Tuesday, May 26, 2026
કરકસરની ચર્ચા
એવું કહેવાય છે કે મહંમદ તઘલકના રાજમાં અધિકારીઓ રાત્રે સૂઈ જાય ત્યારે તેમના મનમાં એ જ વિચારો ચાલતા કે કાલે સવારે સાહેબ કયું નવું ગતકડું કાઢશે? આ વાત સાચી છે કે નહીં તેનો કોઈ આધારપુરાવો નથી, પણ હવે આપણે એવા યુગમાં પ્રવેશી ગયા છીએ, જેમાં ઘણી પ્રજાને આધારપુરાવા સાથે કશી નિસબત રહી નથી. તેમનો આરાધ્ય બાવો બળાત્કારી હોય તો પણ તેમનો ભક્તિભાવ ઓછો નથી થતો, ને તેમનો આરાધ્ય નેતા ઝેરીલો, આત્મમુગ્ધ અને બેજવાબદાર હોય તો પણ તેના બચાવમાં તે જરાય પાછા પડતા નથી. એકાદ દાયકા પહેલાં 'પોસ્ટ-ટ્રુથ સોસાયટી'નો ખ્યાલ ચલણી બન્યો હતો--એક એવો સમાજ, જેમાં સચ્ચાઈ અપ્રસ્તુત છે. એવી જ રીતે હવે ઘણા લોકો માટે 'પોસ્ટ-વેલ્યુઝ' જેવો કોઈ શબ્દપ્રયોગ બનાવવો પડે--જેમને મૂલ્યો સાથે કશી નિસબત નથી. તેમના સાહેબો મૂલ્યોને ફાંસીએ ચડાવે કે ગોળીએ દે, તેમને મન સાહેબ મહાન છે એટલે છે એટલે છે જ.
પણ વાત મહંમદ તઘલકની ચાલતી હતી. તઘલકને તો આપણે જોયો નથી, પણ વર્તમાન શાસન આપણે જોયું છે--વેઠ્યું છે ને વેઠીએ છીએ. તો તેના અમલદારોને તઘલકના અમલદારો જેવું થતું હશે? એ તો ભવિષ્યમાં કોઈ અમલદાર સરકારની સ્તુતિઓ ગાવામાંથી પરવાર્યા પછી પોતાના સાચા અનુભવો લખે તો ખબર પડે. સાહેબનો લેટેસ્ટ આદેશ છે કે કરકસર કરવી. જ્યોતીન્દ્ર દવેના વિખ્યાત હાસ્યનિબંધ 'મારી વ્યાયામસાધના’માં કર્તા અધ્યાહાર રાખવાની વાત આવે છે. (‘દંડબેઠક કર્યા?’ ‘હા કર્યા.’ પણ કર્તા અધ્યાહાર. કોઈકે તો કર્યા જ હશે ને.) સાહેબની વાતમાં કર્તા તો નક્કી હોય--જે કરવાનું હોય તે સામેવાળાએ જ કરવાનું હોય. તેમની વાતોમાંથી તેમની પોતાની જવાબદારી કાયમી ધોરણે અધ્યાહાર હોય છે.
સાહેબની કરકસરની અપીલ સાંભળીને અધિકારીઓનો એક વર્ગ વિચારમાં પડી ગયો. તેમને થયું કે સાહેબની અપીલ આપણે ઝીલી છે, એ દેખાડવા શું કરવું જોઈએ? તેનો પહેલો જવાબ રાબેતા મુજબ એ મળ્યો કે મિટિંગ યોજીએ. એ કાલ્પનિક મિટિંગની કાર્યવાહીનું વર્ણન.
અધિકારી 1: સાહેબો, આજે આપણે જે કામ માટે મળ્યા છીએ...
મુખ્ય સાહેબઃ એક મિનીટ. આ રૂમમાં કેટલાં એસી ચાલે છે? તેમાંથી અડધાં
બંધ કરો.
અધિકારી 2: પ્યૂન એસી બંધ કરતો હોય એની વિડીયો ઉતારવાની છે સાહેબ?
કદાચ કાલે ઉઠીને દરેકે એવી વિડીયો અપલોડ કરવાની આવે...
મુખ્ય સાહેબઃ ચાલો, તમને આટલી સૂઝ પડતી થઈ ગઈ, એ સારી નિશાની છે.
(બધા તરફ જોઈને) તમે બધા જાણો છો કે સાહેબે કરકસરનું દેશવ્યાપી, ગગનભેદી આહ્વાન કર્યું
છે.
અધિકારી 2: કોઈ દેશમાં ધરતીકંપના હળવા આંચકાના સમાચાર હતા, તે એના
લીધે તો નહીં હોય ને?
અધિકારી 3: મેં તો બાળપણમાં એવું સાંભળ્યું હતું કે રાજા જૂઠું
બોલે તો ધરતી ડોલે.
અધિકારી 4: એ તો નકરો વહેમ. બાકી આપણે ત્યાં રોજ ઉઠીને ધરતીકંપ
ન થતા હોત?
મુખ્ય અધિકારી (આંખો કાઢીને): આપણે આટલી અગત્યની ચર્ચા માટે ભેગા થયા
છીએ, એમાં તમે ધરતીકંપનું પુરાણ ક્યાં ખોલ્યું? વિચાર એ કરવાનો છે કે આપણે કરકસરનાં
એવાં કયાં પગલાં લઈ શકીએ જે સાહેબને બતાવી શકાય? (નરમાશથી) એમને તમારો દેખાડો ગમશે
તો સીધું દિલ્હી પણ પોસ્ટિંગ મળી શકે છે.
અધિકારી 2: આ ધમકી છે, સાહેબ?
અધિકારી 4: એ તો પ્રમોશનની
વાત કરે છે. ત્યાં ગયા પછી મોટી જવાબદારી લેવાની.
અધિકારી 3: એટલે, મોટો દેખાડો કરવાની?
અધિકારી 4: ના ભાઈ, ના. દિલ્હીમાં કોઈકે તો જવાબદારીથી કામ કરવું
પડે કે નહીં? એ કોઈક એટલે આપણે બધા. સાહેબને તો આખો દિવસ ફોટોશૂટ, ઝંડીઝુલણ, રેલી,
રોડ શો ને બીજું કેટકેટલું ચાલતું હોય? એ કંઈ દેશનો વહીવટ કરવા નવરા થોડા હોય?
મુખ્ય અધિકારી (ગુંચવાઈને) હમણાં અંદરોઅંદર ચર્ચા કરવાને બદલે આપણે
ફરી મુદ્દા પર આવીએ. કઈ બાબતમાં આપણે ઉડીને આંખે વળગે એવી કરકસર કરવી જોઈએ?
અધિકારી 3: આપણે વર્ક ફ્રોમ
હોમ કરી શકીએ. ક્લાર્કોએ ને પટાવાળાએ આવવાનું. બાકી આપણે બધા પોતપોતાના વતનમાં ને ત્યાં
રહીને ઓફિસનું કામ કરીશું. કેવો આઇડીયા છે સાહેબ?
(મુખ્ય અધિકારીએ જવાબ ન આપીને
જવાબ આપી દીધો.)
અધિકારી 2: આપણે એક દિવસના ખાવાનો ત્યાગ કરવો જોઈએ.
બેઠેલામાંથી મોટા ભાગના
અધિકારીઓ (ઉશ્કેરાઈને): એય, આ શું માંડ્યું
છે? આમને આપણા વતી બારોબાર બોલવાની સત્તા કોણે આપી? મગજબગજ જેવું કંઈ છે કે નહીં?
અધિકારી 2: (ક્ષણિક મુંઝવણ પછી સ્મિત સાથે) અરે મિત્રો, હું તો
જમવાનાની-ભોજનની-એ ખાવાની વાત કરતો હતો. તમે નકામા ઉશ્કેરાઈ ગયા.
અધિકારી 4: આપણે કેટલી બધી બાબતોમાં ઓલરેડી સાહેબને અનુસરીને કરકસર
કરીએ જ છીએ. તેમને ફક્ત જાણ કરવાની જ વાર છે.
મુખ્ય અધિકારી: દાખલા તરીકે?
અધિકારી 4: આપણે માહિતી અધિકાર હેઠળ આવતી નાગરિકોની અરજી પર વિગતો
આપવામાં કરકસર નથી કરતા? લોકો કરકસર કરીને પ્રામાણિકતાથી જીવે છે, જ્યારે આપણે પ્રામાણિકતા
આચરવામાં ભારે કરકસર નથી કરતા? અને સાચું બોલવાની કરકસરમાં... ભલે આપણે સાહેબને પહોંચી
ન શકીએ, પણ પ્રયાસ તો એવો જ રહે છે ને...
(આટલું સાંભળીને, ફિલ્મોમાં
ટેબલ પર હથોડી પછાડતા ન્યાયાધીશની અદામાં, મુખ્ય સાહેબે ટેબલ પર હાથની મુઠ્ઠી પછાડી
ને ઊભા થઈને જતા રહ્યા.)
No comments:
Post a Comment