Showing posts with label asam violence. Show all posts
Showing posts with label asam violence. Show all posts

Tuesday, August 21, 2012

આસામ, મુંબઇ, બેંગ્‍લોરઃ આખરે શું ચાલી રહ્યું છે?


આસામના કોકરાઝાર જિલ્‍લામાં ગયા મહિનાથી સ્‍થાનિક આદિવાસી બોડો લોકો અને મુસ્‍લિમો વચ્‍ચેનું ઘર્ષણ હિંસક બન્‍યું. તેમાંથી મોટા પાયે ફાટી નીકળેલા હુલ્‍લડમાં મુસ્‍લિમો મોટા પાયે ભોગ બન્‍યા. સેંકડો મુસ્‍લિમોને ઘરબાર છોડીને રાહતછાવણીઓમાં આવી જવું પડયું. સામે પક્ષે, સ્‍થાનિક આદિવાસી એવા બોડો લોકોમાં પણ હુલ્‍લડબાજી પછી સરકારી પગલાંની દહેશત ફેલાઇ. એટલે તે પણ ઘરબાર છોડીને ભાગ્‍યા. કોકરાઝાર અને આસપાસના વિસ્‍તારોમાંથી અંદાજે દોઢ-બે લાખ લોકોએ રાહતછાવણીની ભરપૂર અગવડો સામે જોવાને બદલે પોતાની સલામતીને વધારે અગત્‍યની ગણી.

આસામના ઇતિહાસમાં આંતરસંઘર્ષની નવાઇ નથી. તેમાં ફક્‍ત બોડો-મુસ્‍લિમો વચ્‍ચે જ નહીં, બોડો અને બીજી આદિવાસી જાતિઓ વચ્‍ચે પણ લોહિયાળ સંઘર્ષ અને હત્‍યાકાંડ થયા છે. કેટલાક બનાવોને દાયકાથી વધારે સમય વીતી ગયો હોવા છતાં, લોકો હજુ રાહતછાવણીમાં રહે છે. તેમનું જીવન થાળે પડયું નથી. બોડો આદિવાસીઓને ‘હિંદુ' ગણીને, એ સંઘર્ષને ‘હિંદુ-મુસ્‍લિમ કોમવાદ'ના ખાનામાં ગોઠવી દેવાનું બહુ સહેલું અને સુવિધાભર્યું છે. પરંતુ હકીકતમાં બોડો સહિતના ઘણા આદિવાસીઓ હિંદુ ધર્મને બદલે પોતાનો પરંપરાગત ધર્મ પાળે છે અથવા ખ્રિસ્‍તી પણ બન્‍યા છે.

બીજી તરફ, આઝાદી પહેલાંથી અંગ્રેજ જમીનમાલિકોનાં ખેતરોમાં કામ કરવા આસામ આવેલા મુસ્‍લિમ ખેતમજૂરો સ્‍થાનિક આદિવાસીઓને ‘બહારના' લાગે છે. આ કચવાટ બાંગલાદેશમાંથી ગેરકાયદે આસામમાં આવતા મુસ્‍લિમોના કારણે વધે છે. આટલું જ્‍વલનશીલ મિશ્રણ ઓછું હોય તેમ, આખી પરિસ્‍થિતિમાં રાજકારણ ભળે છે. ભાજપ આખી સમસ્‍યાનાં ઇતિહાસ-ભૂગોળ ઘ્‍યાનમાં લીધા વિના તેને ‘બાંગલાદેશી ધૂસણખોરોની સમસ્‍યા' તરીકે ખપાવવા ઉત્‍સુક હોય છે, જ્‍યારે કોંગ્રેસ કશી સ્‍પષ્ટ ભૂમિકા વગર બોડો અને મુસ્‍લિમ એમ બન્‍ને બાજુથી લાડુ લેવાની ફિરાકમાં રહે છે. સુશાસન અથવા કાયદાના શાસન માટે કે આસામ સહિત ઇશાન ભારતનાં રાજ્‍યોની વિશિષ્ટ પરિસ્‍થિતિ સમજવા માટે કોઇ પક્ષ પાસે વૃત્તિ નથી.


આસામની આગના લંબાતા લબકારા

આસામનો આંતરસંઘર્ષ અત્‍યાર સુધી મુખ્‍યત્‍વે સ્‍થાનિક બનાવો પૂરતો મર્યાદિત રહેવાથી, તેની ગંભીરતા દેશના લોકોને અંકે થઇ ન હતી. પરંતુ આ વખતે બે બનાવોને લીધે આખું સમીકરણ બદલાઇ ગયું અને આસામની હિંસા દેશ માટે ચિંતા-ઉચાટનો વિષય બની. સૌથી પહેલાં મુંબઇની રઝા એકેડેમી અને બીજી કેટલીક સંસ્‍થાઓએ આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્‍યો. તેનો મુદ્દો હતોઃ મ્‍યાંમાર અને આસામમાં મુસ્‍લિમો પર થઇ રહેલા અત્‍યાચારનો અને પ્રસાર માઘ્‍યમો દ્વારા થતી તેની ઉપેક્ષાનો વિરોધ. એ કાર્યક્રમમાં પંદરેક હજાર મુસ્‍લિમો ઉમટયા. મુંબઇ પોલીસનો પૂરતો બંદોબસ્‍ત હતો, પરંતુ કમિશનર અરૂપ પટનાયકના જણાવ્‍યા પ્રમાણે, મેદાનની બહાર રહેલા એક ટોળાએ ધાંધલ અને હિંસાની શરૂઆત કરી. તેમણે પોલીસ તથા તેમનાં વાહનો પર હુમલા કર્યા. પ્રસાર માઘ્‍યમોનાં પ્રતિનિધિઓ અને ટીવી ચેનલોની ઓબી વાન પણ તોફાનીઓની ગુંડાગીરીનો ભોગ બન્‍યાં.

એ સમયે ઘટનાસ્‍થળ પર પહોંચી ગયેલા કમિશનર અરૂપ પટનાયકે અસાધારણ સંયમથી કામ લીઘું : કાર્યક્રમમાં મંચ પર પહોંચીને તેમણે ઉપસ્‍થિત મુસ્‍લિમોને અપીલ કરી કે કોઇ પણ હિસાબે ૧૯૯૨નાં કોમી રમખાણોનું પુનરાવર્તન થવું ન જોઇએ. બહાર તોફાને ચઢેલા લોકો અને મેદાનમાં ઉપસ્‍થિત મુસ્‍લિમોને એક લાકડીએ હાંકવામાં નહીં આવે એવી ખાતરી પછી, તોફાનીઓ સામે ટીયરગેસ અને ગોળીબારથી કામ લેવામાં આવ્‍યું, જ્‍યારે મેદાનમાં ભેગા થયેલા મુસ્‍લિમોમાંથી ઘણાખરા સહીસલામત રીતે વિખેરાઇ ગયા. ગોળીબારમાં બે વ્‍યક્‍તિનું મોત થયું, પણ સંખ્‍યાબંધ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા.

મુંબઇમાં મુસ્‍લિમો પર થતા અત્‍યાચારના વિરોધના બહાને, તોફાની ટોળાની ગુંડાગીરીના શરમજનક પ્રદર્શનથી, કોમી દ્વેષ માટે ફળદ્રુપ વાતાવરણ ઊભું થયું. ઘણા સમયથી કોમી તનાવ ભૂલી ચૂકેલા મુંબઇગરાઓ ભડકી ગયા.  અંતીમવાદી રાજકારણના ખેલૈયા ઠાકરે કાકા-ભત્રીજાને મુંબઇ પોલીસનું પગલું સંયમભર્યું પગલું બિલકુલ ન ગમ્‍યું, પણ તેનાથી વિસ્‍ફોટક સ્‍થિતિ એક કલાક કરતાં પણ ઓછા સમયમાં થાળે પડી ગઇ અને જનજીવન સામાન્‍ય બની ગયું. અલબત્ત, સામાન્‍ય નાગરિકોના મનમાં મુસ્‍લિમોના વિરોધ પ્રદર્શનનો (તેની આડપેદાશ જેવી હિંસાને કારણે) કડવો સ્‍વાદ રહી ગયો.


આટલું ઓછું હોય તેમ, ભારતના આઇ.ટી. પાટનગર ગણાતા બેંગ્‍લોરમાં અફવાઓનો દૌર શરૂ થયો. તેનો સાર એટલો હતો કે આસામમાં મુસ્‍લિમો પર થતા અત્‍યાચારનો બદલો, બેંગ્‍લોરમાં રહેતા આસામવાસીઓ- ઇશાન ભારતીયો પર લેવામાં આવશે. એસ.એમ.એસ. અને મુસ્‍લિમો પર અત્‍યાચારની કાલ્‍પનિક વિકૃત તસવીરો-વિડીયો ધરાવતા એમ.એમ.એસ. ફરવા લાગ્‍યા. સાથોસાથ, રમજાન મહિનો પૂરો થયે, મુસ્‍લિમો વળતો હુમલો કરશે એવી ધમકી પણ ખરી.

જોતજોતાંમાં ફેલાઇ ગયેલી અફવાની દહેશતને કારણે આસામ ઉપરાંત ઇશાન ભારતનાં બીજાં રાજ્‍યોના લોકો પણ બેંગ્‍લોર રેલવે સ્‍ટેશન પર સેંકડોની સંખ્‍યામાં ઉમટી પડયા. બે-ત્રણ દિવસમાં દસ હજારથી પણ વઘુ લોકો શહેર છોડીને વતનમાં ચિંતા કરતા પોતાના પરિવાર પાસે પહોંચી ગયા. તેમાં ઇશાન ભારતના કેટલાક મુસ્‍લિમો પણ ખરા. કારણ કે બેંગ્‍લોરમાં તે પહેલાં ઇશાન ભારતીય અને પછી મુસ્‍લિમ હતા.

બેંગ્‍લોરનો ચેપ ચેન્‍નઇ, પૂના, મુંબઇ જેવાં શહેરોમાં પણ લાગ્‍યો. ઇશાન ભારતના લોકો હોસ્‍પિટલ, રેસ્‍ટોરાં, હોટેલ જેવા સર્વિસ સેક્‍ટરના વ્‍યવસાયોમાં નોકરી માટે વતન છોડીને દૂર આવતા હોય છે. આ ક્ષેત્રોમાં તેમની કામગીરી ઘણી વખણાય છે. એટલે નોકરી મૂકીને વતનભેગા થવા ઉતાવળા બનેલા ઇશાન ભારતીયોને સમજાવવા માટે કંપનીના અફસરો છેક પ્‍લેટફોર્મ સુધી ગયા હતા. પરંતુ જીવના જોખમની અફવા સાંભળ્‍યા પછી એ રોકાવા તૈયાર ન થયા.

કારણોનો ચક્રવ્‍યૂહ

અત્‍યાર સુધી બનેલા બનાવોના અર્થઘટન માટે સૌથી સહેલું અને સૌથી અનુકૂળ બીમું ‘હિંદુ વિરૂદ્ધ મુસ્‍લિમ'નું છે. ‘મુસ્‍લિમો તોફાની છે અને એમના લીધે જ બધે અશાંતિ ઊભી થાય છે'- એવો પૂર્વગ્રહ ફેલાવવાના  પ્રયાસો નોંધપાત્ર પ્રમાણમાં સફળ થયા હોવાથી, એ દિશામાં ફક્‍ત હવા આપવાની જ જરૂર હોય છે. ત્‍યાર પછી લોકોના મનમાં પડેલા પૂર્વગ્રહોના તણખા આગ પકડી લે છે. સાથોસાથ, એ વાત પણ  સાચી છે કે મુસ્‍લિમોની રાજકીય, સામાજિક અને ધાર્મિક નેતાગીરી આ પૂર્વગ્રહ ફેલાતો અટકાવવામાં ઊણી ઉતરી છે.


‘એ લોકો વિરૂદ્ધ આપણે લોકો'ની કોમી રમતમાં મુસ્‍લિમ સમાજનો અમુક વર્ગ ઘણી વાર જાણે કે અણજાણે સક્રિય પક્ષકાર બની જાય છે અથવા એ રમતથી પોતાને અળગો કરી શકતો નથી. મુસ્‍લિમોએ દરેક વખતે, દરેક પ્રસંગે પોતાનો રાષ્‍ટ્રપ્રેમ દર્શાવવાની કે સાબીત કરવાની જરૂર ન હોય. પરંતુ પોતાના ધર્મ અને સમાજના લોકો દ્વારા થયેલાં કરતૂતોને છાવરવાને બદલે કે આઘાત-પ્રત્‍યાઘાતની થિયરી મુજબ વાજબી ઠેરવવાને બદલે, તેના વિશે વધારે ખુલ્‍લાશથી અને ખેદથી બહાર આવવું પડે. શિવસેના કે ભાજપને ધરવવા નહીં, પણ પોતાનો હિસાબ ચોખ્‍ખો રાખવા માટે.

‘અમે જે નથી કર્યું તેના માટે અમારે શા માટે દિલગીરી વ્‍યક્‍ત કરવી જોઇએ?' એવો સવાલ અહીં થઇ શકે. પરંતુ મ્‍યાંમાર અને આસામમાં મુસ્‍લિમો પર થઇ રહેલા અત્‍યાચારોના સાચાખોટા સમાચાર સાંભળીને મુંબઇના મુસ્‍લિમો જો ઉકળી શકતા હોય, તો મુંબઇના કેટલાક તોફાની મુસ્‍લિમોનાં કરતૂતોથી એ જ મુસ્‍લિમો શરમાઇ ન શકે? જેટલી સહજતાથી સરેરાશ મુસ્‍લિમો દૂરનાં રાજ્‍યો કે દેશમાં રહેતા મુસ્‍લિમોની અવદશાથી ઉશ્‍કેરાઇ જાય છે, એટલી સ્‍વાભાવિકતાથી પોતાના પ્રદેશ કે દેશમાં પોતાના જ (વંઠેલા) સહધર્મીઓનાં તોફાનથી તે ઉશ્‍કેરાતા નથી.  આ પરિસ્‍થિતિ બન્‍ને પક્ષના અંતીમવાદીઓને બહુ માફક અનુકૂળ આવે છે. કારણ કે બન્‍ને પોતપોતાની ધિક્કારઝુંબેશ માટે દોષનો ટોપલો સામેના પક્ષ પર ઢોળીને, તેને વાજબી ઠરાવી શકે છે.


નાગરિકશાસ્‍ત્ર અને અર્થશાસ્‍ત્ર

આસામ હોય કે બેંગલોર, આખા વિવાદમાં કેન્‍દ્રસ્‍થાને રહેલો એક મુખ્‍ય મુદ્દો પરપ્રાંતીયોના હક અને તેમની સલામતીનો છે. ઘણા અભ્‍યાસીઓ માને છે કે આસામમાં સ્‍થાનિક આદિવાસીઓને ફક્‍ત બાંગ્‍લાદેશીઓ સામે નહીં, ‘બહારના' કહેવાય એવા બધા સામે વાંધો છે. તેમાં આઝાદી પહેલાં આસામમાં વસેલા મુસ્‍લિમો પણ આવી ગયા.  એ લોકો મુસ્‍લિમ છે, તે સંયોગની વાત છે. બાકી, આસામના આદિવાસીઓ અંતીમવાદી હિંદુત્‍વની તાલીમ ધરાવતા હિંદુઓ નથી. બલ્‍કે, અગાઉ જણાવ્‍યું તેમ, એમાંથી ઘણા ખ્રિસ્‍તી છે તો ઘણા આદિવાસી દેવતાને પૂજનારા છે. એટલે ભારતની કહેવાતી મુખ્‍ય ધારાનાં રાજ્‍યોમાં હિંદુ-મુસ્‍લિમ વચ્‍ચેનો દ્વેષ ભલે સ્‍વાભાવિક માની લેવાતો હોય, પણ આસામમાં સ્‍થિતિ જુદી છે. આદિવાસી-મુસ્‍લિમો વચ્‍ચે વેરઝેરનું મુખ્‍ય કારણ મુસ્‍લિમોનો ધર્મ નહીં, પણ ‘બહારના' તરીકેની તેમની ઓળખ છે.

આસામ હોય કે આંધ્ર પ્રદેશ, કર્ણાટક હોય કે મહારાષ્‍ટ્ર- ‘બહારના' લોકો બીજાં રાજ્‍યોમાં કેવી અસલામતી અનુભવે છે, તે બેંગ્‍લોર-ચેન્‍નઇ-પૂણેમાંથી થયેલી સામુહિક હિજરતે દર્શાવી આપ્‍યું છે. એ હિજરત માટે મુસ્‍લિમોના ખોફ કરતાં પણ વધારે ‘બહારના' તરીકેની અસલામતી વધારે અંશે જવાબદાર જણાય છે. ભારતના તમામ નાગરિકોને કોઇ પણ સ્‍થળે જઇને વસવા અને કામ કરવાનો હક હોય છે. એ ફક્‍ત નાગરિકશાસ્‍ત્ર માટે જ નહીં, અર્થતંત્ર માટે પણ આદર્શ પરિસ્‍થિતિ છે. છતાં રાજ્‍ય સરકારો મોટે ભાગે ‘આપણા વિરૂદ્ધ બહારના' જેવા સૂક્ષ્મ ભેદને પ્રોત્‍સાહન આપે છે. મહારાષ્‍ટ્ર જેવાં રાજ્‍યોમાં તો પરપ્રાંતીયો વિરૂદ્ધના દ્વેષની ધરી પર આખેઆખા પક્ષો રચાયા અને ટક્‍યા છે. ભારતનું આર્થિક પાટનગર ગણાતું મુંબઇ પણ અનેક વાર ‘સ્‍થાનિક વિરૂદ્ધ પરપ્રાંતી'ના સંકુચિત રાજકારણનો ભોગ બની ચૂક્‍યું છે.

આવા મુદ્દા બાજુ પર રાખીને, આસામ-મુંબઇ-બેંગ્‍લોરની ઘટનાઓને માત્ર ને માત્ર બાંગલાદેશી ધૂસણખોરોની કે તોફાની મુસ્‍લિમોની સમસ્‍યાના પરિપાક તરીકે જોવામાં આવે, તો તેનાથી અસલામતીનું રાજકારણ ખેલી શકાય, પણ સમસ્‍યાના મૂળ સુધી કદી ન પહોંચાય. તેનો ઉકેલ તો બહુ દૂરની વાત છે.





Tuesday, August 07, 2012

આસામની હિંસાઃ મૂળીયાં અને ફળ


જુલાઇ ૨૦૧૨ના છેલ્લા અઠવાડિયામાં, આસામ ભારતમાં છે તે ફરી એક વાર યાદ આવ્યું. સ્થાનિક બોડો આદિવાસી અને (મુખ્યત્વે બાંગલાદેશથી આવીને વસેલા) મુસ્લિમો વચ્ચેની હિંસાનો સિલસિલો વ્યાપક બન્યો. સરકારી અંદાજ પ્રમાણે ૪૦નાં મરણ થયાં ને સેંકડો જીવ બચાવવા માટે ઘરબાર છોડીને ભાગ્યા. હુલ્લડબાજીને કારણે ૭૨ કલાક સુધી આસામ સાથે બંગાળ, દિલ્હી અને બાકીના ભારતનો ટ્રેન વ્યવહાર ખોરવાઇ જતાં હજારો મુસાફરો પ્લેટફોર્મ પર અટવાઇ ગયા. દરમિયાન કોંગ્રેસી મુખ્ય મંત્રી તરુણ ગોગોઇ ચુસ્તીથી સક્રિય થવાને બદલે કેન્દ્ર સરકારની સામે ટાંપીને બેસી રહ્યા.

અહેવાલો પ્રમાણે હવે રાજ્યમાં શાંતિ છે. ખરેખર તો એમ કહેવું જોઇએ કે ફક્ત હિંસા અટકી છે.

એ વધારે સાચું છે. કારણ કે આ વખતની હિંસા ભલે શમી હોય, પણ તેને પેદા કરનારા અને ભડકાવનારાં કારણ યથાવત્‌ ઊભાં છે. તેમાં ઉતરતાં પહેલાં, કશી ટીકાટીપ્પણ વગર, ટૂંકમાં જે બન્યું તેનો ઘટનાક્રમઃ

૧૯ જુલાઇ, ૨૦૧૨ના રોજ કોકરાઝારમાં બે મુસ્લિમો પર હુમલો થયો. એ માટે ‘બોડો લિબરેશન ટાઇગર્સ’ના માણસો તરફ આંગળી ચીંધાઇ. ૨૦ જુલાઇની રાતે, ચાર બોડો ટાઇગર્સને ટોળાંએ ખતમ કરી નાખ્યા. ૨૧ જુલાઇથી આસામના ત્રણ જિલ્લામાં બોડો લોકોએ મુસ્લિમો પર વ્યાપક હુમલા કર્યા. સરકારી અંદાજ પ્રમાણે ૪૦નાં મોત થયાં. (બીજા અંદાજ પ્રમાણે, પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા ૭ સહિત ૫૭ જણે જીવ ખોયા.) બીજા સેંકડો જીવ બચાવવા માટે ઘરબાર છોડીને નાઠા. તેમનાં ખોરડાં સળગાવી દેવાયાં. હિંસાનો દૌર ચલાવ્યા પછી, હિંસા કરનારા પોલીસપગલાંની બીકે નાસવા લાગ્યા. આમ,  જુદા જુદા અંદાજો પ્રમાણે દોઢ લાખથી માંડીને ચાર લાખ લોકો બેઘર થયાના આંકડા મુકાયા. તેમાંથી ઘણા સરકારે ઊભી કરેલી અને પ્રાથમિક સુવિધાઓ વગરની  રાહતછાવણીઓમાં જઇને રહ્યા.

આસામની હિંસા સમાચારોનાં મથાળે આવી અને હોહા થઇ એટલે વડાપ્રધાને આસામની મુલાકાત લીધી. મુખ્ય મંત્રી ગોગોઇએ હિંસાને તત્કાળ કાબૂમાં લેવાની પોતાની નિષ્ફળતા સ્વીકારવાને બદલે, થોડા દિવસ પછી ‘સબસલામત’ અને ‘પરિસ્થિતિ કાબૂમાં’ હોવાનો દાવો કર્યો. રાજ્યના ૨૮માંથી ફક્ત ૪ જિલ્લામાં હિંસા ફેલાઇ હોવાથી ‘આખું રાજ્ય સળગે છે’ એવું કહેતાં પ્રસાર માઘ્યમોને ઠપકો આપ્યો. તાજા ભૂતપૂર્વ ગૃહમંત્રી બનેલા ચિદમ્બરમે કહ્યું કે બધા લોકોએ એકબીજાની સાથે શાંતિથી રહેતાં શીખવું પડશે. ભાજપી નેતા અડવાણીએ આસામની મુલાકાત પછી કહ્યું કે આ સમસ્યાને હિંદુ-મુસ્લિમ સંઘર્ષના માળખામાં જોવાને બદલે, તેને દેશી વિરુદ્ધ વિદેશી (બાંગલાદેશી)ના પ્રશ્ન તરીકે જોવી જોઇએ.

આસામની સ્થિતિનો શક્ય એટલી વ્યાપક રીતે ખ્યાલ મેળવવા માટે સમસ્યાનાં વિવિધ પાસાંની તથ્યો અને આંકડા આધારિત જાણકારી મેળવીએ.

બાંગલાદેશી- મુસ્લિમ પાસું

આસામની વર્તમાન કોમી હિંસા જ નહીં, સ્થાનિક બોડો લોકોના એકંદર અસંતોષ માટે ‘ગેરકાયદે ધૂસી આવતા બાંગલાદેશી મુસ્લિમો’ જવાબદાર હોવાનું ઘણાને લાગે છે. આવું નિદાન કરનારા દ્વારા અપાતાં કેટલાંક મુખ્ય કારણઃ

૧) આસામ અને બાંગલાદેશ વચ્ચેની પોલી સરહદેથી સંખ્યાબંધ બાંગલાદેશી મુસ્લિમો આસામમાં આવી પહોંચે છે. ત્યાં રહેતાં તેમનાં સગાવહાલાં કે પરિચિતો તેમને સ્થાયી થવામાં મદદરૂપ થાય છે. ઘણી વાર ધૂસણખોર આસામ પહોંચે તે પહેલાં તેના બનાવટી દસ્તાવેજ આસામમાં રહેતાં તેનાં પરિચિતો તૈયાર કરી નાખે છે.

૨) ગેરકાયદે ધૂસી ગયેલા બાંગલાદેશી મુસ્લિમોના મત મેળવવા માટે કોંગ્રેસ તેમના પ્રત્યે આંખ આડા કાન કરે છે અથવા તેમને પ્રોત્સાહન - અને નાગરિકત્વ- મતાધિકાર આપે છે.

૩) આસામમાં મુસ્લિમોનું પ્રમાણ એટલું વધી રહ્યું છે કે સ્થાનિક બોડો આદિવાસી લોકો ખૂણે હડસેલાઇ રહ્યા છે. બોડો લોકોના મનમાં સતત વધતો અસલામતીનો અહેસાસ તનાવ અને સરવાળે અથડામણ- હિંસાને જન્મ આપે છે.

૪) ગેરકાયદે ધૂસતા બાંગલાદેશીઓ રાજ્યનાં જમીન-સંસાધનોમાં ભાગ પડાવે છે અને વખત જતાં કબજો જમાવે છે. તેને કારણે સ્થાનિક બોડો આદિવાસીઓ પોતાના જ વતનમાં બિચારા બની જાય છે.

૫) દેશની સરહદે આવેલા રાજ્યમાં બીજા દેશના લોકો ધૂસી આવે અને રહી પડે એ ચંિતાજનક છે. છતાં, સરકાર એ વાતની ગંભીરતા સમજતી નથી.

આગળ જણાવેલા મુદ્દામાં તથ્યોની સાથોસાથ થોડી પૂર્વગ્રહનીભેળસેળ અને થોડો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય- આંકડાકીય વાસ્તવિકતાનો અભાવ પણ રહેલો છે.

ઐતિહાસિક પાસું

આસામ સમસ્યાની વાત કરતી વખતે બે પ્રાથમિક મુદ્દા સૌથી પહેલાં ઘ્યાનમાં રાખવા પડેઃ આસામના બધા મુસ્લિમો ગેરકાયદે બાંગલાદેશી ધુસણખોરો નથી. માટે, તે સ્થાનિક આદિવાસી બોડો લોકો સહિત બીજા ભારતીય નાગરિકો જેટલા જ અધિકાર ધરાવે છે.

બીજી વાતઃ આસામમાં બોડો એકમાત્ર આદિવાસી સમુહ નથી. કુલ ૩૪ આદિવાસી સમુહોમાં તેમનો સમુહ સૌથી મોટો, રાજકીય દૃષ્ટિએ સૌથી બોલકો અને સંગઠિત છે. તેમના મનમાં પેદા થયેલી અન્યાયની લાગણી માટે કેવળ બાંગલાદેશી ધૂસણખોરો કે કેવળ મુસ્લિમો કારણભૂત નથી. એ સિવાય સંથાલ આદિવાસીઓ સાથે બોડો લોકોના હિંસક સંઘર્ષનો પણ ઇતિહાસ છે.

આસામમાં મજૂરીકામ માટે બંગાળના મુસ્લિમોને લાવવાની શરૂઆત આશરે સો વર્ષથી પણ પહેલાં થઇ હતી. વર્ષો વીતતાં તે જમીનમાલિક અને સ્થાનિક સંસાધનોમાં ભાગ પડાવનારા બન્યા. એ વખતે પ્રશ્ન ગેરકાયદે ધૂસણખોરીનો નહીં, પણ ‘સ્થાનિક વિરુદ્ધ બહારના’  લોકોનો હતો. આસામના- ખાસ કરીને બોડો લોકોની બહુમતી હોય એવા વિસ્તારોનાં- સંસાધનો પર પોતાનો અધિકાર જમાવવા માટે બોડો લોકોનો સંઘર્ષ શરૂ થયો. મુંબઇમાં મરાઠીભાષીઓને લાગે કે ગુજરાતીઓ આવીને મુંબઇ પર કબજો જમાવીને બેસી ગયા છે, એ પ્રકારની આ વાત હતી.

એટલા માટે બોડો લોકોને ફક્ત મુસ્લિમો સામે જ નહીં, બીજા આદિવાસીઓ સામે પણ વાંધા હતા. મોટા આદિવાસી સમુહોને પોતાનાં હિતો જાળવી રાખવા માટે અલગ રાજ્ય જોઇતાં હતાં. અત્યારે મેઘાલય તરીકે ઓળખાતું રાજ્ય આઝાદીના બે દાયકા સુધી આસામનો હિસ્સો હતું. પરંતુ ત્યાંના ગારો અને ખાસી આદિવાસીઓની અલગ રાજ્યની માગણી પછી ૧૯૭૨માં આસામમાંથી ગારો-ખાસી લોકો માટે મેઘાલય રાજ્ય છૂટું પાડવામાં આવ્યું. એવી રીતે બોડો લોકોની માગણી અલગ ‘બોડોલેન્ડ’ માટેની હતી.

૧૯૮૦-૧૯૯૦ના દાયકાઓમાં બોડોલેન્ડ માટેની માગણી સાથે બોડો લિબરેશન ટાઇગર્સની હિંસા ચરમસીમાએ પહોંચી હતી. દરમિયાન, ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી પૂર્વ પાકિસ્તાન બાંગલાદેશ બન્યું. ત્યાંથી મુસ્લિમોની ગેરકાયદે ધૂસણખોરીએ જોર પકડ્યું. પોતાની સર્વોપરિતા સ્થાપિત કરવાની લડાઇમાં બોડો લોકોની મુસ્લિમો ઉપરાંત સંથાલ જેવાં આદિવાસી જૂથો સાથે પણ હિંસક અથડામણો થઇ.  બોડો ટાઇગર્સની હિંસાનો જવાબ હિંસાથી આપવા માટે સંથાલોએ આદિવાસી કોબ્રા ફોર્સની રચના કરી. ૧૯૮૩માં થયેલા નેલ્લી હત્યાકાંડમાં આશરે બે હજાર મુસ્લિમોએ જીવ ગુમાવ્યા.

રાજકીય  પાસું

બોડો વિરુદ્ધ બીજાં જૂથોની હિંસા ઠારવા માટે ૨૦૦૩માં બોડો લીબરેશન ટાઇગર્સ સાથે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને પડખે રાખીને સમજૂતી કરી. તેના પગલે બોડો ટેરિટોરિઅલ કાઉન્સિલ (બીટીસી)ની રચના થઇ. એ રીતે બોડો લોકોને અલગ રાજ્ય તો નહીં, પણ તેમની બહુમતી ધરાવતા વિસ્તારો પૂરતી સ્વાયત્તતા આપવામાં આવી. એ વિસ્તાર ‘બોડોલેન્ડ  ટેરિટોરિઅલ એડમિનિસ્ટર્ડ ડિસ્ટ્રિક્ટ્‌સ’ તરીકે ઓળખાયા. તેમાં કોકરાઝારનો પણ સમાવેશ થઇ જતો હતો. આ ગોઠવણથી બોડો લોકોની લાંબા સમયની માગણી સંતોષાતી હતી. અત્યાર સુધીની સરકારો દ્વારા થયેલી તેમનાં હિતોની ઉપેક્ષા પછી તેમના હાથમાં વહીવટ આવ્યો હતો.  તેમ છતાં, સમસ્યા અને હિંસાનો અંત આવ્યો નહીં.

બોડોલેન્ડના જિલ્લાઓમાં ૨૫ ટકા વસ્તી ધરાવતા બોડો લોકો બાકીના પર રાજ કરે તેનો એ વિસ્તારનાં બોડો સિવાયનાં ૧૮ સંગઠનો વિરોધ કરે છે. બીજી તરફ બોડો લોકોમાંથી એક સમુહને લાગે છે કે બોડો લોકોની સ્વાયત્તતાથી સમસ્યા ઉકલી નથી. કારણ કે તેમના નેતાઓ કોંગ્રેસની કઠપૂતળી બની ગયા છે અને બાંગલાદેશી ધૂસણખોરોનો વસ્તીવધારો અને તેમને મતાધિકાર આપવાની પ્રવૃત્તિ હજુ ચાલે છે. આસામના કુલ ૧.૮૫ કરોડ મતદારો છે. તેમાંથી ચૂંટણીપંચના આંકડા પ્રમાણે આશરે દોઢ લાખ મતદારો શંકાસ્પદ (બાંગલાદેશી મુસ્લિમો) છે.  આ આંકડો બેશક ઓછો નથી અને ચિંતાજનક છે, પરંતુ તે દર્શાવવામાં આવે છે એટલો પ્રચંડ પણ નથી.

આખી સમસ્યામાં સૌથી ખેદજનક અને શરમજનક અભિગમ સરકારનો રહ્યો છે. કોંગ્રેસને એક તરફ બોડો કાઉન્સિલના ટેકાથી આસામમાં સરકાર બનાવવી અને ટકાવવી છે, તો બીજી તરફ બાંગલાદેશમાંથી ગેરકાયદે આવતા મુસ્લિમો પ્રત્યે આંખ આડા કાન કરીને  મતાધિકાર આપીને, તેમના મત પણ મેળવવા છે. બોડો લોકો સાથેની સમજૂતીમાં તે આદિવાસીઓના જમીનહક સુરક્ષિત કરવાની વાત મૂકે છે. સાથોસાથ, બાકીના લોકો પણ છૂટથી જમીન ખરીદી, વેચી કે બીજાના નામે કરી શકે એવી જોગવાઇઓ કરે છે. તેને કારણે બનાવટી દસ્તાવેજો ધરાવતા બાંગલાદેશી ધૂસણખોરો ખાસ કશી ખરાઇ વિના, સહેલાઇથી જમીનની ખરીદી કરી શકે છે.

બાંગલાદેશને ભારત પ્રત્યે સદ્‌ભાવ નથી એ જોતાં આસામને બાંગ્લાદેશી આગંતુકો માટે રેઢું મૂકવાની સરકારી ઉદાસીનતા કે સ્વાર્થી આંખમીંચામણાં પણ દેશહિત માટે નુકસાનકારક છે. સરકારનું કામ આદિવાસી કે મુસ્લિમ, સંથાલ કે બોડોની પંચાતમાં પડ્યા વિના કે પ્રાંતવાદના અખાડામાં ઉતર્યા વિના, નાગરિકોને સમાન તકો આપવાનું, કાયદો-વ્યવસ્થા કડકાઇથી જાળવવાનું અને દેશની સરહદો પર થતી ધૂસણખોરી અટકાવવાનું છે. હિંસા પછી રાહતછાવણીઓ અને નિવેદનબાજીઓથી સંતુષ્ટ થઇ જતી સરકારો જ્યાં સુધી પોતાની મૂળભૂત ફરજો ચૂકતી રહેશે અને સમસ્યાના મૂળથી દૂર રહીને ઇલાજની કોશિશ કરતી રહેશે ત્યાં સુધી આસામની હિંસા જેવી દુર્ઘટનાઓ અટકાવવી મુશ્કેલ છે.