Wednesday, January 17, 2024

રાષ્ટ્રીય (પ)તંગ મહોત્સવ

 ઉત્તરાયણ નિમિત્તે, અને ખરેખર જરૂર હોય એ સિવાયના લગભગ તમામ પ્રસંગે, ગુજરાતમાં અઢળક ચિંતન થયું છે-થતું રહે છે. પતંગ, દોરી અને આકાશને સાંકળતી ફિલસૂફી પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઠલવાય છે. ઉત્તરાયણના દિવસે ઠેર ઠેર વેચાતા તૈયાર ઊંધિયામાંથી તેલના નીકળે, એવા રેલા છાપાંમાં ચિંતનના નીકળે છે. બંનેના ભાવક વર્ગને થાય છેઃ બરાબર છે, ઊંધિયામાં તેલ (ને છાપામાં ચિંતન) હોય ને તે અમુક હદ સુધી ભાવે પણ ખરું. છતાં એનું કંઈ માપ હોય કે નહીં?

સરકાર-રીતિની જેમ ઉત્તરાયણ પણ કેટલાક માટે ખાવાનો, કેટલાક માટે બેફામ ઢીલ મુકવાનો અને કેટલાકને મન કશું સમજ્યાવિચાર્યા વિના બીજાના ટેકામાં ચિચિયારીઓ પાડવાનો- પથ્થરબાજી કરવાનો તહેવાર હોય છે. ઉત્તરાયણ કહેવાય પતંગનો ઉત્સવ, પણ આગળ ઉલ્લેખેલી ક્રિયાઓ અને તેના કરનારાઓને માટે પતંગ તો કેવળ નિમિત્ત.

પહેલાં એક અગાસી, એક પતંગની સ્થિતિ શક્ય ન હતી. એક જગ્યાએથી બે-ત્રણ પતંગ ચગતા હોય તે બહુ સામાન્ય દૃશ્ય હતું. તેમાં થોડી અરાજકતા થતી, ક્યારેક અંદરોઅંદર પેચ લડી જતા, દોરીઓ ગુંચવાઈ જતી, લડાઈઝઘડા થતા. છતાં, વિવિધતામાં અરાજકતાની સાથોસાથ વિવિધતામાં એકતા પણ જળવાઈ રહેતી હતી. વર્તમાન સમય એક દેશ, એક અગાસી, એક પતંગનો છે. બીજા પતંગોને ઊંચા થવા દેવાતા નથી અને થાય તો તેમને હાથોહાથમાંથી કાપી નાખવામાં આવે છે. અને તે પણ, ચગેલા પતંગ દ્વારા નહીં, પણ આજુબાજુની ભીડ દ્વારા અને એકમેવ પતંગબાજના ઝંડાધારીઓ દ્વારા.

સંયુક્ત અગાસીનો અનુભવ ધરાવતા લોકોને યાદ હશે કે આખા ટોળામાં પતંગ ચગાવનાર એક જ હોય, પણ આખું ટોળું તેની તરફેણમાં એવી ગગનભેદી ચિચિયારીઓ પાડે કે પતંગ ચગાવનારનો વટ પડી જાય. તે નિર્દોષ પ્રવૃત્તિએ સાંપ્રત કાળમાં સમાચાર અને સોશિયલ મિડીયા પરના પ્રચારનું રૂપ લીધું છે. આખા દેશમાં પતંગ ચગાવનાર એક જ છે અને બીજા કોઈને તો તે આવડતું જ નથી, એવો ઘોંઘાટ સતત ચાલુ છે. તેનાથી આગળ વધીને એવો માહોલ જમાવવામાં આવ્યો છે કે અગાઉ કોઈએ પતંગ ચડાવ્યા જ ન હતા ને પેચ લડાવ્યા જ ન હતા. આ દેશનું નસીબ છે કે પહેલી વાર તેને કોઈ એવો માણસ મળ્યો, જેને પતંગ ચગાવતાં આવડતું હોય. હવે જોજો, દેશ કેવો વિશ્વગુરુ બની જશે. 

અગાસીના માહોલ વિશે જાણનારાને ખ્યાલ હશે કે એક જ પતંગ પર ચિચિયારી પાડતા ટોળામાં વચ્ચેવચ્ચે તલસાંકળી, લાડુડી, બોર-જામફળ, ચીકી વગેરે વહેંચાતું રહે છે. તેનાથી બૂમો પાડવાનો ઉત્સાહ ટકી રહે છે. કેટલાકને એ નથી મળતું. છતાં, તે બૂમો પાડવામાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તેમને બીક છે કે તે ટોળામાં સામેલ નહીં થાય, તો હવે પછીની ઉત્તરાયણ તેમને જેલમાં કરવી પડશે.

એકના એક વીર પતંગવાળાનો જયજયકાર કરતા રહેવા માટે, તેનો પતંગ બહુ સરસ ચગતો હોય કે તે વારેઘડીએ પેચ લડાવીને વિજેતા બનતો હોય, એવું બિલકુલ જરૂરી નથી. હકીકત તો એ છે કે તેનો પતંગ ચગતો હોય, એ પણ જરૂરી નથી. ચગતા અને સરસ ચગતા પતંગનાં ગુણગાન તો સૌ ગાય. ન ચગેલા પતંગના ધણીને આકાશવિજેતા જાહેર કરીએ તો ખરા.

એટલે પતંગ ચગાવનાર અગાસી પર ઉભો ઉભો આકાશ તરફ જુએ તો આકાશને ખબર પાડી દેવાનો તેનો માસ્ટર સ્ટ્રોક, નીચે જુએ તો વિરોધીઓને ભોયંભેગા કરવાના ઇરાદાનો માસ્ટર સ્ટ્રોક, ગોગલ્સ પહેરે તો માસ્ટર સ્ટ્રોક, શાલ ઓઢે તો માસ્ટર સ્ટ્રોક. તે પતંગ ચગાવતો હોય એવો ભાસ થાય, એટલે ટોળાએ આકાશમાં સૌથી ઊંચે દેખાતો પતંગ તેમના પતંગબાજનો હશે, એવું જાહેર કરી દેવાનું. કોઈ પુરાવા માગે તો કહેવાનું કે જા, ઉપર જઈને પતંગને પૂછી આવ. કોઈ પૂછે કે તમારા પતંગબાજના હાથમાં દોરી તો દેખાતી નથી. તો કહેવાનું, એ સ્ટ્રીંગલેસ પતંગની લેટેસ્ટ આધ્યાત્મિક ટેકનોલોજી છે. જે લોકોને તેમાં શ્રદ્ધા હોય તેમને જ દોરી દેખાય—લાલ ચશ્મા પહેરવાથી અદશ્ય મિસ્ટર ઇન્ડિયાને જોઈ શકાતો હતો તેમ.

વચ્ચે વચ્ચે એવી જાહેરાત પણ કરી દેવાની કે હમણાં જ સમાચાર આવ્યા છેઃ આપણા ધાબાનો પતંગ છેક ચંદ્ર પરથી દેખાય છે. કેટલાક લોકો એવા પણ હશે, જે કહેશે, અમે ક્યારના જયજયકાર કરીએ છીએ, પણ દોરી દેખાતી નથી. પછી હળવેકથી કહેશે, પણ શું થાય? દેશની પ્રતિષ્ઠા વધતી હોય તો આપણાથી સવાલ કેમ પૂછાય?. તેમ છતાં, કોઈ ખરાઈ કરનારો તંત ન છોડે, તેની પર રાષ્ટ્રગૌરવ અને વિશ્વવિભૂતી એવા ગૌરવબાજની દોરીમાં દાંતી પાડવાનો આરોપ મુકીને, તેને અંદર કરી દેવાનો.

પતંગ સરખી કે સાવ ન ચગી હોય, છતાં જયજયકાર ચાલુ રખાવવો હોય તો પોળના અનુભવીઓનો જૂનો અને જાણીતો બીજો રસ્તો છેઃ દૂર કે નજીક, કોઈ ને કોઈ દુશ્મન ધાબું શોધી કાઢવું અને એ દિશામાં પથ્થરમારો શરૂ કરાવી દેવો. તેની સાથે વચ્ચે વચ્ચે આપણો પતંગ વિક્રમસર્જક ઊંચાઈએ પહોંચ્યો, ગિનેસ બુકમાં તેનું નામ આવ્યું, તેને અમેરિકાનો ફ્રિ-લીપ બટલર એવોર્ડ મળ્યો, પતંગની ટેકનોલોજી સૌથી પહેલાં આપણા દેશમાં શોધાઈ હતી—એવી બધી વાતો વહેતી રાખવાની.

ખોટું તો ખોટું, પણ ગૌરવ અને ઝનૂન સંતોષાઈ જાય, પછી પતંગ ચગે કે ન ચગે, પતંગ હોય કે ન પણ હોય, શો ફરક પડે છે?

No comments:

Post a Comment