Showing posts with label ISRO. Show all posts
Showing posts with label ISRO. Show all posts

Sunday, September 08, 2019

ચંદ્રનો દક્ષિણ ધ્રુવઃ અવકાશયાત્રાનું 'હોટ સ્પોટ'

બધું સમુસૂતરું પાર ઉતર્યું હશે તો 'ઇસરો'એ મોકલેલા ચંદ્રયાન-૨માંથી છૂટું પડેલું માળખું 'વિક્રમ'  ગઈ કાલે ચંદ્ર પર ઉતરી ચૂક્યું હશે. પહેલી સમાનવ ચંદ્રયાત્રાને આ સાલ પચાસ વર્ષ પૂરાં થયાં. તેમ છતાં ચંદ્રયાન-૨ના મિશન માટે નવેસરથી રોમાંચ જાગવાનું કારણ છે તેનો આખરી મુકામ એટલે કે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ.

એ જાણીતું છે કે પૃથ્વીની સામે ચંદ્રનો એક જ ભાગ સતત તકાયેલો રહે છે. ચંદ્રની બીજી બાજુ પૃથ્વી પરથી કદી જોવા મળતી નથી. ચંદ્રયાત્રાની શરૂઆત થઈ, ત્યારથી માંડીને (અમેરિકાનાં) એપોલો અને બીજાં યાન એ વિસ્તારોમાં જ ઉતરતાં રહ્યાં છે. કેમ કે, એ વિસ્તાર ટેલીસ્કોપ થકી જોઈ શકાતો હોવાથી, તેના વિશેની ઘણી માહિતી ઉપલબ્ધ હતી. ઉપરાંત, ત્યાંથી પૃથ્વી સાથેના સીધા સંપર્કમાં રહી શકાય અને પૃથ્વી પર પાછા ફરતી વખતે સરળતા પણ રહે.

પરંતુ છેલ્લાં થોડાં વર્ષથી પૃથ્વીવાસીઓની નજરથી ઓઝલ રહેલા ચંદ્રના વિસ્તારનું આકર્ષણ ઊભું થયું છે. અંગ્રેજીમાં 'ફાર સાઇડ’ તરીકે ઓળખાતો એ દૂરનો વિસ્તાર એટલે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ અને તેની આસપાસનો પ્રદેશ.  છેક ૧૯૯૮માં અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા 'નાસા’એ મોકલેલા તપાસયાનને માહિતી મળી હતી કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર હાઇડ્રોજનનો મોટો જથ્થો છે. સાદી ધારણા પ્રમાણે, વધુ હાઇડ્રોજન એટલે વધુ પાણી. અને પૃથ્વી સિવાય બીજે ક્યાંય પાણી મળે એટલે માણસજાતને લોટરી લાગી ગણાય.

દસ વર્ષ પછી, ૨૦૦૮માં ભારતનું ચંદ્રયાન-૧ સફળતાપૂર્વક ચંદ્ર સુધી પહોંચ્યું અને તેનું 'ઇમ્પેક્ટ પ્રોબ' તરીકે ઓળખાતું માળખું આયોજન મુજબ દક્ષિણ ધ્રુવની નજીકના વિસ્તારમાં ખાબક્યું. એ ટક્કર અને વિલોપન દરમિયાન તેણે મોકલેલી વિગતોના વિશ્લેષણ પરથી પહેલી વાર ચંદ્ર પર પાણી હોવાના પ્રાથમિક પુરાવા મળ્યા. પછીના વર્ષે, ૨૦૦૯માં નાસાએ ચંદ્રના પ્રદક્ષિણા કરતો એક ઉપગ્રહ મોકલ્યો. તેનું મુખ્ય કામ દૂર રહીને પણ શક્ય એટલી ઝીણવટથી ચંદ્રની તપાસ કરવાનું હતું.

ચંદ્રની 'રેકી' કરતા નાસાના એ ઉપગ્રહને ચંદ્રની ભ્રમણકક્ષામાં ગોઠવતી વખતે એક વિશિષ્ટ અખતરો કરવામાં આવ્યોઃ સામાન્ય રીતે ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બંધનથી પાર કરાવી દીધા પછી, તેને ધક્કો મારનારાં રોકેટનો ભંગાર ખરી પડે છે. પણ નાસાના એ મિશનમાં છેલ્લા તબક્કાના રોકેટનું બળતણ ખાલી થઈ ગયા પછી તેનું ખોખું સાથે રખાયું અને ઉપગ્રહ ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યો, એટલે પેલા ખાલી ખોખાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીકના વિસ્તારમાં ફેંકવામાં આવ્યું. કહો કે, ઉપગ્રહે ખોખાનો છૂટો ઘા કર્યો. તેના કારણે જે ધૂળ ઉડી તેનો પણ ઉપગ્રહમાં રહેલાં સાધનોએ અભ્યાસ કર્યો. વખત જતાં પૃથ્વીની મોં છુપાવીને બેઠેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ સહિતના તમામ વિસ્તારનું નાસાના એ ઉપગ્રહે મેપિંગ કર્યું અને અત્યંત ચોક્સાઈપૂર્વકનો નકશો તૈયાર કર્યો.  એ ઉપગ્રહ હજુ સક્રિય છે અને માહિતી મોકલ્યા કરે છે. સૌથી લાંબા સમય માટે ચંદ્રની પ્રદક્ષિણા કરવાનો રેકોર્ડ પણ તેના નામે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બરફ (એટલે કે પાણી)ની હાજરીના વધુ ને વધુ નિર્દેશો આ ઉપગ્રહ તરફથી મળતા રહ્યા છે.

પચાસ વર્ષ પહેલાં ચંદ્ર પર પહોંચવામાં વિશુદ્ધ વૈજ્ઞાનિક જિજ્ઞાસાની સાથોસાથ શીતયુદ્ધમાં સરસાઈ મેળવવાનો રાજકીય હેતુ પણ ભળેલો હતો. હવેનાં મિશનમાં ચંદ્ર પર પહોંચવું એ ફક્ત ગૌરવ લેવાની કવાયત રહી નથી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી મળી આવે અને તેનો ઉપયોગ કરી શકાય, તો ભવિષ્યમાં મંગળ કે બીજા ગ્રહો સુધીની મુસાફરીમાં વચ્ચેના સ્ટેશન તરીકે ચંદ્ર પર ઉતરી શકાય અને ત્યાંથી બળતણપાણી ભરીને સફર આગળ વધારી શકાય. એચટુઓ સ્વરૂપે પાણી મળે, તો તેમાંથી હાઇડ્રોજન-ઓક્સિજન છૂટા પાડીને, હાઇડ્રોજનનો ઉપયોગ આગળની સફરના બળતણ માટે કરી શકાય. (ઘણા નિષ્ણાતો માને છે કે માણસજાતે જે રીતે પૃથ્વીની ખાનાખરાબી કરી છે, તે જોતાં 'ઢૂંઢ લે અબ કોઈ ઘર નયા' નો સમય આવી ચૂક્યો છે.) 

દક્ષિણ ધ્રુવ પર સૂર્ય માથે રહેતો નથી, ક્ષિતિજ પર હોય છે. એટલે ધ્રુવ પ્રદેશમાં આવેલા કેટલાક વિસ્તારો ઢળેલા સૂરજના લાંબા પડછાયાથી ઢંકાયેલા રહે છે. સૂર્યનો સીધો તાપ ત્યાં પહોંચતો ન હોવાથી, બરફ અને બીજા જ્વલનશીલ પદાર્થોનો ભંડાર ત્યાં હોવાની સંભાવના છે.  ઉપરાંત ચંદ્રની ભૂમિનું બંધારણ, તેમાં પડેલા તોતિંગ કદના ગોબા, એ ગોબાનું આયુષ્ય, ચંદ્રની જમીનમાં આવતા આંચકા (ધરતીકંપ-અર્થક્વેકની જેમ ચંદ્રકંપ-મૂનક્વેક), ચંદ્રનું વાતાવરણ, તેની પર સૂર્યપ્રકાશની અસરો જેવી અનેક બાબતોનો અભ્યાસ પણ દક્ષિણ ધ્રુવ પરથી થવાનો છે.

દક્ષિણ ધ્રુવ પર પાણી મળે તો તેનું વિશ્લેષણ કરવાથી, ભૂતકાળમાં સૂર્યમાળા સર્જાઈ ત્યારે કયા સંજોગોમાં પાણી બન્યું હશે, તેનો પણ અંદાજ મેળવી શકાય. નાસાએ નોંધ્યું છે કે દક્ષિણ ધ્રુવના વિસ્તારમાં આવેલાં કેટલાંક પહાડી શીખરો પર કાયમ સૂર્યપ્રકાશ આવતો હોય છે. એવા કોઈ ઠેકાણે સૌર ઊર્જાથી ચાલતી વસાહત સ્થાપી શકાય. પૃથ્વીની જેમ ચંદ્રના પેટાળમાં પણ ખનીજો હોવાની સંભાવના છે. પાણી હોય ત્યાં વસાહત હોય, તો વસાહત હોય તેની આસપાસના વિસ્તારમાં ખાણકામ પણ કરી શકાય.

આ બધું વાંચવામાં શેખચલ્લીના સપના જેવું લાગતું હોય તો એ પણ જાણી લેવું જોઈએ કે નાસા આગામી પાંચેક વર્ષમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સમાનવ યાન મોકલવાની વેતરણમાં છે. યુરોપની સ્પેસ એજન્સીએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન મોકલવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. તેમની ગણતરી વર્ષ ૨૦૧૮ના અંત ભાગ સુધીમાં 'લુનાર લેન્ડર'  નામનું તેમનું યાન ઉતારી દેવાની હતી. પણ નાણાંભીડને કારણે તેમને પ્રોજેક્ટ માંડી વાળવો પડ્યો. દરમિયાન ચંદ્રના પૃથ્વી પરથી નહીં દેખાતા ભાગ પર યાન મોકલવાની પહેલ ચીને કરી અને આ વર્ષના જાન્યુઆરીમાં તેનું લેન્ડર ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં ફરતા યાંત્રિક ગાડી જેવા રોવર સાથે ઉતરી ચૂક્યું છે. ચીની લેન્ડર દક્ષિણે ૪૫.૫ અંશ અક્ષાંશ પર છે, જ્યારે ચંદ્રયાન-૨નું લેન્ડર 'વિક્રમ' ધાર્યા પ્રમાણે ઉતર્યું હશે, તો તે દક્ષિણે આશરે ૬૭ અંશથી ૭૦ અંશ અક્ષાંશની વચ્ચે એટલે કે છેક દક્ષિણે હશે. ચંદ્રની આટલી દક્ષિણે કેટલાંક યાન આત્મવિલોપન કરીને માહિતી મોકલવા પૂરતાં ખાબક્યાં છે ખરાં, પણ કોઈ યાનને ત્યાં રહીને કામ કરવા માટે મોકલાયું નથી. માટે, ચંદ્રયાન-૨ની સફળતાથી ચંદ્ર વિશેના માણસજાતના જ્ઞાનમાં નોંધપાત્ર વધારો થશે

--અને કોઈ કારણસર ચંદ્રયાન-૨ ધાર્યું પરિણામ ન આપે, તો પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ તરફની અવકાશી દોટ હવે અટકવાની નથી. 

Monday, September 29, 2014

કરકસરિયા ‘ઇસરો’ની કમાલ : (સૌથી) સસ્તા ભાડામાં મંગળની પ્રદક્ષિણા

‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ કરતા ચોથા-પાંચમા ભાગના ખર્ચે તૈયાર થયેલું ‘ઇસરો’નું મંગળયાન ભારતીય ઇજનેરોએ મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિ છે

Click to Enlarge - Original figure : ISRO

પાંચમી નવેમ્બર, ૨૦૧૩ના રોજ ‘ઇસરો’એ રવાના કરેલું મંગળયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં ચકરાવા માર્યા પછી પહેલી ડિસેમ્બર ૧, ૨૦૧૩ના મંગળ ભણી રવાના થયું હતું. પૃથ્વીથી આશરે ૨૨ કરોડ કિલોમીટરની દૂરી પર પહોંચેલું મંગળયાન છેવટે બુધવારે મંગળ સુધી પહોંચ્યું અને સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષામાં દાખલ થઇ ગયું, તેની સાથે જ આનંદ અને ગૌરવની લાગણી ફેલાઇ. ભારત એવો પહેલો દેશ છે, જેને પહેલા પ્રયાસે મંગળની ભ્રમણકક્ષા સુધી યાન મોકલવામાં સફળતા મળી છે. અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો પણ પહેલા પ્રયાસે સફળતાની સિદ્ધિ મેળવી શક્યા નથી. (રશિયા-ચીનને તો પછીના પ્રયાસોમાં પણ સફળતા મળી નથી.)

‘ઇસરો’નો પ્લાન યાનને મંગળ ગ્રહ પર ઉતારવાનો નહીં, પણ તેની ફરતે યાને પ્રદક્ષિણા કરતું રાખવાનો છે. એ અવસ્થામાં યાન મંગળ પર મિથેન વાયુની હાજરી પારખવાની કોશિશ કરશે. અગાઉ બીજા દેશો ચંદ્રની તપાસ કરી ચૂક્યા હોવા છતાં, ‘ઇસરો’ના ચંદ્રયાને પહેલી વાર ચંદ્ર પરથી બરફ (પાણી) હોવાની મોટી શોધ કરી હતી. એટલે મંગળની સપાટી પર અમેરિકાનું એક વાહન ઘૂમી રહ્યું હોવા છતાં, મંગળનું પરિભ્રમણ કરી રહેલા ‘ઇસરો’ના મંગળયાન પર સૌની નજર રહેશે.

‘ઇસરો’એ મંગળયાનનો આખો પ્રોજેક્ટ ફક્ત ૭.૩ કરોડ ડૉલરમાં (કેટલાક અંદાજ પ્રમાણે સંપન્ન કર્યો. આ આંકડાની આગળ ‘ફક્ત’નું વિશેષણ કેમ લગાડ્યું, એ સમજવા માટે આ રકમો જુઓ : ‘નાસા’ને તેનું મંગળયાન મુંબઇનો બહુ વખણાયેલો અને તેના ટ્રાફિકઘટાડા માટે ઉપયોગી સિદ્ધ થયેલો પુલ વાંદ્રા-વર્લી સી લિન્ક નવ વર્ષમાં ૩૪ કરોડ ડૉલરના ખર્ચે તૈયાર થયો. (આટલા તોતિંગ ખર્ચ પાછળ એક કારણ વિલંબનું પણ ખરું. ‘ફૉર્બ્સ’ મેગેઝીનના અહેવાલ પ્રમાણે, ૪.૭ કિલોમીટર લાંબા વાંદ્રા-વર્લી સી લિન્ક કરતાં ક્યાંય મોટો, ૩૬ કિલોમીટર લાંબો પુલ ફક્ત ચાર વર્ષમાં ઊભો કરી દીધો હતો.)

સી લિન્ક પર ‘વધારાના ખર્ચ’નો આરોપ થઇ શકે, નકામા ખર્ચનો નહીં. એવો આરોપ વાજબી રીતે જેની પર થઇ રહ્યો છે તે વડાપ્રધાનનો પ્રિય ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પ્રોજેક્ટ છે. દુનિયામાં સૌથી ઊંચું પૂતળું બનાવવાની ઘેલછા પાછળ રૂ.૨૦૬૩ કરોડનો ખર્ચ થશે, એવું ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પ્રોજેક્ટની સત્તાવાર વેબસાઇટ પર જણાવાયું છે. ૧ ડૉલરના રૂ.૬૧ના હિસાબે આ રકમ અંદાજે ૩૩ કરોડ ડૉલર જેટલી થાય. તેની સરખામણીમાં ‘ઇસરો’ મંગળ સુધી યાન પહોંચાડવા માટે ૭.૬ કરોડ ડૉલર ખર્ચતું હોય તો તેને ‘ફક્ત’ કહેવામાં શું ખોટું છે? પ્રચારપટુ વડાપ્રધાને મંગળયાન હોલિવુડની ફિલ્મ ‘ગ્રેવિટી’ કરતાં પણ ઓછા ખર્ચમાં તૈયાર થઇ ગયું, એવી વાત કરી હતી અને એ સાચી હતી. પરંતુ હોલિવુડની ફિલ્મ કરતાં ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’નું ઉદાહરણ વધારે નજીક ન પડે?

પહેલી વાર ‘ઇસરો’એ મંગળયાનનું બજેટ જાહેર કર્યું ત્યારે  અવકાશક્ષેત્રના લોકોને પણ નવાઇ લાગી હતી. કેમ કે, અમેરિકાની અવકાશ સંસ્થા ‘નાસા’ હોય કે પછી ચીનનો અવકાશ કાર્યક્રમ, તેમની સરકારો કરોડો ડૉલરનાં બજેટ ફાળવે છે. બેફામ ખર્ચ કરવાના આરોપની ‘નાસા’ માટે નવાઇ નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં તેને એ આરોપ ગંભીરતાથી કાને ધરીને, ખર્ચ ઘટાડવા માટે પગલાં લેવાની ફરજ પડી છે. સ્ટાફ ઘટાડીને ઘણું કામ કોન્ટ્રાક્ટ પર આપવું એ નિર્ણય‘નાસા’ની ‘ડૉલર બચાવો ઝુંબેશ’નો હિસ્સો હતો. તેમ છતાં, ‘ઇસરો’ ‘નાસા’ કરતા લગભગ દસમા ભાગના ખર્ચમાં મંગળમિશન ઊભું કરી દે, તેનો ખુલાસો શી રીતે આપવો? કેટલાક વિદેશી નિષ્ણાતોએ ઝાઝી તસ્દી લીધા વિના પરબારો વેતનનો મુદ્દો ઊભો કર્યો અને કહ્યું કે અમેરિકાની સરખામણીમાં ભારતમાં ઇજનેરોને મળતું વેતન ઘણું ઓછું છે. તેના કારણે ભારતનો પ્રોજેક્ટ સસ્તામાં થયો છે. કેટલાકે ખુલાસો આપ્યો કે અમેરિકાનું મંગળ-મિશન વધારે અટપટું હોવાથી, તેમાં સાધનસામગ્રીનો ખર્ચ વધારે બેસે.

વેતનનો કે મિશનના હેતુનો તફાવત ચોક્કસ એક મુદ્દો છે, પણ તેને બચત માટે જવાબદાર એક માત્ર મુદ્દા તરીકે રજૂ કરવામાં ‘ઇસરો’ના ઇજેનેરોની પ્રતિભાની અને કરકસર માટેના તેમના આગ્રહની ધરાર અવગણના થાય છે. ડૉ.વિક્રમ સારાભાઇના જમાનાથી ભારત જેવા આર્થિક રીતે ગરીબ દેશના અવકાશ કાર્યક્રમ માટે કેટલું બજેટ ફાળવવું જોઇએ, એ ચર્ચાનો અને કંઇક અંશે વિવાદનો મુદ્દો રહ્યો છે. રોકેટનો આગળનો હિસ્સો સાયકલ પર લઇ જવાતો હોય કે અહીં તસવીરમાં દર્શાવ્યું છે તેમ, આખેઆખો ‘એપલ’ ઉપગ્રહ બળદગાડામાં લઇ જવાતો હોય, એની  ‘ઇસરો’ની પરંપરામાં નવાઇ નથી.


તેમ છતાં, પ્રતિકૂળતાઓ વચ્ચે ‘ઇસરો’એ આગેકૂચ જારી રાખીને ઉપગ્રહો તરતા મૂકવાના ક્ષેત્રે ઇર્ષ્યાજનક સિદ્ધિ હાંસલ કરી છે. સકરકસરનાં ઉદાહરણો આપતાં ‘ઇસરો’ના અઘ્યક્ષ રાધાકૃષ્ણને  ગયા વર્ષે ‘ફોર્બ્સ’ સામયિકને કહ્યું હતું કે ‘ઇસરો મૉડ્યુલર અપ્રોચથી કામ કરે છે. એટલે કે જુદા જુદા પૂરજામાં પારંગતતા મેળવીને અંતે એ  લૉન્ચ વેહીકલ જેવું પેચીદું સાધન તૈયાર કરી શકે છે. તેમણે સિત્તેરના દાયકામાં ફ્રેન્ચ ઇજેનેરોના સહયોગથી વિકસાવયેલાં ‘વિકાસ’ એન્જિનનો હવાલો આપીને કહ્યું હતું કે એ જાણકારી એક પણ રૂપિયો ચૂકવ્યા વિના મળી હતી. તેના આધારે ‘ઇસરો’એ કામ શરૂ કર્યું અને સંપૂર્ણપણે ભારતીય સામગ્રીથી, ૧૨૦ ‘મેઇડ ઇન ઇન્ડિયા’ એન્જિન તૈયાર કર્યાં. પછી ટેક્‌નોલોજી આગળ વધે અને એન્જિનમાં પ્રવાહી બળતણ ઉમેરવાનું આવે કે પછી ઉપગ્રહોનાં વજન કે તેમની સંખ્યામાં વધઘટ થાય ત્યારે, આગળનું સફળ ‘મૉડ્યુલ’ તો તૈયાર જ હોય, એટલે તેની પર વધારાના ‘માળ ચણવાના’ રહે. એ સહેલું નથી, પણ આ રીતે ક્રમિક ઢબે આગળ વધતાં વધતાં ‘ઇસરો’ મંગળ સુધી પહોંચ્યું છે.

‘ઇસરો’ અગાઉ વપરાયેલાં સાધનોમાં સતત ફેરફાર અને સુધારાવધારા કરીને તેને ફરી ઉપયોગમાં લે છે. એક અહેવાલમાં જણાવાયા પ્રમાણે, મંગળયાનને અવકાશમાં મોકલવા માટે વપરાયેલા રોકેટની ડિઝાઇન ‘ઇસરો’એ પહેલી વાર ૧૯૯૩માં તૈયાર કરેલા લૉન્ચ વેહીકલમાં થોડો ફેરફાર કરીને તૈયાર કરવામાં આવી હતી.  મંગળયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી મંગળની ભ્રમણકક્ષામાં ધકેલવા માટે પણ ‘ઇસરો’એ બળતણમાં જંગી બચત કરાવે એવી કેટલીક વ્યૂહરચનાઓ પ્રયોજી હોવાનું પણ રાધાકૃષ્ણને કહ્યું. ‘ઇસરો’ ફિલ્ડ ટેસ્ટિંગ એટલે કે  સાધનોનાં મૉડેલ બનાવીને તેમનું મોંઘુંદાટ વાસ્તવિક પરીક્ષણ કરવાને બદલે ટેસ્ટિંગ માટે સૉફ્‌ટવેર પર મોટા પાયે મદાર રાખે છે, એ પણ ઓછા ખર્ચનું એક કારણ મનાય છે.

ટેક્‌નલોજી ઉપરાંત કરકસરનો બીજો મહત્ત્વનો મોરચો એટલે સમયપાલન. ભારતના સરકારી તંત્રને સમયપાલન સાથે આડવેર છે, પરંતુ ‘ઇસરો’ એ નિયમમાં અપવાદ છે. તેને કારણે મંગળયાનનો પ્રોજેક્ટ ફક્ત ૭.૬ કરોડ ડૉલરમાં પડ્યો.

આ બધી હકીકતો નજરઅંદાજ કરીને મંગળયાનના ઓછા ખર્ચને ‘જુગાડ’ ગણાવી દેવાનું સદંતર અયોગ્ય છે. મેનેજમેન્ટવાળાઓ નવેસરથી ‘હાજર સો હથિયાર’ ઉર્ફે ‘જુગાડ’ને ભારતીય સંસ્કૃતિ સાથે સાંકળીને, તેને ગ્લેમરસ બનાવી રહ્યા છે. પરંતુ આંતરરાષ્ટ્રિય સ્તરે ‘જુગાડ’ હંમેશાં હકારાત્મક કે આવકાર્ય ગણાતો નથી. એ સંજોગોમાં મંગળયાન જેવી ટેક્‌નોલોજીની મહા સિદ્ધિને કેવળ તેનો ખર્ચ ઓછો હોવાને કારણે ‘જુગાડ’માં ખપાવી દેવી, એ ભારતીય ઇજનેરોના કૌશલ્યનું અપમાન - અને ‘જુગાડ’ની દલીલ કરનારનું અજ્ઞાન- ગણાય. 

Tuesday, November 12, 2013

‘ઇસરો’નું મંગળયાન : વિજ્ઞાનની સોનેરી થાળીમાં અંધશ્રદ્ધાનો ગોબો

મિશન-મંગળ અઘરૂં તો ગણાય. અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ના અહેવાલ પ્રમાણે, મંગળ સુધી જવા નીકળેલાં ૫૧માંથી માંડ ૨૧ યાન મંગળની ભ્રમણકક્ષા લગી પહોંચ્યાં છે. તેમાંથી એશિયાના એક પણ દેશનું યાન મંગળનાં દર્શન કરી શક્યું નથી. ચીને રશિયાની મદદથી મંગળયાન રવાના કર્યું હતું, પણ એ પૃથ્વીની ભ્રમણકક્ષાથી આગળ ન ગયું. એકાદ દાયકા પહેલાં જાપાનના પ્રયાસને પણ નિષ્ફળતા મળી હતી.

હવે ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ઇસરો’એ મંગળ ગ્રહની ભ્રમણકક્ષા સુધી યાન પહોંચાડવાનું સાહસ હાથ ધર્યું છે. તેમાં પહેલો અને સાવ પ્રાથમિક કહેવાય એવો તબક્કો ગયા મંગળવારના રોજ સફળતાપૂર્વક પાર પડ્યો અને મંગળયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં મુકાયું છે. ત્યાંથી ક્રમશઃ તેની ભ્રમણકક્ષાનું અંતર વધારીને, ૧ ડિસેમ્બરના રોજ તેને મંગળના લાંબા રસ્તે મુકી આપવામાં આવશે.

અફાટ અવકાશમાં યાન બે રીતે ચાલી શકે ઃ બળતણના જોરે  અને ગુરૂત્વાકર્ષણથી. વિરાટ કદના ગ્રહો પોતાનું ગુરૂત્વાકર્ષણ ધરાવતા હોય છે. મોબાઇલ ટાવરના સિગ્નલની જેમ (પણ તેમના કરતાં અનેક ગણા વધારે વ્યાપક-શક્તિશાળી) ગુરૂત્વાકર્ષણનો પ્રભાવ અવકાશમાં મોટા વિસ્તારમાં પથરાયેલો હોય છે. એ વિસ્તારમાં યાન દાખલ થાય એટલે, ઢાળ પરથી ન્યૂટ્રલ ગીઅરમાં સડસડાટ આગળ વધતા વાહનની જેમ, તે બળતણ વિના કે નહીંવત્‌ બળતણ વાપરીને પ્રવાસ ચાલુ રાખે છે. યાનનો પ્રવાસમાર્ગ નક્કી કરતી વખતે આ બાબતને ખાસ ઘ્યાનમાં રાખવામાં આવે છે, જેથી ગુરુત્વાકર્ષણનો મહત્તમ લાભ લઇને ઓછામાં ઓછા બળતણથી લાંબો પ્રવાસ ખેડી શકાય અને બળતણના નામે યાનના વજનમાં થતો વધારો કાબૂમાં રાખી શકાય. (માર્સ ઓર્બિટર એટલે કે મંગળયાનના કુલ ૧,૩૩૭ કિલોગ્રામ વજનમાંથી ૮૫૨ કિલોગ્રામ તો કેવળ બળતણનું જ વજન છે.)

શ્રીહરિકોટા મથકેથી ‘ઇસરો’એ રવાના કરેલું મંગળયાન હજુ સાવ આરંભિક તબક્કામાં છે. એ ભાગ સફળતાપૂર્વક સંપન્ન થયો એટલે ભારે જયજયકાર થયો. એક મહત્ત્વાકાંક્ષી મિશનની શુભ શરૂઆત તરીકે એ બરાબર છે, પણ કેટલાક અભ્યાસીઓને આ ઉજવણાં  વહેલાં અને અપ્રમાણસરનાં લાગ્યાં છે. મંગળયાત્રામાં નિષ્ફળતાના પ્રમાણને ઘ્યાનમાં રાખતાં સાવચેતી અને સંયમ રાખવાનું વઘુ યોગ્ય લાગે છે.

કેવળ સફળ લૉન્ચિંગનો આટલો ઓચ્છવ ન હોય એવી એમની વાત પણ વાજબી છે. કારણ કે ઘુ્રવીય ભ્રમણકક્ષામાં ઉપગ્રહો તરતા મૂકવામાં ‘ઇસરો’ ઘણા સમયથી નિષ્ણાત ગણાય છે. પીએસએલવી- પોલર સેટેલાઇટ લૉન્ચ વેહીકલ- દ્વારા અગાઉ બે ડઝન લૉન્ચિંગ થઇ ચૂક્યાં છે. મંગળયાન એવું પચીસમું લૉન્ચિંગ હતું. અગાઉનાં તમામ લૉન્ચિંગની સરખામણીમાં મંગળયાનનો લૉન્ચિંગ તબક્કો સૌથી લાંબો - ૪૩ મિનીટનો હતો. (તેમાં રોકેટ દાગ્યા પછી ૪૩મી મિનીટે મંગળયાન છૂટું પડીને નિશ્ચિત ભ્રમણકક્ષામાં ફરતું થઇ જવાનું હતું.) છતાં મૂળભૂત ટેકનોલોજીની રીતે પહેલા તબક્કામાં કશી નવાઇ ન હતી.

બઘું ગણતરી પ્રમાણે પાર પડે તો મંગળયાન સપ્ટેમ્બર ૨૦૧૪માં  મંગળની ભ્રમણકક્ષામાં પહોંચશે અને માંડ ૧૫ કિલોગ્રામ વજન ધરાવતાં ઉપકરણોની મદદથી દૂર રહ્યે રહ્યે મંગળનો તાગ મેળવવાનો પ્રયાસ કરશે. ‘રીમોટ સેન્સિંગ’ - દૂર રહીને નિકટ પરિચય  હાંસલ કરવામાં ‘ઇસરો’ની મહારત જોતાં મંગળયાન મંગળ વિશે કશી નવી માહિતી લઇ આવે તો નવાઇ નહીં લાગે.

અમેરિકાએ મંગળની સપાટી પર ઉતારેલા યાનની સરખામણીમાં ‘ઇસરો’નું મંગળયાન સસ્તું અને ઓછી સાધનસામગ્રી ધરાવે છે. છતાં મંગળ ગ્રહની અમુક જ સપાટીનો અભ્યાસ કરનાર અમેરિકાના યાનની સામે ‘ઇસરો’નું મંગળયાન આખા મંગળની પ્રદક્ષિણા કરીને ‘રીમોટ સેન્સિંગ’ થકી માહિતી મેળવવા ધારે છે. તેમાંથી એક અગત્યની માહિતી મંગળ ગ્રહ પર મિથેન વાયુની હાજરી અંગેની છે. જીવસૃષ્ટિનો સૂચક ગણાતો આ વાયુ મંગળ પર ગેરહાજર હોવાનું અમેરિકાના મંગળયાને કહી દીઘું છે. પરંતુ ‘ઇસરો’નું મંગળયાન આખા ગ્રહના અભ્યાસ પછી જુદું તારણ આપી શકે છે. આંતરરાષ્ટ્રિય સંશોધકોનો એક સમુહ માને છે કે ‘ઇસરો’નું મંગળયાન ભારતની વૈજ્ઞાનિક ઉપલબ્ધિથી વિશેષ મહત્ત્વ ધરાવતું નથી અને તેના અભ્યાસમાંથી કોઇ ક્રાંતિકારી પરિણામ મળવાની સંભાવના નથી. પરંતુ મંગળયાન જો મંગળ ગ્રહ પરથી મિથેનની હાજરી શોધી કાઢે તો એ મહત્ત્વની શોધ બની રહેશે.

શ્રીહરિકોટા અને તિરુપતિ

વિરોધાભાસની ભૂમિ જેવા ભારતમાં ‘ઇસરો’ એક તરફ દેશી ઇજનેરી કૌશલ્યનું પ્રતીક છે, તો બીજી તરફ તે વિજ્ઞાન સાથે અંધશ્રદ્ધાની ભેળસેળનો પણ ખેદજનક નમૂનો છે.

‘ઇસરો’એ મંગળયાનનો પ્રોજેક્ટ માંડ રૂ.૪૫૦ કરોડમાં પાર પાડ્યો છે, જે અમેરિકાના આ જ પ્રકારના પ્રોજેક્ટના ખર્ચ કરતાં દસમા ભાગની રકમ હશે. આંતરરાષ્ટ્રિય સમુદાયે ‘ઇસરો’ની આ સિદ્ધિની નોંધ લીધી છે. અલબત્ત, બચાવમાં એવી દલીલો પણ થઇ છે કે ‘અમેરિકાના ઇજનેરોની સરખામણીમાં ભારતીય ઇજેનરોનો પગાર ઘણો ઓછો છે. મંગળયાનમાં મર્યાદિત સાધનસામગ્રી રવાના કરવામાં આવી છે. એટલે ટેકનોલોજીની દૃષ્ટિએ  ભારતના મંગળયાનનું મહત્ત્વ પ્રતીકાત્મકથી વિશેષ નથી.’

આ દલીલો સાચી હોય તો પણ ફક્ત ૧૫ મહિનાના સમયગાળામાં ‘ઇસરો’એ આવો પ્રોજેક્ટ  સસ્તા ભાવમાં સાકાર કરી બતાવ્યો એ મોટી સિદ્ધિ છે. તેનો સંપૂર્ણ જશ ‘ઇસરો’ની ટીમને જાય છે. પરંતુ ‘ઇસરો’માં ઘણાં વર્ષથી એવી પરંપરા ઊભી થઇ છે કે કોઇ પણ લૉન્ચિંગ પહેલાં ‘ઇસરો’ના વડા સત્તાવાર રીતે તિરુપતિ મંદિરની મુલાકાતે જાય, રવાના થનારા સાધનની એક નાની પ્રતિકૃતિ ભગવાનનાં ચરણોમાં ધરે અને મંદિરમાંથી આશીર્વાદ મેળવ્યા પછી મિશન આગળ ધપાવે.

‘ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ પ્રમાણે, ‘ઇસરો’ના વર્તમાન અઘ્યક્ષ રાધાકૃષ્ણન મંગળયાનના લૉન્ચિંગના આગલા દિવસે પત્ની ઉપરાંત ‘ઇસરો’ના ૧૮ સાથીદારો સાથે તિરુપતિ ગયા હતા. રાધાકૃષ્ણન દરેક વખતે લૉન્ચિંગ પહેલાં તિરુપતિની મુલાકાત લીધા પછી સફળતા માટે સ્થાનિક દેવીની પૂજા પણ કરે છે. અહેવાલો પ્રમાણે આ વખતે તેમણે સ્થાનિક મંદિરમાં દેવીની પૂજા પહેલાં કરી અને ત્યાર પછી તિરુપતિ પહોંચ્યા.

મિશનની સફળતા માટે તિરુપતિ મંદિરમાં જવાનો રિવાજ ક્યારથી શરૂ થયો હશે, એ ચોક્કસપણે જાણવા મળતું નથી. પરંતુ હવે ભક્તિભાવપૂર્વક તેનું પાલન કરવામાં આવે છે. વિજ્ઞાન અને (અંધ)શ્રદ્ધાની આ ભેળસેળ વિશે જ્યારે પણ ટીકા થાય ત્યારે ‘ઇસરો’નાં મોટાં માથાંનો કે તેમના સમર્થકોનો જવાબ હોય છે કે ‘આટલો મહત્ત્વનો પ્રોજેક્ટ હોય અને તેની સફળતા વિશે ઘણો ઉચાટ હોય ત્યારે માણસ બે ઘડી ભગવાન સમક્ષ માથું ટેકવે તેમાં શું ખસી જાય છે? ભગવાન કે શ્રદ્ધાનો આટલો આત્યંતિક વિરોધ ન કરવો જોઇએ...’

આ મુદ્દે ચર્ચા કરતાં પહેલાં વ્યક્તિગત શ્રદ્ધા (કે અંધશ્રદ્ધા) અને સંસ્થાકીય રિવાજ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનું જરૂરી છે. ભારતનું બંધારણ દરેક વ્યક્તિને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની કે કોઇ પણ ધર્મ ન પાળવાની સ્વતંત્રતા આપે છે. પરંતુ આવી મોકળાશ કેવળ વ્યક્તિઓ માટે છે, જાહેર સંસ્થાઓ માટે નહીં. ‘ઇસરો’ના અઘ્યક્ષ કે બીજી કોઇ પણ ઇજનેરો વ્યક્તિગત જીવનમાં ગમે તેટલા આસ્તિક કે અંધશ્રદ્ધાળુ હોય, એ તેમની સ્વતંત્રતાનો મામલો છે, પરંતુ ‘ઇસરો’ જેવી વિજ્ઞાનના પર્યાય સરખી સંસ્થાના અઘ્યક્ષ તરીકે તે મિશનની સફળતા માટે પૂજાપાઠ કરે, તે કોઇ પણ રીતે વાજબી ઠરાવી શકાય એમ નથી. તેમના આ પગલાથી ‘ઇસરો’ની ઇજનેરી સિદ્ધિઓની લીટી નાની થાય છે. આ ઉપરાંત ભારતના બંધારણમાં સૂચવાયેલી વૈજ્ઞાનિક મિજાજનો પ્રચારપ્રસાર કરવાની વાતનો અનાદર થાય છે. ‘ઇસરો’ના વડા જેવો માણસ સફળતા માટે ભગવાનનું શરણું લે અને લૉન્ચ વેહીકલની પ્રતિકૃતિ ભગવાનના ચરણે મૂકવા જેવી ઘેલી ચેષ્ટા કરે, તેમાંથી બહુમતી આસ્તિક-અંધશ્રદ્ધાળુ જનતા કેવો બોધપાઠ લે? એ કલ્પી શકાય એવું છે.

વિજ્ઞાનીઓ અંધશ્રદ્ધાળુ હોય તેમાં કશી નવાઇ નથી. કારણ કે તેમની વિજ્ઞાનવિષયક પ્રતિભા અને એ સિવાયની બાબતોની વિચારસરણી વચ્ચે એકસૂત્રતા હોવી જરૂરી નથી. થોડા વખત પહેલાં ભારતના ‘સેન્ટર ફોર ઇન્ક્વાયરી’ અને ‘સેક્યુલર સોસાયટી ઑફ અમેરિકા’એ ૧,૧૦૦ વિજ્ઞાનીઓનું સર્વેક્ષણ કર્યું હતું. તેમાં તબીબી વિજ્ઞાનથી માંડીને પ્રયોગશાળાઓમાં કામ કરનારા લોકોનો અને ૧૪૦ મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. સર્વેક્ષણમાંથી જાણવા મળ્યું કે આશરે ૪૯ ટકા વિજ્ઞાનીઓ પ્રાર્થનાની શક્તિમાં વિશ્વાસ ધરાવતા હતા. ૧૪ ટકા તો વાસ્તુશાસ્ત્ર અને ફળજ્યોતિષમાં પણ માનતા હતા.

સામાન્ય માણસની અંધશ્રદ્ધા અને ‘ઇસરો’ જેવી સંસ્થાની સત્તાવાર અંધશ્રદ્ધાનાં પરિણામ બહુ જુદાં હોય, એ ‘ઇસરો’ના ઇજનેરો કેમ સમજવા નહીં માગતા હોય? સૌ અંધશ્રદ્ધાળુ ઇજનેરો સ્નાન કરે છે એવી રીતે, ખાનગી રાહે, પોતાના ઘરે ઇષ્ટદેવની જેટલી પૂજા કરવી હોય એટલી કરીને આવે તો એ તેમની મુન્સફીની વાત છે, પણ જાહેરમાં તે મિશનની સફળતા માટે મંદિરોમાં પૂજાપાઠ કરતા દેખાય, એ દૃશ્ય વરવું લાગે છે. ફિલ્મમાં સરસ એક્ટિંગ કર્યા પછી બોક્સ ઓફિસ પર તેની સફળતા માટે ધર્મસ્થાનોમાં માથાં ટેકવતાં અભિનેતા-અભિનેત્રીઓ અને ‘ઇસરો’ના કાબેલ ઇજનેરો વચ્ચે કશો ફરક હોવો જોઇએ કે નહીં?

છેલ્લે એ પણ જાણી લેવું જોઇએ કે ડિસેમ્બર ૨૦૧૦માં જીએસએલવી એફ-૦૬ના પરીક્ષણના આગલા દિવસે રાધાકૃષ્ણન્‌ તિરૂપતિ મંદિરે પહોંચી ગયા હતા અને ત્યાં પૂજાપાઠ કર્યાં હતાં. તેમ છતાં, જીએસએલવી નિષ્ફળ નીવડ્યું. એટલું જ નહીં, પીએસએલવીમાં  નિષ્ણાત બન્યાનાં વર્ષો પછી હજુ સુધી ‘ઇસરો’ જીએસએલવીમાં સફળતા મેળવી શક્યું નથી. જીએસએલવી બની ગયું હોત તો મંગળયાન પહેલેથી જ વઘુ ઊંચી ભ્રમણકક્ષામાં લોન્ચ કરી શકાત, પરંતુ પૂજાપાઠ અને તિરુપતિની યાત્રાઓ જીએસએલવીને સફળતા અપાવી શકી નથી. એ સફળતા ‘ઇસરો’ને તેના ઇજનેરી કૌશલ્ય સિવાય બીજી કોઇ રીતે મળી શકે? જવાબ આપણે જાણીએ છીએ.    

Tuesday, February 14, 2012

‘ઇસરો’વિવાદઃ ગેરસમજ અને ગોટાળા

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ‘ઇસરો’ મુખ્યત્વે તેની નોંધપાત્ર સિદ્ધિઓ માટે જાણીતી છે, પરંતુ છેલ્લા થોડા સમયથી તેનું નામ પ્રસાર માઘ્યમોમાં અવળાં કારણથી ચડ્યું અને ચગ્યું છે.

વિવાદના કેન્દ્રમાં છે ‘ઇસરો’ની વ્યાવસાયિક પાંખ ‘અંતરિક્ષ’ (હિંદીમાં ‘એન્ટ્રિક્સ’) તથા ખાનગી કંપની ‘દેવાસ મલ્ટીમીડિયા’ વચ્ચે ૨૦૦૫માં થયેલો સોદો. ‘સસ્તા ભાવે અને યોગ્ય પ્રક્રિયા-વિધીને અનુસર્યા વિના’ થયેલા આ સોદાથી દેશને રૂ.બે લાખ કરોડ જેટલું નુકસાન થયું હોત, એવો અંદાજ ‘કેગ’ દ્વારા રજૂ થતાં ‘વઘુ એક સ્પેક્ટ્રમ કૌભાંડ’નું બૂમરાણ મચ્યું.

સોદાનાં જુદાં જુદાં પાસાંની તપાસ માટે બે વર્ષમાં ત્રણ સમિતિઓ નીમાઇ અને તેમના અહેવાલ પણ આવી ગયા. તેનાં તારણોના આધારે ગયા મહિને ‘ઇસરો’ના ભૂતપૂર્વ વડા જી.માધવન નાયર તથા બીજા ત્રણ નિવૃત્ત વરિષ્ઠ અફસરો સામે શિક્ષાત્મક પગલાં લીધાં: તેમને કોઇ પણ પ્રકારના સરકારી હોદ્દા માટે ગેરલાયક ઠરાવવામાં આવ્યા- ‘બ્લેકલિસ્ટ’ કરી દેવાયા.

આટલું વર્ણન બીજા કોઇ સરકારી ખાતા વિશે વાંચ્યા પછી લાગે કે ‘બરાબર છે. આમ જ થવું જોઇએ.’ પરંતુ ‘ઇસરો’ ભારત સરકારનો કોઇ સામાન્ય સરકારી વિભાગ નથી. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (અંતરિક્ષ વિભાગ)ની સીધી દેખરેખ અને વડાપ્રધાનની કચેરી સાથેના સીધા સંપર્કથી ચાલતું ‘ઇસરો’નું તંત્ર રાષ્ટ્રિય સુરક્ષાથી માંડીને રાષ્ટ્રિય ગૌરવના મુદ્દે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કોઇ પણ સરકારી તંત્ર માટે ઇર્ષ્યાજનક કહેવાય એવી નામના તેણે મેળવી છે. ચંદ્રયાન મિશન સહિતની અનેક સફળતાઓ સાથે પ્રતાપી કારકિર્દી ધરાવતા ‘ઇસરો’ના પ્રતાપી અઘ્યક્ષ જી.માધવન નાયરને ભારત સરકાર ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત કરી ચૂકી છે.

રાષ્ટ્રનું બીજા ક્રમનું સર્વોચ્ચ સન્માન મેળવનારને થોડાં જ વર્ષોમાં સરકારી હોદ્દેથી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે તે આંચકાજનક ગણાય. ભ્રષ્ટાચારવિરોધી કાર્યવાહીનો નબળો ઇતિહાસ ધરાવતા ભારત માટે આંચકાની સાથે આશ્ચર્ય પણ ભળે. તેમાં પણ માધવન નાયર તરફથી એવો આક્ષેપ થાય કે તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક મળી નથી અને આ વિવાદ પાછળ ‘ઇસરો’ના વર્તમાન વડા રાધાકૃષ્ણનો દોરીસંચાર છે, ત્યારે આશ્ચર્ય અને આંચકાની સાથે આઘાતની લાગણી ઉમેરાય છે. નાયરના આરોપ અને સરકારી પક્ષની રજૂઆતો ઘ્યાનમાં લેતાં એટલું સમજાય છે કે બન્નેમાંથી કોઇ પક્ષ સદંતર નિર્દોષ નથી.

દલીલો-પ્રતિદલીલોનો સિલસિલો બહુ લાંબો અને ગૂંચવાનારો છે, પણ તેમાંથી કેટલાક મહત્ત્વના મુદ્દે બન્ને પક્ષોની રજૂઆતઃ

ત્રણ સમિતિના નિર્ણયોની તકરાર
નવાઇ લાગે એવી વાત છે કે અંતરિક્ષ-દેવાસ સોદા અંગે નીમાયેલી ત્રણે તપાસસમિતિના અહેવાલ જુદા જુદા છે- અથવા એ જુદા હોવાની છાપ ઉભી થઇ છે. સૌથી પહેલો, બી.એન.સુરેશ સમિતિનો અહેવાલ જાહેર કરાયો નથી. ‘એ અહેવાલ મેં બિનસત્તાવાર રીતે જોયો છે.’ એમ કહીને માધવન નાયરે દાવો કર્યો છે કે ‘તેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે આ ટેકનોલોજી દેશ માટે ફાયદાકારક છે અને સોદો સ્થાપિત ધારાધોરણો મુજબ જ થયો છે. તેના વિશે નવેસરથી વિચાર કરવાની જરૂર નથી.’ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ આ અહેવાલ જાહેર કરીને નાયરના દાવાને ખોટો સાબીત કરી શકે છે.

માર્ચ, ૨૦૧૧માં આવેલો બી.કે.ચતુર્વેદી-પ્રો.નરસિંહા સમિતિનો અહેવાલ સરકારે આખેઆખો જાહેર કર્યો છે, જ્યારે સપ્ટેમ્બર, ૨૦૧૧માં પાંચ સભ્યોની બનેલી પ્રત્યુશ સિંહા સમિતિના અહેવાલમાંથી ફક્ત ‘તારણો અને ભલામણો’ જાહેર કરવામાં આવ્યાં છે.

ચતુર્વેદી-નરસિંહા અહેવાલમાં સોદાના મુદ્દે ‘ઇસરો’ના પક્ષે રહેલી કેટલીક ખામીઓ, ચોક્સાઇનો-પારદર્શકતાનો અભાવ, નાણાંકીય તથા વ્યૂહાત્મક બાબતોમાં કેટલાંક ગાબડાંની નોંધ લેવાઇ છે. સાથોસાથ, એ વાત બરાબર ખોંખારીને કહેવામાં આવી છે કે ‘દેવાસને સસ્તા ભાવે સ્પેક્ટ્રમ ફાળવવાનો આરોપ સદંતર ખોટો અને પાયા વગરનો છે.’ તેનાં મુખ્ય બે કારણ આપવામાં આવ્યાં છે.

૧) રૂ.બે લાખ કરોડના નુકસાનનો આસમાની આંકડો થ્રી-જી સ્પેક્ટ્રમની હરાજીના આધારે ઉપજાવવામાં આવ્યો હતો. પરંતુ જમીની (ટેરેસ્ટ્રીયલ) સ્પેક્ટ્રમની અને આસમાની (ઉપગ્રહના ટ્રાન્સ્પોન્ડર થકી મળતા) સ્પેક્ટ્રમની કિંમતો સરખાવી શકાય નહીં.

આ તફાવતની વાત કરીને નાયરની જીભનો કૂચો વળી ગયો, પણ ‘સ્પેક્ટ્રમ કૌભાંડ’ના ઉત્સાહમાં એમને કોણ ગણકારે? તેમણે એમ પણ કહ્યું કે આખા ‘ઇસરો’નું વાર્ષિક બજેટ રૂ.૪ હજાર કરોડ છે. બે ઉપગ્રહોના ટ્રાન્સ્પોન્ડરના ભાડામાંથી રૂ. બે લાખ કરોડ મળી જવાના હોય તો હું ફક્ત ‘ઇસરો’ જ નહીં, આખી દુનિયાની અંતરિક્ષ સંસ્થાઓ ચલાવી શકું.

સમિતિના અહેવાલમાં એવું પણ નોંધાયું કે ઉપગ્રહના ટ્રાન્સ્પોન્ડર લીઝ પર આપ્યા પછી ‘અંતરિક્ષ’ને વળતર તરીકે ૧૦ ટકા કરતાં વધારે રકમ મળવાની હતી. નાયરનો દાવો છે કે ‘ઇસરો’ને આ રોકાણ પર ૧૨ થી ૧૫ ટકાનો ફાયદો મળવાનો હતો, જે ૫-૬ ટકાના આંતરરાષ્ટ્રિય દર કરતાં વધારે હોવાથી નુકસાન થવાનો સવાલ ઉભો થતો નથી.

૨) ‘અંતરિક્ષ’ સાથે સોદા થકી એક વાર ટ્રાન્સ્પોન્ડર લીઝ પર મેળવી લીધા પછી પણ ‘દેવાસ’ને (મોબાઇલ સર્વિસ શરૂ કરવા માટેની) એન્ટ્રી ફી, સ્પેક્ટ્રમ ચાર્જીસ, સર્વિસ લાયસન્સ ફી જેવી રકમો ચૂકવવાની રહેતી હતી, જેના માટે તેને કેન્દ્ર સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય અને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ સાથે પનારો પાડવાનો રહેત.

મતલબ કે ‘અંતરિક્ષ’ સાથે થયેલા સોદામાં ટ્રાન્સ્પોન્ડરની લીઝની રકમનો જ સમાવેશ થતો હતો અને જેના નામે ભ્રષ્ટાચારના છાજિયા લેવાયા તે એસ-બેન્ડ સ્પેક્ટ્રમના ચાર્જીસ ચૂકવવાના બાકી જ રહેતા હતા. આ વાત સમિતિના અહેવાલમાં જાહેર થઇ તે પહેલાંથી માધવન નાયર ગાઇ વગાડીને કહી રહ્યા છે, પણ તેમને ખાસ લેવાલ મળતા નથી.

વિવાદ ચરમસીમાએ પહોંચ્યા પછી મૌન ધારણ કરીને બેઠેલા ‘ઇસરો’ના ભૂતપૂર્વ વડા કે.કસ્તુરીરંગને ગયા વર્ષે ચોખ્ખેચોખ્ખું કહ્યું હતું કે એસ-બેન્ડ સ્પેક્ટ્રમના સોદામાં કશો ‘ફિઆસ્કો’ નથી અને પ્રસાર માઘ્યમો પૂરું સમજ્યા-કારવ્યા વિના લઇ મંડ્યાં છે.

ત્રીજો અને છેલ્લો અહેવાલ પ્રત્યુશ સિંહા સમિતિનો છે. તેના પાંચ સભ્યોમાં ‘ઇસરો’ના વર્તમાન વડા રાધાકૃષ્ણનનો સમાવેશ થાય છે. આ સોદો રદ કરાવવા માટે તે પાછળ પડી ગયા હોવાનો માધવન નાયરનો આરોપ છે. તેમણે એમ પણ કહ્યું છે કે હોદ્દો સંભાળ્યાના એક મહિનામાં જ તેમણે સોદાની નવેસરથી તપાસના આદેશો આપ્યા અને બી.એન.સુરેશ સમિતિનો અહેવાલ આવે તે પહેલાં તો વડાપ્રધાનની કચેરીને આ સોદો રદ કરવા માટે લખી દીઘું હતું (‘એવું મેં જાણ્યું છે’ : નાયર)

સિંહા સમિતિના અહેવાલનાં તારણો અને ભલામણો સૌથી વધારે આકરાં અને આક્ષેપાત્મક છે. (તેમાં રાધાકૃષ્ણનની હાજરીથી કેટલી ધાર ઉમેરાઇ હશે તે અટકળનો વિષય છે)

સાપેક્ષ નિર્દોષતા
સિંહા સમિતિએ સોદામાં ‘સિરીયસ લેપ્સીસ ઓફ જજમેન્ટ’ (નિર્ણય લેવામાં ગંભીર ભૂલો)થી માંડીને ‘ક્યારેક તો નીતિનિયમોના ભંગ અને બ્રીચ ઓફ પબ્લિક ટ્રસ્ટ (જાહેર હિતને નુકસાન)ની હદે પહોંચતાં પગલાં’ હોવાનું નોંઘ્યું છે. આટલા આકરા શબ્દો ન વાપરનાર ચતુર્વેદી-નરસિંહા સમિતિએ પણ સોદામાં રહેલાં ગાબડાં અંગે ઘ્યાન દોરીને વધારે પારદર્શકતા- જવાબદાર વહીવટ માટેનાં સૂચન કર્યાં છે. કેટલાક મહત્ત્વના આરોપાત્મક મુદ્દા એવા છે, જેના જવાબ માધવન નાયરની અત્યાર સુધીની દલીલોમાં સંતોષકારક રીતે કે સંપૂર્ણપણે મળતા નથી. જેમ કે,

૧) ‘ઇસરો’એ રૂ.૮૦૦ કરોડના ખર્ચે બે ઉપગ્રહો બનાવવાનો સોદો ‘દેવાસ’ સાથે કર્યો, ત્યારે ‘દેવાસ’નું ભંડોળ ફક્ત રૂ.૧ લાખ હતું, જે રૂ.૧૦ના એક એવા ૧૦ હજાર શેર સ્વરૂપે હતું. તેમાંથી ૯ હજાર શેર ‘ઇસરો’ના ભૂતપૂર્વ કર્મચારી ડી.વેણુગોપાલ પાસે અને ૧ હજાર શેર ઉમેશ એમ. પાસે હતા.

‘અંતરિક્ષ’ સાથે સોદો થયા પછી ૨૦૦૯-૧૦ના વર્ષમાં ‘દેવાસ’ના દસ રૂપિયાના એક શેરનું પ્રીમિયમ સવા લાખ રૂપિયાથી પણ વધારે (રૂ.૧,૨૬,૮૨૧) સુધી પહોંચી ગયું. કંઇ પણ કર્યા વિના અને ૩૧ માર્ચ, ૨૦૧૦ના રોજ રૂ.૧૮ લાખનું શેરભંડોળ ધરાવતી ‘દેવાસ’ રૂ.૫૭૮ કરોડ જેટલું શેર પ્રીમિયમ ધરાવતી કંપની બની ગઇ. તેના ભાગીદારોમાં જર્મન કંપની ડ્યુશ ટેલીકોમ (૨૦ ટકા હિસ્સો), નાણાંનાં કાળાંધોળાં માટે જાણીતા મોરેશિયસનું સરનામું ધરાવતી બે કંપનીઓ (પ્રત્યેકનો હિસ્સો ૧૭ ટકા), ‘ઇસરો’ના ભૂતપૂર્વ વિજ્ઞાની ડો.ચંદ્રશેખર (૧૯ ટકા)નો સમાવેશ થતો હતો. વેણુગોપાલે પોતાના રૂ.૧૦ની કંિમતના શેર મોરેશિયસની કંપનીઓને રૂ.૨૫,૫૦૫ના ભાવે વેચીને તગડી કમાણી કરી હતી.

આ નાણાંકીય લેવડદેવડોમાં સિંહાસમિતિએ ગંભીર વહીવટી અને કાર્યપદ્ધતિનાં ગાબડાં જ નહીં, કેટલીક વ્યક્તિઓની મેળાપીપણું ધરાવતી વર્તણૂંક પણ જોઇ અને તેમની સામે સર્વિસ રુલ્સ પ્રમાણે પગલાં લેવાનું સૂચવ્યું છે. અલબત્ત, હજુ સુધી આખી નાણાંકીય લેવડદેવડમાં માધવન નાયર કે બીજા ત્રણ બ્લેકલિસ્ટેડ લોકોને કોઇ આર્થિક ફાયદો થયો હોય એવું બહાર આવ્યું નથી. સિંહાસમિતિએ યોગ્ય તપાસસંસ્થા દ્વારા તેની તપાસ કરવા જણાવ્યું છે.

ચતુર્વેદી-નરસિંહા સમિતિમાં નોંધાયેલો બીજો અગત્યનો વાંધો એ છે કે સ્પેસ કમિશન અને મંત્રીમંડળે જીસેટ-૬ અને જીસેટ-૬-એ બન્ને ઉપગ્રહોના પ્રોજેક્ટના મંજૂરી આપી, ત્યારે તેમને ખબર ન હતી કે ‘ઇસરો’ આ બન્ને ઉપગ્રહો ‘અંતરિક્ષ-દેવાસ કરાર’ અંતર્ગત, માત્ર ને માત્ર ‘દેવાસ’ માટે તૈયાર કરવાનું છે. માધવન નાયરે તેનો એવો ખુલાસો આપ્યો છે કે ઉપગ્રહ તૈયાર કરતી વખતે એનાં ટ્રાન્સ્પોન્ડર કોને લીઝ પર આપવાનાં છે તેની આગોતરી જાણ કરવાનું જરૂરી હોતું નથી. એક વાર ઉપગ્રહ તૈયાર થઇ જાય ત્યાર પછી સ્પેસ કમિશન કે કેબિનેટની જાણ વિના ઘણી કંપનીઓને ટ્રાન્સ્પોન્ડર લીઝ પર અપાતાં જ હોય છે.

નાયરની આ દલીલ ગળે ઉતરે એવી નથી. કારણ કે જીસેટ-૬ અને ૬-એના કિસ્સામાં તેનો ઉપયોગ અગાઉથી નક્કી હતો અને એ પણ લગભગ એક્સક્લુઝિવ પ્રકારનો- ‘દેવાસ’નો એકાધિકાર હોય એવો રહેવાનો હતો. એ સંજોગોમાં સ્પેસ કમિશનને કે કેબિનેટને તેના વિશે જાણકારી ન આપવાના વાજબીપણા વિશે ગંભીર શંકા રહે છે. દેશની સંરક્ષણની કે બીજી જરૂરિયાતોને ઘ્યાનમાં લીધા વિના ઉપગ્રહના ટ્રાન્સ્પોન્ડરની ૯૦ ટકા ક્ષમતા એક ખાનગી કંપનીને આપી દેવી અને એ પણ સંબંધિત વિભાગોને જાણ કર્યા વિના- એ વાત અંતરિક્ષ-દેવાસ સોદાની વિરુદ્ધમાં જાય છે.

આવા બીજા પણ મુદ્દા છે, જેમાંથી કેટલાક ‘ઇસરો’ના વહીવટી માળખામાં રહેલાં ગાબડાં પ્રત્યે આંગળી ચીંધનારા છે. (એ ભલામણોના આધારે ગયા વર્ષે ‘ઇસરો’ના માળખામાં ફેરફારો પણ થયા છે.) પરંતુ એક વાત નક્કી છેઃ માધવન નાયર અને બીજા ત્રણ ઉચ્ચ હોદ્દેદારો સામેના આરોપ તેમને પૂરતી અને સંતોષકારક તક આપ્યા વિના સ્વીકારાઇ જાય અને તેના આધારે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે અજૂગતું-અધકચરું લાગે છે. એક વાત એવી પણ આવી છે કે વડાપ્રધાને આ લોકો સામે હળવામાં હળવી કાર્યવાહી કરવાનું જણાવ્યું હોવાથી તેમની સામે ફક્ત આટલાં જ પગલાં લેવાયાં છે. એ સાચું હોય તો તેનાથી સ્થિતિ ઉપરથી વણસી છે. આરોપની ગંભીરતા પુરવાર થાય તો તેમને હળવી નહીં, પણ યથાયોગ્ય શિક્ષા અને એ પુરવાર ન થાય તો માનભેર તેમની ગરીમાની પુનઃસ્થાપના, એ બે જ વિકલ્પો હોઇ શકે.

Monday, March 14, 2011

ઇસરોઃ અવકાશી સોદો, આસમાની વિવાદ

સેલફોન માટે વપરાતા સ્પેક્ટ્રમની સસ્તા ભાવે થયેલી લહાણી અને તેમાં સરકારને ગયેલી ખોટનો વિવાદ શમે તે પહેલાં સ્પેક્ટ્રમ વિવાદનો ભાગ બીજો ફૂટી નીકળ્યો. તેની સાથે સંકળાયેલી સંભવિત નુકસાનની રકમ પણ અમુક હજાર કે લાખ કરોડ રૂપિયામાં હતી. છતાં વધારે ગંભીર બાબત એ હતી કે એ સોદામાં ભારતની પ્રતિષ્ઠિત અવકાશ સંશોધન સંસ્થા ‘ઇસરો’ સંકળાયેલી -કે સંડોવાયેલી- હતી.

‘ઇસરો’ - ISRO-ની વ્યાવસાયિક પાંખ ‘અંતરિક્ષ કોર્પોરેશન’ અને ખાનગી કંપની ‘દેવાસ મલ્ટીમીડિયા’ વચ્ચે ૨૦૦૫માં એક સોદો થયો. એ સોદા મુજબ ‘ઇસરો’ તેના ગ્રાહક ‘દેવાસ’ માટે બે ઉપગ્રહો અવકાશમાં ચઢાવે. તેના દ્વારા પ્રસારિત થનારા-ઝીલાનારા એસ-બેન્ડનાં રેડિયોતરંગોમાંથી ૭૦ મેગાહર્ટ્‌ઝનો પટ્ટો (સ્પેક્ટ્રમ) અંતરિક્ષ કોર્પોરેશને ‘દેવાસ’ ને ફાળવ્યો. ઉપગ્રહના ખર્ચ અને સ્પેક્ટ્રમની લીઝ- બઘું મળીને ૧૨ વર્ષમાં દેવાસે ૩૦ કરોડ ડોલર ચૂકવવાના થતા હતા.

સામાન્ય માણસને તોતિગ લાગે એવી ૩૦ કરોડ ડોલર( તે સમયે આશરે એકાદ હજાર કરોડ રૂ.)ની રકમ એસ-બેન્ડના ૭૦ મેગાહર્ટ્‌ઝ જેટલા સ્પેક્ટ્રમ માટે બજારભાવ કરતાં ઓછી કહેવાય કે કેમ, એ સમજવા માટે રેડિયોતરંગોના એસ-બેન્ડનો મહિમા સમજવો પડે.

બત્રીસ લક્ષણો એસ- બેન્ડ
રેડિયોતરંગોના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છેઃ ટેરેસ્ટ્રિઅલ (જમીની) અને સેટેલાઇટ (ઉપગ્રહી/અવકાશી). સેલફોન સેવાઓ માટે ખપમાં સેવાતા જમીની/ટેરેસ્ટ્રિઅલ સ્પેક્ટ્રમ અને તેના ફાળવણી-કૌભાંડ વિશે ગયા મંગળવારના ‘દૃષ્ટિકોણ’માં વિગતે વાત કરવામાં આવી હતી. સેટેલાઇટ સ્પેક્ટ્રમની લેવાદેવા નામ પરથી જણાય છે તેમ, અવકાશમાં ભ્રમણ કરતા ઉપગ્રહો સાથે છે.

સંદેશાવ્યવહારને લગતા ઉપગ્રહો ટ્રાન્સ્પોન્ડરથી સજ્જ હોય છે. ‘ટ્રાન્સ્પોન્ડર’ શબ્દ ‘ટ્રાન્સમીટર-રીસ્પોન્ડર’નું ટૂંકુ રૂપ છે. તેનો અર્થ છેઃ પ્રસારણ કરવાની અને પાછું ફેંકવાની-પ્રતિભાવ આપવાની ટુ-ઇન-વન ક્ષમતા ધરાવનાર સાધન. તે રેડિયોતરંગોનું પ્રસારણ કરી શકે અને તેને મળતાં રેડિયોતરંગો ઝીલીને તેમને પાછાં પણ મોકલી શકે.

ઉપગ્રહ દ્વારા પ્રસારિત થતા રેડિયોતરંગો તેમની તરંગલંબાઇ પ્રમાણે સી-બેન્ડ, એક્સ-બેન્ડ, કેયુ- બેન્ડ, કેએ-બેન્ડ જેવા જુદા જુદા બેન્ડ/પટ્ટમાં વહેંચાયેલા હોય છે. એ યાદીમાં ૨ ગીગાહર્ટ્‌ઝથી ૪ ગીગાહર્ટ્‌ઝ (૨૦૦૦ મેગાહર્ટ્‌ઝથી ૪૦૦૦ મેગાહર્ટ્‌ઝ) સુધીનો પટ્ટ એસ-બેન્ડ તરીકે ઓળખાય છે, જે ‘ઇસરો’ને લગતા વિવાદના કેન્દ્રમાં છે.

આખા એસ-બેન્ડમાં પણ ૨૫૦૦ મેગાહર્ટ્‌ઝથી ૨૬૯૦ મેગાહર્ટ્‌ઝ સુધીના બેન્ડનું ભારે માહત્મ્ય છે. કારણ કે ૧૧ વર્ષ પહેલાં રેડિયો સંદેશાવ્યવહારની આંતરરાષ્ટ્રિય બિરાદરીએ આ બેન્ડને વૈશ્વિક સંદેશાવ્યવહાર માટેના સર્વસામાન્ય બેન્ડ તરીકે ઘોષિત કર્યો. મતલબ, રેડિયતરંગોની આ રેન્જમાં આપી શકાતી સેવાઓનો વ્યાપ જમીની સ્પેક્ટ્રમની જેમ પ્રદેશ કે દેશ પૂરતો મર્યાદિત નહીં, પણ વૈશ્વિક બની રહે. આ રેન્જનો સ્પેક્ટ્રમ તેના મેગાહર્ટ્‌ઝના આંકડા પરથી ઘણી વાર ૨.૫ ગીગાહર્ટ્‌ઝ કે ૨.૬ ગીગાહર્ટ્‌ઝના સ્પેક્ટ્રમ તરીકે પણ ઓળખાય છે.

જમીની સ્પેક્ટ્રમની ફાળવણી સરકારના ટેલીકોમ વિભાગને હસ્તક છે, જ્યારે ‘અવકાશી’ સ્પેક્ટ્રમ ઉપગ્રહોમાં રહેલાં ટ્રાન્સ્પોન્ડર થકી ઉપલબ્ધ બને છે. ઉપગ્રહોને લગતી સઘળી કામગીરી સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસની હોય છે, જે ઉપગ્રહમાં રહેલાં ટ્રાન્સ્પોન્ડર દૂરદર્શન જેવી સરકારી એજન્સીઓને કે ખાનગી કંપનીઓને પ્રસારણ માટે આપે છે. જોકે, ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસને રેડિયોતરંગોના જુદી જુદી તરંગલંબાઇના બેન્ડની ફાળવણી ટેલીકોમ વિભાગ કરે છે. તેમાં આંતરરાષ્ટ્રિય ટેલીકમ્યુનિકેશન યુનિઅન (આઇટીયુ)ના ધારાધોરણો અનુસરવામાં આવે છે.

ભારતમાં ‘ઇનસેટ’ ઉપગ્રહોના ટ્રાન્સ્પોન્ડર થકી એસ-બેન્ડના રેડિયોતરંગો ઉપલબ્ધ બન્યા, ત્યારે દૂરદર્શને તેનો ઉપયોગ કરીને દેશના ખૂણેખૂણે ટીવી પ્રસારણ પહોંચાડ્યું. આગળ જતાં સેટેલાઇટ ફોન માટે પણ એસ-બેન્ડના રેડિયોતરંગોનો ઉપયોગ થયો. વર્ષ ૨૦૦૦માં વર્લ્ડ રેડિયોકમ્યુનિકેશન કોન્ફરન્સે ૨૫૦૦ મેગાહર્ટ્‌ઝથી ૨૬૯૦ મેગાહર્ટ્‌ઝના બેન્ડને મોબાઇલ સંદેશાવ્યવહાર સેવાઓ માટે અલગ તારવ્યો. ૧૯૦ મેગાહર્ટ્‌ઝના આ બેન્ડની ખૂબી એ હતી કે મોબાઇલ સેવાઓ માટે એસ-બેન્ડમાં બીજો આટલો મોટો ટુકડો ઉપલબ્ધ ન હતો અને કોઇ દેશમાં તે હોય તો પણ (૨૫૦૦-૨૬૯૦ મેગાહર્ટ્‌ઝના પટ્ટની જેમ) તે આંતરરાષ્ટ્રિય વપરાશ માટે કામ લાગે તેમ ન હતો.

મોબાઇલ ઉપકરણો પર વિડીયો સહિતના ભારેખમ ડેટાની ચીલઝડપે અને દુનિયાભરના દેશોમાં લેવડદેવડ કરી શકાય, એ નવા જમાનાનો તકાદો હતો. આ માગ સંતોષતી વાયરલેસ સેવા - આઘુનિક પરિભાષામાં કહીએ તો, ૪-જી સર્વિસ - પૂરી પાડવાના કામમાં ૨૫૦૦-૨૬૯૦ મેગાહર્ટ્‌ઝનો બેન્ડ ‘બત્રીસ લક્ષણો’ ગણાયો.

વિવાદનાં મૂળીયાં
ઇસરો-દેવાસ વચ્ચે સોદો થયો ત્યારે આંતરરાષ્ટ્રિય બજારમાં પણ ૨૫૦૦-૨૬૯૦ મેગાહર્ટ્‌ઝના બેન્ડની શક્યતાનો મહત્તમ કસ કાઢવાનું શરૂ થયું ન હતું. એટલે સ્વાભાવિક રીતે જ, તેમનો સોદો જાહેરમાં ખાસ ચર્ચાયા વિના, શાંતિથી પાર પડ્યો.

‘દેવાસ’ સીઇઓ રામચંદ્રન્‌ વિશ્વનાથન ઇન્ટરનેટ અને સેટેલાઇટ સંદેશાવ્યવહાર ક્ષેત્રે વીસ વર્ષની તેજસ્વી કારકિર્દી ધરાવતા હતા. એક અહેવાલ પ્રમાણે, તેમણે છેક ૨૦૦૩માં અમેરિકાની મુલાકાતે ગયેલી ‘ઇસરો’ની ટુકડી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું. તેનો વિષય હતોઃ ‘ઇસરો’ જેવી સંસ્થા વિશ્વવ્યાપી સેટેલાઇટ નેટવર્ક દ્વારા કેવી રીતે મલ્ટીમિડીયા સર્વિસ આપી શકે.

વિશ્વનાથન એ વખતે ‘ફોર્જ એડવાઇઝર્સ’ કંપનીના મેનેજિગ ડિરેક્ટર હતા. તેમની રજૂઆતથી ‘ઇસરો’ના અધિકારીઓ ભારે પ્રભાવિત થયા, પણ વિશ્વનાથન ‘ઇસરો’ના ‘અંતરિક્ષ કોર્પોરેશન’ સાથે ભાગીદારીમાં ધંધો કરવા ઇચ્છતા હતા, જ્યારે ‘ઇસરો’ ઉપગ્રહોમાંથી સ્પેક્ટ્રમનો ચોક્કસ બેન્ડ લીઝ પર આપીને અટકી જવા ઇચ્છતું હતું. તેનાથી આગળ વધીને, મોબાઇલ મલ્ટિમીડિયા સર્વિસ પૂરી પાડવામાં તેને રસ ન હતો. એ સ્થિતિમાં ‘દેવાસ મલ્ટિમીડિયા’ અસ્તિત્ત્વમાં આવી. એમ.જી.ચંદ્રશેખર, ડી.વેણુગોપાલ, કિરણ કર્ણિક જેવા ‘ઇસરો’માં ઊંચા હોદ્દે રહી ચૂકેલા-એક યા બીજી રીતે સંકળાઇ ચૂકેલા અફસરો ‘દેવાસ’ના મુખ્ય સૂત્રધાર હતા. કંપનીનું આરંભિક ભંડોળ પણ પરદેશમાંથી આવ્યું હતું.

જી.માધવન નાયર ‘ઇસરો’ના વડા હતા, ત્યારે ‘દેવાસ’ સાથેનો સોદો થઇ ગયો, પણ ‘ઇસરો’ના સેટેલાઇટ લોન્ચ વેહીકલ (જીએસએલવી)ની નિષ્ફળતાને કારણે ઉપગ્રહ તરતા મૂકવાનું અને સોદો અમલી બનાવવાનું પાછું ઠેલાતું ગયું. ‘દેવાસ’ના સીઇઓ વિશ્વનાથને એમ પણ કહ્યું હતું કે ઉપગ્રહ ચડાવવામાં થયેલા વિલંબને કારણે છેલ્લા થોડા મહિનાથી અમે થર્ડ પાર્ટી લોન્ચ- ઇસરો સિવાયની કોઇ સંસ્થા દ્વારા ઉપગ્રહ તરતો મૂકવા વિશે વિચારી રહ્યા હતા.’

આરોપ અને અસલિયત
ઉપગ્રહ ચડાવવામાં થયેલો વિલંબ ‘દેવાસ’ માટે નુકસાનકારક, પણ દેશ માટે ફાયદાકારક નીવડ્યો. કારણ કે, છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં મોબાઇલ ફોન ક્ષેત્રે અભૂતપૂર્વ અને અકલ્પનીય પ્રગતિ થઇ. એ સાથે જ મોબાઇલ સર્વિસના પાયામાં રહેલા સ્પેક્ટ્રમના ભાવ આસમાને પહોંચ્યા. ૩-જી અને ૪-જી ટેકનોલોજીને કારણે સ્પેક્ટ્રમ કેટલો મૂલ્યવાન બની રહેવાનો છે, તે સત્ય વધારે ને વધારે સ્પષ્ટ રીતે ઉઘડવા લાગ્યું.

એક તરફ દેવાસે બે ઉપગ્રહોની રીઝર્વેશન ફી પેટે રૂ. ૫૮.૩૭ કરોડનું ચૂકવણું કરી દીઘું, તો બીજી તરફ તેણે પોતાનો ૧૭ ટકા હિસ્સો ૨૦૦૮માં રૂ.૩૧૮ કરોડમાં વેચ્યો. (યાદ રહે કે સોદા પ્રમાણે કંપનીને બધા ખર્ચ સાથે ૧૨ વર્ષ માટે આશરે રૂ.૧ હજાર કરોડના ભાવે ૭૦ મેગાહર્ટ્‌ઝ સ્પેક્ટ્રમ મળવાનો હતો.)

પરંતુ ઓક્ટોબર, ૨૦૦૯માં સ્પેસ કમિશને બે ઉપગ્રહોની દરખાસ્ત મૂકી, ત્યારે તેના ઉપયોગોમાં અંતરિક્ષ-દેવાસ સોદાનો ઉલ્લેખ ન હતો. તેના પગલે થયેલી ફરિયાદને કારણે ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસ તરફથી ડિસેમ્બર ૨૦૦૯માં એક સમિતિની રચના કરવામાં આવી, જેના અઘ્યક્ષપદે સ્પેશ કમિશનના ભૂતપૂર્વ સભ્ય ડો.બી.એન.સુરેશ હતા. આ સમિતિને અંતરિક્ષ-દેવાસ સોદાનાં તમામ પાસાંની તપાસનું કામ સોંપાયું.

ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને સ્પેસ કમિશન બન્નેએ અલગ અલગ રીતે ઇસરો-દેવાસ સોદો રદ કરવાનું સૂચવ્યું. તેનાં કારણોમાં એક કારણ એવું હતું કે એ સોદા વિશે એક હદથી આગળ, ટોચના સ્તર સુધી જાણ કરવામાં આવી ન હતી. ૨૦૧૦માં સંજોગો પણ બદલાયા હતા અને સ્પેક્ટ્રમની કંિમત પણ. ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસે ‘રાષ્ટ્રની વ્યૂહાત્મક જરૂરિયાતોની પ્રાથમિકતા’ ઘ્યાનમાં રાખીને સ્પેક્ટ્રમનો વઘુ અસરકારક ઉપયોગ કરવા માટે સોદો રદ કરવાની તરફેણમાં મત આપ્યો. સાથોસાથ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા પણ આ સોદાની પ્રાથમિક તપાસ શરૂ થઇ. સ્પેક્ટ્રમ કૌભાંડ બરાબર ચગેલું હતું અને ‘દેવાસ’ના સોદા વિશેના વિવાદની વિગતો જાહેર થઇ, એટલે તેનો ‘સ્પેક્ટ્‌મ કૌભાંડ-૨’ તરીકે ઉલ્લેખ થવા લાગ્યો.

આ સોદો થયો ત્યારે ‘ઇસરો’ના વડા તરીકે કાર્યરત જી.માધવન નાયરે થોડા સમય પહેલાં ભારપૂર્વક કહ્યું હતું કે ‘સોદામાં કશું ખોટું થયું નથી. સેટેલાઇટ સ્પેક્ટ્રમ અને ટેરેસ્ટ્રીયલ સ્પેક્ટ્રમની કંિમતો વચ્ચે આભજમીનનો તફાવત હોય છે. સેટેલાઇટ સ્પેક્ટ્રમની કિમત ટેરેસ્ટ્રીયલ સ્પેક્ટ્રમ કરતાં હજાર ગણી ઓછી હોય છે.’ ટૂંકમાં તેમના કહેવાનું તાત્પર્ય હતું કે ૩-જી સ્પેક્ટ્રમની હરાજીથી થયેલી આવકની સાથે સેટેલાઇટ સ્પેક્ટ્રમની કિમતની સરખામણી ન થઇ શકે અને તેના આધારે દેશને થનાર સંભવિત નુકસાનનો અંદાજ ન કાઢી શકાય (જે કેટલાકના મતે રૂ.બે લાખ કરોડ જેટલો હતો) આખા વિવાદ પાછળ તેમણે ‘ઇસરોને બદનામ કરવાનું કાવતરું’ જેવી શંકા પણ વ્યક્ત કરી.

આખરે સરકારે ઇસરો-દેવાસ સોદો રદ કર્યો. ‘દેવાસ’ના વિશ્વનાથને કરારભંગ બદલ અંતરિક્ષ કોર્પોરેશને કિમત ચૂકવવી પડશે એવો ઘુ્રજારો કર્યો હતો. પણ કરારની શરતો (કલમ ૭-સી)માં ખુદ અંતરિક્ષ કોર્પોરેશન ઉપગ્રહ માટે જરૂરી ભ્રમણકક્ષા કે જરૂરી સ્પેક્ટ્રમ ન મેળવી શકે એવી સંભાવના વ્યક્ત થયેલી હતી. એવું થાય તો દેવાસે આગળથી ચૂકવેલી રકમ અને તેની પરનો સર્વિસ ટેક્સ પરત આપવા સિવાય અંતરિક્ષ કોર્પોરેશને દેવાસને બીજું કંઇ ચૂકવવાનું રહેતું ન હતું.

સોદો રદ થતાં દેશને થનાર સંભવિત નુકસાન ટળી ગયું છે, પણ આખા વિવાદમાં ‘ઇસરો’ની ભૂમિકા વિશે બે મુખ્ય સવાલ રહેઃ તેણે નક્કી કરેલી સ્પેક્ટ્રમની રકમ ઓછી હતી કે નહીં? અને ઓછી હોય તો ઇરાદાપૂર્વક ઓછી હતી?

સ્વાભિવક છે કે સ્પેક્ટ્રમની કિમત ૨૦૦૫માં હતી એટલી ૨૦૧૦માં ન જ હોય. કારણ કે એ તેની ઉપયોગીતા પ્રમાણે અકલ્પનીય હદે વધતી રહે છે. પરંતુ એ જ કારણથી, ૧૨ વર્ષ જેવા લાંબા ગાળા માટે, બાંધી કિમતે બત્રીસ લક્ષણો ૨.૫ ગીગા હર્ટ્‌ઝ સ્પેક્ટ્રમ આપી દેવાનો નિર્ણય કેટલો વેપારીબુદ્ધિવાળો કહેવાય એ વિચારવું રહ્યું.