Thursday, July 27, 2023

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને જાહેરમાં ફટકારવા વિશે

  • પોલીસ જાહેરમાં લોકોને ફટકારે તેમાં ઘણાબધા લોકોને બહુ આનંદ આવે છે અને ન્યાય થયો હોય એવું લાગે છે. ગુનેગારોને સીધા કરવાની એ જ સાચી રીત છે, એવું તેમને લાગે છે. 
  • અત્યારે ટ્રાફિકના ગુનાની વાત કરીએ તો, મોટા અકસ્માત પછી એક-બે વિડીયો એવી જોવા મળી, જેમાં ટ્રાફિકનો ગુનો કરનારને એક પોલીસ પકડે અને બીજા પાછળથી ફટકારે. કેટલી લાકડીઓ? પોલીસને મન થાય ને ધરવ થાય એટલી. 
  • લાકડી ફટકારતી વખતે પોલીસ કોનો કોનો કે શાનો શાનો ગુસ્સો ઉતારે છે એની તો આપણે કલ્પના કરવાની રહી, પણ સીધીસાદી સભ્યતાના એક પણ ધોરણે એ સજા વાજબી ઠેરવી શકાય તેમ નથી. ગુનેગાર સાથે ગુનેગાર બનીને કામ પાડવામાં ન્યાય નથી થતો. બરાબરી થાય છે. 
  • ટ્રાફિકના ગંભીરમાં ગંભીર ગુના માટે કાયદાની કલમો હશે અને ન હોય તો તે કલમો બનાવવા માટે રજૂઆતો-આંદોલન કરવું, એ તેનો ઉપાય છે. આ રીતે કોઈને પણ મારવાની પોલીસને સત્તા નથી. તેમ છતાં, પોલીસ એ સત્તા ભોગવે અને તેને લોકોના મોટા સમુદાયનું સમર્થન મળે, એ બંને બાબતો બહુ ખતરનાક છે. 
  • નૈતિકતા કે પ્રમાણભાનની વાત ઘડીભર બાજુએ રાખીએ તો પણ, જાહેરમાં ફટકારવાના પ્રસંગોથી રાજી થતા અને પોરસાતા લોકોને એ ખ્યાલ હોય છે કે કોઈ પણ રેશનલ--તર્ક કે પ્રમાણભાન--વગરના, આવા 'ઇન્સ્ટન્ટ ન્યાય' એટલે કે પોલીસની ધોકાવાળીમાં તેમનો નંબર પણ ગમે ત્યારે લાગી શકે છે? 
  • જેમની પાસે જેની સત્તા નથી, તે એ સત્તા હાથમાં લઈ લે ત્યારે નાગરિક તરીકે આપણે ચેતવાનું હોય અને વિરોધ કરવાનો હોય. કારણ કે, સત્તાના દુરુપયોગની બંદૂક હંમેશાં આપણને ન ગમતા માણસ સામે જ તકાય એવું બિલકુલ જરૂરી નથી હોતું. અને એક વાર સત્તાના દુરુપયોગને વધાવી લીધા પછી, આપણે પણ તેના સાગરીત બનીએ છીએ. 
  • ગુનેગારોને કડક સજા થાય તે માટે 1) કાયદાની જોગવાઈ 2) કાયદા પ્રમાણે ચાલવાની પોલીસની વર્તણૂંક 3) તેના માટે પોલીસ ઉપરીઓની પ્રોફેશનલ (દબંગછાપ નહીં) વર્તણૂંક 4) પોલીસ દ્વારા અસરકારક રીતે થતી કેસની નોંધણી અને સંબંધિત કાચું કામ, જેના આધારે અદાલતમાં પહોંચ્યા પછી કેસ લૂલો ન પડી જાય અને 5) અદાલતમાં આ પ્રકારના કેસની ઝડપી સુનાવણી અથવા આ પ્રકારના કેસ માટેની બીજી અદાલતો-- આટલું જરૂરી છે. 
  • આ પ્રક્રિયા છે, જેના પહેલા પગથિયાની દિશામાં સફર શરૂ થવી જોઈએ. મીડિયાએ હઈસો હઈસો ને ગુનેગારોને અવનવાં લેબલ આપવાને બદલે લાંબા ગાળાના ઉકેલની દિશામાં લોકમત ઘડવો, દોરવો જોઈએ. અને એવું ન કરે તો પણ લોકોને ઉશ્કેરણીના રવાડે ચડાવવા જોઈએ નહીં. 
  • ડંડાવાળી કરવાથી કે ટ્રાફિક ઝુંબેશો કે સ્પેશ્યલ ડ્રાઇવ કરવાથી સનસનાટીપ્રેમી -લોકલાગણી ઉશ્કેરનારાં મીડિયાને ધરવી શકાશે, પણ આપણી નાગરિકોની સમસ્યાનો કશો ઉકેલ નહીં આવે.

Monday, July 24, 2023

છત્રીસલક્ષણી છત્રી

 સામાન્ય લોકોને મન છત્રી એટલે વરસાદથી પલળતાં બચાવતું સાધન. વધારે તૈયાર લોકો છત્રીના સ્વરક્ષણ કમ, આક્રમણ જ્યાદાવાળા ઉપયોગ પણ (કરી) જાણતા હશે. પરંતુ છત્રીના સમાજશાસ્ત્રીય મહત્ત્વ વિશે કેટલા લોકો જાણતા હશે? બીજાને તો ઠીક, સમાજશાસ્ત્રીઓને પણ ભારતીય કુટુંબવ્યવસ્થા સાથે છત્રીના સંબંધ વિશે પૂછવામાં આવે તો માથું ખંજવાળી શકે છે.

જૂના સમયની છત્રીઓનો ઘેરાવો યાદ કરો. તે સમયની લગભગ દરેક ચીજની જેમ, છત્રી પણ મોટી હતી. એટલી મોટી કે શિરછત્ર જેવી લાગે. રાજાઓના માથે રહેલું શિરછત્ર સોનાનું ને મોંઘું હોય, જ્યારે સામાન્ય માણસના શિર પર ધારણ કરાતું છત્રી-છત્ર કાળું અને સીધુંસાદું હોય. પણ બંનેથી મળતા રક્ષણમાં કોઈ ફરક નહીં. ઘણાં ઘરમાં દાદાજીની લાકડીમાંથી બનેલી છત્રીઓ પણ જોવા મળતી. એવી છત્રી ખુલે ત્યારે માથે કુટુંબના વડાનું છત્ર હોય એવો સલામતીભર્યો અહેસાસ થતો હતો.

સમાજશાસ્ત્રની રીતે વિચારતાં કહી શકાય કે તે છત્રીઓ સંયુક્ત પરિવારનું પ્રતિક હતી. પરિવાર મોટો. છત્રીઓ પણ મોટી. નાનાં બાળકોને એવી છત્રીઓ ઝટ ખોલ-વાસ કરતાં ફાવે નહીં. ચપટી ભરાવાની બીક લાગે. તે ખોલવા માટે પણ જોર લગાડવું પડે. વડીલો બાળકોને સલામત રીતે છત્રી ખોલતા શીખવાડીને આગામી પેઢીનો જીવનપથ પ્રશસ્ત કરે. બાળકને મોટી છત્રી બરાબર ખોલતાં-બંધ કરતાં આવડી જાય, ત્યારે તે મોટું થયું ગણાય અને વડીલને સંતાન પ્રત્યેનું એક કર્તવ્ય અદા કર્યાનો સંતોષ થાય.

દેશમાં કુટુંબના વિસ્તારની સાથે છત્રીઓનો વિસ્તાર સંકોચાતો ગયો કે પછી, છત્રીઓના વિસ્તારની સાથે કુટુંબોનો વિસ્તાર સંકોચાતો ગયો, તે ચર્ચાસ્પદ મુદ્દો છે, પણ બંનેના વિસ્તાર સંકોચાયા એ હકીકત છે. પ્રેમગલી અતિ સાંકરી, તામેં દો ના સમાયે એવું કબીરજીનું વચન જુદી રીતે નવી છત્રીઓને બરાબર લાગુ પડ્યું. તે છત્રીઓ એટલી સાંકડી હતી કે તેમાં બે તો ઠીક, એક જણ માંડ સમાઈ શકે. વિભક્ત પરિવારોમાં માણસો ઇન, મીન ને તીન હોવા છતાં, તે પણ પોતાની સ્પેસ માટે ફાંફાં મારતાં હોય છે. એવી જ રીતે, નવા જમાનાની છત્રી ધારણ કરનાર એકલો હોવા છતાં, તે છત્રી નીચે વરસાદથી બચવા માટે સંઘર્ષ કરતો જોઈ શકાય છે.

નવી છત્રીઓ ગાંધીજીએ ચીંધેલાં સુધારાનાં—એટલે કે કુધારાનાં—લક્ષણોવાળી નીકળી. ચાંપ દબાવો એટલે ભફ્ફ અવાજ સાથે ઓચિંતી ખુલી જાય. ખોલનાર સાવધ ન હોય તો આજુબાજુના કોઈને તે વગાડી બેસે. જેમ ઝડપ એ સુધારાનું લક્ષણ છે તેમ, બીજાના હિત કરતાં પોતાની સુવિધાને પ્રાધાન્ય આપવું એ પણ સુધારાની ખાસિયત છે. તેમાં પોતાની સુવિધા વધારવા માટે બીજાના હિતનો ભોગ લેવાનો પણ છોછ હોતો નથી. બલ્કે, તેને અનિવાર્ય અનિષ્ટ અથવા આવડત ગણવામાં આવે છે.

જૂની છત્રીઓ વર્ષો સુધી અને કેટલાક કિસ્સામાં પેઢી દર પેઢી ચાલતી હતી. છત્રી કરતાં છત્રી વાપરનારની જીવનલીલા વહેલી સંકેલાઈ જાય એવું ઘણી વાર બન્યું હશે. એકની એક છત્રીને થીંગડું મરાવીને વાપરનારા લોકો પણ હતા. તે છત્રી વરસાદ સિવાયની ઋતુઓમાં ટેકણલાકડીથી માંડીને પોશાકના અભિન્ન અંગ તરીકે ખપમાં લેવાતી હતી. તારક મહેતાએ સર્જેલું કાંડે છત્રી ઝુલાવતા તેમના જમાનાના પત્રકાર પોપટલાલનું પાત્ર એ હકીકતનો પુરાવો છે. ઘરની બહાર બંધ છત્રી ઊભી ટેકવેલી હોય તે વડીલની હાજરીની નિશાની ગણાતી હતી અને બાળવર્ગમાં તે છત્રીનાં દર્શનમાત્રથી અનુશાસન પર્વ વ્યાપી જતું હતું.

હવે વડીલની છત્રી અને વડીલની ધાક બંને ઘણી હદે, શહેરોમાં તો ખાસ, લુપ્ત થયાં છે. નવી છત્રીઓના વરસાદમાં જૂની છત્રી જાણે તણાઈ ગઈ. ટકાઉપણાને પરિવર્તનવિરોધી અને જૂનવાણી ગણતા યુગમાં જૂની છત્રીઓનું ઉઠમણું ન થાય તો જ નવાઈ. તેમની સરખામણીમાં સ્વિચવાળી છત્રીનું તકલાદીપણું તેની કમનીયતામાં અને સુવિધામાં ખપવા લાગ્યું. ત્યાર પછી છત્રી બગડે તે આપત્તિ નહીં, પણ અવસર ગણાવા લાગ્યો. નાની બચત પછીના, રીફીલ પૂરી થાય ત્યારે આખેઆખી પેન જ ખરીદવી પડે એ યુગમાં જન્મેલા લોકો કહે છે, સારું થયું, હવે નવી છત્રી આવશે. બે વર્ષથી એકનું એક છત્રું વાપરીને કંટાળો આવ્યો હતો.

સ્વિચવાળી છત્રીઓ થોડો વખત વપરાયા પછી સરળતાથી બંધ થવાનો ઇન્કાર કરે, તેના એકાદબે સળીયા આઘાપાછા થઈ જાય, સ્વિચ બગડી જાય અને એવું કશું ન થાય તો એકાદ તોફાની વરસાદમાં છત્રી કાગડો થઈ જાય--જેમ લોકશાહીના રક્ષણ માટે રહેલી ઘણીખરી બંધારણીય સંસ્થાઓની છત્રી અત્યારે કાગડો થઈ ચૂકી છે. પરંતુ બધા પાસે એ પ્રકારની છત્રી હોવાને કારણે અને બધાની છત્રીઓ કાગડો થઈ હોવાને કારણે, કોણ કોને શરમાવે? ત્યાર પછી છત્રીની કાગડો અવસ્થાને ન્યૂ નોર્મલ જાહેર કરવાનું જ બાકી રહે છે.

દાદાજીના જમાનામાં છત્રીઓ સામે કટોકટી આવતી હતી. તોફાની હવામાં ક્યારેક તે છત્રી છત્રીધારકને પોતાની સાથે તાણી જતી હતી. પણ તે કાયમ માટે નકામી થઈ જાય એવી કાગડાવસ્થાને પામતી ન હતી. તેનું સમારકામ કરી શકાતું હતું અને બીજા ચોમાસે તે એવું રક્ષણ આપતી હતી, જાણે અગાઉ કશું થયું જ ન હોય. હવે કાગડો થઈ ગયેલી છત્રીઓ અને સંસ્થાઓ માટે એવી આશા રાખવી કે એવો આશાવાદ સેવવો અઘરો છે. કાશ, કાગડો થયેલી છત્રી જેટલી સહેલાઈથી કાગડો થયેલી સંસ્થાઓ સમારી-સુધારી શકાતી હોત.

Sunday, July 23, 2023

અમદાવાદના અકસ્માત વિશે થોડા પ્રાથમિક-પાયાના વિચાર

 1. ઘણા ગુનામાં કોઈ એક ગુનેગાર નહીં, ઘણા બધા ગુનેગાર હોય છે. આ કિસ્સામાં સૌથી મોટો ગુનેગાર બેદરકાર ડ્રાઇવિંગથી 11 જણને કચડી નાખનાર તથ્ય પટેલ છે. તેનો અર્થ એવો નથી કે બાકીની એજન્સીઓ (ટ્રાફિક પોલીસ, રસ્તાનું ધ્યાન રાખતું કોર્પોરેશન વગેરે) નિર્દોષ ઠરે છે. 

2. એવી જ રીતે, ફ્લાય ઓવર પર અંધારું હતું, ફ્લાયઓવર પર ચડતાં દૃષ્ટિ અવરોધાઈ જાય છે, ટોળું ત્યાં શું કરતું હતું, ટ્રાફિક પોલીસે બેરીકેડ કેમ ન લગાડી--આ બધા મુદ્દા સાચા હોવાને કારણે, તથ્ય પટેલનો ગુનો જરાય ઓછો થતો નથી. એટલે, એ મુદ્દા તથ્ય પટેલના બચાવમાં વાપરી શકાય નહીં. 

3. બુલડોઝરની કાર્યવાહી ક્યાંય પણ થાય, તે ગુફાયુગની પ્રથા છે. બુલડોઝર ચલાવી દેવું એ ટોળાંનો બદલો હોઈ શકે, ન્યાય નહીં. સરકાર જેવી સરકાર ટોળાંશાહીની રીતે, ટોળાંની લાગણી સંતોષવા હિંસા આચરતી થઈ જાય, ત્યારે કોઈ સલામત નથી રહેતું --અને એ અત્યારે આપણે જોઈ જ રહ્યાં છીએ. 

4. ગુનેગારને ફાંસી થવી જોઈએ--એવું બૂમરાણ મચાવવાથી કીક આવે છે અને સરકારને તેના મનગમતા--કાયદો હાથમાં લેવાના--રસ્તે આગળ વધવા પ્રોત્સાહન આપી શકાય છે. પણ મૂળ મુદ્દો એ છે કે કાયદામાં આ પ્રકારની સજાની જોગવાઈ છે ખરી? 

5. એક પણ નિર્દોષનો જીવ જાય, તો તેનો જીવ લેનારને કે જીવ લેવામાં પોતાની બેદરકારીથી કારણભૂત બનનારને તેની આકરી કિંમત ચૂકવવી પડે--એ ન્યાય છે. સૌથી પહેલાં એની ચર્ચા થવી જોઈએ કે તથ્ય પટેલ પ્રકારના કિસ્સામાં કાયદાની શી જોગવાઈ છે? અને તેમાં કશા ફેરફારની જરૂર છે? દરેક કેસ વખતે આરંભિક હોબાળા પછી, ગુનેગાર રૂપિયાના જોરે છૂટી જાય (કે ન પણ છૂટે) તેના કરતાં,  કાયમી ધોરણે કાયદામાં ફેરફાર થાય અને આ પ્રકારના ગુનાની સજા ગંભીર બને તે વધારે જરૂરી છે. 

6. તથ્ય પટેલે કે તેના પિતાએ કે તેના વકીલે અગાઉ શું કરેલું, એની કથાઓ રસિક હોઈ શકે છે, પણ તે મીડિયા ટ્રાયલ માટે કામની છે-અસલી ન્યાય માટે નહીં. અત્યારે તથ્ય પટેલને શક્ય એટલી મહત્તમ સજા થાય અને રૂપિયાના આધારે બધું મેનેજ થઈ જાય છે--એવો મેસેજ ન જાય, તે સૌથી મહત્ત્વનું છે. 

7. તથ્ય પટેલને સજા થઈ જાય એટલા માત્રથી પણ ન્યાય થઈ જતો નથી. તથ્ય પટેલને સજા થાય અને મૃતક પરિવારોને તથ્ય પટેલની કૌટુંબિક સંપત્તિમાંથી દાખલો બેસે એટલી મોટી રકમ વળતર સ્વરૂપે આપવાનો હુકમ થાય, તે પણ જરૂરી છે. 

8. અમીર હોવું એ તથ્ય પટેલનો ગુનો નથી, પણ આ ગુનામાં તેની અમીરી તેની તાકાત ન બની જાય, તેનું ધ્યાન રાખવું એટલું જ મહત્ત્વનું છે. 

9. આખી ઘટનાને કરુણ સિરીયલ કે એશોઆરામમાં જીવતા નબીરાનાં કરતૂતની વેબ સિરીઝ તરીકે રજૂ કરવાથી બચવા જેવું છે. કારણ કે, એમ કરવા જતાં ગુનેગારને સજા-પીડિતને ન્યાયનો મુખ્ય મુદ્દો કેન્દ્રમાંથી ખસી જાય છે અને મનોરંજન-સનસનાટી-રોમાંચ મુખ્ય બની જાય છે.

Wednesday, July 05, 2023

રેઇન કોટમાં વરસાદ

 શહેરી લોકોનું ચાલે તો તે કુદરત સમક્ષ એવી માગણી મુકે કે વરસાદ ફક્ત ખેતરો, જળાશયો અને નદીઓ ઉપર જ પડવો જોઈએ, પણ વરસાદ કે કુદરત એટલું સમજતાં નથી. એટલે ‘વહુને અને વરસાદને જશ નહીં’—એવી કહેવતો ચલણમાં આવી. 

‘ચોમાસું શાની ઋતુ છે?’ એવો સવાલ આમ હાસ્યાસ્પદ લાગે, પણ તેનો જવાબ સીધોસાદો નથી. ખેડૂતો માટે વરસાદ ખેતીની ઋતુ ખરી, પણ કવિઓ કે સંભાવિત કવિઓ માટે તે કવિતાના વરસાદની મોસમ છે. ખાણીપીણીના પ્રેમીઓ માટે તે ભજિયાંની સીઝન છે. ઘણા લોકોના મનમાં ભજિયાં-વરસાદનો સંબંધ એટલો ગાઢ હોય છે કે કોઈ વરસાદી ગીત સાંભળીને પણ તેમને ભજિયાં ખાવાનું મન થઈ જાય. પરંતુ આ બધી લીલાઓ ઘરની કે ઓફિસની છત નીચે બેઠેલા લોકોની. બાકીના મોટા ભાગના લોકો માટે વરસાદ એટલે કપડાં બચાવતાં બચાવતાં, ‘લાગા ચુનરીમેં દાગ છુપાઉં કૈસે’ ગાવું ન પડે એ રીતે, સહીસલામત ઓફિસે પહોંચવાની કસોટી. 

દર વર્ષે લાખો રૂપિયા ખાઈ જતા રસ્તા વરસાદની ચેલેન્જને પાંચ-દસ ગણી વધારી મુકે છે. એવા રસ્તા પર પલળ્યા વિના ચાલવા-ચલાવવાનું કામ કોઈ સાહસપૂર્ણ રીઆલીટી શો જેવું બની રહે છે. છત્રીઓ હોય છે, પણ મસમોટા પડકારો સામે બાથ ભીડવાની હોય ત્યારે એક હાથ છત્રી રોકી લે તે કેમ પોસાય? એટલે માણસે પોતાની જાત રેઇન કોટને હવાલે કરવી પડે છે. 

પહેલી વાર રેઇન કોટ અને એ પણ શર્ટ-પેન્ટ પ્રકારના ટુ પીસ રેઇન કોટ જોઈને માણસને થાય છે કે ‘બસ, હવે તો વરસાદ છે ને હું છું.’ રેઇન કોટ તેને વરસાદનો સામનો કરવા માટે ઉપરવાળાએ મોકલેલું દિવ્ય વસ્ત્ર હોય એવું ભાસે છે. તેને પહેર્યા પછી ગમે તેવા વરસાદમાં બહાર નીકળી શકાશે અને કોરાકટાક રહી શકાશે એવી આત્મશ્રદ્ધા તેનામાં પ્રગટે છે. જાડા રબર જેવા રેઇન કોટની સપાટી પર હાથ ફેરવીને તે મનોમન પોરસાય છે, ‘જોયું? વરસાદ તો શું? તેજાબ પણ અંદર જઈ ન શકે એવો મજબૂત રેઇન કોટ છે.’ રેઇન કોટ પાતળો હોય તો તેને થાય છે, ‘પાતળું પ્લાસ્ટિક છે, પણ છે કેવું મજબૂત? વરસાદ ઉપરથી જ લપસી જશે.’ 

પરંતુ રેઇન કોટનાં પહેલાં દર્શનથી થયેલીર હાત સરકારના મોન્સૂન પ્લાન જેવાં નીવડે છે. શરૂઆતમાં બે-ચાર નાનાં ઝાપટાં પડે ત્યાં સુધી રેઇન કોટની અસરકારકતાની માન્યતા ટકી રહે છે. અખંડ રહે છે. તે દૃષ્ટિએ રેઇન કોટ મોન્સૂન પ્લાન કરતા વધારે મજબૂત કહેવાય. કેમ કે, ચોમાસા પહેલાં નક્કર લાગતો મોન્સૂન પ્લાન મોટે ભાગે આરંભિક દોઢ-બે ઇંચ વરસાદમાં જ પ્રવાહી બનીને વહી જાય છે. 

વરસાદમાં રેઇન કોટ પહેરીને બહાર નીકળતાં સૃષ્ટિ જુદી લાગે છે. હેવ્સ અને હેવ નોટ્સ (ખાટી ગયેલા ને રહી ગયેલા) વચ્ચેનો તફાવત સ્પષ્ટ થઈ જાય છે અને પોતે ‘હેવ્સ’ના જૂથમાં હોવાનો ગૌરવવંતો અહેસાસ થાય છે. પરંતુ ચોમાસું આગળ વધે તેમ સામાજિક ભેદરેખા ભૂંસાતી જાય છે અને રેઇન કોટધારીઓને સમજાય છે કે એમ ફક્ત રેઇન કોટના જોરે ‘હેવ નોટ્સ’માંથી ‘હેવ્સ’માં ન આવી જવાય. ભરવરસાદમાં દ્વિચક્રી ચલાવતી વખતે કે ટૂંકા અંતર સુધી ચાલતી વખતે, રેઇન કોટ પહેર્યો હોવા છતાં એકાએક શીતળ અહેસાસ થાય છે. પહેલાં તો એવું માનવાનું મન થાય છે કે રેઇન કોટ પહેરવાને કારણે મનમાં જે ઠંડક થઈ તે બહાર રેલાતી હોય છે. પછી ખ્યાલ આવે છે કે ઠંડકની સાથોસાથ ભીનાશ પણ સામેલ છે અને તે પાણીની છે. એ સાથે સવાલ થાય છેઃ રેઇન  કોટ પહેર્યો હોય તો તેની અંદર પાણી શી રીતે ઘુસી શકે? એ લાગણી ‘હમારી જેલમેં સુરંગ?’ જેવી હોય છે. પછી તરત વિચાર આવે છેઃ રેઇન કોટ તો બરાબર જ હોય. નક્કી તે પહેરવામાં ક્યાંક ગરબડ થઈ હશે અને ત્યાંથી પાણી અંદર જતું હશે. 

થોડી વાર પછી પાણીની બીજી ધારાનો અહેસાસ થાય છે અને જોતજોતાંમાં લાગે છે કે રેઇન કોટ ફક્ત બહારથી જ નહીં, અંદરથી પણ ભીનો થવા લાગ્યો છે અને તેની સાથે કપડાં ભીંજાવા લાગ્યાં છે. એટલે, ‘મારી સાથે આવું શી રીતે થઈ શકે?’ એ વિચારે પહેલાં તો માણસને રોષ ચડે છે. પછી રોષનો મુદ્દો બદલાય છેઃ ‘નક્કી રેઇન કોટની દુકાનવાળાએ મારી સાથે છેતરપીંડી કરીને મને હલકો માલ પધરાવ્યો લાગે છે. બાકી, રેઇન કોટ પહેર્યા પછી પણ ભીંજાવાનું હોય તો તે પહેરવાનો અર્થ શો રહ્યો?’ તેને ગુસ્સો અપાવનારી ત્રીજી બાબત એ છે કે રેઇન કોટમાં અંદર પાણી ગયું તેમાં મ્યુનિસિપાલિટીનો વાંક કાઢી શકાતો નથી ને તેની પર ગુસ્સે થઈ શકાતું નથી. 

પહેલી વાર રેઇન કોટમાં પલળ્યા પછી તે જ્ઞાનની શોધમાં બીજા અનુભવી રેઇન કોટધારીઓને મળે છે. ત્યારે તેને સમજાય છે કે રેઇન કોટથી ન પલળાય એવી કોઈ ગેરન્ટી હોતી નથી. રેઇન કોટ પહેરવાથી ફક્ત એટલું જ સૂચિત થાય છે કે તે પહેરનાર સ્વેચ્છાએ પલળવા ઇચ્છતો ન હતો ને તેણે કોરા રહેવાના યથાશક્તિ પ્રયત્ન કર્યા. છતાં તે પલળ્યો એ તેની (ઓફિસમાં) ગેરશિસ્ત કે (ઘરમાં) બેદરકારી નથી. છતે રેઇન કોટે તેનું પલળવું એ કુદરતનો સંદેશો છે કે વરસાદ સત્ય છે ને રેઇન કોટ મિથ્યા.