Showing posts with label sanjay gandhi. Show all posts
Showing posts with label sanjay gandhi. Show all posts

Tuesday, July 28, 2015

કટોકટીની આપખુદશાહીનો ભોગ બનેલો રાજકીય કટાક્ષની પાંખી પરંપરાનો વીરલ નમૂનો : ‘કિસ્સા કુર્સીકા’

 
Kissa Kursee Ka/ કિસ્સા કુર્સીકા
ઇંદિરા ગાંધીએ આણેલી કટોકટીને ગયા મહિને ચાળીસ વર્ષ પૂરાં થયાં. એ નિમિત્તે કટોકટી વિશે અને તેની આસપાસ ઘણું લખાયું. પણ કટોકટી સાથે સીધો સંબંધ ધરાવતી ફિલ્મ કિસ્સા કુર્સીકા’/ Kissa Kursee Ka વિશે બહુ વાત ન થઇ. તેની પર મૂકાયેલા પ્રતિબંધથી વિશેષ કોઇ વાત ન થઇ. એ ફિલ્મ બાડમેર (રાજસ્થાન)ના કોંગ્રેસી સાંસદ અને ઇંદિરા ગાંધીની નીતિરીતિઓથી નારાજ થઇને છેડો ફાડનાર અમૃત નાહટાએ બનાવી હતી. ઇંદિરાપુત્ર સંજયે ગુંડાગીરી આચરીને આ ફિલ્મની નેગેટિવ-પોઝિટિવ બધું મુંબઇથી જપ્ત કરાવ્યું. એ સામગ્રી હરિયાણામાં આવેલી સંજય ગાંધીની મારૂતિફેક્ટરીમાં લઇ જવામાં આવી અને સર્વોચ્ચ અદાલતના આદેશને નેવે મૂકીને ફિલ્મનાં રીલને દીવાસળી ચાંપી દેવાઇ. એ સાથે જ આઝાદ ભારતની સંભવતઃ પહેલી રાજકીય કટાક્ષફિલ્મનું નામોનિશાન મટી ગયું.

ત્યાર પછી હિંદી ફિલ્મોમાં કરૂણતાનો ઘેરો રંગ ધરાવતા કટાક્ષની વાત નીકળે ત્યારે જાને ભી દો યારોં’ (૧૯૮૩)ને યાદ કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૩માં, તેનાં ત્રીસ વર્ષ પૂરાં થયાં ત્યારે, તેના વિશે લેખ લખાયા અને નવેસરથી તેના માહત્મ્યને તાજું કરવામાં આવ્યું. જાને ભી દો યારોંની લીટી જરાય ભૂંસ્યા વિના, ઐતિહાસિક ખરાઇ ખાતર કહેવું જોઇએ કે કડવી વાસ્તવિકતાને હાસ્યાસ્પદ બનાવીને કરુણાંત સાથે રજૂ કરવામાં કિસ્સા કુર્સીકાઘણી વહેલી અને ઠીક ઠીક આગળ હતી.

કિસ્સા કુર્સીકાની વિશેષતા એ હતી કે તેમાં સામાન્ય કટાક્ષ ઉપરાંત કેટલાંક ખાસ પાત્રોનો ઠઠ્ઠો કરવામાં આવ્યો હતો. ઇંદિરા ગાંધી-સંજય ગાંધી સાથે ચહેરાનું કે નામનું સામ્ય ધરાવતાં પાત્રો ભલે તેમાં ન હતાં, પણ ફિલ્મમાં દેખાડાયેલું સત્તાધીશનું પાત્ર ઇંદિરા ગાંધીની એ સમયની રાજકીય ભાષામાં બોલતું હતું અને તેની પોકળતા છતી કરતું હતું. મદારીના જંબુરામાંથી સત્તાધીશ બનેલો ગંગુ ઉર્ફે ગંગારામ મારી સરકારનો એક જ કાર્યક્રમ છેઃ ગરીબી હટાવો’- એમ કહે ત્યારે ઇંદિરા ગાંધી સિવાય બીજું કોણ યાદ આવે? સંજય ગાંધીના માનીતા અને નિષ્ફળ પ્રોજેક્ટ તરીકે બહુચર્ચિત બનેલી છોટી કાર’ (મારુતિ) ફિલ્મમાં ગંગારામના ચૂંટણીપ્રતિક તરીકે બતાવાઇ હતી. ગંગારામના ધૂર્ત સચિવનું પાત્ર ઇંદિરા ગાંધીના કાવાદાવાબાજ દરબારી આર.કે.ધવન પર આધારિત લાગતું હતું, તો ઇંદિરા-દરબારમાં દબદબો ધરાવતા ધીરેન્દ્ર બ્રહ્મચારી પ્રકારનું પાખંડી પાત્ર ઉત્પલ દત્તે ભજવ્યું હતું. (તેમણે ઘણા સંવાદમાં પાત્રની જરૂરિયાત પ્રમાણે પોતાના સ્વાભાવિક અવાજ કરતાં જુદો અવાજ કાઢ્‌યો હતો.) ફિલ્મના એક મહત્ત્વના ગ્લેમરસ સ્ત્રીપાત્રનું નામ હતું રૂબી ડિક્સાના, જે કટોકટી વખતે સંજય ગાંધીનાં ખાસ મનાતાં પેજ-૩સાથીદાર રૂખસાના સુલતાનાની યાદ અપાવનારું હતું. દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના પ્રતિભાશાળી કલાકાર મનોહર સિંઘને ગંગારામનું મુખ્ય પાત્ર મળ્યું.

પ્રચલિત માન્યતાથી વિપરીત, ‘કિસ્સા કુર્સીકાકટોકટી વખતે બની ન હતી. સમાજવાદનું સગવડીયું રટણ કરીને આપખુદશાહી તરફ આગળ વધી રહેલાં ઇંદિરા ગાંધીથી દુભાયેલા અમૃત નાહટાએ કટોકટી પહેલાં આ ફિલ્મ બનાવી દીધી હતી. તેમાં મનોહરસિંઘ ઉપરાંત રાજ બબ્બર, શબાના આઝમી અને રેહાના સુલતાન જેવા કલાકાર હતાં. ફિર ભીફિલ્મના નિર્દેશક શિવેન્દ્ર સિંહાને નિર્દેશન સોંપાયું. ફિલ્મની કથામાં હિંદી વ્યંગકાર હરિશંકર પરસાંઇનાં સલાહસૂચન લેવામાં આવ્યાં અને ફિલ્મના ટાઇટલ માટે વિખ્યાત  કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમ પાસે વીસ કાર્ટૂન તૈયાર કરાવાયાં. 
 
Amrit Nahta/ અમૃત નાહટા
સન ૧૯૭૪-૭૫માં આશરે રૂ.૯ લાખના કરકસરિયા બજેટમાં તૈયાર થયેલી ફિલ્મ સામે સેન્સર બોર્ડે વાંધાવચકા પાડ્યા. સાંસદ-નિર્માતા અમૃત નાહટા સર્વોચ્ચ અદાલતમાં ગયા. ત્યાં સુધીમાં કટોકટી આવી ચૂકી હતી. અદાલતમાં કાનૂની જંગ ચાલ્યો. છેવટે એવું ઠર્યું કે ન્યાયાધીશો ફિલ્મ જોઇને ચુકાદો આપશે. તેમને ફિલ્મ બતાવવાની તારીખ નક્કી થઇ, પણ એ તારીખ પહેલાં સંજય ગાંધી અને માહિતી-પ્રસારણમંત્રી વી.સી.શુક્લના સાગરીતોએ ફિલ્મના રીલ અને તેની એકમાત્ર પોઝિટિવ હસ્તગત કરી લીધાં અને તેમનો નાશ કર્યો.

કટોકટી ઉઠી ગયા પછી અમૃત નાહટાએ આખી ફિલ્મ નવેસરથી બનાવી, જે ૧૯૭૮માં રજૂ થઇ. (એ આખી ફિલ્મ યુટ્યુબ પર જોવા મળે છે) તેમાં થોડા કલાકારો બદલાયા. રાજ બબ્બર અને રેહાના સુલતાન નવી કિસ્સા કુર્સીકામાં ન હતાં, પણ જનગણ દેશની જનતાના પાત્રમાં શબાના આઝમી રહ્યાં. શ્યામ બેનેગલની અંકુર’(૧૯૭૪)થી ફિલ્મોમાં આવનાર શબાના શરૂઆતમાં મસાલા ફિલ્મો કરતાં હતાં. કિસ્સા કુર્સીકામાં તેમની ભૂમિકા મૂંગી જનતા’ (પ્રજા)ની હતી. તેથી આખી ફિલ્મમાં શબાના આઝમીનો એક પણ સંવાદ ન હતો. ફિલ્મનાં કેટલાંક મુખ્ય પાત્રોની જેમ જનતાનો પણ કરુણ અંત આવ્યો.
Shabana Azami in Kissa Kursee Ka
  
નવેસરથી બનેલી કિસ્સા કુર્સીકાફિલ્મમાં અલાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો અને કટોકટીની જાહેરાતને પણ આવરી લેવાયાં. કટોકટી જાહેર કર્યા પછી ઇંદિરા ગાંધીએ સવારના પહોરમાં બોલાવેલી સાંસદોની મિટિંગનું ફિલ્મી દૃશ્ય સ્થૂળ હાસ્યનો ઉત્તમ નમૂનો કહેવાય એવું હતું. તેમાં સૌ સાંસદો પોતપોતાના નાઇટડ્રેસમાં, બગાસાં ખાતાં ને આશંકાઓ કરતા, હાંફળાફાંફળા થઇને હાજર થઇ જતા બતાવાયા હતા.

ફિલ્મમાં સંગીત જયદેવનું હતું અને ગીતો પણ કટાક્ષમય હતાં. તેમની કોરિઓગ્રાફી શાસ્ત્રીય નૃત્ય પ્રકારની હતી, પણ વાર્તાના પ્રવાહમાં તે અવરોધરૂપ હતાં. આવી કેટલીક દેખીતી મર્યાદાઓ છતાં ૧૯૭૮માં નવેસરથી બનેલી કિસ્સા કુર્સીકાઅતિચિત્રણ-અતિશયોક્તિ દ્વારા પેદા કરાયેલાં કટાક્ષ-રમૂજની બાબતમાં નમૂનેદાર કહેવાય એવી હતી. ભારતની હાસ્યપ્રધાન ફિલ્મોમાં (જીવંત પાત્રોની વાજબી ઠેકડી ઉડાડવાનો) આવો પ્રયોગ ત્યાર પહેલાં થયો હોય એવું જાણમાં નથી. ફિલ્મના એક દૃશ્યમાં, સફળ નેતા બનાવવા માટે ગંગુને ઇન્કિલાબની ગોળી અને સમાજવાદનું ઇન્જેક્શન આપવામાં આવે છે. એટલે તે ઊભા થઇને જોશભેર ઇન્કિલાબ ઝિંદાબાદના નારા અને સમાજવાદનાં ભાષણ આપવા લાગે છે. (કટોકટી પહેલાંના અરસામાં ઇંદિરા ગાંધીએ કહેવાતા સમાજવાદના નામે ઘણાં વિવાદાસ્પદ પગલાં લીધાં હતાં.)

સત્તા હાંસલ કર્યા પછી ગંગુ ઉર્ફે ગંગારામ ખુરશી પર બેસવા જાય છે, ત્યારે ખુરશી તેને અષ્ટોપદેશ’ (આઠ ઉપદેશ) આપે છે. તેમાંનો પહેલો જ ઉપદેશ હતો : જે સીડી પર ચડીને અહીં સુધી પહોંચ્યો એ સીડીને ફેંકી દે, જેથી બીજું કોઇ તેની પરથી ચડી ન શકે.બીજા કેટલાક ઉપદેશ :  જે દોસ્તોએ તારી મદદ કરી તેમને ભૂલી જા, જનતાને કરેલા વાયદા ભૂલી જા, ખાઇ-પીને એશ કર, મારા (ખુરશીના) રક્ષણ માટે તું જે કંઇ કરીશ તે યોગ્ય જ ગણાશે.

કટોકટી વખતે થયેલા અનેક ગંભીર અત્યાચારોમાં કિસ્સા કુર્સીકાની સેન્સરશીપનો કેસ મામુલી લાગે, પણ આ એક જ ગુનો સંજય ગાંધીના જેલવાસ માટે નિમિત્ત બન્યો. ફરજિયાત નસબંધીથી માંડીને બીજા અનેક અપરાધોના સૂત્રધાર કે પ્રેરકસંજય ગાંધી પુરાવા (ફિલ્મની પ્રિન્ટો) નષ્ટ કરવાના ગુનામાં દોષી ઠર્યા. સર્વોચ્ચ અદાલતે તેમને અને વી.સી.શુક્લને નિર્દોષ છોડ્યા, ત્યાર પહેલાં સંજય ગાંધીને તિહાર જેલમાં એક મહિનો ગાળવો પડ્યો. આ એ જ જેલ હતી, જ્યાં કટોકટી વખતે સંજય ગાંધીએ ઘણા લોકોને મોકલ્યા હતા.

કટોકટી દૂર થયા પછી અમૃત નાહટાએ જનતા સરકારના માહિતી પ્રસારણ મંત્રી અડવાણી પાસેથી નષ્ટ થયેલી ફિલ્મનો પતો અથવા તેનું વળતર માગ્યું હતું. અમૃત નાહટાના ફિલ્મનિર્માતા પુત્ર રાકેશ નાહટાએ વર્તમાન એનડીએ સરકાર પાસેથી અસલ ફિલ્મનો પત્તો અને તે નષ્ટ થઇ હોય તો તેના વળતરની માગણી કરી છે. અસલ ફિલ્મ બચી હોય એવી શક્યતા ઓછી છે, પણ ૧૯૭૮ની કિસ્સા કુર્સીકાઅચૂક જોવા જેવી છે. ભારતમાં ભાગ્યે ખેડાયેલા કટાક્ષફિલ્મના પ્રકારની સાથોસાથ કાળી રાજકીય વાસ્તવિકતાનો ઠીકઠીક અંદાજ તેમાંથી મળી શકે છે.


Saturday, July 11, 2015

કટોકટી વખતે તેના મુખ્ય સૂત્રધાર સંજય ગાંધીનો પહેલો ઇન્ટરવ્યુ (2)

કટોકટી દરમિયાન સંજય ગાંધીએ ઉમા વાસુદેવને આપેલા ટેપ રેકોર્ડેડ ઇન્ટરવ્યુમાં એવું તે શું કહ્યું કે જેથી સરકારી સેન્સરે પાસ કરેલા એ ઇન્ટરવ્યુ પર વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ પ્રતિબંધ મૂકી દેવો પડે? 

‘કૉંગ્રેસ સર્વત્ર છવાયેલી છે અને એને કોઇ હરાવી શકતું નથી, તેનું મુખ્ય કારણ બેજવાબદાર વિપક્ષો છે. મને ખબર છે કે ઘણા લોકો કહે છે,‘અમે સામ્યવાદી નથી એટલે સામ્યવાદીઓને મત નહીં આપીએ. બીજા વિપક્ષો એવા અસ્તવ્યસ્ત ટોળાછાપ છે કે એમને પણ મત ન અપાય. એટલે અમારી પાસે કૉંગ્રેસને મત આપવા સિવાય બીજો વિકલ્પ રહેતો નથી.’ જો કોઇ બીજો જવાબદાર પક્ષ હોય તો મને લાગે છે કે બહુ બધા લોકો એને મત આપે.’

કૉંગ્રેસ વિશેનાં આવાં ઉચ્ચારણ વિરોધપક્ષના કોઇ નેતાનાં નહીં, પણ કટોકટીના મુખ્ય સૂત્રધાર મનાતા ઇંદિરાપુત્ર સંજય ગાંધીનાં હતાં. ઇંદિરા ગાંધીએ સરમુખત્યારશાહી સમકક્ષ કટોકટી લાગુ કર્યાના   માંડ દોઢેક મહિના પછી સંજય ગાંધીએ અંગ્રેજી સામયિક ‘સર્જ’/ Surgeનાં ઉમા વાસુદેવ/ Uma Vasudev સાથે ખુલીને વાતચીત કરી. માતા પર પ્રચંડ પ્રભાવ ધરાવતા ૨૯ વર્ષના સંજય ગાંધી ઘણી બાબતોમાં સ્વતંત્ર --એટલે કે ઇંદિરા ગાંધીના જાહેર વિચારો કરતાં સાવ સામા છેડાના--વિચાર ધરાવતા હતા.
Sanjay Gandhi / સંજય ગાંધી
ઇંદિરા ગાંધીએ ૧૯૬૯માં કૉંગ્રેસના જૂના-વરિષ્ઠ નેતાઓથી છેડો ફાડ્યો અને કૉંગ્રેસનો નવો ફાંટો રચ્યો, ત્યારે તેમના માટે સ્વતંત્ર ઓળખનો પ્રશ્ન ઊભો થયો. એ વખતે, કેટલાક અભ્યાસીઓના મતે, ઇંદિરા ગાંધીના સલાહકાર પી.એન.હક્સરે ઇંદિરા ગાંધીને સમાજવાદી અને ગરીબતરફી વિચારસરણી અપનાવવાની સલાહ આપી. ‘લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સ’માં ભણેલા હક્સરનો સમાજવાદ પ્રત્યેનો ઝુકાવ સૈદ્ધાંતિક અને નક્કર હતો, પણ ઇંદિરા ગાંધીએ તેનો સંપૂર્ણપણે રાજકીય હેતુ માટે ઉપયોગ કર્યો. બૅન્કોના રાષ્ટ્રિયકરણ અને રાજવીઓને અપાતાં સાલિયાણાંની નાબૂદી જેવાં વિવાદાસ્પદ પગલાં ઇંદિરા ગાંધીએ પોતાની સમાજવાદી અને ગરીબતરફી છબી દૃઢ કરવા માટે ભર્યાં. કટોકટી આવતાં સુધીમાં ઇંદિરા ગાંધીએ સ્થાનિક તથા વૈશ્વિક સ્તરે સામ્યવાદી-સમાજવાદી જૂથો અને દેશોમાં પોતાની મજબૂત છાપ ઊભી કરી દીધી હતી.

પરંતુ તેમના પુત્ર સંજય ગાંધીએ ઉમા વાસુદેવને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ શબ્દોમાં રાષ્ટ્રિયકરણ જેવી સમાજવાદી નીતિઓનો વિરોધ કર્યો. નરેન્દ્ર મોદીના કથિત આર્થિક વિચારોને ‘મોદીનૉમિક્સ’ તરીકે બિરદાવવામાં આવે છે. પરંતુ તેમના આર્થિક વિચારો સ્પષ્ટતાપૂર્વક આજ સુધી જાણવા મળ્યા નથી. (ભક્તો, લાભાર્થીઓ અને રાજનેતાઓમાં ‘ચંદ્રગુપ્ત’ શોધતા અર્થશાસ્ત્રના ‘ચાણક્યો’ માટે ‘મોદીનૉમિક્સ’ શ્રદ્ધાનો વિષય છે.) તેની સરખામણીમાં સંજય ગાંધીએ  સ્પષ્ટતાપૂર્વક ઉમા વાસુદેવને કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની સરકારી કંપનીઓ ખાનગી કંપનીઓ સાથે હરીફાઇ કરી શકે, ત્યાં સુધી જ તેમને ચાલુ રાખવી જોઇએ. એ ટકી શકે તો ઠીક, નહીંતર સરકારે મૂળભૂત બાબતોમાં પોતાનો કાબૂ રાખીને કંપનીઓ ચલાવવાનું કામ ખાનગી ક્ષેત્રને સોંપવું જોઇએ. કાર્યક્ષમતા અને કાર્યનિષ્ઠાની બાબતમાં સરકારી કંપનીઓ કોઇ કાળે ખાનગી કંપનીઓની બરાબરી નહીં કરી શકે, એવો તેમનો સ્પષ્ટ મત હતો.

સંજય ગાંધીએ ઉદાહરણ આપીને કહ્યું કે કોલસાની ખાણોનું રાષ્ટ્રિયકરણ થયું, તે પહેલાં કોલસો પાંત્રીસ રૂપિયે ટન વેચાતો હતો. હવે સરકારી વહીવટમાં કોલસા નેવુ રૂપિયે ટન વેચાય છે અને છતાં કોલસાના વહીવટમાં સરકાર કરોડો રૂપિયાની ખોટ કરે છે. એનો મતલબ એ થયો કે નાગરિકોને કોલસા મોંઘા પડે છે અને એના વહીવટમાં પડતી ખોટ પણ નાગરિકોને ભરપાઇ કરવાની આવે છે. જાહેર ક્ષેત્રમાં સારા ઊંચા હોદ્દે સારા માણસો આવતા નથી, એ બાબતનું સીધું કારણ આપતાં સંજય ગાંધીએ કહ્યું હતું,‘મોટે ભાગે બદમાશો જ ખાનગી કંપની છોડીને સરકારી કંપનીમાં આવવા તૈયાર હોય છે. બાકી મહિને બાર હજાર રૂપિયાનો પગાર છોડીને ત્રણ હજાર રૂપિયાના પગારથી સરકારમાં કામ કરે એવા દેશભક્ત થોડા જ હોય છે. એવા લોકો પગારની ઘટ અને વધારાની આવક બીજી રીતે પૂરી કરવાની ગોઠવણો કરી લે છે.’

ખાનગીકરણમાં કામદારોનું હિત જાળવવા માટે સંજય ગાંધીએ સૂચન કર્યું કે તેમને બીજી સુવિધાઓ આપવાને બદલે કે એ ઉપરાંત કંપનીના શેર કે કંપનીના નફામાં સીધી હિસ્સેદારી આપવી જોઇએ- કંપનીના હિત સાથે તેમનું હિત સીધી રીતે સાંકળી લેવું જોઇએ, જેથી તે કંપનીને નુકસાન થાય એવી (હડતાળ જેવી) પ્રવૃત્તિઓથી દૂર રહે અને દિલ દઇને કામ કરે.
Sanjay Gandhi /સંજય ગાંધી

ઇંદિરા ગાંધીના રાજમાં કરવેરાનું ધોરણ અકલ્પનીય લાગે એટલું ઊંચું હતું. સમાજવાદી નીતિના નામે ઉદ્યોગપતિઓ પર ૧૦૮ ટકા ટેક્સ લાગતો હતો. એટલે કે, એ લોકો ૧૦૦ રૂપિયા કમાય તો તેમણે સરકારને ૧૦૮ રૂપિયા ચૂકવવાના, જેનો ઉપયોગ સરકાર ગરીબોના કલ્યાણ માટે કરે (એવું ધારી લેવાનું). કટોકટી વખતે વેરા ઘટીને ૯૮ ટકા સુધી પહોંચ્યા હતા. એ વિશે સંજય ગાંધીએ કહ્યું કે વેરાનો આવો ઊંચો દર સારા માણસોને પણ ટેક્સની ચોરી કરવા પ્રેરે છે. જે લોકો વેરા ભરે તેમને એવું જ લાગવાનું કે તેમના રૂપિયા અણઘડ સરકારી કંપનીઓની ખોટ ભરપાઇ કરવામાં જ વપરાવાના છે.

સમાજવાદના નામે અર્થતંત્ર પર મુકાયેલા અંકુશોનો વિરોધ કરતાં સંજય ગાંધીએ કહ્યું કે આવા અંકુશોથી સરવાળે મોટા ઉદ્યોગપતિઓને જ ફાયદો થાય છે. કારણ કે તેમની પાસે આવા અંકુશોને ઠેકાડવા જેટલી પહોંચ હોય છે. નાના ધંધાદારીઓ માટે એ શક્ય નથી. તેમણે આઝાદી પછીનો અનુભવ ટાંકીને કહ્યું કે અંકુશોને કારણે મોટા ઉદ્યોગપતિઓ જ તગડા થયા છે. તેમણે અંકુશો હટાવીને, આજની પરિભાષામાં જેને ‘લેવલ પ્લેયિંગ ફિલ્ડ’ કહેવાય, એવી સમાન હરીફાઇનું વાતાવરણ સર્જવાની વાત કરી.

સમાજવાદનાં કંઠીધારી ઇંદિરા ગાંધીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવા માટે આટલું ઓછું હોય તેમ, સંજય ગાંધીએ કેટલાંક રાજકીય નિવેદનો પણ કર્યાં. ઇંદિરા ગાંધીની કટોકટીને સમર્થન આપનાર સામ્યવાદી પક્ષ (કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા)ની ઝાટકણી કાઢતાં સંજયે કહ્યું કે ‘સામ્યવાદી પક્ષના મોટા અને બહુ મોટા નહીં એવા નેતાઓથી વધારે સમૃદ્ધ કે વધારે ભ્રષ્ટ લોકો તમને બીજે ક્યાંય નહીં મળે.’  જનસંઘને તેમણે ‘કેડર બેઝ્‌ડ પાર્ટી’ (કાર્યકર-કેન્દ્રી)ને બદલે ‘ફેવરબેઝ્‌ડ’ (લાભ-કેન્દ્રી) પાર્ટી કહી.

આવાં અનેક ‘વિચારરત્નો’ ધરાવતા ઇન્ટરવ્યુ પરથી ઉમા વાસુદેવે ‘મૅન, મિથ એન્ડ મારુતિ’/ Man, Myth & Maruti એવું મથાળું ધરાવતો લેખ ‘સર્જ’ મેગેઝીન માટે તૈયાર કર્યો. સંજય ગાંધીએ લેખ વાંચ્યો અને રિવાજ મુજબ ડાઇનિંગ ટેબલ પર ઇંદિરા ગાંધી સાથે એ ઇન્ટરવ્યુના કેટલાક વિવાદાસ્પદ હોઇ શકતા મુદ્દા વિશે વાત પણ કરી. ઇંદિરા ગાંધીએ ઇન્ટરવ્યુ વાંચ્યો ન હતો, પણ સંજય ગાંધીની વાત પરથી તેમણે કેટલીક બાબતોની ધાર ઓછી કરવાની સૂચના આપી. એ પ્રમાણે મૂળ ઇન્ટરવ્યુની ધાર થોડી ઓછી કરવામાં આવી. પરંતુ ઇંદિરા ગાંધીએ છપાતાં પહેલાં એ ઇન્ટરવ્યુ વાંચ્યો ન હતો. સંજય ગાંધીની કૃપાથી સરકારી સેન્સરે લેખને લીલી ઝંડી આપી દીધી. કટોકટી પછી સંજય ગાંધીના પહેલવહેલા ઇન્ટરવ્યુ જેવા ‘સ્કૂપ’નો ભરપૂર ફાયદો મેળવવા માટે તેના કેટલાક અંશ પીટીઆઇ, યુએનઆઇ અને રોઇટર્સ જેવી સમાચારસંસ્થાઓને પૂરા પાડવામાં આવ્યા. પરંતુ ઇન્ટરવ્યુના અંશ પ્રગટ થતાંની સાથે જ ખળભળાટ મચ્યો. સમાજવાદનાં ઠેકેદાર ઇંદિરા ગાંધીના  જમણા હાથ જેવા સંજયના ખાનગીકરણતરફી અને સામ્યવાદવિરોધી વિચારો દેશ ઉપરાંત વિદેશોમાં પણ ગરમાગરમ ખબર તરીકે છપાયા. ઇંદિરા ગાંધી બચાવની મુદ્રામાં આવી ગયાં. તેમના સચિવ પી.એન.ધરે શક્ય એટલાં ભારતીય અખબારોમાં આ સમાચાર છપાતા અટકાવ્યા. ઉમા વાસુદેવને પણ કહી દેવામાં આવ્યું કે તમારે ઇન્ટરવ્યુ ધરાવતા મેગેઝીનનો અંક પ્રકાશિત કરવાનો નથી.

રાજકીય હોબાળો એવો થયો કે કટોકટી હોવા છતાં, ઇંદિરા ગાંધી અને તેમના સલાહકારોના દબાણથી સંજય ગાંધીએ ખુલાસો આપવો પડ્યો. તેમાં સામ્યવાદીઓને ભ્રષ્ટ અને પૈસાદાર ગણાવવાના મામલે તેમણે વાત વાળી લેવાનો પ્રયાસ કર્યો હતો. ઉમા વાસુદેવે તેમના પુસ્તક ‘ટુ ફેસીસ ઑફ ઇંદિરા ગાંધી’/ Two faces of Indira Gandhiમાં નોંઘ્યા પ્રમાણે, ખુદ સંજય ગાંધીને બોલેલું વાળવાનું થયું એનો બહુ ગુસ્સો ચડ્યો હતો, પણ બીજી રીતે જોઇએ તો, કટોકટી દરમિયાન કદાચ પહેલી અને છેલ્લી વાર ખુદ સંજય ગાંધીને સરકારી સેન્સરશીપનો સ્વાદ ચાખવા મળ્યો

Monday, June 29, 2015

કટોકટીના ખલનાયક સંજય ગાંધીનું ‘નિકટદર્શન’

‘સર્જ’ સામયિકનાં ઉમા વાસુદેવે કટોકટીના મુખ્ય ખલનાયક, ઇંદિરાપુત્ર સંજય ગાંધીનો પહેલવહેલો લાંબો ઇન્ટરવ્યુ કર્યો, ત્યારે તરખાટ મચી ગયો. તેના બહાર પડેલા અંશો વિશે ઇંદિરા ગાંધીએ ખુલાસા કરવા પડ્યા અને આખા ઇન્ટરવ્યુને પ્રતિબંધિત કરી દેવાયો. કટોકટીની ૪૦મી વરસી નિમિત્તે એ યાદગાર ઇન્ટરવ્યુની-- અને એ નિમિત્તે ‘પીપલ્સ કાર’ મારૂતિની--પણ કથા.

Uma Vasudev / ઉમા વાસુદેવ
 સિત્તેરના દાયકાના દિલ્હીની ‘પેજ-૩ સર્કિટ’માં અનેકવિધ રસ ધરાવતાં લેખિકા-કળાપ્રેમી ઉમા વાસુદેવનું નામ મહત્ત્વનું હતું. ઇંદિરા ગાંધીનું ચરિત્ર લખી ચૂકેલાં ઉમા વાસુદેવ કટોકટીકાળમાં  પખવાડિક ‘ઇન્ડિયા ટુડે’નાં પહેલાં તંત્રી બન્યાં. (કેટલાકના મતે, ‘ઇન્ડિયા ટુડે’ પખવાડિકની શરૂઆત કટોકટીને કારણે વિદેશોમાં કથળેલી સરકારની છાપ સુધારવા માટે થઇ હતી. શરૂઆતના ગાળામાં તેની સરકારનું વિદેશી બાબતોનું ખાતું તેની મોટા ભાગની નકલો ખરીદી લેતું હતું.) ‘ઇન્ડિયા ટુડે’માં જોડાતાં પહેલાં ઉમા વાસુદેવ ‘સર્જ’ / Surge નામનું સામયિક સંભાળતાં હતાં. તેનું વેચાણ ઉંચકવા માટે ઉમા વાસુદેવે સંજય ગાંધીની મુલાકાત લેવાનું વિચાર્યું. ત્યારે કટોકટી લાગુ થઇ ચૂકી હતી અને વડાપ્રધાન ભલે ઇંદિરા ગાંધી હોય, પણ અસલી રાજ સંજય ગાંધી  તથા તેમની ટોળકીનું ચાલતું હતું.

કટોકટી પહેલાં ‘પીપલ્સ કાર’ મારૂતિના પ્રોજેક્ટને પાટે ચડાવવા માટે ભરપૂર સરકારી મદદ પછી પણ ગોથાં ખાતા સંજય ગાંધી કટોકટી પછી આખા દેશની સમસ્યાઓ ઉકેલવા નીકળ્યા હતા. આપખુદ, તેજતર્રાર, રંગીનમિજાજ ૨૯ વર્ષના સંજય ગાંધીની મુલાકાત મેળવવામાં આકર્ષક વ્યક્તિત્વ ધરાવતાં - કટોકટીનાં પ્રગટપણે વિરોધી નહીં એવાં ઉમા વાસુદેવને ખાસ તકલીફ ન પડી. અગાઉ તે ‘મારૂતિ’ પ્રોજેક્ટ માટે સંજય ગાંધીને મળી ચૂક્યાં હતાં અને તેમની સાથે ‘ટેસ્ટ ડ્રાઇવ’ પણ લઇ ચૂક્યાં હતાં.

સંજય ગાંધી સાથે તેમની મુલાકાત ૬ ઑગસ્ટ,૧૯૭૫ના રોજ નક્કી થઇ. આ વખતે ‘મારૂતિ’ની ફેક્ટરીએ નહીં, પણ વડાપ્રધાનના નિવાસસ્થાને મળવાનું હતું. વડાપ્રધાન માતા સાથે પાટવીકુંવરના મતભેદ ત્યાં લગી ચર્ચાનો વિષય બની ચૂક્યા હતા. ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના પ્રતિનિધિ લુઇસ સિમ્સન્સે અનામી સૂત્રો ટાંકીને લખ્યું હતું કે એક ડીનર પાર્ટીમાં ઇંદિરા ગાંધીને સંજયે છ લાફા માર્યા હતા. આવી બધી કથાઓમાં સ્વાભાવિક રીતે જ મરીમસાલાનું તત્ત્વ ભરપૂર હોય. પરંતુ એક વાત નક્કી હતી કે લોખંડી મનોબળ ધરાવતાં વડાપ્રધાન પર તેમના વંઠેલા પુત્રનો પ્રભાવ અસાધારણ અને કંઇક વિચિત્ર લાગે એ હદનો હતો.
Indira Gandhi- Sanjay Gandhi / ઇંદિરા ગાંધી- સંજય ગાંધી
સંજય ગાંધી સાથે વાતચીત શરૂ કરતાં પહેલાં ઉમા વાસુદેવે ઇન્ટરવ્યુ રેકોર્ડ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. સંજયને કશો વાંધો ન હતો. તેમણે અંગત, જાહેર, આર્થિક, સામાજિક બધા પ્રકારના સવાલના ખુલીને જવાબ આપ્યા. વાતચીતની શરૂઆત સંજય ગાંધીના કથિત શરાબપ્રેમથી થઇ. જવાબમાં સંજયે (સરમુખત્યારો માટે સહજ) એવા ગુણોની જાહેરાત કરતાં કહ્યું કે એ શરાબ તો ઠીક, કોકાકોલા-લિમ્કા-ફેન્ટા પણ પીતા નથી. વૈભવી જીવનશૈલી વિશેના આરોપોના જવાબમાં તેમનો દાવો હતો : ‘હું એટલું કામ કરું છું કે વૈભવી જીવનશૈલી માટે સમય જ મળતો નથી. હોટેલમાં જવાનું વર્ષે એકાદ વાર થાય ને એ પણ કોઇને મળવા.’ ઉગતી જુવાનીમાં સંજય અને તેમની મિત્રમંડળી પર કાર ચોરવાના આરોપ થયા હતા. એ વિશે પણ ઉમાએ તેમને પૂછ્‌યું અને સંજયે સફાઇથી પોતાની નિર્દોષતા જાહેર કરી.

ધીમે રહીને વાત માતા સાથેના તેમના સંબંધો પર આવી. એટલે સંજયે કેટલાક વિચાર અલગ હોવાનું કહ્યું. સાથોસાથ, ગૌરવપૂર્વક   કહ્યું કે ‘તે મારા અભિપ્રાય સાંભળે છે-- (આજકાલથી નહીં) હું પાંચ વર્ષનો હતો ત્યારથી. એનો અર્થ એ નહીં કે હું જે કહું એ બઘું તે કરે છે.’ ઉમાએ ‘વૉશિંગ્ટન પોસ્ટ’ની સ્ટોરીની વાત કાઢી અને કહ્યું, ‘તમારી માતા વિશે પણ તમારી પાસે એક ફાઇલ છે એવું કહેવાય છે.’ સંજયે આ વાતને હાસ્યાસ્પદ ગણાવી અને માતા સાથેના ‘હિંસક’ મતભેદો વિશે કે  માતા તેમનાથી બીએ છે, એવી વાત વિશે સંજયે કહ્યું, ‘કેટલી ભારતીય માતાઓ આ સાચું માનશે? કેટલાને એ સાચું લાગશે?’

મારૂતિ પ્રોજેક્ટમાં તેમને હરિયાણાના મુખ્ય મંત્રી બંસીલાલે પાણીના ભાવે જમીન આપી હતી અને બીજા અરજદારોેને બાજુ પર રાખીને ‘પીપલ્સ કાર’ માટેનો કોન્ટ્રાક્ટ એમને આપવામાં આવ્યો હતો. તેમ છતાં, ‘વડાપ્રધાનના પુત્ર તરીકે તમને કોઇ વિશેષ ફાયદો મળ્યો હતો?’ એવા સવાલના જવાબમાં સંજયે કહ્યું,‘ત્રણ વર્ષથી સંસદ એ બાબતે તપાસ કરી રહી છે અને કશું મળ્યું નથી.’ તેમનો દાવો હતો કે વિવાદને લીધે કોઇ તેમની તરફેણમાં કશું કરતું નથી ને તેમની સામે પડતાં લોકો ગભરાય છે. સરવાળે તેમનું (મારૂતિનું) બઘું પેન્ડિંગ (લટકતું) રહી જાય છે.

ઉમાએ તેમને એમ પણ પૂછ્‌યું કે ‘તમારી ફેક્ટરી નવ લાખ ચોરસ મીટરમાં પથરાયેલી છે. કાર પ્રોજેક્ટ માટે આટલી બધી જગ્યા જરૂરી છે?’ સંજયે ઠાવકાઇથી કહ્યું, ‘પહેલાં પચાસ હજાર કારનું ઉત્પાદન કરવાની અમારી ધારણા હતી. પણ (આરબ ઓઇલ ક્રાઇસિસને લીધે) પેટ્રોલનો (તેના ભાવવધારાનો) પ્રશ્ન આવ્યો. (કારની માગ ઘટી ગઇ એટલે) અમે રોડરોલરનું અને બસનું ઉત્પાદન શરૂ કર્યું. ઉપરાંત કાર તો ખરી જ. આ બધાના સહિયારા નિર્માણ માટે આટલી જમીન બરાબર છે.’
Sanjay Gandhi with Maruti

હકીકતમાં, આ તબક્કા સુધી ‘મારૂતિ’ જથ્થાબંધ નિર્માણના તબક્કા સુધી પહોંચી જ ન હતી. ઇન્ટરવ્યુમાં એક તબક્કે સંજયે કહ્યું હતું કે ફેક્ટરીમાં મહિને સાત-આઠ કાર બને છે. ‘મારૂતિ’ પ્રોજેક્ટને સરકારી કૃપાના મુદ્દે સંસદમાં કાયમ મચતું હતું ને ઇંદિરા ગાંધીને જવાબો આપવા અઘરા પડતા હતા. (પારસી સાંસદ પીલુ મોદી તેમની લાક્ષણિક જબાનમાં કહેતા હતા તેમ, ‘મારૂતિની વાત કરીએ તો મા રોતી છે.’) સંજયની ફેક્ટરી બંધ ન પડી જાય એટલા માટે તેમના દરબારી બંસીલાલે હરિયાણા સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોનો ઑર્ડર સંજય ગાંધીની ફેક્ટરીને આપી દીધો. આ બધી વાતો ઉઘાડેછોગ હતી. પરંતુ ઉમા વાસુદેવનો આશય ઉલટતપાસનો કે સંજય ગાંધીને ભીંસમાં લેવાનો નહીં, તે જે બોલે એ બઘું બોલાવવાનો હતો. કારણ કે સંજય ગાંધી ન ઇચ્છે તો આખો ઇન્ટરવ્યુ સંપન્ન થયા પછી પણ તે પ્રકાશિત ન થઇ શકે. તેમણે સેન્સર બોર્ડને ફક્ત એક ઇશારો જ કરવાનો રહે. સવાલોમાં જરાસરખી પણ વિરોધની કે કાંઠલાપકડની ગંધ આવે તો ઉમા વાસુદેવનું નામ ‘મિસા’ (મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી ઍક્ટ) હેઠળ પકડાયેલા હજારો કેદીઓની યાદીમાં ઉમેરાઇ જાય. આવું કોઇ સાહસ ખેડવાનો ઉમાનો ખ્યાલ ન હતો. તેમને એટલું સમજાતું હતું કે કટોકટી પછી સંજય ગાંધીનો વિગતવાર ઇન્ટરવ્યુ થાય, તો તેમનું મેગેઝીન તરી જાય.

રૉલ્સ રૉયસ કંપનીમાં માંડ થોડા દિવસની તાલીમ સિવાય બીજી કોઇ લાયકાત ન ધરાવતા સંજય ગાંધી ‘મારૂતિ’માં પરોવાયેલા રહે તો માતા ઇંદિરા ગાંધીને શાંતિ થાય. એક સ્નેહીને લખેલા પત્રમાં તે પોતાના મોટા પુત્ર (રાજીવ)ની સારી નોકરી વિશે સંતોષ અને સંજય વિશે ચિંતા વ્યક્ત કરી ચૂક્યાં હતાં. પરંતુ કેવળ માના આશાવાદથી કે વડાપ્રધાનની લાગવગથી સંજય ગાંધી કે તેમનો મારૂતિ પ્રોજેક્ટ ઠેકાણે આવી જાય એમ ન હતાં. વિલંબ સાથે ‘પીપલ્સ કાર’ની કિંમત વધતી જતી હતી. અસલમાં ‘મારૂતિ’ રૂ.તેર હજારની કિંમતે આપવાની વાત હતી, પણ ઉમાએ ઇન્ટરવ્યુ લીધો ત્યારે સંજયે તેની કિંમત રૂ.પચીસ હજાર પાડી હતી. સંજયે તેમને કહ્યું હતું કે ‘ભારતમાં દસ હજાર રૂપિયામાં તો શું, પાંચ હજાર રૂપિયામાં પણ પીપલ્સ કાર ન હોય. કારણ કે (જેમના માટે આ કાર બનાવવાની વાત હતી એવા) મોટા ભાગના લોકોને સાયકલ કે બસથી વધારે કશું પોસાય એમ નથી.’

(આવતા સપ્તાહે : ‘મારૂતિ’ના દુઃસાહસની થોડી વઘુ વાતો અને ઇંદિરા ગાંધીને ભીંસમાં મૂકનારા સંજય ગાંધીના આર્થિક-રાજકીય વિચારો)

Tuesday, June 23, 2015

કટોકટી : ન ભૂલવા જેવો ઇતિહાસ

બે દિવસ પછી ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીની ચાળીસમી વરસી આવશે. ભાજપના વરિષ્ઠ અને ઉપેક્ષિત નેતા અડવાણીએ  ‘હજુ પણ કટોકટીની સંભાવના પૂરેપૂરી ટળી નથી’ એ મતલબની ટીપ્પણી કરીને જૂની-નવી, દેખીતી-અણદેખીતી કટોકટીને ગરમાગરમ ચર્ચામાં આણી દીધી. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીના મહત્ત્વના અને વર્તમાન સમયમાં પ્રસ્તુત બોધપાઠની ચર્ચામાં જતાં પહેલાં, તેના મૂળભત ઘટનાક્રમની જરૂરી જાણકારી મેળવી લઇએ.

Raj Naraian/ રાજનારાયણ
૧૯૭૫ની ૧૨મી જૂને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં અને કૉંગ્રેસ તેમાં ધોવાઇ ગઇ, ઇંદિરા ગાંધીના વિશ્વાસુ સલાહકાર ડી.પી.ધરના અવસાનના સમાચાર આવ્યા અને એ જ દિવસે અલાહાબાદ હાઇકૉર્ટનો ચુકાદો પણ આવ્યો. ૧૯૬૯માં કૉંગ્રેસના જૂના જોગીઓથી પોતાના જૂથને અલગ પાડ્યા પછી ઇંદિરા ગાંધીએ ૧૯૭૧માં ચૂંટણી જાહેર કરાવી દીધી. નિશ્ચિત સમયપત્રક કરતાં આશરે સવા વર્ષ પહેલાં થયેલી ચૂંટણીમાં ઇંદિરા કૉંગ્રેસની નિર્ણયાત્મક જીત થઇ. ખુદ ઇંદિરા ગાંધી પણ ઓછા જાણીતા સમાજવાદી નેતા રાજનારાયણ સામે રાયબરેલી બેઠક પરથી જીતી ગયાં. ચૂંટણીમાં હાર્યા પછી રાજનારાયણે શાંતિભૂષણને વકીલ તરીકે રોકીને ઇંદિરા ગાંધી સામે અલાહાબાદ હાઇકૉર્ટમાં એક કેસ દાખલ કર્યો. તેમાં કરાયેલા કુલ ૧૪ આરોપનો મુખ્ય સૂર એ હતો કે ચૂંટણી જીતવા માટે ઇંદિરા ગાંધીએ વડાપ્રધાન તરીકેની પોતાની સત્તાનો અને સરકારી સાધનસામગ્રીનો (ગેરવાજબી) ઉપયોગ કર્યો હતો.

રાજનારાયણના કેસને શરૂઆતમાં કોઇએ ગંભીરતાથી લીધો ન હતો, પરંતુ ૧૯૭૫માં તેની કાર્યવાહીથી ખળભળાટ પેદા થયો. વડાપ્રધાને અદાલતમાં જુબાની આપવી પડી. ૧૯૭૫ની ૧૨મી જૂનની સવારે દસ વાગ્યે અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ જગમોહનલાલ સિંહાએ ચુકાદો જાહેર કર્યો.
Justice Jagmohan Lal Sinha

તેમણે ૧૪માંથી ૧૨ આરોપોમાં વડાપ્રધાનને નિર્દોષ ઠરાવ્યાં, પણ બે ગુનામાં તે દોષી જણાયાં. તેની સજારૂપે ઇંદિરા ગાંધીની સાંસદ તરીકેની ચૂંટણી રદબાતલ જાહેર કરવામાં આવી. રાજનેતાઓની પછીની પેઢીઓએ સત્તાનો દુરુયોગ એટલો સામાન્ય બનાવી દીધો છે કે ઇંદિરા ગાંધીના બન્ને ‘ગુના’ અત્યારે વાંચીને હસવું આવે. એ ગુના હતા : ૧) રાયબરેલીમાં યોજાયેલી બે સભાઓ માટે ઉત્તર પ્રદેશની સરકારે વડાપ્રધાનના ચૂંટણીપ્રચાર માટે ઊંચાં સ્ટેજ બનાવી આપ્યાં હતાં અને લાઉડ સ્પીકર માટે લાઇટ કનેક્શન આપ્યું હતું. ૨) વડાપ્રધાનના ચૂંટણી એજન્ટ યશપાલ કપૂર ત્યારે વડાપ્રધાનની કચેરીમાં ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી તરીકે સરકારી નોકરીમાં ચાલુ હતા. (કપૂરે રાજીનામું આપી દીઘું હતું, પણ તેના સ્વીકારની તારીખનો વિવાદ હતો.)


આરોપ ભલે ગંભીર ન લાગે, પણ ૨૫૯ પાનાંના ચુકાદામાં જસ્ટિસ સિંહાએ ફરમાવેલી સજા ગંભીર હતી. વડાપ્રધાન બનેલા સાંસદની ચૂંટણી ગેરરીતિના આરોપસર રદ થાય, તો તેમની વિશ્વસનિયતાનું શું?  અમસ્તા પણ તેમની સામે ગંભીર પડકાર ઊભા થઇ ચૂક્યા હતા. એલ.ડી.એન્જિનિયરિંગ કૉલેજની હૉસ્ટેલના ફૂડ બિલમાં થયેલા વધારા સામે શરૂ થયેલું આંદોલન જોતજોતાંમાં ભ્રષ્ટાચારવિરોધી નવનિર્માણ આંદોલન બન્યું. તેની પ્રેરણા સાથે બિહારમાં છાત્ર સંઘર્ષ સમિતિનું અને સરવાળે જયપ્રકાશ નારાયણનું સંપૂર્ણ ક્રાંતિ આંદોલન જાગી ચૂક્યું હતું. ‘જનતાકા દિલ બોલ રહા હૈ, ઇંદિરાકા સિંઘાસન ડોલ રહા હૈ’ જેવાં સૂત્રો લોકપ્રિય બન્યાં હતાં.

અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાથી ઇંદિરા ગાંધીની અસલામતીની લાગણી તીવ્ર બની. પુત્ર સંજય ગાંધી માતાની પડખે આવી ઊભા. હરિયાણાના મુખ્ય મંત્રી બંસીલાલ જેવા દરબારીઓએ ઇંદિરા ગાંધીના સમર્થનમાં ભાડૂતી ટોળાં પાટનગરમાં ઉતાર્યાં. છડેચોક જસ્ટિસ સિંહાની નનામીઓ બળાઇ. ચુકાદાના બે દિવસ પછી યોજાયેલી કૉંગ્રેસની બેઠકમાં સભ્યોએ ઇંદિરા ગાંધીમાં પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. આ જ બેઠકમાં કૉંગ્રેસપ્રમુખ દેવકાંત બરુઆએ ‘ઇંડિયા ઇઝ ઇંદિરા, ઇંદિરા ઇઝ ઇન્ડિયા’ એવું યાદગાર વિધાન ઉચ્ચાર્યું. ઇંદિરા ગાંધી પાસે સર્વોચ્ચ અદાલતમાં જવાનો રસ્તો ખુલ્લો હતો, પણ એ કેસનો ફેંસલો ન આવે ત્યાં સુધી તેમણે વડાપ્રધાનપદેથી ઉતરી જવું, એ નૈતિકતાનો તકાદો હતો. એક નોંધ પ્રમાણે, બિમાર વિનોબા ભાવેને ‘શુડ ઇન્દિરા રીઝાઇન ઓર સ્ટે?’એવું પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ચબરખી પર જવાબ લખ્યો ‘સ્ટે’. વિનાબા ભાવેના ‘આશીર્વાદ’ પ્રચારની રીતે ખપના, પણ નિર્ણય લેવાના મામલે ગૌણ હતા. ઇંદિરા ગાંધી સત્તા ન છોડવાનું નક્કી કરી ચૂક્યાં હતાં. તેમના એ વખતના સલાહકાર, પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી એસ.એસ. (સિદ્ધાર્થશંકર) રેના મનમાં જુદો અને શેતાની ચરખો ચાલી રહ્યો હતો.
Siddharth Shankar Ray - Indira Gandhi / સિદ્ધાર્થશંકર રે- ઇંદિરા ગાંધી
જૂન ૨૩ના રોજ ઇંદિરા ગાંધીએ સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી. અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદા પર મનાઇહુકમ મળી જાય તો તે સાંસદ અને વડાપ્રધાન એમ બન્ને હોદ્દે ચાલુ રહી શકે. વેકેશન જજ વી.આર.કૃષ્ણઐયરે મામલાની નજાકત સમજીને, એ દિવસનું બપોરનું ભોજન જતું કરીને, એક જ દિવસમાં બન્ને પક્ષોની દલીલો સાંભળી, રાત જાગીને ચુકાદો લખાવ્યો અને તેની ઘણી નકલો કરાવી. (આવું તેમણે પછીથી એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.) બીજા દિવસે એટલે કે ૨૪ જૂનના રોજ તેમણે શરતી સ્ટે ઑર્ડર આપ્યો. તેમણે ઠરાવ્યું કે ઇંદિરા ગાંધી સંસદમાં હાજરી આપી શકે અને વડાપ્રધાન તરીકેની કામગીરી ચાલુ રાખી શકે, પણ તે સંસદમાં મતદાન કરી નહીં શકે અને એટલા સમયગાળા દરમિયાન સાંસદ તરીકેનો તેમનો પગાર નહીં લઇ શકે.

જસ્ટિસ કૃષ્ણઐયરનો ચુકાદો ઊંટની પીઠ પરનું છેલ્લું તરણું સાબીત થયો. વિપક્ષોની આક્રમકતાને નવી ધાર મળી. જયપ્રકાશ નારાયણે કહ્યું કે અદાલતમાં જુબાની દરમિયાન ઇંદિરા ગાંધીએ બઘું મળીને ૨૭ જૂઠાણાં ઉચ્ચાર્યાં હતાં. તેમણે ‘સ્ટ્રાઇક રેટ’ પણ કાઢી આપ્યો. ‘દર પંદર મિનીટે એક જૂઠાણું’.

સંજય ગાંધી અને સિદ્ધાર્થશંકર રે પોતાના આગ્રહ પર અડીખમ હતા કે ઇંદિરા ગાંધીએ રાજીનામું ન જ આપવું. રે પાસે યોજના પણ તૈયાર હતી. તેમણે રાષ્ટ્રિય હિતમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરતા વટહુકમનો મુસદ્દો બનાવી રાખ્યો હતો. ઇંદિરા ગાંધી રાષ્ટ્રપતિને રૂબરૂ મળીને પોતાના ઇરાદા વિશે જાણ કરી ચૂક્યાં હતાં. એટલે ૨૫મીની રાત્રે રબરસ્ટેમ્પ રાષ્ટ્રપતિ ફખરુદ્દીનઅલી અહમદે તેની પર તત્કાળ સહી કરી આપી. (અબુ અબ્રાહમે એક યાદગાર કાર્ટૂનમાં દર્શાવ્યું હતું તેમ, બાથટબમાં નહાતા રાષ્ટ્રપતિ ખુલ્લા ડીલે કટોકટીના વટહુકમ પર સહી કરતા કહેતા હતા,‘હવે બીજી સહીઓ કરાવવાની હોય તો થોડી વાર પછી લાવજો.’)
cartoon by Abu Abraham

કટોકટી લાગુ થતાં જ દિલ્હીનાં અખબારોનો વીજપુરવઠો કાપી નાખવામાં આવ્યો. ૨૬ જૂનની સવાર દિલ્હીમાં અખબારવિહોણી ઉગી. જાણવાજોગ સમાચાર એ સવારે ઑલ ઇન્ડિયા રેડિયો પર હતા અને એ જણાવનાર હતાં ખુદ વડાપ્રધાન. તેમણે દેશને આંતરિક અશાંતિની પરિસ્થિતિમાંથી ઉગારવા માટે કટોકટીનું પગલું લીધાનું જણાવ્યું. ખૂંખાર કૂતરાનો માલિક ‘ગભરાશો નહીં, તમને નહીં કરડે’ પ્રકારનું આશ્વાસન આપે, એવો જ અંદાજ ઇંદિરા ગાંધીનો હતો. દરમિયાન આપખુદશાહીનો ખૂંખાર કૂતરો આગલી રાતથી જ છૂટો મૂકાયો હતો. સંખ્યાબંધ વિપક્ષી નેતાઓની ૨૫ જૂનની મોડી રાત્રે ધરપકડ કરી લેવાઇ. ઇંદિરા ગાંધીએ પોતાના મંત્રીમંડળના સભ્યોને પણ વિશ્વાસમાં લીધા ન હતા. તેમને ૨૬મી વહેલા પરોઢિયે ફોન કરીને સવારે છ વાગ્યે મિટિંગ માટે બોલાવાયા. મિટિંગના હેતુ વિશે કોઇને જાણ કરવામાં આવી ન હતી. પંદર મિનીટ ચાલેલી એ બેઠકમાં જયપ્રકાશ નારાયણની પ્રચંડ સભાઓ, દેશ સામેની કાવતરાબાજી અને ‘ઇંદિરા ઇઝ ઇન્ડિયા’ની તરજ પર મંત્રીઓને સમજાવી દેવાયા.


કટોકટી લાગુ થતાં સંજય ગાંધી અને તેમની ટોળકીએ મોરચો સંભાળી લીધો. તેમના સાગરિતોમાં સંરક્ષણ મંત્રી બનાવી દેવાયેલા બંસીલાલ, માથે અહમ્‌ અને આપખુદશાહીનાં શિંગડાં ધરાવતા માહિતી-પ્રસારણ મંત્રી વી.સી.(વિદ્યાચરણ) શુક્લ, રાજ્યકક્ષાના ગૃહમંત્રી ઓમ મહેતા અને આર.કે. (રાજેન્દ્રકુમાર) ધવનનો સમાવેશ થતો હતો. ઇંદિરા ગાંધીના મુખ્ય સલાહકાર સિદ્ધાર્થશંકર રે અને મુંબઇ કૉંગ્રેસના પ્રમુખ રજની પટેલ હતા.

રાષ્ટ્રપતિ ફખરુદ્દીનઅલી અહમદ ‘મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી ઍક્ટ’ થી માંડીને અનેક પ્રકારના અત્યાચારી અને પાયાના નાગરિક અધિકારોનો ભંગ કરતા વટહુકમો પર મત્તું મારતા રહ્યા. હદ તો ત્યારે થઇ, જ્યારે સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયાધીશોની બેન્ચે ‘હેબીઅસ કોર્પસ’ (ગેરકાયદે અટકાયતમાં લેવાયેલી વ્યક્તિને હાજર કરવાની માગણી)ના અધિકાર પણ કટોકટી પૂરતો મોકૂફ રાખી દીધો. આ હળાહળ અન્યાયી-અત્યાચારી પગલું સરકારનું હતું, પણ સર્વોચ્ચ અદાલતના ચાર ન્યાયાધીશોએ તેને કટોકટીની વિશિષ્ટ સ્થિતિ ઘ્યાનમાં રાખીને ઉચિત ઠરાવ્યું. એક જ ન્યાયાધીશ, જસ્ટિસ એચ.આર.ખન્ના એવા નીકળ્યા કે જેમણે વિરોધનોંધ લખી. બંધારણમાં થતા મનસ્વી ફેરફારોને અદાલતમાં પડકારી ન શકાય, એવો વટહુકમ પણ લાવવામાં આવ્યો.

સરકારી રેડિયોનો સચ્ચાઇ દબાવવા અને જૂઠાણાં ફેલાવવા માટે બેશરમીપૂર્વક ઉપયોગ થયો. પહેલાંના વડાપ્રધાનો ફક્ત ‘પ્રધાનમંત્રી’ તરીકે ઉલ્લેખાતા હતા. કટોકટી લાદ્યા પછી સરકારી માઘ્યમો પરથી ઇંદિરા ગાંધીનો ઉલ્લેખ ‘હમારીં પ્રધાનમંત્રી’ તરીકે થવા લાગ્યો. જયપ્રકાશપ્રેરિત આંદોલનને અરાજકતા સાથે સરખાવીને ચોતરફ નવી ‘શિસ્ત’નો મહીમા થવા લાગ્યો.
(ક્રમશઃ)