Showing posts with label Gandhi-150. Show all posts

Monday, September 30, 2019
ગાંધી-150 : સ્વચ્છતા-પદયાત્રાઓથી આગળ
જૂનાં વાસણની જેમ મહાન વ્યક્તિત્વોની સ્મૃતિને પણ સમયાંતરે માંજવી પડે છે. તેની પર ચડેલાં કાળનાં ને ઉપેક્ષાનાં, ઇરાદાપૂર્વકની અને અજ્ઞાનવશ ફેલાયેલી ગેરસમજણોનાં આવરણ દૂર કરવાં પડે છે. ગાંધીજીના જન્મને દોઢસો વર્ષ પૂરાં થવાના ટાણે સરકાર તરફથી મોટા પાયે ઉજવણાંનું આયોજન છે. પરંતુ ગાંધીજીનું વ્યક્તિત્વ- તેમનું જીવનકાર્ય એટલાં વ્યાપક હતાં અને તેમણે ચીંધલાં ઘણાંખરાં મૂલ્યો એટલાં શાશ્વત છે કે તેમની સ્મૃતિ જાળવી રાખવાનું કામ સરકારોના ભરોસે છોડી શકાય નહીં. સરકારોની આદત સ્વાર્થનું તારવી લેવાની અને પોતાનો ધંધો આગળ ચાલે એવાં સગવડીયાં અર્થઘટન કરવાની હોય છે. ભૂતકાળમાં કાર્લ માર્ક્સ જેવા વિચારકના નામે રશિયન સરકારે ને નિત્શે જેવા ફિલસૂફના નામે હિટલરની નાઝી સરકારે એવાં અનર્થઘટનો કર્યાં હતાં કે એ બંને મહાનુભાવો જાણે તો આઘાતથી મૃત્યુ પામે. ગાંધીજીના નામે પણ ઓછા દંભ નથી આચરાયા ને ઓછાં 'પાપ' નથી થયાં. છતાં, ગોડસેપૂજાના--અથવા 'ગમે તે કહો, પણ ગોડસે હતો તો દેશભક્ત’ એવી છેતરપીંડીના જમાનામાં, ગાંધીજીના અનર્થઘટનની સંભાવના ઘણી વધી જાય છે.
ગાંધીજીની ટીકા થઈ જ શકે અને તેનો સામેનો ગાંધીજીનું દૃષ્ટિબિંદુ સમજાવતો પક્ષ પણ રજૂ થઈ શકે. પરંતુ ગાંધીજીને માળીયે ચડાવી દેવાની હવે જૂની બનેલી નવી રીત વધારે ચબરાક છે. તેમાં ગાંધીજીના અત્યારે આકરા પડે એવા સ્વરૂપને સિફતથી ભૂલાવી દેવામાં આવે છે--એવું સ્વરૂપ, જે સરકારોને તથા ધીક્કારની વિચારધારામાં માનતા સૌ કોઈને આયનો દેખાડી શકે, તેમને ભીંસમાં મૂકી શકે. તેના બદલે, કેટલીક 'નિર્દોષ' બાબતોને ગાંધીજીના પર્યાય તરીકે પ્રચારવા-પ્રસારવામાં આવે છે.
સાયબર સેલના આસુરી પ્રચારયંત્રથી માંડીને સ્ટાર પ્રચારકો કહેવા માંડે કે 'ગાંધીજી એટલે સ્વચ્છતા' , એટલે વાત પૂરી. ત્યાર પછી નિશાળોથી માંડીને જાહેરખબરોનાં હોર્ડિંગ સુધી 'ગાંધીજી એટલે સ્વચ્છતા’નું સમીકરણ ફરી વળે. સ્વચ્છતા બાબતે ભારતના નાગરિકોએ પોતાની માનસિકતામાં પાયાનો બદલાવ આણવાની જરૂર છે. તેના માટે વડાપ્રધાન અને સરકાર પ્રયાસ કરે તે સારી વાત છે. પરંતુ આખેઆખા ગાંધીજીના જીવનકાર્યને સ્વચ્છતા જેવી 'નિર્દોષ' પૂરતું સીમિત કરી દેવાથી બે ફાયદા થાય છેઃ ગાંધીજીની ઉપેક્ષાનું મહેણું ટળી જાય છે અને સરકારોને કે શાસક પક્ષોને અળખામણા લાગતા ગાંધીજીના વિચારોને અભરાઈ પર ચડાવીને, ગાંધીજીના નામે નિરાંતે ચરી શકાય છે. જે ગાંધીજી પહેલાં દુશ્મન લાગતા હતા, તે હવે દોસ્ત અને મદદગાર લાગે છે. કારણ કે, તેમના મૂળભૂત વિચારોને ઉજવણીની લાલ જાજમ તળે હડસેલી દીધા છે. ઉપર જે રહી છે એ તો 'સ્વચ્છતા' અને 'પદયાત્રા' જેવી નિર્દોષ ડુગડુગીઓ છે, જેના તાલે બીજાને તો ઠીક, આંખ આડા કાન કરવા ઇચ્છુક ગાંધીપ્રેમીઓને પણ નચાવી શકાય છે.
વાંધો સ્વચ્છતા ઝુંબેશનો નહીં, સ્વચ્છતા ઝુંબેશના ડબ્બામાં ગાંધીજીના વિરાટ-વ્યાપક સ્વરૂપને પૂરીને ઉપરથી ઢાંકણું બંધ કરી દેવાનો છે. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા, ત્યારથી તેમની હત્યા સુધી તેમનાં મુખ્ય ત્રણ જીવનકાર્યો રહ્યાંઃ અસ્પૃશ્યતાનિવારણ, હિંદુ-મુસલમાન એકતા અને સ્વરાજ. રાજકીય આઝાદી આવી ગયા પછી પણ ગાંધીજીની કલ્પનાનું સ્વ-રાજ દૂર જ રહ્યું, જેમાં સમાજના સૌથી છેવાડાના માણસના હિતની ચિંતા હોય અને લોકો સરકારની બીક કે મદદ વિના સ્વાવલંબી બને, જવાબદારીપૂર્વક વર્તે અને પશુબળ કે યંત્રબળના નહીં, નીતિબળના આધારે દેશનું ઘડતર કરે. બાકી રહેલાં અસ્પૃશ્યતાનિવારણ (વ્યાપક અર્થમાં દલિત-બિનદલિત ભેદભાવ, આભડછેટ) અને હિંદુ-મુસલમાન સુમેળને ગુપચાવીને ગાંધીજીની વાત કરવી, એટલે ગાંધીવિચારને (બદ)ઇરાદાપૂર્વક મોળો પાડી દેવો-તેને લગભગ નકામો બનાવી દેવો.
ગાંધીજીએ છેક ૧૯૩૧માં કેટલાક પ્રચાર વિશે ચોખવટ કરતાં લખ્યું હતું, ‘કહેવાય છે કે હિંદુસ્તાનમાં જ્યારે સ્વરાજ આવશે ત્યારે જે કોમની સંખ્યા મોટી હશે તે કોમનું રાજ થશે. આના કરતાં મોટી ભૂલ બીજી કઈ હોઈ શકે? જો આ વાત સાચી હોય તો આજે મારામાં એટલી શક્તિ છે કે હું એકલો એ રાજ્ય સામે લડું. એ રાજ્યને હું તો સ્વરાજ ન જ કહું. મારું હિંદ સ્વરાજ એટલે સૌનું રાજ્ય છે, ન્યાયનું રાજ્ય છે.’ અત્યારે વાત તો 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ની થાય છે, પણ 'ગરીબી હટાવો'ની જેમ આવાં સૂત્રોને વાસ્તવિકતા સાથે કશી લેવાદેવા હોતી નથી. ગાંધીજી સૂત્રોથી ભોળવતા ન હતા ને ભોળવાતા પણ ન હતા.
તેમના જીવનદર્શનની બાબતમાં અસ્પૃશ્યતાનિવારણ અને હિંદુ-મુસલમાન સુમેળથી આગળ વધવું હોય તો તેમનાં એકાદશ (અગીયાર) વ્રત યાદ કરવાં પડે. કોઈ ધર્મગ્રંથનાં હોઈ શકે એવાં આ વ્રત હતાંઃ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય (પારકી વસ્તુ પ્રત્યે નિસ્પૃહતા), અપરિગ્રહ, અભય, સ્પર્શભાવના, શરીરશ્રમ, સર્વધર્મસમભાવ અને સ્વદેશી. જોઈ શકાય છે કે આ વ્રતોમાં પણ સ્વચ્છતાને સ્થાન મળ્યું ન હતું. પરંતુ છેલ્લા એક વર્ષનાં ઉજવણાંને ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું હોય તો એવું જ લાગે, જાણે ગાંધીજી સ્વચ્છતાને જ સૌથી વધારે પ્રાધાન્ય આપતા હશે. એ જ તો નવી રીત છે ગાંધીજીના અસલી પ્રદાનને અને જીવનસંદેશને ભૂંસવાની. પ્રચારનાં ઢોલ વગાડીને 'સ્વચ્છતા' કે 'પદયાત્રા'ની લીટી એટલી બધી લાંબી કરી દેવાની કે બીજું બધું આપોઆપ બાજુ પર રહી જાય.
એનો અર્થ એમ નથી કે ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી ન હતા. તેમના સફાઈના આગ્રહ પાછળનું મુખ્ય પ્રેરક બળ સફાઈકામ સાથે સંકળાયેલા ઊંચનીચના ભેદભાવને દૂર કરવાનું હતું. એ સમયે ગટરવ્યવસ્થા ન હોય ત્યારે શૌચાલયની સફાઈ મોટું અને લોકોનાં નાકનાં ટીચકાં ચડાવનારું હતું. ગાંધીજીએ તે કામને પોતાનું કર્યું અને દરેકે પોતાના શૌચાલયની સફાઈ જાતે કરવી એવું ઠરાવ્યું. ફોટોગ્રાફરો અને કેમેરામેનોના ઝુંડ સાથે હાથમાં ઝાડુ લઈને (કેટલાક કિસ્સામાં તો પહેલાં ચોખ્ખા રસ્તા પર 'સારો’ કચરો નંખાવીને) સફાઈઝુંબેશ કરતા આપણા નેતાઓને એવાં અઘરાં સફાઈકામ શી રીતે ફાવે?
સત્યને કેન્દ્રસ્થાને રાખવાથી નીપજતા ગુણોમાંનો એક એટલે અભય. ગાંધીજીની માન્યતાના સ્વરાજમાં અસત્યની સાથોસાથ ભયને અને ધીક્કારને કોઈ સ્થાન ન હતું. તેને બદલે હવે તો ચૂંટણી જીતવાની ને લોકશાહીને તોડવામરોડવાની આખેઆખી રણનીતિઓ જ ટ્રોલિંગ, જૂઠાણાં અને મોબ લિન્ચિંગને સીધા કે આડકતરા પ્રોત્સાહનના પાયા પર રચાય છે. લોકોને સલામતી આપવાને બહાને બીવડાવવામાં આવે છે અને સંસ્કૃતિનાં ગૌરવગાનના નામે મિથ્યાભિમાનના કસુંબા પીવડાવવામાં આવે છે. કાયદો ગજવામાં લઈને ફરનારા વગદારો સિવાય બીજું કોઈ હવે અભય અનુભવતું નથી. તો પછી ગાંધીજીની સ્મૃતિમાં અભયને શી રીતે યાદ કરી શકાય? તેમને સ્વચ્છતા જેવી બાબતોમાં જ પુરી દેવા પડે ને?

Labels:
Gandhi-150,
Gandhi/ગાંધી
Tuesday, September 17, 2019
ગાંધીજીનું 'નવજીવન' : ગુજરાતી પત્રકારત્વનું સીમાચિહ્ન
![]() |
| Courtesy : gandhiheritageportal.org |
ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિનાં સત્તાવાર ઉજવણાં વચ્ચે અન્ય એક શતાબ્દિટાણું આવ્યું ને જતું રહ્યું. સમાચારોમાં ખાસ નહીં ચમકેલી એ શતાબ્દિ ગાંધીજીએ ચલાવેલા સાપ્તાહિક 'નવજીવન'ની હતી. ગાંધીજીના તંત્રીપદ હેઠળ 'નવજીવન'/Navjivan નો પહેલો અંક સપ્ટેમ્બર ૭, ૧૯૧૯ના રોજ પ્રગટ થયો હતો. ૧૯૩૨માં તેનું પ્રકાશન આટોપાયું ત્યાં સુધીમાં તે ગાંધીજીના અનેક પ્રયોગોનું સાક્ષી અને લોકો સુધી તેમની વાત પહોંચાડવાનું માધ્યમ બન્યું. ગાંધીજીનાં જોમવંતાં છતાં ઉશ્કેરણીજનક નહીં, વિચારપ્રેરક છતાં ગળચટ્ટાં ચિંતનખોર નહીં એવાં લખાણો 'નવજીવન’ માટે લખાયાં. અસહકારની ચળવળ અને ખિલાફત આંદોલનથી માંડીને દાંડીકૂચ જેવી દેશને ઉપરતળે કરનારી અનેક ઘટનાઓ 'નવજીવન'ના પાને ઝીલાઈ. ગાંધીજીની લેખનશૈલી ઘડાઈ અને શીલમાંથી શૈલી શી રીતે નીપજી શકે તેનું ઉત્તમ ઉદાહરણ બની. 'નવજીવન' ફક્ત ગાંધીવિચારનું જ નહીં, જાણે દેશમાં પ્રસરેલી નવી આબોહવાનું મુખપત્ર બની રહ્યું.
'નવજીવન' અસલમાં ઇંદુલાલ યાજ્ઞિક, શંકરલાલ બેન્કર અને કનૈયાલાલ મુનશી જેવા તરવરિયા જુવાનિયાઓની કલ્પનાનું સાકાર સ્વરૂપ હતું. એ લોકો ત્યારના વિખ્યાત અંગ્રેજી માસિક 'મોડર્ન રીવ્યુ'ની ઢબ પર ગુજરાતીમાં માસિક શરૂ કરવા ઇચ્છતા હતા. તેમાંથી શંકરલાલ બેન્કરને ઇટાલિયન કવિ દાન્તેનો શબ્દપ્રયોગ Vita Nova ખૂબ પસંદ હતો, જેનો અર્થ હતોઃ નવું જીવન. તેની પરથી ગુજરાતી સામયિકનું નામ પાડવામાં આવ્યું 'નવજીવન'. (કેટલાક સંદર્ભોમાં Viva Nova છે, પણ દાન્તેએ વાપરેલો-'જીવન' માટેનો લેટિન શબ્દ Vita છે.) એ જ અરસામાં બંધ થયેલા 'સત્ય’ સામયિકને ભેળવી દઈને મુંબઈથી ઇંદુલાલ યાજ્ઞિકના તંત્રીપદે શરૂ થયુંઃ 'નવજીવન અને સત્ય'.
૧૯૧૯ આવતાં સુધીમાં ભાવનાપ્રધાન ઇંદુલાલના તંત્રીપદ હેઠળ 'નવજીવન અને સત્ય' અનિયમિત બની ચૂક્યું હતું. બીજી તરફ, ગાંધીજીની આગેવાની રાષ્ટ્રીય સ્તરે નવા યુગનાં એંધાણ આપી રહી હતી. તે પારખીને ઇંદુલાલની મિત્રમંડળીએ પહેલાં ગાંધીજીને અંગ્રેજી સામયિક 'યંગ ઇન્ડિયા'નું સુકાન સોંપ્યું. પછી ગાંધીજીને ગુજરાતી સામયિકની જરૂર લાગતાં, 'નવજીવન અને સત્ય' પણ ગાંધીજીને આપી દેવામાં આવ્યું. તેમાં ગાંધીજીએ ત્રણ મોટા ફેરફાર કર્યાઃ તેને માસિકમાંથી સાપ્તાહિક બનાવ્યું, મુંબઈને બદલે અમદાવાદ લઈ આવ્યા અને તેના નામમાંથી 'સત્ય’ કાઢીને ફક્ત 'નવજીવન' રહેવા દીધું.
ગાંધીજીએ ફક્ત સામયિકના નામમાંથી જ 'સત્ય'ની બાદબાકી કરી હતી. બાકી બધી રીતે સામયિક સત્યનિષ્ઠ રહ્યું અને ગાંધીજીના સત્યના પ્રયોગોનું માધ્યમ બન્યુંઃ તેમણે કરેલા પ્રયોગોનું અને તેમણે આત્મકથાના સ્વરૂપમાં આલેખેલા 'સત્યના પ્રયોગો'નું પણ. કેમ કે, તેમની જગવિખ્યાત આત્મકથાનાં પ્રકરણો 'નવજીવન'માં હપ્તાવાર છપાતાં હતાં. સામયિકની લેખનસામગ્રીની જવાબદારી ગાંધીજીની હતી, પણ તંત્રની કામગીરી ઇંદુલાલે ઉપાડવી એવું ઠર્યું હતું. આજે પણ ગાંધી આશ્રમના gandhiheritageportal.org પર ઉપલબ્ધ 'નવજીવન'ના લગભગ તમામ અંકોમાંથી પહેલો અંક જોતાં, તેમાં વાંચવા મળે છેઃ "આ પત્ર અમદાવાદમાં જમાલપુર રોડ પર નટવર પ્રીંટીંગ પ્રેસમાં ભોગીલાલ નારણદાસ બોડીવાળાએ છાપ્યું અને ઇન્દુુલાલ કનૈયાલાલ યાજ્ઞિકે તેજ સ્થળે પ્રકટ કર્યું છે.”
ગાંધીજી 'નવજીવન'ના તંત્રી થયા છે, તે જાણીને આશરે અઢી હજાર લોકો તેના નવા ગ્રાહક બન્યા. પહેલા અંકની પાંચ હજાર જોતજોતાંમાં ખપી ગઈ. ફરી પાંચ હજાર છાપવી પડી ને એ પણ વેચાઈ ગઈ. ત્રીજા અંકમાં વાચકોને જણાવવામાં આવ્યું કે "અમે બનતી મહેનતે જેટલા ઘરાકો લખે છે તેને 'નવજીવન' પહોંચાડવા પ્રયત્ન કરીએ છીએ, પણ એટલો અણધાર્યો દરોડો 'નવજીવન' ઉપર પડે છે કે માગણીને પહોંચી વળવું અશક્ય થઈ પડ્યું છે. આ અઠવાડીયે અમે ૧૨,૦૦૦ નકલ છપાવી છે, છતાં નકલો ઓછી છે એમ જાણીએ છીએ.”
સામયિક પોતાની રીતે કાઢવા માટે ગાંધીજીને પ્રિન્ટિંગ પ્રેસની જરૂર જણાતાં, તેમના સાથી-આશ્રમના કુશળ સંચાલક મગનલાલ ગાંધી અનસૂયાબહેન સારાભાઈ સાથે શહેરમાં પ્રેસ શોધવા નીકળ્યા. તેમણે ચૂડીઓળના નાકે ગલીમાં આવેલું મનહર પ્રિન્ટિંગ પ્રેસ છ હજાર રૂપિયામાં ખરીદ્યું અને તેને નામ આપ્યુંઃ નવજીવન મુદ્રણાલય. મુદ્રક અને પ્રકાશક તરીકે શંકરલાલ બેન્કરનું નામ હતું. તેના સરપાવ તરીકે ૧૯૨૨માં લેખક ગાંધીજીની સાથોસાથ મુદ્રક-પ્રકાશક તરીકે શંકરલાલસામે પણ રાજદ્રોહના આરોપ હેઠળ કેસ ચાલ્યો અને બંનેને સજા થઈ હતી.
ગાંધીજી ઉપરાંત મહાદેવભાઈ દેસાઈ, કાકાસાહેબ કાલેલકર, સ્વામી આનંદ જેવા ગાંધીયુગના ઉત્તમ કોટિના ગદ્યકારોની કલમનો લાભ 'નવજીવન' થકી ગુજરાતી વાચકોને મળ્યો. ગાંધીજીએ અસહકારની ચળવળ ઉપરાંત તેમના પ્રિય વિષયો હિંદુ-મુસલમાન એકતા અને અસ્પૃશ્યતાના વિરોધ માટે 'નવજીવન'માં પાનાં ભરીને લખ્યું, માહિતી આપી, રોષભર્યા કે ટીકાત્મક પત્રોમાંથી ગરમી અને કડવાશ ગાળીને, તેમાંથી ચર્ચવાલાયક મુદ્દા વિશે લંબાણથી ચર્ચા કરી. પુષ્કળ જથ્થામાં લખવા માટે 'બે હાથે લખવું’ એવો પ્રયોગ થાય છે. ગાંધીજી તો બંને અર્થમાં બે હાથે લખ્યું. 'નવજીવન'માંથી નફો કરવાની તેમની જરાય વૃત્તિ ન હતી. એટલે નફો થાય તો તે વાચકોને સામયિકનાં વધારાનાં પાનાં આપીને સરભર કરી દેવાતો હતો.
કેવો હતો અસહકારયુગમાં 'નવજીવન'નો સપાટો? 'નવજીવનની વિકાસવાર્તા' પુસ્તકમાં નોંધાયા પ્રમાણે, એ ગાળામાં 'નવજીવન'નું વેચાણ ચાળીસ હજાર નકલોની આસપાસ પહોંચી ગયું. (એ વખતનાં--અને અત્યારનાં--ઘણાંખરાં લોકપ્રિય સામયિકો પણ આટલી નકલે પહોંચી શકતાં નથી. ) ગુજરાતીમાં તો ઠીક, ઑગસ્ટ,૧૯૨૧થી શરૂ થયેલા હિંદી 'નવજીવન'ની પણ પંદર-અઢાર હજાર નકલ વેચાવા લાગી. 'નવજીવન' કામગીરીનો માહોલ આ શબ્દોમાં આલેખાયો છેઃ “આ વર્ષ દરમ્યાન 'નવજીવન' લગભગ અર્ધસાપ્તાહિક થઈ પડ્યું હતું. સાંકડી ગલીમાં ખંડેર જેવી વખારોની ઓરડીઓમાં લગભગ ૯૦ માણસો રાત અને દિવસ ચોવીસે કલાક કામ કરતા. એક જ ભાગેલો છાપવાનો સંચો હતો તે આખું અઠવાડિયું રાત અને દિવસ કલાકના હજારની ઝડપે...નકલો છાપ્યા કરતો...છાપાં વેચનારા છોકરાઓને માટે એક વખારના પાછલે બારણે ટિકિટ ઓફિસ જેવી બારી બેસાડી હતી અને મુખ્ય દરવાજો બંધ રાખવો પડ્યો હતો. ફેરિયાઓ બારીબારણાં ભાંગી નાખવામાં પણ અચકાતા નહીં ને આખા મહોલ્લાની વસ્તીને આખી રાત ભાગ્યે જ ઊંઘ મળતી.”
દાંડીકૂચ પછીના અરસામાં સરકારે 'નવજીવન'નું પ્રેસ જપ્ત કર્યું, ત્યારે ટાઇપ કરેલા 'નવજીવન'ની કોપી મશીન પર છાપેલી નકલો વહેંચાતી હતી. પરંતુ ૧૯૨૧-૨૨ના અસહકાર આંદોલન સમયનો સુવર્ણયુગ પાછો ન આવ્યો. લડતની ગરમી ઓસરી એટલે 'નવજીવન'નું વેચાણ પણ ઘટી ગયું. ૭ સપ્ટેમ્બર, ૧૯૧૯ની તારીખ સાથે પ્રગટ થયેલા 'નવજીવન'ના પહેલા અંકનાં ૧૬ પાનાં હતાં અને તેની છૂટક કિંમત એક આનો રાખવામાં આવી હતી. તેનો છેલ્લો અંક ૧૦ જાન્યુઆરી, ૧૯૩૨નો નીકળ્યો સોળ પાનાં અને કિંમત સવા આનો.
જમાના પ્રમાણે આનામાં કિંમત ધરાવતું 'નવજીવન' ગાંધીજીની લડત, તેમનું પત્રકારત્વ, તેમની અભિવ્યક્તિ અને એ સમયને સમજવા માટે અમૂલ્ય દસ્તાવેજ છે.
Labels:
Gandhi-150,
Gandhi/ગાંધી,
media
Thursday, September 06, 2018
ગાંધી-૧૫૦ : શું ન કરવું...
સઅાદત હસન મંટોની એક લઘુકથા હતીઃ ટોળું તોફાને ચઢ્યું. તેમાંથી એક જણે સર ગંગારામના પૂતળાનું મોં કાળું કર્યું. બીજાએ તેને જૂનાં ખાસડાંનો હાર પહેરાવ્યો. પોલીસ આવી. લાઠીચાર્જ અને ગોળીબાર થયો. તેમાં જૂતાંનો હાર પહેરાવનાર ઘાયલ થયો. એટલે સારવાર માટે તેને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
બરાબર એક મહિના પછી સરકારી રાહે ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિનાં ઉજવણાં શરૂ થશે. તેમાં ગાંધીજીની હાલત કંઈક અંશે ઉપરની કથામાં આવતા સર ગંગારામ જેવી થવાની પૂરી આશંકા છે. ગાંધીજીના મોઢે મેશ લગાડવાના પ્રયાસ કરનાર અને તેમના વિશે ધીક્કાર ફેલાવનારા પણ (ગાંધી-૧૫૦ને વટાવી ખાવા) ગાંધીના શરણે જશે. તેમના સતત કુપ્રચાર છતાં ગાંધીગાડી હજુ ચાલી રહી છે, એ જોઈને ચલતા પૂર્જા ચાલુ ગાડીમાં ચડી બેઠા છે. બાકી રહ્યો ગાંધીના નામે ચરી ખાવાનો ધંધો. એ તો ગાંધીની હયાતિમાં જ શરૂ થઈ ચૂક્યો હતો. આમ, બે બાજુથી વહેરાતી અસલી ગાંધીની સ્મૃતિનું તેમની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે સાવ પરચૂરણીકરણ થઈ જાય, એ સંભાવના ગંભીર છે. તેની શરૂઆત છેલ્લા થોડા સમયથી (સ્વચ્છતા અભિયાન જેવાં ગતકડાં સાથે ગાંધીને સાંકળીને) થઈ ચૂકી છે.
આ સંજોગોમાં ગાંધી-૧૫૦ નિમિત્તે શું ન કરવું જોઈએ તેની કેટલીક સ્પષ્ટતા ઉપયોગી નીવડી શકે છે. સાચા ગાંધીપ્રેમીઓ આ અધૂરી યાદીમાં પોતાના તરફથી ઉમેરા પણ કરી શકે છે. પરંતુ ધુમાડાબંધ રીતે થનારાં ઉજવણાંમાં ગાંધીનું હાર્દ ખોવાઈ ન જાય, એટલા પૂરતી આ એક શરૂઆત.
વૈષ્ણવજનનું આલ્બમીકરણઃ ગાંધીજીના હાર્દ સુધી પહોંચવાની પળોજણમાં ન પડવું હોય તો સહેલો રસ્તો તેમનાં પ્રતીકોને પકડવાનો છે-- જેમ સરકારી સ્વચ્છતા ઝુંબેશમાં ગાંધીના ચશ્માને સંડોવી દેવામાં આવ્યા (જે ગાંધીજીના નહીં, પણ 'તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા'ના લોગોની યાદ અપાવે છે) 'વૈષ્ણવજન'એવું જ એક પ્રતિક છે, જેનું સહેલાઈથી બજારીકરણ કરી શકાય છે. એક સમાચારમાં વાંચ્યું કે આ ભજન જુદા જુદા દેશના મોટા ગાયકો પાસે ગવડાવવાનું વિચારાઈ રહ્યું છે. પછી 'વૈષ્ણવજન'નું આલ્બમ બનશે. મૅડોના સફેદ સાડીને પહેરીને એ ભજન ગાશે કે શાકિરા પંજાબી ડ્રેસ પહેરીને, એ હજુ જાણવા મળ્યું નથી. પણ આવું આલ્બમ ધારો કે ધૂમ મચાવે, તો પણ તેમાં ગાંધી ક્યાં આવ્યા? તેમનાં મૂલ્યો ક્યાં આવ્યાં? એ આલ્બમના વેચાણમાંથી ગાંધીને લગતું કોઈ કામ કરીને માર્કેટિંગને વાજબી ઠરાવવાની કોશિશ કરવામાં આવે, એ તો માથું કાપ્યા પછી પાઘડી પહેરાવવા જેવું ન ગણાય? અને જે લોકોને આવા કામ વિશે 'આટલુંય કોણ કરે છે?’ એવો ભાવ થતો હોય, તેમને જણાવવાનું કે 'આટલું'જો આવું જ થવાનું હોય તો કશું ન થાય તે વધુ સારું.
ઘેલાઈભર્યા વિશ્વવિક્રમોઃ કામ કરનારા લોકો પોતાનું કામ કરે છે અને વિશ્વવિક્રમો નોંધાય છે, જ્યારે ધ્યાનભૂખ્યા, શોર્ટકટીયાઓ દરેક બાબતમાં વિક્રમો નોંધાવવા હડી કાઢીને છીછરી માનસિકતાનું પ્રદર્શન કરે છે. ઘણા સમયથી આવી માનસિકતાને રાજ્યાશ્રય પણ મળેલો છે. એટલે યોગ જેવી ભારતીય પરંપરાનું જે હદે સરકારીકરણ અને વિશ્વવિક્રમીકરણ કરવામાં આવ્યું છે, એવું ગાંધીના મામલે પણ થવાની પૂરી આશંકા છે. જેમ કે, ફલાણા ઠેકાણે એક સાથે વિક્રમી સંખ્યામાં લોકોએ 'વૈષ્ણવજન'ગાયું કે ઢીકણા ઠેકાણે વિક્રમી સંખ્યામાં લોકોએ ગાંધી મૅરેથૉન યોજી...
ગાંધીને ગાંધી બનવા માટે એકેય વિશ્વવિક્રમ નોંધાવવા પડ્યા ન હતા. તેમણે લખેલા પત્રોની સંખ્યા કદાચ એક જીવનમાં, એક માણસ દ્વારા લખાયેલા સૌથી વધુ પત્રોનો વિશ્વવિક્રમ હોઈ શકે, પરંતુ એ વિક્રમ ન હોય તો પણ તેનાથી શો ફરક પડે છે, જો તેમાં ગાંધીપણું ન હોય. એટલે સંખ્યાના કે નાણાંના જોરે વિશ્વવિક્રમો સ્થાપીને મોટાઈ અનુભવવાની લઘુતાગ્રંથિથી બચવું રહ્યું-- કમ સે કમ ગાંધીને અંજલિ આપવાની બાબતમાં તો ખરું જ.
ગાંધીમૂલ્યોના ધંધાદારી બ્રાન્ડ અૅમ્બેસેડરઃ ગાંધીમૂલ્યો એ જાહેરખબરોનો મામલો નથી કે જેટલો મોટો બ્રાન્ડ અૅમ્બેસેડર, એટલો વધારે પ્રભાવ. જેમાં ગાંધી કરતાં બ્રાન્ડ અૅમ્બેસડર પર વધારે ભાર હોય તે સંદેશો તો અપાતા પહેલાં જ ખોવાઈ ગયેલો કે આડા પાટે ચડી ગયેલો ગણાય. ગાંધીના ઉપદેશને અમિતાભ બચ્ચનના ચહેરાની કે રાજકુમાર હીરાણીના ડાયરેક્શનની જરૂર નથી. ગાંધી અને નવરત્ન તેલમાં કે ગાંધી અને સંજય દત્તમાં એ પાયાનો ફરક છે. ગાંધીના મામલે, મૂળ 'પ્રોડક્ટ'એવી નથી કે તેને તારી નાખવા માટે મોટા બ્રાન્ડ અૅમ્બેસેડરની જરૂર પડે. તેનો અર્થ એમ પણ નહીં કે બચ્ચન-હીરાણી ટાઇપના લોકોના પ્રયાસની ટીકા કરવી. સવાલ યોગ્ય તોલમાપ કરવાનો છે. ગાંધીની થોડીઘણી વાત કે વિચાર પહોંચાડવા માટે પણ પૅકેજિંગના મોહમાં પડ્યા, તો રસ્તો ચૂક્યા સમજવું. ગાંધીને સારા પૅકેજિંગ કરતાં પણ વધારે, પ્રામાણિક અને સાચકલા સ્વરૂપે રજૂ કરવાની જરૂર છે. ભેળસેળ વગરના, સો ટકા શુદ્ધ ગાંધી પોતે બધા બ્રાન્ડ અૅમ્બેસેડરના બાપ થાય એમ છે.
ધર્મ-અધ્યાત્મગુરુઓ અને ગાંધીઃ ધાર્મિક-આધ્યાત્મિક રજવાડાંથી ગાંધી દૂર જ રહ્યા અને લોકોના ધક્કે પણ પોતે એ ખાંચામાં ન સરી જાય તેની પૂરતી ચોંપ રાખી. ધર્મ-અધ્યાત્મની લાઇનમાં રહેલા લોકોના મોઢેથી ગાંધીની વાત એટલા માટે જ રુચતી નથી. ગીતા હોય કે કુરાન, ગાંધીએ ધર્મને માનવતાની ઉપર કદી સવાર થવા દીધો નહીં અને ધર્મગુરુઓને માથે ચડવા દીધા નહીં. કોમી તનાવના સમયમાં ધર્મ વિભાજન અને હિંસાનું કારણ બન્યો, ત્યારે પણ ગાંધીએ માનવધર્મનો મહિમા કર્યો અને બધા ધર્મગુરુઓથી ઉપર બની રહ્યા. પોતે લોકો પાસેથી જે ફાળો ઉઘરાવતા હતા, તેનો પૂરેપૂરો હિસાબ રાખ્યો. બારડોલી સત્યાગ્રહ કે પૂરરાહત વખતે એકઠાં થયેલાં નાણાંનો આના-પાઈનો હિસાબ તેમના સાપ્તાહિક ‘નવજીવન’નાં પાનાં ભરીને પથરાયેલો જોવા મળે છે. લોકસેવા અને ઉત્તરદાયિત્વનાં આવાં ગાંધીધોરણોથી વિપરીત આચરણ ધરાવતા અને સરકારો જોડેની સારાસારીમાં મહાલતા ધર્મગુરુઓ કે સ્યુડો-ધર્મગુરુઓ કયા મોઢે ગાંધીની વાત કરી શકે? એરણની ચોરી કર્યા પછી સોયનું દાન કરીને પોતાની સાત્વિકતા પર જાતે ને જાતે હરખાતા અથવા પ્રચાર માધ્યમોના જોરે છવાઈ જતા કહેવાતા ગુરુજીઓના મોઢેથી ગાંધીની વાત શોભશે?
વિચારવાનું આપણે છે.

Subscribe to:
Posts (Atom)