Showing posts with label saarthak jalso/સાર્થક જલસો. Show all posts
Showing posts with label saarthak jalso/સાર્થક જલસો. Show all posts

Saturday, April 06, 2019

સાર્થક પ્રકાશન : સાતમા વર્ષમાં ડગ માંડતાં...

થોડા મિત્રો ભેગા મળીને પ્રકાશન શરૂ કરવાનું વિચારે ત્યારે શાણા માણસો બે સલાહ આપેઃ

૧) ભેગા મળવું સહેલું છે, ભેગા રહેવું અઘરું છે. ઉત્સાહ નહીં ટકે. ઊલટું, હશે એટલી દોસ્તીમાં પણ તિરાડો પડશે. માટે, આ કરવું રહેવા દો.
૨) છતાં સાથે મળીને કામ કરવું હોય તો બીજું કંઈક શોધો, પણ પ્રકાશન? કભી નહીં. એ તો સો ટકા દુઃખી થવાનો ધંધો છે—ફક્ત દુઃખી થવાનો જ નહીં, રૂપિયા ખોવાનો પણ ખરો.

આવી સલાહ અમે કોઈને આપી હશે ને અમને મળી હતી પણ ખરી. છતાં, મિત્રો સાથે મળીને પ્રકાશન કરવાનું વિચાર્યું ત્યારે ઉભરાવાની ઉંમર રહી ન હતી. કઠણ અને કડવી વાસ્તવિકતાઓનો પરિચય હતો. અપેક્ષાઓ માપમાં હતી. અમુક હદ સુધીના પોસાય એટલા રૂપિયા ગુમાવવાની તૈયારી હતી. એટલે એપ્રિલ ૬, ૨૦૧૩ના રોજ સાર્થક પ્રકાશનની શરૂઆત થઈ.

ત્યાર પછી નાનામોટા બમ્પ આવ્યા, પણ ચાલકો ઠરેલ હતા. એકબીજાને જાળવી લે એવા. એટલે હળવા ને શોષાઈ જાય એટલા આંચકાથી વિશેષ કશું અનુભવાયું નહીં. પ્રકાશન શરૂ કર્યું ત્યારે મનગમતાં પુસ્તકો આર્થિક મર્યાદાની હદમાં રહીને કરવાં, એવો ખ્યાલ હતો. થોડા સમય પછી અમારી રૂચિ અને પસંદગીનાં ધોરણ પ્રમાણેનું છ માસિક કાઢવાનો વિચાર આવ્યો. દિલ્હીસ્થિત મિત્ર અમિત જોશીની દિવાળી અંકો વિશેની ટીકાટીપ્પણી તેના મૂળમાં. વાચક તરીકેની એ બળતરામાંથી ‘સાર્થક જલસો’ છ માસિકનો જન્મ થયો. ત્યારથી એક પણ ખાડો પાડ્યા વિના ‘સાર્થક જલસો’ના ૧૧ અંક પ્રગટ થયા. (મે ૨૦૧૯માં આવનારા ૧૨મા અંકની તૈયારી ચાલે છે.)

તેના ત્રણ-ચાર અંક પછી ગુરુજન રતિલાલ બોરીસાગરે કહ્યું હતું કે આવી જ ગુણવત્તાના દસ-બાર અંક નીકળે તો ‘સાર્થક જલસો’નું ગુજરાતી સામયિકોમાં વિશિષ્ટ સ્થાન ઊભું થાય અને તેને ‘વીસમી સદી’ જેવા સામયિકની પરંપરામાં મૂકી શકાય. અમારા પક્ષે એટલું જ કહેવાનું કે ૧૧ અંકમાં અમે કદી અણગમતું કે વ્યવહાર ખાતર કે શરમાશરમીમાં કશું છાપ્યું નથી (ને છાપવાના પણ નથી). અમારી સમજ અને અમારા આગ્રહો સાથે કોઈની અસંમતિ હોઈ શકે. પણ અમારા મનમાં અમારે શું કરવાનું અને ખાસ તો, શું નહીં કરવાનું એ સ્પષ્ટ છે. એટલે જ, દરેક વખતે સાર્થક જલસો કાઢતી વખતે લાગે છે કે આ વખતે ગઈ વખત કરતાં પણ વધારે મઝા પડી રહી છે. આવું ન લાગે ત્યારે અંક ન કાઢવો—એવું મનમાં હોવાથી, ઘણા મિત્રોના આગ્રહ છતાં, હજુ સુધી લવાજમ લેવાનું શરૂ કર્યું નથી. પાંચ-છ અંક પછી હવે ખપતું મૅટર મળી રહેશે એવો આત્મવિશ્વાસ આવ્યો હોવા છતાં, લવાજમ લેવામાં હજુ ખચકાટ થાય છે.

‘સાર્થક જલસો’ની એક આડકતરી પણ મોટી ઉપલબ્ધિ એ થઈ કે તેમાં લખનારા અને એ સિવાય અમારી સાથે દોસ્તી-પ્રેમ-આદરથી સંકળાયેલા ઘણા લોકોની એક અનૌપચારિક બિરાદરી ઊભી થઈ. એકબીજાના સંપર્કમાં ન રહેલા સારા માણસો એકબીજા સાથે હળેમળે, એકબીજામાંથી આધાર મેળવે ને એકબીજાને આધાર આપે, વિચારોની-કામગીરીની આપલે કરે અને મૂળભૂત માનવીય મૂલ્યોમાં વિશ્વાસ ધરાવતા લોકોનું વર્તુળ વિસ્તરે, એવું પણ ઠીક ઠીક પ્રમાણમાં શક્ય બન્યું છે.

સાર્થક પ્રકાશન શરૂ થયું ત્યારે ‘સાર્થક જલસો’ એજેન્ડામાં ન હતો. કદાચ એટલે જ એ સૌથી નિયમિત પ્રકાશન બન્યો છે. પુસ્તકોના મામલે અમારું કામ ધીમું છે. મિત્રોની ધીરજની કસોટી કરે એટલું ધીમું. ‘સાર્થક જલસો’માં જાહેરખબરો આવી ગયાના વર્ષ-બબ્બે વર્ષ પછી પણ પુસ્તકો આવ્યાં ન હોય એવું બન્યું છે. તેનાં ઘણાં કારણ છે, પણ તેમાંનું એકેય આર્થિક નથી. મુખ્ય કારણ એ છે કે અમારી કોઈની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ આ નથી. આર્થિક ઉપરાંત આનંદની પ્રવૃત્તિઓ-રસના વિષયો પણ બીજા ઘણા છે. એ ઉપરાંત અમારા મિત્રોના મૂડ અને ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ જેવા પુસ્તકમાં એક-એક લીટીનો અનુવાદ જોવાની ઝીણવટ જેવાં કેટલાંક વાજબી કારણોથી પણ મોડું થાય છે—થતું રહ્યું છે. પણ હવે આ વર્ષમાં થોડાં વધુ પુસ્તકો આણવાની અમારી ઇચ્છા અને પ્રયાસ છે.
Books Published by Saarthak Prakashan/ સાર્થક પ્રકાશનનાં પુસ્તકો

11 issues of Saarthak Prakashan/સાર્થક જલસોના ૧૧ અંક

***

દીપક સોલિયા, ઉર્વીશ કોઠારી, ધૈવત ત્રિવેદી—આટલા લેખકમિત્રો અને વહીવટી (એટલે કે લગભગ બધાં) કામ સંભાળનારા મિત્ર કાર્તિક શાહ. આ સાર્થક પ્રકાશનની સ્થાપના વખતના ચાર જણ. પરમ મિત્ર અને ઉત્તમ ડીઝાઇનર અપૂર્વ આશર શરૂઆતમાં સક્રિય રીતે અને પછી વ્યસ્તતાઓને કારણે સલાહસૂચનની રીતે અડીખમ અને મજબૂત ટેકો છે. તેમના વિના સાર્થકનાં આરંભિક પ્રકાશનોની જે ઉમદા છાપ ઊભી થઈ, તે આ હદે કદાચ ન થઈ હોત. બીરેન કોઠારી આમ તો સાથે જ હતો. પછી ‘સાર્થક જલસો’ના સાથી સંપાદક તરીકે તેનો સત્તાવાર પ્રવેશ પણ થયો. બિનીત મોદીનું ઘર ઘણા સમય સુધી ‘સાર્થક’નું સરનામું રહ્યું. કાર્તિકભાઈના ભાઈ અમિતભાઈએ પણ સાર્થકના કામમાં હોંશભેર મદદ કરી—કેવળ વ્યક્તિગત લાગણી અને સારા કામને મદદ કરવાના શુભ હેતુથી.બુકશૅલ્ફના હેમેન્દ્રભાઈ વ્યાવસાયિક બાબતમાં સોલ ડિસ્ટ્રીબ્યુટર તરીકે સહભાગી રહ્યા.  શર્મિલી પટેલ અને અનિશ દેસાઈએ સાર્થક પ્રકાશનની વેબસાઈટ શરૂ કરી આપી. અનિશ તેમના વ્યસ્ત કામમાંથી વચ્ચે વચ્ચે સમય કાઢીને નવાં પ્રકાશનો અપડેટ કરી આપે છે. (હવે તમારા સૂચન પ્રમાણે સાઇટ નવી કરવાનો સમય થઈ ગયો છે, અનિશ)

મિત્ર વિવેક દેસાઈએ ‘સાર્થક જલસો’ને તસવીરો ને લેખો ઉપરાંત ‘નવજીવન’ થકી જાહેરખબરનો ટેકો કર્યો. ગુરુ રજનીકુમાર પંડ્યા પણ જાહેરખબરમાં મદદરૂપ થયા. ‘બુકશૅલ્ફ’ના હેમેન્દ્રભાઈ અને મનુભાઈ શાહ (ગુર્જર પ્રકાશન) પણ ‘સાર્થક જલસો’માં સદ્ભભાવથી જાહેરાત આપે છે. ‘બુકપબ’ના કિરણભાઈ ઠાકર પણ. (આવી બીજી મદદો આવકાર્ય છે). સાર્થકનાં તમામ પ્રકાશનો યુનિક ઑફસૅટમાં છપાય છે. ‘યુનિક’ના મેહુલભાઈ પણ સાર્થકના વિસ્તરેલા પરિવારમાં છે.

અપૂર્વ આશરની વ્યસ્તતા પછી ડિઝાઇનર મિત્ર ફરીદ શેખ અને ‘સાર્થક જલસો’ના ગયા અંકથી આર્ટમણિવાળા, ઇન્ડિયા ટુડ઼ે ગુજરાતીના જમાનાના મિત્ર મણિલાલ રાજપુત ‘સાર્થક જલસો’નું ડિઝાઇનિંગ કરે છે. આ સિવાય કેટકેટલા સાથીદારો-શુભેચ્છકો-લેખકો-વડીલોએ તેમની લાગણીથી સાર્થક પ્રકાશનને પોષ્યું છે, તેમની ઉદારતાથી અમારી ઢીલાશ નભાવી છે, તે એક જ આશાએ કે અમે કદી ગુણવત્તા સાથે બાંધછોડ નહીં કરીએ અને અમારી મહત્તમ ક્ષમતા પ્રમાણેનું ઉત્તમ કામ આપીશું.

એ આશા પાર પાડવામાં અમે કદી ઊણા ન ઉતરીએ, એવી પૂરી તૈયારી અને પ્રયાસો સાથે અમે અમારું કામ ચાલુ રાખીશું. તમને એ ગમે તો અત્યાર સુધી થયા છો એવી જ રીતે, તેના પ્રચારપ્રસારમાં ને બીજી રીતે શક્ય એટલા મદદરૂપ થજો. અમારા જેવા બિનવ્યાવસાયિકો જાહેરખબર મેળવવાની બાબતમાં અને પ્રચારપ્રસારના-વિતરણના કામમાં હંમેશાં ઊણા ઉતરે છે. ગરીમા ચૂક્યા વિના તેમાં જેટલી મદદ થઈ શકે એટલી કરજો. અમે તમને લટુડાંપટુડાં નહીં કરીએ, શુદ્ધ ગુજરાતીમાં જ વાત કરીશું. કારણ કે, અમારે તમને અમારી ક્ષમતામાં રહીને કંઈક નક્કર અને પોષક આપવું છે. અત્યાર સુધી તમારો સહકાર મળ્યો છે તેનો આનંદ છે અને કૃતજ્ઞતા પણ ખરી. મિત્રો-સ્નેહીઓના સાચા પ્રેમનો પાર નથી. તેમના પ્રત્યે ઊંડા સ્નેહની અનુભૂતિ મનમાં હંમેશાં રહે છે. આવી લાગણી સાથે સાતમા વર્ષમાં ડગ માંડતી વખતે અપાર સાત્ત્વિક આનંદ ઉપજે છે. તેના માટેનો બીજો શબ્દપ્રયોગ છેઃ સાર્થક જલસો.

Thursday, April 06, 2017

સાર્થક પ્રકાશનઃ પાંચમા વર્ષે...

ગુરુજનોની હાજરીમાં, મિત્રો-સ્નેહીઓની સાખે સાર્થક પ્રકાશનનો પ્રારંભ
લોકોને વાંચવાનો ટાઇમ જ નથી...ગુજરાતીઓ વાંચે છે જ ક્યાં...ગુજરાતી ભાષા મરવા પડી છે... સારાં પુસ્તકો કોણ ખરીદે?... પુસ્તકો વેચાઈ વેચાઈને કેટલાં વેચાય?...સાચાજૂઠાનું મિશ્રણ ધરાવતી આવી અનેક વાતો શ્વાસની સાથે અંદર અને ઉચ્છવાસની સાથે બહાર આવતી હોય, ત્યારે ખાતરીપૂર્વક, ન જ કરવા જેવું કામ જો કોઈ હોય તો એ પ્રકાશન શરૂ કરવાનું.

અને એ અમે કર્યું. ચાર વર્ષ પહેલાં. શરૂઆત કરનારા અમે ચાર. દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી, કાર્તિક શાહ અને ઉર્વીશ કોઠારી. ખ્યાલ એવો હતો કે લખનારાનું એક પ્રકાશન હોય. (આ વિચારમાં  અશ્વિનીભાઈની---અશ્વિની ભટ્ટની--સોબતની થોડી અસર પણ હોઈ શકે છે.)  દીપકને, ધૈવતને કે મારે પોતાનાં પુસ્તકો પ્રસિદ્ધ કરવા માટે પ્રકાશકની મુશ્કેલી પડે તેમ ન હતી. પણ ખ્યાલ એવો હતો કે બીજાં પણ થોડાં ગમતાં પુસ્તક પ્રકાશિત કરી શકાય. કેટલાંક પુસ્તક એવાં હોય છે કે વ્યાવસાયિક પ્રકાશકોને તેમાં રસ ન પડે અને આપણને તે કરવાં (ફરજના અર્થમાં) ધર્મરૂપ લાગતાં હોય.  એવું કંઈ હોય તો કોઈને પૂછવાની કે કોઈની મંજૂરી લેવાની ન રહે અને સ્વતંત્રતાથી નિર્ણય લઈ શકાય, એ માટે પ્રકાશન શરૂ કરવાનો વિચાર આવ્યો. (સાર્થક પ્રકાશનનો ઉલ્લેખ ધરાવતો પ્રતિલિપિ પરનો મારા ઇન્ટરવ્યુની લિન્ક )

પ્રકાશન શરૂ કરવાનાં કારણ એક-બે હતાં અને તે કેમ શરૂ ન કરવું જોઇએ, તેનાં કારણ (આરંભે જણાવ્યાં તેમ) ઘણાં હતાં. છતાં, લેખકો-મિત્રો દીપક-ધૈવતના સાથ, મિત્ર અને આર્થિક બાબતોના નિષ્ણાત એમ બન્ને ભૂમિકા એકસરખી ઉત્કટતાથી અદા કરનાર કાર્તિક શાહના ભારે સાથસહયોગ- માર્ગદર્શન તથા પુસ્તકક્ષેત્રની તમામ કળાઓના પારંગત અપૂર્વ આશરના સક્રિય સહકારથી આ સાહસ નામે સાર્થક પ્રકાશન શરૂ થઈ શક્યું.

એ વખતે ફક્ત પુસ્તક પ્રકાશનનો ખ્યાલ હતો, પણ મોટા ભાઈ બીરેન કોઠારી,  પરમ મિત્ર અમિત જોશી અને બીજા પણ થોડા મિત્રોના ઉત્સાહથી એક સામયિકનો વિચાર આવ્યો. તેમાંથી છ માસિક 'સાર્થક જલસો’નો જન્મ થયો અને જોતજોતાંમાં તે સાર્થકનું અત્યંત સંતોષ આપનારું કામ બની રહ્યું. આ મહિનાના અંતભાગમાં તેનો સળંગ આઠમો અંક આવશે. (સાર્થક જલસો વિશે સિડનીના સુરસંવાદ રેડિયોનાં આરાધના ભટ્ટે લીધેલા ઇન્ટરવ્યુની લિન્ક)

‘સાર્થક’નાં ચાર વર્ષ વિશે દીપકે તેમની અનોખી શૈલીમાં ફેસબુક પર લખ્યું છે. તે પ્રમાણે, પુસ્તકોના મામલે અમે કરવું જોઇએ એટલું કામ સંખ્યાની રીતે કરી શક્યા નથી. હજુ થોડાં વધારે પુસ્તક થઈ શકે એમ હતાં. આ વર્ષે અમે એ કસર સરભર કરવા કોશિશ કરી રહ્યા છીએ. એવી જ રીતે 'સાર્થક જલસો’ સારું વાચન ઝંખતા ઘણા મિત્રોને--અને વાચક તરીકે અમને પણ—જલસો પાડે છે.  દરેક 'જલસો' વખતે થતા લેખકો-સાથીદારો-વડીલોના મેળાવડામાં ક્યારેક રમેશ ઓઝા અને નીલેશ રૂપાપરા જેવા વડીલો-મિત્રો  છેક મુંબઈથી ચહીને આવે છે, તો અમદાવાદના ઘણા વડીલ ગુરૂજનો પ્રતિકૂળતાની પરવા કર્યા વિના અચૂક અને નિરાંતે હાજરી આપે છે. લેખન-પત્રકારત્વ-જાહેર જીવન-વિચાર જેવાં કેટલાંક ક્ષેત્રોના ઉત્તમ કહેવાય એવા અને ત્રણ પેઢીના પ્રતિનિધિ એવા મિત્રો-વડીલો એ અનૌપચારિક મિલનને ખરેખરો 'જલસો' બનાવે છે. આ પરમ સંતોષની સાથે એ વાત પણ ખરી કે પુસ્તકો અને 'સાર્થક જલસો’ આ બન્નેના પ્રચારપ્રસારમાં અમે અા ચાર વર્ષમાં પૂરતું ધ્યાન આપી શક્યા નથી.

યુવાન મિત્રો અનીશ દેસાઇ અને શર્મિલી પટેલના પ્રેમભાવથી સાર્થકની વેબસાઈટ શરૂ કરી, જેનું લોન્ચિંગ અમે (ગુજરાતના જાહેર જીવન અને લેખનમાં જેમનું નામ બહુ આદરપૂર્વક લેવાવું જોઇએ અને સાર્થક મિત્રમંડળમાં તેમનું એવું જ સ્થાન છે એવા) ચંદુભાઇ મહેરિયાના હાથે કરાવ્યું હતું.)  તેના કારણે ઓનલાઇન ઓર્ડરની વ્યવસ્થા ઉભી થઈ શકી. પરંતુ સાતત્યપૂર્વકના પ્રચારપ્રસારના અભાવે હજુ એવા ઘણા લોકો સુધી સાર્થકનાં પુસ્તકો અને 'સાર્થક જલસો’ની વાત પહોંચી નથી.  માટે, આવનારા વર્ષમાં અમે આ બન્નેની વાત વધુ લોકો સુધી પહોંચાડવા ઇચ્છીએ છીએ.  તેના માટે તમારા, વધુ ને વધુ મિત્રોના સહકારની અને સૂચનોની માગણી અમે દોસ્તીદાવે કરીએ છીએ.

કેટલાક મિત્રો અમને પણ આનંદ અને આશ્ચર્ય થાય એટલા ઉમળકાથી સાર્થકનાં પુસ્તકો અને જલસોનો પ્રસાર કરી રહ્યા છે. તેમના અમે ફક્ત આભારી જ નથી.  તેમની આ ચેષ્ટા અમને કામ કરવાનું બળ પૂરું પાડે છે. કેમ કે, અમે પણ માણસ જ છીએ. આશા-નિરાશા, થાક-કંટાળો, ધીરજ-ખીજ જેવા અનેક લાગણીઓ ક્યારેક અમને પણ થતી હોય છે. એ વખતે એક તરફ સાર્થક દ્વારા થયેલા કામ પર અને બીજી તરફ આ મિત્રોની લાગણી પર નજર નાખવાથી અમારું તત્કાળ રિચાર્જિંગ થઈ જાય છે.

દીપકે તેમના લેખમાં 'સાર્થક' દ્વારા આ વર્ષે પ્રગટ થનારા એક મહત્ત્વના પુસ્તક તરફ ઇશારો કર્યો છે. તેમણે સસ્પેન્સ રાખ્યું છે, તો મારે પણ રાખવું જ પડે..બસ, જલસો-૮ સુધી રાહ જુઓ. તેમાં એક નહીં, બબ્બે મોટી જાહેરાતો સાર્થક પ્રકાશન દ્વારા થશે. આ બન્નેનો અમારે મન—અને અમને માથા સુધી ખાતરી છે કે ગુજરાતી વાંચનારાને મન—પણ ભારે મહિમા હોવાનો છે..બસ, વધુ ત્રણ અઠવાડિયાંની પ્રતિક્ષા.

'સાર્થક પ્રકાશન’ પહેલેથી વાચકોની રુચિ સંતોષવા ઉપરાંત તેમની રુચિ (અમારી સમજ પ્રમાણે) ઘડવામાં પણ માને છે. એટલે, 'સાર્થક જલસો’માં ઘણા બિનપરંપરાગત અને ગુજરાતી ભાષામાં બીજે ક્યાંય વાંચવા ન મળે એવા અનોખા લેખો આવે છે. 'સાર્થક પ્રકાશન’નાં ઘણાં પુસ્તક પણ એટલા માટે જ વિશિષ્ટ હોય છે--અને એટલે જ તેના પ્રચારપ્રસારમાં તમે સૌ મિત્રો યથાશક્તિ મદદરૂપ થાવ એવી અપીલ અને અપેક્ષા રાખીએ છીએ અને અમે અમારી મર્યાદામાં રહીને તમારા સુધી પહોંચવાના શક્ય એટલા પ્રયાસ કરવાની ખાતરી આપીએ છીએ.

સાર્થકના સૌ વાચકો-શુભેચ્છકો-મદદગારો-મિત્રો અને વડીલો સામે ભાવપૂર્વક માથું ઝુકાવીને આદર વ્યક્ત કરીએ છીએ

સાર્થક પ્રકાશનના આરંભની વાત વાંચવા માટેની લિન્ક
સાર્થક પ્રકાશન ઉત્સવ-1
સાર્થક પ્રકાશ ઉત્સવ-2
સાર્થક પ્રકાશન ઉત્સવ-3
સાર્થક પ્રકાશન ઉત્સવ-4
સાર્થક પ્રકાશન ઉત્સવ-5

Wednesday, November 20, 2013

’સાર્થક જલસો’ હવે ઇ-સ્વરૂપે

પહેલા જ અંકથી નક્કર વાચનસામગ્રી દ્વારા તાજી હવા પ્રસરાવનાર સાર્થક જલસો સામયિકનો પહેલો અંક હવે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી શકાય એ સ્વરૂપે આવી ગયો છે.  દેશવિદેશમાં રહેતા નક્કર વાચનના પ્રેમીઓ ૦.૯૯ સેન્ટ (આશરે રૂ.૬૧)ની કિંમતે જલસોની કોપી ડાઉનલોડ કરી શકશે. તે કમ્પ્યુટર ઉપરાંત આઇપેડ, કિન્ડલ, ટેબ્લેટ જેવાં તમામ સાધનો પર ડાઉનલોડ કરી શકાશે. એ માટેની લિન્ક 



વાચનનો ’જલસો’ માણવા ઇચ્છતા મિત્રોએ પહેલી વાર www.magzter.com પર ફ્રી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ઉપર આપેલી લિન્ક પર નમૂના લેખે સાર્થક જલસોના અનુક્રમનાં બે પાનાં અને બે લેખની ઝલક જોવા મળી શકે છે. સાર્થક જલસોનો મુખ્ય ભાર લેખકોને બદલે લેખો પર છે. ઓછાં જાણીતાં-અજાણ્યાં નામ પ્રત્યે છોછ અને જાણીતાં-પ્રસિદ્ધ નામ પ્રત્યે અહોભાવ રાખ્યા વિના, જલસોમાં કેવળ ઉત્તમ વાચનસામગ્રી આપવાનો ખ્યાલ છે. ’સાર્થક જલસોના પહેલા અંકને મળેલા સોલ્ડ આઉટ પ્રતિભાવ પછી અમારી દિશા સાચી હોવાની ઉત્સાહજનક પ્રતીતિ અમને થઇ છે. 

જલસોના છપાયેલા સ્વરૂપને અને નક્કર-નવીનતાભરી-વૈવિધ્યપૂર્ણ વાચનસામગ્રી આપવાના અમારા પહેલા જ પ્રયાસને ઉમળકાથી વધાવનારા સૌ વાચકમિત્રોનો હૃદયપૂર્વક આભાર અને જેમને જલસો ગમ્યો હોય તેમને ’જલસોની ઇ-કોપીની લિન્ક તેમનાં દેશપરદેશ વસતાં સગાંસ્નેહી વાચનપ્રેમીઓ સાથે શેર કરવા ખાસ વિનંતી.

Saturday, November 02, 2013

1000મી પોસ્ટનો ‘સાર્થક જલસો’ : આનંદ, સંતોષ, આભાર..

પાંચેક વર્ષ પહેલાં બ્લોગિંગ શરૂ કર્યું ત્યારે મનમાં કોઇ ચોક્કસ  ઘ્યેય ન હતું- સિવાય કે અભિવ્યક્તિસ્વાતંત્ર્ય અને કોલમમાં ન આવરી શકાય એવા, ક્યારેક અંગતતાનો સંસ્પર્શ ધરાવતા, વિવિધ વિષયો પર લખતા રહેવાનો વિચાર.

બ્લોગની સફર એક હજારમી પોસ્ટે પહોંચી છે ત્યારે, આંકડાનું વિશેષ માહત્મ્ય ન હોવા છતાં, લેખનનું સાતત્ય જળવાયું એ વિચારે સંતોષ થાય છે. છેલ્લા ઘણા સમયથી ‘ગુજરાત સમાચાર’માં અઠવાડિયે ત્રણ વાર પ્રગટ થતી કોલમના ઘણાખરા લેખ બ્લોગમાં મૂકું છું. સંખ્યાપ્રેમીઓને જણાવવાનું કે પાંચ વર્ષ કરતાં વઘુ સમયના બ્લોગલેખનમાં ૧,૦૦૦માંથી ૪૦૦થી વઘુ પોસ્ટ એવી છે કે કેવળ બ્લોગ માટે તૈયાર કરી હોય. એટલે કે, બ્લોગ ન હોત તો આ લખાણો-તસવીરો-વિડીયો પણ ન મુકાયાં હોત.

બ્લોગથી મળેલા મિત્રો વિશે વિચારતાં મનમાં સાર્થકતાની લાગણી જાગે છે. ઘણા વખતથી અંગત ડાયરી લખવાનું બંધ કર્યું હતું, પરંતુ ‘બત્રીસ કોઠે હાસ્ય’ પુસ્તકની તૈયારી, એ નિમિત્તે ભરાયેલી ગુજરાતી સાહિત્ય-લેખનના ઇતિહાસની અભૂતપૂર્વ અદાલત, મારો બીજો કોલેજકાળ, તેમાં જીવનમાં પહેલી (કદાચ છેલ્લી) વાર ભજવેલાં નાટકો, મારી પ્રિય વ્યક્તિઓની વિદાયનોંધો, પ્રકાશનક્ષેત્રે પ્રવેશ, પ્રિય વ્યક્તિઓ સાથેની અનૌપચારિક મુલાકાત-નોંધો, કેટલાક સમારંભોના વિગતવાર અને ક્યાંય પ્રગટ ન થયેલા સમીક્ષાત્મક અહેવાલ, તીખી ટીપ્પણીઓ...આવું ઘણું બ્લોગનિમિત્તે સચવાયું અને સમરસિયાઓ સાથે વહેંચી શકાયું એનો ભારે સંતોષ છે.

અશ્વિની ભટ્ટ જેવા ગુરૂજન ઉપરાંત આયેશા ખાન, અમૃતા શાહ, નિશા પરીખ જેવાં મિત્રોનાં અંગ્રેજી લખાણ આ બ્લોગ પર પ્રગટ કરવા માટે મળ્યાં છે એ વધારાનો આનંદ છે. શરૂઆતનાં વર્ષોમાં ઘણી તસવીરો બિનીત મોદી પાસેથી મળી હતી. હવે બિનીતનો પોતાનો જ બ્લોગ છે. છતાં બીરેનનો, બિનીતનો કે મારો બ્લોગ એમ જુદા નથી.  હકીકતમાં ‘સાર્થક જલસો’નાં મૂળિયાં શોધવા નીકળીએ તો એ, બીજા મિત્રોનાં લખાણ સૂઝપૂર્વક સંપાદિત કરીને બ્લોગ પર મુકવાની બીરેનની જહેમતમાંથી મળી આવે કદાચ.

બ્લોગની એક હજારમી પોસ્ટ તરીકે ‘સાર્થક જલસો’ની સર્જન પ્રક્રિયાની ઝલક મિત્રો સમક્ષ મુકવાનું મન છે. કારણ કે આપ સૌ મિત્રોના ઉત્સાહવર્ધક સહકાર અને આગોતરા ઓર્ડરને કારણે આ ‘સાર્થક જલસો’ બજારમાં આવ્યાના ત્રણ-ચાર દિવસમાં તેની તમામ નકલો અમારી પાસેથી વેચાઇ ચૂકી છે. હવે તે સ્ટોલ પર ક્યાંક થોડીઘણી જોવા મળે તો મળે, પણ ગમે તેટલા અંગત મિત્ર અમારી પાસેથી સામટી દસ-વીસ નકલ માગે તો આપવાનું અમારા માટે અશક્ય છે.

‘સાર્થક જલસો’ના પહેલા જ અંકને મળેલા આ પ્રતિસાદ વિશે શબ્દો જડતા નથી. કેવળ માથું સહેજ ઝુકાવીને આભાર વ્યક્ત કરી શકાય. ભવિષ્યમાં પણ તમારા સૌ તરફથી આવો સહકાર મળતો રહેશે એવી અપેક્ષા અને ખાતરી સાથે, બ્લોગની યાત્રા ૧૦૦૦મી પોસ્ટથી નવા મુકામ તરફ આગળ વધતી રહેશે.

નોંધ :  જે મિત્રોને આ વખતે અંક મળી શક્યા નથી, તેમના પ્રત્યે દિલગીરી વ્યક્ત કરીને જણાવવાનું કે ઇન્ટરનેટ પર આ અંક ટૂંક સમયમાં વાંચવા માટે-ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ બનશે. લિન્ક પરથી ‘સાર્થક જલસો’ની ઇ-કોપી કમ્પ્યુટર, ટેબ્લેટ કે આઇ-પેડ જેવાં સાધનો પર ડાઉનલોડ કરીને વાંચી શકાશે. આ સુવિધાનો લાભ લેવા અને વિદેશમાં રહેતાં તમારાં વાચનપ્રેમી મિત્રો-પરિચિતોને પણ એ વિશે જાણ કરવા વિનંતી.
મેગેઝીનના લેખોનો અને જાહેરાતોનો ક્રમ દર્શાવતું શીડ્યુલ ફાઇનલ
કરવાની પ્રક્રિયા 
’સાર્થક જલસો’નું મુખપૃષ્ઠ અપૂર્વ આશરે આ રીતે તૈયાર કર્યું 






લે-આઉટ કરનાર મિત્ર ફરીદના ઘરે થતી બેઠકોમાંની છેલ્લી બેઠક 
અનુક્રમની ફાઇનલ ડીઝાઇન : કેવી લાગે છે?

છેલ્લી વારની એક નજર અને સુધારાવધારા :  ઉત્સાહી સહાયક નિશા પરીખ સાથે

છેલ્લી વારની બેઠકમાં રાત્રે સાડા બાર વાગે એનો વાંધો નહીં.
લે-આઉટ કરનાર મિત્ર ફરીદ શેખ સાથે કામ પૂરું થયાના હાશકારા સાથે