Showing posts with label sports. Show all posts
Showing posts with label sports. Show all posts

Sunday, August 11, 2024

1936ની બર્લિન ઓલિમ્પિક્સ અને બે ગુજરાતીઓ

હિટલરની ઓલિમ્પિકતરીકે વિવાદાસ્પદ બનેલી બર્લિન ઓલિમ્પિકમાં ખેલાડી તરીકે નહીં, પણ વ્યાયામ સંગઠનના સભ્ય તરીકે બે ગુજરાતીઓએ હાજરી આપી હતી. તેમનાં નામ હતાઃ ચિનુભાઈ શાહ અને હરિસિંહ ઠાકોર. તેમાંથી ચિનુભાઈ શાહને વર્ષ 2000માં રાજપીપળાના તેમના ઘરે મળવાનું થયું હતું.

અમારી વાતચીત દરમિયાન ચિનુભાઈએ કહ્યું હતું, ઓલિમ્પિક્સ પહેલાં જ બર્લિનમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોંગ્રેસ યોજાઈ હતી. ભારતમાંથી 24 સભ્યોની ટુકડી તેમાં ભાગ લેવા માટે ગઈ હતી. તેમાં ગુજરાતમાંથી હરિસિંહ ઠાકોર અને હું—અમે બે જણ હતા. જમનાલાલ બજાજના પુત્ર કમલનયન બજાજ પણ અમારી સાથે હતા. ચિનુભાઈ જેની વાત કરતા હતા, તે સંભવતઃ કોંગ્રેસ ઓફ ફિઝિકલ એજ્યુકેશન હશે, જેનું અધિવેશન બર્લિનમાં 24 જુલાઇથી 31 જુલાઇ દરમિયાન યોજાયું હતું અને 1 ઓગસ્ટથી ઓલિમ્પિક્સની શરૂઆત થવાની હતી.

ચિનુભાઈ શાહ, રાજપીપળાના તેમના ઘરે, વર્ષ 2000 (ફોટોઃ બીરેન કોઠારી)

1936ની કેટલીક વિગતો 64 વર્ષ પછી પણ ચિનુભાઈને બરાબર યાદ હતી. તેમણે કહ્યું હતું, 9 જુલાઇ, 1936ના રોજ અમે કોન્ટેવર્લે નામની ઇટાલિયન સ્ટીમરમાં મુંબઈથી રવાના થયા. વાયા સુએઝ કેનાલ, પોર્ટ સઇદ-એબસિનિયા થઈને 22 જુલાઇએ વહેલી સવારે અમે વેનિસ ઉતર્યા. ત્યાંથી રાત્રે ટ્રેનમાં બેઠા એટલ બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે બર્લિન. ત્યાં અમને લેવા માટે (પાછળના ભાગમાં) બાંકડા ગોઠવેલી ટ્રક આવી હતી. તેમાં બેસીને અમે પાંચેક માઇલ દૂર આવેલા ઓલિમ્પિક્સ વિલેજ પર પહોંચ્યા હતા.

ચિનુભાઈનાં બર્લિન-સ્મરણો

ઓલિમ્પિક્સની સ્પર્ધાઓ શરૂ થાય તે પહેલાં યજમાન અને કેટલાક મહેમાન દેશો તેમની વિવિધ રમતોનું પ્રદર્શન કરે, એવી જોગવાઈ 1924થી ઓલિમ્પિકના નિયમોમાં સત્તાવાર રીતે દાખલ કરવામાં આવી હતી. (https://library.olympics.com/doc/SYRACUSE/619826) તે પ્રમાણે બર્લિનના એક હોલમાં રમતો વિશે ચર્ચા થતી હતી અને મેદાનમાં રમતો દેખાડવા માટે દરેક ટીમને 45 મિનીટ મળતી હતી. ભારતીય રમતોનું પ્રદર્શન કરવા માટે અમરાવતી (મહારાષ્ટ્ર)ની હનુમાન વ્યાયામ પ્રસાર મંડળીના 24 ચુનંદા સભ્યો બર્લિન જવા રવાના થયા, તેવા સમાચાર 10 જુલાઇ, 1936ના ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રગટ થયા હતા. તે ટુકડીના આગેવાન ડો. કે.એસ. કાણે હતા.

ભારતીય ટુકડીએ બર્લિનમાં કેવી છાપ પાડી હતી, તેનો અંદાજ આપતાં ચિનુભાઈએ કહ્યું હતું,આપણી ટીમે કબડ્ડી, ખો ખો, આટાપાટા, લાઠી, લેજીમ, મલખમ જેવી રમતો બતાવી. તેનાથી લોકો એટલા ખુશ થયા હતા કે તેમને ત્રણ વાર 45-45 મિનિટનો સમય આપવામાં આવ્યો. ભારતીય ટીમનો સમય પૂરો થયો ત્યારે ત્યાં હાજર રહેલા વ્યાયામ અને શારીરિક શિક્ષણના એક વિદ્વાનોમાંથી પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું,શ્વાસ એટલે પ્રાણ. શ્વાસ પર આધારિત રમતો અમે શોધી શક્યા નહીં. એ તમારી પાસેથી જોવા મળી. બીજાએ કહ્યું હતું, તમે જ્યારે લેજીમ કરતા હતા ત્યારે અમને એક્સ્ટસીનો (પરમ આનંદનો) અનુભવ થયો હતો.

ચિનુભાઈનું ઓલિમ્પિક્સ-ઓળખપત્ર

ચિનુભાઈએ કહેલો એક કિસ્સો એવો છે, જેનો ક્યાંય લેખિત કે બીજો આધાર મળતો નથી, પરંતુ તેમણે તે બીજી વાતોના પ્રવાહમાં સહજતાથી વર્ણવ્યો હતોઃ (કોંગ્રેસ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં ભાગ લેનારા) તમામ 31 દેશોના પ્રતિનિધિઓને પોતપોતાના દેશનું લોકગીત રજૂ કરવાનું કહેવામાં આવ્યું. અમને કોઈને ગીત આવડે નહીં, પણ અમારી સાથે મુંબઈની ન્યૂ એરા હાઇસ્કૂલના નગીનભાઈ મહેતા હતા. તેમને ટાગોરનું ગીત એકલા ચલો આવડતું હતું. તેમણે અમને એ ગીતની પ્રેક્ટિસ કરાવી. નસીબજોગે 31માંથી પસંદ થયેલાં પાંચ ગીતોમાં અમારું ગીત પસંદ થયું અને અમે ઓલિમ્પિકના આરંભ-ઉત્સવ નિમિત્તે બર્લિન રેડિયો પર તે ગીત ગાયું.

સ્ટેડિયમમાં બેસીને ઓલિમ્પિકની રમતો જોનાર ચિનુભાઈએ હિટલરને દૂરથી જોયો હતો. તેમણે કહ્યું હતું, હિટલરનો સ્ટેડિયમમાં જવા આવવાનો રસ્તો જુદો. એ આવે એટલે ચિક્કાર ભરેલું સ્ટેડિયમ ઊભું થઈને નાઝી સલામી આપે. ઓલિમ્પિકના કુસ્તી વિભાગમાં વડોદરા સેન્ટ્રલ જેલના જેલર થોરાટે ભાગ લીધો હોવાનું જણાવીને ચિનુભાઈએ એક કિસ્સો યાદ કર્યો હતોઃ પહેલા જ રાઉન્ડમાં તેને જર્મન કુસ્તીબાજ સામે રમવાનું આવ્યું અને એ હારી ગયો. મેચ પૂરી થયા પછી તે અમને કહે, આ જર્મનો પાતળા દેખાય છે, પણ તાકાત એવી હોય છે કે એક વાર ખભા પર હાથ મૂકી દે, એટલે માથું ઊંચું ન થાય.

થોરાટનો બીજો સંદર્ભ તો નથી મળ્યો, પણ બર્લિન ઓલિમ્પિક્સના જ વર્ષે, ભારતીય ટીમની પસંદગી માટે યોજાયેલી સ્પર્ધાઓમાં પહેલી વાર વડોદરા રાજ્યની ટીમ ભાગ લેશે, એવા સમાચાર 7 ફેબ્રુઆરી 1936ના ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયા હતા. તેમાં બેન્ટમવેઇટ (મધ્યમ વજન)ની કેટેગરીમાં ભાગ લેનાર કુસ્તીબાજનું નામ એસ.આર. થોરાટ જણાવાયું હતું. ચિનુભાઈએ જેમની વાત કરી હતી, તે આ થોરાટ હોઈ શકે.

બર્લિનના અનુભવોઃ હરિસિંહ ઠાકોરની નજરે

બર્લિન ગયેલા ગુજરાતના બીજા પ્રતિનિધિ હરિસિંહ ઠાકોરે પાછા આવીને સુરતના આર્યસમાજ હોલમાં તેમના અનુભવો વિશે પ્રવચન આપ્યું હતું. તેની વિગતવાર નોંધ કુમાર માસિકના અંક 154 (આસો, સંવત 1992)ના માધુકરી વિભાગમાં પ્રગટ થઈ હતી.

હરિસિંહે લખ્યું હતું, અમે 25મી જુલાઇએ અમારો કાર્યક્રમ બતાવ્યો. તેમાં લેજીમ, ભાલા, મગદળ વગેરે સંઘવ્યાયામનો સમાવેશ હતો. ત્યાંના લોકોને લેજીમ ખૂબ ગમી ગઈ... એ પ્રયોગ પૂરો થતાં કેટલાયે લોકો લેજીમ જોવા આવ્યા. મલખમ ણ એ લોકોના જોવામાં જ નહીં આવેલું. એના પ્રયોગોથી તે લોકોને ઘણી અજાયબી થઈ ને તેમણે જાતજાતના ફોટા લીધા...ત્યાંના લોકોને હુતુતુતુની રમત ખૂબ જ પસંદ પડી. જરા પણ આવડે નહીં એવા લોકો અમારી સાથે રમવા આવતા...

અહેવાલમાં નોંધાયા પ્રમાણે,આ પ્રયોગો થતા ત્યારે ફિલ્મો લેવાતી હતી. અમારા કામ માટે અમને દુનિયાની પ્રજાઓમાં બીજો નંબર મળ્યો એથી અમને આનંદ થયો. પહેલી વખતે જઈ આવું સ્થાન મેળવવા માટે અમને કંઈક ગર્વ પણ થયો. પહેલો નંબર ઓસ્ટ્રિયનો લઈ ગયા...

1936ની બર્લિન ઓલિમ્પિક્સ હોકીમાં ભારતને મળેલા સુવર્ણચંદ્રક અને ટીમના કેપ્ટન-હોકીના જાદુગર ગણાતા ધ્યાનચંદની રમત માટે પણ યાદ કરવામાં આવે છે. પણ હોકી ટીમના જીતના સિલસિલા પહેલાંનો એક કિસ્સો હરિસિંહે યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું, હિંદી ટીમ જતાં જ ત્યાં હોકીની મેચ રમાઈ. તેમાં થાક ને ગ્રાઉન્ડને કારણે હિંદીઓ છ ગોલે હાર્યા હતા. તેથી અમને ભારે નિરાશા થઈ હતી. પણ તે પછી તો હિંદથી વિમાનમાં બે ખેલાડીઓ આવ્યા, તેમને આરામ પણ મળ્યો અને રમવાના સ્થળની પણ સુગમતા થઈ. એટલે તો પછી કોઈનો ગજ ન વાગ્યો.

ઓલિમ્પિક્સની મશાલ-પરંપરાઃ બર્લિન પછી વડોદરા

ધ્યાનચંદને સ્ટેડિયમમાં રમતા જોનાર ચિનુભાઈએ પણ અમારી વાતચીત દરમિયાન (તેમણે જોયેલો કે સાંભળેલો) એક કિસ્સો વર્ણવ્યો હતો. એક પ્રેક્ટિસ મેચમાં ભારતને પેનલ્ટી કોર્નર મળતાં ધ્યાનચંદે સ્ટ્રોક માર્યો, પણ બોલ ગોલ પોસ્ટથી થોડા સેન્ટીમીટર દૂર પડ્યો. તરત ધ્યાનચંદે કહ્યું કે ગોલ પોસ્ટનું માપ ખોટું હોવું જોઈએ. પછી માપ લેવાયું તો ધ્યાનચંદની વાત સાચી નીકળી.બર્લિન ઓલિમ્પિક્સમાં ભારતની ટીમે કરેલા 38 ગોલમાંથી 11 ગોલ ફક્ત ધ્યાનચંદના હતા.

બર્લિનની ઓલિમ્પિક પહેલાં ઓલિમ્પિક સમારંભનો આરંભ મશાલ જલાવીને કરવામાં આવતો હતો, પણ 1936ની બર્લિન ઓલિમ્પક્સમાં પ્રચારબહાદુર નાઝી ભેજાબાજોએ નવો ખેલ પાડ્યોઃ તેમણે પ્રાચીન ઓલિમ્પિક્સના આરંભસ્થાન, ગ્રીસના ઓલિમ્પિયાથી રીલે દ્વારા (વારાફરતી એક-એક જણ) મશાલની સફર આગળ વધારે અને છેવટે બર્લિનના સ્ટેડિયમ સુધી તે મશાલ પહોંચે, એવું આયોજન વિચાર્યું. ત્યાર પછી તો એ ધારો સ્થાપિત થઈ ગયો અને તેની અસર ભારત સુધી પહોંચી.

બર્લિનમાં 'મશાલ-સરઘસ' (ફોટોઃ ગેટી ઇમેજીસ)

ભારતમાં ઘણા પ્રાંતો ને રજવાડામાં ઓલિમ્પિક્સ નામે રમતોત્સવ યોજાતા હતા. વડોદરામાં પણ તે બહુ જૂના વખતથી યોજાતો હતો. વડોદરાના મહારાજા પણ બર્લિનની ઓલિમ્પિક્સ જોવા માટે લંડનથી બર્લિન ઉપડ્યાના સમાચાર 1 ઓગસ્ટ, 1936ના ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવ્યા હતા. ચિનુભાઈના કહેવા પ્રમાણે, બર્લિન ઓલિમ્પિક્સ પછી વડોદરામાં પણ મશાલની પ્રથાનું અનુકરણ થવા લાગ્યું. ગાયકવાડી રાજના જે શહેરમાં ઓલિમ્પિક્સ યોજાય, ત્યાં વડોદરાથી ઓલિમ્પિક્સની મશાલ પણ, અસલ ઓલિમ્પિક્સની સ્ટાઇલમાં પહોંચાડવામાં આવતી હતી.

બર્લિનથી પાછા આવ્યા પછીનાં વર્ષોમાં હરિસિંહ ઠાકોરની વિગત જાણવા મળી નથી, જ્યારે ચિનુભાઈએ તેમનું આખું જીવન શારીરિક શિક્ષણના ક્ષેત્રમાં વીતાવ્યું. તે રાજપીપળાના છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સાથે સંકળાયેલા રહ્યા-વ્યાયામ વિજ્ઞાનકોષના દસ ગ્રંથ તૈયાર કરવામાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો અને ગુજરાતી વિશ્વકોશમાં પણ વ્યાયામ-ખેલકૂદના વિષયનાં ઘણાં અધિકરણ (ચોક્કસ વિષયની માહિતી આપતી નોંધો) લખ્યાં.

Wednesday, August 31, 2016

બેડમિંટન-સંસ્કૃતિ : ફૂલ આહિસ્તા ફેંકો

(દર બુધવારેબોલ્યુંચાલ્યું માફ’ હવે બ્લોગ, ફેસબુક અને  વોટ્‌સએપ પર)

ચાંદીના ભાવે રજતચંદ્રક ને સોનાના ભાવે સુવર્ણચંદ્રક મળતા હોત, તો ઓલિમ્પિકમાં એકથી સો નંબરે ભારત જ ભારત હોત. પરંતુ  ઓલિમ્પિકવાળા અવળચંડા અને ભારતદ્વેષી છે. ભારતને ઇરાદાપૂર્વક પછાત દેખાડવાના પાશ્ચાત્ય કાવતરા તરીકે ઓલિમ્પિકની રમતમાં એવા નિયમ રાખવામાં આવ્યા છે ને મોટા ભાગની રમતો પણ એવી રાખવામાં આવી છે કે જેથી ભારતના ખેલાડીઓ જીતી ન શકે. તેમ છતાં, આ વખતે બેડમિંટનની રમતમાં ભારતને રજતચંદ્રક મળ્યો. સોનાની અવેજીમાં ભારતીયોને ચાંદી પણ ચાલે. એવું કંઇ નહીં. પણ આ વખતે મામલો માત્ર સોનાચાંદીનો ન હતો. (એક ચ્યવનપ્રાશના દાવા પ્રમાણે, સોનુંચાંદી તો ભારતમાં લોકોને થોડા રૂપિયા ખર્ચવાથી ચ્યવનપ્રાશમાં પણ મળી જાય છે.) બેડમિંટનમાં ચંદ્રક મળ્યો. એટલે તેનો મહિમા થયો અને સોનાનાં (કે ચાંદીનાં) ઇંડા ન આપતી હોવાને કારણે ઘરકી મુર્ગીગણાતી એ રમત તરફ લોકોનું ધ્યાન પડ્યું. .

ભારતીયો કોઇ રમતને ગંભીરતાથી ત્યારે જ લે, જ્યારે એના ખેલાડીઓ...ના, સર્વોત્કૃષ્ટ દેખાવ કરે ત્યારે નહીં, પણ કરોડો રૂપિયાના જાહેરખબરના કોન્ટ્રાક્ટ સાઇન કરે અને તેલ-ટુથપેસ્ટથી માંડીને લાઇટના બલ્બ-ફર્નિચર-એનર્જી ડ્રિન્ક સુધીની જાહેરખબરોમાં દેખાવા લાગે ત્યારે. એ હિસાબે બેડમિંટનમાં ચંદ્રકવિજેતા સિંધુએ હજુ ઘણું લાંબું અંતર કાપવાનું છે અને ઘણાં તેલ, ઘણા બામ, ઘણી ટુથપેસ્ટ ને ઘણાં ડ્રિન્ક સુધી પહોંચવાનું છે. એવું થાય તો ત્યારે સિંધુને રજતચંદ્રકવાળી નહીં, અસલી ચાંદીથશે.

આઘાતમિશ્રિત આશ્ચર્યની વાત એ છે કે ભારતને બેડમિંટનમાં ચંદ્રક આટલો મોડો કેમ મળ્યો? અને આટલા પાયાના-ગંભીર સવાલ વિશે ચિંતા કરવાનું કોઇને કેમ સૂઝતું નથી? ઉનાળાના વેકેશનમાં ફ્‌લેટ-સોસાયટીની ખુલ્લી જગ્યાઓથી માંડીને ગામડાંની શેરીઓમાં, મોટે ભાગે મ્યુનિસિપાલિટીની લાઇટના અજવાળે રમતા લોકોની સંખ્યાને ધ્યાનમાં લેતાં, બેડમિંટનનો ચેમ્પિયન ભારતમાં ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં પાકવો જોઇતો હતો. સુનિલ ગાવસ્કર જેવા આગલી પેઢીના મહાન ક્રિકેટરો સાંકડી ગલીઓમાં બેટિંગ કરીને સ્ટ્રેટ ડ્રાઇવના આંતરરાષ્ટ્રિય નિષ્ણાત બની શક્યા, એ જ તરાહ પર બેડમિંટનના શેરી ચેમ્પિયનો કેમ ન નીપજી શકે?

ઓલિમ્પિકના પ્રચાર અને આરંભ-અંતસમારંભોના ઝળહળાટથી અંજાઇ લીધા પછી વાસ્તિવક રીતે વિચારો : ફૂલરેકેટતરીકે ઓળખાતું શેરીનું બેડમિંટન પ્રમાણમાં વધારે અઘરું ને પડકારજનક નથી હોતું? સ્ટેડિયમ જેવું પ્રોફેશનલ, ચોખ્ખુંચણાક મેદાન ન હોય, સફેદ પાઉડરથી વ્યવસ્થિત દોરેલી લીટીઓ ન હોય, ગણિતના પ્રમેયમાં આવતા કોઇ પદની જેમ કે આસ્તિકોના ઇશ્વરની જેમ, બે ખેલાડીઓની વચ્ચે હોઇ શકતી જાળીને ધારી લેવાની હોય, વર્ષોથી ચાલતાં રેકેટની ગૂંથણી ઢીલી પડી થઇ ચૂકી હોય, તેની જાળીનાં અમુક ચોખંડાં એવી રીતે તૂટેલાં હોય કે ફટકો મારતી વખતે એ ભાગ સામે આવે તો ફૂલ રેકેટથી આલિગંનબદ્ધ થઇ બેસે. ફૂલના દેખાવમાં પણ વિભક્તેષુ અવિભક્તમ્‌’ (આમ વિભાજિત છતાં આમ અખંડ)ની ભારત માટે વપરાતી ઉક્તિ ચરિતાર્થ થતી હોય. ફૂલનો દેખાવ ખીલેલા નહીં, ચીમળાયેલા ફૂલ જેવો કે પીંછા ખરી ગયેલા પક્ષી જેવો લાગતો હોય. ઘણી વાર તો ફૂલના તળિયે રહેલો નક્કર અર્ધગોળાકાર જ તેની હયાતીનું (એક માત્ર) પ્રમાણપત્રબન્યો હોય. 

આવા વાતાવરણમાં અને આ પ્રકારના સરંજામ સાથે ફૂલરેકેટ રમાતું હોય, ત્યારે સમાંતરે રસ્તા પરનો ટ્રાફિક ચાલુ જ હોય. શેરીખેલાડીએે બાજુમાંથી પસાર થતી સાયકલ કે બાઇક કે કાકા કે આન્ટીને રેકેટની પ્રહારમર્યાદાથી બહાર રાખવાં પડે. પક્ષીની આંખ જોતા અર્જુનની જેમ એ ફક્ત ફૂલ જોઇને બેસી રહે, તો તેને પોતાના જ રેકેટથી કોઇના હાથની પ્રસાદીખાવાનો વારો આવી શકે. ફૂલરેકેટના મેદાન તરીકેનો બિનસત્તાવાર દરજ્જો પામેલા વિસ્તારમાં સરહદો સ્પષ્ટ અંકાયેલી ન હોય અને પ્રતિસ્પર્ધી ઝઘડાળુ હોય ત્યારે ભારતપાકિસ્તાનની જેમ સરહદવિવાદ સતત સળગતો રહે ને ફૂલ ક્યાંથી આગળ જાય તો આઉટ કહેવાય તેની અંકુશરેખાઓ વારેઘડીએ બદલાતી હોય. તેમ છતાં, ડૂબતી ટાઇટેનિકમાં સ્થિતપ્રજ્ઞતાપૂર્વક સંગીત વગાડનારા કલાકારોની જેમ, શેરીખેલાડીઓએ રમત ચાલુ રાખવી પડે. જરા વિચારો : આવા ખેલાડીઓની એકાગ્રતાની બરાબરી ઓલિમ્પિક ચેમ્પિયન પણ શી રીતે કરી શકવાના હતા?

ફૂલરેકેટના શેરીચેમ્પિયન બનવા માટે ફક્ત એકાગ્રતા જ નહીં, સંયમ અને અંકુશ જેવા ગુણ પણ અનિવાર્ય બને છે. કારણ કે સ્ટ્રોક જોરથી કે વધારે ઊંચો કે અમુક દિશામાં મારવાથી ફૂલ છગનકાકાના છાપરે કે અરુણામાસીની અગાસીએ કે બાલુકાકાની બાલ્કનીમાં કે બચીકાકીની બારીમાં જઇ શકે. તેમાંથી એકાદનો મિજાજ આ રીતે આવતા ફૂલને સરહદપારથી આવેલા તોપના ગોળા સમકક્ષ ગણવાનો હોય, એટલે થયું. ફૂલરેકેટ બાજુ પર રહી જાય અને વગર રેકેટે-વગર ફૂલે શાબ્દિક શટલકોક શરૂ થઇ જાય.

શેરીના ફૂલરેકેટ અને ઓલિમ્પિકના બેડમિંટન વચ્ચે બીજા તફાવતો તો ઠીક છે, સૌથી મોટો તફાવત ભાવનાનો છે અને તેમાં ભારત અત્યાર સુધી હારીને પણ જીતી જતું હતું. શેરીમાં, જાળી વગર ફૂલરેકેટ રમી ચૂકેલા સૌ જાણે છે કે આ રમતાં ખરી કમાલ-ખરી સિદ્ધિ પ્રતિસ્પર્ધીને હરાવવામાં નહીં, પણ સામેવાળાને પ્રતિસ્પર્ધીને બદલે સાથી ગણવામાં અને તેની સાથેની રમત ટકાવવામાંછે. ઓલિમ્પિકમાં એક નજરે એવો ભ્રમ થાય કે બન્ને ખેલાડીઓ સામસામે બહુ ટકાવેછે, પણ હકીકત જુદી છે : આ ખેલાડીઓ રમતના આનંદ ખાતર કે શેરીખેલાડીઓ જેવી સહઅસ્તિત્ત્વની-સાથીપણાની ભાવનાને કારણે નહીં, પણ પોઇન્ટ મેળવવા માટે વળતો ફટકો મારે છે.

શેરીખેલાડીઓની રમતમાં થતી સામસામી ટકાટક અને ઓલિમ્પિક સ્તરના ખેલાડીઓ વચ્ચેની ઠકાઠકમાં પાયાનો તફાવત છે : એકમાંથી મૈત્રીભાવના પવિત્ર ઝરણાનો ખળખળાટ --અને કેટલાક કિસ્સામાં આવડતના અભાવનો સળવળાટ સાંભળી શકાશે, જ્યારે બીજામાં મારે તેની તલવારમાં પશુબળની બોલબાલા પ્રાધાન્ય ભોગવતી જણાશે. એવી પશુબળપ્રધાન રમત રમીને વિજેતા બનવું, એટલે ભારતીય મૂલ્યો તથા તેના આધ્યાત્મિક વારસાને અભરાઇ પર ચડાવી દેવો.


શેરીક્રિકેટની જેમ શેરીબેડમિંટનનો જુદો મહિમા હતો. ભારતની શેરીઓમાં કન્યારત્નો સામાન્ય રીતે ક્રિકેટ રમતાં ન હોય, પણ વેકેશનમાં તેમની સાથે ફૂલરેકેટની રમત માંડી શકાતી હતી. તેમાં રમતના ભાગરૂપે સર્જાયેલી જોડીઓ ફૂલરેકેટથી ફૂલહાર સુધી પહોંચી ગયાના કિસ્સા પણ નોંધાતા હતા. એટલે સોના જેવી બજારુ ચીજની લાલચે નહીં, પણ મૂલ્યવાન સંબંધોની દિલી અપેક્ષા સાથે ઘણા લોકો શેરીમાં ફૂલરેકેટ રમવા ઉતરતા હતા. ગરીબ માણસના દાંત અને અન્નને વેર હોય તેમ, આવા ઉત્સાહીઓના રેકેટ અને ફૂલને જાણે વેર હોય એવી શંકા ઘણી વાર જતી. વળતો ફટકો તો ઠીક, એક હાથે ફૂલ ઉછાળીને બીજા હાથે તેને રેકેટમિલાપ કરાવવાનું પણ તેમનાથી શક્ય બનતું ન હતું. એનો તેમને અફસોસ પણ ખાસ ન થતો. કારણ કે ક્યાંક જીતવા માટે ક્યાંક હારવું પડે છે, એ ફિલસૂફી તેમણે પચાવી હતી. હવે ફક્ત બેડમિંટન જ નહીં, આવી ફિલસૂફી શીખવા માટે પણ લોકોને ક્લાસ ભરવા પડે એવો જમાનો છે.

Saturday, August 20, 2016

દેશની શોભા, દેશનો ડે: સિંધુની સાક્ષીએ...

એક હતાં અંગ્રેજી લેખિકા નામે શોભા ડે. એ ખરેખર તો હતાંનહીં, હજુ પણ છે. તેમણે ફિલ્મી--અને ઘણી વાસ્તવિક--સાસુઓને છાજે એવી રીતે મહેણું માર્યું હતું કે ઓલિમ્પિકમાં ગયેલી ભારતની ટુકડી જીતીને મેડલ લેવા નહીં, ફક્ત સેલ્ફી પડાવવા ગઇ છે. તેમણે એ વખતે ખાલી હાથપાછી ફરનારી ભારતની ટીમને લગભગ ગબ્બર-અંદાજમાં બહુત નાઇન્સાફી હૈકહીને ઝૂડી પાડી. એમ પણ કહ્યું કે રૂપિયાનો અને સંસાધનોનો કેવો બગાડ. શોભાબહેનનો કહેવાનો ગૂઢાર્થ એવો હશે કે રૂપિયા અને સંસાધનોનો બગાડ કરવા માટે આપણે આટલા બધા રાજકારણીઓ રાખ્યા છે અને એ બધા દેશમાં રહીને એ જ કામ અસરકારક રીતે કરી શકતા હોય, તો એ માટે બીજા લોકોએ પરદેશ જવાની શી જરૂર

દેશમાં પૂરો વરસાદ પડે કે ન પડે, લાગણીની ખેતી પૂરતી માત્રામાં થાય છે. એટલે ગમે ત્યારે લાગણીદુભાવનો પાક લણી શકાય. શોભા ડેના ટ્વિટથી કેટલાકને સાદું દુ:ખ થવાને બદલે, તેમનો દેશપ્રેમ ઘવાયો. તેમને લાગ્યું, જાણે ઓલિમ્પિકમાં ગયેલા ખેલાડીઓ કાળિયાર છે ને શોભા ડે સલમાનખાન. સૌ જાણે છે કે, ફક્ત આટલું જ લાગ્યું હોત તો કશો પ્રશ્ન ન હતો. સલમાનને કશું ન થયું એમ શોભા ડેને પણ કશું ન થાત. પરંતુ કેટલાકને એક ડગલું આગળ વધીને એવું લાગ્યું, જાણે ઓલિમ્પિકની ભારતીય ટુકડી પવિત્ર ગાયછે અને શોભા ડે...

પછી તો વાર શાની? ટ્વિટર પર 17,576મું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. (હા, ટ્વિટર પર દરેક વિવાદ વખતે માહોલ એવો જ ઊભો થાય છે, જાણે વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હોય.) આ યુદ્ધ શમે તે પહેલાં ભારતની કુસ્તીબાજ સાક્ષી મલિકે રિંગમાં તેની હરીફ ખેલાડીને અને રિંગની બહાર શોભા ડેને પછડાટ આપીને રિઓ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો ચંદ્રક જીતી લીધો. પણ શોભા ડે એમ હાર માને એવાં, કાચાં દેશભક્ત નથી. બેડમિંગ્ટન ખેલાડી સિંધુની સુવર્ણચંદ્રક જીતવાની શક્યતા હતીત્યારે તેના માટે તેમણે સિલ્વર ક્વિન?’ જેવો બીજો ટોણો માર્યો. લોકો ફરી શોભા ડેના નામનો કકળાટ કરવા લાગ્યા.


શોભા ડેને પણ થયું હશે કે તેમણે કેવા નગુણા દેશમાં જનમ લીધો. તેમના એક અળવીતરા પછી (અને તેના પરિણામે અઢળક ગાળો ખાવાથી) ભારતને એક કાંસ્ય ચંદ્રક મળતો હોય, તો દેશ કાજે શોભા ડેએ ફરીથી ગાળો ખાઇને દેશને ગોલ્ડ મેડલ અપાવવાની કોશિશ કરી. પણ લોકો તેમની ભાવના સમજી શક્યા નહીં. ખરેખર તો આવતી ઓલિમ્પિકમાં ભારતની ટીમ સાથે શોભા ડેને મોકલવાં જોઇએ, જેથી તે રોજ મહેણાં મારે અને ટીમના ખેલાડીઓ રોજ મેડલ જીતી શકે.

Tuesday, June 17, 2014

મંદીગ્રસ્ત બ્રાઝિલમાં ફૂટબોલ વર્લ્ડકપના જશ્નનો જોરદાર વિરોધ : સરકાર વિરુદ્ધ નાગરિકોની ‘મેચ’

ભારતમાં ક્રિકેટ માટે છે એવી કે એનાથી પણ વધારે ઘેલછા બ્રાઝિલમાં ફૂટબોલ માટે છે. ત્યાં ૧૯૫૦ પછી પહેલી વાર ફૂટબોલનો વર્લ્ડ કપ યોજાયો હોય ત્યારે દેશ કેવો હિલોળે ચઢે?

ઘરઆંગણે ૬૪ વર્ષ પહેલાંના વર્લ્ડ કપની ફાઇનલમાં બ્રાઝિલની હાર થઇ હતી. તેનો ઘા દેશના ઘણા ફૂટબોલઘેલા હજુ વિસર્યા નથી. યજમાન અને વર્લ્ડ ચેમ્પિયન બનવાની એ તક ૨૦૧૪માં ફરી આવી હોય ત્યારે ત્યારે બ્રાઝિલના વાતાવરણમાં કેવો ‘ચાર્જ’ હોય?

પણ સવાલ એ છે કે ‘બ્રાઝિલ’ એટલે કોણ?

‘બ્રાઝિલ’ એટલે ‘બ્રાઝિલની સરકાર’ એવી સમજણથી જોઇએ તો, છેલ્લા એકાદ વર્ષમાં સરકારી રાહે વર્લ્ડ કપંની તડામાર તૈયારી ચાલી. જૂનાં સ્ટેડિયમોનું નવીનીકરણ, નવાં સ્ટેડિયમનું બાંધકામ, વર્લ્ડ કપના યજમાન દેશે ‘ફીફા’ / FIFA (ફૂટબોલના આંતરરાષ્ટ્રિય સંગઠન)ની શરતો પ્રમાણે ઊભી કરવી પડતી સંખ્યાબંધ ખર્ચાળ સુવિધાઓ, શહેરોની ‘સફાઇઝુંબેશ’... આ બધા ઉપરાંત બે કલાકાર ભાઇઓએ બ્રાઝિલની ફૂટબોલ ટીમને એક શહેરથી બીજા શહેરમાં લઇ જતા વિમાન પર ચિત્રકામ કર્યું છે. કલર સ્પ્રેના ૧,૨૦૦ ડબ્બા વાપરીને કરાયેલાં આ ચિત્રોમાં બ્રાઝિલના પ્રતિનિધિ જેવા સામાન્ય માણસોના ચહેરા ચિતરાયા છે.


પણ વક્રતા એ છે કે આ જ સામાન્ય માણસોમાંથી ઘણાને ફૂટબોલ વર્લ્ડકપ સામે વાંધો છે.

એટલે કે, ‘બ્રાઝિલ’નો અર્થ ‘બ્રાઝિલના લોકો’- એવો કરવામાં આવે, તો સામાન્ય લોકોનો મોટો સમુદાય મહિનાઓથી દેશનાં જુદાં જુદાં શહેરોમાં ફૂટબોલ વર્લ્ડ કપ સામે પોતાનો વાંધો વ્યક્ત કરી રહ્યો છે. વર્લ્ડ કપનું પ્રતીક કોણ બને? બ્રાઝિલની ફૂટબોલ ટીમ માટેના વિમાન પર દેખાતા બ્રાઝિલના ‘આમઆદમી’ના ચહેરા? કે પછી ડીશમાં ભોજનને બદલે ફૂટબોલ ધરાવતા એક ભૂખ્યા બાળકનું ભીંતચિત્ર? બ્રાઝિલના શહેર સાઓ પાઉલોની એક નર્સરી પર દોરાયેલું એ ચિત્ર ઇન્ટરનેટના માઘ્યમથી એટલી હદે બહોળો પ્રચારપ્રસાર પામ્યું છે કે મેચ જોવા માટે સાઓ પાઉલો આવતા પ્રવાસીઓ ચહીને એ ચિત્ર જોવા જાય છે અને તેની આગળ ઊભા રહીને તસવીરો ખેંચાવે છે.


ફૂટબોલના વર્લ્ડ કપ સામે બ્રાઝિલના લોકોનો વિરોધ આવાં અનેક ભીંતચિત્રોમાં આબાદ વ્યક્ત થતો રહ્યો છે. અન્ય એક ચિત્રમાં ભૂખ્યા બાળકના ચિત્ર સાથે ચોખ્ખા શબ્દોમાં લખવામાં આવ્યું છે : ફૂટબોલ નહીં, ફૂડ (ભોજન)ની જરૂર છે.

બ્રાઝિલની સરકાર પાસે ફૂટબોલના વર્લ્ડ કપથી થનારા ફાયદાનું ગુલાબી ચિત્ર તૈયાર છે. સરકારી પ્રચાર પ્રમાણે, મંદીમાં સપડાયેલા દેશના અર્થતંત્રને ફૂટબોલ વર્લ્ડકપથી મોટો ફાયદો થશે. ચાર વર્ષ પહેલાં સરકારે જાહેર કર્યું હતું કે વર્લ્ડ કપ માટેની તૈયારીના કામકાજમાં ૩૬ લાખ લોકો માટે રોજગારી ઊભી થશે. આસમાની આવકની અપેક્ષા રાખતી સરકારે અગાઉ જાહેર કર્યું હતું કે તેના અર્થતંત્રમાં લાંબા ગાળે ૮૧ અબજ ડોલરનો ફાયદો થશે. આ રકમ બ્રાઝિલના છેલ્લા ચાર વર્ષના જીડીપી (દેશના કુલ ઘરેલુ ઉત્પાદન)ના ૦.૨૬ ટકા જેટલી છે.

પરંતુ ફુટબોલનો વર્લ્ડકપ શરૂ થઇ ગયો છે ત્યારે આ બન્ને દાવા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. ૩૬ લાખ લોકો માટે રોજગારીના ગાજરની સામે ફક્ત ૧.૬૦ લાખ લોકોને રોજગારી મળી છે. રેટિંગ એજન્સી મૂડીઝના અંદાજ પ્રમાણે, ફૂટબોલ વર્લ્ડકપથી દેશના અર્થતંત્ર પર થનારી અસર જીડીપીના ૦.૨૬ ટકા જેટલી નોંધપાત્ર નહીં, પણ ૦.૦૫ ટકા જેટલી મામૂલી હશે. તેની સામે બ્રાઝિલે સરકારી તિજોરીમાંથી કરેલો અધધ ખર્ચ ઘણા લોકોને અકળાવી રહ્યો છે. લોકોને લાગે છે કે ફૂટબોલના વર્લ્ડકપનો અસલી આર્થિક લાભ ખાણીપીણી, પ્રવાસન, કન્સ્ટ્રક્શન અને મિડીયા ક્ષેત્રની મોટી ખાનગી કંપનીઓ તથા ભ્રષ્ટાચારથી ખદબદતી ફૂટબોલ સંસ્થા ‘ફીફા’ ખાટી જશે. અત્યાર લગી ‘ફીફા’ના ધોરણ પ્રમાણેની તૈયારીઓમાં બ્રાઝિલે ૧૫ અબજ ડોલરનો ઘુમાડો કરી નાખ્યો હોવાનો અંદાજ છે. ઉપરાંત, સલામતી અને માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની લ્હાયમાં મોટા શહેરોની આસપાસ ઝુંપડાંમાં રહેતાં આશરે અઢી લાખ લોકો વિસ્થાપિત થશે.

દેશમાં શાળાઓ અને દવાખાનાં જેવી પ્રાથમિક અને આવશ્યક સુવિધાઓનાં ઠેકાણાં ન હોય, કંઇક લોકોના માથે છાપરું ન હોય ત્યારે ફૂટબોલના સ્ટેડિયમ પાછળ લાખો ડોલરનું આંધણ યોગ્ય ગણાય? આવો સવાલ દેશના ગ્રામ્ય વિસ્તારમાં નહીં, પણ રિઓ અને સાઓ પાઉલો જેવા શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને થયો હતો. બહારની દુનિયા ભલે બ્રાઝિલના લોકોને સામ્બા નૃત્ય, આછાં વસ્ત્રોમાં થતી રંગબિરંગી પરેડ અને ફુટબોલની ઘેલછા થકી ઓળખવા માગતી હોય, પણ સ્થાનિક લોકોમાંથી ઘણાની પ્રાથમિક સમજણ ફુટબોલપ્રેમ કરતાં વધારે તીવ્ર નીકળી. ફૂટબોલના ઓચ્છવ પાછળ નાણાં ઉડાડી રહેલી સરકાર પાસેથી દેશના વિવિધ ક્ષેત્રના લોકોએ ‘વર્લ્ડ કપના ધોરણ પ્રમાણેના’ મહેનતાણાની માગણી કરી. (પ્રવેશોત્સવો સહિતના અનેક ઉત્સવો પાછળ ઘુમાડા કરતી ગુજરાત સરકાર પાસેથી મહિને રૂ.૪,૫૦૦ મેળવતા વિદ્યાસહાયકો સન્માનજનક પગારની માગણી કરે એવી રીતે.) શહેરોમાં આવશ્યક સેવાઓ ખોરવી નાખવામાં આવી. રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયા.

વિરોધ કરનારા લોકોમાં વિવિધ વર્ગના નોકરિયાતો અને  સામાન્ય તથા મઘ્યમ વર્ગના માણસોથી માંડીને ‘બ્લેક બ્લોક્સ’ તરીકે ઓળખાતી ચળવળના લોકોનો સમાવેશ થાય છે. ‘બ્લેક બ્લોક્સ’ના લોકો ચહેરા પર કાળા મહોરાં કે કપડાં બાંધીને આશ્ચર્યજનક કાર્યક્રમો દ્વારા વિરોધ કરે છે. શરૂઆતમાં તેમનો વિરોધ અહિંસક હતો, પણ ધીમે ધીમે તેમણે હિંસાનો બાધ તજી દીધો છે. કંઇક અંશે ‘ફ્‌લેશ મોબ’ જેવી પદ્ધતિ ધરાવતા ‘બ્લેક બ્લોક્સ’ના લોકો ભારપૂર્વક કહે છે કે બ્લેક બ્લોક્સ કોઇ જૂથનું નહીં, પણ ચળવળની પદ્ધતિનું નામ છે. પોલીસ અને સૈન્ય સાથેની અથડામણોમાં આ લોકો ક્યારેક જાહેર સંપત્તિને પણ નુકસાન પહોંચાડતાં ખચકાતા નથી. ગયા મહિને દેશના પાટનગરમાં કેટલાંક આદિવાસી જૂથો તીરકામઠાં લઇને સરકાર સામે મેદાને પડ્યાં હતાં. તેમનો વાંધો હતો કે સરકારે ફૂટબોલ વર્લ્ડકપના નામે આદિવાસીઓની કેટલીક જગ્યાઓ પચાવી પાડી છે. પોલીસે તેમની સામે ટીયરગેસનો પ્રયોગ કરતાં, આદિવાસીઓએ સામે તીર ચલાવ્યાં. તેમાં એક પોલીસને તીર વાગ્યું હોવાનું પણ અહેવાલમાં જણાવાયું હતું.


ફૂટબોલને ધર્મ ગણતા દેશમાં ફૂટબોલ વર્લ્ડકપના મુદ્દે આટલી બબાલ ચાલતી હોય ત્યારે બ્રાઝિલના મહાન ફૂટબોલ સ્ટાર પેલે તેમાંથી બાકાત કેવી રીતે રહી શકે છે? વિરોધ પ્રદર્શન કરનારા લોકોની અડફેટે ચડી ગયેલા પેલેને કેટલાક ભીંતચિત્રોમાં ડોલરની નાણાંકોથળી સાથે ચીતરીને એવું સૂચવવામાં આવ્યું છે કે પેલે ખરીદાઇ ગયા છે. શરૂઆતમાં પેલેએ કહ્યું હતું કે બ્રાઝિલના લોકોએ ફૂટબોલ વર્લ્ડ કપનો વિરોધ કરવો જોઇએ નહીં. કારણ કે તેનાથી દેશનું ખરાબ લાગશે. પછી તેમણે એમ પણ કહ્યું કે, ‘રાજકીય દૃષ્ટિએ જોઇએ તો સ્ટેડિયમ બાંધવા માટે અઢળક નાણાં ખર્ચાયાં છે અને કેટલાક કિસ્સામાં તે જરૂર કરતાં પણ વધારે છે... આ રકમ સ્કૂલો અને હોસ્પિટલોમાં વાપરી શકાઇ હોત...બ્રાઝિલમાં તેની જરૂર છે. એ બાબતમાં હું વિરોધકર્તાઓ સાથે સંમત છું. પરંતુ એ લોકો ભાંગફોડ કરે છે અને બાળે છે. આ રકમ તો આપણે જ ફરી ખરચવાની થશે.’ નેવુના દાયકામાં બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર તરીકે વિખ્યાત બનેલા રોમારિયોએ ૨૦૧૪ના ફૂટબોલ વર્લ્ડકપને ‘બ્રાઝિલના ઇતિહાસની સૌથી મોટી લૂંટ’ તરીકે ઓળખાવ્યો છે.

બ્રાઝિલ ફૂટબોલ વર્લ્ડકપની ફાઇનલ મેચ જીતી જાય તો કદાચ કામચલાઉ ધોરણે અર્થકારણ પર ફૂટબોલપ્રેમની જીત થાય, પણ બે વર્ષ પછી બ્રાઝિલમાં યોજાનાર ઓલિમ્પિક રમતોત્સવ સામેના પડકાર તો ઊભા જ રહેવાના છે. 

Wednesday, May 29, 2013

એક ક્રિકેટ-બુકીનો પ્રેમપત્ર

મેચ ફિક્સિંગ-સ્પોટ ફિક્સિંગની મોસમમાં બુકીઓ અને સામાન્ય માણસો વચ્ચેનું અંતર અમદાવાદના ઉનાળામાં ખુલ્લામાં મુકેલા આઇસક્રીમની ઝડપે ઓગળી ગયું છે. બુકીઓના સમાજજીવનમાં આમજનતાનો રસ વધી રહ્યો છે. સમાચારમાંથી જાણવા મળે છે કે આ ક્ષેત્રમાં પણ ગુર્જર પ્રતિભાઓએ ગુજરાતની અસ્મિતાનો ઘ્વજ ફરકતો રાખ્યો છે. આ લોકો ભવિષ્યમાં પરદેશી કે ઓનલાઇન બેટિંગ કંપનીઓ સાથે કરોડો રૂપિયાના એમઓયુ સાઇન કરીને ગુજરાતનું નામ રોશન કરશે, એવાં સ્વપ્નાં પર કામચલાઉ કાબૂ રાખીને અત્યારે વિચારવાનું એ છે કે આઇપીએલ-યુગના અસલી ખેલાડી એવા બુકી પ્રેમમાં પડ્યા હોય અને તેમને પ્રેમપત્ર લખવાની નોબત આવે તો?

આવું થવાની સંભાવના કેટલી છે, એના ભાવ આપવાની જરૂર નથી. આપણો રસ ભાવ આપવા-લેવામાં નહીં, પણ બુકીના મનોભાવ જાણવામાં છે.  
***

ડીઅર, ના..ના.. પ્રિયે...ના... વહાલી..

હું તને ગુજરાતીમાં સંબોધન કરીશ કે અંગ્રેજીમાં, કયા શબ્દથી સંબોધીશ, સંબોધન લખીશ કે નહીં- આ દરેક બાબત પર સ્પાટ-બેટિંગ કરી શકાય એમ છે...વા...ઉ... આ વાતનો ખ્યાલ આવ્યા પછી પત્રો લખવા વિશેનો મારો ખ્યાલ બદલાયો છે. ‘ગોડફાધર’ ફિલ્મમાં અમારી લાઇનનો એક માણસ કહે છે, ‘(બેઝબોલની મેચ ફિક્સ થાય છે એ જાણ્યા પછી) મને બેઝબોલમાં રસ પડવા લાગ્યો છે.’ એવી જ રીતે, લખવાનું કામ સાવ નકામું છે, એવી માન્યતા મારે બદલવી જોઇશે. હવે મને યાદ આવે છે કે મેં પણ કારકિર્દીની શરૂઆત લેખનક્ષેત્રમાં કરી હતી. મહાન બન્યા પછી લોકો પોતાનાં પરચૂરણ કામ યાદ કરીને ગૌરવ લે, એ દુનિયાનો રિવાજ છે. અમારા ભાઇ બી પોતે ટપોરી હતા ત્યારે કેવાં પરાક્રમ કર્યાં હતાં એની વાતો કરતા હોય છે. તો હું શા માટે બાકાત રહું?

તને થશે કે આ વળી પાછો આત્મકથા કહેવા બેસી ગયો. અગાઉ તેં એક વાર કહ્યું હતું કે ‘આત્મકથા કહેવાનો બહુ શોખ હોય તો છાપામાં કોલમ લખ.’  ત્યારે યાદ છે ને, મેં શું કહ્યું હતું? મેં કહેલું કે ‘હું સાવ એવો ગયોગુજરેલો નથી કે કોલમના નામે આત્મકથાઓ લખું. મારે લખવી હશે ત્યારે સારામાં સારા લેખક પાસે ઘોસ્ટ રાઇટિંગ કરાવીશ.’

પણ વાત હું મારા લેખનની કરતો હતો. લેખનક્ષેત્રનો મને ઘણો અનુભવ છે. અમારે ત્યાં રતન અને કલ્યાણનાં કેન્દ્રો હતાં, જે અમારી આખી વસ્તી માટે ક્લબહાઉસની ગરજ સારતાં હતાં. ફરક એટલો કે અમારે ત્યાં માલદાર લોકો ઊંચી રકમનો જુગાર રમવા આવતાં ન હતાં, પણ ગરીબ લોકો નાની રકમોના આંકડા લગાવતા. એ બહાને ‘કમ્યુનિટી ગેધરિંગ’ પણ થઇ જતું. લોકો આંકડા લખાવતા, પરીક્ષાનાં પરિણામ કરતાં પણ વધારે આતુરતાથી આંકડાનાં પરિણામ વિશે પૂછપરછ કરતા અને આજે નહીં તો કાલે પોતાનો નંબર લાગશે એવી આશામાં જીવતા હતા. મોટા થયા પછી મને ખબર પડી કે રાજકારણમાં કાર્યકર્તાથી મંત્રી બનવા સુધીના દરેક તબક્કે લોકો આવી જ આશામાં જીવતા હોય છે- અને ઘણાખરા તો એમ ને એમ મરી પણ જતા હોય છે.

એવા એક કેન્દ્રમાં આંકડા લખનારના થર્ડ આસિસ્ટન્ટ તરીકે હું કામ કરતો હતો- એટલે કે એમને ચા-પાણી-બીડી લાવી આપતો હતો. બદલામાં એ મહિને થોડા રૂપિયા આપતા. એ વખતે મને થતું હતું કે આ કાકો આખો દિવસ જાતજાતનાં કામ કરાવીને મારું તેલ કાઢે છે, ઉચ્ચક પગાર આપે છે ને નોકરીમાં કાયમી કરતો નથી. એમાં મારું ભવિષ્ય શું? આ તો શોષણ કહેવાય. પણ અત્યારના ગુજરાતમાં રહીને મને સમજાય છે કે મારો હોદ્દો થર્ડ આસિસ્ટન્ટનો નહીં, ‘સટ્ટા-સહાયક’નો કહેવાય. ખુદ ગુજરાત સરકાર આવા સહાયકો- ભલે સટ્ટામાં નહીં ને શિક્ષણમાં- રાખે છે. પણ હું શિક્ષક ન હતો. મારી પર શોષણનો ભોગ બનીને સમાજની ભાવિ પેઢી તૈયાર કરવાની જવાબદારી ન હતી. મને પાંચ હજાર પગાર લઇને પંદર હજાર પર સહી કરવાની ફરજ પાડનાર કોઇ ન હતું.

એક દિવસ હું જ્યાં કામ કરતો હતો તેના ગલ્લામાં મેં ધાપ મારી. ના, હિંદી ફિલમવાળા કહે છે તેમ મારી મા બીમાર ન હતી કે મારી બહેનનું ઓપરેશન પણ કરાવવાનું ન હતું. બસ, મને કંટાળો આવ્યો કે આ શું રોજેરોજની પૈસાપૈસા માટેની મોહતાજી. એના કરતાં એક વાર હાથ સાફ કરી નાખીએ તો કમ સે કમ બે-ત્રણ પગથિયાં એક સાથે ઉપર ચડાય. એનાથી મોટી સાઇઝના ગોટાળા કરીએ તો ઉદ્યોગપતિ બનવાના જ નહીં, સરકારના ખાસમખાસ બનવાના ચાન્સ પણ હોય છે, એની મને ત્યારે ખબર ન હતી.

તારી આગળ શું છુપાવવાનું? ફ્રેન્કલી, એ વખતે મને ખબર ન હતી કે સટ્ટાની લાઇનમાં આટલો સ્કોપ છે. ફિલમવાળા ને ક્રિકેટરો ને બીજા મોટા માણસો સાથે ઉઠકબેઠક રહેશે ને એક મેચમાં લાખો રૂપિયાનો કારોબાર હશે, એનો મને બિલકુલ અંદાજ ન હતો. છતાં, થોડા રૂપિયા લઇને હું મોટા શહેરમાં પહોંચ્યો એટલે જૂના અનુભવને આધારે મને કામ તરત મળી ગયું. નોકરીઓ મેળવવાની તકલીફ ડિગ્રીનાં સર્ટિફિકેટવાળાને થાય. કારણ કે એમણે અઢળક રૂપિયા આપીને ડિગ્રીઓ ખરીદેલી હોય. અમારા જેવા સેલ્ફમેઇડ માણસોને આવી કોઇ તકલીફ નહીં. કહીએ કે ‘પહેલાં પપ્પુ પેજરને ત્યાં હતો અને આગળ વધવું છે એટલે અહીં આવ્યો છું’ એટલે તક મળી જાય.

એમ કરતાં હું ક્યાં પહોંચ્યો છું એ તું જાણે છે. આપણે જે પાર્ટીમાં પહેલી વાર મળ્યાં હતાં એ ફાઇવ સ્ટાર હોટેલમાં ભાગ રાખવાનું મેં વિચાર્યું હતું. મને થયું કે તને ડેટિંગ ગિફ્‌ટ તરીકે એ હોટેલમાં ૧૦ ટકા શેર આપું. એનો માલિક મારે ત્યાં બેટિંગમાં એટલી મોટી રકમ હાર્યો હતો કે ૧૦ ટકા શેર આપીને છૂટી જવાનું એને સસ્તામાં પડ્યું હોત. પણ તે એ ઝંઝટમાં પડવાની ના પાડી.

છેલ્લા ફોનમાં તે છાપાં વાંચીને-ચેનલો જોઇને બહુ કકળાટ કર્યો હતો એ મને યાદ છે. હું એ મુદ્દો ગુપચાવી ગયો નથી. મને એ પણ ખબર છે કે તારી અસલી ચિંતા મારી સલામતીની નથી, પણ પેલી પાર્ટીઓમાં હું જાઉં છું કે નહીં અને જાઉં છું તો પેલા લાલચુડા ક્રિકેટરો જેવા ગોરખધંધા કરું છું કે નહીં, બીજી સ્ત્રીઓ સાથે હરુંફરું છું કે નહીં... તને શી રીતે ખાતરી આપું કે હું આઇપીએલના બે વાર વેચાયેલા ક્રિકેટર જેવો નથી. આઇપીએલમાં એક વાર ટીમ ક્રિકેટરોને ખરીદે છે ને પછી અમે લોકો એમાંથી કેટલાકને - અથવા જેટલા રાજી હોય તેમને- ખરીદીએ છીએ. ગાંડી, હું લોકોને ખરીદું છું. હું વેચાતો નથી. તે સાંભળ્યું કે જંગલી પ્રાણીના શિકારની જગ્યા સુધી ખેંચી લાવવા માટે સાથે રાખેલાં ભેંસ કે બકરી શિકારીઓ જાતે રાંધીને ખાઇ ગયા?

તું તો સમજુ છે. આટલામાં સમજી જઇશ. બાકી સાક્ષીભાભી (ધોનીની પત્ની) સાથે શોપિંગમાં લઇ જવાનું મેં તને કહ્યું હતું. મને એ યાદ છે, પણ હમણાં એ બને એવું લાગતું નથી.

અત્યારે કાળઝાળ ગરમી પડે છે. ચોતરફથી આગ વરસે છે. એટલે તું સાચવજે અને મને બહુ ફોન કરતી નહીં. પોલીસ કદાચ ફોન ટેપ પણ કરતી હોય. એટલે તો હું પહેલી વાર તને પત્ર લખી રહ્યો છું.  આ પત્ર લખવામાં એક ભણેલા બેકાર ટપોરીની મદદ મેં લીધી છે. એટલે પત્રની ભાષા જોઇને નવાઇ ન પામતી. વચ્ચે કેટલુંક એણે પોતાનું પણ નાખ્યું હશે. છતાં, એકંદરે મારે જે કહેવું છે એ બઘું એણે લખ્યું છે. પત્ર કોઇને વંચાવતી નહીં અને તું વાંચીને ફાડી નાખજે. અમારા ધંધામાં સંઘરેલા સાપ કરડવા સિવાયના બીજા કોઇ કામમાં આવતા નથી.

એ  જ લિ.
તારા હૃદયના સ્પોટમાં કાયમી ધોરણે ફિક્સ થયેલો.. 

Wednesday, May 22, 2013

એક મેચ-ફિક્સરની મુલાકાત

ભારતના સૌથી ટોચના દસ આકર્ષક વ્યવસાયોમાં મેચ ક્રિકેટરથી પણ ઉપરના ક્રમે મેચ ફિક્સિંગ આવતું હોય તો કહેવાય નહીં. રીઝલ્ટ આવી ગયા પછી કારકિર્દી-માર્ગદર્શનની મોસમમાં અને અલબત્ત મેચ ફિક્સિંગની ગરમી વચ્ચે મેચ ફિક્સરનો ઇન્ટરવ્યુ લેવો જોઇએ એવું લાગ્યું. મેચ ફિક્સરોના વાસ્તવિક ઇન્ટરવ્યુ આજકાલ પોલીસ લઇ રહી છે. એટલે તેમના કાલ્પનિક ટીવી ઇન્ટરવ્યુથી ચલાવી લઇએ.
***
એન્કરઃ નમસ્કાર. આજના કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા ફિક્સર શ્રી અનામી. સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે સર.

અનામીઃ એક મિનીટ..તમે ચોખવટ કરો..આમ એકલું ‘ફિક્સર’ કહેશો તો લોકોને પચીસ કલ્પનાઓ આવશે કે પોલિટિકલ ફિક્સર છે? જર્નાલિસ્ટ-ફિક્સર છે? એડિટર-ફિક્સર છે? રીપોર્ટર-ફિક્સર છે?  અંગ્રેજી ફિક્સર છે? ગુજરાતી ફિક્સર છે? ગાંધીનગરનો ફિક્સર છે કે દિલ્હીનો છે?

એન્કરઃ વાઉ. તમારું નોલેજ અને તમારું એક્સ્પોઝર માઇન્ડ બ્લોઇંગ છે. આટલું બઘું તમે કેવી રીતે જાણો?

અનામીઃ હું પત્રકાર નથી એટલે.

એન્કરઃ ઓકે, આપણે મુદ્દાની વાત પર આવીએ.

અનામીઃ મુદ્દાની કે મુદ્દામાલની? તમારે સાહેબે આ ઇન્ટરવ્યુ માટે કંઇ સૂચના આપી છે કે નહીં?

એન્કરઃ ઓહ..હા..આઇ મીન, ના...આઇ મીન...આપણે ઓન કેમેરા છીએ અત્યારે...ખાલી સવાલજવાબની જ વાત કરીએ. તો મારો પહેલો સવાલ છેઃ તમને ફિક્સિંગ કરવાની પ્રેરણા કેવી રીતે મળી?

અનામીઃ તમારી શું અપેક્ષા છે? હું એમ કહું કે રવીન્દ્રનાથ ટાગોરનું ‘ગીતાંજલિ’ કે ગાંધીજીનું ‘સત્યના પ્રયોગો’ વાંચીને મળી?

એન્કરઃ ગ્રેટ..તમે આ લોકોનાં પુસ્તકો વિશે કેવી રીતે જાણો છો?

અનામીઃ કહ્યું તો ખરું...પત્રકાર નથી એટલે.

એન્કરઃ એમ નહીં. સિરીયસલી કહો. તમને પહેલી વાર ફિક્સિંગનો વિચાર કેવી રીતે આવ્યો?

અનામીઃ મને ક્રિકેટ રમતાં આવડતું ન હતું. નાનપણમાં ભાઇબંધો મારી પાસે ફિલ્ડિંગ ભરાવીને તેલ કાઢી નાખતા હતા. ઘણી વાર મારું બેટિંગ કદી આવતું જ નહીં. હું બેટિંગ માગું તો એ લોકો કહેતા, ‘તારે બેટનું શું કામ છે? તું ફિલ્ડિંગ ભરી ખા. અમારે તો આગળ રમવા જવાનું છે.’ એક દિવસ મારું મગજ છટક્યું. મેં એક જણના હાથમાંથી બેટ છીનવી લીઘું અને કહ્યું, ‘તમે આ ધોકેણાથી રમી ખાવ, પણ યાદ રાખજો. એક દિવસ હું ક્રિકેટમાંથી જ અને બેટિંગ કરીને એટલા રૂપિયા કમાઇશ કે જે તમારી સાત પેઢીએ જોયા નહીં હોય.’

એન્કરઃ વૉટ અ સ્ટોરી. મને તો આખું ફ્‌લેશબેક દેખાવા લાગ્યું. તમે અનુરાગ કશ્યપને મળો તો કામ થઇ જાય.

અનામીઃ અનુરાગ કશ્યપ? એ કઇ ટીમમાંથી રમે છે? રાજસ્થાન રોયલ્સ કે દિલ્હી ડેવિલ્સ?

એન્કરઃ એ ફિલ્મો બનાવે છે. તમારી વાત પરથી તો ફિલ્મ બને એમ છે...ઠીક છે. તમે પ્રતિજ્ઞા તો લીધી, પણ એ પૂરી કેવી રીતે કરી?

અનામીઃ સખત મહેનત, કઠોર પરિશ્રમ, અખૂટ ધીરજ, ચીવટભર્યું આયોજન, માણસને ઓળખવાની કળા..

એન્કરઃ આવું બઘું તો મેનેજમેન્ટની અને ‘સફળ કેમ થવું?’ એવી ચોપડીઓમાં લખેલું હોય છે. તમે એવી ચોપડીઓ વાંચો છો?

અનામીઃ ના, એવી ચોપડીઓ લખનારાને મટીરિયલ પૂરું પાડું છું. અમારા જેવાની સમૃદ્ધિ અને વૈભવશાળી ગાડીઓ જોઇને તો એમને લખવાની પ્રેરણા મળે છે.

એન્કરઃ તમને ક્રિકેટનું કયું સ્વરૂપ સૌથી વધારે ગમે? શા માટે?

અનામીઃ ભાઇ, તમે સચિન તેંડુલકરનો ઇન્ટરવ્યુ લેવા નથી બેઠા. મારે ક્રિકેટના સ્વરૂપ જોડે કશી લેવાદેવા નથી. જે સ્વરૂપમાં ફિક્સિંગની વઘુમાં વઘુ તક મળે એ મારું પ્રિય. ધંધામાં અમે કોઇ જાતનો વહેરોઆંતરો રાખતા નથી.

એન્કરઃ પણ તમે જે ધંધો કરો છો એ ગેરકાયદે ન કહેવાય?

અનામીઃ સૌ સૌની સમજણ છે. સમાચારો બતાવવા માટે ને રોકવા માટે રૂપિયા પડાવવા એ અમને ગેરકાયદે લાગે છે. શું કહો છો? (અટ્ટહાસ્ય)

એન્કરઃ તમે ખોટું સમજ્યા. હું એમ પૂછવા માગતો હતો કે..

અનામીઃ હું ખોટું સમજ્યો નથી. તમને ખોટું લાગ્યું છે. પણ જવા દો. બોલો શું પૂછતા હતા?

એન્કરઃ (ગુંચવાઇને) હું મારો પ્રશ્ન ભૂલી ગયો...હું શું પૂછતો હતો..હા, એમ કે તમને આ કામ કરવામાં પોલીસની બીક ન લાગે?

અનામીઃ લાગે. ઘણી વાર એવો વિચાર આવે કે સમયસર હપ્તો નહીં જાય તો શું થશે? પણ પછી કાયમનું થઇ જાય એટલે પરસ્પર વિશ્વાસ અને મૈત્રી કેળવાઇ જાય. માણસના માણસ પરના ભરોસાના આધારે તો દુનિયા ટકેલી છે.

એન્કરઃ આહા, તમે તો ફિલસૂફ જેવું બોલવા માંડ્યા.

અનામીઃ કેમ, તમારે ત્યાં ટૂચકા કહેનારા ફિલસૂફના વહેમ મારતા હોય તો અમે વધારે રોકડિયું કામ કરીએ છીએ.

એન્કરઃ (થોડા ખચકાટ સાથે) રાજકારણીઓ સાથે તમારે કેવા સંબંધ છે?

અનામીઃ ઘર જેવા, યાર. તમારું કંઇ બી કામ હોય તો કહેજો. અને હા, ટિકિટ જોઇતી હોય તો બે-પાંચ ‘ખોખાં’ લીધા વિના ન આવતા. હવે એ બઘું શરમથી નથી પતતું. તમને તો ખબર જ હશે.

એન્કરઃ તમને કશું પણ પૂછીએ એટલે તમે બદનક્ષી કરવા જ બેસી જાવ છો.

અનામીઃ એ બદનક્ષી ને સદનક્ષીનું તમને સોંપ્યું. મેં તમને ભાવ કહ્યો. ચોખ્ખી ને ચટ વાત. અમારા ધંધામાં ગોળગોળ કશું ન ચાલે- સિવાય કે ખેલાડી કાંડા પરનું ઘડિયાળ કે ગળે લપેટેલો નેપકિન ગોળ ગોળ ફેરવતો હોય.

એન્કરઃ અરે, હું આ જ વાત પર આવતો હતો કે તમે લોકો ખેલાડીઓ સાથે ફિક્સિંગ કરો તો એ લોકો તમને મેદાન પરથી કેવી સાઇન આપે? પણ હું પૂછું એ પહેલાં તમે જ કહી નાખ્યું.

અનામીઃ (હસીને, એન્કરની સ્ટાઇલમાં) ફિક્સિંગની આંતરિક સનસનીખેજ વાતો જાણીએ એક છોટે સે બ્રેક કે બાદ..

એન્કરઃ પણ એ તો હવે મારે બોલવાનું હતું. તમને કેવી રીતે ખબર પડી કે..

અનામીઃ (મંદ મંદ સ્મિત સાથે) તમે ભૂલી ગયા કે તમે કોનો ઇન્ટરવ્યુ લઇ રહ્યા છો. અમે લાખો કરોડોના ખેલવાળી મેચો ફિક્સ કરી શકતા હોઇએ તો દસ મિનીટના ઇન્ટરવ્યુનો શો હિસાબ?

એન્કરઃ યુ મીન, આ ઇન્ટરવ્યુ પણ ફિક્સ્ડ...?

(એ સાથે જ ટીવી પ્રસારણ ઓચિંતુ ખોરવાઇ જાય છે)

Tuesday, May 21, 2013

ક્રિકેટ અને બીજાં વઘુ ગંભીર ફિક્સિંગ


ક્રિકેટ ‘જેન્ટલમેન્સ ગેમ’ રહી નથી... તેનું નીતાંત વ્યાવસાયિકરણ થઇ ગયું છે...ખેલાડીઓનો ભરોસો રહ્યો નથી...મેચ ફિક્સ થઇ જાય છે...આવો કકળાટ કરીને પણ લોકોએ ક્રિકેટ જોવાનું છોડ્યું નથી. તેનું પરિણામ એ આવે છે કે ક્રિકેટમાં મેચ ફિક્સિંગનો રિવાજ આજકાલ કરતાં દોઢ દાયકા જેટલો જૂનો થયો. છતાં, ઘણા લોકો દરેક વખતે એવી નિર્દોષતાથી આઘાત વ્યક્ત કરે છે, જાણે ‘સંસ્કાર’ ચેનલ પર ‘ડર્ટી પિક્ચર’ શરૂ થઇ ગયું હોય.

ભારતીયો માટે ક્રિકેટ ‘ધર્મ’ છે, એવું માર્કેટિંગની કે સમાજશાસ્ત્રીય વિશ્લેષણની ભવ્ય ભાષામાં કહેવાય છે. ધર્મક્ષેત્રે વ્યાપેલા ગોરખધંધા જોતાં ક્રિકેટ ‘ધર્મ’ હોય એવું હવે ખરેખર લાગી રહ્યું છે. ધર્મ-સંપ્રદાયવાળી સરખામણી આગળ વધારીને આઇપીએલને એકાદ મોડર્ન ગુરૂ કે ‘આઘ્યાત્મિક નેતા’ સાથે સરખાવીશું તો તેમના અનુયાયીઓ નારાજ થઇ જશે. એ સરખામણી સૌએ પોતપોતાની સમજણ પ્રમાણે કરી લેવી.

કોની જવાબદારી?

મુદ્દો એ છે કે આઇપીએલના આવવાથી સડો ફેલાવાની ઝડપ  કે તક વઘ્યાં. આઇપીએલની વીસ-વીસ ઓવરની સ્પર્ધાઓમાં અને તેની બહાર નૈતિકતાના અનેક પ્રશ્નો છે. મોડી રાતની પાર્ટીઓમાં કેવા ધંધા થાય છે તેનો ચિતાર અંદરના જ કોઇ અસંતુષ્ટે થોડાં વર્ષ પહેલાં અનામી બ્લોગ લખીને આપ્યો હતો. વાસ્તવમાં મોટા ભાગના લોકોને નૈતિકતા-સંબંધી વાંધા હોતા થતા નથી. સંઘર્ષ કે સિદ્ધિની આડમાં નકરી સફળતાના પૂજક એવા સમાજના બહુમતી લોકોને આઇપીએલની છાકમછોળમાંથી એક ફદિયું પણ મળવાનું ન હોય, છતાં એ બઘું જોઇને અંજાય છે.

આઇપીએલનું કે મેચ ફિક્સિંગ-સ્પોટ ફિક્સિંગનું આ પહેલું કૌભાંડ નથી. છેલ્લું પણ નહીં હોય. થોડો વખત કકળાટ થશે અને પછી બઘું કાનૂની કાર્યવાહીમાં થાળે પડી જશે. ક્રિકેટવિશ્વમાં સૌથી અપ્રમાણસરની ધનાઢ્‌ય સંસ્થા તરીકે કુખ્યાત એવા ભારતના ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તો કાયદા શીખવવાનું શરૂ પણ કરી દીઘું છે. બીસીસીઆઇના વડા શ્રીનિવાસને ‘ગુનેગાર સાબીત ન થાય ત્યાં સુધી નિર્દોષ’નું ગાણું ચાલુ કરીને પાળ બાંધવાની શરૂઆત કરી છે.

તેમણે ઠાવકાઇથી કહ્યું છે કે ‘પોલીસે ખેલાડીઓની ધરપકડ કરી છે. આરોપો સાબીત કરવાની જવાબદારી પોલીસની છે. ગુનો સાબીત થશે તો બીસીસીઆઇ કડકમાં કડક પગલાં લેેશે.’ પહેલી નજરે નિર્દોષ અને વ્યવહારૂ લાગતું આ નિવેદન વાંચીને સીધો સવાલ એ થાય કે ‘ફિક્સરોનું પગેરું મેળવવાની જવાબદારી પોલીસની, તેમની ધરપકડ પોલીસ કરે અને આરોપો સાબીત કરવાનું તો પોલીસે જ કરવું પડે- તો આયોજક તરીકે બીસીસીઆઇની જવાબદારી બેઠ્ઠાંબેઠ્ઠાં રૂપિયા ગણવા સિવાય બીજી કશી નહીં? હાસ્યનવલકથા ‘રાગ દરબારી’માં સહકારી મંડળીનો સુપરવાઇઝર ઉચાપત કરીને ગાયબ થઇ જાય છે. પણ મંડળીના પ્રમુખના પેટનું પાણી હાલતું નથી. એક દિવસ શહેરમાં તે ગોટાળાબાજને જુએ છે તો પણ પોલીસમાં પકડાવી દેતા નથી. કારણ? પ્રમુખ ઠંડા કલેજે કહે છે કે એ પોલીસનું કામ છે. આપણે પોલીસને ફરિયાદ આપી દીધી એટલે આપણું કામ પૂરું.

કાયદાના હાર્દના નામે આવી ઉધાર વાતો દેશમાં ચાલી જાય છે. રાજકીય દોરીઓ ખેંચવાથી ભલભલી એજન્સીઓને કુમળા છોડની જેમ વાળવી હોય એ દિશામાં વાળી શકાય છે. બીજું એ પણ ખરું કે દોઢ-દોઢ દાયકાથી ક્રિકેટમાં મેચફિક્સિંગના આરોપો થતા હોવા છતાં એને ગણકાર્યા વગર ક્રિકેટ પાછળ ઘેલા થતા હોય, એવા લોકો ફિક્સરોન જ લાયક ગણાય.

અન્ડરવર્લ્ડની ચિંતાજનક સાંઠગાંઠ સિવાય, આઇપીએલની બ્રાન્ડઇમેજ માટે, ભારતમાં ક્રિકેટની અવદશા માટે કે શ્રીસંતને કસ્ટડીમાં રાત્રે મચ્છર કરડ્યાં એ માટે આપણે જીવ બાળવાની જરૂર ન હોય. કારણ કે, ક્રિકેટના ફિક્સિંગથી વધારે ગંભીર અને નાગરિકોના હિતને સીધાં સ્પર્શતાં બીજાં અનેક સંભવિત ફિક્સિંગ મોજૂદ છે. એ સ્પોટ-ફિક્સિંગ જેવાં ગ્લેમરસ નથી. અદાલતમાં સાબીત ન કરી શકાય એવા પુરાવા પણ તેમાં મોટે ભાગે નથી. કારણ કે એ લાલચમાં ડફોળ બનેલા ક્રિકેટરો દ્વારા નહીં, પણ વધારે રીઢા લોકો દ્વારા થયેલાં છે. છતાં, એ ફિક્સિંગની ખરાબ અસરો જોઇ-અનુભવી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેની ખરાબ અસરો એ જ તેના પુરાવા છે. આવા કેટલાક સંભવિત-આરોપિત ફિક્સિંગનાં ઉદાહરણઃ

કોંગ્રેસ-ભાજપ ફિક્સિંગ 

કોઇને ‘કોન્સ્પીરસી થિયરી’ - કાવતરાની કલ્પના- જેવું લાગી શકે. છતાં, આ બન્ને પક્ષો વચ્ચે અને મહદ્‌ અંશે મોટા ભાગના રાજકીય પક્ષો વચ્ચે એક સ્તરની સમજૂતી પ્રવર્તતી હોય એવું હંમેશાં લાગે છે.   કેન્દ્રમાં રહી રહી કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર તેની સગવડ પડે ત્યારે ભાજપી નેતાઓની ફરતેના ગાળિયા કસે ને ઢીલા મૂકે. મુલાયમસિંઘ-માયાવતી જેવાં નેતાઓ સાથે તો આવું એટલું ઉઘાડેછોગ અને બેશરમીથી થાય કે તેમની નિર્દોષતા કે દોષીપણું ગૌણ બની જાય. એ નિર્દોષ હોય તો સરકાર પર કિન્નાખોરીનો આરોપ આવે અને દોષી હોય તો? સરકારનું એમની સાથે ફિક્સિંગ થયાનો આરોપ.  કેમ કે, સરકારને વાંધો તેમના ગુના સામે નહીં, પણ ગુના આચર્યા પછી એ સરકારના કહ્યામાં નથી એનો હોય.

ભાજપ-કોંગ્રેસ ફિક્સિંગની આશંકાનું સૌથી નમૂનેદાર ઉદાહરણ ગુજરાત છે. અહીં દરેક ચૂંટણી વખતે કોંગ્રેસ મહેનત કરે તો તેને જીતવાની વાજબી તક હોય છે, પણ એ તક છેલ્લા એકાદ દાયકામાં ફળી નથી. દરેક વખતે ગુજરાતના અને દિલ્હીના જુદા જુદા કોંગ્રેસી નેતાઓનાં નામ ફિક્સિંગમાં સંભળાય છે. જાહેરમાં- છાપાંચેનલોમાં કોંગ્રેસી નેતાઓ કૂદી કૂદીને બોલે છે, પરંતુ વિરોધ પક્ષ તરીકેની નક્કર ભૂમિકા ભજવવાની આવે ત્યારે એ પાણીમાં બેસી જતા હોય એવું લાગે છે. દિલ્હીમાં ઘણી વાર એથી ઉલટું બને છે.

પશ્ચિમ બંગાળની કંપની ‘શ્રદ્ધા’ જૂથની કંપનીઓએ લોકોના કરોડો રૂપિયાનું ઉઠમણું કર્યું, ત્યારે આવેલા એક સમાચારમાં સિલસિલાવાર ઘટનાક્રમ આપીને સૂચવાયું હતું કે મમતા બેનરજીના કેન્દ્ર સાથેના વિચિત્ર વર્તનનો ભેદ આ કૌભાંડમાંથી ખુલી શકે છે. એ કૌભાંડને લગતી તારીખો અને તેની સમાંતરે મમતાના કેન્દ્ર સરકાર સાથેના અતાર્કિક - ન સમજાય એવા વ્યવહારને સમાંતરે જોતાં તેની પર જુદા ખૂણેથી પ્રકાશ પડી શકે છે. છતાં, ભાજપે આ મુદ્દો ચગાવ્યો નહીં કે એ કેન્દ્ર સરકારની એ વર્તણૂંક અંગે ખુલાસા પણ ન માગ્યા. પ્રમાણમાં નાની બાબતોમાં બહુ ધાંધલ કરવું જેથી મોટા મુદ્દા વખતે મચાવેલા તોફાનની ધારી અસર ન પડે અને વિરોધ કર્યો કહેવાય. રાજકારણમાં આ પણ ફિક્સિંગનો એક પ્રકાર હોય છે. દરેક શંકાસ્પદ વ્યવહારમાં ફિક્સિંગ હોવું જરૂરી નથી, પણ નિર્દોષતાનો યુગ પૂરો થઇ ગયા પછી આવી આશંકા આવે તો તેેને રોકી શકાતી નથી.

સરકાર-ખાનગી શિક્ષણની દુકાનોનું ફિક્સિંગ

ગયા સપ્તાહે ગુજરાત બોર્ડનું બારમા ધોરણનું રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું ઃ ૯૨.૫૩ ટકા. એક સમયે ઘણા વિદ્યાર્થીઓને બારમા ધોરણમાં પાસ થવાનાં ફાંફાં પડતાં હતાં, એને બદલે દર ૧ હજારમાંથી ૯૨૫ વિદ્યાર્થીઓ પાસ થાય તેનો આનંદ ન થવો જોઇએ?

પણ થતો નથી. કારણ કે આ ઊંચાં પરિણામ વિદ્યાર્થીઓની કે તેમણે મેળવેલા શિક્ષણની ગુણવત્તા સૂચવતાં નથી. ઊલટું, આ પરિણામ ઠેર ઠેર ફૂટી નીકળેલી ઊચ્ચ શિક્ષણની દુકાનોને ધમધમતી રાખવા માટે અપાયાં હોય એવી શંકા પડે છે. સરકાર અને ખાનગી શિક્ષણસંસ્થાઓ વચ્ચેનું ફિક્સિંગ ઘણા સમયથી અટકળોનો વિષય છે.  એક તરફ સરકાર શિક્ષણનું આખું ક્ષેત્ર ખાનગી (એટલે કે સારી નહીં, પણ મોંઘી) નિશાળોને હવાલે કરવાની દિશામાં આગળ વધી ચૂકી છે, ત્યારે વિદ્યાર્થીઓ અને તેમના માટે અઢળક રૂપિયા ખર્ચતા વાલીઓને પરિણામ આપવું જરૂરી છે. એટલે સરકાર ખોબલા ભરીને પરિણામ આપે છે.

ખાનગી શિક્ષણની સ્થિતિ એવી છે કે રૂપિયા હોય તો બારમા ધોરણમાં ગમે તેટલા ટકા આવે તો પણ ઇચ્છિત કોર્સમાં એડમિશન મળી જાય. મોંઘવારીની બૂમો પાડતા વાલીઓ ‘સંતાનની કારકિર્દી ખાતર’ અઢળક આર્થિક બોજ ઉપાડે છે, પણ ડિગ્રી મેળવી લીધા પછી ‘હવે શું?’નો સવાલ ઊભો રહે છે. પછી ડિગ્રીનો વિષય ભૂલીને જે નોકરી મળે તે સ્વીકારી લેવાનો વારો આવે છે. કડક અને સાચું પરિણામ આપવાનું સરકારને તો જ પોસાય, જો તે કોઇ જાતના ફિક્સિંગ વિના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તથા તેમનું યોગ્ય મૂલ્યાંકન થાય એમ ઇચ્છતી હોય.

સરકાર-સીબીઆઇ-‘સિટ’ ફિક્સિંગ

હવે અદાલતમાં જાહેર થયેલી વાત છે કે સીબીઆઇ કેન્દ્ર સરકારના પઢાવેલા પોપટની જેમ વર્તે છે, કેન્દ્ર સરકાર સીબીઆઇના તપાસ અહેવાલોમાં ચેડાં કરે છે. એક અખબારી અહેવાલ પ્રમાણે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ) ગુજરાત સરકારને પોતાના અહેવાલ બતાવે છે. જેમની વિરુદ્ધમાં તપાસ કરવાની હોય એમને અહેવાલ બતાવવા જેવું ગંભીર ફિક્સિંગ બીજું કયું હોઇ શકે? પણ એ થાય છે, સમાચારોમાં આવે છે. છતાં કોઇ પક્ષને લાજશરમ નથી. સવાલ કોંગ્રેસ કે ભાજપનો નહીં, પણ સત્તાધારી પક્ષો દ્વારા થતાં આ પ્રકારનાં ફિક્સિંગનો છે.

ચિંતાજનક ફિક્સિંગની યાદી ઘણી લંબાવી શકાય એમ છેઃ ‘કોબ્રાપોસ્ટ’ વેબસાઇટ દ્વારા બહાર આવેલું બેન્કો-વીમા કંપનીઓ અને કાળાં નાણાં ઠેકાણે પાડનારા લોકો વચ્ચેનું ફિક્સિંગ, પોલીસતંત્રમાં ગુનો નોંધવા કે ન નોંધવાથી માંડીને વિશેષ સુવિધાઓ પૂરી પાડવાનાં ફિક્સિંગ,  પ્રસાર માઘ્યમોમાં થતાં પ્રચાર-અપપ્રચાર માટેનાં ફિક્સિંગ, ૧૯૮૪નાં શીખવિરોધી રમખાણો કે કાશ્મીરી પંડિતોની અવદશા જેવા મુદ્દા કાયમી ધોરણે ઉછળતા રાખીને તેનો યોગ્ય ઉકેલ કદી ન લાવવાનાં ફિક્સિંગ..   આ બધાં સામે આઇપીએલના સ્પોટ ફિક્સિંગની શી વિસાત?

Sunday, December 30, 2012

સચિનઃ ક્રિકેટજગતના ‘સુપરમેન’નું ફ્‌લેશબેક

ઓક્ટોબર 23- નવેમ્બર 3, 1990
ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઓફ ઇન્ડિયાનું કવર

સચિન તેંડુલકર એટલે ક્રિકેટજગતની સૌથી મોટી બ્રાન્ડ? સચિન એટલે ક્રિકેટનો દેવતા? સચિન એટલે રેકોર્ડનો ભંડાર? સચિન  એટલે જાહેરખબરોનો ખડકલો? સચિન એટલે સફળતાનો પર્યાય? સચિન એટલે...

ગયા સપ્તાહે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરનાર સચિનમાં હવે એટલાં તત્ત્વોનું મિશ્રણ થઇ ગયું છે કે કયા સચિનની વાત થાય છે, તે નક્કી કરવું અઘરૂં પડે. સમયની તાસીર ઘ્યાનમાં રાખતાં બને છે એવું કે મોટે ભાગે જે ગુણગાન, ભક્તિભાવ અને પૂજાઆરતી થાય છે, તે સચિનની સફળતા, પ્રસિદ્ધિ અને સમૃદ્ધિના લાભાર્થે હોય છે. ક્રિકેટમાં અને ભારતમાં માત્ર ને માત્ર મઘ્યાહ્‌નના સુરજને પૂજવાનો રીવાજ છે. ઉગતા ને આથમતા સૂર્યો તરફ જોવાની ભાગ્યે જ કોઇને ફુરસદ હોય છે. તેનો પરચો છેલ્લા થોડા સમયથી થઇ રહેલી સચિનની બેફામ અને બેજવાબદાર ટીકાઓ પરથી મળી રહેશે. ‘સચિન મહાન હોય તો એના ઘરનો. ફેસબુક પર તો અમને વધારે ખબર પડે.’ આવો અભિગમ કોઇ પણ મુદ્દે જોવા મળતો હોય, તો સચિન પણ તેમાંથી શી રીતે બચી શકે?

બે દાયકાથી પણ વઘુ સમય સુધી ભારતીય ક્રિકેટજગતમાં ટોચનું સ્થાન ટકાવી રાખવું કેટલું અઘરું છે, તે સૌ ક્રિકેટપ્રેમીઓ જાણે છે. આ સિદ્ધિ મેળવનાર સચિનની વન ડે-વિદાય નિમિત્તે તેમના વિક્રમોની કે જાહેરખબરોની કમાણીની કે દેવતાઇ દરજ્જાની વાત માંડવાને બદલે, સચિનના આરંભિક સંઘર્ષ, નિષ્ઠા, પરિશ્રમની વાતો યાદ કરવા જેવી લાગે છે. એના વિના સચિનનાં સિદ્ધિ-સફળતા બીજી કોઇ પણ ‘સેલિબ્રિટી’ જેવાં લાગી શકે છે. સચિનને ‘જિનિયસ’ કહીને આગળ વધી જવાનું બહુ સહેલું છે, પણ ભલભલા જન્મજાત પ્રતિભાશાળીઓ ચોટલી બાંધીને મહેનત ન કરે અને થોડી સફળતા મળે એ સાથે જ ઉડવા માંડે, તો એમની પ્રતિભા ઠેરની ઠેર રહી જાય છે.

એપ્રિલ 1990ના 'વિકલી'ના અંકમાં 'માય આર્ટ'
વિભાગમાં છપાયેલી સચિનની તસવીર
ત્રણ ભાઇ અને એક બહેનના પરિવારમાં સચિન એટલો નસીબદાર કે તેનાથી દસ વર્ષ મોટા અને પોતે ક્રિકેટર નહીં બની શકેલા ભાઇ અજિતનો મજબૂત સધિયારો અને માર્ગદર્શન મળ્યાં. મઘ્યમ વર્ગીય પરિવાર. પિતા અઘ્યાપક. માતા નોકરિયાત. મોટાં ભાઇ-બહેન પાસે ઉછરવાનું. અજિત તેંડુલકરને ભણતર અને ક્રિકેટમાંથી એકની પસંદગી કરવાની આવી ત્યારે ક્રિકેટમાં કારકિર્દી બને કે કેમ એવી શંકાઓ હતી, પણ દસ વર્ષ પછી સચિનનો વારો આવ્યો ત્યારે ફક્ત ભાઇ જ નહીં, માતાપિતા પણ ક્રિકેટની કારકિર્દીની તરફેણમાં હતાં.

પરંતુ ભારતમાં ક્રિકેટની કારકિર્દી એટલે ખાવાના ખેલ છે? અન્ડર-૧૫, અન્ડર-૧૭, અન્ડર-૧૯, રણજીટ્રોફી અને ત્યાર પછી ચુનંદા લોકો ટેસ્ટ મેચની ટીમ સુધી પહોંચી શકે. ત્યાં પહોંચ્યા પછી પણ નોકરીઓ તો ટીચવી જ પડે- ભલે ત્યાં હાજરી ભરવામાંથી છૂટછાટ મળતી હોય. ટેસ્ટ ટીમમાં સામેલ થયા પછી રમવાની તક મળે અને તેમાં આવડતનો પરચો બતાવ્યા પછી કાયમી સ્થાન મળે ત્યાં સુધીના ‘જો’ અને ‘તો’ રસ્તામાં પથરાયેલા હોય. પણ શેરીમાં બાળકો સાથે રમતા ભાઇ સચિનને જોઇને અજિતને થયું કે તેનામાં ક્રિકેટર બનવાનાં પૂરાં લક્ષણ છે. ભારતમાં - અને મુંબઇમાં તો વિશેષ- એ સમયે સુનિલ ગાવસ્કરનો દબદબો હતો. ક્રિકેટ રમતાં બધાં છોકરાંને ‘લીટલ માસ્ટર’ બનવું હોય, પણ એંસીના દાયકામાં ધીમે ધીમે ક્રિકેટની જૂની ઢબમાંથી ઉત્ક્રાંતિ આવી રહી હતી. પાંચ દિવસની ટેસ્ટ મેચની સાથોસાથ ૫૦ ઓવરની વન ડે ક્રિકેટ પ્રચંડ લોકપ્રિયતા મેળવી રહી હતી. ઔપચારિક તાલીમ માટે અજિતે જાણીતા કોચ રમાકાંત આચરેકરનો સંપર્ક કર્યો. આચરેકર શિવાજી પાર્કના મેદાનમાં છોકરાઓને તાલીમ આપતા હતા. તેમણે પૂછ્‌યું, ‘સીઝન બોલથી રમ્યો છે?’ અજિતે એ તાલીમ ભાઇને નાનપણથી આપવાનું શરૂ કરી દીઘું હતું. એટલે, આચરેકરના ક્લાસમાં સચિનને પ્રવેશ મળી ગયો.

ક્રિકેટર બનતાં પહેલાં સચિનને ટેનીસનો જબરો શોખ હતો. જોન મેકેન્રો તેનો પ્રિય ખેલાડી. એની જેમ સચિન પણ માથે પટ્ટી બાંધતો હતો. પણ ટેનિસ મુખ્યત્વે અમીરોની રમત. એના માટેની સાધનસુવિધાઓ તેંડુલકર પરિવારની પહોંચની બહાર હતી. એટલે સચિનનું સંપૂર્ણ ઘ્યાન ક્રિકેટ તરફ કેન્દ્રિત થયું. થોડા દિવસ સુધી તેની રમત જોયા પછી આચરેકરે સચિનના ઘરે ફોન કરીને કહ્યું,‘તમે એને ખરેખર ક્રિકેટર બનાવવા ઇચ્છતા હો તો શારદાશ્રમ હાઇસ્કૂલમાં મૂકો.’ એ સ્કૂલમાં આચરેકર સત્તાવાર કોચ હતા. ત્યાં પહોંચવું હોય તો બાંદ્રા રહેતા સચિને બે બસ બદલવી પડે.  માંડ ૧૧ વર્ષના બાળકને આવી રીતે એકલો અને તે પણ મુંબઇમાં શી રીતે મોકલાય? એટલે સવારે પિતા તેને સાથે લઇ જાય અને વળતાં પરિવારમાંથી બીજું કોઇ સચિનને લઇ આવે. આખો દહાડો રમવાનું, ભણવાનું અને બસમાં મુસાફરી. એટલે સાંજ પડ્યે ૧૧ વર્ષનું ટાબરિયું લોથ થઇ જાય. થોડા દિવસ પછી બસમાં અપ-ડાઉન આકરું લાગતાં, શિવાજી પાર્કમાં રહેતા કાકાને ત્યાં સચિને મુકામ કર્યો.

અપ-ડાઉનની મહેનત બચી, પણ મેદાન પર આચરેકર જરાય દયામાયા ન રાખે. વેકેશનમાં પણ સવારે ૭ વાગ્યામાં નેટ પ્રેક્ટિસ માટે પહોંચી જવાનું. બે કલાક પ્રેક્ટિસ પછી એક કલાકનો વિરામ. ૧૦ વાગ્યાથી પ્રેક્ટિસ મેચ શરૂ થાય. સાંજે ૫ વાગ્યાથી ફરી બે કલાકની નેટ પ્રેક્ટિસ. લગભગ બે મહિનાના વેકેશનમાં સચિને હોંશે હોંશે આ  મહેનત કરી. આચરેકરનો પ્રેક્ટિસ માટેનો આગ્રહ અને સચિનની સ્વયંશિસ્ત- એ બન્નેના મિશ્રણમાંથી એવું રસાયણ પેદા થયું કે સફળતાની ટોચે પહોંચ્યા પછી પણ સચિને કદી પ્રેક્ટિસમાં ગાફેલિયત ન રાખી.

છોકરાઓનું સારી પેઠે તેલ કાઢી નાખ્યા પછી પણ આચરેકર પાસે તેમને આપવા માટે કોઇ ખાતરી ન હતી. અજિત તેંડુલકરને તેમણે કહ્યું હતું, ‘હું એને શક્ય એટલી બધી મદદ કરીશ, પણ તકદીર અને રાજકારણ સામે હું કંઇ જ નહીં કરી શકું.’ ૧૯૮૮માં આચરેકરના બન્ને શિષ્યો સચિન અને વિનોદ કાંબલીએ હેરીસ શિલ્ડની સ્કૂલ ટુર્નામેન્ટમાં ત્રેવડી સદી ફટકારીને ૬૬૪ રનની વિક્રમસર્જક ભાગીદારી નોંધાવી. અન્ડર-૧૫ ટીમ, રણજી ટ્રોફી..એમ સચિન તેંડુલકર માટે આગળના રસ્તા ખુલવા લાગ્યા. સચિનની શારદાશ્રમ હાઇસ્કૂલની મેચ હોય ત્યારે બીજા સિનિયર ખેલાડીઓ પણ જોવા આવવા લાગ્યા. તેની રમત જોઇને સુનિલ ગાવસ્કર સાથે તેની સરખામણી પણ થવા લાગી.

કાંબલી, માંજરેકર, તેંડુલકરઃ આ તસવીર વિશે માંજરેકરે કહ્યું હતું, 'ફેર એન્ડ લવલી'
ની જાહેરખબરની જેમ ઉઘડતા વાનના ક્રમમાં બધા ઉભા છીએ 
ભારતની ટીમ ૧૯૮૭માં પાકિસ્તાનના પ્રવાસે ગઇ, ત્યારે ઉંમરની રીતે અન્ડર-૧૭માં સ્થાન પામે એવા સચિનને ટેસ્ટ ટીમમાં સમાવવામાં આવ્યો. પાકિસ્તાનની ટીમમાં ત્યારે ઇમરાનખાન, વસીમ અકરમ, વકાર યુનુસ જેવા કાતિલ ફાસ્ટ બોલર અને અબ્દુલ કાદીર જેવા શ્રેષ્ઠ લેગસ્પિનર હતા. તેમની સામે તેંડુલકર સાવ વામનજી લાગે. કરાચીમાં રમાયેલી મેચમાં તો પ્રેક્ષકો પૂંઠાં પર ચીતરી લાવ્યા હતા, ‘ગો બેક હોમ ટુ મધર, કિડ’ (બાબા, જા ઘરે મમ્મી જોડે જતો રહે). પરંતુ એ જ સિરીઝમાં ‘બાબા’એ બતાવી આપ્યું કે ક્રિકેટમાં તેનું કદ ‘બાબા’ જેવું નહીં,‘દાદા’ જેવું છે. એ સિરીઝની એક ટેસ્ટમાં વકાર યુનુસનો એક બાઉન્સર નાકે ટીચાયા પછી લોહીલુહાણ થયા પછી સચિન હિંમત ન હાર્યો. ઊલટું, તેનામાં પોતાની રમત માટેનું ઝનૂન પેદા થયું અને પ્રાથમિક સારવાર પછી તેણે બેટિંગ ચાલુ રાખીને વકારની બોલિંગમાં ઉત્તમ ફટકા માર્યા. એવી જ રીતે, અબ્દુલ કાદીરની છેતરામણી સ્પિન બોલિંગમાં છગ્ગા પર છગ્ગા ફટકારીને તેણે કાદીરની એનાલિસિસ બગાડી નાખી. કાદીરે પછીથી સચિનની પ્રશંસા કરતાં કહ્યું હતું, ‘આ છોકરો અલગ છે. એ ગાવસ્કર કે વેંગસરકર કે અમરનાથ નથી. એ એન્ટરટેઇનર છે- રોહન કન્હાઇ જેવો.’

તેંડુલકરના આદર્શ હતા ગાવસ્કર અને વેસ્ટ ઇન્ડિઝના વિવિયન રિચાર્ડ્‌સ. ગાવસ્કરના પ્રિય ખેલાડી હતા વેસ્ટ ઇન્ડિઝના રોહન કન્હાઇ, જેમના નામ પરથી ગાવસ્કરે પોતાના પુત્રનું નામ રોહન પાડ્યું. - અને કાદીર સચિનને રોહન કન્હાઇ સાથે સરખાવી રહ્યા હતા. આગળ જતાં વિક્રમો અને મહાનતાને કારણે સચિનની સરખામણી ડોન બ્રેડમેન સાથે થવા લાગી. અગાઉના- છેક ગાવસ્કર સુધીના- મહાન ખેલાડીઓ અને સચિન વચ્ચેનો સૌથી મોટો તફાવત ક્રિકેટના બદલાઇ રહેલા સ્વરૂપનો અને એ દરેકમાં સચિનની મહારતનો હતો. પહેલી વાર સચિનની ટેસ્ટ ટીમમાં પસંદગી થઇ ત્યારે કમિટીના ચેરમેન એવા રાજસિંઘ ડુંગરપુરે સચિનની રમતમાં ટેલેન્ટ, ટેમ્પરામેન્ટ અને ટેક્‌નિક ત્રણેનો સમન્વય જોયો હતો. તેંડુલકરની સૌથી મોટી ખૂબીઓમાંની એક એ હતી કે તે વન-ડેના આક્રમણ જેટલી જ સહેલાઇથી ટેસ્ટ મેચની ‘ક્લાસિક’ રમત રમી શકતા અને એનાથી પણ મોટી સિદ્ધિ એ હતી કે ક્રિકેટની દુનિયામાં સર્વોચ્ચ દરજ્જો પામ્યા પછી પણ, તેની હવા કદી તેમના વર્તન કે રમતમાં જોવા મળી નહીં.

ભારતીય ક્રિકેટમાં ૧૯૯૦થી ૨૦૧૦ સુધીના બે દાયકા નિર્વિવાદપણે ‘સચિન તેંડુલકર- યુગ’ તરીકે ઓળખાશે.

Sunday, October 28, 2012

સાયકલિંગનો સુપરહીરો લાન્સ આર્મસ્ટ્રોંગઃ નાયકમાંથી ના-લાયક

Lance Armstrong/ લાન્સ આર્મસ્ટ્રોંગ

ક્રિકેટઘેલા ભારતમાં અમેરિકાના રમતવીર લાન્સ આર્મ સ્ટ્રોંગ/ Lance Armstrongની સહેલી ઓળખાણ આપવી હોય તો, તેમને ‘સાયકલિંગના સચિન તેંડુલકર’ કહી શકાયઃ અપાર સિદ્ધિઓ, આંજી દેતી સફળતા, અઢળક કમાણી, સ્પોર્ટ્‌સના સુપરસ્ટાર તરીકેનો દરજ્જો...આર્મસ્ટ્રોંગને લીધે અમેરિકામાં સાયકલિંગની રમતની લોકપ્રિયતામાં જબ્બર ઉછાળો આવ્યો. સાયકલિંગ વ્યક્તિગત રમત અને ક્રિકેટ સમુહની રમત. એટલે એ બન્નેના ખેલાડીઓની સરખામણી કેવળ ઉપર લખેલા મુદ્દા પૂરતી જ થઇ શકે. (‘ભારતમાં ક્રિકેટ પણ વ્યક્તિગત રમત છે’ એવું કોણ બોલ્યું?)

વિશ્વના ટોચના સ્પોર્ટ્‌સ-સ્ટારમાં ગણના પામતા આર્મસ્ટ્રોંગની એક સિદ્ધિ રમત સાથે સંકળાયેલી ન હોવા છતાં, તેમને બીજા બધા રમતવીરો કરતા જુદા - અને ઊંચા - પ્રસ્થાપિત કરતી હતી. એ હતો કેન્સર સામે આર્મસ્ટ્રોંગનો જંગ. ૧૯૯૬માં ૨૫ વર્ષના આર્મસ્ટ્રોંગને કેન્સરની ખતરનાક બિમારી હોવાનું નિદાન થયું, ત્યારે જીવનનો અંત હાથવેંતમાં લાગ્યો હતો. ડોક્ટરોની ટુકડીએ કહી દીઘું હતું કે આર્મસ્ટ્રોંગની બચવાની શક્યતાઓ બહુ ઓછી છે. ફેફસાં અને દિમાગ સુધી કેન્સરની અસર ફેલાઇ ચૂકી હતી. ડોક્ટરોએ કેમોથેરપી અને ભારે જોખમ લઇને કરેલા ઓપરેશનથી આર્મસ્ટ્રોંગનો જીવ તો બચ્યો, પણ સાયકલ ચલાવવાનું કૌવત ન રહ્યું.
કેન્સરગ્રસ્ત આર્મસ્ટ્રોંગ
કેન્સર સામે શરીરથી લડવું વધારે અઘરું છે કે મનથી, એ નક્કી કરવું મુશ્કેલ છે. શરીરથી કેન્સરને હંફાવનારા ઘણા મનથી કેન્સર સામે હારી જતા હોય છે. પરંતુ આર્મસ્ટ્રોંગ જુદી માટીનો બનેલો હતો. કેન્સરમાં સપડાયાનાં ત્રણ જ વર્ષ પછી તેણે સાયકલિંગ વિશ્વની પ્રતિષ્ઠિત ગણાતી અને ૧૯૦૩થી યોજાતી સ્પર્ધા ‘ટુર દ ફ્રાન્સ’/Tour de France જીતી લીધી- અને તે પણ એક વાર નહીં. ૧૯૯૯થી ૨૦૦૫ સુધી લાગલગાટ સાત વાર.

કેન્સરને હાથતાળી આપ્યા પછી આર્મસ્ટ્રોંગે કેન્સર વિશેની જાગૃતિ અને કેન્સરગ્રસ્તોને આર્થિક-માનસિક ટેકો આપવાનું કામ શરૂ કરી દીઘું હતું. પરંતુ ‘ટુર દ ફ્રાન્સ’માં સળંગ સાત વર્ષ સુધી સપાટો બોલાવવાને કારણે આર્મસ્ટ્રોંગ અને તેની સાથોસાથ ‘લીવસ્ટ્રોંગ’/Livestrong ફાઉન્ડેશનનું મૂલ્ય ઘણું વધી ગયું. કેન્સર સામે બથ ભીડ્યા પછી સાત વર્ષ સુધી વિજેતા બનેલા આર્મસ્ટ્રોંગે અમેરિકાની નવી પેઢીને- અને ખાસ કરીને કેન્સરનો ભોગ બનેલા લોકોને- ઝઝૂમવાની નવી પ્રેરણા આપી. કેન્સરનું નિદાન થયું હોય એવા દર્દીઓને ‘લીવસ્ટ્રોંગ’ લખેલું રબરનું પીળું બ્રેસલેટ આપવામાં આવતું હતું. તે હાથે પહેરી રાખનારને સતત એવી ખાતરી થયા કરતી હતી કે કેન્સરને હંફાવી શકાય છે અને આર્મસ્ટ્રોંગની જેમ કોઇ પણ દર્દી સાજો થઇ શકે છે.

આર્મસ્ટ્રોંગની કથાનો પૂર્વાર્ધ જેટલો પ્રેરક હતો, એટલો જ ઉત્તરાર્ધ આઘાતજનક નીવડ્યો. ‘ટુર દ ફ્રાન્સ’ સહિતની સ્પર્ધાઓ જીતવા માટે આર્મસ્ટ્રોંગે પ્રતિબંધિત ડ્રગ્સનો છૂટથી ઉપયોગ કર્યો હોવાના આરોપ પહેલી વાર થયા, ત્યારે સનસનાટી મચી હતી. પરંતુ કેન્સર વિરુદ્ધ સેંકડો લોકોને લડવાની હિંમત આપનાર નાયક માટીપગો હોય, એવું માનવું કપરું હતું. ખુદ આર્મસ્ટ્રોંગે આરોપોને ફગાવી દીધા. વિશ્વભરમાં ફેલાયેલા આર્મસ્ટ્રોંગના ચાહકોને પણ પોતાના હીરોમાં વિશ્વાસ હતો. આર્મસ્ટ્રોંગ જેમના માટે મોડેલિંગ કરતો હતો, એ કંપનીઓ આર્મસ્ટ્રોંગની પડખે હતી. બધાને લાગતું હતું કે ‘આર્મસ્ટ્રોંગ જેવો લડવૈયો આવું ન કરે. ન કરી શકે.’ આ લાગણીનો પડઘો પાડતા એક કાર્ટૂનમાં, કેન્સરરૂપી મોતનો દૂત સ્પોર્ટ્‌સના સત્તાધીશને કહે છે, ‘આર્મસ્ટ્રોંગે મારી સાથે પણ છેતરપીંડી કરી હતી.’

અમેરિકાની પોસ્ટલ સર્વિસની ટીમમાં આર્મસ્ટ્રોંગની સાથે સાયકલિંગ કરનાર ફ્‌લોઇડ લેન્ડિસે મે, ૨૦૧૦માં આરોપો કર્યા હતા. તેનાં બે વર્ષ સુધી આર્મસ્ટ્રોંગનો નિર્દોષતાનો દાવો મોટી સંખ્યામાં લોકો સ્વીકારતા હતા. શારીરિક ક્ષમતા વધારવા માટે ડ્રગ્સ લેવા અંગે અમેરિકાની સરકારે આર્મસ્ટ્રોંગ સામે તપાસ શરૂ કરી હતી, જે આ વર્ષના ફેબ્રુઆરીમાં કશું કારણ કે તારણ આપ્યા વિના આટોપી લેવાઇ. પરંતુ જૂનમાં ‘યુએસ સ્ટેટ એન્ટી-ડોપિંગ એજન્સી’ દ્વારા જાણ કરવામાં આવી કે આર્મસ્ટ્રોંગ સામે કાનૂની તપાસ થઇ રહી છે.

ગયા વર્ષે નિવૃત્તિ લેનાર આર્મસ્ટ્રોંગે પોતે ડ્રગ્સ લીધાં હોવાનું કદી સ્વીકાર્યું ન હતું- અને આ લખાય છે ત્યાં સુધી પોતાની નિર્દોષતાનું રટણ ચાલુ રાખ્યું છે. એટલે તેમણે અમેરિકાની એન્ટી-ડોપિંગ એજન્સીની કાર્યવાહી પર મનાઇહુકમ આણવા માટે અદાલતમાં દાવો માંડ્યો. તેમનો આરોપ હતો કે એજન્સીએ પોતાની (આર્મસ્ટ્રોંગની) વિરુદ્ધની જુબાનીઓ મેળવવા માટે ભ્રષ્ટાચારનો સહારો લીધો છે. આર્મસ્ટ્રોંગે આવા બે પ્રયાસ કર્યા અને બન્ને વાર અદાલતે તેમની રજૂઆતો કાઢી નાખી.

આર્મસ્ટ્રોંગની રજૂઆતો ગુનો પુરવાર થયા પહેલાંના આગોતરા જામીન જેવી હતી. તેને અદાલતે નામંજૂર રાખતાં, આર્મસ્ટ્રોંગ માટે બધા રસ્તા બંધ થઇ ગયા. ઓગસ્ટમાં તેમણે  આ મુદ્દે પોતાની સામે થયેલા આરોપો સામે ચૂપ રહેવાનું જાહેર કર્યું, પણ પોતાની નિર્દોષતા વિશે તે એટલું ધૂંટીને કહેતા હતા કે ઘણા ચાહકો અને મોટી કંપનીઓએ તેમનો સાથ છોડ્યો નહીં.

એટલે જ, આર્મસ્ટ્રોંગે જીતેલાં ટાઇટલ એન્ટી-ડોપિંગ એજન્સીએ રદબાતલ જાહેર કર્યાં, ‘ટુર દ ફ્રાન્સ’ના વિજેતાઓની યાદીમાંથી આર્મસ્ટ્રોંગનું નામ ભૂંસી નાખવામાં આવ્યું અને તેમની પર (સાયકલિંગ સ્પર્ધાઓ પૂરતો) આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો, ત્યારે આર્મસ્ટ્રોંગના ઘણા ચાહકો નારાજ થયા. તેમને આ પગલાં આત્યંતિક અને આર્મસ્ટ્રોંગની વિરાટ પ્રતિભાને અન્યાય કરનારાં લાગ્યાં. આર્મસ્ટ્રોંગ વિરુદ્ધ જુબાની આપનાર સાથી રમતવીરો સહિત બીજા લોકો માટે આર્મસ્ટ્રોંગના વકીલે ‘ખારીલા, સોગંદપૂર્વક જૂઠું બોલવા માટે કુખ્યાત’ તરીકે ઓળખાવ્યા અને તેમની જુબાનીઓ એજન્સીએ બળજબરી-ધાકધમકી ને લાલચથી મેળવી હોવાનો આરોપ કર્યો.

પરંતુ આ મહિને એજન્સીએ જાહેર કરેલા ૨૦૨ પાનાંના અહેવાલમાં આર્મસ્ટ્રોંગની નિર્દોષતાનો બહુ ફુલાવેલો પરપોટો ફૂટી ગયો. તેમાં વિગતવાર જણાવવામાં આવ્યું હતું કે આર્મસ્ટ્રોંગ કઇ રીતે પોતે ડ્રગ્સનો ઉપયોગ કરતા હતા અને સાથીદારોને પણ એમ કરવા દબાણ કરતા હતા, ડ્રગ ટેસ્ટિંગમાં રહેલી મર્યાદાઓનો ગેરલાભ લેતા હતા અને ડ્રગ્સનો ઉપયોગ કરવા છતાં તેમના ટેસ્ટ કેમ પોઝિટિવ આવતા ન હતા. આર્મસ્ટ્રોંગે એરિથ્રોપોઇટિન- ટૂંકમાં ઇપીઓ - તરીકે ઓળખાતું ડ્રગ ઘણી વાર વાપરતા હતા. તેમના માનીતા -અને હવે શંકાના દાયરામાં આવેલા- ડોક્ટર માઇકલ ફેરારી પણ અવનવાં સંશોધનો કરીને, આર્મસ્ટ્રોંગને ટેસ્ટ કરનારા કરતાં બે ડગલાં આગળ રાખવાનો પ્રયાસ કરતા હતા.

લાન્સ આર્મસ્ટ્રોંગના દાવાની પોકળતા છતી કરતી freaking newsની મસ્તી
શરૂઆતમાં ઇપીઓ ડ્રગ વિશે ખ્યાલ ન હોવાથી એ પ્રતિબંધિત ન હતું. પછી તેની પર પ્રતિબંધ આવ્યો ત્યારે ડોક્ટર ફેરારીએ શોધી કાઢ્‌યું કે ઓછી પણ નિયમિત માત્રામાં ઇપીઓ સીઘું નસમાં લેવામાં આવે, તો એ ટેસ્ટમાં પકડાતું નથી. શરીરક્ષમતા વધારવાનાં બીજાં પણ તિકડમ આર્મસ્ટ્રોંગ એન્ડ કંપનીએ કર્યાં હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જેમ કે, ૧૯૯૯માં એક વાર પ્રતિબંધિત ડ્રગના ટેસ્ટમાં પોઝિટિવ થનાર આર્મસ્ટ્રોંગના લાભાર્થે જૂની તારીખનું ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ઉપજાવી કાઢવામાં આવ્યું હતું, જેના થકી આ ડ્રગ એક ક્રીમ મારફતે શરીરમાં આવ્યું હોવાનું સાબિત કરી શકાય. એક નુસખામાં પોતાનું જ લોહી શરીરમાંથી કઢાવીને, થોડા સમય પછી તેને ફરી શરીરમાં ચઢાવવામાં આવતું હતું. એમ કરવાથી લોહીની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા -અને સરવાળે ખેલાડીની શરીરક્ષમતા વધતી હતી. આર્મસ્ટ્રોંગ સાથી ખેલાડીઓ પર એવું દબાણ પણ કરતો હોવાનું નોંધાયું છે કે ‘યુએસ પોસ્ટલ સર્વિસની ટીમમાં રહેવું હોય તો મારા ડોક્ટર કહે એ પ્રમાણેની ‘ટ્રીટમેન્ટ’ કરવી પડશે.’

આ મહિને આરોપોનો દાબડો ખુલી ગયા પછી, આર્મસ્ટ્રોંગ માટે મુસીબતો ઊભી થઇ છે. અત્યાર સુધી તેમની પડખે રહેલી ‘નાઇકી’ સહિતની કંપનીઓએ ‘અકાટ્ય પુરાવા’ નજર સામે રાખીને આર્મસ્ટ્રોંગ સાથેનો છેડો ફાડી નાખ્યો છે. એવી જ પ્રતિક્રિયા આર્મસ્ટ્રોંગને પ્રેરણામૂર્તિ માનતા કેન્સરના દર્દીઓ અને ચાહકોની પણ રહી છે. કેન્સર સામે ખેલદિલીથી લડનારો આર્મસ્ટ્રોંગ સાયકલિંગમાં અંચઇ કરે, એ હકીકત પચાવવાનું તેમને અઘરું લાગે છે, પણ અત્યારે એ સિવાય બીજો વિકલ્પ પણ નથી. ‘લીવસ્ટ્રોંગ ફાઉન્ડેશન’ પર આ વિવાદની માઠી અસર ન પડે એ માટે આર્મસ્ટ્રોંગે તેના અઘ્યક્ષપદેથી રાજીનામું આપી દીઘું છે.

રેકોર્ડબુકમાંથી આર્મસ્ટ્રોંગનું નામ તો ભૂંસાઇ ચૂક્યું છે, પણ નામ ભૂંસાવાના ડાઘ એટલી સહેલાઇથી ભૂંસી શકાતા નથી.