Showing posts with label ભદ્રંભદ્ર. Show all posts
Showing posts with label ભદ્રંભદ્ર. Show all posts

Friday, December 18, 2015

મંચગમનમાં વિધ્નો

મનુસ્મૃતિથી બત્રીસ પૂતળીઓની વાર્તા સુધીનાં શાસ્ત્રોટાંકનાર અને સંસ્કૃત છાંટવાને કારણે વિદ્વાન લાગતા વક્તાનું પ્રવચન પૂરું થયું. સભામાં વધુ એક વાર અનામત વિશેના સૂત્રોચ્ચાર થયા. મંચની નીચે ઊભેલા ભદ્રંભદ્રે ઉત્તેજના પર મહાપુરૂષોને છાજે એવો સંયમ રાખતાં, વીર પુરૂષોને અનુરૂપ દૃઢતાથી કહ્યું,‘અંબારામ, આ જ ક્ષણ છે લક્ષ્યવેધની, આ જ ક્ષણ છે સુધારાને પરાસ્ત કરવાની, આ જ ક્ષણ છે મંચસ્થિત ધ્વનિવર્ધક યંત્ર પરથી આકાશવાણી થકી આરક્ષણના ઉચ્છેદનની ઘોષણા કરવાની. શ્રી લક્ષ્મણે જેમ એક જ તીરથી ઇન્દ્રજિતને હણ્યો, શ્રી રામે જેમ એક તીરથી રાવણની નાભિમાં રહેલો અમૃતકુંભ નષ્ટ કર્યો, એવી જ રીતે દૈવી પ્રેરણાથી પ્રેરિત એવો હું મંચારૂઢ થઇને આર્યાવર્ત મધ્યેથી આરક્ષણનો નાશ કરવા માટે તત્પર છું.

અંબારામે ભદ્રંભદ્રની લાગણીનો યથોચિત પ્રતિઘોષ પાડતાં કહ્યું,‘નિઃશંક, આર્યાવર્ત જ નહીં, સમસ્ત દેવલોક આ ક્ષણની પ્રતિક્ષામાં છે. દેવો અને અસુરો તેમનો સંગ્રામ થંભાવીને આપના દ્વારા થનારા આરક્ષણઉચ્છેદનનું દૃશ્ય જોવા ઉમટ્યા છે. આપનું યુગકાર્ય નિહાળવા માટે ગાંધર્વોએ તેમનું ગાયનવાદન અને કિન્નરોએ તેમનું નર્તન જ નહીં, તેમના શ્વાસ પણ થંભાવી દીધા છે. આપની કાર્યસિદ્ધિ આવતી કાલના સૂર્યોદય જેટલી જ નિશ્ચિત છે. આપ મંચ પર સિધાવો, શુદ્રો માટે આરક્ષણનું સમર્થન કરનાર સુધારાવાળાને પરાજિત કરો અને આપણું પુનરાવતારકાર્ય સંપન્ન કરો, જેથી આપણે પુનઃશ્ચ દેવલોકગમન કરી શકીએ.

અંબારામનાં વચનોથી પ્રોત્સાહિત ભદ્રંભદ્ર પગથિયાં ભણી આગળ વઘ્યાં. મંચની નીચે લીલી જાજમ બિછાવેલી હતી, જે નિઃશંક સુધારાનું પ્રતિક હતી. તેના કારણે જમીનનો વિકાસ થઇ ગયો હોય એમ લાગતું હતું --એટલે કે તેના ખાડા-ટેકરા પૂરાયા વિના ઢંકાઇ ગયા હતા. જોસ્સાથી આગળ વધતા ભદ્રંભદ્ર સુધારાવાળા સામે પ્રત્યક્ષ યુદ્ધમાં પરાજિત થાય એમ ન હતા, પણ તેમના છળથી એ છેતરાયા. જાજમ નીચેથી ઉપસેલા નાના ટેકરાની ઠોકર તેમને વાગી. એ લડખડ્યા અને સહેજ વધારે ઝડપ સાથે પહેલું પગથિયું ચડી ગયા. તેમને જોનારે અને અંબારામે સુદ્ધાં એમ ધાર્યું કે તેમની વેગવૃદ્ધિ તેમના ઉત્સાહને આભારી છે.

એ જ વખતે, લાકડાના પગથિયાની બાજુ પર સહેજ ઊંચી થયેલી ખીલીના ટોપકામાં કલિ પ્રવેશ્યો. એટલે નિર્જીવ ખીલીમાં ભદ્રંભદ્રના ધોતીયા વિશે મોહ જાગ્રત થયો. તેણે ભદ્રંભદ્રની ધોતીની કિનાર પોતાના ટોપકામાં ગ્રહી લીધી. ખીલીની અને તેમાં છુપાયેલા કલિની લીલા ન સમજી શકનારા સભાજનો એવું સમજ્યા કે ઝડપથી પગથિયાં ચડવા જતાં ભદ્રંભદ્રનું ધોતીયું ખીલીમાં ભરાયું.

કશી સમજ પડે તે પહેલાં ભરાયેલું ધોતીયું ભદ્રંભદ્રના પગમાં અટવાયું. એ સાથે જ તે ગડથોલું ખાઇને પડ્યા. ભદ્રંભદ્રના વ્યક્તિત્વના પ્રતાપને અનુરૂપ મોટો અવાજ થયો. ક્ષણભર અંબારામને લાગ્યું કે એ ગગનભેદી અવાજ આરક્ષણના વિષવૃક્ષના સમૂલ ઉચ્છેદનને કારણે થયો હશે. પણ તરત તેમની નજર ભદ્રંભદ્ર પર પડી. ધરાશાયી થયેલા વિરાટ વડલાની જેમ તે જમીન પર પથરાયા હતા. એ જોઇને અંબારામ, પોતાની પણ એ સ્થિતિ ન થાય એની કાળજી રાખતા દોડી આવ્યા. મંચ પરથી- પ્રેક્ષકોની આગલી હરોળમાંથી કેટલાક લોકો દોડી આવ્યા. સ્વયંસેવકો પણ આવી ગયા. તેમાંથી કેટલાક લાકડાનાં પગથિયાંને નુકસાન થયું છે કે નહીં, તેની તપાસ કરતા હોય એમ જણાતું હતું.

ભદ્રંભદ્રને લોહી તો ન નીકળ્યું, પણ બેઠો માર વાગ્યો હતો. તેમના શરીરસૌષ્ઠવને કારણે ક્યાં સોજો ચડ્યો છે ને ક્યાં શરીરનો સામાન્ય ભાગ છે, એ નક્કી કરવાનું બીજા લોકોને અઘરું પડતું હતું. અંબારામ અગાઉ અનેક વાર આ સ્થિતિમાંથી પસાર થઇ ચૂક્યા હતા. તેમણે ભદ્રંભદ્રની કમરે હાથ અડાડ્યો એટલે તેમના મોંમાંથી ઊંહકારો નીકળ્યો. થોડી ક્ષણો પછી તેમણે ધીમેથી પડખું ફેરવીને બેઠા થવા કોશિશ કરી. અંબારામે પણ તેમને ઉપર તરફ ખેંચવા પ્રયાસ કર્યો. પરંતુ સમસ્ત સનાતન ધર્મનો ભાર લઇને ફરનાર ભદ્રંભદ્રનો ઉદ્ધાર કરવાનું અંબારામનું શું ગજું? અંબારામ પોતે પડું પડું થઇ ગયા. છેવટે બીજા સ્વયંસેવકોએ સમુહયજ્ઞના ધોરણે ભદ્રંભદ્રને બેઠા કર્યા.

બોલવાના હોશકોશ આવતાં જ ભદ્રંભદ્રે કહ્યું,‘અંબારામમંચગામી થતાં પહેલાં પૃથ્વીનમસ્કાર કરવા પાછળનું રહસ્ય મારી સાથેના લાંબા સહવાસને કારણે તને વિદિત હશે. આ અબુધોને તું જ્ઞાત કર કે જે ધરા પરથી આરક્ષણઉચ્છેદનનું યુગકાર્ય સંપન્ન થવાનું હોય, તેની ધૂલિકા પણ દંડવત્‌ પ્રણિપાતને પાત્ર હોવાથી મેં તેમ કર્યું છે. મહાજનોને અનુસરવાની પરંપરા અનુસાર અન્ય લોકો પણ આજ પશ્ચાદ આ ભૂમિને પ્રણામ કરશે. જેમ શ્રી કાશીમાં ંદેહવિસર્જન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમ આરક્ષણઉચ્છેદનતીર્થસ્થલિમાં ઘૂલિકાસ્નાન પણ મોક્ષકારી છે. ત્રિકાળજ્ઞાનના પ્રતાપે હું આરક્ષણઉચ્છેદન પૂર્વે જ આ ભૂમિને દંડવત્‌ કરીને પુણ્ય...

મંચ પરથી દોડી આવેલા એક આયોજકે ભદ્રંભદ્રની વાત સાંભળીને ચિંતાથી અંબારામને પૂછ્‌યું,‘આમને લોહી દેખાતું નથી, પણ માથામાં ગંભીર ઇજા પહોંચી લાગે છે. જુઓને, કેવું બોલે છે.

અંબારામ કંઇ ખુલાસો કરે તે પહેલાં ભદ્રંભદ્ર આયોજકની સામે જોઇને બોલ્યા,‘મારા મસ્તિષ્કમાં સંગૃહિત સનાતન ધર્મપ્રીતિ સમક્ષ શીશ ઝુકાવવાને બદલે તેનો ઉપહાસ કરવામાં તારું ઘોર અજ્ઞાન પ્રગટ થાય છે. કિંતુ આ સભામા અતિથી હોવાને કારણે હું ઉદારતાથી તને ક્ષમા કરું છું. તેને મારી દુર્બલતા નહીં, વીરોચિત ઔદાર્ય ગણવું યથાર્થ છે.

આ સાંભળીને બીજા લોકો ઓર મૂંઝાયા. સ્વયંસેવકો એકબીજાની સામે અને પછી અંબારામ તરફ જોવા લાગ્યા. એક આયોજકે અંબારામના કાન પાસે મોં લઇ જઇને પૂછ્‌યું,‘આ મહારાજનો પ્રોબ્લેમ શો છે? એ કેમ આવી ભાષામાં બોલે છે? એમને દક્ષિણા-બક્ષિણા જોઇતી હોય તો આપણે સમજી લઇએ, પણ તમે અહીંથી વિદાય થાવ. અમારી સભાના મંચ પર આ મહારાજને કઇ થયું, એવા સમાચાર ફેલાશે તો નકામો અમારો ખેલ બગડશે.

આયોજકોને રક્ષણાત્મક મુદ્રામાં જોઇને અંબારામે ભદ્રંભદ્રને સંભળાય એ રીતે કહ્યું, ‘મહારાજનું નામ આર્ય ભદ્રંભદ્ર છે. તે સનાતન ધર્મના સંરક્ષક છે. આ ઉત્તરદાયિત્વ તેમણે દેવલોકમાંથી પોતાના તપોબળ વડે પ્રાપ્ત કર્યું છે. આ સભામાં આવવાનું તેમનું પ્રયોજન પણ અનામતનાબૂદીનું છે.

એ સાંભળીને આયોજક મૂંઝાયા. તેમાંથી એકે અંબારામને ગુસપુસ સ્વરે પણ સહેજ કડકાઇ સાથે કહ્યું,‘તમને ખ્યાલ નથી? આ સભા અનામત માગવા માટેની છે. ચૂપચાપ અહીંથી નીકળી જાવ..

આર્ય ભદ્રંભદ્રને તમારી અનામત સામે વાંધો નથી. એ શુદ્રોની અનામતના વિરોધી છે અને એ વિશે મંચ પરથી વાત કરવા માગે છે.


ઘડીક વિચાર કર્યા પછી આયોજકોએ પીછો છોડાવવા કહ્યું,‘ઠીક છે. એમને કહી દો કે જે કહેવું હોય તે ટૂંકમાં પતાવે. કોઇ ધાંધલધમાલ નહીં જોઇએ અને ભાષણ પૂરું થયા પછી અહીંથી ચૂપચાપ સરકી જજો. નહીંતર...’ (ક્રમશઃ)

Friday, December 11, 2015

સભાસ્થળે ભદ્રંભદ્ર

સભાસ્થળનો દેખાવ દેવોને પણ હર્ષ ઉપજાવે એવો હતો. ચોતરફ અનામત વિશે જુદાં જુદાં સૂત્રો લખેલાં હતાં. ક્યાંક તરફેણ કરતાં, તો ક્યાંક વિરોધ કરતાં પણ ખરાં. અંબારામે સમજાવી રાખેલું કે અનામતની માગણી અનામતના વિરોધનો આધુનિક પ્રકાર છે. એટલે ભદ્રંભદ્ર વિચલિત થયા વિના, છટાભેર આગળ વધતા રહ્યા. પ્રાચીન કાળમાં ક્ષત્રિય યોદ્ધાઓે છાતી કાઢીને રણમેદાને સિધાવતા હતા, કિંતુ ભદ્રંભદ્ર માટે છાતીનો અધોભાગ (પેટ) કાઢીને ચાલવાનું સહજ હતું. બન્નેથી પેદા થતો પ્રભાવ શત્રુઓને ડારનારો હોવા વિશે અંબારામને તો ઠીક, ભદ્રંભદ્રને પણ શંકા હતી.

ભદ્રંભદ્રનો વિશિષ્ટ (કેટલાકના મતે વિચિત્ર) દેખાવ જોઇને આજુબાજુવાળા તેમને જગ્યા આપી દેતા હતા. અમુક લોકો સમજ્યા કે મંચ પર યજ્ઞાદિ કરાવવા માટે મહારાજને બોલાવ્યા હશે. એટલે પણ ભદ્રંભદ્રની જગ્યા થઇ જતી હતી. મંચની સામે અને મંચની ઉપર ઠઠ જામી હતી. વચ્ચે વચ્ચે સૂત્રોચ્ચાર ચાલતા હતા,‘અમારો મત, અમારી મમત...અનામત, અનામત’, ‘લે...કે રહેંગે, અનામત, અનામત’, ‘મત જોઇએ તો આપો અનામત’. વચ્ચે વળી કોઇ અનામત, હાય હાયએવું પણ બોલાવી દેતું હતું. વિશાળ શ્રોતાગણ જોઇને ભદ્રંભદ્રના ચિત્તમાં એવો ભાવ ઉપજ્યો, જેવો ઘેટાંનું ટોળું જોઇને સિંહના મનમાં ઉપજે. તેમણે કહ્યું,‘અંબારામ, ઘોર કલિયુગમાં પણ સનાતન ધર્મની પરંપરાના રક્ષણ કાજે અપાર જનસમુદાય ઉમટેલો જોઇને આર્યધર્મના ભાવિ વિશેના મારા સંશયો નિર્મૂલ થયા છે. એમ ધારતો કે સંશયોએ મને લેશમાત્ર દુર્બલ બનાવ્યો હતો. કિંતુ તેમના નિર્મૂલન થકી હું વિશેષ શક્તિનો અનુભવ કરું છું.

અંબારામે અંબારામ બનીને કહ્યું,‘નિઃશંક, મહારાજ. આપની મનોસ્થિતિમાં મને જરાય વિરોધાભાસનાં દર્શન થતાં નથી. મહાપુરૂષો જેવી વિચારશક્તિ ખીલવવાનું અસંભવ હોય છે, તો તેમના વિચારામૃતને પચાવવું પણ ઓછું દુષ્કર નથી. આપના સહવાસના પ્રતાપે મને સિદ્ધિ પ્રાપ્ત થઇ છે, તેમાં મારા અંબારામપણાની સાર્થકતા જોઇને હું ધન્ય થાઉં છું અને આપ પ્રત્યે નિત્ય પૂજ્યભાવ સેવું છું.

અંબારામની પૂજ્યભાવપ્રેરિત કૃતજ્ઞતાનો યથાયોગ્ય જવાબ વાળતાં અને મંચ પરથી આરક્ષણવિચ્છેદની વિજયઘોષણા કરવાની પૂર્વતૈયારીરૂપે ભદ્રંભદ્રે કહ્યું,‘હે અંબારામ, તારાં વચનોથી હું પ્રસન્ન થયો છું. તું જાણ કે આરક્ષણઉચ્છેદનના ધર્મયુદ્ધમાં હું શ્રીકૃષ્ણ છું ને હું અર્જુન છું, હું ભીમ છું ને દુર્યોધન પણ હું છું, હું આરક્ષણઉચ્છેદક છું ને આરક્ષણ પણ હું છું,  હું ધ્વનિ છું ને ધ્વનિવર્ધક યંત્ર પણ હું  છું, વક્તા હું છું ને શ્રોતા પણ હું છું.

નિઃશંક, મહારાજઅંબારામે જરા વધુ પડતા ઉત્સાહથી કહ્યું, એટલે ભદ્રંભદ્રને ક્ષણાર્ધ માટે લાગ્યું કે અંબારામે બીજી સરખામણીઓમાં નહીં, પણ વક્તા-શ્રોતાવાળી વાતમાં આટલા ઉત્સાહથી હાજિયો પુરાવ્યો. પરંતુ મહાપુરૂષને શોભે એવી ત્યાગવૃત્તિથી તેમણે શંકાનો ત્યાગ કર્યો અને કહ્યું, ‘અંબારામ, તને ધન્ય છે અને જેમની પાસેથી તને આવી જ્ઞાનપ્રાપ્તિ થઇ તેને પણ ધન્ય છે.’ભદ્રંભદ્રનું ચાલ્યું હોત તો ત્યાં એમણે પોતાનું વિરાટ સ્વરૂપ દર્શાવીને અંબારામને ધન્ય કર્યા હોત. પરંતુ ભીડ એટલી હતી કે તેમના સાદા સ્વરૂપની માંડ માંડ જગ્યા થઇ હતી.

મંચ પરથી પોતાનું વિરાટ સ્વરૂપ દર્શાવીને સુધારાવાળાનાં ગાત્રો શિથિલ કરવા આતુર ભદ્રંભદ્ર મંચની નજીક પહોંચ્યા, ત્યારે અગાઉના વક્તાનું ભાષણ પૂરું થયું અને નવા વક્તાએ માઇક સંભાળ્યું. ભદ્રંભદ્ર મંચની નીચે એક ખૂણે ઊભા રહ્યા. અનિવાર્ય સંજોગો આવે એવું અનિવાર્ય લાગતું હોવાથી અંબારામ પણ તેમની સાથે હતા. તેમણે ભદ્રંભદ્રની ગતિ મંચ ભણી પ્રેરવાનો --એટલે કે તેમને મંચ પર ધકેલવાનો--પ્રયાસ કર્યો, પરંતુ ભદ્રંભદ્ર સમા મહાનુભાવને વૈચારિક તો ઠીક, શારીરિક પ્રેરણા આપવાનું પણ અસંભવ હતું. એટલે પોતાના પ્રયાસ પડતા મૂકીને અંબારામ ભદ્રંભદ્રના વારાની રાહ જોતાં ઊભા રહ્યા.

મંચ પરના વક્તાએ માઇકને એવી રીતે ટકોરા માર્યા, જાણે માઇક નહીં, માટલું હોય. પછી રામદેવપીરનો હેલો ગાવાનો હોય એમ સાંકડા ઉચ્ચારો સાથે હેલો..હેલો..એવું કર્યું. બધું બરાબર છે અને માઇક પોતાની વાણી ઝીલવા તેમ પ્રસારવા સજ્જ છે એની ખાતરી થયા પછી તેમણે ભાષણની શરૂઆત કરી,‘ભાઇઓ, બહેનો અને મંચ પર બેઠેલા મહાનુભાવો..

સાથે શ્રોતાઓમાં હસાહસ થઇ. ભદ્રંભદ્ર મૂંઝાયા. તેમણે અંબારામને પૂછ્યું,‘ સંબોધનમાં હાસ્યનિષ્પત્તિને શો અવકાશ છે?’

અંબારામે કહ્યું,‘મહારાજ, શ્રોતાઓમાં સઘળા આપ સરખા સુજ્ઞ કે લક્ષ્યકેન્દ્રી નથી હોતા. કેટલાક મનોરંજનવાંચ્છુક પણ હોય છે. તેમણે એવો અર્થ તારવ્યો કે મંચ પર બેઠેલાઓનો સમાવેશ સ્ત્રી કે પુરુષ એમ એકેય જાતિમાં થતો નથી.

ભદ્રંભદ્ર એકદમ ટટાર થઇ ગયા અને કહ્યું,‘અપશોચ, અંબારામ, અપશોચ. કેવી હીન અવધારણા.પછી વિચારીને કહ્યું,‘આપણે મંચગામી હોવા છતાં, હજુ સુધી મંચગમન કર્યું હોવાથીદુષ્ટમતિ શ્રોતાઓની હીનોપમા આપણા માટે અસ્પર્શ્ય છે. તથાપિ હું તેમના અજ્ઞાનને ક્ષમા કરું છું. કિંતુ મારી જાતિ વિશે કોઇ અનૌચિત્યપૂર્ણ ટીપ્પણી કરશે તો...

એવો વારો નહીં આવે, મહારાજ. આપનું પૌરુષત્વ સ્વયંસ્પષ્ટ અને સૂર્ય જેટલું સ્વયંપ્રકાશ્ય છે.’  અંબારામે ભદ્રંભદ્રની મૂછો ભણી જોઇને કહ્યું. તેનાથી પ્રસન્ન -- પ્રસન્ન કરતાં પણ વધારે આશ્વસ્ત--થયેલા ભદ્રંભદ્રે વક્તવ્ય સાંભળવામાં ધ્યાન પરોવ્યું. વક્તા હાથ લાંબા કરીને જોશપૂર્વક ભાષણ આપી રહ્યા હતા. તેમણે કહ્યું,‘મેં મનુસ્મૃતિ વાંચ્યું છે, મેં તૈતરીય ઉપનિષદ વાંચ્યું છે, મેં ચરકસંહિતા વાંચી છે, મેં આર્યભિષેક પણ વાંચ્યો છે ને બત્રીસ પૂતળીઓની વાર્તા પણ વાંચી છે. તેમાં ક્યાંય પેલા લોકોને અનામત મળવી જોઇએ એવું લખ્યું નથી અને આપણને અનામત મળવી જોઇએ, એવું પણ લખ્યું નથી. વિશે હું ગમે તેવા ધુરંધર પંડિત કે અંગ્રેજી જ્ઞાનનો વહેમ ધરાવનારા સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયાર છું. આથી હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આપણી અનામતની માગણીને શાસ્ત્રોનું સમર્થન છે અને શુદ્રોની અનામત શાસ્ત્રપ્રણિત નથી.

સાંભળીને તાળીઓનો ગડગડાટ અને સૂત્રોચ્ચારોનો મારો થયો. ભદ્રંભદ્રે અંબારામને કહ્યું,‘હળાહળ કલિયુગમાં શાસ્ત્રોલ્લેખ સાંભળીને અપાર કર્ણસુખ પ્રાપ્ત થયું છે, તે બદલ મહાત્માનો ધન્યવાદ કરવો ઘટે. અંબારામ, એમના પ્રવચનની સમાપ્તિ પછી તું એમનો સંપર્ક પ્રાપ્ત કર, જેથી મને તેમના અને તેમને મારા સરખા મહાનુભાવોના દર્શનનું પરસ્પર સૌભાગ્ય સાંપડે તથા અમારી યુતિમાંથી સનાતન ધર્મનો જયજયકાર વ્યાપી રહે.

(ક્રમશઃ)