Showing posts with label einstein/આઇન્સ્ટાઇન. Show all posts
Showing posts with label einstein/આઇન્સ્ટાઇન. Show all posts
Monday, March 23, 2015
આલ્બર્ટ આઇન્સ્ટાઇન- ગગનવિહારી મહેતા : એક વિશિષ્ટ મેળાપ
ગુજરાતીમાં હાસ્યલેખક, અંગ્રેજીમાં લેખક-પત્રકાર-વ્યંગકાર, ભારતભરમાં રાજપુરૂષ, ઉદ્યોગપતિ અને જાહેર જીવનના અગ્રણી, અમેરિકામાં ભારતના રાજદૂત રહી ચૂકેલા ગગનવિહારી મહેતા/ Gaganvihari Mehta અને આઇન્સ્ટાઇન/ Einstein વચ્ચેની એક કલાકની મુલાકાતમાં શું બન્યું?
મહાન અને પ્રસિદ્ધ- એમ બન્ને વિજ્ઞાનીઓની નાતમાં મોખરાનું સ્થાન ધરાવતા આઇન્સ્ટાઇનની વિદાયને આવતા મહિને સાઠ વર્ષ પૂરાં થશે. (મૃત્યુતારીખઃ ૧૮ એપ્રિલ, ૧૯૫૫). સાપેક્ષવાદની તેમની બે મહાન થિયરીમાંથી E=MC2 નું વિખ્યાત સમીકરણ અને સમયની-લંબાઇની સાપેક્ષતા સિદ્ધ કરનાર ‘સ્પેશ્યલ થિયરી ઑફ રિલેટીવીટી’ને ૧૧૦ વર્ષ અને ગુરૂત્વાકર્ષણની પાયાની સમજ આપનાર ‘જનરલ થિયરી ઑફ રિલેટીવીટી’ને ૧૦૦ વર્ષ થયાં. છતાં, એ થિયરીની નક્કરતા અને આઇન્સ્ટાઇનની મહત્તામાંથી કાંકરી પણ ખરી નથી. તેમના જેવા વિજ્ઞાની અને એક ગુજરાતી અગ્રણી વચ્ચે મુલાકાત થઇ હોય, એ કલ્પના જ રોમાંચ પેદા કરનારી છે.
ગુજરાતી સાહિત્યમાં ‘અવળીગંગા’ અને ‘આકાશનાં પુષ્પો’ જેવા હાસ્યલેખસંગ્રહોથી જાણીતા ગગનવિહારી મહેતા આઇન્સ્ટાઇનને અલબત્ત હાસ્યલેખક તરીકે કે ગુજરાતી તરીકે મળ્યા ન હતા. એ અમેરિકામાં ભારતના રાજદૂતની રૂએ, તત્કાલીન વડાપ્રધાન પંડિત નેહરુનું નિમંત્રણ લઇને આઇન્સ્ટાઇનના ઘરે ગયા હતા. સાથે તેમનાં પુત્રી અપર્ણા (લગ્ન પછી, અપર્ણા બાસુ) પણ હતાં. એ પ્રસંગ વિશે અપર્ણાબહેને તેમના પિતાના ચરિત્ર ‘જી.એલ.મહેતા : અ મેની સ્પ્લેન્ડર્ડ મેન’ (૨૦૦૧)માં પંદર-વીસ લીટીની નોંધ કરી છે. તેમણે લખ્યું છે કે જતાં પહેલાં હું (અપર્ણા) નર્વસ હતી- મને ખચકાટ થતો હતો. એ વિશે બાપુએ આઇન્સ્ટાઇનને કહ્યું, એટલે એમણે મને પૂછ્યું, ‘તું ગાંધીને મળી છું?’ મેં હા પાડી, એટલે આઇન્સ્ટાઇને કહ્યું, ‘તો પછી ચિંતા શાની? એ તો મારા કરતાં બહુ વધારે મહાન માણસ હતા.’
ગાંધીજીના મૃત્યુ પછી આઇન્સ્ટાઇને આપેલી પ્રખ્યાત અંજલિ ભવ્ય હોવા છતાં અતિ વપરાશને કારણે ચવાઇ ગઇ છે, પણ ગગનવિહારી મહેતા સાથેની મુલાકાતમાં આઇન્સ્ટાઇને ગાંધીજી વિશે ઘણી વાતો કરી હતી. મહેતાએ નોંઘ્યું છે તેમ, એક કલાકના વાર્તાલાપમાં લગભગ અડધો સમય આઇન્સ્ટાઇન ગાંધીજી વિશે બોલ્યા હતા. ૪ એપ્રિલ, ૧૯૫૩ના દિવસે થયેલી તેમની મુલાકાતનો મુખ્ય હેતુ આઇન્સ્ટાઇનને ભારતમાં યોજાનારી સાયન્સ કૉંગ્રેસનું આમંત્રણ આપવાનો હતો. મહેતા પિતા-પુત્રી પહોંચ્યાં ત્યારે તેેમને આવકારવા માટે આઇન્સ્ટાઇન અને તેમનાં (બીજાં પત્નીનાં આગલા લગ્નથી થયેેલાં) પુત્રી સીડી પર ઊભાં હતાં. તેેમનું આંતરબાહ્ય વર્ણન આપતાં ગગનવિહારી મહેતાએ લખ્યું છે : ‘ઉંમરને લીધે સહેજ વળેલ છતાં એ સશક્ત લાગતા. એમણે લાંબો ઝભ્ભો પહેર્યો હતો, કપાળમાં કરચલીઓ પડી હતી, વાળ વીખરાયેલા હતા, વિચારશીલ અને મમતાભરી આંખો હતી, એમની સારીયે પ્રતિમા પ્રેમાળ હતી. બુદ્ધિના તેજ સાથે અંતરની મીઠાશ પણ સ્ફુરી આવતી. આંજી નાખે એવી એમની પ્રતિભા કરતાં એમની સહૃદયતા, સરળતા અને પ્રેમાળતાની મારા પર એ ક્ષણે તો વધારે છાપ પડી.’
ભારત આવવાના નિમંત્રણ માટે તો તેમણે ઉંમરને કારણે અશક્તિ દર્શાવી, પણ ભારત અને ગાંધી-નહેરુ માટે આદરભાવ વ્યક્ત કર્યો. વાતવાતમાં તેમણે કહ્યું, ‘નહેરુ મહાન નેતા છે, પણ ગાંધીજીની વાત જુદી. એને નહેરુ ન પહોંચે.’ આઇન્સ્ટાઇન બર્લિનમાં હતા ત્યારે રવીન્દ્રનાથ ટાગોરને પણ મળ્યા હતા. તેમની અને ટાગોરની તસવીર બહુ જાણીતી છે. ભારતીય ફિલસૂફીની વાત નીકળતાં ગગનવિહારી મહેતાએ ડૉ.રાધાકૃષ્ણન્નું નામ લીઘું, પણ જેમનો સાપેક્ષવાદ ભાગ્યે જ કોઇ સમજી શકે એવા આઇન્સ્ટાઇને કહ્યું, ‘હિંદુ ફિલસૂફી હું સમજી શકતો નથી.’ (પ્રચલિત કિસ્સા પ્રમાણે, આઇન્સ્ટાઇનને ઇન્કમટેક્સની આંટીધૂંટી થિયરી ઑફ રિલેટીવિટી કરતાં પણ અઘરી લાગતી હતી.)
મહેતા પિતા-પુત્રી આઇન્સ્ટાઇનના રૂમમાં દાખલ થયાં ત્યારે તેમના ટેબલ પર કોઇ પુસ્તકની હસ્તપ્રત પડી હતી. આઇન્સ્ટાઇને એ દેખાડીને કહ્યું, ‘આ ગાંધી પરનું પુસ્તક છે. તેમાં ગાંધીના મંતવ્યો અને વિચાર વિશે સમીક્ષા કરવામાં આવી છે. મને એની પ્રસ્તાવના લખવા કહ્યું છે.’ પછી રમૂજના ચમકારા સાથે કહ્યું, ‘એનો લેખક અમેરિકાનો એક લશ્કરી અમલદાર છે--એમ તો કેટલાક અમેેરિકનો વિચારશીલ પણ હોય છે.’
આઇન્સ્ટાઇન ગાંધી વિશે કેટલું વિગતવાર જાણતા હશે-- ખાસ કરીને ઉત્તરાવસ્થાના, પારાવાર હતાશા અનુભવતા ગાંધી વિશે--એ નક્કી કરવું અઘરું છે. કારણ કે ગગનવિહારી મહેતાને તેમણે કહ્યું હતું, ‘હિંદુસ્તાન જેવા દેશમાં જ ગાંધી થઇ શકે અને ત્યાંની જનતા જ એમનો સંદેશો સમજી શકે--તેમને સાથ આપી શકે.’
બીજા વિશ્વયુદ્ધ પછીના સમયમાં અણુબૉમ્બના ઉપયોગે ખળભળાટ મચાવ્યો હતો. સામુહિક સંહારનું આટલું મોટું શસ્ત્ર અગાઉ કદી પ્રયોજાયું ન હતું. તેના સર્જનના મૂળમાં ઉર્જા અને દળનો અભિન્ન સંબંધ દર્શાવતું આઇન્સ્ટાઇનનું E=MC2 સૂત્ર હતું. વિશ્વયુદ્ધ વખતે જર્મની અણુબૉમ્બ બનાવશે એવું લાગતાં, ખુદ આઇન્સ્ટાઇને અમેરિકાના તત્કાલીન પ્રમુખ રૂઝવેલ્ટને પત્ર લખીને અણુબૉમ્બ બનાવવા જણાવ્યું હતું. પરંતુ તેનાં પરિણામની ભયંકરતા જોયા પછી આઇન્સ્ટાઇન હચમચી ગયા અને તેના પ્રખર તથા એકંદરે યુદ્ધના પ્રખર વિરોધી બન્યા.
વૈજ્ઞાનિક શોધના દુરુપયોગ કે સદુપયોગ માટે વિજ્ઞાનીને જવાબદાર ન લેખી શકાય, એવી એક દલીલ ત્યારે ચાલતી હતી. ગગનવિહારી મહેતાએ દિલ્હી રેડિયો પર થયેલી ચર્ચામાં એક અંગ્રેજ વિજ્ઞાની પાસેથી તે સાંભળી હતી. પરંતુ આઇન્સ્ટાઇન એવા બચાવમાં માનતા ન હતા. તેમણે કહ્યું કે ‘વિજ્ઞાનીઓ પણ નાગરિકો છે અને તેમની નૈતિક જવાબદારી હોય છે.’ સામાન્ય રીતે શક્તિશાળી દેશોને એવું હોય છે કે આપણે બૉમ્બ નહીં બનાવીએ, તો હરીફ દેશ બનાવી દેશે. મહેતાએ આ માનસિકતાની વાત મૂકી ત્યારે આઇન્સ્ટાઇને તેમને કહ્યું, ‘તમારા ગાંધીની દૃષ્ટિ એવી ન હતી.’
ગગનવિહારી મહેતાએ તેમને ‘મહાપુરુષ’ ગણાવ્યા, ત્યારે આઇન્સ્ટાઇને ‘મૃદુ સ્વરે, ધીમેથી વાંધો ઉઠાવ્યો’. મહેતાએ કહ્યું, ‘મહાપુરુષ કદી પોતાને મહાન લેખતા નથી. એટલે જ એ ખરેખર મહાન હોય છે. અમારા ગાંધી કોઇ દિવસ પોતે અસાધારણ છે એમ કહેતા નહીં--માનતા પણ નહીં. એ તો ઘણી વાર કહેતા કે, ‘‘હું બીજા માણસો જેવો સીધોસાદો માનવી છું. હું જે કરું છું અને કરી શક્યો છું એ બીજું કોઇ પણ કરી શકે.’’ એથી જ બીજાને કંઇ પણ કરવાનું કહેતાં પહેલાં એ પોતે એનું આચરણ કરતા.’
આ સાંભળીને આઇન્સ્ટાઇને કહ્યું,‘મહેરબાની કરીને ગાંધી સાથે મારી સરખામણી ન કરો. ગાંધીએ માનવજાત માટે કેટલું બઘું કર્યું છે. મેં શું કર્યું છે? એ ખરું છે કે મેં વિજ્ઞાનના ક્ષેત્રમાં થોડા નિયમ શોઘ્યા છે, પણ એવું કામ તો બીજા ઘણા વિજ્ઞાનીઓએ કર્યું છે. એમાં કંઇ અસાધારણ નથી.’ ગગનવિહારી મહેતાએ નોંઘ્યું છે, ‘આ વાક્યમાં લેશમાત્ર પણ આડંબરી વિનય નહોતો. નહોતો એમાં અંશમાત્ર ઢોંગ. હતી એક ઉત્કૃષ્ટ વ્યક્તિના જીવનની વિશુદ્ધ નમ્રતા, જ્ઞાનપરાયણ જીવનની પરાકાષ્ઠાએ પહોંચેલા આત્માની અનન્ય સરળતા.’
આઇન્સ્ટાઇન સાથે ગગનવિહારી મહેતા-અપર્ણા મહેતાની મુલાકાતની કોઇ તસવીર મળી શકી નથી. આ મુલાકાત વિશે પહેલી વાર મહેતાએ અમેરિકાના ‘સેટરડે રીવ્યુ’ના એપ્રિલ ૧૪, ૧૯૫૬ના અંકમાં લખ્યું. આઇન્સ્ટાઇનની પહેલી પુણ્યતિથિ હોવાથી એ અંકના મુખપૃષ્ઠ પર આઇન્સ્ટાઇનનું બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર હતું અને તેની નીચે લખ્યું હતું, ‘આલ્બર્ટ આઇન્સ્ટાઇન : ટુ રેમીનીસન્સીસ બાય જી.મહેતા એન્ડ અપ્ટન સિન્ક્લેર.’ (સિન્ક્લેર નોબેલ પારિતોષકથી સન્માનિત અમેરિકન લેખક હતા).
ત્યાર પછી મે, ૧૯૬૮માં ‘આઇન્સ્ટાઇન : વિજ્ઞાનનો સાધુ’ શીર્ષક હેઠળ પરિચય ગગનવિહારી મહેતાએ લખેલી પરિચય પુસ્તિકા પ્રકાશિત થઇ. તેના અડધા ભાગમાં ‘સેટરડે રીવ્યુ’માં પ્રગટ થયેલા તેમના લેખનો અનુવાદ હતો અને બાકીના હિસ્સામાં આઇન્સ્ટાઇનના જીવન વિશેની વિગતો. આ લેખ માટે આ બન્ને સંદર્ભો ઉપયોગમાં લેવામાં આવ્યા છે. લેખનો વિષય આઇન્સ્ટાઇન-મહેતા મુલાકાત હોવાથી, ગગનવિહારી મહેતાના પ્રતાપી વ્યક્તિત્વ અને પ્રદાન વિશેની વાત ફરી ક્યારેક.
![]() |
| ન્યૂયોર્કમાં ઇન્ડિયા ટુરિસ્ટ ઑફિસના આરંભે પ્રવચન આપતા રાજદૂત ગગનવિહારી મહેતા/ GaganVihari Mehta (ફેબ્રુઆરી, ૧૯૫૩) |

| Saturday Review /‘સેટરડે રીવ્યુ’નું મુખપૃષ્ઠ અને ગગનવિહારી મહેતા/GL Mehtaના લેખનો ઉપાડ |
Tuesday, July 17, 2012
‘બોસોન’ખ્યાત સત્યેન્દ્રનાથ બોઝ : ફરક પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાનો
![]() |
| SN Bose/ સત્યેન્દ્રનાથ બોઝ |
કેપ્ટન લક્ષ્મી ઉર્ફે લેફ્ટનન્ટ કર્નલ લક્ષ્મી સહગલ. આઝાદ હિંદ ફોજની રાણી ઝાંસી રેજિમેન્ટનાં વડા. સુભાષચંદ્ર બોઝનાં અંતેવાસી. ઐતિહાસિક પાત્ર. તેમનું નામ પડતાં જ, પરિચિતોના ચહેરા પર આદર-અહોભાવની લાગણી પથરાઇ જાય. પરંતુ કેપ્ટન લક્ષ્મીનાં ગુણગાન અધવચ્ચેથી અટકાવીને કહેવામાં આવે કે ‘એ હજુ આપણી વચ્ચે હયાત છે’ તો?
સંભવ છે. સાંભળનારની પ્રતિક્રિયા એટલી જ તીવ્ર રહે. બસ, ચહેરા પર અહોભાવના જગ્યાએ આશ્ચર્ય - અવિશ્વાસ અને જીભે ‘ના હોય!’ જેવા શબ્દો આવી જાય.
ભજનગાયિકા જુથિકા રોય. આઝાદી પહેલાંના સમયમાં આઘુનિક મીરાં તરીકે ઓળખાતાં. તેમનાં ભજનની રેકોર્ડ ઘરમાં હોવી એ સંસ્કારિતાની નિશાની ગણાતી. ગાંધીજી જેવા ગાંધીજીએ તેમનાં ભજન સાંભળ્યાં હતાં. પેઢીઓની પેઢીઓ તેમનાં ભજન સાંભળીને મોટી અને તેમના પ્રત્યે ધન્યભાવ અનુભવતી થઇ. તેમનું નામ પડે એટલે ‘ઓહોહો’ થઇ જાય. પરંતુ બીજા તો ઠીક, જુથિકા રોયના ચાહકોમાંથી કેટલા જાણતા હશે કે જુથિકાજી હજુ આ જ દુનિયામાં- કોલકાતામાં - છે?’ અને આ જાણતા લોકોએ પણ છાપાંમાં કે ચેનલો પર એમના વિશે - કે લક્ષ્મી સહગલ વિશે- છેલ્લે ક્યારે વાંચ્યું-સાંભળ્યું? ‘ગુગલ ન્યૂઝ’ પર લક્ષ્મી સહગલનો એકમાત્ર રેફરન્સ ૧૦ વર્ષ પહેલાં તે ડો.અબ્દુલ કલામ સામે રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડ્યાં તેનો બતાવે છે અને જુથિકા રોય? એમનું તો ‘ગુગલ ન્યૂઝ’ પર અસ્તિત્ત્વ જ નથી. (અહીં સર્ચએન્જિન ગૂગલની નહીં, પણ તેના સમાચારવિભાગની વાત છે.)
પ્રમાણમાં ઘણાં લોકપ્રિય અને સંખ્યાબંધ લોકોને સ્પર્શે એવા ક્ષેત્ર સાથે સંબંધ ધરાવતી લક્ષ્મી સહગલ- જુથિકા રોય જેવી હસ્તીઓની આ સ્થિતિ હોય, તો ભાગ્યે જ કોઇને ટપ્પી પડે એવા વિષયમાં પ્રચંડ પ્રદાન કરનાર સદ્ગત વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ વિસરાઇ જાય એમાં શી નવાઇ?
બોઝ-આઇન્સ્ટાઇન સંબંધો
હિગ્સ બોસોન કણની સંભવિત ઓળખ પછી થયેલાં ઉજવણાંમાં જીવીત બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સના જયજયકારની સાથે ૧૯૭૪માં અવસાન પામેલા ભારતીય વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝનો પણ ઉલ્લેખ થયો. બ્રહ્માંડના મૂળભૂત કણોના બે મુખ્ય પ્રકારમાંથી એકનું નામ ‘બોઝ’ પરથી ‘બોસોન’ રખાયું હતું. એટલે એક રીતે, સત્યેન્દ્રનાથને યાદ કર્યા વિના છૂટકો ન હતો. છતાં, ઉજવણીના માહોલમાં થોડો ગણગણાટ એવો પણ થયો કે ‘સત્યેન્દ્રનાથ ભૂલાઇ ગયા. તેમનો થવો જોઇએ એટલો જયજયકાર ન મળ્યો.’ વધારે સાદા શબ્દોમાં કહીએ તો, તેમને (મરણોપરાંત) જોરદાર પ્રસિદ્ધિ ન મળી.
સત્યેન્દ્રનાથ ધારો કે હિગ્સ બોસોનની શોધ જોવા જીવીત હોત, તો તેમને પણ હિગ્સ અને બીજા સાથી વિજ્ઞાનીઓની જેમ ખાસ આમંત્રિત તરીકે બોલાવાય હોત. પરંતુ સત્યેન્દ્રનાથ પ્રસિદ્ધિના પ્રકાશપુંજમાં ઝળહળવા ઉપડી ગયા હોત કે પછી ઘરે બેસીને તેમનાં પ્રિય વાદ્ય- ઇસરાજ અથવા વાંસળી- વગાડીને પરમ તૃપ્તિ અનુભવતા હોત?
આ સવાલનો જવાબ કલ્પનાનો પ્રદેશ છે, પણ નોંધાયેલી-નક્કર હકીકત એ છે કે ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી તૈયાર થતા એક પુસ્તકના લેખક સત્યેન્દ્રનાથને મળવા ગયા- તેમનું શબ્દચિત્ર આલેખવાની વાત કરી, ત્યારે સત્યેન્દ્રનાથે એ કામને ‘સમયનો બગાડ’ ગણાવ્યું હતું. (જેની પર ‘બઘું મળે છે’ એવા‘ગુગલ’ પર સત્યેન્દ્રનાથના ફોટો એટલા ઓછા છે કે આંગળીના વેઢા વધી પડે.)
પ્રસિદ્ધિ પ્રત્યે તેમની ઉદાસીનતામાં દંભ નહીં, પણ જીવનદર્શન અંગેની સ્પષ્ટતા કારણભૂત હતી. ભૌતિકશાસ્ત્રમાં તેમનું પ્રદાન એવું હતું કે એ બદલ તેમને નોબેલ પારિતોષિક મળવું જોઇએ, એવી ઘણાની લાગણી હતી. છતાં, તેમણે પોતે પીએચ.ડી.ની ડિગ્રી મેળવવાનો પણ પ્રયાસ કર્યો ન હતો. આઇન્સ્ટાઇન સહિત અનેક ઘુરંધરો સાથે નિકટનો પરિચય હોવા છતાં, સત્યેન્દ્રનાથે નોબેલ પારિતોષિક માટે કદી પ્રયાસ તો ઠીક, એ ન મળ્યાનો વસવસો પણ ન કર્યો.
હા, એક વાર તેમણે ભારે ખચકાટ સાથે આઇન્સ્ટાઇનની ભલામણ માગી હતી. ઢાકા યુનિવર્સિટીમાં તે રીડર તરીકે કામ કરતા હતા. વિજ્ઞાનજગતના સાંપ્રત પ્રવાહોના અભ્યાસ માટે તે બે વર્ષ યુરોપ ગયા. ત્યાં અનેક વિજ્ઞાનીઓ ઉપરાંત આઇન્સ્ટાઇનને પણ મળ્યા. ફળદાયી પ્રવાસ પછી પાછા ફરેલા સત્યેન્દ્રનાથને મિત્રોએ સૂચવ્યું કે તેમણે ઢાકા યુનિવર્સિટીમાં ફિઝિક્સ ડીપાર્ટમેન્ટમાં પ્રોફેસરના હોદ્દા માટે અરજી કરવી જોઇએ અને એ માટે આઇન્સ્ટાઇન પાસેથી ભલામણપત્ર માગવો જોઇએ.
સત્યેન્દ્રનાથની વિનંતીથી ખુદ આઇન્સ્ટાઇનને નવાઇ લાગી. તેમને થયું કે બોઝને વળી મારી ભલામણની શી જરૂર? એ પોતે એમની આવડતના બળે હોદ્દા માટે લાયક છે. પરંતુ સાપેક્ષવાદના શોધકને એ ન સમજાયું કે ભારતમાં લાયકાત એ સાપેક્ષ બાબત છે. આઇન્સ્ટાઇને ઉમળકાથી લખી આપેલા ભલામણપત્ર પછી પણ સત્યેન્દ્રનાથને એ હોદ્દો ન મળ્યો. તેમની જગ્યાએ બીજા એક ‘બોઝ’- ડી.એમ.બોઝ-ને પ્રોફેસરપદું આપવામાં આવ્યું. તેમણે અસ્વીકાર કરતાં તેમની જગ્યાએ, એટલે કે આઇન્સ્ટાઇનના હકારથી નહીં, પણ ડી.એમ.બોઝના નકારથી, સત્યેન્દ્રનાથને પ્રોફેસર તરીકે નીમવામાં આવ્યા.
એકલવ્યવત્ સત્યેન્દ્રનાથ માટે આઇન્સ્ટાઇન ગુરુ દ્રોણ હતા. પણ આ ગુરુએ શિષ્યનો અંગુઠો માગી લેવાને બદલે તેની સાથે હાથ મિલાવ્યા. ઢાકા યુનિવર્સિટીમાં રીડર તરીકે વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સત્યેન્દ્રનાથે એક પેપર (સંશોધન લેખ) તૈયાર કર્યો હતો. તેનું અંગ્રેજી શીર્ષક હતું : ‘પ્લાન્ક્સ લૉ એન્ડ લાઇટ ક્વોન્ટમ હાઇપોથીસીસ’. તેમનાં અગાઉનાં પેપર પ્રકાશિત કરનાર ફિલોસોફિકલ મેગેઝીને આ પેપર સાભાર પરત મોકલ્યું. એટલે સત્યેન્દ્રનાથે આઇન્સ્ટાઇન સાથે કશો પરિચય ન હોવા છતાં, તેમને એ સંશોધન લેખ મોકલી આપ્યો. સાથેના પત્ર (૪ જુન, ૧૯૨૪)માં પેપરના વિષયવસ્તુ વિશે ટૂંકમાં જણાવીને લખ્યું,
‘જો તમને લાગે કે આ પેપર પ્રકાશનયોગ્ય છે અને જો તમે ફિઝિક્સ વિશેના જર્મન સામયિકમાં એના પ્રકાશન માટે યથાયોગ્ય તજવીજ કરશો તો હું આપનો આભારી રહીશ. તમે મને બિલકુલ ઓળખતા નથી. છતાં તમને આ વિનંતી કરવામાં હું કશો ખચકાટ અનુભવતો નથી. કારણ કે અમે તમારા શિષ્યો છીએ અને તમારાં લખાણમાંથી જ્ઞાનલાભ મેળવીએ છીએ. તમને યાદ હશે કે નહીં જાણતો નથી, પણ તમારા જનરલ રીલેટીવીટી અંગેના પેપરના અંગ્રેજી અનુવાદ માટે કલકત્તાથી કોઇએ તમારી પરવાનગી મંગાવી હતી અને તમે એ આપી પણ હતી...તમારા એ પેપરનો અનુવાદ કરનાર હું જ હતો.’
આઇન્સ્ટાઇને આ પત્રનો જવાબ આપ્યો. એટલું જ નહીં, સત્યેન્દ્રનાથના પેપરનો જર્મન અનુવાદ જાતે કર્યો, જે ભૌતિકશાસ્ત્રના સામયિકના ઓગસ્ટ, ૧૯૨૪ના અંકમાં પ્રગટ થયો. તેની સાથે અનુવાદકની નોંધમાં આઇન્સ્ટાઇને આ સંશોધનને ‘એન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ફોરવર્ડ’ (પ્રગતિની દિશામાં નોંધપાત્ર પગલું) ગણાવ્યું.
આઇન્સ્ટાઇન સાથે સત્યેન્દ્રનાથનો અંગત પરિચય વિજ્ઞાનજગતમાં અમર બન્યો ‘બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટેસ્ટિક્સ’ અને ‘બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ’ થકી. અત્યંત નીચા તાપમાને પરમાણુઓ નવી અવસ્થા પ્રાપ્ત કરે છે, જે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ તરીકે ઓળખાય છે. એની ટેકનિકલ ચર્ચાને બદલે, નામ અને પ્રતિષ્ઠાની જ વાત કરતા હોઇએ ત્યારે યાદ રહે કે આ બન્ને પારિભાષિક નામોમાં પહેલું નામ બોઝનું મૂકાયું છે. કારણ કે તેના મૂળ જન્મદાતા સત્યેન્દ્રનાથ બોઝ હતા. આઇન્સ્ટાઇને બોઝના સંશોધનને આગળ વધાર્યું હતું.
અમરત્વની સામગ્રી
બોસોન અને બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટેસ્ટિક્સ- આ બન્ને સંશોધનો ભૌતિકશાસ્ત્રમાં સત્યેન્દ્રનાથ બોઝનું નામ અમર બનાવવા માટે પૂરતાં છે, પરંતુ ‘અમરત્વ’ની વાત કરીએ ત્યારે યાદ રાખવું પડે કે તેનો સીધો સંબંધ પ્રસિદ્ધિ સાથે નહીં, પ્રતિષ્ઠા સાથે હોય છે. પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિનો સહિયારો ઝળહળાટ (આઇન્સ્ટાઇન જેવા) બહુ ઓછા કિસ્સામાં દાયકાઓ સુધી ટકે છે. તેના માટે પ્રદાન ઉપરાંત દેશકાળથી માંડીને સમાજ-સંસ્કૃતિ જેવાં અનેક પરિબળ કારણભૂત હોય છે. ભારતમાં સત્યેન્દ્રનાથ બોઝનું નામ સુદ્ધાં સાંભળ્યા વિના વિદ્યાર્થી બારમું સાયન્સ કે ભલું હોય તો સાયન્સ ગ્રેજ્યુએટ થઇ જાય, એ બિલકુલ બનવાજોગ છે.
ફક્ત સાયન્સ જ શા માટે, કોઇ પણ વિદ્યાશાખામાં ભણનારને પરિચય હોવો ઘટે, એવું વૈવિઘ્યપૂર્ણ અને મજબૂત સત્યેન્દ્રનાથનું કામ હતું. માતૃભાષામાં વિજ્ઞાન શીખવવા માટેના તેમના પ્રયાસથી માંડીને શાસ્ત્રીય સંગીતના જ્ઞાન સુધી તેમનો વ્યાપ હોવા છતાં, (પ્રસિદ્ધિ માટેની પૂર્વશરત ગણાય એવી) પોતાના કામ સિવાયની પંચાતમાં તેમને રસ ન હતો. તેમની સાદગી-સરળતા અને એકાગ્રતાનાં અનેક ઉદાહરણ વાંચવા મળે છે. કાર્યક્રમોમાં બેઠા પછી આંખ બંધ કરી દેવાની તેમની પદ્ધતિથી ઘણાને ગેરસમજણ થતી હતી. પરંતુ એકથી વધારે પ્રસંગે તેમણે એ અવસ્થામાં પોતાની જાગૃતિનો પરચો આપ્યો હતો. એક વાર તો, વિખ્યાત વિજ્ઞાની નીલ્સ બોહ્ર પ્રવચન દરમિયાન કંઇક સમજાવતી વખતે અટક્યા-અટવાયા અને મંચ પર બેઠેલા સત્યેન્દ્રનાથ સામે જોઇને તેમણે કહ્યું,‘કેન પ્રોફેસર બોઝ હેલ્પ મી?’ શ્રોતાઓના આશ્ચર્ય વચ્ચે, આંખો ખોલીને સત્યેન્દ્રનાથ ઊભા થયા, બોહ્ર જે કહેવા માગતા હતા તે સમજાવી દીઘું અને ફરી પાછા આંખો બંધ કરીને બેસી ગયા.
![]() |
| Nehru- SN Bose/ જવાહરલાલ નેહરુ- સત્યેન્દ્રનાથ બોઝ |
તેમ છતાં, લિમ્કા બુક કે ગિનેસ બુકમાં રેકોર્ડ નોંધાવનારને કે ફિલ્મમાં આઇટેમ સોંગ કરનારને વધારે પ્રસિદ્ધિ મળતી હોય, તો એવી પ્રસિદ્ધિ સત્યેન્દ્રનાથ બોઝને ન મળ્યાનો બહુ ધોખો કેવો? તેમનો પરિચય નવી પેઢીઓને સહેલાઇથી થતો રહે એટલું જ જરૂરી અને પૂરતું છે.
Labels:
einstein/આઇન્સ્ટાઇન,
Higgs Boson,
science/વિજ્ઞાન
Sunday, October 16, 2011
આઇન્સ્ટાઇનના સિદ્ધાંત અને ભૌતિકશાસ્ત્રના પાયામાં પ્રહારનો ‘સર્ન’સનાટીભર્યો દાવો (જે સાચો હોવાની સંભાવના નહીંવત્ છે)
પ્રકાશ કરતાં વઘુ ઝડપ શક્ય છે?

(નોંધઃ આ લેખના પહેલા ફકરામાં થયેલી એક ગફલત અંગે જૂનાગઢના મૌલિક ભટ્ટે ધ્યાન દોર્યા પછી, તેમાં સુધારો કરેલો છે. અગાઉ એવું લખાયું હતું કે પ્રકાશની ઝડપ કરતાં વધારે ઝડપ હાંસલ કરી શકાય, તો ભવિષ્યમાં જવાનું શક્ય બને. ખરેખર, પ્રકાશની ઝડપ કરતાં વધારે ઝડપ હાંસલ કરી શકાય તો ભૂતકાળમાં જવાનું શક્ય બને.) આ ગફલતથી લેખનો પહેલો ફકરો અપ્રસ્તુત બની ગયો છે. છતાં ભૂલ ન થાય એના પૂરા પ્રયાસ સાથે, ભૂલ થાય તો તેની કબૂલાત પણ જાહેર હોવી જોઇએ, એ ધોરણે એ ભૂલવાળો ફકરો અહીં યથાવત રાખ્યો છે.)
કેટલીક ફિલ્મોમાં ને કથાઓમાં એવું બતાવાય છે. રસ્તાની બાજુ પર ઉભેલો એક માણસ તેની સામેથી પસાર થતી મોટરને જોઇને ચીસ પાડી ઉઠે અને એ મોટર આગળ જઇને ભટકાય. ‘મેટ્રિક્સ’ ફિલ્મમાં બને છે તેમ, દૈવી શક્તિ ધરાવતું એક પાત્ર હીરોને કહે ‘જરા પેલી ફૂલદાની સંભાળજે.’ હીરો ‘કઇ ફૂલદાની?’ એવું પૂછવા જાય એ જ વખતે ટેબલ પરથી ફૂલદાની નીચે પડે. ટૂંકમાં ભવિષ્યની ઘટના બનતાં પહેલાં તેના વિશે ખબર પડી જાય.
આ પ્રકારની ‘શક્તિ’ કે ‘વિદ્યા’ને જ્યોતિષથી માંડીને વિવિધ આઘ્યાત્મિક નામ આપવામાં આવે છે અને તેની સિદ્ધિના દાવા કરવામાં આવે છે. એવી કોઇ શક્તિની ખરાઇની ચર્ચામાં ન પડતાં વિજ્ઞાનની રીતે વિચારીએઃ ભવિષ્યમાં જવાનું શક્ય બને તો તેના વિશે ખાતરીપૂર્વક જાણી શકાય, પરંતુ ભવિષ્યમાં જવું શી રીતે? તેનો એક જવાબ છેઃ જો પ્રકાશની ઝડપ કરતાં વધારે ઝડપ હાંસલ કરી શકાય, તો ભવિષ્યમાં જવાનું શક્ય બને-
- અને તો આ લેખ લખાય, એ પહેલાં જ વાચકોએ (અને લેખકે પણ) એને વાંચી કાઢ્યો હોય એવું બની શકે. કમ સે કમ થિયરીની રીતે એવું કલ્પી શકાય.
પણ આ મીઠી કલ્પનાની આડે આઇન્સ્ટાઇનનો સિદ્ધાંત મોટો અવરોધ બનીને ઊભો છે. સાપેક્ષવાદ- સ્પેશ્યલ થિયરી ઓફ રિલેટીવિટીના સિદ્ધાંતમાં તેમણે ફરમાવ્યું છે કે બ્રહ્માંડના સુપર હાઇવે માટેની આખરી અને મહત્તમ ગતિમર્યાદા છેઃ પ્રકાશની ઝડપ એટલે કે ૨,૯૯,૭૯૨.૪૫૮ કિલોમીટર પ્રતિ સેકંડ. (શાળામાં ભણાવાય છે તેમ, ૩ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ) તેનાથી વધારે ઝડપ મેળવવાનું કોઇના માટે શક્ય નથી.
અત્યાર લગી આ વાત ‘પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે’ એ પ્રકારના અફર વૈજ્ઞાનિક સત્ય જેવી ગણાતી હતી. હજુ આ લખાય છે ત્યાં સુધી એનો દરજ્જો અડીખમ ઇમારત જેવો જ રહ્યો છે, પણ ગયા મહિને થયેલી, હળવા ભૂકંપ જેવી એક જાહેરાત પછી તેના પાયામાં સહેજ થરકાટ થયો છે. અલબત્ત, એ કંપન માટે વૈજ્ઞાનિક સંભાવના કરતાં વધારે પ્રસાર માઘ્યમો દ્વારા સર્જિત વિસ્ફોટ જવાબદાર છે.
એકાદ સદીથી સ્વીકારાયેલી, ઘણી અગ્નિપરીક્ષાઓ હેમખેમ પસાર કરી ચૂકેલી આઇન્સ્ટાઇનની થિયરીમાં, મહત્તમ ગતિમર્યાદા જેવા પાયાના મુદ્દે શંકા થાય અને કોઇ કણ માટે પ્રકાશની ગતિને આંબી જવાનું શક્ય બને, એવો દાવો આમ તો પહેલી અપીલમાં જ નીકળી જાય. પરંતુ દાવો કરનાર સંસ્થા ‘સર્ન’ (યુરોપીઅન ઓર્ગેનાઇઝશન ફોર ન્યુક્લીઅર રીસર્ચ) જેવી નામી-પ્રતિષ્ઠિત હોય અને તેના સંશોધકોએ પૂરતી ચકાસણી પછી આ શંકા વ્યક્ત કરવાની હિંમત કરી હોય, ત્યારે તેના વિશે કમ સે કમ વાત કરવાનું કારણ ઊભું થાય છે.
‘સર્ન’ દ્વારા ૨૦૦૮માં જમીનથી ૧૦૦ મીટર નીચે ૨૭ કિલોમીટરના પરીઘમાં પથરાયેલી ટનલમાં એક મહાપ્રયોગનો આરંભ થયો. ‘લાર્જ હેડ્રન કોલાઇડર’ તરીકે ઓળખાતી એ ટનલના પ્રયોગનો મુખ્ય હેતુ બ્રહ્માંડના આરંભિક સંજોગોનો તાગ મેળવવાનો હતો. એક પ્રચલિત થિયરી મુજબ, બ્રહ્માંડની ઉત્પત્તિ પછી તરતના ગાળામાં ‘ગૉડ પાર્ટિકલ’ (વૈજ્ઞાનિક પરિભાષામાં ‘હિગ્સ બોસોન’) તરીકે ઓળખાતા કણ ઉદ્ભવ્યા, જેમનો વિસ્તાર થતાં અત્યારે અફાટ જણાતું બ્રહ્માંડ બન્યું.
ખરેખર ‘ગૉડ પાર્ટિકલ’ અસ્તિત્ત્વ ધરાવે છે? કે તે વિજ્ઞાનક્ષેત્રે પુરવાર ન થયેલી વઘુ એક કલ્પના બની રહેવાનો છે? આ સવાલનો જવાબ ‘સર્ન’ના પ્રયોગોમાંથી મળવાની આશા હતી. તેના માટે લાંબી ટનલોમાં નિયંત્રીત વાતાવરણ વચ્ચે પ્રકાશની ઝડપે ગતિ કરતા કણો વચ્ચેની ટક્કરનું આયોજન કરાયું છે.
પ્રકાશની ઝડપે અથડામણના સંજોગો સર્જવા તૈયાર કરાયેલા ‘લાર્જ હેડ્રન કોલાઇડર’માં નાની-મોટી યાંત્રિક ખામીઓને લીધે તેની કામગીરી થોડો સમય ખોરવાઇ. પ્રકાશની ઝડપે થનારી કણોની અથડામણ અને ‘ગૉડ પાર્ટિકલ’ની તલાશ પણ એટલા પૂરતી પાછી ઠેલાઇ. પણ ૨૦૦૯થી ફરી શરૂ થયેલા આ પ્રયોગમાં ‘જાતે થે જાપાન, પહુંચ ગયે ચીન’ જેવી એક અજાયબી નોંધાઇ. ગયા મહિને ‘સર્ન’ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)ના લાર્જ હેડ્રન કોલાઇડરમાંથી ૪૫૪ માઇલ દૂર આવેલી ઇટાલીની પ્રયોગશાળામાં મોકલવામાં આવેલા ન્યૂટ્રિનો કણો પ્રકાશની ઝડપ કરતાં પણ વધારે ઝડપે પહોંચી ગયા. ચોક્કસ માપ કહેવું હોય તો, પ્રકાશની ઝડપ કરતાં, સેકન્ડના ૬૦ અબજમા ભાગ જેટલા વહેલા!
‘સર્ન’ દ્વારા આ જાહેરાત જોકે બહુ મોટા વૈજ્ઞાનિક પરિણામ તરીકે નહીં, પણ એક વિસંગતી તરીકે કરવામાં આવી હતી અને દુનિયાના બીજા વૈજ્ઞાનિકો આ વિસંગતી લક્ષ્યમાં લઇને વઘુ તપાસ કરે (અને તેને ખોટી જાહેર કરે) એવો જાહેર અનુરોધ પણ કરવામાં આવ્યો. પરંતુ એક સદીથી અડીખમ ઊભેલા આઇન્સ્ટાઇનને ખોટો પુરવાર કરવા ઇચ્છતા અને પુરવાર નહીં કરી શકેલા વૈકલ્પિક સમજૂતીઓવાળા સંશોધકોથી માંડીને પ્રસાર માઘ્યમોને ‘સર્ન’ની જાહેરાતમાંથી ભાવતો મસાલો મળી ગયો. બહારના વૈજ્ઞાનિકો દ્વારા જેની હજુ તલસ્પર્શી તપાસ થશે એવી એક વિસંગતીના આધારે કલ્પનાના ઘોડાની રેસ ચાલુ થઇ ગઇ (જેની એક ઝલક આ લેખના આરંભે નમૂનાલેખે આપી છે.)
વિજ્ઞાનમાં આઇન્સ્ટાઇન કે બીજું કોઇ પણ ‘પવિત્ર ગાય’ નથી અને ‘આઇન્સ્ટાઇન ખોટા હોઇ જ ન શકે’ એવા ઝનૂનનો પણ સવાલ નથી. જેનો સિદ્ધાંત ટકે તે સાચો, એ સીધો ને અઘરો નિયમ છે. આઇન્સ્ટાઇનના સિદ્ધાંતનું જમા પાસું એ છે કે અત્યાર સુધીની અનેક કસોટીઓમાં તે સો ટચનો સાબીત થતો રહ્યો છે. બીજી તરફ, ‘સર્ન’ની ‘સર્ન’સનાટી સર્જનારી જાહેરાતમાં ઓગણીસ-વીસ થવાની ઘણી શક્યતાઓ છે.
સૌથી પહેલો શંકાસ્પદ આસામી ન્યૂટ્રિનો કણ પોતે છે. તેને જોઇ શકાતો નથી, એટલે તેની હાજરી સાંયોગિક પુરાવાથી નક્કી કરવાની રહે છે. ગતિ કરતા કણની ઝડપ સેકન્ડના ૬૦ અબજમા ભાગ સુધી માપવાની યંત્રસામગ્રી હોવા છતાં તે ન્યુટ્રિનો જેવા ‘મિસ્ટર ઇન્ડિયા’ છાપ કણમાં કેટલી હદે ભરોસાપાત્ર ગણાય તે સવાલ રહે છે. આ પ્રયોગમાં બન્ને પ્રયોગશાળા વચ્ચેના અંતરની ચોક્સાઇપૂર્વક માપણી પણ એક મહત્ત્વનું પરિબળ છે. બન્ને પ્રયોગશાળાનાં ઘડિયાળ સેકન્ડના ૬૦ અબજમા ભાગ સુધીનો તફાવત દર્શાવી શકે એટલી હદે ‘મેળવાયેલાં’ હોવાં જોઇએ, તે પણ મહત્ત્વનો તકાદો છે. આવાં અનેક પરિબળોને એક તરફ ઘ્યાનમાં લઇએ, તો બીજી તરફ અત્યાર સુધી થયેલા ન્યુટ્રિનોની ઝડપ વિશેના અભ્યાસ પણ ‘સર્ન’ના પરિણામની તરફેણ કરતાં નથી. ખ્યાતનામ સંશોધક લોરેન્સ ક્રોસે વીસ વર્ષ પહેલાં એક સાથીદાર સાથે કરેલા પ્રયોગોનો હવાલો આપીને લખ્યું છે કે દૂરસુદૂર વિસ્ફોટ પામતા એક તારામાંથી દોઢ લાખ પ્રકાશવર્ષનું અંતર કાપીને આવેલા પ્રકાશ અને ન્યુટ્રિનોના કણો- એ બન્નેની ઝડપ તેમણે માપી હતી. ‘સર્ન’ની જાહેરાત પ્રમાણે, ૪૫૪ માઇલની દૂરીમાં પ્રકાશ કરતાં ન્યુટ્રિનો કણો સેકન્ડના ૬૦ અબજમા ભાગ જેટલા વહેલા પહોંચતા હોય, તો દોઢ લાખ પ્રકાશવર્ષ છેટેથી આવતા પ્રકાશ અને ન્યુટ્રિનોને પૃથ્વી પર પહોંચવામાં સમયનો મોટો તફાવત પડવો જોઇએ. પરંતુ લોરેન્સ ક્રોસે નોંઘ્યું કે એવો કોઇ નોંધપાત્ર ફરક તેમને જોવા મળ્યો ન હતો.
ન્યુટ્રિનોનું અસ્તિત્ત્વ નરી આંખે નહીં, પણ સાંયોગિક રીતે તપાસવું પડતું હોય છે. એ રીતે ભૂગર્ભમાં રહેલાં ન્યુટ્રિનો ડિટેક્ટરમાં ક્રોસ અને તેમના સાથીએ ૧૯ વાર ન્યુટ્રિનોની હાજરી પરખાઇ હતી, પણ એ બધી પ્રકાશનાં કિરણોની લગભગ સમાંતરે જ હતી. એટલે લોરેન્સ ક્રોસે એવી ચિંતા પણ વ્યક્ત કરી છે કે ‘સર્ન’ જેવી સંસ્થા દ્વારા જાહેર થયેલી વિસંગતીને આ હદે ચગાવવાનું યોગ્ય નથી. બલ્કે, આગળ જતાં એ ખોટી સાબીત થશે (જેની શક્યતા પૂરેપૂરી છે) તો પણ ‘સર્ન’નું નામ બીજી વધારે મહત્ત્વની શોધોને બદલે, આ ખોટી પડેલી આગાહી સાથે સંકળાઇ જશે.
કણોની ઝડપ અંગે આઇન્સ્ટાઇને બાંધેલી ગતિમર્યાદા ખોટી પડે કે ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને ક્વોન્ટમ મિકેનિક્સ સહિત ઘણી શાખાઓના નિયમોનો એકડો નવેસરથી માંડવાનો થાય, એ પણ હકીકત છે. એટલે, ‘આઇન્સ્ટાઇનનો સિદ્ધાંત ખોટો પડ્યો’ એવું અત્યારે વાંચવા કે સાંભળવા મળે ત્યારે, એક ગ્લાસ પાણી પીને,‘ ‘સર્નની શંકા ખોટી પુરવાર થઇ’ એવા ભવિષ્યકાળના સમાચાર પોતાના માનસપટ પર વાંચવાનો પ્રયાસ કરજો. એમાં સફળતા મળવાની સંભાવના પૂરેપૂરી છે.
Labels:
einstein/આઇન્સ્ટાઇન,
science/વિજ્ઞાન
Sunday, May 15, 2011
સાપેક્ષવાદના બે સિદ્ધાંતની પ્રેક્ટિકલ ચકાસણીનું પરિણામ: આઇન્સ્ટાઇન ફુલ્લી પાસ, પરીક્ષકને એટીકેટી
બાવન વર્ષની મથામણ અને પંચોતેર કરોડ ડોલરના ખર્ચ પછી જનરલ થિયરી ઓફ રિલેટીવિટીના બે સિદ્ધાંતની તપાસ પૂરી થઇ. ‘નાસા’ના ગ્રેવિટી પ્રોબ-બી યાને આપેલાં અને આ માસના આરંભે જાહેર થયેલાં પરિણામ શું સૂચવે છે?
વર્ષ : ૧૯૧૬
આઇન્સ્ટાઇને સાપેક્ષવાદ તરીકે જાણીતો બનેલો ‘જનરલ થિયરી ઓફ રિલેટીવીટી’નો સિદ્ધાંત આપ્યો. તેમાં

ગુરૂત્વાકર્ષણની સમજૂતી આપતાં આઇન્સ્ટાઇને દર્શાવ્યું કે બ્રહ્માંડનો દરેક પદાર્થ સ્પેસના તાણા અને ટાઇમ (સમય)ના વાણાથી રચાતા અદૃશ્ય, ત્રિપરિમાણીય (થ્રી-ડી) તાણાવાણામાં રહે છે. ગુરૂત્વાકર્ષણ તરીકે ઓળખાતું, મોટો પદાર્થ નાના પદાર્થને પોતાના ભણી ખેંચે એવું બળ પણ અદૃશ્ય તાણાવાણામાં પડતા ઝોલને આભારી છે.
સ્પેસ-ટાઇમના સર્વવ્યાપી તાણાવાણા માટે પ્રચલિત ઉપમા રબરિયા ચાદરની છે. એની અવેજીમાં, સરકસમાં ઝૂલા ના ખેલ વખતે બંધાતી જાળીનું ઉદાહરણ પણ લઇ શકાય. એ જાળી દ્વિપરિમાણીય (ટુ-ડી) હોય છે, પણ પ્રાથમિક ખ્યાલ મેળવવા માટે તે પૂરતી છે.
ધારો કે ઝૂલાના ખેલ વખતે બંધાયેલા જાળીમાં જુદા જુદા વજનના નાના-મોટા ગોળા છૂટાછવાયા મૂકવામાં આવે તો? દરેક ગોળાના કદ-વજન પ્રમાણે જાળીમાં ઝોલ પડે અને ગોળાની આજુબાજૂના જાળીના હિસ્સામાં ઢોળાવ પેદા થાય. એ ઢોળાવની હદમાં કોઇ નાનો ગોળો આવે, તો દેખીતી રીતે જ ઢોળાવ તરફ- અને તે પેદા કરનાર મોટા ગોળા તરફ- આકર્ષાય. સ્પેસ-ટાઇમની થ્રી-ડી ‘જાળી’માં પ્રત્યેક ગોળાના ઝોલ થકી પેદા થતું આકર્ષણ એટલે ગુરૂત્વાકર્ષણ.
થ્રી-ડી ‘જાળી’માં ઝોલ પાડનાર ગોળો સ્થિર નહીં, પણ પોતાની ધરી પર ફરતો હોય તો? તેની આસપાસ રહેલી જાળી પણ ગોળાની ગતિ સાથે મરોડાય કે નહીં? આ બાબત સમજાવવા માટે વૈજ્ઞાનિકોએ પ્રયોજેલી બીજી ઉપમાઃ મધ ભરેલા પ્યાલામાં (પોતાની ધરી પર) ગોળ ફરતી લખોટી નાખવામાં આવે તો? લખોટીની ફેરફુદરડીના- તેના ધરીભ્રમણના પ્રતાપે, લખોટીની આજુબાજુ રહેલા મધનો થોડો હિસ્સો તરડાવો-મરડાવો જોઇએ- પ્યાલામાં ભરેલું બાકીનું મધ ભલે સ્થિર રહે.
વર્ષ : ૧૯૫૯-૬૪
અમેરિકાની સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી અને એમ.આઇ.ટી.ના બે સંશોધકોએ વિચાર્યું : પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. તેને કારણે, આઇન્સ્ટાઇનની થિયરી પ્રમાણે, પૃથ્વીની આસપાસ સ્પેસ-ટાઇમની ‘જાળી’માં નજીવો મરોડ આવવો જોઇએ. એ મરોડ માપી શકાય તો આઇન્સ્ટાઇનની થિયરીને પ્રમાણભૂત રીતે સાચી ઠેરવી શકાય. પણ માપણી માટેનાં સાધનો શી રીતે તૈયાર કરવાં? એ સમયે ભારે ચોક્સાઇ ધરાવતાં દિશાસૂચક જાયરોસ્કોપ બનાવવાનું શક્ય ન હતું. ઉપગ્રહયુગની પણ શરૂઆત હતી.
આ મથામણ ચાલુ હતી ત્યારે ૧૯૬૨માં ડોક્ટરેટ પછીના અભ્યાસ માટે ફ્રાન્સિસ એવરીટ સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા. તેમણે થિયરીની ચકાસણી માટેની વૈજ્ઞાનિક જરૂરિયાતોથી માંડીને રાજકીય -આર્થિક રીતે પ્રોજેક્ટ માટે લોબીઇંગ કરવામાં ઊંડો રસ લીધો અને ૪૯ વર્ષ જેટલા લાંબા સમય સુધી (છેક અંત સુધી) પ્રોજેક્ટ સાથે સંકળાયેલા રહ્યા.
૧૯૬૪માં અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’એ સ્ટેનફર્ડ યુનિવર્સિટી સાથે મળીને આઇન્સ્ટાઇનની થિયરીના બે મુદ્દા ચકાસવાનું બીડું ઝડપ્યું. વિજ્ઞાનની પરિભાષામાં એ બે મુદ્દા હતાઃ ૧) જીઓડેટિક ઇફેક્ટ :પૃથ્વીને કારણે સ્પેસ-ટાઇમની જાળી પર થતી અસર- તેમાં પેદા થતો ઝોલ ૨) ફ્રેમ ડ્રેગિંગ : પૃથ્વીના ધરીભ્રમણને કારણે સ્પેસ-ટાઇમની જાળીમાં આવતો મરોડ.
વર્ષ : ૨૦૦૪
લગભગ સાડા ચાર દાયકા પછી ‘ગ્રેવિટી પ્રોબ-બી’ મિશન વિચાર મટીને વાસ્તવિકતા બન્યું. એપ્રિલ ૨૦, ૨૦૦૪ના રોજ ‘ગ્રેવિટી પ્રોબ-બી’નું માળખું લો અર્થ ઓરબિટમાં- પૃથ્વીથી ૬૪૨ કિલોમીટર ઊંચે, ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું. તેને ચાર જાયરોસ્કોપથી સજ્જ કરવામાં આવ્યું હતું. જાયરોસ્કોપની ચોક્સાઇ માટેનો દાવો એવો હતો કે તેની દિશામાં દર કલાકે એક અંશના એક અબજમા ભાગ કરતાં વધારે ફરક નહીં પડે. ચારે જાયરોસ્કોપમાં વપરાયેલા ગોળાને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે અત્યાર સુધીના ઇતિહાસમાં બનેલા ‘મોસ્ટ પરફેક્ટ’ ગોળાનું પ્રમાણપત્ર આપ્યું હતું. ગ્રેવિટી પ્રોબ-બીનાં ચારે જાયરોસ્કોપને આઇએમ પેગાસી નામના એક તારા ભણી તાકવામાં આવ્યાં.
ગુરૂત્વાકર્ષણને મામલે ન્યૂટન સાચો હોય તો બ્રહ્માંડમાં જીઓડેટિક ઇફેક્ટ કે ફ્રેમ ડ્રેગિંગ જેવું કશું બનવાનું ન હતું અને જાયરોસ્કોપની દિશામાં કોઇ ફરક પડવાનો ન હતો. પણ જો આઇન્સ્ટાઇનની થીયરી સાચી હોય તો? તારો ભલે પોતાની જગ્યાએ અવિચળ હોય, પણ પૃથ્વીના ધરીભ્રમણને કારણે સ્પેસ-ટાઇમની ‘જાળી’માં મરોડ પેદા થવો જોઇએ. પરિણામે, ગ્રેવિટી પ્રોબ-બીનાં જાયરોસ્કોપને તારો એની જગ્યાએથો થોડો ખસેલો લાગવો જોઇએ. એટલે કે તારાને તાકી રહેલાં જાયરોસ્કોપની મૂળ દિશા અને થોડા સમય પછીની દિશામાં મામુલી તફાવત નોંધાવો જોઇએ.

વર્ષઃ ૨૦૧૧
ડિસેમ્બર, ૨૦૧૦માં ગ્રેવિટી પ્રોબ-બીનું અવતાર કાર્ય પૂરું થયેલું જાહેર કરવામાં આવ્યું, પરંતુ ત્યાર પહેલાં આ પ્રયોગની કહાણીમાં ઘણા મરોડ આવી ચૂક્યા હતા. પ્રયોગ શરૂ થતાં પહેલાં સાતેક વખત તેને રદ કરવાનો નિર્ણય લેવાઇ ગયો હતો. એ વખતે એવરીટે દૃઢ નિશ્ચય અને મક્કમ પ્રયાસોથી પ્રયોગને જીવતદાન અપાવ્યું. એ માટે નાસાના અધિકારીઓથી માંડીને અમેરિકાના સાંસદોને સમજાવવામાં એવરીટ પાછા પડ્યા નહીં.
એપ્રિલ ૨૦૦૪થી ઓગસ્ટ ૨૦૦૫ સુધી ગ્રેવિટી પ્રોબ-બીએ માહિતી એકઠી કરવાનું ચાલુ રાખ્યું. પરંતુ તેના દ્વારા મળેલી માહિતી પરથી જણાયું કે અભૂતપૂર્વ ચોક્સાઇ ધરાવતાં જાયરોસ્કોપ ખરાબે ચડીને દિશાભાન ગુમાવી બેઠાં હતાં અને ઘણી વાર આડીઅવળી દિશાઓ ભણી તકાઇ જતાં હતાં. ‘નાસા’ના ઇતિહાસમાં સૌથી લાંબા પ્રોજેક્ટમાંના એક ગણાતા ‘ગ્રેવિટી પ્રોબ-બી’ માટે આ ખેદની વાત હતી. ૨૦૦૮માં ‘નાસા’એ આ પ્રોજેક્ટને ખાડે ગયેલો ગણીને તેને ભંડોળ આપવાનું બંધ કર્યું, ત્યારે ગ્રેવિટી પ્રોબ-બી થકી મળેલી ઘણી માહિતીનો અભ્યાસ અને તેનું પૃથક્કરણ બાકી હતાં. પ્રોજેક્ટ સાથે પોતાનું જીવન જોડી ચૂકેલા એવરેટે હિંમત હાર્યા વગર ખાનગી ભંડોળ માટે પ્રયાસ આદર્યા. એ પ્રયત્નો સફળ થતાં કામ આગળ ચાલ્યું. આખરે ૪ મે, ૨૦૦ના રોજ સંશોધકોએ ‘ગ્રેવિટી પ્રોબ-બી’ના પ્રયોગનાં પરિણામ જાહેર કર્યાં, જે આઇન્સ્ટાઇનની બન્ને થિયરીની પુષ્ટિ કરતાં હતાં.
અલબત્ત, ગ્રેવિટી પ્રોબ-બીનાં પરિણામના મહત્ત્વ અંગે સંશોધકો વચ્ચે મતભેદ પ્રવર્તે છે. ઘણા અભ્યાસીઓ માને છે કે ગ્રેવિટી પ્રોબ-બીનાં પરિણામ નવાં કે પહેલી વારનાં નથી. અત્યાર લગીમાં બીજાં મિશનો દરમિયાન આઇનસ્ટાઇનના બન્ને સિદ્ધાંતની સાબિતી મળતી રહી છે. જેમ કે શનિ અને તેના ઉપગ્રહોના અભ્યાસ માટે ‘નાસા’એ ‘કાસિની’ નામનું યાન રવાના કર્યું હતું. એ યાનમાંથી પૃથ્વી પર આવતા રેડિયોતરંગો સૂર્યના ગુરૂત્વાકર્ષણમાંથી પસાર થતી વખતે (સ્પેસ-ટાઇમની ‘જાળી’માં સૂર્યને કારણે પેદા થયેલા ઝોલની અસરથી) મરોડાયા હતા. બીજો વાંધો ગ્રેવિટી પ્રોબ-બીનાં પરિણામોની ચોક્સાઇ સામે છે. તેના કરતાં અગાઉનાં બીજાં મિશનની આડપેદાશ તરીકે મળેલાં પરિણામ વધારે ચોક્કસ હતાં.
તેમ છતાં, માત્ર ને માત્ર જનરલ થિયરી ઓફ રિલેટીવિટીની ખરાઇ માટેના મિશન તરીકે ગ્રેવિટી પ્રોબ-બીનું નામ વિજ્ઞાનના ઇતિહાસમાં લખાઇ ગયું છે એમાં બેમત નથી.
Labels:
einstein/આઇન્સ્ટાઇન,
science/વિજ્ઞાન
Subscribe to:
Posts (Atom)