Showing posts with label Gujarati/ગુજરાતી ભાષા. Show all posts
Showing posts with label Gujarati/ગુજરાતી ભાષા. Show all posts

Monday, June 02, 2025

'સફારી' : એક અંગત અંજલિ

'સફારી'ના એક અંકનું મુખપૃષ્ઠ

--અને એક વખત એવું પણ બન્યું કે, સફારી બંધ થયું.

નગેન્દ્ર વિજયના તંત્રીપદ હેઠળ શરૂ થયેલું, નગેન્દ્રભાઈના તંત્રીપદ-હર્ષલ પુષ્કર્ણાના સંપાદકપદ હેઠળ ફૂલેલુંફાલેલું અને  વર્ષ 2018માં હર્ષલને છોડવું પડ્યું ત્યાર પછી સંપાદકવિહોણું બનેલું સફારી છેવટે બંધ થયાના સમાચાર ગઈ કાલે મળ્યા. નગેન્દ્ર વિજયે તાજા અંકના તંત્રીલેખમાં તેની જાહેરાત કરી. સેંકડો વાચકોના માનીતા જ્ઞાનવિજ્ઞાનના માસિક તરીકે સફારીનો દબદબો એવો હતો કે સંખ્યાબંધ વાચકોએ પરિવારનું કોઈ સ્વજન ગુમાવ્યું હોય એવી ખોટ અને એવો આંચકો લાગ્યાં.

નગેન્દ્ર વિજયનું સ્કોપ વિશુદ્ધ વિજ્ઞાનસામયિક હતું અને વન મેન શો હતું, જ્યારે સફારી જ્ઞાનવિજ્ઞાનનું સામયિક. શરૂઆતનાં પાંચેક વર્ષને બાદ કરતાં તે નગેન્દ્ર વિજય અને હર્ષલ પુષ્કર્ણાની એક ને એક અગીયાર જેવી જુગલબંદીનું પ્લેટફોર્મ બન્યું. તેમાં રમતિયાળ શૈલીમાં પીરસાતી જાણકારી વાચકોને માહિતીની સાથોસાથ મનોરંજન ઉપરાંત કંઈક નવું, કંઈક નક્કર જાણવાની કીક આપતી હતી. સફારીના સરળ લાગતા લેખનનો જાદુ એવો હતો કે એકેએક વાક્યમાં કશીક બાંધી રાખનારી વાત હોય ને આગળ વાંચવાની ઉત્સુકતા બરકરાર રાખનારું તત્ત્વ.

લોકો લાંબું વાંચતા નથી એવા રટણનો જમાનો આવ્યા પછી પણ સફારીમાં દસ-પંદર પાનાંના લેખ આરામથી છપાતા હતા. લખાણ ગમે તેટલું લાંબું હોય, પણ તે (નગેન્દ્રભાઈનો શબ્દપ્રયોગ વાપરીને કહું તો, મમરાની ગુણ જેવું નહીં) ઠોસ હોય. રમતિયાળ મથાળાં, અકલ્પનીય વિષયો, અવનવા વિભાગો, એક વાર વાંચવાનું શરૂ કર્યા પછી લેખ પૂરો જ કરવો પડે એવી લખાવટ, જમાના સાથે કદમ મિલાવવાની તાસીર—આ બધી ખૂબીઓએ સફારીને કલ્ટ સ્ટેટસ અપાવ્યું. તેનો વિશિષ્ટ ચાહકવર્ગ ઊભો થયો અને લાંબા સમય સુધી, ઘણા કિસ્સામાં બીજી પેઢી સુધી ટક્યો.

*

સફારી અને નગેન્દ્રભાઈ સાથેની એક સમયની નિકટતા અને તેમની પાસેથી મને કેવું મહત્ત્વનું ભાથું મળ્યું, તેની વિગતે વાત મારી પત્રકારત્વ-લેખનની સફર પુસ્તકમાં છે. અહીં તે લખવાનું ટાણું નથી. પરંતુ 1996થી નગેન્દ્રભાઈને સફારીની ઓફિસે મળવાના સિલસિલાની શરૂઆત થઈ, ત્યાં સુધીમાં સફારી જામી ગયું હતું, જોકે, આર્થિક સમૃદ્ધિ હજુ દૂર હતી. હર્ષલ સફારી સાથે બરાબર ઓતપ્રોત થઈ ચૂક્યો હતો. નગેન્દ્રભાઈની શૈલી સીધી રીતે ઘડતરની નહીં. હર્ષલને સીધેસીધું કશું કહે નહીં. કહે તો ઇશારા ને ટૂંકાક્ષરીમાં કહે. બાકીનું ઉકેલી લેવાનું. છતાં, હર્ષલ તેની જાતને બરાબર ઘડી રહ્યો હતો. તે સમય એવો હતો જ્યારે નગેન્દ્રભાઈ એટલે સફારી અને સફારી એટલે નગેન્દ્રભાઈ—એવું સમીકરણ (યોગ્ય રીતે જ) પ્રચલિત હતું. મારા સહિતના ઘણા લોકો એવી ચિંતા પણ કરતા કે અવસ્થાનાં અથવા બીજાં કારણોસર નગેન્દ્રભાઈનું લખવાનું બંધ થશે, ત્યારે સફારીનું શું થશે?

સફારીની ઓફિસની નિયમિત મુલાકાતો પછી નગેન્દ્રભાઈ સાથે શિષ્યભાવે નિકટતા ઉપરાંત હર્ષલ સાથે પણ દોસ્તી થઈ. એમાં પણ 1999માં અમે નગેન્દ્રભાઈના તંત્રીપદ હેઠળ સીટીલાઇફ પખવાડિક (અમદાવાદનું સીટી મેગેઝીન) સંભાળ્યું ત્યારથી વિશેષ. હર્ષલ મારાથી થોડો નાનો. તે સમયે તેને સૌથી મોટો ધક્કો મારનારું ચાલક બળ એ હતું કે આ દુનિયાએ મારા પિતાની પ્રતિભાની કદર કરી નથી ને ક્યારેક અપમાન પણ કર્યું હશે. મારે એનો બદલો લેવો છે ને મારા પિતાનું સાચું મૂલ્ય આ દુનિયાને દેખાડી આપવું છે- આ દુનિયા સમજે છે એ ભાષામાં સફળ વ્યક્તિ તરીકે તેમને સ્થાપવા સ્થાપવા છે. આ મારું અર્થઘટન નથી. શબ્દફેરે આ મતલબની વાત અમારે ઘણી વાર થતી હતી.

સફારીની યુનિયન ફ્લેટ્સની જૂની ઓફિસે તો નગેન્દ્રભાઈની કેબિન કહેવાય એવું ભાગ્યે જ હતું. ફ્લેટનો એક રૂમ હતો, જે હજુ આજે પણ હું આંખ મીંચું તો જોઈ શકું છું. તેમનાં ટેબલ-ખુરશીની સામે થોડા અંતરે રહેલા પલંગ પર છાપાંના-સામયિકોના ઢગ પડ્યા હોય. ત્યાં જગ્યા કરીને બેસી જવાનું. સીટીલાઇફની શરૂઆત ત્યાંથી થઈ હતી. હર્ષલ ત્યારે લખતો હતો, પણ તે ઉપરાંતની બાબતોમાં અને કમ્પ્યુટરમાં તો સવિશેષ માહેર બની રહ્યો હતો.

એ જ વર્ષે 1999માં આનંદમંગલની ઓફિસ થઈ. પછીના એકાદ વર્ષમાં હું હર્ષલની આગેવાની હેઠળ વીસમી સદીની પચાસ મહત્ત્વની ઘટનાઓના પુસ્તક (સામયિકસ્વરૂપમાં)નું કામ કરી રહ્યો હતો. ત્યારે  હર્ષલનું લખાણ ઘડાતું હતું, પણ હર્ષલે નગેન્દ્રભાઈને ફક્ત કહેવા ખાતર ગુરુપદે સ્થાપ્યા ન હતા. ધીમે ધીમે એવું થયું કે ઓફિસમાં હિસાબકિતાબ અને ઓફિસ મેનેજમેન્ટથી માંડીને મેગેઝીનના લે-આઉટ, માર્કેટિંગ અને પ્રકાશનના નવા આઇડીયા વિચારવાની સાથોસાથ લખવામાં પણ તેનું પ્રદાન વધતું ગયું. ધીમે ધીમે તે લેખો ઉપરાંત સુપર સવાલ, ફેક્ટફાઇન્ડર વિભાગના કેટલાક પ્રશ્નો અને બીજું પણ એકદમ સફારી અંદાજમાં લખવા માંડ્યો—અને સંપાદકનો પત્ર તો ખરો જ.

હર્ષલને સૌથી મોટી ખેવના એ વાતની હતી કે નગેન્દ્રભાઈની લેખક તરીકેની પ્રતિભાને માનપાન ઉપરાંત આર્થિક સમૃદ્ધિ ને નિરાંત મળવાં જોઈએ. સંઘર્ષનો ઓછાયો સુદ્ધાં તેમના માથે ન રહેવો જોઈએ. આ પડકાર ઓછો હોય તેમ, બીજો અને વધારે મોટો પડકાર નગેન્દ્ર વિજય જેવા પિતાની છાયામાં પોતાની સ્વતંત્ર પ્રતિભા વિકસાવવાનો હતો, જે સફારીના ભવિષ્ય માટે બહુ જરૂરી હતું. અભિષેક બચ્ચન કે રોહન ગાવસ્કર કે અમિતકુમાર જેવા કિસ્સા બહુ સામાન્ય ગણાય છે અને તેમાં કોઈને નવાઈ પણ નથી લાગતી. પ્રતાપી પિતા સાથે સતત સરખામણીનું દબાણ તો વેઠનાર જ જાણે.

કામની જેમ વખતોવખતની ઉજવણીમાં પણ પરિવારની સામેલગીરી

છતાં ગુજરાતી વાચકોનાં સારા નસીબે હર્ષલ અશક્ય લાગતો એ પડકાર ઝીલી શક્યો અને તેને અસાધારણ સફળતાથી પાર પાડી શક્યો. તેમાં તેની પત્ની ફાલ્ગુનીનો ભૂમિકા પણ અત્યંત મહત્ત્વની હતી. તે ખરા અર્થમાં હર્ષલની પત્ની ઉપરાંત સાથીદાર બની. હર્ષલે સફારીનું બાકીની બધી બાબતોનું સંપૂર્ણ સુકાન હાથમાં લીધું અને લેખ તથા સંપાદકીયમાં નગેન્દ્રભાઈના લેખોની સાથે ભળી જાય એવા લેખ લખવાની સિદ્ધિ પણ મેળવી લીધી. ક્યારેક નગેન્દ્રભાઈ લખી શક્યા ન હોય ત્યારે આખો અંક હર્ષલે કાઢ્યા હોય, એવી પણ સાંભરણ છે. એવી જ રીતે, નગેન્દ્રભાઈ સિવાય બીજું કોઈ લખી ન શકે એવા એક વખત એવું બન્યું વિભાગના કેટલાક લેખ પણ આપદ્ ધર્મ તરીકે હર્ષલે લખ્યા હતા અને તે વાંચીને ભાગ્યે જ કોઈને લાગ્યું હશે કે હાથ બદલાયો છે.

સફારી માટે તેનું લખવાનું કેટલી હદે મહત્ત્વનું હતું તેનું એક ઉદાહરણઃ એક સમયે તેને મણકાની એવી કશીક ગંભીર તકલીફ થઈ કે તે બેસી પણ ન શકે. તો પછી લખવું શી રીતે? એટલે તેણે પોતાની કેબિનમાં એક પાટ મુકાવી અને તેની ઉપર વિશિષ્ટ ગોઠવણથી લેપટોપ મુકી શકાય અને સુતાં સુતાં લખી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી હતી. તે વખતનો ફોટો પણ મેં યાદગીરી તરીકે પાડ્યો હતો.

એક સમયે આનંદમંગલની ઓફિસે હર્ષલની વિશિષ્ટ વ્યવસ્થા (ફોટોઃ ઉર્વીશ કોઠારી)

*

આખરે સંઘર્ષનો સમય ભૂતકાળ બન્યો અને આર્થિક સમૃદ્ધિનો દૌર શરૂ થયો. આંબાવાડીમાં સરસ ઓફિસ અને બોપલમાં બંગલો—તે નગેન્દ્રવિજયના લેખન અને હર્ષલના લેખન ઉપરાંત બાકીના મોરચે સફળ સંચાલનનું ઊજળું પરિણામ હતું. તે જોઈને નગેન્દ્રભાઈ પરિવારને થઈ હશે, એટલી જ ટાઢક મારા જેવા તેમના ઘણા ચાહકોને થઈ હતી. તે સમયે મારી સાથેના એક રેકોર્ડેડ ઇન્ટર્વ્યૂમાં નગેન્દ્રભાઈએ બહુ સચોટ રીતે કહ્યું હતું, ડોશી અંધારામાં બેસીને બખિયા (ટાંકા) લેતી હોય, પણ એને ખબર જ ન હોય કે સોયમાં દોરો નથી. હર્ષલ મારી જિંદગીમાં એ દોરો થઈને આવ્યો.

એક સમય એવો હતો, જ્યારે સફારીની મહિને આશરે 70 હજારથી પણ વધુ નકલો વેચાતી હતી. સફારી વાંચવું એ ગૌરવરૂપ ગણાતું હતું. મારા જેવા જણને તેમાં ક્યારેક પ્રગટી જતો ગાંધીજી પ્રત્યેનો અભાવ કે ગોડસે પ્રત્યેનો કંઈક ભાવ કે હિટલર પ્રત્યે પ્રગટ નહીં તો પણ છૂપો ભાવ ખટકતો, છતાં સફારીમાં એ સિવાય બીજું એટલું બધું આવતું હતું કે પેલો ખટકો ઓગળી જતો. સફારી ન વાંચ્યું હોત તો જ્ઞાનવિજ્ઞાનના અનેક વિષયોમાં રસ પડવાની શરૂઆત ન થઈ હોત. તેનું એ ઋણ કાયમ મનમાં અંકાયેલું રહેશે. 

કમ્પ્યુટરઃપ્રથમ પરિચય કે આસાન અંગ્રેજી જેવી લેખમાળાઓ, એક વખત એવું બન્યું, સુપરસવાલ અને સવાલજવાબની કોલમ જેવા જબરદસ્ત વિભાગો તો બરાબર, પણ જે વિષયમાં ઓછો રસ પડતો હોય તેનો લેખ (ભલે આખા અંકમાં સૌથી છેલ્લો) વાંચીએ ત્યારે પણ એમ થાય કે ઓહોહો, આ વિષયમાં પણ આટલું સરસ લખી શકાય? ‘સફારીની પરંપરા પ્રમાણે નગેન્દ્રભાઈ અને હર્ષલના અસલી નામ સાથેના લેખ તો માંડ એક કે વધીને બે હોય. બાકીના લેખોમાં તો ઉપનામો હોય. એટલે ક્યારેક નગેન્દ્રભાઈના લાગતા લેખ વિશે તેમની સાથે વાત કરીએ ત્યારે તે લેખ હર્ષલનો નીકળે એવું પણ બને અને ક્યારેક એનાથી ઉલટું પણ બને.

સફારીના 200મા અંકની ઉજવણી. (ફોટોઃ ઉર્વીશ કોઠારી)

હર્ષલ અને નગેન્દ્રભાઈ સાથેની સ્વતંત્ર નિકટતાને કારણે સફારીની ઓફિસની દશેરા પાર્ટીમાં કે બીજાં એવાં વિશેષ આયોજનોમાં સપરિવાર સામેલ થવાનું હોય. ત્યારે એ બધી બાબતોમાં પણ હર્ષલનું અત્યંત ચીવટપૂર્વકનું આયોજન જોવા મળે. નગેન્દ્રભાઈ પણ તેમનું ત્યારનું ચુસ્ત મરજાદીપણું છોડીને, આનંદપૂર્વક સામેલ થાય. તે જોઈને હર્ષલના ચહેરા પર ઝળકતી સંતોષ અને ગૌરવની લાગણીમાં શિષ્ય અને પુત્ર બંને એકાકાર થયેલા દેખાય.

સફારીની ઓફિસ બોપલ ખસેડાયા પછીના થોડા સમયમાં બધું બદલાયું. હર્ષલને સફારી છોડવું પડ્યું. કળ વળવાની પણ રાહ જોયા વિના અને સફારીની હરીફાઈમાં બીજું માસિક કાઢવાના પ્રસ્તાવો ઠુકરાવીને, તેણે સ્થિતપ્રજ્ઞતાથી જિપ્સી કાઢ્યું, પોતાની સ્વતંત્ર પ્રતિભા એકડે એકથી સિદ્ધ કરી. છતાં, સફારી સાથેનો સંબંધ છૂટ્યો તે છૂટ્યો. તૂટ્યો તે તૂટ્યો. ત્યાર પછી... 

કોઈ ગમે તેટલું ઇચ્છે, છતાં વચ્ચેનો સમય કુદાવીને અગાઉના સમયમાં પાછા ફરવાનું શક્ય બનતું નથી. એવું શક્ય હોત, તો કદાચ સફારી હજુ ચાલુ હોત અને નવા જમાનામાં, નવા પડકારો વચ્ચે, નવા સ્વરૂપે ફૂલ્યુંફાલ્યું હોત, પણ એવું ન થયું.

--અને એક દિવસ એવું બન્યું કે... 

Monday, May 17, 2021

મોટિવેશનની મહામારી

વર્તમાન મહામારીમાં સૌથી મોટી, ગંભીર અને અક્ષમ્ય જવાબદારી સરકારની જ છે. 

પરંતુ અફસોસ અને ગુજરાતી તરીકેની શરમ સાથે જણાવવાનું કે--
નપાવટ, ચાપલૂસ, ખોળે બેઠેલા કે ખોળે બેસવા ઉત્સુક, આત્મકેન્દ્રી, વક્તા તરીકેનો ધંધો ધમધમતો રાખવા માટે સત્તાનો વિરોધ કરવાની પ્રામાણિકતા ગુમાવી કે વેચી બેઠેલા મોટિવેશનલિયાઓ આપણું જ પાપ છે. 

પ્રજા તરીકે આપણે જ તેમને માથે ચડાવ્યા છે. તેમની ૯૯ અપ્રામાણિકતાઓ નજરઅંદાજ કરીને, 'ગમે તે કહો, પણ એમનો પેલો લેખ બાકી ટૉપ હતો'--એવાં ઓવારણાં લીધાં છે. તેમના એક સારા લેખના બદલામાં સો હલકાઈઓ હોંશે હોંશે માફ કરતા રહ્યા છીએ. 

તે વણઝારાના ખોળે બેસે કે નરેન્દ્ર મોદીના-- એ તો તેમનાં લખ્ખણ બતાવતાં જ રહ્યાં છે. આપણે, ગુજરાતીઓ, દોડી દોડીને તેમની પાસે મૂરખ બનવા ધસી જઈએ છીએ અને મૂરખ બન્યા પછી સંસ્કારિતાનો-ધન્યતાનો અનુભવ કરીને રાજી થઈએ છીએ. 

પ્રજામાં કેટલાક તો વળી એવા હોય છે, જે મોઢે ટીકા કરતા જાય અને અંદરથી આવા નમૂનાઓને સેલિબ્રિટી ગણીને પ્રભાવિત થતા જાય. તો કેટલાક બંને બાજુ 'વાહ, વાહ' કરીને સંબંધો સાચવી આવે. આવા પ્રજાકીય પ્રતિભાવથી નવા લખનારા પણ લોકોને મૂરખ બનવાના જ રવાડે ચડ્યા છે. 

આવું લખનારી પ્રજાતિની ટીકા કરવામાં આવે ત્યારે તેમનો કાયમી આરોપ: 'લોકોને અમારી લોકપ્રિયતાની ઇર્ષ્યા આવે છે.'  ના બાબા કે બેબી, એવું ન હોય. તમારા રસ્તે મળતી, તમને મળી છે એવી લોકપ્રિયતાની ઠેકાણાસરના કોઈ માણસને ઇર્ષ્યા ન આવે. (તમને અંદરોઅંદર એકબીજાની ઇર્ષ્યા આવે એ જુદી વાત થઈ) એવી લોકપ્રિયતા વિશે અરેરાટી કે અનુકંપા જ થાય. ખેદ ઉપજે છે આપણી પ્રજા માટે,  જે ખોળને ગોળ ગણીને ધન્યતામાં જીવન કાઢી નાખે છે. 

આવા લેખકો અને આવી પ્રજાની જુગલબંદીને કારણે, આજની કારમી ઘડીમાં પ્રેરણાનાં આ બારમાસી ખાબોચિયાં લોકોનાં દુઃખદર્દથી નથી છલકતાં,  સરકારની ટીકા માટેનાં આંસુથી છલકે છે. 

મોટિવેશનલિયાઓમાંથી કેટલાંક સાવ સામે છે ને કેટલાક બંને બાજુ હાજરી પુરાવીને ધંધો સાચવી લે છે. બોલવાનો સ્વભાવ ન હોય તો મૌન નથી રહેતા. પણ કૂદી કૂદીને સરકારના બચાવમાં ઉતરી પડે છે  તે લોકો આજે પીડીત લોકોની સાથે નથી. હોય પણ ક્યાંથી? એવી અપેક્ષા રાખનારાનો જ વાંક છે. 

મહામારીમાં કોની કેટલી જવાબદારી, એ વિશેની લિન્ક તો છેક છેલ્લે આપી છે, પણ તળિયા વગરના, લોકવિરોધી, ચાપલૂસ મોટિવેશનલિયાઓની મહામારી માટે પ્રજા તરીકે આપણી જવાબદારી સૌથી મોટી છે. 

તમારા અણગમતા એક-બે લખનારાને ગાળ દઈને સંતોષ માની લેવાને બદલે આવી આખી પ્રજાતિ માટે વિચારી જોજો. તેમના ઉપદ્રવમાં આપણી ભૂમિકા કેટલી મોટી છે, એ પણ વિચારજો અને જાતે વિચારી જોજો.

જાતે વિચારવાનું શરૂ નહીં કરો તો આ મોટિવેશનલિયાઓની મહામારી હજુ વકરશે. વકર્યા જ કરશે.

Thursday, September 12, 2019

લદ્દાખ, ‘જિપ્સી’ અને હર્ષલ પુષ્કર્ણાઃ ગુજરાતી પત્રકારત્વની વિશિષ્ટ ઘટનાઓનો સંગમ

સારા કાર્યક્રમોને મોટે ભાગે ચોક્કસ લાગણી સાથે સાંકળી શકાતા હોય છે. સાડા છ વર્ષ પહેલાં થયેલા સાર્થક પ્રકાશનના આરંભના કાર્યક્રમને યાદ કરતી વખતે મનમાં થતી પહેલી લાગણી રોમાંચની છે. તેની પણ પહેલાં ૨૦૦૮માં અનેક ગુરુજનો-પ્રિયજનોની સક્રિય સહભાગિતા સાથે યોજાયેલી મારી મોક કોર્ટ સાથે સંકળાયેલો છેઃ અંતરના ઊંડાણ સુધી ટાઢક પહોંચાડનારો સંતોષ. હમણાં યોજાયેલી પ્રકાશભાઈ (ન. શાહ)ની મોક કોર્ટ યાદ કરું ત્યારે મનમાં આવતો પહેલો શબ્દ છેઃ ‘ધમાલ’ એવી જ રીતે, ૧ સપ્ટેમ્બર, ૨૦૧૯ની સાંજે હર્ષલ પુષ્કર્ણાએ યોજેલા કાર્યક્રમના અંતે ફક્ત મારા મનમાં જ નહીં, મોટા ભાગના લોકોના મનમાં ઉભરી આવેલી લાગણી હતીઃ ગરિમા. ગ્રેસ.

નિમંત્રણમાં કરાયેલી જાહેરાત પ્રમાણે કાર્યક્રમ ત્રેવડી ઉજવણીનો હતોઃ 1) પત્રકારત્વમાં હર્ષલનાં ત્રીસ વર્ષ 2) ગુજરાતના એકમાત્ર અને અનન્ય પ્રવાસ માસિક 'જિપ્સી'નું એક વર્ષ 3)  નવા પુસ્તકનું પ્રાગટ્ય.

નવજીવન ટ્રસ્ટના પરિસરમાં આવેલા જિતેન્દ્ર દેસાઈ સ્મૃતિ હોલમાં રવિવારની સાંજે નજીકથી તેમ જ દૂર દૂરથી ચાહકો-સ્નેહીઓ-શુભેચ્છકો આવવા માંડ્યા હતા અને છેવટે તો હોલ ભરચક થઈ ગયો. શરૂઆતમાં પાંચ-સાત મિનીટ હર્ષલની પત્રકારત્વની યાત્રા અને બાવીસ-ત્રેવીસ વર્ષ પહેલાં નગેન્દ્રભાઈ થકી અમારો નાતો શી રીતે જોડાયો તેની, ૧૯૯૮માં અમદાવાદના ‘સીટીલાઇફ ન્યૂઝ’ મેગેઝીનમાં સાથે કામ કરવાના અનુભવોની અને બીજી થોડી વાતો થઈ.  ત્યાર પછી હર્ષલે તેની સ્ટાઇલના, સંપૂર્ણપણે ટેકારૂપ અને જરાય નડતરરૂપ નહીં એવા પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનથી દોઢેક કલાક સુધી વિગતે વાત કરી.
યાદગાર પ્રસંગનું સ્મૃતિ-અંકનઃ હર્ષલ પુષ્કર્ણા, હમસફર ફાલ્ગુની અને પુત્ર પરંતપ
L to R : Harshal Pushkarna, wife Falguni and son Parantap

કૌટુંબિક પરંપરા, દાદા વિજયગુપ્ત મૌર્ય તરફથી પિતા નગેન્દ્ર વિજયને અને પિતા નગેન્દ્ર વિજય તરફથી પોતાને મળેલા વાચનના સંસ્કાર અને વાતાવરણ, શાળાકીય ઔપચારિક અભ્યાસમાં અરુચિ,  ‘ભૌતિક વિજ્ઞાન એટલે શું?’ એવો પાયાનો સવાલ પૂછવા બદલ સ્કૂલમાં મળેલી સજા અને સાથે વિજ્ઞાનમાસિક ચલાવતા પિતાના ચિરજીવીને આટલી પણ ખબર નથી‘ એવો ટોણો, પિતાજીની વિગતવાર અને ચકિત કરનારી સમજૂતી, જિજ્ઞાસાનો આરંભ..... ધીમે ધીમે ‘સફારી’ની ઓફિસે જવાનું શરૂ થયું. પહેલાં તો સ્ટાફ માટે ચા લઈને. પછી ઓફિસકામ. સાયકલ કે લુના પર બેસીને ફેરિયાઓને મેગેઝીન પહોંચાડવાં, ઉઘરાણી કરવી...ભૂતકાળની આ બધી વાતો હર્ષલ કરતો હતો, ત્યારે સામે બેઠેલાંમાંથી ઘણાંને ફક્ત સાંભળવાની નહીં, જોવાની અનુભૂતિ પણ થઈ હશે.

 ‘સફારી’ ઓફિસના માહોલમાં લખવાની ઇચ્છા ન થાય તો જ નવાઈ. બીજા લોકોને ગઝલ લખવાની ઇચ્છા થાય, તે વયે હર્ષલને વિજ્ઞાનલેખ લખવાનું મન થયું. નગેન્દ્રભાઈએ પહેલાં તો બે-ચાર વાર કહ્યું, ‘હજુ વાંચ.’ પછી એક વાર લખવાની હા પાડી. રજા તો મળી ગઈ, પણ પછી વાચન વિના લેખ લખતાં કેવો પરસેવો પડી ગયો અને તેના પગલે વાચનનું મહત્ત્વ સમજાયું, તેની વાત હર્ષલે સરસ રીતે કરી. એવી રીતે, પહેલો લેખ લખવામાં અને શરૂઆતના તબક્કામાં દાદા વિજયગુપ્ત મૌર્ય તરફથી મળેલા ઉપયોગી માર્ગદર્શનનું પણ ભાવસ્મરણ કર્યું.

‘સફારી’માં તંત્રીના પુત્ર હોવું એ લાયકાત ગણાતી ન હતી. કશું હોદ્દાની કે સગપણની રૂએ ન મળે. તેના કારણે દરેક તબક્કે તેનું ઘડતર થયું-નગેન્દ્રભાઈનાં લખાણ વાંચીને, તેમને કામ કરતા જોઈને અને બહારના સંજોગોથી-વાસ્તવિકતાથી ટીપાઈને પણ. ‘સફારી’માં દાખલ થયા પછી, તેની સામગ્રી આટલી મજબૂત હોવા છતાં બે પાંદડે થવાને બદલે આર્થિક સંઘર્ષનો છેડો કેમ આવતો નથી, તેનું પ્રાથમિક કારણ હર્ષલે શોધ્યું, તોતિંગ વ્યાજે લીધેલાં નાણાં ચૂકતે કર્યાં અને ‘સફારી’ ને આર્થિક સ્થિરતા આપવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી. નગેન્દ્રભાઈ તેમની બધી શક્તિ લખવામાં કેન્દ્રીત કરી શકે, એવું વાતાવરણ સર્જવાની તેની નેમ હતી અને એમાં તે સફળ પણ થયો.  મેગેઝીન ઉપરાંત થયેલાં અનેક પ્રકાશનોએ ‘સફારી’નો વાવટો ફરકાવી દીધો. ત્યારથી શરૂ થઈ સફળતાના રાજમાર્ગ પરની સફર. પરંતુ તેમનું ધ્યેય આર્થિક સફળતાથી ઓડકાર ખાઈને બેસી જવાને બદલે, વાચકોને વધુ ને વધુ શું આપી શકાય એ વિચારવાનું હતું.

નગેન્દ્રભાઈએ ૧૯૯૮માં એક બિલ્ડર-ફાઇનાન્સરના પ્રેમાગ્રહથી 'સિટીલાઇફ ન્યૂઝ' પાક્ષિક કાઢ્યું.  મારા માટે તે ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલી કારકિર્દીનો પહેલો અને મહત્ત્વનો-સુખદ ટર્નિંગ પોઇન્ટ હતો. હર્ષલ માટે તે સ્વતંત્ર અસાઇન્મેન્ટ હતું. મોટે ભાગે અમે બંને એ કાઢતા. શરૂઆતના અંકો પછી તંત્રી તરીકે નગેન્દ્રભાઈનું નામ આવતું હોવા છતાં, અમારો સ્વતંત્ર હવાલો રહેતો. હર્ષલે 'સીટીલાઇફ'ના દિવસો યાદ કરીને એ વખતની અમારી એક યાદગાર સમુહ તસવીર બતાવીને કહ્યું કે 'સીટીલાઇફ' ભલે થોડું ચાલ્યું, પણ તેમાંથી એ તનાવને બદલે હળવાશથી કામ કરવાનું શીખ્યો.

'સીટીલાઇફ' પછી તરતના અરસામાં હર્ષલે સ્વતંત્ર રીતે કરેલું પહેલું પ્રકાશન હતુંઃ 20th Century: ઐતિહાસિક સદીની પચાસ અજોડ ઘટનાઓ. તેના લેખનમાં હર્ષલ સાથે હું અને હિમાંશુ કીકાણી સંકળાયા હતા. એકાદ લેખ નગેન્દ્રભાઈના 'ફ્લેશ'ના સમયના સાથી (હવે દિવંગત) દિવ્યેશભાઈ વ્યાસે પણ લખ્યો હતો. સંપાદન સંપૂર્ણપણે હર્ષલનું. એ પ્રકાશન ઘણું સફળ થયું અને હજુ પણ તેની માગ ઓસરી નથી. એવી જ રીતે, આઠેક વર્ષ સુધી હર્ષલે અંગ્રેજી 'સફારી' સફળતાપૂર્વક પ્રગટ કર્યું. પ્રકાશન વ્યવસાયનાં બદલાયેલાં સમીકરણો અને મોટા ખેલાડીઓ દ્વારા અપનાવાતી તરકીબોને કારણે, ખાસ્સો સંઘર્ષ વેઠ્યા પછી, પણ અંગ્રેજીમાં અંગ્રેજીના વાચકોને ગમે તેવું માસિક ગુજરાતમાંથી કાઢ્યાનો સાર્થક સંતોષ લઈને આઠેક વર્ષ પછી હર્ષલે તેનું પ્રકાશન આટોપી લીધું.  હવે એ તેના ત્રીજા અવતારમાં ફરી પ્રગટ થયું છે.

ઉત્તરોત્તર સફળતાનાં અને આર્થિક સ્થિરતાનાં નવાં શીખરો સર કરવાની નગેન્દ્રભાઈ અને હર્ષલની યાત્રા કોઈ પણ વાચનપ્રેમીની-જ્ઞાનવિજ્ઞાનપ્રેમીની આંખ ઠારે એવી હતી. પરંતુ થોડા સમય પહેલાં તેમાં ખટકો આવ્યો. એવા સંજોગો નિર્માયા કે હર્ષલે લગભગ ત્રણ દાયકા જ્યાં સૂઝ-સજ્જતા અને સંપૂર્ણ સમર્પણથી કામ કર્યું, એ જ 'સફારી' છોડવાનું કહેવામાં આવ્યું.  માત્ર 'સફારી' જ નહીં, ઘર અને ઓફિસ પણ.  ત્રણ દાયકાની કામગીરીની જે કંઈ ભૌતિક ઉપલબ્ધિ હતી, તે છીનવાઈ ગઈ. આ હકીકત જીરવવાની ને જીવવાની કઠણાઈની તો વાત જ ક્યાં, તે શબ્દોમાં મૂકવી પણ કેટલી કાઠી પડે?
હર્ષલ પુષ્કર્ણા / Harshal Pushkarna
પરંતુ કાર્યક્રમમાં આ વાત કરતી વખતે હર્ષલે રજમાત્ર કડવાશ વિના, આશ્ચર્યજનક લાગે એટલી સ્વસ્થતાથી અને શાલીનતાથી વાસ્તવિકતાનું વર્ણન કર્યું. અફસોસ પ્રગટ કર્યો તો પણ એ વાતનો કે આવા આઘાતજનક બનાવને લીધે 'સફારી'ની બીજી ભાષાની આવૃત્તિ કાઢવાથી માંડીને બીજાં કેટલાંક વાચકલક્ષી આયોજનો વિચાર્યા હતાં, તે રહી ગયાં.

૪૪ વર્ષની વયે, પોતે પણ જેમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હોય તે છોડી દેવું પડે અને ભાડાના ઘરમાં, ભાડાની ઓફિસમાં, આર્થિકથી માંડીને કારકિર્દીની રીતે નવેસરથી એકડો ઘૂંટવાનો આવે તે સ્થિતિની કલ્પના કરવી અઘરી છે. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી તેને આ સ્થિતિમાંથી પસાર થતો અને છતાંય ફરિયાદ કે કડવાશના કોઈ ભાવ વિના, ગજબની સ્થિતપ્રજ્ઞતાથી હંમેશની જેમ કામ કરતો જોયો છે. નથી કોઈ પ્રત્યે અનાદર, નથી હરાવી-હંફાવી દેવાનું ઝનૂન. એટલે જ આવા વિપરીત સંજોગોમાં તેને  ગુજરાતનું પહેલું પ્રવાસ સામયિક કાઢવા જેવો મૌલિક આઇડીયા આવી શક્યો છે. તેની ઝીણવટભરી બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા અને તેને ઉત્તમ રીતે અમલમાં મૂકવા સિવાય બીજી ચર્ચામાં જાણે તેને રસ જ નથી.  'જિપ્સી'ની ઓફિસમાં એક ઓફિસ આસિસ્ટન્ટ સિવાય બીજું કોઈ નથી. હર્ષલની અડીખમ સાથી ફાલ્ગુની અને હવે કોલેજમાં ભણતો પુત્ર પરંતપ તેની પડખે છે અને એ સિવાય સેંકડોની સંખ્યામાં વાચકો-શુભેચ્છકો. એ બધાનો હર્ષલે કાર્યક્રમમાં ખરા દિલથી આભાર માન્યો. કપરા સંજોગોમાં સાથ આપવા બદલ કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી.

***
વર્ષ ૨૦૧૪ની દિવાળીમાં માં હર્ષલ લદ્દાખ ફરીને, તેના પ્રેમમાં પડીને આવ્યો, ત્યારે એ પ્રવાસ અંગે અમારે વિગતે વાત થઈ હતી. તેના આધારે મેં હર્ષલને 'સાર્થક જલસો' માટે લદ્દાખના પ્રવાસની વાત લખી આપવા આગ્રહ કર્યો. પોતાનો ઉલ્લેખ આવતો હોય એવાં લખાણ લખવામાં તેને કેટલી તકલીફ હતી એ હું જાણતો હતો. અમારી ઘણીખરી મિત્રમંડળી પણ એ માટે બહુ ઉત્સાહી નથી હોતી. પણ તેને 'સાર્થક જલસો'ની સમજ વિશે વાત કરીઃ 'આપણો વાંધો આઇ કેપિટલ રાખવા સામે છે. એમ કરવાથી લેખ આપવડાઈથી ગંધાઈ ઉઠે. પણ આઇ સ્મોલ રાખીએ તો એ જ વાત લેખની તાકાત બની જાય છે. કેમ કે, લેખમાં અધિકૃતતા ઉમેરાય છે. ' આવી ચર્ચા પછી તેણે તેની કારકિર્દીનો એ પ્રકારનો કદાચ પહેલો લેખ સાર્થક જલસો-૪ માં લખ્યો.  'જલસો'રીતિ પ્રમાણે, તે પૂરાં પચીસ પાનામાં પથરાઈને પ્રગટ થયો. આમ, હર્ષલનાં સ્મોલ આઇ કેન્દ્રી લખાણો અને લદ્દાખના લેખ સાથે એક પ્રકારનો અનુબંધ હતો. તેથી કાર્યક્રમમાં પ્રગટ થનારું પુસ્તક લદ્દાખ વિશેનું છે, તે જાણીને વિશેષ આનંદ થયો. (ત્યાં સુધી મને પણ ખબર ન હતી કે પુસ્તક શાના વિશેનું છે.) ત્યાર પહેલાં હર્ષલે તેના જ નહીં, ભારતીય પત્રકારત્વ-લેખનમાં અનન્ય કહી શકાય એવા પુસ્તક 'આ છે સિઆચેન’, તેના જ વિસ્તાર તરીકે શરૂ કરેલી 'સિઆચેન જનજાગૃતિ ઝુંબેશ' અને બીજા ખ્યાતિપ્રાપ્ત પુસ્તક 'પરમવીર ચક્ર'ની પણ વાત કરી. પરમવીર ચક્ર બાના સિંઘ સાથેની તેની મુલાકાતની વિડીયો પણ જોવા મળી.

પુસ્તકના વિમોચન માટે હર્ષલે યોગ્ય રીતે જ, લદ્દાખ કરતાં પણ વધારે કઠણ સફરમાં સરખા હિસ્સાનો સાથ આપનાર પત્ની ફાલ્ગુનીને બોલાવી. બંનેએ મળીને ‘ચાલો લદ્દાખ’ પુસ્તકનું અનાવરણ કર્યું, ત્યારે મારા જેવા ઘણાની આંખ આનંદથી ભીની થઈ હશે. એવી જ રીતે હર્ષલે 'જિપ્સી'નો બારમો અંક પણ ઝાઝી ઔપચારિકતા વિના રજૂ કર્યો અને છેલ્લે 'જિપ્સી' આઉટડોર્સની વાત કરી.  (પુસ્તક અને જિપ્સીના અંકો મેળવવા માટેની લિન્કઃ http://iamgypsy.in/)
હર્ષલ પુષ્કર્ણા- ફાલ્ગુની પુષ્કર્ણા

Harshal Pushkarna- Falguni Pushkarna releasing a book
on Ladakh

અંતે ફરી એક વાર તેણે દાદા અને પિતા પાસેથી મળેલા વારસાનો કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કર્યો અને ભવિષ્યમાં પણ નવું-અવનવું કરતા રહેવાની ખાતરી આપી. કેમ કે, તેનું ચાલકબળ નાણાં નહીં, પણ પ્રવૃત્તિ અને તેમાંથી પેદા થતી સાર્થકતાની લાગણી છે.

કાર્યક્રમના અંતે જોવા મળેલા, કાર્યક્રમની ગરિમાને અનુરૂપ એવા એક દૃશ્યથી સમાપન કરવું જોઈએ, એક બાજુ ગરમાગરમ દાળવડાંનું ટેબલ હતું ને બીજી તરફ 'જિપ્સી'ના બારમો અંક તથા 'ચાલો લદ્દાખ' પુસ્તકનું. ક્યાં વધુ ગીરદી થઈ હશે. તમે કલ્પી શકો છો. છતાં, જોઈને તેનો આનંદ માણવા માટે આ તસવીરો.
કાઉન્ટરઃ દાળવડાનું...

કાઉન્ટરઃ પુસ્તકોનું-સામયિકનું

Sunday, February 25, 2018

લોકપ્રિયતાઃ આંજી નાખતી રોશનીની આરપાર

સાહિત્ય-લેખનજગતના સૌથી જૂના અને સૌથી નવા વિવાદી વિષયોમાંનો એક છેઃ લોકપ્રિયતા. એક વર્ગ માને છે કે લોકપ્રિય હોય તે કદી ગુણવત્તાવાળું હોઈ જ ન શકે અથવા લોકપ્રિય ન થવામાં જ ગુણવત્તાની મોટાઈ છે. ચોક્કસ લખાણની ગુણવત્તા તપાસવાને બદલે તે લેખકના 'તપ'ના સરવાળા-બાદબાકી માંડે છે અને લખાણનું મૂલ્યાંકન કરતી વખતે તેની લોકપ્રિયતાના નેગેટિવ માર્ક મૂકે છે. લખાણની ગુણવત્તાનું સ્વંતત્ર, નિરપેક્ષ મૂલ્યાંકન આ વર્ગના મોટા ભાગના લોકોને ફાવતું કે અનુકૂળ આવતું નથી.

બીજો વર્ગ માને છે કે લોકપ્રિય હોવું એ જ સર્વોચ્ચ સિદ્ધિ છે-બધી ટીકાનો જવાબ તેમાં આવી જાય છે અને દરેક ટીકા લોકપ્રિય ન બની શકેલા લોકોની બળતરા છે.

આ બંને છેડાની દલીલો પોતપોતાના પૂર્વગ્રહોને પોસનારી, કલ્પી લીધેલી સર્વોચ્ચતામાં રાચનારી અને સચ્ચાઈથી ઘણી દૂર છે. વાંચનારા અવારનવાર તેનું સીધું નિશાન બનતા હોવાથી, આ બાબતોને શાંતિથી, મુદ્દાસર મૂકી આપવાનું જરૂરી લાગે છે.

૧) લોકપ્રિયતા લંબાઈ-પહોળાઈની જેમ માપી શકાય એવી ચીજ નથી. મેળવેલી લોકપ્રિયતાના મામલે 'એક શોભા (ડે) બરાબર કેટલા ચેતન (ભગત)?’ અથવા 'એક રામચંદ્ર (ગુહા) બરાબર કેટલા અમીષ (ત્રિપાઠી)?’ અથવા 'એક વિનોદ ભટ્ટ બરાબર કેટલા બકુલ ત્રિપાઠી?’ એવાં સમીકરણ કાઢવાં અશક્ય છે અને અનિચ્છનીય પણ. (પુસ્તકોના વેચાણના આંકડા પરથી મળતો અંદાજ પણ તદ્દન અપૂરતો હોય છે.)

૨) લેખનક્ષેત્ર રેસ નથી કે જેમાં કોઈ એક જ જીતે ને લોકપ્રિયતાની ટ્રૉફી લઈ જાય. તે ચૂંટણી પણ નથી કે તેમાં એક ચૂંટાય ને બીજા હારી જાય. લેખનક્ષેત્રે પોતપોતાની વિશેષતા થકી અનેક લોકો એક સાથે લોકપ્રિય થાય છે—અને ઉપર જણાવ્યું તેમ, લોકપ્રિયતાનું નિરપેક્ષ માપ કાઢવાનું અશક્ય છે.  સમકાલીનો વચ્ચેની સરખામણી તથા સ્પર્ધા લખાણની ગુણવત્તાની હોય તો તેમાં લખનારને, વાંચનારને તેમ જ સરવાળે સમાજને ફાયદો થાય. પરંતુ લક્ષ્યાંક કેવળ, કોઈ પણ ભોગે, લોકપ્રિયતાનું બને, ત્યારે તેમાં છીછરાપણાની, અપરસને સંતોષવાની, 'હજુ નીચે, હજુ નીચે'ની હરીફાઈ થાય. આવી હરીફાઈમાં વાંચનારને અને સમાજને તો ઠીક, લાંબા ગાળે લખનારને પણ નુકસાન થાય. કારણ કે, તે ઘાણીનો બળદ બનીને પોતાના જ 'લોકપ્રિય' વિષયોના કુંડાળામાં અને તેના વિકાસને કુંઠિત કરનારા 'ચાહકો'ના વર્તુળમાં ગોળગોળ ફર્યા કરે.

૩) લખાણમાં બહુ ઠેકાણું ન હોય, તો પણ લોકપ્રિયતા કેવી રીતે મળે? એવો સવાલ કોઈને થઈ શકે.  ગુજરાતી કટારલેખનમાં ત્રણ-ચાર દાયકાથી તેના કેટલાક નીવડેલા નુસખા ચલણી છે. તેમાં દરેક પેઢીનાં લખનાર પોતપોતાની 'વિશેષતા'પ્રમાણે નવા ઉમેરા કરતાં રહે છે. જેમ કે,  લખાણમાં પોતાની (ધારી લીધેલી કે બઢાવેલીચઢાવેલી) મહત્તાનાં જાતે જ ગુણગાન ગાવાં, પોતાની (મોટે ભાગે કાલ્પનિક) વ્યક્તિગત ખાસિયતોનું વારંવાર વર્ણન કરવું, પોતે કેટલા 'સિદ્ધ’ છે-કેવા વિશિષ્ટ, બહાદુર, રસિક, સાચાબોલા, શેહશરમ નહીં ભરનારા ઇત્યાદિ છે એનો (સાચોખોટો) પ્રચાર જાતે જ કરવો, એના માટે ગલગલિયાં ને હુંસાતુંસી કરતાં ખચકાવું નહીં...

આ બધી બાબતો લખનારની પ્રકૃતિના પ્રતિબિંબ તરીકે, લોટમાં નખાતા મીઠા જેટલા પ્રમાણમાં આવે તો એ માનવીય અને ક્ષમ્ય ગણાય, પણ મોટા ભાગના કિસ્સામાં આગળ જણાવેલી તિકડમબાજીનો જથ્થો લોટ જેટલો અને ગુણવત્તાનું પ્રમાણ મીઠા જેટલું રહી જાય છે. ઘણાખરા વાચકો આવો ભેદ પાડી શકતા નથી અથવા એવી તસ્દી લેતા નથી. અેટલે આ ચક્કર ચાલતું રહે છે.

૪) આવું થોડાં વર્ષ લાગલગાટ ચાલુ રહે એટલે તે ચેઇન રીએક્શન બની જાય છેઃ આપબડાઈથી લોકપ્રિયતા વધે અને લોકપ્રિયતા વધે એટલે આપબડાઈની પ્રવૃત્તિ વધુ ને વધુ બેશરમીપૂર્વક, લગભગ અધિકારના ભાવથી, વધુ ને વધુ સ્વીકૃતિ સાથે વધતી રહે.

વાચકોનો અપરસ બહેકાવતા, તેમની સમક્ષ વિવિધ વેશ કાઢતા, લખનાર તરીકેની લોકપ્રિયતાનો મોટો ભાગ ગુણવત્તા સિવાયના રસ્તે મેળવનારા તેમની ટીકાને 'ઇર્ષ્યાનું પરિણામ'ગણાવે, એ સ્વાભાવિક છે. કારણ કે, સચ્ચાઈ તે જાણે છે, પણ સ્વીકારી શકે એમ નથી. ઉલટું, એ પોતાની તિકડમબાજીને આજના જમાનામાં અનિવાર્ય એવા માર્કેટિંગનો હિસ્સો ગણાવીને, એમની સાથે છીછરાં પાણીમાં છબછબીયાં ન કરનારને વેદીયા કે જૂનવાણી તરીકે ખપાવી શકે છે.

૫) માર્કેટિંગ વિશે પણ સમજી લેવા જેવું છે. તે બે પ્રકારનું હોયઃ લખાણનું અને જાતનું. લખાણનું માર્કેટિંગ એટલે લખાણ વધુમાં વધુ વાંચનારા સુધી પહોંચે એવા પ્રયાસ. જાતનું માર્કેટિંગ એટલે પોતાની બડાઈઓને લખાણમાં ભેળવીને, મહત્તમ મુગ્ધ-ભોળા-અંજાઉ વાચકોને સુધી પહોંચાડવાનો પ્રયાસ.
ઘણા લોકપ્રિય લખનારા માર્કેટિંગ બીજા પ્રકારનું કરે અને ટીકા થાય ત્યારે તે પહેલા પ્રકારના માર્કેટિંગનો મહિમા ગાવા લાગે છે તથા એ કેટલું જરૂરી છે ને એમાં મરજાદી ન રહેવાય, એવી ડહાપણની વાતો કરે છે. કોઈ પણ વાતમાં ડોકાં ધુણાવનારો એક વર્ગ વિચારે છે, 'વાત તો સાચી છે. માર્કેટિંગ કરવામાં શું ખોટું છે?’ એમ તો, જાતનું માર્કેટિંગ કરવું પણ ગુનો નથી. પરંતુ વાત લખનાર તરીકેની ગુણવત્તાની થતી હોય ત્યારે જોવું પડે કે તેમાં લખાણની ગુણવત્તાનો હિસ્સો કેટલો છે અને બેશરમીથી કરેલા જાતના માર્કેટિંગનો કેટલો હિસ્સો.

૬) કોઈ લખનારનાં બધાં લખાણ એકસરખાં ઉત્તમ હોઈ શકે નહીં. લખનારની કક્ષા અને ખાસ તો તેના ઇરાદા તેમનાં બહુમતી લખાણ પરથી નક્કી થાય છે—આક્રમક સ્વબચાવ માટે હથિયારની જેમ વપરાતાં છૂટાંછવાયાં સૅમ્પલ પરથી નહી.

લખનારનો એક વર્ગ પોતાને જે આવડે છે તે, પોતાને જે કહેવું છે-આપવું છે તે, પોતાની જમીન પર રહીને, પોતાની લોકપ્રિયતા ઉભી થશે કે નહીં, એની ગણતરી માંડ્યા વિના લખે છે. તેમનો હેતુ વાચકોને (પોતાની સમજ પ્રમાણેની) સારી સામગ્રી આપવાનો હોય છે.  આવાં લખાણ નકામાં, મીડિઓકર (મધ્યમ બરનાં) કે ઉત્તમ હોઈ શકે. એ લખનારની કક્ષા ને સજ્જતાનો સવાલ છે, પણ તેમની દાનત વાચકોને આંજીને વાચનસામગ્રીના નામે પોતાનું માર્કેટિંગ કરી નાખવાની અને ઝટપટ સેલિબ્રિટી બની જવાની નથી. તેમના પ્રયાસ પ્રામાણિક છે.

લખનારાનો બીજો--અને છેલ્લાં થોડાં વર્ષોમાં ઝડપભેર વધી રહેલો વર્ગ એવો છે, જેમના મનમાં લખાણની ગુણવત્તા બીજા ક્રમે રહે છે અને બહુમતી વાચકોને પહેલી તકે પ્રભાવિત કરવાનું પહેલા ક્રમે. એવાં લખાણોના ઘણા વાચકો લખનારને ફક્ત સરસ લેખક ન ગણતાં, સેલિબ્રિટી ગણવા પ્રેરાય છે (એ માટેની 'પ્રેરણા' લખનારે જ લેખમાં પૂરી પાડેલી હોય છે.)  આવાં લખાણો વિશે ઠરેલ વાચકો સાથે ઠંડા કલેજે વાત કરવામાં આવે તો તરત તે સમજી જાય કે 'હા, ટીકા ઇર્ષ્યાવશ નથી. વાત સાચી છે.’ પણ લખનારે અવિરતપણે કરેલા પોતાના મહિમાની અને તેને મળેલી વ્યાપક સ્વીકૃતિની છાપ એવી જામેલી હોય છે કે સચ્ચાઈ જાણ્યા પછી પણ બહુમતી વાચકો અહોભાવમાંથી નીકળી શકે નહીં. (વાચકોની માનસિકતા અલગ ચર્ચાનો મુદ્દો છે. જોકે, આ વિશ્લેષણના ઘણા મુદ્દા વક્તાઓ અને વક્તવ્યોને લાગુ પાડી શકાય છે.)

ગુજરાતી કટારલેખનમાં અને વક્તવ્યોમાં આ સિલસિલાની શરૂઆત (ઓછામાં ઓછી) ત્રણ-ચાર દાયકા પહેલાં થઈ હતી. હવે તેનો ભરબપોર ચાલી રહ્યો છે.

Monday, January 11, 2016

ગુજરાતી ફિલ્મોમાં સફળતા-લોકપ્રિયતા-વૈવિધ્યનું પ્રતીક : મનહર રસકપૂર

ગઇ સદીના છેલ્લા દાયકામાં દેશ રે જોયા દાદા પરદેશ રે જોયાઅને આ સદીના બીજા દાયકામાં બેટરહાફ’-‘કેવી રીતે જઇશ’-‘બે યારજેવી ફિલ્મોથી પ્રેક્ષકોનો નવો વર્ગ થિએટરમાં ગુજરાતી ફિલ્મ જોવા જતો થયો. દેશ રે જોયા..ની સફળતા વિશે અંગ્રેજી ઇન્ડિયા ટુડેમાં અહેવાલ આવ્યો હતો. વર્તમાન ગુજરાતી ફિલ્મોની સફળતા સોશ્યલ નેટવર્કિંગની સાઇટો પર ચર્ચાય છે ને ઉજવાય છે. સુરતના ફિલ્મસંશોધક હરીશ રઘુવંશીએ તૈયાર કરેલા--અને ગુજરાત વિશે ગૌરવ ધરાવનાર સૌ કોઇ જેના માટે કૉલર ઊંચા કરી શકે એવા--ગુજરાતી ફિલ્મ ગીતકોશમાંથી જાણવા મળે છે તેમ, પહેલી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા૧૯૩૨માં બની હતી. એ સમયે હિંદી ફિલ્મો બનાવનારા ઘણા સ્ટુડિયોના માલિકો ગુજરાતી હતા. છતાં, બજાર હિંદી ફિલ્મોનું હોવાથી, માલિકો માટે ગુજરાતી ફિલ્મોની પ્રાથમિકતા ન હતી. આ સ્થિતિ થોડાં વર્ષો નહીં, શરૂઆતના દાયકાઓ સુધી ચાલી.

ગુજરાતી ફિલ્મ ગીતકોશમાંથી મળતી વિગતો પ્રમાણે, ૧૯૫૧થી ૧૯૭૦ વચ્ચેના વીસ વર્ષના ગાળામાં ફક્ત ૫૫ ફિલ્મો બની હતી. તેમાંથી આઠ ફિલ્મોમાં મનહર રસકપૂરનું દિગ્દર્શન હતું. (અત્યારે એક વર્ષમાં બનતી ગુજરાતી ફિલ્મોનો આંકડો આનાથી ઘણો વધારે છે) હાલની ગુજરાતી ફિલ્મોમાં અમદાવાદનાં દૃશ્યો જોઇને રોમાંચ અનુભવતા દર્શકોને જણાવવાનું કે મનહર રસકપૂરે દિગ્દર્શીત કરેલી અને જ્યુબિલીકુમારરાજેન્દ્રકુમાર-ઉષા કિરણ જેવા હિંદી સ્ટાર ધરાવતી ગુજરાતી ફિલ્મ મહેંદી રંગ લાગ્યો’(૧૯૬૦)નું ઘણું શૂટિંગ અમદાવાદમાં થયું હતું. હીરો-હીરોઇન (કિલ્લેબંધી વગરના) કાંકરિયાની પાળે ફરતાં હોય એવાં દૃશ્યો અને હિટ ગીતો ધરાવતી આ સામાજિક ફિલ્મને ભારે સફળતા મળી હતી.

મનહર રસકપૂરની કારકિર્દી વિજય ભટ્ટના પ્રકાશ પિક્ચર્સમાં સહાયક તરીકે ૧૯૪૦ના દાયકામાં શરૂ થઇ. તેમનો બાપીકો ધંધો રૂનો. વડવા રસકપૂર (મર્ક્યુરસ ક્લોરાઇડ)માંથી આયુર્વેદીક દવાઓ બનાવતા. એટલે મનહરભાઇના દાદાએ રસકપૂરઅટક અપનાવી લીધી. ૮ મે, ૧૯૨૨ના રોજ જન્મેલા મનહરભાઇને ધંધાનું નહીં, ફિલ્મની કારકિર્દીનું આકર્ષણ હતું. તેમના પરિવાર સાથે વિજય ભટ્ટનો પારિવારિક સંબંધ. એટલે વિજુભાઇએ મનહરભાઇને ફિલમલાઇનમાં ન આવવા બહુ સમજાવ્યા. તું આમાં નહીં ચાલેએ શસ્ત્ર પણ વાપરી જોયું. એ બધું નિષ્ફળ ગયા પછી તેમણે મનહરભાઇને આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે રાખ્યા.વિક્રમાદિત્યઅને સમાજકો બદલ ડાલોજેવી પ્રકાશની પાંચેક ફિલ્મમાં સહાયક રહ્યા પછી ૧૯૪૮માં મનહરભાઇએ પોતાની નિર્માણસંસ્થા રૂપછાયા ચિત્રના નેજા હેઠળ પહેલી ફિલ્મ બનાવી : જોગીદાસ ખુમાણ’. (૧૯૬૨ અને ૧૯૭૫માં આ જ નામથી બનેલી બીજી બે ફિલ્મોનું તેમણે દિગ્દર્શન કર્યું.)

Vijay Bhatt (left) with Manhar Raskapoor (right on camera), muhurt shot
કેમેરાની આજુબાજુ વિજય ભટ્ટ (ડાબે) અને મનહર રસકપૂર (જમણે), 1948 

ગુરૂવિજય ભટ્ટે મનહરભાઇની પહેલી ફિલ્મનો પહેલો શૉટ લીધો અને તેમને આશીર્વાદ પણ આપ્યા. અરવિંદ પંડ્યાની મુખ્ય ભૂમિકા ધરાવતું જોગીદાસ ખુમાણ’ (૧૯૪૮) સામાન્ય પ્રેક્ષકોથી માંડીને ર.વ.દેસાઇ જેવા મહાનુભાવોને પણ રિઝવી શક્યું. વિખ્યાત સાહિત્યકાર ર.વ.દેસાઇએ લખ્યું હતું,‘ આજે મેં જોગીદાસ ખુમાણજોયું ...નિર્દેશક વિષયને વફાદાર રહ્યા છે, તેના કારણે પડદા પર આખું વાતાવરણ જીવંત થઇ ઉઠે છે. બહારવટાનું ચિત્રણ આપણા મનમાં વૈચારિક શુદ્ધતાને ઢંઢોળે છે. સમાજને પાંગળો કરતાં પ્રણયદૃશ્યો નહીંવત્‌ છે, તેનાથી ગુજરાતની મોટી સેવા થઇ છે. જેટલાં પ્રણયદૃશ્યો છે, તે પણ સંયમિત છે....જોગીદાસ ખુમાણજેવી ફિલ્મોને હું ચોક્કસ આવકાર આપું.

ગુજરાતી વિષયો પરથી, ગુજરાતીપણાનું ગૌરવ જગાડે એવી ફિલ્મોની મનહરભાઇને લગની હતી. ગુણવંતરાય આચાર્યે તેમની કેટલીક ફિલ્મોમાં કથા-સંવાદ લખ્યા, ‘અમે બધાંજેવી ચિરંજીવ હાસ્યનવલકથા લખનાર જ્યોતીન્દ્ર દવે-ધનસુખલાલ મહેતાની સુપરહિટ લેખકજોડી પાસે મનહરભાઇએ કહ્યાગરો કંથ’ (૧૯૫૦)ના સંવાદ લખાવ્યા. એ ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલા ચાંપશીભાઇ નાગડાએ થોડાં વર્ષ પહેલાં આ લેખક સાથેની વાતચીતમાં જણાવ્યા પ્રમાણે, ધ્વનિમુદ્રણ (સાઉન્ડ)ની ખામીને કારણે એ સંવાદ ઉપસી શક્યા નહીં ને ફિલ્મ પીટાઇ ગઇ. આ જ જોડી પાસે કન્યાદાન’ (૧૯૫૧) જેવી સામાજિક ફિલ્મના સંવાદ તૈયાર કરાવ્યા.

પન્નાલાલ પટેલની ક્લાસિક કૃતિ મળેલા જીવપરથી અને કલાપીની જીવનકથા પરથી એ જ નામે મનહરભાઇના દિગ્દર્શનમાં ફિલ્મો બની. જીવરામ જોષીએ સર્જેલાં બાળવાર્તાનાં અમર પાત્રો મિંયા ફૂસકી-તભા ભટ્ટને મનહરભાઇએ મિંયા ફૂસકી ૦૦૭’ (૧૯૭૮)માં સિનેમાના પડદે જીવતાં કર્યાં. મિંયા ફૂસકી તરીકે સ્ટાર હિંદી કલાકાર જૉની વૉકરની પસંદગી આબાદ હતી. જોકે, એ ફિલ્મ વાચકોના મનમાં ઊભી થયેલી મિંયા ફૂસકીની છબીને ન્યાય આપી શકે એવી બનવાને બદલે, મોટેરાંઓને ધ્યાનમાં રાખીને બનાવાયેલી હાસ્યપ્રધાન ફિલ્મ વઘુ બની રહી.

મૂળુ માણેક’ (૧૯૫૫)માં હીરોઇન તરીકે મનહરભાઇએ તેજતર્રાર અને પ્રતિષ્ઠિત અભિનેત્રી શાંતા આપ્ટેને પસંદ કર્યાં. એટલું જ નહીં, ઇન્દુકુમાર પારેખના સંગીત નિર્દેશમાં તેમની પાસે ત્રણ ગીત પણ ગવડાવ્યાં. એ ઉપરાંત હિંદી ફિલ્મઉદ્યોગનાં પહેલાં સ્ટાર હીરોઇન  સુલોચના-રુબી માયર્સ (કાદુ મકરાણી’, ૧૯૬૦)૧૯૩૦ના દાયકાથી ફિલ્મઉદ્યોગ સાથે સંકળાયેલા હીરો પી. જયરાજ (જોગીદાસ ખુમાણ’,૧૯૬૨), તબસ્સુમ (ઉપર ગગન વિશાળ’,૧૯૭૧), દારાસિંઘ(વાલો નામોરી’,૧૯૭૩) જેવા કલાકારોને ગુજરાતી ફિલ્મોમાં સાંકળ્યા.
Manhar Raskapoor, Sanjiv Kumar on sets
મનહર રસકપૂર, સંજીવકુમાર સેટ પર

સંજીવકુમાર, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અરૂણા ઇરાન જેવા આગળ જતાં નામી બનેલા કલાકારોએ તેમની કારકિર્દીની પહેલી કે સાવ શરૂઆતની ફિલ્મોમાં મનહર રસકપૂરના દિગ્દર્શનમાં કામ કર્યું.  મનહરભાઇએ બહારવટિયાઓની ફિલ્મોથી માંડીને સામાજિક-ધાર્મિક-સાહિત્યકૃતિ પર આધારિત, ચરિત્રાત્મક એમ અનેક પ્રકારની ફિલ્મો લોકપ્રિય અંદાજમાં બનાવી. તેમાંથી ઘણી બૉક્સ ઑફિસ પર સફળ થઇ. અખંડ સૌભાગ્યવતીઅને મહેંદી રંગ લાગ્યોજેવી ફિલ્મોએ સિલ્વર જ્યુબિલી કરી. મહેંદી રંગ લાગ્યોમાટે રાષ્ટ્રિય પુરસ્કાર પણ મળ્યો. તેમણે બનાવેલી કેટલીક દસ્તાવેજી ફિલ્મોમાં અમદાવાદ વ્હેર ગાંધી લિવ્ડવિદેશોમાં પણ પ્રદર્શિત અને પુરસ્કૃત થઇ.

હાલોલમાં લકી સ્ટુડિયોનો આરંભ થયો ત્યારે તેમાં પહેલો શૉટ મનહરભાઇએ (સંતુ રંગીલીફિલ્મનો) લીધો હતો અને તેમના જીવનનો અંત પણ એ જ સ્ટુડિયોમાં આવ્યો. સૌરાષ્ટ્રનો સિંહ છેલભાઇ’  (૧૯૮૦)નું કામ લગભગ પૂરું થવામાં હતું, ત્યારે ૧૪મી ફેબ્રુઆરીની સાંજે શૂટિંગ પૂરું કર્યા પછી તેમને હ્લદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું. પરંતુ વૈવિધ્યસભર, લોકભોગ્ય ગુજરાતી ફિલ્મોના સફળ દિગ્દર્શકોની વાત થાય ત્યારે તેમનું નામ પહેલી હરોળમાં મુકાય છે.

(તસવીર સૌજન્ય : જયશેખર મનહર રસકપૂર)

Monday, May 18, 2015

શબ્દકથા : શબ્દોની ‘ગંગોત્રી’નો રોમાંચ

માતૃભાષા એ બચાવવાની નહીં, ચાહવાની ચીજ છે. માતૃભાષાનાં ચાહવાલાયક સ્વરૂપોની ખોટ નથી. કહેવતો, રૂઢિપ્રયોગો, બીજી ભાષામાં--અરે, ગુજરાતી ભાષાની બીજી બોલીમાં સુદ્ધાં-- ન હોઇ શકે એવા શબ્દો, વિવિધ અવાજો સૂચવતા શબ્દો-- આ બધાની મઝા હોય છે. જે રીતે એક સારી કવિતા, સારી રમૂજ કે સારી વાર્તા માણી શકાય એવી જ રીતે, ભાષારૂપી હિલસ્ટેશનના વિવિધ ‘પોઇન્ટ્‌સ’નું સૌંદર્ય પણ માણી શકાય. ‘ટ્રેકિંગ’પ્રેમીઓ ભલે મહેનત કરીને ભાષાશાસ્ત્ર અને વ્યાકરણના નિયમોમાં ઊંડા ઉતરે અને તેમનો આનંદ મેળવે. મોટા ભાગના લોકો એ કસરતમાં ઉતર્યા વગર, રોજિંદી ભાષામાંથી રોમાંચના નાના પણ મજાના ઘૂંટડા ભરી શકે છે.

ભાષાનાં આગળ જણાવેલાં વિવિધ સૌંદર્યસ્થાનોમાંનું એક એટલે શબ્દોની ‘ગંગોત્રી’--શબ્દોનું મૂળ અને તેની સાથે સંકળાયેલા બીજા ‘પિતરાઇ’ શબ્દોની વાત. શાસ્ત્રીય ભાષામાં કહીએ તો, શબ્દની વ્યુત્પત્તિ. જેમ કે, છેલ્લા થોડા વખતથી બહુ પ્રચલિત બનેલા શબ્દ ‘છકડો’, રેંકડી (લારી) અને ‘સગડી’ વચ્ચે શો સંબંધ? અને આ બધા શબ્દો આવ્યા ક્યાંથી? આ બધું જાણવું ‘જરૂરી’ નથી, પણ એમ તો ફિલ્મ જોવી કે ગીત સાંભળવું કે છાપું વાંચવું પણ ક્યાં જરૂરી છે? છતાં એની મઝા નથી હોતી?

પહેલાંના સમયમાં બે વાહન હતાં : ઉચ્ચ વર્ગ માટે રથ અને સામાન્ય લોકો માટે શકટ (ગાડું). ‘રથ’નો જમાનો ક્યારનો વીતી ગયા પછી પણ ‘મહારથી’ જેવા શબ્દો હજુ છૂટથી વપરાય છે અને તેનો અર્થ કોઇને સમજાવવો પડતો નથી. સંસ્કૃત ‘રથ’માંથી પ્રાકૃત ભાષામાં ‘રહ’ અને તેમાંથી પંજાબી ભાષામાં ‘રેહડા’ (હાથગાડી), રહિલા (ગાડી) જેવા શબ્દ થયા. ગુજરાતીમાં તે ‘રહિકલુ’, ‘રેંકળી’ અને ‘રેંકડી’ તરીકે પ્રચલિત બન્યો. મોભાદાર ‘રથ’ મજૂરવર્ગની ‘રેંકડી’ બની જાય, એ ભાષા પર બદલાતા સમયની અસર તરીકે પણ જોઇ શકાય.

‘રથ’ના જમાનાનું બીજું વાહન ‘શકટ’ વધારે ફાંટાબાજ નીવડ્યું. નાનું ગાડું ‘શકટિકા’ કહેવાતું હતું. તેની પરથી માટીના સ્થાયી ચૂલાને બદલે પૈડાં ધરાવતા-- હરતાફરતા ચૂલા માટે શબ્દ બન્યો ‘સગડી’. (હેમચંદ્રાચાર્યે સગડી માટે ‘અંગારશકટી’, ‘અંગારધાની’, ‘અંગારપાત્રી’ જેવા શબ્દો વાપર્યા છે.) એવી રીતે, ‘શકટ’નો બીજો ફાંટો પડતાં ગુજરાતીમાં  ‘છકડો’, સિંધીમાં ‘છકિડો’ અને પંજાબી, બંગાળી, હિંદી જેવી ભાષાઓમાં ‘છકડા’ શબ્દ બન્યો. નીતાંત ગુજરાતી, બલ્કે ગામઠી ગુજરાતી લાગતો ‘છકડો’ કેટકેટલી ભાષાઓમાં પહોંચી ગયો.

પણ સવાલ એ થાય કે આવી વિગતો મેળવવી ક્યાંથી? સાર્થ જોડણીકોશ, ભગવદ્‌ગોમંડળ શબ્દકોશ કે ઇન્ટરનેટ પર www.gujaratilexicon.com જેવા કોશમાં  શબ્દોના મૂળની પ્રાથમિક વિગત મળી આવે. સંસ્કૃત અને અંગ્રેજી ઉપરાંત ફારસી, અરબી, પોર્ટુગિઝ જેવી કઇ ભાષામાંથી એ શબ્દ આવ્યો, તેની પ્રાથમિક જાણકારી કોશમાંથી મળે. પણ શબ્દોની રોમાંચક કથા જાણવા માટેનો એક સ્રોત છે : હરિવલ્લભ ભાયાણી લિખિત પુસ્તક ‘શબ્દકથા’. પહેલી વાર ૧૯૬૩માં શિવજી આશર તેને પ્રકાશિત કર્યું હતું. ત્યાર પછી ‘કુમાર’માં ભાયાણીસાહેબે થોડી વધુ શબ્દકથાઓ લખી અને તેમાંથી ગુજરાતી સાહિત્ય પરિષદે ૧૯૮૩માં આશરે સવા બસો પાનાંનું પુસ્તક પ્રગટ કર્યું. ગુજરાતી ભાષાને લગતાં અભ્યાસપૂર્ણ છતાં મનોરંજક અને લોકભોગ્ય ગણી શકાય એવાં વીરલ પુસ્તકોમાં ‘શબ્દકથા’નો સમાવેશ અચૂક કરવો પડે.
હરિવલ્લભ ભાયાણી / Harivallabh Bhayani


‘પુસ્તક’ શબ્દની જ વાત કરીએ. ભાયાણીસાહેબે શબ્દોની કથામાં ઉતરતાં પહેલાં આપેલી પંદર પાનાંની નોંધ (‘શબ્દલીલા’)માં લખ્યું છે કે ‘પુસ્તક’ શબ્દ અસલમાં પહેલવી ભાષાના ‘પોસ્તક’ શબ્દ પરથી આવ્યો છે. ‘પોસ્તક’ એટલે ચામડું. એ જમાનામાં ચામડા પર લખાતું. એટલે લખાણસંગ્રહ માટે ‘પુસ્તક’ શબ્દ વપરાતો થયો. ભાષાઓ વચ્ચે શબ્દોનો વાટકીવ્યવહાર એટલી સહજતાથી થાય છે કે સમય જતાં તેની સરત પણ ન રહે. વીસમી સદીના શરૂઆતના દાયકાઓ સુધી ગુજરાતમાં મોઇદાંડિયા (ગીલ્લી-દંડા) રમનારા એક-બે-ત્રણ-ચાર-પાંચને બદલે વકટ-લેણ-મુંડ-નાર-આંખ એમ બોલતા. ભાયાણીસાહેબે નોંઘ્યું છે કે આ શબ્દો મૂળ તેલુગુ ને કન્નડ ભાષામાં એક-બે-ત્રણ-ચાર-પાંચ માટે વપરાય છે. એટલે આ રમત દ્રવિડ પ્રદેશમાંથી આવી હશે. ગુજરાતીમાં છૂટથી વપરાતા મિસ્ત્રી, મિજાગરું, પુરાવો, પુરવાર, બાલદી, બંબો, પીપ જેવા શબ્દો પોર્ટુગીઝ ભાષામાંથી કશા ફેરફાર વિના, સીધા જ ગુજરાતીમાં આવીને ગુજરાતી બની ગયા છે. સાંસ્કૃતિક આદાનપ્રદાનથી ફક્ત શબ્દકોશમાં નવા શબ્દો જ નહીં, ભોજનમાં નવી વાનગીઓ પણ ઉમેરાઇને પોતીકી બની જાય છે. બિરંજ, શીરો, હલવો, બરફી, જલેબી, મૈસૂર, શક્કરપારા, મેંદો, માવો, ચાસણી--આ બધી વાનગીઓ અને શબ્દો પરંપરાગત ગુજરાતી નથી લાગતી? પરંતુ એ બધી મુસ્લિમો સાથેના ગાઢ સંપર્કનું પરિણામ છે. તેમાંનો એક પણ શબ્દ અસલમાં ગુજરાતી નથી. એ બધા ફારસી-અરબી શબ્દો છે.

શબ્દોની કથામાં રસ પડવા લાગે, પછી એવું જ લાગે કે ‘શ્રીખંડ’ શબ્દ મૂળ સંસ્કૃત હશે અને તે બોલચાલમાં બદલાઇને ‘શિખંડ’ થયો હશે. પણ ‘શબ્દકથા’માં શિખંડને લગતી બે કથા છે : દહીં-સાકર-તેજાના નાખેલી વાનગી માટે ‘શિખરિણી’ શબ્દ છે. સાકર-કેસર-કપુર નાખેલું દહીનું પીણું ‘શિખરન’ કહેવાતું. તેની પરથી ‘શિખંડ’ શબ્દ બન્યો હોય તે એક સંભાવના. અથવા ફારસીમાં ‘સિર’ એટલે દહીં ને ‘કંદ’ એટલે ખાંડ. એટલે, ‘સિરકંદ’માંથી ‘શિખંડ’ થયું હોય. આ બન્નેમાં એક વાત નક્કી છે : ખરો શબ્દ ‘શિખંડ’ છે, જેને ‘સુધરેલો’ (સંસ્કૃતમય) બનાવવા માટે ‘શ્રીખંડ’ તરીકે ઓળખવામાં આવ્યો.

ગુજરાતી ભાષા આટલા વાર્તારસથી ભરપૂર હોવા છતાં, તેને એવી રીતે ભણાવવામાં આવે છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને તમ્મર  આવી જાય. ‘તમ્મર’ને સીધો સંબંધ ‘તિમિર’ સાથે છે. સંસ્કૃતમાં  ‘તિમિર’ એટલે અંધારું. આંખે અંધારાં આવે, ત્યારે (‘તિમિર’ પરથી) તમ્મર આવ્યાં, એવું કહેવાતું થયું. પ્રચલિત શબ્દના ખરા શબ્દ સુધી પહોંચવાની સફરમાં એવો પણ વિચાર આવે કે ‘ખરો’ અને ‘ખર’ (ગધેડો) વચ્ચે કોઇ સંબંધ હશે? તેનો જવાબ ‘શબ્દકથા’માંથી મળે છે. સંસ્કૃતમાં ખર એટલે કઠોર, તીક્ષ્ણ. એટલે કર્કશ અવાજને ભૂંકનાર ‘ખર’. (ગધેડો). ‘ખર’ એટલે કે ‘કઠણ’ અને ‘પાકું’ના અર્થમાં શબ્દ બન્યો ‘ખરું’. એ શબ્દ ‘પાકું’, ‘ટકી શકે એવું’, ‘સાચું’ના અર્થમાં વપરાતો થયો. સજ્જ ભાષાશાસ્ત્રીઓ ને ભાષાવિજ્ઞાનીઓ જાણે જ છે કે ભાષાને ઘડવાનું કામ પંડિતો નહીં, સામાન્ય લોકો કરે છે. પંડિતોએ તો સામાન્ય લોકો દ્વારા નીપજાવાયેલી અને પોતાના કામ માટે સચોટ રીતે ઉપયોગમાં લેવાયેલી ભાષાને નિયમો અને અપવાદોના ચોકઠાંમાં બેસાડવાની હોય છે.

અભ્યાસીઓ માટે બોલાયેલા નહીં, પણ છપાયેલા-મુદ્રિત શબ્દની બહુ કિંમત હોય છે. પણ મુદ્રિકા (વીંટી) અને મુદ્રણ વચ્ચે શો સંબંધ? મુદ્રિકા અથવા મુદ્રા એટલે વીંટી તો ખરી જ, પણ ‘મુદ્રા’નો મૂળ અર્થ છાપ કે મહોર થાય છે. એટલે, જે વસ્તુનો ઉપયોગ છાપ કે મહોર મારવા માટે થાય એ પણ મુદ્રા (સીલ) કહેવાય. કોઇ પણ દસ્તાવેજ પર રાજાની કે સંબંધિત અધિકારીની મુદ્રા (સીલ કે આઘુનિક સમયમાં સિક્કો) હોય, એટલે તે પ્રમાણભૂત કહેવાય. એ રીતે રાજાની કે બીજી અધિકૃત છાપ ધરાવતા સોનાના ચલણી સિક્કા સુવર્ણમુદ્રા કહેવાયા અને એ જ તરાહ પર, બીબાંથી કાગળ પર છાપ ઉપસાવવાની ટેક્‌નોલોજી માટે ‘મુદ્રણ’ શબ્દ વપરાયો.

ફારસી-અરબી શબ્દો છૂટથી પ્રયોજવા માટે જાણીતા સદ્‌ગત લેખક ચંદ્રકાંત બક્ષીની કોલમનું નામ હતું : વાતાયન એટલે કે ઘરમાં હવા અને અજવાળું આવે તથા બહારનું જગત જોઇ શકાય એવી બારી. સંસ્કૃત ‘વાતાયન’નો સંબંધ અંગ્રેજી ‘વેન્ટિલેશન’ સાથે પણ છે. વાત્‌ એટલે વાયુ-પવન અને ‘વેન્ટિલેશન’માં આવતા ગ્રીક શબ્દ ‘વેન્તુસ’નો અર્થ પણ એવો જ છે. બારણાને ‘દ્વાર’ કહેતા સંસ્કૃતમાં બારી માટેનો બીજો શબ્દ છે : ‘દ્વારિકા’. તેની પરથી સમુદ્રમાં પ્રવેશવાની બારી જેવી નગરીનું નામ ‘દ્વારિકા’ પડ્યું.

‘નવી પેઢીને તો આ જ ગમે’, ‘ભાષાની ભેળપુરી થાય તો જ નવી પેઢીને ટેસડો પડે’, ‘નવી પેઢી તો ગુજલિશ જ વાંચે’ --એવી અસલામતીથી મુક્ત રહીને, મનનાં દ્વાર-‘દ્વારિકા’ ખુલ્લાં રાખવાની તૈયારી હોય તો ગુજરાતી ભાષાનો રોમાંચ સૌની રાહ જુએ છે. 

Saturday, September 13, 2014

ગુજરાતીપણાનો જાદુ

( ગુજરાત સમાચાર, તંત્રીલેખ-શુક્રવાર-૧૨-૯-૧૪)

ગુજરાતી ફિલ્મો ફરી એક વાર ચર્ચામાં છે. દોઢ-બે દાયકા પહેલાં ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા’થી ગુજરાતી ફિલ્મોના નવા યુગની વાતો સંભળાય છે. પરંતુ છેલ્લાં થોડાં વર્ષથી એ પ્રવાહની પાતળી પણ મજબૂત ઉપસ્થિતિનો પાકો અહેસાસ થઇ રહ્યો છે. ‘અર્બન’ કહેતાં શહેરી અને શહેરી બનવા ઉત્સુક- એમ બન્ને પ્રકારના પ્રેક્ષક સમુદાયને પોતીકી લાગે એવી ગુજરાતી ફિલ્મ હવે કલ્પનાનો નહીં, વાસ્તવિકતાનો વિષય છે. આ કલ્પનાને સાકાર કરવામાં આશિષ કક્કડ અને અભિષેક જૈન જેવા ફિલ્મકારોનો ફાળો વિશેષ અને વિશિષ્ટ છે. આશિષ કક્કડની ‘બેટરહાફ’ આઘુનિક-સંવેદનશીલ કથાવસ્તુની સચોટ રજૂઆત માટે તથા અભિષેક જૈનની ‘કેવી રીતે જઇશ?’ અને ‘બે યાર’ ઉત્તમ નિર્માણ ઉપરાંત ગુજરાતી લાક્ષણિકતાઓના હળવાશભર્યા છતાં વાસ્તવિક-સન્નિષ્ઠ ચિત્રણથી ગુજરાતી ફિલ્મપ્રેમીઓને આકર્ષી શકી છે.

ગુજરાતી ફિલ્મનાં વખાણ કરવા માટે લોકો ‘આ તો એકદમ હિંદી ફિલ્મ જેવી જ લાગે છે’ એવું કહે, એ વક્રતા છે. અલબત્ત, વાંક આવું કહેનારાનો નથી. વર્ષો સુધી ઝાકઝમાળભર્યું નિર્માણ ધરાવતી હિંદી ફિલ્મોને આવી જ રીતે હોલિવુડની ફિલ્મોની બરાબરીમાં મૂકવામાં આવતી હતી. હવે હિંદી ફિલ્મોનાં ટેક્‌નિકલ પાસાં ઉત્કૃષ્ટ બનતાં આ બાબતમાં હિંદી-અંગ્રેજી વચ્ચે આભ-જમીનનો નહીં, ખાડા-ટેકરા જેટલો જ તફાવત રહ્યો છે. તેથી હિંદી ફિલ્મોને ‘અંગ્રેજી જેવી’ હોવાનાં કોમ્પ્લીમેન્ટ મળવાં લગભગ બંધ થયાં છે.

‘બે યાર’ જેવી ફિલ્મની મઝા જ એ હોય છે કે એને સરસ હોવા માટે ‘હિંદી જેવી’ બનવાની જરૂર પડી નથી. એ નીતાંત ગુજરાતી હોવા છતાં સરસ છે. બલ્કે, એ નખશીખ ગુજરાતી હોવાથી જ એ બિલકુલ પોતીકી લાગે છે. અમદાવાદનાં વિવિધ લોકેશન, ગુજરાતીપણું, ‘શ’ને બદલે ‘સ’ બોલતાં અને વાસ્તવિક લાગતાં ગુજરાતી પાત્રો, એકદમ આત્મીય લાગતી ગુજરાતી ભાષા - આ બઘું ‘બે યાર’ને દર્શકોને આકર્ષે છે. ફિલ્મમાં વપરાયેલી ગુજરાતી ભાષા એટલી વાસ્તવિક છે કે આ જ ફિલ્મને જો હિંદીમાં ડબ કરવામાં આવે તો ફિલ્મના ‘ચાર્મ’માં રહેલો ભાષાની મઝાનો મોટો હિસ્સો ઉડી જાય.

‘યુવા પેઢીની પસંદ’ના નામે પોતાનું છીછરાપણું પીરસવાનો ઉદ્યોગ દાયકાઓથી ચાલે છે. પરંતુ ‘બે યાર’ ફિલ્મ જેવી અનેક ઘટનાઓ વખતોવખત સાબીત કરી આપે છે કે યુવા પેઢીને ફક્ત ગલગલિયાં જ ગમે એવું નથી. ‘બે યાર’ જેવી સરસ ફિલ્મ અને તેની (પરાણે ધુસાડાયેલા અંગ્રેજી શબ્દો-વાક્યો વગરની) ભાષા સાથે પણ યુવા પેઢીને તરત પોતીકાપણું અનુભવાય છે. મતલબ, યુવા પેઢીમાં લોકપ્રિય બનવા માટે સહજ, સ્વાભાવિક ભાષા પૂરતી છે. તેને મારીમચેડીને વર્ણસંકર બનાવવાનું જરૂરી નથી.

‘યુવા પેઢીમાં લોકપ્રિય બનવું હોય તો વર્ણસંકર, છીછરી ભાષા લખવી જ પડે’ અને ‘ગુજરાતી ફિલ્મ ચલાવવી હોય તો ચમત્કારો અને ગરબા મૂકવા જ પડે’ આ બન્ને માન્યતાઓ એકસરખી છે. લોકોની રૂચિનો પટ બહુ વિશાળ હોય છે. તેમને સારું પણ ગમે ને હલકું પણ ગમે. શું આપવું એનો આધાર આપનારની ત્રેવડ પર હોય છે. જે પ્રકારની ગુજરાતી ફિલ્મો ચાલે છે એની ટીકા તો શી કરવાની? એનું પણ ઑડિયન્સ છે અને એ ફિલ્મો પણ સલમાનખાનની હિંદી ફિલ્મોની જેમ, ગુણવત્તાની પંચાતમાં પડ્યા વિના, ટિકીટબારી પર સફળ જાય છે. નબળું સફળ થાય તેનો અર્થ એ નથી હોતો કે સફળ થવા માટે નબળું આપવું અનિવાર્ય છે. ‘બે યાર’ જેવી સબળી ફિલ્મોને મળી રહેલી સફળતા એ હકીકત વઘુ એક વાર સિદ્ધ કરી આપે છે.

ઊંચી અભિનયક્ષમતા ધરાવતા કલાકારોની ગુજરાતી તખ્તા પર ખોટ નથી, પરંતુ શહેરી દર્શકોને આકર્ષે એવી ગુજરાતી ફિલ્મોનું બજાર ઘણા વખત સુધી ન ખુલતાં, એ અભિનેતાઓને હિંદી ફિલ્મોમાં નાના-મોટા રોલથી કે ટીવી સિરીયલથી સંતોષ માનવો પડતો હતો. ‘બે યાર’ જેવી ફિલ્મો વઘુ પ્રમાણમાં બને તો તેને સશક્ત ગુજરાતી અભિનેતાઓનો પણ લાભ મળે અને ગુજરાતી દર્શકોને પોતાની જ ભાષામાં આ કલાકારોની ઉત્તમ ભૂમિકાઓ સિનેમાના પડદે જોવા મળે. આવી ઘણી ઉજળી શક્યતાઓ ‘બે યાર’ જેવી ફિલ્મોની સફળતાની પછવાડે રહેલી છે.