Tuesday, August 25, 2026
કૃતિ અને આસ્વાદ
લોકગીતોના કોઈ કવિ નથી હોતા. લખનાર કોઈક તો હોય, પણ પછી તે એટલું પ્રચલિત થઈ જાય કે તે લોકોનું બની જાય. ઘણી વાર એનાથી ઉલટું પણ થાય. લોકગીતને કોઈ પોતાના નામે ચડાવી મારે ને પોતાનું બનાવી દે. આપણી વાત એક તાજા લોકગીત વિશેની છે, જે એટલું તાજું છે કે હજુ તેને કોઈ લોકગીત પણ કહેતું નથી. છતાં, તે જે રીતે પ્રચલિત થયું અને તેના રચનાકાર જે રીતે અજાણ રહ્યા, એ બંને કારણોસર તેને લોકગીત કહેવામાં બહુ અતિશયોક્તિ નહીં થાય. ઝડપથી રચાતા સોશિયલ મિડીયાના ઇતિહાસમાં તો તેને લોકગીત-સમકક્ષ દરજ્જો મળી જ ચૂક્યો છે. લોકગીતની જેમ તેની બધી પંક્તિઓ એક જ ઢાળમાં ગવાય છે. લોકગીતના જ અંદાજમાં તેના શબ્દોના પાઠફેર પણ જોવા મળે છે. છતાં, વ્યાપક સ્વીકૃતિ પામેલા તેના શબ્દો આ પ્રમાણે છેઃ
છપ્પન ઇંચકા છોટા બંદર
પેપર લીક કર ગયા બંદર
દેખો કૈસે છિપ ગયા બંદર
દલીલ ખાતર કોઈ કહી શકે કે આ ક્યાં ગીત છે? આ તો સૂત્રો કે નારા છે. કોઈ કાવ્યરસિકને તે ત્રિપદી લાગે, તો કોઈને આખી ચોપાઈમાં એક કડી કે છપ્પામાં ત્રણ કડી ખૂટતી પણ લાગે. એ બધી સ્વરૂપલક્ષી ચર્ચા દિવસો સુધી ચલાવી શકાય. તેમ છતાં, તેનો સર્વમાન્ય અંત ન આવે એવું બને અથવા તેના વિશે બે દિવસનો સેમિનાર યોજી શકાય, જેના અંતે છેવટે સૌને ભોજનનો સ્વાદ જ યાદ રહે..એટલે, તે પિંજણ બાજુ પર રાખીને, કૃતિના આસ્વાદ તરફ આગળ વધીએ.
કેટલાક અવળચંડા લોકો કહેશે કે આ કડીઓની વચ્ચે વચ્ચે આવતી ધ્રુવપંક્તિ અહીં કેમ નથી લખી? તેમને એટલું જ કહેવાનું કે એમ કરવા જતાં ધ્રુવપંક્તિની જ ગરમાગરમ ચર્ચા એટલી ચાલે કે બીજી પંક્તિઓની સાહિત્યિક ચર્ચા કરવાનું અશક્ય બની જાય અને કૃતિ સાથે અન્યાય થાય. માટે, અહીં ફક્ત કૃતિના નક્કર સાહિત્યપદાર્થની-- કેટલાક લોકો જરા વજન ઉમેરવા કહે છે તેમ, સાહિત્યપદારથની—જ વાત કરીએ.
કૃતિની પહેલી કડીથી ગુજરાતી કાવ્યરસિકોને તરત ઝવેરચંદ મેઘાણીની ‘ચારણકન્યા’ યાદ આવે તો નવાઈ નહીં. “ચૌદ વરસની ચારણકન્યા” હવે વિચારો. તેની સાથે નવા લોકગીતની પહેલી કડીને કેટલું સામ્ય છે. બંને પંક્તિમાં કવિએ મુખ્ય પાત્રનો સાવ સ્થૂળ પરિચય એકદમ સાદી રીતે આપી દીધો છે.
આસ્વાદમાં આગળ વધતાં પહેલાં એક સ્પષ્ટતાઃ કોઈ મેઘાણીપ્રેમી એવું ન માને કે તેમની ‘ચારણકન્યા’ની નવા લોકગીત સાથે સરખામણી થઈ રહી છે. બંને સાવ જુદાં સ્થળ, સમય, હેતુ અને મિજાજ આલેખતી કૃતિઓ છે. બંનેમાં રહેલા મૂળભૂત જુસ્સાની સરખામણી કરવી હોય તો થઈ શકે, પણ તે જરૂરી નથી.
અગાઉ નોંધ્યું તેમ, બંનેમાં પાત્રોની પરિચય-પંક્તિ છેતરામણી સાદગી ધરાવે છે. છતાં, આખી કૃતિમાંથી પસાર થયા પછી નવેસરથી તે પંક્તિ વાંચતાં સમજાય છે કે તેમાં ઠાંસીને વ્યંજના ભરેલી છે. કવિ બંદર માટે બે વિશેષણ વાપરે છેઃ છોટા અને છપ્પન ઇંચકા. આ બંને વિશેષણ પરસ્પર પૂરક છે કે વિરોધી, તે કવિએ ભાવકો પર છોડ્યું છે. એટલે તેનાં બે અર્થઘટન થઈ શકેઃ બંદર સાવ નાનું, માંડ છપ્પન ઇંચનું છે અથવા બંદર વાતો છપ્પન ઇંચની કરે છે, પણ છે સાવ નાનું. અર્થ ગમે તે લઈએ, પણ એટલું નક્કી કે આ પંક્તિ થકી ભાવકના ચિત્તરૂપી મંચ પર એક પાત્ર ખડું થઈ જાય છેઃ છપ્પન ઇંચ કા છોટા બંદર.
ઘણા કવિતાપ્રેમીઓ આ પંક્તિનું કાવ્યતત્ત્વ સમજવાને બદલે, તેનો શબ્દાર્થ પકડીને આનંદ લે છે, પણ સૂફી કવિતા-ગઝલોનો પરિચય ધરાવનારાને યાદ હશે કે તેમાં કવિ પ્રિયતમાને કહેતા હોય એવું લાગે, પણ તે કહેતા હોય ઈશ્વરને. એવી રીતે ઊંડાણથી નવા લોકગીતનો અર્થ સમજવો હોય તો તેના માટે કેટલાક ગુજરાતી કથાકારો ને તેમના ભક્તવર્તુળો જેવી મૌલિક અર્થઘટન શક્તિ જોઈએ. એવી શક્તિથી કામ લેતાં પ્રથમ પંક્તિનો સાવ નવો જ અર્થ મનમાં ઉઘડે છે. અને એ છેડો ઉકલ્યો, એટલે પછી આખી કૃતિ સડસડાટ ઉકલતી ચાલે છે.
કવિ કહેવા એવું માગે છે કે માણસનું દિલ બંદર જેવું છે. તેને છપ્પન ઇંચનું કહ્યું છે, કારણ કે તે માણસની (છપ્પનની) છાતીમાં રહેલું હોય છે. સૌ જાણે છે કે આપણી પરંપરામાં મનને મર્કટ સાથે સરખાવ્યું છે. એ જ પરંપરાની આ વાત છે. તો છપ્પન ઇંચનું આ બંદર શું કરે છે? તે પેપરો લીક કરી નાખે છે.એટલે કે, માણસની પરીક્ષા થવાની હોય તે પહેલાં, અંદરના અવાજ રૂપે તેને આગોતરી ચેતવણીઓ આપે છે. પણ સૌ જાણે છે કે અંતરાત્માના અવાજને કોઈ ગણકારતું નથી. આવું વારંવાર થયા પછી અંદરનો અવાજ બંધ આવતો બંધ થઈ જાય છે, જાણે એ અવાજ પેદા કરતું દિલ ક્યાંક છુપાઈ જાય છે. એ વાતને રમતિયાળ સ્વરૂપે કવિએ છેલ્લી પંક્તિમાં મુકી આપી છેઃ દેખો કૈસે છિપ ગયા બંદર.
આમ, દેહધારી અને તેના આત્માના અવાજ વચ્ચેના સંઘર્ષ અને તેમાં થતી અંતરાત્માની હારને માર્મિક રીતે વર્ણવતી આ કૃતિ ભારતની આધ્યાત્મિક પરંપરાને આગળ ધપાવનારી છે. નવી શિક્ષણનીતિ અંતર્ગત તેને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો રજૂ કરતી કૃતિ તરીકે અભ્યાસક્રમમાં સ્થાન આપવું જોઈએ.
Saturday, May 09, 2026
ઝેરનો પ્રતિકાર
નરેન્દ્ર મોદીના ભક્તોને ચાલુ વર્તમાનકાળમાં વસવું પડે છે. કારણ કે થોડા જ દૂરના ભૂતકાળમાં જતાં જુમલાઓના ને ભ્રષ્ટ-ગુનાઇત બેશરમીના ખડકલા ધડાધડ બહાર નીકળવા માંડે છે.
Tuesday, May 05, 2026
બંગાળવિજયના વિશ્લેષણમાં અપાયેલાં કારણો અને હકીકત
ચૂંટણીપંચ અને અદાલતની સંદેહાસ્પદ ભૂમિકા તથા લાખો મત કપાઈ ગયાની વાત જે વિશ્લેષણમાં પૂરા વજન સાથે ન આવતી હોય અને સાહેબલોકનો, તેમની વ્યૂહરચનાનો, તેમના વક્તૃત્વનો, તેમના આયોજનનો, તેમની રણનીતિનો, તેમની મહેનતનો ગણીગણીને, વીણીવીણીને જયજયકાર થતો હોય, તેને વિશ્લેષણ ન કહેવાય. શું કહેવાય તે અલગથી કહેવાની જરૂર નથી.
Monday, May 04, 2026
આજનાં અને અગાઉનાં પરિણામો વિશેઃ કેટલીક જમીની હકીકતો
કેન્દ્રમાં અને રાજ્યોમાં શાસનના આટલા લાંબા ગાળામાં સુશાસનનું ઠેકાણાસરનું એકેય કામ કર્યા વિના, અને કુશાસનનાં કામોની લાંબીલસરક યાદી હોવા છતાં, ભાજપ એક પછી એક રાજ્યોમાં ચૂંટણીઓ જીત્યા જ કરે, જીત્યા જ કરે. તેના કારણ તરીકે તટસ્થતાના વહેમમાં ભીંત ભૂલતા વિશ્લેષકો કે સરકારી પત્રકારો-વિશ્લેષકો અમિત શાહના મહાન મેનેજમેન્ટની આરતી ઉતારે તેનાથી ભોળવાઈ જતા નહીં.
જે લોકો કહે કે ભાજપને જીતાડનારા લોકોએ વર્તમાન કુશાસનને જાકારો આપ્યો છે, તેમની વાત પણ યથાતથ માની લેતા નહીં. કારણ કે, કુશાસનના પુરવાર થયેલા રેકોર્ડની બાબતમાં ભાજપ નંબર વન છે. એટલે, કોઈ પ્રજા માત્ર ને માત્ર મમતાના કુશાસનથી કંટાળીને ભાજપને આવી રીતે જીતાડે અને તેમાં બીજી કશી ગોલમાલ ન હોય, એવું માનવા બહુ ભોળપણ જોઈએ.
શાંતિથી વિચારતાં ફક્ત આજનાં જ નહીં, છેલ્લા ઘણા સમયનાં પરિણામો માટે કોઈ એક નહીં, અનેક કારણ જવાબદાર લાગ્યાં છે. કોઈ ચોક્કસ ક્રમ વિના, એવાં થોડાં કારણોની યાદી.
1. ચૂંટણીપંચનો પક્ષપાત.
બીજાં બધાં કારણ પછી. આ કારણ સૌથી પહેલું મુકવું પડે. ચૂંટણીપંચ અને ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર સામે પાયાદાર અને ગંભીર આરોપો હોવા છતાં, તેમણે એ મુદ્દે તદ્દન ઉડાઉ વલણ દાખવ્યું છે અને પછી તો તટસ્થતાનો દેખાવ કરવાનું પણ છોડી દીધું છે.
વોટચોરીમાં એક ફોટા પર અનેક નામ કે બનાવટી નામોનો ઉમેરો, બનાવટી નામો પકડી પાડતા સોફ્ટવેરનો સગવડ પ્રમાણે ઉપયોગ કે બિનઉપયોગ, સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દ્વારા અમુક (મુખ્યત્વે ભાજપને પ્રતિકૂળ એવા ભારતના મુસ્લિમ) નાગરિકોનાં નામની બાદબાકી અને નામોનો ઉમેરો-બાદબાકી કરવાની સત્તાનો અપારદર્શક ઉપયોગ—આ ચૂંટણીપંચનાં મુખ્ય પાપ છે. ચૂંટણી પહેલાં સત્તાપક્ષ તરફથી છડેચોક સરકારી રાહે અપાતી લાંચ વિશે ચૂંટણીપંચે કદી વાંધો પાડ્યો નથી. તે તટસ્થ રહેવામાં અને દેખાવામાં, બંને મામલે નિષ્ફળ ગયું છે.
પરંતુ આ સરકારે કાયદો બદલીને ચૂંટણી કમિશનરને વર્તમાનમાં કે ભવિષ્યમાં કોઈ પણ કાયદાકીય કાર્યવાહી સામે અભયદાન આપી દીધું છે. એટલે મુખ્ય ચૂંટણી કમિશનર પણ એવી જ રીતે વર્તે છે. ગૃહ મંત્રી અમિત શાહના ખાસ માણસ તરીકે જાણીતા જ્ઞાનેશકુમારના રાજમાં ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા અનેક વાર થતા આચારસંહિતાના ભંગની કદી નોંધ લેવાતી નથી. તેમની અનેક ગતિવિધિઓ સામે પ્રશ્નાર્થ ઊભા થવા છતાં, તેમણે અણીદાર પ્રશ્નો ઉડાડી દેવાનું કે તેને ટેકનિકાલિટીની ચાદર તળે વલણ દાખવ્યું છે. કારણ કે, તેમને ઉપરના આશીર્વાદની ખાતરી છે. સરકાર કે ન્યાયતંત્ર કોઈને તેની ઊંડી, તલસ્પર્શી અને તટસ્થ તપાસ કરવામાં રસ નથી.
આને અમિત શાહનું મહાન મેનેજમેન્ટ કહેવાતું હોય, તો આપણે કંઈ કહેવાનું નથી.
2. ન્યાયતંત્ર
ન્યાયતંત્રનું નક્કી નહીં. તેને જાગવું હોય ત્યારે જાગે. નહીં તો ન જાગે. ક્યારેક જાગે અને એવું પણ કહી દે (જેમ બંગાળમાં કહ્યું) કે અમુક લાખ લોકો એક ચૂંટણીમાં મત નહીં આપી શકે તો શું ખસી જવાનું છે? આવતી ચૂંટણીમાં મત આપશે.
અને પછી એવું પણ કહી દે કે જે ચૂંટણીનાં પરિણામોમાં જીતનો તફાવત SIRમાં કપાયેલા મતના તફાવત કરતાં ઓછો હોય, તે પરિણામો અમે કન્સીડર કરીશું.
તેનું ગુજરાતી શું થાય, એ તો હવે બંગાળનાં પરિણામોની વિગતવાર માહિતી પછી સમજાશે.
3. કેન્દ્ર સરકારી એજન્સીઓ
અમિત શાહ અને તેમના સાહેબ મન થાય ત્યારે, મન થાય તેની પાછળ કેન્દ્રીય એજન્સીઓને છૂટી મૂકી દે. માણસને જેલમાં ખોસી દે અને તેમનું કામ પૂરું થઈ જાય, પછી પેલો ભાઈ (કે બહેન) નિર્દોષ સાબીત થઈને છૂટી જાય. બહાર આવી જાય. પણ ત્યાં સુધીમાં બધું પૂરું થઈ ગયું હોય. પ્રણય રોય (એનડી ટીવી)થી માંડીને તૃણમૂલ કોંગ્રેસનું પ્રચારતંત્ર સંભાળનાર સંસ્થાના વડા સુધીના આવા અસંખ્ય દાખલા મોજૂદ છે, જેમાં માત્ર ને માત્ર સરકારનો રસ્તો સાફ કરવા માટે લોકોને જેલમાં પુરી દેવાયા હોય ને કામ પૂરું થઈ ગયા પછી તે બહાર આવી જાય.આને વ્યૂહરચના કહેવાતી હોય તો સરકારી તંત્રનો દુરુપયોગ અથવા સરકારી રાહે ગુંડાગીરી કોને કહેવાય?
4. જૂઠાણાં, કુપ્રચાર અને ઉશ્કેરણી
‘ખાડિયા પાકિસ્તાન બની જશે’થી માંડીને ‘બંગાળમાં ઉર્દુ બોલાતું થઈ જશે’—એવી કોમવાદી ઉશ્કેરણી વિના ભાજપના નેતાઓને ચેન ન પડે. તેમનું ઝેરીલાપણું એટલું કે બાંગલાદેશમાં પણ ઉર્દુ નહીં, બંગાળી બોલાય છે એ જાણવાની તસ્દી ન લે. ગમે તેમ કરીને મુસલમાનોને લઈ આવવાના, બાર-બાર વર્ષથી પોતાનું રાજ હોવા છતાં, દરેક રાજ્યમાં મુસલમાન ઘૂસણખોરોની બીક બતાવવાની (ત્યારે કોઈ તેમને પૂછે નહીં કે તમે એવું કેવું રાજ કરો છો કે હજુ ઘૂસણખોરી ચાલુ છે?), હિંદુઓને ખતરો છે એવું ખોટેખોટું વાતાવરણ ઊભું કરવાનું, બીજાં રાજ્યોમાં પોતાના શાસનનો જે ધબડકાપૂર્ણ રેકોર્ડ છે તેનાથી સદંતર અવળા દાવા ને વાયદા કરવાના (જેમ કે, મહિલાઓની ગરિમા અને સુરક્ષા). પછી ભક્તો તથા તેમના પાળેલા પત્રકારો હોંશે હોંશે, કશા વિશ્લેષણ વિના, આ બધાનો પ્રચાર આગળ વધારે અને વાતાવરણ બનાવે.
વડાપ્રધાન પણ તેમના પદની ગરિમાને વધુ એક વાર અને વારંવાર નેવે મુકીને બધો વખત (વિદેશપ્રવાસ ન કરતા હોય ત્યારે) ચૂંટણીપ્રચાર જ કરતા હોય. તેના માટે સરકારી મશીનરીનો બેફામ, બેરોકટોક દુરુપયોગ થાય અને તેની કશી નોંધ સુદ્ધાં ન લેવાય. તે સાવ બાળબોધી એવાં નાટકો કરે ને આત્મમુગ્ધતાનાં નવાં નવાં શીખરો સર કરે. પરંતુ સોશિયલ મિડીયાને બાદ કરતાં, મુખ્ય ધારામાં એ બધાનું કશું મહત્ત્વ નહીં.
5. ખરીદવેચાણસંઘ
જ્યાં ચૂંટણીઓ હોય ત્યાં ડરાવી-ધમકાવીને, દરોડા પડાવીને શક્ય એટલા વિપક્ષી નેતાઓને પોતાની બાજુ ખેંચવા કોશિશ કરવાની. એ શક્ય ન બને તો પછી અઢળક રૂપિયા બતાવવાના. ભાજપની સરકાર પાસે રૂપિયાનો તોટો નથી. સરકારી રૂપિયાના હિસાબ મળતા નથી અને અમુક હજાર કરોડની રકમના તોતિંગ ગોટાળાની સંભાવના વિશે ‘કેગ’ જેવું ‘કેગ’ ધ્યાન દોરે છે, પણ 2014 પહેલાં જે ‘કેગ’ના શબ્દો પરથી સરકાર હાલી જતી હતી, તે ‘કેગ’નું હવે કોઈ સાંભળતું નથી.
આ ઉપરાંત ગોઠિયા ઉદ્યોગપતિઓની નાણાંકોથળી તો ખરી જ. એટલે, ચૂંટણી પહેલાંથી માંડીને ચૂંટણી જીત્યા પછીના કોઈ પણ તબક્કે, ખરીદવેચાણ અને ધાકધમકી વાપરીને વિપક્ષી નેતાઓને ખેરવી લેવાય છે અને સમર્થકો તો ઠીક, ઘણા વિશ્લેષકો પણ આને ભાજપની આવડત ગણાવે.
6. કશું બાકી ન રાખવું
ભાજપની નેતાગીરીની એક ખાસિયત છે કે આગળ જણાવેલું બધું કર્યા પછી પણ તે નિરાંત અનુભવતી નથી અને તેમના હાથમાં હોય ત્યાં સુધીનું બધું સંજોગો પર છોડવાને બદલે, તેની પર સંપૂર્ણ કાબૂ મેળવવાનો પ્રયાસ છેલ્લી ઘડી સુધી ચાલુ રાખે છે. આવું ઝનૂન હકારાત્મક બાબતમાં હોય તો બહુ ઉપયોગી નીવડે—અને ભાજપ માટે તે ઉપયોગી નીવડે છે પણ ખરું. પરંતુ તટસ્થ દેખાવાની લ્હાયમાં ઘણા વિશ્લેષકો ભાજપની જીતનું બહુ મોટું શ્રેય આ એક જ મુદ્દાને આપીને, તેમનું ભોળપણ અથવા ભક્તિ અથવા વહેણ સાથે વહેવાની વૃત્તિ અથવા આ બધું છતું કરે છે.
7. વિપક્ષોની મર્યાદાઓ
વિપક્ષોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાજપના રાક્ષસી અને અબજોપતિ ચૂંટણીયંત્રને ટક્કર આપી શકે એવા કોંગ્રેસ સિવાયના ઘણાખરા વિપક્ષો વ્યક્તિકેન્દ્રી છે. અરવિંદ કેજરીવાલ, મમતા બેનરજી, અખિલેશ યાદવ, તેજસ્વી, સ્તાલિન અને બીજા. તેમનું ધ્યેય છેવટે પોતાની સત્તા ટકી રહે એટલા પૂરતું હોય છે. તેમાં વ્યાપક દેશહિતની ગણતરી બહુ પછીના નંબરે આવે છે. કોંગ્રેસ જૂનો ને ઝંખવાયેલો પક્ષ છે. તેની નેતાગીરીમાં રાહુલ ગાંધી વખતોવખત અણીદાર પ્રશ્નો પૂછે છે, પણ પક્ષની મશીનરી પર તેમનો કાબૂ નથી અને જૂનાં જામી પડેલાં ચોકઠાં ઉખડતાં નથી, તે સ્પષ્ટ છે.
નરેન્દ્ર મોદી-અમિત શાહની આગેવાની હેઠળના ભાજપ સામેનો સૌથી મોટો વાંધો મારા જેવા ઘણાને એ છે કે તેમણે દેશમાં લોકશાહી, બંધારણીય સંસ્થાઓની કાર્યક્ષમતા અને તટસ્થતા, સાવ પ્રાથમિક કક્ષાની ગરિમા, સારપ, વિનયવ્યવહાર, કેટલીક બાબતોને ચેડાંથી પર રાખવાની પરંપરા—આ બધાની ઘોર ખોદી અને તેમાં તેમને ગળા સુધી ઊભી દફન કરી દીધી છે. દેશના ફક્ત રાજકીય નહીં, સમાજજીવનમાં પણ તેમણે ઝેર રેડ્યું છે, એક દેશ તરીકે વિદેશોમાં ભારતનું સ્થાન નબળું બનાવ્યું છે, ખાડે ગયેલા અર્થતંત્રને જૂઠાણાં અને સગવડીયા આંકડાબાજીના મેકઅપથી ફુલગુલાબી ચિતર્યું છે, ધર્મને નામે ગુંડાગીરી કરતાં તત્ત્વો અને સરકારી તત્ત્વોને છૂટો દોર આપ્યો છે. આ બધી બાબતોમાં તે અગાઉના ખરાબમાં ખરાબ દાખલા કરતાં અનેક ગણા આગળ નીકળી ચૂક્યા છે.
પરંતુ વિપક્ષો માટે આ બધું એટલું મહત્ત્વનું હોય એમ લાગતું નથી. જો એવું હોત તો એ લોકો અંગત સ્વાર્થને અને સત્તાકાંક્ષાને ઘડીભર બાજુએ મુકીને, બધા સાથે એક થયા હોત અને આ રાક્ષસી તંત્રની સામે મેદાનમાં ઉતર્યા હોત. પરંતુ એવું થયું નથી. જે કંઈ દાખલા છે તે છૂટાછવાયા અને એકલદોકલ છે. તેમાં દેશની ચિંતા ઓછી ને પોતાની સત્તાની ચિંતા વધારે લાગે છે.
વિપક્ષોનું કામ જરાય સહેલું નથી. તેમને આગળ ગણાવેલાં બધાં પરિબળો નડે છે. તેમ છતાં, ધીમે ધીમે કરીને તેમણે જે રીતે જમીન સરકી જવા દીધી, તેને બદલે વેળાસર એકજૂથ થયા હોત તો સાવ આવા દિવસો ન આવત. હવે બહુ મોડું થયું છે, છતાં તે તક સાવ જતી રહે તે પહેલાં તે કંઈક કરે તો ઝાંખીપાંખી આશા રહે. સાવ ફારસરૂપ બની ગયેલી ચૂંટણીઓ લડીને, ગેરવાજબી રીતે હાર હાર કરવાને બદલે, આવી ચૂંટણીઓનો સાગમટે બહિષ્કાર કરવા જેવું પગલું પણ તે લઈ શકે. બધું તંત્ર સરકારી ક્લોરોફોર્મ સુંઘીને એટલું બેહોશીમાં જતું રહ્યું છે કે તેને અહિંસક છતાં અસરકારક રસ્તે મોટા પાયે ઢંઢોળવાનો એક જ વિકલ્પ તેમની પાસે રહે છે. છતાં, હજુ સુધી વિપક્ષોમાં આવું કોઈ સહિયારું અને દેશકેન્દ્રી ચિંતન શરૂ થયું હોય એવું જાણમાં નથી.
8. ધ્રુવીકરણ પામેલો સમાજ
મોટા પાયે ધ્રુવીકરણ પામેલા સમાજમાં મોદીભક્ત તરીકે ઓળખાતા લોકો બહુમતીમાં નથી. જે હતા તેમાંથી ખડી રહ્યા હોવાનું પણ લાગે છે. છતાં, તે જથ્થો સાવ નગણ્ય પણ નથી. એ એવો વર્ગ છે જેમને ધોળા દિવસે જોઈ શકાય એવી દેશની દુર્દશા અને દરેક ક્ષેત્રમાં (અગાઉના મુદ્દામાં વર્ણવેલી) દેશની પીછેહઠ દેખાતાં નથી. કારણ કે, તે નહીં જોવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છે. તેમણે મુસલમાનવિરોધ કે મુસલમાનવિરોધી-આક્રમક-બીમાર હિંદુત્વ સાથે પોતાની એકરૂપતા સાધી લીધી છે. મોદીની ટીકા થાય ત્યારે તેમને પોતાની ટીકા થતી હોય એવું લાગે છે. તેમની સાથે સાર્થક અને તાર્કિક સંવાદની કોઈ ગુંજાશ નથી. તે ‘આયેગા તો મોદી’ની ચિચિયારીઓ પાડીને તાનમાં રહે છે. મોદીની આત્મમુગ્ધતા તેમને મહાનતા લાગે છે. તેમને મોદીની આંગળી પકડેલા કે તેમના ખભે માથું ઢાળીને ઊભેલા ભગવાન રામ મંજૂર છે, કારણ કે તેમને લાગે છે કે મોદીએ ભારતને નવેસરથી મહાનતાના રસ્તે દોર્યું છે. તેનાથી વિરુદ્ધના દરેકેદરેક પુરાવા તેમને મન દેશદ્રોહની અને ધર્મદ્રોહની નિશાની છે અને એ પુરાવા આપનારા દેશદ્રોહી-ધર્મદ્રોહી.
આઝાદ ભારતના ઇતિહાસમાં આવું આ હદે પહેલી વાર બન્યું છે, પણ દુનિયાના ઇતિહાસમાં-વીસમી સદીના ઇતિહાસમાં એવા ઘણા દાખલા છે. તે બધાના મૂળ સિદ્ધાંતો સાથે વર્તમાન સ્થિતિ બરાબર બંધ બેસે છે.
એવા સમાજો આવો શરમજનક સમયગાળો વીત્યા પછી તેના વિશે શરમ અનુભવે છે અને ભવિષ્યના વિદ્વાનો અભ્યાસ કરે છે કે આટલા મોટા સમુદાયને એવું તે શું થઈ ગયું હતું.
આપણે ત્યાં એ સમયને હજુ કેટલી વાર છે, ખબર નથી.
Friday, December 12, 2025
અણગમતા રાજકીય વિચાર ધરાવતા કલાકારો વિ. એજન્ડાવાળી ફિલ્મો
એજન્ડાવાળી ફિલ્મ અને તેમાં કામ કરતા કલાકારો--આ બે વચ્ચે હું અંગત રીતે ભેદ પાડું છું. જેમ કે, પરેશ રાવલ મને નેતા કે રાજકારણી તરીકે સદંતર નાપસંદ છે, પણ તેમનું એ સ્વરૂપ તેમનો અભિનય માણવામાં મને નડતું નથી. નરેન્દ્ર મોદીની ભૂમિકા કરનાર વિવેક ઓબેરોયની 'ઓમકારા' જેવી ફિલ્મો જોવાનો આનંદ જ આવે છે. એવું જ 'તનુ વેડ્સ મનુ'માં કંગના વિશે અને 'જોલી' સહિતની કેટલીક ફિલ્મોમાં અક્ષય કુમાર વિશે.
તો આ એક વાત થઈ. કલાકારની કલાકારી, જે તેમના અંગત વિચારો કરતાં સાવ જુદી બાબત છે.
હવે વાત નેરેટીવ ઊભો કરનારી ફિલ્મોની.
હિટલરના જમાનામાં એક ધુરંધર ફિલ્મકાર અને તસવીરકાર થઈ ગયાં. તેમનું નામ લેની રાઇફન્સ્ટાલ (Leni Riefenstahl. ઉચ્ચારમાં ભૂલચૂક લેવીદેવી). તેમણે બનાવેલી દસ્તાવેજી ફિલ્મ Triumph of the Will (1935) હિટલરનો દબદબો સ્થાપિત કરવામાં બહુ મહત્ત્વની ગણાય છે. એટલે કે, તેનું મહત્ત્વ એક ફિલ્મ કે દસ્તાવેજી ફિલ્મનું હોઈ શકે એના કરતાં બહુ વધારે ગણાય છે--અને એવું ફિલ્મ રીવ્યૂકારો નહીં, ઇતિહાસકારો માને છે. સાથોસાથ, એવું પણ કહેવાય છે કે ફિલ્મકળાની દૃષ્ટિએ તે ફિલ્મ ઉત્કૃષ્ટ હતી.
તો, બંદૂક સોનાની હોય, તો તેનાથી થતી હિંસા નજરઅંદાજ કરીને, તે 24 કેરેટ સોનાની છે, એવાં વખાણ ન થાય. એમ ફિલ્મ તરીકે ગમે તેટલી મહાન હોય, પણ તેનો એક મુખ્ય સૂર ભૂતકાળની સરકારને ધોકા મારવાનો હોય તો તેના વિશે પ્રશ્નો થવા જોઈએ.
સામાન્ય સંજોગોમાં એક સરકારની ટીકા કરતી ફિલ્મ પછીની સરકારના વખતમાં આવે તો તે સ્વાભાવિક ગણાય. કારણ કે ચાલુ સરકારની ટીકા કરવાની હિંમત કોઈ ન કરે. પણ સાથોસાથ એવી અપેક્ષા હોય કે જે મુદ્દે ભૂતકાળની સરકારની ટીકા કરવાની થઈ, એ મુદ્દે વર્તમાન સરકાર સખણી ચાલતી હશે.
જેમ કે, કટોકટી વિશેની ફિલ્મો નરેન્દ્ર મોદીના રાજ પહેલાંની કોઈ પણ સરકારમાં આવે તો થાય કે બરાબર છે. કટોકટી વખતે જે કહી ન શકાયું, તે કટોકટીની આત્યંતિકતાઓ ભૂતકાળ બન્યા પછી ફિલ્મ થકી કહી શકાય છે. તેમાં કશું ખોટું નથી.
પરંતુ કટોકટીને ભૂલાવે એવી કટોકટી ચાલતી હોય, ત્યારે જૂની કટોકટીની ફિલ્મ લઈને આવવું અને વર્તમાનમાં જે ચાલી રહ્યું છે, તેના પ્રત્યે હળવો ઇશારો સુદ્ધાં ન કરવો, તે રાજકીય, બલ્કે, પક્ષીય એજેન્ડા કહેવાય અને એને ઓળખવો પડે. કારણ કે એવી ફિલ્મો વર્તમાન સરકારની ઘોર નિષ્ફળતાને બહુ અસરકારક રીતે ઢાંકી દેવાનું અને લોકોનું ધ્યાન ભટકાવવાનું કામ કરે છે.
તેનું મૂલ્યાંકન નકરા માસુમ ફિલ્મપ્રેમી તરીકે ન કરાય. એવું કરીએ તો તે ભૂતકાળની ઓથે વર્તમાન છુપાવી દેવાના હાલની સરકારના વિરાટ યંત્રનો એક પૂરજો બનીને રહી જઈએ--ઇચ્છાએ કે અનિચ્છાએ.
આ કસોટી 'ધુરંધર' માટે લાગુ પાડીને વિચારી જોજો.
Wednesday, November 12, 2025
ત્રાસવાદ, ધર્મ અને પ્રતિકાર
ધર્મ એટલે ફરજ-નૈતિકતા-સદાચારનો સરવાળો. ટૂંકમાં, પોતે છીએ તેના કરતાં વધુ સારા બનવા માટે શું કરવું જોઈએ તેની વાત. તેમાં ઝનૂન નથી હોતું. બીજા માટેનો વેરભાવ બિલકુલ નહીં. ધર્મની આ એવી વ્યાખ્યા છે, જેના બહુ લેવાલ નથી.
Sunday, November 10, 2024
ટ્રમ્પ 2.0 પછી થોડો વિચાર
મિડીયા અને ખાસ તો સોશિયલ મિડીયાએ, આપણને શું સ્પર્શે અને શું નહીં, તેનો હવાલો ઘણી હદે લઈ લીધો છે. તેના કારણે નેરેટીવ બનાવવાનું--અને ખાસ તો, યાદ રાખવા જેવું ભૂલાવી દેવાનું કામ અભૂતપૂર્વ રીતે સહેલું બની ગયું છે.
Sunday, June 09, 2024
ચૂંટણી 2024, ઇવીએમ અને ચૂંટણી પંચ
ચૂંટણીનાં પરિણામો દુઃખી ભક્તો કહે છે, ‘ઇવીએમ વિશે વાત કરો.’ ભક્તોનો તો સાવ ગયેલો કેસ હોય છે. તેમને તથ્યો સાથે કે હકીકત સાથે કશી લેવાદેવા નથી હોતી. એટલે, તેમને કશું કહેવાની જરૂર નથી.
બીજું, ઇવીએમ હેક થઈ શકે એ વાતમાં મને કદી વિશ્વાસ પડ્યો નથી. ભૂતકાળમાં એકથી વધારે વાર એ વિશે ચોખ્ખા શબ્દોમાં લખી ચૂક્યો છું. ઘણા વાંચનારને તે યાદ પણ હશે. મોદીના બીજા ટીકાકારો ઇવીએમની વાત લાવે, ત્યારે તેમની સાથે પણ અસંમતિ જ રહી છે. કારણ કે ઇવીએમ હેક કરવા માટે, તેના એકેએક યુનિટમાં રહેલી ચીપ હેક કરવી પડે. તે ચીપ પ્રી-પ્રોગ્રામ કરીને અંદર મુકી શકાય, પણ એકએક ઇવીએમમાં તે કરવું અશક્યની હદે અઘરું છે.
હા, આખેઆખાં ઇવીએમની હેરફેર થઈ શકે. સ્થાનિક વહીવટી તંત્ર ખિસ્સામાં હોય ત્યારે તો ખાસ. અલબત્ત, એ સહેલું જરાય નથી. છતાં, એકથી વધારે વાર વાહનોમાં રેઢો પડેલો ઇવીએમનો જથ્થો શંકા ઉપજાવનારો હતો. અને તેના કદી સંતોષકારક ખુલાસા મળ્યા નથી તે હકીકત છે.
પરંતુ આ વખતે કરવા જેવી વાત ઇવીએમ અને આખી ચૂંટણીનો વહીવટ કરતા ચૂંટણી પંચની છે. આ વખતે આખેઆખું ચૂંટણી પંચ હેક થઈ ગયું હતું. ભક્તોને તો તે ન દેખાય, બલ્કે તેમને તો હેક થયેલું ચૂંટણી પંચ જ સારું લાગે, પણ પરિણામ પછી અત્યારે તેની વાત ખાસ કરવા જેવી છે.
ગયા વર્ષ સુધી ચૂંટણી કમિશનરોની નિમણૂંક સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, વડાપ્રધાન અને વિપક્ષના નેતા—એમ ત્રણ જણની સમિતિ કરતી હતી. તેમાં સંતુલન જળવાયેલું હતું, પણ બધી સત્તા પોતાની પાસે લઈ લેવા હરાયા થયેલા મોદીએ ગયા વર્ષે કાયદામાં ફેરફાર કરીને સમિતિમાંથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કાઢી નાખ્યા. તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રીને મુકી દીધા. એટલે સરકાર ઇચ્છે તે જ અધિકારી ચૂંટણી કમિશનર બની શકે.
આ વર્ષે માર્ચમાં એક ચૂંટણી કમિશનરે વહેલી નિવૃત્તિ લઈ લીધી. એ માટે તેમણે અંગત કારણો આગળ કર્યાં હતાં, પણ ત્યાર પછી ચૂંટણી કમિશનરોનું જે સરકારતરફી વલણ રહ્યું તે જોતાં એવું ધારી શકાય કે પેલા કમિશનરને એ બધું પોતાનાથી નહીં થાય એવું લાગ્યું હશે. એ ધારણા છે, પણ સાવ નિરાધાર નથી.
પછી ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારે એવી રીતે સાત તબક્કામાં તેને વહેંચવામાં આવી કે જેથી વડાપ્રધાન બધે પ્રચાર પર પૂરતું ધ્યાન આપી શકે—તેમને પૂરતો સમય મળે અને મહત્ત્વનાં રાજ્યોમાં એક સાથે, એક સમયે ચૂંટણી ન હોય.
ચૂંટણીનું સમયપત્રક તો સૌથી નાનામાં નાનું, ઓછામાં ઓછું અને ક્ષમ્ય ગણાય એવું કારસ્તાન હતું. ત્યાર પછી ચૂંટણી પંચે જે રીતે ચૂંટણીની આચારસંહિતાનો મોદી એન્ડ કંપની દ્વારા મોટા પાયે ભંગ ચૂપચાપ થવા દીધો તે અક્ષમ્ય હતું. નૈતિકતા-ફૈતિકતા છોડો, સાદા કાયદાની-આઇપીસીની દૃષ્ટિએ પણ ઘણી બાબતો ગુનો બને તેમ હતી.
મોદી તેમનાં ભાષણોમાં હડહડતાં જૂઠાણાં ફેલાવતા હતા. ઉદાહરણ તરીકે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ક્યાંય લખ્યું ન હોય એવું તેમનાં ભાષણોમાં પ્રચારતા હતા. દેશનો વડોપ્રધાન કહે કે કોંગ્રેસના ઢંઢેરામાં આવું લખ્યું છે—અને એ સાવ જૂઠાણું હોય, તો તેની ગંભીરતા કેટલી કહેવાય? પણ ચૂંટણી પંચે કશાં પગલાં ન લીધાં.
મોદી તેમનાં ભાષણોમાં આ દેશના નાગરિક એવા મુસલમાનો વિરુદ્ધ બેફામ બોલતા હતા અને લોકોને ઉશ્કેરતા હતા. આઇપીસીની કલમો પ્રમાણે એ ગુનો થાય, પણ મોદીરાજમાં એ વાત એટલી સામાન્ય થઈ ચૂકી હતી કે ચૂંટણી પંચે પણ તે ચાલવા દીધી.
એ સિવાય સડકછાપ ભાષણો માટે તો મોદી જાણીતા છે જ. તેમાં પણ આ વખતે બધી હદો વટાવી. તેમ છતાં, બહાદુરીના દાવા કરીને મોદીની ભક્તિ કરી લેતા લોકોએ આ બધી બાબતોને ‘એ તો રાજકારણ હોય. તેમાં આવું બધું જ હોય. એ તો આવું જ ચાલે’—એમ કહીને આ બાબતોને છાવરવાનો પ્રયત્ન કર્યો અને હજુ આજે પણ કરે છે.
અગાઉ કોઈ વડાપ્રધાન બંધારણીય હોદ્દે રહીને આટલા લાંબા સમય સુધી (ચૂંટણી પ્રચાર દરમિયાન) આટલી મોટી માત્રામાં, આટલું બેફામ કે આટલું જૂઠું બોલ્યા નથી. પણ પ્રગટ ભક્તો કે સલુકાઈથી સરકારવિરોધી તરીકેની છાપ ઉભી કર્યા પછી મોદીની ભક્તિ કરી લેનારાઓ—તે બધાને તેમાં કશું ખોટું ન લાગ્યું. એ તો ઠીક, પણ ચૂંટણી પંચે પણ મોદીના બેફામ, બેકાબૂ વિષવમનને નજરઅંદાજ કર્યું.
સામાન્ય રીતે ચૂંટણીપ્રચારમાં કોઈ ઉમેદવાર હદ વટાવે તો ચૂંટણી પંચ તેને વ્યક્તિગત નોટીસ આપે. મોદીએ અનેક વાર હદ વટાવી. તેમાંથી એક વાર પગલાં લેવાનું દબાણ ઊભું થયું, ત્યારે ચૂંટણી પંચે શું કર્યું? તેણે નોટીસ તો આપી, પણ મોદીને નહીં, ભાજપના પક્ષપ્રમુખને—અને સાથે કોંગ્રેસના પક્ષપ્રમુખને પણ આપી દીધી. અને કહ્યું કે તમારા સ્ટાર પ્રચારકોને કહો, બોલવામાં ધ્યાન રાખે. બસ, પગલાં લેવાઈ ગયાં.
આટલું ઓછું હોય તેમ, ચૂંટણી પંચે સર્વોચ્ચ અદાલતમાં મતગણતરીનો ડેટા જાહેર કરવામાં અખાડા કર્યા. પહેલા બે કે ત્રણ તબક્કામાં જાહેર કરેલી ટકાવારીમાં પાંચ ટકાનો વધારો કેવી રીતે થયો, તેનો ચૂંટણી પંચે કર્યો નહીં. તેમાં કશો ગોટાળો ન હોય ને ગણતરીની ભૂલ હોય તો પણ જવાબ આપવાની ચૂંટણી પંચની ફરજ છે. તેને બદલે ચૂંટણી પંચે પણ મોદીની માફક અકડાઈભર્યું વલણ લીધું. છેવટે સર્વોચ્ચ અદાલતે દરમિયાન થવું પડ્યું.
ચૂંટણી પંચના આવા વલણને કારણે, મતગણતરી વિશ્વસનિય રીતે થશે કે નહીં, તેની વાજબી શંકા ઊભી થઈ. ચૂંટણી પંચે તબક્કા પૂરા થતા જાય તેમ મતદાનના આંકડા આપવાનું રાખ્યું હોત તો આટલી શંકા ન પડત. પણ એક વાર વિશ્વસનિયતા ગઈ એટલે પૂનમ અગ્રવાલ નામનાં એક પત્રકારે અને ત્યાર પછી બીજા ઘણા લોકોએ ફોર્મ 17 (સી)નો મુદ્દો ઊભો કર્યો. મતદાનના દિવસે સાંજે કુલ મત અને પડેલા મતની વિગતો ઇવીએમના નંબર સાથે પોલિંગ એજન્ટોને આપવાની હોય છે. તે વિગતોનો જાહેર થયેલાં પરિણામોના આંકડા સાથે તાળો બેસાડીને ગરબડ થઈ હોય તો જાણી શકાય. એટલે, ઘણા લોકોએ ફોર્મ 17 (સી) ભેગાં કર્યાં. પરંતુ તેમાં કોઈ ગરબડ થયાની ફરિયાદ નથી મળી. એટલે 17 (સી)ની જરૂર ન પડી. પણ ચૂંટણી પંચે ડેટા આપવાનો ઇન્કાર કરીને સામે ચાલીને પોતાની વિશ્વસનિયતા પર કુહાડો માર્યો હતો.
આમ, આ ચૂંટણીમાં મોદીના અહંકારથી પહેલાં ચૂંટણી પંચની વિશ્વસનિયતા ગઈ છે. તે પાછી લાવવા માટે સૌથી પહેલાં ચૂંટણી કમિશનરોની નિમણૂકનો કાયદો પહેલાં જેવો કરવો જોઈએ. તેનાથી કમ સે કમ ઇરાદાની યોગ્યતા વિશે તો ખ્યાલ આવશે.
બાકી, મોદી આમ તો મહાન છે અને નાનીમોટી તકલીફ તો દરેક નેતામાં હોય—એવા જુદા પ્રકારના ભક્ત-આખ્યાનોથી બચજો. મોદીનો અહંકાર, સ્વમોહ અને સત્તાનું ભયંકર કેન્દ્રીકરણ કરવાની તેમની લાલસા તેમને બીજા ખરાબ નેતાઓ કરતાં અનેક ગણા વધારે ખતરનાક બનાવે છે—દેશ માટે અને સમાજ માટે. દેશની બંધારણીય સંસ્થાઓ અને સામાજિક પોતથી માંડીને મિડીયાની તેમણે જે દુર્દશા કરી છે, એ જોઈને પણ તમને સમજાતું ન હોય, તો હજુ તમારે કેટલા પુરાવા જોઈએ? ના, તેનો અર્થ તો એવો છે કે તમને ગમે તેટલા પુરાવા કે હકીકતોથી કશો ફરક નથી પડતો. કારણ કે, તમારા માટે તો તમારો સ્વાર્થ અથવા તમારી ભક્તિ જ સર્વસ્વ છે.
Saturday, June 08, 2024
થોડું પરિણામોથી હટીને, થોડું અંગત...
ચૂંટણી પહેલાં, દરમિયાન કે પછી, તેનાં ચર્ચા-વિગતો-આંકડા-વિશ્લેષણો-સર્વેક્ષણોમાં વર્ષો પહેલાં, દૂરદર્શનના જમાનામાં રસ પડતો હતો. પક્ષીય રાજકારણમાં એક હદથી વધારે રસ કદી પડ્યો નહીં. કોઈ રાજકીય નેતાની હારથી પહેલવહેલી વાર આનંદ આવ્યો હોય તો તે વી.પી.સિંઘ સામે રાજીવ ગાંધીની હારથી. કારણ કે વી.પી. તે વખતે લડવૈયા લાગતા હતા--અન્ડરડોગ અને રાજીવ સત્તાધીશ. તે વખતની ચૂંટણીજાહેરાતો અને કાર્ટૂનનાં કટિગ હજુ સચવાયેલાં છે.
Tuesday, June 04, 2024
2024ની ચૂંટણીનાં પરિણામઃ શાંતિથી વિચારતાં--
પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયાં છેઃ અત્યારે (સાંજે સાત વાગ્યે) ઇન્ડિયન એક્સપ્રેસ બતાવે છેઃ એનડીએ-296, યુપીએ-229, અન્ય-18.
Wednesday, January 17, 2024
રાષ્ટ્રીય (પ)તંગ મહોત્સવ
ઉત્તરાયણ નિમિત્તે, અને ખરેખર જરૂર હોય એ સિવાયના લગભગ તમામ પ્રસંગે, ગુજરાતમાં અઢળક ચિંતન થયું છે-થતું રહે છે. પતંગ, દોરી અને આકાશને સાંકળતી ફિલસૂફી ‘પરંપરાગત હર્ષોલ્લાસ’ સાથે ઠલવાય છે. ઉત્તરાયણના દિવસે ઠેર ઠેર વેચાતા તૈયાર ઊંધિયામાંથી તેલના નીકળે, એવા રેલા છાપાંમાં ચિંતનના નીકળે છે. બંનેના ભાવક વર્ગને થાય છેઃ બરાબર છે, ઊંધિયામાં તેલ (ને છાપામાં ચિંતન) હોય ને તે અમુક હદ સુધી ભાવે પણ ખરું. છતાં એનું કંઈ માપ હોય કે નહીં?
સરકાર-રીતિની જેમ ઉત્તરાયણ પણ કેટલાક માટે ખાવાનો, કેટલાક માટે બેફામ ઢીલ મુકવાનો અને કેટલાકને મન કશું સમજ્યાવિચાર્યા વિના બીજાના ટેકામાં ચિચિયારીઓ પાડવાનો- પથ્થરબાજી કરવાનો તહેવાર હોય છે. ઉત્તરાયણ કહેવાય પતંગનો ઉત્સવ, પણ આગળ ઉલ્લેખેલી ક્રિયાઓ અને તેના કરનારાઓને માટે પતંગ તો કેવળ નિમિત્ત.
પહેલાં ‘એક અગાસી, એક પતંગ’ની સ્થિતિ શક્ય ન હતી. એક જગ્યાએથી બે-ત્રણ પતંગ ચગતા હોય તે બહુ સામાન્ય દૃશ્ય હતું. તેમાં થોડી અરાજકતા થતી, ક્યારેક અંદરોઅંદર પેચ લડી જતા, દોરીઓ ગુંચવાઈ જતી, લડાઈઝઘડા થતા. છતાં, ‘વિવિધતામાં અરાજકતા’ની સાથોસાથ ‘વિવિધતામાં એકતા’ પણ જળવાઈ રહેતી હતી. વર્તમાન સમય ‘એક દેશ, એક અગાસી, એક પતંગ’નો છે. બીજા પતંગોને ઊંચા થવા દેવાતા નથી અને થાય તો તેમને હાથોહાથમાંથી કાપી નાખવામાં આવે છે. અને તે પણ, ચગેલા પતંગ દ્વારા નહીં, પણ આજુબાજુની ભીડ દ્વારા અને એકમેવ પતંગબાજના ‘ઝંડા’ધારીઓ દ્વારા.
સંયુક્ત અગાસીનો અનુભવ ધરાવતા લોકોને યાદ હશે કે આખા ટોળામાં પતંગ ચગાવનાર એક જ હોય, પણ આખું ટોળું તેની તરફેણમાં એવી ગગનભેદી ચિચિયારીઓ પાડે કે પતંગ ચગાવનારનો વટ પડી જાય. તે નિર્દોષ પ્રવૃત્તિએ સાંપ્રત કાળમાં સમાચાર અને સોશિયલ મિડીયા પરના પ્રચારનું રૂપ લીધું છે. ‘આખા દેશમાં પતંગ ચગાવનાર એક જ છે અને બીજા કોઈને તો તે આવડતું જ નથી,’ એવો ઘોંઘાટ સતત ચાલુ છે. તેનાથી આગળ વધીને એવો માહોલ જમાવવામાં આવ્યો છે કે ‘અગાઉ કોઈએ પતંગ ચડાવ્યા જ ન હતા ને પેચ લડાવ્યા જ ન હતા. આ દેશનું નસીબ છે કે પહેલી વાર તેને કોઈ એવો માણસ મળ્યો, જેને પતંગ ચગાવતાં આવડતું હોય. હવે જોજો, દેશ કેવો વિશ્વગુરુ બની જશે.’
અગાસીના માહોલ વિશે જાણનારાને ખ્યાલ હશે કે એક જ પતંગ પર ચિચિયારી પાડતા ટોળામાં વચ્ચેવચ્ચે તલસાંકળી, લાડુડી, બોર-જામફળ, ચીકી વગેરે વહેંચાતું રહે છે. તેનાથી બૂમો પાડવાનો ઉત્સાહ ટકી રહે છે. કેટલાકને એ નથી મળતું. છતાં, તે બૂમો પાડવામાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તેમને બીક છે કે તે ટોળામાં સામેલ નહીં થાય, તો હવે પછીની ઉત્તરાયણ તેમને જેલમાં કરવી પડશે.
એકના એક વીર પતંગવાળાનો જયજયકાર કરતા રહેવા માટે, તેનો પતંગ બહુ સરસ ચગતો હોય કે તે વારેઘડીએ પેચ લડાવીને વિજેતા બનતો હોય, એવું બિલકુલ જરૂરી નથી. હકીકત તો એ છે કે તેનો પતંગ ચગતો હોય, એ પણ જરૂરી નથી. ચગતા અને સરસ ચગતા પતંગનાં ગુણગાન તો સૌ ગાય. ન ચગેલા પતંગના ધણીને આકાશવિજેતા જાહેર કરીએ તો ખરા.
એટલે પતંગ ચગાવનાર અગાસી પર ઉભો ઉભો આકાશ તરફ જુએ તો આકાશને ખબર પાડી દેવાનો તેનો માસ્ટર સ્ટ્રોક, નીચે જુએ તો વિરોધીઓને ભોયંભેગા કરવાના ઇરાદાનો માસ્ટર સ્ટ્રોક, ગોગલ્સ પહેરે તો માસ્ટર સ્ટ્રોક, શાલ ઓઢે તો માસ્ટર સ્ટ્રોક. તે પતંગ ચગાવતો હોય એવો ભાસ થાય, એટલે ટોળાએ આકાશમાં સૌથી ઊંચે દેખાતો પતંગ તેમના પતંગબાજનો હશે, એવું જાહેર કરી દેવાનું. કોઈ પુરાવા માગે તો કહેવાનું કે ‘જા, ઉપર જઈને પતંગને પૂછી આવ.’ કોઈ પૂછે કે ‘તમારા પતંગબાજના હાથમાં દોરી તો દેખાતી નથી.’ તો કહેવાનું, ‘એ સ્ટ્રીંગલેસ પતંગની લેટેસ્ટ આધ્યાત્મિક ટેકનોલોજી છે. જે લોકોને તેમાં શ્રદ્ધા હોય તેમને જ દોરી દેખાય—લાલ ચશ્મા પહેરવાથી અદશ્ય મિસ્ટર ઇન્ડિયાને જોઈ શકાતો હતો તેમ.’
વચ્ચે વચ્ચે એવી જાહેરાત પણ કરી દેવાની કે ‘હમણાં જ સમાચાર આવ્યા છેઃ આપણા ધાબાનો પતંગ છેક ચંદ્ર પરથી દેખાય છે.’ કેટલાક લોકો એવા પણ હશે, જે કહેશે,’ અમે ક્યારના જયજયકાર કરીએ છીએ, પણ દોરી દેખાતી નથી.’ પછી હળવેકથી કહેશે, ‘પણ શું થાય? દેશની પ્રતિષ્ઠા વધતી હોય તો આપણાથી સવાલ કેમ પૂછાય?.’ તેમ છતાં, કોઈ ખરાઈ કરનારો તંત ન છોડે, તેની પર રાષ્ટ્રગૌરવ અને વિશ્વવિભૂતી એવા ગૌરવબાજની દોરીમાં દાંતી પાડવાનો આરોપ મુકીને, તેને અંદર કરી દેવાનો.
પતંગ સરખી કે સાવ ન ચગી હોય, છતાં જયજયકાર ચાલુ રખાવવો હોય તો પોળના અનુભવીઓનો જૂનો અને જાણીતો બીજો રસ્તો છેઃ દૂર કે નજીક, કોઈ ને કોઈ ‘દુશ્મન’ ધાબું શોધી કાઢવું અને એ દિશામાં પથ્થરમારો શરૂ કરાવી દેવો. તેની સાથે વચ્ચે વચ્ચે આપણો પતંગ વિક્રમસર્જક ઊંચાઈએ પહોંચ્યો, ગિનેસ બુકમાં તેનું નામ આવ્યું, તેને અમેરિકાનો ફ્રિ-લીપ બટલર એવોર્ડ મળ્યો, પતંગની ટેકનોલોજી સૌથી પહેલાં આપણા દેશમાં શોધાઈ હતી—એવી બધી વાતો વહેતી રાખવાની.
ખોટું તો ખોટું, પણ ગૌરવ અને ઝનૂન સંતોષાઈ જાય, પછી પતંગ ચગે કે ન ચગે, પતંગ હોય કે ન પણ હોય, શો ફરક પડે છે?
Tuesday, January 17, 2023
ગૂજરાત વિદ્યાપીઠઃ કુલનાયક ખીમાણીનું રાજીનામું એટલે...
આખરે બે દિવસ પહેલાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક (વીસી) રાજેન્દ્રભાઈ ખીમાણીએ રાજીનામું આપ્યું.
હાઇકોર્ટના આદેશને પગલે તેમનું જવાનું તો નક્કી જ હતું.
એક અટકળ એવી હતી કે અમિત શાહ કદાચ તેમને કોર્ટના આદેશની અસરમાંથી બચાવી પણ લે.
બીજી, વધારે તાર્કિક, અટકળ એવી હતી કે અમિત શાહ તેમને બચાવવા માટે શું કામ પ્રયાસ કરે? તેમનો ઉપયોગ તો કેવળ વિદ્યાપીઠ હાંસલ કરવા પૂરતો જ હોય.
અને રાજેન્દ્રભાઈ સામે કશી કાર્યવાહી ન થાય, એ પણ તેમના માટે તો સરકારે કરેલી તરફેણ જ ગણાય, એવા આરોપ તેમની સામે છે.
***
વિદ્યાપીઠમાં આચાર્ય દેવવ્રત જેવા સરકારમાન્ય, સરકાર-અનુકૂળ અને રામદેવના અનુયાયી એવા કુલપતિ (ચાન્સેલર) નીમવા માટે ટ્રસ્ટીમંડળમાં ઠરાવ થયો અને બહુમતીથી પસાર થયો, તેમાં પ્રેરક બળ રાજેન્દ્રભાઈનું હતું.
સ્ટાફના પ્રતિનિધિઓને એવું સમજાવવામાં આવ્યું કે સરકારને અનુકૂળ નહીં થઈએ તો ગ્રાન્ટ નહીં આવે (કેમ જાણે ગ્રાન્ટ કોઈના પિતાશ્રીની મૂડીમાંથી આવવાની હોય) અને તમારા પગાર અટકશે. ભૂતપૂર્વ સાથીદારોને કહેવામાં આવ્યું કે આરોપોમાં તમે પણ સહઆરોપી બનશો.
ભૂતપૂર્વ સાથીદારો તો ન માન્યા ને વિરોધમાં થોડા મત પડ્યા. છતાં ઠરાવ બહુમતીથી પસાર થઈ ગયો અને આચાર્ય દેવવ્રત રાજ્યપાલ તરીકે નહીં, વ્યક્તિગત રીતે વિદ્યાપીઠના આજીવન કુલપતિ બની ગયા. ત્યાર પછી તેમણે જે મહાન સફાઈઝુંબેશ ઉપાડી, રાજ્યપાલભવનમાંથી તેની જે ભવ્ય યાદીઓ બહાર પડી અને છપાઈ, તે સૌ જાણે છે.
તો, સરવાળે શું થયું?
- રાજેન્દ્રભાઈએ વિદ્યાપીઠ સરકારના ચરણે ધરી દીધી. વિદ્યાપીઠના કુલપતિનું પદ ગાંધીવિચારધારાથી વિપરીત વિચારધારા ધરાવતા માણસ પાસે ગયું--અને તે પણ તે ભાઈ જીવે ત્યાં સુધી. તે પાપ રાજેન્દ્રભાઈની સક્રિય આગેવાની હેઠળ થયું. તરફેણમાં મત આપનારા એ પાપના ભાગીદાર.
- બદલામાં રાજેન્દ્રભાઈની સામે કશાં પગલાં નહીં લેવાય, એવી આશા કે આશ્વાસન હશે? ખબર નથી, પણ હાલમાં તો તેમણે કુલનાયકપદું છોડવું પડ્યું.
***
રાજેન્દ્રભાઈ કહી શકે કે તેમણે વિદ્યાપીઠને બચાવી લીધી. નહીંતર ગ્રાન્ટ બંધ થઈ જાત અને સ્ટાફ પગાર વિના રવડી પડત અને વિદ્યાપીઠ બંધ થઈ જાત.
વિદ્યાપીઠના ટીકાકારો કહી શકે કે આમાં કશું ક્યાં નવું છે? વિદ્યાપીઠમાં તો પહેલેથી પુષ્કળ પોલંપોલ ચાલતું હતું.
--અને આ બંને વાતોમાં સત્યનો ઘણો અંશ હોઈ શકે. છતાં, તે આખા ચિત્રનો નાનકડો હિસ્સો છે.
આખું ચિત્ર એ છે કે કે જેવી હતી તેવી એક ગાંધીસંસ્થા વિરોધી વિચારધારાના સત્તાધીશોએ આંચકી લીધી અને તે પણ કોઈ પણ પ્રકારના પ્રજાકીય-નાગરિકી વિરોધ વિના.
***
અત્યાર સુધીના બનાવો પરથી સમજાય છે કે આ સરકાર એક જ ભાષા સમજે છેઃ વિરોધની.
સમેતશિખરને પ્રવાસનધામ ન બનાવાય, એવી જૈનોની માગણી તેમના વિરોધપ્રદર્શન પછી સ્વીકારાઈ. એ તેનો તાજો દાખલો છે.
ત્યાર પહેલાંનાં વિરોધ પ્રદર્શનો પણ યાદ કરી લો. એટલે ખ્યાલ આવી જશે કે વિરોધીઓ પ્રત્યે ગંદકી ફેલાવવા સિવાય, તેમને નહીં જેવા કારણોસર કે કારણવગર જેલમાં ખોસી દેવા સિવાય અને વિરોધીઓ સામે પાળેલાં પ્રાણીઓને છૂટાં મૂકી દીધા સિવાય, બીજું ખાસ કંઈ તેમને ફાવતું નથી.
આટલાં વર્ષ વિરોધ કરી કરીને અહીં પહોંચ્યા પછી હવે સાહેબલોકોથી કાયદાની હદમાં રહીને થતો વિરોધ પણ સહેવાતો નથી. હવે તો એ વિરોધ પ્રદર્શન વખતે ધરપકડને લગતા કાયદા પણ બદલવા માંડ્યા છે.
વિરોધથી ડરતા હોવાને કારણે તેમના પ્રયાસ એવા હોય છે કે કોઈ પણ ચીજ હડપ કરી લેતાં પહેલાં ત્યાંના સત્તાધીશોની ફાઇલો સાથે રાખવી અને ભય કે લાલચ કે બંનેના જોરે તેમને દબાવીને, વ્યાપક વિરોધ થાય તે પહેલાં કબજો જમાવી લેવો.
એવા સંજોગોમાં શિસ્તબદ્ધ, અહિંસક પણ આકરો વિરોધ પણ ન થાય, ત્યારે શું કહેવું?
***
વિરોધનો અર્થ એવો નથી કે બધાએ સડક પર ઉતરવું. જેને જે અનુકૂળ પડે તે કરે. પણ જેનો દાવો ને હોદ્દો વધારે મોટો, તેની જવાબદારી વધારે મોટી. બધા વિરોધની પહેલ ન કરે તો પણ, વાજબી રીતે થતા વિરોધને એક યા બીજી રીતે સહકાર તો આપે.
વિદ્યાપીઠ એ ટ્રસ્ટીઓના કે હોદ્દેદારોની મિલકત નથી. તેની છેવટની માલિકી સમાજની અને તેમાં પણ વિદ્યાપીઠ જેવી સંસ્થાઓના કિસ્સામાં, ગાંધીપ્રેમી હોય અથવા કમ સે કમ ગાંધીદ્વેષી ન હોય, એવા વ્યાપક જનસમુદાયની છે. 'આપણે શી લેવાદેવા?' એવું વિચારતાં પહેલાં આટલું મનમાં રાખજો.
બાકી તો, ગાંધીજી કહેતા હતા તેમ, તમારા રુદિયાનો રામ સૂઝાડે તેમ કરજો. રુદિયામાં રામના પાવક સ્મરણને બદલે 'જય શ્રી રામ'ની હિંસક નારાબાજી હોય તો જેવાં ગાંધીજીનાં, રામનાં ને દેશનાં નસીબ.