Showing posts with label indo-china war. Show all posts
Showing posts with label indo-china war. Show all posts

Tuesday, August 05, 2014

ભારત-ચીન યુદ્ધ વિશેનો ‘ટૉપ સીક્રેટ’ હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ - (૨) અને (૩)


ચીન સાથેના યુદ્ધમાં ભારતનો ધબડકો આઝાદ ભારતનાં સૌથી દુઃખદ પ્રકરણોમાંનું એક છે. તેના માટે તત્કાલીન વડાપ્રધાન પંડિત નેહરુની ગાફેલિયત ઉપરાંત ‘ફોરવર્ડ પૉલિસી’નો અવિચારી અમલ કારણભૂત હતો. ‘ફોરવર્ડ પૉલિસી’ એટલે કોઇનો કબજો ન હોય એવા સરહદી વિસ્તારોમાં આગળ સુધી ચોકીઓ સ્થાપવાની આક્રમક નીતિ, જે લેહ-લદ્દાખ (કાશ્મીર) સરહદે ચીનની ધૂસણખોરીના અને તેની લશ્કરી જમાવટના જવાબ તરીકે અપનાવવામાં આવી હતી.

નેતાઓ અને ફૌજી અફસરો વચ્ચે થયેલી બેઠકમાં પૂરતી લશ્કરી સજ્જતા પછી આ નીતિ અપનાવવાનું ઠરાવાયું હતું. પરંતુ આર્મી હેડક્વાર્ટરે સૈન્યબળ વધારવાની દરકાર લીધી નહીં. વેસ્ટર્ન કમાન્ડની ચેતવણીઓ ધરાર અવગણવામાં આવી. ‘ચીન વળતો હુમલો નહીં કરી’ એવા ઇન્ટેલિજન્સ બ્યુરોે અને બીજા કેટલાક અફસરોના ખોટા અનુમાનના આધારે ભારતીય જવાનોને આગળ ધકેલવામાં આવ્યા. પરિણામસ્વરૂપે ભારતને કારમી હાર, જાનહાનિ, નામોશી અને પ્રદેશની ખોટ વેઠવાનાં આવ્યાં.

આ ધબડકાની લશ્કરી રાહે તપાસ કરનાર લેફ્‌ટનન્ટ જનરલ હેન્ડરસન બ્રુક્સે ૧૯૬૩માં અહેવાલ સુપ્રત કર્યો, જે સરકારી રાહે હજુ ‘ટૉપ સીક્રેટ’ છે. પરંતુ ઑસ્ટ્રેલિયન પત્રકાર નેવિલ મેક્સવેલે / Neville Maxwellઅહેવાલના પહેલા ભાગનાં ૧૨૬ પાનાં પોતાની વેબસાઇટ પર ખુલ્લાં મૂકી દીધાં. તેના આધારે ગયા સપ્તાહે લેહ-લદ્દાખ (કાશ્મીર) મોરચાની સ્થિતિનો અંદાજ આપવામાં આવ્યો હતો. પરંતુ આ યુદ્ધમાં ભારત માટે કરુણતાનો પર્યાય બની રહેલા નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી (નેફા- હાલના અરુણાચલ પ્રદેશ)માં ત્યારે કેવી સ્થિતિ હતી? હેન્ડરસન બ્રુક્સ અહેવાલ/ Henderson Brooks Reportમાંથી મળતો તેનો ખુલાસાવાર જવાબ.
***

  • (સૈન્ય માટે ઉંઘતા ઝડપાવાની કોઇ જગ્યા ન હતી, એ સૂચવતા ઘણા દસ્તાવેજ હેન્ડરસન બૂ્રક્સ રીપોર્ટમાં નોંધાયા છે. તેમાંનો એક) જાન્યુઆરી ૨૯, ૧૯૬૦ના રોજ આર્મી હેડક્વાર્ટર્સે ઇસ્ટર્ન કમાન્ડ માટે ‘ઑપરેશન ઇન્સ્ટ્રક્શન નં.૨૫’ જારી કરી, જેનો આશય ‘નેફા’ના અસરકારક સંરક્ષણ માટેનો હતો. (પૃ.૩૭) 
  • ‘ઑપરેશન ઇન્સ્ટ્રક્શન નં.૨૫’ની અસરકારકતા ચકાસવા માટે એપ્રિલ, ૧૯૬૦માં લખનૌમાં ‘લાલ કિલ્લા’ના સાંકેતિક નામે ઓળખાતી લશ્કરી કવાયત યોજવામાં આવી. તેમાં સ્પષ્ટ થયું કે ‘નેફા’માં હાલ ઇન્ફન્ટ્રી (પાયદળ)ની ત્રણ બ્રિગેડ છે, એના બદલે  ખરેખર ચાર બ્રિગેડની બનેલી એક ડિવિઝનની જરૂર પડશે. ઇસ્ટર્ન કમાન્ડે વધારાની એક બ્રિગેડની માગણી કરી, પણ એ ન મળે ત્યાં સુધી, પ્રસંગ પડ્યે નાગાલેન્ડમાં તૈનાત બ્રિગેડ ખપમાં લેવાનું ઠરાવ્યું...પણ હકીકતમાં થયું ઉલટું. વધારાની એક બ્રિગેડ તો ઇસ્ટર્ન કમાન્ડને કદી ફાળવાઇ જ નહીં, પણ ત્યાં રહેલી ત્રણમાંથી એક બ્રિગેડને નાગાલેન્ડ મોકલી આપવામાં આવી, જે યુદ્ધના આરંભ સુધી ત્યાં જ હતી. (પૃ.૩૯)
  • ૧૯૫૯-૬૦માં પ્રગટ થયેલા ઇન્ટેલીજન્સ રીવ્યુમાં ‘નેફા’ સરહદે ચીનની વધતી તાકાતનો બરાબર અંદાજ માંડવામાં આવ્યો હતો. આ રીવ્યુ પ્રકાશિત થયા પછીના અરસામાં ચીફ ઑફ જનરલ સ્ટાફ, તેમના ડેપ્યુટી અને સ્ટાફના ત્રણ ડાયરેક્ટર બદલાઇ ગયા. નવા આવેલા હોદ્દેદારોએ રીવ્યુના આધારે પરિસ્થિતિનું નવેસરથી આકલન કરવું જરૂરી હતું. પણ એ થયું નહીં. (પૃ.૩૯-૪૦)
  •  જુલાઇ, ૧૯૬૧માં ઇસ્ટર્ન કમાન્ડે ‘ઓપરેશન ઇન્સ્ટ્રક્શન’માં ફેરફારો કરીને આર્મી હેડક્વાર્ટરને મોકલી આપ્યા, જેમાં ચીન તરફથી વધેલા ખતરાન લક્ષ્યમાં લેવામાં આવ્યો હતો. પરંતુ આર્મી હેડક્વાર્ટર તરફથી કોઇ જવાબ ન મળ્યો. તેનો અર્થ એ હતો કે જૂની સૂચનાઓને જ આખરી ગણવાની હતી.  (પૃ.૪૦)
  • દિલ્હીમાં રહેલા ફૌજી અફસરો કઇ હદે અંધારામાં હતા તેનો નમૂનો : છેક ઑગસ્ટ, ૧૯૬૨માં ડાયરેક્ટર ઑફ મિલિટરી ઑપરેશન્સે જાહેર કર્યું હતું કે ‘ચીનાઓ કોઇ સંજોગોમાં (ફૉરવર્ડ પૉલિસીની) પ્રતિક્રિયા નહીં આપે અને એ લડવાની સ્થિતિમાં જ નથી.’ વાસ્તવમાં ‘નેફા’ સરહદે મોટું સૈન્ય ખડકી શકાય એવી માળખાકીય સુવિધાઓ ચીન ઉભી કરી ચૂક્યું હતું. (પૃ.૪૦)
  • પ ડિસેમ્બર, ૧૯૬૧ના રોજ ચીફ ઑફ આર્મી સ્ટાફ તરફથી વાસ્તવિકતાને અવગણતી અને ધબડકા ભણી ધકેલતી કેટલીક સૂચનાઓ જારી કરવામાં આવી. જેમ કે, ‘ઉત્તર પ્રદેશ અને ઉત્તરી સીમાઓ પર લદ્દાખ જેવી તકલીફ નથી. એટલે આપણે સરહદ પર શક્ય એટલા આગળ વધવું જોઇએ અને આખી સરહદ પર અસરકારક કબજો મેળવવો જોઇએ. વચ્ચે રહેલાં ગાબડાં એ વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને કે ચોકીઓ ઊભી કરીને પૂરવાં જોઇએ. (પૃ.૪૪)
  • નેફામાં ભારત-ચીન વચ્ચેની લડાઇની શરૂઆત ૮ સપ્ટેમ્બર, ૧૯૬૨ના રોજ ધોલા પોસ્ટથી થઇ. ૬૦૦ જેટલા ચીની સૈનિકોએ ધોલા પોસ્ટને ઘેરી લીધી. ત્યાં સુધી ભારતના પક્ષે એવી જ ગણતરી હતી કે ‘ફોરવર્ડ પૉલિસી’ને કારણે ફક્ત લદ્દાખના મોરચે જ મર્યાદિત સંઘર્ષ થશે. ચીન લદ્દાખની સાથે નેફાનો મોરચો પણ સાંકળી લેશે, એવી સાદી ગણતરી માંડવામાં લશ્કરી ઉચ્ચ અધિકારીઓ કાચા પડ્યા. (પૃ.૫૩)
  • ‘નેફા’માં ભારત અને ચીન વચ્ચેની સરહદ ‘મેકમોહન રેખા’ વડે અંકાઇ હતી. પરંતુ ભારતના નકશાઓમાં થોડી ગરબડ હતી. ભારત-ભુતાન-તિબેટ વચ્ચેનો ત્રિભેટો (ટ્રાઇ-જંક્શન) ખોટી જગ્યાએ આંકવામાં આવ્યો હતો. ભારત-ચીનના સીધા સંઘર્ષની જ્યાં શરૂઆત થઇ, તે ધોલા પોસ્ટનું સ્થાન પણ નકશામાં અને જમીન પર જુદું જુદું હતું. નકશામાં તે મેકમોહન રેખાની દક્ષિણે (ભારતની હદમાં) અને અસલમાં તે મેકમોહન રેખાની ઉત્તરે (ચીનની હદમાં) હતી. નકશામાં મેકમોહન રેખાને લગતા ગોટાળા અંગે ભારત-ચીન વચ્ચે વિવાદ થઇ ચૂક્યો હતો. આર્મી હેડક્વાર્ટરને તેની જાણ હશે, પણ નીચલા સ્તરે એ વાત પહોંચી ન હતી. એટલે (મેકમોહન રેખાથી ઉત્તરે, ચીનની હદમાં) ધોલા પોસ્ટ સ્થાપવાની ગંભીરતાથી ભારતીય સૈનિકો પૂરેપૂરા વાકેફ ન હતા. (પૃ.૫૩-૫૪)

  • ૯ સપ્ટેમ્બર, ૧૯૬૨ના રોજ ઇસ્ટર્ન કમાન્ડે ૩૩મી કોર્પ્સને ધોલા પહોંચીને મક્કમ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. તવાંગ સાચવી રહેલી લશ્કરી ટુકડીઓને પણ ધોલા પહોંચવાના હુકમ અપાયા. હકીકતમાં ધોલાની ભૌગોલિક સ્થિતિ, ત્યાં પહોંચવામાં લાગતો સમય અને ત્યાં ચીનની તૈયારી જેવી પાયાની બાબતો વિશે ઇસ્ટર્ન કમાન્ડને કશો અંદાજ ન હતો. એવી જ રીતે, ધોલા પહોંચીને કરવાની કાર્યવાહી અંગે કશી વ્યૂહરચના ઘડવામાં આવી ન હતી. આ રીતનું આંધળુકિયું અને તવાંગને રેઢું મૂકી દેવાના નિર્ણય માટે ઇસ્ટર્ન કમાન્ડે જવાબદારીનો ટોપલો ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ પર ઢોળ્યો. તેમણે ફોનથી આવી સૂચના આપી હોવાનું ઇસ્ટર્ન કમાન્ડના જનરલ ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે કહ્યું. (પૃ.૫૭-૫૮)
  • ૩૩મી કોર્પ્સ આ પગલાં વિશે ઇસ્ટર્ન કમાન્ડને સતત ચેતવી રહી હતી...૪ ઓક્ટોબર, ૧૯૬૨ સુધી ઇસ્ટર્ન કમાન્ડ અને ૩૩મી કોર્પ્સ વચ્ચે રસ્સીખેંચ ચાલતી રહી. ઇસ્ટર્ન કમાન્ડ પર આર્મી હેડક્વાર્ટર્સનું દબાણ હતું. પણ તેમને અપાતા આદેશ ટેલીફોનિક હતા અને તેની કશી નોંધ રાખવામાં આવી નથી. એવી જ રીતે, ઇસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફને વચ્ચે વચ્ચે દિલ્હી બોલાવીને આર્મી હેડક્વાર્ટર્સ અને સંરક્ષણ મંત્રાલયમાં તેમની સાથે મિટિંગ થતી હતી. તેની કાર્યવાહી-નોંધો (મિનિટ્‌સ) પણ રખાઇ નહીં...વિચિત્ર બાબત એ છે કે આ (યુદ્ધના) સમયગાળામાં આર્મી હેડક્વાર્ટર્સ તરફથી ઑપરેશન ઇન્સ્ટ્રક્શનના નામે એક પણ વાર સ્પષ્ટ સૂચના જારી કરવામાં આવી નહીં. ચીનની સંભવિત પ્રતિક્રિયા અંગે નવેસરથી કોઇ આકલન કરવામાં ન આવ્યું. ઉલટું, એવી છાપ જ ફેલાવવામાં આવી કે ચીન તરફથી કોઇ મોટી પ્રતિક્રિયા નહીં આવે. (પૃ.૫૮)
  • વડાપ્રધાન નેહરુના ખાસમખાસ એવા સંરક્ષણમંત્રીની હાજરીમાં થતી (ચીન સામેની કાર્યવાહીને લગતી) બેઠકોમાં કાર્યવાહીની નોંધ રાખવામાં આવતી ન હતી. દેખીતું કારણ તેની ગુપ્તતાનું અપાતું હશે, પણ આ નિર્ણયનાં ગંભીર પરિણામ આવી શકે અને આવ્યાં પણ ખરાં. (નોંધોના અભાવે) છેવટના વિશ્લેષણમાં ભૂલભરેલા નિર્ણયોની જવાબદારી કોઇના માથે આવતી ન હતી. (પૃ.૬૧)
  • ૪ ઓક્ટોબરના રોજ ૩૩મી કોર્પ્સ પાસેથી ‘નેફા’ની જવાબદારી લઇ લેવામાં આવી અને એ કામ સંભાળવા માટે ચોથી કોર્પ્સ ઊભી કરવામાં આવી. તેના કમાન્ડર તરીકે વડાપ્રધાન નેહરુના માનીતા લેફ્‌ટનન્ટ જનરલ બી.એમ.કૌલને નીમવામાં આવ્યા. ત્યાં લગી ૩૩મી કોર્પ્સ અને ઇસ્ટર્ન કમાન્ડ વચ્ચે સતત ખેંચતાણ ચાલતી હતી. કારણ કે ૩૩મી કોર્પ્સ જમીની વાસ્તવિકતા સાથે પનારો પાડીને ઇસ્ટર્ન કમાન્ડના હોંશીલા હુકમો સામે વાંધાવચકા રજૂ કરતી હતી. (પૃ.૬૫)
યુદ્ધના પ્રાથમિક નિયમોની ઘોર અવગણના

સંરક્ષણમંત્રી કૃષ્ણમેનન સાથે નેહરુ / KrishnaMenon, Nehru

૧૯૬૨ના મુખ્ય જવાબદારોમાંના એક તરીકે પંડિત નેહરુના માનીતા સંરક્ષણમંત્રી કૃષ્ણમેનન ઉપરાંત માનીતા કાશ્મીરી અફસર લેફ્‌ટ.જનરલ બી.એમ.કૌલ ઘણા વગોવાયા. કૌલે પોતાની સફાઇ પેશ કરતું પુસ્તક ‘ધ અનટોલ્ડ સ્ટોરી’ (૧૯૬૭) લખ્યું હતું. પરંતુ ‘હેન્ડરસન બ્રૂક્સ રીપોર્ટ’ જે જૂજ અફસરો વિશે નામ પાડીને ટીકા કરવામાં આવી છે, તેમાં મુખ્ય નામ કૌલનું છે. તેમના વિશે ‘ટૉપ સીક્રેટ’ રીપોર્ટની કેટલીક ટીપ્પણી :

  • યુદ્ધની પરિસ્થિતિ લક્ષ્યમાં રાખીને વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું નહીં. ચીફ ઑફ જનરલ સ્ટાફ, તેમના ડેપ્યુટી, ડીએમઓ, ડીએમઆઇ અને બીજા સ્ટાફ ડાયરેક્ટર્સની આ ચૂક અક્ષમ્ય છે. તેમાંથી તૈયારીના અને સંતુલનના અભાવની સ્થિતિ પેદા થઇ. આ હોદ્દા ચાવીરૂપ ગણાય છે અને તેના માટે જનરલ કૌલે ચુનંદા હોદ્દેદાર પસંદ કર્યા હતા. માટે, તેમની વચ્ચે આંતરિક સંઘર્ષનો પણ સવાલ ન હતો...મોરચા પર થયેલી  ભૂલોની સરખામણીમાં, દિલ્હીમાં બેઠેલા અને યુદ્ધના બોજ-તનાવથી મુક્ત એવા કમાન્ડરોએ કરેલી ભૂલો વધારે ભયંકર છે. (પૃ.૩૨)
  • (‘નેફા’ -હાલ અરુણચાલ પ્રદેશ-ના મોરચાની જવાબદારી ૩૩મી કોર્પ્સ ના માથે હતી. આ કોર્પ્સે અપૂરતી તૈયારી અને એવા સંજોગોમાં ચીન સામે લડાઇ વહોરી લેવા સામે ઘણી ચેતવણીઓ આપી હતી. પરંતુ ઇસ્ટર્ન કમાન્ડ અને તેને દિલ્હી બેઠાં બેઠાં ફોન પર સૂચના આપનાર આર્મી હેડક્વાર્ટર્સે એક પણ ચેતવણી લક્ષમાં લીધી નહીં.) ૪ ઑક્ટોબર, ૧૯૬૨ના રોજ ‘નેફા’ની જવાબદારી ૩૩મી કોર્પ્સ પાસેથી લઇને લેફ્‌ટ.જનરલ બી.એમ.કૌલની આગેવાની હેઠળ રચાયેલી નવી ૪થી કોર્પ્સને સોંપવામાં આવી. આ કોર્પ્સમાં હજુ સૈનિક ટુકડીઓના કે શસ્ત્રસરંજામનાં ઠેકાણાં ન હતાં. તેનું સર્જન ફક્ત કાગળ પર થયું હતું. છતાં ‘નેફા’ સહિત આખી ઇસ્ટર્ન કમાન્ડ બોર્ડર ૪થી કોર્પ્સની નીચે મૂકી દેવામાં આવી...નવી રચાયેલી કોર્પ્સ પરિણામોનો વિચાર કર્યા વિના લશ્કરી કાર્યવાહીમાં કૂદી પડી.(પૃ.૬૫)
Lt.Gen.B.M.Kaul /લેફ્ટ.જનરલ બી.એમ.કૌલ
  • આર્મી હેડક્વાર્ટર્સે તેના ગુપ્ત સંદેશમાં ૪ ઑક્ટોબર, ૧૯૬૨ના રોજ  બપોરે બે વાગ્યે ચોથી કોર્પ્સની જાહેરાત કરી અને સાંજે પાંચ વાગ્યે લેફ્‌ટ.જનરલ બી.એમ.કૌલે તેજપુર પહોંચીને એ કોર્પ્સનો કમાન્ડ સંભાળી લીધો. આ કાર્યવાહી લશ્કરી અને ગુપ્ત હોવા છતાં, બીજા દિવસે દિલ્હીથી પ્રગટ થયેલા ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં એ સમાચાર મોટા મથાળા સાથે ચમકાવવામાં આવ્યા. તેમાં જણાવાયું હતું કે લેફ્‌ટ.જનરલ કૌલ ૪ ઑક્ટોબરના રોજ પહોંચી ગયા હતા અને હવે ભારતીય સૈન્ય ‘નેફા’માંથી ચીનીઓને હાંકી કાઢવા માટે સજ્જ બની જશે....હકીકતમાં લેફ્‌ટ.જનરલ કૌલે તેજપુર જતાં પહેલાં કહ્યું હતું કે તેમની ચોક્કસ કામગીરીની વિગત તો આવતી કાલના સમાચારમાં મોટાં મથાળા સાથે જાહેર થશે. (પૃ.૮૩)
  • ૩૩મી કોર્પ્સના કમાન્ડર લેફ્‌ટ.જનરલ ઉમરાવસિંઘ પૂરતી તૈયારી વિના આંધળુકીયું કરવાની વિરુદ્ધમાં હતા, જ્યારે સંરક્ષણ મંત્રાલય, આર્મી હેડક્વાર્ટર્સ અને ઇસ્ટર્ન કમાન્ડ ‘ચીનાઓ પ્રતિકાર નહીં કરે’ એવી ધારણાના જોરે, જુગાર ખેલવા તૈયાર હતા. તૈયારી કે આયોજનની લપ વિના ચીનાઓને હાંકી કાઢવાની કાર્યવાહી ઝડપથી હાથ ધરી શકાય એ માટે એવા નવા કમાન્ડરની જરૂર હતી, જે કિંમત અને પરિણામની ચિંતા કર્યા વિના મોરચે ઝુકાવી દે...સંરક્ષણ મંત્રાલય અને આર્મી હેડક્વાર્ટર્સને ચીન સામે લશ્કરી કાર્યવાહીની એટલી ઉતાવળ હતી કે તેમણે ચોથી કોર્પ્સ રચી અને એ જ દિવસે તેને મોરચાની જવાબદારી સોંપી દીધી. (પૃ.૮૩)
  • ખુદ જનરલ કૌલે તેમના અહેવાલમાં જણાવ્યું છે કે ‘પૂરતા સૈન્ય કે પુરવઠાસહાય વિના ચોથી કોર્પ્સ ઊભી કરી દેવામાં આવી.’ પરંતુ હકીકત એ પણ છે કે બઘું જાણીને તેમણે આ કોર્પ્સની આગેવાની સ્વીકારી હતી. આ બાબતે તેમને કોઇ કચવાટ હોય તો એ જ વખતે તેમણે સરકાર સમક્ષ રજૂ કરવો જોઇતો હતો...લેફ્‌ટ.જનરલ કૌલના અહેવાલ પ્રમાણે, તે રજા પર ગયા હતા. તેમને પાછા બોલાવવામાં આવ્યા. ૩ ઑક્ટોબરના રોજ તેમણે ચીફ ઑફ જનરલ સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો અને એ સાંજે તો તેમને ચોથી કોર્પ્સના કમાન્ડર નિયુક્ત કરી દેવાયા.  આ બાબત સરકાર, ચીફ ઑફ આર્મી સ્ટાફ અને ચીફ ઑફ જનરલ સ્ટાફ (કૌલ)ની ‘ચીનાઓ મોટા પાયે પ્રતિકાર નહીં કરે’ એવી માન્યતા સૂચવે છે. (પૃ.૮૩-૮૪)
  • (આગળ જણાવેલી હકીકતો પરથી) એ સ્પષ્ટ છે કે ચોથી કોર્પ્સ રચવાનો હેતુ જનરલ કૌલ અને તેમના ચુનંદા અફસરોને ઝડપી કાર્યવાહી માટે  સક્ષમ બનાવવાનો હતો...જરાસરખું પણ લશ્કરી જ્ઞાન ધરાવતો કોઇ પણ માણસ એવી કોર ઊભી કરવાનું કે તેની આગેવાની લેવાનું સ્વીકારે નહીં, જેને રચનાના પહેલા જ દિવસે મોટા લશ્કરી ઑપરેશનમાં ઉતારવાની હોય...(પરંતુ) જનરલ કૌલ એવું માનતા હતા કે તેમને થાગલા રીજનું ઑપરેશન ઝડપથી પાર પાડવા માટે જ પસંદ મોકલવામાં આવ્યા હતા અને એ સંપન્ન થાય એટલે તેમનું કામ પૂરું થઇ જશે. (પૃ.૮૪)   લેફ્‌ટનન્ટ જનરલ કૌલે આત્મકથા ‘ધ અનટોલ્ડ સ્ટોરી’માં એ મતલબનું લખ્યું છે કે ચોથી કોરમાં સાધનસામગ્રી-સંસાધનોની અછત વિશે તે પૂરેપૂરા વાકેફ હોવા છતાં, માથે આવી પડેલી ફરજથી તે પાછી પાની કરવા માગતા ન હતા. એટલે તેમણે ચોથી કોરનો કમાન્ડ સંભાળવાનો નિર્ણય લીધો.)
  • પહેલાં લશ્કરી કાર્યવાહી શરૂ કરી દેવી અને પછી સંસાધનોની અછતનાં રોદણાં રડવાં, એ ‘હાઇટ ઑફ બૅડ પ્લાનિંગ’હતી...પુરવઠાની કારમી અછત વિશે પૂરી જાણકારી હોવા છતાં ૭મી ઇન્ફન્ટ્રી બ્રિગેડને ધોલા મોકલવાનો જનરલ કૌલનો હુકમ યુદ્ધના મૂળભૂત સિદ્ધાંતોની ઘોર અવગણના જેવો હતો.(પૃ.૫૯)
  • ટુકડી સાથે ૬ ઑક્ટોબરના રોજ નીકળેલા કોર્પ્સ કમાન્ડ (જનરલ કૌલ) બને એટલી ઝડપથી ધોલા પહોંચવા માગતા હતા. ચાલીને જતાં તેમને બહુ વાર લાગતી હતી. એટલે હાથુંગલા સુધીના મોટા ભાગના રસ્તે ખુમ્મા મજૂરે તેમને ઉપાડ્યા હતા. ઘણા જવાનોએ આ દૃશ્ય જોયું અને તેનાથી જનરલ કૌલની પહેલી છાપ બહુ સારી પડી ન હતી. (પૃ.૯૦-૯૧)
  • ૭ ઑક્ટોબરના રોજ બધી ટુકડીઓ ધોલા વિસ્તારમાં પહોંચી ગઇ...સાંજ સુધીમાં જનરલ કૌલે ૧૦મી ઑક્ટોબરના ઑપરેશનની તૈયારી આદરી. સાથોસાથ, ચીફ ઑફ આર્મી સ્ટાફ અને આર્મી કમાન્ડરને સંદેશો મોકલ્યો. તેમાં સાધનસરંજામની તીવ્ર અછત વિશે જણાવાયું હતું...યોગ્ય વસ્ત્રોના અભાવે ૧૧ ઑક્ટોબર સુધીમાં ૩૦૦ જવાનોને ફ્‌લુ અને ૨૪ જવાનોને ન્યુમોનિયા લાગુ પડ્યો હતો. (પૃ.૯૧)
  • આરંભિક કાર્યવાહીમાં ચીન તરફથી ત્વરિત પ્રતિક્રિયા ન મળી. એટલે ૯ ઑક્ટોબરના રોજ જનરલ કૌલને એવું લાગ્યું કે તેમણે બહાદુરીભર્યા આક્રમણથી મોટી ફતેહ હાંસલ કરી છે અને આશ્ચર્યના તત્ત્વના પ્રતાપે બાકીની નબળાઇઓ ઢંકાઇ ગઇ છે. આ મતલબનો સંદેશો પણ તેમણે  તૈયાર કર્યો...પરંતુ બીજા દિવસે ચીને જોરદાર હુમલો કર્યો. આપણે પાછા હઠવું પડ્યું. એટલે એ સંદેશો મોકલવામાં આવ્યો નહીં. (પૃ.૯૩)

  • ૯ ઑક્ટોબરના રોજ ચીફ ઑફ આર્મી સ્ટાફે જનરલ કૌલના ૭ ઑક્ટોબરના સંદેશાનો જવાબ આપતાં લખ્યું કે ઑપરેશન નક્કી થયેલી તારીખે શરૂ કરવું બિલકુલ જરૂરી નથી. પરંતુ આરંભિક ફતેહથી ઉત્સાહીત થયેલા કોર્પ્સ કમાન્ડર (જનરલ કૌલ)ને પુનઃવિચાર કરવાની જરૂર જણાઇ નહીં. (પૃ.૯૪)
  • સિંગજાંગની લડાઇમાં પાછા હઠવું પડ્યું, એ જનરલ કૌલને વસમું લાગ્યું. એટલે તેમણે આર્મી હેડક્વાર્ટરને ગંભીર સ્થિતિની જાણ કરી અને એ વિશે વડાપ્રધાન તથા સંરક્ષણમંત્રીને જાણ કરવા માટે દિલ્હી આવવાની પરવાનગી માગી...૧૧ ઑક્ટોબરના રોજ જનરલ કૌલ અને બીજા અફસરો સાથેની મિટિંગ પછી ૧૨ ઑક્ટોબરના રોજ વડાપ્રધાન નેહરુએ જાહેર કર્યું કે થાગલા રિજ વિસ્તારમાંથી ચીનીઓને હાંકી કાઢવાનો હુકમ અપાઇ ગયો છે. પરંતુ શિયાળો બેસી ગયો હોવાથી, આ કાર્યવાહી ક્યારે કરવી એ સૈન્ય પર છોડવામાં આવ્યું છે.(પૃ.૯૫)
  • વડાપ્રધાન અને લશ્કરી વડાઓ લશ્કરી કાર્યવાહી મોકૂફ રાખવા માટે તૈયાર હતા. મોરચે રહેલા સૈનિકોની હાલત ખરાબ હતી. પુરવઠાનાં ઠેકાણાં ન હતાં. પણ જનરલ કૌલ અગમ્ય કારણોસર લડી લેવાના મૂડમાં હતા. અચાનક, ૧૭ ઑક્ટોબરના રોજ એ બીમાર પડ્યા. બીજા દિવસે દિલ્હીથી તેમને લેવા મેડિકલ ઑફિસર સાથે એક વિમાન આવ્યું. તેમને દિલ્હી લઇ જવાના નિર્ણય વિશે આર્મી કમાન્ડર કે ઇસ્ટર્ન કમાન્ડની મેડિકલ સર્વિસીસના ડેપ્યુટી ડાયરેક્ટરને સુદ્ધાં જાણ ન હતી...વિમાન સંરક્ષણમંત્રીએ મોકલ્યું હતું...કોર્પ્સ કમાન્ડરે આર્મી કમાન્ડરની રજા લેવાનું તો ઠીક, તેમને જાણ કરવાનું પણ જરૂરી ન માન્યું એ આશ્ચર્યજનક ગણાય. (પૃ.૧૦૧)
  • ત્યાર પછી જનરલ કૌલે ૨૦ ઑક્ટોબર સુધી દિલ્હીથી હુકમો આપવાનું ચાલુ રાખ્યું. ઇસ્ટર્ન કમાન્ડના વડામથક તેજપુરમાં પૂરતી તબીબી સુવિધા હોવા છતાં એ દિલ્હી કેમ ગયા એ સમજાતું નથી. હુકમો આપવા માટે તેમણે કમ સે કમ તેજપુરમાં રહેવું જોઇતું હતું.  (પૃ.૧૦૩)
***
આવી કંઇક હકીકતો છુપાવીને બેઠેલો હેન્ડરસન બ્રૂક્સ રીપોર્ટ  આખેઆખો જાહેર થાય તેની પ્રતીક્ષા રહેશે.
(સમાપ્ત)

Monday, July 21, 2014

૧૯૬૨ના યુદ્ધ-ધબડકા વિશેના હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ : રાજકીય વિવાદ વગરની વરવી વાસ્તવિકતા

ચીન સામેના ૧૯૬૨ના યુદ્ધમાં ભારતની રાજકીય અને લશ્કરી નેતાગીરીએ ક્યાં અને કેવું કાચું કાપ્યું? બાવન વર્ષ પછી પણ ‘ટૉપ સીક્રેટ’ ગણાતા રીપોર્ટના ચુનંદા અને આંચકાજનક અંશ 


પ્રચારને કારણે ઊભી થયેલી સામાન્ય છાપ એવી છે કે ૧૯૬૨માં પંડિત નેહરુ ઉંઘતા ઝડપાયા. તે વિશ્વશાંતિના મોહમાં ‘હિંદી-ચીની ભાઇ ભાઇ’નું રટણ કરતા રહ્યા અને ચીની સૈનિકો ભારતની હદમાં ધૂસણખોરી કરી ગયા એનો તેમને ખ્યાલ જ ન રહ્યો. પરંતુ વાસ્તવિકતા એનાથી ઘણી વધારે પેચીદી છે.

ચીન સામે ભારતના પરાજયની લશ્કરી રાહે તપાસનું કામ ડિસેમ્બર, ૧૯૬૨માં લેફ્‌ટનન્ટ જનરલ હેન્ડરસન બ્રુક્સ/ Lt.General Henderson Brooksને સોંપાયું હતું. બ્રિગેડીઅર પી.એસ.ભગતને તેમના સહાયક તરીકે નીમવામાં આવ્યા. હેન્ડરસન બ્રુક્સે ફક્ત ચાર મહિનામાં સોંપી દીધેલો વિસ્તૃત તપાસ અહેવાલ પાંચ દાયકા પછી પણ ‘ટૉપ સીક્રેટ’ રાખવામાં આવ્યો છે. ‘અહેવાલમાં પંડિત નેહરુ દોષી ઠરતા હોવાથી કોંગ્રેસી સરકારો એ રીપોર્ટ જાહેર કરતી નથી’ એવો આરોપ અત્યાર સુધી થતો હતો. પરંતુ વાજપેયીની એનડીએ સરકારે પણ તેને જાહેર ન કર્યો.

ભારત-ચીન યુદ્ધ વિશે સંશોધનાત્મક પુસ્તક લખનાર ૮૭ વર્ષીય ઓસ્ટ્રેલિયન પત્રકાર Neville Maxwell/ નેવિલ મેક્સવેલે થોડા મહિના પહેલાં આ અહેવાલનો મોટો હિસ્સો પોતાની વેબસાઇટ થકી મફત ડાઉનલોડ માટે ખુલ્લો મૂકી દીધો. ત્યારે વિપક્ષી નેતા તરીકે અરુણ જેટલીએ આખો અહેવાલ જાહેર કરવાનો આગ્રહ રાખ્યો હતો અને આટલાં વર્ષે સચ્ચાઇ જાણવાના લોકોના જાણવાના અધિકારની વકીલાત કરી હતી. હવે પોતે સંરક્ષણ મંત્રી બન્યા પછી તે પણ હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ જાહેર કરવા માગતા નથી. તેમની મનાઇનું સાચું કારણ અટકળનો વિષય હોવાથી એમાં પડવાને બદલે, નક્કર હકીકતોની વાત કરવા જેવી છે.

હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટનાં તારણ એવું સૂચવે છે કે ૧૯૬૨ના ધબડકા માટે પંડિત નેહરુની ગાફેલિયત ઉપરાંત તેમનો વઘુ પડતો ઉત્સાહ અને પૂરતી લશ્કરી સજ્જતા વિનાની ‘ફોરવર્ડ પૉલિસી’ કારણભૂત હતાં. ‘ફોરવર્ડ પૉલિસી’ એટલે કોઇનો કબજો ન હોય એવા સરહદી વિસ્તારોમાં આગળ સુધી ચોકીઓ સ્થાપવાની આક્રમક નીતિ,  જે ચીનની લશ્કરી જમાવટના અને કાશ્મીર સરહદે ઘૂસણખોરીના પ્રતિભાવ તરીકે અપનાવવામાં આવી હતી.

પત્રકાર નેવિલ મેક્સવેલે આ અહેવાલમાંથી ઘણી હકીકતોનો પોતાના પુસ્તક ‘ઇન્ડિયાઝ ચાયના વૉર’ (૧૯૭૦)માં ઉપયોગ કર્યો હતો. છતાં મોટા ભાગના લોકો માટે એ સામગ્રી એટલી પરિચિત નથી. આ વર્ષે મેક્સવેલે ડાઉનલોડ કરવા માટે ખુલ્લા મૂકી દીધેલા હેન્ડરસન બૂ્રક્સ રીપોર્ટના પહેલા ભાગનાં કુલ ૧૯૦ પાનાંમાંથી ૬૪ પાનાં ગાયબ છે. છતાં, જેટલું જાહેર થયું છે તે પણ પૂરતું આંચકાજનક છે.

***

  • નવેમ્બર ૨, ૧૯૬૧ના રોજ વડાપ્રધાનની કચેરીમાં એક મિટિંગ થઇ. તેમાં બીજા લોકો ઉપરાંત સંરક્ષણ મંત્રી, વિદેશ સચિવ, ચીફ ઑફ આર્મી સ્ટાફ અને આઇબી (ઇન્ટેલિજન્સ બ્યુરો)ના ડાયરેક્ટર હાજર હતા. આઇબીના ડાયરેક્ટરનો મત એવો હતો કે ‘(સરહદ પર) આપણે નવી ચોકીઓ ઊભી કરીશું તો પણ ચીન કશી પ્રતિક્રિયા નહીં આપે અને એ લોકો બળપ્રયોગ કરવાની સ્થિતિમાં હશે તો પણ એવું કરે એવી શક્યતા નથી.’ સપરંતુ આર્મી હેડ ક્વાર્ટર્સના એન્યુઅલ ઇન્ટેલીજન્સ રીવ્યુ (૧૯૫૯-૬૦)માં સાફ જણાવાયું હતું કે તેમના તાબા હેઠળના વિસ્તારોમાંથી કોઇ પણ ભાગ પાછો મેળવવાનો પ્રયાસ થશે તો ચીન બળપ્રયોગ દ્વારા પ્રતિકાર કરશે. (પૃ. ૮)
  • વડાપ્રધાનની કચેરીમાં મળેલી મિટિંગમાં ‘ફોરવર્ડ પૉલિસી’ના સંદર્ભે મુખ્ય ત્રણ નિર્ણય લેવામાં આવ્યા.  ૧) લદ્દાખમાં આપણી હાલની ચોકીઓથી આંતરરાષ્ટ્રિય સરહદ તરફ શક્ય એટલા આગળ સુધી પેટ્રોલિંગ કરવું...જેથી ચીની સૈનિકો આગળ વધતા અટકે અને જ્યાં આપણી હદમાં તે ધૂસી ગયા હોય ત્યાં તેમનું પ્રભુત્વ રોકી શકાય. સ્વરક્ષણ  સિવાય બીજા કોઇ સંજોગોમાં ચીની સૈનિકો સાથે ઘર્ષણમાં ઉતરવું નહીં.   ૨) ઉત્તર પ્રદેશ અને ઉત્તરી વિસ્તારોમાં (ચીની ધૂસણખોરીની) લદ્દાખ જેવી તકલીફ નથી. ત્યાં આપણે શક્ય હોય એટલા આગળ વધવું અને આખી સરહદ પર અસરકારક કબજો જમાવવો. એ સરહદે જ્યાં ગાબડાં લાગે તે ચોકીઓ કે પેટ્રોલિંગથી ભરી દેવાં. ૩) વહીવટી અને કામગીરીને લગતી (ઑપરેશનલ) અનેક મર્યાદાઓને ઘ્યાનમાં રાખીને આપણાં દળોને સરહદ પર એવી જગ્યાઓએ તહેનાત કરવાં કે જે જગ્યાઓ ફોરવર્ડ પોસ્ટ (છેક સરહદ પર રહેલી મોખરાની જગ્યાઓ)ની પાછળ હોય, જ્યાં આસાનીથી તેમને પુરવઠો પહોંચાડી શકાય અને જ્યાંથી તે જરૂર પડ્યે ઝડપભેર ફોરવર્ડ પોસ્ટ પર પહોંચી શકે...  આમ, મિટિંગમાં લેવાયેલા નિર્ણયોનો અમલ કરવો હોય તો, પૂરતી સંખ્યામાં સૈન્યબળ ઊભું થયા પછી જ કરી શકાય. વેસ્ટર્ન કમાન્ડે  અગાઉથી જણાવ્યું હતું કે લદ્દાખ સરહદે અસરકારક સંરક્ષણ માટે સૈન્યની ઓછામાં ઓછી એક ડિવિઝનની જરૂર પડશે. (પૃ.૮-૯)
  • આર્મી હેડક્વાર્ટરે મિટિંગનાં ત્રણ સૂચનોમાંથી ત્રીજું- પૂરતા સૈન્યબળને લગતું- સૂચન કોરાણે મૂકીને બાકીનાં બે સૂચન પોતાના વિવિધ કમાન્ડ્‌ઝને મોકલી આપ્યાં...સરકાર પર ગુમાવેલા પ્રદેશ મેળવવા માટે રાજકીય દૃષ્ટિએ આતુર હતી છતાં તેણે સાવચેતીપૂર્વકની નીતિ સૂચવી હતી, જ્યારે આર્મી હેડક્વાર્ટર્સે તેના કમાન્ડ્‌સને પાઠવેલો નીતિવિષયક આદેશ લશ્કરી દૃષ્ટિએ નબળો (અનસાઉન્ડ) હતો....આર્મી હેડક્વાર્ટર્સે સરકારી સૂચન પ્રમાણે પૂરતું પીઠબળ ઊભું કરવાને બદલે, બારોબર ‘ફોરવર્ડ પૉલિસી’નો અમલ શરૂ કર્યો. (પૃ.૯-૧૦) 
  • ‘ફોરવર્ડ પૉલિસી’ બાબતે ચીન તરફથી પહેલો પ્રતિકાર ૨૨ એપ્રિલ, ૧૯૬૨ના રોજ થયો. (પૃ.૧૧) 
  •  વેસ્ટર્ન કમાન્ડે ૧૫ મે, ૧૯૬૨ના રોજ આર્મી હેડક્વાર્ટર્સને જાણ કરી કે ચીની હુમલાની સંભાવના ઘ્યાનમાં રાખીને ગલવાન નદી પાસે કોઇ ચોકી ઊભી કરવામાં ન આવે. પરંતુ હેડક્વાર્ટ્‌ર્સે આ સૂચન ફગાવીને ૫ જુલાઇ, ૧૯૬૨ના રોજ ત્યાં ચોકી ઊભી કરી. ચોકી સ્થપાઇ ગયા પછી વેસ્ટર્ન કમાન્ડે કહ્યું કે ત્યાં સૈનિકોને જમીન રસ્તે નહીં, પણ હવાઇ માર્ગે મોકલવા જોઇએ, જેથી ચીની સૈનિકો સાથે સંઘર્ષ ટાળી શકાય. પણ આર્મી હેડક્વાર્ટર્સે જમીન રસ્તે જ સૈનિકો મોકલ્યા. ચીની સૈનિકોએ તેમને આંતર્યા અને ચોકી સુધી પહોંચવા દીધા નહીં. (પૃ.૧૨)
  •  જુલાઇ, ૧૯૬૨ સુધીમાં ‘ફોરવર્ડ પૉલિસી’ અંતર્ગત લેહ વિસ્તારમાં નવી ૩૬ ચોકી ઊભી કરવામાં આવી. (ચોકીઓની કુલ સંખ્યાઃ ૬૦)તેના લીધે ભારતનું પાંખું સૈન્યબળ ઓર વેરવિખેર અને વિભાજીત થઇ ગયું. નવી ચોકીઓને મજબૂત ટેકો પૂરો પાડવાને બદલે, આ ચોકીઓને લીધે ભારતીય સૈન્યની હાલત નબળી પડી. (પૃ.૧૩, ૧૫) 
  • નવી ચોકીઓ પછી ભારત અને ચીન વચ્ચે સાવ આમનેસામને આવી ગયાં. ચીન તરફથી પ્રતિકાર શરૂ થતાં, ૨૨ જુલાઇ, ૧૯૬૨ના રોજ આર્મી હેડક્વાર્ટર્સ તરફથી સૂચના મળી કે ચોકીઓ પર ખતરો હોય ત્યારે ચીની સૈનિકો પર કરવો. (જૂની નીતિ ફક્ત સ્વબચાવમાં ગોળીબાર કરવાની હતી) આમ, જુલાઇ, ૧૯૬૨ના અંત સુધીમાં બન્ને પક્ષો વચ્ચે તણખામાંથી ભડકો થાય એટલો તનાવ સર્જાયો. (પૃ.૧૪)
  •  ભારતના અપૂરતા સૈન્યબળથી ચિંતિત વેસ્ટર્ન કમાન્ડે ૧૫ ઑગસ્ટ, ૧૯૬૨ના રોજ લેહની વાસ્તવિક સ્થિતિ અંગેનું પુનઃમુલ્યાંકન હેડક્વાર્ટર્સને મોકલ્યું. તેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું હતું કે આપણા સંદેશાવ્યવહાર કે શસ્ત્રસરંજામ- કશાંનાં ઠેકાણાં નથી. આ સ્થિતિમાં જો યુદ્ધ થશે તો આપણે  પાકા પાયે પછડાટ ખાઇશું. (પૃ.૧૫) તેમાં એમ પણ જણાવવામાં આવ્યું કે ‘રાજકીય નિર્દેશો લશ્કરી સંસાધનો પર આધારિત હોય એ જરૂરી છે. એ બન્ને વચ્ચે સંબંધ ન હોય તો આપણે નૈતિક અને ભૌતિક એમ બન્ને રીતે, આપણે જેટલું ગુમાવ્યું છે એનાથી પણ વધારે ખોવાનો વારો આવે, એવી સ્થિતિ સર્જાઇ શકે છે. આપણા વિસ્તારો પર ચીનના ગેરકાયદે દાવાનો પ્રતિકાર કરવા માટે અપનાવેલી નીતિનો અસરકારક અમલ કરી શકાય એ માટે લશ્કરને સજ્જ કરવું રહ્યું અને તેનો કોઇ શોર્ટ કટ નથી.’ (પૃ.૧૬) 
  • આટઆટલી ચેતવણી છતાં આર્મી હેડક્વાર્ટર્સની આંખ ઉઘડતી ન હતી. તેમને એવું લાગતું હતું કે લદ્દાખમાં ચીન મોટા પાયે લશ્કરી કાર્યવાહી નહીં કરે. એટલું જ નહીં, અત્યાર લગી ચીને કશું નોંધપાત્ર કર્યું નથી તેને એમણે ‘ફોરવર્ડ પૉલિસી’ની સફળતા માની લીધી...ડેપ્યુટી ચીફ ઑફ ધ જનરલ સ્ટાફે લેફ્‌ટનન્ટ જનરલ એલ.પી.સેનને છેક સપ્ટેમ્બર, ૧૯૬૨માં એવું કહ્યું હતું, ‘લદ્દાખના અનુભવ પરથી લાગે છે કે થોડાં રાઉન્ડ ગોળીબાર કરીશું તો ચીનાઓ ભાગી છૂટશે.’ (પૃ.૧૭)
(લદ્દાખના મોરચે મૂર્ખામીભર્યા આત્મવિશ્વાસમાં રાચતા આર્મી હેડક્વાર્ટર્સ અને કેટલાક અફસરો-બાબુઓ-નેતાઓનું અરુણાચલ પ્રદેશના મોરચે કેવું વલણ હતું? તેની વાત આવતા સપ્તાહે)

Thursday, July 17, 2014

૧૯૬૨ના યુદ્ધમાં ચીન સામે ભારતના ધબડકાનો હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ : બાવન વર્ષે બાવો બોલ્યો...

વાત નવી નથી. ફક્ત તેમાં આવેલો વળાંક વિચિત્ર છે.

ચીન સાથેના યુદ્ધમાં ભારતને ભૂંડી રીતે ખુવારી અને હાર વેઠવાં પડ્યાં, એ ૧૯૬૨નો બનાવ. તેના પરિણામે વડાપ્રધાન નેહરુની છબીને લાગેલો ધબ્બો હજુ દૂર થઇ શક્યો નથી. ઉલટું, નક્કર હકીકતો સાથે બીજા પ્રચારની ભેળસેળથી એ વધારે ઘેરો બન્યો છે.

ભારત તરફથી યુદ્ધમાં ક્યાં કાચું કપાયું, તેની લશ્કરી રાહે તપાસ માટે ૧૪ ડિસેમ્બર, ૧૯૬૨ના રોજ લેફ્‌ટનન્ટ જનરલ હેન્ડરસન બ્રુક્સ/ Henderson Brooks (અને તેમની મદદ માટે બ્રિગેડીઅર પી.એસ.ભગત)ની તપાસ સમિતિ નીમવામાં આવી હતી. તેનાં પાંચ તપાસક્ષેત્રો નક્કી કરવામાં આવ્યાં : તાલીમ, શસ્ત્રસરંજામ, કમાન્ડ સીસ્ટમ, સૈનિકોની શારીરિક સજ્જતા અને દરેક સ્તરે પોતાના સૈનિકો પર પ્રભાવ પાડવાની કમાન્ડરોની ક્ષમતા. તપાસ મુખ્યત્વે નેફા/NEFA (નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એડમિનિસ્ટ્રેશન- હાલના અરુણાચલ પ્રદેશ)માં ભારતને વેઠવા પડેલા પરાજય પર કેન્દ્રિત રહેવાની હતી. આ તપાસ રાજકીય નહીં, પણ લશ્કરી હતી. તેના તપાસક્ષેત્રમાં રાજકીય દખલીગીરીનો સમાવેશ થતો ન હતો. તપાસ બિનરાજકીય હોવાને કારણે સમિતિએ ચાર મહિનામાં વિગતવાર અહેવાલ તૈયાર કરી દીધો. એ સંરક્ષણ મંત્રી યશવંતરાવ ચવાણને પણ આપવામાં આવ્યો. તેમણે વડાપ્રધાન નેહરુ સુધી તે પહોંચાડ્યો અને ભારતીય લશ્કરમાં અસંતોષ ન જાગે એ રીતે, સંસદમાં સલુકાઇથી (અને ખોટેખોટો) વડાપ્રધાનનો બચાવ પણ કર્યો.

‘હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ’/ Henderson Brooks Report તરીકે ઓળખાતો આ ‘ટૉપ સીક્રેટ’ અહેવાલ ત્યારથી કુતૂહલ, વિવાદ અને આક્ષેપોનું કેન્દ્ર રહ્યો છે. વર્ષો સુધી કોંગ્રેસી સરકારોએ, રાષ્ટ્રિય સુરક્ષા અને સંવેદનશીલ માહિતીનું કારણ આગળ ધરીને અહેવાલને ગુપ્ત રાખ્યો. એ વખતે થતી વાજબી શંકા એવી હતી કે અહેવાલમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુની ગાફેલિયત કે તેમણે લીધેલા ખોટા નિર્ણયોની વિગત હશે. એટલે કોંગ્રેસ અહેવાલ છુપાવી રહી છે.

અહેવાલને લગતો પહેલો ધડાકો ૧૯૭૦માં થયો, જ્યારે ઓસ્ટ્રેલિયન પત્રકાર નેવિલ મેક્સવેલ/ Neville Mexwell નું પુસ્તક ‘ઇન્ડિયાઝ ચાયના વૉર’/ India's China War પ્રકાશિત થયું. મેક્સવેલનો દાવો હતો કે તેમણે ‘ટૉપ સીક્રેટ’ ગણાતા હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટની નકલ હસ્તગત કરી હતી. પોતાના દાવાના ટેકામાં તેમણે રીપોર્ટમાંથી ઘણાં ટાંચણ આપ્યાં હતાં.

પરંતુ આ વર્ષે, ૭ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ ૮૭ વર્ષના નેવિલ મેક્સવેલે વઘુ મોટો ધડાકો કર્યો. ‘માય હેન્ડરસન બ્રુક્સ આલ્બાટ્રૉસ’ (હેન્ડરસન બૂ્રક્સ અહેવાલનો અભિશાપ) એ મથાળા હેઠળ મેક્સવેલે અહેવાલ સંબંધિત પોતાના અનુભવોનું ટૂંકું વિવરણ આપ્યું, પોતના પ્રસ્તાવ છતાં છેક વર્ષ ૨૦૧૨માં કેટલાંક અગ્રણી ભારતીય પ્રકાશનો આ અહેવાલ છાપવા તૈયાર ન થયા તેનું આશ્ચર્ય જાહેર કર્યું, ભારત સરકારે હજુ સુધી તેને ડીક્લાસિફાય કર્યો નથી- ખુલ્લો મૂક્યો નથી, એ બાબતનો ખેદ વ્યક્ત કર્યો અને લખ્યું, ‘ક્યાં સુધી હું આ અહેવાલનો બોજ વેંઢાર્યા કરીશ? મારી ભાવિ પેઢીના માથે એ બોજ મૂકીને જવાને બદલે, હું પોતે જ ઇન્ટરનેટના માઘ્યમથી એ (ખાનગી) અહેવાલ જાહેરમાં મૂકું છું.’

મેક્સવેલે એવી ચોખવટ પણ કરી કે ‘મેં અહીં (બ્લોગ પર) ખુલ્લા મૂકેલા ‘ટૉપ સીક્રેટ’ રીપોર્ટમાં બે ઠેકાણે ગાબડાં છે, જે ઇરાદાપૂર્વકનાં નહીં, પણ કોપી કાઢવામાં થયેલી ભૂલને કારણે છે.’ એ વાત સાચી હોય કે ન પણ હોય, છતાં દરેક પાનાના લખાણની ઉપર નીચે ‘ટૉપ સિક્રેટ’ લખેલા હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટનાં ૧૨૬ પાનાં મૂળ સ્વરૂપે પહેલી વાર વાંચવા મળ્યાં.

‘ધર્મ’ : વિપક્ષી અને સરકારી

રીપોર્ટ જાહેર થયો ત્યારે યુપીએ સરકારનું રાજ હતું. એટલે રાજ્યસભામાં વિપક્ષી નેતા અરુણ જેટલીએ વિવાદમાં ઝંપલાવ્યું. તેમણે એ વિશે લખેલો એક બ્લોગ વાંચીને એવું લાગે કે જેટલીએ રીપોર્ટ જોયા વિના, ફક્ત છાપાંના ઉપરછલ્લા અહેવાલ વાંચીને જ પથરા ફેંક્યા છે. તેમણે લખ્યું, ‘શું અહેવાલનો પહેલો ભાગ (જ) જાહેર કરાયો છે? પ્રસાર માઘ્યમોના અહેવાલ પ્રમાણે રીપોર્ટનાં ૧૧૨થી ૧૬૭ સુધીનાં પાનાં જાહેર કરવામાં આવ્યાં નથી. એ શું એટલા માટે ખાનગી રખાયાં છે કે તેમાં ત્યારના સત્તાધીશોને ક્ષોભજનક સ્થિતિમાં મૂકનારી વિગતો છે? પહેલાં ૧૧૧ પાનાં જાહેર કરી દેવાયાં છે ત્યારે એ જરૂરી છે કે બાકીનાં પાનાં પણ જાહેર કરવામાં આવે, જેથી તેના વિશે અનધિકૃત સ્રોતોમાંથી આવતી વિગતોથી લોકમત દોરવાય નહીં.’

સર્વોચ્ચ અદાલતના નામી વકીલ તરીકે ખ્યાતિ ધરાવતા જેટલીની દલીલનું હાર્દ સાચું હોવા છતાં, પ્રાથમિક વિગતો ખોટી હતી. ઇન્ટરનેટ પર મૂકાયેલો અહેવાલ કુલ ૧૧૧ નહીં, પણ ૧૨૬ (ટાઇપ કરેલાં) પાનાંનો છે. તેમાંથી મથાળાનું પહેલું પાનું બાદ કરીને બીજા પાનાથી નંબર શરૂ થાય છે. મથાળાના પાને સ્પષ્ટ રીતે ‘પાર્ટ ૧’ એવું લખવામાં આવ્યું છે. એટલે એ શંકા કે સવાલનો વિષય નથી.

જેટલીના લખાણ પરથી એવી છાપ પડે કે ૧૬૭ પાનાંના રીપોર્ટમાં ૧ થી ૧૧૧ પાનાં જાહેર કરાયાં છે અને ત્યાર પછીનાં દાબી રખાયાં છે. હકીકતમાં અહેવાલ પર સામાન્ય નજર ફેરવવાથી દેખાય એમ છે કે તેનાં કુલ પાનાં ૧૯૦ છે. તેમાં ૧૧૧મા પાના પર  લગાડેલી ચબરખીમાં નોંધ છે કે ‘પાના નં.૧૧૨-૧૫૭ મિસિંગ છે.’ તેના આધારે કેટલાક અહેવાલોએ અને તેની પરથી જેટલીએ એવું તારણ કાઢી લીઘું લાગે છે કે અહેવાલનાં ૧થી ૧૧૧ પાનાં જાહેર કરાયાં. બાકી, સહેજ ઝીણવટથી જોતાં જણાય છે કે ૧૯૦ પાનાંના અહેવાલમાં વચ્ચે આટલાં પાનાં ગાયબ છે : ૨૦ થી ૨૯, ૩૫, ૧૦૪ થી ૧૧૦ અને ૧૮૭. (ગાબડાંની સંખ્યા ખુદ મેક્સવેલે જણાવ્યા કરતાં વધારે છે.)

જેટલીની વિગતોમાં રહેલી કચાશની વાત કર્યા પછી, બીજો અને મુખ્ય મુદ્દો તેમની કેન્દ્રીય દલીલનો લઇએ. તેમણે લખ્યું હતું,‘છેલ્લાં બાવન વર્ષથી તમામ સરકારોને આ રીપોર્ટ જાહેર કરવાપણું લાગ્યું નથી. એ નિમિત્તે જુના દસ્તાવેજોને ડીક્લાસિફાય કરવા અંગે કેટલાક વાજબી સવાલ ઊભા થાય છે. શું આ પ્રકારના દસ્તાવેજો કાયમ માટે લોકોની નજરથી ઓઝલ રાખવા? આંતરિક સુરક્ષાને લગતા દસ્તાવેજ હોય તો થોડા સમય માટે તેમને ગુપ્ત રાખવાથી જાહેર હિત સાધી શકાય. પણ તેમને કાયમ માટે ‘ટૉપ સીક્રેટ’ રાખવાનું વ્યાપક જાહેર હિતમાં ન પણ હોય. સુરક્ષાને લગતા દસ્તાવેજો લાંબા ગાળે પ્રાસંગિકતા ગુમાવી બેસે છે...ભૂતકાળની ભૂલો વિશે જાણવાનો અને તેને સુધારવાના પગલાં લેવાનો કોઇ પણ સમાજને અધિકાર છે...આ અહેવાલ ઘણા દાયકા પહેલાં જાહેર કરાવો જોઇતો હતો... શું ૧૯૬૨ની ‘હિમાલય જેવડી ભૂલ’ (હિમાલયન બ્લન્ડર) ખરેખર ‘નેહરુની ભૂલ’(નેહરુવિઅન બ્લન્ડર) હતી?’ (૧૯ માર્ચ, ૨૦૧૪)

પછીના ચાર મહિનામાં ભારતની સરકાર બદલાઇ. અરુણ જેટલી સંરક્ષણ અને નાણાં જેવાં બબ્બે જવાબદાર ખાતાંના મંત્રી બન્યા.  ત્યાર પછી રાજ્યસભામાં હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ વિશેના સવાલનો લેખિત જવાબ આપતાં ગયા સપ્તાહે જેટલીએ કહ્યું, ‘હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ ટૉપ સીક્રેટ દસ્તાવેજ છે અને હજુ સુધી તેને ડીક્લાસિફાય કરવામાં આવ્યો નથી. આ રીપોર્ટને આખેઆખો કે અંશતઃ જાહેર કરવાનું કે તેને લગતી કોઇ વિગતો આપવાનું રાષ્ટ્રહિતમાં નથી.’ (૮ જુલાઇ, ૨૦૧૪)

બીજી સરકારોના રાજમાં ડીઝલના ભાવ વધે તે મોંઘવારી અને અમે ભાવ વધારીએ તે રાષ્ટ્રહિતમાં કડવી દવા, બીજી સરકારો રીપોર્ટ સંતાડી રાખે તે દિલચોરી ને અમે એ જાહેર ન કરીએ તો રાષ્ટ્રહિત- આવો બિનધાસ્ત, આક્રમક દંભ ભાજપને બરાબર ફાવે છે.

ભાજપનાં મોટા ભાગનાં પહેલાં કરી ચૂકેલી કોંગ્રેસ માનતી હશે કે આ રીપોર્ટ જાહેર કરવાથી પોતાની સામે રાજકીય ખતરો ઉભો થાય તો? કોંગ્રેસને સમજાવું જોઇએ કે એ તો વગર રીપોર્ટે પણ થઇ શકે છે. બીજી તરફ, જવાહરલાલ નેહરુ અને વર્તમાન કોંગ્રેસને એક ગણીને, તેમને ગાળો દેવાથી જેમને રાષ્ટ્રપ્રેમનો ઓડકાર આવી જાય છે, એવું ભક્તમંડળ આંખો ન ખોલવા માટે કૃતનિશ્ચયી છે. ‘રાજકારણમાં તો આવું જ હોય’ એવી દલીલ કરનારાએ સમજવું જોઇએ કે એ બચાવ નેતાઓનો છે. નેતાઓ કે પક્ષની ભક્તિમાં આપણો કશો સ્વાર્થ ન હોય તો નાગરિક તરીકે આપણે એવી નાકકટ્ટી દલીલ શા માટે કરવી જોઇએ?

હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ અંગે ચાર જ મહિનામાં જેટલીએ સઢ ફેરવી નાખ્યા, તેની આકરી ટીકા થતાં સરકારે પુનઃવિચારની મુદ્રા ધારણ કરવી પડી અને અહેવાલ જાહેર કરવો કે નહીં, એ નક્કી કરવાનું કામ ‘કેબિનેટ કમિટી ઓફ ડીફેન્સ’ને સોંપવાની હિલચાલ દર્શાવી છે. ‘ધ હિંદુ’માં અનામી સરકારી સૂત્રોને ટાંકીને જણાવાયું હતું કે,‘આમાં જેટલી શું માને છે એ અગત્યનું નથી. આ અહેવાલ જાહેર થાય તેની સામે લશ્કરનો અને મંત્રાલયનો વિરોધ છે. કેબિનેટે એકથી વધારે વાર આ અહેવાલને ડીક્લાસિફાય ન કરવાના નિર્ણય લીધા છે. એ સંજોગોમાં સંરક્ષણમંત્રી કેવળ પોતાની મરજીથી અહેવાલ જાહેર કરી શકે નહીં.’

આ પ્રકારના અનુભવોમાંથી રાજકીય પક્ષો બોધપાઠ મેળવે અને વિપક્ષની ભૂમિકા નિભાવતી વખતે યાદ રાખે એ જરૂરી હોવા છતાં બનતું નથી. અગાઉ ભાજપના અને અત્યારે કોંગ્રેસના કિસ્સામાં સ્પષ્ટ છે તેમ, એમની ભૂમિકા માત્ર ને માત્ર ખંડનાત્મક - નકારાત્મક બની જાય છે- અને એ પણ મોટે ભાગે વ્યાપક લોકહિતની નહીં, સંકુચિત પક્ષીય હિતની બાબતોમાં. તેમની આવી ખુલ્લી બેશરમીમાંથી કશો બોધપાઠ ન લેનારા લોકો ‘ટૉપ સીક્રેટ’ અહેવાલમાંથી બોધપાઠો મેળવી લેશે એવી આશા રાખવી વઘુ પડતી લાગે. છતાં, આશા અમર છે.