Showing posts with label petroleum. Show all posts
Showing posts with label petroleum. Show all posts
Sunday, October 07, 2012
બટરફ્લાય ઇફેક્ટઃ આડા (આડકતરા) સંબંધોનું અવળચંડું ગણિત
મેદાનમાં ઉડતું પતંગિયું પાંખો ફફડાવે, તેની સેંકડો કિલોમીટર દૂર આવેલા બીજા પ્રદેશના વાતાવરણ પર કશી અસર પડે? સામાન્ય બુદ્ધિ પ્રમાણે તેનો જવાબ હોયઃ અશક્ય. પરંતુ ‘બટરફ્લાય ઇફેક્ટ’/Butterfly Effect તરીકે ઓળખાતી થિયરીનો સાર કંઇક એવો જ છેઃ એક પરિબળમાં થતો મામૂલી ફેરફાર, તેની સાથે સીધી રીતે સંકળાયેલા ન હોય એવા બીજા પરિબળ પર મોટા પાયે અસર પાડી શકે છે. ‘બટરફ્લાય ઇફેક્ટ’ની થિયરી હવામાનશાસ્ત્રમાં વપરાય છે, પરંતુ દેખીતી રીતે ન સંકળાયેલી બે ચીજો વચ્ચેનો ગાઢ સંબંધ કેટલીક આઘુનિક શોધોના મામલે ‘બટરફ્લાય ઇફેક્ટ’ની યાદ અપાવે છે.
થોડા વખત પહેલાં ડીઝલના ભાવ વઘ્યા, ત્યારે રાબેતા મુજબ કકળાટ થયો. પરંતુ આ વખતે તેમાં એક વધારાનો મુદ્દો ઉમેરાયો. કેટલાંક અખબારોએ લખ્યું: ડીઝલના ભાવવધારાથી તમારા મોબાઇલના માસિક બિલમાં વધારો થઇ શકે છે.
ચીજવસ્તુઓના પરિવહન માટે વપરાતી ટ્રકો ડીઝલ વડે ચાલે છે એ સૌ જાણે છે. એ કારણથી ડીઝલના ભાવ વધતાં બાકીની ઘણી ચીજો મોંઘી થાય, એ સમજાય. પણ મોબાઇલના બિલને ડીઝલના ભાવ સાથે શી લેવાદેવા? અમુક વર્ગને બાદ કરતાં, બાકીના ઘણા માટે આ ‘બટરફ્લાય ઇફેક્ટ’ જેવો જ મામલો હતો. મોબાઇલ સેવા વિશે વિચારતી વખતે મનમાં દૂર દૂર સુધી ક્યાંય ડીઝલના ઘુમાડા દેખાતા નથી. કારણ કે, તે ઘણુંખરું આપણી નજર સામે થતા નથી. એટલે જ, ડીઝલ પરની સરકારી સબસીડીની વાત કરતી વખતે, વૈભવી ડીઝલકાર (યોગ્ય રીતે જ) ખટકો પેદા કરે છે, પણ મોબાઇલનાં ટાવર યાદ આવતાં નથી.
ભારતમાં મોબાઇલ-ક્રાંતિની સાથે તેનાં ટાવરની સંખ્યા ૩ લાખને આંબી ગઇ છે. તેમાંથી ૬૦ ટકા ટાવર, ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ/TRAI)ના અંદાજ પ્રમાણે, ડીઝલ સંચાલિત છે. કારણ કે એ ટાવર એવી જગ્યાએ આવેલાં છે, જ્યાં વીજળીનો પુરવઠો અનિયમિત હોય છે અથવા વીજળીની લાઇન પહોંચેલી નથી. વર્ષ ૨૦૧૦માં મોબાઇલ ટાવરો આશરે ૨ અબજ લીટર ડીઝલ ‘પી ગયાં’ અને ૫૩ લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ પેદા કર્યો. આ વર્ષના જૂન મહિનામાં ટેલીકોમ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (‘ટેમા’/TEMA) એ વડાપ્રધાનને એક પત્રમાં લખ્યું હતું કે મોબાઇલ ટાવર બઘું મળીને વર્ષે રૂ.૪,૩૦૦ કરોડની ડીઝલ સબસીડી જમી જાય છે. બીજા શબ્દોમાં, સરકાર ખોટ ખાઇને ડીઝલનો ભાવ ઓછો રાખે છે,તેને કારણે મોબાઇલ કંપનીઓને વર્ષે રૂ.૪,૩૦૦ કરોડનો ફાયદો થાય છે.
ખેતી અને પરિવહન માટે અપાતી ડીઝલ સબસીડીનો લાભ મોબાઇલ ટાવર લે તે બરાબર નથી, એમ કહીને ‘ટેમા’એ દરેક મોબાઇલ ટાવર દીઠ રૂ.૧૦ લાખનો કર વસૂલ કરી લેવો જોઇએ, એવું પણ સૂચન કર્યું. અલબત્ત, એક વાર રૂ.૧૦ લાખ ખંખેરી લીધા પછી સબસીડીના દુરુપયોગનો પ્રશ્ન હળવો બને, પણ પ્રદૂષણની સમસ્યા ઊભી રહે છે. તેના માટે સૌરશક્તિ સંચાલિત મોબાઇલ ટાવર સહિતના વિકલ્પ ધીમે ધીમે ઉભરી રહ્યા છે. એ દિશામાં ઝડપી પ્રગતિ નહીં થાય તો મોબાઇલ સેવા દ્વારા થતા પ્રદૂષણમાં હજુ અનેક ગણો વધારો થશે. કારણ કે આગામી પાંચ વર્ષમાં ભારતમાં આઠેક લાખ મોબાઇલ ટાવર ઊભાં થવાનો ‘ટેમા’નો અંદાજ છે.
નિર્ઘૂમ જણાતા મોબાઇલ ફોન અઢળક ડીઝલનો ઘુમાડો કરે છે, એવો જ કંઇક મામલો વર્ચ્યુઅલ (હવાઇ) ગણાતી ઇન્ટરનેટ સર્વિસનો છે. ગૂગલના સર્ચ બોક્સમાં એક શબ્દ લખીએ ને ઘડીભરમાં હજારો-લાખો સર્ચ રિઝલ્ટ્સની લાઇન થઇ જાય, ત્યારે આખી પ્રક્રિયા કેટલી નિર્દોષ અને આનંદદાયક લાગે છે? ફેસબુક પર ધડાધડ ફોટા કે સ્ટેટસ અપલોડ કરતી વખતે અને હજારોની સંખ્યામાં ‘ફ્રેન્ડ્સ’ બનાવતી વખતે એ કેટલું સસ્તું લાગે છે? જાણે ઘરના (કે ઓફિસના) કમ્પ્યુટર-ઇન્ટરનેટ સિવાય ક્યાંય વીજળી વપરાતી નથી. ઇન્ટરનેટ પરનો અઢળક અને માપ્યો મપાય નહીં એટલો ડેટા આખરે રહે છે ક્યાં? ‘વર્ચ્યુઅલ સ્પેસ’ તો એક પારિભાષિક શબ્દ છે, પણ આ ડેટા શું હવામાં તરે છે કે આપણે બે-ચાર કી દબાવીએ એ સાથે જ તેનો ખડકલો થઇ જાય?
‘વર્ચ્યુઅલ સ્પેસ’ એ મોબાઇલના સ્પેક્ટ્રમ જેવી કોઇ હવાઇ કે કુદરતી ચીજ નથી. આઇ.ટી.ક્ષેત્ર સાથે સાથે સંકળાયેલા લોકો જાણે છે તેમ, દરેક વેબસાઇટનો ડેટા સર્વરમાં સંઘરાયેલો હોય છે. ડેસ્કટોપ કમ્પ્યુટરના સીપીયુની મોટી આવૃત્તિ જેવાં સર્વર વાસ્તવિક જગ્યા રોકે છે અને વીજળી પણ ખાય છે. અલબત્ત, ઇન્ટરનેટ વાપરનારા મોટા ભાગના લોકો આ હકીકતથી અથવા તેની ગંભીરતાથી અજાણ હોય છે. પરંતુ પ્રતિષ્ઠિત અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’માં આ મહિને પ્રગટ થયેલા વિસ્તૃત અહેવાલોએ ઇન્ટરનેટ દ્વારા થતા વીજળીના અધધ ઉપયોગનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં લાવી મૂક્યો છે.
ફેસબુક, ગુગલ, ટ્વીટર, યાહુ, એમેઝોન જેવી વેબસાઇટોને પોતાની સર્વિસની ત્વરિતતા, ઝડપ અને સતત થતી ડેટાની આપ-લેને પહોંચી વળવા માટે મસમોટાં ડેટા સેન્ટર નિભાવવાં પડે છે. તેમાં સર્વરની સંખ્યા એટલી મોટી હોય છે કે તેમના માટે ‘સર્વર રૂમ’ નહીં, પણ ‘સર્વર ફાર્મ’ જેવો શબ્દપ્રયોગ વપરાય છે.
અમેરિકાનાં ૭૦ ડેટા સેન્ટરમાં ૨૦ હજાર સર્વરના એક વર્ષના અભ્યાસને અંતે ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’/ New york Timesમાં પ્રગટ થયેલા અહેવાલથી ખળભળાટ મચ્યો છે. આઇટી ક્ષેત્રમાં ઊર્જાનો વેડફાટ થતો નથી અને તેનાથી પર્યાવરણને કશું નુકસાન થતું નથી, એવી પ્રચલિત છબીનું અહેવાલમાં સદંતર શીર્ષાસન થઇ જાય છે. તમામ ડેટાસેન્ટર ચોવીસે કલાક, જરૂરી હોય કે ન હોય, પણ ગમે ત્યારે જરૂર ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે, પૂરેપૂરી ક્ષમતા પર ચાલતાં હોય છે. પરંતુ ચોવીસે કલાક તેમની બધી ક્ષમતા વપરાતી નથી. બલ્કે, મોટા ભાગની ક્ષમતા ખાલી પડી રહે છે. પરિણામ એ આવે છે કે, ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે, ડેટા સેન્ટરમાં વપરાતી વીજળીમાંથી ૯૦ ટકાનો સદંતર બગાડ થાય છે. કારણ કે તેના થકી ‘એટેન્શન’ની સ્થિતિમાં રહેતાં સર્વર ખરેખર વપરાતાં જ નથી.
આટલો બગાડ ઓછો હોય તેમ, વીજળીનો પુરવઠો ખોરવાય તેને પહોંચી વળવા જનરેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. (‘એક ટિકીટ ખોવાઇ જાય તો બીજી. ને એ પણ ખોવાઇ જાય તો પાસ કઢાવેલો જ છે’ એવી રમૂજ યાદ આવે છે?) ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અંદાજ પ્રમાણે, વિશ્વભરનાં ડેટા સેન્ટર વર્ષે ૩૦ અબજ વોટ વીજળી વાપરે છે, જે અણુશક્તિથી ચાલતાં ૩૦ વીજમથકોના કુલ ઉત્પાદન જેટલો આંકડો થયો. તેમાં ૨૫ થી ૩૩ ટકા જેટલો હિસ્સો ફક્ત અમેરિકાનાં ડેટા સેન્ટરમાં વપરાય છે. સર્વરોની હારમાળા ધરાવતું એક જ ડેટા સેન્ટર મઘ્યમ કદના એક શહેરને પૂરી પડે એટલી વીજળી ખાઇ જાય છે, એ હકીકત સામાન્ય લોકોને જ નહીં, આઇ.ટી. ક્ષેત્રના લોકોને પણ બે ઘડી વિચારતા કરી મૂકે એવી છે.
કેટલાક અભ્યાસીઓ ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા પ્રકાશમાં લવાયેલી વિગતોને આઇ.ટી. ઇન્ડસ્ટ્રીનું ‘ડર્ટી સિક્રેટ’ (વરવું રહસ્ય) ગણાવે છે, તો કેટલાકે ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અહેવાલ પર અતિશયોક્તિનો અને પ્રમાણભાન ચૂકવાનો આરોપ મૂક્યો છે. ડેટા સેન્ટરમાં થતો વીજળીનો વપરાશ- અને બગાડ સુદ્ધાં- તેની સામે મળતી સુવિધાની સામે વસૂલ છે, એવી દલીલ પણ થઇ છે. આ ચર્ચા હજુ લાંબી ચાલશે. કારણ કે તેનો ટૂંકમાં નીવેડો આવે એમ નથી.
ઇન્ટરનેટને ‘બટરફ્લાય ઇફેક્ટ’ સાથે નાળસંબંધ છે, એમ કહેવામાં પણ ખોટું નથી. તેનો જન્મ આખી દુનિયાને જોડવા કે માહિતીના મુક્ત આદાનપ્રદાન માટે બિલકુલ થયો ન હતો. બે મહાસત્તા (એટલે કે અણુસત્તા) રશિયા-અમેરિકા વચ્ચે અણુયુદ્ધનાં વાદળ ઘેરાતાં હતાં, ત્યારે અમેરિકાના સંરક્ષણ વિભાગને થયું કે મિસાઇલ-અણુબોમ્બ જેવી સામગ્રીનું સમગ્ર સંચાલન પેન્ટાગોનનાં કમ્પ્યુટર કરે છે. તેની પર અણુબોમ્બ ઝીંકાય તો? અમેરિકાની સંરક્ષણ વ્યવસ્થા ખોરવાઇ ન જાય એ માટે જુદાં જુદાં ભૌગોલિક સ્થળોએ આવેલાં કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલાં હોવાં જોઇએ. એવું હોય તો અણુહુમલા પછી પણ અમેરિકાની કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સીસ્ટમને કશો વાંધો ન આવે. આ ખ્યાલ મનમાં રાખીને અમેરિકાના સંરક્ષણ વિભાગની ‘એડવાન્સ રીસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી’ (‘આર્પા’/ARPA)એ ‘આર્પાનેટ’/ARPANETની રચના કરી. પહેલાં ચાર યુનિવર્સિટીનાં કમ્પ્યુટરને ફોન લાઇનથી જોડવામાં આવ્યાં. તેમની વચ્ચે ડેટાની આપ-લેના સફળ પ્રયોગ પછી સમય જતાં લશ્કરી ‘આર્પાનેટ’ જનસામાન્યના ઉપયોગમાં આવતું ‘ઇન્ટરનેટ’ બન્યું.
કાર્યકારણનો- કૉઝ એન્ડ ઇફેક્ટનો- સંબંધ હંમેશાં લાગે એટલો સીધો કે સાદો હોતો નથી. હવે પછી પતંગિયું ક્યાં પાંખ ફફડાવશે અને ક્યાંનું હવામાન બદલાશે, એ રહસ્ય જ રહે છે.
થોડા વખત પહેલાં ડીઝલના ભાવ વઘ્યા, ત્યારે રાબેતા મુજબ કકળાટ થયો. પરંતુ આ વખતે તેમાં એક વધારાનો મુદ્દો ઉમેરાયો. કેટલાંક અખબારોએ લખ્યું: ડીઝલના ભાવવધારાથી તમારા મોબાઇલના માસિક બિલમાં વધારો થઇ શકે છે.
ચીજવસ્તુઓના પરિવહન માટે વપરાતી ટ્રકો ડીઝલ વડે ચાલે છે એ સૌ જાણે છે. એ કારણથી ડીઝલના ભાવ વધતાં બાકીની ઘણી ચીજો મોંઘી થાય, એ સમજાય. પણ મોબાઇલના બિલને ડીઝલના ભાવ સાથે શી લેવાદેવા? અમુક વર્ગને બાદ કરતાં, બાકીના ઘણા માટે આ ‘બટરફ્લાય ઇફેક્ટ’ જેવો જ મામલો હતો. મોબાઇલ સેવા વિશે વિચારતી વખતે મનમાં દૂર દૂર સુધી ક્યાંય ડીઝલના ઘુમાડા દેખાતા નથી. કારણ કે, તે ઘણુંખરું આપણી નજર સામે થતા નથી. એટલે જ, ડીઝલ પરની સરકારી સબસીડીની વાત કરતી વખતે, વૈભવી ડીઝલકાર (યોગ્ય રીતે જ) ખટકો પેદા કરે છે, પણ મોબાઇલનાં ટાવર યાદ આવતાં નથી.
ભારતમાં મોબાઇલ-ક્રાંતિની સાથે તેનાં ટાવરની સંખ્યા ૩ લાખને આંબી ગઇ છે. તેમાંથી ૬૦ ટકા ટાવર, ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ/TRAI)ના અંદાજ પ્રમાણે, ડીઝલ સંચાલિત છે. કારણ કે એ ટાવર એવી જગ્યાએ આવેલાં છે, જ્યાં વીજળીનો પુરવઠો અનિયમિત હોય છે અથવા વીજળીની લાઇન પહોંચેલી નથી. વર્ષ ૨૦૧૦માં મોબાઇલ ટાવરો આશરે ૨ અબજ લીટર ડીઝલ ‘પી ગયાં’ અને ૫૩ લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ પેદા કર્યો. આ વર્ષના જૂન મહિનામાં ટેલીકોમ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (‘ટેમા’/TEMA) એ વડાપ્રધાનને એક પત્રમાં લખ્યું હતું કે મોબાઇલ ટાવર બઘું મળીને વર્ષે રૂ.૪,૩૦૦ કરોડની ડીઝલ સબસીડી જમી જાય છે. બીજા શબ્દોમાં, સરકાર ખોટ ખાઇને ડીઝલનો ભાવ ઓછો રાખે છે,તેને કારણે મોબાઇલ કંપનીઓને વર્ષે રૂ.૪,૩૦૦ કરોડનો ફાયદો થાય છે.
ખેતી અને પરિવહન માટે અપાતી ડીઝલ સબસીડીનો લાભ મોબાઇલ ટાવર લે તે બરાબર નથી, એમ કહીને ‘ટેમા’એ દરેક મોબાઇલ ટાવર દીઠ રૂ.૧૦ લાખનો કર વસૂલ કરી લેવો જોઇએ, એવું પણ સૂચન કર્યું. અલબત્ત, એક વાર રૂ.૧૦ લાખ ખંખેરી લીધા પછી સબસીડીના દુરુપયોગનો પ્રશ્ન હળવો બને, પણ પ્રદૂષણની સમસ્યા ઊભી રહે છે. તેના માટે સૌરશક્તિ સંચાલિત મોબાઇલ ટાવર સહિતના વિકલ્પ ધીમે ધીમે ઉભરી રહ્યા છે. એ દિશામાં ઝડપી પ્રગતિ નહીં થાય તો મોબાઇલ સેવા દ્વારા થતા પ્રદૂષણમાં હજુ અનેક ગણો વધારો થશે. કારણ કે આગામી પાંચ વર્ષમાં ભારતમાં આઠેક લાખ મોબાઇલ ટાવર ઊભાં થવાનો ‘ટેમા’નો અંદાજ છે.
નિર્ઘૂમ જણાતા મોબાઇલ ફોન અઢળક ડીઝલનો ઘુમાડો કરે છે, એવો જ કંઇક મામલો વર્ચ્યુઅલ (હવાઇ) ગણાતી ઇન્ટરનેટ સર્વિસનો છે. ગૂગલના સર્ચ બોક્સમાં એક શબ્દ લખીએ ને ઘડીભરમાં હજારો-લાખો સર્ચ રિઝલ્ટ્સની લાઇન થઇ જાય, ત્યારે આખી પ્રક્રિયા કેટલી નિર્દોષ અને આનંદદાયક લાગે છે? ફેસબુક પર ધડાધડ ફોટા કે સ્ટેટસ અપલોડ કરતી વખતે અને હજારોની સંખ્યામાં ‘ફ્રેન્ડ્સ’ બનાવતી વખતે એ કેટલું સસ્તું લાગે છે? જાણે ઘરના (કે ઓફિસના) કમ્પ્યુટર-ઇન્ટરનેટ સિવાય ક્યાંય વીજળી વપરાતી નથી. ઇન્ટરનેટ પરનો અઢળક અને માપ્યો મપાય નહીં એટલો ડેટા આખરે રહે છે ક્યાં? ‘વર્ચ્યુઅલ સ્પેસ’ તો એક પારિભાષિક શબ્દ છે, પણ આ ડેટા શું હવામાં તરે છે કે આપણે બે-ચાર કી દબાવીએ એ સાથે જ તેનો ખડકલો થઇ જાય?
‘વર્ચ્યુઅલ સ્પેસ’ એ મોબાઇલના સ્પેક્ટ્રમ જેવી કોઇ હવાઇ કે કુદરતી ચીજ નથી. આઇ.ટી.ક્ષેત્ર સાથે સાથે સંકળાયેલા લોકો જાણે છે તેમ, દરેક વેબસાઇટનો ડેટા સર્વરમાં સંઘરાયેલો હોય છે. ડેસ્કટોપ કમ્પ્યુટરના સીપીયુની મોટી આવૃત્તિ જેવાં સર્વર વાસ્તવિક જગ્યા રોકે છે અને વીજળી પણ ખાય છે. અલબત્ત, ઇન્ટરનેટ વાપરનારા મોટા ભાગના લોકો આ હકીકતથી અથવા તેની ગંભીરતાથી અજાણ હોય છે. પરંતુ પ્રતિષ્ઠિત અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’માં આ મહિને પ્રગટ થયેલા વિસ્તૃત અહેવાલોએ ઇન્ટરનેટ દ્વારા થતા વીજળીના અધધ ઉપયોગનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં લાવી મૂક્યો છે.
ફેસબુક, ગુગલ, ટ્વીટર, યાહુ, એમેઝોન જેવી વેબસાઇટોને પોતાની સર્વિસની ત્વરિતતા, ઝડપ અને સતત થતી ડેટાની આપ-લેને પહોંચી વળવા માટે મસમોટાં ડેટા સેન્ટર નિભાવવાં પડે છે. તેમાં સર્વરની સંખ્યા એટલી મોટી હોય છે કે તેમના માટે ‘સર્વર રૂમ’ નહીં, પણ ‘સર્વર ફાર્મ’ જેવો શબ્દપ્રયોગ વપરાય છે.
![]() |
| Facebook/ ફેસબુકનું એક ડેટા સેન્ટરઃ બહારથી... |
![]() |
| ...અને અંદરથી |
કેટલાક અભ્યાસીઓ ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા પ્રકાશમાં લવાયેલી વિગતોને આઇ.ટી. ઇન્ડસ્ટ્રીનું ‘ડર્ટી સિક્રેટ’ (વરવું રહસ્ય) ગણાવે છે, તો કેટલાકે ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અહેવાલ પર અતિશયોક્તિનો અને પ્રમાણભાન ચૂકવાનો આરોપ મૂક્યો છે. ડેટા સેન્ટરમાં થતો વીજળીનો વપરાશ- અને બગાડ સુદ્ધાં- તેની સામે મળતી સુવિધાની સામે વસૂલ છે, એવી દલીલ પણ થઇ છે. આ ચર્ચા હજુ લાંબી ચાલશે. કારણ કે તેનો ટૂંકમાં નીવેડો આવે એમ નથી.
ઇન્ટરનેટને ‘બટરફ્લાય ઇફેક્ટ’ સાથે નાળસંબંધ છે, એમ કહેવામાં પણ ખોટું નથી. તેનો જન્મ આખી દુનિયાને જોડવા કે માહિતીના મુક્ત આદાનપ્રદાન માટે બિલકુલ થયો ન હતો. બે મહાસત્તા (એટલે કે અણુસત્તા) રશિયા-અમેરિકા વચ્ચે અણુયુદ્ધનાં વાદળ ઘેરાતાં હતાં, ત્યારે અમેરિકાના સંરક્ષણ વિભાગને થયું કે મિસાઇલ-અણુબોમ્બ જેવી સામગ્રીનું સમગ્ર સંચાલન પેન્ટાગોનનાં કમ્પ્યુટર કરે છે. તેની પર અણુબોમ્બ ઝીંકાય તો? અમેરિકાની સંરક્ષણ વ્યવસ્થા ખોરવાઇ ન જાય એ માટે જુદાં જુદાં ભૌગોલિક સ્થળોએ આવેલાં કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલાં હોવાં જોઇએ. એવું હોય તો અણુહુમલા પછી પણ અમેરિકાની કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સીસ્ટમને કશો વાંધો ન આવે. આ ખ્યાલ મનમાં રાખીને અમેરિકાના સંરક્ષણ વિભાગની ‘એડવાન્સ રીસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી’ (‘આર્પા’/ARPA)એ ‘આર્પાનેટ’/ARPANETની રચના કરી. પહેલાં ચાર યુનિવર્સિટીનાં કમ્પ્યુટરને ફોન લાઇનથી જોડવામાં આવ્યાં. તેમની વચ્ચે ડેટાની આપ-લેના સફળ પ્રયોગ પછી સમય જતાં લશ્કરી ‘આર્પાનેટ’ જનસામાન્યના ઉપયોગમાં આવતું ‘ઇન્ટરનેટ’ બન્યું.
કાર્યકારણનો- કૉઝ એન્ડ ઇફેક્ટનો- સંબંધ હંમેશાં લાગે એટલો સીધો કે સાદો હોતો નથી. હવે પછી પતંગિયું ક્યાં પાંખ ફફડાવશે અને ક્યાંનું હવામાન બદલાશે, એ રહસ્ય જ રહે છે.
Tuesday, November 22, 2011
પેટ્રોલિયમના ધંધામાં સરકારની ખોટ વધારે કે આવક?
પેટ્રોલ અને પેટ્રોલિયમ પેદાશોમાં લિટરદીઠ રૂ.૧.૫૦ (વેરા સહિત રૂ.૧.૮૦)ના ભાવવધારા નિમિત્તે શરૂ થયેલી આ સિરીઝ પૂરી થાય તે પહેલાં ૧૬ નવેમ્બરના રોજ પેટ્રોલના ભાવમાં રૂ.૧.૮૫ (વેરા સહિત રૂ.૨.૨૨નો) ઘટાડો કરવામાં આવ્યો છે.
જૂન, ૨૦૧૦થી સરકારે પેટ્રોલની કિંમતો નક્કી કરવાનું કામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સોંપી દીઘું, જ્યારે કેરોસીન-ડીઝલ-એલપીજી ખોટ ખાઇને વેચવાનું ચાલુ રાખ્યું. સમજણ એવી હતી કે ઓઇલ કંપનીઓ ‘બજારનાં પરિબળોને આધીન’, ખોટ ન ખાવી પડે એ રીતે પેટ્રોલના ભાવમાં વધઘટ કરી શકે. એ ગોઠવણ પ્રમાણે, છેલ્લા ૧૭ મહિનામાં થયેલા ૧૦ ભાવવધારા પછીનો આ પહેલો ભાવઘટાડો છે. તેના માટે ઓઇલ કંપનીઓએ ક્રુડના ભાવ અને ડોલર સામે રૂપિયો સ્થિર થવાનાં તથા આંતરરાષ્ટ્રિય બજારમાં પેટ્રોલનો ભાવ ઘટવાનાં કારણ આપ્યાં છે.
સરકારી અંકુશ દૂર થયા પછી ઓઇલ કંપનીઓ દર પખવાડિયે પેટ્રોલના ભાવ અંગે વિચારણા કરે છે અને તેના આધારે આગામી પખવાડિયા માટે પેટ્રોલની કિંમત નક્કી કરવામાં આવે છે. જૂન, ૨૦૧૦માં આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઇલનો ભાવ બેરલ દીઠ ૮૦ ડોલરની આસપાસ હતો, જે છેલ્લા થોડા સમયથી ૧૧૦ ડોલરની આસપાસ ચાલે છે. તેમાં કોઇ મોટો ઘટાડો થયો નથી. ડોલર સામે રૂપિયાનો ભાવ ગગડતાં પડતા પર પાટુ જેવી અસર થઇ છે. જૂન, ૨૦૧૧માં એક ડોલરનો ભાવ રૂ.૪૪.૮૪ હતો, જે નવેમ્બરમાં રૂ.૪૯.૨૮થી રૂ.૫૦.૬૭ની વચ્ચે રહ્યો છે અને ૧૯ નવેમ્બરના રોજ તો રૂ.૫૧ને આંબી ગયો છે.
તેમ છતાં, ૪ નવેમ્બરે પેટ્રોલમાં ‘હિસાબ સરભર કરવા માટે’ કંપનીઓ લિટરદીઠ રૂ.૧.૫૦નો વધારો કરે અને ૧૬ નવેમ્બરે પેટ્રોલમાંથી વધારાની આવક થઇ રહી છે એવું લાગતાં, ફરી હિસાબ સરભર કરવા માટે રૂ.૧.૮૫નો ભાવઘટાડો કરી નાખે, એ ગણિત સમજવું અઘરું છે. તેમાં ગણિત ઓછું ને રાજકારણ વધારે લાગે છે. ઓએનજીસીના ભૂતપૂર્વ ચેરમેન અને ભૂતપૂર્વ પેટ્રોલિયમ સેક્રેટરી જેવા આ ક્ષેત્રના જાણકારોએ અખબારી મુલાકાતોમાં રાજકારણની શક્યતાને ભારપૂર્વક સમર્થન આપ્યું છે.
દરમિયાન, એક ઓઇલ કંપનીના અફસરે કહ્યું છે કે ‘લોકોએ હવે દર પખવાડિયે પેટ્રોલમાં ભાવના ફેરફાર માટે તૈયાર રહેવું પડશે.’ આમ તો, એ જ બજારનો નિયમ છે. એ નિયમ લાગુ પડે તો છેલ્લા પખવાડિયામાં ડોલર સામે રૂપિયાની ઘટેલી કિંમતને લીધે આગામી પખવાડિયામાં પેટ્રોલના ભાવ ફરી વધવા જોઇએ.
બીજાં પરિબળો યથાવત્ હોય ને રૂપિયાનો ભાવ ઘટે તેમ છતાં ઓઇલ કંપનીઓ પેટ્રોલનો ભાવ ન વધારે, તેના બે અર્થ થાયઃ ૧) પેટ્રોલના ભાવમાં ઘટાડા અને ત્યાર પહેલાંના વધારા માટે તેમણે આપેલાં કારણમાં અર્ધસત્ય છે. ૨) કંપનીઓ ભાવવધારો કરવા ઇચ્છે છે, પણ રાજકીય દબાણને કારણે તે આટલા ટૂંકા ગાળામાં ફરી ભાવ વધારી શકતી નથી. એટલે કે પેટ્રોલના ભાવ પરનો સરકારી અંકુશ કાગળ પરથી હટી ગયો હોવા છતાં, વાસ્તવમાં તે ચાલુ છે.
ભાવોની વધઘટમાં સરકાર દ્વારા થતું બજાર અને રાજકારણનું સગવડીયું મિશ્રણ દાટ વાળી રહ્યું છે. આ મહિને જે ગાળામાં પેટ્રોલમાંથી વધારાની આવક થતી હોવાનો દાવો કરવામાં આવ્યો, એ જ ગાળામાં ડિઝલમાં ખાવી પડતી ખોટનું પ્રમાણ વઘ્યું હતું. ડિઝલમાં એક લિટર દીઠ અન્ડર રિકવરી રૂ. ૮.૫૮થી વધીને રૂ.૧૦.૧૭ થઇ. અન્ડર રિકવરી એટલે મળવાપાત્ર કિંમત કરતાં ઓછા ભાવે પેદાશો વેચવાથી પડતી ઘટ. આ ઘટ સરકાર, ઓએનજીસી જેવી સરકારી કંપનીઓ અને થોડા હિસ્સે ખુદ ઓઇલ કંપનીઓ ભોગવે છે.
વહીવટ બજારના ન્યાય પ્રમાણે ચાલતો હોત તો, ડીઝલના વેચાણમાં વધેલી અન્ડર રીકવરી (ઘટ) પેટ્રોલમાંથી થતી થોડી વધારાની આવકથી ઘણી હદે સરભર થઇ શકી હોત. વડાપ્રધાન પોતે તમામ પેટ્રોલિયમ પેદાશોના ભાવ પરનો સરકારી અંકુશ ઉઠાવી લેવાના મતના છે. અગાઉ નીમાયેલી સમિતિઓએ પણ એ પગલું સૂચવ્યું છે. છતાં, તેનો અમલ, દૂરદર્શનને અપાયેલી ‘સ્વતંત્રતા’ જેવો અધકચરો થવાનો હોય અને સરકાર મન પડે ત્યારે પોતાની ધોરાજી હંકારવાની હોય, તો એ પગલાની કેટલી અસર પડશે, તે કલ્પી શકાય એમ છે.
પેટ્રોલિયમ પેદાશોઃ આવકજાવકની આંટીધૂંટી
સરકારનું પેટ્રોલિયમ મંત્રાલય કે ઓઇલ માર્કેટિંગકંપનીઓ પેટ્રોલિયમ પેદાશોના ભાવ અને તેમાં વેઠવી પડતી ખોટ કેવી રીતે ગણે છે, તેની તપાસ ભેદભરમથી ભરપૂર આંકડાકીય રહસ્યકથાનો મસાલો છે.
મુરલી દેવરા પેટ્રોલિયમ મંત્રી હતા ત્યારે તેમણે લોકસભામાં એક જવાબમાં કહ્યું હતું કે ક્રુડ ઓઇલનું રિફાઇનિંગ કરવાની પ્રક્રિયાના કુલ ખર્ચમાં ૯૦ ટકા હિસ્સો ક્રુડ ઓઇલની કિંમતનો હોય છે. રિફાઇનિંગ દરમિયાન ક્રુડ ઓઇલમાંથી જુદી જુદી પેદાશો અલગ તારવવામાં આવે છે, પરંતુ તેમને છેવટના વાપરી શકાય એવા સ્વરૂપમાં ફેરવવા માટે તેમાં કરવી પડતી પ્રક્રિયાઓ અને ઉમેરણોથી (પેટ્રોલ કે ડીઝલ જેવી) કોઇ એક ચીજની કિંમત ચોક્કસપણે નક્કી કરવાનું અઘરું છે.
હા, તેની પર લાગતા કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના વેરા વિશે પ્રમાણમાં ચોક્સાઇભર્યા આંકડા મળી શકે છે. વર્તમાન પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડીએ રાજ્યસભામાં આપેલી- અને ઇન્ડિયન ઓઇલ કંપનીએ પૂરી પાડેલી- માહિતી પ્રમાણે, ઓગસ્ટ ૧, ૨૦૧૧ના રોજ દિલ્હીમાં ભાવની વહેંચણ આ પ્રમાણે હતી.
૧ લિટર પેટ્રોલ દીઠ રીફાઇનરીને ચૂકવાતી ‘ટ્રેડ પેરિટી પ્રાઇસ’ હતીઃ રૂ.૩૫.૩૯. (ટ્રેડ પેરિટી પ્રાઇસ એટલે પેટ્રોલની આયાતકિંમતના ૮૦ ટકા અને તેની નિકાસકિંમતના ૨૦ ટકાની સરેરાશ). બીજા શબ્દોમાં કહીએ તો, ૧ લિટરનો કોઇ પણ વેરા વગરનો બજારભાવ રૂ.૩૫.૩૯ બેસે છે. (જો તે આયાતી ન હોય અને ભારતમાં જ બન્યું હોય તો રિફાઇનરીને આનાથી ઓછા ભાવે પડતું હોય એવું પણ બની શકે.)
તેમાં કેન્દ્ર સરકારના સ્તરે (૧ લિટર દીઠ) બીજા આટલા ઉમેરા થાય છેઃ વહનખર્ચ ૬૫ પૈસા. માર્કેટિંગ કિંમત અને માર્જિન રૂ.૧.૪૭. સૌથી મોટો આંકડો એક્સાઇઝ ડ્યુટીનો છેઃ રૂ.૧૪.૭૮. કુલ સરવાળો થયોઃ રૂ.૫૨.૨૯. તેમાંથી ઓઇલ કંપનીઓ દ્વારા ભોગવાતી અન્ડર રિકવરી લીટર દીઠ ૭૧ પૈસાની બાદબાકી. (પેટ્રોલના ભાવ પરનો સરકારી અંકુશ ઉઠ્યા પછી ઓઇલ કંપનીઓ અન્ડર રિકવરી વેઠવાને બદલે ભાવેભાવ પેટ્રોલ કેમ વેચી શકે નહીં, એ સ્પષ્ટ થતું નથી.) આમ, કેન્દ્ર સ્તરે પેટ્રોલનો ભાવ થયોઃ રૂ.૫૧.૫૮.
ત્યાર પછી આવે રાજ્યનો વારો. ડીલરનું કમિશન લિટર દીઠ દોઢ રૂપિયો અને કુલ ‘વેટ’ રૂ. ૧૦.૬૨. એટલે રિફાઇનરીને રૂ. ૩૫.૩૯માં પડતું ૧ લિટર પેટ્રોલ દિલ્હીના ગ્રાહકને રૂ.૬૩.૭૦માં પડે.
ડિઝલના ભાવ પર સરકારી અંકુશ છે. તેના ભાવની ગણતરી આ પ્રમાણે છેઃ ૧ લિટર દીઠ રિફાઇનરીને ચૂકવાતી ટ્રેડ પેરિટી પ્રાઇસઃ રૂ.૩૭.૪૬. વહનખર્ચ ૬૯ પૈસા, માર્કેટિંગ ખર્ચ અને માર્જિન રૂ.૧.૩૯ અને એક્સાઇઝ ડ્યુટી રૂ.૨.૦૬ (કારણ કે ગ્રાહકને તે સસ્તા ભાવે આપવાનું છે.) કેન્દ્રસ્તરે ૧ લિટર ડિઝલની કિંમતનો કુલ સરવાળો થયોઃ રૂ.૪૧.૬૦. તેમાંથી રૂ.૬.૦૬ અન્ડર રિકવરી (ખોટ પેટે) સરકાર બાદબાકી કરે છે. એટલે ભાવ થયો રૂ.૩૫.૫૪.
હવે રાજ્યસ્તરનો વારો. તેમાં ડીલર કમિશન ૧ લિટર દીઠ ૯૧ પૈસા અને વેટ રૂ.૪.૮૧. એટલે કુલ કિંમત થઇ રૂ.૪૧.૨૯. ધારો કે કેન્દ્ર સરકાર ભાવનો અંકુશ ઉઠાવી લે અને અન્ડર રિકવરી ભોગવવાનું બંધ કરે તો ડીઝલનો લિટર દીઠ ભાવ થાય રૂ.૪૭.૩૫.
ડીઝલમાં વેટના દર અને એક્સાઇઝ ડ્યુટી બન્નેનું ભારણ પ્રમાણમાં ઓછું છે, પણ પેટ્રોલમાં તે ઘણું મોટું છે. રાજ્યોમાં વેટના દર જુદા જુદા હોય છે. ગુજરાતમાં પેટ્રોલ પર ૨૩ ટકા વેટ લાગે છે. ગુજરાતમાં ૧ લિટર પેટ્રોલની કિંમત રૂ.૭૩.૦૭ થઇ ત્યારે તેમાં રાજ્યના વેટ અને સેસનો કુલ હિસ્સો રૂ.૧૫.૦૫ તથા કેન્દ્રની એક્સાઇઝ ડ્યુટીનો હિસ્સો રૂ.૧૪.૭૮ હતો. પેટ્રોલની છેવટની કિંમતમાં આ બન્નેનો સંયુક્ત હિસ્સો ૪૦ ટકા જેટલો મોટો થાય.
ડિઝલમાં કેન્દ્રની એક્સાઇઝ ડ્યુટી લિટર દીઠ રૂ.૨.૦૬ જેટલી ઓછી હોવા છતાં, ગુજરાતમાં રાજ્યસ્તરે લાગતું વેટ અને સેસનું ભારણ રૂ.૯.૩૧ જેટલું મોટું છે. ડીઝલની કુલ કિંમતમાંથી સરકારનો હિસ્સો આશરે ૩૩ ટકા થાય છે.
આમ, પેટ્રોલમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા ડિઝલમાં એકલી રાજ્ય સરકાર ઇચ્છે તો પોતાનો હિસ્સો ઘટાડીને પેટ્રોલ-ડિઝલ વાપરનારને થોડી રાહત આપી શકે. પરંતુ સરકાર પક્ષે થતી દલીલ એવી છે કે આ રીતે ઉઘરાવાતા વેરામાંથી દેશના ‘આમઆદમી’ના હિત માટેનાં આયોજન કરવામાં આવે છે. આ દાવો સાવ પાયા વગરનો ન હોવા છતાં, તેના આયોજન-અમલીકરણમાં રહેલા પ્રશ્નોને લીધે તેની પાછળનો હેતુ ઝાઝો બર આવતો નથી.
આ લેખમાળામાં છેલ્લો અને ખરા અર્થમાં સસ્પેન્સ જેવો સવાલ એ રહે કે એક તરફ અન્ડર રિકવરી તરીકે બતાવાતી તોતિંગ ઘટ અને બીજી તરફ રાજ્ય અને કેન્દ્રસ્તરે થતી આવકમાંથી, સરકાર દર્શાવે છે તેમ, ખરેખર ઘટનું પલ્લું ભારે રહે છે? એટલે કે સરકાર છૂટક રીતે નહીં, પણ સરવાળે ખોટનો ધંધો કરે છે?
પેટ્રોલના ભાવ પરનો સરકારી અંકુશ દૂર થયો તે પહેલાં આ દિશામાં કવાયત હાથ ધરવામાં આવી હતી. તેમાંથી મળેલા તારણ પ્રમાણે, પેટ્રોલ-કેરોસીન-ડીઝલ અને એલપીજી આ ચારેના ધંધામાં સરકારે સબસિડી અને અન્ડર રિકવરી બઘું મળીને વેઠેલી ખોટ કરતાં વેરા દ્વારા થયેલી આવક ઘણી વધારે હતી.
૨૦૦૬-૦૭માં સબસિડી-અન્ડર રિકવરી રૂ.૫૧,૯૧૧ કરોડ. તેની સામે (વેરા સ્વરૂપે) કેન્દ્રની આવક રૂ.૭૭,૧૪૮ કરોડ અને રાજ્યોની આવક રૂ. ૫૯,૯૫૫ કરોડ. કુલ આવકઃ રૂ.૧.૩૭ લાખ કરોડ.
વર્ષ ૨૦૦૭-૦૮માં કુલ ‘ખોટ’ રૂ.૭૯,૭૬૪ની સામે કેન્દ્રની આવક રૂ.૮૪,૩૨૧ કરોડ અને રાજ્યોની આવક રૂ.૬૩,૪૪૫ કરોડ.
વર્ષ ૨૦૦૮-૦૯માં કુલ સબસિડી-અન્ડર રિકવરી રૂ.૧.૦૯ લાખ કરોડની સામે કેન્દ્રની આવક રૂ.૭૬,૯૭૭ કરોડ અને રાજ્યોની આવક રૂ.૬૮,૨૮૬ કરોડ. કુલ સરકારી આવકઃ રૂ.૧.૪૫ લાખ કરોડ. (આ તમામ આંકડા ઊર્જાની બાબતમાં આયોજન પંચના સલાહકાર રહી ચૂકેલા સૂર્ય પી.સેઠીને ટાંકીને આપવામાં આવ્યા છે.)
પેટ્રોલિયમ પેદાશોની વાત નીકળે ત્યારે સરકાર તરફથી મોટે ભાગે અન્ડર રિકવરીના તોતિંગ આંકડા જ બહાર પાડવામાં આવે છે. સામા પક્ષે થતી આવક વિશે ફોડ પાડવામાં આવતો નથી. આ રીતે થતી આવકમાં કેન્દ્ર અને રાજ્યના ભાગથી માંડીને બીજી અનેક આંટીધૂંટી હશે, સરકારને થતી આવકની જરૂર રાષ્ટ્રનાં ઘણાં કામમાં વપરાતી હશે, છતાં તેને બાજુ પર રાખીને કેવળ અન્ડર રિકવરીના આંકડા બતાવવાથી સાચું ચિત્ર મળતું નથી, એ પણ વાસ્તવિકતા છે.
Tuesday, November 15, 2011
પેટ્રોલિયમ પેદાશોમાં સરકાર કેટલી ખોટ ખાય છે?
પેટ્રોલના ભાવવધારાના મુદ્દે ગયા સપ્તાહે જોયું તેમ, બીજા ઘણા દેશોની સરખામણીમાં ભારતમાં પેટ્રોલનો ભાવ ઊંચો છે- અને હજુ વધી રહ્યો છે. કેરોસીન-ડીઝલ-એલપીજી જેવાં બળતણોના ભાવ પર સરકારી નિયંત્રણ ચાલુ છે. કારણ કે તેમાં થતો ભાવવધારો ‘આમઆદમી’ને અને બીજી અનેક ચીજવસ્તુઓના ભાવને અસર કરે છે.
પેટ્રોલ અને બીજી પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારા સામે સરકારની મુખ્ય અને મજબૂત દલીલ છેઃ આ ધંધામાં સરકાર અને સરકારને હસ્તક જાહેર સાહસો (‘ઇન્ડિયન ઓઇલ’ જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ) ભારે ખોટ કરે છે. એટલે નફો કરવા માટે નહીં, પણ ખોટ ઘટાડવા માટે ભાવવધારો જરૂરી બને છે.
બીજા શબ્દોમાં, પેટ્રોલિયમ પેદાશોની બજારકિંમત કરતાં, સરકારી રાહે નક્કી થતી તેની વેચાણકિંમત ઓછી છે. આ બન્ને વચ્ચેની ઘટનો મોટો હિસ્સો સરકાર ઓઇલ કંપનીઓને ભરપાઇ કરી આપે છે, ત્યારે ગ્રાહકને અત્યારના ભાવે ડીઝલ-કેરોસીન-એલપીજી મળે છે. ગયા વર્ષથી પેટ્રોલની કિંમતો પરનો સરકારી અંકુશ નીકળી જતાં, તેના ભાવમાં ઓઇલ કંપનીઓ બજારનાં પરિબળોને અનુરૂપ વધારો કરી શકે છે. જેમ કે, પેટ્રોલના તાજા (રૂ.૧.૮૦ના) ભાવવધારા માટે ડોલરની સામે રૂપિયાના ઘટેલા મૂલ્યનું એક કારણ આપવામાં આવ્યું છે.
‘અન્ડર રિકવરી’ની ભૂલભૂલામણી
સરકારી સબસિડીની જેમ, ઓઇલ કંપનીઓ દ્વારા ‘ખોટના ધંધા’ સૂચવવા માટે વપરાતો ચાવીરૂપ શબ્દ છેઃ અન્ડર રીકવરી. તેનો સાદો અર્થ થાયઃ મળવાપાત્ર કિંમત અને વેચાણકિંમત વચ્ચેનો તફાવત. જેનો બજારભાવ સો રૂપિયા બેસતો હોય, એવી ચીજને કંપની નેવુ રૂપિયામાં વેચે તો તેની અન્ડર રિકવરી દસ રૂપિયા કહેવાય.
દર વર્ષે ઓઇલ કંપનીઓની અન્ડર રિકવરીના આંકડા હજારો કરોડમાં જાય છે. ગયા અઠવાડિયે ‘ઇન્ડિયન ઓઇલ કોપોરેશન’ના ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટરે આપેલી માહિતી પ્રમાણે, આ નાણાંકીય વર્ષના પહેલા છ મહિના (એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૧૧) માં ત્રણે સરકારી ઓઇલ કંપનીઓની અન્ડર રીકવરીનો કુલ આંકડો રૂ.૬૪,૯૦૦ કરોડે પહોંચ્યો છે.
કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય સાથે જોડાયેલા ‘પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલ’ની તાજી વિગતો પરથી જણાય છે કે ઓઇલ કંપનીઓ પ્રત્યેક લીટર દીઠ ડીઝલમાં રૂ.૮.૫૮, કેરોસીનમાં રૂ.૨૫.૬૬ અને ઘરેલુ વપરાશ માટેના એલપીજીમાં સિલીન્ડર દીઠ રૂ.૨૬૦.૫૦ની અન્ડર રીકવરી ભોગવે છે. આ હિસાબ પ્રમાણે, છ મહિનામાં ડીઝલ ખાતે કુલ અન્ડર રિકવરીઃ રૂ.૩૭,૭૧૯ કરોડ, ઘરેલુ વપરાશના એલપીજી ખાતેઃ રૂ.૧૩,૮૨૦ કરોડ અને કેરોસીનના ખાતે રૂ.૧૩,૩૬૧ કરોડ.
નવાઇ લાગે એવી વાત એ છે કે તોતિંગ અન્ડર રીકવરી ધરાવતી ઓઇલ કંપનીઓ આ વર્ષને બાદ કરતાં સામાન્ય રીતે નફો કરતી હોવાનું જાહેર થતું રહે છે. પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડીએ ૧ ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ રાજ્યસભામાં આપેલા લેખિત જવાબ પ્રમાણે, છેલ્લાં ત્રણ વર્ષમાં ઓઇલ કંપનીઓનો ટેક્સ પહેલાંનો નફો હતોઃ રૂ.૬૦૪૫ કરોડ (૨૦૦૮-૦૯), રૂ.૧૮,૫૯૭ કરોડ (૨૦૦૯-૧૦) અને રૂ.૧૩,૮૫૪ કરોડ (૨૦૧૦-૧૧).
એક તરફ અન્ડર રીકવરી અને બીજી તરફ નફો? આવું કેવી રીતે બને? તેના માટે અન્ડર રીકવરીની ગણતરીને લગતા બે સવાલ અગત્યના છે. અન્ડર રીકવરી નક્કી કરવા માટે ચાવીરૂપ એવી ‘મળવાપાત્ર કિંમત’ કેવી રીતે ગણવામાં આવે છે? અને ‘અન્ડર રીકવરી’નો આર્થિક બોજ આખરે કોણ ઉપાડે છે?
સૌથી પહેલાં તો એ યાદ રહે કે ‘મળવાપાત્ર કિંમત’ એ વાસ્તવિક કે પડતર કિંમત નથી. તે ‘નોશનલ’ એટલે કે બીજી કિંમતોને ઘ્યાનમાં રાખીને નક્કી કરાતી કિંમત છે. ‘મળવાપાત્ર કિંમત’ માટે વપરાતો શબ્દપ્રયોગ છેઃ ‘ટ્રેડ પેરિટી પ્રાઇસ’. એટલે કે ધંધામાં બીજાની સમકક્ષની કિંમત. પેટ્રોલિયમ પેદાશોની ટ્રેડ પેરિટી પ્રાઇસ નક્કી કરવા માટેનું સરકારી સમીકરણ છેઃ આયાતકિંમતના ૮૦ ટકા અને નિકાસકિંમતના ૨૦ ટકા. ધારો કે ભારતમાં એક લીટર ડીઝલની આયાતકિંમત ૧૫ રૂપિયા અને નિકાસ કિંમત ૧૦ રૂપિયા પડતી હોય, તો તેની ‘ટ્રેડ પેરિટી પ્રાઇસ’ ૧૪ રૂ. થાય. આ ડીઝલ સરકારી રાહતને કારણે ૯ રૂપિયે લીટર વેચાતું હોય, તો પ રૂપિયા ઓઇલ કંપનીની અન્ડર રીકવરી ગણાય.
પરંતુ અન્ડર રીકવરી એ ખોટ નથી. કારણ કે એ બોજ ત્રણ ભાગે વહેંચવામાં આવે છે. ઓઇલ કંપનીની અન્ડર રીકવરીનો એક હિસ્સો કેન્દ્ર સરકાર પોતે ભોગવે છે, બીજો મોટો હિસ્સો (ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા જેવી) ‘અપસ્ટ્રીમ’ કંપનીઓ ઉપાડે છે, જે પેટ્રોલિયમ પેદાશોના વેચાણમાં નહીં, પણ ક્રુડ ઓઇલ અને ગેસ શોધવાના-પૂરાં પાડવાના ધંધામાં છે. ત્રીજો અને સૌથી ઓછો હિસ્સો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પોતે ભોગવે છે.
પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડીએ રાજ્યસભામાં આપેલી લેખિત માહિતી (૧-૮-૧૧) પ્રમાણે, વર્ષ ૨૦૦૮-૦૯માં ઓઇલ કંપનીઓનો ટેક્સ પહેલાંનો નફો રૂ.૬૦૪૫ કરોડ હતો. એ વર્ષે ચૂકવવા પાત્ર ટેક્સ હતોઃ રૂ.૧,૭૮૪ કરોડ. એટલે કે ઓઇલ કંપનીનો ટેક્સ પછીનો નફો થયો રૂ.૪,૨૬૧ કરોડ.
પરંતુ વાસ્તવિકતા શી હતી? એ વર્ષે કેન્દ્ર સરકારે રૂ.૭૧,૨૯૨ કરોડની (કુલ અન્ડર રીકવરીના ૬૯ ટકા) મદદ કરી હતી અને અપસ્ટ્રીમ કંપનીઓએ બાકીના રૂ.૩૨ હજાર કરોડની (૩૧ ટકા) સહાય આપી. આમ, રૂ.૧ લાખ કરોડથી પણ ઉપરની સરકારી સહાય પછી ઓઇલ કંપનીઓએ,અન્ડર રીકવરીનો એક પણ રૂપિયો ભોગવ્યા વિના, રૂ. ૪,૨૬૧ કરોડનો ‘નફો’ કર્યો હતો, જે હકીકતમાં ઓઇલ કંપનીઓની રૂ.૯૭,૨૪૭ કરોડની ખોટ ગણાવી જોઇતી હતી. (આ વર્ષે ક્રુડ ઓઇલના ભાવ ૧૪૦ ડોલર પ્રતિ બેરલે પહોંચ્યા તે પણ ઊંચી અન્ડર રીકવરી પાછળનું મોટું કારણ હતું.)
એ જ પ્રમાણે, ૨૦૦૯-૧૦ અને ૨૦૧૦-૧૧ના આંકડા પણ રેડ્ડીએ આપ્યા હતા. તેની પર એક નજર નાખવાથી, અન્ડર રીકવરીનો બોજ કોણ કેટલો ઉપાડે છે અને ઓઇલ કંપનીઓના નફાની વાસ્તવિકતા શી છે, તેનો બરાબર ખ્યાલ આવશે. (આંકડા શક્ય એટલી સાદી ભાષામાં - સમજાય અને વાંચી શકાય એ રીતે મૂકવાનો પ્રયાસ કર્યો છે. તેને જોઇને ભડકવાની જરૂર નથી.)
વર્ષ ૨૦૦૯-૧૦. ઓઇલ કંપનીઓએ ભોગવેલી અન્ડર રીકવરી રૂ.૫,૬૨૧ કરોડ (કુલ અન્ડર રીકવરીના ૧૨ ટકા). તેનો ટેક્સ પહેલાંનો નફો રૂ.૧૮,૫૯૭ કરોડ. ટેક્સ માટેની જોગવાઇ રૂ.૫,૫૩૭ કરોડ. ટેક્સ પછીનો નફો રૂ.૧૩,૦૬૦ કરોડ. પણ એ જ વર્ષે સરકારે કરેલી સહાય રૂ.૨૬ હજાર કરોડ (૫૭ ટકા), અપસ્ટ્રીમ કંપનીઓએ આપેલી મદદ રૂ.૧૪,૪૩૦ કરોડ (૩૧ ટકા). એટલે ઓઇલ કંપનીઓએ કરેલું કુલ વાસ્તવિક નુકસાન રૂ.૨૧,૮૩૩ કરોડ.
વર્ષ ૨૦૧૦-૧૧. ઓઇલ કંપનીઓએ ભોગવેલી અન્ડર રીકવરી રૂ.૩,૮૯૩ કરોડ (૯ ટકા). ટેક્સ પહેલાંનો નફો રૂ.૧૩,૮૫૪ કરોડ. ટેક્સ માટેની જોગવાઇ રૂ.૩,૩૨૩ કરોડ. ટેક્સ પછીનો નફો રૂ.૧૦,૩૫૧ કરોડ. પરંતુ સરકારી સહાય રૂ.૪૧ હજાર કરોડ (૫૨ ટકા) અને અપસ્ટ્રીમ કંપનીઓનું ભંડોળ રૂ.૩૦,૪૯૭ કરોડ (૩૯ ટકા). એટલે ઓઇલ કંપનીઓની વાસ્તવિક ખોટ રૂ.૫૭,૪૪૩ કરોડ.
આ વર્ષે એપ્રિલ-જૂન, ૨૦૧૧ના ફક્ત ત્રણ મહિનાના ગાળામાં કુલ અન્ડર રીકવરી રૂ.૪૩,૫૨૬ કરોડ. સરકારે ભોગવેલી રકમ રૂ. ૧૫ હજાર કરોડ (૩૪ ટકા), અપસ્ટ્રીમ કંપનીઓએ ભોગવેલી રકમ રૂ.૧૪,૫૦૯ કરોડ (૩૩ ટકા) અને ઓઇલ કંપનીઓના ભાગે આવેલી અન્ડર રીકવરી રૂ.૧૪,૦૧૮ કરોડ.
જુલાઇ-સપ્ટેમ્બર, ૨૦૧૧ના ત્રણ મહિનામાં, ફક્ત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ભાગે રૂ.૧૧,૭૫૭ કરોડની અન્ડર રીકવરી હતી. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરના નિવેદન પ્રમાણે, ‘આ રકમમાંથી રૂ.૪,૩૦૦ કરોડ અપસ્ટ્રીમ કંપનીઓએ ભોગવ્યા અને બાકીની અન્ડર રીકવરી અમારે ભાગે આવી છે.’ એટલે કે સરકારે પોતાના ભાગે પડતી રકમ ચૂકવી નથી. અન્ડર રીકવરીમાં સૌથી મોટો હિસ્સો ભોગવતી સરકાર મોટે ભાગે ઓઇલ બોન્ડથી અથવા અમુક હિસ્સો રોકડ સબસિડીથી ભરપાઇ કરે છે.
ઓઇલ બોન્ડના આંબાઆંબલી
એક અંદાજ પ્રમાણે, છેલ્લાં છ વર્ષમાં સરકારે ઓઇલ કંપનીઓ માટે અન્ડર રીકવરીના હિસ્સા પેટે રૂ.૧,૮૬,૬૫૬ કરોડ રૂપિયાની કિંમતના ઓઇલ બોન્ડ જારી કર્યા છે. રોકડી ખોટ સરભર કરવા માટે અપાતા આ બોન્ડ કેવી રીતે કામ કરે છે?
સરકાર કંપનીઓને તરત રોકડી કરી શકાય એવા નહીં, પણ નિશ્ચિત મુદત પછી પાકતા ઓઇલ બોન્ડ આપે. ઓઇલ કંપનીઓ આ બોન્ડને પોતાના ચોપડે આવક ખાતે બતાવે (જે હકીકતમાં નુકસાન ભરપાઇ કરવા માટે હોય). કંપનીઓના સરવૈયામાં આ બોન્ડને ‘રોકાણ’ ગણાવે. આ બોન્ડ રાખી મૂકવામાં આવે તો તેની પર ૭-૮ ટકા જેવું મામૂલી વ્યાજ મળે. પાકતી મુદતે સરકાર આ બોન્ડના બદલામાં રોકડ રકમ ચૂકવે. પરંતુ વચ્ચેના સમયગાળામાં કંપનીઓને સરકારી ઓઇલ બોન્ડ બજારમાંથી ઉછીના રૂપિયા મેળવવા માટે ખપમાં ન લાગે. એટલે કંપનીએ બજારમાં ઊંચા વ્યાજેથી રૂપિયા ઉછીના લેવા પડે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ફાઇનાન્સ ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે, કંપનીના માથે પાંચ અબજ ડોલરનું વિદેશી દેવું છે.(૫ નવેમ્બર,૨૦૧૧).
રૂપિયાની તાતી જરૂર ઉભી થાય અને ઉધારીની પણ હદ આવતી હોય, ત્યારે તે મ્યુચ્યુઅલ ફંડ કે ઇન્સ્યોરન્સ કંપનીઓ કે એ પ્રકારની બીજી નાણાંકીય સંસ્થાઓને અમુક રકમના સરકારી બોન્ડ ડિસ્કાઉન્ટ ભાવે વેચી નાખે. આ રીતે તેને બોન્ડની રકમ કરતાં ઓછી રકમ મળે, પણ હાથમાં રોકડ આવે એટલું ઓછું છે? આ નાણાંકીય વર્ષમાં અત્યાર લગી કંપનીએ ઓઇલ બોન્ડ વેચીને રૂ.૩૦૦ કરોડ ઊભા કર્યા હોવાના અહેવાલ પ્રકાશિત થયા હતા.
ઓઇલ કંપનીઓની ખરાબ નાણાંકીય હાલત જોતાં પેટ્રોલિયમ મંત્રાલયે સરકારના નાણાં મંત્રાલય પર અન્ડર રીકવરીની ભાગે પડતી રકમ છૂટી કરવા દબાણ કર્યું છે. પરંતુ કેટલાક અહેવાલો પ્રમાણે, નાણાં મંત્રાલયને ઓઇલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા રજૂ કરાતી અન્ડર રીકવરીની ગણતરીથી અસંતોષ છે.
અન્ડર રીકવરીની ગણતરીમાં કેવી રીતે ગરબડ થઇ શકે? જે મળવાપાત્ર કિંમતોના આધારે અન્ડર રીકવરીના તોતિંગ આંકડા કાઢવામાં આવે છે, તે પેટ્રોલિયમ પેદાશોની વાસ્તવિક પડતર કિંમત કરતાં કેટલી વધારે હોય છે? અને ડાબું ખિસ્સું ખંખેરીને જમણું ખિસ્સું ભરવાની કે શર્ટનું ખિસ્સું ખાલી કરીને પેન્ટનું ખિસ્સું ભરવાની પ્રવૃત્તિ પેટ્રોલિયમના ધંધામાં સરકારી રાહે કેવી રીતે ચાલે છે? તેના જવાબો આવતા સપ્તાહે.
Tuesday, November 08, 2011
પેટ્રોલિયમ પેદાશોનું રાજકારણ અને અર્થકારણ
ગયા અઠવાડિયે પેટ્રોલનો ભાવ ફરી એક વાર વઘ્યો. એપ્રિલ, ૨૦૧૧થી શરૂ થયેલા આ નાણાંકીય વર્ષનો તે ચોથો અને જૂન, ૨૦૧૦માં પેટ્રોલના ભાવ પરથી સરકારી અંકુશ ઉઠી ગયા પછીનો તે દસમો ભાવવધારો હતો. એક જ વર્ષમાં પેટ્રોલની કિંમત આશરે ૪૦ ટકા વધી ગઇ.
પેટ્રોલનો ભાવ વધે એટલે દરેક વખતે વિપક્ષો અને મોરચા સરકારના સાથીપક્ષો બૂમરાણ મચાવે છે. આ વખતે યુપીએ સરકારનાં મહત્ત્વનાં સાથી મમતા બેનરજીએ ‘ઇનફ ઇઝ ઇનફ’ (હવે બહુ થયું)નો ધ્રુજારો બતાવ્યો. સામે પક્ષે નાણાં મંત્રી પ્રણવ મુખર્જીએ આ ભાવવધારો કેમ જરૂરી હતો તે સમજાવવાનું આશ્વાસન આપ્યું. એક સમયે એવો રિવાજ હતો કે સરકાર વધારો જાહેર કર્યા પછી, ‘લોકલાગણીને માન આપીને’, વધારામાં ઘટાડો કરીને લોકોને પટાવી લે. હવે તો એટલી ઔપચારિકતા પણ થતી નથી. એક લિટર પેટ્રોલનો ભાવ સિત્તેર રૂપિયાની ઉપર આગેકૂચ કરવા માંડે, તો પણ જનવિરોધ એવો હોતો નથી કે સરકારને ભાવવધારો મોકૂફ રાખવાની ફરજ પડે.
રાજકીય દૃષ્ટિએ વિચારતાં વાસ્તવિકતા એ પણ છે કે ભાવવધારો એ દરેક સત્તાધારી પક્ષ કે મોરચાની નીયતી બની ચૂક્યો છે અને તેનો વિરોધ દરેક વિપક્ષનો કાર્યક્રમ. કદાચ એટલા માટે જ, વિપક્ષી વિરોધની ખાસ અસર પડતી નથી. પેટ્રોલથી ચાલતાં વાહનો વાપરનારો વર્ગ ભાવવધારો અમલી બનવાનો હોય તે પહેલાં પેટ્રોલપમ્પો પર લાઇન લગાડીને, ઓછા ભાવે ટાંકી ફુલ કરાવીને રૂપિયા બચાવ્યાનો ઠાલો સંતોષ મેળવે છે.
રાજકીય પક્ષો ‘જુઓ, અમે વિરોધ કરીએ છીએ. પછી કહેતા નહીં કે અમે વિરોધ નહોતો કર્યો’ એવી મુદ્રામાં ભાવવધારાના વિરોધમાં નિવેદનબાજી કરે છે અને નિવેદનો છપાઇ જાય-ટીવી પર આવી જાય, પછી આખો મુદ્દો ભૂલી જાય છે. અથવા એક બોજનો વિરોધ કરવા માટે તે સંસદની કાર્યવાહી ખોરવે છે અને પ્રજાકીય નાણાંનો વેડફાટ કરે છે.
સામાન્ય નાગરિક દરેક ભાવવધારા વખતે માથું ખંજવાળે છે કે આમાં આપણે શું સમજવું? ભાવવધારો કેમ થાય છે? ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રિય ભાવમાં આટલી બધી ચડઉતર થતી હશે કે એક વર્ષમાં અગિયાર વાર પેટ્રોલનો ભાવ વધારવો પડે? ભાવ કોણ વધારે છે? સરકાર જો આ પ્રક્રિયામાંથી નીકળી ગઇ હોય, તો પછી સરકારી ઓઇલ કંપનીઓ મન ફાવે તેમ ભાવ વધારી શકે? સરકાર તેમને અંકુશમાં રાખી શકે નહીં? શું સરકારી કંપનીઓ ખોટ ખાઇને પેટ્રોલ વેચે છે, એટલે ભાવવધારો જરૂરી બને છે? શું આટલા ભાવવધારા પછી પણ કંપનીઓ પેટ્રોલના ધંધામાં ખોટ ખાય છે? પેટ્રોલની જેમ કેરોસીન-ડીઝલ જેવાં બળતણોનો ભાવ આટલો ઝડપથી કેમ વધતો નથી?
આ સવાલોની સાથે સંકળાયેલા પેચીદા અર્થકારણને બદલે, આંકડાના આધારે કેટલાક જવાબો મેળવવાથી, ગૂંચવાડા ઘટવાની અને સમજણ વધવાની શક્યતા રહે છે.
આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઇલના ભાવ ઘટવા છતાં પેટ્રોલના ભાવ કેમ વધે છે?
ભાવવધારાના સંદર્ભે થતી સૌથી દેખીતી દલીલ આ છે. ત્રણેક વર્ષ પહેલાં (૨૦૦૮માં) ક્રુડ ઓઇલના ભાવ બેરલ દીઠ ૧૦૦ ડોલરથી વધીને ૧૪૭ ડોલરની વિક્રમજનક સપાટીએ પહોંચી ગયા હતા. ત્યાર પછી એ ભાવોમાં ઘટાડો થયો છે. હાલમાં તેનો ભાવ બેરલ દીઠ ૧૧૦ ડોલરની આસપાસ છે. છતાં ભારતમાં પેટ્રોલના ભાવ ક્રુડના આંતરરાષ્ટ્રિય ભાવ પ્રમાણે ઘટવાને બદલે કેમ વધે છે?
જેવો કાયમી સવાલ, તેવો જ કાયમી જવાબ છેઃ સરકાર ભારે ખોટ ખાઇને પેટ્રોલ વેચે છે. એટલે કે ગ્રાહકોને મોંધું લાગતું પેટ્રોલ, સરકારની સબસિડી ન હોય તો, હજુ વઘુ મોંધું થાય. ક્રુડ ઓઇલના ભાવ ઘટે, તો સરકારને વેઠવી પડતી ખોટમાં થોડી રાહત મળે. પરંતુ તેની ખોટ એટલી મોટી છે કે સરકારને લાંબા સમય સુધી એ ખોટ કરવાનું પરવડે નહીં. આ કારણથી સરકાર પોતાની ખોટ ઘટાડવા માટે ધીમી ગતિએ ભાવવધારાનો આશ્રય લે છે, જેથી ગ્રાહકો પર એકસામટો બોજો પડે નહીં.
ગયા વર્ષથી સરકારે પેટ્રોલને અંકુશમુક્ત કરી દીઘું. તેની પાછળનાં હાર્દ અને આદર્શ એવાં હતાં કે હવે અર્થતંત્રનાં બીજાં પરિબળો ઉપરાંત સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય બજારનાં પરિબળોથી - માર્કેટ ફોર્સીસથી- પેટ્રોલના ભાવ નક્કી થશે. એ પ્રમાણે, ભાવની વધઘટનો નિર્ણય હવે સરકારી મંત્રાલય નહીં, પણ (ઇન્ડિયન ઓઇલ જેવી) સરકારની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ લે છે. પરંતુ તાત્ત્વિક રીતે બઘું એકનું એક જ છે. કેમ કે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સરકારી છે. પેટ્રોલ ‘સસ્તું’ આપવાને લીધે તેમને વેઠવી પડતી ખોટ છેવટે સરકાર પોતે જ ભરપાઇ કરે છે.
એ જ રીતે, ભાવવધારા-ઘટાડાનો નિર્ણય ટેકનિકલ હોવા છતાં, રાજકીય સાહેબોની સંમતિ વિના જાહેર થઇ શકતો નથી. એટલું જ નહીં, લેટેસ્ટ ભાવવધારાનું બૂમરાણ મચ્યું ત્યારે સરકારી ઓઇલ કંપનીઓના સાહેબોએ કહી દીઘું હતું કે સરકાર કહે તો અમે ભાવઘટાડો કરવા તૈયાર છીએ. આમ, કાગળ પર પેટ્રોલના ભાવ કંપનીઓ નક્કી કરે છે. છતાં વાસ્તવમાં સરકાર ચાહે ત્યારે તેમાં વધઘટ કરાવી શકે છે.
બીજા દેશોની સરખામણીમાં ભારતમાં પેટ્રોલના ભાવ તોતિંગ છે?
ભાવવધારાનો વિરોધ કરનારાથી માંડીને દેશી લોકોનાં અમેરિકન સગાંસંબંધીઓ ઘણી વાર કહે છે કે ‘અમારે ત્યાં ગેસ બહુ સસ્તો.’ એ વખતે સાંભળનાર ખભા ઉલાળીને કહે છે, ‘હોય. અમેરિકા લશ્કરનો આટલો મોટો ખર્ચો શાના માટે વેઠે છે? તેલિયા દેશોમા લોકશાહી સ્થાપવાની માળા શું કરવા જપે છે? તમને પેટ્રોલ સસ્તા ભાવે મળી રહે એટલા માટે.’
આ આશ્વાસન સાચું હોવા છતાં, તેમાંથી સંપૂર્ણ ચિત્ર મળતું નથી. કેમ કે, સવાલ ફક્ત અમેરિકા જેવા દેશોનો નથી. એક અભ્યાસીએ ૨૦૦૮ થી ૨૦૧૧ની શરૂઆત સુધીના ગાળામાં ભારત અને અમેરિકા ઉપરાંત કેનેડા, શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશોમાં પેટ્રોલના સરેરાશ ભાવની સરખામણી પણ આપી હતી. તેના આંકડા પર એક નજર નાખવાથી ચિત્રનો થોડો ખ્યાલ આવશે. દરેક ભાવ લિટર દીઠ અને એ સમયના વિનિમય દર પ્રમાણે રૂપિયામાં છે.
ભારત: રૂ.૫૦.૬૫ (૨૦૦૮), રૂ.૫૨.૫૩ (૨૦૧૦) અને રૂ.૫૬.૫૨ (૨૦૧૧). હવે તેની સરખામણીમાં બીજા દેશોનો ભાવ જુઓ.
પાકિસ્તાનઃ રૂ.૩૦.૫૪ (૨૦૦૮), રૂ.૩૧.૪૩ (૨૦૧૦), રૂ.૩૯.૨૨ (૨૦૧૧).
શ્રીલંકા રૂ.૫૪.૧૨ (૨૦૦૮), રૂ.૪૦.૬ (૨૦૧૦), રૂ.૪૭.૦૪ (૨૦૧૧)
કેનેડા રૂ.૨૬.૫૯ (૨૦૦૮), રૂ.૩૫.૯૯ (૨૦૧૦), રૂ.૫૩.૦૧ (૨૦૧૧)
અમેરિકાઃ રૂ.૧૭.૫૭ (૨૦૦૮), રૂ.૨૬.૨૫ (૨૦૧૦) અને રૂ.૩૯.૬૪ (૨૦૧૧)
આમ, ૨૦૦૮માં શ્રીલંકાને બાદ કરતાં બધી વખતે ભારતમાં પેટ્રોલનો ભાવ સૌથી વધારે હતો. કેનેડા જેવા દેશમાં ત્રણ વર્ષમાં પેટ્રોલનો ભાવ લગભગ બમણા જેવો થઇ ગયો હોવા છતાં, તે ભારત કરતાં ઓછો હતો, જ્યારે પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ ભારતની સરખામણીએ અડધાથી થોડોક જ વધારે હતો.
પેટ્રોલ સિવાયનાં બળતણોનું શું?
સરકારી મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ) દ્વારા ૨૦૦૯-૧૦માં અપાયેલા આંકડા પ્રમાણે, ડીઝલ અને કેરોસીનના ભારતના અને આંતરરાષ્ટ્રિય (અખાતી દેશોના) ભાવમાં પેટ્રોલના ભાવ જેટલો મોટો તફાવત ન હતો. ગરીબોનું બળતણ ગણાતા કેરોસીનનો ૨૦૦૨-૦૩માં આંતરરાષ્ટ્રિય બજારમાં ભાવ રૂ.૮.૯૪ (પ્રતિ લિટર) અને ભારતમાં રૂ.૮.૯૮ (પ્રતિ લિટર) હતો, જે ૨૦૦૯-૧૦માં અનુક્રમે રૂ.૨૨.૯૧ અને રૂ.૯.૩૨ થયો. એટલે કે કેરોસીન અખાતી આરબ દેશો કરતાં ભારતમાં બે થી અઢી ગણું સસ્તું થયું.
ડિઝલની વાત કરીએ તો, ૨૦૦૨-૦૩માં આંતરરાષ્ટ્રિય બજારમાં તેનો ભાવ રૂ.૮.૮૩ (પ્રતિ લિટર) અને ભારતમાં રૂ.૨૨.૧૨ પ્રતિ લિટર હતો. વર્ષ ૨૦૦૯-૧૦માં તે અનુક્રમે રૂ.૨૨.૭૦ અને (ભારતમાં) રૂ.૩૮.૧૦ થયો. એટલે કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય ભાવો વચ્ચે રહેલો તફાવત નોંધપાત્ર રીતે ઘટ્યો.
ભારત સરકારની સબસિડીના પ્રતાપે અને આ ચીજોની કિંમત નક્કી કરવાનું કામ સરકારને હસ્તક હોવાથી, એ શક્ય બન્યું. આ બન્ને ચીજોને ગરીબલક્ષી ગણીને તેને પેટ્રોલની સરખામણીમાં વિશેષ લાભ આપવામાં આવતો હતો. એ જ કારણસર કેરોસીન-ડિઝલનો ભાવ પેટ્રોલની સરખામણીમાં ઓછા વધતા હતા-વધે છે. ડીઝલમાં સરકાર દ્વારા અપાતી સબસિડી અને તેને ખાવી પડતી ખોટની સામે થતી એક દલીલ એવી છે કે ઘણી વૈભવી કાર ડીઝલ પર ચાલે છે. એ ચલાવનાર ધનિક વર્ગ બિનજરૂરી રીતે ડીઝલ પરની સરકારી સબસિડીનો લાભ ખાટી જાય છે અને પેટ્રોલનાં વાહન ચલાવનારને એ લાભ મળતો નથી.
આ દલીલ સાચી છે, પરંતુ ડીઝલના ભાવવધારાની સીધી અસર વાહનવ્યવહાર સાથે અને તેના દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચતી ચીજવસ્તુઓના ભાવ સાથે સંકળાયેલી છે. ડીઝલના ભાવ વધે તે સાથે જ ખાધાખોરાકીથી માંડીને કલ્પના પણ ન આવે એવી ચીજોના ભાવમાં વધારો ઝીંકાઇ શકે છે, જે ગરીબમાં ગરીબ માણસને સ્પર્શે છે. એ કારણથી સરકાર ડીઝલના ભાવ સાવચેતીપૂર્વક અને ફૂંકી ફૂંકીને વધારે છે. તેની સરખામણીમાં પેટ્રોલના ભાવવધારાની અસર સીધી રીતે ‘આમઆદમી’ (પેટ્રોલીયા વાહન પરવડતું ન હોય એવા ગરીબો) પર પડતી નથી. એટલે થોડા હોબાળા પછી બધું શાંત પડી જાય છે.
ડીઝલની સબસિડીનો ઉપયોગ ધનિકોની મોંઘીદાટ કારના બળતણમાં ન થાય એ માટે સરકાર પક્ષે યોગ્ય પગલાં લેવાની જરૂર છે. પરંતુ આ મુદ્દા પૂરતી એ આડવાત થઇ. કરોડો રૂપિયાનો સવાલ એ છે કે પેટ્રોલ હોય કે ડીઝલ, સરકાર દાવો કરે છે તેમ, આ ધંધામાં તે ખરેખર ખોટ ખાય છે? કે પછી સરકારી- ઓઇલ કંપનીઓના આંકડામાં રજૂ થતી તોતિંગ ખોટ આંકડાની માયાજાળનો એક ભાગ છે? કેરળની હાઇકોર્ટે શા માટે સરકારી અને ખાનગી ઓઇલ કંપનીઓને પોતાના ચોપડા-સરવૈયાં બતાવવા કહ્યું છે?
(આ સવાલના જવાબ સહિત બીજી કેટલીક નક્કર હકીકતો આવતા સપ્તાહે)
Subscribe to:
Posts (Atom)



