Showing posts with label health. Show all posts
Showing posts with label health. Show all posts

Monday, March 23, 2020

કોરોના અને આપણે

(ફેસબુક પરની બે પોસ્ટનું સંકલન, કાયમી સંદર્ભ માટે)
(૨૦-૩-૨૦)

નેતા કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પર અવિશ્વાસ હોય કે તેમની ઘણીખરી 'નીતિ'ઓની ટીકા કરવાની થતી હોય તો પણ, કોરોના વાઇરસના મુદ્દે તેમણે કશું ટીકાપાત્ર કહ્યું હોય એવું ધ્યાનમાં નથી. હા, 'જનતા કરફ્યુ' જેવા વિરોધ પ્રદર્શન સાથે સંકળાયેલા શબ્દની આખી અર્થચ્છાયા તેમણે બદલી નાખી, પણ એ સિવાય ટ્રમ્પે કરેલી મૂર્ખામીઓ જેવું કશું હજુ સુધી તેમણે કર્યું નથી કે નથી કશું નુકસાનકારક કર્યું.

તેમણે ભલે એકલા રવિવારની વાત કરી, હકીકતમાં આગામી દિવસોમાં જરૂર ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળી શકાય તો સારું. 'સાહેબે કહ્યું એટલે રવિવારે તો ટાળવું જ પડશે' અને 'મોદીએ કહ્યું છે એટલે રવિવારે તો ખાસ નીકળવું પડશે'--એ બંને પ્રકારની પ્રતિક્રિયાથી બચીને, પુખ્ત વયની વ્યક્તિ તરીકે શક્ય તેટલી તકેદારી આવનારા દિવસોમાં આપણે જ રાખવાની

આ સંજોગોમાં રોજ કમાઈને રોજ ખાનાર સેંકડો પરિવારોનું શું થશે, એવો વિચાર ઘણાબધાને આવતો હશે, મને પણ આવે છે. અલબત્ત, તેમાં સરકારનો વાંક કાઢી શકાય નહીં. કેમ કે સૌના આરોગ્યનો-સલામતીનો સવાલ છે.

વાઇરસના આક્રમણથી બચવાના મામલે સરકારની મહાનતા કે સરકારની અધમતાની ચર્ચાને ઓછામાં ઓછી ત્રણેક ફૂટ દૂર રાખીને આપણાથી બનતું કરવા જેવું છે.
***
(૨૨-૩-૨૦)
 - ચેપગ્રસ્ત ન હોય એવા લોકોએ માસ્ક પહેર્યો એટલે રાજા થઈ ગયા, એવું માની લેવાની જરૂર નથી. માસ્ક એ વાઇરસ સામેના રક્ષણની પહેલી દીવાલ છે. એટલે માસ્ક પહેર્યા પછી ગાફેલ થવાને બદલે વધારે સાવચેતી રાખવી જોઈએ—ખાસ કરીને માસ્કના ઉપયોગમાં. તેને દોરીથી જ પકડવો, ભીનો થાય તો કાઢી નાખવો. માસ્કના મુખ્ય ભાગ પર હાથ ન લાગે તેનું ધ્યાન રાખવું. ભૂલેચૂકે માસ્કના આગળના ભાગમાં હાથ અડી જાય તો (અને એ સિવાય પણ) હાથ ધોતા રહેવું. આ બાબતમાં જરાય બેદરકારી દાખવવાથી માસ્ક રક્ષણને બદલે મુશ્કેલી પેદા કરનારો પણ બની શકે અને એવું થાય તો તેમાં માસ્કનો વાંક ન કાઢી શકાય.

- એવી જ રીતે, મોઢે રૂમાલ બાંધીને 'આપણે માસ્કની શી જરૂર?’ એવું માનતા લોકોએ વિચારવું કે રૂમાલ મોઢેથી છોડી નાખ્યા પછી તેનું શું થાય છે? એ રૂમાલ બીજા કોઈ કામમાં ન વપરાવો જોઈએ અને સીધો સારી રીતે, ધોવાઈ જવો જોઈએ. ફક્ત સાદા પાણીથી નહીં, પણ જંતુનાશક ભેળવેલા પાણીથી.

- ક્યાંક મ્યુનિસિપાલિટીઓએ સફાઈ ઝુંબેશ ઉપાડી છે. સફાઈ જ્યારે પણ થાય ત્યારે સારું જ છે. પણ આ વાઇરસના પ્રસરવા સાથે જાહેર સફાઈઝુંબેશને સીધી લેવાદેવા નથી. જાહેર સ્વચ્છતા હોય તો તબિયત સારી રહે અને બીજી બિમારીઓ દૂર હોય તો વાઇરસની ઘાતક અસરની સંભાવના ઓછી રહે.

-એક વાત યાદ રાખવીઃ તમે મોટા પહેલવાન હો તો પણ, વાઇરસનો ચેપ તો લાગી જ શકે છે. વિવિધ ચીજોથી તમે કેળવેલી રોગપ્રતિકારક શક્તિ વાઇરસનો મુકાબલો કરવામાં ખપ લાગી શકે છે, તેનો ચેપ રોકવામાં નહીં. એક વાર ચેપ લાગ્યા પછી મોટા ભાગના લોકો માટે તે જીવલેણ નીવડતો નથી. પણ ચેપ લાગ્યા પછી કેવા ધંધે લાગવું પડે, એ હવે અલગથી કહેવાની જરૂર નથી.
માટે, ગમે તેવી મહાન રોગપ્રતિકારક શક્તિ ચેપ રોકવામાં કામ નહીં લાગે, એ બાબત બરાબર સમજી લેવી અને તેના વિશે જરાય ભ્રમમાં ન રહેવું.

- વાઇરસને હળવાશથી લેવાનું સૂચવતાં કે તેના તેના નિમિત્તે ફિલસૂફી ઝાડતાં લખાણોથી કે આખી વાતને જોણું બનાવતા રાજકીય-બિનરાજકીય ગતકડાંથી ગેરરસ્તે દોરાવું નહીં.

- જનતા કરફ્યુ એટલે 'રજા' નહીં. શેરીમાં ટોળટપ્પાં મારવાનો, ક્રિકેટ રમવાનો કે બીજી સમુહપ્રવૃત્તિઓ કરવાનો ટાઇમ નહીં.

- એક દિવસના 'જનતા કરફ્યુ' પહેલાં અને પછી બધું મોકળું--એવું માની લેવું નહીં. આજે જનતા કરફ્યુને વડાપ્રધાનનો આદેશ ગણીને પોલીસ પણ તેનો અમલ કરાવવા નીકળે છે. જનતા કરફ્યુના મૂળભૂત ખ્યાલથી વિપરીત, રેલવે-બસતંત્રે પણ સેવાઓ બંધ રાખી છે.
'જનતા કરફ્યુ'નું એલાન જનતાએ નહીં, પણ વડાપ્રધાને આપ્યું હોય ત્યારે આવું જ થાય. બધા મૂળ વાત સમજ્યા વિના સાહેબેચ્છાનો અમલ કરાવવા કોશિશ કરે. કાલથી પોલીસ ન પણ આવે, ટ્રેન-બસ ચાલુ પણ થાય, છતાં બને ત્યાં સુધી લોકસંપર્ક ટાળવા જેવો છે. તેને રાજકીય વિરોધ કે વફાદારીનો મુદ્દો બનાવ્યા વિના, વ્યક્તિગત અને સામુદાયિક આરોગ્ય માટે તે જરૂરી છે.

- સાંજે તાળીઓ પાડવી કે નહીં, થાળીઓ ખખડાવવી કે નહીં, તે તમારી મુન્સફીની વાત છે. યાદ રાખવા જેવું એ છે કે જે વાઇરસના મુકાબલામાં કે એ દરમિયાન બીજી કોઈ પણ રીતે મદદરૂપ થતા હોય તેમની કદર કાયમી ધોરણે મનમાં રાખવી અને વ્યક્ત પણ કરવી.

- આ વાઇરસ અતિગંભીર છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ૨૦ માર્ચની રાત સુધીના આંકડા પ્રમાણે, આખા વિશ્વમાં ત્યાં સુધીમાં કુલ બે લાખ છાસઠ હજાર તોંતેર કેસ નોંધાયા. તેમાંથી બત્રીસ હજાર તો છેલ્લા ચોવીસ કલાકમાં. કુલ મૃત્યુ આંક ૧૧,૧૮૪. છેલ્લા ચોવીસ કલાક (૨૦ માર્ચ)માં ૧,૩૪૪.

- WHO પાસેથી આંકડા સહિતની સત્તાવાર વિગતો સીધી મેળવવી હોય તો આ નંબર પર વોટ્સએપ મેસેજમાં Hi લખી મોકલો. નંબરઃ +41 79 893 1892

Friday, March 06, 2020

કોરોના વાઇરસઃ સીધા સવાલ, સરળ જવાબ

વૈશ્વિક સ્તરે ફેલાઈને અત્યાર લગી ત્રણ હજારથી વધુ મૃત્યુ માટે જવાબદાર કોરોના વાઇરસ/CoronaVirusને જરાય હળવાશથી લેવા જેવો નથી, તેમ માથે આભ પડ્યું હોય એ રીતે બાવરા થઈ જવાની પણ જરૂર નથી. થોડી પ્રાથમિક હકીકતો જાણી લઈએ, તો ઘણીબધી શંકાઓ દૂર થઈ શકે તેમ છે.

કોરોના વાઇરસ પહેલી વારનો છે?
ના. કોરોના 'પરિવાર’માં સેંકડો વાઇરસનો સમાવેશ થાય છે. તેમાંથી સાત વાઇરસ એવા છે,  જે માણસજાતને 'વળગે' છે. છેલ્લા ત્રણ દાયકા જેટલા ટૂંકા ગાળામાં, કોરોના પરિવારના ત્રણ વાઇરસ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં પહોંચ્યા છે.

એક મિનીટ...પ્રાણીઓમાંથી મનુષ્યોમાં, એટલે?
પ્રાણીઓને પાળવાથી માંડીને (મુખ્યત્વે ચીનમાં) અવનવાં પ્રાણીઓને આરોગવા સુધીના સંબંધો માણસે પ્રાણીઓ સાથે બાંધ્યા છે.  તેના કારણે કેવળ પ્રાણીઓના શરીર પર કે શરીરમાં નિવાસ કરતા વાઇરસ ગમે ત્યારે માણસમાં આવી શકે છે.  HIVથી માંડીને અત્યારના SARS-CoV-2 જેવા ઘણા વાઇરસ માણસને આવી રીતે જ લાગુ પડ્યા છે.

SARS-CoV-2...આટલું બધું ભારે નામ? અને પહેલાં તો તે n-CoV કહેવાતો હતો…
બરાબર છે. પહેલાં તેની પાકી ઓળખ થઈ ન હતી. એટલે તેનું કામચલાઉ નામ હતું, 'ન્યૂ કોરોના વાઇરસ' n-CoV. પછી તેનાં લક્ષણ પરખાયાં. લાગ્યું કે ઓહો, આ તો વર્ષ ૨૦૦૩માં પ્રગટ થયેલા આ જ પરિવારના વાઇરસ SARS- સીવીઅર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ-નો જ પિતરાઈ ભાઈ છે. એટલે  વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની 'ઇન્ટરનેશન કમિટી ઓન ટેક્સોનોમી ઓફ વાઇરસીસ’ તરફથી તેનું પાકું નામ પડ્યુંઃ SARS-CoV-2.  એટલે કે SARSના જ બીજા સ્વરૂપ જેવો કોરોના વાઇરસ. અને આ વાઇરસથી જે રોગ થાય તેનું નામ પડ્યું COVID-19 એટલે કે કોરોના વાઇરસ ડીસીઝ ૨૦૧૯.

એક આડવાતઃ વાઇરસનું વર્ગીકરણ કરીને તેનું નામ પાડતી સંસ્થા એટલા માટે જરૂરી કે જેથી કોઈ વ્યક્તિ કે પ્રદેશ કે લોકસમુદાયની બદનામી ન થાય. બાકી, SARS જેવા એક વાઇરસનું નામ હતુંઃ MERS (મીડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ)

બીજી આડવાતઃ આ પ્રકારના વાઇરસની રચના બહારની બાજુએ જાણે મુગટ હોય એવી છે. મુગટને અંગ્રેજીમાં ક્રાઉન/Crown અને લેટિનમાં કોરોના/Corona કહે છે. સૂર્યની ફરતેનો તેજોવલય પણ કોરોના કહેવાય છે.

આડવાતો બહુ થઈ. હવે મુખ્ય સવાલ. આ વાઇરસનો ચેપ કેટલો ઘાતક છે? તેનો ચેપ લાગે તો માણસ મરી જ જાય?
આ વાઇરસનો ચેપ એક વાર લાગે, ત્યાર પછી તેનું પોત પ્રકાશતાં બેથી બાર દિવસ જેટલો સમય લાગી શકે છે. (કેટલાક ઠેકાણે એક-બે દિવસ ઓછાવત્તા જોવા મળે છે). ત્યાં સુધી જેને ચેપ લાગ્યો છે તેને ખબર ન પડે. છેવટે, તાવ, શ્વાસને લગતી તકલીફો, ક્યારેક પેટ- આંતરડાંમાં તકલીફ—એવા કોઈક લક્ષણ તરીકે વાઇરસ પોતાની હાજરી છતી કરે.

એક વાર દર્દી ઓળખાઈ જાય ત્યાર પછી તે બીજાને ચેપ ન લગાડે, એવી રીતે તેની સારવાર કરવી પડે. સારવાર પછી મોટા ભાગના કિસ્સામાં દર્દી બચી જાય છે. જુદા જુદા ઠેકાણે જુદા જુદા આંકડા વાંચવા મળે છે અને હજુ તો વાઇરસની અસરો પૂરેપૂરી પ્રગટ થઈ રહી છે. છતાં, સલામત અંદાજ પ્રમાણે, વાઇરસ ધરાવતા સો દર્દીઓમાંથી બે કે ત્રણ લોકો મૃત્યુ પામી શકે છે.

આ ટકાવારી હજુ ઓછી હોવાનો સંભવ છે. જોકે, ફ્લુ જેવા રોગોમાં દર હજારે એક દર્દીના મૃત્યુની સંભાવના હોય છે. તેની સરખામણીમાં આ પ્રમાણ મોટું ગણાય.

ટૂંકમાં, આ બાજુ વાઇરસ લાગ્યો ને આ બાજુ વિકેટ પડી, એવું નથી. ઠીક. પણ એનો ચેપ લાગે શી રીતે?
વાઇરસનો ભોગ બનેલી વ્યક્તિ છીંક ખાય કે ઉધરસ ખાય,એ વખતે જે છાંટા ઉડે તેનાથી. આવી વ્યક્તિની ત્રણેક ફૂટ સુધીના અંતરે ઊભેલા લોકોમાંથી કોઈનાં આંખ, નાક કે મોંમાં એ છાંટાનો નરી આંખે ન દેખાતો અંશ જાય, તેમાં વાઇરસ હોવાની પૂરેપૂરી સંભાવના.

આવી રીતે ઉડેલા છાંટા ઓફિસમાં કે બીજાં ઠેકાણે આજુબાજુ રહેલી ચીજવસ્તુઓ પર ઉડે. (દા.ત. ફોન કે ટેબલ કે એવી કોઈ બધાના ઉપયોગની વસ્તુ), એ વસ્તુને સ્વસ્થ માણસ હાથમાં પકડે અને પછી પોતાનો જ હાથ તે આંખો, નાક કે મોં પર અડાડે, તો પણ વાઇરસનો ચેપ લાગી શકે.

દર્દી છીંક ખાય ને આપણે વધારે દૂર ઊભા હોઈએ, તો પણ વાઇરસ હવામાં તરીને આપણા સુધી પહોંચી ન જાય?
ના, અત્યાર સુધીનો અભ્યાસ કહે છે કે આ વાઇરસ હવાથી ફેલાતો નથી. તે આંખ, નાક અને મોં વાટે જ ફેલાય છે. શરીરના એ સિવાયના ભાગો પરથી પણ તે ચેપ લગાડતો નથી.

અચ્છા...તો પછી આવા ચેપની સંભાવનાથી બચવું શી રીતે?
ઉપદેશ આપનારા તો કહે છે કે લોકોના સમુહથી દૂર રહેવું. પણ સવા અબજના દેશમાં આવી સલાહ આપવાથી, સલાહ આપ્યાના સંતોષ સિવાય ખાસ કશો અર્થ નથી. વાસ્તવિક કામ એટલું થાય કે આપણી બાજુમાં કોઈને છીંક આવતી લાગે, તો આપણે આપણા રૂમાલથી મોં-નાક અને શક્ય હોય તો આખો ચહેરો ઢાંકી દેવો. ફક્ત મોં-નાક ઢાંકવાથી નહીં ચાલે, એ આપણે ઉપર જોયું.

આટલું પણ પૂરતું નથી. ચેપ લાગવાની સૌથી વધુ શક્યતા શબ્દશઃ આપણા હાથમાં હોય છે. વાઇરસ-દૂષિત જગ્યા પર આપણો હાથ અડે અને પછી એ હાથ આપણા જ આંખ-નાક-મોં પર અડે તે સૌથી મોટું જોખમ. એટલે આવી કોઈ પણ અજાણી ચીજને અડ્યા પછી પહેલી તકે હાથ વ્યવસ્થિત રીતે ધોઈ નાખવા. ફક્ત પાણીથી પખાળવાને બદલે સારી રીતે ધોવા. થોડો વખત સાબુની કરકસર નહીં કરો તો ચાલશે. પણ આ ઉપાય સૌથી અકસીર છે.

તમે આટલી પારાયણ કરી, પણ મૂળ ઉપાય તો બતાવ્યો જ નહીં...
કયો? માસ્ક પહેરવાનો?

હા, દુનિયાભરમાં લોકોએ માસ્ક પર દરોડો પાડ્યો છે… સાંભળ્યું છે કે એમેઝોન પર પણ માસ્ક ખૂટી પડ્યા છે…
ઉપર આપેલી વિગત વાંચ્યા પછી તમને લાગે છે કે આપણે માસ્ક પહેરવાની જરૂર હોય? માસ્ક દર્દીઓ માટે જરૂરી છે અને તેમની સારવાર કરનારા કે તેમની પાસે રહેનારા માટે. એ સિવાય બધા હઈસો હઈસોમાં માસ્ક લેવા દોડે, એટલે ઉલટાનો ગભરાટ ફેલાય, જરૂર વગરના લોકો માસ્ક પહેરીને ફરવા માંડે ને જરૂર હોય ત્યાં માસ્ક ખૂટી પડે...આવું હું નથી કહેતો, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) કહે છે. તેણે લોકોને અપીલ કરવી પડી છે કે મહેરબાની કરીને માસ્કનો ઉપયોગ વિવેકપૂર્વક કરો. ખાતરી ન થતી હોય તો આ રહ્યું WHOની વેબસાઇટ પરનું લખાણઃ If you are not ill or looking after someone who is ill then you are wasting a mask. There is a world-wide shortage of masks, so WHO urges people to use masks wisely.

તમારી વાત પરથી એટલું લાગે છે કે પ્રાથમિક ધ્યાન રાખીએ તો બહુ હાયવોય કરવા જેવી નથી… પણ તો પછી દુનિયામાં ને અર્થતંત્રમાં પણ આટલી કાગારોળ કેમ મચી છે?
વાઇરસનો ચેપ ધમધમાટ પ્રસરવા ન લાગે, એ માટે બધા દેશો સાવધાન થઈ જાય, એટલે બીજા દેશોમાંથી ચીજવસ્તુઓ અને માણસો--એ બંને પર સીધી અસર પડે. એ આવજા ઓછી થાય, તેની સીધી અસર અર્થતંત્ર પર પડે.

તો પછી, ધુળેટી રમવી કે નહીં?
જેમને છીંકો કે ઉધરસ ન આવતી હોય એવી વ્યક્તિઓ સાથે, એટલે કે મોટા ભાગના પરિચિતો સાથે, પ્રેમથી ધુળેટી રમી શકાય.  છીંકો કે ઉધરસની જરા સરખી શંકા લાગે, તેવા સ્નેહીઓને કહી દેવાનું કે માસ્ક પહેરી લો. પછી રમીએ અને રમી લીધા પછી તરત હાથ સારી રીતે ધોઈ નાખવા.

હા, સેંકડોની સંખ્યામાં ડાકોર પદયાત્રામાં જવાનું ટાળવા જેવું ખરું--પણ એ તો વગર કોરોનાએ ટાળવા જેવું નથી લાગતું?

(નોંધઃ આ પ્રમાણભૂત અંગ્રેજી લેખો પરથી કરેલું ખપજોગું સંકલન છે.)

Monday, February 08, 2016

ઝિકા વાઇરસ : હાઉ, હોબાળો અને હકીકત


મોટા ભાગના લોકોએ હમણાં સુધી જેનું નામ પણ સાંભળ્યું ન હતું, એવો ઝિકા/Zika નામનો વાઇરસ આજકાલ લેટેસ્ટ કુદરતી આતંકવાદી તરીકે તરખાટ મચાવી રહ્યો છે. ના, એણે સેંકડો-હજારોના જીવ નથી લીધા કે નથી તેણે લાખોને ચેપ લગાડ્યો. છતાં, વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ આ સપ્તાહે ઝિકાને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી’ (આરોગ્યના મામલે વૈશ્વિક સ્તરની તાકીદ) તરીકે જાહેર કર્યો અને એવી આશંકા વ્યક્ત કરી કે તે ૨૩ દેશના કુલ ચાળીસેક લાખ લોકોને તેનો ચેપ લાગી શકે છે.  દક્ષિણ અમેરિકાના દેશોમાં સંભવિત ઉત્પાતખોર તરીકે પ્રકાશમાં આવેલા ઝિકા વાઇરસનું પોત હજું પૂરેપૂરું કળાયું નથી--કે પૂરેપૂરું પ્રકાશ્યું પણ નથી. છતાં, ભૂતકાળમાં ઇબોલા સહિત અનેક ખતરનાક વાઇરસોનો કોપ વેઠ્યા પછી સંશોધકો જરા વધારે સાવચેતીથી અને વધારે સાવધ થઇને ઝિકા વાઇરસ વિશે વાત કરી રહ્યા છે.

અત્યાર સુધીની વાત આટલી છે :  વિશ્વભરમાં વસતી ધરાવતાં એડીસ/Aedes પ્રકારનાં મચ્છરો મેલેરિયા, ચિકુનગુનિયા, ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગોનાં એજન્ટ છે. આ રોગોના વાઇરસ (વિષાણુ) તે માનવશરીરમાં પહોંચાડે છે. એક મચ્છર માણસનું શું કરી શકે, એવા નાના પાટેકરના ફિલ્મી ડાયલોગની વાત નથી. આ મચ્છરની લાગુ પડતી ડેન્ગ્યુ જેવી બિમારી જીવલેણ નીવડી શકે છે. છતાં કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા રોગોની સરખામણીમાં મચ્છરથી થતા રોગો વિશે પ્રમાણમાં ઓછી જાગૃતિ જોવા મળે છે. એ જ કારણથી, આ રોગોની હરોળમાં આવે એવો ઝિકા વાઇરસ મહદ્‌ અંશે ઉપેક્ષિત રહ્યો.

આ વાઇરસની પહેલવહેલી ઓળખ ૧૯૪૭માં આફ્રિકાના એક વાનરમાં થઇ હતી. ૧૯૬૦ના દાયકામાં વાઇરસને અલગ તારવવામાં આવ્યો. એ માટે મચ્છરોનો અભ્યાસ યુગાન્ડાના જંગલ- ઝિકા ફૉરેસ્ટ’-માં થયો હોવાથી, વાઇરસને નામ મળ્યું : ઝિકા.વાઇરસનો થોડો ઘણો ફેલાવો આફ્રિકા અને એશિયાના થોડા દેશોમાં જોવા મળ્યો. તેનો ચેપ જીવલેણ ન હોવાથી, વાઇરસ એકંદરે નિર્દોષગણાયો. પરંતુ ગયા વર્ષના અંતભાગમાં તે નવેસરથી ચર્ચામાં આવ્યો. કારણ કે, અમેરિકામાં તેનો એક કેસ નોંધાયો.

ઝિકાનાં લક્ષણ પારખવાં અઘરાં છે. કારણ કે, તેનો ફેલાવો ડેન્ગ્યુ જેટલો નથી, પણ ઘણાં આરંભિક લક્ષણ ડેન્ગ્યુ જેવાં જ છે. શરૂઆતના તબક્કે લૅબોરેટરીના ટેસ્ટમાં પણ ઝિકાની હાજરી પકડવી અઘરી છે. કસોટી કરનારને એવું જ લાગે કે મળેલાં પરિણામ ડેન્ગ્યુની કે વેસ્ટ નાઇલ પ્રકારના વાઇરસની હાજરી દર્શાવે છે. પરંતુ બીજા મુખ્ય વાઇરસની ઓળખ પાકી ન થતાં અને કેટલાંક લક્ષણ જુદાં પડતાં, છેવટે તપાસમાં અસલી આરોપી ઝિકાનો પત્તો લાગ્યો.

સામાન્ય ખ્યાલ એવો હતો કે ઝિકાના ચેપની ચિંતા કરવાની જરૂર નથી, પણ બે ચિંતાજનક સંભાવનાઓએ ઝિકા પ્રત્યે સંશોધકો-અભ્યાસીઓ-તબીબોનું વલણ બદલી નાખ્યું. ઝિકાનો ઉપાડો ધરાવતા દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલમાં છેલ્લા થોડા વખતમાં માથું શરીરના પ્રમાણમાં નાનું હોય એવા બાળકો વધારે પ્રમાણમાં જન્મવા લાગ્યાં. આ બાળકો એક એવી ખામીનો ભોગ બનેલાં મનાતાં હતાં, જેમાં તેમના મગજનો વિકાસ અધૂરો રહી જાય. તબીબી પરિભાષામાં માઇક્રોસેફલી/Microcephaly તરીકે ઓળખાતી આ સ્થિતિ અગાઉ વર્ષે ૧૫૬ બાળકોમાં જોવા મળતી હતી, પરંતુ ઑક્ટોબર, ૨૦૧૫થી જાન્યુઆરી ૨૦૧૬ વચ્ચેના ટૂંકા ગાળામાં નાના માથા સાથે જન્મેલાં બાળકોની સંખ્યા આશરે સાડા ત્રણ-ચાર હજારે પહોંચી ગઇ. આ ઉછાળો અસાધારણ અને ચિંતા ઉપજાવનારો હતો અને તેને ઝિકા વાઇરસના ફેલાવા સાથે સાંકળવામાં આવ્યો.

બ્રાઝિલમાં મર્યાદિત પ્રયોગો પરથી એવું પણ જણાયું કે સગર્ભા સ્ત્રીઓને ઝિકા વાઇરસનો ચેપ લાગ્યા પછી, સંભવતઃ તેની અસરને કારણે બાળકો નાના માથાંવાળાં જન્મ્યાં. એવી જ રીતે, થોડા વખત પહેલાં એવું જાણવા મળ્યું કે ઝિકાનો ભોગ બનેલા દર્દીઓ રોગપ્રતિકારકશક્તિને લગતી એક બિમારીનો ભોગ બની શકે છે, જે છેવટે લકવા નોતરે છે. તબીબી પરિભાષામાં તે ગિલન બેરે/ Guillain Barre સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. આ અધકચરાં તારણોના પરિણામે નવેસરથી ઝિકાનો હાઉ ઊભો થયો. તેને મર્યાદિત નુકસાનકરનારને બદલે સંભવિત ખતરનાક વાઇરસ ગણવાનું શરૂ થયું. બ્રાઝિલ ઉપરાંત કોલંબિયા, જમૈકા અને અલ સાલ્વાડોર જેવા દેશની સરકારોએ મહિલાઓને હાલપૂરતી સગર્ભાવસ્થા ટાળવા માટે અપીલ કરી છે. અમેરિકામાં વિજાતીય શારીરિક સંબંધ થકી આ વાઇરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં દાખલ થયાનો કિસ્સો જાહેર થયો, એટલે ઝિકા વિશેની બીક ઓર વધી.

મામલો વાઇરસનો હોય ત્યારે સાવચેતીથી, ફૂંકી ફૂંકીને ચાલવું સલાહભરેલું છે. પરંતુ ઝિકાના મામલે તેના સંભવિત પ્રકોપની અમંગળ કલ્પનાઓથી ઘાંઘા થઇ જવાની જરૂર નથી. ઝિકાને ખતરનાક બનાવતી બન્ને બાબતો - મગજના અપૂરતા વિકાસની બિમારી માઇક્રોસેફલી અને લકવા નોતરતો ગિલન બેરે સિન્ડ્રોમ’ - હજુ અટકળનો ભાગ છે. ઝિકા વાઇરસ સાથે તેમનો સીધો સંબંધ સ્થાપિત થઇ શક્યો નથી. જેની બીક સૌથી વધુ બતાવવામાં આવે છે તે માઇક્રોસેફલીના ડરામણા આંકડા ઘડીભર બાજુ પર રાખતાં એવું જાણવા મળે છે કે આ વાઇરસ વીસથી વધુ દેશોમાં ફેલાયેલો છે. છતાં, બાળકોમાં નાના માથાનો પ્રશ્ન ફક્ત બ્રાઝિલમાં જોવા મળે છે. વધારે ગંભીર અને વિચારવાલાયક બાબત એ છે કે બ્રાઝિલમાં નાના માથાંવાળાં બાળકોની સંખ્યામાં થયેલા વધારાનો મોટો આંકડો આપવામાં આવે છે. પરંતુ, પ્રમાણમાં નાનું માથું ધરાવતું દરેક બાળક માઇક્રોસેફલીનો ભોગ બનેલું જ હોય એવું જરૂરી નથી. બાળકનું માથું નાનું હોવાનાં અનેક કારણ હોઇ શકે. સંશોધકો હજુ સુધી ઝિકા અને માઇક્રોસેફલી વચ્ચે કાર્યકારણનો સીધો સંબંધ સ્થાપિત કરી શક્યા નથી. એવું જ ગિલન બેરે સિન્ડ્રોમમાટે પણ છે.

પરંતુ અમેરિકામાં કેસ નોંધાયા પછી, વૈશ્વિક સ્તરે પ્રસાર માઘ્યમોમાં ચર્ચાયા પછી અને તેનું કોઇ મારણ (રસી) ન હોવાને કારણે ઝિકા વાઇરસ માનવજાતને કનડનારા બીજા વાઇરસની હરોળમાં અત્યારે હાઉભર્યું સ્થાન પામ્યો છે. અલબત્ત, આ લખાય છે ત્યારે હૈદરાબાદની  ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડદ્વારા સૌ પ્રથમ વાર ઝિકાની રસી શોધાઇ હોવાનો દાવો થયો છે. ડેન્ગ્યુ-ચિકુનગુનિયાના વાઇરસના પ્રતાપની પાછળ છુપાઇ રહેલા આ વાઇરસનો નમૂનો તેમણે આઠ મહિના પહેલાં સત્તાવાર રીતે મંગાવ્યો હતો. તેની પરથી ઝિકા વાઇરસનું મારણ તૈયાર કર્યું હોવાનો તેમનો દાવો છે. આ દાવાની ચકાસણી અને જરૂરી વિધી સરકારી રાહે થવાને બદલે, બિનજરૂરી વિલંબ વિના થાય તો ચાર મહિનામાં રસીના ૧૦ લાખ ડોઝ તૈયાર કરી શકાય એવી તૈયારી કંપનીએ બતાવી છે.


વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઝિકાને વૈશ્વિક ખતરો જાહેર કર્યો હોય ત્યારે તેની રસીના કામકાજમાં કરોડો રૂપિયાના કારોબારની સંભાવના છે. સાથોસાથ, ‘વા વાયો ને નળિયું ખસ્યુંની જેમ, ઝિકાને લઇને થયેલો હોબાળો તલસ્પર્શી તપાસ પછી સાવ સૂરસૂરિયું થઇ જાય એવું પણ શક્ય છે. વાઇરસના મામલે ગાફેલ રહેવા જેવું નથી હોતું તેમ, હોલિવુડની ફિલ્મોના અંદાજમાં, સીધેસીધા વિશ્વવ્યાપી રોગચાળાની કલ્પના સુધી પણ જવા જેવું નથી હોતું. સરકારોએ લીધેલાં સાવચેતીનાં પગલાં આવકાર્ય છે અને તેની રસી ભારતમાં શોધાયાનો દાવો સાચો નીવડે તો એ દેશને જશ અપાવનારો છે. પરંતુ ઝિકા વિશેની ઝીંકાઝીંક ટાળવા જેવી છે.

Wednesday, September 03, 2014

આઇસ બકેટ ચેલેન્જ : પ્રચાર, પ્રસિદ્ધિ અને ‘પુણ્ય’ની રમત

તાવગ્રસ્ત દર્દીને તપાસ્યા પછી ડોક્ટર કહે કે ‘વાઇરલ છે’, એટલે તેનું ગુજરાતી ઘણા દર્દીઓ એવું કરે છે કે ‘સાહેબને ખબર પડી લાગતી નથી.’ આ રમૂજ યાદ આવવાનું સાવ ભળતું કારણ એ છે કે ઇન્ટરનેટ ઉપર પણ કોઇ ચીજ ‘વાઇરલ’ થાય ત્યારે એનું કારણ લોકોને સમજાતું નથી. ‘વાઇરલ’ એટલે કે વિષાણુના ચેપની ઝડપે કોઇ વિડીયો કે તસવીર કે પોસ્ટ ફેસબુક-ટિ્‌વટર પર ફેલાઇ જાય - ‘નેટીઝન’ તરીકે ઓળખાતા ઇન્ટરનેટપ્રેમીઓની આલમમાં તે એવી પ્રસરી જાય કે તેના વિશે ન જાણનારા ગુફાવાસી ઠરે.

થોડાં વર્ષ પહેલાં ‘કોલાવરી’ ગીતે ઇન્ટરનેટ પર એવો તહલકો મચાવ્યો હતો. જ્યાં જુઓ ત્યાં કોલાવરી ને તેનાં અનેક વર્ઝન. છેલ્લા એકાદ મહિનાથી ‘એએલએસ આઇસ બકેટ ચેલેન્જ’/ ALS IceBucketChallenge તરીકે ઓળખાતી મસ્તી ‘વાઇરલ’ બની છે. અમેરિકાની નામી હસ્તીઓ બાથરૂમમાં નહીં પણ જાહેરમાં, (મોટે ભાગે) પૂરાં વસ્ત્રો પહેરીને, ઠંડું પાણી ભરેલી ડોલ આખેઆખી ઊંધી પાડીને જાતે માથાબોળ સ્નાન કરે છે અથવા કોઇને પાસે આખી ડોલ રેડાવે છે. જાહેર સ્નાનની વિડીયોે ફેસબુક-ટિ્‌વટર પર મૂકીને, બીજા મિત્રો-સ્નેહીઓને આવી મસ્તી કરવા પ્રેરે છે.

આ થયો ‘આઇસ બકેટ’નો ભાગ. તેની પહેલાં આવતા ટૂંકાક્ષરો એ.એલ.એસ. એક ગંભીર બિમારી સૂચવે છે, જેનું આખું મેડિકલ નામ છે : એમાયોટ્રોફિક લેટરલ સ્કલરોસિસ /Amyotrophic Lateral Sclerosis કારકિર્દીના મઘ્યાહ્ને આ રોગનો શિકાર બનેલા અમેરિકાના વિખ્યાત બેઝબોલ ખેલાડી લુ ગેરીગ/ Lou Gehrig પરથી આ રોગ ‘લુ ગેરીગ્ઝ ડિસીઝ’/ Lou Gehrig's disease તરીકે પણ ઓળખાય છે.

ક્યાં મગજ-કરોડરજ્જુના કોષોને ક્રમશઃ ખતમ કરીને વ્યક્તિને સદંતર પંગુ અવસ્થામાં ધકેલતો-મોટે ભાગે જીવલેણ પુરવાર થતો આ ખતરનાક રોગ? અને ક્યાં પાણીદાર ઘુળેટીની યાદ અપાવે એવી, પોતાનાી ઉપર ટાઢુંબોળ પાણી રેડવાની મસ્તી? આ બન્ને વચ્ચે શો સંબંધ? પરંતુ કોઇને તુક્કો સૂઝ્‌યો કે મસ્તીભર્યા બકેટ-સ્નાનને મહાગંભીર એવા એએલએસ સાથે સાંકળી દેવામાં આવે અને એ બહાને લોકોને વિશે જણાવીને, તેમની પાસે દાન માગી શકાય તો?

Ice Bucket Challenge version of famous painting 'The
Scream' (courtesy : mustansir, salil tripathi)

એક આઇડીયા એવો હતો કે પોતાની બકેટ-સ્નાન વિડીયો ફેસબુક કે ટિ્‌વટર પર મૂકીને, તેમાં બીજા મિત્રોને નામજોગ ‘ચેલેન્જ’ કરવામાં આવે : ‘મારી માફક જાહેરમાં ટાઢા પાણીની ડોલ શરીર ઊંધી પાડો અને એ ન થાય તો એએલએસ માટે દાન કરો.’ પરંતુ જોતજોતાંમાં એ ‘ચેલેન્જ’ને બદલે ‘રમત’ બની ગઇ. પોતાના માથે ટાઢું પાણી રેડવાનું ને  દાન પણ આપવાનું. એમાં ઓપ્રા વિન્ફ્રે, માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્‌સ, ડેવિડ બેકહમ સહિત વિવિધ ક્ષેત્રોનાં મોટાં માથાં પણ સામેલ થયાં.

‘સારા કામ માટે આટલું કરવામાં વાંધો શો છે?’ એવી સદ્‌વૃત્તિથી માંડીને ‘આવા મોટા લોકો કરે છે, તો આપણે પણ કરીએ.’ અને ‘બાકાત રહીને આપણે ક્યાંક આઉટ ઑફ ફેશન ગણાઇ ન જઇએ’ એવી દેખાદેખીને કારણે અત્યાર લગી હજારો લોકોએ તેમાં ભાગ લીધો છે. બિલ ગેટ્‌સે તો વળી હેન્ડલ ખેંચવાથી માથા પર રહેલું ઠંડા પાણીનું બકેટ ઊંઘું થાય એવું ખાસ પ્રકારનું એક માળખું બનાવ્યું અને કાગળ પર તેની ડીઝાઇન તૈયાર કરવાનો તબક્કો પણ વિડીયોમાં મૂક્યો છે. ટૂંકમાં, ગેટ્‌સ જેવા લોકો માટે એ ‘મઝાની મઝા ને સેવાની સેવા’નો મામલો છે.

હૉકિંગ્ઝ ડિસીઝ

એએલએસનો દર્દી લુ ગેરિગ દાયકાઓ પહેલાં અમેરિકામાં જાણીતો બેઝબોલ ખેલાડી હતો, પણ છેલ્લા થોડા દાયકામાં આ રોગના સૌથી સેલિબ્રિટી દર્દી ખગોળશાસ્ત્રી સ્ટીવન હૉકિંગ છે. (ભવિષ્યમાં આ રોગ ‘હૉકિંગ્ઝ ડિસીઝ’ તરીકે ઓળખાતો થઇ જાય તો નવાઇ નહીં.) ૨૧ વર્ષની વયે તેમને આ રોગ લાગુ પડ્યો હતો. ત્યારથી હૉકિંગનું શરીર ધીમે ધીમે એવું લકવાગ્રસ્ત થતું ગયું કે તેમનું હલનચલન તો ઠીક, તેમની વાચા પણ જતી રહી.

હૉકિંગે રોગ સામે હાર માન્યા વિના ઝઝૂમવાનું અને કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમને મળેલી વિશેષ સુવિધાઓ અને ટેકનોલોજીની મદદથી હૉકિંગ શારીરિક રીતે નિષ્ક્રીય થઇ ગયા હોવા છતાં, બેસ્ટસેલર પુસ્તકો લખે છે અને વખતોવખત સમાચારમાં પણ રહી જાણે છે. આઇસ બકેટ ચેલેન્જ જેવા ચેપી ટ્રેન્ડથી તે કેવી રીતે અળગા રહી શકે? હૉકિંગના નામે ‘આઇસ બકેટ ચેલેન્જ’ની વિડીયો જોવા મળે છે. હૉકિંગને પોતાને જોકે ઠંડા પાણીથી નહાવાનું (આરોગ્યની રીતે) જોખમી લાગતાં, તેમની હાજરીમાં પરિવારજનોએ બકેટવિધી સંપન્ન કર્યો છે.

હૉકિંગ જેવા સેલિબ્રિટી વૈજ્ઞાનિક એએલએસના દર્દી અને તેની સામેની લડાઇના વિશ્વવિખ્યાત બ્રાન્ડ એમ્બ્સેડર હોવા છતાં, આ રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે- દાન ઉઘરાવવા માટે આઇસ બકેટ ચેલેન્જ જેવી પ્રવૃત્તિ હાથ ધરવી પડે એ અસલી વક્રતા છે- અને થોડા સમય પૂરતી એ હૉકિંગ કરતાં પણ વધારે પ્રસિદ્ધ થઇ જાય, એ ઇન્ટરનેટની ‘વાઇરલ’ પ્રકૃતિની લાક્ષણિકતા છે.

એક અંદાજ પ્રમાણે, ઓગસ્ટના ત્રીજા અઠવાડિયા સુધીમાં એટલે કે એકાદ મહિનામાં આઇસ બકેટ ચેલેન્જના પ્રતાપે ચાર કરોડ ડોલરથી પણ વઘુ રકમ દાનમાં મળી ચૂકી છે. ઘેલછાગ્રસ્ત જાગૃતિનું આ મોજું શમીને વાઇરલ પ્રસારની તવારીખમાં ક્યારે સમાઇ જાય એ જોવાનું છે, પણ કોલાવરી હોય કે આઇસ બકેટ ચેલેન્જ, એક વાર તે ‘પકડાઇ’ જાય એટલે તેની સફળતાનાં કારણ શોધી કાઢવાનું સહેલું પડે છે. મૂળ ચીજમાં ન હોય એવી ખૂબીઓ  વિશ્લેષકો તેમાંથી શોધી કાઢે છે અને  લગે હાથ પોતાની વિદ્વત્તાનો છાકો પણ પાડતા જાય છે.

અંબા માતાના પરચાનું પહેલું પોસ્ટ કાર્ડ કોણે લખ્યું એ શોધવું જેટલું મુશ્કેલ હોય છે, એટલું જ અઘરું ‘એએલએસ આઇસ બકેટ ચેલેન્જ’નાં મૂળ શોધવાનું છે. પરંતુ એકાદ મહિનાના ટૂંકા ગાળામાં તેને મળેલી સફળતા પછી તેની સફળતા હવે થિયરીબાજીનો અને વાદવિવાદનો વિષય પણ બની છે.

ટીકાના છાંટા

આઇસ બકેટ ચેલન્જની સૌથી પ્રાથમિક ટીકા એ છે કે એએલએસ એકદમ ઓછો પ્રસાર ધરાવતો રોગ છે. અમેરિકામાં એએલએસના દર્દીઓની સંખ્યા લાખોમાં નહીં, માંડ થોડા હજારમાં છે. જાણીતા કાર્ટૂનિસ્ટ અને વ્યવસાયે રેડિયોલોજિસ્ટ ડૉ.હેમંત મોરપરિયાએ  લખ્યું હતું કે એએલએસના દર્દીઓ કરતાં અનેક ગણા વધારે લોકો ટીબી, મેલેરિયા જેવા રોગોનો ભોગ બને છે. અમેરિકામાં અલ્ઝાઇમર્સ અને ડાયાબિટી સહિતના રોગોનો ઘણો ઉપાડો છે. એ રોગો સામે લડવા માટે પણ નાણાંની એટલી જ જરૂર હોય છે અને તેનો ફાયદો વધારે લોકો સુધી પહોંચી શકે છે.

‘એએલએસ જ કેમ? કારણ કે આ વાઇરલ ગતકડું છે.’ એવો ઘ્વનિ ધરાવતી આ ટીકામાં વજૂદ છે. ‘ટાઇમ’ સાપ્તાહિકમાં એક લેખકે  એએલએસમાં પોતાના પિતા ગુમાવ્યા હોવા છતાં- અને બકેટ ચેલેન્જના તે આકરા ટીકાકાર ન હોવા છતાં- તેમણે એટલું તો કહ્યું જ છે કે ઘણા લોકો દેખાદેખીમાં બકેટ ઠાલવવા મચી પડ્યા છે અને તેમને એએલએસ કે તેને લગતી જાગૃતિ સાથે કશી લેવાદેવા નથી.

બકેટ ચેલેન્જ સામે તેમણે ઊભો કરેલો વાંધો એકદમ વાજબી લાગે એવો છે. તેમનું કહેવું છે કે માથે ટાઢા પાણીની ડોલ રેડતાં કે રેડાવતાં પહેલાં માણસ એએલએસ વિશે કંઇક કહે, દાન આપવાની વાત કરે અને પછી ડોલ ઊંધી પાડે તો સરખો પ્રચાર પણ થાય. એએલએસ ફાઉન્ડેશને શરૂઆતમાં એવી શરત રાખી હતી કે જે લોકો દાન ન આપવાના હોય એ જ બકેટ-સ્નાન કરે. પછીથી બકેટ ચેલેન્જના ઉત્સાહમાં આ શરત ગૌણ બની ગઇ. એટલું જ નહીં, ઘણા લોકો પૂરું સમજ્યા-વિચાર્યા વિના, કેવળ એક સોશ્યલ ટ્રેન્ડ તરીકે બકેટ ચેલેન્જની ચાલુ ગાડીમાં ચડી ગયા. તેના લીધે બકેટ ચેલેન્જ સફળ તો થઇ, પણ સોશ્યલ મિડીયા બકેટની જેટલી રેડારેડ થઇ, એના પ્રમાણમાં જાગૃતિ ન આવી.

આઇસ બકેટ ચેલેન્જની વઘુ કડક શબ્દોમાં પણ ટીકા થઇ છે. એક લેખકે તેને સોશ્યલ મિડીયાની ખાસિયત જેવી આત્મરતિ અને સેલિબ્રિટી-ભક્તિનાં કનિષ્ટતમ તત્ત્વોનું સંયોજન ગણાવ્યો છે. સાથોસાથ તેની પર ‘આર્મચેર ફીલગુડ ક્લિક્ટિવિઝમ’નો - એટલે કે ઢેકા નમાવ્યા વિના કે નાણાંકોથળી ઢીલી કર્યા વિના, કમ્પ્યુટર પર ક્લિક કરીને કંઇક કર્યાનો ઠાલો સંતોષ લેવાનો- આરોપ પણ મૂકવામાં આવ્યો છે. બકેટ ચેલેન્જને‘સ્લેક્ટિવિઝિમ’ એટલે કે આળસુ અને છીછરા એક્ટિવિઝમ તરીકે ખતવી નાખવામાં આવી છે. આ જાતની ટીકાઓમાંથી કટુતાની બાદબાકી કરીએ તો પણ તેમાં તથ્યના ઘણા અંશ છે. કેટલાક પત્રકારોએ અમેરિકા સહિતના ઘણા દેશમાં પાણીની અછતનો મુદ્દો આગળ ધરીને, આ રીતે પાણીનો બગાડ થાય એ સામે વાંધો વ્યક્ત કર્યો છે.

શક્ય છે કે બકેટ-ચેલેન્જના સમર્થકોને આ બધો દૂધમાંથી પોરા કાઢવાનો ઉદ્યમ લાગે. પરંતુ એ ટીકા મુખ્યત્વે ઘેટાશાઇ માનસિકતા અને કશું નક્કર કર્યા વિના, શોર્ટકટથી સ્વામી ફીલગુડાનંદ બની જવા સામેની છે, એ તેમણે યાદ રાખવા જેવું છે. એએલએસ માટે નાણાં આપવાં એ સારી વાત છે. સારા કામ માટે લોકોમાં દેખાદેખી જેવું નકારાત્મક છાંટ ધરાવતું લક્ષણ જગાડવાની પણ નવાઇ નથી. પરંતુ બકેટ ચેલેન્જમાં જોડાઇને જાગ્રત કે નિસબત ધરાવનારા તરીકે ગણાવા આતુર સૌએ વિચારવું જોઇએ કે અસલી જાગૃતિનું કામ કયું છે : અમેરિકામાં શરૂ થયેલી અને સોશ્યલ મિડીયાના પ્રતાપે ફેશનેબલ બનેલી બકેટ ચેલેન્જમાં ભાગ લેવાનું- તેમાં દાન આપવાનું કે પછી આપણા ગામ, પ્રદેશ કે દેશમાં આ જાતની કોઇ પ્રવૃત્તિમાં મદદરૂપ થવાનું?

જવાબ સીધી રીતે ન સૂઝે તો માથે ઠંડું પાણી ભરેલી ડોલ રેડ્યા પછી વિચારવાની છૂટ છે. 

Monday, June 20, 2011

સેલફોનથી કેન્સરઃ ‘વાઘ આવ્યો રે વાઘ’નું વઘુ એક પુનરાવર્તન

‘સેલફોનના વઘુ પડતા વપરાશથી કેન્સર થવાની સંભાવના રહે છે.’ આ ચેતવણીરૂપ વાક્ય અત્યાર સુધી અનેક સંસ્થાઓ, સંશોધનો, સર્વેક્ષણો અને અભ્યાસોનો હવાલો આપીને કહેવાઇ ચૂક્યું છે. પરંતુ નક્કર આધાર-પુરાવાના અભાવે સેલફોન અને કેન્સર વચ્ચેનો સીધો કે આડકતરો સંબંધ સ્થાપિત થઇ શક્યો ન હતો.

હવે એ જ ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થા (‘હુ’)જેવા આંતરરાષ્ટ્રિય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવે ત્યારે સેલફોન અને કેન્સરના સંબંધ વિશે ગંભીરતાથી જાણવા-વિચારવાની ફરજ પડે છે. ‘હુ’ અંતર્ગત કામ કરતી ‘ઇન્ટરનેશનલ એજન્સી ફોર રીસર્ચ ઓન કેન્સર’ની અખબારી યાદી પ્રમાણે, ‘વાયરલેસ ફોનના વપરાશ સાથે સંકળાયેલા રેડિયોતરંગોના વિદ્યુતચુંબકીય ક્ષેત્રને કેન્સરકારક/કાર્સિનોજન (ગ્રુપ ૨-બી)ના સમુહમાં મુકવામાં આવ્યું છે.’

સાદી ભાષામાં તેનો અર્થ એટલો કે, બીજાં અનેક કેન્સરકારક તત્ત્વોની જેમ સેલફોનનાં રેડિયોતરંગો પણ કેન્સરનાં કારક બની શકે છે. ‘કેમ? શું? કેવી રીતે?’ની લાંબી પંચાતમાં પડ્યા વિના, અખબારી યાદીમાં જણાવાયું છે કે ‘વર્ષ ૨૦૦૪ સુધીના એક અભ્યાસમાં સેલફોનનો વઘુ પડતો ઉપયોગ કરનારામાં દુર્લભ પ્રકારનું બ્રેઇન કેન્સર થવાની શક્યતા ૪૦ ટકા વધી હોવાનું જણાયું હતું.’ સેલફોનના ‘વધુ પડતા ઉપયોગ’ની તેમાં કરાયેલી વ્યાખ્યા હતીઃ ‘રોજના અડધો કલાક લેખે એક વર્ષ સુધી.’

આ વ્યાખ્યામાં મોટા ભાગના સેલફોનધારકોનો સમાવેશ થઇ જાય. છતાં, બ્રેઇન કેન્સરના બનાવોમાં જરાય વધારો નોંધાયો નથી. તો વારેઘડીએ ઉઠતી ‘સેલફોનથી કેન્સર’ની બૂમો પાછળની વૈજ્ઞાનિક વાસ્તવિકતા શી છે? અને સેલફોનધારકોએ કેટલી ચિંતા કરવી જોઇએ?

સૌથી પહેલો ખુલાસો ‘ઇન્ટરનેશનલ એજન્સી ફોર રીસર્ચ ઓન કેન્સર’ના તાજા અહેવાલનોઃ તેમાં સેલફોનના રેડિએશનને ‘ગ્રુપ ૨-બી’ પ્રકારના કેન્સરકારક/કાર્સિનોજનમાં મૂકવામાં આવ્યું છે. કેન્સરકારકોને પાંચ સમુદાયમાં વહેંચવામાં આવ્યાં છે. તેમાં ‘ગ્રુપપ ૧’ના સભ્યોને મનુષ્યમાં થતા કેન્સર માટે સીધા જવાબદાર ગણવામાં આવ્યાં છે. એવી ૧૦૭ બાબતોમાં એક્સ-રે અને તમાકુથી માંડીને આર્સેનિક અને એસ્બેસ્ટોસનો સમાવેશ થાય છે. ‘ગ્રુપ ૨-એ’માં ‘મનુષ્યમાં કેન્સર માટે સંભવિત રીતે/પ્રોબેબલી જવાબદાર’ એવાં ૫૯ નામ છે. નવાઇ લાગે, પણ એ ગ્રુપમાં ડીઝલના ઘુમાડાથી માંડીને રાતપાળીની કામગીરી જેવાં પરિબળોનો સમાવેશ થયો છે.

ત્યાર પછીના ક્રમે આવે છે ‘ગ્રુપ ૨-બી’ (મનુષ્યોમાં કેન્સર માટે કદાચ/પોસિબલી જવાબદાર). આ યાદીમાં અત્યાર સુધી કેટલાંક રસાયણો અને કોફી જેવી ૨૬૫ ચીજોનો સમાવેશ થતો હતો. ‘હુ’ની તાજી જાહેરાતના પગલે તેમાં ૨૬૬મી ચીજ તરીકે સેલફોનનો ઉમેરો થયો છે. ટૂંકમાં, ‘હુ’ની જાહેરાતનો તાર્કિક અર્થ એવો કરી શકાય કે કોફી પીવાથી અને સેલફોનના વઘુ પડતા ઉપયોગથી બ્રેઇનનું કેન્સર થવાની સંભાવના એકસરખી રહે છે. આનાથી વધારે કશું જ ‘હુ’ની જાહેરાતથી સિદ્ધ થતું નથી.

પરંતુ મામલો બ્રેઇન કેન્સર જેવા રોગનો હોય, ત્યારે ‘હુ’ની જાહેરાતને પગલે ફેલાયેલો ભ્રમ દૂર કરવાનું પૂરતું નથી. સેલફોન અને કેન્સર વચ્ચેનો વૈજ્ઞાનિક સંબંધ અને અત્યાર લગીના પ્રયોગોનાં પરિણામ જાણવાથી જ સંતોષકારક રીતે શંકાનું નિરાકરણ લાવી શકાય. એ માટે કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડો.સિદ્ધાર્થ મુખર્જીનો એક વિસ્તૃત લેખ ખૂબ ઉપયોગી થાય એમ છે. ભારતીય મૂળના ડો.મુખર્જીના પુસ્તક ‘એમ્પરર ઓફ ઓલ માલાડીઝઃ એ બાયોગ્રાફી ઓફ કેન્સર’ને આ વર્ષે સાહિત્યનું પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું હતું. તેમણે ‘હુ’ની જાહેરાતના એકાદ મહિના પહેલાં ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ માટેના એક દીર્ઘ લેખમાં અનેક દાખલાદલીલો અને અભ્યાસ ટાંકીને સિદ્ધ કર્યું હતું કે હજુ સુધી સેલફોનના ઉપયોગ અને કેન્સરને સાંકળતો એક પણ વિશ્વસનીય પુરાવો મળ્યો નથી. આ પ્રશ્ન સાથે સંકળાયેલાં શક્ય એટલાં તમામ પાસાં તેમણે ચકાસ્યાં હતાં.

જેમ કે, ડો.મુખર્જીએ વ્યક્ત કરેલી એક શંકા હતીઃ ‘તમાકુથી કેન્સર થતું હોવાનાં સંશોધનો બહાર પડ્યા પછી તમાકુની કંપનીઓ નાણાં વેરીને સાચી માહિતી બહાર આવવા દેતી ન હતી અથવા ગેરરસ્તે દોરનારાં સંશોધનો બહાર પાડતી હતી. એવું જ સેલફોન કંપનીઓના કિસ્સામાં ન બની શકે? સેલફોનનો કેન્સર સાથેનો સંબંધ બહાર ન આવે એટલા માટે તે વઘુ ને વઘુ ગૂંચો ઉભી કરી રહી હોય એવી શક્યતા ખરી કે નહીં?’

આ સવાલનો તેમણે જ આપેલો જવાબ હતો,‘તમાકુના કિસ્સામાં કંપનીઓ માહિતી દબાવી રાખતી હતી, પરંતુ તમાકુની અસરને લગતા ક્લિનિકલ ટ્રાયલમાં તમાકુ સાથે કેન્સરનો સંબંધ સ્થાપિત થતો હતો. સેલફોનના કિસ્સામાં કંપનીઓનાં પરિણામ અલગ આવે અને સ્વતંત્ર સંશોધકોનાં પરિણામ અલગ આવે, એવું પણ બન્યું નથી.’

બીજો મુદ્દો બ્રેઇન કેન્સરના મર્યાદિત વ્યાપ અંગેનો છે. ડો.મુખર્જીના જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં દર એક લાખ વ્યક્તિએ ૭ જણને બ્રેઇન કેન્સર જોવા મળે છે. એટલે સેલફોનના ઉપયોગથી બ્રેઇન કેન્સરના પ્રમાણમાં વધારો થયો હોય તો પણ એ વધારો માપી શકાય એટલો મોટો ન હોય. આટલું કહીને તેમણે એમ પણ જણાવ્યું છે કે સેલફોનનો વપરાશ વ્યાપક બન્યા પછીના ૧૯૯૦ થી ૨૦૦૨ સુધીના સમયગાળામાં બ્રેઇન કેન્સરનો દર સ્થિર રહ્યો છે. બલ્કે, કહેવું હોય તો કહી શકાય કે થોડો ઘટીને દર એક લાખ વ્યક્તિએ ૬.૫ વ્યક્તિનો થયો છે- અને આ ઘટાડા માટેનાં કારણ જાણી શકાયાં નથી.

સેલફોન અને કેન્સરના સંબંધ અંગેનો એક વ્યાપક અભ્યાસ ‘ઇન્ટરફોન’ દ્વારા થયો હતો. તેમાં ૧૩ દેશોમાંથી બ્રેઇન ટ્યુમરના ૫,૧૧૭ દર્દીઓ અને ૫,૬૪૩ સ્વસ્થ માણસોનો અભ્યાસ કરવામાં આવ્યો. આ સર્વેક્ષણનું સંકલન ‘હુ’ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાંથી બન્ને વચ્ચેનો સંબંધ સૂચવતો કોઇ પણ નક્કર પુરાવો મળ્યો નહીં. ઊલટું, સર્વેક્ષણમાં આવરી લેવાયેલા લોકોને જુદાં જુદાં જૂથોમાં વહેંચતાં એવાં પણ આંકડાકીય પરિણામ મળ્યાં કે સેલફોનના ઉપયોગથી બ્રેઇન ટ્યુમરનું જોખમ ઘટે છે.

સ્વાભાવિક છે કે આ પરિણામ ગેરરસ્તે દોરનારાં હતાં. ડો.મુખર્જીના મતે આ જાતના ગોટાળા માટેનું એક સંભવિત પરિબળ છે ‘રીકોલ બાયસ’. એટલે કે પોતે એક રોગનો ભોગ બન્યો છે, એ જાણ્યા પછી માણસ પોતાનો ભૂતકાળ યાદ કરવામાં પણ પૂર્વગ્રહ કામે લગાડે. દા.ત. કોઇ શરદીગ્રસ્ત માણસને પૂછવામાં આવે કે ‘તમે છેલ્લા એક અઠવાડિયામાં કેટલું ઠંડું પાણી પીઘું હતું?’ તો શરદી માટે ઠંડા પાણીને જવાબદાર ગણતો દર્દી સવાલનો જવાબ એવી રીતે જ આપે અને પોતે બહુ ઠંડું પાણી પીઘું હોવાનું કહે. બ્રેઇન ટ્યુમર અને સેલફોનના સંબંધના કિસ્સામાં આ સવાલ છેલ્લા અઠવાડિયા નહીં, પણ વર્ષોના ગાળામાં પૂછાય, ત્યારે તેમાં મળતા જવાબ ખાસ વિશ્વસનીય રહેતા નથી. સેલફોન પર તેની વાતચીતનો સત્તાવાર રેકોર્ડ જ પ્રમાણભૂત ગણી શકાય, પણ એવા રેકોર્ડના આધારે હજુ સુધી કોઇ સંશોધન થયું નથી.

એવી જ રીતે કોઇ તત્ત્વ કેન્સરકારક છે કે નહીં, તે નક્કી કરવાની એક રીત ઉંદર જેવાં પ્રાણીઓ પર તેનો અખતરો કરવાની છે અને સેલફોનના મામલે એ વિકલ્પ પણ અજમાવાઇ ચૂક્યો છેઃ ૧૯૯૭ થી ૨૦૦૪ દરમિયાન ઉંદરો પર વિકિરણોની અસરના જુદા જુદા છ પ્રયોગો થયા હતા, પરંતુ એકેયમાં વિકિરણોની અસરથી ઉંદરમાં બ્રેઇન કેન્સરની સંભાવના વધી હોવાનું જણાયું નથી.

સેલફોનમાંથી નીકળતાં વિકિરણો ‘નોન-આયોનાઇઝિંગ’ પ્રકારનાં ગણાય છે. એટલે કે તે કોષોનું આયનીકરણ પ્રેરી શકે- રાસાયણિક બંધારણમાંથી ઇલેક્ટ્રોન છૂટા પાડીને તેનું માળખું વેરવિખેર કરી શકે અથવા ડીએનએમાં ભાંગફોડ કરી શકે એટલાં શક્તિશાળી હોતાં નથી.

છેલ્લો વિકલ્પ એ રહે છે કે સેલફોનનાં વિકિરણો માનવશરીરમાં આયનીકરણ કર્યા વિના, બીજી કોઇ તરકીબથી મગજ પર અસર કરતાં હોય. અમેરિકન સંશોધક નોરા વોલ્કોવે ૪૭ લોકો પર એવો પ્રયોગ કર્યો કે એ લોકો સેલફોન પર વાત કરતા હોય ત્યારે ખાસ પ્રકારના બ્રેઇન સ્કેનરથી તેમના મગજની આંતરિક ગતિવિધીનો ચિતાર મળે. તેમાં નોરાને જણાયું કે સેલફોન પર વાત કરતી વખતે માણસના મગજના એટલા વિસ્તારમાં ગ્લુકોઝ એક્ટિવિટી- એટલે કે શર્કરાના ચયાપચયની ક્રિયામાં વધારો થાય છે. પરંતુ આ વધારાને કેન્સર સાથે કશો સંબંધ નથી. કારણ કે ફક્ત સેલફોન પર વાત કરતી વખતે જ નહીં, સંગીત સાંભળતી વખતે કે પ્રિય પાત્રને યાદ કરતી વખતે કે મોગરાનું ફૂલ સુંઘતી વખતે પણ મગજમાં ગ્લુકોઝ એક્ટિવિટી વધી જાય છે.

આ તમામ વિગતોનો નિષ્કર્ષ એટલો કે સેલફોનનાં વિકિરણોથી બ્રેઇન કેન્સર થાય એવી બીક રાખવાની જરૂર નથી.

એનો અર્થ એવો પણ નહીં કે સેલફોનનો બેફામ ઉપયોગ કરવો અને બિનજરૂરી વાતોનાં વડાં કરવાં. ડોક્ટરો એવી પણ સલાહ આપે છે કે લાંબો સમય ફોન પર વાત કરવાની થતી હોય તો હેન્ડ્‌સ ફ્રી સેટ/ઇયરફોનનો ઉપયોગ કરવો. રાત્રે સેલફોન ઓશિકા પાસે (માથાની નજીક) રાખીને સુઇ જવું નહીં- આ બધાં અગમચેતીનાં પગલાં છે. તે લેવાય તો ઉત્તમ, પણ કોઇ કારણસર એ ન લઇ શકતા લોકોએ બ્રેઇન કેન્સરનું ટેન્શન રાખવાની જરૂર નથી- અત્યાર લગીનાં સંશોધનોના આધારે તો નહીં જ!