૂલ (અણઆવડત) સરકારની, પણ તેનાં માઠાં પરિણામ અનેક નિર્દોષ નાગરિકોએ વેઠવાનાં આવ્યાં છે.
  • પાટીદાર આંદોલનકારીઓે સંખ્યા અને ખાસ તો સંસાધનો-સમૃદ્ધિના બળે સરકારનું કાંડુ મરોડી રહ્યા છે. તેમની અને સરકારની વચ્ચેના સંવાદમાં ફક્ત મોં વપરાય છે. કાનનો ઉપયોગ થતો નથી. એટલે પાટીદારો ફક્ત સરકારની જ નહીં, બીજા લોકોની પણ એકેય વાત સમજવા તૈયાર થતા નથી. અનામતનો આધાર આર્થિક નથી, પાટીદારોનું પ્રતિનિધિત્વ તેમની વસતીના પ્રમાણમાં ઓછું કે અપૂરતું નથી, પાટીદારોને થતો અન્યાયબોધગમે તેટલો વાસ્તવિક અને સાચો હોય તો પણ એ પાટીદારહોવા બદલ નહીં, ‘વિકાસની એકંદર તરાહને લીધે થાય છે અને અનામત એવા અન્યાયને દૂર કરવાની વ્યવસ્થા નથી, સરકારનું નાક દબાવીને મેળવેલી અનામત ઝાઝું ટકતી નથી-- સર્વોચ્ચ અદાલત તેને ગેરબંધારણીય ગણાવીને ફગાવી કાઢે છે...આવાં ઘણાં સત્યો સામે આંદોલનકારીઓનું એક ઊંહુંઆવે એટલે વાટાઘાટો કે વાતચીત સમાપ્ત થઇ જાય છે.
  • અત્યારના આંદોલનની બે સંભાવના છે : કોઇ પણ રીતે હાર્દિક પટેલ છૂટી જાય અથવા યોગ્ય અદાલતી કાર્યવાહી પછી તે રાજદ્રોહના ગુનામાં ગુનેગાર ઠરે. હાર્દિક પટેલ છૂટી જશે તો એ પણ આગળ જણાવેલી એકેય સચ્ચાઇ સ્વીકારશે નહીં અને પોતાની જિદની તીવ્રતા વધારી મૂકશે, એવું અત્યારના વાતાવરણ પરથી લાગે છે. એ સ્થિતિમાં આંદોલન અને અશાંતિ વધશે. તેને ઠારવા માટે સરકાર (હરિયાણાની જેમ) વિધાનસભામાં ખરડો પસાર કરીને અલગ અનામત આપે, તો એ ફક્ત પાટીદારોને નહીં, બધા કહેવાતા ઉજળિયાતોને તેમાં હિસ્સો મળશે. પરંતુ, આ રીતે મળેલી અનામત સામે અદાલતમાં કકળાટ ચાલુ રહેશે. અગાઉ એકથી વઘુ કિસ્સામાં અદાલત દબાણને વશ થઇને કે સમુદાયોના તુષ્ટિકરણ માટે અપાયેલી અનામતો નાબૂદ કરવાના ચુકાદા આપી ચૂકી છે. એટલે, આ વિકલ્પમાં સરકાર તરફથી અનામત મળી જાય તો પણ છેલ્લી લડાઇ અદાલતમાં લડવાની આવશે. તેમાં પાટીદારોને જીત મળવાની સંભાવના પાંખી છે.
  • બીજો વિકલ્પ છે : હાર્દિક રાજદ્રોહના આરોપમાં ગુનેગાર ઠરે અને તેનો જેલવાસ લંબાય. એ સંજોગોમાં હાર્દિકને છોડી મૂકવાથી માંડીને અનામતની માગણી સાથે આંદોલન કરવામાં આવે, તો એમાં પણ આંદોલનકારી પાટીદારોને છેવટે અદાલત સામે ભીડાવાનું આવશે. આમ, બન્ને કિસ્સામાં છેલ્લો મુકાબલો અદાલતમાં હોવાથી, પાટીદારો સરકાર સામે જીતેતો પણ એ જીતનો વાસ્તવમાં શો અર્થ સરે, એ મોટો સવાલ. તેમનો પ્રેરિત કે સ્વયંસ્ફુરિત ઇરાદો મુખ્ય મંત્રીનું આસન અને શાસન ડગુમગુ કરવાનો હોય, તો એ ક્યારનો પાર પડી ચૂક્યો છે.  પરંતુ વર્તમાન રાજકીય ગણિતો પ્રમાણે ૨૦૧૭ની ચૂંટણી સુધી ગુજરાતમાં મુખ્ય મંત્રીની ખુરશી પર પરિવર્તન થવાનાં એંધાણ નથી. કોઇ અણધાર્યા સંજોગોમાં એ પરિવર્તન થાય તો પણ, પાટીદારોને તેનાથી શો ફાયદો થશે? કારણ કે આગળ જણાવેલી ટેક્‌નિકલ પરિસ્થિતિઓ બદલાવાની નથી.
  • પાટીદારોની સામાજિક-ધાર્મિક નેતાગીરી માટે પણ આ કસોટીની અને નિર્ણાયક ઘડી છે. એમાં તેમના વર્તન પરથી ભવિષ્યમાં તેમની ન્યાયપ્રિયતા, સ્વાર્થી સંકુચિતતા, ચામડી બચાવવાની નિષ્ક્રિયતા કે મૂક સંમતિ જેવી ઘણી બાબતો નક્કી થશે. ધાર્મિક-સામાજિક નેતાઓ સમાજના બોલકા વર્ગને દોરે છે કે પછી એ વર્ગ નેતાઓને પોતાની પાછળ ઢસડે છે, એનો આખરી જવાબ પાટીદાર આંદોલન પૂરું થયે જ મળશે. દરમિયાન એટલું નક્કી છે કે પાટીદાર આંદોલનકારીઓને જેમની પર ભરોસો પડી શકે એવા કોઇ પાટીદાર કે બિનપાટીદાર નેતા સરકાર પાસે નથી.
  • કૉંગ્રેસ વિરોધ પક્ષના બીબામાં રહીને મુખ્ય મંત્રીના રાજીનામાથી માંડીને પાટીદારોને ભાજપે મરાવ્યા, એવાં ઊંબાડિયાં કરી રહી છે. પણ આ મુદ્દે તેનું સાફ-સ્પષ્ટ વલણ શું છે? અને એ પોતે સત્તામાં હોત તો પાટીદાર અનામતના મુદ્દે તેણે શો નિર્ણય કર્યો હોત?
  • છેલ્લે,પાટીદાર આંદોલનકારીઓને એટલું તો સમજાવું જ જોઇએ કે જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવાના કે આગ ચાંપવાના બનાવોથી તે પોતાની વાજબીપણા વગરની માગણીમાં હિંસાનો વઘાર કરી રહ્યા છે અને સામાન્ય નાગરિકોનો અણગમો મેળવી રહ્યા છે.

Friday, July 31, 2015

વરસાદી આયોજનની હવાઇ (ગયેલી) મિટિંગ

ગુજરાતમાં વરસાદ મતલબ ડિઝાસ્ટર’ (આફત). વરસાદ ઓછો આવે તો ખેતી અને પાણીમાં ધબડકો, વધારે આવે તો પૂરનો પ્રલય અને માપસરનો આવે, તો મ્યુનિસિપાલિટીના પ્લાનિંગ (એટલે કે પ્લાનિંગના અભાવ)નો કકળાટ. દરેક ચોમાસે આ સત્ય વધુ ને વધુ પાણીદાર લાગતું જાય છે. અમદાવાદ જેવા મહાનગરમાં બે-ત્રણ ઇંચ વરસાદ આવે અને પાણી ભરાઇ જાય, તો સત્તાધીશો નિર્દોષભાવે કહી શકે છે, ‘કુદરત આગળ અમે લાચાર છીએ. એકસામટો આટલો બધો (બે-ત્રણ ઇંચ) વરસાદ પડ્યો એટલે. બાકી, અમુક કરોડ રૂપિયાના ખર્ચે અમે કરેલું પ્લાનિંગ તો જડબેસલાક હતું.

દરેક વર્ષે આવતો વરસાદ રસ્તાની સાથોસાથ મ્યુનિસિપલ  કોર્પોરેશનની (રહીસહી) આબરૂમાં ગાબડાં પાડતો જાય છે અને રસ્તાના કચરાની ભેગાભેગ કરોડો રૂપિયાના ખર્ચે થતાં આયોજનોના દાવાને પણ તાણી જાય છે. એ જુદી વાત છે કે આબરૂનું ધોવાણ રાજકારણમાં મૂડી ગણાય છે. કપડાં ધોવાઇને સ્વચ્છ થાય, પણ આબરૂ ધોવાઇને ડાઘગ્રસ્ત બને છે. તમામ રાજકીય પક્ષોની આબરૂ ધોવાઇને તેમનો મૂળ રંગ ગુમાવી ચૂકેલી હોવાથી, ગરીબી-બેકારી દૂર થાય કે ન થાય, રાજકીય પક્ષો વચ્ચે રહેલી અસમાનતા દૂર થઇ જાય છે. બજારની પરિભાષામાં તેને લેવલ પ્લેયિંગ ફિલ્ડની આદર્શ સ્થિતિ કહી શકાય. વડાપ્રધાનના ફળદ્રુપ દિમાગમાં બત્તી થાય તો રાજકીય પક્ષોના આબરૂધોવાણને તે દેશવ્યાપી સ્વચ્છતા ઝુંબેશના ભાગ તરીકે ગણાવી શકે.

આબરૂનું સૌથી મોટું સુખ એ છે કે તે એક જ વાર જાય છે. પછી દરેક વખત જે થાય તેની અસર એક્શન રીપ્લે જેવી હોય છે. પ્રજાને તેમાં કશી નવાઇ અને સત્તાધીશોને તેની કશી શરમ લાગતાં નથી. કોઇક વાર સત્તાધીશોમાં કર્તવ્યબોધ જાગી ઉઠે, ત્યારે તે સ્વામી વિવેકાનંદને યાદ કરે છે, જાગે છે, ઊઠે છે અને મૂળ સૂત્રમાં થોડો ફેરફાર કરીને, મિટિંગ ભરવા મચી પડે છે. આવી એક વરસાદલક્ષી મિટિંગનું કાલ્પનિક દૃશ્ય.
***
અધિકારી ૧: ચાલો મિટિંગ મિટિંગ રમીએ...આઇ મીન, મિટિંગ શરૂ કરીએ.

ઉપરી : (ડોળા તતડાવીને) સવાર સવારમાં ક્યાંક થઇને નથી આવ્યા ને?...  અને પેલા અધિકારી ક્યાં છે?

અધિકારી ૧ : સોરી સર...ગઇ કાલે શહેરમાં ભારે વરસાદ પડ્યો. તેના કારણે ઠેકઠેકાણે પાણી ભરાઇ જવા પામ્યાં હતાં અને શહેરના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને તાકીદનાં પગલાં લઇને...

ઉપરી : તમે મારી જોડે પ્રેસનોટની ભાષામાં વાત ન કરો. ગુજરાતીમાં કહો, એ અધિકારી હજુ કેમ નથી પહોંચ્યા?

અધિકારી ૨ : સાહેબ, એમના ઘર આગળ એટલું પાણી ભરાયેલું કે એમના માટે હોડી મોકલવી પડે એમ છે ને ફાયર બ્રિગેડવાળા આવા કામ માટે હોડી મોકલવાની ના પાડે છે.

ઉપરી: તો હેલિકોપ્ટર મોકલો.

બધા અધિકારીઓ : (અભિભૂત થઇને, કોરસમાં) યુ આર જિનિયસ, સર. તમારા વડવા ફ્રાન્સની રાણીના સગામાં થાય?

ઉપરી : મસકાબાજી છોડો ને એ કહો કે દરેક વખતે આપણો પ્રી-મોન્સૂન પ્લાન કેમ ડૂબી જાય છે?

અધિકારી ૨ : ડૂબી નથી જતો, સાહેબ. હવાઇ જાય છે. પછી લોકો સમજ્યા વગર બૂમો પાડે છે કે કોર્પોરેશનથી શેક્યો પાપડ ભાંગતો નથી. તમે જ કહો, હવાઇ ગયેલો પાપડ કેવી રીતે ભાંગે?

ઉપરી : તમે આવું ગોળ ગોળ બોલીને આખી વાતને તમારા બચાવમાં હંકારી ન જાવ. મારી આગળ એ તરકીબ નહીં ચાલે.

અધિકારી ૩ : તો કઇ ચાલશે?
(ઉપરી અધિકારી તેમની સામે જોઇને ડોળા કાઢે છે.)

અધિકારી ૩ : મારો કહેવાનો મતલબ હતો કે કામની કઇ રીત આપને અનુકૂળ આવશે?

ઉપરી : દર વખતે પ્રી-મોન્સૂન મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ કોને મળે છે? અને કોન્ટ્રાક્ટરની જવાબદારી શી હોય છે?

અધિકારી ૧ : હું એ કોન્ટ્રાક્ટરને એની જવાબદારી સમજાવીને આપની પાસે મોકલી આપીશ. આપ એને સમજાવી દેજો અને એની સાથે સમજી પણ લેજો. બસ?

ઉપરી : મને પટાવવાની કે ટૂંકમાં પતાવવાની કોશિશ ન કરશો.

અધિકારી ૨ : હોય કંઇ, સાહેબ? આ વખતે મોન્સૂન પ્લાનિંગમાં તમારો વટ પાડી દેવો છે.

અધિકારી ૩ : મને તો અત્યારથી શહેરના ખાબોચિયે-ખાબોચિયે, ભૂવે-ભૂવે આપના નામના ઝંડા ફરકતા દેખાય છે.

બધા અધિકારીઓ : (કોરસમાં) ઝંડા ઊંચા રહે હમારા...ગઢ્ઢોંકો સજાનેવાલા, ચલતોંકો ચૌંકાનેવાલા...

ઉપરી : તમે લોકો રાગડા તાણવાનું બંધ કરો અને નક્કર આયોજનની વાત કરો. દર ચોમાસે આપણું નાક કપાય...

અધિકારી ૩ : સાહેબ, એક પ્લાસ્ટિક સર્જન આપણા ખાસ ફ્રેન્ડ છે--તમામ પ્રકારની સર્જરીમાં...

ઉપરી : (વાત અધવચ્ચેથી કાપીને, ઉગ્રતાથી) તમને લોકોને કંઇ શરમ જેવું છે કે નહીં? દર વખતે ચોમાસામાં આપણાં આયોજનોની ધજા થાય, લોકોને આટલી હાલાકી-હેરાનગતિ વેઠવી પડે, એ સારું કહેવાય? આપણું કામ લોકોનું હિત વિચારવાનું - તેમની સુખાકારી વધારવાનું છે. એની પ્રેરણા માટે આપણે બીજે ફાંફાં મારવાની જરૂર નથી. આપણા વડાપ્રધાનમાંથી આપણે એટલું પણ ન શીખી શકીએ?

(મિટિંગમાં સન્નાટો છવાઇ જાય છે. બાકીના અધિકારીઓ ટેન કમાન્ડમેન્ટ્‌સપ્રકારની દિવ્ય વાણી ઝીલવા તત્પર બને છે, પણ એક અધિકારી હિંમત કરીને પૂછે છે)

અધિકારી ૪ : માફ કરજો, સાહેબ. આ બધું કહેવું સહેલું છે, પણ કરવું અઘરું છે. આડેધડ પ્લાનિંગે એવો દાટ વાળ્યો છે કે...

ઉપરી : પાણી ભરાતું રોકવાની કે ભૂવા પડતા અટકાવવાની વાત કોણ કરે છે? હું કહું છું કે ચોતરફ આવી બૂમો પડતી હોય, ત્યારે આપણે એક અઠવાડિયાનો રેઇન ડાન્સ ફેસ્ટિવલ ન યોજી શકીએ? તેમાં દેશવિદેશથી કલાકારો બોલાવવાના અને મહાત્મા મંદિરમાં તેમના શો રાખવાના અને તેમનું લાઇવ ટેલીકાસ્ટ કરાવવાનું. દરેક ખાડે ને દરેક ભૂવે મોટા ટીવી સ્ક્રીન મૂકવાના, જેથી લોકોને ચેતવણીની સાથે મનોરંજન પણ મળે. કાર્યક્રમની ઝાકઝમાળની પ્રસિદ્ધિ એટલી હદે કરવાની કે લોકો બીજું બધું ભૂલી જાય. ફેસબુક-ટ્‌વીટર પર તેના જ ફોટા દેખાય.

(બધા અધિકારીઓ અહોભાવથી તાકી રહે છે)

ઉપરી : એની ઉત્તેજના શમે તે પહેલાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના રસ્તાને સાંકળતી આંતરરાષ્ટ્રિય કાર-રેલીનાં આયોજન કરવાનાં. રસ્તા પરના ખાડા અને ભૂવાનું ડેકોરેશન કરીને તેમને કાર-રેલીના અગવડભર્યા ટ્રેકનું સ્વરૂપ આપી દેવાનું. વિદેશથી આવનારા સ્પર્ધકોના ઇન્ટરવ્યુ પ્રગટ થશે ત્યારે તે આપણા નેચરલ ટ્રેકનાં બે મોઢે વખાણ કરશે અને આપણા ખાડાનો દેશદેશાવરમાં જયજયકાર થઇ જશે. બાકીના કાર્યક્રમ ઇન્ટરનેશનલ લેવલના કરીએ, ત્યારે એકાદ કાર્યક્રમ લોકલ લેવલનો કરવાનો. ગામેગામ ખાડા-મુશાયરા યોજવા અને કવિઓને ચીલાચાલુ વરસાદી વિષયોને બદલે ખાડા, ભૂવા, ખાબોચિયાં જેવા વિષયો પર કવિતાઓ લખવા કહેવું. એવો મુખ્ય મુશાયરો ગાંધીનગરમાં યોજીને તેમાં મોરારીબાપુને મુખ્ય મહેમાન બનાવવા...આવા તો બીજા અનેક મૌલિક કાર્યક્રમ યોજી શકાય. આખો દેશ ગુજરાત મોડેલ પાછળ ઘેલો થતો હોય અને તમે લોકો જ ગુજરાત મોડેલ ભૂલી જાવ એ કેમ ચાલે

બધા અધિકારીઓ : (કોરસમાં) યુ આર વિઝનરી, સર. યુ આર જિનિયસ. વી આર પ્રાઉડ ઓફ યુ.

(‘ઝંડા ઊંચા રહે હમારાના સ્વયંભૂ સમુહગાન સાથે મિટિંગનો અંત આવે છે.)

Wednesday, June 03, 2015

માણસાઇને ઢંઢોળતો દસ્તાવેજ

મુસ્લિમ ત્રાસવાદી તરીકેના જૂઠા આરોપનો ભોગ બનીને ફાંસીની સજા પામેલો માણસ અગિયાર વર્ષે સર્વોચ્ચ અદાલતમાંથી નિર્દોષ છૂટે, ત્યાર પછી પણ તે એવી અવસ્થામાં હોય કે પોતાની પર શી વીતી તે સમભાવથી લખી શકે, એ લખાણમાં કડવાશ ન હોય, ધાર્મિક ઝનૂન ન હોય, ઉલટું ઠેકઠેકાણે સહિષ્ણુતા, સચોટ વ્યંગ અને ખુદા પર સંપૂર્ણ શ્રદ્ધા હોય, એ પુસ્તકની ભાષા એવી હોય કે તેને વાંચીને મુસ્લિમો ઉશ્કેરાય નહીં, પણ મુસ્લિમદ્વેષથી પીડાતા હિંદુઓ વિચારતા થાય...આવું ભાગ્યે જ બનતું હોય છે. પરંતુ ગુજરાતી લિપીમાં અને ઉર્દુ ભાષામાં લખાયેલા પુસ્તક ‘૧૧ સાલ સલાખોંકે પીછે’માં એવું બન્યું છે. તેના લેખક અબ્દુલકય્યુમ મન્સુરીને વર્ષ ૨૦૦૨માં અક્ષરધામ પર થયેલા ત્રાસવાદી હુમલાના આરોપી તરીકે  ઝડપી લેવાયા હતા. ત્યાર પછીનાં અગિયાર વર્ષની તેમની આપવીતી પોતાની જાતને માણસ ગણનાર સૌ કોઇને હચમચાવે અને વિચારતા કરી મૂકે એવી છે.

આ પુસ્તકને ‘પોલીસ કસ્ટડીમાં થયેલા ઘાતકી અત્યાચારના અરેરાટીભર્યા વર્ણન’ના ખાતે નાખી દેવા જેવું નથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કેટલાક પોલીસ અફસરોએ આ નિર્દોષ ધર્મગુરુ (મુફ્‌તી) પર કરેલા અત્યાચાર વિશે વાંચીને, હિંદી ફિલ્મોના પ્રતાપે કોઇને એવું લાગી શકે,‘હા, બરાબર છે, પણ પોલીસ તો આવી જ હોય છે. આપણે ફિલ્મોમાં પણ ક્યાં નથી જોતા?’ મસાલા ફિલ્મોમાં આવતા પોલીસ રીમાન્ડનાં દૃશ્યોની જેમ, આ પુસ્તક વાંચીને અરેરાટીસૂચક ડચકારા બોલાવી દેવાથી ચાલે એમ નથી.

પુસ્તકમાં ઉઘડતી કેટલીક ખતરનાક બાબતો : પોલીસ અને સરકાર ત્રાસવાદથી લોકોનું રક્ષણ કરવાને બદલે, કેવી રીતે પોતે જ ત્રાસવાદીઓને શરમાવે એવી વર્તણૂંક કરે છે, કોમવાદી લાગણી નાબૂદ કરવાને બદલે, કેવી રીતે કેટલાક પોલીસ અફસરો કોમવાદ દૃઢ બને અને હિંદુ-મુસ્લિમો વચ્ચેનો અવિશ્વાસ વધે એવા કારસા કરે છે,  મુસ્લિમો પ્રત્યે હિંદુઓના મનમાં અવિશ્વાસ ઊભો કરવા અને ઊભા થયેલા અવિશ્વાસને દૃઢ બનાવવા સરકાર તથા પોલીસ કેટલાં જૂઠાણાં આચરી શકે છે અને કહેવાતા હિંદુહિતરક્ષકો હિંદુઓને કઇ હદે મૂરખ બનાવી શકે છે, જૂઠાડા પોલીસ અફસરોને ‘જાંબાઝ દેશભક્ત’ તરીકે બિરદાવનારા અને અસલિયત બહાર આવ્યા પછી મીંઢું મૌન સેવનારા છદ્મશ્રીઓ વાચકોને કેવા ગેરરસ્તે દોરે છે...

કાવતરું અને અમલ

સપ્ટેમ્બર, ૨૦૦૨માં અક્ષરધામ પર ત્રાસવાદી હુમલો થયો અને અંધાઘૂંધ ગોળીબારો પછી ત્રાસવાદીઓ માર્યા ગયા. એ ઘટનાથી ગુજરાતમાં  ખુલ્લમખુલ્લા આવી ગયેલી મુસ્લિમવિરોધી લાગણીને પૂરો ઢાળ મળી રહે એમ હતો. સાથોસાથ, ‘હિંદુ લાગણી’ શાંત પાડવા અને પોલીસનો-સરકારનો વટ પાડવા માટે અક્ષરધામનો કેસ ઉકેલાઇ ગયો એ દર્શાવવું જરૂરી હતું. સરકાર માટે એ સહેલું પણ હતું. કારણ કે, તેમને ફક્ત દાઢી-ટોપીવાળા થોડા મુસ્લિમો જ પકડી આણવાના હતા. ડી.જી.વણઝારાની આગેવાનની હેઠળની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સરકારી કાવતરાબાજીનો મુખ્ય અડ્ડો બની.

પહેલી વાર મુફ્‌તીને ક્રાઇમ બ્રાન્ચવાળા લઇ ગયા ત્યારે મુફ્‌તીને એવો વિશ્વાસ હતો કે ‘મેં કશો ગુનો કર્યો નથી, પછી શા માટે ગભરાવું?’ ક્રાઇમ બ્રાન્ચમાં એસીપી સિંઘલે પહેલી વાર મુફ્‌તીને ડંડાથી ઝૂડી નાખ્યા ત્યાં સુધી મુફ્‌તીને એ પણ ખબર નહોતી કે તેમનો ગુનો શો છે. બીજા દિવસે તેમને વણઝારા સામે હાજર કરવામાં આવ્યા. તેમણે પણ એકાદ સવાલ પૂછ્‌યા પછી ‘ડંડાપાર્ટી’ મંગાવી. એક અલમસ્ત ટુકડી આવી. તેના લોકોએ મુફ્‌તીને બરાબર જકડી રાખ્યા અને પીઆઇ વનાર પૂરા જોશથી મુફ્‌ત પર ડંડો લઇને તૂટી પડ્યા. મારતાં મારતાં એ થાકી જાય ત્યારે વણઝારા તેમને ગાળ દઇને વધારે મારવાનું કહેતા. ત્યાં સુધી પણ મુફ્‌તી પોતાના ગુનાથી અજાણ હતી. પછી વણઝારાએ તેમને  અક્ષરધામ મંદિરના હુમલા વિશે પૂછ્‌યું ત્યારે મુફ્‌તીને ખ્યાલ આવ્યો કે તેમને ગંભીર કેસમાં સંડોવી દેવાયા છે.

ક્રાઇમ બ્રાન્ચમાં ઘાતકી મારઝૂડના ઘણા પ્રસંગો પુસ્તકમાં છે.   એ અત્યંત ગંભીર છે, પણ મારઝૂડના વ્યક્તિગત ત્રાસ ઉપરાંત વધારે વ્યાપક ગંભીર મુદ્દા પણ આ પુસ્તકમાં આલેખાયા છે.

  • મુફ્‌તીને કેવળ શંકાના આધારે, ક્રાઇમ બ્રાન્ચે ચાળીસ દિવસ સુધી ગોંધી રાખ્યા. તેમની પર અને તેમના જેવા બીજાઓ પર બેસુમાર અત્યાચાર કરવામાં આવ્યા. હદ બહારની મારઝૂડ પછી પોલીસ જે કહે તે કબૂલવા મુફ્‌તી તૈયાર થઇ ગયા. ત્યાર પછી મારઝૂડ બંધ થઇ ગઇ. મુફ્‌તીએ લખ્યું છે, ‘રીમાન્ડના બાકીના દિવસોમાં કાવતરામાં અમારી ભૂમિકાઓ ઘડી કાઢવાની અને એ માટે ચર્ચાવિચારણા કરવાની પૂરતી તક આપવામાં આવી. એટલું જ નહીં, અમારે કયા કેસમાં ફસાવું છે એના વિકલ્પ પણ આપવામાં આવ્યા. અમારા એક સાથીને ગોધરાકાંડ અને હરેન પંડ્યામાંથી કોઇ એક કેસ પસંદ કરવાનું કહેવાયું.’ ‘સાહેબ, મને આટલા મોટા કેસમાં ફસાવી દીધો’ એવું મુફ્‌તીએ સિંઘલને કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું,‘હું મજબૂર હતો. મારી પર ઉપરથી દબાણ હતું.’
  • આખા કાવતરામાં એક નામ આવ્યું : અબુ તલ્હા. મુફ્‌તીએ લખ્યું છે કે આ પાત્ર અક્ષરધામ, હરેન પંડ્યા હત્યા, ટિફીન બોંબ, સિરીયલ બ્લાસ્ટ અને બીજા ઘણા કેસમાં વૉન્ટેડ બતાવાયું છે, પણ સેશન્સ કોર્ટે બ્લાસ્ટના જૂઠા કેસના જજમેન્ટમાં લખ્યું છે કે અબુ તલ્હા (પોલીસે ઉપજાવી કાઢેલું)  કાલ્પનિક પાત્ર છે. 
  • જૂઠા કાવતરાની કથા ફિલ્મી સ્ક્રીપ્ટની ઝીણવટથી ઘડી કાઢવામાં આવી. બધાં પાત્રોને તેમની ભૂમિકા સમજાવી અને ગોખાવી દેવાઇ. છતાં કેટલીક મહત્ત્વની ભૂલો રહી ગઇ. હુમલાખોરોએ હુમલાના આગલા દિવસે અક્ષરધામ મંદિરમાં જઇને સ્થળની પૂરી તપાસ કરી એવું કહેવાયું, પણ એ દિવસે સોમવાર આવતો હતો અને સોમવારે અક્ષરધામ બંધ રહે છે, એ ‘વાર્તાકારો’ના ઘ્યાનબહાર ગયું. માર્યા ગયેલા ત્રાસવાદીઓના ખિસ્સામાંથી નીકળેલી બે ઉશ્કેરણીજનક ઉર્દુ ચિઠ્ઠીઓ મુફ્‌તીએ લખી હોવાનો આરોપ હતો. પરંતુ પોલીસે ક્યાંકથી ઉર્દુમાં હસ્તગત કરેલી બે જેહાદી ચિઠ્ઠીઓ કેવી રીતે ત્રાસ ગુજારીને મુફ્‌તીના હસ્તાક્ષરમાં લખાવી લેવાઇ, એ તેમણે પુસ્તકમાં લખ્યું છે. દરેક વખતે મુફ્‌તીની લખેલી ચિઠ્ઠી ઉર્દુના કોઇ જાણકારને વંચાવવામાં આવે ને એમાં મૂળ ચિઠ્ઠી કરતાં કંઇક જુદું લાગે, એટલે મુફ્‌તીએ ચિઠ્ઠી ફરી લખવાની. એમ કરતાં એમને ચાળીસ-પચાસ વાર ચિઠ્ઠીઓ લખવી પડી. 
  • અક્ષરધામમાંથી મળેલા ત્રાસવાદીઓના મૃતદેહ સંખ્યાબંધ ગોળીઓથી વીંધાયેલા હતા. તેમનાં કપડાંમાં અસંખ્યા કાણાં હતાં. લોહી, પાણી અને માટીથી કપડાં સાવ રગદોળાયેલાં હતાં. પણ તેમના ખિસ્સામાંથી નીકળેલી --અને મુફ્‌તીએ તેમને લખી આપેલી મનાતી-- બે ચિઠ્ઠીઓ  સાવ કોરીકટ હતી. ડાઘા તો ઠીક, તેને ગડી પણ પડેલી ન હતી. 
  • ક્રાઇમ બ્રાન્ચના અફસરોએ વાર્તા પ્રમાણે મુફ્‌તીને કહ્યું કે ‘તે આ ત્રાસવાદીઓને શહાદત અને જનાજાની નમાઝ પઢાવી.’ મુફ્‌તીએ તેમને કહ્યું કે ‘જીવતા માણસને આ નમાઝ ન પઢાવાય.’ સાહેબોએ કહ્યું, ‘એમ? તો બીજી કોઇ નમાઝનું નામ આપ.’ મુફ્‌તીએ કહ્યું કે એને ‘નફલ નમાઝ’ કહેવાય. એટલે સાહેબોએ વાર્તામાં સુધારો કર્યો અને મુફ્‌તી પર હુમલાખોરોને ‘નફલ નમાઝ’ પઢાવવાનો આરોપ મૂક્યો. 
  • આખી કથા નક્કી થઇ ગયા પછી હુમલાખોરો ક્યાંના હતા, તે ક્યાંથી આવ્યા અને તેમની પાસે શસ્ત્રો ક્યાંથી આવ્યા, એટલા છેડા લટકતા હતા. એના માટે ક્રાઇમ બ્રાન્ચના અફસરો સાથે મુફ્‌તીને કાશ્મીર લઇ જવાયા. ત્યાં ચાંદખાન નામના એક માણસને ઓળખી બતાવવાનું કામ હતું. એ માટે મુફ્‌તીને અમદાવાદમાં ચાંદખાનનો ફોટો અને વિગતો આપીને બરાબર લેસન કરાવાયું હતું. કાશ્મીર પોલીસની હાજરીમાં, તેમને સમજ ન પડે એટલા માટે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ પટેલે મુફ્‌તીને ગુજરાતીમાં કહ્યું, ‘બાજી સાચવી લેજો. આપણી સ્ટોરી જ કહેજો. અમે તમને બચાવી લઇશું.’ પણ કાશ્મીરમાં દાવ ઊંધો પડ્યો. કાશ્મીર પોલીસ સામે મુફ્‌તીએ ‘ગુનો’ તો કબૂલી લીધો, પણ ત્યાં એમની એટલી ઝીણી પૂછપરછ કરવામાં આવી કે તેમાં ક્રાઇમ બ્રાન્ચની સ્ટોરીમાં રહેલાં છીંડાં ખુલ્લાં પડી ગયાં. ત્યાર પછીના દિવસો મુફ્‌તીને કાશ્મીર પોલીસથી દૂર સારી હોટેલમાં રાખવામાં આવ્યા અને સરકારી મહેમાનની જેમ કાશ્મીર ફેરવવામાં આવ્યા. મુફ્‌તીએ લખ્યું છે કે કાશ્મીરમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ ચૂક્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ઇચ્છ્‌યું હોત તો મારી સામેનો કેસ તેમણે પાછો ખેંચી લીધો હોત, પણ એવું ન થયું. 
  • મુફ્‌તીના કેસના પાયામાં રહેલાં ગાબડાંને સ્પેશ્યલ પોટા કૉર્ટે નજરઅંદાજ કર્યાં અને એક નિર્દોષને ફાંસીની સજા ફટકારી દીધી. તેની સામે હાઇકોર્ટમાં અપીલ થઇ ત્યારે કોર્ટે પણ રહસ્યમય વિલંબ પછી, ફાંસીની સજા બહાલ રાખી. છેવટે સર્વોચ્ચ અદાલતે ન્યાય કર્યો, નવેસરથી પુરાવા તપાસ્યા અને કેસમાં રહેલાં ગાબડાં  તરફ આંખ આડા કાન કરવા બદલ અગાઉના અફસરોની ઝાટકણી કાઢી. સહિંદુ મંદિર પર હુમલો કરવાના કેસમાં ફસાવી દેવાયેલા મુફ્‌તીએ પુસ્તકમાં ઠેકઠેકાણે લખ્યું છે કે જેલમાં હિંદુ કેદીઓ ઉપરાંત કોમી હિંસાના આરોપી એવા હિંદુઓ પણ તેમની સાથે પ્રેમ અને આદરથી વર્તતા. કેટલાક ભલા હિંદુ કેદીઓ વિશે તેમણે લખ્યું છે કે એ લોકો જો મુસ્લિમ હોત તો બહુ મોટા વલી ગણાતા હોત. આખા પુસ્તકમાં જે અફસરોએ તેમની સાથે સદ્‌ભાવભર્યો વ્યવહાર કર્યો એ બધાના વર્તન વિશે તેમણે લખ્યું છે અને જે મુસ્લિમ અફસરોએ દુષ્ટતા આચરી તેનું પણ બયાન આપ્યું છે.
ધાર્મિક મુસ્લિમોને ત્રાસવાદી તરીકે અને અમુક નેતાઓને હિંદુઓના ઉદ્ધારક તરીકે જોતા-બતાવતા લોકોની આંખો મુફ્‌તીનું પુસ્તક વાંચ્યા પછી ખુલે અને તે સ્વાર્થી નેતાઓને બદલે પોતાની અંદર રહેલા માણસની દૃષ્ટિએ જોતા-સમજતા થાય, તો મુફ્‌તીને વગર વાંકે વેઠવા પડેલા અત્યાચારોનું સાચું પ્રાયશ્ચિત થયું ગણાય. 

Tuesday, January 06, 2015

ગાંધીજીનું આવવું એટલે...

જાન્યુઆરી ૯. ૧૯૧૫. એક એવો દિવસ, જે પશ્ચાદવર્તી અસરથી ભારતની તવારીખમાં ઐતિહાસિક બની ગયો. એ દિવસે ગાંધીજી અને કસ્તુરબા લંડનથી ‘અરેબિયા’ સ્ટીમરમાં લગભગ ત્રણ અઠવાડિયાંની દરિયાઇ મુસાફરી ખેડીને સવારે સાડા સાત વાગ્યે મુંબઇના દરિયાકાંઠે ઉતર્યાં. ત્યાં સુધીમાં દક્ષિણ આફ્રિકાનાં તેમનાં સત્યાગ્રહ-પરાક્રમોથી ભારતના જાહેર જીવન અને રાજકીય વર્તુળોમાં તેમનું નામ આદર સહિત લેવાતું થઇ ગયું હતું.

ભારતીય અને ખાસ તો ગુજરાતી પરંપરા પ્રમાણે, દક્ષિણ આફ્રિકામાં ધંધો જમાવીને સંતુષ્ટ થઇ જવાને બદલે બેરિસ્ટર ગાંધીએ  અજેય ગણાતી અંગ્રેજ સરકાર સામે અનોખો અહિંસક જંગ છેડ્યો હતો. સત્યના અને સત્યાગ્રહના પ્રયોગોમાં તે ખૂંપી ચૂક્યા હતા. ટૉલસ્ટૉય, થૉરો, રસ્કિન જેવા વિચારકોના ચિંતનને પોતાના મનોરસાયણમાં ભેળવીને તે કંઇક નવું, નીતાંત ભારતીય નીપજાવી રહ્યા હતા. આશ્રમજીવન, સાદગી, સ્વાશ્રય, પારદર્શકતા, અભય જેવા અનેક ગુણક્ષેત્રોમાં મેળવેલી નોંધપાત્ર ઊંચાઇનું ભાથું તેમની પાસે હતું. છતાં, જેટલું સિદ્ધ થયું તેના કરતાં અનેક ગણા મોટા પડકાર ભારતમાં ગાંધીજીની સામે હતા. એ ઝીલવા માટેની સજ્જતા અને એ સજ્જતા કેળવવા માટે નમ્રતાની ગાંધીજીમાં કમી ન હતી.

મુદ્દે, સરકારો ગમે તે કહે અને ગાંધીજીના આગમનની શતાબ્દિને ‘પ્રવાસી ભારતીય દિવસ’ સાથે સાંકળે, પણ સો વર્ષ પહેલાં મુંબઇના દરિયાકિનારે ઉતરેલા ગાંધી રીઢા કે મુગ્ધ ‘પ્રવાસી ભારતીય’ બિલકુલ ન હતા.

ગાંધી લાક્ષણિક ‘પ્રવાસી ભારતીય’ હોત, તો દક્ષિણ આફ્રિકામાં બેરિસ્ટરું ઝીંકીને પાઉન્ડ છાપવાનું ચાલુ રાખ્યું હોત. વચ્ચે વચ્ચે તે ‘પ્રવાસી ભારતીય’ તરીકે દેશમાં આવીને, તેની અવદશા વિશે ડચકારા બોલાવી જતા હોત અને પોતાની આર્થિક સમૃદ્ધિના થોડા ટુકડા અહીં ઇધરઉધર  વેરીને, પોતાની સમૃદ્ધિનો છાકો પાડીને તે પાછા ડરબનભેગા થઇ ગયા હોત. ડરબનમાં પણ તે મોઢ સમાજ, સૌરાષ્ટ્ર મોઢ સમાજ, અખિલ ગુજરાત વણિક સમાજ પ્રકારનાં સંગઠનોના પ્રમુખ, મંત્રી, ખજાનચી ને કંઇ નહીં તો ડેલીગેટ બનીને જાહેર જીવનમાં ભાગીદારીનો સંતોષ અનુભવતા હોત. ખાખરા-થેપલાં ખાઇને તે ગુજરાતી હોવાનું અને ગુજરાતની અસ્મિતાનો ઘ્વજ ફરફરતો રાખવાનું ગૌરવ પણ લેતા હોત. પરંતુ ગાંધી એવા ‘પ્રવાસી ભારતીય’ ન હતા, જે  પરદેશમાં રળવામાં અને પછી વતનપ્રેમના નામનું રડવામાં સાર્થકતા અનુભવે.

મુંબઇ ઉતરેલા ૪૬ વર્ષના ગાંધી છ વર્ષ પહેલાં ‘હિંદ સ્વરાજ’ જેવી કૃતિ આપી ચૂક્યા હતા. તે એમના જીવનની સૌથી મૌલિક, સૌથી જોશભરી અને સૌથી જલદ કૃતિ હતી. ઓછી વસ્તીવાળા યુરોપ-અમેરિકાએ ભલે મોટા ઉદ્યોગો ને યંત્રો અપનાવ્યાં, ઝાઝી વસ્તી ધરાવતા હિંદનો ઉદ્ધાર કહેવાતી આઘુનિકતાના છંદે ચડવામાં નથી, એવી તેમની દૃઢ માન્યતા હતી. સરેરાશ ‘પ્રવાસી ભારતીયો’ની જેમ તેમનો રાષ્ટ્રવાદનો અને દેશપ્રેમનો ખ્યાલ જ્ઞાતિનાં સજ્જડ ચોકઠાં, બાહ્યાચાર-કર્મકાંડ ને મુસ્લિમવિરોધી લાગણીમાં ઝબકોળાયેલો ન હતો.

મુંબઇ ઉતર્યા ત્યારે ગાંધીએ અંગરખું, ધોતિયું, ખેસ અને ફેંટો- એવો કાઠિયાવાડી પોશાક પહેર્યો હતો. જાન્યુઆરી ૯ થી જાન્યુઆરી ૧૫ સુધીના એક અઠવાડિયામાં મુંબઇમાં તેમના માનમાં અનેક મેળાવડા અને પાર્ટી યોજાયાં. ચંદુલાલ દલાલ સંપાદિત અનન્ય ગ્રંથ ‘ગાંધીજીની દિનવારી’માંથી જાણવા મળે છે કે મુંબઇમાં ફક્ત એક જ અઠવાડિયામાં તે ગોપાલકૃષ્ણ ગોખલે, લોકમાન્ય ટિળક, દાદાભાઇ નવરોજી, કનૈયાલાલ મુનશી, સર ફિરોજશા મહેતા, ઠક્કરબાપા (અમૃતલાલ ઠક્કર), લૉર્ડ વિલિંગ્ડન, મહંમદઅલી ઝીણા, સ્વામી આનંદ સહિત ઘણા લોકોને મળ્યા. હાલ ‘મણિભવન’ તરીકે ઓળખાતા મકાનના તત્કાલિન માલિક રેવાશંકર ઝવેરી ગાંધીજીના યજમાન હતા. રેવાશંકર અને તેમના ભાઇ ડૉ.પ્રાણજીવન મહેતા ગાંધીજીના જૂના સાથી હતા.

‘દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજ સરકારને હંફાવનાર વીર નર’ તરીકે ‘મિસ્ટર ગાંધી’ને ઓળખતા ઘણા લોકો કાઠિયાવાડી પોશાકમાં સજ્જ ગાંધીને જોઇને નિરાશ થયા. પરંતુ ગાંધીજી લોકોને દેખાવ કે છટાથી પ્રભાવિત કરનાર નેતા ન હતા. તેમની પાસે સૌથી મોટું બળ પોતાના આચરણનું હતું. વર્ષમાં એક વાર ભરાતા કોંગ્રેસના અધિવેશનમાં લચ્છાદાર અંગ્રેજીમાં બોલીને અને શબ્દાળુ ઠરાવો પસાર કરીને દેશની સેવા ન થઇ શકે, એટલું તે અહીં આવતાં પહેલાં સમજી ચૂકયા હતા. બાકી રહેલી કસર ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહથી તેમણે કરેલા ભારતભ્રમણ થકી પૂરી થઇ.

જરા નવાઇ લાગે એવી વાત છે, પણ દક્ષિણ આફ્રિકા જતાં પહેલાં કિશોર અને યુવાન વયે ગાંધીજીને અસલ ભારતનો એટલે કે ગામડાંનો પરિચય નહીંવત્‌ હતો. તેમણે પોરબંદર, રાજકોટ, (મેટ્રિકની પરીક્ષા માટે) અમદાવાદ અને (કૉલેજ માટે) ભાવનગર સિવાય ભાગ્યે જ બીજું કંઇ જોયું હશે. પણ દક્ષિણ આફ્રિકામાં રહીને તેમણે મેળવેલો સાચા ભારતનો ચિતાર ભાગ્યે જ કોઇ ‘પ્રવાસી ભારતીય’ પાસે હોય છે- ભલે આજનો યુગ ‘માહિતીના વિસ્ફોટ’નો સમય કહેવાતો હોય.

ભારત આવેલા ગાંધીજી માટે રાજકીય આઝાદી એક દેખીતો આશય હતો, (જે હેતુ આજના ‘પ્રવાસી ભારતીયો’ માટે રહ્યો નથી). પણ દેશને રાજકીય આઝાદીને લાયક બનાવવા માટે બહુ લાંબો રસ્તો કાપવાનો છે, એવું તે જાણતા હતા. ‘દેશ એટલે તેના સત્તાધીશો નહીં, પણ દેશ એટલે દેશનો સામાન્યમાં સામાન્ય માણસ’ એવી ગાંધીની સમજ મૉલ-મલ્ટીપ્લેક્સ-રસ્તા જોઇને અંજાઇ જતા ઘણા ‘પ્રવાસી ભારતીયો’ ગાંધીના આગમનનાં સો વર્ષ પછી પણ કેળવી શક્યા નથી. ‘પ્રવાસી ભારતીયો’ને છેતરવા માટે અને દેશમાંથી (કે રાજ્યમાંથી) ગરીબી દૂર થઇ ગઇ છે એવું બતાવવા માટે, ગાંધીનગરમાંથી ઝૂંપડાવાસીઓને હાંકી કાઢવામાં આવે છે અથવા તેમને એવી રીતે ઢાંકી દેવામાં આવે છે કે જેથી તે વિકાસ-પ્રગતિનાં લગ્નમાં મહાલવા આવેલાં ‘પ્રવાસી ભારતીયો’નો મૂડ બગાડે નહીં.

સરકાર પ્રવાસી ભારતીયોને એટલા ‘ભોળા’ માને છે કે નજર સામેથી હાથી ગાયબ કરી દેતા જાદુગરની જેમ, નજર સામેથી ગરીબી અદૃશ્ય કરી દેતી સરકારની હાથચાલાકીથી અંજાઇને એ લોકો તાળીઓ પાડવા માંડશે. ગાંધીજીના નામે બનેલા મહાત્મા મંદિરે જતાં કારમાં બેઠેલા કોઇ પણ ‘પ્રવાસી ભારતીય’ને ગરીબો નજરે ન ચડે, તેનું પૂરતું ઘ્યાન ગુજરાત સરકારે રાખ્યું છે. અત્યાર સુધી કોંગ્રેસે ગાંધીજીના નામે ચરી ખાઘું હોય, તો ભાજપ પણ શા માટે બાકી રહી જાય?

ગાંધીજીને એન.આર.આઇ. ગણવાનો અને તેમના ભારત-આગમનને ‘(ૠતુ)પ્રવાસી ભારતીયો’ની મુલાકાત સાથ સાંકળવાનો આખો વિચાર ગાંધીજીનું માહત્મ્ય સમજતી લોકશાહી સરકારના નહીં, પણ નબળો માલ ખપાવવા માટે સબળો આઇડીયા શોધતી ઍડ એજન્સીના બરનો છે. જોકે, ઘણા સમયથી ગુજરાતની - અને હવે તો ભારતની પણ- સરકાર ઍડ એજન્સીના અંદાજમાં વિચારે છે, એવી જ સૂત્રાત્મક, ચબરાકીભરી, કૅચલાઇનની ભાષામાં વાત કરે છે, ઇવેન્ટ મૅનેજમેન્ટ એજન્સીની જેમ ઉત્સવો યોજે છે- વડફેસ્ટ જાય ને કાર્નિવલ આવે, એ જાય ને પતંગોત્સવ આવે. દાયકાઓથી જે ઉત્સવો લોકો પોતાની મેળે ઉજવી રહ્યા છે, તે સરકારે શા માટે ઉજવવા જોઇએ? લોકો સરકારને ઉત્સવોની ઉજવણીના આયોજન માટે ચૂંટે છે કે પછી આરોગ્ય-શિક્ષણ-શૌચાલયો જેવી પ્રાથમિક જરૂરિયાતો માટેનું તંત્ર ગોઠવવા માટે?  આવો સાદો સવાલ ગાંધીના કે ગમે તેના બહાને ઉત્સવબાજી કરી રહેલી સરકારને કે તેના સમર્થકોને સૂઝતો નથી.

તેનું કારણ સમજવું અઘરું નથી. ઉત્સવો પાછળ કરોડોનો ધુમાડો કરવાથી, ખેડૂતોની અવદશા અને શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રે ભયંકર સ્થિતિ પર ઉજવણાંનો રેશમી પડદો ઢાંકી શકાતો હોય અને ખુદ નાગરિકો એ રેશમી પડદાના મોહમાં ગુલતાન થઇ જાય, ત્યારે ‘પ્રવાસી ભારતીય દિવસ’ પર ખરેખર ગાંધી આવે તો શું કરે? અને ‘પ્રવાસી ભારતીયો’ શું કરે છે? એ તેમણે અને આપણે વિચારવા જેવું છે. એક સંસ્થાના સંચાલકોએ ગાંધીજીને સંસ્થા બતાવ્યા પછી નોંધપોથીમાં કંઇક લખવા કહ્યું, ત્યારે ગાંધીજીએ એ મતલબનું લખ્યું હતું કે ‘મને જેટલું બતાવવામાં આવ્યું તે સરસ હતું.’ આ ગાંધીજીને ‘પ્રવાસી ભારતીય દિવસ’ નિમિત્તે એન.આર.આઇ.ઓને આંજવા માટે થતાં સરકારી ઉજવણાં વિશે શું કહેવાનું હોત, એ ધારી શકાય એવું છે.

સરકારનું કામ એ જોવાનું છે કે પ્રવાસી ભારતીયોને - એટલે કે બિનનિવાસી ભારતીયોને- ખોટી અડચણ ન પડે, એરપોર્ટ પર તેમની પાસેથી લગેજ ક્લીઅર કરવા માટે લાંચ માગવામાં ન આવે, તેમને બહારના જાણીને તેમની પાસેથી આડેધડ ભાવ વસૂલ કરવામાં ન આવે, તેમને જડ સરકારી ઔપચારિકતાઓમાંથી મુક્ત રાખવામાં આવે, તેમને પરદેશી ગણીને શંકાની નજરે જોવામાં ન આવે... સરકાર એનાથી વધારે કંઇ પણ કરે, તે ‘પ્રવાસી ભારતીયો’ને લાંચ આપવા જેવી ચેષ્ટા છે, જેથી તે વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરીને, ‘ઑલ ઇઝ વૅલ’ના ‘ફીલગુડ’ અહેસાસ સાથે પાછા જાય.

‘પ્રવાસી ભારતીય દિન’ ઉજવવાની બીજી રીત ગાંધીની છે, જેમાં એન.આર.આઇ. ફક્ત એક દિવસ માટે, સરકારી પ્રચારજાળથી દૂર થઇને, પોતાના મનપસંદ રૂટ પર બે-ત્રણ ગામડાંની મુલાકાત લે અને ‘રસ્તા બહુ સરસ છે’ના બાળબોધી મોહમાંથી બહાર આવીને, જ્ઞાતિવાદથી માંડીને શિક્ષણ-આરોગ્યની સુવિધાઓ જેવી બીજી બાબતોની તપાસ કરે. સરકાર તો પ્રવાસી ભારતીયોને ચશ્મા પહેરાવવા ઉત્સુક છે. એ પહેરવા કે નહીં, તે મોંઘેરા મહેમાનોએ નક્કી કરવાનું છે. 

Monday, December 29, 2014

ગુજરાતમાં શિક્ષણ : ખતરનાક અખતરા

નવેમ્બર, ૨૦૧૪માં ગુજરાતના શિક્ષણવિભાગે બી.એસસી.માં કેન્દ્રીય પ્રવેશનો પોતાનો જ નિર્ણય રદ કર્યો. અહેવાલો પ્રમાણે, શિક્ષણવિભાગે સ્વીકાર્યું કે તેના આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

સૌથી પહેલાં તો, સરકારી રાહે લેવાયેલું એક પગલું ખોટું હતું અને તેનાથી વિદ્યાર્થીઓને નુકસાન થયું એ સ્વીકારવા બદલ તથા એ રદ કરવા બદલ શિક્ષણવિભાગને હાર્દિક અભિનંદન. બાકી, સામાન્ય રીતે નેતાઓ અને ખાસ તો સરકારી બાબુઓ ‘ડગલું ભર્યું કે ન હઠવું’નો મિજાજ ધરાવતા હોય છે. (ભયંકર નિષ્ફળતા છતાં ચાલુ રહેલી સેમેસ્ટર પ્રથા તેનું ઉત્તમ ઉદાહરણ છે.)

એન્જિનિયરિંગની જેમ બી.એસસી.માં કેન્દ્રીય પ્રવેશનો નિર્ણય જાહેર થયો ત્યારે આ કોલમમાં (‘દૃષ્ટિકોણ’, ૨૪-૬-૧૪) અને બીજે પણ તેના વ્યવહારુ અમલ વિશે ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ નિર્ણયના કારણે કેવી સ્થિતિ સર્જાઇ શકે છે, તેની વિગતવાર સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી, જેમાંની ઘણી સાચી પુરવાર થઇ. વિદ્યાર્થીઓને ઍડમિશન માટે અહીંથી તહીં અથડાવું પડ્યું. તેમાં સમય, શક્તિ અને નાણાંનો ઘુમાડો થયો. સેલ્ફ ફાયનાન્સ્ડ બેઠકો ભરાઇ જાય અને ગ્રાન્ટેડ બેઠકો ખાલી રહે એવું પણ બન્યું.

એક તરફ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશ વગરના રહ્યા, તો બીજી બાજુ કૉલેજમાં બેઠકો ખાલી રહી. ‘તારીખ પે તારીખ’ની જેમ પ્રવેશનાં ‘રાઉન્ડ પે રાઉન્ડ’ ચાલ્યાં અને કાર્યવાહી એટલી લંબાઇ કે પહેલા સેમેસ્ટરમાં અભ્યાસનો સમય મહિનાઓમાં નહીં, અઠવાડિયાંમાં રહ્યો. કેન્દ્રીય પ્રવેશપદ્ધતિનું તંત્ર ગોઠવવા માટે દરેક વિસ્તારની એક-એક કૉલેજમાં શિક્ષણવિભાગે પ્રવેશકેન્દ્રો ખોલવાં પડ્યાં. એ કેન્દ્રો ચલાવવા પેટે કૉલેજોને અપાયેલી રકમ સહિત આખી કાર્યવાહીનો કુલ ખર્ચ લાખમાં નહીં, કરોડમાં પહોંચ્યો.

બી.એસસી.માં કેન્દ્રીય પ્રવેશ દાખલ કરવા જતાં અરાજકતા સર્જાશે, એનું અનુમાન કરવા માટે સામાન્ય સમજની જરૂર હતી. પરંતુ સ્વાર્થવશ, સ્થાપિત હિતોવશ, અહમ્‌વશ કે પછી આ બધાના ઓછાવત્તા મિશ્રણને કારણે બાબુશાહીનું વલણ પોતે લીધેલા નિર્ણયને સોનાનો ગણવા-ગણાવવાનું હોય છે. માટે સવાલ એ થાય કે આ જાતનો અખતરો એક વર્ષ પૂરતો દાખલ કર્યા પછી, તેને પાછો ખેંચી લેવામાં આવે તો તેને માટે ઉત્તરદાયી કોણ?

કામ થતું હોય ત્યારે પૂરતી તકેદારી રાખી હોવા છતાં ભૂલ થઇ શકે. એ અક્ષમ્ય નથી. ભૂલનો સ્વીકાર અને સુધાર આવકાર્ય છે. પરંતુ શિક્ષણવિભાગે પોતાનો અખતરો નિષ્ફળ ગયા પછી એટલું તો જણાવવાનું રહે છે કે કેન્દ્રીય પ્રવેશપદ્ધતિ દાખલ કરતાં પહેલાં તેમણે દેખીતી સમસ્યાઓનો વિચાર કર્યો હતો? અને તેનો ઉકેલ શી રીતે આવશે, એવી તેમની ધારણા હતી? આખા નિર્ણય સાથે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને કરોડો રૂપિયા સંકળાયેલા હોય ત્યારે કમ સે કમ આટલી કવાયત આવશ્યક ગણાય. એ થઇ હોય તો તેની સંતોષકારક વિગતો શિક્ષણવિભાગે જાહેર કરવી જોઇએ અને ન થઇ હોય તો તેના માટે જવાબદાર કોણ, એ જણાવવામાં આવે.

શિક્ષણવિભાગની કોરટબાજી

એન્જિનિયરિંગ માટે કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ ઘણા વખતથી અમલમાં છે, પણ તેમાં વિદ્યાર્થીના ટકા કેવી રીતે ગણવા, એના વાંધા છે. એ માટે વપરાતા બે ટેક્‌નિકલ શબ્દો છે : ‘પર્સન્ટેજ’ અને ‘પર્સન્ટાઇલ’. પર્સન્ટેજ એટલે બોર્ડની પરીક્ષા તથા જેઇઇ-જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ-માં વિદ્યાર્થીએ મેળવેલા માર્ક, જે નિરપેક્ષ હોય છે. ‘પર્સન્ટાઇલ’ એટલે આગળ જણાવેલી બન્ને પરીક્ષામાં વિદ્યાર્થીએ મેળવેલો ક્રમ, જે સાપેક્ષ હોય છે.

લાગલગાટ છેલ્લાં બે વર્ષથી શિક્ષણવિભાગ દ્વારા અપનાવવામાં આવેલી પ્રવેશની ફોર્મ્યુલાને અદાલતમાં પડકારવામાં આવે છે. બે વર્ષ પહેલાં ગુજરાત હાઇકોર્ટમાં સરકારની હાર થયા પછી એ સુપ્રીમ કોર્ટમાં ગઇ. એ કેસનો હજુ ફેંસલો આવે તે પહેલાં, બીજા વર્ષે શિક્ષણવિભાગે પોતાની જ વિવાદી ફોર્મ્યુલામાં ફેરફાર કરીને નવી ફોર્મ્યુલા અપનાવી. તેને પણ પડકારવામાં આવી. હાઇકોર્ટે તેને પણ કાયદાથી વિસંગત ગણાવી અને કહ્યું કે મેરિટની ગણતરી બાબતે કાયદાના અર્થઘટન કરતાં શિક્ષણવિભાગનું અર્થઘટન જુદું પડે છે. એટલે સરકાર ફરી સુપ્રીમ કોર્ટમાં ગઇ. દરમિયાન, સંબંધિત કાયદામાં ફેરફાર કરી નાખવામાં આવ્યો, જેથી મેરિટની ફોર્મ્યુલા કાયદાને સુસંગત બની જાય.

આગળના બન્ને દાખલા શિક્ષણવિભાગની કાર્યપદ્ધતિ અને તેની માનસિકતા પર ઠીક ઠીક પ્રકાશ પાડે છે. નવાઇની વાત એ છે કે એક તરફ શિક્ષણના ‘ગુજરાત મૉડેલ’નો આંખ મીંચીને જયજયકાર થઇ રહ્યો છે, ત્યારે આ બધા મુદ્દા સેંકડો વિદ્યાર્થીઓને સ્પર્શતા હોવા છતાં, એમાં સરકારની જવાબદારી વિશે ભાગ્યે જ કશી વાત થાય છે.

ઇ-કન્ટેન્ટ એટલે?

ગયા અઠવાડિયે સમાચાર હતા કે શિક્ષણવિભાગ હવે પ્રાથમિક અને માઘ્યમિક શાળાઓમાં ‘ઇ-કન્ટેન્ટ’ દાખલ કરવા માગે છે. અત્યાર લગી ખાનગી શાળાઓમાં કમ્પ્યુટર, ઇ-લર્નિંગ અને સ્માર્ટ ક્લાસના નામે મોટે ભાગે વધારે ફી પડાવવાનો ધંધો જ ચાલ્યો છે. શિક્ષણમાં મૌલિક રીતે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાને બદલે, સાવ બાળબોધી રીતે, ફક્ત કમ્પ્યુટર છે એટલા માટે- અને ખાસ તો ફી લઇએ છીએ એટલા માટે- બાળકોને કમ્પ્યુટર સામે બેસાડી દેવામાં આવે છે. પરંતુ ગણિત-વિજ્ઞાન-સમાજશાસ્ત્ર જેવા વિષયો રસપ્રદ રીતે શીખવી શકવાની કમ્પ્યુટરની ક્ષમતાનો એક ટકો પણ વપરાતો નથી.

શિક્ષણ સૌથી મોટાં બજારોમાંનું એક છે. (નેતાઓ અને ઉદ્યોગપતિઓ અમસ્તા તેમાં સીધી કે આડકતરી રીતે સંકળાતા હશે?) અત્યાર લગી ખાનગી કંપનીઓ દ્વારા તૈયાર કરાતા ઇ-કન્ટેન્ટને સરકાર માન્યતા આપતી ન હતી. સમાચાર પ્રમાણે, હવે સરકાર યોગ્ય ચકાસણી અને દસ સ્કૂલોમાં એક વર્ષ માટે ઇ-કન્ટેન્ટનો અખતરો કરશે, તેની સમીક્ષા કરવામાં આવશે (સમીક્ષાની ફી પેટે રુ.૨૫ હજાર લેવામાં આવશે) અને પછી નક્કી કરવામાં આવશે કે એ કન્ટેન્ટ સરકારની માન્યતાને લાયક છે કે નહીં.

સરકારી યોજનાઓની ખૂબી એ હોય છે કે કાગળ પર તે રૂડીરુપાળી અને પૂરતી તકેદારી લેતી હોય એવી જણાય. પરંતુ વાસ્તવિક અનુભવ સાવ જુદા હોય છે. સરકારી શાળાઓમાં ઇ-કન્ટેન્ટ પહોંચાડવા મળે તે કોઇ પણ કંપની માટે કમાણીની બહુ મોટી તક છે. સરકારી તંત્ર સાથે પનારો પાડનારા બરાબર સમજતા હોય છે કે કઇ ચાંપ દબાવવાથી  ક્યાં લાઇટ થાય ને કોને ત્યાં અંધારું કરી શકાય. પુસ્તકો, સ્ટેશનરી, છાપકામ, અભ્યાસનાં ને પ્રયોગનાં સાધનો- આવી શાળાવિષયક સામગ્રીનો સરકારી ધંધો અત્યાર લગી મોટે ભાગે લગભગ અપારદર્શક રહ્યો છે. તેમાં વિદ્યાર્થીઓ કે શાળાઓ ખાટ્યાં હોય એવું જૂજ કિસ્સામાં જ બનતું હશે. બાકી, મોટે ભાગે પાંચ રૂપિયાની વસ્તુ પચાસ રૂપિયામાં વેચીને, તેમાંથી વીસ રૂપિયા સાહેબોને પ્રસાદી તરીકે ધરવાનો રિવાજ છે. આવા ભ્રષ્ટાચારની પહોંચો ફાટતી નથી, તેમ એને પડકારવામાં પણ આવતો નથી. સપાટી પર ચાલતી ‘ખાતો નથી, ખાવા દેતો નથી’ની રૂડીરૂપાળી વાતો તળે આવું બઘું ખદબદતું રહે છે. મૂળ લાભાર્થીઓ (નિશાળો) માટે તે મફતમાં, સરકાર તરફથી આવતું હોવાથી, તે ઝાઝી પંચાતમાં પડતા નથી. એટલે સપ્લાય કરનારા અને ઓર્ડર મંજૂર કરનારા  બેરોકટોક કમાણી કરતા રહે છે. તેમાં અપવાદો હશે, પરંતુ અપવાદોથી છેવટે એ જ સાબીત થાય છે કે નિયમ તો આ જ છે.

આવી સ્થિતિમાં ઇ-કન્ટેન્ટની વાત સાંભળીને આનંદ થવાને બદલે ધ્રાસ્કો પડવો સ્વાભાવિક છે. કેમ કે, આ કન્ટેન્ટ મોટે ભાગે ડીવીડી સ્વરૂપે હશે. ડીવીડી માટે ક્લીનર, કવર, કબાટ અને બીજી કલ્પી ન શકાય એવી સંબંધિત સામગ્રી, ડીવીડી તૂટી જાય (કે તૂટી ગયેલી બતાવવામાં આવે તો તેની જગ્યાએ બીજી ડીવીડી... આમ હજારો સ્કૂલોમાં અઢળક નફો કમાવી આપનારાં કેટકેટલાં સંભવિત ધંધાક્ષેત્રો ઇ-કન્ટેન્ટની સરકારી માન્યતાથી ખુલી જશે.

નિષ્ણાતોની સમિતિ ઇ-કન્ટેન્ટની ચકાસણી કરશે, પણ એમ તો આવી સમિતિઓ પાઠ્યપુસ્તકોની ચકાસણી પણ ક્યાં નથી કરતી? તેનાથી પાઠ્યપુસ્તકોની ગુણવત્તામાં સરકારે શું ઉકાળી લીઘું? ગુણવત્તા તો બહુ દૂરની વાત છે, પાઠ્યપુસ્તકો સમયસર પહોંચાડવાનું પ્રાથમિક કામ પણ ‘ગુજરાત મૉડેલ’થી પોરસાતી સરકારનો શિક્ષણવિભાગ કરી શકતો નથી. માન્યું કે લાખોની સંખ્યામાં પુસ્તકો છાપવા અને પહોંચાડવાનું કામ અઘરું છે, પણ તે આટલાં વર્ષેય આવડી ન રહે?

અમેરિકા સહિતના દેશોમાં ઇ-લર્નિંગના નામે ઇન્ટરનેટ પર મફતમાં શિક્ષણનું અનોખું મૉડેલ ઊભું થઇ રહ્યું છે. તેમાં સરકાર કરતાં પણ વધારે ખાનગી કંપનીઓ  અઢળક નાણાં રોકી રહી છે. ‘ખાન્સ એકેડેમી’ જેવી ઑનલાઇન સંસ્થાઓ ઉપરાંત હાર્વર્ડ જેવી અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ પોતાના કોર્સ ઇન્ટરનેટ પર મફત ભણવા માટે ખુલ્લા મૂકી રહી છે- અને થોડી ફી લઇને પ્રમાણપત્ર પણ આપે છે- ત્યારે ગુજરાતનું શિક્ષણખાતું સરકારમાન્ય ડીવીડી સામગ્રીથી ઇ-કન્ટેન્ટના યુગમાં પ્રવેશ કરશે. આ ચેષ્ટા ડિજિટલ મ્યુઝિક પ્લેયર શોધાઇ ગયાં હોય ત્યારે નવેસરથી અને સરકારી રાહે કેસેટ પ્લેયરો દાખલ કરવા જેવી અને એમ કરીને આઘુનિકતાનો સંતોષ અનુભવવા જેવી છે.

દરેક બાબતમાં કોંગ્રેસ-ભાજપ લઇ આવનારા એટલું સમજતા નથી કે શિક્ષણના ધંધામાં સરકાર બદલાય તેમ ફાયદો ખાટનારા બદલાઇ શકે, પણ દરેક કિસ્સામાં નુકસાનાર્થીઓ તો આપણે, ગુજરાતના નાગરિકો જ રહેવાના છીએ.
(૯-૧૨-૧૪)