Saturday, May 09, 2026

ઝેરનો પ્રતિકાર

 નરેન્દ્ર મોદીના ભક્તોને ચાલુ વર્તમાનકાળમાં વસવું પડે છે. કારણ કે થોડા જ દૂરના ભૂતકાળમાં જતાં જુમલાઓના ને ભ્રષ્ટ-ગુનાઇત બેશરમીના ખડકલા ધડાધડ બહાર નીકળવા માંડે છે.

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પહેલાંના સંખ્યાબંધ વિડીયોમાં તેમણે પછીથી વડાપ્રધાન તરીકે લીધેલા નિર્ણયોની ટીકા સાંભળી શકાશે, પણ ના... ભક્તો ત્યારે પણ હોંશે હોંશે છેતરાયા હતા ને આજે પણ હોંશે હોંશે છેતરાય છે. ત્યારે રવાડે ચડીને છેતરાયા હતા ને આજે આંખ સામે દેખાતી અસલિયત નજરઅંદાજ કરીને છેતરાય છે.
તેનો તાજો દાખલો આજે ટ્વિટર પર ચાલેલી સુવેન્દુ અધિકારી વિશેની મોદીની જૂની વિડીયોનો છે. તેમાં મોદી લાંચ લેતાં રંગેહાથ પકડાયેલા અને ત્યારે મમતા બેનર્જીના સાથીદાર એવા સુવેન્દુ અધિકારીની બરાબર ટીકા કરે છે અને એ પણ તેમના ખાસ, સડકછાપ અંદાજમાં. સાદા ગુજરાતીમાં જેને 'કૂદી કૂદીને' કહી શકાય એવી રીતે.
--અને આજે એ જ મોદી એ જ સુવેન્દુને બંગાળના મુખ્ય મંત્રી બનાવે છે ને ડાહી ડાહી વાતો કરે છે. ત્યારે ભક્તોએ શું કરવાનું? મમતા બેનરજી કેટલાં ખરાબ છે અને એક સમયે સુવેન્દુ તેમના માણસ હતા, તેની પર ફોકસ કરવાનું. તટસ્થતાની વાતો કરવાની અને 'તમે તો મોદીની પાછળ પડી ગયા છો'--એવી લાઇન ચલાવવાની.
આટલો અંધાપો રાજકીય સ્વાર્થ ધરાવતા લોકોમાં હોય તો તેને સ્વાર્થઅંધતા કહેવાય, પણ સ્વાર્થઅંધતા કરતાં વિચારઅંધતા અને ધિક્કાર-અંધતા ઘણી વધારે ખતરનાક છે. કેમ કે, તેની અસરો ફક્ત રાજકારણ પૂરતી સીમિત ન રહેતાં સમાજમાં ઝેર પ્રસારે છે અને છેક મૂળીયાં સુધી પહોંચી જાય છે. તેનો અનુભવ આપણે કરી રહ્યા છીએ.
કેટલાક લોકો માને છે ને એવી ચિંતા પણ કરે છે કે હું મોદીને ધિક્કારું છું ને ચોવીસે કલાક તેમની ટીકા કરવામાં ગાળું છું. એવા લોકોને આશ્વસ્ત કરવા માટે કહી દઉં કે હું તેમની નીતિઓનો, જૂઠાણાંનો, સડકછાપ વક્તવ્યોનો, દેશને ડૂબાડતાં તેમનાં કશી દીર્ઘ કે સાદી દૃષ્ટિ વગરનાં પગલાંનો, ભયંકર (વેપનગ્રેડ) આત્મમુગ્ધતાનો, ધિક્કારને રાજ્યાશ્રય આપવાની રસમનો, તેમના છીછરાપણાનો અને હળહળતા દંભનો, રાજાબાબુ-એડિટ્યુડનો આકરો ટીકાકાર છું, પણ તેમના માટે મનમાં ધિક્કાર નથી. તેમણે દેશને અને સમાજને ભરપાઈ ન થઈ શકે એટલું નુકસાન પહોંચાડ્યું છે એવું પૂરતી હકીકતો સાથે માનું છું. છતાં, તેમના વિશે મનમાં ઝેર નથી. કારણ કે, એવો ધિક્કાર-એવું ઝેર સરવાળે મને જ મારી નાખે. તેમના વિશેના અભિપ્રાયો મારી વિચારસૃષ્ટિનો એક નાનો હિસ્સો છે, પણ તેમના પ્રેમીઓને મારી આખી વિચારસૃષ્ટિમાંથી ફક્ત એટલું જ દેખાય છે અથવા એટલું જ યાદ રહે છે. (તે સિવાય મારા મનોજગતમાં બીજું શું શું છે, તેની એક જ ઝલક લેવી હોય તે મારો બ્લોગ અથવા 'મારી પત્રકારત્વ-લેખનની સફર' પુસ્તક જોઈ શકે છે. )
બીજી તરફ, ઘણાખરા પ્રગટ ભક્તો ઝેરના વેપારી થઈ ગયા છે. સીધાંસાદાં મૂલ્યોની વાત, માનવતાની વાત, સહઅસ્તિત્વની વાત તેમનાથી ખમાતી નથી. તેના ઉલ્લેખમાત્રથી તે ઝેરની ઉલટીઓ કરવા માંડે છે. તેમને લાગે છે કે માનવતાનાં મૂલ્યોની વાત થશે તો આટલા દાયકાઓની મહેનતથી ઊભો કરેલો ને મોટો થયેલો ધિક્કાર ને વેરઝેરનો માંચડો પાછો ફસકી પડશે. એટલે એવી વાત કરનારા લોકો પર ટ્રોલિંગથી માંડીને બીજીત્રીજી રીતે દબાણ કરીને તેમને ચૂપ કરાવવા મથે છે.
અને પ્રચ્છન્ન ભક્તો.
તેમને પૂરેપૂરું સમજાતું નથી અથવા પોતાની ભક્ત-અવસ્થા તે પૂરેપૂરી સ્વીકારી શકતા નથી. એટલે તે 'અમારે તો તમારા જેવું નથી. અમે તો મોદીની મુદ્દાઆધારિત ટીકા કરીએ છીએ'--એવી દલીલ કરીને જાતને આશ્વાસન આપે છે, પણ રોજેરોજ તેમના સાહેબની મુદ્દાઆધારિત ટીકા થાય ત્યારે, 'આ તો હદ કરે છે' એવું તેમને રોજેરોજ વાજબી ટીકાના મુદ્દા પૂરા પાડનારા મોદી વિશે નહીં, પણ એ મુદ્દે મોદીની ટીકા કરનારા લોકો વિશે થાય છે. મુદ્દા ખોટા છે, એવું તે કહી શકે એમ નથી. એટલે પછી તે બીજી ભળતી દલીલો કરે છે. એ તેમના પ્રચ્છન્ન ભક્ત હોવાનું લક્ષણ છે. (ભક્ત શબ્દ આકરો લાગે તો તે પોતાને પ્રેમી કે સમર્થક પણ ગણી શકે છે.)
એવા સંજોગોમાં, ઝેરનાં વાવેતર, ઝેરની ખેતી, ઝેરની ફસલ ને ઝેરનો વેપલો કરનારાઓ સાથે જીભાજોડી કરવા પણ તેમની દુકાને ઊભવું નહીં ને આપણા બારણે નજરે પડે તો પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે તેમને રવાના કરવા અથવા અવગણવા.
ઝેરીલા લોકો સાથે સંવાદની મહત્ત્વાકાંક્ષા મેં તો છોડી દીધી છે. તેમના ઝેરથી સલામત રહેવું એને જ પ્રાથમિક કર્તવ્ય ગણ્યું છે. તમે પણ તેમના ઝેરથી અળગા ને સલામત રહો એવી શુભેચ્છા.

No comments:

Post a Comment