Showing posts with label science/વિજ્ઞાન. Show all posts
Showing posts with label science/વિજ્ઞાન. Show all posts

Sunday, April 05, 2020

'દીવાનું' વિજ્ઞાન

સામાન્ય રીતે બીજા કોઈની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતો નથી, પરંતુ ગઈ કાલે કેટલાક મિત્રોએ એક પોસ્ટ વિશે જાણ કરી. તેમાં લખ્યું હતું કે વડાપ્રધાને કરેલો દીવડા સળગાવવાનો અનુરોધ કેટલોો વૈૈૈૈૈૈૈજ્ઞાનિક છે અને તેમની આ વાત પાછળ કેવું ગહન વિજ્ઞાન છુપાયેલું છે.

મિત્રોએ ખાસ આગ્રહપૂર્વક એમ પણ કહ્યું કે આ લખનાર ક્વોલિફાઇડ ડોક્ટર છે. એ ભાઈએ એવી પણ અપીલ કરી હતી કે 'કોઈ વ્યક્તિ જ્યારે દેશ માટે પોલીટીકલ સાયન્સમાંથી બહાર આવીને પ્રેક્ટીકલ સાયન્સમાં પ્રવેશે, ત્યારે એ વ્યક્તિને સમગ્ર દેશે સપોર્ટ કરવો જોઈએ.' અને લખ્યું હતું કે 'આ વિષય પર હું તમારી સાથે કલાકો લાંબી ચર્ચા કરવા તૈયાર છું.'

મામલો વિજ્ઞાનનો અને ખાસ તો જાહેર હિતનો હોવાથી, વ્યક્તિને બાજુએ રાખીને મુદ્દાની ચર્ચા કરીએ. (એ ભાઈએ લખેલા મુદ્દા લાલ રંગમાં છે) પણ મુદ્દામાં જતાં પહેલાં એક સામાન્ય સ્પષ્ટતા કરી લઉં કે મહેરબાની કરીને ભણેલા માણસો અંધશ્રદ્ધા ન ફેલાવે એવું માની લેવું નહીં. ભણતર સૂચવે છે કે એ વ્યક્તિ એ અભ્યાસમાં સારી રીતે પાસ થવા જેટલી બુદ્ધિશક્તિ ધરાવે છે. પરંતુ  જેમ ઘરમાં રૂપિયા હોવા અને તેને સારા કામ માટે વાપરવા, એ બે સાવ જુદી બાબતો છે, તેવું સમજ વિશેનું પણ સમજવું.

એકસાથે અસંખ્ય દીવાઓ પ્રગટે છે કે મીણબત્તીઓ સળગે છે ત્યારે વાતાવરણમાં અચાનક બે ફેરફારો થાય છે. એક તો એ કે વાતાવરણનું તાપમાન અચાનક વધી જાય છે... 
– ઘરમાં દીવા પ્રગટાવવાથી વાતાવરણનું તાપમાન વધી જાય, આ વાત દેખીતી રીતે તર્કસંગત લાગતી નથી. દીવાના અજવાળાનાં બે પાસાં હોય છેઃ પ્રકાશ અને તાપમાન.  દીવાની ગરમીથી વાતાવરણનું તાપમાન તો પછીની વાત છે, ઘરનું તાપમાન કેટલું વધે છે એનો પ્રયોગ તમે જાતે કરી શકો છો.

દલીલ ખાતર આપણે માની લઈએ કે એક ઘરમાં એક સાથે છ દીવા સળગે છે. તો તેનાથી ઘરનું તાપમાન વધે છે? આ નક્કી કરવા માટે રીસર્ચ પેપર વાંચવાની જરૂર નથી. છ દીવાની હારમાળાથી દસેક ફૂટ દૂર બેસીને તમે જાતે નક્કી કરી શકો છો કે તાપમાન વધ્યાનો અહેસાસ થયો? બીજી વધારે સાદી રીત છેઃ એક દીવાની સાવ નજીક રહો અને પછી ધીમે ધીમે દૂર થતા જાવ. તેનો પ્રકાશ નહીં, પણ ગરમાવો (તાપમાન) ક્યાં સુધી અનુભવાય છે તે જુઓ.

- બીજી યાદ રાખવાની હકીકત એ છે કે સૌ પોતપોતાના ઘરમાં દીવા પ્રગટાવે તો તેની અસર અત્યંત સ્થાનિક હોય, સામુહિક નહીં. એટલે કે, દીવા સળગતા હોય તેની આસપાસનો હિસ્સો થોડો ગરમ થાય, પણ વાતાવરણના તાપમાન પર તેની અસર ન પડે. વાયુઓ વાતાવરણમાં ભળી શકે, પણ તાપમાનનો વધારો દૂર સુધી ગતિ કરી શકે નહીં.

- ત્રીજો અને સૌથી અગત્યનો મુદ્દોઃ ધારો કે વાતાવરણનું તાપમાન બીજી કોઈ રીતે વધારવામાં આવે તો પણ, તેની વાઇરસના ફેલાવા પર શી અસર? વધારે ગરમી પડવાથી વાઇરસનો ફેલાવો કે તેની અસર અટકી જવાનાં નથી, એ વૈજ્ઞાનિક રીતે જાહેર થઈ ચૂકેલી હકીકત છે.

વનસ્પતિમાં થયેલા પ્રયોગોને આધારે (કારણકે વાઈરસનું ઇન્ફેક્શન પ્લાન્ટ્સમાં પણ થતું હોય છે) એ વાત ઓલમોસ્ટ સાબિત થઈ ચુકી છે કે કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડનું અચાનક પ્રમાણ વધવાથી વાતાવરણમાં રહેલા વાઈરસ કે અન્ય કોઈપણ જીવાણું નાશ પામે છે.  ફક્ત એટલું જ નહીં, તેઓ કોષમાં રહેલા વાઈરસના રેપ્લીકેશન એટલે કે વિભાજન દર ઉપર પણ બ્રેક મારી શકે છે.

- પહેલી વાત તો એ કે આ ઓલમોસ્ટ સાબિત થવું એટલે શું?

- બીજું, કોરોના વાઇરસ વાતાવરણમાં વસવાટ કરતા નથી. એવું નથી કે તે વાઇરસ વાતાવરણમાં તરતા હોય, બહાર નીકળતા દરેક લોકોને લાગતા હોય અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ-કાર્બન મોનોક્સાઇડ ભળે તેનાથી બધા વાઇરસ મરી જાય. (અને એ પણ એક રાત દીવો સળગાવવાથી? પણ એ તો વળી જુદી જ વાત છે.)

વાઇરસ જુદી જુદી સપાટી પર જુદા જુદા સમય સુધી રહેતા હોય છે. એ કિસ્સામાં પણ વાતાવરણમાં (એટલે કે ઉપર હવામાં)  ભળેલા કાર્બન ડાયોક્સાઇડ-કાર્બન મોનોક્સાઇડ વાયુથી ટેબલની સપાટી પર રહી ગયેલા વાઇરસને કશી અસર ન થાય. દલીલ ખાતર એવું કહેવામાં આવે કે હવામાં થોડો સમય તો વાઇરસ હોય છે, તો પણ એ હવા જમીની સ્તરની હોય--વાયુઓ જ્યાં ભળે તે વાતાવરણ નહીં.

- ત્રીજું, વાતાવરણમાં ભળેલા વાયુઓ કોષમાં વાઇરસના વિભાજનના દર ઉપર શી રીતે બ્રેક મારી શકે? આ વાત જરાય તર્કસંગત લાગતી નથી અને આનો પુરાવો હોય તો તે વિશે ડોક્ટરે તાત્કાલિક વિશ્વ આરોગ્ય સંસ્થાને કે પછી વડાપ્રધાનને જાણ કરવી જોઈએ, જેથી રોજ વિમાનો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ-કાર્બન મોનોક્સાઇડનો છંટકાવ કરવાની વ્યવસ્થા ગોઠવી શકાય.

આવી મહત્ત્વની બાબત જાણ્યા પછી વડાપ્રધાને વચ્ચે આટલો બધો સમય કેમ જવા દીધો નેે વાતાવરણમાં આ વાયુઓ ફેલાવવાનું કામ લોકો પર કેમ છોડ્યું, એવો સવાલ નહીં પૂછીએ, બસ?
***
અંધશ્રદ્ધા ફેલાવવી એ તો ખોટું જ છે, પણ વિજ્ઞાનના અને વૈજ્ઞાનિક અભ્યાસોના હવાલા આપીને અંધશ્રદ્ધા ફેલાવવી એ ઊંચા દરજ્જાની કુસેવા છે. ગળચટ્ટા શબ્દો વાપરવાથી જૂઠાણું વૈજ્ઞાનિક સચ્ચાઈ થઈ જતું નથી. ખાસ કરીને, આવા વખતમાં જ્યારે વૈજ્ઞાનિક સમજૂતીની આવશ્યકતા હોય ત્યારે ક્વોલિફાઇડ ડોક્ટર કોઈ પણ કારણસર આવાં જૂઠાણાં ફેલાવે તે સામાજિક હિતની દૃષ્ટિએ ભયંકર ગણાય. 

Sunday, September 08, 2019

ચંદ્રનો દક્ષિણ ધ્રુવઃ અવકાશયાત્રાનું 'હોટ સ્પોટ'

બધું સમુસૂતરું પાર ઉતર્યું હશે તો 'ઇસરો'એ મોકલેલા ચંદ્રયાન-૨માંથી છૂટું પડેલું માળખું 'વિક્રમ'  ગઈ કાલે ચંદ્ર પર ઉતરી ચૂક્યું હશે. પહેલી સમાનવ ચંદ્રયાત્રાને આ સાલ પચાસ વર્ષ પૂરાં થયાં. તેમ છતાં ચંદ્રયાન-૨ના મિશન માટે નવેસરથી રોમાંચ જાગવાનું કારણ છે તેનો આખરી મુકામ એટલે કે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ.

એ જાણીતું છે કે પૃથ્વીની સામે ચંદ્રનો એક જ ભાગ સતત તકાયેલો રહે છે. ચંદ્રની બીજી બાજુ પૃથ્વી પરથી કદી જોવા મળતી નથી. ચંદ્રયાત્રાની શરૂઆત થઈ, ત્યારથી માંડીને (અમેરિકાનાં) એપોલો અને બીજાં યાન એ વિસ્તારોમાં જ ઉતરતાં રહ્યાં છે. કેમ કે, એ વિસ્તાર ટેલીસ્કોપ થકી જોઈ શકાતો હોવાથી, તેના વિશેની ઘણી માહિતી ઉપલબ્ધ હતી. ઉપરાંત, ત્યાંથી પૃથ્વી સાથેના સીધા સંપર્કમાં રહી શકાય અને પૃથ્વી પર પાછા ફરતી વખતે સરળતા પણ રહે.

પરંતુ છેલ્લાં થોડાં વર્ષથી પૃથ્વીવાસીઓની નજરથી ઓઝલ રહેલા ચંદ્રના વિસ્તારનું આકર્ષણ ઊભું થયું છે. અંગ્રેજીમાં 'ફાર સાઇડ’ તરીકે ઓળખાતો એ દૂરનો વિસ્તાર એટલે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ અને તેની આસપાસનો પ્રદેશ.  છેક ૧૯૯૮માં અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા 'નાસા’એ મોકલેલા તપાસયાનને માહિતી મળી હતી કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર હાઇડ્રોજનનો મોટો જથ્થો છે. સાદી ધારણા પ્રમાણે, વધુ હાઇડ્રોજન એટલે વધુ પાણી. અને પૃથ્વી સિવાય બીજે ક્યાંય પાણી મળે એટલે માણસજાતને લોટરી લાગી ગણાય.

દસ વર્ષ પછી, ૨૦૦૮માં ભારતનું ચંદ્રયાન-૧ સફળતાપૂર્વક ચંદ્ર સુધી પહોંચ્યું અને તેનું 'ઇમ્પેક્ટ પ્રોબ' તરીકે ઓળખાતું માળખું આયોજન મુજબ દક્ષિણ ધ્રુવની નજીકના વિસ્તારમાં ખાબક્યું. એ ટક્કર અને વિલોપન દરમિયાન તેણે મોકલેલી વિગતોના વિશ્લેષણ પરથી પહેલી વાર ચંદ્ર પર પાણી હોવાના પ્રાથમિક પુરાવા મળ્યા. પછીના વર્ષે, ૨૦૦૯માં નાસાએ ચંદ્રના પ્રદક્ષિણા કરતો એક ઉપગ્રહ મોકલ્યો. તેનું મુખ્ય કામ દૂર રહીને પણ શક્ય એટલી ઝીણવટથી ચંદ્રની તપાસ કરવાનું હતું.

ચંદ્રની 'રેકી' કરતા નાસાના એ ઉપગ્રહને ચંદ્રની ભ્રમણકક્ષામાં ગોઠવતી વખતે એક વિશિષ્ટ અખતરો કરવામાં આવ્યોઃ સામાન્ય રીતે ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બંધનથી પાર કરાવી દીધા પછી, તેને ધક્કો મારનારાં રોકેટનો ભંગાર ખરી પડે છે. પણ નાસાના એ મિશનમાં છેલ્લા તબક્કાના રોકેટનું બળતણ ખાલી થઈ ગયા પછી તેનું ખોખું સાથે રખાયું અને ઉપગ્રહ ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યો, એટલે પેલા ખાલી ખોખાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીકના વિસ્તારમાં ફેંકવામાં આવ્યું. કહો કે, ઉપગ્રહે ખોખાનો છૂટો ઘા કર્યો. તેના કારણે જે ધૂળ ઉડી તેનો પણ ઉપગ્રહમાં રહેલાં સાધનોએ અભ્યાસ કર્યો. વખત જતાં પૃથ્વીની મોં છુપાવીને બેઠેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ સહિતના તમામ વિસ્તારનું નાસાના એ ઉપગ્રહે મેપિંગ કર્યું અને અત્યંત ચોક્સાઈપૂર્વકનો નકશો તૈયાર કર્યો.  એ ઉપગ્રહ હજુ સક્રિય છે અને માહિતી મોકલ્યા કરે છે. સૌથી લાંબા સમય માટે ચંદ્રની પ્રદક્ષિણા કરવાનો રેકોર્ડ પણ તેના નામે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બરફ (એટલે કે પાણી)ની હાજરીના વધુ ને વધુ નિર્દેશો આ ઉપગ્રહ તરફથી મળતા રહ્યા છે.

પચાસ વર્ષ પહેલાં ચંદ્ર પર પહોંચવામાં વિશુદ્ધ વૈજ્ઞાનિક જિજ્ઞાસાની સાથોસાથ શીતયુદ્ધમાં સરસાઈ મેળવવાનો રાજકીય હેતુ પણ ભળેલો હતો. હવેનાં મિશનમાં ચંદ્ર પર પહોંચવું એ ફક્ત ગૌરવ લેવાની કવાયત રહી નથી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી મળી આવે અને તેનો ઉપયોગ કરી શકાય, તો ભવિષ્યમાં મંગળ કે બીજા ગ્રહો સુધીની મુસાફરીમાં વચ્ચેના સ્ટેશન તરીકે ચંદ્ર પર ઉતરી શકાય અને ત્યાંથી બળતણપાણી ભરીને સફર આગળ વધારી શકાય. એચટુઓ સ્વરૂપે પાણી મળે, તો તેમાંથી હાઇડ્રોજન-ઓક્સિજન છૂટા પાડીને, હાઇડ્રોજનનો ઉપયોગ આગળની સફરના બળતણ માટે કરી શકાય. (ઘણા નિષ્ણાતો માને છે કે માણસજાતે જે રીતે પૃથ્વીની ખાનાખરાબી કરી છે, તે જોતાં 'ઢૂંઢ લે અબ કોઈ ઘર નયા' નો સમય આવી ચૂક્યો છે.) 

દક્ષિણ ધ્રુવ પર સૂર્ય માથે રહેતો નથી, ક્ષિતિજ પર હોય છે. એટલે ધ્રુવ પ્રદેશમાં આવેલા કેટલાક વિસ્તારો ઢળેલા સૂરજના લાંબા પડછાયાથી ઢંકાયેલા રહે છે. સૂર્યનો સીધો તાપ ત્યાં પહોંચતો ન હોવાથી, બરફ અને બીજા જ્વલનશીલ પદાર્થોનો ભંડાર ત્યાં હોવાની સંભાવના છે.  ઉપરાંત ચંદ્રની ભૂમિનું બંધારણ, તેમાં પડેલા તોતિંગ કદના ગોબા, એ ગોબાનું આયુષ્ય, ચંદ્રની જમીનમાં આવતા આંચકા (ધરતીકંપ-અર્થક્વેકની જેમ ચંદ્રકંપ-મૂનક્વેક), ચંદ્રનું વાતાવરણ, તેની પર સૂર્યપ્રકાશની અસરો જેવી અનેક બાબતોનો અભ્યાસ પણ દક્ષિણ ધ્રુવ પરથી થવાનો છે.

દક્ષિણ ધ્રુવ પર પાણી મળે તો તેનું વિશ્લેષણ કરવાથી, ભૂતકાળમાં સૂર્યમાળા સર્જાઈ ત્યારે કયા સંજોગોમાં પાણી બન્યું હશે, તેનો પણ અંદાજ મેળવી શકાય. નાસાએ નોંધ્યું છે કે દક્ષિણ ધ્રુવના વિસ્તારમાં આવેલાં કેટલાંક પહાડી શીખરો પર કાયમ સૂર્યપ્રકાશ આવતો હોય છે. એવા કોઈ ઠેકાણે સૌર ઊર્જાથી ચાલતી વસાહત સ્થાપી શકાય. પૃથ્વીની જેમ ચંદ્રના પેટાળમાં પણ ખનીજો હોવાની સંભાવના છે. પાણી હોય ત્યાં વસાહત હોય, તો વસાહત હોય તેની આસપાસના વિસ્તારમાં ખાણકામ પણ કરી શકાય.

આ બધું વાંચવામાં શેખચલ્લીના સપના જેવું લાગતું હોય તો એ પણ જાણી લેવું જોઈએ કે નાસા આગામી પાંચેક વર્ષમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સમાનવ યાન મોકલવાની વેતરણમાં છે. યુરોપની સ્પેસ એજન્સીએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન મોકલવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. તેમની ગણતરી વર્ષ ૨૦૧૮ના અંત ભાગ સુધીમાં 'લુનાર લેન્ડર'  નામનું તેમનું યાન ઉતારી દેવાની હતી. પણ નાણાંભીડને કારણે તેમને પ્રોજેક્ટ માંડી વાળવો પડ્યો. દરમિયાન ચંદ્રના પૃથ્વી પરથી નહીં દેખાતા ભાગ પર યાન મોકલવાની પહેલ ચીને કરી અને આ વર્ષના જાન્યુઆરીમાં તેનું લેન્ડર ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં ફરતા યાંત્રિક ગાડી જેવા રોવર સાથે ઉતરી ચૂક્યું છે. ચીની લેન્ડર દક્ષિણે ૪૫.૫ અંશ અક્ષાંશ પર છે, જ્યારે ચંદ્રયાન-૨નું લેન્ડર 'વિક્રમ' ધાર્યા પ્રમાણે ઉતર્યું હશે, તો તે દક્ષિણે આશરે ૬૭ અંશથી ૭૦ અંશ અક્ષાંશની વચ્ચે એટલે કે છેક દક્ષિણે હશે. ચંદ્રની આટલી દક્ષિણે કેટલાંક યાન આત્મવિલોપન કરીને માહિતી મોકલવા પૂરતાં ખાબક્યાં છે ખરાં, પણ કોઈ યાનને ત્યાં રહીને કામ કરવા માટે મોકલાયું નથી. માટે, ચંદ્રયાન-૨ની સફળતાથી ચંદ્ર વિશેના માણસજાતના જ્ઞાનમાં નોંધપાત્ર વધારો થશે

--અને કોઈ કારણસર ચંદ્રયાન-૨ ધાર્યું પરિણામ ન આપે, તો પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ તરફની અવકાશી દોટ હવે અટકવાની નથી. 

Thursday, March 15, 2018

વિજ્ઞાનપ્રતિભા અને દઢ મનોબળનો સંગમ

Courtesy : Telegraph (UK)
વિજ્ઞાનીઓ લોકપ્રિય અથવા વધુ યોગ્ય રીતે કહીએ તો ‘સેલિબ્રિટી’ થવા માટે સર્જાયેલા નથી હોતા. ન્યૂટન, ડાર્વિન અને આઇન્સ્ટાઈન જેવા તેમાં વિરલ અપવાદ ગણાય. કારણ કે તેમનું પ્રચંડ અને સદીઓ સુધી યાદ રહેનારું પ્રદાન હોવા છતાં, લોકપ્રિય સ્મૃતિમાં પણ તેમના ચહેરા ટકી રહ્યા છે. એ હરોળમાં ઉમેરાય એવું એક નામ એટલે પ્રો. સ્ટીવન હૉકિંગ. ગઈ કાલે,આઈન્સ્ટાઇનના જન્મદિને અને વિશ્વ પાઈ (π) દિવસે, 76 વર્ષના હૉકિંગના અવસાનના સમાચાર આવ્યા.

તેમની ગણના આઇન્સ્ટાઇન પછીના મહાન ભૌતિકશાસ્ત્રીઓમાં થાય છે. વર્ષ 1963માં, ફક્ત 21 વર્ષની વયે વિદ્યાર્થી અવસ્થામાં ‘મૉટર ન્યૂરૉન ડીસીઝ’ જેવા અસાધ્ય રોગનો ભોગ બનેલા હૉકિંગ માંડ બે વર્ષ જીવશે, એવો ડૉક્ટરનો અંદાજ હતો. પરંતુ હૉકિંગ ત્યાર પછી પાંચ દાયકા જીવ્યા. એટલું જ નહીં, વ્હીલચેરમાં ઢબુરાયેલા શરીર સાથેનો તેમનો દેખાવ અને અડીખમ મનોબળ-વિશિષ્ટ હાસ્યવૃત્તિ જનસામાન્ય માટે હૉકિંગનો પર્યાય બની રહ્યાં. પહેલાં કાખઘોડીના ટેકે, પછી વ્હીલચેર પર અને છેવટે અત્યંત આધુનિક પ્રકારની, આંખના પલકારાથી અક્ષરો પસંદ કરીને આખું વાક્ય બનાવી શકે અને તેને કૃત્રિમ અવાજમાં ઉચ્ચારી પણ શકે, એવી કમ્પ્યુટર પ્રણાલિ સાથેની વ્હીલચેર હૉકિંગ સાથે અભિન્નપણે સંકળાઈ. પરંતુ તેમની તોફાની રમુજવૃત્તિ અને વિવાદાસ્પદ વિધાનો કરવાની પ્રકૃતિ છેવટ સુધી જળવાઈ રહ્યાં.

વર્ષો સુધી વિજ્ઞાનીઓ માટે રહસ્યમય રહેલા અને જેમના માટે ગુજરાતીમાં નગેન્દ્ર વિજયે ‘બ્રહ્માંડના ભમ્મરિયા કૂવા’ જેવો શબ્દપ્રયોગ ચલણી બનાવ્યો છે, તે બ્લેકહોલ હૉકિંગના અભ્યાસના મુખ્ય વિષયોમાં એક હતા. હૉકિંગ અભ્યાસે ગણિતશાસ્ત્રી હતા, પરંતુ ગણિત અને ભૌતિકશાસ્ત્રના ગાઢ સંબંધને કારણે તેમનું સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં મહત્ત્વનું યોગદાન રહ્યું. આઇન્સ્ટાઇનની જેમ જ હૉકિંગના સંશોધનના વિષયો મોટા ભાગના લોકોને પલ્લે પડે એવા ન હતા. તેમ છતાં, તેમણે લખેલું પુસ્તક‘બ્રીફ હિસ્ટરી ઑફ ટાઇમ’ લગલગાટ સાડા ચાર વર્ષથી પણ વધુ સમય સુધી બેસ્ટ સેલર રહ્યું અને ચાળીસ ભાષામાં અનુવાદિત થયું. તેની સાથે એવી, ઘણી હદે વાજબી રીતે, એવી નુક્તચીની પણ થઈ કે એ પુસ્તક સૌથી વધુ લોકોએ ખરીદેલું અને ખરીદ્યા પછી સૌથી વધુ પ્રમાણમાં લોકોએ નહીં વાંચેલું બેસ્ટસેલર પુસ્તક હશે.

હૉકિંગનું દાંપત્યજીવન ઉબડખાબડ રહ્યું. 1985માં હૉકિંગે એક બિમારીમાં અવાજ પણ ખોયો. એ વખતે તેમની હાલત એટલી ગંભીર હતી કે એક તબક્કે ડૉક્ટરોએ આશા મુકી દીધી અને જીવન ટકાવી રાખનારી પ્રણાલિ હટાવી લેવાનો વિચાર કર્યો. ત્યારે હૉકિંગની પડખે રહેનારાં અને હૉકિંગને ટકાવીને આખરે બચાવી શકનારાં પત્ની જેન 1991માં હૉકિંગની પ્રકૃતિ વિશેની ફરિયાદો કરીને તેમનાથી અલગ પડ્યાં. હૉકિંગનાં કેટલાંક નિવેદનોને કારણે તેમની પર સ્ત્રીવિરોધી હોવાના આરોપ પણ થયા. પરંતુ વિવાદોથી હૉકિંગ પાછા પડતા ન હતા.  બલ્કે, તેમની છાપ વિવાદપ્રિય તરીકેની રહી. તેમનું માનવું હતું કે આ ગ્રહ પર માણસજાતનાં અંજળ ખૂટવામાં છે અને ટકી રહેવું હોય તો માણસે રહેવા માટે બીજા ગ્રહોની તલાશ આદરવી પડશે.

આટલા મોટા ગજાના ભૌતિકશાસ્ત્રી હોવા છતાં અને તેમની કેટલીક થિયરી ઘણી હદે સ્વીકૃત હોવા છતાં, તે પુરવાર થઈ શકી નહીં. એટલે વિજ્ઞાનજગતનું સર્વોચ્ચ એવું નોબેલ પારિતોષિક તેમને કદી મળ્યું નહીં. ગુજરાતી-ભારતીય વિજ્ઞાની ડૉ.પંકજ જોશી અને સાથીદારો સાથે તેમ જ બીજા ઘણા વિજ્ઞાનીઓ સાથે તેમણે શરતો મારી હતી અને સમય જતાં તે શરતો હાર્યા પણ ખરા. છતાં, તેમના સેલિબ્રિટી દરજ્જા પર તેમ જ  વિજ્ઞાનજગતમાં તેમના સ્થાન પર જરાય ઝાંખપ ન લાગી. અવગણનાના બ્લેકહોલમાં સરી જવાને બદલે અંત સુધી તે તેજસ્વી સિતારો બની રહ્યા.
(તંત્રીલેખ, દિવ્ય ભાસ્કર, ૧૫-૩-૧૮)

Friday, December 01, 2017

'ત્રણે લોક'માં ક્રાંતિકારી પરિવર્તનનો સ્વપ્નદૃષ્ટાઃ ઇલન મસ્ક

ઇન્ટરનેટની પ્રચંડ લોકપ્રિયતા અને મહાન સંભાવનાઓ છતાં, તેના વિશે એક ફરિયાદ કાયમી રહે છેઃ તેની મોટી કંપનીઓએ માનવજાતનું વાસ્તવિક કલ્યાણ ઓછું ને પોતાના માટે સત્તા-સંપત્તિનું સર્જન મોટા પાયે કર્યું છે.  ગુગલ સર્ચના વ્યવહારુ ઉપયોગ ઘણા છે. પરંતુ ફેસબુક (અને વોટ્સઅેપ), ટ્વીટર જેવાં સોશિયલ નેટવર્ક અને ગુગલની સર્ચ સિવાયની ઘણી સેવાઓથી સરવાળે સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. આ કંપનીઓ કોઈ દેશ જેવો પ્રચંડ અને વાસ્તવિક છતાં અદૃશ્ય પ્રભાવ પાડી રહી છે. તેમની ઘણીખરી નવી સેવાઓ અને નવા આઇડીયા માનવજાતના ભલા માટે નહીં, પોતાનું સામ્રાજ્ય કેમ ટકે અને વિસ્તરે, એ ધ્યાનમાં રાખીને આવે છે.

આ બધા આઇટી-સમ્રાટોની વચ્ચે એક એન્જિનિયર છે, જેને અઢળક રૂપિયા કમાવા અને ખર્ચવા જેટલો જ કે એથી પણ વધારે રસ માનવજાતની આવતી કાલ સુધારવામાં પડે છે. તેનું નામ છે ઇલન મસ્ક / Elon Musk. તેમને સિલિકોન વેલીના અબજપતિ તરીકે ખતવી કઢાય તેમ નથી. તેમની મહત્ત્વાકાંક્ષા બહુ ભારે છે અને તેના કેન્દ્રસ્થાને છે માનવજાતની (રોટી-કપડાં-મકાન પછીના ક્રમે આવતી) સમસ્યાઓ.
 Elon Musk / ઇલન મસ્ક
જેમ કે, મસ્કને ચિંતા છે પેટ્રોલિયમ બળતણોથી થયેલા નુકસાનની. તેને વાળી તો શકાય એમ નથી, પણ તેના ઉકેલ માટે તેની કંપની 'ટેસ્લા' ઇલેક્ટ્રિક કાર બનાવે છે--એવી કાર, જે પેટ્રોલ-ડીઝલથી ચાલતી કાર સમકક્ષ અને કેટલીક બાબતોમાં ચડિયાતી હોય, જેમાં 'પર્યાવરણની રક્ષા ખાતર કારની ક્ષમતા સાથે સમાધાન'નું તત્ત્વ ન હોય. આવી કારનું સફળતાપૂર્વક ઉત્પાદન કર્યા પછી મસ્કને થયું કે સડક પર ચાલતી ટ્રકોનું પ્રમાણ ભલે કારની સરખામણીમાં ઓછું હોય, પણ પ્રદૂષણમાં તેમનો ફાળો ઘણો મોટો હોય છે. એટલે તેમની ટીમે ટ્રકની પરંપરાગત ડીઝાઈન ફગાવીને નવેસરથી, બેટરીથી ચાલતી ટ્રક પર કામ શરૂ કર્યું.

ગયા અઠવાડિયે 'ટેસ્લા'ની ટ્રકનું મોડેલ મસ્કે જાહેરમાં બતાવ્યું અને તે સમાચારમાં છવાયેલું રહ્યું. કેમ કે, તેમાં ટ્રકની ડીઝાઇનમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે. ડ્રાઇવરની કેબિન ટ્રકની છેક આગળ નહીં, પણ વચ્ચોવચ રખાઈ છે. તેની બેઠક અત્યંત આરામદાયક અને સ્ટીયરિંગની બંને બાજુ એક-એક ટચસ્ક્રીનથી સજ્જ છે. બેટરીના એક ચાર્જિંગથી ટ્રક 500 માઇલ (800 કિલોમીટર) ચાલશે અને બેટરીનું ચાર્જિંગ પણ અડધા કલાકમાં કરી શકાશે, એવો 'ટેસ્લા'નો દાવો છે. ઉપરાંત, હાઈ વે પર આ ટ્રક પોતાની મેળે (ડ્રાઇવર વિના) ચાલી શકે એવી પણ ટેકનોલોજી તેમાં સમાવિષ્ટ છે.

મસ્કને બીજી ચિંતા છે કોઈ કુદરતી કે માનવસર્જિત આફતમાં માણસજાત ખતમ થઈ જવાની. તેને લાગે છે કે માણસે પૃથ્વી સિવાય બીજું ઠેકાણું શોધવું જોઈએ, જેથી ભવિષ્યમાં માણસોની ગતિ ડાયનોસોર જેવી ન થાય. એ માટે તેમણે સ્પેસએક્સ (સ્પેસ એક્સ્પ્લોરેશન) નામે કંપની શરૂ કરી. તેનો આશય ચંદ્ર અને મંગળ પર માનવ વસાહતો સ્થાપવાનો અને માણસોને ત્યાં લાવવા-લઈ જવાનો છે. અવકાશગમન જેવી અત્યંત પેચીદી ટેકનોલોજીમાં સપનાં જોવાં સહેલાં છે, પણ મસ્કે સપનાંને સાકાર કરવાની દિશામાં નક્કર પ્રગતિ (ભલે જરા વિલંબ સાથે) બતાવી છે. તેમની કંપનીનાં રોકેટ સફળતાપૂર્વક અવકાશમાં જઈને પાછાં આવ્યાં છે. (રોકેટમાંથી નીકળતા ધુમાડા પર્યાવરણ માટે હાનિકારક નહીં હોય. બાકી, મસ્કે તેના પણ રસ્તા વિચારવાનું શરૂ કરી દીધું હોત.)

આ જ કંપની હવે પૃથ્વી પરનાં બે દૂરનાં શહેરો વચ્ચે રોકેટસેવા શરૂ કરવાના ઘોડા ઘડી રહી છે. તેમાં સફળતા મળે તો એક છેડાના શહેરથી બીજા છેડાના શહેરમાં એકાદ કલાકમાં પહોંચી જવાય. બાકીનાં ઘણાં શહેરોમાં અડધા કલાકમાં. ક્યાંથી ક્યાં કેટલા ઓછા સમયમાં પહોંચાય, તેના આંંકડા વેબસાઈટ પર આપ્યા છે. અલબત્ત, એ પ્રવાસનો વાસ્તવિક સમય છે. જહાજ દરિયામાં જઈને રોકેટને રવાના કરે, તે માટે રોકેટમાં બેસતાં પહેલાંનો અને ઉતર્યા પછીનો સમય પણ ગણતરીમાં લેવો પડે.

બીજું કોઈ આવા આઇડીયા વહેતા મૂકતું હોત, તો તે તરંગતુક્કામાં ખપી જાત. પણ મસ્કની વાત જુદી છે. એ સુપરમેન નથી, તેમ એક સફળતા મેળવીને બેસી ગયેલો અબજપતિ પણ નથી. સૌથી પહેલાં તેણે કમ્પ્યુટર પર શહેરોના નકશા અને માર્ગદર્શન આપતી સર્વિસ Zip2 ચાલુ કરી. તેની સફળતા પછી એ સર્વિસ વેચીને મસ્કે 'પેપાલ' (PayPal) નામે ઓનલાઈન પેમેન્ટની સર્વિસ ચાલુ કરી. ઓનલાઈન ચૂકવણીના બીજા વિકલ્પ ન હતા ત્યારે તે અત્યંત સફળ નીકળી. Ebay કંપનીએ 2002માં 1.8 અબજ ડોલરમાં 'પેપાલ' ખરીદી લીધી. એટલે મસ્ક પાસે અઢળક નાણાં આવ્યાં. એમાંથી તેણે માનવજાતના ભવિષ્યને ઉજળું બનાવવાના પ્રોજેક્ટ શરૂ કર્યા અને કંપનીઓ ખોલીઃ અશ્મિજન્ય (રમુજમાં 'ડાયનોસોર જ્યુસ' તરીકે ઓળખાતાં) બળતણને બદલે ઇલેક્ટ્રિક બેટરીનો ઉપયોગ કરીને વાહનો બનાવવા માટે ટેસ્લા અને અંતરિક્ષને ખેડવા-મંગળ પર માનવવસાહત સ્થાપવા સ્પેસએક્સ. બેટરીથી ચાલતી, સાવ નવી ડીઝાઈનની ટ્રકના મોડેલ દ્વારા મસ્કે ટ્રક વિશેનો આખો ખ્યાલ બદલી નાખ્યો, એવું જ આ પહેલાં તેણે બે શહેરો વચ્ચેનું અંતર ઘટાડવાના મામલે કર્યું. હાલમાં મોજુદ વિકલ્પોમાં સુધારાવધારા કરવાને બદલે, તેણે હાઇપરલૂપના નામે ઓળખાતી ક્રાંતિકારી ટેકનોલોજીનો વિચાર કર્યો, જેમાં બે શહેરો વચ્ચે એક મોટી, પહોળી પાઇપ ઉભી કરવામાં આવે અને પાઇપમાં રહેલા શૂન્યાવકાશમાં નાના-નાના નળાકાર એક હજાર કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે ઝડપે ગતિ કરે. વાહનવ્યવહારનું આ કદી નહીં વિચારાયેલું સ્વરૂપ છે, પણ મસ્કની કંપની તેમાં પ્રગતિ કરી રહી છે. હાઇપરલૂપનો એક રુટ આંધ્રપ્રદેશમાં પણ નખાવાનો છે. હજુ મસ્કની કંપની ખુદ આ ટેકનોલોજીની ચકાસણી અને તેના પ્રયોગ કરી રહી છે. પરંતુ તેની સફળતા વિશે મસ્ક કે તેમના ઇજનેરોના મનમાં કશી અવઢવ નથી.

જમીન અને આકાશ-અવકાશ જેવા બે લોકમાં ક્રાંતિકારી સંશોધનો આદર્યા પછી મસ્કે હવે 'પાતાળ' તરફ મીટ માંડી છે. તેમને લાગે છે કે રસ્તા ગમે તેટલા પહોળા કરવામાં આવે, પણ ટ્રાફિકની સમસ્યા ઉકલશે નહીં અને લોકોનો અઢળક સમય તેમાં બગડતો રહેશે. (ઉલટું એવું જોવામાં આવ્યું છે કે રસ્તા પહોળા કરવાથી સરવાળે ટ્રાફિક પણ વધે છે અને વધારે ગીચ બને છે.) એટલે મસ્કનો વિચાર છે કે જમીનની નીચે ટનલનાં 30-40  સ્તર બનાવવાં, ટૂંકાં અંતરની ટનલમાં પાટા નાખવા, જેથી ગાડીઓ તેની પર સડસડાટ (400 કિ.મી. પ્રતિ કલાક જેવી ઝડપે) દોડી શકે અને ટ્રાફિકની સમસ્યા ઉકલી જાય. વિજ્ઞાનકથા જેવા લાગતા આ પ્રોજેક્ટ માટે થોડા સમય પહેલાં જ સ્થાનિક કાઉન્સિલે મસ્કની કંપનીને પરવાનગી આપી છે. એટલે તેમની સ્પેસએક્સની ઓફિસના ખુલ્લા ભાગમાં પ્રાયોગિક ટનલ બનાવવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે.

બાળપણમાં આઇઝેક અાસિમોવ સહિત ઘણા લેખકોની વિજ્ઞાનકથાઓથી પ્રભાવિત મસ્ક હવે વિજ્ઞાનકથા જેવી કલ્પનાઓને સાકાર કરવામાં વ્યસ્ત છે. પડકાર ઘણા છે, પણ તેમનો અત્યાર સુધીનો રેકોર્ડ, કાબેલિયત, વિચારવાની રીત જેવી બાબતો તેમને બીજા અબજોપતિઓથી જુદા પાડે છે અને તેમના પ્રયાસોની સફળતા માટે આશા ઉભી કરે છે. 

Monday, September 25, 2017

શનિ નડતર કે નવતર? પૂછો કાસિનીને

‘એક યુગનો અંત આવ્યો... વીસ વર્ષના આયખામાં કેટકેટલું કામ કર્યું...તેમના સંશોધને માનવજાતના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારી, સજીવની ઉત્પત્તિના આરંભિક સંજોગોની સંભાવનાઓ વિશે પ્રકાશ ફેંક્યો, આપણી સૂર્યમાળાના બધા ગ્રહોમાં વલયોથી શોભતા શનિ અને તેના ચંદ્રો (ઉપગ્રહો) વિશે એટલી માહિતી આપી કે તેના અર્થઘટનમાં હજુ સમય લાગશે.

...અને કામ માટેની નિષ્ઠા પણ કેવી? છેલ્લી ઘડી સુધી કામ ચાલતું જ રહ્યું.  વિદાય પણ અત્યંત ભવ્ય અને તેમની આજીવન કામગીરીને છાજે એવી. વિદાયનો સમય નક્કી જ હતી. એટલે ઓચિંતાપણાનો આઘાત કોઈને લાગ્યો નહીં. પણ તેનું દુઃખ અનુભવનારા કેટકેટલા લોકો હતા.. અલગ અલગ રીતે કામ કરતા લોકો તેના નિમિત્તે મળ્યા અને તેમનો એક પરિવાર બન્યો. તે આ પરિવારની ધરી સમાન બની રહ્યા. હવે એ પરિવાર પણ વિખરાઈ જશે...’

આવી અંજલિઓ વાંચતાં પહેલી નજરે એવું જ લાગે, જાણે યુવાન વયના કોઈ મહાન વિજ્ઞાનીમૃત્યુ પામ્યા હશે. પણ આ પ્રકારની અનેક લાગણી--હા, નકરી આંકડાકીય માહિતી નહીં, લાગણી-- શનિની પ્રદક્ષિણા કરનારા પહેલા યાન કાસિની/Cassiniની વિદાયના અહેવાલોમાં છલકાતી હતી.  કાસિની હકીકતમાં 22 ફીટ ઉંચું, 13 ફીટ પહોળું, 2,523 કિલો વજનનું યાન હતું.  કાસીની સાથે હગન્સ/Huygens નામના તપાસસાધન/Probeની જોડીને શનિ ગ્રહનાં વિવિધ પાસાંનો અભ્યાસ કરવા માટે 15 ઓગસ્ટ, 1997ના રોજ પૃથ્વી પરથી રવાના કરવામાં આવ્યાં. આ અમેરિકાની અવકાશ સંસ્થા નાસા, યુરોપીઅન સ્પેસ એજન્સી અને ઇટાલીઅન સ્પેસ એજન્સીનું સહિયારું સાહસ હતું.
Cassini spacecraft 
અગાઉ વોયેજર-1, વોયેજર-2 જેવાં યાન સૂર્યમાળાના છેક દૂરના ગ્રહો સુધી મોકલવામાં 'નાસા'ને સફળતા મળી હતી. તે શનિને થપ્પો કરીને પસાર થયાં અને પહેલી વાર શનિ તથા તેના વલયોને લગતી થોડી માહિતી પૃથ્વી સુધી વહેતી કરી, ત્યારે સંશોધકોના રોમાંચનો પાર ન હતો. પણ આ માહિતીથી તરસ છીપવાને બદલે ઉઘડી. તેને શમાવવા માટે કાસિની યાન બનાવવામાં આવ્યું. તેનું જોડીદાર હગન્સ યુરોપીઅન સ્પેસ એજન્સીએ શનિના ઉપગ્રહ ટાઇટન પર ઉતરવા માટે તૈયાર કર્યું હતું. આ બન્નેની જોડી પૃથ્વીથી રવાના થયાનાં સાતેક વર્ષ પછી, આશરે 2.2 અબજ માઇલનું અંતર ખેડીને 30 જુલાઇ, 2004ના રોજ શનિના ઇલાકામાં પહોંચ્યાં.  હગન્સ સફળતાપૂર્વક ટાઇટન પર ઉતર્યું અને આપણી સૂર્યમાળાના (પૃથ્વી સિવાયના) કોઈ પણ ગ્રહના ઉપગ્રહ પર ઉતરનારું તે પહેલું સાધન બની રહ્યું. રેકોર્ડની ભાષામાં વાત કરીએ તો, સૂર્યમાળાના પૃથ્વી સિવાયના ગ્રહની ફરતે આટલા લાંબા સમય સુધી પ્રદક્ષિણા કરનારું કાસિની પહેલું યાન બની રહ્યું.

મંઝિલ સુધી પહોંચ્યા પછી તરત કાસિની યાને પોતાનું કામ શરૂ કરી દીધું. તેનું કામ શનિ અને તેના ઉપગ્રહોની ફરતે સલામત અંતરે રહીને પરિભ્રમણ કરવાનું અને એવા આંટાફેરામાંથી શનિ વિશે પહેલવહેલી વાર મળનારી અઢળક માહિતી પૃથ્વી સુધી પહોંચાડવાનું હતું. ત્યારશી શરૂ કરીને 15 સપ્ટેમ્બર, 2017ના રોજ તેણે શનિના વાતાવરણમાં પ્રવેશીને આત્મવિલોપન કર્યું ત્યાં સુધી  અઢળક માહિતી કાસિનીએ મોકલીઃ આશરે સાડા ચાર લાખ તસવીરો અને 653 ગીગાબાઇટ જેટલી વૈજ્ઞાનિક માહિતી, જેના પૃથક્કરણના આધારે અનેક સંશોધનો થઈ શક્યાં અને હજુ થશે.  (એક અહેવાલ પ્રમાણે કાસિની તરફથી મળેલી વિગતોના આધારે અત્યાર સુધીમાં ચારેક હજાર સંશોધનપત્રો લખાયાં છે.)

કાસિની મિશન વિશે વખાણનાં આટલાં ગાડાં શા માટે? અને તે આટલું મહાન હતું તો તેને આત્મવિલોપનના રસ્તે દોરી જવાની શી જરૂર હતી?

‘નાસા’ના દાવા પ્રમાણે તેના કાસિની યાન અને યુરોપીઅન સ્પેસ એજન્સીના હગન્સ પ્રોબની તપાસનાં પરિણામોથી જીવસૃષ્ટિની ઉત્પત્તિ વિશે માણસજાતની સમજણમાં ઘણો વધારો થયો. વલયધારી શનિ વિશે ઉત્સુકતા જાગવાનું એક મોટું કારણ એ પણ હતું કે તેના એકાદ ઉપગ્રહ પર સજીવ પાંગરેલા કે પાંગરી શકે એમ હોય તો પરગ્રહ પર જીવસૃષ્ટિની શોધમાં એ માહિતી અત્યંત ઉપયોગી થઈ પડે.  કાસિની મિશનના અંતે એ આશા પૂરેપૂરી ફળી નથી, પણ એ દિશામાં આગળ વધવાના સગડ જરૂર મળ્યા. શનિના સૌથી મોટા ઉપગ્રહ ટાઇટન પૃથ્વી સાથે સામ્ય ધરાવતી પરિસ્થિતિ, હવામાન અને ભૂસ્તર જોવા મળ્યાં. (એવી પૃથ્વી, જ્યાં જીવસૃષ્ટિની ઉત્પત્તિ થઈ ન હતી) આપણી આખી સૂર્યમાળામાં પૃથ્વી સિવાય ફક્ત ટાઇટન જ એવી જગ્યા છે, જેની સપાટી પર પ્રવાહી સ્વરૂપ સ્થાયી રીતે અસ્તિત્વ ધરાવતું હોય. ફરક એટલો કે ટાઇટનમાં પાણીનો નહીં, પ્રવાહી હાઇડ્રોકાર્બનનો વિશાળ જથ્થો છે. પાણીની જેમ હાઇડ્રોકાર્બનના વહેણને લીધે પણ ટાઇટનની સપાટી પર અવનવી ભાતો રચાય છે--ક્યાંક સરોવર તો ક્યાંક દરિયો, ક્યાંક પ્રવાહીના નાના ફાંટા, તો ક્યાંક કોતરો.

પૃથ્વીને વધારે સારી રીતે સમજવામાં ટાઇટન સાથેની તેની સરખામણી અને તફાવતો ઉપયોગી નીવડી શકે છે. અગાઉ ટાઇટન અને એન્સેલેડસ ઉપરાંતના બીજા ઉપગ્રહો વિશે અગાઉ મોટે ભાગે અટકળો કે પાંખી માહિતી ઉપલબ્ધ હતી. કાસિનીનાં જુદાં જુદાં પરિભ્રમણો અને હગન્સની તપાસને લીધે બીજા ઉપગ્રહોના ચરિત્ર વિશે ઉંડાણભરી માહિતી જાણવા મળી. ઉપરાંત શનિના વલયો સાથે સંકળાયેલી અને તેમના વિશેની સમજને વ્યાપક બનાવતી માહિતી તો ખરી જ.

કાસિની કે વોયેજર પ્રકારનાં પૃથ્વીથી કરોડો-અબજ માઇલ દૂર જતાં યાન ન્યુક્લીઅર બેટરી (રેડિયોઆઇસોટોપ થર્મોઇલેક્ટ્રિક જનરેટર્સ-RTG)થી ચાલે છે. તેમાં રહેલો પ્લુટોનિયમ-238 જેવા બળતણનો જથ્થો કંજૂસની દોલતની જેમ એટલો બધો ચાલે છે કે યાન ખતમ થઈ જાય, પણ બળતણ ન ખૂટે.  કાસિનીએ છેલ્લે આત્મવિલોપન કરવું પડ્યું, તેના માટે બળતણનો અભાવ જવાબદાર ન હતો. અસલી ચિંતા શનિના ઉપગ્રહોને દૂષિત કરવાની હતી.

નક્કી કરેલી મુદત કરતાં વધારે સમય સુધી સફળતાપૂર્વક પરિભ્રમણ કર્યા પછી કાસિની માટે એવી સંભાવનાઓ ઉભી થઈ રહી હતી, જેમાં ટાઇટન કે એન્સેલેડસ જેવા ગુરુના ઉપગ્રહ સાથે તેની ટક્કર થઈ જાય. આ બન્ને ઉપગ્રહો જીવસૃષ્ટિની સંભાવના ધરાવતા મુરતિયા છે.  હાલની પૃથ્વીની સરખામણીમાં સાવ વિષમ લાગતા વાતાવરણમાં બને કે સાવ બીજા અને પૃથ્વીવાસીઓને કલ્પના પણ ન આવે એવા પ્રકારની સૂક્ષ્મજીવસૃષ્ટિ પાંગરી શકે. એવું થયું હોય કે થવાની સંભાવના હોય, તેમાં રેડિયોએક્ટિવ બળતણ ધરાવતું આ યાન ટાઇટન કે અેન્સેલેડસ પર ખાબકે, તો ત્યાં પ્રદૂષણ ફેલાય અને જીવસૃષ્ટિ કે તેના માટેના સંજોગોને નુકસાન પહોંચવાની સંભાવના રહે. તે નિવારવા માટે અને તેને લગતા આંતરરાષ્ટ્રીય કાયદાને માન આપવા માટે કાસિનીને શનિના વાતાવરણમાં મોકલી દેવાનું આયોજન હતું--અને તે સફળતાથી પાર પડ્યું.  શનિના વાતાવરણમાં પ્રવેશતાં જ કાસિનીમાંથી પૃથ્વી સુધી પહોંચતા સિગ્નલ બંધ થઈ ગયા--જાણે ધબકારા સૂચવતા મોનિટર પર ઊંચાનીચા આલેખને બદલે સીધી રેખા થઈ ગઈ.

વોયેજરથી જાગેલી જિજ્ઞાસા કાસિનીએ ભાંગી, તો તેના પગલે ટાઇટન-એન્સેલેડસ પર જીવસૃષ્ટિ અંગેની સંભાવનાઓની ચકાસણી માટે ઓશનસ નામે નવું પ્રોબ મોકલવાની વાત ચાલે છે. પરંતુ કાસિની-હગન્સની જોડીએ બતાવેલાં કારનામાં હજુ ઘણી નવી માહિતી અને શોધોના ખજાના જેવાં બની રહેશે. 

Monday, March 06, 2017

પૃથ્વીની 'પડોશ’માં આવેલા સાત ગ્રહો પર ક્યારે પહોંચાશે?

પૃથ્વીથી આશરે ૩૯ પ્રકાશવર્ષ છેટે, બ્રહ્માંડની વિશાળતાના હિસાબે 'નજીક'માં, એક તારો અને તેની પ્રદક્ષિણા કરતા સાત ગ્રહો મળી આવ્યા. સમાચારે ગયા મહિને સંશોધકો ઉપરાંત સામાન્ય લોકોમાં પણ ઉત્તેજના પેદા કરી. કારણ કે, હજુ સુધી પૃથ્વીવાસીઓને જીવસૃષ્ટિ ધરાવતો બીજો ગ્રહ મળ્યો નથી.

કારણપૃથ્વી આપણી સૂર્યમાળામાં નહીંબ્રહ્માંડમાં પણ લાખોંમેં એક અથવા અબજોમેં એક છે. બ્રહ્માંડમાં આપણા સૂર્ય જેવા ગણ્યા ગણાય નહીં એટલા તારા છે.   તારાની આસપાસ ગ્રહ ફરતા હોય તો ત્યાં પ્રાથમિક તપાસ કરવાપણું રહેતારાની આસપાસ ભ્રમણ કરતા અને એક્ઝોપ્લેનેટ તરીકે ઓળખાતા ગ્રહો શોધવાની શરૂઆત પચીસેક વર્ષ પહેલાં થઈઅત્યાર લગી બ્રહ્માંડમાં આપણી સૂર્યમાળા સિવાયની બીજી ઘણી સૂર્યમાળાઓ (એટલે કે તારો અને તેનાં ચક્કર કાપતા ગ્રહનો આખો સેટમળી આવી છે. પરંતુ જીવન પાંગરવા માટે તો પહેલી ને સાવ પ્રાથમિક શરત છે--ડોક્ટર બનવા માટે એસ.એસ.સી. પાસ થવું પડે એવી.

ત્યાર પછી 'જો'અને 'તો'ના અનેક દરવાજા આવે છે : ફરતા ગ્રહ પર જીવન પાંગરી શકે, પણ ગ્રહ તારાથી માપસરના અંતરે હોવો જોઇએ. વધારે નજીક હોય તો તારાની ગરમીથી પાણી ઉડી જાય અનેેે વધારે દૂર હોય તો ગરમીના અભાવે બધું ઠરી જાય. જીવન માટે પાણી અનિવાર્ય ગણાય છેસૂર્યનાં કિરણોની ઘાતક અસરોથી બચાવવા માટે ગ્રહની ફરતે વાતાવરણ હોવું જોઈએ. પૃથ્વીને છે એવી નક્કર સપાટી હોવી જોઇએમંગળ પરની તપાસમાં ત્યાં ભૂતકાળમાં પાણી હોવાનાં અેંધાણ મળ્યાં છે, પણ ત્યાં બીજા સંજોગો અનુકૂળ નથી.

નવા મળી આવેલા સાત ગ્રહો અને તેમના 'સૂર્ય'ની કેટલીક ખૂબીઓ તેમને જીવસૃષ્ટિ માટે અત્યાર સુધીના સૌથી આશાસ્પદ ઉમેદવાર બનાવે છે. અભ્યાસીઓના મતે, કોઈ એક સૂર્યની ફરતે આટલા બધા ગ્રહો સાગમટે પ્રદક્ષિણા કરતા મળ્યા હોય એવી (આપણી સૂર્યમાળા સિવાયની) પહેલી શોધ છે. સાતેસાત ગ્રહોનું કદ લગભગ પૃથ્વી જેવડું છેતે તારાની આસપાસ ચુસ્ત, નિયમિત ભ્રમણકક્ષામાં ફરે છેસંશોધકોએ તેને નામ આપ્યું છેઃ TRAPPIST-1.  નામકરણ તેને શોધી કાઢનાર ટેલીસ્કોપને આભારી છે, જે TRAPPIST તરીકે ઓળખાય છે.  TRAPPIST  એટલે ટ્રાન્ઝિટિંગ પ્લેનેટ્સ એન્ડ પ્લેટેનેટેસિમલ્સ સ્મોલ ટેલીસ્કોપ. ચિલીની એક વેેેેધશાળામાં આવેલું ટેલીસ્કોપ તેના નામ પ્રમાણે, તારા પર નજર રાખે છે અને તારાની આગળથી ટ્રાન્ઝિટ/અધિક્રમણ કરતા નાના-મોટા ગ્રહોની હાજરી પારખે છે. તેનો નિયમ સાદો છેતારાનો અખંડ પ્રકાશ આવતો હોય અને તેમાં વચ્ચે અવરોધ પડે તથા તેનો સમયગાળો નિયમિત હોય, તો તેનો અર્થ થયો કે એક ગ્રહ તારાની ફરતે ચોક્કસ ભ્રમણકક્ષામાં પ્રદક્ષિણા કરી રહ્યો છે. તે તારાનો કેટલો પ્રકાશ અવરોધે છે તેની પરથી ગ્રહ વિશેની કેટલીક વિગતો મેળવી શકાય છે.


TRAPPIST-1 તારાના ત્રણ ગ્રહોનો પત્તો ગયા વર્ષે મળી ગયો હતો. પરંતુ વધુ અભ્યાસ પછી જણાયું કે તારાના પ્રકાશ આડેનો એક અવરોધ એવો હતો, જેના માટે અગાઉ એક ગ્રહને કારણભૂત ગણવામાં આવ્યો હતો. પણ ખરેખર તે ત્રણ જુદા જુદા ગ્રહોને આભારી હતો. ઉપરાંત, બે નવા ગ્રહ પણ નવા અભ્યાસમાં મળી આવ્યા. આમ TRAPPIST-1ના ગ્રહોની કુલ વસ્તી સાતના આંકડે પહોંચી. તેમાંથી ત્રણ જીવસૃષ્ટિ માટે સૌથી વધુ સંભવિત મુરતિયા ગણાય છે. આપણી સૂર્યમાળામાં સૂર્ય પછી તરતનો ગ્રહ બુધ છે. તે વધુ પડતો નજીક હોવાથી ત્યાં જીવન પાંગરવાની સંભાવના નથી. TRAPPIST-1 અને તેના ગ્રહો વચ્ચેનું અંતર સૂર્ય અને બુધ વચ્ચેના અંતર કરતાં પણ ઓછું છે. પરંતુ તારા તરીકે આપણો સૂર્ય TRAPPIST-1 કરતાં આશરે બે હજાર ગણો વધારે તેજસ્વી છે ઓછા પ્રકાશને લીધે TRAPPIST-1થી નજીક હોવા છતાં, તેની પર ગરમી એટલી હોય કે પાણી વરાળ થઈને ઉડી જાય. માટે ત્યાં જીવનની સંભાવના રહે છે. ગ્રહો પૃથ્વીની જેમ ખડકાળ સપાટી ધરાવે છે. તારાની સૌથી નજીક રહેલા બે ગ્રહો પર ગુરુત્વાકર્ષણના પગલે જ્વાળામુખીઓ પણ હોઈ શકે છે. TRAPPIST-1ની ફરતે એક ભ્રમણ પૂરું કરવામાં સૌથી નજીકના ગ્રહને (પૃથ્વીના) દોઢ દિવસ જેટલો સમય લાગે છેે, જ્યારે નજીકના ગ્રહોમાં સૌથી છેલ્લો રહેલો ગ્રહ કામ ૧૨. દિવસમાં પૂરું કરે છે.

અલબત્ત, બધું વર્ણન વાંચીને 'મનમેેં લડ્ડુ ફુટા'એવું થતું હોય તો ધીરજ ધરો. ટ્રમ્પની ફિલમ ઉડાડવા માટે એવી રમૂજ પણ થઈ કે 'જુઓ, ટ્રમ્પના રાજને મહિનો પણ નથી થયો ને નાસાએ રહેવા માટેનાં બીજાં ઠેકાણાં શોંધી કાઢ્યાં.’  રમુજ તરીકે તે ઉત્તમ છે, પણ રમુજથી વિશે કંઈ નથી. કારણ કે હવે પછીના વિગતવાર ઊંડા અભ્યાસો પછી TRAPPIST-1ના એક કે વધારે ગ્રહ જીવસૃષ્ટિ માટે અનુકૂળ લાગે તો પણ, ત્યાં સુધી પહોંચવાનું કઠણ છે. અહેવાલોમાં ૩૯ પ્રકાશવર્ષના અંતરની આગળ 'ફક્તજેવો શબ્દ લાગવાનું અને તારો પૃથ્વીથીનજીકહોવાનું કહેવાયું, તેનું કારણ છે કે અફાટ બ્રહ્માંડમાં ૪૦ પ્રકાશવર્ષ અંતર કોઈ હિસાબમાં નથી. પરંતુ વાત બ્રહ્માંડની ફુટપટ્ટીને બદલે માણસની માપપટ્ટી વાપરીને કરીએ તો ૩૯ પ્રકાશવર્ષ અંતર એટલે પ્રકાશ ૩૯ વર્ષમાં કાપી શકે એટલું અંતર. કિલોમીટરમાં આંકડો જાણવામાં સાર નથી. છતાં જાણવો હોય તો  આશરે ૩૬૯ ટ્રિલિયન કિલોમીટર.

તેની સામે માણસે બનાવેલાં ઝડપીમાં ઝડપી યાનની ઝડપ કેટલી? અમેરિકાની અવકાશ સંસોધન સંસ્થા 'નાસા 'જુનોનામનું યાન ગુરુ તરફ રવાના કર્યું હતું. તેની શરૂઆતની ઝડપ તો પ્રમાણમાં ઓછી હતી, પણ પછી ગુરુના ગુરુત્વાકર્ષણના પ્રતાપે તેની ઝડપ વધીને કલાકના બે લાખ પાંસઠ હજાર કિલોમીટર સુધી પહોંચી હતીધારો કે ઝડપ પહેલેથી હાંસલ કરવામાં આવે તો પણ યાનનેે TRAPPIST-1 સુધી પહોંચવામાં દોઢ લાખથી પણ વધારે વર્ષો લાગે. ચીલઝડપી યાનોની હાલત હોય ત્યાં પ્રમાણમાં ઓછી ઝડપ ધરાવતાં સમાનવ સ્પેેસ શટલનો ગજ ક્યાં વાગે? તેને તો TRAPPIST-1 સુધી પહોંચવામાં ૧૫ લાખ વર્ષ નીકળી જાય. વિખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીવન હોકિંગે લેસરના જોરે પ્રચંડ ઝડપે ચાલતાં ટચુકડાં યાનની કલ્પના મૂકી છે. તે પ્રકાશની ઝડપ કરતાં પાંચમા ભાગની ઝડપે ચાલી શકે. (કલાકના ૨૧. કરોડ કિલોમીટર). આવાં યાન ધારો કે બને તો તેમને પહોંચતાં પણ લગભગ બસો વર્ષ નીકળી જાય.

આમ, સૂર્યમાળાના-ગ્રહસૃષ્ટિઆના વિકાસ અને તેનાં વિવિધ પાસાંના અભ્યાસ તરીકે નવી મળી આવેલી સૂર્યમાળા ઉપયોગી નીવડવાની છે, પણ નજીકના ભવિષ્યમાં બિસ્તરાંપોટલાં લઈને માણસજાત ત્યાં ઉપડી જશે એવો ખ્યાલ રાખવા જેવો નથી