Showing posts with label Lakshmi Sehgal. Show all posts
Showing posts with label Lakshmi Sehgal. Show all posts

Sunday, August 05, 2012

રાણી ઝાંસી રેજિમેન્ટની મહિલાઓએ નેતાજીને લોહીથી સહી કરેલું આવેદનપત્ર આપ્યું હતું

કેપ્ટન લક્ષ્મી સહગલનાં સંભારણાં

ભારતની ઇતિહાસના ‘જો અને તો’માં થોડા સવાલ સુભાષચંદ્ર બોઝ/ Subhashchandra Boseને લગતા છે: તેમની આઝાદ હિંદ ફોજ જાપાનના ટેકાથી અંગ્રેજો સામે જીતી ગઇ હોત તો? સુભાષચંદ્ર બોઝ વિમાન અકસ્માતમાં અવસાન   પામવાને બદલે જવાહરલાલ નેહરુની જેમ લાંબું જીવ્યા હોત તો? કે પછી કેટલાકની માન્યતા પ્રમાણે એ અકસ્માતમાં મૃત્યુ પામ્યા ન હોય તો, પછીથી સુભાષચંદ્ર તરીકે જ પ્રગટ થયા હોત તો?

સુભાષચંદ્ર બોઝને લગતી આ અને એ સિવાયની ઘણી જિજ્ઞાસાઓ-અટકળોના જવાબ અધિકારથી આપી શકે એવી એક વ્યક્તિ એટલે કેપ્ટન લક્ષ્મી સહગલ. ૨૩ જુલાઇ, ૨૦૧૨ના રોજ થયેલા તેમના અવસાનથી ઘણાં વર્ષો પહેલાં તેમણે ઇતિહાસમાં ગૌરવવંતું સ્થાન મેળવ્યું હતું. જાપાને અંગ્રેજો વતી લડતા ભારતીય સૈનિકોને યુદ્ધકેદી તરીકે પકડ્યા, તેમાંથી આઝાદ હિંદ ફોજ/ Indian National Armyની રચના થઇ. જાપાનની કૃપાદૃષ્ટિથી સ્થપાયેલી આ ફોજની આગેવાની જર્મનીથી સિંગાપોર આવીને સુભાષચંદ્ર બોઝે સંભાળી, એટલે ફોજને એક દિશા મળી અને એક ઘ્યેય મળ્યાં. મદ્રાસમાં એમ.બી.બી.એસ. થયા પછી  સિંગાપોરમાં કામ કરતાં ડો.લક્ષ્મી સ્વામિનાથન્‌ રાષ્ટ્રવાદની ધગતી લાગણીથી પ્રેરાઇને સુભાષબાબુને  મળવા ગયાં અને તેમની સાથે જોડાઇને મહિલાઓની રાણી ઝાંસી રેજિમેન્ટનાં કેપ્ટન બન્યાં. આગળ જતાં (૨૧ ઓક્ટોબર, ૧૯૪૩ના રોજ) સુભાષબાબુએ  સિંગાપોરની ધરતી પર ‘આરઝી હકુમતે આઝાદ હિંદ’ (આઝાદ હિંદની કામચલાઉ સરકાર) ની ઘોષણા કરી ત્યારે લક્ષ્મી સ્વામિનાથન્‌ તેનાં એકમાત્ર મહિલા મંત્રી હતાં.

ત્રણ સ્વરૂપઃ લક્ષ્મી સ્વામિનાથન્‌, કેપ્ટન લક્ષ્મી, ડો.લક્ષ્મી સહગલ
Lakshmi Swaminathan, Capt.Lakshmi, Dr. Lakshmi Sehgal
૧૯૯૭માં તેમના નિવાસસ્થાને થયેલા મુલાકાતોના સિલસિલા દરમિયાન ડો.લક્ષ્મી સહગલે કહ્યું હતું કે ‘નેતાજી સિંગાપોર આવવામાં મોડા પડ્યા. તે એકાદ વર્ષ વહેલા આવ્યા હોત તો કદાચ જુદી સ્થિતિ હોત. કારણ કે ત્યારે વિશ્વયુદ્ધમાં જર્મની-જાપાનનું પલ્લું ભારે હતું.’ થયું એવું કે આઝાદ હિંદ ફોજની ગતિવિધી તેજ બની અને યુદ્ધના મોરચે તે બર્મા વટાવીને ઇમ્ફાલ (આસામ) સુધી પહોંચી ત્યારે, આ લડાઇ હારની છે એ નક્કી થઇ ચૂક્યું હતું. રાણી ઝાંસી રેજિમેન્ટની મહિલાઓ એ વખતે સીંગાપોરથી રંગુન આવી પહોંચી. દરમિયાન, નેતાજી રણમેદાને ઉતરવાની મંજૂરી આપે ત્યાં સુધી કેપ્ટન લક્ષ્મી મેમ્યોની એક હોસ્ટિપલમાં ડોક્ટર લક્ષ્મી તરીકે સેવાઓ આપી રહ્યાં હતાં. પરંતુ  બ્રિટનની મજબૂત બનેલી સ્થિતિ ઘ્યાનમાં રાખીને નેતાજીએ નક્કી કર્યું કે હવે રાણી ઝાંસી રેજિમેન્ટને મોરચે મોકલવી નહીં. કેપ્ટન લક્ષ્મીએ પોતાના માટે હુકમ માગતાં સુભાષબાબુએ કહ્યું હતું,‘હું નથી ઇચ્છતો કે સ્ત્રીઓ કેદ પકડાય. જેટલી સ્ત્રીઓ આસાનીથી પાછી ફરી શકે એમ હોય, તે જતી રહે.’

કેપ્ટન લક્ષ્મીએ રાણી ઝાંસી રેજિમેન્ટની મહિલાઓને આ હુકમ સંભળાવ્યો ત્યારે ‘સ્ત્રીઓનો જુસ્સો અકલ્પ્ય હતો. એ લોકોએ પોતાની આંગળી પર કાપો મૂકીને, તેમાંથી નીકળેલા લોહીથી સહી કરેલું એક આવેદનપત્ર નેતાજીને આપ્યું. તેમાં એમણે લખ્યું હતું કે અમે પાછાં ફરવાં માગતા નથી.’


સુભાષચંદ્ર બોઝ વિશેની અનેક ઝીણીમોટી જિજ્ઞાસાઓના જવાબ પણ ડો.લક્ષ્મી સાથેની મુલાકાત દરમિયાન મળ્યા. આઝાદ હિંદ ફોજમાં સિગરેટ-શરાબની પાબંદી હતી? એવા સવાલના જવાબમાં ડો.લક્ષ્મીએ કહ્યું હતું,‘પાબંદીનો પ્રશ્ન જ ક્યાં? કારણ કે એ સમયે બઘું ખૂબ મોંધું હતું. ફોજના અફસરો સિગરેટ માટે તલસતા હતા અને એવી ગમ્મત પણ કરતા કે બસ, બીજું કંઇ નહીં, પણ કોઇ સારી બ્રાન્ડની સિગરેટ  આપે તો પણ ઘણું. ચા-દૂધ-ખાંડ વિનાની, આછા લીલા રંગની ચાઇનીઝ ગ્રીન ટી પીતા નેતાજી પોતે કેરેવન એ બ્રાન્ડની સિગરેટ  પીતા હતા અને મોટા સમારંભ કે ડીનરમાં ઔપચારિકતાના ભાગરૂપે વાઇન લેતા હતા. જાપાનીઓ મોટી પાર્ટીમાં મને પણ હંમેશાં બોલાવતા. એ વખતે નેતાજી યજમાનોને કહી દેતા કે ઇનકો આપ મત પીલાઇયે. એ વખતે હું નેતાજીને કહેતી કે અમસ્તી હું પીતી જ નથી. પીવાથી શું થઇ જાય, કોને ખબર?’

‘અંગત જીવનમાં નેતાજીને વેદાંતમાં બહુ વિશ્વાસ હતો. રોજ પંદર મિનીટ-અડધો કલાક એ ઘ્યાન કરવાની કોશિશ કરતા. બર્મા અને  સિંગાપોરના રામકૃષ્ણ મિશનવાળાના સંપર્કમાં એ રહેતા, પરંતુ એને પોતાની અંગત બાબત ગણીને બીજા કોઇને તેમાં સામેલ કરતા નહીં.  સિંગાપોરમાં દક્ષિણ ભારતીય ચેટ્ટિયારોનું એક મંદિર હતું. એ લોકોએ કહ્યું કે નેતાજી મંદિરે પધારે તો એ મોટી રકમ દાનમાં આપશે. એ વખતે અમારે નાણાંની બહુ જરૂર હતી. પણ નેતાજીએ કહ્યું કે મારી સાથે ફક્ત હિંદુ અફસરોને જ પ્રવેશ મળવાનો હોય, તો આ નિમંત્રણ મને મંજૂર નથી. રૂપિયા કરતાં એકતા મને વધારે વહાલી છે. ’

ભારતનું કોમી વાતાવરણ સદંતર ડહોળાઇ ચૂક્યું હતું ત્યારે આઝાદ હિંદ ફોજ કોમી એકતાની મિસાલ બની રહી. ‘જય હિંદ’નો આઝાદી પછી પણ રાષ્ટ્રિય દરજ્જો પામેલો નારો આઝાદ હિંદ ફોજની દેન છે. તે નેતાજી સાથે  જર્મનીથી સબમરીનમાં આવેલા આબિદ હસને  આપ્યો હતો. આઝાદ હિંદના મુખ્ય ત્રણ અફસરો મોરચેથી પકડાયા અને અંગ્રેજોએ તેમની પર લાલ કિલ્લામાં મુકદ્દમો ચલાવ્યો ત્યારે આખા દેશમાં એટલા સમય પૂરતી કોમી એકતાની લહેર ફેલાઇ હતી. કારણ કે પકડાયેલા અફસરો હતાઃ કેપ્ટન શાહનવાઝ ખાન (મુસ્લિમ), કેપ્ટન પ્રેમકુમાર સહગલ (હિંદુ) અને લેફ્‌ટનન્ટ જનરલ ગુરુબક્ષસિંઘ ધિલ્લોં (શીખ). આ બહાદુરો સામે રાજદ્રોહનો કેસ ચાલ્યો ત્યારે, ડો.લક્ષ્મી સહગલના જણાવ્યા પ્રમાણે ‘મહંમદઅલી ઝીણાએ શાહનવાઝ હુસૈનને કહ્યું હતું કે તમે પેલા બન્નેથી અલગ થઇ જાવ, તો હું તમારો બચાવ કરીશ. પણ શાહનવાઝે એ દરખાસ્ત ઠુકરાવી દીધી હતી.’  આ ત્રણે નાયકોના બચાવ માટે ભૂલાભાઇ દેસાઇની આગેવાની હેઠળની ટીમમાં બેરિસ્ટર નેહરુ વર્ષો પછી પોતાનો કાળો કોટ પહેરીને વકીલ તરીકે હાજર રહેતા હતા.

પ્રેમકુમાર સહગલ આઝાદ હિંદ ફોજમાં સુભાષચંદ્ર બોઝના લશ્કરી સચિવ હતા. ‘આઝાદ હિંદ ફોજમાં જુવાન અફસરો અને રેજિમેન્ટની રાણીઓ વચ્ચે પ્રેમના કિસ્સા બનતા હતા?’ એવા સવાલનો જવાબ આપતાં, વાતચીત પછી ખુલી ગયેલાં ડો.લક્ષ્મીએ કહ્યું હતું, ‘મારો જ કિસ્સો લો ને. મારો સહગલ સાથે પરિચય ત્યાં જ થયો હતો ને અમે નજીક આવ્યાં. રેજિમેન્ટ વિખેરાઇ ગયા પછી મેં તેમની સાથે લગ્ન કર્યું.  એવી જ રીતે મેડિકલ ઓફિસર ડો.જ્ઞાન કૌર પણ આઝાદ હિંદ ફોજના અફસર સાથે લગ્ન કરીને ડો.જ્ઞાન પુરી બન્યાં હતાં.’ અલબત્ત, આ રોમાન્સ નેતાજીની સામે ખુલ્લો ન પડી જાય એની પૂરતી તકેદારી રખાતી હતી. ‘તેમને બીજો કશો વાંધો ન હતો, પણ મુખ્ય લક્ષ્યમાંથી ઘ્યાન ખસી જાય એ તેમનો મુદ્દો હતો.’

કેપ્ટન લક્ષ્મી સાથે લગ્ન પછી પકડાયેલા સહગલ અને તેમના સાથી શાહનવાઝ-ધિલ્લોંને લાલ કિલ્લાના કેસમાં ગુનેગાર ઠરાવવામાં આવ્યા, પરંતુ લોકલાગણી એટલી પ્રબળ હતી અને યુદ્ધ પછી અંગ્રેજી રાજનાં વળતાં પાણી થયાં હતાં, એટલે એ ત્રણેને નિર્દોષ છોડી મૂકવા પડ્યા. દેશભરમાં તેમનાં વિજય સરઘસ નીકળ્યાં. લોકો તેમને સો-સોની નોટોના હાર પહેરાવતા હતા. (એ રકમ આઝાદ હિંદ ફોજના ફૌજીઓ માટેના ભારત સરકારના ફંડમાં જમા થતી હતી.)

જયજયકાર શમ્યો એટલે વાસ્તવિકતા મોં ફાડીને ઊભી રહી.  ડો.લક્ષ્મી દિલ્હી-મુંબઇ-મદ્રાસ નહીં ને કાનપુરમાં શા માટે સ્થાયી થયાં, તેનો જવાબ પણ એમાં જ હતોઃ લાલ કિલ્લાના મુકદ્દમાના હીરો પ્રેમકુમાર સહગલને ક્યાંય સારી નોકરી કે કામની ઓફર ન હતી. એ સમયે કાનપુરની એક મિલમાંથી સારી ઓફર મળતાં સહગલ દંપતિ કાનપુર સ્થાયી થયું. દેશ આઝાદ થયા પછી ડો.લક્ષ્મી સહગલને નવા શાસકોના અનેક હતોત્સાહ કરે એવા અનુભવ થયા. બીજી તરફ સુભાષબાબુએ સ્થાપેલા પક્ષ ફોરવર્ડ બ્લોક સહિતના કેટલાકે ‘સુભાષબાબુ હજુ જીવે છે’ એવી માન્યતા ફેલાવી. પણ ડો.લક્ષ્મીએ નેતાજીનું મૃત્યુ સ્વીકારી લીઘું હતું. ‘વિમાની અકસ્માત અને નેતાજીના મૃત્યુના સમાચારથી પહેલાં અમે રાજી થયાં. કારણ કે એ હંમેશાં કહેતા કે ગમે તે થાય, હું કેદ પકડાવા માગતો નથી. પણ લાલ કિલ્લાના મુકદ્દમા પછી નેતાજીના સાથી અને તેમની સાથે વિમાનમાં સફર કરનાર હબીબુર રહેમાનને મળીને અમને ખાતરી થઇ ગઇ કે નેતાજીનું ખરેખર અવસાન થયું હશે.’

નેતાજી જીવે છે કે નહીં, તેની અટકળો અને તેમાંથી રાજકીય લાભ ખાટવાને બદલે ડો.લક્ષ્મી પોતાનાથી થાય એટલી દેશસેવાના કામમાં લાગ્યાં. સામ્યવાદી પક્ષમાં જોડાયાં. કાનપુરમાં સાવ રાહતદરે ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી. એક કાનપુરવાસી મિત્રે હસતાં હસતાં કહ્યું હતું કે ‘અડઘું કાનપુર એમના દવાખાનામાં જન્મ્યું છે.’ ૧૯૯૭માં અમારી મુલાકાત વખતે એમની ફી રૂ.વીસ હતી અને ગરીબ દર્દીઓ માટે એ પણ નહીં. એમના ઐતિહાસિક મોભાથી પ્રેરાઇને અમીરો પણ તેમના દવાખાને આવતા, પરંતુ ગરીબ-અમીર સૌ દર્દીઓને એકસરખી સારવાર મળતી. સુભાષચંદ્ર બોઝની યાદમાં જેનું નામ સુભાષિની રાખ્યું હતું, તે દીકરી પણ મોટાં થઇને સામ્યવાદી પક્ષમાં સંકળાયાં. ડો.લક્ષ્મીના મૃત્યુ સમયે પ્રગટ થયેલા અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે, હૃદયરોગનો હુમલો આવ્યો તેના આગલા દિવસ સુધી તે ક્લિનિક પર જતાં હતાં.

રેજિમેન્ટ વિખેરાઇ ગયા પછી પણ સેવા, શિસ્ત અને મિજાજની બાબતમાં આજીવન કેપ્ટન રહેલાં ડો.લક્ષ્મી સહગલને છેલ્લી સલામ.

Monday, July 30, 2012

આઝાદ હિંદ ફોજનાં કેપ્ટન લક્ષ્મી સહગલને આખરી સલામ

બ્લોગમાં કેપ્ટન લક્ષ્મી સહગલને તસવીરી અંજલિ
http://urvishkothari-gujarati.blogspot.in/2012/07/blog-post_24.html

પછી, હવે તેમના જીવનકાર્યની આછી ઝલક વિશનો પહેલો ભાગ


Captain Lakshmi Sehgal / કેપ્ટન લક્ષ્મી સહગલ


રાજેશ ખન્નાના મૃત્યુનાં મથાળાં બનાવનાર અને દિવસો સુધી તેમની ઝીણી ઝીણી વિગતો હોંશથી આપનાર પ્રસાર માઘ્યમોમાં એક સમાચારનું ઝંખવાઇ જવું સ્વાભાવિક હતું : આઝાદ હિંદ ફોજની રાણી ઝાંસી રેજિમેન્ટનાં લેફ્‌ટનન્ટ કર્નલ લક્ષ્મી સહગલ/ Lakshmi Sehgal નું મૃત્યુ.

આ સમાચાર સાવ ખોવાઇ ગયા તો ન કહેવાય. અખબારોએ પહેલા પાને લીધા. ટીવી ચેનલોએ તેમની નોંધ લીધી. પણ ચાર-પાંચ વર્ષ માટે સુપરસ્ટાર તરીકે અને ત્યાર પછીનો સમય ભૂતકાળના નશામાં જીવી જનારા રાજેશ ખન્નાને જે મહત્ત્વ મળ્યું, તેની સરખામણીમાં વાસ્તવિક જીવનનાં નાયિકા લક્ષ્મી સહગલના મરણની નોંધ કેવળ ઔપચારિકતા અને શરમાશરમી ખાતર,  સમાચાર ચૂકી ન જવાય એટલા પૂરતી લેવાઇ હોય એવું લાગે.  કેપ્ટન લક્ષ્મી સહગલ અને મૃણાલિની સારાભાઇ સગાં બહેન થાય, એટલી સાદી પ્રાથમિક માહિતી પણ ઘણાં પ્રસાર માઘ્યમો આપી ન શક્યાં.

કેપ્ટન લક્ષ્મી સહગલ અત્યારની વ્યાખ્યા પ્રમાણેનાં ‘ફક્ત જાણીતાં હોવા બદલ જાણીતાં’ સેલિબ્રિટી ન હતાં. સુભાષચંદ્ર બોઝ સાથે એક ફ્રેમમાં ફોટો હોવો એ કેવળ તેમનું માહત્મ્ય ન હતું. ૧૯૪૬માં આઝાદ હિંદ ફોજનો અંત આવી ગયા પછી, ૨૦૧૨ સુધી તે પોતાની ભૂતકાળની મહત્તામાં ડૂબેલાં ન રહ્યાં. જીવનના અંત સુધી તે એક ડોક્ટર (ગાયનેકોલોજિસ્ટ) તરીકે અને ડાબેરી વિચારસરણી ધરાવતાં સ્વતંત્રમિજાજી વ્યક્તિ તરીકે સામાન્ય લોકો સાથે સંકળાયેલાં રહ્યાં. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં તે ઇજનેર ડો.અબ્દુલકલામ સામે નહીં, પણ ભાજપનાં ઉમેદવાર એવા ડો.કલામ સામે એક ડાબેરી ઉમેદવાર તરીકે લડ્યાં હતાં.

કેપ્ટન લક્ષ્મી તરીકે જાણીતાં ડો.લક્ષ્મી સહગલ વીસમી સદીના ભારતના ઇતિહાસનું એવું ગૌરવવંતુ પાત્ર હતાં, જેમનું સ્થાન ઓછામાં ઓછું પાઠ્‌યપુસ્તકોમાં અને ખરેખર તો (પ્રસારમાઘ્યમો થકી) લોકહૃદયમાં હોવું જોઇએ. પરંતુ પ્રસાર માઘ્યમો વાસ્તવિક ‘હીરો’ની પરેજી પાળવા લાગ્યાં, એટલે કેપ્ટન લક્ષ્મી જેવાં પાત્રો હયાત હોવાના સમાચાર ઘણા લોકો સુધી તેમના મૃત્યુ નિમિત્તે જ પહોંચ્યા.

કેપ્ટન લક્ષ્મી સહગલ સાથે સતત ચાર દિવસ સુધી રોજ મળીને  તેમનો ઇન્ટરવ્યુ કરવાની તક ૧૯૯૭માં મળી હતી. એ વખતે કાનપુરના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલા તેમના ઘર ઉપરાંત તેમના ક્લિનિક  અને રોજિંદા જીવનના સાક્ષી બનવાનો લ્હાવો પણ મળ્યો હતો. એ વખતે પણ આઝાદ હિંદ ફોજનાં નાયિકા કેપ્ટન લક્ષ્મી હયાત અને સાબૂત છે, એની કાનપુરની બહાર બહુ થોડાને ખબર હતી. પરંતુ તેમની સાથેની વાતચીતમાં કદી એ વાતનો જરાસરખો વસવસો તો ઠીક, ઉલ્લેખ પણ આવતો ન હતો. પરંતુ તારીખટાણે પોતાને કોઇ કેવળ ‘શોભામાં અભિવૃદ્ધિ’ ખાતર યાદ કરે, એની તેમને જબરી ચીડ હતી.

અમારી સાથે વાતચીત ચાલુ હતી અને ફોન રણક્યો. એ વખતે (ઓગસ્ટ ૧૯૯૭માં) આઝાદીનાં પચાસ વર્ષની ઉજવણીનો માહોલ હતો. સામે છેડેથી સુવર્ણજયંતિ સમારંભ નિમિત્તે કોઇ ઔપચારિક નોતરું આવ્યું હશે. એટલે ફોન પર જ કેપ્ટન લક્ષ્મી ધણધણી ઉઠ્‌યાં, ‘સબ લોગ અભી જગ ઉઠે હૈં...પચાસ સાલ હમેં બિલકુલ ભૂલ ગયા. અભી હમ ઐસે હી ખતમ હો જાયેગા. હમારા ઇન્તઝાર ન કીજીએ’ અને ધડામ્‌ અવાજ સાથે રિસીવર ક્રેડલ પર મૂકાઇ ગયું.
Dr.Lakshmi Sehgal at her Kanpur residence, 1997
photo : Biren Kothari
આક્રમકતા અને સ્નેહ - આ બન્ને તેમના સ્થાયી અને અભિન્ન ભાવ હતા. કદાચ એટલે જ જેટલી સફળતાથી કાનપુરમાં છ દાયકા સુધી ગાયનેકોલોજિસ્ટ તરીકે તેમણે સેવા કરી, એવી જ રીતે એ રાણી ઝાંસી રેજિમેન્ટનાં કેપ્ટન તરીકેની જવાબદારી પણ નિભાવી શક્યાં. બાકી, તેમનું આરંભિક જીવન એક સમૃદ્ધ પરિવારની તેજસ્વી અને ઉદ્દામ કન્યા જેવું હતું. મદ્રાસના સ્વામિનાથન્‌ પરિવારમાં ઓક્ટોબર ૨૪, ૧૯૧૪ના રોજ જન્મેલાં લક્ષ્મીના પિતા વકીલ અને માતા કોંગ્રેસી કાર્યકર હતાં. ઘરમાં પહેલેથી મુક્ત વાતાવરણ હતું. એટલે જે જમાનામાં લોકો સાત ચોપડી ભણીને સંતુષ્ટ થઇ જતા અને છોકરીઓને ભણાવવાની તો વાત જ ન હતી, ત્યારે ૧૯૩૮ની સાલમાં તે એમ.બી.બી.એસ. થયાં હતાં.



પારિવારિક કારણોસર તેમનો ઝુકાવ શરૂઆતમાં ગાંધીજી તરફ હતો. ગાંધીજી સાથેની એકમાત્ર મુલાકાત યાદ કરતાં તેમણે કહ્યું હતું, ‘એક વખત અમે જે ટ્રેનમાં જતાં હતાં એમાં ગાંધીજી આગળથી બેસવાના હતા. ગાંધીજી આવ્યા એટલે અમે એમને મળવા ગયા. મેં એમના હસ્તાક્ષર માગ્યા. તેમણે આપ્યા પણ ફી તરીકે મારા હાથે પહેરેલું કડું માગી લીઘું અને કહ્યું કે આટલું પૂરતું નથી. તારે ખાદી પહેરવી પડશે.’ પરંતુ સરોજિની નાયડુનાં બહેન સુહાસિની ચટ્ટોપાઘ્યાયના સંસર્ગથી ડો.લક્ષ્મી સામ્યવાદી વિચારસરણીથી રંગાયાં. ડોક્ટર બન્યા પછી ટાટા એર લાઇન્સના એક પાઇલટ સાથે લગ્ન થયું, પણ છ મહિનામાં જ તેનો અંત આવ્યો. એટલે, મદ્રાસ છોડીને ડો.લક્ષ્મી સંિગાપોર ઉપડ્યાં. બીજું વિશ્વયુદ્ધ અને આંતરરાષ્ટ્રિય રાજકારણની ગતિવિધીઓ તેમને યોગાનુયોગે સુભાષચંદ્ર બોઝની નજીક ધકેલી રહી હતી.

યુદ્ધમાં ઘવાયેલાઓની સારવાર જેવી કામગીરીને કારણે ડો.લક્ષ્મીને બીજા વિશ્વયુદ્ધનો નજીકથી પરિચય થયો, પણ ત્યારે એમને કલ્પના ન હતી કે એ પોતે પણ તેનો હિસ્સો બનશે. વિશ્વયુદ્ધમાં યુરોપમાં જર્મનીએ અને એશિયામાં જાપાને સપાટો બોલાવ્યો હતો. તેને કારણે અંગ્રેજ ફોજ વતી લડતા સેંકડો ભારતીય સૈનિકો જાપાનમાં કેદ પકડાયા હતા. તેમાંથી કેપ્ટન મોહનસિંઘે જાપાની સરકારના આશીર્વાદથી આઝાદ હિંદ ફોજની રચના કરી. ડો.લક્ષ્મીએ ત્યારે પણ પોતાની સેવાઓ આપવાની વાત કરી હતી. કારણ કે ફક્ત ડોક્ટરી પ્રેક્ટિસ કરીને તેમને સંતોષ મળતો ન હતો. દેશ માટે તેમને કંઇક કરી છૂટવું હતું. પરંતુ રૂઢિચુસ્ત મોહનસિંઘે ‘એક સ્ત્રી ડોક્ટરનું લશ્કરમાં શું કામ?’ એવા ખ્યાલથી ડો.લક્ષ્મીને ના પાડી હતી.

ટૂંકી દૃષ્ટિ ધરાવતા મોહનસિંઘનાં વળતાં પાણી થયા પછી,  આઝાદ હિંદ ફોજના ત્રીસેક હજાર સૈનિકો જનરલ ભોંસલેની આગેવાની નીચે, ઇન્ડિયા ઇન્ડીપેન્ડન્સ લીગ સાથે જોડાઇ ગયા. આ સંસ્થા જાપાનાં રહીને ભારતની આઝાદી માટે સક્રિય એવા રાસબિહારી બોઝે સ્થાપી હતી. ૧૯૪૩માં સુભાષચંદ્ર બોઝ સીંગાપોર આવ્યા ત્યારે વૃદ્ધ રાસબિહારી બોઝે એક જાહેર સભામાં લીગની સાથોસાથ આઝાદ હિંદ ફોજનું સુકાન સુભાષબાબુને સોંપી દીઘું. એ સભામાં શ્રોતા તરીકે હાજર ડો.લક્ષ્મીએ માહોલનું વર્ણન કરતાં કહ્યું હતું,‘નેતાજી (સુભાષચંદ્ર બોઝ) પહેલી વાર સીંગાપોર આવ્યા હતા. સભામાં તેમણે સફેદ સુટ પર ગાંધીટોપી પહેરી હતી. સભાની શરૂઆત ‘વંદે માતરમ્‌’થી થઇ. પછી ‘મને પૂરો વિશ્વાસ છે કે તમારું નેતૃત્વ હિંદને આઝાદી અપાવશે’ એવા ઉદ્‌ગાર સાથે રાસબિહારી બોઝે સુભાષબાબુને લીગના અઘ્યક્ષ અને આઝાદ હિંદ ફોજના સુપ્રીમ કમાન્ડર જાહેર કર્યા.’
 લીગના સીંગાપોરના અઘ્યક્ષ યેલપ્પા થકી ડો.લક્ષ્મી સુભાષબાબુને તેમના ‘સી વ્યુ’ બંગલે મળ્યાં. એ મુલાકાતમાં શી વાત થઇ હતી?

ડો.લક્ષ્મીએ સ્મરણો પરથી સમય ખંખેરતાં કહ્યું હતું,‘કોઇ અંગ્રેજે બહાદુરીથી લડેલી રાણીના મૃત્યુ પછી એવી અંજલિ આપી હતી કે એના જેવી ફક્ત એક હજાર સ્ત્રીઓ દેશમાં હોત તો આ ભૂમિ પર અમારું રાજ ન સ્થપાયું હોત. એ યાદ કરીને નેતાજી કહેતા હતા કે આઝાદ હિંદ ફોજમાં આપણે એક મહિલા રેજિમેન્ટ બનાવવી છે. ઝાંસીની રાણીનું નામ ધરાવતી એ ટુકડીમાં ઓછામાં ઓછી એક હજાર સ્ત્રીઓ હોવી જોઇએ.’

‘નેતાજીની વાત સાંભળીને હું મૂંઝાઇ.’ ડો.લક્ષ્મીએ વાત આગળ ચલાવી,‘એક હજાર સ્ત્રીઓ સીંગાપોર તો શું, આખા પૂર્વ એશિયામાંથી પણ મળવી મુશ્કેલ હતી. સીંગાપોરમાં એ વખતે સ્ત્રીઓની દશા ભારત કરતાં પણ ખરાબ હતી. એ શિક્ષકની, કારકુનની કે બગીચામાં કામદાર તરીકેની નોકરી કરતી હતી. સ્ત્રીઓ વરદી પહેરીને ખભે રાયફલ લટકાવીને પરેડ કરે એ અકલ્પનીય વાત હતી. પણ નેતાજીની મક્કમતાથી મને પણ ઉત્સાહ આવ્યો. મેં નેતાજીની સભા પહેલાં પંદર-વીસ યુવતીઓ સાથે નેતાજીને લશ્કરી ઢબે ગાર્ડ ઓફ ઓનર આપવાનું નક્કી કર્યું. એ માટે આઝાદ હિંદ ફોજના અફસરોની મદદ લીધી. બે-ત્રણ દિવસ સુધી રાયફલો સાથે અમે પ્રેક્ટિસ કરી. સભાના દિવસે નેતાજી આ ‘સરપ્રાઇઝ’થી ખુશ થઇ ગયા.

પરંતુ એ કામગીરીની શરૂઆત હતી. ડો.લક્ષ્મી સ્વામિનાથન્‌ને કેપ્ટનનો હોદ્દો આપવામાં આવ્યો (આગળ જતાં તેમને મેજર અને પછી લેફ્‌ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યાં) પરંતુ કેપ્ટન પાસે પલટણ ક્યાં હતી? રાણી ઝાંસી રેજિમેન્ટ માટે સભ્યોની ભરતી કરવાની હતી. બીજી તરફ, સીંગાપોર પર કબજો ધરાવતા જાપાનને પણ સુભાષબાબુ અને તેમની ગતિવિધિઓથી અસુખ થવા માંડ્યું હતું. છતાં, કેપ્ટન લક્ષ્મી અને બીજા સાથીદારોના પ્રયાસથી ભારતના ઇતિહાસમાં અનોખી કહેવાય એવી, સશસ્ત્ર મહિલા ટુકડી ‘રાણી ઝાંસી રેજિમેન્ટ’ તૈયાર થઇ અને મોરચે પણ ગઇ.

(વઘુ આવતા સપ્તાહે)

Tuesday, July 24, 2012

જય હિંદ, કેપ્ટન લક્ષ્મી

આઝાદીની લડાઇમાં ગાંધી-સરદાર-નેહરુ-સુભાષ સાથે સીધા સંકળાયેલાં હોય એવાં, પહલી હરોળના આગેવાનોમાં છેલ્લાં નેતા, કેપ્ટન લક્ષ્મી સહગલ/ Captain Lakshmi Sehgalનું 23 જુલાઇની સવારે અવસાન થયું. 24 ઓક્ટોબર, 1914ના રોજ લક્ષ્મી સ્વામિનાથન્ તરીકે જન્મેલાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં આ નાયિકા આઝાદ હિંદ ફોજ/ Indian National Armyની રાણી ઝાંસી રેજિમેન્ટનાં કેપ્ટન તરીકે ઇતિહાસ અને કંઇક અંશે દંતકથાનું પાત્ર બન્યાં હતાં. તેમ છતાં, ભારતમાં બને છે તેમ, એમનું મોટા ભાગનું જીવન પ્રસાર માધ્યમોની ઝાકઝમાળથી દૂર વીત્યું.

1997માં ભારતની આઝાદીનાં પચાસ વર્ષની ઉજવણી થવાની હતી ત્યારે, કંઇક જુદું અને એક્સક્લુઝિવ કરવાની તાલાવેલીમાં કેપ્ટન લક્ષ્મીનો પતો મળ્યો. ખબર પડી કે તે મૃણાલિની સારાભાઇનાં મોટાં બહેન થાય અને કાનપુરમાં રહે છે. ત્યાર પછી મોટા ભાઇ બીરેન સાથે કાનપુર જઇને તેમનો વિગતવાર અને યાદગાર ઇન્ટરવ્યુ કર્યો. તે પાંચ હપ્તાની લેખમાળા તરીકે 'સંદેશ'માં પ્રકાશિત થયો તેના થોડા દિવસ પછી, ઉજવણી માટે મુંબઇ ગયેલાં લક્ષ્મી સહગલ સમાચારોમાં આવતાં થયાં. છેક 1997 સુધી તેમને 'પદ્મશ્રી' સુદ્ધાં મળ્યો ન હતો. બીજા વર્ષે તેમને 'પદ્મવિભૂષણ' અપાયો. ( 'સન્માનિત કરાયાં'  એવું લખવાનો જીવ ચાલતો નથી.)

ડો.લક્ષ્મી સહગલ સાથે ચાર દિવસ રોજ દોઢ-બે કલાક ગાળવાના થયા હોય એટલે વાતોનો અઢળક ખજાનો મળ્યો હોય. પરંતુ તેમાંની ઘણી વાતો મારે આગામી કોલમમાં લખવાની હોવાથી, અહીં એ લખવાની લાલચ ટાળું છું. પરંતુ ડો. લક્ષ્મી સહગલની મુલાકાત નિમિત્તે ઉપલબ્ધ બનેલો અણમોલ તસવીરી ખજાનો (તેમાંથી કોલમનો ભાગ બાદ કરીને) અહીં મૂકવામાં વાંધો નથી. બલકે, એ અહીં મૂકાય અને સહૃદયો સાથે વહેંચાય, એમાં જ તેની સાર્થકતા છે- અને એ જ કેપ્ટન લક્ષ્મી સહગલને આજના દિવસે મારી આદરાંજલિ છે. 

કેપ્ટન લક્ષ્મી વિશેના જીવન વિશેની વિગતોની થોડી પ્રસાદી બીરેને બ્લોગ પર મૂકી છે. એ વાંચવાથી તેમના જીવનનો આલેખ નજર સામે આવી જાય છે.
http://birenkothari.blogspot.in/2012/07/blog-post_23.html

(બધી રંગીન તસવીરોઃ બીરેન કોઠારી- ઉર્વીશ કોઠારી/ All Color Pics: Biren Kothari- Urvish Kothari)
Please click for larger pics/ તસવીરો મોટી જોવા માટે તેની પર ક્લિક કરશો.
Dr.Lakshmi Sehgal at her Kanpur residence
( All Pics of 1997 in this blog  : Biren & Urvish Kothari)
સુભાષચંદ્ર બોઝ, કેપ્ટન લક્ષ્મી અને રાણી ઝાંસી રેજિમેન્ટનાં 'જવાનો'
Subhashchandra Bose with Captain Lakshmi Sehgal & Rani Jhansi regiment
Dr.Lakshmi Sehgal 
સ્વામિનાથન પરિવારની દુર્લભ તસવીરઃ વકીલ પિતા એસ. સ્વામિનાથન, કોંગ્રેસી કાર્યકર માતા અમ્મુ સ્વામિનાથન, વચ્ચે ઊભેલાં લક્ષ્મી, જમણી બાજુ ઊભેલાં નાનાં બહેન મૃણાલિની (સારાભાઇ), બેઠેલા ભાઇ
Rare Family photo of Swaminathan family :
S.Swaminathan (father), Ammu Swaminathan (mother) Lakshmi (between parents)
younger sister Mrinalini (Sarabhai) & brother
કેપ્ટન બન્યા પહેલાંનાં ડોક્ટર લક્ષ્મી
Dr.Lakshmi before she joined INA
Dr.Lakshmi at Singapore
અને આ રાણી ઝાંસી રેજિમેન્ટનાં કેપ્ટન લક્ષ્મી
Captain Lakshmi of Rani Jhansi Regiment, INA
આઝાદ હિંદ ફોજના જમાનામાં જાપાની સરકારે જારી કરેલી ભારતીય રૂપિયાની ચલણી નોટઃ કેપ્ટન લક્ષ્મીના ઘરે આ નોટ જાળવીને ફ્રેમ કરીને રાખવામાં આવી હતી

'જન્મભૂમિ' જૂથના અમૃતલાલ શેઠે જોખમ ખેડીને બર્માની મુલાકાત લઇને આઝાદ હિંદ ફૌજની વિગતવાર માહિતી સંભવતઃ પહેલી વાર લોકો સમક્ષ રજૂ કરી. 'જન્મભૂમિ પ્રકાશન મંદિર' દ્વારા 5 નવેમ્બર, 1945ના રોજ  અંગ્રેજીમાં `Jai Hind' પુસ્તક પ્રકાશિત થયું, જે આઝાદ હિંદ ફોજના એક સૈનિકની ડાયરી સ્વરૂપે હતું. સંપાદકો હતાઃ વિઠ્ઠલભાઇ ઝવેરી અને સોલી બાટલીવાળા. તરત ડિસેમ્બર, 1945માં કરસનદાસ માણેકે કરેલો તેનો ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ થયો. આઝાદ હિંદ ફોજ વિશે સચિત્ર વિગતો આપતું કદાચ એ પહેલું પુસ્તક હતું.
Captain Lakshmi with Amrutlal Sheth of Janmabhoomi Group 

આઝાદ હિંદ ફોજ થકી પરિચયમાં આવીને પરણેલાં 
કેપ્ટન પ્રેમકુમાર સહગલ અને કેપ્ટન લક્ષ્મી
Captain Premkumar Sehgal & Captain Lakshmi
યુ્દ્ધમાં પકડાયેલા આઝાદ હિંદ ફોજના ત્રણ મુખ્ય અફસરો લેફ્ટનન્ટ ગુરુબક્ષસિંઘ ધિલ્લોં, કેપ્ટન પ્રેમકુમાર સહગલ અને કેપ્ટન શાહનવાઝ ખાન પર અંગ્રેજ સરકારે લાલ કિલ્લામાં રાજદ્રોહનો મુકદ્દમો ચલાવ્યો. સરકાર પક્ષે વકીલ નૌશીરવાન એન્જિનિયર હતા અને બચાવ પક્ષે ભૂલાભાઇ દેસાઇની આગેવાની હેઠળ વકીલસમુહ હતો, જેમાં પ્રેક્ટિસ છોડ્યાનાં વર્ષો પછી જવાહરલાલ નેહરુ પણ વકીલનો કોટ પહેરીને હાજર રહ્યા હતા. આ કેસ ચાલુ તો થયો, પણ લોકલાગણી એટલી પ્રબળ બની કે આખરે અંગ્રેજોએ આ ત્રણેને નિર્દોષ જાહેર કરવા પડ્યા. આ ભવ્ય વિજય પછી દેશમાં લાલ કિલ્લાના ત્રણે 'આરોપી'નાં  વિજયસરઘસ નીકળ્યાં અને તેમનાં સામૈયાં થયાં.  એ ત્રણેને લાલ કિલ્લાના સિંહ તરીકે ચિતરતું નીચેનું કાર્ટૂન ઝવેરચંદ મેઘાણી સંપાદિત પુસ્તક 'લાલ કિલ્લાનો મુકદ્દમો' (ભારતી પ્રકાશન મંદિર, ભાવનગર, 23-1-1946)નું છે.

આઝાદીનાં પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે લાલ કિલ્લાના મુકદ્દમાની સ્મૃતિમાં જારી કરાયેલી ત્રણે જવાનોનાં નામ-ચિત્રો ધરાવતી ટપાલટિકીટ (બ્રોશરનો ફોટો)

પુત્રી સુભાષિની (અલી) સાથે ડો. લક્ષ્મી સહગલ
Dr. Lakshmi Sehgal with daughter Subhasini (Ali)
વર્ષો પછી, ભારતની આઝાદીની સુવર્ણ જયંતિ નજીક આવતી હતી ત્યારે વિસરાઇ ગયેલાં પાત્રોની શોધમાં કેપ્ટન લક્ષ્મીનું નામ શી રીતે મનમાં આવ્યું એ યાદ આવતું નથી. મોટે ભાગે રજનીકુમાર પંડ્યા થકી એવી ખબર પડી કે કેપ્ટન લક્ષ્મી મૃણાલિની સારાભાઇનાં મોટાં બહેન થાય. એટલે હું નિર્દોષભાવે, કેપ્ટન લક્ષ્મી જેવું ઐતિહાસિક પાત્ર અત્યાર સુધી તો ન જ હોય એવા ખ્યાલ સાથે, 'દર્પણ'ની ઓફિસ પર તપાસ કરવા ગયો. ત્યાં બાંધ્યા ભારે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે કેપ્ટન લક્ષ્મી કાનપુરમાં કડેધડે છે. ત્યાંથી સરનામું મળ્યું એટલે કેપ્ટન લક્ષ્મીને પત્ર મળ્યો. તેમનો આ જવાબ


પછી શું? એ વખતે હું 'સંદેશ'માં હતો. પત્રકારત્વમાં માંડ બે વર્ષ પણ પૂરાં થયાં ન હતાં. પણ આ મૂળ રસનો મામલો હતો. 'સંદેશ'ના તંત્રી ફાલ્ગુનભાઇને વાત કરી. તેમણે રજા આપી, એટલે અમે- મેં અને બીરેને- વેળાસર  કાનપુરની ટિકીટ કઢાવી અને પહોંચી ગયા. 

સિવિલ લાઇન્સ, કાનપુરમાં આવેલા તેમના ઘરે ચાર દિવસ સુધી રોજ તેમને દોઢ-બે કલાક મળવાનું થતું. તેમનો કડપ ભારે. તબિયત અડીખમ. ચાલ ટટાર. અવાજ બુલંદ. મિજાજ એથી પણ વધારે બુલંદ. પણ પહેલા દિવસની વાતચીત પછી ખાસ્સાં અનૌપચારિક થઇ ગયાં. તેમનું અંગ્રેજી ફડફડાટ, પણ હિંદી ઠીક ઠીક ગરબડીયું. વાતવાતમાં આઝાદ હિંદ ફોજ માટે કરાયેલા 'જનગણમન' ના હિંદી અનુવાદની વાત નીકળી. મેં એ ગીત સંભળાવવા કહ્યું, એટલે 'રાષ્ટ્રગીત છે. એ ગાવા માટે ઊભા થવું પડે' એમ કહીને 82 વર્ષની ઉંમરે ફટાક દઇને ખુરશી પરથી ઊભાં થઇ ગયાં. એ પ્રસંગનો યાદગાર ફોટો.
આઝાદ હિંદ ફોજનું રાષ્ટ્રગીત ગાતાં લક્ષ્મી સહગલ- ઉર્વીશ કોઠારી
Captain Lakshmi Sehgal- Urvish Kothari
એક વાર વાતચીતમાં ખુલી ગયા પછી તેમણે એટલી પ્રેમાળ વર્તણૂંક કરી કે જૂની ઓળખાણ હોય એવું લાગે. એક દિવસ અમારા માટે એક નમકીનની દુકાનમાંથી ગુજરાતી નાસ્તો મંગાવ્યો. એક દિવસ અમે એમની સાથે એમના ક્લિનિક પર આવવાની ઇચ્છા વ્યક્ત કરી તો એમની સાથે ક્લિનિક પર લઇ ગયાં. રસ્તામાં પેલી ગુજરાતી નાસ્તાની દુકાન પાસે ગાડી ઊભી રાખીને નીચે ઉતર્યાં. અમને પણ ઉતાર્યા અને દુકાનવાળા ભાઇ સાથે ઓળખાણ કરાવી. ક્લિનિક પર પહોંચીને સ્ટાફ સાથે તેમના ફોટા પાડ્યા. તેમનાં મુખ્ય મદદનીશ ડો.શોભા વીજ સાથે પણ. સ્ટાફમાં એક ઉંમરલાયક બહેનને બોલાવીને કહે, 'મલ્લિકા (સારાભાઇ)ના જન્મ વખતે આ બહેન અમદાવાદ આવ્યાં હતાં.'

Dr.Lakshmi Sehgal at her Kanpur Clinic, August,1997 (Dr.Shobha Vij writing)
Dr. Lakshmi Sehgal with Biren Kothari/ બીરેન કોઠારી સાથે
એમની દિવાલ પરની ફ્રેમમાં લાગેલી વિવિધ તસવીરો અને તેમાંના પાત્રોની ઓળખાણ (ઉર્વીશ કોઠારી સાથે). સામેની ફ્રેમમાં યુવાન પ્રેમકુમાર સહગલની તસવીર
Dr.Lakshmi Sehgal with Urvish Kothari
કાનપુરથી પાછા ફર્યા પછી 'સંદેશ'માં કેપ્ટન લક્ષ્મી વિશે કરેલી પાંચ હપ્તાની સિરીઝનો પહેલો હપ્તો. 
તારીખ 15 ઓગસ્ટ, 1997

અને છેલ્લે એક સાવ અંગત યાદગીરીઃ
મારા લગ્ન નિમિત્તે ડો.લક્ષ્મી સહગલે પોતાના હસ્તાક્ષરમાં મોકલેલું શુભેચ્છા કાર્ડ
નીચે તેમની સહી અને આખું સરનામું છેઃ 15/241, સિવિલ લાઇન્સ, કાનપુર


અલવિદા...