Showing posts with label muslims. Show all posts
Showing posts with label muslims. Show all posts

Wednesday, May 31, 2017

ધર્મ, રૂઢિચુસ્તતા, બંધારણ અને માનવતા

ત્રણ વાર 'તલાક' અને મુસ્લિમ સમાજ વિશે લખવામાં અતિસરળીકરણ થઈ જવાની સંભાવના ઘણી રહે છે. સૌ પ્રથમ તો, આ રીતે તલાક આપવા તે ઇસ્લામનો અભિન્ન હિસ્સો છે કે નહીં, એ બાબતે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનવણી પૂરી થઈ ચૂકી છે. બીજી વાતઃ ત્રણ તલાકનો વિરોધ કરનારાએ યાદ રાખવાનું છે કે આ જોગવાઈનો ઉપયોગ કરનારા મુસ્લિમોનું પ્રમાણ નજીવું છે. માટે, વ્યાપક મુસ્લિમ સમાજને ટ્રિપલ તલાકના નામે બદનામ કરી શકાય નહીં.

'ટ્રિપલ તલાક'ના વિરોધનો વિરોધ કરનારે યાદ રાખવું જોઇએ કે અદાલતમાં દાદ મુસ્લિમ મહિલાઓએ માગી છે. આથી, મામલો 'મુસ્લિમ વિરુદ્ધ હિંદુ' કે 'મુસ્લિમ વિરુદ્ધ અન્ય ધર્મીઓ' જેવી ખેંચતાણનો નથી અને તેને એ ખાનામાં ન મૂકવો જોઇએ. કોઇ મુસ્લિમ એવું ઇચ્છે કે 'બીજા ધર્મના લોકોને અમારી અંગત ધાર્મિક બાબતમાં કે પરંપરામાં અભિપ્રાય આપવાનો અધિકાર નથી', તો તેમનું આ વલણ લોકશાહી દેશમાં સ્વીકારી શકાય નહીં. મુસ્લિમદ્વેષમાં સરી પડ્યા વિના કે કોમવાદના રાજકારણના હાથા બન્યા વિના, સામાજિક જાગૃતિના ભાગ તરીકે આવા રિવાજની બેશક ટીકા કરી શકાય. અન્યાયી લાગતા (ત્રાસવાદવિરોધી જેવા) કાયદાની ટીકા થઈ શકતી હોય છે, તો અન્યાયી જણાતી પરંપરાની કેમ નહીં?

ટીકા કરનારે એટલું ધ્યાન રાખવાનું કે તેમની ટીકાનો ધક્કો સ્ત્રીને થતા અન્યાયમાંથી અને 'આવું તો કેવી રીતે ચલાવી લેવાય?' એવી પ્રતીતિમાંથી આવવો જોઇએ-- નહીં કે મુસ્લિમોની છડેચોક, આકરી ટીકા કરવાની તક મળી-તેમના પ્રત્યેનો દ્વેષ ફેલાવવાની કે દૃઢ કરવાની તક મળી એમાંથી.  મુસ્લિમોએ પણ કઈ ટીકા દ્વેષથી થાય અને કઈ ટીકા સદભાવથી, તેનો ફરક સમજવો પડે અને એ સ્વીકારવું પડે કે બીજા પક્ષના કુરિવાજ પ્રત્યે આંગળી ચીંધવાથી પોતાનો કુરિવાજ વાજબી ઠરી જતો નથી. આ તબક્કે કોઈને એવો સવાલ થાય કે 'ટ્રિપલ તલાકને પરબારો 'કુરિવાજ' કેમ કહી શકાય? અને એવું કહી દેનારા તમે કોણ?’ તેનો સાદો જવાબ આટલો જ છેઃ કોઈ પુરૂષ પોતાની પત્નીને ત્રણ વાર 'તલાક' બોલીને છૂટાછેડા આપી શકતો હોય (અને સ્ત્રી પાસે એવો વિકલ્પ ન હોય) ત્યારે, એ રિવાજ સમાનતાની અને કુદરતી ન્યાયની સાદી સમજનો ભંગ કરે છે--અને એટલું સમજવા માટે કોઈ ગ્રંથના કે બંધારણના અભ્યાસની જરૂર નથી.

મોટા ભાગના મુસ્લિમો ટ્રિપલ તલાકની અનિષ્ટ જોગવાઈનો ઉપયોગ કરતા નથી, તે આનંદની વાત છે. એ જ કારણથી, મુસ્લિમોએ--ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે-- ટ્રિપલ તલાકની નાબૂદીની સામેથી જાહેરાત કરવી જોઈએ. ઇસ્લામની શક્તિ ને ધાર્મિક મુસ્લિમોનું આત્મસન્માન એટલાં તકલાદી ન હોય કે 'ટ્રિપલ તલાક'ની નાબૂદીથી તેને ઘસરકો પહોંચે. પર્સનલ લૉ બૉર્ડને કે ટ્રિપલ તલાકના વિરોધનો વિરોધ કરનારા ઘણાને ડોશી મરે તેનો ભય નથી. જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે. એક વાર મુસ્લિમોના અંગત ધાર્મિક મામલામાં દખલના દરવાજા ખુલી ગયા, તો ભવિષ્યમાં દરેક બાબતમાં બીજા લોકોનો ચંચુપાત વધી શકે છે--ખાસ કરીને, સામાજિક-ધાર્મિક મુદ્દામાંથી રાજકીય રોકડી કરવા ઇચ્છતા નેતાઓનો.  આ બીક વાજબી છે, પરંતુ તેનો ઉકેલ ટ્રિપલ તલાક જેવા મુદ્દાને ધાર્મિક ઓળખ સાથે સાંકળવામાં કે ટ્રિપલ તલાકના ટીકાકારોને તેમના પક્ષનાં છીંડાં બતાવવામાં નથી.

ધર્મના નામે ચાલતા કુરિવાજ-અનિષ્ટ પરંપરાઓનો વિરોધ બીજા ધર્મના લોકો કરતાં એ ધર્મનો માણસ વધારે સારી રીતે કરી શકે. અનેક ખાસિયતો અને જ્ઞાતિપ્રથા જેવાં તોતિંગ અનિષ્ટ ધરાવતા હિંદુ ધર્મમાં અનેક સંતકવિઓથી માંડીને વિદ્રોહીઓ અને સમાજસુધારકો થયા. તેમણે સમાજનો--ખાસ કરીને પોતાના ધર્મના લોકોનો-- આકરો વિરોધ વેઠીને પણ પોતાની વાત મુકી. એટલા પ્રમાણમાં ભારતીય મુસ્લિમ સમુદાયમાં એવું ન બન્યું.  1857ના સંગ્રામ પછીના અરસામાં મુસ્લિમોને અંગ્રેજી કેળવણી ભણી વાળનાર સર સૈયદ અહમદ હોય,  મહંમદ ઇકબાલ જેવા મોટા ગજાના કવિ હોય કે પછી એક જમાનામાં 'મુસ્લિમ ગોખલે' બનવા ઇચ્છતા મહંમદઅલી ઝીણા, એ બધાને આખરે સમાજસુધારાને બદલે એક યા બીજા પ્રકારની પરંપરાગત ધાર્મિક ઓળખના શરણે જવું પડ્યું. બીજી તરફ બાદશાહખાન જેવા નેતાઓ ઇસ્લામને વળગીને અહિંસાના રસ્તે ચાલ્યા કે ડૉ.અન્સારી-મૌલાના આઝાદ જેવા નેતાઓએ ગાંધીજીની કૉંગ્રેસ સાથે તેમની કારકિર્દી સાંકળી, ત્યારે વ્યાપક મુસ્લિમ સમર્થન મેળવવાનું- ટકાવી રાખવાનું તેમના માટે અઘરું સાબીત થયું. (બાદશાહખાને અંગ્રેજોની જેલ કરતાં મુ્સ્લિમોના અલગ દેશ પાકિસ્તાનની જેલમાં વધુ સમય વીતાવ્યો-વધુ અત્યાચાર વેઠ્યા)

આમ પણ, ધાર્મિક ઓળખનો મામલો પેચીદો હોય છે.  મુસ્લિમોનો અલગ દેશ માગનાર ઝીણા મૂળભૂત રીતે ધાર્મિક ન હતા, જ્યારે ભારતને પાકિસ્તાનનું હિંદુ અડધીયું ન બનવા દેનાર ગાંધીજી પોતાની જાતને ચુસ્ત હિંદુ તરીકે ઓળખાવતા હતા. અત્યારની આઇ.ટી.ની પરિભાષામાં ધર્મને ઘણે અંશે ઑપરેટિંગ સીસ્ટમ (OS) સાથે સરખાવી શકાય. ઑપરેટિગ સીસ્ટમના સૉફ્ટવેરમાં રહેલાં છીંડાં કે નબળી કડીઓ થકી વાઇરસ ઘૂસી આવે અથવા સમય પ્રમાણે ફેરફાર (અપડેટ્સ) ન થયા હોય તો પણ વાઇરસ આવી પડે.  મૂળ ઑપરેટિગ સીસ્ટમ ખરાબ નથી હોતી, પણ અસહિષ્ણુતાના પર્યાય જેવી 'ધાર્મિક લાગણી’, ધર્મનું સગવડીયું અર્થઘટન કે ધર્મઝનૂન જેવા વાઇરસ ઑપરેટિગ સીસ્ટમને ખરાબ કરે છે. એ સમયે બે વિકલ્પ રહે છેઃ વાઇરસને ક્લીન કરીને ઑપરેટિગ સીસ્ટમને ચોખ્ખી રાખવી અથવા વાઇરસને પણ ઑપરેટિગ સીસ્ટમના હિસ્સા તરીકે ગણીને, વાઇરસની ટીકાને ઓપરેટિંગ સીસ્ટમની ટીકા ગણવી.  ધાર્મિક સ્વતંત્રતામાં પોતાના ધર્મને બગાડવાની કે તેને ચૂપચાપ બગડવા દેવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે? એ પોતાની જાતને ધાર્મિક ગણતા સૌએ વિચારવા જેવો સવાલ છે.

ધર્મનો સંબંધ નૈતિકતા અને નૈતિક ફરજ સાથે છે. તેને કાયદા અને બંધારણના પથ્થર પર કસવામાં આવે એ સ્થિતિ આમ તો ઇચ્છનીય નથી. પરંતુ ધર્મના નામે ધાર્મિક લાગણી,  અનિષ્ટ રિવાજો, પરધર્મીઓ માટેના દ્વેષ, હિંસા, શોષણ, દુરાચાર જેવી લાગણીઓ ઉભરાવા લાગે, ત્યારે કોરટકચેરી વિના આરો રહેતો નથી. ધર્મના મામલે ઘણી વાર અદાલતો પણ યથાસ્થિતિને બહુ છંછેડવાનું પસંદ કરતી નથી અને 'ધાર્મિક લાગણી'ને શક્ય એટલી જાળવી લેવાનો પ્રયાસ કરે છે. ટ્રિપલ તલાક વિશેની સુનવણીમાં સર્વોચ્ચ અદાલતે એ મતલબનું કહ્યું હતું કે જો આ રિવાજ ધર્મનો અભિન્ન હિસ્સો હશે તો અદાલત તેને બહાલી આપશે. ધર્મના નામે ચાલતા રિવાજ અને માનવતા---એ બન્નેમાંથી કોઈ એકની પસંદગી કરવાની આવે, ત્યારે માનવતાને તડકે મૂકનારા ખરેખર તો તેમનો ધર્મ ચૂકે છે અને તેમના ધર્મને નીચો પાડે છે. કારણ કે કોઈ ધર્મ માનવતાની ઉપર હોઈ ન શકે અને માનવતાને અવગણવાનું કહેનાર સાચો ધર્મ ન કહેવાય. 

Wednesday, May 10, 2017

વ્હાઇટ હેલ્મેટ્સઃ સિરીયાના ઇસ્લામી બચાવસૈનિકો

ગુજરાતના વિસ્તાર કરતાં પણ ઓછો વિસ્તાર ધરાવતો દેશ સિરીયા છેલ્લાં છ વર્ષથી ભયાનક આંતરિક યુદ્ધનો શિકાર છે. પહેલી કઠણાઈ એ કે સિરીયા/Syriaમાં સરકારના નામે સરમુખત્યાર-પ્રમુખ અસદનું રાજ છે. પોતાના નાગરિકો પણ ઝેરી વાયુ છોડવા માટે નામીચા અસદને પુતિનના રશિયાનો અડીખમ ટેકો છે. તેમની સામે પડેલા વિદ્રોહી સૈનિકો પણ મોટા પ્રદેશો પર કબજો ધરાવે છે. અલબત્ત, દેશના વસ્તી ધરાવતા વિસ્તારોમાં સૌથી મોટો પ્રદેશ કુર્દ દળોને હસ્તક છે.  આટલો ડખો ઓછો હોય તેમ, ISIS અને અલ-કાઈદામાંથી છૂટું પડેલું એક જૂથ—એમ બબ્બે ત્રાસવાદી જૂથો  સિરીયાના કેટલાક હિસ્સા પર કબજો જમાવીને બેઠાં છે. તેમાં સૌથી બળુકું અને ઘાતકી ISIS છે, જે ધર્મપાલનના નામે આતંક મચાવે છે અને લોકોની કતલ કરે છે. સિરીયાનો કેટલાક હિસ્સા પર પાડોશી દેશ તુર્કીની પકડ છે. અમેરિકા પ્રમુખ અસદની સામેની છાવણીમાં છે. એટલે જૂજ વિસ્તારો અમેરિકી સૈન્યના પ્રભાવમાં છે.

માલિકી માટેની આવી હિંસક ખેંચતાણમાં સૌથી વધારે મરો કોઈનો થતો હોય, તો એ સ્થાનિક લોકોનો. લાખો લોકો સિરીયામાં પોતાનાં ઘરબાર છોડીને નિરાશ્રિત તરીકે બીજા દેશોમાં જાય છે. એક અંદાજ પ્રમાણે આશરે ત્રણેક લાખ બાળકોનો તો જન્મ જ નિરાશ્રિત તરીકે થયો છે. બીજા અનેકો (સરકાર સહિતનાં) હિંસક જૂથોની લોહીયાળ લડાઈમાં રહેંસાઈ જાય છે. પ્રમુખ અસદનાં દળો કે તેમનાં જોડીદાર એવાં રશિયાનાં વિમાનો વિદ્રોહીઓના પ્રદેશો પર બૉમ્બમારો કરે ત્યારે મકાનોનાં મકાનો કડડભૂસ થાય છે, તેની નીચે લોકો દટાય છે અને વગર ધરતીકંપે માનવસર્જિત ધરતીકંપ જેવાં કરુણ દૃશ્યો સર્જાતાં રહે છે. પોતાનો જીવ બચાવવાનાં ફાંફાં હોય, એવા દેશમાં બીજાનો જીવ બચાવવાની કોને ફુરસદ હોય? ને એવી વૃત્તિ પણ કોની હોય?

આ સવાલનો જવાબ છેઃ એવા એક-બે નહીં, ત્રણેક હજાર લોકો છે, જે પોતાના જીવનું જોખમ ખેડીને, અવનવા આરોપોનો સામનો કરીને, ધર્મના નામે માનવતાનું કામ કર્યે રાખે છે. આ લોકો માથે સફેદ રંગની હેલ્મેટ પહેરીને કાટમાળમાંથી લોકોને બચાવવાનું કામ કરતા હોવાથી તેમનું નાગરિકજૂથ 'વ્હાઇટ હૅલ્મેટ્સ’/ White Helmetsના નામથી ઓળખાય છે (જેમ આઝાદી પહેલાં સરહદ પ્રાંતમાં બાદશાહખાનની આગેવાની હેઠળ અહિંસક લડત આદરનારા લડવૈયા- ‘ખુદાઈ ખિદમતગાર’-- 'રેડ શર્ટ'ના નામે ઓળખાતા હતા.)  ખૂબીની વાત એ છે કે જે ઇસ્લામને આગળ કરીને ISISના ત્રાસવાદીઓ ઘાતકીમાં ઘાતકી કૃત્યો આચરે છે, એ જ ઇસ્લામમાંથી 'વ્હાઇટ હૅલ્મેટ્સ’ લોકોના જીવ બચાવવાની પ્રેરણા મેળવે છે. ઇસ્લામમાંથી તેમણે ગ્રહણ કરેલો બોધપાઠ છેઃ 'એક વ્યક્તિની પણ જિંદગી બચાવો, તે આખી માનવતાને બચાવ્યા બરાબર છે.’ આ જૂથમાં મહિલાઓ પણ સામેલ છે.
‘વ્હાઇટ હૅલ્મેટ્સ’નું કામ કેવું ખતરનાક છે તેનું તાજું ઉદાહરણઃ ઍપ્રિલ29, 2017ના રોજ થયેલા એક હવાઈ હુમલામાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ જૂથના આઠ સભ્યો માર્યા ગયા. જ્યાં શબ્દાર્થમાં આટલાં લશ્કર લડતાં હોય ત્યાં હુમલો કોણે કર્યો, એ વિવાદનો વિષય છે. પરંતુ નોકરીના કે સરકારી આદેશના ભાગરૂપે નહીં, ધર્મકાર્ય લેખે બીજાની જિંદગી બચાવવા જનારા આ બહાદુરોમાંથી આઠ ઓછા થયા એ નક્કર હકીકત છે. અત્યાર લગી જૂથે 140થી પણ વધુ સભ્યો ગુમાવ્યા છે. છતાં તેમની નિષ્ઠા મોળી પડી નથી.

સિરીયામાં સૈન્યના એક હિસ્સાએ સરમુખત્યાર અસદ સામે સશસ્ત્ર બળવો પોકાર્યો અને દેશના વિસ્તારો કબજે કર્યા, ત્યારે બળવાખોરો સામેની જવાબી કાર્યવાહી તરીકે અસદે હવાઈ હુમલા કર્યા. 2012ના અંત-2013ની શરૂઆતમાં અસદનાં દળો દ્વારા થતા હુમલા અને તારાજીનું પ્રમાણ વધવા લાગ્યું, ત્યારે બળવાખોરોની નહીં, પણ સ્થાનિક લોકોની પહેલથી 'સિરીયન સિવિલ ડીફૅન્સ'નામે નાગરિકજૂથની સ્થાપના થઈ. તે સમય જતાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ તરીકે વધુ જાણીતું બન્યું. તેમનો આશય હતોઃ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના, ભોગ બનેલા સૌના જીવ બચાવવાની કોશિશ કરવી. આ પ્રયાસમાં અત્યાર લગીમાં આશરે સાઠેક હજારથી પણ વધુ માણસોના જીવ તે બચાવી ચૂક્યા છે.

‘વ્હાઇટ હૅલ્મેટ્સ’નું ઉમદા કામ છાનું કે અછતું રહ્યું નથી. અહેવાલો પ્રમાણે, નૉબેલ શાંતિ પારિતોષિક માટે તેમનું નામ યાદીમાં હતું અને એ સિવાયનાં કેટલાંક મોટાં સન્માન આ જૂથને મળ્યાં છે. તેમની કામગીરી પરથી ગયા વર્ષે બનેલી દસ્તાવેજી ફિલ્મ ‘ધ વ્હાઇટ હૅલ્મેટ્સ’ને આ વર્ષે શ્રેષ્ઠ ડૉક્યુમૅન્ટરી તરીકેનો ઑસ્કાર ઍવોર્ડ પણ મળ્યો. અલબત્ત, રાજકીય વક્રતા એ હતી કે આ ડૉક્યુમૅન્ટરીના સિનેમૅટોગ્રાફર ખાલેદ ખાતિબને ટ્રમ્પનીતિ અંતર્ગત અમેરિકાનો વિઝા મળ્યો નહીં. એટલે તે ઑસ્કારના સમારંભમાં હાજર ન રહી શક્યા. આ વર્ષે રજૂ થયેલી દસ્તાવેજી ફિલ્મ 'લાસ્ટ મૅન ઇન અલેપ્પો’ પણ ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ના પ્રેરણાદાયી કામને ઉજાગર કરે છે.

પરંતુ બધા ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’થી રાજી નથી. સિરીયાના પ્રમુખ અસદ અને તેમના મળતીયા વારેઘડીએ ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ની ટીકા કરે છે. તેમને પેટમાં એ દુઃખે છે કે બળવાખોરોનો કબજો ધરાવતા વિસ્તારોમાં આ લોકો સેવાકાર્ય કરે છે. વાસ્તવમાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ આવો કશો ભેદભાવ રાખતા નથી. પરંતુ અસદનું શાસન ધરાવતા વિસ્તારોમાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ને કામ કરવાની છૂટ નથી. એવી જ રીતે, અસદને ટેકો આપનારા રશિયાના રાજનેતાઓ પણ ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ વિશે અવનવા આરોપો કરે છે.  ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ અલ-કાઈદા જેવા ત્રાસવાદી જૂથના મળતીયા છે અને તે ખુવારીની તથા બચાવની ખોટેખોટી તસવીરો રજૂ કરીને--અથવા એકની એક તસવીર વારંવાર વાપરીને--અસદને બદનામ કરવાની કોશિશ કરે છે, એવી થિયરી અને તેની પરથી લખાયેલા લેખ ઇન્ટરનેટ પર મોટા પ્રમાણમાં મળી રહે છે. તેની સામેનો કુપ્રચાર એટલો વૈવિધ્યપૂર્ણ અને વ્યાપક રીતે ચાલ્યો કે ટૅકનૉલોજીના ખ્યાતનામ સામયિક ‘વાયર્ડ’ની વેબસાઇટ પર આ કુપ્રચાર વિશે એક લેખ પ્રગટ થયો છે. તેમાં એ હકીકત પર ભાર મૂકવામાં આવ્યો છે કે માહિતીવિસ્ફોટ અને સોશ્યલ મિડીયાના જમાનામાં એક સાચકલી વસ્તુ વિશે કેટલી અસરકારકતાથી અને કેટલા મોટા પાયે જૂઠાણાં ફેલાવી શકાય છે. એક જૂઠાણાંબાજે ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ને ઑસ્કાર મળ્યો ત્યારે ઓસામા બિન લાદેન માથે સફેદ હૅલ્મેટ અને હાથમાં ઑસ્કાર ઍવોર્ડની પ્રતિમા સાથે ઊભો હોય એવું કાર્ટૂન બનાવ્યું હતું.

‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ જૂથની તકલીફ એક જ છે કે તેને કોઈ રાજકીય ગઠબંધન નથી. તેની વેબસાઇટ પર જાહેર કરાયેલો તેનો ધ્યેયમંત્ર છેઃ 'અમે નિષ્પક્ષ રીતે, વહેરાઆંતરા વગર અને સિરીયાના બધા લોકો માટે કામ કરીએ છીએ.’ પરંતુ સત્તાની આંતરરાષ્ટ્રીય સોગઠાંબાજીમાં અસલી સિરીયાની--એટલે કે સિરીયાના લોકોની વાત કોને ગમે? શરૂઆતમાં ધરતીકંપમાં બચાવકામનો અનુભવ ધરાવતી સંસ્થા પાસેથી તાલીમ મેળવનાર ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ સિરીયામાં બૉમ્બમારો અને યુદ્ધ અટકાવીને સામાન્ય માણસને તેની સામાન્ય જિંદગી પાછી આપવા માગે છે. તેમનો રસ્તો ઘણો લાંબો છે--અને ઇરાદાપૂર્વક પાથરવામાં આવતા જૂઠાણાંના કાંટાથી આચ્છાદિત. પરંતુ આટલી કારુણી વચ્ચે ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ ઇસ્લામનો જે પેગામ આપે છે, તે મુસ્લિમોએ અને બીજા ધર્મીઓએ પણ અંકે કરવા જેવો છે.  

Tuesday, October 18, 2016

મુસ્લિમો માટે મનોમંથનની તક

ટ્રિપલ તલાકના મુદ્દે ફરી એક વાર મોરચા મંડાયા છે. એક તરફ સરકાર અને અદાલત છે, તો બીજી તરફ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ જેવી સંસ્થાઓ અને મુસ્લિમ રૂઢિચુસ્તો. આ તબક્કે લઘુમતી’, ‘પર્સનલ લૉ’, ‘સેક્યુલારિઝમકે રાષ્ટ્રવાદજેવા જૂના અને જાણીતા ખાંચામાં પીન અટકાવી દીધા વિના, નાગરિક તરીકે કેટલાક પાયાના મુદ્દા વિચારવા જેવા લાગે છે.

સૌથી પહેલી વાત મુસ્લિમોના લઘુમતીતરીકેના દરજ્જાની.  ભારતમાં મુસ્લિમો ટકાવારીની રીતે લઘુમતીમાં છે. ૨૦૧૧ની વસતી ગણતરીમાં હિંદુઓ (૭૯.૮ ટકા)ની સરખામણીમાં મુસ્લિમોની ટકાવારી  ૧૪.૨ ટકા નોંધાઇ હતી. પરંતુ આ ટકાવારી સવા અબજની વસ્તીને લાગુ પડે છે એ યાદ રાખવું જોઇએ. ભારતમાં મુસ્લિમોની કુલ વસ્તી ૧૭.૨૨ કરોડ છે, જે આખા પાકિસ્તાનના મુસ્લિમોની કુલ વસ્તી કરતાં થોડીક જ ઓછી છે. (પાકિસ્તાનમાં છેલ્લી વસ્તી ગણતરી ૧૯૯૮માં થઇ હતી. ત્યાર પછીનાં ૧૮ વર્ષમાં વસ્તી ગણતરીનું ઠેકાણું પડ્યું નથી. એટલે અંદાજે આંકડાથી જ ચલાવવાનું રહે છે.)

લઘુમતી સમુદાયોને પોતાના વિશિષ્ટ સામાજિક રિવાજો જાળવી રાખવાની ચિંતા હોય અને બહુમતીના સ્ટીમરોલર તળે તે કચડાઇ ન જાય તેનો ઉચાટ પણ હોય. જેમ કે, ભારતમાં જૈનોની વસ્તી માંડ ૦.૪ ટકા છે અને પારસી વસ્તી ટકાવારીમાં માપી શકાય નહીં એટલી ઓછી છે. ધાર્મિક-સામાજિક રિવાજોની બાબતમાં તેમનું આગ્રહીપણું અને અસલામતી સમજાય એવાં છે. (તેનું વાજબીપણું જુદી ચર્ચાનો વિષય છે) પોતીકી સંસ્કૃતિ કે લાક્ષણિકતાઓ કે ધાર્મિક રીતરિવાજ લુપ્ત થઇ જવાની શક્યતા પારસીઓ માટે કાલ્પનિક નહીં, વાસ્તવિક છે.

પરંતુ પારસી-જૈન તો ઠીક, ખ્રિસ્તી (ભારતમાં વસ્તીનું પ્રમાણ ૨.૩ ટકા) અને શીખ (૧.૭ ટકા) સાથે આશરે ૧૪ ટકા વસ્તી ધરાવતા મુસ્લિમ સમાજની સરખામણી યોગ્ય ગણાય? ટકાવારીની રીતે એ લઘુમતી હોવા છતાં, તેમના અસ્તિત્ત્વ સામે કે રીતરિવાજો સામે કોઇ ખતરો છે? આ સવાલ મુસ્લિમોએ પોતાની જાતને પૂછવાનો છે. સંખ્યાની રીતે વિશ્વમાં મુસ્લિમોની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ઇન્ડોનેશિયા અને પાકિસ્તાન પછી ભારતનો નંબર આવે છે. એટલે કે, ભારતમાં મુસ્લિમોની લઘુમતીફક્ત ટકાવારીમાં જ છે.  ૧૭ કરોડ જેટલી મજબૂત સંખ્યા ધરાવતા મુસ્લિમોએ તેનો માનસિક ભાર શા માટે વેંઢારવો જોઇએ?

લઘુમતીતરીકેની માનસિકતા વૈચારિક ખુલ્લાશને રોકે છે, સમાજસુધારાને અટકાવે છે, આક્રમક રૂઢિચુસ્તતાને પ્રોત્સાહન આપે છે અને રાજકીય તકવાદને મોકળું મેદાન પૂરું પાડે છે. કાલ્પનિક ભય કેવળ લઘુમતીમાં નહીં, વધુમતીમાં પણ ઊભો કરી શકાય. ભાજપ-સંઘ પરિવારનું રાજકારણ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રકારના રાજકારણનું પરિણામ પણ આગળ જણાવ્યું એવું જ છે : ખુલ્લાશને બદલે રૂઢિચુસ્તતાનો વ્યાપ અને ધર્મના રાજકારણને મોકળું મેદાન. ભારતમાં નથી ઇસ્લામ ખતરામાં કે નથી ૭૯ ટકા હિંદુઓને દબાવીને તેમની પર ૧૪ ટકા મુસ્લિમો તેમની પર રાજ કરવાના. પરંતુ આટલી વાત સામાન્ય હિંદુ કે સામાન્ય મુસ્લિમને સમજાઇ જાય, તો પછી તેમનામાં ધીક્કાર, અસલામતી અને શંકા પ્રેરીને પોતાના રોટલા શેકતા નેતાઓનું-રાજકીય પક્ષોનું શું થાય? તેમની દુકાનો શી રીતે ચાલે?

મુસ્લિમ સમુદાયના સામાજિક પછાતપણાના આંકડા વાસ્તવિક અને ચિંતાજનક છે--ફક્ત મુસ્લિમ સમુદાય માટે જ નહીં, સમગ્ર સમાજ માટે. ભારતમાતાકી જયની ચીચીયારીઓ પાડનારાથી માંડીને દેશભક્તિનાં પ્રમાણપત્રો વહેંચવા આતુર સૌએ યાદ રાખવું પડે કે ૧૪ ટકા મુસ્લિમોને સામાજિક રીતે પછાત રાખીને દેશ સુપરપાવર બની શકવાનો નથી. મુસ્લિમોએ સમજવાનું છે ઇસ્લામ નહીં, તેમની સામાજિક સ્થિતિ ખતરામાં છે. તેનો ઇલાજ ધર્મમાંથી નહીં જડે અને જો એનો ઇલાજ પણ ધર્મમાંથી (ધાર્મિક સંસ્થાઓની સખાવતો વગેરે દ્વારા) શોધવાનો પ્રયાસ કરવામાં આવશે, તો સમૃદ્ધિ ને ભણતર આવી જશે, પણ ધાર્મિક રૂઢિચુસ્તતા પીછો નહીં છોડે. આવી રૂઢિચુસ્તતા હશે ત્યાં સુધી શિક્ષણ અને સંપત્તિથી પણ માનસિક અસલામતી દૂર નહીં થાય.

અહીં એક સ્પષ્ટતા જરૂરી છે : ઇસ્લામના અભ્યાસીઓ કહે છે કે એ માત્ર ધર્મ નથી, પણ જીવન જીવવાની રીત છે.આવું જ વિધાન સર્વોચ્ચ અદાલતે હિંદુ ધર્મ માટે પણ કરેલું છે. બીજા ધર્મના અનુયાયીઓનો પણ આવો દાવો હોઇ શકે છે. આ જાતના દાવા ધર્મના હાર્દ માટે સાચા હોઇ શકે, પણ જે હૂંસાતૂંસી ચાલે છે તે ધર્મના હાર્દ સુધી પહોંચવાની છે કે કોની ધાર્મિકતા’ (ધર્મનો દેખાડો) ચડિયાતી, એ બતાવવાની? આવા વાતાવરણમાં જીવન જીવવાની રીતવાળો દાવો ઘણી વાર અનિષ્ટનું મૂળ બની રહે છે અથવા તેનો ભરપૂર દુરુપયોગ કરવામાં આવે છે. તેની અંતર્ગત જીવનને સ્પર્શતાં નાનામા નાના પાસાને ધર્મનું લેબલ લગાડી દેવામાં આવે છે અને સદંતર દુન્યવી વિવાદોને ધાર્મિકઅથવા બે ધર્મો વચ્ચેની તકરારસ્વરૂપે રજૂ કરવામાં આવે છે.

આ પરિસ્થિતિ રાજકીય પક્ષો માટે અત્યંત ફળદ્રુપ છે.  રક્ષણહારની જરૂર પડે તો જ તેમનો ભાવ આવે. આઝાદી પછીનાં વર્ષોમાં કૉંગ્રેસ મુસ્લિમોના રક્ષણહારની ભૂમિકામાં રહી. એ દરમિયાન તેણે શું કર્યું? મુસ્લિમ સમાજના પ્રગતિશીલ લોકોને બાજુ પર રાખ્યા અને રૂઢિચુસ્ત નેતાગીરીને આગળ કરી. મુસ્લિમોને સામાજિક રીતે આગળ લાવવાને બદલે અને આ દેશના સરખેસરખા નાગરિક તરીકેની ભૂમિકામાં મૂકી આપવાને બદલે, તેમને લઘુમતીની ધાર્મિક ઓળખમાં કેદ રાખ્યા. કોઇ પણ સમુદાયમાંથી વોટ બેન્ક ઊભી કરવી હોય તો તેમાં રહેલા પ્રગતિશીલ લોકોને થોડા આગળ કરાય? વિચારતા લોકોનો પ્રભાવ સમાજ પર ધીમે ધીમે અને મર્યાદિત ઢબે પડે. (ભાજપ-શિવસેના જેવો) કયો હિંદુ પક્ષ કોઇ બિનકોમવાદી, પ્રગતિશીલ,સર્વધર્મસમભાવમાં અને નાગરિકમૂલ્યોમાં માનતા માણસોને નેતા તરીકે આગળ કરશે? તેની સરખામણીમાં અસલામતી અને ધીક્કાર પેદા કરવાનું સહેલું પડે. પછી દેશનું જે થવાનું હોય તે થાય.

મુસ્લિમોમાં રહેલા પ્રગતિશીલ લોકોની મૂંઝવણ એ છે કે મુસ્લિમ સમુદાય તેમને પોતાનાગણતો નથી અને હિંદુઓ તેમને મુસ્લિમગણે છે. પોતાની જાતને ઉદારગણતા કેટલાક હિંદુઓ તો વળી એવાં વખાણપણ કરે છે, ‘ફલાણો મુસ્લિમ છે, તો પણ કેટલો સારો છે.અથવા એ મુસ્લિમ છે, પણ જરાય ખબર જ ન પડે, બોલો.આમ કહેવાથી વખાણ થતાં નથી, બલ્કે પોતાની અંદર રહેલો ભેદભાવ પ્રગટ થઇ જાય છે, એવું તેમને કોણ સમજાવે? સામે પક્ષે, રૂઢિચુસ્ત ન હોય એવા મુસ્લિમોએ પ્રગતિશીલ દેખાવા માટે ભાજપમાન્ય હિંદુકે સંઘમાન્ય દેશભક્તથવાની જરૂર નથી. મુસ્લિમો માટે અપાતાં અબ્દુલ કલામ જેવાં રોલમૉડલ પણ સરવાળે કોમવાદી પ્રચારનું બળતણ બની રહે છે. તેમાંથી નીકળતો સૂર એવો છે કે તમે દેશ માટે કશુંક આટલું દેખીતું ને આટલું મોટું ન કરો, ત્યાં સુધી તમારી દેશભક્તિ શંકાના દાયરામાં જ રહેવાની.

કોઇ પણ સામાન્ય મુસ્લિમ કંઇ પણ વધારાનું કે વિશેષ કર્યા વિના, બીજા કોઇ પણ જેટલો જ ભારતનો નાગરિક છે. લડત હોય તો આ દરજ્જા માટેની હોઇ શકે--આંકડાકીય લઘુમતીરૂપી અસલામતી અને અવિશ્વાસના કિલ્લામાં કેદ રહેવાની નહીં.

Sunday, October 16, 2016

નાગરિક અધિકારો ચઢે કે ધાર્મિક રિવાજ?

(તંત્રીલેખ, ૧૫-૧૦-૧૬)

કેટલીક ચર્ચાઓ જોખમી હોય છે. કારણ કે તેના મૂળમાં રહેલો મુદ્દો બિનધાર્મિક હોય છે, પણ જેવી ચર્ચા શરૂ થાય કે તરત તેને ધાર્મિક રંગ આપી દેવાય છે. ત્યાર પછીની દલીલો મુદ્દા વિશે નહીં, પણ ધર્મ વિશેની થઇ જાય છે અને બન્ને પક્ષો એમાં હોંશે હોંશે ધર્મયોદ્ધા તરીકે પ્રગટ થાય છે. મુસ્લિમોમાં ત્રણ વાર તલાક બોલવાથી પત્નીના છૂટાછેડા થઇ જાય એ પ્રકારનો, ટૂંકમાં ‘ટ્રિપલ તલાક’ તરીકે ઓળખાતો રિવાજ વર્ષોથી આ પ્રકારની જોખમી ચર્ચાનો વિષય રહ્યો છે.

આમ જુઓ તો તેમાં કશું અટપટું નથી : ભારત દેશમાં સૌ કોઇને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે અને સરકાર તેમાં દખલ ન કરે એવું તેમાં નિહિત છે. પરંતુ આ સ્વતંત્રતા અમર્યાદ નથી. ભારત લોકશાહી અને પ્રજાસત્તાક દેશ છે. તેના બંધારણમાં ‘સેક્યુલર’ વિશેષણ ન ઉમેરાયું હોત તો પણ બંધારણનું હાર્દ એ જ છે કે ધાર્મિક રિવાજ અને નાગરિક અધિકારો વચ્ચે ટકરાવ થાય ત્યારે પલ્લું નાગરિક અધિકારો ભણી નમવું જોઇએ. ટ્રિપલ તલાકનો મામલો અદાલતમાં પહોંચેલો છે અને ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ જેવી મુસ્લિમોની પ્રતિનિધિ સંસ્થાએ ભારપૂર્વક ટ્રિપલ તલાકનો બચાવ કર્યો છે. બૉર્ડ જેવી સંસ્થાઓને  અને ઘણા ધર્મગુરુઓને આ કાયદો ધર્મના આદેશ જેવો અને તેથી અફર લાગે છે. બીજી તરફ મુસ્લિમોમાં રહેલા કેટલાક પ્રગતિશીલ અવાજો અને ખાસ કરીને મુસ્લિમ મહિલાઓને આ રિવાજ સામે વાંધો પડે છે. કારણ કે, તે મહિલાઓ માટે અન્યાયકારી છે.

આવી કોઇ પણ ચર્ચા થાય, એટલે તે બીજી જ મિનીટે ધર્મગ્રંથમાં ખરેખર શું લખ્યું છે તેની પર આવીને અટકી જાય છે. પરંતુ વર્તમાન સમયમાં ધર્મનાં અનેક અર્થઘટનો અને અનર્થઘટનોને કારણે આગળની ચર્ચા નિરર્થક બની જાય છે. લખાયેલા શબ્દ (લેટર) કરતાં હાર્દ (સ્પિરિટ)નું મહત્ત્વ કાયદાની જેમ (બલ્કે કાયદાથી પણ વધારે) ધર્મમાં અગત્યનું છે. અને કોઇ પણ પ્રકારની વિદ્વત્તાભરી ચર્ચામાં ઉતર્યા વિના કે દાખલાદલીલો ટાંક્યા વિના એટલું તો સૌ કોઇ કબૂલશે કે સ્ત્રીઓને અન્યાય થાય એવું કોઇ પણ ધર્મમાં લખ્યું ન હોય. તેમ છતાં, કેટલીક સ્ત્રીઓ આ અન્યાય સામે અવાજ ઉઠાવે, ત્યારે બીજા ધર્મના લોકોએ નહીં, પણ ઇસ્લામના વિદ્વાનોએ વિચારવાનું રહે છે કે આવું કેમ બન્યું? અને તે જેને ધર્મનો આદેશ માનીને ચુસ્તીથી (કે જડતાથી) વળગી રહ્યા છે, તે મૂલ્ય વર્તમાન સમયમાં, લોકશાહીના માળખામાં ટકી શકે એમ છે?

જો ધર્મના નામે ચાલતો રીવાજ નાગરિક અધિકારોનું ઉલ્લંઘન કરતો હોય કે તેમને જોખમાવતો હોય, તો એવા રીવાજને બદલવામાં ધર્મનું હિત અને ધર્મની મોટાઇ છે. રાજસ્થાનમાં રૂપકુંવર સતી થઇ ત્યારે ઘણા પુરાતનવાદીઓ સતીપ્રથાનો મહીમા કરતા હતા અને રૂપકુંવરની સમાધિનાં દર્શન માટે ટોળાં ઉમટતાં હતાં. તેના કારણે સતીપ્રથા માન્ય ન બની જાય. ગમે તેટલા હિંદુઓની લાગણી દુભાવવાની હોય તો પણ સતીપ્રથાને કાયદાવિરોધી જ ઠરાવવી પડે. એવી જ રીતે ઇસ્લામના નામે ચાલતા અન્યાય, ભેદભાવ અને અસમાનતાને ફક્ત કાયદા ખાતર નહીં, ઇસ્લામના માન ખાતર, તેને ઉજળો બનાવવા ખાતર પણ અટકાવવા રહ્યા. શાહબાનો ચુકાદા વખતે રાજીવ ગાંધીની સરકારે મુસ્લિમ મતબેન્કની લ્હાયમાં એ તક ખોઇ દીધી અને સર્વોચ્ચ અદાલતના પ્રગતિશીલ ચુકાદાને ઉથલાવી દીધો.

સામા પક્ષે ભાજપ અને સંઘ પરિવારનાં સંગઠનો છે, જેમનો મુસ્લિમદ્વેષ હિંદુપ્રેમ કરતાં વધારે જાણીતો છે. બલ્કે તેમનો હિંદુપ્રેમ અને દેશપ્રેમ ઘણી વાર મુસ્લિમદ્વેષ તરીકે પ્રગટ થતો હોય છે. ખરું જોતાં, મુસ્લિમો આ દેશના બરાબરીયા નાગરિક બની રહે એવા હેતુથી, ટ્રીપલ તલાક અને સમાન નાગરિક ધારાનો આગ્રહ સેવાવો જોઇએ. પણ હિંદુત્વના ખેલાડીઓ માટે ટ્રીપલ તલાક કે સમાન નાગરિક ધારો મુખ્યત્વે રાજકારણનાં સાધનમાત્ર હોય છે. મુસ્લિમ રૂઢિચુસ્તો ટ્રીપલ તલાક જેવી પ્રથાનું સમર્થન કરીને આવા રાજકારણના સહભાગી બને છે. 

Tuesday, September 06, 2016

ધર્મસંસ્થા, સમાજ અને નાગરિકી સ્વતંત્રતા

ગરીબોની સેવાને ધર્મકાર્ય ગણીને તેમાં જીવન સમર્પીત કરી દેનારાં મધર ટેરેસા હવે ‘સંત ટેરેસા’ (અંગ્રેજીમાં સેઇન્ટ ટેરેસા) તરીકે ઓળખાશે. ખ્રિસ્તી ધર્મના રોમન કેથલિક સંપ્રદાયની લાંબી વિધી પૂરી કર્યા પછી વેટિકન સિટીસ્થિત વડા, પોપે તેમને સંત જાહેર કર્યાં. ઘણા ખ્રિસ્તી-બિનખ્રિસ્તી લોકોના મનમાં તો મધર જીવતેજીવ ઉચ્ચ સ્થાન મેળવી ચૂક્યાં હતાં. તેમની ઓળખાણમાં જોડાયેલો ‘સંત’ શબ્દ હવે સત્તાવાર આધ્યાત્મિક દરજ્જાનો પણ સૂચક બની રહેશે.

રોમન કેથલિક સંપ્રદાયમાં સત્તાવાર રીતે સંતનો દરજ્જો એમને જ મળે, જેમણે ચમત્કાર કર્યા હોવાનું (ધર્મસત્તાધીશો સમક્ષ) પુરવાર થાય. સાદી સમજ પ્રમાણે, દીનદુઃખિયાંની નિઃસ્વાર્થ સેવા કરવામાં ધર્મ સમાઇ જાય છે, પણ ધર્મસંસ્થાઓનાં માળખાં માટે એટલું પૂરતું થતું નથી. તેમના ચમત્કારપ્રેમની અને તેની પાછળ રહેલી અંધશ્રદ્ધાની ટીકા કરવામાં આવે ત્યારે ધાર્મિકજનો એને ધર્મની ટીકા ગણીને દુઃખી થાય છે. વિચારવા જેવો સવાલ એ છે કે કોઇ પણ ધર્મનું નીચું ક્યારે દેખાય? અંધશ્રદ્ધા કે ભપકાબાજીને માનવસેવા કરતાં ચડિયાતાં ગણવામાં આવે ત્યારે? કે માનવસેવાને સર્વોચ્ચ ગણવામાં આવે ત્યારે?

ધર્મના વ્યાપક અર્થ વિશે રસપ્રદ વાત વિખ્યાત ગુજરાતી લેખક-ગણિતજ્ઞ અને ખ્રિસ્તી પાદરી ફાધર વાલેસે કરી હતી. 2011માં ગુજરાત આવેલા ફાધરે ગુજરાતી ભાષામાં ધર્મની વિવિધ અર્થચ્છાયાઓ સમજવા માટેનું ચાવીરૂપ વાક્ય કહ્યું હતું,’મારો ધર્મ મારો ધર્મ (સ્વ-ભાવ) બને એ મારો ધર્મ (ફરજ) છે.’ અને તેનું અંગ્રેજી આ રીતે સમજાવ્યું હતું : માય રિલીજીઅન ધેટ બીકમ્સ માય નેચર ઇઝ માય ડ્યુટી. તેમણે કહ્યું હતું, ‘ધર્મ એટલે ફક્ત કાયદાથી, આજ્ઞાઓથી, બહારથી આવેલું વજન નહીં, પણ જે સ્વાભાવિક અને નૈસર્ગિક થઇ પડે એ જ મારો ધર્મ.’ કબીરનું પદ ‘સહજ સમાધિ ભલી’ ટાંકીને એમણે કહ્યું, ‘બહુ સાધના-તપશ્ચર્યા કરીએ એના કરતાં ખરો ધર્મ હૃદયમાંથી નીકળે, પ્રકૃતિમાંથી આવે. એ ઉપરથી નહીં, અંદરથી આવેલો હોવો જોઇએ. એ રીતે અર્થ કરીએ તો ધર્મમાં આખું જીવન આવી જાય.’  ધર્મની આ સમજ સાથે ધર્મસંસ્થાઓની વાડાબંધીનો ક્યાં મેળ ખાય?

ધર્મનો મામલો પેચીદો હોય છે. સૌથી પહેલાં તો ધર્મ અને ધર્મસંસ્થા વચ્ચેનો ભેદ પાડવો જરૂરી છે. કોઇ પણ ધર્મ-સંપ્રદાયની સંસ્થા ધર્મના સંપૂર્ણ અમલનો અને પોતાને ત્યાં બધું જ ધર્મ અનુસાર થતું હોવાનો દાવો કરી શકે નહીં --અને એ કરે તો માની શકાય નહીં. કારણ કે ધર્મ તેના મૂળ સ્વરૂપે બહુ વિશાળ અને સર્વવ્યાપી બાબત હોય છે. કોઇ એક લક્ષણ, સૂત્ર, કાર્ય, વિધી કે નિષેધમાં સમાઇ જાય ને તેના ભંગથી જોખમાઇ જાય એટલો ‘નાજુક’ તે હોતો નથી. એકેય ધર્મ-સંપ્રદાયમાં સંપત્તિનું સર્જન કરવાનું કે લોકો ભૂખે મરતા-બિમારીથી પીડાતા હોય ત્યારે ભપકાદાર ધર્મસ્થાનો ઊભાં કરવાનું લખ્યું હોય? અને લખ્યું હોય તો તેને ધર્મ કહેવાય? પણ હા, ધર્મસંસ્થા ધર્મના પ્રચારપ્રસારના નામે આ બધું કરી શકે અને તેને ‘ધર્મ માટે જરૂરી’ પણ ગણાવી શકે.

ઘણી વાર ધર્મસ્થાનો કોર્પોરેટ ઓફિસની ગરજ સારે છે. તેમની ભવ્યતા પરથી સરેરાશ સંસારી લોકો સંબંધિત ધર્મ-સંપ્રદાયની સદ્ધરતાનો અંદાજ બાંધે છે—અને ધર્મસંસ્થાઓને તેનો વાંધો પણ નથી હોતો. બલ્કે, ઘણુંખરું એ જ હેતુથી ટેકનોલોજી, નાણાં અને માનવશક્તિનો અઢળક ઉપયોગ કરીને આવાં સ્થાન ઊભાં કરવામાં આવે છે. ધર્મ જ્યારે ધર્મસંસ્થાનું સ્વરૂપ ધારણ કરે, ત્યારે ધર્મની ફરજો પર મોટે ભાગે સંસ્થાના તકાદા સવાર થઇ જાય છે. અસરકારક વહીવટ ધર્માચરણની જગ્યાએ ગોઠવાઇ જાય છે અને ભલભલા લોકોને તે પ્રભાવિત પણ કરી જાય છે. ધર્મસત્તાધીશો અને તેમના પગલે અનુયાયીઓ આવા સંસ્થાકીય તકાદાઓને ધર્મના પ્રચાર માટે અનિવાર્ય જ નહીં, ધર્મ્ય પણ ગણતા થઇ જાય છે.

ભારતમાં વંચિતોની કાળજીનું અને મનુષ્યકેન્દ્રી ધાર્મિકતાનું યાદગાર મોડેલ ગાંધીજીએ પૂરું પાડ્યું હતું. તેમના સમયમાં કોઇ પણ ગણવેશધારી ધર્મધુરંધર કરતાં ગાંધીજીનું નૈતિક વજન અને પ્રભાવ વધારે હતાં. એટલું જ નહીં, ધર્મના કંઠીબંધા લોકો ગાંધીજી સાથે દલીલમાં ઉતરતા, ત્યારે તે વામણા લાગતા હતા. જુદા જુદા તબક્કે અને મુદ્દે ગાંધીજીને હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી એવા બધા ધર્મોના ધુરંધરો-રૂઢિચુસ્તોનો આમનોસામનો કરવાનો આવ્યો અને મોટા ભાગના પ્રસંગોમાં ગાંધીજીની ધર્મવિષયક સમજ વધારે વાસ્તવિક, વધારે માનવકેન્દ્રી જણાઇ. સ્વામી આનંદ જેવા બાકાયદા દીક્ષા લેનાર ભગવાંધારી સાધુએ રાષ્ટ્રસેવા માટે જોડાવાની વાત કરી, ત્યારે ગાંધીજીએ તેમનાં ભગવાં ઉતરાવી નાખ્યાં. ત્યાર પછી આજીવન સ્વામીએ સફેદ પોશાક અપનાવ્યો. ગાંધીજી એ કરી શક્યા. કારણ કે તેમને ધર્મસત્તા ઊભી કરવાની ન હતી. એ બરાબર સમજતા હતા—અને સ્વામીને પણ એ સમજાવી શક્યા—કે ભારતમાં ભગવાં કપડાં પહેરનારા લોકોની સેવા કરી શકતા નથી, લોકો તેમની સેવા કરે છે.

ધર્મની સમજ દીવાલો ધરાશાયી કરવાને બદલે દીવાલો ઊભી કરે, ત્યારે રૂઢિચુસ્તતા અને વ્યક્તિગત સ્વતંત્રતાનો વિરોધ દૃઢ થાય છે. મુસ્લિમ સ્ત્રીને ત્રણ વાર તલાક બોલવાથી છૂટાછેડા આપી શકાય એવા, ‘ટ્રીપલ તલાક’ના રિવાજ અંગે સર્વોચ્ચ અદાલતમાં ચાલતો કાનૂની જંગ એનું એક ઉદાહરણ છે. કેટલીક મુસ્લિમ મહિલાઓએ ટ્રીપલ તલાકના રિવાજને સ્ત્રીવિરોધી અને વ્યક્તિની સ્વતંત્રતાનો વિરોધી લેખાવીને તેને નાબૂદ કરવાની માગણી કરી છે. પરંતુ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સર્વોચ્ચ અદાલતમાં કરેલા સોગંદનામામાં કુરાન અને શરિઅતને ટાંકીને ટ્રીપલ તલાકના રિવાજનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે ‘દંપતિ વચ્ચે ગંભીર મતભેદ ઉભા થાય અને પતિ સાથે રહેવા ન જ ઇચ્છતો હોય તો સમય અને રૂપિયાના બગાડ જેવી કાનૂની વિધીથી ખચકાઇને તે કાયદેસર છૂટાછેડા ન લે એવું બની શકે. ત્યાર પછી એ ગેરકાયદે રસ્તા અપનાવે અને સ્ત્રીની હત્યા કરવા સુધી જઇ શકે.’ દેખીતાં કારણોસર ફરિયાદી મુસ્લિમ મહીલાઓએ પર્સનલ લો બોર્ડની દલીલોને પિતૃસત્તાક, અમાનવીય અને અન્યાયી ગણાવી છે. તેમણે કહ્યું છે કે બીજા અનેક મુસ્લિમ દેશોમાં પણ આવી જોગવાઇ નથી.

આ મુદ્દે રૂઢિચુસ્તો પાસે કશો તાર્કિક જવાબ નથી. એટલે તે કુરાન અને શરિઅતને અફર ગણાવીને, આ રિવાજને તેમના ધાર્મિક મામલા ખપાવવા અને તેને કાયદાથી પર રાખવા રજૂઆતો કરી રહ્યા છે. (પારસીઓની જેમ) ઇસ્લામ કોઇ રીતે ખતરામાં આવી પડે એવી સંખ્યાત્મક લઘુમતીમાં નથી, એ મુદ્દો બાજુ પર રાખીએ તો પણ, આધુનિક સમયમાં બંધારણદીધી સમાનતા અને (બીજાને નુકસાન ન થતું હોય એ હદમાં રહીને) વ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર કોઇ પણ ધર્મપુસ્તક કરતાં ચડિયાતાં ગણાવાં જોઇએ.
ટ્રિપલ તલાકની નાબૂદીથી ઇસ્લામનું હાર્દ જોખમાશે, ચમત્કારોના વિરોધથી રોમન કેથલિક સંપ્રદાયને હાનિ પહોંચશે કે અંધશ્રદ્ધા-જ્ઞાતિવાદી ભેદભાવનો વિરોધ એ હિંદુ ધર્મનો વિરોધ છે, એવી માન્યતાઓ સંબંધિત ધર્મ-સંપ્રદાયનો મહિમા ઘટાડે છે કે વધારે છે? વિચારી જોજો. 

Saturday, August 13, 2016

નામ અને અટકમાં જ ઘણું બધું બળ્યું છે

(દિવ્ય ભાસ્કર, તંત્રી લેખ, ૧૩-૮-૧૬)

શાહરૂખખાનની અમેરિકાના એરપોર્ટ પર વઘુ એક વખત અટકાયત થાય, એ કંઇ રાષ્ટ્રિય ચર્ચા કે ચિંતાનો વિષય નથી. લાગલગાટ ત્રણ વખત અમેરિકાની મુલાકાત દરમિયાન શાહરૂખખાનની અમેરિકાના એરપોર્ટ પર વિશેષ પૂછપરછકરવામાં આવી. આ પ્રકારની પૂછપરછમાં કામચલાઉ અટકાયતથી માંડીને અકળાવનારા-અણીદાર પ્રશ્નો પૂછાતા હોય છે. વિશ્વભરમાં ત્રાસવાદનો જે માહોલ છે અને આતંકી હુમલાનો જે ઓથાર છે, એ જોતાં કોઇ પણ દેશ--ખાસ કરીને અમેરિકા જેવો દેશ--વઘુ પડતી સાવચેતી દાખવે એ સમજી શકાય એવું છે. શાહરૂખખાન પણ એ સમજે છે અને એટલે જ, કોઇ પ્રકારની વીઆઇપી  વ્યવસ્થાની કે છૂટછાટની તેમની અપેક્ષા નથી. પરંતુ દરેક વખતે શાહરૂખખાનની અટકાયત થવાનું કારણ તેમના નામની પાછળ આવતું ખાનછે. તેનો સીધો અર્થ એ છે કે શાહરૂખકરતાં ખાનનું વજન અમેરિકાના અફસરો માટે વધારે છે.

મુસ્લિમો પ્રત્યે શંકાથી જોવાની અને તેમની વિશેષ પૂછપરછ કરવાની તો અમેરિકા સહિતના ઘણા દેશોની નીતિ છે. તે અન્યાયી હોવા છતાં, સલામતીનાં કારણોસર અને ત્રાસવાદની ભીતિ આગળ ધરીને એ વર્તણૂંકને હવે તો સત્તાવાર સ્વરૂપ આપી દેવાયું છે. એટલું જ નહીં, સામા પક્ષે પણ એ અગવડને સ્વીકારી લીધી છે. પરંતુ શાહરૂખખાન  જેવા જાણીતા અભિનેતાના કિસ્સામાં આવું થાય તે મુસ્લિમો પ્રત્યેની ભડક- ફોબિયા કેટલો ઊંડો ઉતરેલો છે અને એવો ફોબિયા ધરાવનારા કેવી ભીંત ભૂલી શકે છે, તે દર્શાવે છે. સલામતી ખાતર વ્યક્તિની ઓળખ અને તેને લગતા પુરાવા માગવામાં આવે, તે વ્યવસ્થાનો ભાગ હોઇ શકે છે. પરંતુ વ્યક્તિની ઓળખની ખાતરી આપતા પુરાવા જરૂર કરતાં અનેક ગણા વધારે હોય, તેમ છતાં વ્યક્તિની ધાર્મિક ઓળખને કારણે તેની કનડગત કરવામાં આવે, એ વિચિત્ર અને અનિચ્છનીય બાબત છે. શાહરૂખખાનની પૂછપરછ દરમિયાન તેમણે આરંભે જ પોતાના વ્યવસાય વિશે વાત કરી હશે. ત્યાર પછી ઓછામાં ઓછી તસ્દીથી અને ઇન્ટરનેટની મદદથી એરપોર્ટના અફસરો તેમની ઓળખાણની ખરાઇ કરી શક્યા હોત. પરંતુ દરેક વખતે આટલું સાદું પગલું તે લઇ શકતા નથી--તેમના પોતાના પ્રમુખ બરાક ઓબામાએ પોતાના પ્રવચનમાં શાહરૂખખાનનો ઉલ્લેખ કર્યો હોય તો પણ નહીં. શાહરૂખખાને સૌમ્યતાપૂર્વક ટિ્‌વટર પર આ ગેરવર્તણૂંકનો ઉલ્લેખ કરતાં ભારતમાં અમેરિકાના રાજદૂતે તેમની માફી માગી લીધી છે અને ફરી આવું નહીં થાય તેની ખાતરી આપી છે. પરંતુ શાહરૂખખાન જેટલા પ્રસિદ્ધ ન હોય એવા લોકોનું શું?

ધર્મના નામે આવી ભેદભાવજનક વર્તણૂંક અમેરિકામાં મુખ્યત્વે સપ્ટેમ્બર ૧૧ના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલા પછી શરૂ થઇ, પરંતુ ગુજરાતમાં-ભારતમાં હજુ ઘણો વ્યવહાર હજુ અટકઆધારિત છે. અજાણ્યા માણસની અટક જાણવી, તેના આધારે તેની જ્ઞાતિ સમજી કે ધારી લેવી અને એ પ્રમાણે તેની સાથે વર્તન કરવું, એ વાંધાજનક નહીં, વ્યવહારનો હિસ્સો ગણાય છે. વિવિધ જ્ઞાતિઓના--ખાસ કરીને સામાજિક કોટિક્રમમાં નીચલી ગણાતી જ્ઞાતિઓના લોકો સાથે થતો ભેદભાવભર્યો વ્યવહાર હજુ પણ અટક્યો નથી અને ભેદભાવ રાખનારામાંથી મોટા ભાગના તેને પોતાનો જન્મસિદ્ધ-જ્ઞાતિસિદ્ધ અધિકાર ગણે છે. એટલે એ બાબતે શરમ અનુભવવાનો કે માફી માગવાનો સવાલ ઊભો થતો નથી. ભારતની જ્ઞાતિપ્રથા શેક્સપિયરના શાણપણને ખોટું પુરવાર કરે છે. ફૂલને ગમે તે નામે બોલાવવાથી તેની સુગંધમાં ભલે ન ફરક પડતો હોય, પણ ગમે તે અટક ધરાવતા માણસને એ નિયમ લાગુ પડતો નથી. તેને મળતી તકથી માંડીને તેની આવડતની કદર અને તેના પ્રત્યેની વર્તણૂંક જેવી ઘણી પાયાની બાબતોનો આધાર અટક પર હોય છે અને અટકનો આધાર જન્મ પર.

શાહરૂખખાનની અટકાયતની ચર્ચાથી વાજબી રીતે દુઃખી થયેલા ભારતીયો પોતાના અટકપ્રેમ અને અટકદ્વેષ વિશે પણ થોડું વિચારે તો સારું.

Tuesday, November 24, 2015

ઇસ્લામ માટે આંતરખોજનો તકાદો

ધર્મનો મામલો નાજુક હોય છે. તેમાં સૌથી ઇચ્છનીય એ છે કે માણસ બીજાના ધર્મમાંથી વાંધા કાઢવાને બદલે, પોતાના ધર્મની મર્યાદાઓ સમજે (પહેલાં તો તેની મર્યાદાઓ હોઇ શકે એ સ્વીકારે) અને તેમાં જરૂરી સુધારા વિશે ખુલ્લા મને વિચારે.

ધર્મના સ્થાપકો ગમે તેટલા મહાન હોય, પણ તેમની વિદાય પછી ધર્મને સંસ્થામાં, સ્થાપિત હિતમાં અને હિંસક ખેંચતાણમાં ફેરવાઇ જતાં વાર લાગતી નથી. ત્યાર પછી ધર્મસુધારકો ધર્મના નામે ચાલતી અરાજકતાથી-અન્યાયથી-અમાનવીયતાથી વ્યથિત થઇને સુધારા માટે પહેલ કરે છે. સદીઓ પહેલાંના યુગમાં, એ સમયનાં મૂલ્યો અને રાજકીય-સામાજિક-ભૌગોલિક પરિસ્થિતિના આધારે ધર્મના ઘણા નિયમ નક્કી થયા હોય. તેમાંથી કયા નિયમ કાલગ્રસ્ત-અપ્રસ્તુત થઇ ગયા છે, કયા ઉપદેશ માનવસ્વતંત્રતાના આધુનિક વાતાવરણને બાધક નીવડે એવા છે-- એવા મુદ્દા સુધારકો ઊભા કરે છે.

ઘણાખરા અનુયાયીને પોતાનો ધર્મ શ્રેષ્ઠતમ અને સંપૂર્ણ લાગવાનો. તેમાં કોઇ પણ પ્રકારના ફેરફારની વાતથી તેમને રોષ ચડી શકે. પરંતુ શાંતિથી વિચારતાં સમજાશે કે માનવતાકેન્દ્રી સુધારા-સુધારકો ધર્મોને વધારે પ્રસ્તુત, વધારે માનવીય અને વધારે આદરણીય-સ્વીકૃત બનાવે છે. ગાંધીજીએ અસ્પૃશ્યતાવિરોધી ઝુંબેશ ઉપાડી ત્યારે કેટલાક પંડિતો ગાંધીજી સાથે શાસ્ત્રાર્થ કરીને અસ્પૃશ્યતાને ધાર્મિક ગણાવવા ઉત્સુક હતા, પણ ગાંધીજીની વાત સ્પષ્ટ હતી : આવી અમાનવીય પ્રથા ગમે તેવાં શાસ્ત્રોના આધારથી પણ વાજબી ઠરાવી ન શકાય. આઝાદી પછી ભારત હિંદુ રાષ્ટ્ર ન બન્યું અને બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી. એટલે ગમે તેવો રૂઢિચુસ્ત કે ધર્મધુરંધર પણ ન્યાયની અદાલતમાં ધર્મગ્રંથ ટાંકીને અસ્પૃશ્યતાનું સમર્થન કરી શકે નહીં ને કરવા જાય તો એ ટકે નહીં. (કેટલીક બાબતોમાં નાગરિકી સ્વતંત્રતાને રૂંધતા પર્સનલ લૉ આ બાબતમાં અનિચ્છનીય અપવાદ છે.)

કંઇક આવું પશ્ચિમી દેશોમાં પણ બન્યું. ખ્રિસ્તી ધર્મમાં થયેલા સુધારકોએ અને સમય પ્રમાણે બદલાતી માનવસ્વતંત્રતાની સમજે ખ્રિસ્તી ધર્મસત્તામાં ઠીક ઠીક પરિવર્તન આણ્યું. ધર્મની રૂઢિચુસ્તતા અને તેને માનનારા અનુયાયીઓ હંમેશા રહેવાના, પણ રાજ્યસત્તા તરફથી તેને મળતી સત્તાવાર સ્વીકૃતિ બંધ થઇ.

ઇસ્લામનો કેસ આ બાબતમાં અલગ છે. સુન્ની અને શિયાના હિંસક મતભેદો અને ધાર્મિકતાના નામે હિંસા ઇસ્લામના આરંભકાળથી હતાં. અફસોસની વાત છે કે તેર-ચૌદ સદી વીતવા છતાં એ સિલસિલો અટક્યો નથી. એમ તો હિંદુ ધર્મમાં પણ એક જમાનામાં શૈવો અને વૈષ્ણવો વચ્ચે સંઘર્ષ થતા. સમય જતાં એ શમી ગયા, પણ ઇસ્લામના શિયા-સુન્ની હિંસક મતભેદો શમવાનું નામ લેતા નથી. ISISના ઉપાડા પછી કેટલાક મુસ્લિમોએ લખ્યું છે તેમ, તેના આતંક માટે કેવળ અમેરિકાની વિદેશનીતિને દોષ આપવાનું યોગ્ય નથી. તેના મૂળમાં સુન્ની-શિયા સંઘર્ષ રહેલો છે. ઇરાકમાં શિયાઓની બહુમતી હોવા છતાં (સદ્દામ હુસૈન અને તેમની પાર્ટીના) સુન્નીઓનું રાજ રહ્યું. તેમણે શિયા તો ઠીક, ફાંટાની રીતે સુન્ની ગણાય એવા કુર્દ લોકોને કચડવામાં કશું બાકી ન રાખ્યું.

સદ્દામ હુસૈન સામે અમેરિકાની લશ્કરી કાર્યવાહી પછી શિયાઓનું રાજ આવ્યું, તો એમણે સુન્નીઓ પ્રત્યે કિન્નાખોરી રાખી. ISIS સુન્ની સંગઠન છે અમેરિકાના આક્રમણ પછી સદ્દામ હુસૈનના વિખેરાઇ ગયેલા લશ્કરના ઘણા માણસો તેમાં પોતાના લશ્કરી અનુભવો સહિત જોડાયેલા છે. અમેરિકાએ ઇરાક પર રહેલો સદ્દામનો લોખંડી સકંજો દૂર કરીને બદલામાં બીજો કોઇ સકંજો મૂકી ન આપ્યો. તેને કારણે સુન્ની સંગઠન ISISને છૂટો દોર મળ્યો. એ અમેરિકાની મોટી ભૂલ, પણ સુન્ની-શિયા વચ્ચેનો ઝઘડો અમેરિકાએ ઊભો કરેલો નથી. યાદ રહે, બન્ને જૂથો એકબીજા સામેની હિંસક કાર્યવાહી માટે કુરાનનો આધાર આપે છે.

બીજો અગત્યનો મુદ્દો : ભારતમાં ૨૦૧૪માં એનડીએની જીત પછી-બિહારની ચૂંટણી પહેલાના અરસામાં હિંદુ ધર્મના નામે ઘણા હિંદુત્ત્વવાદીઓએ આત્યંતિક વિધાન કર્યાં. આધુનિક ગણાતો અમેરિકા નવાઇ લાગે એટલી હદે ધાર્મિક દેશ છે. પરંતુ ભારત-અમેરિકાના બંધારણમાં, તેના શાસનમાં હિંદુ કે ખ્રિસ્તી રાજ્ય સ્થાપવાનો ખ્યાલ નથી. માણસની મૂળભૂત સ્વતંત્રતા- મૂળભૂત અધિકારો સ્વીકારાયેલા છે. તેનાથી સાવ વિપરીત, ઘણા મુસ્લિમ દેશોના શાસકોને સર્વધર્મસમભાવના મોડેલમાં રસ પડતો નથી. તેમનું ધ્યેય લોકશાહી પ્રમાણે નહીં, પણ ચુસ્ત ઇસ્લામી રીતે, શરિયા પ્રમાણે શાસન ચલાવવાનું હોય છે. પોતાની જાતને ખલીફા (વિશ્વના સુન્નીઓનો ગુરુ) ગણાવતો ISISનો બગદાદી જગતમાં ઇસ્લામી શાસન સ્થાપવા ઇચ્છે છે. તેમાં બીજા ધર્મોના તો ઠીક, ઇસ્લામના બીજા ફિરકાઓના અને કોઇ પણ માણસના મૂળભૂત માનવ અધિકારો ગમે ત્યારે આંચકી શકાય છે.  ઇસ્લામના નામે હિંસા આચરવાની વાત આવે ત્યારે અમેરિકાનો ટેકો ધરાવતા સાઉદી અરેબિયામાં અને આતંકી નં.૧ ISISમાં ઝાઝો ફરક હોતો નથી. બન્ને કુરાનના નામે મધ્ય યુગીન સજાઓ ફટકારે છે અને પોતાની ધાર્મિકતા ઉપર જાતે જ પોરસાય છે.

એક કટ્ટરતાને બીજી કટ્ટરતાથી વાજબી ઠરાવવા માગતા હિંદુત્વવાદીઓ પાસેથી ઇસ્લામની ટીકા શોભતી નથી, પણ  ISISના ઉપાડા પછી કેટલાક મુસ્લિમોએ ઇસ્લામ અને અંતિમવાદના સંબંધ વિશે ખોંખારીને કહ્યું છે. એક મુસ્લિમ ભાઇએ લખ્યું છે,‘ ISIS મુસ્લિમ સંગઠન છે અને તે ઇસ્લામિક પ્રોબ્લેમ છે. તે ઇસ્લામના મર્મસ્થાને થયેલું કેન્સર છે અને મુસ્લિમો તેનો મુકાબલો નહીં કરે ત્યાં સુધી એ નહીં જાય. ISISના હત્યારા અલ્લાહો અકબરના નારા લગાડે છે. મહિલાઓ પર અત્યાચારના ટેકામાં તે કુરાનની આયતો ટાંકે છે. ઇસ્લામ ન સ્વીકારે એવા પરધર્મીઓને તે મારી નાખે છે...તેમાં ભટકી ગયેલા બેકાર યુવાનોથી માંડીને, પ્રોફેશનલ, બિઝનેસમેન અને કુરાનના ખાં હોય એવા વિદ્વાનો પણ છે. તેમનો ખલીફા અલ બગદાદી ઇસ્લામિક સ્ટડીઝમાં ડોક્ટરેટ ધરાવે છે.મોટા ભાગના મુસ્લિમો હિંસાનું સમર્થન કરતા નથી તે સાચી અને આવકાર્ય બાબત છે, પરંતુ ઇસ્લામ હિંસાનું સમર્થન કરતો નથી’, એવા દાવા સામે કેટલાક મુસ્લિમોએ અણીદાર સવાલ ઉઠાવ્યા છે.

ગમે તેવો મહાન ધર્મ અંગત માન્યતાનો જ વિષય હોઇ શકે. તેના આધારે રાજ ચલાવી શકાય નહીં. એવી જ રીતે, ગમે તેટલા પવિત્ર પુસ્તકમાં પ્રબોધાયેલી અમાનવીય વર્તણૂંકને અફર કે અંતિમ સત્ય ગણી શકાય નહીં. બદલાતા સમયમાં તેને અનુયાયી માટે નહીં, પણ નાગરિક માટે અનુરૂપ બનાવવી પડે. આ બન્ને બાબતો મનમાં રાખીને, મુસ્લિમો  દોષનો આખો ટોપલો પાશ્ચાત્ય દેશોના માથે ઢોળવાને બદલે, પોતાના ધર્મ વિશે પૂરા આદર સાથે આંતરખોજ કરે અને એવું કરી રહેલા અવાજોને મોકળાશ આપે એ સમયનો તકાદો છે. બાકી, કુરાન- શરિયામાંથી પ્રેરણા લેવાનો દાવો કરનાર અલ કાઇદા, બોકો હરામ, ISIS સિલસિલો ચાલુ જ રહેશે.


દુભાઇ જવું સહેલું છે. વિચારવું અઘરું. પણ ધર્મનું હિત વિચારમાં છે.

Friday, September 04, 2015

જાહેર જીવનમાં ગાંધીમાર્ગ કે ઝીણામાર્ગ?

વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી/ Census 2011ના ધર્મઆધારિત આંકડા ગયા સપ્તાહે જાહેર થયા. સંકુચિત ઓળખ આગળ કરીને અસલામતી ફેલાવવનારાને તેમાં ગોળનું ગાડું મળી ગયું. તેમણે છાપરે ચઢીને પોકાર કર્યા કે કુલ વસ્તીમાં હિંદુઓનું પ્રમાણ પહેલી વાર ૮૦ ટકા કરતાં ઘટ્યું (૭૯.૮ ટકા થયું) અને મુસ્લિમોના પ્રમાણમાં વધારો ચાલુ રહ્યો. વર્ષ ૨૦૦૧ માં દેશની કુલ વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ ૧૩.૪ ટકા હતું, જે વર્ષ ૨૦૧૧માં વધીને ૧૪.૨ ટકા થયું.

આટલી વિગતોથી જોયું? અમે કહેતા હતા ને? હિંદુઓ ખતરામાં છે... પચાસ વર્ષ પછી મુસ્લિમો દેશ પર રાજ કરતા હશે.એ પ્રકારની કાગારોળ મચી. છડેચોક ઉશ્કેરણી કરવામાં બહાદુરી સમજતા અને અગમ્ય કારણોસર સુઓ-મોટો (સ્વયંભૂ) અદાલતી પગલાંમાંથી બચી જતા શિવ સેના જેવા પક્ષે તેના મુખપત્રમાં જાહેર કરી દીધું કે મુસ્લિમોના વસ્તીવધારા માટે ધર્મનું રાજકારણ જવાબદાર છે. કેટલાંક તત્ત્વો દેશના ઇસ્લામીકરણનો અને મોગલ શાસન પાછું આણવાનો ખ્યાલ સેવી રહ્યા છે. દેશમાં સેક્યુલારિઝમનું તૂત ચાલુ રહ્યું, તો આવતાં પચાસ વર્ષમાં આ દેશમાં મોગલ શાસન સ્થપાઇ જાય તો નવાઇ ન લાગવી જોઇએ.આ સિવાય પણ મુસ્લિમો વિશેની ચીલાચાલુ ઉશ્કેરણીજનક વાતો એ લેખમાં લખવામાં આવી હતી.

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે મુસ્લિમોની વસ્તી જેહાદના લીધે હિંદુઓ લુપ્ત થઇ શકે છે. (આવું ગમ્મતમાં નહીં, ગંભીરતાપૂર્વક કહેવામાં આવ્યું હતું.) હિંદુઓના લુપ્તથવાની ગંભીર શક્યતાકયા આંકડાના આધારે વ્યક્ત કરવામાં આવી હતી? વિશ્વ હિંદુ પરિષદના ઉચ્ચ હોદ્દેદારે કહ્યું કે ૧૯૫૧થી ૨૦૧૧ દરમિયાન કુલ વસ્તીમાં હિંદુઓનું પ્રમાણ ઘટીને ૮૪ ટકામાંથી ૮૦ ટકા નીચે આવી ગયું, જ્યારે આ જ સમયગાળામાં મુસ્લિમો ૧૦ ટકામાંથી વધીને ૧૪ ટકા થઇ ગયા...આપણે વેળાસર નહીં જાગીએ તો ભારત ઇસ્લામિક દેશ થઇ જશે.

હિંદુઓના હિતચિંતક-હિંદુહિતરક્ષક હોવાનો ડોળ કરતા આ બન્નેએ સૂચવેલા ઉપાય જોકે સાવ સામસામા છેડાના હતા. વિશ્વ હિંદુ પરિષદના હોદ્દેદારે બેથી વઘુ સંતાન પર અંકુશ મૂકવાની માગણી કરી, તો શિવ સેનાની ઉત્તર પ્રદેશ પાંખે વર્ષ ૨૦૦૫થી ૨૦૧૫ વચ્ચે પાંચ કે વધુ બાળકો ધરાવતાં હિંદુ પરિવારોને રૂ.બે લાખ આપવાની જાહેરાત કરી.

આવા હિતરક્ષકો હોય તો હિંદુઓને હિતશત્રુઓની શી જરૂર? આવો સવાલ થવાનું કારણ તેમણે નહીં ટાંકેલા વસ્તીગણતરીના આંકડામાંથી મળી રહે છે. સૌથી પહેલાં વાત વસ્તીવધારાની ધીમી પડી રહેલી ગતિની. ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ (વસ્તીના ફાયદા) લેવામાં નિષ્ફળ ગયેલા રાષ્ટ્ર માટે વસ્તીવધારાના દરમાં થઇ રહેલો ઘટાડો સૌથી આનંદદાયક સમાચાર ન કહેવાય? વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીના આંકડા એવા સારા સમાચાર લઇને આવ્યા હતા, પરંતુ અસલામતીની ખેતી કરનારાને તેની સાથે શી લેવાદેવા?

હકીકતમાં, દેશના હિંદુઓ અને મુસ્લિમો બન્ને ધર્મના લોકોમાં વસ્તીવધારાનો દર સતત ઘટી રહ્યો છે અને એ ઘટાડો વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીમાં પણ ચાલુ રહ્યો છે. હિંદુઓની વસ્તી ૧૯૮૧ સુધી સતત વધતી રહી. ૧૯૮૧માં હિંદુઓના વસ્તીવધારાનો દર ૨૪.૦૭ ટકા હતો. ત્યાર પછીની દરેક વસ્તીગણતરીમાં એ ઘટતો રહ્યો છે અને વર્ષ ૨૦૧૧માં એ ૧૬.૭૬ ટકા થયો છે. એટલે કે ત્રણ દાયકામાં હિંદુઓના વસ્તીવધારાનો દર આશરે ૭.૨૫ ટકા જેટલો ઘટ્યો છે, જેના કારણે ઉશ્કેરણીબાજો ખતરાના શંખ વગાડી રહ્યા છે. તેમની ઉશ્કેરણીમાં વજૂદ હોય,એટલે કે, તે ઉશ્કેરણી નહીં પણ ચેતવણી હોય, તો આ ગાળામાં પોપ્યુલેશન જેહાદને કારણે મુસ્લિમોનો વસ્તીદર મોટા પાયે વધવો જોઇએ. પરંતુ હકીકત જુદી છે.

હિંદુઓનો વસ્તીવધારાનો દર ૧૯૮૧ સુધી, તો મુસ્લિમોનો વસ્તીવધારાનો દર ૧૯૯૧ સુધી વધતો રહ્યો. પરંતુ ૧૯૯૧ પછી સતત બે દાયકાથી મુસ્લિમોનો વસ્તીવધારા દર ઘટી રહ્યો છે. ૧૯૯૧માં એ દર ૩૨.૮૮ ટકા હતો, જે ૨૦૧૧માં ૨૪.૬૦ થયો છે. એટલે કે પોપ્યુલેશન જેહાદના આરોપી તરીકે ચડાવી દેવાયેલા મુસ્લિમોના  વસ્તીવધારાનો દર હિંદુઓના વસ્તીવધારાના દર કરતાં વધુ ઝડપથી ઘટી રહ્યો છે : હિંદુઓની વસ્તીવૃદ્ધિનો દર ત્રણ દાયકામાં ૭.૨૫ ટકા ઘટ્યો, ને મુસ્લિમોનો બે દાયકામાં ૮.૨૫ ટકા. ૧૯૯૧થી ૨૦૦૧ દરમિયાન દેશની કુલ વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં ૧.૭૩ ટકાનો વધારો થયો હતો, જ્યારે ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન દેશની વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ ૦.૮ ટકા (અગાઉના દાયકા કરતાં અડધું) વધ્યું.

સવાલ સાચા અર્થઘટનનો અને સાચી રીતે રાષ્ટ્રહિત અંગે વિચારવાનો છે. ગુજરાતમાં અનામતના મુદ્દે ફેલાયેલી અશાંતિ કરતાં એક સ્ત્રીનાં એકાધિક લગ્નો અને ઓરમાન સંતાનની હત્યાના ચોપડા ચૂંથવા હડી કાઢતાં ઘણાંખરાં ટીઆરપી-ક્લિકભૂખ્યાં પ્રસાર માધ્યમો વિશે તો શું કહેવાનું? વસ્તીગણતરીના આંકડાને ધાર્મિક ઉશ્કેરણીનું નિમિત્ત બનાવતાં તેમને કોણ રોકી શકે?

હિંદુ ખતરેમેં પ્રકારની અસલામતીને પોતાના રાજકીય અસ્તિત્ત્વનો આધાર બનાવનાર સૌએ પટેલોના અનામત આંદોલન જેવી તેની આડપેદાશો વિશે પણ વિચારવું જોઇએ. ૧૪.૨ ટકા મુસ્લિમોથી ૭૯.૮ ટકા હિંદુઓને ખતરો છે, એવા હથોડા મારનારા આડકતરી રીતે એવું સ્થાપિત કરી આપે છે કે તમે ગમે તેટલું સંખ્યાત્મક કે અન્ય પ્રકારનું વર્ચસ્વ ધરાવતા હો, છતાં તમે અસલામત છો. તમે હિંદુ હો તો મુસ્લિમો સામે અસલામત છો, મરાઠી હો તો બિહારીઓ સામે અસલામત છો, તમે વગદાર-વર્ચસ્વદાર હો તો વંચિતો સામે અસલામત છો, તમે એન્કાઉન્ટરબાજ હો તો કાનૂની કાર્યવાહી ને અદાલતો સામે અસલામત છો... ટૂંકમાં, તમે અસલામત હો, તો જ અમે સલામત છીએ. કારણ કે તમે અસલામત હશો તો જ તમારા હિતરક્ષકની-હૃદયસમ્રાટની જગ્યા ખાલી હશે અને (અમારી જ ઊભી કરેલી) એ જગ્યાને અમે ભરી શકીશું.

મુખ્ય ધારાના રાજકારણમાંથી મળતા આ પ્રકારના ઉત્તેજનને કારણે ગર્વસે કહો, હમ અસલામત હૈએ નવા સમયનું સૂત્ર બની ગયું છે. મહદ્‌ અંશે કાલ્પનિક એવી અસલામતીનું સૌથી મોટું સુખ એ છે કે  તેને આગળ ધરીને મનમાં રહેલા ધીક્કારને-દ્વેષને તર્ક અને વાજબીપણાના વાઘા પહેરાવી શકાય છે. મને તો કોઇના માટે કશું નથી, પણ તમે જ કહો. અમારી આવી દશા થાય એ કેવી રીતે સાંખી લેવાય?’

આવા વખતે જરૂર હોય છે અસલામતીના વિષચક્રને તોડનારની--નહીં કે એની ભીંસને ઓર જડબેસલાક બનાવનારની. ગાંધી-સરદાર જેવા નેતાઓએ આમજનતાના મનમાં અસલામતી ઊભી કરીને પોતાનું નેતાપદું ઊભું કર્યું ન હતું. તેમનો ઇરાદો એક યા બીજા ધર્મના, એક યા બીજા સમુદાયના નાગરિકોને મજબૂત કે નબળા પાડવાનો નહીં, દરેકને ભારતના નાગરિક તરીકે સ્થાપવાનો- મજબૂત બનાવવાનો હતો.  ભારતના ભાગલા વખતે થયેલી ઐતિહાસિક હિંસાખોરી વખતે પણ આ નેતાઓ અસલામતીનું સંકુચિત રાજકારણ રમવામાં ન પડ્યા. સામે પક્ષે ઝીણાએ (મુસ્લિમોમાં) સતત અસલામતી ઊભી કરવાનો વ્યૂહ અપનાવ્યો. ઘણા સમયથી આપણા રાજનેતાઓ ઝીણામાર્ગે ઘણા આગળ નીકળી ગયા છે,પરંતુ સામાજિક આંદોલનોની નેતાગીરી લેનારાએ ગાંધી-સરદારમાર્ગે ચાલવું કે ઝીણામાર્ગે, એ વિચારવાનું છે.