Wednesday, June 03, 2015
માણસાઇને ઢંઢોળતો દસ્તાવેજ
આ પુસ્તકને ‘પોલીસ કસ્ટડીમાં થયેલા ઘાતકી અત્યાચારના અરેરાટીભર્યા વર્ણન’ના ખાતે નાખી દેવા જેવું નથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કેટલાક પોલીસ અફસરોએ આ નિર્દોષ ધર્મગુરુ (મુફ્તી) પર કરેલા અત્યાચાર વિશે વાંચીને, હિંદી ફિલ્મોના પ્રતાપે કોઇને એવું લાગી શકે,‘હા, બરાબર છે, પણ પોલીસ તો આવી જ હોય છે. આપણે ફિલ્મોમાં પણ ક્યાં નથી જોતા?’ મસાલા ફિલ્મોમાં આવતા પોલીસ રીમાન્ડનાં દૃશ્યોની જેમ, આ પુસ્તક વાંચીને અરેરાટીસૂચક ડચકારા બોલાવી દેવાથી ચાલે એમ નથી.
પુસ્તકમાં ઉઘડતી કેટલીક ખતરનાક બાબતો : પોલીસ અને સરકાર ત્રાસવાદથી લોકોનું રક્ષણ કરવાને બદલે, કેવી રીતે પોતે જ ત્રાસવાદીઓને શરમાવે એવી વર્તણૂંક કરે છે, કોમવાદી લાગણી નાબૂદ કરવાને બદલે, કેવી રીતે કેટલાક પોલીસ અફસરો કોમવાદ દૃઢ બને અને હિંદુ-મુસ્લિમો વચ્ચેનો અવિશ્વાસ વધે એવા કારસા કરે છે, મુસ્લિમો પ્રત્યે હિંદુઓના મનમાં અવિશ્વાસ ઊભો કરવા અને ઊભા થયેલા અવિશ્વાસને દૃઢ બનાવવા સરકાર તથા પોલીસ કેટલાં જૂઠાણાં આચરી શકે છે અને કહેવાતા હિંદુહિતરક્ષકો હિંદુઓને કઇ હદે મૂરખ બનાવી શકે છે, જૂઠાડા પોલીસ અફસરોને ‘જાંબાઝ દેશભક્ત’ તરીકે બિરદાવનારા અને અસલિયત બહાર આવ્યા પછી મીંઢું મૌન સેવનારા છદ્મશ્રીઓ વાચકોને કેવા ગેરરસ્તે દોરે છે...
કાવતરું અને અમલ
સપ્ટેમ્બર, ૨૦૦૨માં અક્ષરધામ પર ત્રાસવાદી હુમલો થયો અને અંધાઘૂંધ ગોળીબારો પછી ત્રાસવાદીઓ માર્યા ગયા. એ ઘટનાથી ગુજરાતમાં ખુલ્લમખુલ્લા આવી ગયેલી મુસ્લિમવિરોધી લાગણીને પૂરો ઢાળ મળી રહે એમ હતો. સાથોસાથ, ‘હિંદુ લાગણી’ શાંત પાડવા અને પોલીસનો-સરકારનો વટ પાડવા માટે અક્ષરધામનો કેસ ઉકેલાઇ ગયો એ દર્શાવવું જરૂરી હતું. સરકાર માટે એ સહેલું પણ હતું. કારણ કે, તેમને ફક્ત દાઢી-ટોપીવાળા થોડા મુસ્લિમો જ પકડી આણવાના હતા. ડી.જી.વણઝારાની આગેવાનની હેઠળની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સરકારી કાવતરાબાજીનો મુખ્ય અડ્ડો બની.
પહેલી વાર મુફ્તીને ક્રાઇમ બ્રાન્ચવાળા લઇ ગયા ત્યારે મુફ્તીને એવો વિશ્વાસ હતો કે ‘મેં કશો ગુનો કર્યો નથી, પછી શા માટે ગભરાવું?’ ક્રાઇમ બ્રાન્ચમાં એસીપી સિંઘલે પહેલી વાર મુફ્તીને ડંડાથી ઝૂડી નાખ્યા ત્યાં સુધી મુફ્તીને એ પણ ખબર નહોતી કે તેમનો ગુનો શો છે. બીજા દિવસે તેમને વણઝારા સામે હાજર કરવામાં આવ્યા. તેમણે પણ એકાદ સવાલ પૂછ્યા પછી ‘ડંડાપાર્ટી’ મંગાવી. એક અલમસ્ત ટુકડી આવી. તેના લોકોએ મુફ્તીને બરાબર જકડી રાખ્યા અને પીઆઇ વનાર પૂરા જોશથી મુફ્ત પર ડંડો લઇને તૂટી પડ્યા. મારતાં મારતાં એ થાકી જાય ત્યારે વણઝારા તેમને ગાળ દઇને વધારે મારવાનું કહેતા. ત્યાં સુધી પણ મુફ્તી પોતાના ગુનાથી અજાણ હતી. પછી વણઝારાએ તેમને અક્ષરધામ મંદિરના હુમલા વિશે પૂછ્યું ત્યારે મુફ્તીને ખ્યાલ આવ્યો કે તેમને ગંભીર કેસમાં સંડોવી દેવાયા છે.
ક્રાઇમ બ્રાન્ચમાં ઘાતકી મારઝૂડના ઘણા પ્રસંગો પુસ્તકમાં છે. એ અત્યંત ગંભીર છે, પણ મારઝૂડના વ્યક્તિગત ત્રાસ ઉપરાંત વધારે વ્યાપક ગંભીર મુદ્દા પણ આ પુસ્તકમાં આલેખાયા છે.
- મુફ્તીને કેવળ શંકાના આધારે, ક્રાઇમ બ્રાન્ચે ચાળીસ દિવસ સુધી ગોંધી રાખ્યા. તેમની પર અને તેમના જેવા બીજાઓ પર બેસુમાર અત્યાચાર કરવામાં આવ્યા. હદ બહારની મારઝૂડ પછી પોલીસ જે કહે તે કબૂલવા મુફ્તી તૈયાર થઇ ગયા. ત્યાર પછી મારઝૂડ બંધ થઇ ગઇ. મુફ્તીએ લખ્યું છે, ‘રીમાન્ડના બાકીના દિવસોમાં કાવતરામાં અમારી ભૂમિકાઓ ઘડી કાઢવાની અને એ માટે ચર્ચાવિચારણા કરવાની પૂરતી તક આપવામાં આવી. એટલું જ નહીં, અમારે કયા કેસમાં ફસાવું છે એના વિકલ્પ પણ આપવામાં આવ્યા. અમારા એક સાથીને ગોધરાકાંડ અને હરેન પંડ્યામાંથી કોઇ એક કેસ પસંદ કરવાનું કહેવાયું.’ ‘સાહેબ, મને આટલા મોટા કેસમાં ફસાવી દીધો’ એવું મુફ્તીએ સિંઘલને કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું,‘હું મજબૂર હતો. મારી પર ઉપરથી દબાણ હતું.’
- આખા કાવતરામાં એક નામ આવ્યું : અબુ તલ્હા. મુફ્તીએ લખ્યું છે કે આ પાત્ર અક્ષરધામ, હરેન પંડ્યા હત્યા, ટિફીન બોંબ, સિરીયલ બ્લાસ્ટ અને બીજા ઘણા કેસમાં વૉન્ટેડ બતાવાયું છે, પણ સેશન્સ કોર્ટે બ્લાસ્ટના જૂઠા કેસના જજમેન્ટમાં લખ્યું છે કે અબુ તલ્હા (પોલીસે ઉપજાવી કાઢેલું) કાલ્પનિક પાત્ર છે.
- જૂઠા કાવતરાની કથા ફિલ્મી સ્ક્રીપ્ટની ઝીણવટથી ઘડી કાઢવામાં આવી. બધાં પાત્રોને તેમની ભૂમિકા સમજાવી અને ગોખાવી દેવાઇ. છતાં કેટલીક મહત્ત્વની ભૂલો રહી ગઇ. હુમલાખોરોએ હુમલાના આગલા દિવસે અક્ષરધામ મંદિરમાં જઇને સ્થળની પૂરી તપાસ કરી એવું કહેવાયું, પણ એ દિવસે સોમવાર આવતો હતો અને સોમવારે અક્ષરધામ બંધ રહે છે, એ ‘વાર્તાકારો’ના ઘ્યાનબહાર ગયું. માર્યા ગયેલા ત્રાસવાદીઓના ખિસ્સામાંથી નીકળેલી બે ઉશ્કેરણીજનક ઉર્દુ ચિઠ્ઠીઓ મુફ્તીએ લખી હોવાનો આરોપ હતો. પરંતુ પોલીસે ક્યાંકથી ઉર્દુમાં હસ્તગત કરેલી બે જેહાદી ચિઠ્ઠીઓ કેવી રીતે ત્રાસ ગુજારીને મુફ્તીના હસ્તાક્ષરમાં લખાવી લેવાઇ, એ તેમણે પુસ્તકમાં લખ્યું છે. દરેક વખતે મુફ્તીની લખેલી ચિઠ્ઠી ઉર્દુના કોઇ જાણકારને વંચાવવામાં આવે ને એમાં મૂળ ચિઠ્ઠી કરતાં કંઇક જુદું લાગે, એટલે મુફ્તીએ ચિઠ્ઠી ફરી લખવાની. એમ કરતાં એમને ચાળીસ-પચાસ વાર ચિઠ્ઠીઓ લખવી પડી.
- અક્ષરધામમાંથી મળેલા ત્રાસવાદીઓના મૃતદેહ સંખ્યાબંધ ગોળીઓથી વીંધાયેલા હતા. તેમનાં કપડાંમાં અસંખ્યા કાણાં હતાં. લોહી, પાણી અને માટીથી કપડાં સાવ રગદોળાયેલાં હતાં. પણ તેમના ખિસ્સામાંથી નીકળેલી --અને મુફ્તીએ તેમને લખી આપેલી મનાતી-- બે ચિઠ્ઠીઓ સાવ કોરીકટ હતી. ડાઘા તો ઠીક, તેને ગડી પણ પડેલી ન હતી.
- ક્રાઇમ બ્રાન્ચના અફસરોએ વાર્તા પ્રમાણે મુફ્તીને કહ્યું કે ‘તે આ ત્રાસવાદીઓને શહાદત અને જનાજાની નમાઝ પઢાવી.’ મુફ્તીએ તેમને કહ્યું કે ‘જીવતા માણસને આ નમાઝ ન પઢાવાય.’ સાહેબોએ કહ્યું, ‘એમ? તો બીજી કોઇ નમાઝનું નામ આપ.’ મુફ્તીએ કહ્યું કે એને ‘નફલ નમાઝ’ કહેવાય. એટલે સાહેબોએ વાર્તામાં સુધારો કર્યો અને મુફ્તી પર હુમલાખોરોને ‘નફલ નમાઝ’ પઢાવવાનો આરોપ મૂક્યો.
- આખી કથા નક્કી થઇ ગયા પછી હુમલાખોરો ક્યાંના હતા, તે ક્યાંથી આવ્યા અને તેમની પાસે શસ્ત્રો ક્યાંથી આવ્યા, એટલા છેડા લટકતા હતા. એના માટે ક્રાઇમ બ્રાન્ચના અફસરો સાથે મુફ્તીને કાશ્મીર લઇ જવાયા. ત્યાં ચાંદખાન નામના એક માણસને ઓળખી બતાવવાનું કામ હતું. એ માટે મુફ્તીને અમદાવાદમાં ચાંદખાનનો ફોટો અને વિગતો આપીને બરાબર લેસન કરાવાયું હતું. કાશ્મીર પોલીસની હાજરીમાં, તેમને સમજ ન પડે એટલા માટે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ પટેલે મુફ્તીને ગુજરાતીમાં કહ્યું, ‘બાજી સાચવી લેજો. આપણી સ્ટોરી જ કહેજો. અમે તમને બચાવી લઇશું.’ પણ કાશ્મીરમાં દાવ ઊંધો પડ્યો. કાશ્મીર પોલીસ સામે મુફ્તીએ ‘ગુનો’ તો કબૂલી લીધો, પણ ત્યાં એમની એટલી ઝીણી પૂછપરછ કરવામાં આવી કે તેમાં ક્રાઇમ બ્રાન્ચની સ્ટોરીમાં રહેલાં છીંડાં ખુલ્લાં પડી ગયાં. ત્યાર પછીના દિવસો મુફ્તીને કાશ્મીર પોલીસથી દૂર સારી હોટેલમાં રાખવામાં આવ્યા અને સરકારી મહેમાનની જેમ કાશ્મીર ફેરવવામાં આવ્યા. મુફ્તીએ લખ્યું છે કે કાશ્મીરમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ ચૂક્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ઇચ્છ્યું હોત તો મારી સામેનો કેસ તેમણે પાછો ખેંચી લીધો હોત, પણ એવું ન થયું.
- મુફ્તીના કેસના પાયામાં રહેલાં ગાબડાંને સ્પેશ્યલ પોટા કૉર્ટે નજરઅંદાજ કર્યાં અને એક નિર્દોષને ફાંસીની સજા ફટકારી દીધી. તેની સામે હાઇકોર્ટમાં અપીલ થઇ ત્યારે કોર્ટે પણ રહસ્યમય વિલંબ પછી, ફાંસીની સજા બહાલ રાખી. છેવટે સર્વોચ્ચ અદાલતે ન્યાય કર્યો, નવેસરથી પુરાવા તપાસ્યા અને કેસમાં રહેલાં ગાબડાં તરફ આંખ આડા કાન કરવા બદલ અગાઉના અફસરોની ઝાટકણી કાઢી. સહિંદુ મંદિર પર હુમલો કરવાના કેસમાં ફસાવી દેવાયેલા મુફ્તીએ પુસ્તકમાં ઠેકઠેકાણે લખ્યું છે કે જેલમાં હિંદુ કેદીઓ ઉપરાંત કોમી હિંસાના આરોપી એવા હિંદુઓ પણ તેમની સાથે પ્રેમ અને આદરથી વર્તતા. કેટલાક ભલા હિંદુ કેદીઓ વિશે તેમણે લખ્યું છે કે એ લોકો જો મુસ્લિમ હોત તો બહુ મોટા વલી ગણાતા હોત. આખા પુસ્તકમાં જે અફસરોએ તેમની સાથે સદ્ભાવભર્યો વ્યવહાર કર્યો એ બધાના વર્તન વિશે તેમણે લખ્યું છે અને જે મુસ્લિમ અફસરોએ દુષ્ટતા આચરી તેનું પણ બયાન આપ્યું છે.
Saturday, March 08, 2014
ડો. કનુભાઇ કળસરીયા વિશે વિજયસિંહ પરમારના પુસ્તક નું અરવિંદ કેજરીવાલની હાજરીમાં વિમોચન
ડૉ.કનુભાઇ કળસરીયાને તમે કેવી રીતે ઓળખવા માગો છો એનો આધાર તમારી પસંદગી ઉપર છે : એક સેવાભાવી તબીબ, જાહેર જીવનમાં પડેલી સ્વચ્છ વ્યક્તિ, પક્ષની લાઇન ખોટી લાગતાં તેની સામે બાંયો ચડાવનાર નેતા, ગુજરાતમાં છેલ્લા દાયકામાં સફળ થનારાં જૂજ જનઆંદોલનોમાંથી એકના નેતા, સજ્જનો સ્થાપિત પક્ષોના ચૂંટણીને લગતા દાવપેચમાં ફાવતા નથી તેનું મૂર્તિમંત પ્રતીક, સરળ-નિખાલસ-કાઠિયાવાડી લહેકો ધરાવતા હૂંફાળા જણ...
તેમનાં આ અને આવાં અનેક પાસાં આલેખતા પુસ્તક ‘પીડ પરાઇ જાણે રે’નું આજે બપોરે વિમોચન થયું. ટેક્નિકલી, નામાંકિત ધારાશાસ્ત્રી અને વંચિતોના કેસ લડનાર તરીકે જાણીતા ગિરીશભાઇ પટેલના હસ્તે અને વાસ્તવમાં ગિરીશકાકા ઉપરાંત અરવિંદ કેજરીવાલના હસ્તે.
![]() |
| L to R : Pranav Adhyaru, Arvind Kejriwal, Vijaysinh Parmar releasing a book depicting life stroy of Dr.Kanubhai Kalasariya |
ગૂજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ ખંડમાં બપોેરે સાડા બાર વાગ્યે કાર્યક્રમ શરૂ થવાનો હતો. ગિરીશકાકા તેમની નાદુરસ્ત તબિયતને લીધે મોડા પડ્યા હતા. પણ હવા એવી હતી કે આજકાલ ગુજરાતમાં આવેલા અરવિંદ કેજરીવાલની રાહ જોવાય છે. કેજરીવાલ આ સમારંભમાં હાજર રહે એ નક્કી ન હતું. પણ છેલ્લી ઘડીએ, અડધા કલાકનો સમય કાઢીને કેજરીવાલ આવ્યા, બડી શાલિનતાથી મંચ પર બેઠા, પ્રસંગને અનુરૂપ બોલ્યા અને અડધા કાર્યક્રમે વિદાય લીધી. પરંતુ તે આવ્યા ત્યારથી કેમેરાની ફ્લેશો અટકતી ન હતી. તેમની થોડી વાર પહેલાં ડૉ.કનુભાઇ આવ્યા ત્યારે થોડી વાર ફ્લેશો ઝબકી. કનુભાઇ આવીને બીજી હરોળમાં બેઠેલાં મલ્લિકા સારાભાઇ સહિત બીજા લોકોને મળ્યા. વિજયસિંહ અને કાર્યક્રમનું સંચાલન કરનાર પ્રણવ અઘ્યારુ પણ તેમને મળ્યા.
કેજરીવાલ આવતાંની સાથે જ નાના પાયે તોફાન મચ્યું. કેમેરાધારીઓ કેમે કરીને ખસે નહીં અને ધરાય નહીં. પરંતુ તોફાનના કેન્દ્રમાં રહેલા કેજરીવાલ એકદમ શાંત જણાતા હતા. તેમને રૂબરૂ જોતાં સૌથી પહેલી નોંધ તેમનાં સાધારણ કદ-કાઠીની લેવાય. પત્રકાર મિત્ર આશિષ અમીન (‘મેજર’)ની યાદ અપાવે એવી મૂછો, પણ બાંધો એકવડો, ખુલ્લું શર્ટ, પેન્ટ, સેન્ડલ..બાજુમાં બેઠેલા મિત્ર સંજય ભાવેએ કહ્યું તેમ, ‘આ માણસ આશ્રમ રોડ પરથી જતો હોય તો કોઇ તેને સહેલાઇથી ધક્કો મારીને આગળ નીકળી જાય.’ આ સાદગીમાં કે ચહેરા પરના શાંતરસમાં અહમ્જનીત ઉપેક્ષા નહીં, પણ નિસબત સહિતની નિર્લેપતા (‘બાઝારસે નીકલા હું, ખરીદાર નહીં હું’ ટાઇપની) જણાય. એ મંચ પર બેઠા તો પણ છેક છેડે, વિજયસિંહની બાજુમાં. બન્ને વચ્ચે પરિચય ન હતો, એટલે કનુભાઇએ ઉભા થઇને સજ્જનતાપૂર્વક વિજયસિંહનો કેજરીવાલ સાથે પરિચય કરાવ્યો. (આટલો સાદો વિવેક આપણે ત્યાં થોડા લોકોને સૂઝતો હોય છે.) પછી કેજરીવાલ અને વિજયસિંહ વાતો કરવા લાગ્યા, એટલે ફ્લેશકાંડનો વઘુ એક અઘ્યાય શરૂ.
![]() |
| Kanubhai Kalsaria introducing Vijaysinh Parmar to Arvind Kejriwal (photo : Ramesh Tankaria) |
કેજરીવાલ સૌથી પહેલા વક્તા હતા. તે ટૂંકું અને પુસ્તકને અનુરૂપ બોલ્યા. કાર્યક્રમ રાજકીય રંગનો ન બને એ માટે આયોજકોએ પણ પૂરતી ચીવટ રાખી હતી. કેજરીવાલ આવ્યા ત્યારે થયેલા સૂત્રોચ્ચાર પછી સંચાલક તરીકે પ્રણવે કહ્યું હતું કે હવે આવા સૂત્રોચ્ચાર ન થાય એનું ઘ્યાન રાખીએ. કેજરીવાલે કહ્યું કે કનુભાઇ વિશે- નિરમા આંદોલન વિશે બહુ સાંભળ્યું હતું, પણ આ વખતે પહેલી વાર મળવાનું થયું. વિજયસિંહને બે-ત્રણ વાર અભિનંદન આપીને તેમણે વક્તવ્ય ટૂંકમાં પૂરું કર્યું.
![]() |
| Arvind Kejriwal at book launch function, Ahmedabad |
કેજરીવાલની હાજરીમાં કનુભાઇ હિંદીમાં સાવ થોડું બોલ્યા અને થોડા લોકો કરી શકે એવી ચેષ્ટા કરતાં, પોતાના સાથીદાર ડૉ.પ્રવીણ બગદાણિયાને યાદ કર્યા. તેમની વાત સાંભળીને લાગે કે તેમની જ ઉંમરના કોઇ જોડીદાર હશે. પણ કનુભાઇએ પ્રવીણભાઇને મંચ પર બોલાવ્યા ત્યારે સમજાયું કે આ તો માંડ પાંત્રીસ-ચાળીસ વર્ષનો જણ છે, જેને કનુભાઇ પોતાના કરતાં પણ વધારે સન્નિષ્ઠ ગણાવે છે. કનુભાઇએ કેજરીવાલના હાથે પ્રવીણભાઇને પુસ્તક અપાવ્યું. પછી કેજરીવાલે રજા લીધી અને કાર્યક્રમમાં વર્તાતો એક પ્રકારનો ઉત્તેજનાપૂર્ણ તનાવ ઓસર્યો.
![]() |
| ડો.પ્રવીણ બગદાણિયા, ડો.કનુભાઇ કળસરિયા અને અરવિંદ કેજરીવાલ (ફોટોઃ બિનીત મોદી/ Binit Modi) |
કનુભાઇએ શુદ્ધ કાઠિયાવાડી લહેકા સાથે પોતાની વાત કરી. સ્ટેજ પર બેઠેલાં પત્નીના જબ્બર સાથસહકારને યાદ કરી-બિરદાવીને, બ્રહ્મચર્યના ઉબડખાબડ પ્રયોગો અને વિપશ્યના પછી તેમાં નૈસર્ગિક ધોરણે મળેલી સફળતા જેવા જરા વિશિષ્ટ મુદ્દાથી તેમણે વાત શરૂ કરી અને તેમણે પુસ્તકના પ્રસંગોનું પુનરાવર્તન કરવાને બદલે, એવો એક પ્રસંગ કહ્યો જે પુસ્તકમાં નથી. આ પ્રસંગ પુસ્તકમાં નથી એની ખાતરી તેમણે સ્ટેજ પર જ કરી લીધી. પરંતુ લેખકને ક્ષોભમાં નાખવા માટે નહીં, પોતે પુસ્તકના કામ માટે કેવા અસહકારી હતા એ દર્શાવવા માટે. કનુભાઇ અને બીજા બે ડોક્ટર વિદ્યાર્થી અવસ્થામાં એક હોસ્પિટલમાં કામ કરતા હતા, ત્યારે અઢળક કામ કરવા છતાં, તે પહોંચી વળતા ન હતા. તેમણે ઓપરેશન જેવાં ભારે કામ ઉપરાંત તેમના બ્લડ અને યુરીનના રીપોર્ટ અને કાર્ડિયોગ્રામની નોંધો પણ વચ્ચે વચ્ચે કરતા રહેવાનું. ત્રણે મિત્રોને તે ચોવીસ કલાક કામ કરવા છતાં અશક્ય લાગતું હતું. એક વાર તો મેડમે દર્દીઓના બ્લડ-યુરિનના રીપોર્ટ ખાલી જોઇને ત્રણે જણને ‘ગેટ આઉટ’ પણ કહી દીઘું. અલબત્ત, એકાદ કલાક પછી બોલાવીને વાત વાળી પણ લીધી અને કહ્યું કે તમારા સિનિયર કરી શકતા હતા, તો તમે કેમ ન કરી શકો? સિનિયરોને પૂછી લો.
સિનિયરોને પૂછતાં માલુમ પડ્યું કે ટેસ્ટ-બેસ્ટ સમજ્યા. અડસટ્ટે કામ ચલાવી લેવાનું. દર્દીની જીભ બહાર કઢાવવાની. લાલ હોય તો હિમોગ્લોબિન બાર-તેર, લાલ ન હોય તો દસ ને ફિક્કી હોય તો આઠ-નવ. એના માટે બ્લડ ટેસ્ટ કરવાની ક્યાં જરૂર? પણ મેડમ એટલું પૂછશે કે ‘પંક્ચર કર્યું?’ એટલે સોય લઇને દર્દીઓના હાથે કાણાં તો પાડી દેવાનાં. એવી જ રીતે, છ-સાત નોર્મલ કાર્ડિયોગ્રામ તૈયાર રાખવાના. મેડમ માગે ત્યારે ‘ટેબલમાં પડ્યા છે’ એમ કહીને રૂમમાં જઇને, દર્દીનું નામ લખીને આપી દેવાના. મેડમને પણ આ બધી ખબર. છતાં, પ્રોસિજરના નામે આ બઘું ચાલતું હતું. શું અને કેવી રીતે ન કરવું તેના પાઠના સંદર્ભમાં કનુભાઇએ આ કિસ્સો યાદ કર્યો.
![]() |
| L to R : Ketan Rupera, Pranav Adhyaru, Girish Patel, Dr.Kanubhai Kalasariya, Vijaysinh Parmar, Chintan Sheth (photo : Binit Modi) |
અનિવાર્ય કારણોસર જવું પડે એમ હોવાથી, ગિરીશભાઇ પટેલનું પ્રવચન સાંભળવાનો લોભ જતો કરવો પડ્યો. કોઇ સ્નેહી મિત્ર ગિરીશભાઇના પ્રવચનના મુખ્ય મુદ્દા અહીં કમેન્ટમાં નોંધી આપશે તો બહુ આનંદ થશે. એ મુદ્દાને હું મુખ્ય પોસ્ટમાં (લખનારના નામ સાથે) ઉમેરી દઇશ.
Friday, September 13, 2013
દીપક સોલિયાનું ‘સિદ્ધાર્થ : એક ક્લાસિક કૃતિ’ : આતુરતાનો, લાંબી પ્રતીક્ષાનો અને વર્ષોના આગ્રહનો સુખાંત
દીપક સોલિયાનું નામ પડે એટલે તેમને વાંચનારા કે ઓળખનારા કે બન્ને લોકોના મનમાં કેટલાક શબ્દો ઊગશે : સાદગી, સરળતા, ઊંડાણ, સ્થિતપ્રજ્ઞતા, ઠંડો અને સાત્ત્વિક પ્રભાવ, શૈલીવેડા વગરનું હૃદયસ્પર્શી લખાણ, રણકતો સ્વર, સાબૂત સેન્સ ઓફ હ્યુમર...
![]() |
| Dipak Soliya |
આ જ બધા શબ્દો દીપક સોલિયાનું પહેલું - અને ‘સાર્થક પ્રકાશન’નું પાંચમું - પુસ્તક ‘સિદ્ધાર્થ : એક ક્લાસિક કૃતિ’ જોઇને પણ મનમાં ફોરી ઉઠશે. બે દિવસ પહેલાં છપાઇને આવી ગયેલું આ પુસ્તક જોઇને અંગત રીતે મને - અને ધૈવત (ત્રિવેદી)ને પણ એક જ લાગણી થઇ : દીપક સોલિયાનું પુસ્તક આવું જ હોઇ શકે. આવું જ હોવું જોઇએ. ડીસન્ટ, એલીગન્ટ, ગ્રેસફુલ, સાદું છતાં આકર્ષક, જોઇને જ હાથમાં લેવાનું અને પાનાં ફેરવવાનું મન થાય એવું...
પરમ મિત્ર અને ‘સાર્થક’ના સ્તંભ જેવા અપૂર્વ આશરે કરેલો તેનો લે-આઉટ એ વાતનો (વઘુ એક) ઉત્તમ નમૂનો છે કે તસવીરો-ચિત્રો વગરના લખાણને પણ કેટલી ઉત્કૃષ્ટ ઢબે રજૂ કરી શકાય.
‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં દીપકે હર્મન હેસ/ Hermann Hesseની નવલકથા ‘સિદ્ધાર્થ’નો અનુવાદ-કમ-આસ્વાદ ઘણા હપ્તામાં આપ્યો. ‘સિદ્ધાર્થ’ના ગુજરાતી અનુવાદ અગાઉ થયા છે, પણ પુસ્તકના અનેક ગૂઢ અર્થોને અને જીવનનાં સત્યોને ઉઘાડી આપતી દીપકની ‘એકસ્ટ્રા કમેન્ટ્સ’ની વાત જુદી છે. દીપકને વાંચનારા જાણે જ છે કે કાતીલ સરળતા એ દીપકનું ‘વેપન ઓફ માસ એટ્રેક્શન’ (સામુહિક આકર્ષણાસ્ત્ર ;-) છે. તેમનાં લખાણ વાંચીને કોઇને પણ લાગે, ‘ઓહો, આટલી સાદી વાત છે? આ તો હું પણ સમજી શકું? ને લખી પણ શકું.’ પરંતુ દીપકની વાત જેમ મનમાં ઝમતી જાય, તેમ તેની અર્થસભરતા પ્રગટ થતી જાય અને તેમાં રહેલા ઊંડાણનો ખ્યાલ આવતો જાય.
બે દાયકાથી પણ વઘુ સમયથી પત્રકારત્વમાં સક્રિય દીપક ‘દિવ્ય ભાસ્કર’ જૂથમાં ‘અહા જિંદગી’ના સંપાદક તરીકે જોડાયા, ત્યાર પછી તેમનું કોલમલેખન શરૂ થયું. ત્યાર પહેલાં ધારાવાહિક સ્વરૂપે તે બે નવલકથાઓ લખી ચૂક્યા હતા : ‘અભિયાન’માં ‘તિતિક્ષા’ અને ફિલ્મ સામયિક ‘જી’માં ‘મુક્તિ’. બન્ને નવલકથાઓ સરસ હોવા છતાં, સ્થિતપ્રજ્ઞતામાંથી પ્રગટતી ઉદાસીનતાને કારણે તેમને નવલકથાઓ પ્રગટ કરવાનો કશો ઉત્સાહ ન હતો. ઉત્સાહ તો ઠીક, પ્રયત્ન સુદ્ધાં તેમણે ન કર્યો અને સામેથી આવતી દરખાસ્તોને સભ્યતાપૂર્વક ટાળી દીધી. મારા જેવા મિત્રોના પુસ્તક કરવાના સતત નિરંતર આગ્રહ અને તેમાં દીપકનાં મિત્રવત્ પત્ની હેતલ દેસાઇની સક્રિય મદદ છતાં, દીપકે પુસ્તકનું કામ હાથમાં ન લીઘું તે ન જ લીઘું.
પરંતુ ‘સાર્થક પ્રકાશન’ની સ્થાપના પછી એ મહેણું ભાંગ્યું. પોતાનાં પુસ્તકો માટે તૈયાર ન થનારા દીપક ‘સાર્થક’માં પ્રકાશક તરીકે સક્રિય થયા, તે અમારા જેવા ઘણા મિત્રો માટે બહુ સુખદ વળાંક હતો. ત્યારથી નક્કી થઇ ગયું કે હવે દીપકનું પુસ્તક આવશે. પછી મથામણ ચાલી : પહેલું પુસ્તક કયું આવે? એક વિકલ્પ તેમની તંત્રી પાને આવતી કોલમ ‘સો વાતની એક વાત’ના સંગ્રહનો હતો. બીજો અગાઉ ભાસ્કરની રવિપૂર્તિમાં આવતી તેમની કોલમ ‘અંતર્યાત્રા’નો. પરંતુ આ બન્ને પછી શરૂ થયેલી ‘સિદ્ધાર્થ’ મેદાન મારી ગઇ અને એ દીપકની લેખનકારકિર્દીનું પહેલું પુસ્તક બની. (‘અંતર્યાત્રા’ અને ‘સો વાતની એક વાત’ આવતા વર્ષે આવશે.)
દીપક જેવા લેખકનું અને ‘સિદ્ધાર્થ’ જેવું પુસ્તક આવે એટલે ‘સાર્થક પ્રકાશન’ના સાથી તરીકે તો આનંદ થાય જ, પણ તેના કરતાં અનેક ગણો વધારે આનંદ એક વાચક તરીકે અને મિત્ર તરીકે થાય છે. એવું લાગે છે, જાણે એક સ્વપ્ન સાકાર થયું.
સિદ્ધાર્થ : એક ક્લાસિક કૃતિ --મૂળ લેખક હર્મન હેસ
રજૂઆત : દીપક સોલિયા
પાનાં : ૧૨૪, પાનાંની સાઇઝ : 5 ઇંચ x 9 ઇંચ
પુસ્તકની કિંમત : રૂ.૧૩૦
મેળવવાનું સ્થળ :
બુકશેલ્ફ ૧૬, સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી.રોડ, અમદાવાદ,
ફોનઃ 079- 26441826
ઓનલાઇન ખરીદી માટે - http://www.gujaratibookshelf.com/index_detail.php?bookn=1361
સાર્થક પ્રકાશન ૩, રામવન, ૬૭ નેહરૂ પાર્ક, દિલીપ ધોળકિયા માર્ગ, વસ્ત્રાપુર, અમદાવાદ
ફોન- 98252 90796 ઇ-મેઇલ : spguj2013@gmail.com,
ખાસ નોંધ : ‘સાર્થક પ્રકાશન’ પાસેથી આ પુસ્તક અથવા અગાઉનાં પુસ્તકો મંગાવનારનું પોસ્ટેજ ખર્ચ ‘સાર્થક’ ભોગવશે.
‘સિદ્ધાર્થ’ અને ‘સાર્થક’નાં બીજાં પુસ્તકો ખરીદવા માટે -
- અમદાવાદમાં રહેતા લોકો સી.જી.રોડ પર ‘બુકશેલ્ફ’ની મુલાકાત લઇને આ પુસ્તક મેળવી શકે છે. ઉપરાંત, બીજાં પુસ્તકો પણ જોઇ શકે છે.
- સાર્થક પ્રકાશનના HDFC બેન્ક એકાઉન્ટમાં સેવિંગ ખાતામાં પુસ્તકની છાપેલી કિંમત જેટલી રકમ જમા કરાવી શકાય છે.
- પુસ્તકની છાપેલી કિંમત જેટલી રકમનો ‘એટ પાર’નો ચેક સાર્થકના સરનામે મોકલી શકાય છે.
Sunday, January 27, 2013
જ્યોતિભાઇ ભટ્ટનો તસવીરસંગ્રહઃ નમૂનેદાર પુસ્તકની તૈયારી
79 વર્ષના જ્યોતિભાઇના ખજાનામાથી 200 જેટલી ચુનંદી B&W અને કલર તસવીરોનું એક પુસ્તક 'ધ ઇનર આઇ એન્ડ ધ આઉટર આઇ' નામે થોડા સમય પછી પ્રકાશિત થઇ રહ્યું છે. ઉત્તમ તસવીરકાર- મિત્ર વિવેક દેસાઇ 'આર્ટ બુક હબ'ના નેજા હેઠળ આ પુસ્તક પ્રગટ કરશે. 12" x 11" ની સાઇઝમાં, આર્ટ પેપર પર, આશરે 200 પાનાં ધરાવતા આ પુસ્તકનું ડિઝાઇનિંગ પરમ મિત્ર અને ઉત્તમ ડિઝાઇનર અપૂર્વ આશર કરી રહ્યા છે. તેમની અને વિવેકની બે બેઠકો દરમિયાન એ પુસ્તકની કામગીરી જોવાની થોડીઘણી તક મળી એની પરથી અને અપૂર્વ તથા વિવેકનો પરિચય હોવાને કારણે, આ પુસ્તકની ગુણવત્તા વિશે ઊંચો અભિપ્રાય અને આશાં બંધાયાં છે.
આ પુસ્તકની પ્રકાશિત થયા પછીની કિંમત રૂ.2,500 છે, પરંતુ અત્યારે ઓર્ડર નોંધાવવા ઇચ્છતા મિત્રોને એ રૂ.1,500માં મળશે. ઓર્ડર નોંધાવવા કે વધુ પૂછપરછ કરવા ઇચ્છતા મિત્રો માટે વિવેક દેસાઇનો સંપર્કઃ
ઇ-મેઇલઃ sadhuvivek@gmail.com
મોબાઇલઃ 98250 35912
પુસ્તકમાં પ્રગટ થનારી કેટલીક તસવીરો અહીં મૂકી છે, તેની પરથી તસવીરોના વૈવિધ્યનો અને ગુણવત્તાનો ખ્યાલ આવશે. (છપાઇની ગુણવત્તા અહીં દેખાય છે એના કરતાં ઘણી વધારે સારી હશે, ) આ પ્રકારનાં પુસ્તકો ખરીદતા કે ખરીદવાનું પોસાણ ધરાતા મિત્રો માટે આ પુસ્તક 'પૈસાવસૂલ' કરતાં પણ વધારે બની રહે એવું હશે. (જ્યોતિભાઇની કળા અને વિવેક-અપૂર્વનું કામ જાણતો હોવાથી આ દાવો કરવામાં ખચકાટ થતો નથી.)
ઓર્ડર નોંધાવવા કે વધુ પૂછપરછ કરવા ઇચ્છતા મિત્રો માટે વિવેક દેસાઇનો સંપર્કઃ
ઇ-મેઇલઃ sadhuvivek@gmail.com
મોબાઇલઃ 98250 35912
Thursday, October 07, 2010
કિતાબી નવાજૂની

Five Decades – The National Academy of Letters, India (A short history of Sahitya Akademi)
D.S.Rao
કિંમતઃ રૂ.1,100 પાનાં (મોટા કદનાં) 346
સાહિત્ય અકાદમીના દસ્તાવેજી ઇતિહાસ જેવા આ પુસ્તકમાં કેટલીક યાદગાર તસવીરો અને પુસ્તકના અંતે કેટલાક પત્રો યથાતથ મૂકવામાં આવ્યા છે, જે પુસ્તકનું મૂલ્ય વાજબી ઠરાવે એવા છે. જેમ કે, વડાપ્રધાન તરીકે નેહરુએ આશ્ચર્યજનક લાગે એટલી નિસબત અને વ્યક્તિગત કાળજીથી લખેલા પત્રો,સત્યજીત રેનો પત્ર, વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પુસ્તકને ઇનામ માટે સૂચવતી વખતે ઉમાશંકર જોશીએ છાપેલા ફોર્મમાં સ્વહસ્તાક્ષરમાં કરાવેલું પુસ્તકનું મહત્તાદર્શન, જયંત કોઠારીએ ‘હરીફાઇ હોય એવું કોઇ સન્માન ન સ્વીકારવાના સંકલ્પ’ ને કારણે અકાદમીના ઇનામનો પણ અસ્વીકાર કર્યો, તેની જાણ કરતો પત્ર....

Close Up - Memoirs of a life on stage & screen
Zohra Segal (Women Unlimited)
કિંમતઃ રૂ.375, પાનાં 182
નોંધઃ પૃથ્વી થિયેટર્સની બે અભિનેત્રી-બહેનો ઝોહરા અને ઉઝરા બટ્ટમાંથી ઝોહરા નેવુ વટાવ્યા પછી પણ તેમના વિલક્ષણ ચહેરા અને અભિનયક્ષમતા માટે ચર્ચામાં રહ્યાં છે. દોઢેક દાયકા પહેલાં તેમની એક આત્મકથા ‘કાલી ફોર વીમેન’ તરફથી પ્રકાશિત થઇ હતી. આ નવી આત્મકથામાં પૃથ્વીરાજ કપૂરના કેટલાક અગાઉ પ્રસિદ્ધ ન થયા હોય એવા પત્રો સમાવવામાં આવ્યા છે. તસવીરો પણ છે જ.
Sunday, September 19, 2010
450મી પોસ્ટઃ(વધુ એક) નવી શરૂઆત
450ના મુકામે બ્લોગની સમૃદ્ધિમાં અને બની શકે તો તેની ઉપયોગીતામાં ઉમેરો કરવાના આશયથી પુસ્તકો વિશે અનિયમિત રીતે નિયમિત માહિતી આપતો એક વિભાગ શરૂ કરું છું. તેમાં નવાં ગુજરાતી-અંગ્રેજી, ક્યારેક હિંદી પુસ્તકો વિશે જાણકારી આપવાનો આશય છે. એ રીવ્યુ નહીં હોય. ફક્ત જાણકારી હશે. કોઇકમાં સાથે નોંધ લખવાનું મન થાય તો ટૂંકી નોંધ. બસ.
મ્યુનિસિપાલિટીની ટ્રકમાંથી ઉકરડામાં ઠલવાતા કચરા જેવા જથ્થામાં નબળાં પુસ્તકો ઠલવાઇ રહ્યાં છે, ત્યારે વાચનપ્રેમી મિત્રોને કેટલુંક કામનું હોઇ શકે એવું ચીંધી બતાવવાનો આશય આ ઘડીએ મનમાં છે. તેમાં ક્યારેક મિત્રપ્રેમને કે અંગત લાગણીને વશ થઇને કોઇ પુસ્તકની નોંધ લેવાનું થાય એવું પણ બની શકે છે. પરંતુ ઘણું કરીને અહીં અંગત પસંદગીના વિષયો અંગેના પુસ્તકોની નોંધ લેવાનો ખ્યાલ છે, જેથી સૂચિ સાવ પરબ-શબ્દસૃષ્ટિ જેવી ન બની જાય. પુસ્તકો વિશેનું સામયિક ‘ગ્રંથ’ જોયું નથી, પણ તેના વિશે જે સાંભળ્યું છે એની પરથી અત્યારે તેની બહુ ખોટ વર્તાય એવો માહોલ છે. થોડીઘણી જગ્યાએ પુસ્તકો વિશેની જે કોલમો ચાલે છે, તેમાં વિશ્વસનીયતા તો ઠીક, ગંભીરતાના પણ ગંભીર પ્રશ્નો છે.
નમૂનાલેખે 6 ઓગસ્ટ, 2010ના રવિવારની ‘દિવ્ય ભાસ્કર’ પૂર્તિમાં છપાયેલા ડો.આંબેડકર વિશેની એક પુસ્તિકાના રીવ્યુની વાત કરું. માત્ર એંસી પાનાંની આ પુસ્તિકાના રીવ્યુમાં એંસીથી નેવુ ટકા હિસ્સામાં પુસ્તકમાંથી અવતરણો ટાંકવામાં આવ્યાં હતાં અને ક્યાંક અર્થઘટનનો પ્રયાસ થયો ત્યારે કેવો ગોટાળો સર્જાયો હતો, તે રીવ્યુકાર ભોળાભાઇ પટેલના જ શબ્દોમાં વાંચોઃ
‘મૂળે ગુજરાતના બાબાસાહેબને ગુજરાતમાં તલાટીની નોકરી કરવાનો પણ એક એવો મૃત્યુનો સામનો કરવા જેવો અનુભવ માત્ર ને માત્ર અછુત હોવાને કારણે. એ વખતે પણ નોકરી છોડી મુંબઇ પાછા જતું રહેવું પડ્યું હતું. આ છે સત્યની પીડા-સત્ય પીડા- પછી ભારતરત્ન બનેલા બાબાસાહેબે અનુભવેલી.’
ડો.આંબેડકર વિશેની પ્રાથમિક જાણકારી હોય એવા મિત્રો પણ જાણે છે કે તે ‘મૂળે ગુજરાતના’ ન હતા અને તેમણે કદી ગુજરાતમાં તલાટી તરીકે નોકરી કરી ન હતી. ‘વેઇટિંગ ફોર વિસા’ના લેખગુચ્છના આરંભે ડો.આંબેડકરે કરેલી સ્પષ્ટતા પુસ્તિકામાં આ શબ્દોમાં છેઃ ‘અહીં રજૂ કરેલા પ્રસંગો માટે મેં મારા તેમ જ બીજાના અનુભવનો આધાર લીધો છે.’ ત્યાર પછી તલાટીવાળો કિસ્સો આલેખતાં પહેલાં તેમણે ચોખ્ખું લખ્યું છે કે તે મુંબઇમાં 6 માર્ચ, 1938ના રોજ ભરાયેલી સભામાં એક દલિત યુવાને રજૂ કરેલો અનુભવ છે. તેમ છતાં ભોળાભાઇ જેવા (સાચી રીતે) અભ્યાસી ગણાતા લેખક આખેઆખું કોળાનું ખેતર શાકમાં જવા દે ત્યારે આપણે ઉંહકારો પણ કર્યા વિના આગળ વધી જવાનું? અને ‘એમણે પુસ્તકની નોંધ તો લીધી’ એવું આશ્વાસન લેવાનું?
રઘુવીરભાઇ (ચૌધરી) આવો રીવ્યુ કરે તો આઘાત કે નવાઇ ન લાગે. પ્રવચનની જેમ રીવ્યુમાં પણ ‘એક યહાં ગીરા, એક વહાં ગીરા’ એમની સ્ટાઇલ છે. થોડા વખત પહેલાં ભાઇ બીરેને લખેલા પ્રો.રાવજીભાઇ પટેલ ‘મોટા’ના ચરિત્ર વિશે રઘુવીરભાઇએ ભાસ્કરમાં અવલોકન લખ્યું હતું. તેમાં એમણે પ્રખર બૌદ્ધિક પ્રો. રાવજીભાઇ ‘મોટા’ અને અધ્યાત્મવાળા પૂજ્ય મોટાના ચરિત્રોની એવી જબરી ભેળસેળ કરી હતી કે ભલભલા ગૂંચવાઇ જાય. છતાં, ‘રીવ્યુ કોણ વાંચે છે? એ બહાને છાપામાં પુસ્તક વિશે આવ્યું તો ખરું’ એમ વિચારીને રાજી થવાનું?
પુસ્તકપરિચયની કોલમો વિશેના આવા અનેક વિચારોની વચ્ચે, કમ સે કમ કેવી રીતે નોંધ ન લેવી તેની સ્પષ્ટ ભૂમિકા સાથે આ વિભાગનો આરંભ કરું છું. 'ગ્રંથાગાર' (સાહિત્ય પરિષદના મકાનમાં, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ખાંચામાં, આશ્રમ રોડ, અમદાવાદ)નાં નાનકભાઇ મેઘાણી અને હંસાબહેનનો મૈત્રીભર્યો ઉમળકો ન હોત તો આ વિચારને અમલમાં મૂકી શકાયો ન હોત. તેમની સાથે ગપ્પાંગોષ્ઠિ કરતાં કરતાં જોયેલાં નવાં પુસ્તકોને કારણે જ એ પુસ્તકોની વિગતો મિત્રો સાથે વહેંચવાનું મન થયું અને અનુકૂળતા પણ થઇ શકી છે.

વતનથી દૂર ઘર મારું
મારિયા શ્રેસ મિસ્કા (રંગદ્વાર)
કિંમતઃ રૂ.120, પાનાં 182
નોંધઃ પરદેશી સાધ્વી તરીકે ભારતમાં-ગુજરાતમાં આવેલાં અને સેન્ટ ઝેવિયર્સ સાથે સંકળાયા પછી 37 વર્ષથી સાબરકાંઠાના આદિવાસીઓ સાથે ગાળનારાં મારિયાબહેન ‘સવાયા ગુજરાતીઓ’ની બહુ ચવાયેલી પણ કાકા કાલેલકર સિવાય ભાગ્યે જ ગવાયેલી કેટેગરીમાં આવે. તેમના પુસ્તક ‘ગીરાસમાં એક ડુંગરી’ ને દોઢેક દાયકા પહેલાં સાહિત્ય અકાદમીનું ઇનામ પણ મળ્યું ત્યારે એ તરફ ઘણા લોકોનું ધ્યાન ગયું હતું. આ પુસ્તકમાં પણ વિવિધ પાત્રોની સત્યકથાઓ આલેખાયેલી છે. પાત્રોનાં નામ જ પ્રકરણનાં નામ તરીકે રાખવામાં આવ્યાં છે.

I P Desai- A pioneering Indian sociologist
Ragini P. Shah (Rawat Publication, Jaipur)
કિંમતઃ રૂ.575, પાનાં 291
નોંધઃ ગુજરાતે દેશને આપેલા પહેલી હરોળના સમાજશાસ્ત્રીઓમાં આઇ.પી.નું નામ ગણાય છે. પહેલી વાર તેમનો ઉલ્લેખ ઘનશ્યામભાઇ શાહ સાથે તેમણે કરેલા અસ્પૃશ્યતાનિવારણના ઐતિહાસિક સર્વેક્ષણ બાબતે સાંભળ્યો હતો. હજુ સુધી આ બન્નેનો એ સર્વે અધિકૃત ગણાય છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એક સમયે આઇ.પી. જેવા અધ્યાપકો ડીન તરીકે હતા. સુરતના સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના એ સ્થાપક ડાયરેક્ટર હતા. ફ્લેપ પરના લખાણમાં આ પુસ્તકને આઇ.પી.ની ‘ઇન્ટલેક્ચુઅલ બાયોગ્રાફી’ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. પુસ્તકમાં તસવીરો પણ છે. ગુજરાતનું ગૌરવ અનુભવવા માગતા લોકોએ ખાસ ઓળખવા જેવા માણસ.

A Masterful Spirit - Homi J Bhabha
Indira Chowdhury & Ananya Dasgupta (
Penguin)
કિંમતઃ રૂ.1299, પાનાં રૂ.1260
એક પુસ્તકપ્રેમીની કલ્પનાનું પુસ્તક કેવું હોઇ શકે તેનો સરસ નમૂનો. ભાભાએ લખેલી થીયરીઝથી માંડીને તેમણે દોરેલા સ્કેચ, તસવીરો, અંગત પત્રોને ગૂંથીને એક એવું પુસ્તક બની આવ્યું છે કે વારંવાર જોયા પછી પણ ધરવ ન થાય અને પુસ્તક જોયા કરવાનું જ મન થાય. ભાભાએ દોરેલો તેમના મિત્ર-સાથીદાર વિક્રમભાઇનાં પત્ની મૃણાલિની સારાભાઇનો સ્કેચ, એમ.એફ.હુસેનનો ભાભાએ દોરેલો સ્કેચ....અનેક મહાન વૈજ્ઞાનિકો સાથે ભાભાની તસવીરો, તેમના મૃત્યુના સમાચાર છપાયા એ દિવસના અખબારનું પહેલું પાનું...પુસ્તકનું લખાણ તો વાંચ્યા પછી ખબર પડે, પણ તેની સામગ્રીની સમૃદ્ધિ અને ગૂંથણી મુગ્ધ કરે એવાં છે.













