Showing posts with label pakistan. Show all posts
Showing posts with label pakistan. Show all posts

Thursday, May 15, 2025

કેટલીક ટૂંકી નોંધોઃ ત્રાસવાદી હુમલો, ધર્મ, ટ્રોલિંગ અને જૂઠા જયજયકાર વિશે

 છેલ્લા થોડા વખતમાં ફેસબુક પર લખેલી અને અહીં સંઘરી મુકવા જેવી લાગેલી કેટલીક પોસ્ટનું સંકલન.

*

(17-4-25)

જૂઠાણાં પર રાચનારા અને જૂઠાણાં પર સામ્રાજ્યો ઊભાં કરીને ટકાવનારાને બહુ બધા દુશ્મન લાગતા હોય છે. તેમાં પણ સ્વતંત્ર વિચારસરણી ધરાવતા લોકો ને એવી વિચારસરણી ખીલવતાં ઠેકાણાં તેમનાં કટ્ટર દુશ્મન હોય છે.
અમેરિકાની હાવર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ટ્રમ્પની આપખુદશાહીને તાબે ન થઈ એટલે ટ્રમ્પે તેનું કરોડો ડોલરનું ફંડિંગ અટકાવી દીધું.
ભારતમાં તેના માટે જુદા રસ્તા અપનાવાયા છે. સરકારી યુનિવર્સિટીઓમાં વિચારધારાવાળા ને લાયકાત વગરના લોકોને ઉપર બેસાડી દેવામાં આવે છે, જ્યારે ખાનગી યુનિવર્સિટીઓના માલિકો-ભાગીદારોને ડરાવવામાં આવે છે.
સરકારી શાળાઓ માટે એવી સ્થિતિ પેદા કરવામાં આવે છે કે તેમને ટકી રહેવાનું અઘરું પડી જાય અને ખાનગી નિશાળો ફૂલેફાલે.
આવું ધીમું ઝેર છેલ્લા ઘણા સમયથી એવું પ્રસર્યું અને સમાજના ઘણા લોકોને તેની સરત જ ન રહી. હવે તેનાં પરિણામ ભોગવવાનાં છે.
આ સ્થિતિ માટેની પહેલી ગુનેગાર સરકાર છે. ત્યાર પછી ગુનેગારોની યાદી લાંબી છે. તેમાં ઘણા અધ્યાપકોથી લઈને વાલીઓ અને સમાજના કહેવાતા અગ્રણી 'ભણેલાગણેલા' લોકોને સમાવેશ થાય છે.
શિક્ષણને બદલે જૂઠાણાંને, અભ્યાસકેન્દ્રી-વિદ્યાકીય ગૌરવને બદલે દ્વેષ અને મિથ્યાભિમાન-કેન્દ્રી ચીપિયાપછાડ ચાલે ત્યારે દેશને અલગથી, બહારના દુશ્મનની જરૂર નથી પડતી.
અમેરિકા અને ભારત તેનાં એવાં બે ઉદાહરણ છે.
*
(20-4-25)
સાદું નાગરિકશાસ્ત્રઃ
1. બંધારણ કાયદાની ઉપર છે.
2. સંસદે કાયદો બનાવવાનો હોય છે.
3. સર્વોચ્ચ અદાલતે બંધારણના હાર્દનું રક્ષણ કરવાનું હોય છે.
4. કોઈ પણ કાયદો બંધારણના હાર્દનું ભંગ કરતો લાગે, ત્યારે સર્વોચ્ચ અદાલત તેને કચરાટોપલીમાં નાખી શકે છે. તે આપખુદશાહી નથી, બંધારણીય સંમતુલા છે. અંગ્રેજીમાં તેને ચેકસ એન્ડ બેલેન્સીસ કહેવાય છે.
5. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો મેનેજ થઈ જાય, એ લોકશાહી માટે સૌથી મોટો ખતરો હોય છે.
6. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો સત્તાપક્ષ પ્રત્યે સાશંક રહે, તે લોકતંત્ર માટે અત્યંત જરૂરી છે. આ નિયમ તમામ પક્ષની સરકારોને લાગુ પડે છે.
7. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને ચૂંટણીમાં ગરબડ માટે દોષી ઠેરવનાર ચુકાદો અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ જગમોહનલાલ સિંહાએ આપ્યો હતો. તેના માટે આજેય તેમને આદરથી યાદ કરાય છે.
8. આજે કોઈ ન્યાયાધીશ નિષ્પક્ષ ન્યાયિક તપાસ કરીને નરેન્દ્ર મોદીને કે અમિત શાહને દોષી ઠેરવે, એવી કલ્પના સુદ્ધાં કરી શકાય છે?
9. કટોકટીના વિરોધનાં ગીતડાં ગાતી વખતે યાદ રાખવાનું હોય છે કે એ ફક્ત ઇન્દિરા ગાંધીની જ નહીં, તમામ પ્રકારની આપખુદશાહીના વિરોધમાં હોય.
*
કોંગ્રેસે કરેલા એક પણ પાપનો બચાવ કર્યા વિના, વર્ષોથી મોદીની નીતિરીતિની આકરી ટીકા કરતો રહ્યો છું. તેેમની કરણીનાં પરિણામ કેવાં માઠાં આવશે, તેનો સામાન્ય સમજથી ખ્યાલ આપતો રહ્યો છું.
હવે તો એ બધી અમંગળ આશંકાઓ ભવિષ્ય મટીને વર્તમાન બની ચૂકી છે. તેમ છતાં, જે લોકો મોદીભક્તિમાં ડૂબકાં ખાય છે, આંખો પર બાંધેલા ભ્રમના કે દ્વેષના પાટા ખોલવા તૈયાર નથી અને એવી જ અવસ્થામાં દલીલો કરવા આવી પડે છે, એવા લોકોને મારે કશું જ કહેવાનું નથી.
કારણ કે, આ મુદ્દે તેમની સાથે સંવાદ કરી શકાય એ માટેની લાયકાત તેમણે ક્યારની ગુમાવી દીધી છે.
('આ મુદ્દે'--એ શબ્દો ખાસ નોંધવા. કારણ કે, આંખે પટ્ટી હોવાને કારણે ઘણાને ગુજરાતીમાં લખેલું પણ પૂરું વંચાતું નથી.)
*
(23-4-25)
ઇસ્લામની સૌથી વધુ બદનામી તેના નામે હત્યાકાંડો આચરતા ત્રાસવાદીઓએ પહોંચાડી છે. કોઈ પણ ધર્મ તેના નામે આચરાયેલાં પાપના દોષથી મુક્ત રહી શકે નહીં. એ ધર્મના ઠેકેદારોએ આવા હત્યાકાંડોનો વિરોધ કરવો રહ્યો. એ પ્રાયશ્ચિત તો ન હોઈ શકે, પણ પોતાના ધર્મના નામે જે ધંધા ચાલે છે, તેના અહેસાસ તરીકે જરૂરનું છે.
ત્રાસવાદી હુમલા ખાળવાનું કામ કોઈ પણ સરકાર માટે અઘરું હોય છે. છતાં, એવા હુમલા થાય ત્યારે સરકારી તંત્ર પાસે કડકાઈથી જવાબો માગવામાં આવે છે ને તેણે આપવા પણ પડે છે. સરકારનું કામ જવાબો આપવાનું છે. 2014 સુધી તો આ બાબતે એકમત હતો.
હવે આવું કંઈ થાય ત્યારે સરકાર ફરિયાદીની ભૂમિકામાં આવી જાય છે, તેનાં પ્રચારયંત્રો કરુણ ઘટનાક્રમોમાં સરકારની પણ કોઈ ભૂમિકા (કે તેનો અભાવ) હોઈ શકે, એવું વરતાવા દેતાં નથી. બહુ ધ્યાન રાખે છે કે વાત સરકારી તંત્રની સંભવિત નિષ્ફળતા તરફ ન વળે. સરવાળે, સરકારને બચાવવાનો અને ધાર્મિક સૌહાર્દ અને સમભાવની વાત કરનારને લોકોને વિલન તરીકે ચીતરવાનો કાર્યક્રમ જોશભેર શરૂ થઈ જાય છે.
ત્રાસવાદી હુમલામાં હિંદુઓને મારવામાં આવ્યા છે, એટલે જે તેનો બોલીને વિરોધ નથી કરતા, એ બધા મુસલમાનો આ ઘટનાના સમર્થક છે અથવા તેનાથી ખુશી અનુભવે છે--આવું સરળીકરણ સગવડીયું અને મહદ્ અંશે રાજકીય છે. ભાગલાનાં 77 વર્ષ પછી બધા મુસલમાનોને તેમની વફાદારી સાબીત કરવાનું કહેવામાં આક્રમક રાજકારણ કે ધર્મઝનૂન સિવાય બીજું કશું નથી. ત્રાસવાદીઓના હિંસક ધર્મઝનૂન સામે આપણું ધર્મઝનૂન પણ કમ નથી, એવું બતાવી દેવાના પ્રયાસોમાં સરવાળે રાજકીય ફાયદાથી વધારે કશું નીપજતું નથી. નરેન્દ્ર મોદીના રાજનાં આટલાં વરસમાં તેની ખાતરી થઈ જવી જોઈતી હતી, પણ નથી થઈ. કારણ કે, વેપન ગ્રેડ જૂઠાંણાંનો સતત, નિરંતર વરસાદ પડે છે.
નિવેદનો આપવાનું કામ સત્તાધીશોનું કે વિવિધ પક્ષના નેતાઓનું છે. સોશિયલ મિડીયા પર આવી ઘટનાઓનો વિરોધ કરવો કે ન કરવો--એ કોઈનું માપ ન હોઈ શકે. મારા મતે, માણસનું ખરું માપ એ છે કે તે કેવી અક્ષમ્ય ઘટનાઓનો અને તેના આચરનારાનો ખુલીને, ગૌરવભેર અને સક્રિય બચાવ કરે છે. અત્યારનું ઉદાહરણ આગળ વધારીએ તો, નિર્દોષ મુસલમાનોની હત્યા કે નિર્દોષ ખ્રિસ્તીઓની મારપીટ વખતે ચૂપ રહેનારા લોકો માટે કશું કહેવાનું હોતું નથી--હોઈ શકે નહીં, પણ એવી મારપીટ કે હત્યાનું ગૌરવ લેતા, તેમાં હિંદુત્વનો જયજયકાર જોતા કે આખી ઘટનાને બીજા પાટે ચડાવીને, અત્યાચારીઓના લાભાર્થે તેની ગંભીરતા મોળવી નાખતા લોકો ટીકાને પાત્ર બનવા જોઈએ. એવા લોકો પછી બીજાને તેમના મૌન બદલ આંતરવા કે સવાલો કરવા નીકળે ત્યારે થાય છે કે રહેવા દે ભાઈ. બહુ થયું.
માર્યા ગયેલાઓ ભલે હિંદુ હોય, તે કેવળ હિંદુ ન હતા. તે ભારતીય પણ હતા. તેમના અપમૃત્યુનું દુઃખ કેવળ હિંદુત્વનું રાજકારણ કરતાં સંગઠનોનું સુવાંગ ન હોઈ શકે. તે દેશના સામાન્ય નાગરિકોનું પણ છે, જેમને આ ઘટનામાંથી કશો રાજકીય લાભ તારવવાનો નથી કે રાજકીય નુકસાન થતું અટકાવવાનું નથી.
ઇસ્લામી ધર્મઝનૂનીઓના દેખતા અંધાપાને લીધે જેમને અકાળે મૃત્યુ આવી પડ્યું, તે સૌ મૃતકો ને તેમનાં પરિવારજનો માટે પ્રગટ કે મનોમન લાગણી અને પીડા અનુભવીએ. આ દેશના નાગરિક તરીકે એટલું તો કરી જ શકાય.
*
(28-4-25)
ઘણા વખતથી ચાલતો આખો ખેલ એ છે કે સ્વસ્થ વિચારની કોશિશ કરનારા સામે મોરચો માંડો, તેમનો આક્રમક વિરોધ કરો, તેમને મહેસૂસ કરાવો કે તે અનિષ્ટોના તરફી છે અને માટે અનિષ્ટ છે. તેમને અસંવેદનશીલ ઠરાવી દો, હિંદુઓના દુશ્મન ઘોષિત કરી દો, જાહેર કરી દો કે તેમને દેશની પરવા નથી. વગેરે વગેરે...
આ ખેલના મુખ્ય બે ફાયદા છેઃ સ્વસ્થ વિચારની કોશિશ કરનારા ઢીલાપોચા હોય તો શેહમાં આવી જાય. ઘણા કિસ્સામાં જોવા મળે છે તેમ, માનસિક ઢચપચુપણું અનુભવીને કે ચાલુ પ્રવાહ સાથે રહેવા કે કજિયાનું મોં કાળું કરીને સઢ ફેરવી પણ નાખે.
કારણ કે, ધિક્કાર ફેલાવનારા કેટલાક લોકો અર્ધસત્યોનો સગવડીયો ઉપયોગ કરવામાં માહેર હોય છે. તે એકાદબે ઠેકાણે એવાં લપસણાં અર્ધસત્યો લખી નાખે કે માણસ સહેજ ચૂક્યો તો લપસીને સીધો ધિક્કારના ખદબદતા ખાબોચિયામાં. અથવા તેને પોતાને જ કેટલાંક સાદાં સત્યો સમજાવી સમજાવીને એવો કંટાળો આવે કે આત્મસંશય થવા લાગે ને કંઈ નહીં તો માથાકૂટ ટાળવા પણ એ બધું બંધ કરી દે.
બીજો ફાયદો એ કે સ્વસ્થ વિચારની કોશિશ કરનારા લખતા બંધ ન થાય તો પણ, તેમની વિરુદ્ધ બખાળા કાઢીને પોતાની 'બિરાદરી' આગળ વટ પાડી શકાય કે જોયું, મેં પેલાનાં કે પેલીનાં કેવાં છોતરાં કાઢી નાખ્યાં.
આ બધી લીલામાં સામાજિક ઝેર અને હિંસકતા-ધિક્કારનું તત્ત્વ ન હોત, તો એ બાળલીલા લાગત. પણ અફસોસ.
*
(29-4-25)
મોદીપ્રેમી/મુસલમાનવિરોધી લોકોની લાક્ષણિકતા એ છે કે તેમનો વિરોધ કરનારા બધા તેમને ડાબેરી, હિંદુવિરોધી, દેશદ્રોહી, કોંગ્રેસી લાગે છે. તેમના વલણનો વિરોધ કરનારા લોકોમાં કેટલા પ્રકારો અને પેટાપ્રકારો હોઈ શકે એની તેમને ખબર જ નથી અથવા તે યાદ કરવા માગતા નથી.
તેમની ધિક્કારની વિચારધારાનો જે વિરોધ કરે, એ બધા ડાબેરી, વામપંથી વિચારધારાવાળા--એવું પણ કેટલાક માને છે. ડાબેરી એટલે શું ને ડાબેરી એટલે કોણ નહીં--એટલી સાદી સમજણ કે સ્પષ્ટતા તેમનામાં હોતી નથી. પણ સમજણનો બધો અભાવ તે ધિક્કારથી અને વ્યક્તિપૂજાથી સરભર કરી લે છે. એટલે તેમને કશી ખોટ સાલતી નથી.
ડાબેરી કોને કહેવાય, તે વિશેનું અજ્ઞાન જોકે ગુજરાતમાં જ્ઞાનપીઠવિજેતા સુધી પહોંચેલું છે. વર્ષો પહેલાં એવા એક વિજેતાએ કોઈને મારી ઓળખાણ આપતાં કહ્યું હતું,'આ ઉર્વીશ કોઠારી. ડાબેરી છે, પણ સારું લખે છે.' 😃 હવે તમે જ કહો, તેમની આ દશા હોય, તો ફેસબુક પરના લોકોનો શો વાંક કાઢવો?
હકીકતમાં, મારા જેવા ઘણા લોકો કોઈ જડ વિચારધારામાં માનતા નથી. ડાબેરી એટલે હળવાથી આત્યંતિક ક્રમમાં જઈએ તો, સમાજવાદી, સામ્યવાદી, માઓવાદી અને તેમના અસંખ્ય પેટાપ્રકારો. હું નથી આંબેડકરવાદી, નથી ગાંધીવાદી. મને ગાંધી અને આંબેડકર બંને બહુ ગમે છે, ફૂલે તો મારા માટે હીરો છે, પણ ગમતા લોકો સાથે, પાયાના-મૂળભૂત ન હોય એવા મુદ્દે,અસંમતિ હોઈ શકે અને હોય છે. છતાં, તેમને, ગાંધી-આંબેડકરને, દિલથી ચાહી શકાય છે.
વિચારધારાના અર્થમાં હું સેક્યુલર પણ નથી. કારણ કે, વિચારધારા એને કહેવાય, જે સભાનતાથી અપનાવી હોય. મારી સાદી સમજ સહઅસ્તિત્ત્વમાં, સમાનતામાં અને માનવતામાં માનવાની છે. એ સમજ આખી જિંદગી ઘડતાં રહેવું પડે છે. શાસનનો-સ્થાપિત હિતોનો શક્ય એટલો વિરોધ, એ તેનો એક ભાગ છે. તેનો અંત નથી.
આ સમજ સતત ફાઇનટ્યુન કરવી પડે છે અને છેવટે તો, ઉપર જઈએ પછી જ નક્કી થાય કે 100માંથી કેટલા માર્ક આવ્યા. પણ આવી જે કંઈ સમજ છે તેને સેક્યુલરિઝમ, સ્યુડો-સેક્યુલરિઝમ, વામપંથ, ડાબેરી, હિંદુત્વવિરોધી--એવું બધું કહેવાય, એ તો આવી સમજથી જેમને તકલીફ થતી હતી ને થાય છે, તેમણે આપેલાં લેબલ છે. એટલે જ, એવાં લેબલ મને કદી અડતાં નથી.
ઘણા લોકો માને છે કે મારો એકમાત્ર ધંધો ને કામ ને હોબી મોદીને ગાળો દેવાની છે. સ્વાભાવિક રીતે જ આવા લોકોની સામાન્ય સમજના ગંભીર પ્રશ્નો હોય છે (એ તો આપણે ઉપર જોયું.) બાકી, રોજ પા-અડધા કલાકની મારી ફેસબુકચર્યા જોઈને અને તેમાં પણ બીજું કંઈ યાદ રાખ્યા વિના, ફક્ત મોદીની ટીકા યાદ રાખીને પછી, તે આવો અભિપ્રાય બાંધે તો તેમાં હું કશી મદદ કરી શકું નહીં. હકીકત એમ છે કે, મારા અનેક પ્રકારના રસ અને લખાણમાંથી મોદીપ્રેમીઓને ફક્ત મોદીની ટીકા જ 'સ્પર્શી' જાય છે અને મારો ફક્ત એટલો જ ભાગ યાદ રહી જાય છે.
મુદ્દાઆધારિત મૂલ્યાંકનના નામે, નરેન્દ્ર મોદીની આરતી ઉતારીને, તેમની કથિત કુશળતાના કી-બોર્ડસિપાહી બનીને, અમિત શાહ વિશે કદી કશું ન ઉચ્ચારીને, પછી સરકારના કે સરકારી તંત્રના છોંતરા કાઢી નાખવા--એવા ખેલ ગુજરાતમાં બહુ વખતથી ચાલે છે. યુટ્યુબ ચેનલોમાં પણ, જૂજ અપવાદોને બાદ કરતાં એ લગભગ ધોરણ બની ગયું છે. આખરે તો, પાપી વ્યૂનો સવાલ છે.
હું સમજું છું કે મોદી-શાહને સાચવી લઈને, વારેતહેવારે તે કેવા મહાન છે તેની બિરદાવલીઓ ગાઈ લેવી એ કસદાર ધંધો છે. એવા ધંધાર્થીઓ વિશે મારે કશું કહેવાનું નથી. કારણ કે, તે ધંધાદારીઓ છે અને તેમનું વિશ્લેષણ ન હોય.
હું સમજું છું કે સરકારનું બહુ દબાણ હોઈ શકે છે. હું કોઈને શહીદ બનવાની સલાહ નથી આપતો. જેનો આટલો મોટો હિસ્સો સારાસારવિવેક ગિરવે મુકીને બેઠો હોય, એવી પ્રજા માટે શહીદ ન થવાય--એટલી સમજણ મને પણ પડે છે. તેનો અર્થ એવો નહીં કે મોદી-શાહની આરતીઓ ઉતારીને, બાકીના તંત્ર કે સરકારની છાલ કાઢીને બહાદુરીના ફડાકા મારવાના. પણ બહુ મોટી સંખ્યામાં વાચકો આવા ખેલ પારખી શકતા નથી, એ હકીકત છે--પ્રજાકીય લક્ષણ કહી શકાય એટલી વ્યાપક હકીકત.
જોકે, ગુજરાતી પ્રજાને તેજાબી કલમ કે તેજાબી અભિપ્રાયો કે છોતરા કાઢી નાખવાના નામે મૂરખ બનાવવાનો ને પોતે કેવા બહાદુર છે તે દેખાડવાનો ખેલ આજકાલનો નથી. મારું એવું ખાનગી અને બિનઆધારભૂત છતાં પાયાદાર 'સંશોધન' છે કે ગુજરાતની પ્રજાને કેટલી આસાનીથી મૂરખ બનાવી શકાય છે, તેની જાણ નેતાઓ કરતાં પણ પહેલાં આપણા ઘણા કટારલેખકોને થઈ ગઈ હતી. એટલે વાચકો-દર્શકો આગળ તટસ્થતાના નામે આરતીઓ ઉતારવાનો, સાચવીને ટીકા કરવાનો ને ધૂર્તતાને બહાદુરી તરીકે રજૂ કરવાનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, યુ નો.
મોદીની કે શાસનની ટીકા કરવામાં મને કદી બહાદુરીનો અનુભવ નથી થયો. મારે મન એ કેવળ પ્રતીતિનો--મને જે લાગે છે તે કહેવાનો--મામલો છે. એથી ઓછો નહીં. એથી વધારે નહીં. તે કોઈ અદૃશ્ય કે દૃશ્ય વાચકવર્ગને કે શ્રોતાવર્ગને ધ્યાનમાં રાખીને, કે તેમને અંકે કરવા માટે કરાતી કસરત નથી.
હા, એવું બને છે કે ટીકા કરવા લાયક બધી બાબતોની એકસરખી તીવ્રતાથી ટીકા કરી શકાતી નથી. સમય, સંજોગો, પૂરતી જાણકારીનો અભાવ, બીજી પ્રતિકૂળતાઓથી માંડીને પ્રાથમિકતા જેવાં ઘણાં પરિબળો તેમાં કામ કરે છે. મંત્રી ન હોય એવા માણસ માટે આવું કરવું ફરજિયાત નથી, એ બાબતે હું નિશ્ચિત અને નિશ્ચિંત છું.
મને એક બાબતનું સૌથી વધારે ગૌરવ છેઃ મેં કદી કોઈના પણ હીન, માનવતાવિરુદ્ધ કામનો બચાવ કર્યો નથી, તેને છાવર્યું નથી કે તેને ધોકા પડતા હોય ત્યારે તેમના બચાવ ખાતર ધ્યાન બીજે ભટકાવવા દોડી ગયો નથી. મોદીપ્રેમીઓ તેમના વિચારવિરોધીઓ માટે જાતજાતનાં અને સમજ વગરનાં વિશેષણો વાપરવાની સાથેસાથે ક્યારેક આવી રીતે પણ પોતાની જાતનું મૂલ્યાંકન કરી જુએ.
બને કે તેમને પોતાના વિશે કંઈક વધુ જાણવાનું મળે.
*
(2-5-25)
સુરતમાં 'ગોડસેને ગાંધીકો ક્યૂં મારા'નો કાર્યક્રમ રદ થયો અને ટેકનિકલ કારણો આપીને આખી વાતને વાજબી ઠરાવવાની કોશિશ થઈ રહી છે.
ઓકે, તો ગોડસેએ ગાંધીજીની હત્યા કેમ કરી અને તેની પાછળ કેવા વિચાર કામ કરતા હતા, તેની વાત કરવી, એ આ દેશમાં લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ છે.
કેમ?
જવાબઃ કાર્યક્રમમાં જે બોલાય તે સોશિયલ મિડીયા પર ચડે ને કોઈ નારાજ થાય ને કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થાય તો? તેના કરતાં જે બોલાવાનું હોય તે પોલીસને પહેલેથી બતાવી દેવું જોઈએ.
મતલબ, હવે, આવા કાર્યક્રમમાં જે બોલાવાનું હોય તે પોલીસને પહેલેથી કહેવાનું. વધારે ચોખવટથી કહીએ તો, તેમની પાસેથી પાસ કરાવવાનું અને તેમને ખાતરી અપાવવાની કે આમાં કશું વાંધાજનક--એટલે કે સત્તાધીશોને વાંધો પડે એવું કંઈ નથી.
ઇંદિરા ગાંધીની કટોકટી વખતે આવું હતું. પછી નરેન્દ્ર મોદીના રાજ મુખ્ય મંત્રી હતા ત્યારે ધીમે ધીમે કરીને ગુજરાતમાં વિરોધ પ્રદર્શનો પર અઘોષિત પ્રતિબંધ મુકાઈ ગયો. વિરોધ પ્રદર્શન એટલે શું, એ જ ગુજરાતની પ્રજા ભૂલી ગઈ. પછી તેનો અફસોસ ક્યાંથી થાય?
પોલીસની દયા ખાવાનું મન થાય, પણ તે સામાન્ય પોલીસની. તેમના ઉપરીઓ ખુલીને જે નથી કહી શકતા તે એ કે, સત્તાપક્ષ નારાજ થાય એવું કંઈ ન કરશો. નહીં તો, સત્તાપક્ષનું સીધું કે આડકતરું સમર્થન ધરાવતા ગુંડા આવીને કાર્યક્રમના સ્થળે તોફાન મચાવશે ને અમે કંઈ નહીં કરી શકીએ. 'તમે સમજુ થઈને આવાં, અશાંતિ પ્રેરે એવાં આયોજનો કરો છો જ શા માટે?'
હવે તો ભલું પૂછવું, અહિંસાની વાત કરતાં પહેલાં પણ પોલીસની પરવાનગી લેવી પડશે? કારણ કે, અહિંસાની ખુલ્લેઆમ વાત કરવાથી હિંસા અને ધિક્કારમાં માનનારા લોકો નારાજ થાય અને કાર્યક્રમના સ્થળે તોડફોડ કરે તો લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ન થાય?
અને આપણને તો એમ કે પોલીસનું કામ ગુંડાગીરી-ધાંધલ-તોડફોડ કરતા લોકોને રોકવાનું, ટપારવાનું, અટકાવવાનું છે.
*
(3-5-25)
--તો ગુજરાતના અને દેશના લોકો,
આખી વાતમાંથી તમે શું સમજ્યા?
* તમે હિંદુ હો, પણ મુસલમાનોને ધિક્કારતા ન હો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ તમે નરેન્દ્ર મોદીની નીતિઓના ટીકાકાર હો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ ન્યાય માગવા માટે અહિંસક રીતે અવાજ ઉઠાવો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ મુખ્ય મંત્રીને કે કોઈ મંત્રીને જાહેરમાં અઘરા સવાલ પૂછો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, તમે લશ્કરી દળમાંથી હો અથવા તમે તમારું પરિવારજન ત્રાસવાદમાં ગુમાવ્યું હોય, તેમ છતાં તમે સહઅસ્તિત્ત્વની અને બધા મુસલમાનોને એક લાકડીએ નહીં હાંકવાની વાત કરતા હો, તો તમે અમારાવાળા હિંદુ નથી--અમારાવાળા રાષ્ટ્રવાદી નથી.
* તમે હિંદુ હો, પણ તમે સરકારો સામે અણીયાળા સવાલ ઊભા કરતી રમૂજો કરો-વ્યંગ કરો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ તમને હિંદુ ધર્મના નામે થતી બાવાઓની કપટલીલા કે બેશરમ વેપારધંધા સામે વાંધો પડતો હોય, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ બળાત્કારના ગુનેગાર બાવાને મળેલા જામીનની ટીકા કરો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ ખૂન અને બળાત્કારની સજા કાપીને આવેલા લોકોના સન્માનમાં ન જોડાવ, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ તમે સરકારના દરેક યુ ટર્નને સમર્થન ન આપો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ હિંદુ ધર્મની બધી મર્યાદાઓનો બીજા ધર્મોની મર્યાદાઓ સામે છેદ ન ઉડાડી શકાય એવું માનતા હો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો અને બીજા ધર્મોનાં ખરાબ તત્ત્વો સાથે સ્પર્ધામાં ન ઉતરાય એવું માનતા હો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
ટૂંકમાં, તમે હિંદુ હો એટલું બિલકુલ પૂરતું નથી.
અસલ વાત તો એ છે કે તમે અમારાવાળા હિંદુ હોવા જોઈએ.
આટલું સમજવામાં કેટલી વાર લાગે?
*
(7-5-25)
બધી સ્ટોરી એક લીટીની નથી હોતી. જેમ કે,
‘ઓપરેશન સિંદૂર’—ત્રાસવાદી હુમલાની વળતી કાર્યવાહી તરીકે આવકારદાયક પગલું છે. દાવો કરાયા મુજબનાં લક્ષ્યાંક નિશાન બનાવાયાં હોય તો તે વધુ આનંદની વાત છે. આ પ્રકારની વળતી, સરહદપારનાં ચોક્કસ લક્ષ્યાંક સાથેની, મર્યાદિત સૈન્ય કાર્યવાહીને સમર્થન હોય જ.
રહી વાત વડાપ્રધાનનાં વખાણની. તો ‘ઓપરેશન સિંદૂર’ આવકારદાયક છે. તેનાથી વળતી કાર્યવાહીનો સંતોષ મળ્યો છે. આ પગલાનો આનંદ હોય, ઉન્માદ નહીં. તેના માટે ‘નિર્ણાયક’ કે એવાં બીજાં અતિશયોક્તિભર્યાં વિશેષણો ખડકીને, વડાપ્રધાનના જયજયકારમાં સરી પડવા જેવું નથી. કેમ કે, આવું પહેલી વારનું નથી. બાલાકોટ બધાને યાદ જ હશે. અને થોડા વખત પહેલાંનો આ અહેવાલ પણ રસ ધરાવનારે જોવો.
ત્રાસવાદી હુમલા પછી બધા મુસલમાનો પ્રત્યે ધિક્કાર ફેલાવવાનો ભરપૂર (અને સદ્‌ભાગ્યે નિષ્ફળ) પ્રયાસ થયો. હિમાંશી નરવાલે મુસલમાનોને ધિક્કારવાની ના પાડી તો તેમના વિશે સાવ છેલ્લી પાયરીનું લખાયું. આ બંને ઝુંબેશમાં સામેલ લોકો ‘ઓપરેશન સિંદૂર’ પછી છાતી ફુલાવતા ને બડાઈઓ મારતા દેખાય, ત્યારે વિચારજોઃ તેમનું ‘ભારત’ કયું છે અને શા માટે મારા જેવા ઘણા લોકોના ‘ભારત’ સાથે તેમના ધિક્કારકેન્દ્રી ‘રાષ્ટ્રવાદ’નો મેળ ખાતો નથી. પત્રકારો સમક્ષ વાત કરવા માટે વિંગ કમાન્ડર મોનિકા સિંઘની સાથે કર્નલ સોફિયા કુરેશી હતાં, તેનાથી પણ ધિક્કારના પ્રચારકો કંઈક સમજે તો સારું. હિમાંશી નરવાલના શાબ્દિક લિન્ચિંગ મામલે ચૂપ રહીને કરેલા મસમોટા પાપનું, સાવ નાનકડું પ્રાયશ્ચિત સરકારે કર્નલ કુરેશીને આગળ રાખીને કર્યું છે. તે દેખાડો હોય તો પણ આવકારદાયક છે.
મોક ડ્રિલના નામે ઘણા નાગરિકોને સાંકળતી બ્લેક આઉટની કાર્યવાહી બહુ ગળે ઉતરે એવી નથી. પહેલું કારણ તો એ કે હવેનાં યુદ્ધો જુદી રીતે લડાય છે. તેમાં બ્લેક આઉટની પ્રેક્ટિસની જરૂર હોય એવું સામાન્ય સમજથી તો લાગતું નથી. સૈનિક બાબતોના કોઈ નિષ્ણાત આવો અભિપ્રાય આપે તો જુદી વાત છે.
આશંકા તો એવી પડે કે તે સજાગતાને બદલે યુદ્ધજ્વર ચડાવવાનો કાર્યક્રમ હોઈ શકે. એવો જ્વર ચઢે એટલે સરકાર સામે સવાલો પૂછવાનો પારો માંડ થોડો ચડ્યો હોય તે પણ સાવ ઉતરી જાય. અગાઉ કોરોના વખતે સરકાર આ દાવ અજમાવી ચૂકી છે. એટલે તેની મથરાવટી પર ભરોસો બેસે તેમ નથી. પીડિતોના સવાલને ‘એજન્ડા’માં ખપાવવાનો અહંકાર શાસકોમાં આવી ચૂક્યો હોય, ત્યારે આવો લોકજ્વર તેમના માટે બહુ કામનો હોઈ શકે છે.
છેલ્લી વાતઃ 1971માં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં ત્યારે, નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદ હેઠળ થયેલી સર્જિકલ સ્ટ્રાઇક કે જવાબી કાર્યવાહી કરતાં એક હજાર ગણી મોટી કાર્યવાહી થઈ હતીઃ પાકિસ્તાનનો એક આખો ટુકડો કપાઈને અલગ દેશ બન્યો હતો. તેનાં ત્રણ જ વર્ષમાં ઇન્દિરા ગાંધીનું કુશાસન ફાટીને ધુમાડે ગયું અને મોટી સંખ્યામાં લોકો ઇન્દિરાભક્તિમાં અંધ ન હતા. એટલે, દેશમાં વ્યાપક અસંતોષ ફાટી નીકળ્યો. કેટલાક ઘટનાક્રમો પછી 1975માં ઇન્દિરા ગાંધીએ સત્તા ટકાવવા માટે કટોકટી લાદવી પડી.
ટૂંકમાં, વડાપ્રધાને જે કર્યું એ તેમનું કામ હતું. જેટલું સારી રીતે કર્યું તેના માટે માપસરનાં અભિનંદન હોય, પણ એવા કામથી તેમની સામે ઊભા થયેલા બીજા અસંખ્ય મહત્ત્વના સવાલ મટી ન જાય.
જે આવો પ્રચાર કરતા હોય કે ‘મોદીએ પાઠ શીખવાડી દીધો. એટલે હવે તેમની ટીકા નહીં કરવાની- તેમને કશું પૂછવાનું નહીં. એ તો છે જ ગ્રેટ. તમને કદર નથી.’ તો એવા પ્રચારકોથી ચેતવું. કારણ કે તે રાષ્ટ્રભક્તિના નામે ખરેખર મોદીભક્તિ કરે છે. કાયદાની હદમાં રહીને મોદીભક્તિ કરવી તે વ્યક્તિનો લોકશાહી અધિકાર છે, પણ એ તેને રાષ્ટ્રભક્તિ ગણાવવા લાગે, ત્યારે તે અધિકાર મટીને છેતરપીંડી બને છે.
જય હિંદ.
*
(11-5-25)
વિક્રમ મિસરીને ટ્રોલ કરાયા તેનાથી કોઈને નવાઈ ન લાગવી જોઈએ.
થોડા દિવસ પહેલાં અહીં એક પોસ્ટમાં લખ્યું હતું તેમ, તમે 'અમારાવાળા હિંદુ' નથી, તો પછી તમે ગમે તે હો, કશો ફરક નથી પડતો. એટલે વહેમમાં રહેવું હોય તો તમારા હિસાબે ને જોખમે રહેજો.
અને એક ઓર વાતઃ ભૂલો ભલે બીજું બધું, પૉપૉની પીપૂડી વગાડવાનું ભૂલશો નહીં. આવા વખતે તો ખાસ નહીં. મોદી એ જ દેશ છે ને મોદીએ કમાલ કરી નાખી ને જોયું? કેવું બતાવી દીધું--એવી બધી કસીદાબાજી બહુ ઉપયોગી છે.
એક ઠેકાણું સાચવી લેવાથી અને વખતોવખત ત્યાં શાબ્દિક ચરણસ્પર્શ કરી લેવાથી, સ્થાનિક સરકારો ને વહીવટી તંત્રોના છોતરા ફાડવાના સીન નાખી શકાતા હોય અને કથિત બહાદુરીના ખેલ પાડી શકાતા હોય, તો સોદો ખોટો નથી.
પાર્ટ ટાઇમ જંબુરા, ફુલ ટાઇમ મદારી.
આપણા લોકોને તો આંખ સામે ચાલતું આટલું બધું નથી દેખાતું, ત્યાં આવા પાર્ટ ટાઇમ-ફુલ ટાઇમ રોલ જોવાની ને યાદ રાખવાની વૃત્તિ ક્યાંથી હોય?
અને એકલા પાર્ટટાઇમ જંબુરાઓનો પણ શો વાંક કાઢવો?
છાણના દેવને કપાસિયાની આંખો.
*
(13-5-25)
પોળની ક્રિકેટમાં પણ આવું ઘણી વાર બનતું.
એક ટીમ હારવા આવે, એટલે છેલ્લા થોડા બોલ બાકી હોય ત્યાં જ 'જીતી ગયા, જીતી ગયા'... કહીને બૂમરાણ મચાવે અને દોટ કાઢીને, કોઈ કશું વિચારે તે પહેલાં, સ્ટમ્પ ઉખાડીને મેદાનમાંથી બહાર ભાગી જાય.
પછી?
પછી શું? જીતનો જશ્ન. વિજયયાત્રા. વિજેતાનો જયજયકાર. વિજેતા કેવા મહાન ખેલાડી છે ને કેવા અપરાજેય છે તેની ગાથાઓ.
અને આ બધા સામે સવાલ કરો
તો તમે પોળવિરોધી, નેગેટિવ વિચારનારા, જીતનારાની ઇર્ષ્યા કરનારા 🙂

Tuesday, July 03, 2018

કાશ્મીર-કાશ્મીર રમવાની કેવી મઝા

'ગાંધીજી અંગ્રેજી રાજના ટેકેદાર હતા ને 'ગૉડ સેવ ધ ક્વિન'જેવાં વફાદારીનાં ગીત ગાતા હતા.’ –આવું કોઈ કહે તો? ટેકનિકલ રીતે વાત સાચી છે. કારણ કે લાંબા અરસા સુધી ગાંધીજી પોતાને અંગ્રેજી રાજના વફાદાર નાગરિક માનતા હતા અને રાજ પાસેથી ન્યાયી વર્તનની અપેક્ષા રાખતા હતા. પરંતુ ભારત આવ્યા પછી થોડા સમયમાં તેમના વિચાર બદલાયા અને તે અંગ્રેજી રાજ હટાવવાની લડતના નેતા બન્યા.

આ ઉદાહરણ આપવાનું કારણ : ગયા સપ્તાહે એક નેતાએ એ મતલબનું નિવેદન કર્યું કે સરદાર પટેલ હૈદરાબાદના બદલામાં કાશ્મીરનું સાટું કરવા તૈયાર હતા. મતલબ, તે કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ ગણતા ન હતા. ટેકનિકલ રીતે આ વાત પણ ખોટી નથી. દેશી રજવાડાંનો પ્રશ્ન ઊભો થયો ત્યારે ભૌગોલિક સ્થિતિ અને બહુમતી લોકોનો ધર્મ ધ્યાનમાં રાખીને, શાસકોને કોઈ એક દેશ સાથે જોડાઈ જવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે કાશ્મીર પાકિસ્તાન સાથે જોડાયું હોત તો સરદારે વાંધો ન લીધો હોત (એવું આધારભૂત રીતે નોંધાયું છે). પરંતુ કાશ્મીરના હિંદુ રાજા વેળાસર ન ભારત સાથે જોડાયા, ન પાકિસ્તાન સાથે. તેમને બંને દેશોથી અલગ, પોતાનું કાશ્મીરનું રજવાડું જાળવી રાખવું હતું. છેવટે પાકિસ્તાની હુમલાખોરો ચડી આવ્યા અને લૂંટફાટ કરતા છેક શ્રીનગર સુધી પહોંચવામાં હતા ત્યારે દબાણ હેઠળ મહારાજાએ ભારત સાથે જોડાણ કર્યું. પરંતુ ત્યાર પછી ગૃહ મંત્રી સરદારે કાશ્મીરને બચાવવા માટે ત્વરિત પગલાં ભર્યાં. એ વખતે સરદાર કાશ્મીરને જવા દેવા માટે બિલકુલ તૈયાર ન હતા. સાટું કરવાનો પછી કોઈ પ્રશ્ન જ ન હતો. એટલે સરદારનું કાશ્મીર વિશેનું જૂનું વલણ યાદ રાખવું અને ત્યાર પછીની નિર્ણયાત્મક કાર્યવાહી ભૂલાવી દેવી, એ ઇતિહાસ નથી, વાસ્તવિકતાનો ઉપહાસ છે.

અને કાશ્મીરની એ જ કઠણાઈ છે. તેની વાસ્તવિકતા સમજીને રાજદ્વારી કુનેહથી ઉકેલ આણવાને બદલે, તેમાંથી મહત્તમ રાજકીય ફાયદો દોહી લેવાની વૃત્તિની બોલબાલા રહી છે. કાશ્મીર પર પાકિસ્તાની આક્રમણનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઈ જવા બદલ પંડિત નહેરુની વાજબી ટીકા કરવી એક વાત છે અને કાશ્મીરની વર્તમાન સ્થિતિ માટે સતત તેમને જવાબદાર ઠેરવતા રહેવું, એ સાવ બીજી વાત છે. કાશ્મીરની વર્તમાન સમસ્યાનાં મૂળીયાં પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ ઝિયાના શાસનકાળમાં છે.  અમેરિકાએ અફઘાનિસ્તાનમાં રહેલા સામ્યવાદી રશિયાના લશ્કરને હંફાવવા માટે પાકિસ્તાનનો ખભો વાપર્યો. પણ ખંધા ઝિયાએ ખભો આપીને ખિસ્સું કાપી લીધું. અમેરિકાના આશીર્વાદથી ધર્મના નામે આતંકવાદનો દૌર શરૂ કરાવ્યો અને કાશ્મીરમાં નવેસરથી હિંસાહોળી શરૂ કરાવી.

ત્યારથી કાશ્મીરમાં શરૂ થયેલો ઘટનાક્રમ અને એ મુદ્દે વિવિધ પક્ષોનાં વલણ પરથી એવું લાગે, જાણે તેમને ઉકેલમાં નહીં, સામેના પક્ષને દોષી ઠરાવવામાં જ રસ છે. ભાગલાના ચાર દાયકા પછી કાશ્મીરના પંડિતોને જે રીતે ખીણપ્રદેશ છોડવાનો વારો આવ્યો, તે ભાગલા પછીના સમયનું કરુણ વિસ્થાપન હતું.  પરંતુ એ કરુણતાનો ઉપયોગ મોટે ભાગે રાજકીય મૂડીના સર્જન ખાતર થયો.  'કાશ્મીરના પંડિતો પર અત્યાચાર થયો ત્યારે તમે ક્યાં હતા?’ એ વાક્ય આક્રમક બચાવનું હથિયાર બન્યું. પોતાના પગ નીચે રેલો આવે ત્યારે એ વીંઝી પાડવાનું. (એ વખતે અને ત્યાર પછી પોતે ક્યાં હતાં, એનો જવાબ કોણ માગે?) કોઈની પીડાની રોકડી કરવામાં રાજકીય પક્ષો પાવરધા હોય છે. આ તો કાશ્મીરના પંડિતોની પીડા. તેમાં સમસ્યાઉકેલના નામે રાષ્ટ્રવાદ અને કોમવાદનું કાતિલ કોકટેઇલ બનાવી શકાય.

ભારતની એક આખી પેઢી કાશ્મીરમાં સમાન નાગરિક ધારો આણવાની નારાબાજી સાથે મોટી થઈ. શ્રીનગરના લાલ ચોકમાં કડક સુરક્ષા વચ્ચે ત્રિરંગો ફરકાવવાનું જોણું સિદ્ધિ તરીકે ગણાવાયું. બધા પ્રયાસ સમસ્યાને ઉકેલવાના નહીં, તેને શક્ય એટલી દોહી લેવાના હતા. પરિણામે, બાકીના ભારત માટે કાશ્મીર સંવેદનશીલ મુદ્દો બન્યું અને કાશ્મીરીઓ ગૌણ. કાશ્મીર જેવા મુદ્દે રાષ્ટ્રીય મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે કદી એકમતી ન થઈ. કારણ કે ઉકેલ કરતાં સમસ્યા વધારે ફાયદાકારક જણાતી હતી.

કાશ્મીરના ખીણપ્રદેશમાંથી પંડિતોને હાંકી કઢાયા પછી, ત્યાં રહેલા સામાન્ય મુસ્લિમ કાશ્મીરીઓ સાથે સાર્થક સંવાદ સાધવામાં- તેમને વિશ્વાસમાં લેવામાં રાજકીય પક્ષો નિષ્ફળ ગયા અથવા તેમને એવો રસ ન હતો. કાશ્મીરી મુસ્લિમોમાં ઘણા પ્રકાર હતા : કાશ્મીર ભારતમાં જ રહે એવું ઇચ્છતા મુસ્લિમો, ભારતીય સૈન્ય નિર્દોષ નાગરિકોને ત્રાસવાદી કે તેમના સમર્થક ગણીને ત્રાસ ન ગુજારે એવું ઇચ્છતા મુસ્લિમો, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની બુરી દશાથી વાકેફ અને ભારત-પાકિસ્તાનથી અલગ એવું આઝાદ કાશ્મીર ઇચ્છતા મુસ્લિમો, પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અને અાઝાદ કાશ્મીર ખાતર પાકિસ્તાની ટેકાનો ઉપયોગ કરી લેવા માગતા મુસ્લિમો, પાકિસ્તાની કે પાકિસ્તાનથી તાલીમ મેળવીને કાશ્મીરમાં આતંક ફેલાવનારા મુસ્લિમો, તેમને ધર્મના નામે કે બીજા કારણસર મદદ આપતા મુસ્લિમો... પરંતુ આવા પ્રકારભેદમાં હીરો કે વિલન, રાષ્ટ્રવાદી કે રાષ્ટ્રદ્રોહી--એવી સહેલી પસંદગીને બદલે ગુંચવાડા પેદા થાય. એટલે કાશ્મીરની સ્થિતિ વિશેની પ્રચલિત છાપ અંતિમો વચ્ચે ઝુલતી રહી.

મોટી સંખ્યામાં કાશ્મીરીઓની લાગણી જાણ્યા અને જીત્યા વિના, માત્ર ને માત્ર લશ્કરી પગલાંથી કાશ્મીરને નહીં જાળવી શકાય, એ ભીંત પરનું લખાણ હતું. પણ સ્વાર્થના ડાબલા ચડાવ્યા પછી એ શાનું વંચાય? કાશ્મીરના સ્થાનિક રાજકીય પક્ષો પણ કાશ્મીરીઓના હિતના નામે પોતાના રોટલા શેક્યે રાખતા હતા. પાકિસ્તાન-ચીન જેવા દેશો સાથે લાંબી સરહદો ધરાવતું કાશ્મીર, ધારો કે ભારતથી છૂટું પડી ગયું તો પણ, સ્વતંત્રતાનાં ખ્વાબ કેવી રીતે જોઈ શકે? આઝાદ કાશ્મીરના નારા લગાવનારા પાસે આના જવાબો તો હોય, પણ તેમાં વાસ્તવદર્શન કેટલું ને આંબાઆંબલી કેટલાં, એ  કોણ નક્કી કરે? બીજી તરફ ભારતીય સૈન્ય પર મુકાતા કાશ્મીરમાં ગેરવર્તણૂંકના આરોપો ગંભીર અને ચિંતાપ્રેરક હતા.  કાશ્મીરીઓનું હિત ભારત સાથે રહેવામાં જ છે, એ શસ્ત્રબળથી સિદ્ધ કરવા જતાં લોકો ધીમે ધીમે વિમુખ થઈ જાય એ જોખમી શક્યતા હતી, જે હવે વાસ્તવિકતા બની છે. કાશ્મીરની સમસ્યા ચૂંટણીમુદ્દો ન હોઈ શકે અને ચૂંટણીમુદ્દો ન બનવી જોઈએ એવી સમજ તેના ઉકેલની દિશાનું પહેલું પગથીયું ગણી શકાય. 

Wednesday, May 03, 2017

માઓવાદીઓ, કાશ્મીરીઓ અને ભારતીયો

કાશ્મીરને કોણ સળગતું રાખે છે?  આ સવાલનો જવાબ ઘણાના માટે બહુ સાદો છેઃ ‘પાકિસ્તાન’. જવાબ ખોટો નથી, તો સંપૂર્ણ સાચો પણ નથી. છેલ્લા બે વર્ષથી વચ્ચે થોડા વિરામ સાથે કાશ્મીરમાં અશાંતિનો નવો તબક્કો શરૂ થયો છે--અને કાશ્મીરના અભ્યાસીઓને લાગે છે કે આ તબક્કો ખતરનાક છે. કારણ કે તેમાં કાશ્મીરના ખીણપ્રદેશના લોકો, ખાસ કરીને યુવાનો મોટા પ્રમાણમાં અને સીધી રીતે સંકળાયેલા છે. વધારે ખરાબ સમાચાર એ છે કે તેમને પોલીસની-લશ્કરની, ઍન્કાઉન્ટરની કે ત્રાસવાદી લેખાવાની કશી બીક રહી હોય તેમ લાગતું નથી. તે બુરહાન વાની જેવા ત્રાસવાદી પ્રત્યે ખુલ્લેઆમ સહાનુભૂતિ પ્રગટ કરે છે, તેને શહીદ ગણે છે અને અંતિમવાદી રસ્તે, ભારતના શાસનની સામે પડી ગયા છે.

બીજી રીતે એમ પણ કહેવાય કે ભારત સરકાર કરતાં ત્રાસવાદીઓ તેમને વધારે પોતીકા લાગે છે. તેનો અર્થ એવો ખરો ભારત સરકાર તેમને પોતીકી નથી લાગતી, એટલે ત્રાસવાદીઓ પોતીકા લાગે છે? ના, સમીકરણ આટલું સાદું પણ લાગતું નથી. ખીણપ્રદેશમાં પ્રચંડ બહુમતી મુસ્લિમોની છે. આઝાદી પછી તરત શેખ અબ્દુલ્લાએ મહારાજા હરિસિંઘ સામે રાષ્ટ્રીય ચળવળનું નેતૃત્વ લીધું હતું   અને તેને કોમવાદથી મુક્ત રાખી હતી. તેમના પક્ષમાં હિંદુઓ પણ હતા. હવે આટલાં વર્ષે અને પલટાઈ ચૂકેલા પ્રવાહ પછી, કાશ્મીરની ‘આઝાદી’ની માગણીમાં સ્વાયત્તતા અને અલગતાની સાથે ધર્મનો રંગ પણ ભળ્યો છે. કાશ્મીરમાં ભારતીય સૈન્યનો વિરોધ કરવો એ ઘણાને ધર્મયુદ્ધ નહીં તો ‘ધર્મ્ય’ યુદ્ધ તો લાગે જ છે.

પહેલાં ‘આઝાદી’ની કે (ભારતમાં રહીને પણ સંતોષી શકાય એવી) સ્વાયત્તતાની માગણીમાં મહદ્ અંશે એવી ભાવના કેન્દ્રસ્થાને હતી કે ‘અમે કાશ્મીરી છીએ. અમારી અલગ ઓળખ છે. અમારે અલગ રહેવું છે. અમને એ નિર્ણય લેવાની તક (જનમત થકી) મળવી જોઇએ.’ બદલાયેલી સ્થિતિમાં એ લાગણી ને માગણી કંઇક આવી હોય તેમ લાગે છેઃ ‘અમે કાશ્મીરી છીએ, ભારત અમને ભારતીય ગણતું નથી,  અમને દેશની મુખ્ય ધારામાં સમાવતું નથી. અમારે ભારતીય ગણાવું પણ નથી, અમારી સ્વતંત્રતાની માગણીને ભારત કચડી રહ્યું છે, ભારતીય સૈન્ય અમારી સાથે ક્રૂર વર્તન કરે છે, તેમનો અત્યાચાર સહન કરવાને બદલે શક્ય હોય એ રીતે મુકાબલો કરવો એ ધર્મ છે, અમારા શત્રુ એવા ભારતીય સૈન્ય સામે જે કોઈ પણ હથિયાર ઉઠાવે તે અમારા હીરો છે અને તે ધર્મયુદ્ધ ખેલી રહ્યા છે તેને અમારો ટેકો છે.’ આટલું ઓછું હોય તેમ, કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા કે રાજ્યોની ભાજપ સરકાર દ્વારા લેવાતા ધાર્મિકતાની છાંટ ધરાવતા નિર્ણયો અવિશ્વાસની આગમાં પેટ્રોલ હોમવાનું કામ કરે છે.

અત્યાર લગી ભારતની સૌથી મોટી તાકાત કાશ્મીરમાં યોજાતી ચૂંટણીઓ હતી. તેમાં લોકોની નોંધપાત્ર હિસ્સેદારીથી ભારત વિશ્વ સમક્ષ એવો દાવો કરી શકતું હતું કે ‘જુઓ, કાશ્મીરના લોકો કાશ્મીરને ભારતનું અંગ ગણે છે. એટલે જ ભારતીય બંધારણ અને લોકશાહીના અભિન્ન-અનિવાર્ય હિસ્સા જેવી ચૂંટણીપ્રક્રિયામાં ભાગ લે છે.’ પરંતુ છેલ્લી પેટાચૂંટણીમાં શ્રીનગરમાં થયેલા કંગાળ (7.13 ટકા) મતદાન પછી બીજી પેટાચૂંટણી મોકુફ રાખવી પડી તેનાથી વાત વણસી છે.  અલબત્ત, રાજ્યમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ મોટા પ્રમાણમાં મતદાન કર્યું હતું. પરંતુ ત્યારના સંજોગો જુદા હતા અને હવે કેન્દ્રમાં એનડીએ સરકાર-કાશ્મીરમાં ભાજપ-પીડીપી યુતિ સરકારને ઠીક ઠીક સમય વીતી ચૂક્યો છે. પરંતુ અગાઉની ચૂંટણી વખતે વ્યાપ્ત આશાનું સ્થાન નિરાશાએ લીધું છે.

મોટા પ્રમાણમાં જનસમુદાયની આ સ્થિતિ છે, ત્યારે કાશ્મીરમાં સૈન્યની છાવણીઓ પર ત્રાસવાદી હુમલા ચાલુ છે--અને દરેક વખતે ભારતના પક્ષે થતી ખુવારી સર્જિકલ સ્ટ્રાઇક વખતે વ્યક્ત થયેલી ભાવનાને શરમાવતી રહે છે. પાકિસ્તાનના ‘નૉનસ્ટેટ એક્ટર્સ’ (પાકિસ્તાની શાસકો-સૈન્યનો બિનસત્તાવાર ટેકો ધરાવતાં જૂથ) કાશ્મીરમાં ખુવારી કરતાં રહે છે અને વખતોવખત પાકિસ્તાની સત્તાધીશો કે સૈન્યવડા પણ કાશ્મીર વિશે તેમની ખોરી દાનત વ્યક્ત કરતા રહે છે.

કાશ્મીરની હિંસાની સાથે માઓવાદી હિંસા પણ સંભારવા જેવી છે. કાશ્મીરીઓ અને માઓવાદીઓ વચ્ચેનું એક સામ્ય એ છે કે તે પોતાનો પ્રદેશ ભારતથી અલગ કરવા ઇચ્છે છે.  માઓવાદીઓ અત્યાધુનિક હથિયારો સાથે તે અર્ધલશ્કરી દળો પર ઘાતક હુમલા કરે છે અને અદૃશ્ય થઈ જાય છે. તેમની છાપામાર પદ્ધતિની સરખામણીમાં કાશ્મીરના દેખાવકારો ઉઘાડેછોગ પથ્થરબાજી કરે છે.  ત્યાં ઘાતક શસ્ત્રો અને ઘાતકી હુમલાનો હવાલો પાકિસ્તાનપ્રેરિત ત્રાસવાદી જૂથોએ સંભાળ્યો છે. ભૂગોળની વિષમતાને લીધે સરહદને અભેદ્ય બનાવી શકાતી નથી. એટલે ત્રાસવાદીઓ સહેલાઈથી સરહદ પાર કરીને ભારતમાં આવી જાય છે. એમ તો, માઓવાદીઓને ચીન તરફથી મદદ મળતી હોવાના ઇશારા ભૂતકાળમાં થયા છે. પરંતુ પાકિસ્તાનની જેમ ચીન સીધી રીતે ક્યાંય ચિત્રમાં આવતું નથી.

માઓવાદગ્રસ્ત છત્તીસગઢ જેવા પ્રદેશો કરતાં કાશ્મીરની સ્થિતિ અનેક રીતે જુદી છે. માઓવાદીઓની જેમ કાશ્મીરમાં ત્રાસવાદી સંગઠનો સ્થાનિક સહાનુભૂતિ ધરાવે છે. પરંતુ કાશ્મીરમાં માઓવાદ કરતાં વધારાની બાબત ધર્મ છે. તેના કારણે અસંતુષ્ટ એવા સ્થાનિક લોકો વધારે સહેલાઈથી ત્રાસવાદીઓ સાથે એકરૂપતા અનુભવી શકે છે.  માઓવાદી હિંસાના મામલે માઓવાદીઓ, સ્થાનિક લોકો અને સરકાર એમ ત્રણ મુખ્ય પક્ષો છે. તેમાં વાટાઘાટો માઓવાદીઓ સાથે કરવાની રહે છે, જ્યારે કાશ્મીરસમસ્યાના ભાગીયા (અંગ્રેજીમાં ‘સ્ટેકહોલ્ડર્સ’ અને દેશી ગુજરાતીમાં ‘અભાગિયા’ પણ કહી શકાય) એવા ઘણા પક્ષ છેઃ કાશ્મીરના લોકો, ભારત સરકાર, ભારતીય સૈન્ય, કાશ્મીરના સત્તાવાર રાજકીય પક્ષો, તેમાં વળી થોડોઘણો અલગતાનો સૂર ધરાવતો પીડીપી જેવો પક્ષ, સંપૂર્ણ અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સ, પાકિસ્તાનપ્રેરિત ત્રાસવાદને કારણે જેમને વતનવિહોણા થવું પડ્યું એવા કાશ્મીરી પંડિતો, પાકિસ્તાનમાં રહીને કાશ્મીરમાં ત્રાસવાદ ફેલાવતાં જૂથો અને પાકિસ્તાન પોતે. માટે, કાશ્મીરની લડાઈ  વ્યવહારિક પ્રશ્નો અને તેના વ્યવહારિક ઉકેલોથી બહુ દૂર- બહુ આગળ નીકળીને, લગભગ ‘લડાઈ ખાતર લડાઈ’ના તબક્કે પહોંચી ગઈ છે. ખુવારી તો બન્ને પક્ષે થાય છે, પણ સામા પક્ષની ખુવારી ગણતરીપૂર્વકની અને ઘણા કિસ્સામાં ધર્મઝનૂનનો નશો ચડાવનારી હોય છે, જ્યારે ભારતના પક્ષે એક પણ સૈનિક કાશ્મીરમાં ત્રાસવાદી હુમલામાં માર્યો જાય, તો તેની ભારતના નૈતિક બળ ઉપર અસર પડી શકે છે. તેના સરવાળારૂપે ક્યારેક લોકલાગણી જાગે, તો તેને બીજા રસ્તે વળેલી રાખવાના રાજનેતાઓએ નીતનવા નુસખા શોઢી કાઢવા પડે છે.

કાશ્મીરની કે માઓવાદની સમસ્યા ચપટીમાં ઉકેલાવાની અપેક્ષા કોઈ ન રાખે, પણ એ દિશામાં વાતચીત માટે બન્ને પક્ષો વચ્ચે જરૂરી સામાન્ય ભૂમિકા  પણ અત્યારે તો વર્તાતી નથી. 

Monday, November 07, 2016

દેશપ્રેમ અને દાંડાઇ વચ્ચેની ભેદરેખા

(25-10-16)

દેશપ્રેમ બદમાશોનો છેલ્લો આશરો છે—એવું અત્યંત જાણીતું અવતરણ જાણે કોઇએ ભારતના ભવિષ્ય તરીકે કહ્યું હોય એવું અત્યારે લાગે છે. આટલું વાંચીને બદમાશ એટલે શું?’, કોણ બદમાશ ને કોણ દેશભક્ત એ કેવી રીતે નક્કી થાય?’—આવા સવાલ ઊભા થઇ શકે. ઉશ્કેરણીભર્યા પ્રચારનો માહોલ પણ એવો છે કે ભલભલાના દિમાગનો કાંટો હાલી જાય.

એક તરફ પાકિસ્તાન ભારતીય સૈનિકો પર હુમલા કરી રહ્યું હોય ને આપણા સૈનિકો શહીદ થઇ રહ્યા હોય, ત્યારે પાકિસ્તાની કલાકારો મુંબઇની ફિલ્મોમાં કેવી રીતે કામ કરી શકે? અને એમના અભિનયવાળી જે ફિલ્મો તૈયાર થઇ ગઇ, તે કેવી રીતે રજૂ થઇ શકે?’ આવું તોફાન થોડા વખતથી ચાલે છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને તેમાંથી અલગ પડેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો આ જ ધંધો છેઃ પોતાના રાજકીય હિતને (અને હવે તો પોતાનું અસ્તિત્ત્વ પુરવાર કરવાના ઉધામાને) હિંદુ હિત અને દેશહિતના વાઘા પહેરાવીને રજૂ કરવું.

આ ચર્ચામાં આગળ જતાં પહેલાં કેટલાક સાદા સવાલઃ માથે ત્રિરંગો બાંધીને કે ભારતમાતાકી જયનાં સૂત્રો પોકારીને બેન્ક લૂંટવામાં આવે તો એને રાષ્ટ્રવાદી લૂંટ કહેવાય? હાથમાં ત્રિરંગો લઇને સરેઆમ ધાકધમકી આપતા-ખંડણી લેતા ને મારામારી કરનારા દેશપ્રેમી ગણાય? જેમનો જવાબ હા હોય, તેમણે દેશપ્રેમી કે રાષ્ટ્રવાદી તરીકે પોરસાવાને બદલે, પોતપોતાને માફક આવે એવા રાજકીય પક્ષમાં વેળાસર ભરતી થઇ જવું. કારણ આ દેશપ્રેમ નહીં,  અનિષ્ટપ્રેમ છે અને આવા લોકોને બે હાથ પહોળા કરીને આવકારે એવા પક્ષો આપણે ત્યાં છે જ.

જેમને લાગે કે દેશભક્તિના નામે આવું તો થતું હશે? ઊલટું આવું કરવાથી ત્રિરંગાનું અને દેશનું અપમાન થાય.—એવા ધોરણસરના લોકો માટે વધુ સવાલઃ દેશપ્રેમના નામે અને પાકિસ્તાનના વિરોધના નામે પોતાના દેશવાસીઓ સામે ધીક્કારઝુંબેશ ફેલાવવી, તેમને ધાકધમકીઓ આપવી, તેમની ફિલ્મો અટકાવવી એ બધું શી રીતે દેશભક્તિ કહેવાય? પાકિસ્તાનના વિરોધમાં આંખે પાટા બાંધીને (કે ખુલ્લી આંખે) ઝેરીલા રાજકીય પક્ષોના ખોળામાં બેસી જનારા લોકો બીજાની દેશભક્તિનાં પ્રમાણપત્રો ફાડે એ દેશની કરુણતા નથી?

એક અહેવાલ પ્રમાણે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે અને પાકિસ્તાની કલાકારો ધરાવતી ત્રણ ફિલ્મોના નિર્માતાઓએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીને ત્યાં બેઠક કરી. ત્યાં એવું રાષ્ટ્રવાદી સમાધાન થયું કે એ નિર્માતાઓ સૈન્ય રાહતફંડમાં પાંચ કરોડ રૂપિયા જમા કરાવે, ફિલ્મની શરૂઆતમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપે અને ભવિષ્યમાં કોઇ પાકિસ્તાની કલાકારને કામ ન આપવાની બાંહેધરી આપે તો જ તેમની ફિલ્મો રજૂ થશે. નહીંતર મનસેના દેશભક્તિના ઠેકેદારો થિએટરોમાં તોડફોડથી માંડીને કંઇક તોફાન કરશે.

કોઇ એ તો કહે કે દેશ એટલે શું અથવા કોણ? અને દેશભક્તિની ખંડણીઓ, ભલે સૈન્યના નામે, પણ કોણ ઉઘરાવી રહ્યું છે? જે નેતાઓ ક્રયારેક ગુજરાતના, ક્યારેક બિહારના, તો ક્યારેક ઉત્તર પ્રદેશના ભારતીયોને મહારાષ્ટ્રમાંથી તગેડી મૂકવાની હાકલો કરે છે, મન પડે ત્યારે તેમની વિરુદ્ધ ધીક્કારઝુંબેશો ચલાવે છે, એ શિવસેના-મનસે કયા મોઢે દેશની અને દેશપ્રેમની વાતો કરી શકે? એમનો સઘળો દેશપ્રેમ બીજાના સગવડીયા વિરોધ તરીકે જ કેમ વ્યક્ત થાય છે?  કારણ સીધું છેઃ તેમનું રાજકારણ આટલાં વર્ષોથી આવાં  તોફાનનાજોરે ચાલ્યું છે. એ ચાલ્યું છે, તેના કરતાં વધારે ચિંતાજનક વાત એ છે કે તેને ચાલવા દેવાયું છે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીથી માંડીને દેશના ગૃહમંત્રી-પ્રધાનમંત્રી સુધીના સૌ દેશભક્તિના નામે ચાલતી ગુંડાગીરીનો વિરોધ કરે તો પણ કેવી રીતે? એ બધાં પણ આ જ પાણીનાં માછલાં છે ને એ અહીં સુધી પહોંચ્યા એમાં આવી તરકીબોનો ફાળો ઓછો નથી.

પાકિસ્તાની કલાકારોએ ભારતીય ફિલ્મોમાં કામ કરવું જોઇએ કે નહીં, એ વ્યાવસાયિક પરિબળો દ્વારા નક્કી થાય તો ઉત્તમ. છતાં, બન્ને દેશો વચ્ચે તનાવભરી સ્થિતિ હોય ત્યારે જો કોઇ નિર્ણય લે તો એ ભારતની સરકાર લઇ શકે. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી શાણપણ ઉચરતા હોય ને મહારાષ્ટ્રમાં આવી કાંડામરોડ ચાલતી હોય, ત્યારે તેને કેવળ સંયોગ ગણીને આગળ વધી જવાનું? કે પછી અમારે આ જ કરવું છે, પણ હવે સત્તામાં આવ્યા એટલે ખુલ્લેઆમ કરી શકતા નથી. પણ છીએ તમારી સાથે જ. એવી માનસિકતાની અભિવ્યક્તિ ગણવાની? સૈન્યમાંથી કેટલાક સૂર ઉઠ્યા છે કે ભાઇ, અમને તમારા રાજકારણમાં ન નાખો. એવા અવાજ સત્તાધારી ભાજપમાંથી ઉઠવા જોઇતા હતા. કારણ કે તેમને તો સૈન્યની બહુ વધારે પડી છે. (ભલે સંરક્ષણ મંત્રીએ સર્જિકલ સ્ટ્રાઇકના બીજા દિવસે નોકરી દરમિયાન વિકલાંગ બનેલા સૈનિકોના પેન્શમાં ધરખમ ઘટાડો કરી દીધો હોય.) પરંતુ રાજ ઠાકરે ટાઇપના લોકો આવી ધોરાજી હંકારે ત્યારે પોતાને અનુકૂળ હોય ત્યાં સુધી સરકારો મોઢામાં મગ ભરીને બેસી રહે છે અથવા સ્થિતપ્રજ્ઞતાથી શાણપણવચનો ઉચ્ચારીને આડું જોઇ જાય છે. તેમને એ ખબર પડતી નથી કે ખરો દેશદ્રોહ પાકિસ્તાની કલાકારોને ફિલ્મોમાં લેવામાં નહીં, પણ દેશભક્તિના નામે ગુંડાગીરી ચલાવવામાં ને ચાલવા દેવામાં છે.

દેશ અને દેશભક્તિ એ કોઇ રાજકીય પક્ષની બાપીકી જાગીર નથી. કોઇનો તેના પર અધિકાર નથી. દેશ અને દેશભક્તિની આખરી અને સર્વોચ્ચ કસોટી દેશના નેતાઓ કે રાજકીય પક્ષો કે રીમોટ કન્ટ્રોલ સાંસ્કૃતિક સંગઠનો પ્રત્યેની નહીં, દેશના બંધારણ પ્રત્યેની વફાદારી છે. દેશના બંધારણને માન આપ્યા વિના દેશભક્તિના દાવા કરે તેવા દેશભક્તોથી અને તેમની આરતી ઉતારનારાઓથી ચેતવું. જે લોકો પોતાના સ્વાર્થ માટે દેશભક્તિને વટાવી ખાય તે કોઇ પણ હદે જઇ શકે.

બાળ ઠાકરેએ મુંબઇમાં એકહથ્થુ રાજ ચલાવ્યું. લતા મંગેશકરો, અમિતાભ બચ્ચનો અને સચિન તેંડુલકરો બાળ ઠાકરેના દરબારમાં હાજરી આપવાના સ્વરૂપે મુંબઇમાં રહેવાની ખંડણી ભરી આવતા હતા. પણ તેમની ગુંડાગીરી સામે એક શબ્દ બોલતાં આ મહાનુભાવોની જીભ ઝલાઇ જતી હતી. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતાના સ્વાર્થ ખાતર ઠાકરેને મોકળું મેદાન આપ્યું અને પછી બોટલમાંથી બહાર નીકળેલા જીનને પાછો બોટલમાં પુરવાની તેમનામાં હામ ન રહી. ઠાકરે હોય કે તેમના અનુગામીઓ, તેમના વિરોધનું કોઇ ધોરણ નથી. તેમને પોતાની સત્તા (ન્યૂસન્સ વેલ્યુ) પર સત્તાવાર મંજૂરીની મહોર ખપે છે. કમનસીબી એ છે કે ફિલમવાળા કે બીજા ધંધાદારીઓ તો ઠીક, ચૂંટાયેલી સરકારો પણ સક્રિયતાથી કે નિષ્ક્રિયતાથી આવી મહોર મારી આપે છે.


લેખના આરંભે બદમાશીની અને દેશભક્તિની વ્યાખ્યાની વાત કરી હતી. મનમાં પક્ષકારણનાં જાળાં ન બાઝ્યાં હોય તો આ બન્ને વચ્ચે કશો સમજફેર થાય એમ નથી. બન્ને વચ્ચે ભેદરેખા પાતળી નહીં, ભારત-પાકિસ્તાન વચ્ચેની અંકુશરેખા કરતાં વધારે સ્પષ્ટ છે. દેશના બંધારણને આદર આપનારા, તેનો ભંગ નહીં કરનારા અને તેનો ભંગ કરે તેમનો વિરોધ કરનારા દેશના સાચા નાગરિકો છે. તેમને બીજા લોકો પાસેથી દેશપ્રેમી તરીકેના બિલ્લાની જરૂર નથી. દેશપ્રેમના દાવા કરીને દેશના નાગરિકોને રંજાડનારા અને કાયદો હાથમાં લેનારા દેશના સાચા દ્રોહી છે. પાકિસ્તાન તો સરહદ પર નડે છે. આ લોકો આપણી વચ્ચે રહીને, દેશના-નાગરિકત્વના-બંધારણના પોતને અને સરવાળે દેશને નબળો પાડે છે. 

Wednesday, October 26, 2016

લડાઇની ખાઇ, વ્યક્તિઓની ઊંચાઇ

ભારત-પાકિસ્તાન વચ્ચેનાં યુદ્ધો અને બીજા સંઘર્ષ એટલા નક્કર છે કે ગમે તેટલા શાંતિપ્રેમી હોય તે પણ ઐતિહાસિક તથ્યનો ઇન્કાર કરી શકે નહીં : કારગીલયુદ્ધ અડઘું ગણીએ તો બન્ને દેશો વચ્ચે સાડા ત્રણ યુદ્ધો થઇ ચૂક્યાં છે. એ સિવાયનો તનાવગ્રસ્ત સમયગાળો પણ નાનો નથી. જેની સાથે આવા સંબંધ હોય એ દેશ સાથે કોઇ મૈત્રીની તો ઠીક, શાંતિની વાત કરે તો પણ રાષ્ટ્રદ્રોહીગણાઇ જાય, એવું વાતાવરણ હોય છે.

પરંતુ દેશપ્રેમના ઉત્સાહમાં અને સૈન્ય કાર્યવાહીના મોહમાં દેશ તથા વ્યક્તિ વચ્ચેનો ફરક પાડવાનું જરૂરી બની જાય છે. સામાન્ય સંજોગોમાં આ તફાવત સૈદ્ધાંતિક હોવાથી, એ ફક્ત આદર્શવાદી વાત માટે સારોજણાય. આવી વાત કરનારને એવો પણ ટોણો મારવામાં આવે કે એ તો તમારું કોઇ યુદ્ધમાં ગયું હોય તો તમને ખબર પડે. એમ ને એમ બધું ડહાપણ ડહોળવું સહેલું છે.વિચારવાની આ રીત આંખનો બદલો આંખથીઅથવા ફિલ્મી ભાષામાં કહીએ તો ખૂનકા બદલા ખૂનથી લેવાની છે. એ સાચી નથી, પણ માનવસહજ છે. મુશ્કેલી ત્યારે થાય છે, જ્યારે આ રીતને એકમાત્ર સાચી અને દેશપ્રેમના  પુરાવા જેવી રીત ગણાવવામાં આવે છે.

પરંતુ જેમણે પોતાનું સ્વજન યુદ્ધમાં ખોયું હોય, એ પોતે આદર્શની વાત કરે અને એવો વ્યવહાર કરે ત્યારે? પાંચેક વર્ષ પહેલાં આવા બે કિસ્સા પ્રસાર માધ્યમોમાં છવાયા હતા અને પછી ભૂલાઇ પણ ગયા. વર્તમાન સંજોગો એ પ્રસંગો ફરી યાદ કરવા જેવા છે. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે કચ્છ સરહદે એક સાદું, બીચક્રાફ્‌ટ પ્રકારનું વિમાન પાકિસ્તાને તોડી પાડ્યું હતું. તેના પાઇલટ જહાંગીર એન્જિનિયર ઉપરાંત વિમાનમાં સવાર ગુજરાતના મુખ્ય મંત્રી બળવંતરાય મહેતા, તેમનાં પત્ની સરોજબહેન, ગુજરાતી પત્રકાર કે.પી.શાહ અને બીજા ત્રણ સાથીદારો મૃત્યુ પામ્યા. કાળો કેર મચ્યો. બિનલશ્કરી વિમાન પર આવા હુમલાથી ભારતીયોના મનમાં રોષ અને કડવાશ પેદા થયાં. આ ઘટના ગુજરાતની-ભારતની તવારીખમાં કાળા અક્ષરે લખાઇ ગઇ.

એ બનાવના ચાર દાયકા પછી પાકિસ્તાન એર ફોર્સના એક નિવૃત્ત અફસરે કયા સંજોગોમાં એ વિમાન તોડી પાડવામાં આવ્યું તેનું વિગતે વર્ણન કરીને ઘટના તાજી કરી. એ વાંચીને વિમાનને તોડી પાડનાર પાકિસ્તાની ફાઇટર પાઇલટ કૈસ હુસૈને પહેલ કરી, તેમણે કેટલાક સંપર્કની મદદથી બીચક્રાફ્‌ટના ભારતીય પાઇલટ જહાંગીર એન્જિનિયરનાં વિદેશમાં વસેલાં પુત્રી ફરીદા સિંઘનો પતો મેળવ્યો અને તેમને એક ઇ-મેઇલ લખ્યો. અસાધારણ કહેવાય એવા આ ઇ-મેઇલમાં તેમણે તે દિવસે ખરેખર શું બન્યું હતું તેનું વર્ણન કરતાં લખ્યું કે સરહદી વિસ્તારમાં બીચક્રાફ્‌ટની સંદેહાસ્પદ હાજરી માલુમ પડતાં તેમણે ઉડાન ભરી અને બીચક્રાફ્‌ટને આંતર્યું. પાકિસ્તાનને શંકા ગઇ કે આ વિમાન સરહદી મોરચો ખોલવા માટે તપાસ અભિયાન પર છે. (એ વખતે યુદ્ધ પંજાબ અને કાશ્મીર મોરચે ચાલતું હતું.)

યુદ્ધના નિયમ પ્રમાણે, કૈસ હુસૈને બદીનમાં બેઠેલા તેમના ઉપરી પાસેથી આદેશ માગ્યો. તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘ત્રણ-ચાર લાંબી મિનીટો વીત્યા પછીવિમાનને શૂટ કરવાનો આદેશ મળ્યો અને તેમણે એ આદેશનું પાલન કર્યું. એ વખતે તેમના મનમાં પરાક્રમનો ભાવ હતો. બેઝ પર પાછા ફર્યા પછી તેમને વધાવી લેવામાં આવ્યા. પરંતુ ૨૦૧૧માં એર કોમોડોર કૈસર તુફૈલે આખી ઘટના તાજી કરતાં કૈસ હુસૈને જહાંગીર એન્જિનિયરના પરિવારનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો.  ઇ-મેઇલમાં તેમણે લખ્યું હતું,‘મિસિસ સિંઘ, આટલી વિગતો મેં તમને એ દર્શાવવા માટે આપી છે કે જે કંઇ થયું તે ફરજને આધીન રહીને થયું હતું. પ્રેમ અને યુદ્ધમાં કંઇ પણ ચાલેએવો કોઇ ખ્યાલ આ કાર્યવાહી પાછળ ન હતો...હું યુદ્ધના નિયમ પ્રમાણે ચાલ્યો હતો, પરંતુ તેનાથી કિમતી જિંદગીઓનું નુકસાન થયું. એ કેવી રીતે થયું તે અગત્યનું નથી, પણ એ કોઇ પણ માણસને ખટકે એવું છે ને હું પણ તેમાં અપવાદ નથી. હું તમારા માટે, તમારા પરિવાર માટે અને બાકીના સાતેય મૃતકોના પરિવાર માટે દિલગીરી અનુભવું છું..૪૬ વર્ષ પહેલાં થયેલા તમારા પિતાના મૃત્યુ બદલ તમને આશ્વાસન આપવા માટે તમને રૂબરૂ મળવાની તક ઊભી થશે, તો હું બન્ને હાથે એ તક ઝડપી લઇશ. તમારા પરિવારનાં બીજાં સભ્યોને પણ તમે મારી લાગણી પહોંચાડશો તો હું ખૂબ આભારી થઇશ..
Qais Husain/ કૈસ હુસૈન
આ શબ્દોમાં પોતાની કાર્યવાહી વિશે અફસોસનો જરાય ભાવ નથી. કેમ કે, તે યુદ્ધની ફરજના ભાગરૂપે થઇ હતી. પરંતુ તેમાં વ્યક્ત થયેલી લાગણી અને પોતાના હાથે જેનું મૃત્યુ થયું હોય એવા પરિવાર સુધી આ રીતે દિલગીરીના ભાવ સાથે પહોંચવાની નૈતિકતા-નૈતિક હિંમત પ્રશંસનીય છે.

આ પત્રનો ફરીદા સિંઘે આપેલો જવાબ પણ નમૂનેદાર હતો.  તેમણે લખ્યું,‘આ પત્ર લખવા માટે હિંમત જોઇએ (અને નમ્રતાપૂર્વક કહું તો) તેનો જવાબ આપવા માટે પણ...હા, આ બનાવે અમારું જીવન પલટી નાખ્યું. પરંતુ ત્યાર પછીના સંઘર્ષોમાં ક્યારેય, એક ક્ષણ માટે પણ, અમે મારા પિતાના મૃત્યુ માટે જવાબદાર વ્યક્તિ માટે કડવાશ રાખી નથી. અમે એ ક્યારેય ભૂલ્યાં નહીં કે આ બધું યુદ્ધની કરુણતાના ગુંચવાડાનું પરિણામ હતું. યુદ્ધ અને શાંતિની ખતરનાક રમતોમાં આપણે કેવળ પ્યાદાં હોઇએ છીએ.પોતાના સદ્‌ગત પિતાના કેટલાક ગુણોનું વર્ણન કર્યું અને તેમની ઉદારતા-બીજાનું દુઃખ સમજી શકવાની તેમની શક્તિનો વિશેષ ઉલ્લેખ કરીને લખ્યું કે કડવાશભર્યાં અને અવિચારી યુદ્ધો સારા માણસોને પણ કેવું નુકસાન પહોંચાડી શકે છે તેનું આ બનાવ ઉત્તમ ઉદાહરણ છે. ફરીથી તમારો આભાર. હું જાણું છું કે તમારા માટે આ લખવું સહેલું નહીં હોય...આ પત્ર જાહેર થયો તેનાથી ફક્ત વ્યક્તિગત જ નહીં,વધારે વ્યાપક સ્તરે રૂઝ આવવાની પ્રક્રિયા થશે. અને સૌથી અગત્યનું, મારા પિતાને પણ એ બહુ જ ગમ્યું હોત કે (આ પત્રવ્યવહારથી) બે પ્રજા વચ્ચે ક્ષમાની ભાવનાનો ચમકારો થાય--એવી બે પ્રજા, જે છેવટે એક જ છે.
પરમવીર ચક્ર અરુણ ખેતરપાળ/ Arun Khetarpal

બ્રિગેડીયર એમ.એલ.ખેતરપાળ અને તેમનાં પત્ની /
 Brigadier M.L.Khetarpal and his wife

આવો એક કિસ્સો સૌથી યુવાન વયે (મરણોત્તર) પરમવીર ચક્ર મેળવનાર સેકન્ડ લેફ્‌ટનન્ટ અરુણ ખેતરપાળના પિતા સાથે ૨૦૦૩માં બન્યો હતો. તેમના ૮૧ વર્ષના પિતા, બ્રિગેડીયર એમ.એલ.ખેતરપાળ છેલ્લી વારપાકિસ્તાનમાં આવેલા પોતાના વતન સરગોધાનાં દર્શનકરવા ગયા, ત્યારે તેમના મિત્રના મિત્ર એવા પાકિસ્તાની યજમાન બ્રિગેડીયર કે.એમ.નાસીરને ત્યાં તેમનો ઉતારો હતો. નાસીરે તેમની આત્મીયતાભરી મહેમાનગતિ કરી. આખરે છેલ્લી રાત્રે, ભોજન પછીની બેઠકમાં નાસીરે રહસ્યસ્ફોટ કર્યો, ‘એ કહેતાં મને પારાવાર અફસોસ થાય છે કે અરુણ ખેતરપાળની ટેન્કને તેમણે છોડેલો ગોળો જ વાગ્યો હતો.જૂની પેઢીના અને ધર્મયુદ્ધના રંગે નહીં રંગાયેલા ફૌજી તરીકે બન્ને બ્રિગડીયરો જાણતા હતા કે યુદ્ધમાં સામે વ્યક્તિ કોણ છે એ જોવાતું નથી ને દેખાતું પણ નથી. બ્રિગેડીયર ખેતરપાળ આ વાત-આ એકરાર પચાવી ગયા, પરંતુ પોતાની પત્નીને આ વાત કહી ન શક્યા.

ક્ષમા માગવા માટે જિગર જોઇએ, પણ ક્ષમા આપવા માટે તેનાથી વધારે મનોબળની જરૂર પડે છે.   

Saturday, October 15, 2016

સૈન્ય અને ક્રિકેટટીમ વચ્ચેનો ફરક

ક્રિકેટના પ્રેમી તરીકે આપણને ટેવ છેઃ ઘરમાં ટીવી જોતાં જોતાં આપણી વિકેટ જાય ત્યારે હાયકારો નીકળી જાય ને આપણો ખેલાડી ચોગ્ગાછગ્ગા મારે ત્યારે શેર લોહી ચઢે, ત્રિરંગો લહેરાવવાનું મન થાય..અને એમાં પણ સામે પાકિસ્તાન હોય તો? બન્ને પક્ષે કેટલાક ચાહકોને એવું જ લાગે, જાણે બેટ-બોલથી યુદ્ધ ચાલી રહ્યું છે. એટલે જ, ખરેખર સૈનિક કાર્યવાહી થાય ત્યારે ક્રિકેટમેચ અને સર્જિકલ સ્ટ્રાઇક વચ્ચે ફરક પાડવો જરૂરી બની જાય છે.

એમના બોલરે આપણી વિકેટ લીધી? હવે આપણા બેટ્સમેને ચોગ્ગો-છગ્ગો મારીને બતાવી આપવું જોઇએ.. એ એક વાત છે અને સરહદ પર થતી સામસામી આપ-લે સાવ જુદી વાત છે. ક્રિકેટમેચમાં દરેક તબક્કે બેટ્સમેન-બોલરે શું કરવું જોઇતું હતું, તેની ચર્ચા કરનારામાંથી ઘણાને મેદાનમાં થર્ડ મેન ક્યાં ને ચાઇનામેન એટલે શું એની ખબર નથી હોતી—એ જાણવાની જરૂર પણ નથી લાગતી. છતાં ઘણી વાર તો તે રમત સાથે ખેલાડીઓ કરતાં પણ વધારે ઓતપ્રોત થઇ ગયા હોય એવું લાગે. સરહદ પરની વાસ્તવિકતા જુદી હોય છે. છતાં, એને મેચ ગણવી હોય તો એ અમ્પાયર વગરની (ક્યારેક થર્ડ અમ્પાયર ધરાવતી) મેચ હોય છે. તેમાં પ્રેક્ષકો ન હોય એ જ પ્રેક્ષકોના અને બન્ને પક્ષોના હિતમાં છે.

સૈન્ય જેવી ગંભીર બાબત સાથે લોકલાગણી અને ફિલ્મી દેશભક્તિની ભેળસેળ થાય ત્યારે કેવી છીછરી અને હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાય, એ વાઘા સરહદે ચાલતા સાંજના કાર્યક્રમના આધારે જોઇસમજી શકાય છે. વાઘા સરહદે પાછળ દેશભક્તિનાં ગીત વાગતાં હોય અને મેળા જેવો માહોલ હોય છે. ચોક્કસ સમય થયે બન્ને બાજુએ જવાનો લશ્કરી ઢબે કવાયત કરે અને તેમાં જુસ્સો દેખાડવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરે ત્યારે સ્ટેડિયમમાં હોય તેવી ખુરશીઓમાં બેઠેલું ઓડિયન્સ એ જોશને દેશભક્તિનો સાક્ષાત્ નમૂનો ગણીને ચિચિયારીઓ કરે છે—બરાબર ક્રિકેટમેચના અંદાજમાં. એ ઓડિયન્સને લશ્કરી બાબતોથી દૂર જ રાખવા જેવું છે.

સર્જિકલ સ્ટ્રાઇક જેવી લશ્કરી કાર્યવાહી થાય ત્યારે સામાન્ય જનતાને નિર્ણાયકની તો શું, ઓડિયન્સની ભૂમિકામાં પણ બેસાડવા જેવી નથી. કારણ કે આ ઓડિયન્સને દરેક ચીજમાં મનોરંજન ખપે છે. તેમને એ પણ સમજાતું નથી કે એ જેને પોતાની દેશભક્તિ ગણીને રાજી થાય છે, તે ખરેખર ફિલ્મી મનોરંજનની આદતને કારણે ઉભી થયેલી અપેક્ષા છે અને એ અપેક્ષા સંતોષાવાથી તેમને ફિલ્મમાં હીરોની ફાઇટિંગ ચાલતી હોય એવી કીક આવે છે. આખી પરિસ્થિતિ સાથે સંકળાયેલી વાસ્તવિકતા અને તેના ઘેરાપણાનો-કરુણતાનો-અમાનવીયતાનો અંદાજ થોડા લોકોને આવે છે.

એનડીએ સરકારની સર્જિકલ સ્ટ્રાઇકની સૈન્ય દ્વારા જાહેરાત કરાયા પછી, મિડીયાએ તેને દિલધડક ફિલ્મી પેકેજિંગમાં રજૂ કરી, જેથી ઓડિયન્સની મનોરંજનભૂખ સંતોષાય અને તેમને દેશપ્રેમનો ઓડકાર આવે. સર્જિકલ સ્ટ્રાઇક અંગેની વ્યાપક પ્રતિક્રિયા ફિલ્મ અને ક્રિકેટની ઘેલછાના વિસ્તાર જેવી હતી. મંત્રીઓ અને ભાજપી નેતાઓએ પણ આ ઘેલછાનો કસ કાઢવામાં કશું બાકી ન રાખ્યું. વાત એટલી વધી કે સંયમ માટે જાણીતા નહીં એવા વડાપ્રધાને તેમને કહેવું પડ્યું કે મૂંગા મરો.

અને હવે ઓપરેશન જિન્જરની વિગતો પ્રકાશમાં આવી છે. વર્ષ 2011માં યુપીએ સરકારના રાજમાં થયેલી આ સર્જિકલ સ્ટ્રાઇકને લગતા કેટલાક દસ્તાવેજ પણ ધ હિંદુમાં પ્રગટ થયા છે. એ વખતે પાકિસ્તાની સૈન્યે કેટલાક ભારતીય સૈનિકોનાં માથાં કાપી નાખવા જેટલું ઘાતકીપણું દાખવ્યું હતું. (તેના માટે જંગાલિયત કે પાશવતા જેવા શબ્દો યોગ્ય નથી. કારણ કે તેનાથી જંગલમાં રહેતા લોકોને કે પશુઓને અન્યાય થાય એમ છે) દેશભરમાં હાહાકાર મચ્યો. એ વખતે વિપક્ષી નેતા એવા નરેન્દ્ર મોદી સહિત બીજા ઘણાએ માથાં સાટે માથાં બૂમરાણ મચાવ્યું. આ બનાવ વિશે જાણીને દુઃખ થાય ને પછી ગુસ્સો આવે, એ માનવસહજ છે. પરંતુ એ ગુસ્સા અને દુઃખની લાગણીને પોતાના રાજકીય લાભ માટે વાપરી લેવાં, એ જરાય માનવીય નથી. એ સદંતર નેતાસહજ છે.

પ્રકાશમાં આવેલા દસ્તાવેજો પ્રમાણે, એ વખતની (યુપીએ) સરકારે જવાબી કાર્યવાહી તરીકે ઓપરેશન જિન્જરના આયોજનને મંજૂરી આપી. તેમાં પહેલાં ક્યાં હુમલો કરવો તેની બરાબર તપાસ કરવામાં આવી, પછી ભારતીય સૈન્યટુકડીઓએ અંકુશરેખા ઓળંગીને પાકિસ્તાનની હદમાં ઘૂસીને, પાકિસ્તાની સૈનિકોને માર્યા અને પાકિસ્તાનના ઘાતકીપણાનો એટલા જ ઘાતકીપણા સાથે વળતો જવાબ આપતાં --- પાકિસ્તાની સૈનિકોનાં માથાં કાપી લીધાં.

અત્યાર લગી આ જાહેર ન થયું તે જ સારું હતું. કારણ કે માથાં કાપવાની ઘટનાઓને આપણે આઇસીસનાં રાક્ષસી કૃ્ત્યો સાથે સાંકળતા હોઇએ અને એ જ વાત, ભલે પાકિસ્તાની ઘાતકીપણાના જવાબ તરીકે, આપણા સૈન્ય માટે વાંચવા મળે ત્યારે માણસ તરીકે આનંદ થતો નથી. એવું લાગે છે જાણે આપણે આંખ સાટે આંખના સદીઓ જૂના હિંસક જમાનામાં પહોંચી ગયા હોઇએ. સૈન્યની કાર્યપદ્ધતિના અને સરહદી વાસ્તવિકતાઓના જાણકારો કહી શકે છે કે ત્યાં તો આવું બધું ચાલતું જ હોય છે. એ આપણા સુધી પહોંચતું નથી એટલું જ. અથવા પોતાના સાથીદારોનાં માથાં કપાયેલાં શરીર મળ્યા પછી સૈન્યનો જુસ્સો ટકાવી રાખવાનો પણ તકાદો હોય છે. એ વખતે માનવતાની કે સભ્યતાની ફૂટપટ્ટી લઇને ન બેસાય.

તેમની દલીલમાં તથ્ય હોઇ શકે છે. નાગરિકશાસ્ત્રના ઘણા નિયમ સરહદો પર અને સશસ્ત્ર સંઘર્ષમાં લાગુ પડતા નથી, એ હકીકત છે. પરંતુ એટલું તો થઇ જ શકે કે સરહદ પર આવું જે કંઇ થાય, તેનાથી નાગરિકોને દૂર જ રાખવામાં આવે. કારણ કે, મોટા ભાગના નાગરિકો સરહદ પરની વાસ્તવિકતા, ત્યાં ફરજ બજાવતા સૈનિકોની માનસિકતા, લશ્કરનાં આંતરિક સમીકરણો, રેજિમેન્ટોના ગૌરવભાન જેવી ઘણી બાબતોથી અજાણ હોય છે. અનેક સ્તરીય વાસ્તવિકતાને તે ક્રિકેટમેચ કે ફિલ્મ જેવા સરળીકૃત સ્વરૂપમાં જુએ છે અને હરખાય છે. ઓપરેશન જિન્જરની વિગતો પરથી લાગે છે કે મજબૂરીથી અથવા પુખ્તતાથી પ્રેરાઇને યુપીએ સરકારે તે સમયે આ માહિતી જાહેર ન કરી, એ ડહાપણભર્યું પગલું હતું. લોકોમાં રહેલી અણસમજ અને આદિમ વૃત્તિઓના સ્ફોટક સંયોજનને સરકાર તરફથી પ્રોત્સાહન ન અપાય. ખરેખર તો મીડિયા તરફથી પણ ન અપાવું જોઇએ. પરંતુ મીડિયાને આ જ ઓડિયન્સ વચ્ચે રહીને ધંધો કરવાનો છે,તો નેતાઓને આ જ લોકો પાસેથી મત મેળવવાના છે. ત્યાં અણસમજ અને આદિમ વૃત્તિઓના વિસ્ફોટની ચિંતા કોણ કરે?

ઓપરેશન જિન્જરની ગુપ્તતા હોય કે થોડા સમય પહેલાં થયેલી સર્જિકલ સ્ટ્રાઇકની જાહેરાત, બન્નેમાંથી લેવાનો બોધપાઠ તો એ છે કે આપણી પ્રજા પાસે ધર્મ, સંપ્રદાય, વ્યક્તિપૂજા જેવાં ઘણાં અફીણ પહેલેથી મોજૂદ છે. તેમાં સરહદ પરના લશ્કરી કાર્યવાહીના ફિલ્મી ઢબે વર્ણનનો નશો ઉમેરવા જેવો નથી. નાગરિકો એ નશામાં મત્ત બનશે, તો એ લોકશાહી શાસકોની સફળતાઓ અને નિષ્ફળતાઓ વિશે વિચારવાને બદલે, લશ્કરી કાર્યવાહીઓની જાહેરાતોમાં જ લોકશાહી નેતાગીરીની સાર્થકતા અનુભવતા થઇ જશે.