Tuesday, September 18, 2018

વાર્તા માટે ફોટોશૂટ : એક અનોખા પ્રયોગની શતાબ્દી

ગુજરાતી પત્રકારત્વમાં હાજી મહંમદ અલ્લારખિયા શિવજીનું નામ બહુ આદર અને કંઈક કરુણતા સાથે લેવાય છે. તેમણે શરૂ કરેલું માસિક 'વીસમી સદી' આજે પણ, આજના કોઈ પણ ગુજરાતી સામયિકની સાથે હરીફાઈમાં મૂકી શકાય એવી રજૂઆત અને સાજસજ્જા ધરાવે છે. ૧૯૧૬થી ૧૯૨૧ દરમિયાન, માંડ પાંચ વર્ષ આ માસિક ચાલ્યું. પણ તેણે એવો ભવ્ય વારસો મૂક્યો કે આજે પણ 'વીસમી સદી' અને તેના અધિપતિ હાજીને યાદ કરતાં રોમાંચ થાય.
Visami Sadi, November 2018
વીસમી સદી, નવેમ્બર, ૧૯૧૮
Haji / હાજી
જે જમાનામાં છપાઈ મોંઘી, અઘરી અને અટપટી હતી, તસવીરો ભલભલા લોકો માટે લક્ઝરી ગણાતી હતી, એ સમયમાં હાજીએ આર્થિક ખુવારી વેઠીને પણ 'વીસમી સદી'ને સજાવ્યું. તેમને એક જ લગની હતી કે કેમ કરીને ગુજરાતી વાચકોને ઉત્તમ આપવું. કેમ કરીને તેમને નવી દુનિયા દેખાડવી. એ માટે તેમણે 'વીસમી સદી'માં અનેક પ્રયોગ કર્યા. કેટલાક એવા, જે આજે પણ તરોતાજા લાગે, કેટલાક એવા જે અત્યારે જૂનવાણી લાગે પણ ત્યારે નવા હોય. જેમ કે, લેેેેખની સાથે લેખકનો ફોટો મુકવાનો રિવાજ હાજીએ શરૂ કર્યો. તેમનો આશય લેખકોનું ગૌરવ વધારવાનો હતો. કવિતાઓને તે એક પાનામાં સાંકડમાંકડ, જગ્યાબચાવ ઝુંબેશની જેમ છાપી દેવાને બદલે, એક કવિતાને એક પાનામાં પૂરી સાજસજ્જા અને ડીઝાઈન સાથે છાપતા હતા. આગળ જતાં ગુજરાતના કળાગુરુ તરીકે જાણીતા બનેલા રવિશંકર રાવળે તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત હાજીની નિશ્રામાં કરી હતી. એ સિવાય પણ મુંબઈના બીજા ચિત્રકારો અને તારાપોર જેવા ફોટોગ્રાફરો હાજીશેઠનું કામ હોંશે હોંશે કરતા હતા.

મેગેઝીનમાં એક પાના પર સેલિબ્રિટી સાથે સવાલજવાબ આવતા. એ વિભાગનું નામ હતું 'દિલનો એકરાર'. તેમાં સેલિબ્રિટીનો ફોટો, છાપેલા સવાલ અને સેલિબ્રિટીનાઅક્ષરમાં તેના જવાબ તથા છેલ્લે સેલિબ્રિટીના હસ્તાક્ષર--એવું છાપવામાં આવતું હતું. બ્લૉકના જમાનામાં આ રીતે છાપવામાં કેવી જહેમત પડતી હશે, એ વિચારવા જેવું છે. અને તેનાથી કેવું કામ થયું તેનો એક નમૂનોઃ આ જ વિભાગમાં એ સમયના મુંબઈના અગ્રણી વકીલ અને નેતા મહંમદઅલી ઝીણાના ગુજરાતી હસ્તાક્ષરમાં જવાબો છપાયા હતા અને છેલ્લે ઝીણાએ 'માહમદઅલી ઝીણા' તરીકે સહી કરી હતી. ઝીણાના કદાચ આ એકમાત્ર ગુજરાતી હસ્તાક્ષર હશે.

આવો જ એક પ્રયોગ હાજીએ નવેમ્બર, ૧૯૧૮ના અંકમાં કર્યો. ગુજરાતીની પહેલી ટૂંકી વાર્તા 'મલયાનિલ'ની 'ગોવાલણી' ગણાય છે.  હાજીએ તેને પૂરા વજન સાથે છાપવાનું નક્કી કર્યું અને વિખ્યાત ફોટોગ્રાફર જહાંગીર તારાપોરને એ કામ સોંપ્યું. તારાપોરે વાર્તાનાં બે મુખ્ય પાત્રોને પસંદ કર્યાં અને વાર્તાની સિચ્યુએશન પ્રમાણે તેમની તસવીરો લીધી. એ જમાનામાં એક વાર જગદીશચંદ્ર બોઝ મુંબઈ આવ્યા ત્યારે હાજીએ તેમની મુલાકાત લઈને, બીજા જ દિવસે બોઝબાબુને તેમની તસવીરોની પ્રિન્ટ આપી, ત્યારે બોઝ નાના બાળકની જેમ પોતાની તસવીરો જોવા લાગ્યા હતા. તસવીરોની એવી નવાઈ હતી, એ જમાનામાં હાજીએ નવેમ્બર, ૧૯૧૮ના 'વીસમી સદી'ના અંકમાં સાડા ચાર પાનાંની ગોવાલણી સાથે ચાર તસવીરો છાપી અને એ પણ આખા-આખા પાનામાં પાથરીને. એટલે કુલ સાડા આઠ પાનાંમાં આખી વાર્તા છપાઈ.





આ ઘટનાના દાયકાઓ પછી 'ગુજરાત સમાચાર'માં ઝવેરીલાલ મહેતા અને જી.એચ.માસ્ટર જેવા ઉત્તમ તસવીરકારો રવિવારની પૂર્તિમાં નવલકથાના હપ્તાની સાથે સાચાં પાત્રોની ફોટોગ્રાફી કરતા હતા.એ તસવીરોએ પણ એક ઓળખ અને આકર્ષણ ઊભું કર્યું હતું.  હાલમાં 'દિવ્ય ભાસ્કર'માં શરૂ થયેલી મિત્ર આશુ પટેલની દૈનિક નવલકથા માટે પણ સાચાં પાત્રોની (ગુજરાતી ફિલ્મના કેટલાક કલાકારો) ફોટોગ્રાફી કરવામાં આવી છે અને રોજના હપ્તા સાથે સાચાં પાત્રોનો એક ટચૂકડો ફોટો પણ પ્રગટ થાય છે.

આ બધા પ્રયોગોની સાખે જોતાં સો વર્ષ પહેલાં હાજીએ કરેલા પ્રયોગનું મૂલ્ય વધી જાય છે અને હાજી માટેનો આદર નવેસરથી તાજો થાય છે. 

Monday, September 17, 2018

મેઘાણી, 'નિરંજન'અને કલમ ૩૭૭

સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદા દ્વારા ૩૭૭મી કલમમાં ફેરફાર કર્યો અને બે પુખ્ત વ્યક્તિઓ વચ્ચે પરસ્પર સંમતિથી બંધાતા સજાતીય સંબંધને ગેરકાયદે ઠેરવતી જોગવાઈ રદ કરી. એ ઘટનાક્રમ સાથે વધુ એક વાર ઝવેરચંદ મેઘાણી અને તેમની પહેલી નવલકથા 'નિરંજન' (૧૯૩૬)ની યાદ તાજી થઈ.

અંગ્રેજોના જમાનામાં બનેલા અને આઝાદ ભારતમાં પણ ચાલુ રહેલા ઘણા કાયદાની જેમ ૩૭૭મી કલમની કેટલીક જોગવાઈઓ જૂનવાણી અને રૂઢિચુસ્ત હતી. એમ તો રાજદ્રોહના કાયદો પણ એવો જ છે-- અંગ્રેજોએ દેશી લોકો માટે બનાવેલો અને તેમના પછી દેશી સરકારોએ દેશી લોકો માટે ચાલુ રાખેલો. પરંતુ રાજદ્રોહના કાયદા બાબતે બધા પક્ષોની સરકારો એકમત છે. કોઈ એ સત્તા જતી કરવા તૈયાર નથી. તેની સરખામણીમાં, સજાતીય સંબંધો પર વાગેલો 'ગેરકાયદેસર'નો જૂનવાણી અને અન્યાયી ઠપ્પો આઝાદીના સાત દાયકા પછી દૂર તો થયો.

કોઈ પણ પ્રકારના સજાતીય સંબંધોને ગેરકાયદેસર ઠરાવતી જોગવાઈ ૧૮૬૦થી ભારતીય દંડસંહિતામાં દાખલ થઈ.  ત્યાર પછી બ્રિટને ૧૯૬૭થી એ અન્યાય દૂર કરી નાખ્યો, પણ ભારતને ત્યાં સુધી પહોંચવામાં બીજા પાંચ દાયકા નીકળી ગયા. એ મુદ્દે રાજકીય પક્ષોનું વલણ પણ સાવચેતીપૂર્ણ રહ્યું. કારણ કે સજાતીય સંબંધોને રોગ ગણાવનારા બાબા રામદેવ કે જેનેટિક ડિસઓર્ડર (જનીનગત ખામી) ગણાવનાર સુબ્રમણ્યન્ સ્વામી જેવા ઘણા લોકો રાજકારણમાં છે. ઉપરાંત, સજાતીય સંબંધોને સ્વાભાવિક ગણવાનો ઉત્સાહ દર્શાવતાં, ક્યાંક પ્રચલિત લોકલાગણીને નારાજ કરી બેસવાની બીક પણ નેતાઓને લાગતી હશે.

તેની સરખામણીમાં ઝવેરચંદ મેઘાણી જેવા પ્રચંડ સર્જક યાદ આવે, જેમણે છેક ૧૯૩૬માં સજાતીય સંબંધોનું આલેખન તેમની પહેલી નવલકથા 'નિરંજન'માં કર્યું હતું. અત્યારે આ વિષય અંગે આટલી રૂઢિચુસ્તતાનો માહોલ છે, તો ત્રીસીના દાયકામાં સ્થિતિ કેવી હશે તે કલ્પી શકાય. એ વખતે મેઘાણીએ સજાતીયતાનો મુદ્દો છેડ્યો, એટલું જ નહીં, તેને સમભાવપૂર્વક આલેખ્યો. ૧૯૪૧માં પ્રગટ થયેલી પુસ્તકની બીજી આવૃત્તિમાં મેઘાણીએ લખ્યું હતું, ‘જાતીય વિકૃતિનો એક અણછેડાયેલ ખૂણો અજવાળે આણવા બદલ આ પુસ્તકને ધન્યવાદ મળ્યો છે, તેમ કેટલાક તરફથી ઠપકો પણ મળેલ છે. મેં જે કર્યું છે તેનો પસ્તાવો થવાનું કારણ મને આજે ફરી વાર પણ શોધ્યું જડતું નથી. નિરંજન જાતીય વિકૃતિનો ભોગ થઈ પડ્યો છે એવું નહીં, પણ એ આવા પ્રકારનાં માનસિક મંથનો અનુભવી રહેલ છે અને છેવટે પોતાના વિકારનું ઊર્ધ્વીકરણ સાધે છે, એવું આલેખવાનો મારો આશય છે. હું માનું છું કે મેં એમ જ આલેખ્યું છે. છતાં વાચકોને એવી છાપ ન પડે તો તે દોષ મારી આલેખનકલાની અશક્તિનો છે.’
Zaverchand Meghani/ ઝવેરચંદ મેઘાણી
નવાઈ લાગે એવી બીજી વાત એ છે કે એ સમયગાળામાં મરાઠીમાં પણ 'નિરંજન' નામની એક નવલકથા લખાઈ હતી, જેમાં મુખ્ય પાત્ર પ્રોફેસર નિરંજન પર જાતીય વિકૃતિના આરોપ લાગે છે. મેઘાણીએ નોંધ્યું છે તેમ, મરાઠી નિરંજનના લેખક માધવ જ્યુલિયન એક કોલેજમાં પ્રોફેસર હતા ત્યારે તેમની પર આ પ્રકારના આરોપ થયા હતા અને 'કાયદાની અદાલતેથી કલંકમુક્ત થયા છતાં લોકદૃષ્ટિમાંથી પદભ્રષ્ટ જ રહ્યા હતા.’ માધવ જ્યુલિને મેઘાણીની 'નિરંજન'વાંચી હતી અને બહુ વખાણી હતી, એવી પણ નોંધ છે.

અનિવાર્ય નથી, પણ સામાન્ય રીતે એવું મનાય છે કે લેખકની પહેલી નવલકથામાં તેના જીવનના કોઈ હિસ્સાની ઝાંખી હોઈ શકે. સાથોસાથ, (હજુ પણ બને છે તેમ) સજાતીય સંબંધોને સમભાવપૂર્વક જોનાર પોતે આ પ્રકારના સંબંધ ધરાવતા હશે એવું ધારી લેવાય નહીં.  છતાં, ઇતિહાસની એક પાદટીપ તરીકે એટલું નોંધવું જોઈએ કે મેઘાણીને પત્રકારત્વમાં લાવનાર અને શરૂઆતનાં વર્ષોમાં મેઘાણીએ જેમની સાથે નિકટતાથી કામ કર્યું હતું, તે અમૃતલાલ શેઠ પર સજાતીય સંબંધો સહિતના ગંભીર આરોપો મુકાયા હતા.

સૌરાષ્ટ્રના રાણપુરમાં રહીને દેશી રજવાડાં વિશે બહાદુરીભર્યા અહેવાલો લખનાર અમૃતલાલ શેઠ સામે કાર્ટૂનિસ્ટ 'શનિ' (કેશવલાલ ધનેશ્વર દ્વિવેદી)એ ૪૮ પાનાંની પુસ્તિકાસ્વરૂપે આરોપનામું પ્રગટ કર્યું હતું. તેમાં મુખ્ય ધરી શોષણ અને બળજબરીની હતી. એ પુસ્તિકાના મુદ્રક અને પ્રકાશક તરીકે 'મહંમદઅલી જે.વીરાણી, વીરાણી પ્રીન્ટરી, પ્રીન્સેસ સ્ટ્રીટ, કરાંચી'નું નામ હતું. પુસ્તિકાના અંતે 'શનિ’એ અમૃતલાલ શેઠને બદનક્ષીનો કેસ કરવાનો પડકાર ફેંક્યો હતો. તેનું શું થયું એ જાણવા મળતું નથી. પણ મેઘાણીએ 'નિરંજન'માં કરેલું સજાતીય સંબંધોનું સંવેદનસભર અને નજાકતભર્યું નિરૂપણ આજે પણ સ્પર્શે એવું છે.

સમાજની દૃષ્ટિએ દુર્જન ગણાયેલું એક પાત્ર સજાતીય આવેગો અનુભવતા નાયકને એક પુસ્તક વાંચવા આપે છે. તેમાં નાયક વાંચે છે, 'ભય ન પામો. પ્રકૃતિ તમને અનેક સૂરોમાં સાદ કરે છે. છુપાવતા નહીં, પણ તમારી આસપાસના સર્વેને મોટે સ્વરે જાણ કરજો. ગોપનતા (ગુપ્તતા) જ તમારો ભયાનક રિપુ (દુશ્મન) છે. તમે જેઓને કહેશો, તેમાંથી ઘણાય તમને સામે આવી આવી જણાવશે કે અમારેય આવું બન્યું હતું, ને પછી એની ખોટી રહસ્યમયતા ચાલી જશે. ઝીણી ચિરાડો વાટે તાકતી આંખો અટકી જશે. તમારા અનુભવોના આગલા દ્વારેથી જ સર્વ જિજ્ઞાસુઓ પ્રવેશ કરશે.’

એ સમયની તાસીર પ્રમાણે મેઘાણીએ સજાતીય આવેગોને ઉંમરસહજ અને વચગાળાની ગણાવતાં પાત્રના મનોભાવ તરીકે લખ્યું હતું : આ તે કયા પ્રકારની લાગણી છે? હાઇસ્કૂલ અને કોલેજનાં જે દસ-અગીયાર વર્ષો, જે કટોકટીનાં વર્ષો, જે વર્ષોના સમયગાળામાં આવી સ્નેહવેદના રમણ કરે છે, તે વર્ષોમાં એક પણ સ્થળે આ વિષય પરનું રસ્તો દેખાડનારું સાહિત્ય કાં ન મળે?...રાજારાણીઓનાં ને નવરા ધનિકોના એ આવેશની ઘેલછાઓ ખડકનારાઓએ ક્યાંયે, કોઈ એકાદ પંક્તિમાંયે કેમ ન સૂચન કર્યું, કેમ ન ખબર આપી, કેમ ન લાલબત્તી બતાવી, કે પુરુષ-પુરુષ વચ્ચેનો આવો ઊર્મિયોગ શાથી બને છે, ને કેવા પ્રકારનો બને છે?

૧૯૩૬માં આટલી સ્પષ્ટતા અને ઉત્કટતાથી વિચારી શકનાર મેઘાણી કલમ ૩૭૭નો ચુકાદો સાંભળીને કેવા રાજી થયા હોત, એવો વિચાર તેમના ચાહક તરીકે અવશ્ય આવે. સાથે તેમની એ ટીપ્પણી પણ સાંભરે કે અદાલતે કલંકમુક્ત કે ગુનામુક્ત કર્યા પછી સમાજે સજાતીય સંબંધો પ્રત્યે સંવેદનસભર સમદૃષ્ટિ કેળવવાની બાકી રહે છે.

Thursday, September 06, 2018

ગાંધી-૧૫૦ : શું ન કરવું...

સઅાદત હસન મંટોની એક લઘુકથા હતીઃ ટોળું તોફાને ચઢ્યું. તેમાંથી એક જણે સર ગંગારામના પૂતળાનું મોં કાળું કર્યું. બીજાએ તેને જૂનાં ખાસડાંનો હાર પહેરાવ્યો. પોલીસ આવી. લાઠીચાર્જ અને ગોળીબાર થયો. તેમાં જૂતાંનો હાર પહેરાવનાર ઘાયલ થયો. એટલે સારવાર માટે તેને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

બરાબર એક મહિના પછી સરકારી રાહે ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિનાં ઉજવણાં શરૂ થશે. તેમાં ગાંધીજીની હાલત કંઈક અંશે ઉપરની કથામાં આવતા સર ગંગારામ જેવી થવાની પૂરી આશંકા છે. ગાંધીજીના મોઢે મેશ લગાડવાના પ્રયાસ કરનાર અને તેમના વિશે ધીક્કાર ફેલાવનારા પણ (ગાંધી-૧૫૦ને વટાવી ખાવા) ગાંધીના શરણે જશે. તેમના સતત કુપ્રચાર છતાં ગાંધીગાડી હજુ ચાલી રહી છે,  એ જોઈને ચલતા પૂર્જા ચાલુ ગાડીમાં ચડી બેઠા છે.  બાકી રહ્યો ગાંધીના નામે ચરી ખાવાનો ધંધો. એ તો ગાંધીની હયાતિમાં જ શરૂ થઈ ચૂક્યો હતો. આમ, બે બાજુથી વહેરાતી અસલી ગાંધીની સ્મૃતિનું તેમની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે સાવ પરચૂરણીકરણ થઈ જાય, એ સંભાવના ગંભીર છે.  તેની શરૂઆત છેલ્લા થોડા સમયથી (સ્વચ્છતા અભિયાન જેવાં ગતકડાં સાથે ગાંધીને સાંકળીને) થઈ ચૂકી છે.

આ સંજોગોમાં ગાંધી-૧૫૦ નિમિત્તે શું ન કરવું જોઈએ તેની કેટલીક સ્પષ્ટતા ઉપયોગી નીવડી શકે છે. સાચા ગાંધીપ્રેમીઓ આ અધૂરી યાદીમાં પોતાના તરફથી ઉમેરા પણ કરી શકે છે. પરંતુ ધુમાડાબંધ રીતે થનારાં ઉજવણાંમાં ગાંધીનું હાર્દ ખોવાઈ ન જાય, એટલા પૂરતી આ એક શરૂઆત.

વૈષ્ણવજનનું આલ્બમીકરણઃ ગાંધીજીના હાર્દ સુધી પહોંચવાની પળોજણમાં ન પડવું હોય તો સહેલો રસ્તો તેમનાં પ્રતીકોને પકડવાનો છે-- જેમ સરકારી સ્વચ્છતા ઝુંબેશમાં ગાંધીના ચશ્માને સંડોવી દેવામાં આવ્યા (જે ગાંધીજીના નહીં, પણ 'તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા'ના લોગોની યાદ અપાવે છે) 'વૈષ્ણવજન'એવું જ એક પ્રતિક છે, જેનું સહેલાઈથી બજારીકરણ કરી શકાય છે. એક સમાચારમાં વાંચ્યું કે આ ભજન જુદા જુદા દેશના મોટા ગાયકો પાસે ગવડાવવાનું વિચારાઈ રહ્યું છે. પછી 'વૈષ્ણવજન'નું આલ્બમ બનશે. મૅડોના સફેદ સાડીને પહેરીને એ ભજન ગાશે કે શાકિરા પંજાબી ડ્રેસ પહેરીને, એ હજુ જાણવા મળ્યું નથી. પણ આવું આલ્બમ ધારો કે ધૂમ મચાવે, તો પણ તેમાં ગાંધી ક્યાં આવ્યા? તેમનાં મૂલ્યો ક્યાં આવ્યાં? એ આલ્બમના વેચાણમાંથી ગાંધીને લગતું કોઈ કામ કરીને માર્કેટિંગને વાજબી ઠરાવવાની કોશિશ કરવામાં આવે, એ તો માથું કાપ્યા પછી પાઘડી પહેરાવવા જેવું ન ગણાય? અને જે લોકોને આવા કામ વિશે 'આટલુંય કોણ કરે છે?’ એવો ભાવ થતો હોય, તેમને જણાવવાનું કે 'આટલું'જો આવું જ થવાનું હોય તો કશું ન થાય તે વધુ સારું.

ઘેલાઈભર્યા વિશ્વવિક્રમોઃ કામ કરનારા લોકો પોતાનું કામ કરે છે અને વિશ્વવિક્રમો નોંધાય છે, જ્યારે ધ્યાનભૂખ્યા, શોર્ટકટીયાઓ દરેક બાબતમાં વિક્રમો નોંધાવવા હડી કાઢીને છીછરી માનસિકતાનું પ્રદર્શન કરે છે. ઘણા સમયથી આવી માનસિકતાને રાજ્યાશ્રય પણ મળેલો છે. એટલે યોગ જેવી ભારતીય પરંપરાનું જે હદે સરકારીકરણ અને વિશ્વવિક્રમીકરણ કરવામાં આવ્યું છે, એવું ગાંધીના મામલે પણ થવાની પૂરી આશંકા છે. જેમ કે, ફલાણા ઠેકાણે એક સાથે વિક્રમી સંખ્યામાં લોકોએ 'વૈષ્ણવજન'ગાયું કે ઢીકણા ઠેકાણે વિક્રમી સંખ્યામાં લોકોએ ગાંધી મૅરેથૉન યોજી...
ગાંધીને ગાંધી બનવા માટે એકેય વિશ્વવિક્રમ નોંધાવવા પડ્યા ન હતા. તેમણે લખેલા પત્રોની સંખ્યા કદાચ એક જીવનમાં, એક માણસ દ્વારા લખાયેલા સૌથી વધુ પત્રોનો વિશ્વવિક્રમ હોઈ શકે, પરંતુ એ વિક્રમ ન હોય તો પણ તેનાથી શો ફરક પડે છે, જો તેમાં ગાંધીપણું ન હોય. એટલે સંખ્યાના કે નાણાંના જોરે વિશ્વવિક્રમો સ્થાપીને મોટાઈ અનુભવવાની લઘુતાગ્રંથિથી બચવું રહ્યું-- કમ સે કમ ગાંધીને અંજલિ આપવાની બાબતમાં તો ખરું જ.

ગાંધીમૂલ્યોના ધંધાદારી બ્રાન્ડ અૅમ્બેસેડરઃ ગાંધીમૂલ્યો એ જાહેરખબરોનો મામલો નથી કે જેટલો મોટો બ્રાન્ડ અૅમ્બેસેડર, એટલો વધારે પ્રભાવ. જેમાં ગાંધી કરતાં બ્રાન્ડ અૅમ્બેસડર પર વધારે ભાર હોય તે સંદેશો તો અપાતા પહેલાં જ ખોવાઈ ગયેલો કે આડા પાટે ચડી ગયેલો ગણાય. ગાંધીના ઉપદેશને અમિતાભ બચ્ચનના ચહેરાની કે રાજકુમાર હીરાણીના ડાયરેક્શનની જરૂર નથી.  ગાંધી અને નવરત્ન તેલમાં કે ગાંધી અને સંજય દત્તમાં એ પાયાનો ફરક છે. ગાંધીના મામલે, મૂળ 'પ્રોડક્ટ'એવી નથી કે તેને તારી નાખવા માટે મોટા બ્રાન્ડ અૅમ્બેસેડરની જરૂર પડે. તેનો અર્થ એમ પણ નહીં કે બચ્ચન-હીરાણી ટાઇપના લોકોના પ્રયાસની ટીકા કરવી. સવાલ યોગ્ય તોલમાપ કરવાનો છે. ગાંધીની થોડીઘણી વાત કે વિચાર પહોંચાડવા માટે પણ પૅકેજિંગના મોહમાં પડ્યા, તો રસ્તો ચૂક્યા સમજવું. ગાંધીને સારા પૅકેજિંગ કરતાં પણ વધારે, પ્રામાણિક અને સાચકલા સ્વરૂપે રજૂ કરવાની જરૂર છે. ભેળસેળ વગરના, સો ટકા શુદ્ધ ગાંધી પોતે બધા બ્રાન્ડ અૅમ્બેસેડરના બાપ થાય એમ છે.

ધર્મ-અધ્યાત્મગુરુઓ અને ગાંધીઃ ધાર્મિક-આધ્યાત્મિક રજવાડાંથી ગાંધી દૂર જ રહ્યા અને લોકોના ધક્કે પણ પોતે એ ખાંચામાં ન સરી જાય તેની પૂરતી ચોંપ રાખી. ધર્મ-અધ્યાત્મની લાઇનમાં રહેલા લોકોના મોઢેથી ગાંધીની વાત એટલા માટે જ રુચતી નથી. ગીતા હોય કે કુરાન, ગાંધીએ ધર્મને માનવતાની ઉપર કદી સવાર થવા દીધો નહીં અને ધર્મગુરુઓને માથે ચડવા દીધા નહીં. કોમી તનાવના સમયમાં ધર્મ વિભાજન અને હિંસાનું કારણ બન્યો, ત્યારે પણ ગાંધીએ માનવધર્મનો મહિમા કર્યો અને બધા ધર્મગુરુઓથી ઉપર બની રહ્યા. પોતે લોકો પાસેથી જે ફાળો ઉઘરાવતા હતા, તેનો પૂરેપૂરો હિસાબ રાખ્યો. બારડોલી સત્યાગ્રહ કે પૂરરાહત વખતે એકઠાં થયેલાં નાણાંનો આના-પાઈનો હિસાબ તેમના સાપ્તાહિક ‘નવજીવન’નાં પાનાં ભરીને પથરાયેલો જોવા મળે છે. લોકસેવા અને ઉત્તરદાયિત્વનાં આવાં ગાંધીધોરણોથી વિપરીત આચરણ ધરાવતા અને સરકારો જોડેની સારાસારીમાં મહાલતા ધર્મગુરુઓ કે સ્યુડો-ધર્મગુરુઓ કયા મોઢે ગાંધીની વાત કરી શકે? એરણની ચોરી કર્યા પછી સોયનું દાન કરીને પોતાની સાત્વિકતા પર જાતે ને જાતે હરખાતા અથવા પ્રચાર માધ્યમોના જોરે છવાઈ જતા કહેવાતા ગુરુજીઓના મોઢેથી ગાંધીની વાત શોભશે?
વિચારવાનું આપણે છે.