Showing posts with label swami vivekanand. Show all posts
Showing posts with label swami vivekanand. Show all posts

Sunday, September 30, 2012

નડિયાદના હરિદાસ દેસાઇ પર સ્વામી વિવેકાનંદનો પત્ર ‘અમેરિકાના હિંદુઓએ એટલું પણ કહ્યું નથી કે હું એમનો પ્રતિનિધિ છું’

ઇંગ્લેન્ડ-અમેરિકાના સ્ટુડિયોમાં સ્વામી વિવેકાનંદ/
Swami Vivekanandની વિવિધ મુદ્રાઓ
સ્વામી વિવેકાનંદ પ્રત્યેનો અહોભાવ ગુજરાતીઓ-ભારતીયો માટે હવામાંથી આત્મસાત્‌ કરી લેવાની ચીજ છે. તેમના જીવનકાર્યનું તટસ્થ મૂલ્યાંકન તો બહુ દૂર, પૂરી વિગત જાણવાની પણ તસ્દી ભાગ્યે જ લેવામાં આવે છે. તેમના વિશે સૌ પોતપોતાની મનગમતી બે-ચાર જાણકારીઓ-દંતકથાઓ મમળાવીને આનંદમાં રહે છે.

કદાચ એટલે જ, તેમની દોઢસોમી જન્મજયંતિનાં ગુજરાતમાં થયેલાં સરકારી- બિનસરકારી ઉજવણાંમાં નડિયાદના હરિદાસ વિહારીદાસ દેસાઇનું નામ સાંભળવા ન મળ્યું. સ્વામી વિવેકાનંદથી ૨૩ વર્ષ મોટા હરિદાસ જૂનાગઢના દીવાન હતા. જીવનનાં છેલ્લાં પાંચ વર્ષ (૧૮૯૧-૯૫) બન્ને વચ્ચે સતત સંપર્ક રહ્યો. તેમની વચ્ચેના પત્રવ્યવહારમાં ‘ડીયર દીવાનજી સાહેબ’ માટે છલકાતો વિવેકાનંદનો આદર સ્પષ્ટપણે પામી શકાય છે.

સ્વામી વિવેકાનંદ શિકાગોની વિશ્વધર્મપરિષદ (૧૮૯૩)માં ગયા અને ત્યાં એમણે હિંદુ ધર્મનો ડંકો વગાડી દીધો, તેની વિજયગાથાઓ સૌ જાણે છે, પણ સ્વામી પોતે અમેરિકામાં કેવી લાગણી અનુભવતા હતા? દીવાન હરિદાસ પરના પત્રમાં તેમણે લખ્યું હતું, ‘પીઠ પાછળ કુથલી કરનારા લોકોએ મને ભારે નુકસાન પહોંચાડ્યું છે. (અમેરિકાના) હિંદુઓએ મારા તરફ આંગળી ચીંધીને અમેરિકનોને એટલું પણ કહ્યું નથી કે હું તેમનો પ્રતિનિધિ છું. મારા પ્રત્યે આટલો સદ્‌ભાવ રાખનારા અમેરિકનોને આપણા લોકોએ કાશ, આભારના બે શબ્દો કહ્યા હોત અને હું તેમનું પ્રતિનિધિત્વ કરું છું એટલું કહ્યું હોત... મારા વિશે એવું પણ કહેવામાં આવે છે કે મેં અમેરિકા પૂરતો જ સન્યાસીનો વેશ ધારણ કર્યો છે અને હું ઘૂતારો છું. આ પ્રચારથી અમેરિકામાં મને મળેલા આવકારમાં કશો ફરક પડ્યો નથી, પણ આર્થિક મદદની વાત કરીએ તો તેની પર (આ પ્રચારની) ભયંકર અસર પડી છે. હું એક વર્ષથી અહીં છું, છતાં હું ઘુતારો નથી એટલું અમેરિકનોને કહેવાની પણ ભારતના એકેય મોટા માણસે તસ્દી લીધી નથી. મિશનરીઓ હંમેશાં મારી વિરુદ્ધનો મસાલો શોધતા હોય છે અને ભારતનાં ખ્રિસ્તી પેપરોમાં મારા વિરુદ્ધ જે કંઇ છપાય તે અહીં છાપી મારે છે..’ (૨૦-૬-૧૮૮૪, શિકાગો)

આ જ પત્રમાં સ્વામી વિવેકાનંદે અમેરિકા જવા માટેનો પ્રાથમિક હેતુ ‘પોતાના સાહસ માટે નાણાંકીય ભંડોળ ઊભું કરવા માટે’ - એવો જણાવ્યો છે. કયું સાહસ? એની સ્વામીએ દીવાન હરિદાસ સમક્ષ લાંબી પ્રસ્તાવના બાંધી હતી. ‘પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો આખો ફરક જ આ છેઃ એ ‘નેશન’ છે ને આપણે નથી. એમની સંસ્કૃતિ, એમનું શિક્ષણ  સર્વસામાન્ય છે અને જનસમુદાય સુધી પહોંચે છે. ભારત અને અમેરિકાના ઉચ્ચ વર્ગો સરખા છે, પણ બન્નેના નીચલા વર્ગો વચ્ચે અનંત અંતર છે.’

આમ થવાનું કારણ આપતાં સ્વામીએ લખ્યું કે ભારતમાં મહાન  માણસોની કમી છે. કારણ કે પ્રતિભા સમાજના બહુ મર્યાદિત એવા ઉપલા વર્ગમાંથી આવે છે. ભારતની આવી ખરાબ સ્થિતિ માટે સ્વામીએ શિક્ષણના અભાવને કારણભૂત ગણાવ્યો. નવાઇની વાત છે કે વિશ્લેષણમાં છેક આટલે સુધી આવેલા સ્વામીએ જ્ઞાતિપ્રથા જેવા મહત્ત્વના અને પ્રતિભા રૂંધનારા પરિબળનો ઉલ્લેખ સુદ્ધાં પત્રમાં કર્યો નહીં. (અમેરિકામાં કાળા લોકોની બદતર દશા વિશે પણ તેમણે પત્રોમાં કશું લખ્યું ન હતું.)

શિક્ષણને જ સર્વસ્વ ગણાવીને તેમણે બીજી બધી સુધારાપ્રવૃત્તિ ગૌણ ગણાવતાં દીવાન હરિદાસને લખ્યું, ‘લોકોને તેમની વ્યક્તિગત ઓળખ પાછી આપવાની છે. તેમને શિક્ષિત બનાવવાના છે. મૂર્તિઓ રહે કે જાય, વિધવાઓને પતિ મળે કે ન મળે, તેમની જ્ઞાતિ સારી હોય કે ખરાબ, એ બધા સવાલો સાથે મારે કશી નિસબત નથી. દરેકે પોતાના ઉદ્ધાર માટે કામ કરવું જોઇએ. આપણે તેના માટે જરૂરી વાતાવરણ પેદા કરી આપવું જોઇએ...તેમના દિમાગમાં વિચારો મૂકી દઇએ એટલે બાકીનું તે કરી લેશે. તેનો અર્થ એટલો જ કે જનસમુદાયને શિક્ષિત બનાવવો પડે.’ અને એ કામ માટે તેમને નાણાંની જરૂર હતી.

કારણ કે, તેમના તર્ક પ્રમાણે, લોકો શિક્ષણ સુધી ન પહોંચી શકે, તો શિક્ષણને લોકો સુધી પહોંચાડવું. ‘ગરીબ સરકાર તેમાં કશું કરી શકશે નહીં. એટલે એ દિશામાંથી કોઇ મદદની અપેક્ષા રખાય એમ નથી. ધારો કે દરેક ગામમાં શાળા ખોલીએ તો પણ ગરીબનું બાળક ત્યાં જવાને બદલે ખેતરે મજૂરીએ જશે. આપણી પાસે એટલાં નાણાં નથી અને તેમને શિક્ષણ સુધી પહોંચાડી શકતા નથી. અનંત લાગતી આ સમસ્યાનો મને ઉકેલ જડ્યો છે. મહંમદ માઉન્ટન પાસે ન જાય, તો માઉન્ટને મહંમદ પાસે જવું પડે. ગરીબો શિક્ષણ સુધી ન પહોંચી શકે, તો શિક્ષણે ગરીબો પાસે ખેતરોમાં, ફેક્ટરીઓમાં, બધે પહોંચવું પડે...તમે મારા ભાઇઓ (સન્યાસીઓ)ને જોયા છે. એ લોકો નિઃસ્વાર્થ, ભલા અને ભણેલા હોય છે. આ લોકો ગામેગામ, ઘરેઘરે ફક્ત ધર્મ જ નહીં, શિક્ષણ પણ લઇને જાય. (એવી જ રીતે) બહેનોને શિક્ષણ આપવા વિધવાઓનો ઉપયોગ થઇ શકે.’

સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું કે આ રીતે સન્યાસીઓ ગામેગામ ફરે અને દિવસનું કામ પરવારીને ઝાડ નીચે બેઠેલા ગામલોકોને તસવીરો, નકશા, પૃથ્વીનો ગોળો, દૂરબીન જેવાં સાધનોની મદદથી શિક્ષણ આપે. આવું કામ સન્યાસીઓ ધાર્મિક ઉત્સાહથી દોરાઇને ઉપાડી લેશે એવું પણ તેમને લાગતું હતું. અલબત્ત, આ કામ સુધારાની કોઇ ચળવળથી ન થાય. હિંદુ ધર્મમાં સુધારો હિંદુ ધર્મ થકી જ આણી શકાય, એવી માન્યતા તેમણે પત્રમાં વ્યક્ત કરી. આ ઝુંબેશના કેન્દ્રસ્થાને એક ‘ગૉડ-મેન’ હોય એવી તેમની કલ્પના હતી અને એ ‘ગૉડ-મેન’ તેમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસ છે, એની તેમને શિષ્યસહજ ખાતરી પણ હતી. તેમણે લખ્યું કે, ‘રામકૃષ્ણ પરમહંસની ફરતે (શિષ્યોનું) વર્તુળ ધીમે ધીમે વધી રહ્યું છે. એ કામ કરશે, પણ દીવાનજી મહારાજ, આ કામ માટે સંગઠન, નાણાં જોઇએ- આ કામનું ચક્કર ચાલુ કરવા પૂરતાં તો જોઇએ જ. ભારતમાં અમને કોણ મદદ કરવાનું હતું? એટલે, દીવાનજી મહારાજ, હું અમેરિકા આવ્યો છું.’

‘આમ તો મારે જાત વિશે બહુ ઊંચો અભિપ્રાય વ્યક્ત કરવાનો ન હોય, પણ તમારા પ્રેમ અને વિશ્વાસને કારણે મારે તમને કહેવું પડે’ એમ લખીને સ્વામી વિવેકાનંદે અમેરિકામાં પોતાની ભવ્ય સફળતા વિશે પણ દીવાન હરિદાસને વિગતે લખ્યું હતું અને કહ્યું હતું કે વધારે માહિતી તમને વીરચંદ ગાંધી પાસેથી મળશે.

મહુવાના વીરચંદ ગાંધી (૧૮૬૪-૧૯૦૧) જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે શિકાગોની વિશ્વધર્મપરિષદમાં ભાગ લેવા ગયા હતા. આ પરિષદમાં તે એકમાત્ર ગુજરાતી હતા. તેમના વિશે સ્વામીએ દીવાનને લખ્યું હતું,‘આટલી ઠંડીમાં તે શાકભાજી સિવાય કંઇ લેતા નથી. પોતાના દેશ અને દેશવાસીઓનો બચાવ કરવા એ બઘું કરી છૂટે છે. આ દેશના લોકોને પણ તે ગમે છે, પણ તેમને અહીં મોકલનારા શું કરે છે? એ લોકો તેમને નાતબહાર મૂકવા પ્રયાસ કરી રહ્યા છે. ઇર્ષ્યા એ ગુલામોમાં પેદા થતું દૂષણ છે. એ તેમને નીચે (દબાયેલા) જ રાખે છે.’
સ્વામી વિવેકાનંદ/Vivekanand સાથે વીરચંદ ગાંધી (છેક જમણે)/
Virchand Gandhi at Chicago
સ્વામી વિવેકાનંદની જેમ વીરચંદે પણ અમેરિકામાં સંખ્યાબંધ પ્રવચનો આપ્યાં હતાં. સ્વામી વિવેકાનંદે દીવાન હરિદાસને લખ્યું હતું, ‘આપણા લોકો સાઘુને બટકું રોટલો આપતાં કચવાય છે ને અહીં લોકો એક પ્રવચનના હજાર રૂપિયા આપીને ઉપકૃત થાય છે. ભારતમાં મારી કદી ન થઇ હોય એટલી કદર આ અજાણ્યા લોકોએ કરી છે. હું ધારું તો આખી જંિદગી અહીં સુખવૈભવમાં ગાળી શકું એમ છું, પણ ભારતને તેના બધા દોષો સહિત હું ચાહું છું. એટલે થોડા મહિનામાં હું પાછો આવી રહ્યો છું.’

સ્વામી અમેરિકા હતા ત્યારે દીવાન હરિદાસ પત્રો સિવાય પણ પોતાની લાગણી વ્યક્ત કરતા હતા. એક વાર તે સ્વામીની ગેરહાજરીમાં તેમનાં માતા અને ભાઇઓના ખબરઅંતર પૂછી આવ્યા હતા. એ સમાચાર જાણીને સ્વામીએ દીવાનને લખ્યું હતું કે  ‘હું નિષ્ઠુર માણસ નથી. દુનિયામાં હું જો કોઇ એક વ્યક્તિને ચાહતો હોઉં તે એ મારી મા છે.’(૨૯-૧-૧૮૯૪) પણ સન્યાસ લીધા પછી તે સાંસારિક બંધનોથી અલિપ્ત રહેવા ઇચ્છતા હતા. સપ્ટેમ્બર, ૧૮૯૩ (કે ૧૮૯૪)ના એક ટૂંકા પત્રમાં તેમણે દીવાન હરિદાસને લખ્યું હતું,‘તમારી  ભલમનસાઇ છે કે તમે (અમેરિકામાં) કોઇને મારાં ખબરઅંતર અને સગવડસુવિધા પૂછવા મોકલ્યા. એ તમારા પિતૃવત્‌ ચરિત્રનો આબાદ નમૂનો છે...’

દીવાન હરિદાસનું ૧૮૯૫માં અવસાન થયા પછી, માર્ચ ૨, ૧૮૯૬ના રોજ સ્વામી વિવેકાનંદે હરિદાસના ભત્રીજા ગિરીધારીદાસ મંગળદાસને ન્યૂયોર્કથી ટૂંકો શોકસંદેશો મોકલ્યો. તેમણે લખ્યું હતું, ‘તમારા કાકા મહાન આત્મા હતા. તેમનું આખું જીવન દેશનું ભલું કરવામાં સમર્પીત હતું. તમે પણ એમના રસ્તે અનુસરશો એવી આશા રાખું છું. આ શિયાળામાં હું ભારત પાછો આવી રહ્યો છું અને હરિભાઇને હું ફરી વાર નહીં મળી શકું એ બાબતનું દુઃખ (શબ્દોમાં) વ્યક્ત કરી શકું એમ નથી. એ મજબૂત અને ઉમદા મિત્ર હતા. તેમના અવસાનથી ભારતે ઘણું ગુમાવ્યું છે.’

‘તમારા કુટુંબનો હંમેશનો શુભચિંતક- વિવેકાનંદ’થી પૂરો થતો એ પત્ર સ્વામી-દીવાનના પાંચ વર્ષના સંબંધનો આખરી દસ્તાવેજ હતો. ત્યાર પછી સમયની સાથે એ સંબંધ એવો વિસરાઇ ગયો કે ગુજરાતમાં સ્વામીની દોઢસોમી જયંતિ ઉજવાતી હોય, તો પણ એ યાદ ન આવે.

Monday, September 24, 2012

સ્વામી વિવેકાનંદે નડિયાદના હરિભાઇ દેસાઇને લખ્યું હતું ‘તમારાં પિતૃવત્સલ કાળજી અને કૃપા ભૂલવાનું મારા માટે અશક્ય છે’

 Swami Vivekanand posing for studio photographers:
(l) London, 1886,(c&r) San Fransisco, 1900
ભારતમાં મહાનુભાવોનું મૃત્યુ પછી સન્માન થાય કે ન થાય, અપહરણ ચોક્કસ થાય છે. જેમ કે, સ્વામી વિવેકાનંદ. તેમનું અગાઉ વિશ્વ  હિંદુ પરિષદે અને આજકાલ ગુજરાતના મુખ્ય મંત્રીએ કરેલું અપહરણ જોઇને સ્વામીજી વિશે સહાનુભૂતિ જાગે. ભારતમાં પોતાના નામે- પોતાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટથી માંડીને ચૂંટણીપ્રચાર સુધીના તાયફા થશે એ સ્વામીજીએ જાણ્યું હોત તો? સાચા હિંદુ ધર્મના પ્રચાર માટે તેમણે કદાચ અમેરિકામાં જ રહી જવાનું વિચાર્યું હોત.

સ્વામી વિવેકાનંદના ફક્ત ૩૯ વર્ષના ટૂંકા આયુષ્યનો ઉલ્લેખ એક ગુજરાતીના ઉલ્લેખ વિના અઘૂરો ગણાય. આટલું વાંચીને ઘણાખરા લોકોના મનમાં નડિયાદી સાક્ષર મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું નામ આવશે. કારણ કે પ્રચલિત દંતકથા મુજબ, શિકાગોની વિશ્વ ધર્મપરિષદ (૧૮૯૩)માં જતાં પહેલાં સ્વામી વિવેકાનંદ મણિલાલને મળવા-તેમનું માર્ગદર્શન લેવા માટે નડિયાદ આવ્યા હતા. બીજી દંતકથા પ્રમાણે, ધર્મપરિષદમાં મણિલાલે મોકલેલું પ્રવચન સાંભળીને સ્વામી વિવેકાનંદ  એટલા પ્રભાવિત થયા હતા કે પાછા આવ્યા પછી તે નડિયાદ ખાસ મણિલાલ દ્વિવેદીને મળવા આવ્યા.

આ બન્ને કથાઓ દાયકાઓથી ચાલી આવે છે અને તે માનવી ગમે એવી છે, પણ સદંતર ખોટી છે. સ્વામી વિવેકાનંદ મણિલાલને મળ્યા હતા અને તેમના માટે સદ્‌ભાવ હતો એ સાચું, પણ તેમને ગાઢ સ્નેહ અને અનન્ય આદર નડિયાદના જ બીજા અગ્રણી હરિદાસ વિહારીદાસ દેસાઇ માટે હતો. તે જૂનાગઢના દીવાન હતા. નવેમ્બર-ડિસેમ્બર, ૧૮૯૧માં ગુજરાતની મુલાકાત વખતે ડિસેમ્બરમાં સ્વામી જૂનાગઢ પહોંચ્યા, ત્યારે દીવાન હરિદાસ સાથે તેમની પહેલી મુલાકાત થઇ. સ્વામી એ વખતે ૨૮ વર્ષના અને દીવાન ૫૧ વર્ષના હતા. આ પરિચય પછીનાં ચાર વર્ષ (દીવાન હરિદાસના મૃત્યુ સુધી) બન્ને વચ્ચે સતત પત્રસંપર્ક રહ્યો.

પત્રોમાં હરિદાસને ‘ડીયર દીવાનજી સાહેબ’ જેવું સંબોધન  કરતા સ્વામી વગદાર છતાં સંસ્કારી એવા દીવાનની મોંફાટ પ્રશંસા કરતા. ધર્મપરિષદમાં જતાં પહેલાં દીવાનને લખાયેલા પત્રોમાં સ્વામીનો સતત ઉપકૃત હોવાનો ભાવ ઠલવાતો જોવા મળે છે. અમેરિકાથી લખેલા પત્રોમાં એ ભાવની સાથોસાથ અમેરિકામાં મળેલી સફળતાનો રણકો પણ છૂપો રહેતો નથી.

એપ્રિલ, ૧૮૯૨માં નડિયાદ-વડોદરાની મુલાકાત દરમિયાન વડોદરાથી દીવાન હરિદાસ પરના પત્રમાં સ્વામીએ લખ્યું હતું,‘તમારા મિત્ર  મિસ્ટર મણિભાઇ (વડોદરાના દીવાન મણિભાઇ જસભાઇ)એ મને બધી સગવડ કરી આપી છે, પણ હજુ અમે બે જ વાર મળ્યા છીએ. એક વાર એક મિનીટ પૂરતા અને બીજી વખત દસ મિનીટ માટે. એ વખતે અમે અહીંની (વડોદરાની) શિક્ષણપદ્ધતિ વિશે જ વાત કરી હતી. હા, મેં અહીંની લાયબ્રેરી અને (રાજા) રવિવર્માનાં બનાવેલાં ચિત્રો જોઇ લીધાં છે...’
Manilal Nabhubhai (portrait by
 Ravishankar Raval)

એપ્રિલ ૨૬, ૧૮૯૨ની તારીખ ધરાવતા આ પત્રમાં તાજા કલમ તરીકે સ્વામીએ લખ્યું,‘નડિયાદમાં હું મિસ્ટર મણિલાલ નભુભાઇને મળ્યો. એ બહુ વિદ્વાન અને પવિત્ર (લર્નેડ એન્ડ પાયસ) સજ્જન છે. તેમની સોબતમાં બહુ આનંદ આવ્યો.’ નોંધપાત્ર છે કે એ વખતે વિદ્વાન એવા મણિલાલની ઉંમર પણ ફક્ત ૩૪ વર્ષની હતી. એ જ વર્ષે જૂનમાં દીવાન હરિદાસ પર લખાયેલા પત્રમાં સ્વામીએ (અંગ્રેજી પરંપરા પ્રમાણે) ‘મિસ્ટર નભુભાઇ’ને શુભેચ્છા પાઠવવા જણાવ્યું છે. શિકાગોની વિશ્વ ધર્મપરિષદ પછી અમેરિકાથી દીવાન હરિદાસ પરના એક પત્રમાં સ્વામીએ મણિલાલ દ્વિવેદીનો ઉલ્લેખ કર્યો છે. એક જ લીટીમાં તેમણે લખ્યું છે કે ‘ધર્મપરિષદમાં વાંચવા માટે મિસ્ટર દ્વિવેદીના લેખ બહુ લાંબા હતા એટલે તેમને ટૂંકાવવા પડ્યા.’ આમ, મણિલાલ અને સ્વામી વિવેકાનંદ વિશેની બન્ને દંતકથાઓનો છેદ સ્વામીના પત્રોમાંથી જ ઉડી જાય છે.

દીવાન હરિદાસ સાથેના પરિચય પછી સ્વામીના શરૂઆતના પત્રોમાં એવો ભાવ પણ સતત જોવા મળે છે કે ‘બહુ વખતથી તમારા તરફથી ખબરઅંતર નથી. આશા રાખું કે તમને મારાથી કોઇ વાતે માઠું નહીં લાગ્યું હોય.’ એક વાર સંદેશાની લેવડદેવડમાં ગોટાળાને કારણે સ્વામી કહ્યા પછી પણ નડિયાદ દીવાન હરિદાસના ઘરે જઇ શક્યા નહીં, ત્યારે દીવાનને માઠું લાગ્યું હશે. એમ થવા માટેનાં કારણો અને પોતાની દિલગીરી સ્વામીએ એક પત્રમાં વિગતવાર વ્યક્ત કરી. તેમણે લખ્યું,‘તમારો પત્ર મળ્યાથી એક સાથે આનંદ અને દુઃખની લાગણી થઇ. આનંદ એટલા માટે કે હું નસીબદાર છું કે તમારા જેવો દિલદાર, સત્તાવાન અને હોદ્દો ધરાવતો માણસ (એ મેન ઓફ યોર હાર્ટ, પાવર એન્ડ પોઝિશન) મને ચાહે છે, અને દુઃખ એ વાતનું કે મારા ઇરાદાનું સદંતર ખોટું અર્થઘટન થયું છે. બિલીવ મી, તમારા માટે મારા મનમાં પિતાતુલ્ય પ્રેમ અને આદર છે. તમારા પરિવાર અને તમારા માટેની મારી કૃતજ્ઞતા અસીમ છે. હકીકત આ પ્રમાણે છે.’ એમ કહીને તેમણે સ્થિતિની સ્પષ્ટતા કરી.
Diwan Haridas Viharidas Desai (extreme left) with Nawab of Junagadh
પત્રમાં આગળ તેમણે લખ્યું,‘માય ડીયર દીવાનજી સાહેબ,  (હજુ) હું એ જ આનંદી, તોફાની પણ નિર્દોષ યુવાન છું જે તમને જુનાગઢમાં મળ્યો હતો. તમારા ઉમદા વ્યક્તિત્વ માટેનો મારો પ્રેમ સો ગણો વધી ગયો છે. કારણ કે હું દખ્ખણના લગભગ બધાં રાજ્યોના દીવાનો સાથે તમારી મનોમન સરખામણી કરું છું અને ભગવાન સાક્ષી છે, દખ્ખણના દરેક દરબારમાં તમારાં વખાણ કરતાં મારી જીભ સડસડાટ ચાલે છે (તમારા ઉમદા ગુણ વર્ણવવા માટે મારી શક્તિ પૂરતી નથી એ હું જાણું છું છતાં). આટલો ખુલાસો પૂરતો ન હોય તો હું તમને વિનંતી કરું છું કે એક પિતા તેના પુત્રને માફ કરે એ રીતે મને માફ કરશો, જેથી ‘મારી સાથે સારો વ્યવહાર કર્યો હતો તેની સાથે હું કૃતઘ્નતાથી વર્ત્યો’  એવા ખ્યાલ મને સતાવે નહીં.

ત્યાર પહેલાંના વર્ષે દીવાનની ગેરહાજરીમાં નડિયાદના તેમના ઘરે જઇ આવેલા સ્વામી પત્રોમાં હરિદાસના ભાઇઓને પણ અચૂક યાદ કરતા હતા. પહેલા પત્રમાં તો તેમણે લખ્યું હતું, ‘મારી યાત્રા દરમિયાન તમારા કુટુંબ જેવું કોઇ કુટુંબ મેં જોયું નથી.’ (૨૬-૪-૧૮૯૨) એ જ વર્ષે મુંબઇથી સ્વામીએ દીવાનને લખ્યું,‘તમારાં પિતૃવત્સલ કાળજી અને કૃપા ભૂલવાનું મારા માટે અશક્ય છે. મારા જેવો ગરીબ ફકીર તમારા જેવા સમર્થ સત્તાધીશ (‘માઇટી મિનિસ્ટર’)ને બદલામાં શું આપી શકે?  તમામ સોગાદો આપનાર (ઇશ્વર)ને મારી પ્રાર્થના કે આ પૃથ્વી પર તમારી તમામ ઇચ્છાઓ પૂરી કરે અને અંતે - એ દિવસને ઇશ્વર હજુ ઘણો ઘણો દૂર રાખે- તમને પોતાના દિવ્ય શાતાદાયી-સુખદાયી આશરે સમાવી લે.’ એ વર્ષે સ્વામીએ પોતાના એક મિત્ર અક્ષયકુમાર ઘોષને ભલામણપત્ર આપીને દીવાન હરિદાસ પાસે મોકલ્યો અને તેને નોકરી આપવા ‘ડીયર દીવાનજી સાહેબ’ને વિનંતી કરી હતી.

એપ્રિલ, ૧૮૯૩માં ખેતડી (રાજસ્થાન) જતાં પહેલાં સ્વામીએ દીવાન હરિદાસને લખ્યું,‘અત્યાર સુધીમાં મેં ઘણા દખ્ખણી રાજાઓ સાથે પરિચય કેળવ્યો છે અને ઘણી જગ્યાએ ચિત્રવિચિત્ર બાબતો જોઇ છે. એની વિગતવાર વાત આપણે રૂબરૂ મળીએ ત્યારે કરીશ.’ પોતે નડિયાદ ઉતરવા ઇચ્છતા હોવા છતાં, ઉતરી શક્યા નહીં એ માટેનું સૌથી મોટું કારણ આપતાં સ્વામીએ  દીવાનને લખ્યું હતું કે, ‘તમે ત્યાં ન હતા.  હેમ્લેટ નાટકમાંથી હેમ્લેટનું પાત્ર જ કાઢી નાખીને ભજવવાનું હાસ્યાસ્પદ  બની જાય...થોડા વખતમાં હું મુંબઇ પાછો જવાનો જ છું, એટલે મને થયું કે આ વખતે (નડિયાદ ઉતરવાનું) મુલતવી રાખું.’ (૨૮-૪-૧૮૯૩)

આ જ પત્રમાં સ્વામીએ દીવાન સમક્ષ એક વિશિષ્ટ વિનંતી મૂકી,‘જૂનાગઢમાં અત્યારે સિંહનાં બચ્ચાં છે? એમાંથી એક તમે મારા રાજાને આપી શકો? બદલામાં એ તમને રાજપુતાના (રાજસ્થાન)નાં થોડાં પ્રાણીઓ આપી શકે એમ છે.’ આ માગણી સ્વામીએ જેમના માટે કરી એ ખેતડીના રાજા સ્વામીના ભક્ત અને ગાઢ સ્નેહી હતા.

શિકાગોની વિશ્વ ધર્મપરિષદમાં પહોંચ્યા પછી સ્વામી વિવેકાનંદના જીવનનો નવો તબક્કો શરૂ થયો. તેમની આ પહેલી વિદેશયાત્રા હતી. ત્યાંના ભારતીયોના અને અમેરિકનોના તેમને કેવા  અનુભવ થયા? અને દીવાન હરિદાસ પરના પત્રોમાં તેમણે કેવો હૃદયનો ઉભરો ઠાલવ્યો?  તેની વાત આવતા સપ્તાહે.