Thursday, June 12, 2025
‘ગાંધી પછીનું ભારત’ની પ્રકાશન-કથા (2) : "સાડા ત્રણ મહિનામાં પહેલા ભાગનો અનુવાદ પૂરો થઈ શકે."
'ગાંધી પછીનું ભારત'ની પ્રકાશન કથા (1)
બપોરે રામચંદ્ર ગુહાને મળ્યા પછી રાત્રે ઘરે પહોંચીને તેમને ઇ-મેઇલ લખ્યો. તેમાં મળવાનો આનંદ વ્યક્ત કરવા ઉપરાંત, ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ના ગુજરાતી અનુવાદની વાતનો ઉલ્લેખ કર્યો હતો. બીજા દિવસે ગુહાનો મેઇલ આવી ગયો. તેમાં લખ્યું હતું, Go ahead with the Gujarati translation of “India After Gandhi”. આમ, 20 ઓક્ટોબર 2016થી ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ના ગુજરાતી અનુવાદની ઘડિયાળ શરૂ થઈ (જે સમય જતાં ઘડિયાળને બદલે કેલેન્ડર બની જવાની હતી) તે વખતે ‘સાર્થક જલસો-7’ (નવેમ્બર 2016)નું કામ ચાલતું હશે, એટલે વચ્ચે ખાડો પડ્યો. પણ 11 ડિસેમ્બર, 2016ના રોજ પુસ્તકનાં પહેલાં ત્રણેક પાનાંનો અનુવાદ કરીને મેં ‘સાર્થક’ના સાથીદારોને મોકલ્યો. સાથે લખ્યું હતુઃ
“આ સાથે ઇન્ડિયા આફ્ટર ગાંધીનાં પહેલાં ત્રણ પાનાંનો અનુવાદ મોકલું છું. અખતરા લેખે આજે મેં કરી જોયો, જેથી સમયનો ખ્યાલ આવે. આટલું કરતાં મને એક કલાક થયો. અનુવાદ વિશે તમારી ટિપ્પણીઓ જણાવશો. આ પુસ્તક આપણે કરવું જોઈએ, એવું મને લાગે છે. અનુવાદ કરનાર કોઈ સરસ મળે અને આપણે [થયેલા અનુવાદ પર] ઓછામાં ઓછી મહેનત કરવી પડે, તો અનુવાદ માટે આપવાની આપણી તૈયારી છે. બાકી, હું અને દીપક કરી લઇએ. બીરેનને રસ અને સમય હોય તો તેને સાંકળી શકીએ... આપણે બે ભાગમાં આ કામ કરવાનું છેઃ ઇન્ડિયા આફ્ટર ગાંધી, ઇન્ડિયા આફ્ટર નેહરુ. પહેલા ભાગનાં 384 પાનાં છે. આપણે બે જણ કરીએ અને રોજનાં બે પાનાં અચૂક કરવાં એવા નિયમ સાથે કરીએ તો એક જણનાં અઠવાડિયાનાં 14 અને મહિનાનાં આશરે 60 પાનાં થાય. એટલે એક જણ ત્રણ મહિનામાં આશરે 180 પાનાં કરે. બે જણ કરે તો 360 પાનાં થાય. આમ સાડા ત્રણ મહિનામાં અનુવાદનું કામ પૂરું થઇ શકે.”
કેવું ભવ્ય, આશાવાદી અને વાંચવામાં સારું લાગતું, છતાં ભાગ્યે જ પાર પડે એવું આયોજન 😊 . પરંતુ આપણું ધાર્યું ક્યાં કંઈ થાય છે. છેવટે તો અનુવાદ કરનારા કરે એ જ થાય. દીપક-બીરેનને સમય અને રસરુચિના અભાવે સંકળાવાનું ન બન્યું. યાદ છે ત્યાં સુધી, નીલેશભાઈ (રૂપાપરા)ને પણ પૂછી જોયું હતું. પરંતુ આ કામ એટલું લાંબું હતું કે કોઈને પણ તે હાથમાં લેતાં સ્વાભાવિક ખચકાટ થાય. છેવટે દિલીપભાઈ ગોહિલને અમે વાત કરી. દિલીપભાઈ ગુજરાતી ‘ઇન્ડિયા ટુડે’ના કોપી એડિટર રહી ચૂક્યા હતા. તેમનો અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ બહુ સારો. દિલીપભાઈ જોડેની દોસ્તીમાં ભૂતકાળમાં ચડાવઉતાર રહ્યા હતા, પણ તેમના કામની ગુણવત્તા વિશે બેમત ન હતો. એટલે અમે વ્યાવસાયિક ધોરણે આ કામ આગળ વધારવાનું નક્કી કર્યું. ત્યાં સુધીમાં મે પહેલું પ્રકરણ શરૂ કરી દીધું હતું. એટલે, મૂળ યોજના પ્રમાણે, પહેલા ભાગનાં પ્રકરણ હું કરું ને બાકીના ભાગ (બીજા મિત્રોને બદલે) દિલીપભાઈ કરે એવું ઠર્યું.
![]() |
| દિલીપ ગોહિલઃ સાર્થક જલસો-9ના મિલન મેળાવડામાં (ફોટોઃ ઇશાન કોઠારી) |
પુસ્તકના બે ભાગનું નામ અલગ અલગ (ઇન્ડિયા
આફ્ટર ગાંધી, ઇન્ડિયા આફ્ટર નેહરુ) રાખવાનો ખ્યાલ
હિંદી અનુવાદ પરથી આવ્યો હતો. ગુહા સાથે વાત થઈ ત્યારે તેમને કહ્યું હતું કે ગુજરાતીમાં
આટલું દળદાર પુસ્તક (એકાદ હજાર પાનાંનું) ચાલે નહીં. તેના બે ભાગ કરવા પડે. ત્યારે
તેમણે કહ્યું હતું કે હિંદી અનુવાદ બે ભાગમાં છે અને તેને બે અલગ નામ પણ આપવામાં
આવ્યાં છે. પુસ્તકના ભાગ પણ સહજ રીતે એવા બની આવ્યા છે કે આઝાદીથી નહેરુના શાસનકાળ
સુધીનું એક પુસ્તકમાં આવે અને તેમના મૃત્યુ પછીના ગાળાનું બીજું પુસ્તક થાય.
આવી માનસિક તૈયારી સાથે દિલીપભાઈએ અને મેં કામ શરૂ કર્યું. આટલાં વર્ષે મનમાંથી નીકળી ગયું હતું, છતાં આ લખતી વખતે જૂના ઇ-મેઇલ જોઈને થયું કે શરૂઆતમાં કામ બરાબર ચાલતું હતું. ડિસેમ્બર 2016ના મારા એક મેઇલમાં એવો પણ ઉલ્લેખ છે કે ‘અમે માર્ચ 2017 સુધીમાં પહેલા ભાગનું કામ પૂરું કરી દઈશું.’ ત્યારે એવું પણ વિચાર્યું હતું કે કદાચ પહેલો ભાગ થઈ જાય તો, બીજા ભાગની રાહ જોયા વિના, તેને પ્રગટ કરી શકાય. દરમિયાન, વર્ષ 2017માં રામચંદ્ર ગુહા પુસ્તકની બીજી આવૃત્તિની તૈયારી કરતા હતા. તેમાં તેમણે એક પ્રકરણ અને નવી, લાંબી પ્રસ્તાવના ઉમેર્યાં હતાં. આ વાતની જાણ તેમણે મને પણ કરી અને કહ્યું કે દસ વર્ષ પછી થઈ રહેલી પુસ્તકની આવૃત્તિમાં નવી સામગ્રી આવી રહી છે. ફેબ્રુઆરી 2017માં નવા ઉમેરાની જે વર્ડ ફાઇલ તેમણે તેમના અંગ્રેજી પ્રકાશકોને જે મોકલી હતી, એ જ અમને પણ મોકલી આપી. જોકે, અમારા માટે એ કામ હજુ દૂર હતું. કારણ કે અમે પહેલો ભાગ પૂરો કરવામાં હતા.
![]() |
| સાર્થક જલસો-8નો સંપાદકીય |
માર્ચ-એપ્રિલ આવ્યા એટલે ‘સાર્થક જલસો’ના આઠમા અંકનું કામ શરૂ થયું અને અનુવાદ સહિતનું બીજું કામ બાજુ પર મુકાઈ ગયું. એ જ અરસામાં અશ્વિની ભટ્ટની નવલકથાઓના હકો પણ તેમના પરિવારે સાર્થક પ્રકાશનને આપ્યા. અશ્વિની ભટ્ટની નવલકથાઓના ચાહક અને તેમના અંગત પરિચયમાં આવ્યા પછી તેમના વ્યક્તિત્વના પ્રેમી એવા અમારા માટે એ બહુ મોટી વાત હતી. એટલે ‘સાર્થક જલસો-8’ના સંપાદકીયમાં પોતપોતાની રીતે અત્યંત મોટાં ગણાય એવાં બે નામ હવે ‘સાર્થક’માં વાંચવા મળશે, એવા સમાચાર જાહેર કર્યા. એટલેથી ન અટકતાં એવું પણ લખ્યું કે ‘(તેનો) પહેલો ભાગ બે-ત્રણ મહિનામાં અને બીજો ભાગ વર્ષના અંત સુધીમાં વાચકો સમક્ષ મૂકવાનો ખ્યાલ છે.’ અંકના ઉઘડતા પાને ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ના અનુવાદની આખા પાનાની જાહેરાત પણ છપાઈ હતી. તેમાં લખ્યું હતું, ‘તેનો પહેલો ભાગ જુલાઇ 2017 સુધીમાં પ્રગટ થશે.’
તો પછી જુલાઇ 2017 લંબાઈને છેક મે 2025 સુધી કેમ પહોંચી?
(ક્રમશ-)
Sunday, June 08, 2025
India After Gandhiના ગુજરાતી અનુવાદ ‘ગાંધી પછીનું ભારત’ની પ્રકાશન-કથા (1)
‘ગાંધી પછીનું ભારત’–એટલે કે ‘India After Gandhi’ના ગુજરાતી અનુવાદનો યાદગાર સમારંભ 18 મે, 2025ની સાંજે યોજાયો, પુસ્તકના પ્રકાશનનો કાર્યક્રમ સામાન્ય બાબત છે, કાર્યક્રમ બહુ સરસ થયો હોય, તો બે-ચાર દિવસ સુધી યાદ રહે, પરંતુ રામચંદ્ર ગુહાના પુસ્તક ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’નો ગુજરાતી અનુવાદ પ્રગટ થયે ત્રણેક અઠવાડિયાં થયાં. છતાં, એ પ્રસંગનો આનંદ અને ત્યારે થયેલો સંતોષ હજુ સંપૂર્ણપણે ઓસર્યાં નથી.
આવું કેમ?
તેનો એક જવાબ
એટલે આ પ્રકાશન-કથા.
*
વર્ષ 2009. ભારતીય પ્રકાશનજગતમાં નવો ઇતિહાસ રચાયો. તે વર્ષે રામચંદ્ર ગુહા દ્વારા લખાનારા ગાંધીજી બે ભાગના જીવનચરિત્ર સહિત કુલ 7 પુસ્તકોના હક માટે પ્રકાશકોએ હોડ લગાવી હતી. મામલો રૂ. એક કરોડની ઉપર પહોંચી ગયો હતો, પણ છેવટે રામચંદ્ર ગુહા અને તેમના એજન્ટે ‘પેન્ગ્વિન ઇન્ડિયા’ના કામને ધ્યાનમાં રાખીને, તેને રૂ. 97 લાખની એડવાન્સ રકમ પેટે એ હક આપ્યા. ભારતીય પ્રકાશનક્ષેત્રે આટલી મોટી રકમ એડવાન્સ ચૂકવાઈ હોય, તેવું અગાઉ કદી બન્યું ન હતું.
![]() |
| સ્ટોરીની લિન્ક |
ગુહા વિદ્વાન-અભ્યાસપૂર્ણ લેખક તરીકે પ્રતિષ્ઠિત હતા, પણ તેમને પાંડિત્યપૂર્ણ-એકેડેમિક લેખકમાંથી ઇતિહાસકાર તરીકે લોકપ્રિય બનાવનાર અને તેમને એક જુદી જ કક્ષા-ભ્રમણકક્ષામાં મુકનારું પુસ્તક હતું ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’. તેની પહેલી આવૃત્તિ 2007માં પ્રગટ થઈ હતી. તેની ભારે સફળતાના પગલે વર્ષ 2009માં તેમનાં આગામી પુસ્તકોના હક માટે વિક્રમસર્જક રકમ એડવાન્સ તરીકે ચૂકવાઈ. ત્યાર પછીના ગાળામાં રામચંદ્ર ગુહાએ બીજાં કેટલાંક પુસ્તક લખ્યાં. ગાંધીજીની જીવનકથાનો પહેલો ભાગ ‘ગાંધી બીફોર ઇન્ડિયા’ પણ પ્રગટ થયો. ત્યાર પછી તેના બીજા ભાગ (1915-1948)નું કામ શરૂ થયું.
વર્ષ 2016. ગુહા ગાંધીજીના જીવનચરિત્ર (1915-1948)નું ઘણુંખરું કામ પૂરું કરી ચૂક્યા હતા, ત્યારે તેમને આશરે 500 પત્રોનો એક જથ્થો મળ્યો. તેમાં ગાંધીજી પર આવેલા કે ગાંધીજીના અનુયાયીઓએ એકબીજાને લખેલા ગુજરાતી પત્રો હતા. ગુહાને થયું કે તેમનું કામ તો પૂરું થઈ ગયું છે, છતાં આ પત્રોમાં શું છે તે પણ એક વાર જોઈ લેવાય તો સારું.
બેંગ્લોરસ્થિત ગુહા કોઈ અનુવાદકની શોધમાં હતા, ત્યારે તેમના જ શહેરમાં રહેતા જાણીતા પત્રકાર-લેખક આકાર પટેલે તેમને મારું નામ આપ્યું. આકાર પટેલ ‘દિવ્ય ભાસ્કર’માં ગ્રુપ એડિટર હતા તે અરસામાં (2006-07) મને તેમની સાથે કામ કરવાની તક મળી હતી. હું ત્યારે ભાસ્કરમાં ઓપ-એડ પેજ કરતો હતો. તે પરિચયના અને ત્યારની છાપના આધારે આકારે ગુહાને મારા વિશે કહ્યું હશે અને મારો નંબર આપ્યો. એટલે એક દિવસ ગુહાનો ફોન આવ્યો.
જેમને હંમેશાં પ્રિય-આદરણીય લેખક તરીકે જોયા હોય અને દુન્યવી સફળતા-પ્રસિદ્ધિના અર્થમાં પણ જે સેલિબ્રિટી હોય, એવા લેખકનો સામેથી ફોન આવે એટલે સૌથી પહેલાં તો સુખદ આશ્ચર્યનો આંચકો લાગે. તે શમ્યા પછી તેમણે કામ અંગે કહ્યું ત્યારે મેં તેમને પ્રેમથી કહ્યું, ‘આમ તો હવે અનુવાદનો સમય મળતો નથી, પણ એક તો આ કામ ગાંધીજીનું છે અને બીજું, તમારું છે, એટલે હું તે કરીશ.’ મેં તેમની સાથે એ પણ સ્પષ્ટતા કરી કે ‘મારું અંગ્રેજીનું જ્ઞાન વર્કિંગ છે. ગાંધીજી જેવું લખે એવા અંગ્રેજીમાં તમારે અનુવાદ જોઈતા હોય તો તે કરવાની મારી ક્ષમતા નથી.’ પણ તેમને એવી જરૂર ન હતી. તેમને તો પત્રોમાં શું લખાયું છે એ જ જાણવું હતું.
મેં કામ કરવાની હા પાડી, એટલે તેમણે એક-બે પત્રો નમૂના લેખે મોકલ્યા. તેને ઉકેલીને અનુવાદ કરી આપ્યા પછી, થોડા દિવસમાં તેમણે એક કવર મોકલ્યું. તેમાં પત્ર સાથે પેન ડ્રાઇવ અને તંદુરસ્ત રકમનો ચેક આવી પહોંચ્યાં. ચેક જોઈને મેં તેમને ફોન કર્યો. કહ્યું કે ‘તમે મને ઓળખતા નથી, તમે મારું કામ પણ સરખું જોયું નથી અને આ ચેક? અને તે પણ આટલી રકમનો? અને આટલી ઉતાવળે? એક વાર મને થોડું કામ કરીને તો મોકલવા દો.’ તેમણે કહ્યું કે એની કશી ચિંતા નથી. રૂપિયાની બાબતમાં તેમણે હસીને કહ્યું કે ‘ગાંધીજીએ કોઈનું પણ શોષણ કરવાની ના પાડી છે.’
અંગત અનુભવ ભલે નથી, પણ ઘણાખરા વિદ્વાનો અથવા જાણીતા માણસો એવું માનતા હોય છે કે દુનિયા તેમની સેવા કરવા સર્જાયેલી છે અને લોકોની સેવા લઈને તે લોકો પર ઉપકાર કરી રહ્યા છે. જ્યારે રામચંદ્ર ગુહા સાથે માર્ચ 2016માં થયેલા પહેલા જ પરિચય પછી તેમની સરળતા અને પ્રેમાળ અભિગમ ઊડીને આંખે વળગે એવાં હતાં.
ગુહાનું કામ હાથમાં લીધું ત્યારે બે અઠવાડિક કોલમો, રોજનો તંત્રીલેખ અને તંત્રીપાનાની જવાબદારી હતી. છતાં, નોકરિયાત માનસિકતા વિના, ગમતું કામ કરવાના આનંદને લીધે પહોંચી વળાતું હતું. એટલે, પત્રોના અનુવાદનું કામ તો માત્ર ને માત્ર ટ્રેનના અપડાઉનમાં જ પૂરું કર્યું. તે વખતે ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસનો ડબ્બો આવતો હોવાથી, લેપટોપ પર કામ કરી શકાય એવી અનુકૂળતા મોટા ભાગે રહેતી હતી. બધા પત્રોનો અનુવાદ મોકલ્યા પછી તેમણે થોડા વધુ પત્રો મોકલ્યા અને મારી આનાકાની છતાં તેના અલગથી રૂપિયા આપ્યા. અને પુસ્તકના એકનોલેજમેન્ટમાં ઉલ્લેખ પણ કર્યો (જે વાંચીને શીલા ભટ્ટનો દિલ્હીથી ફોન આવ્યો હતો. તેમણે આનંદ અને કદાચ કંઈક આશ્ચર્યના ભાવ સાથે કહ્યું હતું કે રામ ગુહાએ તમારા નામનો ઉલ્લેખ કર્યો છે.)
*
કામ પૂરું થયાના થોડા અરસા પછી એક
વાર ગુહાનો ફોન આવ્યો. તે ત્રણ દિવસ માટે અમદાવાદ આવવાના હતા. તેમાંથી એક દિવસ
સવારે તેમની સાથે જમવાની વાત હતી. માઉન્ટન અને મહંમદની કહેણી તાજી કરે એવા એ સંવાદ
પછી, તે અમદાવાદ આવ્યા ત્યારે અમે મળ્યા. જમ્યા. અત્યારે ઓસ્ટ્રેલિયા-સ્થિત પરમ
મિત્ર નિશા પરીખ ત્યારે અમદાવાદમાં હતી. તેણે અને તેની મિત્ર શચિ સંઘવીએ મને ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ની (પહેલી આવૃત્તિ)ની તેમની કોપી આપી અને શક્ય હોય તો
તેની પર ગુહાના હસ્તાક્ષર લાવવા કહ્યું.
ગુહા એટલા નિર્ભાર હતા કે અવનવી વાતો પછી તેમણે પુસ્તક પર બંનેનાં નામ લખીને સહી કરી આપી. બીજી ઘણી વાતોની વચ્ચે પુસ્તકની વાત નીકળતાં મેં કહ્યું, ‘મને આ પુસ્તક વિશે એવું થાય છે કે તે ગુજરાતીમાં હોવું જોઈએ.’ તેમણે તરત, મને આશ્ચર્ય થાય એટલા ઉમળકાથી તૈયારી બતાવી. પછી બીજી વાતો થઈ. અડધા-પોણા કલાકની વાતચીત પછી અમે છૂટા પડ્યા. ત્યારે મારા મનમાં ફરી ફરીને એક જ સવાલ થતો હતોઃ રામચંદ્ર ગુહાએ ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’નું ગુજરાતી કરવાની ખરેખર ‘હા’ પાડી હતી? કે મારા મોઢે ‘ના’ પાડવી ન પડે, એટલે માટે ‘હાએ હા’ કરી હશે?
(ક્રમશઃ)
Saturday, April 06, 2024
સાર્થક પ્રકાશનઃ બારમા વર્ષે
https://saarthakprakashan.com/
6 એપ્રિલ, 2013ના રોજ ગુરુજનો, મિત્રો અને સ્નેહીઓની હાજરીમાં, યાદગાર કાર્યક્રમ સાથે શરૂ થયેલું 'સાર્થક પ્રકાશન' આજે બારમા વર્ષમાં પ્રવેશ કરે છે. 11 વર્ષ એક લાંબો સમયગાળો છે. દરમિયાન આપણી આસપાસ ઘણું બધું બદલાયું છે. પરંતુ જે ધ્યેય સાથે 'સાર્થક પ્રકાશન' શરૂ કર્યું હતું, તે બદલાયું નથી અને તેનો બહુ આનંદ છે, સંતોષ છે. તે માટે અમને આર્થિક, નૈતિક કે બીજી કોઈ પણ રીતનું બળ પૂરું પાડનાર સૌ સ્નેહીઓ-મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
પુસ્તકસંખ્યાની દૃષ્ટિએ 'સાર્થક' નાનું અને અમારી વ્યસ્તતાઓનો ભોગ બનતું આવ્યું છે. તેના કારણે 11 વર્ષમાં પુસ્તકસંખ્યા પચાસનો આંકડો પાર કરી શકી છે. વધુ પુસ્તક થયાં હોત તો અમને ગમ્યું હોત, પણ નથી થયાં તેનો રંજ કે વસવસો નથી. બીજાં અનેક કામ વચ્ચે સમય મળ્યો, અનુકૂળતાઓ થઈ તેમ પુસ્તકો આવતાં રહ્યાં છે.
'કટિબંધ' સિવાયની અશ્વિની ભટ્ટની બધી નવલકથાઓ 'સાર્થક'માં પ્રગટ થઈ ચૂકી છે. 'કટિબંધ' આ મહિને છપાવા જાય એમ લાગે છે. ત્યાર પછી પણ અશ્વિનીભાઈનાં-તેમનાં વિશેનાં બે-ત્રણ પુસ્તકોની સામગ્રી છે. તેમાં અમારી અનુકૂળતા ઉપરાંત તેમના અમેરિકાસ્થિત પુત્ર નીલની અનુકૂળતા પ્રમાણે આગળ વધવાનું છે. એટલે તેના સમયગાળા વિશે અંદાજ બાંધી શકાતો નથી. છતાં આ વર્ષે તે આવી જાય એવો અમારો પૂરો પ્રયાસ રહેશે.
એવી જ રીતે, વર્ષોથી અમારા નામે બાકી બોલતો રામચંદ્ર ગુહાના અત્યંત અગત્યના પુસ્તક 'ઇન્ડિયા આફ્ટર ગાંધી'નો અનુવાદ આખરે તૈયાર છે. તેનું પ્રૂફ પણ થઈ ગયું છે. હવે ફાઇનલ ચેકિંગ ચાલે છે. તે બે ભાગમાં, આશરે હજારથી પણ વધુ પાનાંમાં, પ્રગટ થશે. તે પણ આ વર્ષે, બને તો બે-ત્રણ મહિનામાં, પ્રગટ કરવાનું આયોજન છે.
આ ઉપરાંત, આ વર્ષે પ્રકાશન માટે તૈયાર એવાં પુસ્તકોની યાદીઃ
(1) ઝવેરચંદ મેઘાણીના 'સમરાંગણ'નો અશોક મેઘાણીએ કરેલો અંગ્રેજી અનુવાદ
(2) પ્રકાશ ન. શાહના 'દિવ્ય ભાસ્કર'ની બુધવાર પૂર્તિમાં આવતા સાંસ્કૃતિક લેખોનો સંગ્રહ (જે તેમના લેખોનું પહેલું પુસ્તક હશે)
(3) બિનીત મોદીએ તૈયાર કરેલું, છેક મુંબઈ રાજ્યથી લઈને 2024 સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સભ્યોની પૂરી વિગત આપતું સંદર્ભપુસ્તક
(4) ધૈવત ત્રિવેદીના 'વિસ્મય'ના વધુ બે ભાગ
આટલું તો એકદમ તૈયાર છે. તે સિવાય
બીજાં કેટલાંક પુસ્તક પણ આ વર્ષે પ્રગટ કરવાની તૈયારી ચાલે છે. તેની વિગતો યથાસમય.
*
'સાર્થક પ્રકાશન' શરૂ કર્યું ત્યારે સામયિક શરૂ કરવાનો જરાય ખ્યાલ ન હતો. છતાં, ઓક્ટોબર 2013થી છ માસિક તરીકે 'સાર્થક જલસો' શરૂ થયું. તેના 19 અંક પ્રગટ થઈ ચૂક્યા છે અને મે, 2024ની મધ્યમાં તેનો અંક નં. 20 પ્રગટ થશે. કોઈ પણ પ્રકારના ચોકઠામાં ન સમાય એવા આ વિશિષ્ટ સામયિકના 20 અંક થાય, તેનો અમારે મન બહુ મહિમા છે.
યોગ્ય પ્રચારપ્રસારના અભાવે હજુ ઘણા પ્રેમી વાચકો 'સાર્થક જલસો' વિશે ન જાણતા હોય એવું બને. જે મિત્રોને 'સાર્થક જલસો'ની વાચનસામગ્રી ગમે છે, તેમને વિનંતી કે તે અમને તેમના એવા એક-બે વાચનરસિક મિત્રોનાં નામ-ફોનનંબર-સરનામાં મોકલાવે, જેમને 'સાર્થક જલસો' વિશે ખ્યાલ ન હોય અને જેમને આ પ્રકારની સામગ્રીમાં રસ પડે એમ હોય. (સરનામાં 98252 90796- કાર્તિક શાહ પર મોકલવાં) જે મિત્રોને 'સાર્થક'નાં નવાં આવતાં પુસ્તકો વિશે કે 'સાર્થક જલસો'નો નવો અંક પ્રગટ થાય તેની માહિતી મેળવવાની ઇચ્છા હોય તે પણ આગળ જણાવેલા નંબર પર તેમનું નામ વોટ્સએપથી મોકલી આપે.
*
અમદાવાદમાં એકાદ વાર સૌ મિત્રો-વાચકો
સાથે મળી શકાય, એવા કાર્યક્રમનું આયોજન પણ આ વર્ષે
ગણતરીમાં છે. તે સિવાય પોતાના શહેરમાં બીજા વાચકો સાથે મળીને આવો કાર્યક્રમ યોજવા
ઇચ્છુક મિત્રો કાર્તિકભાઈનો સંપર્ક કરી શકે છે. પરસ્પર અનુકૂળ હશે તો એવી રીતે
અમદાવાદ સિવાય બીજે પણ મિત્રોને મળવાનું બની શકે છે.
મળીએ. રૂબરૂ કે પછી શબ્દો થકી.
*
પછીથી સંપર્કમાં આવેલા મિત્રો 'સાર્થક પ્રકાશન'ના આરંભના યાદગાર સમારંભ વિશે જોવા-જાણવા ઇચ્છતા હોય તો તેના અહેવાલોની લિન્કઃ એક, બે, ત્રણ, ચાર, પાંચ
Saturday, July 27, 2019
પ્રકાશોત્સવ (૨) : નાગરિક સહભાગીતાનો ઉમળકાભર્યો જલસો
એક તરફ સન્માનનિધિની રકમ માટે પ્રકાશભાઈના શક્ય હોય એટલા પરિચિતોને એક વાર જાણ કરવાનું કામ ચાલ્યું. તેમાં અપેક્ષા કરતાં ઓછા મિત્રો સંકળાયા. છતાં, આખા કામમાં કોઈને કશી ફરજ પાડવી નહીં, એવી સમજ પ્રમાણે સૌને મોકળાશ હતી. બીજી તરફ મોક કોર્ટની સ્ક્રીપ્ટ લખવાનું કામ હતું, જે સૌથી છેલ્લે રાખ્યું હતું. કારણ કે એ બાબતે હું સંપૂર્ણ નિરાંતમાં હતો. મારા મનમાં સ્પષ્ટ હતું કે આપણે કોઈ પાસેથી વ્યાવસાયિક અભિનય કરાવવાનો નથી કે સંવાદ ગોખાવવાના નથી. લખેલી સ્ક્રીપ્ટ આપીશું. તે સાથે જ રાખવાની. તેમાંથી અને તેની આસપાસ બોલવાનું, એટલે પંચલાઇનો જળવાઈ રહે અને સમયની પાબંદી રહે. લોકોને મઝા આવે-કંટાળો ન આવે એટલી પંચલાઇનો હતી અને પ્રત્યેક સાક્ષી માટે મર્યાદિત સમય.
એવું જ કામ કોર્ટ માટે સ્ટેજ તૈયાર કરવાનું હતું. એ જવાબદારી પહેલેથી પરમ મિત્ર, વિખ્યાત ફિલ્મ નિર્દેશક, અભિનેતા અને વોઇસ આર્ટિસ્ટ આશિષ કક્કડ અને જાણીતા નાટ્યકાર- ‘સ્ક્રેપયાર્ડ’ ખ્યાત કબીરભાઈ ઠાકોરે આનંદપૂર્વક ઉપાડી લીધી હતી. એટલે તેની શી ચિંતા? વચ્ચે માંડ એકાદબે વાર ફોન પર વાત થઈ હશે. પંદરેક દિવસ પહેલાં વિદ્યાપીઠ હોલમાં જઈને બંને જણે રૂબરૂ સ્ટેજ જોઈ લીધું.
![]() |
| 'આ લાઇટિંગનું ને ભડક લાલ જાજમનું શું કરીશું?' કબીર ઠાકોર, આશિષ કક્કડ / Kabir Thakore, Ashish Kakkad |
![]() |
| પિંજરેકે પંછી રે.../ આશિષ કક્કડ, કબીર ઠાકોર Ashish Kakkad, Kabir Thakore preparing the stage for mock trial |
કાર્યક્રમ પછી પ્રકાશભાઈ તરફથી ભોજનની વ્યવસ્થા હતી. આમ તો એ ફક્ત વિદ્યાપીઠ કેન્ટિનમાં કહી દેવાનો મામલો હોય. પણ વરસાદના દિવસો. આમંત્રિતોની સંખ્યા નક્કી નહીં. જમવાનું પહેલેથી જાહેર કર્યું ન હતું. સ્થળ તરીકે વિદ્યાપીઠની કેન્ટિન અને તેની બાજુમાં આવેલી લોન (મયુરઉદ્યાન) જ પહેલી પસંદગી હોય. પણ વરસાદ પડે તો શું? એ માટે એસ્ટેટ વિભાગના અભુભાઈને કહીને એક હોલની સ્પેર તૈયારી રાખી હતી. વિદ્યાપીઠના કુલનાયક અનામિકભાઈ કાર્યક્રમની સાંજે અન્ય રોકાણને લીધે હાજર રહેવાના ન હતા. પણ જતાં પહેલાં તે બધી પૂછપરછ કરીને, તેમના તરફથી બધી મદદની ખાતરી અને વ્યવસ્થા કરતા ગયા હતા.
પ્રકાશક તરીકે જેમ અમે પહેલાં વાચક-લેખક હોવાને કારણે એ દૃષ્ટિકોણથી વિચારીએ, તેમ આયોજક તરીકે અમે પહેલાં ઓડિયન્સ હોવાને કારણે, એ દૃષ્ટિકોણથી વિચારીએ.
જેમ કે, ભોજન માટે વિચાર્યું હતું કે મોટી જગ્યા અને ત્રણ કાઉન્ટર રાખવાં, જેથી અકળાવનારી ભીડ ન થાય. મેનુમાં વાનગીઓ પણ એવી હોવી જોઈએ કે પચાસ-પંચોતેર માણસો વધી જાય તો છેલ્લી ઘડીએ સહેલાઈથી વાનગી તૈયાર કરી શકાય અને બને ત્યાં સુધી કોઈને કોઈ વાનગી વિના ચલાવવું ન પડે. હોલમાં એસી ન હતું, પણ હોલ બુક કરાવ્યો ત્યારે એવી આશા હતી કે વચ્ચેના એકાદ મહિનામાં ચોમાસું બેસી ગયું હશે ને ઠંડક થઈ હશે. એ એક ગણતરી ખોટી પડી ને તેના કારણે સૌ ઘણા હેરાન થયા. પણ હોલમાં છેલ્લી ઘડીએ એસી મુકાવવાનું અમારા માટે શક્ય ન હતું. હવે વિદ્યાપીઠના સંચાલકોને વિનંતી કે બીજી છેલ્લી ઘડી આવે તે પહેલાં હોલમાં વૈભવ માટે નહીં, આવશ્યકતા તરીકે અને જાહેર હિતમાં-શ્રોતાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને વહેલી તકે એસીની સુવિધા ઉભી કરે.
કાર્યક્રમના થોડા દિવસ પહેલાં ‘આર્ટ મણિ’વાળા મિત્ર મણિલાલ રાજપુત અને તેમના સાથીદાર રણજિતની મદદથી પુસ્તક તૈયાર થઈ ગયું હતું અને એકાદ અઠવાડિયા પહેલાં છપાઈને પણ આવી ગયું હતું. ત્યાં જ કાર્યક્રમના બેનર અને અમદાવાદમાં કેટલાક ઠેકાણે લગાડવાનાં પોસ્ટરની ડીઝાઇન પણ તૈયાર કરી લીધી. બિનીત મોદીએ ઠેકઠેકાણે ફરીને લાયબ્રેરી જેવાં જાહેર સ્થળોએ એ-3 સાઇઝનાં પોસ્ટર લગાડ્યાં. ઉપરાંત અપીલ મોકલવામાં પણ મદદ કરી.
પહેલા તબક્કામાં સન્માનનિધિ માટેની અપીલ મોકલવાનું કામ ચાલ્યું, તો છેલ્લા એકાદ અઠવાડિયામાં સોશ્યલ મિડીયા પર અને પોસ્ટથી પ્રિન્ટ આઉટ સ્વરૂપે આમંત્રણો મોકલવાનું કામ ચાલ્યું. રાબેતા મુજબ ચંદુભાઈએ નાદુરસ્ત તબિયતે પણ પ્રેમ અને ઉલટથી ઘણો શ્રમ લીધો. બીજા મિત્રોએ પણ યથા અનુકૂળતા આમંત્રણો આગળ ધપાવ્યાં. તેના પ્રતિભાવ પરથી જણાતું હતું કે અમદાવાદમાં એ જ દિવસે, એ જ સમયે બીજા બે કાર્યક્રમ હોવા છતાં, પ્રકાશોત્સવમાં સંખ્યાનો વાંધો નહીં આવે.
કાર્યક્રમ પહેલાં સાંજે ચાર વાગ્યે પ્રકાશભાઈના ઘરે પહોંચ્યો, ત્યારે તે તેમની કાયમી નિરાંતમાં હતા. ‘કેટલા વાગ્યે હોલ પર પહોંચશો?’ના જવાબમાં કહે, ‘સાડા પાંચનો કાર્યક્રમ છે. પાંચ ને વીસ સુધીમાં પહોંચી જઈશ.’
‘આજે બધા તમને મળવા ઇચ્છશે. એટલે વહેલા આવી શકાય તો સારું.’ એવું સૂચવ્યા પછી તે પાંચેક વાગ્યે આવી ગયા. તેમની સાથે નયનાબહેન ઉપરાંત અમેરિકાથી આવેલાં તેમનાં પુત્રી ઋતા શાહ અને બીજાં પરિવારજનો પણ હતાં. તેમનાં દિલ્હીસ્થિત દીકરી રીતિ આવી શક્યાં ન હતાં. તેમના પતિ અને અંગ્રેજી પત્રકાર તરીકેની સ્વતંત્ર ઓળખ ધરાવતા આશિષ મહેતા આવી ગયા હતા. તે પણ અદાલતમાં સાક્ષી તરીકે ઉપસ્થિત થવાના હતા.
પ્રકાશભાઈના ઘરેથી કાર્યક્રમના એક કલાક પહેલાં હોલ પર પહોચ્યો, ત્યારે પાંચ-સાત મહેમાનો આવી ચૂક્યા હતા. એ જોઈને જ મને થયું કે હોલ ચિક્કાર થઈ જશે અને માણસો વધી પડશે. એ ધારણા સાચી જ પડી. લગભગ પોણા છએ કાર્યક્રમ શરૂ થયો ત્યારે લગભગ 350 બેઠકો ધરાવતો હોલ ભરચક થઈ ગયો હતો. કાર્યક્રમમાં સૌથી પહેલી વિનંતી એ કરવી પડી કે ખુરશી પર બેઠેલા યુવાન મિત્રો વડીલો માટે જગ્યા કરી આપે.
| હૈયું જ નહીં, હોલ પણ છલકાવી દેતો પ્રેમાદર(ફોટોઃ અશ્વિનકુમાર / Ashwinkumar) |
સૌથી પહેલાં કાર્યક્રમમાં શું થશે અને શું નહીં થાય તેની થોડી વાત મેં કરીઃ પહેલાં મોક કોર્ટ, પછી પુસ્તક વિમોચન, પછી સન્માનનિધિ અર્પણ, છેલ્લે પ્રકાશભાઈનો પ્રતિભાવ અને ભોજન. શરૂઆતનો સવા-દોઢ કલાક તોફાની હતો. ન્યાયાધીશ તરીકે પ્રકાશભાઈના જૂના સાથીદાર-કટોકટીના જેલસાથીદાર અને ‘સાર્થક જલસો’માં કેટલાક યાદગાર લેખ લખનારા હસમુખભાઈ પટેલ હતા. પ્રકાશભાઈના વકીલ તરીકે કેતન રૂપેરા, અદાલતના માણસ તરીકે આશિષ કક્કડ, આરોપી પ્રકાશભાઈ અને ફરિયાદી વકીલ તરીકે હું.
| અદાલત ચાલુ છે ;-) (બંને ફોટોનું સૌજન્યઃ આલાપ બ્રહ્મભટ્ટ/ Aalap Bhrambhatt) |
| ઠાવકા તોફાની 'ન્યાયાધીશ' હસમુખભાઈ પટેલ / Hasmukh Patel as mock judge |
બધાના હાથમાં સ્ક્રીપ્ટનાં કાગળ હતાં. પ્રકાશભાઈ કાગળ ભૂલી ગયા હતા. એટલે તેમણે શરૂઆતનો ભાગ એમ જ ગબડાવ્યો. ત્યાર પછી આશિષ કક્કડે પ્રકાશભાઈ સામેનું આરોપનામું વાંચ્યુઃ
આરોપનામું
આરોપી પ્રકાશ નવીનચંદ્ર શાહ, ઉંમર વર્ષ ૮૦, રહેવાસી અમદાવાદ સામે આરોપ છે કે
- તે વડાપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે અને એ માટેનાં કાવતરાં પણ કરે છે. વડાપ્રધાનની સતત ટીકાનું મૂળ કારણ આ છે.
- ખતરનાક માણસો તરીકે ભૂતકાળની સરકારોના ચોપડે ચડી ચૂકેલા કેટલાક ઇસમો સાથે તે નિકટના સંબંધો ધરાવતા હતા. એ સંસ્કાર રાતોરાત જતા રહ્યા હોય એવું માનવાનું કોઈ કારણ નથી.
- તે ડાબેરી છે. રશિયા-ચીન સાથે જીવંત સંપર્કો ધરાવે છે અને રશિયા ગયેલા પણ છે--તે કંઈ વોડકા પીવા તો નહીં જ ગયા હોય.
- એક સમયે તે શાખામાં જતા હતા, પણ પછી ત્યાં જવાનું બંધ કરી દીધું. એટલે તેમની રાષ્ટ્રભક્તિ સંદેહાસ્પદ છે. તેમના વિચારોનું કશું ઠેકાણું નથી. માર્ક્સની વાત કરે ત્યારે માર્ક્સવાદી લાગે, ગાંધીની વાત કરે ત્યારે ગાંધીવાદી, આંબેડકરની વાત કરે ત્યારે આંબેડકરવાદી ને દેરાણીજેઠાણીના આઇસક્રીમની વાત કરે ત્યારે સ્વાદવાદી લાગે...આવા માણસને જાહેરમાં છૂટો રાખવાનું સરકાર અને સમાજ માટે જોખમી છે.
- તે ઉત્તમ અભિનેતા છે. આમ તો અભિનેતા હોવું એ ગુનો નથી, પણ આરોપીએ તેની આ શક્તિ જે રીતે ગુપ્ત રાખી છે, તે વધુ ગંભીર કાવતરાની શંકા ઉપજાવે છે.
- આરોપી આંતરરાષ્ટ્રીય અપરાધી છે. તેની પર લંડનની કોર્ટમાં પણ કેસ ચાલી ચૂક્યો છે. વિદેશી કારોબાર પતાવવા માટે ઘણી વાર આરોપી ગેટવે ઓફ ઇન્ડિયાથી મધદરિયે જાય છે અને કામ પૂરું કરીને પાછા આવી જાય છે.
- આરોપી નિર્મલબાબાની જેમ દરબાર ભરે છે અને લોકોને આડા રસ્તે દોરે છે.
- આરોપી હિંસક વૃત્તિપ્રવૃત્તિ ધરાવે છે. તેનું હથિયાર છે ભાષા. તેમાં સમજ પડે તેને અણીથી લોહી નીકળે છે ને મોટા ભાગના લોકોને તે માથામાં ઘણની જેમ અથડાઈને લોહી કાઢે છે. આમ બંને રીતે પરિણામ લોહીયાળ આવે છે.
- તે લોકોનું ફક્ત મગજ નહીં, શરીર બગાડે એવા ઉપદેશો આપે છે અને યુવાનોને આડા રવાડે ચડાવે છે.
- એક તરફ તે પોતાની જાતને વંચિતતરફી ગણાવે છે. બીજી તરફ, કેટલા બધા લખનારાને સરકારી અકાદમી થકી થનારા ધનલાભથી વંચિત બનાવવાનું કામ કરે છે. આમ તે પહેલાં વંચિતો ઊભા કરે છે ને પછી તેમની તરફેણનો ડોળ કરે છે.
- અદાલતની ચુંગાલમાં ફસાવું ન પડે એટલા માટે પોતે એકેય પુસ્તક લખ્યું નથી. અને લેખોમાં પણ જાણીબુઝીને ભદ્રંભદ્રીય ભાષાનો પ્રયોગ કરે છે કે અદાલતમાં કશું પુરવાર ન થઈ શકે.
| પ્રકાશભાઈની અને ભદ્રંભદ્રની ભાષા વચ્ચે કંઈ સંબંધ ખરો? ઉર્વીશ કોઠારી, રતિલાલ બોરીસાગર/ Urvish Kothari, Ratilal Borisagar |
![]() |
| મોક કોર્ટમાં આમનેસામનેઃ પ્રકાશભાઈ અને નયનાબહેન Prakash N. Shah, Naynaben Shah (ફોટોસૌજન્યઃ આલાપ બ્રહ્મભટ્ટ) |
છેલા સાક્ષી હસિત મહેતા તે દિવસે સવારે લેહથી દિલ્હી અને વડોદરા થઈને સાંજે અમદાવાદ પહોંચવાના હતા. પણ વડોદરામાં ભારે વરસાદને કારણે તેમને પહોંચતાં થોડુંક જ મોડું થયું અને કોર્ટ પૂરી થઈ તેની થોડી મિનીટો પછી તે આવી પહોંચ્યા.
કોર્ટની કાર્યવાહી પૂરી થયા પછી સાર્થક પ્રકાશનના સાથીદારો કાર્તિકભાઈ શાહ, દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી ઉપરાંત સાર્થકના અભિન્ન અંગ જેવા બીરેન કોઠારી, બિનીત મોદી અને અપૂર્વ આશરને મંચ પર બોલાવવામાં આવ્યા. અપૂર્વ આવી શક્યા ન હતા. પુસ્તકનું ડિઝાઇનિંગ કરનાર મિત્ર મણિલાલ રાજપુતને પણ એ જ સમયે મુંબઈમાં યોજાયેલા કાંતિ ભટ્ટના સન્માન સમારંભમાં જવાનું કમિટમેન્ટ હોવાથી તે પણ ગેરહાજર હતા. આ પુસ્તક જેમને અર્પણ થયું હતું અને જેમના વિના આ સમારંભ આ રીતે શક્ય બન્યો ન હોત, તે ચંદુભાઈને પણ સ્ટેજ પર બોલાવવામાં આવ્યા. કશી ઔપચારિકતા વિના કે રેપિંગ મટિરીયલની ફાડંફાડ કર્યા વિના, સૌએ એક એક પુસ્તક હાથમાં લીધું, પ્રકાશભાઈ સાથે ફોટા પડાવ્યા અને વિમોચન પૂરું થયું.
ત્યાર પછી સન્માનનિધિનો ચેક અર્પણ કરવા માટે ઓડિયન્સમાં ઉપસ્થિત જાહેર જીવનના સિનિયર અને યુવાન એમ બંને પ્રકારના લોકોમાંથી કેટલાકને આમંત્રણ અપાયું. સાથે સ્પષ્ટતા પણ કરવામાં આવી કે કોઈને બાકાત રાખવાનો ઇરાદો નથી. આ કેવળ પ્રતિનિધિરૂપ વ્યક્તિઓ છે. એ લોકો હતા (કોઈ ચોક્કસ ક્રમ વિના) : હિમાંશી શેલત, ઘનશ્યામ શાહ, અચ્યુત યાજ્ઞિક, દીનાબહેન પટેલ, સારાબહેન બાલદીવાલા, રઘુવીર ચૌધરી, સ્વાતિબહેન જોશી, એ. ટી. સિંધી, રજની દવે, પાર્થ ત્રિવેદી, શારીક લાલીવાલા, અદાલતની કાર્યવાહીમાંથી હસમુખ પટેલ, રતિલાલ બોરીસાગર.
| અનામિકભાઈ શાહ વતી પ્રકાશભાઈને શાલ અર્પણ કરતા ચંદુ મહેરિયા (બંને ફોટોનું સૌજન્યઃ આલાપ બ્રહ્મભટ્ટ) |
| કાર્યક્રમની બપોરે એક વાગ્યા સુધી એકત્ર થયેલો સન્માનનિધિનો આંકડો (ફોટોઃ અશ્વિનકુમાર) |
બેથી સવા બે કલાકમાં, કશી ઔપચારિકતા વિના, કાર્યક્રમ સડસડાટ અને હસીખુશી સાથે પૂરો થઈ ગયો. દરમિયાન 350 બેઠકોના હોલમાં લોકોની સંખ્યા 470 સુધી પહોંચી ગઈ હતી. બેસુમાર બફારો લાગતો હતો. પરંતુ સૌ કોઈ છેવટ સુધી બેઠા અને પ્રકાશભાઈનો પ્રતિભાવ સાંભળીને જ ઉભા થયા.
| પ્રકાશ ન. શાહનો પ્રતિભાવ (ફોટોઃ અશ્વિનકુમાર) |
- આખું આયોજન કશી ઔપચારિકતા વિના, કમિટી, મિટિંગો ને ઠરાવો વિના, ધાર્યા કરતાં પણ વધુ સફળતાથી પાર પડ્યું.
- કોઈ ‘દાતા’ વિના, કોઈની નિશ્રા વિના ને કોર્પોરેટ કંપનીઓની કોઈ સહાય વિના, આટલી રકમ એકત્ર થઈ શકી.
- પ્રકાશભાઈનું સન્માન હોવા છતાં, પ્રકાશભાઈનાં વખાણના ખડકલા ન થયા. હસમુખભાઈ (પટેલે) પછી કહ્યું તેમ, ‘પ્રકાશભાઈની હાજરીમાં તેમની શોકસભા હોય એવું વાતાવરણ ન થયું’. છતાં મસ્તીતોફાન સાથે, પૂરી ગરિમાપૂર્વક તે સંપન્ન થયો.
- પહેલાંના વખતમાં જેમ નનામી બાંધવાના, તેમ અત્યારે કાર્યક્રમો કરવાના પણ સ્વઘોષિત સ્પેશ્યાલિસ્ટ હોય છે, જે ‘આમ તો થાય જ નહીં’ ને ‘આમ તો કરવું જ પડે’ એવા બધા ફન્ડા શીખવાડતા હોય છે. અમે આવા સ્પેશિયાલિસ્ટોથી દૂર રહીએ છીએ. તેમના વગર બધું સારી રીતે ચાલી જ શકતું હોય છે. આપણે સક્રિયતાથી અને સન્નિષ્ઠ રીતે વિચારીને વિકલ્પ શોધવા પડે. આ કાર્યક્રમ પણ એવી જ રીતે, ઔપચારિકતાઓ અને વિધિવિધાનો વિના, છતાં સુખરૂપ પાર પડ્યો.
કાર્યક્રમના અંતે આર્થિક સહયોગ આપનાર સૌ કોઈના નામની એબીસીડી ક્રમમાં સંપૂર્ણ યાદી મૂકવામાં આવી હતી. તેની નકલો જે ઇચ્છે તે લઈ જઈ શકે એ રીતે સુલભ બનાવાઈ હતી. એ ‘સાર્થક પ્રકાશન’ વતી અમે જાતે સ્વીકારેલો પારદર્શક વહીવટનો તકાદો હતો. બીજા ઘણા ચીલા ચાતર્યા, તો હિસાબ આપવામાં પણ શા માટે આગવું ધોરણ સ્થાપિત ન કરવું?
ઉપરાંત, આર્થિક સહયોગ આપનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શક્ય એટલા બધાને પહોંચની સાથે સાર્થક પ્રકાશન તરફથી પ્રકાશભાઈ વિશેના પુસ્તકની એક નકલ સાદર ભેટ આપવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ન શકેલા સહયોગીઓને હવે પહોંચ અને નકલ રવાના કરવામાં આવશે.
એપ્રિલ 6, 2013ના રોજ અમે ચાર મિત્રોએ બીજા અનેક મિત્રોના સહયોગની ખાતરી સાથે ‘સાર્થક પ્રકાશન’ની સ્થાપના કરી, ત્યારે વિચારેલું કે કરવા જેવાં, પણ ન થતાં હોય એવાં કામ ખાસ કરવાં. જે રીતે અભિનેતા-નિર્દેશક કે.કે.ના લગભગ બેએક દાયકાથી અટવાયેલા જીવનચરિત્રનું કામ રંગેચંગે પાર પડ્યું અને તેની બે આવૃત્તિ થઈ, ફિલ્મસંગીતના ઇતિહાસજ્ઞ નલિન શાહના લેખોનું પહેલું પુસ્તક તેમના જીવનના નવમા દાયકામાં સાર્થકે પ્રકાશિત કર્યું, નગેન્દ્ર વિજયની મુલાકાત આધારિત પહેલવહેલું પુસ્તક સાર્થકમાં આવ્યું, અશ્વિની ભટ્ટની સદાબહાર નવલકથાઓ નવાં અને રીડરફ્રેન્ડલી સ્વરૂપે સાર્થકમાં પ્રગટ થઈ...આ યાદી હજુ લંબાવી શકાય એમ છે-- અને પ્રકાશોત્સવ એ યાદીમાં લેટેસ્ટ ઉમેરો છે.
સાર એટલો જ કે પ્રકાશનનું નામ અને ખાસ તો તે સ્થાપવાનો હેતુ સિદ્ધ થયો, તેનો ભારે સંતોષ છે અને મિત્રો-સ્નેહીઓના પ્રેમાળ સહકાર વિના આ શક્ય બનત નહીં, તેનો પાકો અહેસાસ પણ છે.
નોંધઃ જે સહયોગીઓને પહોંચ અને પુસ્તકની નકલ ન મળી હોય તેમને વિનંતી કે કાર્તિક શાહ (98252 90796)ને વોટ્સએપ કે SMS દ્વારા તમારું આખું સરનામું અને સહયોગ રાશિનો આંકડો મોકલી આપશો.
Thursday, July 25, 2019
પ્રકાશોત્સવ (૧) : નાગરિક સન્માનનો અને આદર-પ્રેમ-કૃતજ્ઞતાનો ઉત્સવ
![]() |
| (પ્રકાશ ન. શાહ / વ્યંગચિત્રઃ અશોક અદેપાલ Prakash N. Shah, Caricature : Ashok Adepal) |
પરંતુ વીસમી જુલાઈએ પ્રકાશભાઈના સન્માન સમારંભ નિમિત્તે તેમનું સન્માન જ થયું, તેમની ગરીમાને ઝાંખપ તો ઠીક, ઘસરકો પણ લગાડે તેવું કશું ન બન્યું, આખા ઉપક્રમ સાથે સન્માનનિધિ સ્વરૂપે રૂપિયાપૈસા સંકળાયેલા હોવા છતાં, પ્રકાશોત્સવ પ્રકાશભાઈના જીવન-કાર્યને તેમની ઉપસ્થિતિમાં ઉમળકાથી ઉજવવાનો જ ઉત્સવ બની રહ્યો.
***
'સાર્થક સંવાદ શ્રેણી' અંતર્ગત પ્રકાશભાઈ સાથેના સવાલજવાબની પુસ્તિકાનું કામ ઘણા સમયથી ચાલતું હતું. જુલાઇમાં પ્રકાશભાઈનાં પુત્રી ઋતા શાહ આઠ-દસ દિવસ માટે ભારત આવવાનાં હતાં. એ જાણ્યું, એટલે નક્કી થયું કે તે અહીં હોય ત્યારે પુસ્તક પ્રગટ કરી દેવું. એ માટે પૂરતો સમય પણ હતો.
ઘણા વખતથી પ્રકાશભાઈની મોક કોર્ટ યોજવાની વાત મારા મનમાં હતી. ૨૦૦૮માં મારી મોક કોર્ટને અનેક પ્રિયજનો-ગુરુજનોએ મારા માટેનું આજીવન સંભારણું બનાવી દીધી. ત્યારથી એ સ્વરૂપ વિશે-તેમાં રહેલી મઝા વિશે મને ખ્યાલ આવ્યો હતો. પરંતુ મોક કોર્ટમાં જેની પર કેસ ચાલે, તે વ્યક્તિ જાતને જરા હળવાશથી લઈ શકે એવી હોવી જોઈએ. ઉપરાંત મજબૂત પ્રકારની સેન્સ ઓફ હ્યુમર પણ જરૂરી. એ બંને લક્ષણ ન હોય તો મોક કોર્ટ રમુજી-તોફાનીને બદલે હાસ્યાસ્પદ કે બીજા કોઈ પણ ચાલુ અભિવાદન કાર્યક્રમ જેવી ઔપચારિક બની રહે. પ્રકાશભાઈમાં આવું નહીં થાય તેની પૂરી ખાતરી હતી. બલ્કે, મને લાગતું હતું કે પ્રકાશભાઈ મોક કોર્ટ માટેના સૌથી લાયક 'ઉમેદવાર' હતા. વખાણનાં ગાડાંને બદલે તોફાની આરોપબાજીથી રાજીપો અનુભવવા જેટલી આંતરિક સ્વસ્થતા અને રમુજવૃત્તિ પ્રકાશભાઈ ધરાવે છે.
પુસ્તકનું નક્કી થયું એટલે મોક કોર્ટનો વિચાર તાજો કર્યો. સાર્થક પ્રકાશનના સંચાલનના આધારસ્તંભ સમા સાથીદાર કાર્તિકભાઈને વાત કરી. સામાન્ય રીતે સાર્થક પ્રકાશન નિમિત્તે સમારંભો ન કરવા એવું નક્કી કર્યું છે. કારણ કે તેમાં મઝા તો આવે, પણ ખર્ચ ઘણો થાય છે અને સાર્થક પ્રકાશન પાસે એવા વધારાના કે 'ઉપરના' રૂપિયા નથી હોતા. પરંતુ પ્રકાશભાઈની મોક-કોર્ટની વાત જુદી હતી. એ માટે અમે નક્કી કર્યું કે આમથી-તેમથી સહકાર મેળવીને પણ આ કાર્યક્રમ કરવો. પ્રકાશભાઈનાં દીકરીના રોકાણ પ્રમાણે કાર્યક્રમની તારીખ નક્કી કરીઃ ૨૦ જુલાઈ ૨૦૧૯. શનિવાર.
મોક કોર્ટના તોફાન અંગે પ્રકાશભાઈની ઉત્સાહભરી સંમતિ મેળવ્યા પછી સૌથી પહેલો સંપર્ક ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામિકભાઈ શાહનો કર્યો. પ્રકાશભાઈ પ્રત્યે ભરપૂર આદર અને લાગણી ધરાવતા અનામિકભાઈએ ધારાધોરણ પ્રમાણે આપી શકાય એટલું કન્સેશન અને કેટલીક અંગત મદદ કરી. એવી રીતે વિદ્યાપીઠનો હીરક મહોત્સવ સભાખંડ બુક કરાવ્યો. ત્યાં સુધી, એટલે કે જૂનના પહેલા અઠવાડિયા સુધી, ફક્ત મોક કોર્ટ અને પુસ્તક પ્રકાશનનો જ ખ્યાલ હતો. કાર્યક્રમ પાંચ વાગ્યે શરૂ થાય, સાત વાગ્યે પૂરો થાય ને સૌ પોતપોતાના ઘરભેગા.
પરંતુ હોલ નક્કી થઈ ગયા પછી મનમાં આવતા અનેક વિચારોની જેમ વિચાર આવ્યોઃ આટલું કરીએ જ છીએ, તો પ્રકાશભાઈનું સન્માનનિધિ અર્પણ ન કરવો જોઈએ? બીજા સન્માન ઉપરાંત એ નક્કર સન્માન બની રહે.
આ પહેલાં સન્માનનિધિ એકત્ર કરવાના કોઈ પ્રસંગનો જરાસરખો પણ અનુભવ ન હતો. એટલે થોડું વિચારીને એ વિચાર અવ્યવહારુ ગણીને મનોમન ફાઇલ કરી દીધો. બીજા દિવસે કાર્તિકભાઈ સાથેની વાતચીતમાં સહજ તેનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેમણે કહ્યું કે આ તો કરવું જ જોઈએ.
અગાઉ બીજા કેટલાક વડીલ મિત્રોએ પ્રકાશભાઈનું આ રીતે સન્માન કરવાનું વિચાર્યું હતું. વાત થોડી આગળ પણ વધી હતી. પરંતુ છેવટના અંજામ સુધી પહોંચી શકી નહીં. એ વખતે છેલ્લા તબક્કામાં એક વાર મારી હાજરીમાં પણ વાત થઈ હતી. ત્યારે રૂપિયા કયા નામે એકત્ર કરવા અને તેનો ટેક્સ સહિત બીજી કેવી-કેટલી ટેકનિકલ બાબતોની ગુંચ આવી શકે, તેની ઘણી ચર્ચા થઈ હતી. છેવટે કશો સંતોષકારક નીવેડો ન આવતાં એ વાત વિખેરાઈ ગઈ. આ વખતે કાર્તિકભાઈએ કહ્યું કે રૂપિયા સાર્થક પ્રકાશનના નામે લઈશું. એની ચિંતા ન કરો.
મને તેમાં સૈદ્ધાંતિક રીતે કશો વાંધો લાગતો ન હતો. પણ મજબૂત સેકન્ડ ઓપિનિયન માટે કાર્તિકભાઈને ત્યાંથી જ મેં ચંદુભાઈ મહેરિયાને ફોન કર્યો. તે પરમ મિત્ર. સાચા મિત્ર. આવી બાબતમાં તેમના અભિપ્રાય જરાય શેહશરમ વગરના હોય. કરવા જેવું લાગે તો જ એ હા પાડે. ને આ બાબતમાં તે લીલી ઝંડી આપે તો બીજાના સંભવિત વાંધાની કે કથિત સિદ્ધાંતપિંજણોની હું કશી દરકાર ન કરું.
ચંદુભાઈએ તત્કાળ હા પાડી અને કહ્યું કે આ કરવું જોઈએ. ત્યારથી પ્રકાશોત્સવમાં એક નવું પરિમાણ ઉમેરાયુંઃ સન્માનનિધિ.
***
રૂપિયાપૈસાની વાત આવી, એટલે અમે સાવધ થઈ ગયા. કેટલીક સ્પષ્ટતાઓ જરૂરી બની. તે પછીથી અમે લેખિતમાં પણ કરી. સૌથી પહેલી સ્પષ્ટતા સાર્થક પ્રકાશનની ભૂમિકા અંગેની. પુસ્તક પ્રકાશન અને મોક કોર્ટ સાર્થક પ્રકાશનના કાર્યક્રમ હતા, જ્યારે સન્માનનિધિમાં સાર્થકે ફક્ત હિસાબકિતાબની જવાબદારી સંભાળવાની હતી. (એ 'ફક્ત'માં સમાય એટલું ન હતું, એ તો પછીથી કાર્તિકભાઈને ધંધે લાગેલા જોયા ત્યારે વધારે ખ્યાલ આવ્યો) આર્થિક અજ્ઞાનવશ મેં કાર્તિકભાઈને એવો સવાલ પણ પૂછ્યો હતો કે 'જે રૂપિયા સાર્થકના ખાતામાં જમા થાય, તેનું વ્યાજ આવે તેનું શું? આપણે એ ન લઈ શકીએ.’
ત્યારે કાર્તિકભાઈએ હસતાં હસતાં સમજાવ્યું કે 'રૂપિયા સાર્થકના ચાલુ ખાતામાં (કરન્ટ અકાઉન્ટમાં) જમા થશે. તેમાં વ્યાજ ન મળે.’ પણ એ તબક્કે બધી સ્પષ્ટતા જરૂરી હતી. સાર્થક પ્રકાશન આખા ઉપક્રમમાં કશી ખટપટ કે કર્તાભાવ વિના હિસાબ રાખે ને છેવટે પ્રકાશભાઈને તથા સૌ કોઈને હિસાબ આપી દે, એટલે તેનું કામ પૂરું. સન્માનનિધિના મામલે સાર્થકને પારદર્શક-કાર્યક્ષમ વહીવટ સિવાય બીજો કોઈ જશ ન ખપે. નિધિનો ચેક અર્પણ થાય ત્યારે નાગરિક સમાજના સભ્યો પ્રકાશભાઈ સાથે મંચ પર હોય. તેમાં પણ સાર્થક પ્રકાશનના સાથીદારો ન હોય. આટલી સ્પષ્ટતા મનમાં પાકી હતી.
***
સન્માનનિધિ એકત્ર કરવાનો થાય ત્યારે સામાન્ય રિવાજ એવો છે કે સમિતિ બને, તેની મિટિંગો થાય, વધુ મિટિંગો થાય, તેમાં વાંધા પણ પડે, વાતો આડીઅવળી ફંટાય, લોકોના અહમ્ સાચવવા પડે, કાર્યક્ષમતાને બદલે સિનિયોરિટીના ખ્યાલ કરવા પડે...અને એ પછી પણ સંઘ કાશીએ પહોંચે ત્યારે ખરો.
અમારી રાબેતા મુજબની પદ્ધતિ પ્રમાણે, આખા આયોજનમાં શું ન કરવું એ નક્કી હતું. એટલે ધીમે ધીમે ચંદુભાઈના બરાબર મદદ-માર્ગદર્શન-સાથ અને ભરપૂર સક્રિયતાથી એક પછી એક પગલાં શરૂ કર્યાં. સૌથી પહેલાં સન્માનનિધિ માટેની અપીલ તૈયાર કરી. તેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું હતું કે વ્યાપક નાગરિકસમાજ દ્વારા ઋણઅદાયગીના નાનકડા પ્રયાસ તરીકે સન્માન નિધિ અર્પણ થવાનો હતો અને સન્માન નિધિ તરીકે કોઈ ચોક્કસ રકમનું લક્ષ્ય નથી. મહત્તમ રકમ એકઠી થાય તેવો આપણો પ્રયાસ રહેશે.
અપીલની નીચે જૂનાં અને જાણીતાં નામ મૂકવાનું ટાળ્યું. એ બધાં આદરણીય વ્યક્તિત્વો છે. તેમનો સહકાર મળશે એવી ખાતરી જ હોય. પરંતુ અમુક ઉંમર પછી એનાં એ જ વૃક્ષોનો કોઠે પડી ગયેલો છાંયડો છોડીને નવી વાવણી કરવાનું જરૂરી હોય છે--વ્યક્તિગત રીતે તેમ જ જાહેર જીવન માટે પણ. બીજી સ્પષ્ટતા એ વાતની પણ હતી કે લોકો સન્માનરાશિ પ્રકાશભાઈ માટેના ભાવથી આપવાના છે. ત્રીજી સ્પષ્ટતા એ કે પ્રકાશભાઈના ખરા પ્રેમીઓ આ કામમાં મદદરૂપ થવા માટે અપીલમાં નીચે પોતાનું નામ નહીં શોધે. કારણ કે એ કંઈ મંત્રીમંડળની યાદી નથી. એ તો પોતાના ભાવથી જ સક્રિય થશે, પોતપોતાના વર્તુળમાં વાત મૂકશે અને તે વાત વધુ લોકો સુધી પહોંચાડશે. અપીલમાં પણ અમે સ્પષ્ટ કર્યું હતું કે અહીં જે થોડાં નામો છે તે આપણાં વ્યાપક નાગરિક સમાજ અને ચાહકોના પ્રતિનિધિત્વનો નાનકડો હિસ્સો છે.
વિવિધ પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને મુકાયેલાં નામ હતાંઃ હસમુખ પટેલ (વિરમપુર), મંદા પટેલ (અમદાવાદ), ચંદુ મહેરિયા (ગાંધીનગર), ઉત્તમ પરમાર (કીમ), વિપુલ કલ્યાણી (બ્રિટન), એ. ટી. સિંધી (પાલનપુર), રમેશ ઓઝા (મુંબઈ), દ્વારકાનાથ રથ (અમદાવાદ), રજની દવે (અમદાવાદ), બિપિન શ્રોફ (મહેમદાવાદ), સંજય શ્રીપાદ ભાવે (અમદાવાદ), સારાબહેન બાલદીવાલા (અમદાવાદ), દીપક સોલિયા (મુંબઈ), મહેન્દ્રસિંહ પરમાર (ભાવનગર), ભરત મહેતા (વડોદરા), ઉર્વીશ કોઠારી (મહેમદાવાદ)
અમારી ભૂમિકા આટલી જ હતીઃ પ્રકાશભાઈથી પરિચિત લોકો સુધી સન્માનનિધિ વિશેની વાત પહોંચાડવી. 'નિરીક્ષક' ઉપરાંત ઇન્દુકુમાર જાનીએ 'નયા માર્ગ'માં અને રજનીભાઈ દવેએ 'ભૂમિપુત્ર'માં પહેલાં અપીલ અને પછીના અંકમાં જાહેર નિમંત્રણ છાપ્યાં. પરંતુ સન્માનનિધિનો મામલો કેવળ જાહેર અપીલથી શક્ય ન બને. એટલે ચંદુભાઈએ, હસમુખભાઈ પટેલે, ઉત્તમભાઈ પરમારે, લંડન બેઠેલા વિપુલભાઈ કલ્યાણીએ, (અપીલની નીચે જેમનું નામ ન હતું એ) હસિત મહેતાએ અને મેં વ્યક્તિગત સંબોધન સાથે વ્યક્તિગત પત્રો, મેઇલ ને ફેસબુક મેસેજથી લોકોને જાણ કરી. અપીલ સાથે હું ફક્ત એટલું જ લખતો હતોઃ 'વાંચીને યથાયોગ્ય કરવા માટે...’ આવો મેસેજ કર્યા પછી કોઈને ફરી યાદ ન કરાવવું એ નક્કી હતું. કેમ કે, આ તો કૃતજ્ઞતા કે આદર કે પ્રેમ વ્યક્ત કરવાની વાત હતી. તેમાં આગ્રહ કે ઉઘરાણી ન હોય.
***
સન્માનનિધિનું નક્કી થયા પછી નક્કી થયેલી અને છેવટ સુધી પાળવામાં આવેલી કેટલીક બાબતોઃ
- જેમને અપીલ મોકલતાં ખચકાટ થાય, પ્રકાશભાઈ પ્રત્યે તેમને ભાવ હશે કે નહીં એવી અવઢવ થાય, તેમને અપીલ ન જ મોકલવી.
- પહેલા ક્રમે પ્રકાશભાઈના સ્વમાનનો-ગરિમાનો-ગૌરવનો અને પછીના ક્રમે આપણા સ્વમાનનો પૂરેપૂરો ખ્યાલ કરવો. માથું કે હાથ નીચાં થાય એવી રીતે કશું જ માગવું નહીં કે લેવું પણ નહીં. કેમ કે, આ નિધિ પ્રકાશભાઈને મદદ કરવાના આશયથી નહીં, જાહેર જીવનમાં તેમના પ્રદાનની કદરના આશયથી છે.
- પ્રકાશભાઈનું નામ પણ ન સાંભળ્યું હોય એવા, 'દાતાઓ'ને મળવું જ નહીં. તેમની પાસેથી રકમ મેળવવાનો તો સવાલ જ નહીં.
- વ્યક્તિગત પત્ર કે મેઇલ મોકલ્યા હોય તેમને પણ ફરી યાદ કરાવીને શરમમાં નાખવાં નહીં.
આ કવાયત શરૂ કરી, ત્યારે એક-બે નજીકના મિત્રોએ પૂછ્યું, 'કેટલું ટાર્ગેટ છે?’ ત્યારે મારો જવાબ હતો, ‘એવું કશું વિચાર્યું નથી ને મનમાં એવો કોઈ આંકડો કે લક્ષ્યાંક પણ નથી. પણ ગૌરવભેર થાય એટલો મહત્તમ પ્રયાસ કરવાનો છે.’ શરૂઆતથી જ કાર્તિકભાઈ સાથે એવી સમજૂતી કરી કે 'છેવટ સુધી હું તમને આંકડો નહીં પૂછું.’ તેમણે કહ્યું, 'તમે પૂછશો તો પણ હું નહીં કહું.’ આ શરત પણ અમે પાળી. જે શનિવારે કાર્યક્રમ હતો તેના ચાર દિવસ પહેલાં, મંગળવારે સવારે કાર્તિકભાઈનો ફોન આવ્યો. તેમણે ફક્ત એટલું જ કહ્યુંઃ સેવન ડિજિટ. (સાત આંકડા)
***
આવો કોઈ પણ ઉપક્રમ હોય, તેમાં અવનવા અનુભવો તો થાય ને થયા પણ ખરા. પરંતુ ચંદુભાઈ સાથે લગભગ રોજ સાંજે-રાત્રે થતી વાતમાં આદાનપ્રદાન થાય, ઘણી ગમ્મત કરીએ, ક્યારેક ખીજ પણ ચડે, લોકોની અવનવી વર્તણૂંકોથી રમુજ થાય ને નવાઈ પણ લાગે. થોડા સમય પછી કોઈ વળી પૂછે કે 'રકમ થઈ ગઈ? ન થઈ હોય તો અમે આપીએ.’ તેમને અમે પોતપોતાની રીતે કહેતા કે આમાં 'રકમ' ને 'થઈ ગઈ' જેવું કશું નથી. તમને ભાવ હોય તો તમને જે ઠીક લાગે તે રકમ આપવાની છે. અપીલમાં અમે સૂચવેલું કે આર્થિક રીતે સ્થિર હોય એવા ઘણા મિત્રો રૂ. પાંચ હજાર આપે છે. એ ઇશારો એવા લોકો માટે હતો, જેમને આર્થિક પ્રશ્ન ન હોય, પણ આંકડો સૂઝતો ન હોય. બાકી, સન્માનનિધિમાં સો રૂપિયા પણ આવ્યા ને અમે બહુ ભાવથી અને આદરથી સ્વીકાર્યા.
થોડા મિત્રો એવા પણ હોય, જેમને અવઢવ હોય કે 'પ્રકાશભાઈને વળી રૂપિયાની શી જરૂર? તેમનો તો નવરંગપુરામાં કરોડોનો બંગલો છે ને લાખોની મિલકત હશે.’ આવું કોઈ પ્રત્યક્ષ પૂછે તો અમે કહેતા હતા કે આ રકમ પ્રકાશભાઈને આર્થિક સહાયનો કાર્યક્રમ નથી. તમને તેમના પ્રત્યે ભાવ હોય, આર્થિક સુવિધા હોય તો તમારો ભાવ નક્કર રકમ આપીને વ્યક્ત કરી શકો છો. તેમાં પ્રકાશભાઈની આર્થિક સ્થિતિ એ કોઈ મુદ્દો જ નથી.
અને ફોર ધ રેકોર્ડ, બંગલો પ્રકાશભાઈના સમૃદ્ધ પિતાએ દાયકાઓ પહેલાં બનાવેલો. પ્રકાશભાઈ સંપત્તિના સર્જનમાં કે વૈભવી જીવનમાં તો ઠીક, આર્થિક સ્થિરતાના ફરજરૂપ લાગે એવા મોહથી પણ તે દૂર રહ્યા છે.
છતાં એકંદર પ્રતિભાવ બહુ સારો હતો, એવું પત્રો-મેઇલના પ્રતિભાવ પરથી અને કાર્તિકભાઈની વાત પરથી લાગતું હતું. કેટલા બધા લોકોએ ઉપરથી અમારો આભાર માન્યો કે તમે પ્રકાશભાઈ પ્રત્યે ભાવ વ્યક્ત કરવાની તક આપી. આખા આયોજનની એ મોટી ઉપલબ્ધિ હતી. પ્રકાશભાઈ પ્રત્યે ભાવ ધરાવતા-તેમની કદર જાણનારા લોકો કેટલી મોટી સંખ્યામાં છે એનો અહેસાસ બહુ આનંદ આપનારો હતો--અત્યારે તો વિશેષ.
(કાર્યક્રમની તૈયારીઓ અને તેની ગતિવિધિનું વર્ણન ધરાવતો ઉત્તરાર્ધ આવતી કાલે)
Saturday, April 06, 2019
સાર્થક પ્રકાશન : સાતમા વર્ષમાં ડગ માંડતાં...
૧) ભેગા મળવું સહેલું છે, ભેગા રહેવું અઘરું છે. ઉત્સાહ નહીં ટકે. ઊલટું, હશે એટલી દોસ્તીમાં પણ તિરાડો પડશે. માટે, આ કરવું રહેવા દો.
૨) છતાં સાથે મળીને કામ કરવું હોય તો બીજું કંઈક શોધો, પણ પ્રકાશન? કભી નહીં. એ તો સો ટકા દુઃખી થવાનો ધંધો છે—ફક્ત દુઃખી થવાનો જ નહીં, રૂપિયા ખોવાનો પણ ખરો.
આવી સલાહ અમે કોઈને આપી હશે ને અમને મળી હતી પણ ખરી. છતાં, મિત્રો સાથે મળીને પ્રકાશન કરવાનું વિચાર્યું ત્યારે ઉભરાવાની ઉંમર રહી ન હતી. કઠણ અને કડવી વાસ્તવિકતાઓનો પરિચય હતો. અપેક્ષાઓ માપમાં હતી. અમુક હદ સુધીના પોસાય એટલા રૂપિયા ગુમાવવાની તૈયારી હતી. એટલે એપ્રિલ ૬, ૨૦૧૩ના રોજ સાર્થક પ્રકાશનની શરૂઆત થઈ.
ત્યાર પછી નાનામોટા બમ્પ આવ્યા, પણ ચાલકો ઠરેલ હતા. એકબીજાને જાળવી લે એવા. એટલે હળવા ને શોષાઈ જાય એટલા આંચકાથી વિશેષ કશું અનુભવાયું નહીં. પ્રકાશન શરૂ કર્યું ત્યારે મનગમતાં પુસ્તકો આર્થિક મર્યાદાની હદમાં રહીને કરવાં, એવો ખ્યાલ હતો. થોડા સમય પછી અમારી રૂચિ અને પસંદગીનાં ધોરણ પ્રમાણેનું છ માસિક કાઢવાનો વિચાર આવ્યો. દિલ્હીસ્થિત મિત્ર અમિત જોશીની દિવાળી અંકો વિશેની ટીકાટીપ્પણી તેના મૂળમાં. વાચક તરીકેની એ બળતરામાંથી ‘સાર્થક જલસો’ છ માસિકનો જન્મ થયો. ત્યારથી એક પણ ખાડો પાડ્યા વિના ‘સાર્થક જલસો’ના ૧૧ અંક પ્રગટ થયા. (મે ૨૦૧૯માં આવનારા ૧૨મા અંકની તૈયારી ચાલે છે.)
તેના ત્રણ-ચાર અંક પછી ગુરુજન રતિલાલ બોરીસાગરે કહ્યું હતું કે આવી જ ગુણવત્તાના દસ-બાર અંક નીકળે તો ‘સાર્થક જલસો’નું ગુજરાતી સામયિકોમાં વિશિષ્ટ સ્થાન ઊભું થાય અને તેને ‘વીસમી સદી’ જેવા સામયિકની પરંપરામાં મૂકી શકાય. અમારા પક્ષે એટલું જ કહેવાનું કે ૧૧ અંકમાં અમે કદી અણગમતું કે વ્યવહાર ખાતર કે શરમાશરમીમાં કશું છાપ્યું નથી (ને છાપવાના પણ નથી). અમારી સમજ અને અમારા આગ્રહો સાથે કોઈની અસંમતિ હોઈ શકે. પણ અમારા મનમાં અમારે શું કરવાનું અને ખાસ તો, શું નહીં કરવાનું એ સ્પષ્ટ છે. એટલે જ, દરેક વખતે સાર્થક જલસો કાઢતી વખતે લાગે છે કે આ વખતે ગઈ વખત કરતાં પણ વધારે મઝા પડી રહી છે. આવું ન લાગે ત્યારે અંક ન કાઢવો—એવું મનમાં હોવાથી, ઘણા મિત્રોના આગ્રહ છતાં, હજુ સુધી લવાજમ લેવાનું શરૂ કર્યું નથી. પાંચ-છ અંક પછી હવે ખપતું મૅટર મળી રહેશે એવો આત્મવિશ્વાસ આવ્યો હોવા છતાં, લવાજમ લેવામાં હજુ ખચકાટ થાય છે.
‘સાર્થક જલસો’ની એક આડકતરી પણ મોટી ઉપલબ્ધિ એ થઈ કે તેમાં લખનારા અને એ સિવાય અમારી સાથે દોસ્તી-પ્રેમ-આદરથી સંકળાયેલા ઘણા લોકોની એક અનૌપચારિક બિરાદરી ઊભી થઈ. એકબીજાના સંપર્કમાં ન રહેલા સારા માણસો એકબીજા સાથે હળેમળે, એકબીજામાંથી આધાર મેળવે ને એકબીજાને આધાર આપે, વિચારોની-કામગીરીની આપલે કરે અને મૂળભૂત માનવીય મૂલ્યોમાં વિશ્વાસ ધરાવતા લોકોનું વર્તુળ વિસ્તરે, એવું પણ ઠીક ઠીક પ્રમાણમાં શક્ય બન્યું છે.
સાર્થક પ્રકાશન શરૂ થયું ત્યારે ‘સાર્થક જલસો’ એજેન્ડામાં ન હતો. કદાચ એટલે જ એ સૌથી નિયમિત પ્રકાશન બન્યો છે. પુસ્તકોના મામલે અમારું કામ ધીમું છે. મિત્રોની ધીરજની કસોટી કરે એટલું ધીમું. ‘સાર્થક જલસો’માં જાહેરખબરો આવી ગયાના વર્ષ-બબ્બે વર્ષ પછી પણ પુસ્તકો આવ્યાં ન હોય એવું બન્યું છે. તેનાં ઘણાં કારણ છે, પણ તેમાંનું એકેય આર્થિક નથી. મુખ્ય કારણ એ છે કે અમારી કોઈની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ આ નથી. આર્થિક ઉપરાંત આનંદની પ્રવૃત્તિઓ-રસના વિષયો પણ બીજા ઘણા છે. એ ઉપરાંત અમારા મિત્રોના મૂડ અને ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ જેવા પુસ્તકમાં એક-એક લીટીનો અનુવાદ જોવાની ઝીણવટ જેવાં કેટલાંક વાજબી કારણોથી પણ મોડું થાય છે—થતું રહ્યું છે. પણ હવે આ વર્ષમાં થોડાં વધુ પુસ્તકો આણવાની અમારી ઇચ્છા અને પ્રયાસ છે.
![]() |
| Books Published by Saarthak Prakashan/ સાર્થક પ્રકાશનનાં પુસ્તકો |
![]() |
| 11 issues of Saarthak Prakashan/સાર્થક જલસોના ૧૧ અંક |
દીપક સોલિયા, ઉર્વીશ કોઠારી, ધૈવત ત્રિવેદી—આટલા લેખકમિત્રો અને વહીવટી (એટલે કે લગભગ બધાં) કામ સંભાળનારા મિત્ર કાર્તિક શાહ. આ સાર્થક પ્રકાશનની સ્થાપના વખતના ચાર જણ. પરમ મિત્ર અને ઉત્તમ ડીઝાઇનર અપૂર્વ આશર શરૂઆતમાં સક્રિય રીતે અને પછી વ્યસ્તતાઓને કારણે સલાહસૂચનની રીતે અડીખમ અને મજબૂત ટેકો છે. તેમના વિના સાર્થકનાં આરંભિક પ્રકાશનોની જે ઉમદા છાપ ઊભી થઈ, તે આ હદે કદાચ ન થઈ હોત. બીરેન કોઠારી આમ તો સાથે જ હતો. પછી ‘સાર્થક જલસો’ના સાથી સંપાદક તરીકે તેનો સત્તાવાર પ્રવેશ પણ થયો. બિનીત મોદીનું ઘર ઘણા સમય સુધી ‘સાર્થક’નું સરનામું રહ્યું. કાર્તિકભાઈના ભાઈ અમિતભાઈએ પણ સાર્થકના કામમાં હોંશભેર મદદ કરી—કેવળ વ્યક્તિગત લાગણી અને સારા કામને મદદ કરવાના શુભ હેતુથી.બુકશૅલ્ફના હેમેન્દ્રભાઈ વ્યાવસાયિક બાબતમાં સોલ ડિસ્ટ્રીબ્યુટર તરીકે સહભાગી રહ્યા. શર્મિલી પટેલ અને અનિશ દેસાઈએ સાર્થક પ્રકાશનની વેબસાઈટ શરૂ કરી આપી. અનિશ તેમના વ્યસ્ત કામમાંથી વચ્ચે વચ્ચે સમય કાઢીને નવાં પ્રકાશનો અપડેટ કરી આપે છે. (હવે તમારા સૂચન પ્રમાણે સાઇટ નવી કરવાનો સમય થઈ ગયો છે, અનિશ)
મિત્ર વિવેક દેસાઈએ ‘સાર્થક જલસો’ને તસવીરો ને લેખો ઉપરાંત ‘નવજીવન’ થકી જાહેરખબરનો ટેકો કર્યો. ગુરુ રજનીકુમાર પંડ્યા પણ જાહેરખબરમાં મદદરૂપ થયા. ‘બુકશૅલ્ફ’ના હેમેન્દ્રભાઈ અને મનુભાઈ શાહ (ગુર્જર પ્રકાશન) પણ ‘સાર્થક જલસો’માં સદ્ભભાવથી જાહેરાત આપે છે. ‘બુકપબ’ના કિરણભાઈ ઠાકર પણ. (આવી બીજી મદદો આવકાર્ય છે). સાર્થકનાં તમામ પ્રકાશનો યુનિક ઑફસૅટમાં છપાય છે. ‘યુનિક’ના મેહુલભાઈ પણ સાર્થકના વિસ્તરેલા પરિવારમાં છે.
અપૂર્વ આશરની વ્યસ્તતા પછી ડિઝાઇનર મિત્ર ફરીદ શેખ અને ‘સાર્થક જલસો’ના ગયા અંકથી આર્ટમણિવાળા, ઇન્ડિયા ટુડ઼ે ગુજરાતીના જમાનાના મિત્ર મણિલાલ રાજપુત ‘સાર્થક જલસો’નું ડિઝાઇનિંગ કરે છે. આ સિવાય કેટકેટલા સાથીદારો-શુભેચ્છકો-લેખકો-વડીલોએ તેમની લાગણીથી સાર્થક પ્રકાશનને પોષ્યું છે, તેમની ઉદારતાથી અમારી ઢીલાશ નભાવી છે, તે એક જ આશાએ કે અમે કદી ગુણવત્તા સાથે બાંધછોડ નહીં કરીએ અને અમારી મહત્તમ ક્ષમતા પ્રમાણેનું ઉત્તમ કામ આપીશું.
એ આશા પાર પાડવામાં અમે કદી ઊણા ન ઉતરીએ, એવી પૂરી તૈયારી અને પ્રયાસો સાથે અમે અમારું કામ ચાલુ રાખીશું. તમને એ ગમે તો અત્યાર સુધી થયા છો એવી જ રીતે, તેના પ્રચારપ્રસારમાં ને બીજી રીતે શક્ય એટલા મદદરૂપ થજો. અમારા જેવા બિનવ્યાવસાયિકો જાહેરખબર મેળવવાની બાબતમાં અને પ્રચારપ્રસારના-વિતરણના કામમાં હંમેશાં ઊણા ઉતરે છે. ગરીમા ચૂક્યા વિના તેમાં જેટલી મદદ થઈ શકે એટલી કરજો. અમે તમને લટુડાંપટુડાં નહીં કરીએ, શુદ્ધ ગુજરાતીમાં જ વાત કરીશું. કારણ કે, અમારે તમને અમારી ક્ષમતામાં રહીને કંઈક નક્કર અને પોષક આપવું છે. અત્યાર સુધી તમારો સહકાર મળ્યો છે તેનો આનંદ છે અને કૃતજ્ઞતા પણ ખરી. મિત્રો-સ્નેહીઓના સાચા પ્રેમનો પાર નથી. તેમના પ્રત્યે ઊંડા સ્નેહની અનુભૂતિ મનમાં હંમેશાં રહે છે. આવી લાગણી સાથે સાતમા વર્ષમાં ડગ માંડતી વખતે અપાર સાત્ત્વિક આનંદ ઉપજે છે. તેના માટેનો બીજો શબ્દપ્રયોગ છેઃ સાર્થક જલસો.
Thursday, April 06, 2017
સાર્થક પ્રકાશનઃ પાંચમા વર્ષે...
![]() |
| ગુરુજનોની હાજરીમાં, મિત્રો-સ્નેહીઓની સાખે સાર્થક પ્રકાશનનો પ્રારંભ |
અને એ અમે કર્યું. ચાર વર્ષ પહેલાં. શરૂઆત કરનારા અમે ચાર. દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી, કાર્તિક શાહ અને ઉર્વીશ કોઠારી. ખ્યાલ એવો હતો કે લખનારાનું એક પ્રકાશન હોય. (આ વિચારમાં અશ્વિનીભાઈની---અશ્વિની ભટ્ટની--સોબતની થોડી અસર પણ હોઈ શકે છે.) દીપકને, ધૈવતને કે મારે પોતાનાં પુસ્તકો પ્રસિદ્ધ કરવા માટે પ્રકાશકની મુશ્કેલી પડે તેમ ન હતી. પણ ખ્યાલ એવો હતો કે બીજાં પણ થોડાં ગમતાં પુસ્તક પ્રકાશિત કરી શકાય. કેટલાંક પુસ્તક એવાં હોય છે કે વ્યાવસાયિક પ્રકાશકોને તેમાં રસ ન પડે અને આપણને તે કરવાં (ફરજના અર્થમાં) ધર્મરૂપ લાગતાં હોય. એવું કંઈ હોય તો કોઈને પૂછવાની કે કોઈની મંજૂરી લેવાની ન રહે અને સ્વતંત્રતાથી નિર્ણય લઈ શકાય, એ માટે પ્રકાશન શરૂ કરવાનો વિચાર આવ્યો. (સાર્થક પ્રકાશનનો ઉલ્લેખ ધરાવતો પ્રતિલિપિ પરનો મારા ઇન્ટરવ્યુની લિન્ક )
પ્રકાશન શરૂ કરવાનાં કારણ એક-બે હતાં અને તે કેમ શરૂ ન કરવું જોઇએ, તેનાં કારણ (આરંભે જણાવ્યાં તેમ) ઘણાં હતાં. છતાં, લેખકો-મિત્રો દીપક-ધૈવતના સાથ, મિત્ર અને આર્થિક બાબતોના નિષ્ણાત એમ બન્ને ભૂમિકા એકસરખી ઉત્કટતાથી અદા કરનાર કાર્તિક શાહના ભારે સાથસહયોગ- માર્ગદર્શન તથા પુસ્તકક્ષેત્રની તમામ કળાઓના પારંગત અપૂર્વ આશરના સક્રિય સહકારથી આ સાહસ નામે સાર્થક પ્રકાશન શરૂ થઈ શક્યું.
એ વખતે ફક્ત પુસ્તક પ્રકાશનનો ખ્યાલ હતો, પણ મોટા ભાઈ બીરેન કોઠારી, પરમ મિત્ર અમિત જોશી અને બીજા પણ થોડા મિત્રોના ઉત્સાહથી એક સામયિકનો વિચાર આવ્યો. તેમાંથી છ માસિક 'સાર્થક જલસો’નો જન્મ થયો અને જોતજોતાંમાં તે સાર્થકનું અત્યંત સંતોષ આપનારું કામ બની રહ્યું. આ મહિનાના અંતભાગમાં તેનો સળંગ આઠમો અંક આવશે. (સાર્થક જલસો વિશે સિડનીના સુરસંવાદ રેડિયોનાં આરાધના ભટ્ટે લીધેલા ઇન્ટરવ્યુની લિન્ક)
‘સાર્થક’નાં ચાર વર્ષ વિશે દીપકે તેમની અનોખી શૈલીમાં ફેસબુક પર લખ્યું છે. તે પ્રમાણે, પુસ્તકોના મામલે અમે કરવું જોઇએ એટલું કામ સંખ્યાની રીતે કરી શક્યા નથી. હજુ થોડાં વધારે પુસ્તક થઈ શકે એમ હતાં. આ વર્ષે અમે એ કસર સરભર કરવા કોશિશ કરી રહ્યા છીએ. એવી જ રીતે 'સાર્થક જલસો’ સારું વાચન ઝંખતા ઘણા મિત્રોને--અને વાચક તરીકે અમને પણ—જલસો પાડે છે. દરેક 'જલસો' વખતે થતા લેખકો-સાથીદારો-વડીલોના મેળાવડામાં ક્યારેક રમેશ ઓઝા અને નીલેશ રૂપાપરા જેવા વડીલો-મિત્રો છેક મુંબઈથી ચહીને આવે છે, તો અમદાવાદના ઘણા વડીલ ગુરૂજનો પ્રતિકૂળતાની પરવા કર્યા વિના અચૂક અને નિરાંતે હાજરી આપે છે. લેખન-પત્રકારત્વ-જાહેર જીવન-વિચાર જેવાં કેટલાંક ક્ષેત્રોના ઉત્તમ કહેવાય એવા અને ત્રણ પેઢીના પ્રતિનિધિ એવા મિત્રો-વડીલો એ અનૌપચારિક મિલનને ખરેખરો 'જલસો' બનાવે છે. આ પરમ સંતોષની સાથે એ વાત પણ ખરી કે પુસ્તકો અને 'સાર્થક જલસો’ આ બન્નેના પ્રચારપ્રસારમાં અમે અા ચાર વર્ષમાં પૂરતું ધ્યાન આપી શક્યા નથી.
યુવાન મિત્રો અનીશ દેસાઇ અને શર્મિલી પટેલના પ્રેમભાવથી સાર્થકની વેબસાઈટ શરૂ કરી, જેનું લોન્ચિંગ અમે (ગુજરાતના જાહેર જીવન અને લેખનમાં જેમનું નામ બહુ આદરપૂર્વક લેવાવું જોઇએ અને સાર્થક મિત્રમંડળમાં તેમનું એવું જ સ્થાન છે એવા) ચંદુભાઇ મહેરિયાના હાથે કરાવ્યું હતું.) તેના કારણે ઓનલાઇન ઓર્ડરની વ્યવસ્થા ઉભી થઈ શકી. પરંતુ સાતત્યપૂર્વકના પ્રચારપ્રસારના અભાવે હજુ એવા ઘણા લોકો સુધી સાર્થકનાં પુસ્તકો અને 'સાર્થક જલસો’ની વાત પહોંચી નથી. માટે, આવનારા વર્ષમાં અમે આ બન્નેની વાત વધુ લોકો સુધી પહોંચાડવા ઇચ્છીએ છીએ. તેના માટે તમારા, વધુ ને વધુ મિત્રોના સહકારની અને સૂચનોની માગણી અમે દોસ્તીદાવે કરીએ છીએ.
કેટલાક મિત્રો અમને પણ આનંદ અને આશ્ચર્ય થાય એટલા ઉમળકાથી સાર્થકનાં પુસ્તકો અને જલસોનો પ્રસાર કરી રહ્યા છે. તેમના અમે ફક્ત આભારી જ નથી. તેમની આ ચેષ્ટા અમને કામ કરવાનું બળ પૂરું પાડે છે. કેમ કે, અમે પણ માણસ જ છીએ. આશા-નિરાશા, થાક-કંટાળો, ધીરજ-ખીજ જેવા અનેક લાગણીઓ ક્યારેક અમને પણ થતી હોય છે. એ વખતે એક તરફ સાર્થક દ્વારા થયેલા કામ પર અને બીજી તરફ આ મિત્રોની લાગણી પર નજર નાખવાથી અમારું તત્કાળ રિચાર્જિંગ થઈ જાય છે.
દીપકે તેમના લેખમાં 'સાર્થક' દ્વારા આ વર્ષે પ્રગટ થનારા એક મહત્ત્વના પુસ્તક તરફ ઇશારો કર્યો છે. તેમણે સસ્પેન્સ રાખ્યું છે, તો મારે પણ રાખવું જ પડે..બસ, જલસો-૮ સુધી રાહ જુઓ. તેમાં એક નહીં, બબ્બે મોટી જાહેરાતો સાર્થક પ્રકાશન દ્વારા થશે. આ બન્નેનો અમારે મન—અને અમને માથા સુધી ખાતરી છે કે ગુજરાતી વાંચનારાને મન—પણ ભારે મહિમા હોવાનો છે..બસ, વધુ ત્રણ અઠવાડિયાંની પ્રતિક્ષા.
'સાર્થક પ્રકાશન’ પહેલેથી વાચકોની રુચિ સંતોષવા ઉપરાંત તેમની રુચિ (અમારી સમજ પ્રમાણે) ઘડવામાં પણ માને છે. એટલે, 'સાર્થક જલસો’માં ઘણા બિનપરંપરાગત અને ગુજરાતી ભાષામાં બીજે ક્યાંય વાંચવા ન મળે એવા અનોખા લેખો આવે છે. 'સાર્થક પ્રકાશન’નાં ઘણાં પુસ્તક પણ એટલા માટે જ વિશિષ્ટ હોય છે--અને એટલે જ તેના પ્રચારપ્રસારમાં તમે સૌ મિત્રો યથાશક્તિ મદદરૂપ થાવ એવી અપીલ અને અપેક્ષા રાખીએ છીએ અને અમે અમારી મર્યાદામાં રહીને તમારા સુધી પહોંચવાના શક્ય એટલા પ્રયાસ કરવાની ખાતરી આપીએ છીએ.
સાર્થકના સૌ વાચકો-શુભેચ્છકો-મદદગારો-મિત્રો અને વડીલો સામે ભાવપૂર્વક માથું ઝુકાવીને આદર વ્યક્ત કરીએ છીએ
સાર્થક પ્રકાશનના આરંભની વાત વાંચવા માટેની લિન્ક
સાર્થક પ્રકાશન ઉત્સવ-1
સાર્થક પ્રકાશ ઉત્સવ-2
સાર્થક પ્રકાશન ઉત્સવ-3
સાર્થક પ્રકાશન ઉત્સવ-4
સાર્થક પ્રકાશન ઉત્સવ-5
Wednesday, June 17, 2015
કન્યાકેળવણીનાં ઢોલનગારાં વચ્ચે ચૂપચાપ આગળ ધપતો અનોખો પ્રયોગ : શિક્ષણ થકી વિદ્યાર્થીનીઓનું સશક્તીકરણ
![]() |
એનો અર્થ એમ નથી કે તોતિંગ ફી લેનારી ખાનગી શિક્ષણસંસ્થાઓ વિદ્યાર્થીઓને ઘડીને ઊંધી વળી જાય છે. એવાં ઠેકાણે ઘણી વાર તો વધુ રૂપિયા ખર્ચ્યાના સંતોષ સિવાય બીજી કોઇ બાબતે રાજી થવાપણું હોતું નથી. એની સામે, સરકારી મદદથી ચાલતી શિક્ષણસંસ્થામાં ખાનગીને ટક્કર મારે એવી દૃષ્ટિ, એવો ખંત અને એટલી નિષ્ઠા જોવા મળે એવું પણ બને. (આવા કિસ્સામાં સરકાર સદંતર નિર્દોષ હોઇ શકે, પણ એ જુદી વાત થઇ.) ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અઘ્યાપકોના પગાર આસમાની થયા છે અને જવાબદારીનું સરેરાશ સ્તર પાતાળે પહોંચ્યું છે. પરંતુ નડિયાદની સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજ તેમાં સુખદ અપવાદ છે. તેના સ્ટાફ દ્વારા હાથ ધરાતી વિશિષ્ટ પ્રવેશઝુંબેશ અને તેની પાછળ રહેલી સામાજિક નિસબત ઘેરા અંધકારમાં આશાનો ઉજાસ ફેલાવે એવી છે. સરકારી ગ્રાન્ટથી ચાલતી આ કૉલેજ ફક્ત નડિયાદ જ નહીં, આજુબાજુનાં સંખ્યાબંધ ગામડાંમાં રહેતી બારમું ધોરણ પાસ છોકરીઓને કૉલેજનું શિક્ષણ મળે એ માટે પૂરી નિષ્ઠાથી પ્રયાસ કરે છે. શિક્ષણસંસ્થાઓની ફરજ ફી લેવા, પરીક્ષા લેવા અને ડીગ્રી આપવા પૂરતી સીમિત બની ચૂકી હોય, ત્યારે કોઇ કૉલેજ સ્વયંભૂ રીતે પોતાની સામાજિક જવાબદારી વિશે વિચારે, એ જ નવાઇની વાત નથી?
શિક્ષણસંસ્થા અને સામાજિક ઉત્તરદાયિત્વ- આ બે શબ્દો મોટે ભાગે ટીકાના સૂરમાં જ સાથે બોલાય છે, પણ નડિયાદની સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજના આચાર્ય હસિત મહેતા અને તેમના સાથીદારોની લાગલગાટ મહેનતના પ્રતાપે, ગયા વર્ષે (૨૦૧૪-૧૫માં) નડિયાદની આજુબાજુુનાં ૧૬૪ ગામની યુવતીઓએ આ કૉલેજમાં અભ્યાસ કર્યો. આ ગામડાંમાંથી મોટા ભાગનાં એવાં કે જેમની ‘વિકસિત ગુજરાત’ના નકશામાં ગણતરી જ ન હોય. શિક્ષણનો લાભ લેનાર મોટા ભાગની યુવતીઓ સામાજિક-આર્થિક રીતે ગરીબ-વંચિત પરિવારની હતી. છેલ્લાં પાંચ વર્ષથી દર વર્ષે આશરે સવાસોથી દોઢસો યુવતીઓ એવી હોય છે, જે કદાચ સામાન્ય સંજોગોમાં બારમું ધોરણ પાસ કર્યા પછી ઊઠી ગઇ હોત. પરંતુ કૉલેજના સ્ટાફના પ્રયાસોથી એ યુવતીઓ કૉલેજનાં પગથિયાં ચઢી શકી અને પરીક્ષા આપવાના છેલ્લા તબક્કા સુધી પહોંચી.
આવું શી રીતે શક્ય બને? કોઇ પણ કામ હાથ ધરવાની બે રીત હોય : એક એનજીઓ પદ્ધતિ, જેમાં એક પ્રશ્ન સાથે સંકળાયેલાં બે પાસાં પર કામ થતું હોય ને બાકીનાં વીસના છેડા લટકતા હોય. બીજી વાસ્તવિક પદ્ધતિ, જેમાં દરેક મુદ્દા વિશે વિચાર કરાતો હોય અને કાર્યપદ્ધતિમાં સતત સુધારા પણ થતા રહેતા હોય. બન્નેમાં પાયાનો ફરક એ કે બીજી પદ્ધતિમાં કોઇ ફંડિંગ એજન્સીને દેખાડવા માટે કાગળીયાં પર કામ બતાવવાનું ન હોય. જાત પાસેથી જ જવાબ માગવાના હોય. નડિયાદની આ કૉલેજના સ્ટાફે એ પ્રકારે કામ શરૂ કર્યું. વર્ષ ૨૦૦૬-૦૭માં કૉલેજના મૂલ્યાંકના માટે આવેલી ‘નેક’ની ટીમે કૉલેજને ‘બી’ ગ્રેડ આપ્યો અને કહ્યું કે ‘વિદ્યાર્થીનીઓની સંખ્યા વરસોવરસ ઘટી રહી છે. એ માટે પણ કંઇક કરવું જરૂરી છે. સંખ્યા વધારવા કરતાં પણ જરૂરી છે લોકોને ભણતા કરવાનું.’
કૉલેજના આચાર્યના મનમાં ચાલતી ગડમથલને ‘નેક’ ટીમના સૂચનથી બળ મળ્યું. તેમણે નક્કી કર્યું કે બારમા ધોરણ પછી વિવિધ કારણોસર અભ્યાસ છોડી દેતી યુવતીઓને શોધી કાઢવી અને તેમને અભ્યાસ આગળ વધારવા માટે સમજાવવી. આ કામ માટે સૌથી પહેલાં કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતી છોકરીઓને સાંકળવામાં આવી. વિદાય સમારંભ વખતે પોતાના ઘરે છોકરીઓને આઇસક્રીમ-પાર્ટી આપ્યા પછી આચાર્યે વિશિષ્ટ ગુરુદક્ષિણા માગીઃ ‘તમે દરેક જણ એક-એક એવી છોકરી શોધી આપો, જે બારમા ધોરણ પછી કૉલેજ જતી ન હોય. હું એટલું જ ઇચ્છું છું કે એ ભણતી થાય. એ આપણી કૉલેજમાં ભણે એ બિલકુલ જરૂરી નથી. એ ગમે ત્યાં ભણે, પણ ભણવી જોઇએ.’
છોકરીઓએ ઉત્સાહભેર વિગતો આપી. તેના આધારે કૉલેજના સ્ટાફે બારમું પાસ કર્યા પછી ઘરે બેસી ગયેલી છોકરીઓનો સંપર્ક કર્યો. તેમને સમજાવી. તેમાંથી ૧૬ છોકરીઓ ભણવા માટે આવી પણ ખરી. આ તો ફક્ત શરૂઆત હતી. કામનો વ્યાપ વધારવો હોય તો વઘુ માહિતી મેળવવી પડે. એ માટે ફક્ત કૉલેજની વિદ્યાર્થીનીઓ પર આધાર રાખીને બેસી ન રહેવાય. એટલે નક્કી થયું કે છોકરીઓ બારમા ધોરણમાં ભણતી હોય ત્યારે જ તેમનો સંપર્ક કરવો. એ માટે કૉલેજના અધ્યાપકો બારમા ધોરણની બોર્ડની પરીક્ષા પહેલાં નડિયાદ અને તેની આસપાસના સોએક ગામડાંને આવરી લેતી શાળાઓમાં પહોંચી જાય, ક્લાસમાં જઇને વિદ્યાર્થીનીઓ સાથે વાત કરે, તેમનાં નામ-સરનામાં-સંપર્ક નંબર મેળવે. ત્યાંથી વિદ્યાર્થીનીઓ સાથે સંપર્ક થાય.
કૉલેજ પાછા ફર્યા પછી તમામ વિદ્યાર્થીનીઓની વિગત અને તેમનાં ગામનાં નામનો ડેટા તૈયાર થાય. દરેક અધ્યાપકના નામની સામે તેમણે કયા ગામની કયા ક્રમમાં મુલાકાત લેવાની અને ત્યાં કેટલી વિદ્યાર્થીનીઓનો સંપર્ક કરવાનો તેની યાદી રૂટ સાથે તૈયાર કરવામાં આવે. ત્યાર પછી બારમા ધોરણની પરીક્ષા પછીના વૅકેશનમાં ધોમધખતા તડકામાં, અઘ્યાપકો વિદ્યાર્થીનીઓનો સંપર્ક કરવા નીકળી પડે.
ગામમાં પહોંચ્યા પછી અધ્યાપકો સરનામાં કે સંપર્ક નંબરના આધારે વિદ્યાર્થીનીઓની ભાળ મેળવે, તેમના કુટુંબ સાથે વાત કરે અને તેમની સાથે બેસીને એક સર્વેક્ષણ ફૉર્મ ભરે. ફૉર્મમાં પ્રાથમિક વિગતો ઉપરાંત બીજી પણ અનેક વિગતો હોય, જે સામાજિક કે સમાજશાસ્ત્રીય અભ્યાસ માટે પણ ઉપયોગી નીવડી શકે. જેમ કે, સર્વેક્ષણ ફૉર્મમાં એક સવાલ છે : વેકેશનમાં શું કર્યું? જવાબી વિકલ્પો : આરામ, કૌટુંબિક પ્રવાસ, કમ્પ્યુટર શિક્ષણ, અંગ્રેજીના વર્ગો, મહેંદી, સંગીત, સિવણ, બ્યુટી પાર્લર, કમાણી, ચિત્ર. ‘ટ્યુશનમાં જતા હતા?’ એવો સવાલ હોય અને ‘ટીચરની કનડગત હતી?’ એવો પણ સવાલ હોય. કૌટુંબિક વિગતોમાં જ્ઞાતિ-પેટાજ્ઞાતિ, સંયુક્ત કુટુંબ-વિભક્ત કુટુંબ જેવા પ્રશ્નો હોય અને કુટુંબની વાર્ષિક આવકનું ખાનું પણ હોય.
સાવ અજાણ્યા ગામમાં છોકરીઓ અને તેમના પરિવાર સાથે વાત કરવાની, પરિવારજનો તરફથી આવતા અણધાર્યા ‘બાઉન્સર’ સવાલોના તેમને સંતોષ થાય એવા જવાબ આપવાના, તેમનો અવિશ્વાસ દૂર કરવાનો, વિશ્વાસ હાંસલ કરવાનો અને છોકરીઓને આગળ ભણાવવા તૈયાર કરવાનાં--આ કામ અધ્યાપકોની આકરી કસોટી કરનારું બની રહે છે. અઘ્યાપકોના અવનવા અનુભવો અને જમીની વાસ્તવિકતાનો તાદૃશ ચિતાર આ પ્રયોગના સંવેદનસભર દસ્તાવેજીકરણ ‘શિક્ષણ થકી સશક્તીકરણ’ અને અંગ્રેજીમાં ‘એમ્પાવરમેન્ટ થુ્ર એજ્યુકેશન’ (લે.બીરેન કોઠારી, સાર્થક પ્રકાશન)માંથી મળી રહે છે.
(શિક્ષણ થકી સશક્તિકરણ- બીરેન કોઠારી- સાર્થક પ્રકાશન - કિંમત રૂ.૫૦)
(Empowerment Through Education - Biren Kothari- Trans : Ishan Bhavsar- Neesha Parikh- Saarthak Prakashan- Rs.50)
વૅકેશનમાં સર્વેક્ષણ ફૉર્મ ભરાઇ ગયા પછી બારમા ધોરણનું પરિણામ આવે, એટલે કૉલેજ તરફથી વિદ્યાર્થીઓનો ફોનથી સંપર્ક કરવામાં આવે છે અને દરેક ફોન વખતે શું વાત થઇ તેની નોંધ સર્વેક્ષણના ફૉર્મ પર તારીખ સાથે રાખવામાં આવે છે. કોઇ યુવતીના વાલી નન્નો ભણવાનું ચાલુ રાખે તો તેમને રૂબરૂ મળીને સમજાવવાનો પ્રયાસ પણ કૉલેજ તરફથી કરવામાં આવે છે. વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓ પ્રવેશ માટે કૉલેજમાં આવે ત્યારે ‘પ્રવેશવિધિ’ના નામે તેમને એક ટેબલેથી બીજા ટેબલે ધક્કા ન ખાવા પડે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વાલીઓનેે તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવે છે. વિદ્યાર્થીની પ્રવેશ મેળવી લે એટલે ‘એક માથું ઉમેરાયું’ એવો સંતોષ લઇને કૉલેજ બેસી રહેતી નથી. તે છેલ્લા વર્ષની પરીક્ષા આપે ત્યાં સુધી તેની કાળજી રાખવામાં આવે છે.
આ પ્રકારની કામગીરીમાં આંકડાકીય સફળતા બેશક અગત્યની છે, પરંતુ એટલી જ કે તેનાથી પણ વધારે મહત્ત્વની છે સામાજિક અસરો. ગ્રામ્ય વિસ્તારમાં બારમું ધોરણ ભણીને ઘરે બેસી જતી યુવતીઓ આર્થિક મર્યાદા-સામાજિક રૂઢિચુસ્તતાના ઊંબરા ઓળંગીને કૉલેજમાં જાય અને નવી દુનિયામાં ટકી રહેવાનો આત્મવિશ્વાસ કેળવી શકે, તેની કિંમત શી રીતે આંકવી?
Sunday, February 16, 2014
સાગર મુવિટોન, સાર્થક પ્રકાશન અને મલ્ટિસ્ટાર જલસો (૨)
સાત વાગ્યાના કાર્યક્રમમાં આમીરખાન સવા સાતની આસપાસ આવી પહોંચ્યા ત્યારે આખું વાતાવરણ ‘ચાર્જ’થી છલકાતું હતું. વિઘુ વિનોદ ચોપરા, રાજકુમાર હીરાણી, અનિલ કપુર જેવી ફિલ્મી હસ્તીઓ મોજુદ હોવા છતાં વાતાવરણમાં સંયત ગ્લેમર કરતાં વધારે અનૌપચારિકતા અને આત્મીયતાનાં સ્પંદનો પ્રસરેલાં હતાં. કેમેરા અને ટીવી કેમેરાના ઝુંડને બાદ કરતાં એક નાનકડા, આત્મીય સમારંભનો અહેસાસ થતો હતો. પીવા કરતાં વધારે ફોટો પાડવાનું મન થાય એવા ભેદી રંગોનાં પીણાં ફરતાં હતાં. બીરેન અને સંચાલક યુનુસખાન કાર્યક્રમની રૂપરેખાને છેલ્લો ઘાટ આપી રહ્યા હતા. ચંદ્રશેખર વૈદ્ય ત્યાં જ હતા. દક્ષાબહેન-સુકેતુભાઇનાં પુત્રી રાધિકા દેસાઇ પણ આવી જતાં હતાં. ![]() |
| Yunus Khan, Biren Kothari, Urvish Kothari |
![]() |
| Amir Khan Greets Sushilarani Patel |
![]() |
| Biren showing old photos to Amir Khan.. |
![]() |
| ..and explaining the details |
![]() |
| Suketu Desai, Amir Khan, Daksha Desai |
![]() |
| Biren Kothari, Suketu Desai, Amir Khan, Daksha Desai |
![]() |
| Dipak Soliya presenting books of Saarthak Prakashan to Amir Khan |
![]() |
| Apurva Ashar presenting his creation to Amir Khan |
સમારંભ પછી મિત્રો-સ્નેહીઓ સાથે હળવામળવાનો અને ભોજનનો દૌર ચાલ્યો. રાત્રે સાડા અગિયાર વાગ્યે અમે ખાર જિમખાનાથી નીકળ્યા ત્યારે માંડ દસ મહિના જૂના ‘સાર્થક પ્રકાશન’ના સંચાલકો તરીકે અમે સૌ ‘હમણાં જે બની ગયું તે સાચું હતું કે સ્વપ્ન ?’ એવી રીતે વિચારતા હતા. એ વખતે અપાર આનંદ-સંતોષની સાથે થયેલો મુખ્ય અહેસાસ એ હતો કે છીછરા બન્યા વિના કે ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના, નક્કર કામ કરતા રહીએ તો પણ આ બઘું શક્ય બની શકે છે.
(photos : Binit Modi, Neesha Parikh, Urvish Kothari)
(હવે પછીના એક બ્લોગમાં કેટલીક તસવીરો મુકવાનો ખ્યાલ છે)



























