Friday, August 29, 2014

ભારત-પાકિસ્તાન મંત્રણા : કાલ્પનિક સ્ટિંગ ઓપરેશન

બાળપણમાં ટીવી પર ક્રિકેટમેચ જોતી વખતે, બે બેટ્‌સમેન પીચની વચ્ચે આવીને વાત કરે ત્યારે હંમેશાં એવું કુતૂહલ થતું હતું કે આ લોકો કેવી વાતો કરતા હશે? કંઇક એવી જ બાળસહજ જિજ્ઞાસા ભારત-પાકિસ્તાનના અફસરો વચ્ચે ચાલતી મંત્રણાઓ અંગે પણ થાય છે. જાહેરમાં ખટાશભર્યા સંબંધ ધરાવતા બન્ને દેશોના અફસર-સ્તરના પ્રતિનિધિઓ ઔપચારિક મંત્રણા વખતે ખરેખર કેવા પ્રકારની વાતો કરતા હશે, તેનું સ્ટિંગ ઓપરેશન કોઇ કરે તો?
*** 

ભારતીય અફસર : નમસ્કાર.

પાકિસ્તાની અફસર : આદાબ. કહીયે, ક્યા હાલચાલ હૈ? વૈદિકજી મઝેમેં?

ભારતીયઃ બસ, એકદમ ખેરિયતમાં. એમણે હાફીઝ સઇદને રામ રામ કહેવડાવ્યા છે. તમારે કેમ ચાલે છે? દાઉદ ઇબ્રાહિમ મઝામાં ને?

પાકિસ્તાનીઃ એ ક્યાંથી મઝામાં હોય? તમે એને ભારત આવવા દેતા નથી ને લાદેનનું થયું ત્યારથી એને બીક લાગે છે કે ભારતના દબાણથી અમેરિકા ક્યાંક...

ભારતીય : એને કહેજો કે હમણાં નિશ્ચિંત રહે. ચૂંટણી સુધી એનો વાળ વાંકો થવાનો નથી. દાઉદ માટે ચૂંટણી પહેલાંના થોડા મહિના ભારે  કહેવાય. એમાં સાચવી લેવાનું. બાકી પાકિસ્તાનમાં આટલા ત્રાસવાદીઓ મોજ કરે છે, તો દાઉદ પાકિસ્તાનને ક્યાં ભારે પડવાનો છે.

પાકિસ્તાની : આ તો અમારી પર ચોખ્ખો આરોપ છે.

ભારતીય : અરેરે, તમે ડિપ્લોમેટ થઇને આને આરોપ ગણો છો? મેં તો કોમ્પ્લીમેન્ટની રીતે કહ્યું હતું.

પાકિસ્તાની : તો ઠીક. કાશ્મીરમાં ભારતીય સૈન્ય મઝામાં ને? એનાં બધાં ટાર્ગેટ પૂરાં થાય છે ને? એન્કાઉન્ટરનાં ને ધૂસણખોરી અટકાવવાનાં...

ભારતીય : એટલે? તમે કહેવા શું માગો છો?

પાકિસ્તાની : કંઇ નહીં. હું પણ ભારતીય સૈન્યને તેની ચુસ્તી માટે કોમ્પ્લીમેન્ટ જ આપવા માગતો હતો.

ભારતીય : આ ચા લઇ લો. ઠંડી થશે.

પાકિસ્તાની : મને થોડી ઠંડી પીવાની જ ટેવ છે.

ભારતીય : હું તો ફોરેન સર્વિસમાં આવ્યો ત્યાર પહેલાં ચા રકાબીમાં કાઢીને જ પીતો હતો.

પાકિસ્તાની : શું વાત કરો છો? ગજબ કહેવાય. તમને એ ફાવે? એટલે કે એક હાથમાં કપ, બીજા હાથમાં રકાબી, કપમાંથી રકાબીમાં ચા કાઢવાની ને કપ નીચે મૂક્યા વિના એ જ રકાબી મોઢે માંડવાની...કહેવું પડે. તમારા લોકોનું કલ્ચર બહુ સ્ટ્રોંગ છે.

ભારતીય : તમારા આર્મી ને આઇએસઆઇ જેવું...

પાકિસ્તાન : ગુડ જોક. તમારી સેન્સ ઓફ હ્યુમર સારી છે. એટલે જ તમને મળવાની મઝા આવે છે. આ વખતે કયો નવો જોક કહો છો?

ભારતીય : અમેરિકાના પ્રમુખે પાકિસ્તાનના પ્રમુખને કહ્યું કે અમે તમને દોસ્ત ગણીએ છીએ.

પાકિસ્તાની : પછી?

ભારતીય : બસ, જોક પૂરો થઇ ગયો.

પાકિસ્તાની : (અટ્ટહાસ્ય કરે છે)

ભારતીય : હવે તમારો વારો. આ વખતે કોનો જોક કહેશો?

પાકિસ્તાની : સાંભળો. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે એમની પાસે યેલ યુનિવર્સિટીની ડિગ્રી છે.

ભારતીય : પછી?

પાકિસ્તાની : બસ, જોક પૂરો થઇ ગયો.

ભારતીય : (ખડખડાટ હસતાં હસતાં) દ્વિપક્ષી સંબંધો માટે રાજદ્વારી સ્તરની મંત્રણા કેમ અનિવાર્ય છે, એ લોકોને કેવી રીતે સમજાવવું? ચાલો, હવે આપણે ગંભીર વાત કરીએ.

પાકિસ્તાની : ઓકે. કાશ્મીરને આઝાદી આપવી જોઇએ.

ભારતીય : કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે.

પાકિસ્તાની : ફેર ઇનફ. ગંભીર વાતો બહુ થઇ. હવે તમે એ કહો, ગઇ વખતે મેં ગુજરાતના ગાંઠિયા મંગાવ્યા હતા એ તમે લાવ્યા? આમ પણ બન્ને દેશો વચ્ચે વ્યાપારી અને લેવડદેવડના સંબંધ સુદૃઢ બને એવું બધા ઇચ્છે છે.

ભારતીય : ગાંઠિયા શી રીતે ભૂલાય? વાટાઘાટો અને સાંસ્કૃતિક આદાનપ્રદાન દ્વારા દ્વિપક્ષી સંબંધો મજબૂત બને એમાં મને પણ તમારા જેટલો જ રસ છે- અને તમે લાહોરથી પેલી મીઠાઇ લાવ્યા?

પાકિસ્તાની : અરે, તમારી ને મારી બન્નેની મંગાવી લીધી છે. મીઠાઇ એ તો આપણી વચ્ચેના સંબંધો કેટલા મીઠા હોવા જોઇએ તેની યાદ અપાવનારું પ્રતીક છે. તેના વિના મંત્રણા કેવી રીતે ચાલી શકે? ખીર સિવાયની કોઇ પણ મીઠાઇ મંગાવો. ગમે ત્યારે મંગાવો. તમે કહો તો ઘરે મોકલી આપીશ.

ભારતીય : થેન્ક્‌સ. પણ ખીર કેમ નહીં?

પાકિસ્તાની : ઓહ, ખીરથી સની દેઓલનો પેલો ડાયલોગ યાદ આવે છે, ‘દૂધ માંગો તો ખીર દેંગે...’

ભારતીય : (ખડખડાટ હસતાં) ઔર પનીર માંગો તો (દૂધ) ચીર દેંગે

પાકિસ્તાની : (હાસ્ય) અમારે ત્યાં એક જણ પનીરની મીઠાઇ બનાવે છે. તમે ટ્રાય કર્યો છે કદી? એક વાર ચાખશો તો કદી રાજદ્વારી સ્તરની મંત્રણા અટકાવવાનું મન નહીં થાય.

ભારતીય : શું વાત કરો છો. તો આવતી વખતે એ લાવજો અને એક પેકેટ વધારે કરાવજો-સની દેઓલ માટે...જુઓ, તમારી ચા ઠંડી થઇ ગઇ. ફરી મંગાવી લઇએ?

પાકિસ્તાની : હા, ચા તો પીવી પડશે. જહાં ચા, વહાં રાહ.

ભારતીય : અને આ લો પાટણનું પટોળું, મેડમ માટે. આ પટોળાની કિંમત લાખો રૂપિયામાં હોય છે. પણ બે દેશોની દોસ્તી સામે એની શી કિંમત?

પાકિસ્તાની : ધેટ્‌સ ધ સ્પિરિટ. હું પશ્મીના શાલ લાવ્યો છું મેડમ માટે. એકદમ ઓરિજિનલ કાશ્મીરી છે.

ભારતીય : કાશ્મીર તમારી બાજુનું કે અમારી બાજુનું?

પાકિસ્તાની : (હસે છે) જનાબ, આટલા સરસ વાતાવરણમાં આપણી વચ્ચે સંવાદ થયો છે ત્યારે એને ક્યાં ડહોળવો?

ભારતીય : એ વાત તો છે. મહત્ત્વ બન્ને દેશો વચ્ચે રાજદ્વારી સંવાદ ચાલુ રહે એનું છે. સંવાદ ચાલશે તો સંબંધો સુધરવાની આશા રહેશે અને બન્ને દેશોનું ભવિષ્ય ઉજળું બનશે. ભવિષ્ય પરથી યાદ આવ્યું. તમારા દેશનું રાજકીય ભવિષ્ય કેમ લાગે છે?

પાકિસ્તાન : અમારા રાજકીય ભવિષ્ય બાબતે મારી પાસે એક આઇડીયા છે. અમે તમને દાઉદ ઇબ્રાહીમ સોંપી દઇએ, જો તમે અમને અમિત શાહ આપતા હો તો.

ભારતીય : એટલે, વોટ ડુ યુ મીન?

પાકિસ્તાની : તમે ગેરસમજણ કરો છો. હું એમ કહેવા માગતો હતો કે અમારે ત્યાં જે રાજકીય પક્ષને અમિતભાઇની સેવાનો લાભ મળશેે એ પક્ષમાં નવાઝશરીફ, આસિફ ઝરદારી, પરવેઝ મુશર્રફ, ઇમરાનખાન આ બધા સાગમટે જોડાઇ જશે અથવા નહીં જોડાય તો ચૂંટણીમાં ભૂંડી રીતે હારી જશે. બન્ને સ્થિતિમાં પાકિસ્તાનના રાજકારણને ફાયદો છે.

ભારતીય : આ મારા લેવલથી ઉપરના લેવલની વાત છે. એટલે આપણી વાટાઘાટોના સફળ દૌર પછી આપણા ઉપરીઓ એના વિશે ચર્ચા કરી શકે. આપણે એમના કાને વાત નાખી દઇશું.

પાકિસ્તાની : કબૂલ.

(બન્ને હાથ મિલાવીને હસતા ચહેરે છૂટા પડે. ત્યાર પછી તેમની વચ્ચેની મંત્રણા દ્વિપક્ષી સંબંધો મજબૂત બનાવવાની દિશામાં હકારાત્મક રીતે આગળ વધી હોવાનું જાહેર કરવામાં આવે છે.) 

Wednesday, August 27, 2014

બે ઉપવાસી : ઇરોમ શર્મિલા, અન્ના હજારે

સમાચારોમાં જેના અસ્તિત્ત્વની ભાગ્યે જ નોંધ લેવાય છે એવું મણિપુર આજકાલ બે પ્રતાપી મહિલાઓને કારણે મુખ્ય ધારાના સમાચારોમાં છે : બોક્સર મેરી કોમ/ Mary Kom અને ઉપવાસી ઇરોમ શર્મિલા ચાનુ/ Irom Sharmila Chanu

મેરી કોમના જીવન પરથી કમર્શિયલ હિંદી ફિલ્મ રજૂ થઇ રહી છે, જેમાં પ્રિયંકા ચોપડા જેવી જાણીતી અભિનેત્રી મેરી કોમની ભૂમિકા ભજવે છે. મેરી કોમ ઓલિમ્પિકમાં કાંસ્યચંદ્રક જીતીને ‘ભારતનું ગૌરવ’ બન્યાં ત્યાર પહેલાં- અને હજુ પણ- ઇશાન ભારતનાં રાજ્યોના ભારત સાથેના સંબંધ સુમેળભર્યા નથી. ‘ભારત’ના લોકો ઇશાન ભારતનાં ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખાતાં રાજ્યોનાં, જુદાં ચહેરામહોરાં ધરાવતા લોકો સાથે પોતાના દેશવાસીઓ જેવો વ્યવહાર કરતા નથી. (એ હકીકતનો ઉલ્લેખ રમતગમત આધારિત બીજી ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં પણ કરવામાં આવ્યો હતો.)

આ ઉપેક્ષા સામે ઇશાન ભારતનાં રાજ્યોમાં ઘણો કચવાટ જોવા મળે છે. તે એટલી હદ સુધી કે મેરી કોમના જીવન પર આધારિત ફિલ્મ ખુદ મેરી કોમના રાજ્ય મણિપુરમાં રજૂ નહીં થાય. કારણ કે મણિપુરમાં બમ્બૈયા હિંદી ફિલ્મો માટે થિએટરોના દરવાજા બંધ હોય છે. ત્યાંનાં અલગતાવાદી સંગઠનો હિંદી ફિલ્મોને ‘સાંસ્કૃતિક આક્રમણ’ તરીકે જુએ છે અને તેનાથી ભડકે છે.

આવા અંતિમવાદની ટીકા થવી જ જોઇએ અને એ કરવી બહુ સહેલી છે, પણ એ સિક્કાની બીજી બાજુ છે : ઇરોમ શર્મિલા. ભારત સરકારના કાનૂની અંતિમવાદ સામે તે ૧૪ વર્ષથી ઝઝૂમી રહ્યાં છે. તે ઉપવાસ પર છે, એવું ટેક્‌નિકલી ન કહી શકાય. કારણ કે પોલીસ અને સરકાર તેમના નાકમાં નળીઓ નાખીને બળજબરીથી શર્મિલાને પ્રવાહી ખોરાક આપીને જીવાડી રહ્યાં છે. પરંતુ શર્મિલાએ ૧૪ વર્ષથી પોતાના હાથે અન્નનો કોળિયો સુદ્ધાં મોંમાં મૂક્યો નથી. તેમની માગણી છે કે મણિપુરમાં ભારતીય લશ્કરને અમર્યાદ સત્તા આપતો અત્યાચારી કાયદો નાબૂદ થાય.

અત્યાર લગી મણિપુરની સરકાર ઉપવાસી શર્મિલા સામે આપઘાતના પ્રયાસની કલમ લગાડીને તેમની ધરપકડ કરતી હતી. આ ‘ગુના’ માટે એક વર્ષની સજા હોય. વર્ષ પૂરું થાય, એટલે શર્મિલા મણિપુરના પાટનગર ઇમ્ફાલની હોસ્પિટલની બહાર આવે અને હોસ્પિટલની સામે જ ઊભી કરાયેલી વાંસની ઝૂંપડીમાં રહે. ત્યાં સાવ પ્રાથમિક સુવિધાઓ સિવાય બીજું કંઇ ન હોય, પણ શર્મિલા હોસ્પિટલમાં હોય ત્યારે તેમને નૈતિક ટેકો બતાવનારા લોકો વર્ષ ૨૦૦૮થી એ ઝૂંપડીમાં રહીને પોતાનું આંદોલન ચલાવે છે.

શર્મિલાને હોસ્પિટલની બહાર ઝાઝું રહેવાનું ન બને. કારણ કે ત્યાં પણ તેમના ઉપવાસ ચાલુ રહે. એટલે ટૂંક સમયમાં પોલીસ ફરી આત્મહત્યાના પ્રયાસના ગુનાસર તેમની ધરપકડ કરે અને તેમને ઇમ્ફાલની હોસ્પિટલમાં કેદી-દર્દી તરીકે મોકલી દેવામાં આવે. છેલ્લા ૧૪ વર્ષથી ચાલતા શર્મિલાના ઉપવાસ-ધરપકડ-કેદના સિલસિલા પછી ગયા સપ્તાહે ઇમ્ફાલની અદાલતે ચુકાદો આપ્યો કે ઇરોમ શર્મિલા સામે આત્મહત્યાના પ્રયાસનો ગુનો બનતો નથી. માટે તેમને મુક્ત કરવામાં આવે. તેમના આરોગ્યની કાળજી અદાલતે સરકારના માથે નાખી.

આફસ્પા’નો આતંક

ઇરોમ શર્મિલાના સમર્થકો અને માનવ અધિકાર માટેના લડવૈયાઓએ અદાલતના આ ચુકાદાને નાનકડી છતાં નૈતિક જીત તરીકે જોયો છે. પરંતુ તેનાથી શર્મિલાની લડાઇનો અંત આવવાનો નથી. આ લખાય છે ત્યારે વઘુ એક વાર મહિલા પોલીસ દ્વારા તેમને લઇ જવાયાં હોવાના સમાચાર છે.

પરંતુ ગમે તે સંજોગોમાં શર્મિલાનું ઉપવાસ-આંદોલન ચાલુ રહે છે. કારણ કે તેમની લડત મણિપુરમાં લાગુ કરાયેલા ‘આર્મ્ડ ફોર્સીસ (સ્પેશ્યલ પ્રોવિઝન્સ) એક્ટ’ - ‘આફસ્પા’- સામે છે. પોતાના ઉપવાસ માટે શર્મિલા ‘આમરણ’ જેવું વિશેષણ પણ વાપરતાં નથી. એ કહે છે કે જે દિવસે ભારત સરકાર ‘આફસ્પા’નો અત્યાચારી કાયદો મણિપુરમાંથી ઉઠાવી લેશે, એ દિવસે પોતે ઉપવાસ તોડશે.

શર્મિલા બહુ સરળતાથી અને વિશ્વાસથી આવું કહે છે. પરંતુ મણિપુરમાંથી ‘આફસ્પા’ નાબૂદ થાય તે એટલું સહેલું નથી. ભારત સરકાર અને ભારતીય સૈન્ય ‘આફસ્પા’ને મણિપુર પર કાબૂ રાખવા માટે અનિવાર્ય માને છે. મણિપુરનાં અલગતાવાદી સંગઠનોને ભારત સરકાર સામે ઘણા વાંધા છે. એ વાંધા વાજબી હોય તો પણ ભારતથી અલગ થવાની તેમની માગણી સ્વીકાર્ય ન જ બને. પરંતુ ઇરોમ શર્મિલા અને તેમના જેવી બીજી ઘણી મહિલાઓ અલગ મણિપુરની માગણી કરતી નથી. તેમની દલીલ એટલી જ છે કે ભારતીય લશ્કરને બેરોકટોક મનમાની માટેનો પરવાનો આપતો ‘આફસ્પા’ મણિપુરમાંથી જવો જોઇએ અને મણિપુરના લોકોને પૂરા અધિકારથી અને સ્વમાનથી જીવવાનો અધિકાર મળવો જોઇએ.

ભારતીય સૈન્યની દલીલ છે કે ‘આફસ્પા’ અંતર્ગત મળે છે એવી અબાધિત સત્તા ન હોય તો મણિપુરના અલગતાવાદીઓને અંકુશમાં રાખી શકાય નહીં. જોકે, બંદૂકની પાછળની બાજુએ રહેલા લોકોની દલીલ આવી જ હોય. પરંતુ વિશાળ સત્તાઓ મળે ત્યારે તેના દુરુપયોગની - અને એ દુરુપયોગને કારણે પરિસ્થિતિ ન સુધરવાની કે વણસવાની- સંભાવનાઓ ઘણી વધી જાય છે. કાશ્મીરની જેમ મણિપુર પણ તેનું ઉદાહરણ છે.

જ્વાળાનું પ્રાગટ્ય

મણિપુરમાં ઇરોમ શર્મિલાના ઉપવાસ આંદોલનની શરૂઆત માટે ભારતીય સૈન્યનો એક હત્યાકાંડ નિમિત્ત બન્યો. ‘આસામ રાયફલ્સ’ના જવાનોએ દસ જણને ગોળીએ દીધા અને ગામમાં કરફ્‌યુ નાખી દીધો. એ સમાચારની વિગતો જાણીને- તસવીરો જોઇને ઇરોમ શર્મિલા ખળભળી ઉઠ્યાં. તેમને થયું કે આવો અત્યાચાર સહી લેવાય નહીં.

ઇરોમ શર્મિલાનું અગાઉનું જીવન એક નિમ્ન મઘ્યમ વર્ગની, ભણવામાં સાધારણ યુવતી તરીકેનું હતું. ટાઇપિંગ-શોર્ટહેન્ડ-પત્રકારત્વ- સીવણકામ વગેરેની થોડીઘણી તાલીમ પછી ‘આફસ્પા’ સામે ઝુંબેશ ચલાવતા એક સ્થાનિક સંગઠનમાં કાયદા વિશની જાણકારી તેમણે મેળવી હતી. પરંતુ દસ જણની હત્યાના બનાવ પછી શર્મિલાએ મણિપુરના સામાન્ય નાગરિકો માટે દોઝખ પેદા કરનારા ‘આફસ્પા’ના કાયદા સામે લડી લેવાનું નક્કી કર્યું. આ કાયદામાં એવી જોગવાઇ છે કે માત્ર શંકાના આધારે સૈન્ય કોઇ પણ વ્યક્તિ સાથે ગમે તે વ્યવહાર કરી શકે અને તેને મારી પણ નાખે. તેની સામે ન્યાય મેળવવાનો કોઇ રસ્તો નહીં. સૈનિકો સામે ફક્ત તેમના ઉપરીઓ ફૌજી રાહે કાર્યવાહી કરી શકે- અને એવું ભાગ્યે જ બને. કેમ કે, એવું કરવા જતાં ‘સૈનિકોના નૈતિક જુસ્સા’નો સવાલ ઊભો થાય.

આવા સત્તાવાર અંતિમવાદ સામે લડત આપવા માટે એક રસ્તો હિંસાનો હતો, જેમાં કેટલાંક અલગતાવાદી સંગઠનો સક્રિય હતાં. પરંતુ ભારતીય સૈન્યના બળ સામે હિંસાનો ગજ ન વાગે. એટલે શર્મિલાએ ગાંધીજીના માર્ગે- શરીરબળથી નહીં, પણ આત્મબળથી - લડત આપવાનું વિચાર્યું. એ રીતે ૬ નવેમ્બર, ૨૦૦૦ના રોજ તેમના ઉપવાસની શરૂઆત થઇ.

ઘણા વખત સુધી તેમના ઉપવાસ સ્થાનિક સમાચાર બની રહ્યા. ભારતમાં ઉપવાસીઓની નવાઇ નથી હોતી અને તેમાંથી મોટા ભાગના ભાદરવાના ભીંડા જેવા હોય છે. એટલે તેમને કોઇ ગંભીરતાથી લેતું નથી. ઇરોમ શર્મિલા એવી કોઇ હસ્તી પણ ન હતાં કે જે ઉપવાસ કરે તો અખબારોમાં કે ટીવી ચેનલોમાં મથાળાં બને. અમસ્તું પણ ઇમ્ફાલમાં શું બને છે તેની દિલ્હી-મુંબઇનાં પ્રસાર માઘ્યમોને અને તેના વાચકવર્ગને શી પરવા?

પરંતુ વર્ષ ૨૦૦૪માં મણિપુરની એક મહિલાને અલગતાવાદી સંગઠનની સભ્ય હોવાના આરોપ સાથે મારી નાખવામાં આવી. ધીમે ધીમે ખબર પડી કે એ મહિલાને છ ગોળીઓ મારતાં પહેલાં તેમની પર સૈનિકોએ શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો અને તેમને જનનાંગમાં પણ ગોળી મારવામાં આવી હતી. એ ઘટના પછી મણિપુરી મહિલાઓના સંગઠને ‘આસામ રાયફલ્સ’ના ઇમ્ફાલમાં આવેલા હેડક્વાર્ટસ સામે નિર્વસ્ત્ર અવસ્થામાં, ‘ઇન્ડિયન આર્મી રેપ અસ’નાં બેનર સાથે દેખાવો કર્યા. અસલમાં દારૂ અને ડ્રગ્સના રવાડે ચડેલા પુરૂષોના અત્યાચારનો મુકાબલો કરવા રચાયેલું મણિપુરી મહિલાઓનું સંગઠન આ રીતે ભારતીય સૈન્યના અત્યાચારની સામે પડ્યું. એ ઘટનાના અહેવાલ માટે ગયેલા લોકોને ઇરોમ શર્મિલાના ઉપવાસ વિશે જાણ થઇ. ત્યારથી શર્મિલા વિશે રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય પ્રસાર માઘ્યમોમાં માહિતી આવવા લાગી અને સમય જતાં તે અડીખમ આત્મબળ સાથે અન્યાયના મુકાબલાનું પ્રતીક બન્યાં.

વર્ષ ૨૦૧૧માં અન્ના હજારેએ ભ્રષ્ટાચાર સામે ઉપવાસ શરૂ કર્યા તેનાં પાંચ વર્ષ પહેલાં, એક માનવ અધિકાર સંગઠનની મદદથી ઇરોમ શર્મિલા પણ જંતરમંતર પર પહોંચ્યાં હતાં અને ત્યાં તેમના ઉપવાસ આદર્યા હતા. પણ ઇમ્ફાલની જેમ દિલ્હીમાં પણ તેનું પરિણામ ધરપકડમાં જ આવ્યું. અન્ના હજારેના આમરણ ઉપવાસમાં કેટકેટલા લોકોને ક્રાંતિનાં પગલાંની આહટ સંભળાઇ હતી. સાચા અને દંભી, સુંવાળા અને લડાકુ, સગવડીયા અને ખરેખરું પરિવર્તન ઇચ્છતા- એમ ઘણા લોકો સડક પર ઉતરી આવ્યા હતા. પરંતુ પ્રસિદ્ધિથી છકી ગયેલા અન્ના હજારે અંતે ફારસરૂપ બની રહ્યા, જ્યારે ‘મારાં ગુણગાન ગાશો નહીં. મને ટેકો આપો’ એવું કહેનારાં ૪૨ વર્ષનાં ઇરોમ શર્મિલાનું ૧૪ વર્ષથી ચાલતું - અને અન્ના-આંદોલનકારીઓની ચેતનાને સ્પર્શી ન શકેલું- આંદોલન એક દીર્ઘ, કરુણ કવિતાથી કમ નથી. 

Monday, August 25, 2014

વૈશ્વિક ખ્યાતિ ધરાવતા ભારતીય ગણિતશાસ્ત્રી-ખગોળશાસ્ત્રી ભાસ્કરાચાર્ય (દ્વિતિય)ની ૯૦૦મી જન્મજયંતિ

ભારતીય જ્ઞાનપરંપરા વિશેનું ગૌરવ જરા પેચીદો મામલો છે. તે પ્રાચીન ભારતીય વિદ્વાનોની બૌદ્ધિકતા અને વિદ્યાવ્યાસંગ પ્રત્યે અપાર આદર પ્રેરે છે, તો જ્ઞાતિદ્વેષ,અસ્પૃશ્યતા જેવાં કેટલાંક દૂષણોને લીધે જ્ઞાનનો વ્યાપક પ્રચારપ્રસાર ન થઇ શક્યો અને ઘણું જ્ઞાન છેવટે લુપ્ત થયું તેનો પારાવાર અફસોસ પેદા કરે છે. આ વિરોધાભાસમાં છેલ્લા થોડા દાયકાથી ઉમેરાયેલું એક વધારાનું -અને પ્રદૂષણકારી- પરિબળ એટલે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (સંઘ પરિવાર)ની વિચારસરણી પ્રેરિત ‘ગૌરવ’.

સંઘની કંઠી બાંધી ચૂકેલા કે તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા ઘણા નિર્દોષતાથી પૂછે છે : ‘પ્રાચીન ભારતની સિદ્ધિઓનું ગૌરવ લેવામાં ખોટું શું છે? શિક્ષણનું ભારતીયકરણ કરવામાં ખોટું શું છે?’ સવાલ પૂછનારા પ્રામાણિકતાથી પોતાની જાતને આ સવાલ પૂછે તો તેમને જવાબ મળી જાય. પ્રાચીન ભારતના જ્ઞાનવારસાનું વિદ્યાલક્ષી ગૌરવ કરતાં ઘણાં પુસ્તક લખાયાં છે. (એક નમૂનો : અ કન્સાઇસ હિસ્ટ્રી ઓફ સાયન્સ ઇન ઇન્ડિયા, ૧૯૭૧) એવાં પુસ્તકોનો આશય વાંચનારના મનમાં મિથ્યાભિમાનનું ભૂંસું ભરવાનો નહીં, પણ પ્રાચીન જ્ઞાનવારસાની પ્રમાણભૂત માહિતી આપવાનો હોય છે. આવાં પુસ્તકો તૈયાર કરનારા ‘બધી મહાન શોધો પહેલાં ભારતમાં થઇ ચૂકી હતી’ એવા મિથ્યાભિમાનથી મુક્ત હોવા જોઇએ. પણ સંઘ પરિવારનાં ‘ગૌરવકેન્દ્રી’ પુસ્તકોની વાત અલગ છે.

વિદ્યાકીય સિદ્ધિઓના વાજબી ગૌરવને સંકુચિત હિંદુત્વના રસાયણમાં ઝબોળીને શુદ્ધ દ્વેષમાં ફેરવવાનું સંઘ પરિવારની વિચારસરણીને બરાબર ફાવે છે. એવી જ રીતે, શુદ્ધ દ્વેષને સંકુચિત હિંદુત્વ અને સંકુચિત રાષ્ટ્રવાદના રસાયણમાં ઝબકોળીને તેને નિર્દોષ ગૌરવ તરીકે રજૂ કરવાની કીમિયાગરી પણ હવે જાણીતી છે. માટે, પ્રાચીન ભારતના ગૌરવની વાત સંઘના બીબામાં ઢળી ન જાય, તેની ચીવટ જરૂરી છે. સાથોસાથ, ભારતના વિદ્યાવારસાનું ગૌરવ કરતા બધા પ્રયાસને સંઘ-છાપ ગણી કાઢવાની આત્યંતિકતા પણ નુકસાનકારક છે.

ભારતીય વિદ્વાનોની વાત નીકળે ત્યારે ભાસ્કર (દ્વિતીય) ઉર્ફે ભાસ્કરાચાર્યનું નામ ભારે આદરથી લેવાય છે. ફક્ત ભારતમાં જ નહીં, સમગ્ર ગણિતવિશ્વમાં ભાસ્કરાચાર્યનાં પ્રદાન અને પ્રતિભા વિશે અહોભાવ પ્રવર્તે છે. ભાસ્કરાચાર્યે પોતાની પુત્રી લીલાવતીના નામે લખેલા મહત્ત્વના ગ્રંથ ‘લીલાવતી’ની સ્મૃતિમાં ‘ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિઅન’ રૂ.૧૦ લાખની માતબર રકમનું ‘ધ લીલાવતી પ્રાઇઝ’ આપે છે. એ ગણિતના પાંડિત્યપૂર્ણ સંશોધન માટે નહીં, પણ તેને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર વ્યક્તિને અપાય છે.

‘ઇન્ફોસીસ’ દ્વારા પ્રાયોજિત ‘ધ લીલાવતી પ્રાઇઝ’ વર્ષ ૨૦૧૪માં ગણિત વિષયક પુસ્તકો લખનાર અને ટીવી કાર્યક્રમો રજૂ કરનાર આર્જેન્ટિનાના એડ્રિઅન પેન્ઝાને મળ્યું છે. મતલબ, ભાસ્કરાચાર્ય અને ‘લીલાવતી’ વર્ષ ૨૦૧૪માં પણ ભૂલાઇ ગયાં નથી અને તેમના નામ સાથે સંકળાયેલું સન્માન આંતરરાષ્ટ્રિય મહત્ત્વ ધરાવે છે. પરંતુ ‘ગૌરવ’ઘેલાઓને ભારતીય કુળના અને પરદેશમાં જન્મેલા-ભણેલા લોકોની સિદ્ધિઓમાં મહાલવાનું અને ‘બેગાની શાદીમૈં અબ્દુલ્લા દીવાના’ રીતથી ફુલાવાનું વધારે ફાવે છે.

ભાસ્કરાચાર્યને આ વર્ષે યાદ કરવાનું એક કારણ એ પણ છે કે  ઇ.સ.૧૧૧૪માં જન્મેલા ભાસ્કરાચાર્યનું આ ૯૦૦મું જન્મવર્ષ છે. જન્મતારીખ ઉપલબ્ધ ન હોય તો વાંધો નહીં. આખું વર્ષ જન્મજયંતિ તરીકે ઉજવી શકાય. પરંતુ ભાસ્કરાચાર્યનું જન્મવર્ષ એક જ રીતે મનાવી શકાય : ગણિતને વઘુ લોકપ્રિય બનાવવાના પ્રયાસ કરીને - અને ભાસ્કરાચાર્ય વિશે બને એટલી નિર્ભેળ અને સાચી વિગતો વઘુમાં વઘુ લોકો સુધી પહોંચાડીને.

ગુજરાતી વિશ્વકોશ ભાસ્કરાચાર્યને ટાંકીને, તેમનું જન્મસ્થાન ‘યાદવોની રાજધાની દેવગિરિ (દોલતાબાદ) પાસે સહ્યાદ્રિ ચાંદવડના પર્વતની પાસે વિજ્જલવિડ’ હોવાનું જણાવે છે. જુદા જુદા સંદર્ભોમાં જણાવાયા પ્રમાણે, એ સમયે ઉજ્જૈનની વેધશાળા વિદ્વાનોના કેન્દ્ર જેવો દબદબો ધરાવતી હતી અને ભાસ્કરાચાર્ય તેના વડા હતા. ‘એન્સાયક્લોપિડીયા બ્રિટાનિકા’ સહિતના સંદર્ભોમાં નોંધાયું છે કે સાતમી સદીમાં થઇ ગયેલા મહાન ગણિતજ્ઞ બ્રહ્મગુપ્તના તે સીધા વારસદાર હતા. (એક આડવાત : ઉજૈજન સાથે સંકળાયેલા સંસ્કૃતના મહાકવિ કાલિદાસનો સમયગાળો પણ પાંચમી-છઠ્ઠી સદીની આસપાસનો અંદાજવામાં આવે છે.) ગુજરાતી વિશ્વકોશમાં ભાસ્કરાચાર્યનું મૂલ્યાંકન કરતાં જણાવાયું છે : ‘તેમના કૃતિત્વમાં રહેલી મૌલિકતાને કારણે તેમની ગણના આર્યભટ પહેલાં અને બ્રહ્મગુપ્ત સાથે થાય છે.’ અભ્યાસગ્રંથ ‘ભારતમાં વિજ્ઞાનનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (અનુવાદ, ૧૯૭૭)માં તેમને ‘પ્રાચીન અને મઘ્યકાલીન ભારતમાં ગાણિતીક અને ખગોળશાસ્ત્રીય શોધોમાં પરાકાષ્ઠાના બિંદુ’ તરીકે દર્શાવાયા છે.

શૂન્યની ભેટ આપનાર દેશ તરીકે જાણીતા ભારતમાં શૂન્યના ખ્યાલનો સૌથી ઊંડો અભ્યાસ ભાસ્કરાચાર્યે કર્યો. બ્રહ્મગુપ્તે બીજગણિત માટે ‘કુટ્ટક ગણિત’ શબ્દ વાપર્યો હતો, પણ ભાસ્કરાચાર્યે અજ્ઞાન રાશિઓની ગણનાના અર્થમાં ‘બીજગણિત’ શબ્દનો ઉપયોગ કર્યો. ‘સિદ્ધાંતશિરોમણી’, ‘કરણકુતૂહલ’ (ઉર્ફે ગ્રહાગમકુતૂહલ), ‘તિથિતત્ત્વ’, ‘બીજોપનયન’,‘ભાસ્કરવ્યવહાર’ જેવા ગણિત અને ખગોળને લગતા ગ્રંથોના કર્તા ભાસ્કરાચાર્યનો સૌથી જાણીતો ગ્રંથ ‘લીલાવતી’ છે. તે ‘સિદ્ધાંતશિરોમણી’ના ચાર ભાગમાંનો એક ભાગ ગણાય છે.

ગણેશસ્તુતિથી શરૂ થતા ‘લીલાવતી’માં નિયમો અને દાખલા પદ્ય સ્વરૂપે તથા તેમની સમજૂતી ગદ્યમાં આપવામાં આવી છે. લખાણની સરળતા અને રસાળતાને લીધે ‘લીલાવતી’ની અનેક હસ્તપ્રતો જળવાઇ અને અને તેના ઘણા અનુવાદ પણ થયા. અકબર અને શાહજહાંના સમયમાં શાહી વિદ્વાનોએ ‘લીલાવતી’નો ફારસીમાં અનુવાદ કર્યો. (૧૫મી સદીમાં ગુજરાતના ગંગાધર પંડિતે ભાસ્કરાચાર્યના ‘બીજગણિત’ પર ભાષ્ય લખ્યું હતું.) ૧૬મી-૧૭મી  સદીમાં ‘લીલાવતી’ પર ઘણી ટીકાઓ (અર્થઘટન-અર્થવિસ્તાર-વિવેચન) લખાયાં.


- ‘લીલાવતી’ની સત્તરમી સદીની ગણાતી હસ્તપ્રતના બે નમૂના 

 ૧૯મી સદીમાં   હેન્રી થોમ કોલબ્રૂકે બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્યના કેટલાક કામનો  અંગ્રેજી અનુવાદ કર્યો. તેમાં ‘લીલાવતી’નાં કેટલાંક પ્રકરણનો સમાવેશ થતો હતો. (તે ઇ-બુક સ્વરૂપે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે) ત્યાર પછી બીજા અનુવાદ પણ થયા, જે ભાસ્કરાચાર્યના જન્મનાં ૯૦૦ વર્ષ પછી, અત્યારે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તેમણે સૂચવેલા કેટલાક દાખલા અને ઉકેલની યુટ્યુબ પર વિડીયો જોવા મળે છે - અને સ્વાભાવિક છે કે આવું કામ કરવા માટે ગૌરવઘેલછા ખપ લાગતી નથી. જ્ઞાનપીપાસા અને અભ્યાસવૃત્તિની જરૂર પડે છે.

ભાસ્કરાચાર્યના પ્રદાનની બારીકી ગણિતશાસ્ત્રમાં રસ ધરાવતા- અથવા તેને સરળ રીતે સમજાવી શકે એવા- અભ્યાસીઓનો વિષય છે, પરંતુ ગણિત અને ખગોળમાં તેમના ‘અદ્વિતિય પ્રદાન’ની ગુજરાતી વિશ્વકોશમાં અપાયેલી યાદી :  આઘુનિક સાધનોને બદલે વાંસની ભૂંગળીથી આકાશી પદાર્થોનું જ્ઞાન, ગ્રહોનાં કદ અને ગતિનું માપ, પેલનું સમીકરણ, પાયથાગોરસનો પ્રમેય, કલનવિદ્યા (કેલ્ક્યુલસ) અને ચલનકલનવિદ્યાના કેટલાક નિયમોનો ઉલ્લેખ, પૃથ્વી ગોળ હોવાની અને પૃથ્વી વગેરેની છાયાથી ગ્રહણ થવાની વાત, ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમનો ‘માઘ્યમકર્ષણતત્ત્વ’ એવા નામથી ન્યૂટન કરતાં ૮૦૦ વર્ષ પહેલાં નિર્દેશ, અંકગણિતની વિધિઓનો અપરિમેય રાશિમાં પ્રયોગ, ચક્રીય વિધિ દ્વારા અનિશ્ચિત એકઘાતીય અને વર્ગસમીકરણના વ્યાપક ઉકેલ, ઉદયાન્તરકાળનું વિવેચન...

વિષયનિષ્ણાતો ભાસ્કરાચાર્યના પ્રદાનને ગૌરવના ક્લોરોફોર્મને બદલે સરળતા-રસાળતા-અધિકૃતતાના અમૃતમાં ઝબોળીને જનસામાન્ય સુધી પહોંચાડે, તો ભાસ્કરાચાર્ય માટે લીધેલું ગૌરવ સાચું.

Thursday, August 21, 2014

ટિ્‌વટ-રામાયણ

ભારતીય મહાકાવ્ય ‘રામાયણ’ જરા વહેલું લખાઇ ગયું. મહર્ષિ વાલ્મિકીએ રાહ જોઇ હોત અને ટિ્‌વટરના જમાનામાં રામાયણ લખવાનું શરૂ કર્યું હોત તો? શક્ય છે કે ‘ચોપાઇ’ને બદલે ‘ટિ્‌વટ’ અને ‘કાંડ’ને બદલે ‘હેશટેગ’માં રામાયણ કહેવાતું હોત.

એનાથી પણ વધારે રોમાંચક કલ્પના એ છે કે રામાયણના જમાનામાં ટિ્‌વટર હોત તો? અને વર્તમાન રાજકારણીઓ કે બીજા અગ્રણીઓની જેમ રામાયણનાં પાત્રો પણ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે ટિ્‌વટરનો ઉપયોગ કરતાં હોત તો? ૧૪૦ અક્ષરની મર્યાદામાં રહીને, જુદાં જુદાં ટિ્‌વટ અકાઉન્ટ પર કેવા ટિ્‌વટ જોવા મળત? અને તેના કેવા પ્રતિભાવ મળતા હોત?

(નોંધ : ટિ્‌વટ-ભાષાની અનુભૂતિ માટે કેટલીક અભિવ્યક્તિઓ અંગ્રેજીમાં પણ છે. આ હાસ્યલેખ હોવાથી તેને હળવા હૈયે વાંચવો. આવું કહેવું ગમતું નથી, પણ કહી રાખેલું સારું. જમાનો ખરાબ છે.)
***
મહર્ષિ વાલ્મિકી : કાલે એક દૃશ્ય જોયું. ક્રૌંચવધ. ફીલીંગ સૅડ. કંઇક લખી રહ્યો છું. #ન્યૂ પ્રોજેક્ટ

મહર્ષિ વાલ્મિકી : સત્‌-અસત્‌ની લડાઇ. સત્‌ની આકરી કસોટી. વચનપાલન. સત્‌ની  જીત. હં.#ન્યૂ પ્રોજેક્ટ

મહર્ષિ વાલ્મિકી : સંભવિત શીર્ષકો : મર્યાદાપુરૂષોત્તમ, રામ-રાવણયુદ્ધ, કૈકેયી-મંથરા-શૂપર્ણખા, સોનાની લંકામાં ઘૂળ પડી. #ન્યૂ પ્રોજેક્ટ

મહર્ષિ વાલ્મિકી : હવે હું નહીં, મારી કથાનાં પાત્રો બોલશે. #ન્યૂ પ્રોજેક્ટ

***
કિંગઑફઅયોધ્યા : વૃદ્ધાવસ્થા વરતાય છે. બેટા રામ, બી પ્રીપેર્ડ. #પ્રિન્સઑફઅયોધ્યા

પ્રિન્સઑફઅયોઘ્યા : જેવી આજ્ઞા, પિતાજી. એટ યોર સર્વિસ #કિંગઑફઅયોધ્યા

કાંયકાંય : ટાઇમ ટુ રીમાઇન્ડ #કિંગઑફઅયોધ્યા. બે વરદાન.

કિંગઑફઅયોધ્યા : એટ યોર સર્વિસ #કાંયકાંય.

કાંયકાંય : રામને વનવાસ. ભરતને ગાદી. નથિંગ લેસ. નથિંગ મોર. #કિંગઑફઅયોધ્યા #પ્રિન્સઑફઅયોધ્યા

પ્રિન્સઓફઅયોધ્યા : એટ યોર સર્વિસ, માતે #કાંયકાંય.

કિંગઑફઅયોધ્યા : થિંકિંગ લાઉડલી. કૈકેયીનું અકાઉન્ટ મંથરા ઑપરેટ નથી કરતી ને? #કાંયકાંય #પ્રિન્સઑફઅયોધ્યા

કાંયકાંય : સે યસ ઓર નો. બાકી સબ બકવાસ. પ્રાણ જાયે પર વચન ન જાયે ઇટીસી. #કિંગઑફઅયોધ્યા

કિંગઑફઅયોઘ્યા : હે રામ...

પ્રિન્સઑફઅયોધ્યા : પ્રિપેરિંગ ટુ લીવ એએસએપી (એઝ સૂન એઝ પોસિબલ) સીતા-લક્ષ્મણનો આગ્રહ છે. ભલે આવે. #કિંગઑફઅયોધ્યા

કિંગઓફઅયોધ્યા : સૅડેસ્ટ ડૅ ઑફ માય લાઇફ. હેલ્પલેસ. સૉરી.  #પ્રિન્સઑફઅયોધ્યા

કાંયકાંય :  :-)))))))))))))

***

શૂર્પણખા-મિસલંકા : હાય હેન્ડસમ. વૉટ્‌સ અપ? #એન્ગ્રીયંગમેન

એન્ગ્રીયંગમેન : સોરી, સુંદરી. હું તમને ઓળખતો નથી. #શૂર્પણખા-મિસલંકા

શૂર્પણખા-મિસલંકા :  તો હવે ઓળખો...એકદમ નજીકથી...આવા રમણીય વાતાવરણમાં આપણે બન્ને... #એન્ગ્રીયંગમેન

એન્ગ્રીયંગમેન : જસ્ટ શટ અપ. એક શબ્દ પણ વધારે લખ્યો તો બ્લોક કરી દઇશ #શૂર્પણખા-મિસલંકા

શૂર્પણખા-મિસલંકા : તું મને શું બ્લોક કરતો હતો? ખર અને દૂષણ તને આ જગતમાંથી બ્લોક કરી નાખશે. #એન્ગ્રીયંગમેન #અસુરજોડી

(થોડી વાર પછી)

એન્ગ્રીયંગમેન : તારી અસુરજોડીને એમનાં એકાઉન્ટ સહિત ડીલીટ કરી નાખી છે. હા..હા..હા..#શૂર્પણખા-મિસલંકા

શૂર્પણખા-મિસલંકા : હવે મારો મહાપ્રતાપી ભઇલુ, રાવણ તમને પાઠ ભણાવશે.
#એન્ગ્રીયંગમેન #ગોલ્ડનલંકાનરેશ
***

સીતારામ : સુવર્ણમૃગ જોયું? લાવી આપશો? #પ્રિન્સઑફઅયોધ્યા

પ્રિન્સઑફઅયોધ્યા : મૃગ ડાઉટફુલ છે. #સીતારામ

સીતારામ : મૃગ કે પછી.....? હહ્‌  #પ્રિન્સઑફઅયોધ્યા

પ્રિન્સઑફઅયોધ્યા : ઓકે. લાવું છું. બસ? #સીતારામ

(થોડી વાર પછી)

પ્રિન્સઑફઅયોધ્યા: હેલ્પ...હેલ્પ...#એન્ગ્રીયંગમેન

સીતારામ : તમારા ભાઇને મદદની જરૂર લાગે છે. પ્લીઝ ગો #એન્ગ્રીયંગમેન

એન્ગ્રીયંગમેન : મેસેજ ડાઉટફુલ છે. ભાઇનું ટિ્‌વટર અકાઉન્ટ હૅક થયું કે શું? #સીતારામ

સીતારામ : આનું ગુજરાતી ‘ના’ થાય? #એન્ગ્રીયંગમેન

એન્ગ્રીયંગમેન : જાઉં છું. ટીસી (ટેક કેર). આઇ મીન ઇટ. #સીતારામ

(થોડી વાર પછી)

પ્રિન્સઑફઅયોધ્યા : સીતે...સીતે...આર યુ ધેર? #સીતારામ

પ્રિન્સઑફઅયોધ્યા : #મિશનમૈથિલી #સર્ચ એન્ડ રેસ્ક્યુ

***

વાયુપુત્ર : સીતામૈયા ફાઉન્ડ. લંકા બર્ન્ટ. રાવણ કન્ફ્‌યુઝ્‌ડ. હુર્રા. #ટેઇલ પીસ #પ્રિન્સઑફઅયોધ્યા

ગોલ્ડનલંકાનરેશ : જોઇ લઇશ. બતાવી દઇશ #વાયુપુત્ર #પ્રિન્સઑફઅયોધ્યા

 પ્રિન્સઑફઅયોધ્યા: દેખાતું હોત તો આવું પગલું થોડું ભર્યું હોત? #ગોલ્ડનલંકાનરેશ

***

 પ્રિન્સઑફઅયોધ્યા : ઓહ નો! મેઘનાદના તીરથી લક્ષ્મણ મૂર્છિત. ઔષધિ લાવવી પડશે #વાયુપુત્ર

(થોડા સમય પછી)

 પ્રિન્સઑફઅયોધ્યા : ઔષધિને બદલે આખો પહાડ લઇ આવ્યા #વાયુપુત્ર

વાયુપુત્ર : કનેક્ટિવિટી ન હતી. નહીંતર ફોટો મોકલીને ઔષધિ વેરીફાય કરી હોત. સોરી #પ્રિન્સઑફઅયોધ્યા

(આખરે)

 પ્રિન્સઑફઅયોધ્યા : આખરે રાવણ હણાયો. #મિશનમૈથિલી સક્સેસફુલ,બેક ટુ હોમ

એન્ગ્રીયંગમેન : બધા અસુરોની નાભિમાં અમૃતકુંભ રહેતો હશે? #પ્રિન્સઑફઅયોધ્યા

પ્રિન્સઑફઅયોધ્યા : ગુડ ક્વેશ્ચન #એન્ગ્રીયંગમેન. કળિયુગમાં એ અમૃતકુંભ ‘મિડીયા’ કહેવાશે. એ તારશે ને પછી એ જ મારશે.

Tuesday, August 19, 2014

ઇઝરાઇલ અને હમાસ : એકબીજાને આધાર આપતી દુશ્મની

પહેલાં પ્રાથમિક માહિતી. ઇઝરાઇલના નકશામાં ગાઝા અને વેસ્ટ બેન્ક- એ બન્ને અલાયદા વિસ્તાર પેલેસ્ટાઇનની માગણી કરતા આરબોને ફાળવાયેલા છે. ઇઝરાઇલ-પેલેસ્ટાઇન વચ્ચેની તકરારનું બીજ જમીનની માલિકી અને તેના ટેકામાં રજૂ કરાતા ધાર્મિક આધારમાં છે. યહુદીઓનો દાવો છે કે આખો પ્રદેશ બે-અઢી હજાર વર્ષ પહેલાં તેમની મૂળ ભૂમિ હતો. એટલે એ તેમનો કહેવાય. આરબોનો દાવો છે કે આ પ્રદેશ પર તે છસો-સાતસો વર્ષથી વસે છે. એટલે તે એમનો કહેવાય. આ બીજ પર છેલ્લા થોડા દાયકાથી દ્વિપક્ષી હિંસાનું વિશાળ વટવૃક્ષ  રચાઇ ગયું છે. માટે, વાતની શરૂઆત કે વિવાદના મૂળ સુધી પહોંચવા માટે આ પ્રાથમિક જાણકારી જરૂરી, પણ સમસ્યાના ઉકેલ માટે તે નડતરરૂપ છે.

૧૯૪૮માં હિંસાનો આશરો લઇને ઇઝરાઇલનું રાષ્ટ્ર અસ્તિત્ત્વમાં આવ્યું. અમેરિકા-બ્રિટન જેવા બળિયાઓએ ન્યાયબુદ્ધિથી નહીં, પણ પોતપોતાનાં કારણ અને સ્વાર્થથી તેને માન્યતા આપી. પાડોશી આરબ દેશોએ એકથી વઘુ વાર હિંસાથી ઇઝરાઇલને નકશા પરથી ભૂંસી નાખવા પ્રયાસ કરી જોયો, પણ બળમાં અને વ્યૂહમાં ઇઝરાઇલ ચડિયાતું નીવડ્યું.

છેલ્લા ચારેક દાયકાથી ગાઝામાં પેલેસ્ટાઇનીઓ ખીચોખીચ અને ગીચોગીચ વસે છે. તેમને જંપ નથી. કારણ કે પોતાની ભૂમિમાં તેમને આ રીતે વસવું પડે છે અને ઘણી બાબતોમાં તેમને ઇઝરાઇલની મુન્સફી પર આધારિત રહેવું પડે છે. ઇઝરાઇલને જંપ નથી. કારણ કે અસ્તિત્ત્વ પરનો ખતરો મહદ્‌ અંશે ટળી ગયો હોવા છતાં, અસલામતીની લાગણી બરકરાર છે. તેમાંથી હિંસક માનસિકતા પેદા થાય છે. એવી માનસિક સ્થિતિમાં આત્મરક્ષા અને આક્રમણ વચ્ચેની ભેદરેખા બહુ ઘૂંધળી અને સાપેક્ષ બની જાય છે.

બેવડો સંઘર્ષ, બેવડાં કાટલાં

વર્ષો સુધી ‘ફતહ’ પક્ષ અને તેના નેતા યાસર અરાફાત ઇઝરાઇલને નકશા પરથી મિટાવી દેવાનું ઘ્યેય સેવતા હતા. તેમનો વાંધો ગમે તેટલો વાજબી હોય તો પણ, ઇઝરાઇલનું અસ્તિત્ત્વ ભૂંસી નાખવાની તેમની મહેચ્છા અવ્યવહારુ-અવાસ્તવિક હતી. (અમેરિકા જેવી મહાસત્તા ધન-મનથી ઇઝરાઇલની પડખે હોય ત્યારે તો ખાસ.) ‘ફતહ’ની અગાઉની હિંસક કાર્યવાહીઓ જોતાં, ઇઝરાઇલને મિટાવી દેવાની વાત કેવળ સોદાબાજીમાં મહત્તમ ફાયદો મેળવવા પૂરતી હોય, એવું પણ લાગતું ન હતું.

સીધા યુદ્ધમાં પહોંચી નહીં વળાય એવું સમજાયા પછી, પોતાને થયેલા લાગતા અન્યાયનો વિરોધ ચાલુ રાખવા માટે પેલેસ્ટાઇનની નેતાગીરીએ યુદ્ધ કરતાં નાના પાયાની હિંસાનો આશરો લીધો. ‘ફતહ’ને હિંસાની નિરર્થકતા સમજાય ત્યાં સુધીમાં ‘હમાસ’ની બોલબાલા થઇ ચૂકી હતી. એંસીના દાયકામાં અસ્તિત્ત્વમાં આવેલું આ સંગઠન એકદમ અંતિમવાદી તેવર ધરાવતું હતું. એટલે પેલેસ્ટાઇનના નામે અને પોતાના અધિકાર મેળવવાના નામે ‘હમાસ’ તરફથી હિંસક હુમલા ચાલુ રહ્યા.

‘હમાસ’નો સંઘર્ષ ફક્ત ઇઝરાઇલ સામે જ નહીં, ‘ફતહ’ સામે પણ હતો. એટલે કે, લડાઇ ફક્ત પેલેસ્ટાઇનના હિતની નહીં, એ હિત સાધવાની સત્તા કોની પાસે રહે, એની પણ હતી. તેમાં ‘હમાસે’ જીત મેળવી. વર્ષ ૨૦૦૬માં લોકશાહી ઢબે થયેલી ચૂંટણીમાં ‘હમાસ’નો વિજય થયો. ત્યાર પછી ‘હમાસ’-‘ફતહ’ વચ્ચે થયેલા હિંસક સંઘર્ષમાં ગાઝા પર ‘હમાસ’નો કબજો રહ્યો, જ્યારે વેસ્ટ બેન્કના ઇઝરાઇલી કબજા સિવાયના વિસ્તારમાં ‘ફતહ’નું રાજ થયું. છેક આ વર્ષના જૂન મહિનામાં ‘હમાસ’ અને ‘ફતહ’ વચ્ચે સુલેહ થઇ અને ‘ફતહ’ નેતા મહમૂદ અબ્બાસ પેલેસ્ટાઇનના પ્રમુખ બન્યા.

જોકે, ગાઝામાં હજુ ‘હમાસ’ની બોલબાલા છે. ઇઝરાઇલ પર રોકેટહુમલા ‘હમાસ’ દ્વારા થાય છે. બળુકા અને શસ્ત્રસજ્જ ઇઝરાઇલને રોકેટમારાથી અડપલાં કરવામાં ‘હમાસ’ને ભારે ખુવારી વેઠવી પડે છે - અને એ ફક્ત ‘હમાસ’ના અંતિમવાદીઓ પૂરતી મર્યાદિત નથી. ઇઝરાઇલના હુમલામાં ગાઝામાં રહેલા નિર્દોષ પેલેસ્ટાઇનીઓને- સ્ત્રીઓ, બાળકોનો પણ મોટી સંખ્યામાં ભોગ લેવાય છે. પરંતુ ‘હમાસ’ની વ્યૂહરચના મુજબ, આ ખુવારીનું જમા પાસું એ છે કે પેલેસ્ટાઇનના અધિકારોનો- તેની સ્વતંત્રતાનો મુદ્દો વિશ્વ સમક્ષ પ્રદર્શીત થતો રહે છે. સાથોસાથ, ઇઝરાઇલનું જાલીમ અને નિષ્ઠુર સ્વરૂપ વિશ્વ સમક્ષ રજૂ કરીને સહાનુભૂતિ મેળવી શકાય છે. પોતાની લડતના જે કંઇ સાચા મુદ્દા હોય તેના જોરે નહીં, પણ ઇઝરાઇલની નિષ્ઠુરતા અને તેનું ઘાતકીપણું ઉભારીને-ઉપસાવીને વિશ્વમતને પોતાની તરફેણમાં આણવાની ‘હમાસ’ની નેમ લાગી છે અને તેમાં એને ઠીક ઠીક સફળતા પણ મળી છે.

મહાસત્તા અમેરિકાનું પક્ષપાતી વલણ જાણે ઇઝરાઇલી દુષ્ટતાનો પુરાવો બની રહ્યું છે. ઘરઆંગણે યહુદી લોબીના ભારે વર્ચસ્વને કારણે, દુનિયાભરમાં માનવ અધિકારની કવિતાઓ કરતું અમેરિકા ઇઝરાઇલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં સંપૂર્ણપણે ઇઝરાઇલની પડખે રહ્યું છે- ફક્ત નૈતિક રીતે કે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જ નહીં, શસ્ત્રોની અને આર્થિક મદદની બાબતમાં પણ. ‘જવાબી કાર્યવાહીના અધિકાર’ના રૂપાળા ઓઠા હેઠળ તે ઇઝરાઇલની સઘળી હિંસા સામે આંખ આડા કાન કરે છે. બલ્કે, તેને ઇઝરાઇલનો હક ગણે છે. એટલે ‘હમાસ’ની ‘હિંસાખોરીની સજા’ તરીકે ઇઝરાઇલ ગાઝા પર જાતજાતના પ્રતિબંધ મૂકી શકે, તેનો વિદેશ સાથેનો વ્યાપાર અટકાવી શકે, ગાઝાનું એરપોર્ટ નષ્ટ કરી શકે અને ગાઝામાં બંદરનું બાંધકામ થવા ન દે, ગાઝાના લોકોની વિદેશમાં તો ઠીક, વેસ્ટ બેન્કમાં થતી અવરજવર સુદ્ધાં એ રોકી શકે, પેલેસ્ટાઇનના વિસ્તારોમાં પોતાની વસાહતો બનાવી શકે. ટૂંકમાં, પેલેસ્ટાઇનના લોકો માટે તે ગાઝાને લગભગ ખુલ્લા કેદખાનામાં ફેરવી નાખે. આ બધો ઇઝરાઇલનો અધિકાર, પરંતુ અમેરિકાના ખભે બેઠેલા ઇઝરાઇલની હિંસાખોરી સામે આંતરરાષ્ટ્રિય સ્તરે કશું જ ન થઇ શકે.

વેરભાવે મદદ

આટલી વાત કર્યા પછી સવાલ આવે પક્ષ લેવાનો. ઇઝરાઇલ અને ‘હમાસ’ - બન્નેમાંથી આપણે ભારતના નાગરિકો તરીકે કોનો પક્ષ લેવો? અહીં બેઠાં બેઠાં આ કે પેલો પક્ષ લેવાથી કશો ફરક પડવાનો નથી. છતાં, આ પ્રકારના સંઘર્ષમાં કોઇ એક પક્ષે ઢળવાની વૃત્તિ માનવસહજ હોય છે.

ઇઝરાઇલ-‘હમાસ’ના મામલે સૌથી મોટો વાંધો એ છે કે બન્નેમાંથી કોઇનો પક્ષ લઇ શકાય એમ નથી. કારણ કે તે બન્ને હિંસાને વરેલાં છે. હકીકત તો એ છે કે પોતપોતાની હિંસાને વાજબી ઠરાવવામાં બન્ને વિરોધીઓ એકબીજાનાં સૌથી મોટાં મદદગાર છે. એ દૃષ્ટિએ અને એટલા પૂરતાં એ બન્નેને સાથીપક્ષો ગણી લેવામાં આવે તો પણ ખોટું નથી. ‘હમાસ’ની આખી અપીલ અને તેની લોકપ્રિયતાનો આધાર ઇઝરાઇલનો હિંસક મુકાબલો કરવાની તેની ચેષ્ટાઓમાં છે. ઇઝરાઇલના અત્યાચારોનાં બયાન કરીને ‘હમાસ’ પોતાની અંતિમવાદી, આક્રમક નીતિને, કમ સે કમ ગાઝામાં રહેતા લોકો સમક્ષ, વાજબી ઠરાવી શકે છે અને તેમનો ટેકો મેળવી શકે છે. આમ, ભલે વેરભાવે તો એ રીતે, પણ ઇઝરાઇલના લીધે ‘ફતહ’ સામેની આંતરિક લડાઇમાં ‘હમાસ’નું પલ્લું ભારે રહે છે. ‘હમાસ’ની લોકપ્રિયતાનું રહસ્ય જેટલું તેની હિંસામાં છે, એટલું જ ઇઝરાઇલની હિંસામાં પણ છુપાયેલું છે. ‘હમાસ’ની હિંસાને વાજબી ઠરાવવા ઇચ્છતા લોકો માટે ઇઝરાઇલની હિંસા હાથવગું કારણ બની રહે છે.

એવી જ રીતે, ‘હમાસ’ના રોકેટમારાને કારણે ઇઝરાઇલની સરકારમાં અને દેશમાં ઉગ્રમિજાજી લોકોની જ બોલબાલા રહે છે. ‘માથા સાટે માથાં’ની સત્તાવાર ઇઝરાઇલી નીતિ સામે સ્થાનિક શાંતિપ્રેમી અને સુલેહપ્રેમી લોકોને ગમે તેટલો વાંધો હોય તો પણ, ‘હમાસ’નો રોકેટમારો ઇઝરાઇલી અંતિમવાદીઓનાં કરતૂતોને વાજબી ઠરાવવામાં ભારે ઉપયોગી નીવડે છે. ગાઝામાં ઇઝરાઇલી ડીફેન્સ ફોર્સ (આઇડીએફ)ની હિંસક લશ્કરી કાર્યવાહી ચાલતી હોય ત્યારે પાડોશી ઇઝરાઇલમાંથી ઉત્સાહી ‘રાષ્ટ્રવાદીઓ’ નિર્દોષોનાં મોતનો એ નજારો, પિકનિક કાર્યક્રમની માફક જોવા જાય છે. (આ મતલબના આધારભૂત સમાચાર પ્રસાર માઘ્યમોમાં આવ્યા હતા.) આવા સંવેદનહીન લોકો ‘હમાસ’ના રોકેટહુમલા ટાંકીને પોતાની ડઠ્ઠરતાને ‘રાષ્ટ્રવાદ’ કે ‘દેશભક્તિ’ તરીકે ખપાવી શકે છે. એ રીતેે તેમનું સૌથી મોટું મદદગાર જો કોઇ હોય તો એ  હિંસક ‘હમાસ’ છે. ‘હમાસ’ હિંસા તજીને શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વ માટે તૈયારી બતાવે અને ઇઝરાઇલ ગાઝાને ખુલ્લા કેદખાનામાંથી મોકળાશ આપે, એ આ સમસ્યાનો અઘરો છતાં એકમાત્ર ઉપાય છે.

‘પેલેસ્ટાઇનમાં ઇઝરાઇલના અમાનવીય હુમલામાં મુસ્લિમો મરી રહ્યા છે’ એવી બળતરા ભારતના ઘણા મુસ્લિમો વ્યક્ત કરે છે. ઇન્ટરનેટથી માંડીને સડક સુધી ઇઝરાઇલના વિરોધમાં દેખાવો થાય છે અને ઇઝરાઇલી ચીજવસ્તુઓના બહિષ્કારની અપીલ પણ થાય છે. આ જાતનો વાંધો જેમને પડતો હોય એવા સૌ મુસ્લિમોએ પોતાની જાતને આટલા સવાલ પૂછવા જોઇએ : ૧) તેમનો વિરોધ નિર્દોષ મુસ્લિમો મરે છે તેની સામે છે? ૨) તેમનો વિરોધ યહુદીઓના હાથે નિર્દોષ મુસ્લિમો મરે છે એ બાબતે છે? ૩) કે પછી તેમનો વિરોધ બળુકા સૈન્યની કાર્યવાહીમાં નિર્દોષ માણસો મરે છે તેની સામે છે?

જેમનો વાંધો પહેલાં બે કારણસર હોય તેમણે સમજવું જોઇએ કે પાકિસ્તાન અને ઇરાક સહિતના બીજા ઘણા દેશોમાં  મુસ્લિમો વચ્ચે આંતરિક હિંસા થાય છે અને સેંકડો મુસ્લિમો મૃત્યુ પામે છે. ત્યારે તેમની લાગણી ક્યાં ખોવાઇ જાય છે? તે પાયાનો મુદ્દો ચૂકી જાય છે કે પેલેસ્ટાઇનના લોકોને મુસ્લિમ તરીકે નહીં, માણસ તરીકે-નાગરિક તરીકે સહાનુભૂતિ અને ટેકાની જરૂર છે. 

Saturday, August 16, 2014

મિનિ વેકેશનમાં મ્યુઝિક-મસ્તી : ખોવાયેલું અનુસંધાન પાછું મળ્યાનો રોમાંચ

હાર્મોનિયમ, ટાયોસોકોટા (બેન્જો) જેવાં વાદ્યો ઘરમાં હોવાને કારણે બાળપણથી તેની પર હાથ અજમાવવાનું બનતું હતું. બીરેન વગાડે એટલે હું પણ વગાડું. અમે બન્ને ’ચિર એમેચ્યોર’ રહ્યા, પણ ’ખપજોગું ગાળી લેતાં’ એટલે કે ઇચ્છિત ગીતની ધૂન વગાડી લેવા જેટલું શીખી ગયા. નિજાનંદથી આગળ વધવાનો ઇરાદો ન હતો. એટલે તેને વધારે ગંભીરતાથી લીધું નહીં. 

બેન્જો તો બીરેન કોલેજમાં હતો ત્યારે તેના કોલેજમિત્ર દેવેન્દ્ર ગોહિલ સાથે ભાગમાં લાવ્યો હતો. (૧૯૮૨-૮૩ની આસપાસ એકલપંડે રૂ.૪૫ પોસાવા જોઇએ ને.) પણ હાર્મોનિયમ ઘરમાં પહેલેથી હતું. ફોઇ અને પપ્પા શીખતાં હશે. તેમને એ કેટલું ચડ્યું ખબર નથી, પણ અમે તેમને કદી વગાડતાં જોયાં ન હતાં. અમારું હાર્મોનિયમ-વાદન પણ ’કેઝ્યુઅલ’ જ ચાલતું હતું. વ્યસ્તતા વધ્યા પછી એ વગાડવાનું પ્રમાણ ઘટ્યું. છતાં ઘણાં વર્ષ સુધી ઘરમાં લાઇટ જાય ત્યારે હાર્મોનિયમ વગાડવાનો ક્રમ હતો.પછી ઘરમાં ઇન્વર્ટર આવી ગયું એટલે હાર્મોનિયમ બાજુ પર રહ્યું. એવી જ રીતે બેન્જો પણ પેટીબંધ થઇને કબાટની ઉપર પડ્યો હતો. 

થોડા વખત પહેલાં વડીલ મિત્ર પિયુષ પંડ્યાએ ભાવપૂર્વક અમદાવાદની વિખ્યાત ’હાર્મોનિકા ક્લબ’ના પહેલા સોલો કાર્યક્રમમાં આવવા આમંત્રણ આ્પ્યું. પિયુષભાઇ અને (મારા પિતરાઇ કાકા) ચૈતન્ય દેસાઇ સહિત ઘણા વડીલો અને યુવાનો પણ એ ક્લબના સભ્ય અને હાર્મોનિકા (માઉથઓર્ગન) વગાડે. એ કાર્યક્રમ જોઇને મને પણ માઉથઓર્ગન પર હાથ અજમાવવાનું મન થયું. બહુ પહેલાં ઘરમાં રમકડા તરીકે એક માઉથઓર્ગન હતું, પણ એ વગાડ્યાનું યાદ આવતું ન હતું. કાર્યક્રમમાં માઉથઓર્ગનનો મીઠો સૂર સાંભળીને થયું કે હવે એ વગાડવાનો પ્રયાસ કરવો જોઇએ.

પિયુષભાઇએ પ્રેમથી એક સારું માઉથઓર્ગન લાવી આપ્યું. એકાદ-બે દિવસ પરિચિત થવામાં ગયા, પણ પછી પ્રાથમિક રીતે સૂર સમજાવા લાગ્યા. થોડાં થોડાં ગીત બેસતાં થયાં. વડોદરા લઇને ગયો એટલે બીરેનના દીકરા ઇશાને એક દિવસમાં સૂર બેસાડવાનું શરૂ કર્યું. એ અમારી જેમ થોડું થોડું કી-બોર્ડ વગાડી લેતો હતો. આમ અમારા સંગીતમય- અને વેલ્યુએડેડ- ’રી-યુનિયન’નો તખ્તો ગોઠવાયો. ’

શુક્ર-શનિ-રવિ (૧૫ ઓગસ્ટથી જન્માષ્ટમી)ના મિનિ વેકેશન નિમિત્તે બીરેન પરિવાર મહેમદાવાદ આવ્યો, ત્યારે ૧૫મી ઓગસ્ટ મેં થોડું રીહર્સલ કરીને રાષ્ટ્રગીત વગાડ્યું. પછી થયું કે વીજળીથી ન ચાલતાં હોય એવાં - એટલે કે કીબોર્ડ સિવાયનાં- વાદ્યોની જુગલબંદીથી એક ગીત બેસાડી જોઇએ. તેનું પરિણામ એટલે અહીં મૂકેલી ’હૈ અપના દિલ તો આવારા’ની વિડીયો. તેના પછી માઉથઓર્ગન પર મારું વગાડેલું રાષ્ટ્રગીત મૂક્યું છે. 

આ બન્ને વસ્તુઓમાં આવેલો નિર્ભેળ આનંદ સ્નેહીઓ સાથે વહેંચવાના આશયથી વિડીયો ફેસબુક પર મૂકી અને હવે બ્લોગ પર પણ મૂકી રહ્યો છું--સાંભળનારા સાવ નિરાશ નહીં થાય એવી આશા સાથે :-)

Biren Kothari (Harmonium), Urvish Kothari (Tysokoto/Benjo), 
Shachi & Ishan Kothari (Harmonica/Mouthorgan)
Playing 'Hai Apna Dil To Awara'

Urvish Kothari (Harmonica)

એક વરસાદી પ્રશ્નપત્ર

ચોમાસામાં ફક્ત પાણીનો નહીં, પ્રશ્નોનો પણ વરસાદ થાય છે. એ પ્રશ્નો લોકોને મૂંઝવતા, ધૂંધવતા, અકળાવતા ને ઉશ્કેરતા હોઇ શકે છે. એવા પ્રશ્નો છૂટાછવાયા પૂછવાને બદલે, તેમને એક સાથે પ્રશ્નપત્રના સ્વરૂપમાં મૂકવામાં આવે તો? આઘુનિક શિક્ષણપદ્ધતિની શૈલીમાં, જવાબના ચાર વિકલ્પ આપી દેવાના. વ્યવહારુ શક્યતાઓ ઘ્યાનમાં રાખીને, એક કે વઘુ સાચા વિકલ્પ ટીક કરવાનું સૂચવી શકાય.

આવા પ્રશ્નપત્રનો ઉપયોગ જાહેર સેવાઓ અને સનદી સેવાઓથી માંડીને સ્કૂલના સ્તરે ઉમેદવારોની માનસિક સજ્જતા, સહનશક્તિ, સમસ્યાઉકેલની ક્ષમતા જેવા ગુણો ચકાસવા માટે થઇ શકે. કયા જવાબો આપનારની કયા હોદ્દે નિમણૂંક કરી શકાય, એ તારવી કાઢતાં સરકારને વાર નહીં લાગે. વાચકો પણ પોતપોતાની કલ્પનાશક્તિ વાપરીને સમજી શકશે કે કયો જવાબ આપનાર ઉમેદવાર કયા હોદ્દાને લાયક છે.

અહીં આપેલા સૂચિત મૉડેલ પ્રશ્નપત્રના સવાલો સહેલાસટ કે લાગે તો હસી કાઢશો નહીં. કારણ કે ગુજરાતમાં સહેલામાં સહેલા સવાલોના જવાબ અણધાર્યા, વિચિત્ર હોઇ શકે છે- અને ખરી વિચિત્રતા એ છે કે એવા જવાબમાં ઘણા લોકોને કશું અજૂગતું લાગતું નથી.
*** 

૧. ચોમાસામાં વરસાદ કેમ પડે છે? 

(ક) કુદરતી પ્રક્રિયાને અધીન
(ખ) ગ્લોબલ વૉર્મિંગને કારણે
(ગ) વહીવટી તંત્રને ગાળો દઇ શકાય એટલા માટે
(ઘ) નરેન્દ્ર મોદી- અમિત શાહની જોડીએ ઉપરવાળા સાથે કરેલા ‘સેટિંગ’થી.

૨. અમદાવાદ જેવાં શહેરોમાં થોડા ઇંચ વરસાદમાં પાણી કેમ ભરાઇ જાય છે? 

(ક) વહીવટી તંત્રના કેટલાક લોકો કોન્ટ્રાક્ટરોને વાંકમાં લઇને, આવતી સીઝનમાં તેમની પાસેથી વઘુ કમિશન લઇ શકે એ માટે
(ખ) સુયોગ્ય આયોજનના અભાવે
(ગ) લોકો એ જ દાવના છે એટલા માટે
(ઘ) પાણી છે. ભરાઇ જાય. એનાં કંઇ કારણ ન હોય.

૩. તમારા ઘરમાં પાણી ભરાઇ જાય તો શું કરવું જોઇએ? 

(ક) ‘હાશ! આરતી ઉતારવા માટે છેક નદી સુધી જવું મટ્યું’ એમ વિચારીને, પાણી ન ભરાયું હોય એવા પાડોશીને ત્યાંથી આરતીની સામગ્રી લાવીને, ઘરમાં ભરાયેલા પાણીની આરતી ઉતારવી જોઇએ


(ખ) સૌરાષ્ટ્ર-કચ્છમાં જે લોકોના નળમાં પણ નથી આવતું, તે પાણી આખેઆખા ઘરમાં ભરી દેવા બદલ સરકારશ્રીનો આભાર માનવો જોઇએ અને ગુજરાતના વિકાસનો બુલંદ કંઠે જયજયકાર કરવો જોઇએ

(ગ) કોર્પોરેશનને ગાળો દેવી જોઇએ અને સ્થાનિક કોર્પોરેટરના ઘર પર હુમલો કરવો જોઇએ

(ઘ) ડબલું લઇને પાણી ઉલેચવા મચી પડવું જોઇએ


૪.  વરસાદમાં કોનો ત્રાસ વધારે હોય છે? 

(ક) પાંખોવાળા મંકોડાનો
(ખ) ઉભરાતી ગટરનો
(ગ) કવિઓનો
(ઘ) રસ્તા પર પડતા ભૂવાનો

૫. તમારા ઘરના બાથરૂમમાં મગર જોવા મળે તો શું કરશો? 


(ક) એ બાથરૂમ તમારા પોતાના ઘરનો છે કે નહીં એ ચકાસી લેવું જોઇએ

(ખ) સામે દેખાતું પ્રાણી ખરેખર મગર છે - અને ગરોળીનો થ્રી-ડી હોલોગ્રામ નથી- તેની ખાતરી કરવી જોઇએ

(ગ) મગર સાથે ‘સદ્‌ભાવના’થી કામ લેવું જોઇએ. એટલે કે પહેલાં તેને ખતમ કરવાના પ્રયાસ કરવા જોઇએ. પછી તેના માટે લાગણી પ્રગટ કરવી જોઇએ.

(ઘ) ટીવી ચેનલોના પ્રતિનિધિઓને ફોન કરવો જોઇએ

૬. તમારા બાથરૂમમાં મગર દેખાય તો શું ન કરવું જોઇએ? 

(ક) તેને અમિત શાહની બીક ન બતાવવી જોઇએ. તેની પર કશી અસર નહીં થાય.

(ખ) તેને ચોમાસુ કવિઓની બીક પણ ન બતાવવી જોઇએ. કારણ કે એ ‘જાડી ચામડીનો’ છે.

(ગ) તેને એન્કાઉન્ટરની બીક ન બતાવવી જોઇએ. કારણ કે જેલની હવા ખાઇ ચૂકેલા પોલીસ અફસરો હવે ફરી એન્કાઉન્ટરોમાં સંડોવાય, એવી શક્યતા ઓછી છે.

(ઘ) તેને જાસૂસીની બીક ન બતાવવી જોઇએ. કારણ કે તેની ભાષા આપણને નહીં સમજાય.

૭. ચોમાસામાં ઘર આગળ કે ઘરમાં પાણી ભરાઇ ગયું હોય અને લાઇટ બંધ થઇ જાય તો શું કરવું જોઇએ? 


(ક) વહીવટી તંત્રનો આભાર માનવો જોઇએ કે શોર્ટ સર્કિટની શક્યતા ટળી ગઇ

(ખ) એને પ્રભુસ્મરણની તક ગણીને તેનો લાભ લેવો જોઇએ

(ગ) વોટ્‌સએપ-ફેસબુક પર અંધારાના ફોટા શેર કરવા જોઇએ

(ઘ) કોડિયું સળગાવીને, આપણી પ્રાચીન સંસ્કૃતિમાં ૠષિમુનિઓ આ જ રીતે કામ કરતા હતા, એ વિચારે ગૌરવ અનુભવવું જોઇએ.

૮. તમે વાહન લઇને જતા હો અને સામે રસ્તા પર પાણીનું મોટું તળાવ ભરેલું દેખાય તો શું કરવું જોઇએ? 

(ક) ત્યાં માછીમારીની શક્યતાઓ કેટલી છે તે વિશે વિચારવું જોઇએ

(ખ) ‘આ તળાવ સ્થાનિક ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા નિર્મિત છે’ એવું પાટિયું મૂકવા માટે મ્યુનિસિપાલિટીમાં ફોન કરવો જોઇએ

(ગ) વિદેશી સંસ્કૃતિના પ્રાચીન પુરૂષ મોઝેસનું - અથવા હોલિવુડની વિખ્યાત ફિલ્મ ‘ટેન કમાન્ડમેન્ટ્‌સ’નું સ્મરણ કરવું જોઇએ. તમારા સ્મરણમાં સત્‌ હશે તો રસ્તા પર ભરાયેલું તળાવ બે ભાગમાં વહેંચાઇ જશે અને વચ્ચેથી તમારા વાહન માટે માર્ગ થઇ જશે.

(ઘ) સંઘ પરિવારની ‘મિથ્યાભિમાન સિરીઝ’નાં પુસ્તકોનું સ્મરણ કરીને, ‘મહર્ષિ અગસ્ત્ય આખો દરિયો પી ગયા હતા, તો આપણે આટલું નાનું તળાવ ન પી શકીએ?’ એમ વિચારવું જોઇએ અને પ્રાચીન સંસ્કૃતિ ભૂલી બેઠેલી પેઢી કેવી નમાલી થઇ ગઇ છે તેનો વસવસો વ્યક્ત કરવો જોઇએ


૯. રસ્તા પર ભરાયેલા તળાવમાંથી વાહન ધરાર પસાર કરવું પડે એવા સંજોગોમાં શું કરવું જોઇએ?

(ક) આ રસ્તાનું અને પાણીના નિકાલનું બેકાળજીથી પ્લાનિંગ કરનારા  સજા ભોગવવા માટે રસ્તા પર સૂઇ ગયા છે અને તમારે એમની પરથી વાહન હંકારીને લઇ જવાનું છે, એવું વિચારવું જોઇએ. એમ કરવાથી વાહન પાણીમાં ‘નાખવાની’ હિંમત આવશે

(ખ) પહેલો વિચાર હિંસક લાગતો હોય તો, મનમાં જેમ્સ બૉન્ડનું ઘ્યાન ધરીને વિચારવું જોઇએ કે આપણું વાહન પાણીમાં પડશે એટલે હોડી થઇ જશે

(ગ) મન કઠણ કરીને, ઊંડો શ્વાસ લઇને, ઇષ્ટદેવનું સ્મરણ કરીને, આગળ જવું અનિવાર્ય છે કે કેમ અને ત્યાંથી પાછા ફરી શકાય એમ છે કે નહીં એ વિચારવું જોઇએ

(ઘ) કોર્પોરેશનનો કોઇ માણસ સામા છેડે ‘વૉટર રાઇડ’ પેટે વીસ-પચીસ રૂપિયાની પાવતી નહીં ફાડે- અને આ સુવિધાનો લાભ તમારા પોતાના વાહન પર લેવાનો વધારાનો ચાર્જ પણ વસુલ નહીં કરે- તેની ધરપત રાખીને બિનધાસ્ત ઝંપલાવી દેવું જોઇએ.

૧૦. વરસાદી રસ્તા પર ટ્રાફિક જામ થયો હોય તો શું કરવું જોઇએ? 

(ક) ટ્રાફિક ખુલે નહીં ત્યાં સુધી હોર્નનો ટીટીયારો ચાલુ રાખવો જોઇએ

(ખ) મિલિમીટરમાંથી સેન્ટીમીટર અને તેમાંથી ઇંચ જેટલી જગ્યા શોધીને, વાહનની આગેકૂચનો પ્રયાસ સતત ચાલુ રાખવો જોઇએ

(ગ) વરસાદી રસ્તા હોવા છતાં બહાર નીકળવાના ગુનાની આ સજા છે એમ (ભારતીય પરંપરા પ્રમાણે) માનીને ચૂપચાપ ત્રાસ વેઠી લેવો જોઇએ

(ઘ) ઉદ્યોગસાહસિકતાનો પરચો આપતાં, વાહનની ડિકીમાંથી નાસ્તાનાં પડીકાં કાઢીને એ વેચવાનો ધંધો શરૂ કરી દેવો જોઇએ

Wednesday, August 13, 2014

પાઠ્યપુસ્તક મંડળનું ‘તેજોમય ભારત’ : જ્ઞાન, ગૌરવ અને જૂઠાણાંની અફીણી ભેળસેળ

‘૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું ત્યારે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયું, પણ એ ત્રણ ભાગમાં વિભાજિત થયું- પૂર્વ પાકિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાન (અફઘાનિસ્તાન સહિત) અને શેષ ભારત.’

મોટા ભાગના લોકો જાણતા હશે કે અફઘાનિસ્તાન તો ભારતના ભાગલા પહેલાંના સમયથી અલગ, સ્વતંત્ર દેશ હતો. એટલે ભારતના ભાગલા થયા ત્યારે અફઘાનિસ્તાન પણ ભારતથી છૂટું પડી ગયું, એવું કેવી રીતે કહી શકાય?

પરંતુ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના સત્તાવાર પૂરક વાચનમાં સ્થાન પામેલું પુસ્તક ‘તેજોમય ભારત’ આવું જ કહે છે. (પૃ.૪૯)

કારણ? આ પુસ્તક અસલમાં સંઘ પરિવારની શિક્ષણસંસ્થા ‘વિદ્યાભારતી’ દ્વારા તૈયાર કરાયું હતું. તેના ‘નિષ્ણાતો’ એવા કેફમાં છે કે ‘પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, તિબેટ, બ્રહ્મદેશ અને શ્રીલંકા પણ અખંડ ભારતના જ ભાગ છે.’ એટલું જ નહીં, ‘શાશ્વત સત્ય ‘અખંડ ભારત’ જ છે. એ માત્ર સ્વપ્ન નહિ, કૃતિ બનીને રહેશે. અખંડ ભારત પહેલાં ભાવનાની ભૂમિ પર આકાર લેશે અને પછી ભૂગોળની ભૂમિ પર સાકાર થશે..’(પૃ ૫૧)

આવી સામગ્રી ધરાવતા પુસ્તકને ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ ‘પૂરક વાચન’માં સત્તાવાર સ્થાન આપે અને તેની હજારો નકલ સરકારી નિશાળોમાં મફત વહેંચે, ત્યારે આપણે નક્કી કરવાનું છે : બાળકોને જ્ઞાનનું અમૃત આપવું છે કે પછી બાળકોને રમેશ પારેખના અમર પાત્ર આલા ખાચરની જેમ, વાસ્તવિકતા ભૂલાવીને મિથ્યા ગૌરવના અફીણમાં ડૂબાડી દેવાં છે?

નમૂનેદાર ‘જ્ઞાન’

શૂન્યનો પ્રયોગ :  તત્કાલીન મુખ્ય મંત્રી મોદીએ પૂરક વાચનના અન્ય પુસ્તક ‘વૈદિક ગણિત’માં પોતાના સંદેશમાં લખ્યું છે,‘વિશ્વભરને ગણતરી માટે સહુથી મહત્ત્વપૂર્ણ એવા શૂન્યની ભેટ ભારતના શ્રી આર્યભટ્ટે આપી છે.’

‘તેજોમય ભારત’માં આર્યભટ્ટની સિદ્ધિઓમાં શૂન્યનો ઉલ્લેખ કર્યો નથી. (પૃ.૫૮) તેમાં આર્યભટ્ટના સમયગાળા કરતાં સદીઓ બલકે હજારો વર્ષ પહેલાં થયેલા એક ૠષિને શૂન્યના ઉપયોગ સાથે સાંકળવામાં આવ્યા છે. ‘આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ગૃત્સમદ નામના ૠષિ હતા. ૨૦,૦૦૦ વર્ષ પહેલાં દુષ્યન્ત-શકુંતલાના જમાનામાં થઇ ગયા.’ (પૃ.૫૬)

સવાલ : મુખ્ય મંત્રીએ ‘સંદેશ’માં જણાવ્યા પ્રમાણે આર્યભટ્ટે શૂન્યની ભેટ આપી હતી? એ વિશે ‘તેજોમય ભારત’ના સંપાદકોને શું કહેવાનું છે?

વઘુ મહત્ત્વનો મુદ્દો. ૨૦ હજાર વર્ષ પહેલાં માનવવિકાસમાં પાષાણયુગ ચાલતો હતો. એ સમયમાં દુષ્યન્ત-શકુંતલા અને ગુત્સમદ ૠષિ થઇ ગયા અને તેમણે આ પ્રદાન કર્યું, એવું કયા આધારે લખવામાં આવ્યું છે? અને ૨૦ હજાર વર્ષ પહેલાં માનવ ઇતિહાસમાં બીજું શું ચાલતું હતું તેનો કંઇ અંદાજ લેખકોને છે?

રામસેતુ : ‘રામાયણકાળમાં સાગર પાર કરી લંકા સુધી પહોંચવા માટે વાનરજાતિના બે કુશળ ઇજનેર નલ અને નીલે સાગર પર સેતુનિર્માણનું કાર્ય કરેલું...આ રામસેતુ રામેશ્વર દ્વીપથી શરૂ કરી મન્નાર ખાડી થઇ શ્રીલંકાના કિનારા સુધી બનાવ્યો હતો. તેની લંબાઇ ૩૦ માઇલ હતી. શ્રીરામે જે સાગરસેતુ બનાવ્યો હતો તે આજે પણ ભગ્નાવસ્થામાં અસ્તિત્ત્વ ધરાવે છે...આજે ભલે વર્તમાનયુગમાં પુલ-નિર્માણ કલા ચરમસીમા પર પહોંચી હોય, વિશ્વમાં અનેક અદ્‌ભૂત અને વિશાળ પુલ બન્યા છે, બને છે, પરંતુ સાગર પર સેતુ બનાવવાની કલ્પના ભારત સિવાય દુનિયામાં કોઇએ કરી નથી. ત્યારે ભારતે ૧૭,૫૦,૦૦૦ વર્ષ પહેલાં સાગરસેતુનું નિર્માણ કરી નાખ્યું છે. તે જ આપણા દેશની વિશેષતા છે... દુર્ભાગ્ય એ છે કે આવા અતિ પ્રાચીન અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા રામસેતુને નષ્ટ કરવા કેટલાંક પરિબળો સક્રિય બન્યાં છે. ભારતની અસ્મિતાના આવા ગૌરવપૂર્ણ અવશેષને બચાવવા આપણે શું કરી શકીએ? બાળમિત્રો. અવશ્ય વિચારજો.’

સવાલ : વિચારવાનું તો આપણે છે કે બાળકો સમક્ષ, જ્ઞાનના નામે ગૌરવઘેનમાં ઝબોળેલાં જૂઠાણાં પીરસતી આ સામગ્રીનું શું કરવું?

આંખ મીંચીને પ્રાચીનતાનું ગૌરવ લેવા નીકળેલા લોકોને વર્ષોની ગણતરીમાં કશો ધડો રાખવાપણું લાગતું નથી. ‘પ્રાગૈતિહાસિક’ તરીકે ઓળખાતો યુગ પણ બે લાખ વર્ષથી શરૂ થાય છે. સૌથી પ્રાચીન ગણાતા ૠગ્વેદનો કાળ  ઇ.સ. પૂર્વે ૩૫૦૦થી ઇ.સ.પૂ. ૨૭૦૦ સુધીનો એટલે કે લગભગ પાંચેક હજાર વર્ષ પહેલાંનો ગણાય છે. ત્યારે ‘રામાયણ’નો કથિત પુલ સાડી સત્તર લાખ વર્ષ પહેલાં ક્યાંથી બન્યો હોય? ધારો કે એ કુદરતી રચના સાડી સત્તર લાખ વર્ષ જૂની હોવાનું વૈજ્ઞાનિક રીતે સાબીત થાય, તો એનો અર્થ એટલો જ કે એ ‘રામસેતુ’ નથી.

પ્રો.નગીનદાસ સંઘવીએ ‘રામાયણની અંતર્યાત્રા’ પુસ્તકમાં વાલ્મિકી રામાયણનો હવાલો આપીને જણાવ્યું છે કે લંકા સુધી પહોંચવા માટે સમુદ્ર પર પુલ બાંધવાનો કોઇ પ્રશ્ન જ ન હતો. કારણ કે માર્ગમાં સમુદ્ર હતો જ નહીં. જેમાંથી ચાલીને જઇ શકાય એટલું છીછરું પાણી હતું. પુરાતત્ત્વવિદ્‌ હસમુખ સાંકળિયાએ ‘રામાયણ’માં સૂચવાયેલી લંકા તે શ્રીલંકા નહીં, પણ મઘ્ય ભારતમાં આવેલો એક પ્રદેશ છે, એવું વિસ્તૃત સંશોધન રજૂ કર્યું હતું.

આમ, ‘રામાયણ’ સાથે જેને કશો સંબંધ ન હોઇ શકે એવી, સાડી સત્તર લાખ વર્ષ પહેલાંની રચનાને ‘રામસેતુ’ તરીકે ખપાવી દેવી અને તેના બચાવની ધીક્કારઝુંબેશમાં બાળકોને સાંકળવાનો પ્રયાસ કરવો, એ ‘તેજોમય ભારત’ના કહેવાતા જ્ઞાનનો અસલી ચહેરો છે.

પરમાણુશક્તિ : ‘આજથી લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં વૈશેષિક દર્શનના કર્તા કણાદ મુનિ અણુ અને પરમાણુના પુરસ્કર્તા છે....તમને પ્રશ્ન થતો હશે કે ભારતીય સાહિત્યમાં પરમાણુ વિશે આટલું અજોડ જ્ઞાન પડેલું હોવા છતાં આ શોધ પાશ્ચાત્ય વિજ્ઞાનીઓનાં નામે કેમ? પરમાણુશક્તિને કારણે અમેરિકા, રશિયા કેમ મહાસત્તા બન્યાં હશે? તેનું પણ કારણ છે. ભારતીય જ્ઞાન અને વિજ્ઞાનનો વિકાસ કરતું વૈદિક સાહિત્ય ભારતમાંથી જર્મનીમાં પહોંચ્યું. એ જ સમયે જર્મનીમાં સંસ્કૃતનાં ૧૨ વિશ્વવિદ્યાલય સ્થપાયાં હતાં. એટલું જ નહીં, પણ જર્મન લોકોએ આ સાહિત્યના આધારે અણુ ટેકનોલોજીનો સારો એવો અભ્યાસ કરેલો હતો. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીનું પતન થયું ત્યારે રશિયા અને અમેરિકાની બે મહાસત્તાઓએ જર્મનીના ભાગલા કર્યા અને બર્લિનના પણ ભાગલા કર્યા. સાથે ત્યાંના વૈજ્ઞાનિકોને પણ બન્નેએ વહેંચી લીધા. આ વૈજ્ઞાનિકોએ જર્મનીમાંથી ગયા પછી ભારતના વૈદિક સાહિત્યનો અભ્યાસ કર્યો. તેના આધારે અણુ ટેકનોલોજીનો વર્તમાન વિજ્ઞાનની પરિભાષામાં વિકાસ કર્યો અને તેના આધારે રશિયા અને અમેરિકા મહાસત્તા બન્યાં. (પૃ.૬૦)

સવાલ : કણાદ મુનિને બાદ કરતાં બાકીની વાર્તા લખવા માટે અસાધારણ હિંમત કે બેશરમી જોઇએ. પરમાણુશક્તિનો સ્રોત આઇન્સ્ટાઇનના પ્રખ્યાત સૂત્ર (ઇ બરાબર એમસીસ્ક્વેર)માં રહેલો છે- અને આ વાત આઇન્સ્ટાઇન જર્મનીના કોઇ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં શીખ્યા ન હતા, એ જાણીતી વાત છે. અમેરિકા બીજા વિશ્વયુદ્ધ વખતે પરમાણુશક્તિ બની ચૂક્યું હતું. તેણે જાપાનનાં બે શહેર પર ઝીંકેલા પરમાણુબોમ્બથી બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો એ પણ જાહેર છે.  છતાં આવું લખીને ગૌરવ માટે ઝાવાં નાખવાં એ આત્મવંચનાભર્યા મિથ્યાભિમાન ઉર્ફે ‘આલા ખાચરીઝમ’નો તેજોમય નમૂનો છે. આવાં ઉદાહરણ ઠેરઠેર મળી આવે છે. જેમ કે,

અમેરિકામાં ૩૮ ટકા ડોક્ટરો ભારતીય, ૧૨ ટકા વિજ્ઞાનીઓ ભારતીય, નાસાના ૩૬ ટકા વિજ્ઞાનીઓ ભારતીય, માઇક્રોસોફ્‌ટમાં ૩૪ ટકા ભારતીય, આઇબીએમમાં ૨૮ ટકા ભારતીય....આમ આ લોકો ભારતીય હોવા છતાં, યુએસએ જેવા દેશમાં ઉચ્ચ હોદ્દા પર સ્થાન ધરાવે છે તેનું કારણ આ ભારતીયોની બુદ્ધિપ્રતિભા છે. (પૃ.૭૪)

સવાલ : અમેરિકામાં ભારતીયોની ટકાવારીવાળો ફોરવર્ડ ઇ-મેઇલ વર્ષોથી ફરે છે, પરંતુ તેનો કોઇ આધાર નથી. ‘નાસા’ સહિતની બીજી કોઇ સંસ્થાએ આવા કોઇ આંકડા બહાર પાડ્યા હોય એવું જાણમાં નથી. પરંતુ ગૌરવ માટે તરફડીયાં મારનારને શી ફિકર? પ્રાચીન હસ્તપ્રત હોય કે ફોરવર્ડેડ ઇ-મેઇલ, જે હાથે ચડે તેનાથી ગૌરવની ચલમ ફૂંકવા બેસી જવાનું.

આ પ્રકારની માનસિકતાને કારણે સૌથી વઘુ અન્યાય ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, કણાદ મુનિ જેવા વિદ્વાનોને થાય છે. તેમના નક્કર પ્રદાનમાં ગૌરવઘેલાઓ પોતાના તરંગો પ્રમાણેની ભેળસેળ કરે છે અને મૂળ જ્ઞાનને શંકાના દાયરામાં લાવી મૂકે છે. એવી જ રીતે, બધી શોધો ભારતમાં થઇ હતી, એવું માનતા મુગ્ધો પણ ફિક્શન અને સાયન્સ ફિક્શન વચ્ચેનો સાદો ભેદ પારખી શકતા નથી. કોઇ ચીજની કલ્પના થવી, તેનું વિગતવાર, ઝીણવટભર્યું છતાં કાલ્પનિક વર્ણન થવું અને તેની વૈજ્ઞાનિક રચના-કાર્યપદ્ધતિ સમજાવવી એ બન્ને જુદી બાબતો છે. ‘રામાયણ’માં ‘પુષ્પક’ વિમાન આવે, પણ તે કેવી રીતે ઉડ્યું તેનો ખુલાસો ન હોય, જ્યારે જુલ્સ વર્નની વાર્તામાં આવતા વિમાન કે હેલિકોપ્ટર કે સબમરીનની આખી વૈજ્ઞાનિક રચના સમજાવેલી હોય.

જ્ઞાનના સાચા વારસદાર હોય તે ઊંડો અભ્યાસ કરીને, પ્રાચીન જ્ઞાનની આંટીધૂંટી ઉકેલીને, તાર્કિક-વૈજ્ઞાનિક ઢબે તેને વિશ્વ સમક્ષ મૂકી આપે અને જ્ઞાનને બદલે ‘ગૌરવ’માં અને તેની પ્રદૂષણકારી માનસિક અસરોમાં રસ ધરાવનારા?

એ ‘તેજોમય ભારત’ જેવાં પુસ્તકો લખે- વહેંચે. 

Monday, August 11, 2014

ધરમના નામે ઘ્વનિપ્રદૂષણ : શાંતિ ખતરેમેં

બોમ્બે હાઇકોર્ટે ગયા સપ્તાહે (૩૦ જુલાઇના રોજ) જાહેર હિતની અરજી પર એક ચુકાદો આપતાં કહ્યું કે આખા મુંબઇ અને નવી મુંબઇમાં પોલીસે ગેરકાયદે લાગેલાં લાઉડસ્પીકર દૂર કરવાં.

‘ગેરકાયદે’ લાઉડસ્પીકર મસ્જિદો પર હોઇ શકે, ગણેશોત્સવોમાં ગલીએ ગલીએ હોઇ શકે, નવરાત્રિમાં ઠેકઠેકાણે હોઇ શકે...લાઉડસ્પીકરનો કોઇ ધર્મ હોતો નથી- અથવા બીજી રીતે વિચારીએ તો તેનો એક જ ધર્મ હોય છે : ઘોંઘાટનું પ્રદૂષણ ફેલાવવાનો.

‘ઘોંઘાટનું પ્રદૂષણ’ એવા શબ્દપ્રયોગ સામે કોઇને - ખાસ કરીને ઘોંઘાટને ભક્તિ સાથે સાંકળતા ધાર્મિક લોકોને- વાંધો પડી શકે. ‘બહુ મોટા અંગ્રેજ ન જોયા હોય તો. તમને તો બધામાં પ્રદૂષણ જ દેખાય છે.’ એવો ઠપકો ખાવાની તૈયારી પણ રાખવી પડે. છતાં, લાઉડસ્પીકરથી પેદા થતું ઘ્વનિપ્રદૂષણ ભયંકર છતાં ટાળી શકાય એવું દૂષણ છે. બધા ઘોંઘાટ આ જાતના હોતા નથી.

જેમ કે, મુખ્ય રસ્તા પર રહેતા લોકોને ટ્રાફિકનો ઘોંઘાટ વેઠવો પડે છે. તેમાં (હોર્નના કર્કશ-ભડકામણા-અસભ્ય અવાજોને બાદ કરતાં) વાહનોનો અવાજ સહન કરવો પડે છે. તેનો કશો ઇલાજ નથી. રેલવેના પાટાની આસપાસ રહેતા લોકોએ એન્જિનનાં હોર્ન અને ગાડી-માલગાડીની ખટાખટથી ટેવાઇ જવું પડે છે. કારણ કે ઘ્વનિપ્રદૂષણ રોકવા ખાતર રેલવે કે વાહનો અટકાવી શકાતાં નથી.


ધર્મસ્થાનોના ઘોંઘાટની વાત જુદી છે. હમણાં જ રમજાન મહિનો પૂરો થયો. ખુદાની બંદગી અને તપશ્ચર્યાનો એ મહિનો ઘણી જગ્યાએ મસ્જિદની આસપાસ રહેનારાઓની આકરી કસોટી કરનારો બની રહે છે. રમઝાન વર્ષોથી આવે છે. મુસ્લિમો બંદગી અને તપ વર્ષોથી કરે છે. પણ સમયની સાથે તેમાં ઘોંઘાટનું તત્ત્વ વધતું જાય છે. એક સમય હતો, જ્યારે સામાન્ય સ્થિતિના લોકો પાસે ઘડિયાળ પણ ન હોય એવું બનતું. એ વખતે કદી પરોઢિયે રોજા શરૂ કરવા માટે ને સાંજે રોજા ખોલવા માટે મસ્જિદનાં લાઉડસ્પીકર પરથી બરાડા પાડવામાં આવતા ન હતા.

છેલ્લા થોડા સમયથી ઘણી જગ્યાએ એવો રિવાજ શરૂ થયો છે. સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ, જાણે માથે આભ તૂટી પડ્યું હોય એવી ચીસાચીસ સાથે કાઉન્ટડાઉન શરૂ થઇ જાય છે...પંદ્રહ મિનીટકી દેરી હૈ...દસ મિનીટકી દેરી હૈ...પાંચ મિનીટકી દેરી હૈ.. અને દરેક જાહેરાત પાછી ત્રણ-ત્રણ વાર થાય. એટલે સવારના પહોરમાં અચ્છીખાસી કાગારોળ મચી જાય. એ બિનમુસ્લિમોને તો શું, ધર્મઘેલા ન હોય એવા મુસ્લિમોને પણ ખટકતી હશે.

એવી જ રીતે, રમઝાન પૂરો થવાના થોડા દિવસ બાકી હોય એટલે પરોઢિયે જાતજાતનાં ભક્તિગીતોના રાગડા તાણવાનું શરૂ થઇ જાય. ઇસ્લામમાં ખુદાની બંદગી સિવાયનાં બીજાં ગીતો ગાવાનું લખ્યું હોય, એવું જાણમાં નથી. પણ અહીં તો મસ્જિદ પરથી તબિયતથી ઉત્સાહીઓ, માઇકમાં મોં ઘાલીને કે લગભગ માઇક ગળી ગયા હોય એવી રીતે ગાવા માંડે છે. સવારના પહોરમાં નીરવ શાંતિ હોય ત્યારે  આ ઘોંઘાટ મસ્જિદમાંથી થાય છે એટલે નહીં, પણ લાઉડસ્પીકર દ્વારા થાય છે એટલે, કાળો કેર વર્તાવનારો લાગે છે. આ ઉપરાંત શુક્રવારે દિવસે કે ગુરુવારે રાત્રે જાણે લડવા જવાનું હોય એવા જોસ્સાથી થતાં અને અકારણ ઉશ્કેરણીજનક લાગે એવા અંદાજમાં પ્રવચનો થતાં હોય. એનો ઘોંઘાટ સાંભળીને કોઇને પણ અસુખ થઇ શકે.

મસ્જિદ પર લાઉડસ્પીકર પણ એક નહીં, ચચ્ચાર હોય- જાણે ઘોંઘાટ મચાવીને જ ધર્મનો પેગામ પહોંચાડવાનો હોય. રમજાન સિવાયના દિવસોમાં પાંચ વાર અજાન પોકારાતી હોય. સામાન્ય સંજોગોમાં અને લાઉડસ્પીકરના ભૂંગળા વગર હોય તો બિનમુસ્લિમને પણ આકર્ષી શકે એવી અજાન લાઉડસ્પીકરને કારણે અકારી લાગવા માંડે છે. મસ્જિદ પરથી ઘોંઘાટ મચાવવાના મુદ્દાને પોતાનો ‘અધિકાર’ માનતા હોય, એવા લોકો એ ભૂલી જાય છે કે મુસ્લિમો પ્રત્યે કશો દુર્ભાવ ન હોય એવા લોકો, કેવળ લાઉડસ્પીકરની ઘાંટાઘાંટથી ત્રાસીને કે રોષે ભરાઇને પણ મુસ્લિમદ્વેષી બની શકે છે. સાંભળેલી એક વાત પ્રમાણે, મુંબઇના એક પ્રસિદ્ધ તંત્રી જે વિસ્તારમાં રહેતા હતા, ત્યાં પાંચ-છ મસ્જિદો પાસેપાસે હતી. તેમનાં લાઉડસ્પીકરમાંથી મચતા ભયાનક ઘોંઘાટે પણ એ તંત્રીને મુસ્લિમવિરોધી બનાવવામાં થોડીઘણી ભૂમિકા ભજવી હતી.

મસ્જિદના લાઉડસ્પીકરની ‘ફાયરિંગ રેન્જ’માં રહેતા લોકોને રમજાન મહિનામાં જેટલો ત્રાસ ઉપજે છે, તેનાથી વધારે ત્રાસ નવરાત્રીના નવ દિવસમાં વેઠવાનો આવે છે. ઘોંઘાટના વિરોધને ઉત્સવનો કે ધર્મનો વિરોધ ગણી લઇને લડવા આવી પડનારા માઇકશૂરાઓ સમજતા નથી કે એ તેમના ધર્મની કેટલી મોટી કુસેવા અને બદનામી કરી રહ્યા છે. ગણેશઉત્સવ વખતે ઠેકઠેકાણે સ્થપાતી ગણેશની મૂર્તિઓ પાસે રોજ સાંજે લાઉડસ્પીકરો ગણેશના નામે ઘોંઘાટ ઓકે છે. ભગવાનમાં શ્રદ્ધા હોય ને લાઉડસ્પીકરમાં ‘શ્રદ્ધા’ ન હોય એવા લોકો માટે આ સ્થિતિ ‘ન કહેવાય, ન સહેવાય’ જેવી બને છે.

તહેવારો અને વરઘોડા નિમિત્તે છેલ્લાં થોડાં વર્ષથી ઉમેરાયેલું ખતરનાક તત્ત્વ એટલે ડીજે. ટેમ્પો કે ખટારામાં ખડકાયેલાં આદમકદનાં સ્પીકરો સાથેનું ડીજે એટલે હરતુંફરતું અને મહત્તમ ઘ્વનિપ્રદૂષણ કરતું એકમ. લગ્નથી માંડીને ગણેશવિસર્જનના વરઘોડામાં  હોંશેહોંશે બોલાવાતું ડીજેનું તંત્ર ઘોંઘાટનો અસહ્ય આતંકવાદ ફેલાવે છે. કોઇ પણ ડીજે સીસ્ટમ એવી નહીં હોય કે જે ઘ્વનિપ્રદૂષણની નક્કી થયેલી માત્રા પાળે. કારણ કે તેમનું વજૂદ અને તેમની સાર્થકતા જ હદ બહારનો ઘોંઘાટ મચાવવામાં છે.

ડીજે સામે જાહેર હિતની અરજી કરવામાં આવે તો, બધાં ડીજે સાગમટાં બંધ થઇ જાય, એટલું ખતરનાક ઘ્વનિપ્રદૂષણ તે ફેલાવે છે. ઘરની નજીકથી ડીજેનો ખટારો પસાર થતો હોય ત્યારે બારીઓ ધણધણી ઊઠે અને ઘરની અંદર રહેલી ચીજવસ્તુઓ ઘુ્રજવા માંડે એટલો પ્રચંડ અને રાક્ષસી તેનો અવાજ હોય છે. પરંતુ સામાજિક પ્રસંગ હોય કે ધાર્મિક ઉત્સવ, છાકટા થઇને નાચવા માટે તલપાપડ લોકોને બીજાને પડતી અગવડ ક્યાંથી દેખાય?

પોલીસ ચોક્કસપણે ઘ્વનિપ્રદૂષણ ફેલાવવા બદલ ડીજે સામે પગલાં લઇ શકે- કમ સે કમ, તેમને અવાજ ઓછો કરવાની ફરજ તો પાડી જ શકે- પણ ઘોંઘાટને ધાર્મિક લાગણી અને ઉમંગનો પર્યાય બનાવી દેવાયો હોય, ત્યારે એ જ સમાજમાંથી આવતા પોલીસકર્મીઓને ઘોંઘાટમાં કશું અજૂગતું લાગતું નથી. જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા નહીં, એવી સૂચના હોવા છતાં, રસ્તાની એક બાજુનો ટ્રાફિક રોકીને લોકો બિનધાસ્ત ફટાકડા ફોડતા હોય - અને પોલીસ કંઇ ન કરે- તો ઘોંઘાટ અટકાવવાનું પોલીસને ક્યાંથી સૂઝે?

શાંતિ માટે પણ જેમને ઘોંઘાટ જોઇતો હોય, એવા લોકોની શી વાત કરવી? મોર્નિંગ વૉક માટે બગીચામાં જતા કેટલાક ઉત્સાહીઓને ત્યાંની કુદરતી શાંતિને બદલે ‘કૃત્રિમ શાંતિ’ના ધખારા જાગે, એટલે તે લાઉડસ્પીકર પરથી ઘૂનો ને પ્રાર્થનાઓ વગાડાવે છે. તેમાં ખરેખરી પ્રાકૃતિક શાંતિના પ્રેમીઓની શાંતિ હરામ થઇ જાય છે- અને પાછી પ્રાર્થના વાગતી હોય એટલે બંધ કરવાનું કહેવા જતાં, ‘ધાર્મિક લાગણી’ દુભાવાની બીક રહે.

અદાલતો ધર્મસ્થાનો પરનાં ભૂંગળાં અને તેનાથી થતા ઘોંઘાટની વિરુદ્ધમાં ચુકાદા આપે છે, પણ તેના પાલનનું કામ સ્થાનિક વહીવટી તંત્રે કરવાનું હોય છે. મતના રાજકારણમાં લોકોની લાઉડસ્પીકર-લાગણી દુભાવવાનું જોખમ વહીવટી તંત્ર ભાગ્યે જ લે છે. મસ્જિદ હોય કે મંદિર કે પછી ધાર્મિક કે સામાજિક ઉત્સવ, બીજા લોકોને ત્રાસ પહોંચે એ રીતે થતો માઇકનો ઉપયોગ સદંતર ગેરકાયદે હોય છે. રાતથી પરોઢ સુધી તો ધીમા અવાજે પણ માઇકનો ઉપયોગ કરી શકાય નહીં કે ઢોલનગારાં વગાડી શકાય નહીં.

આ દૂષણનો ઉકેલ સરકારના હાથમાં સોંપવાથી ભ્રષ્ટાચારનું વઘુ એક ઠેકાણું ઊભી થાય એવી પૂરી સંભાવના છે. એના બદલે, સંબંધિત ધર્મના નાગરિકો પોતે નક્કી કરે કે તેમને પોતાનો ધર્મ વહાલો છે કે લાઉડસ્પીકર? અને લાઉડસ્પીકરના ઘોંઘાટને કારણે ધર્મની બદનામી થાય, બેદિલી ઊભી થાય એ તેમને મંજૂર છે?

જેમને એવી ખાતરી હોય કે અમારો ધર્મ લાઉડસ્પીકર વિના પણ ટકી શકે એટલો મજબૂત છે, એવા ધર્મગુરુઓ અને નાગરિકો ધર્મસ્થાનો પરથી માઇક દૂર કરવાનો જાહેર કાર્યક્રમ યોજી શકે. તેનાથી ફેલાતી સદ્‌ભાવના રાજકીય સદ્‌ભાવનાઓ જેવી પોલી કે મતલબી નહીં, એકદમ નક્કર હશે. 

Friday, August 08, 2014

ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળનું ‘પરાક્રમ’

‘વિદ્યાર્થી જો સારાં પુસ્તકો વાંચે, સત્સંગ કરે અને સાથે જ પ્રિય દેવી-દેવતાનાં સ્વરૂપને મનમાં બેસાડીને તેના દર્શનનો અભ્યાસ કરે, હનુમાનચાલીસા કરે અને દુર્ગાસ્ત્રોતોનું વાંચન કરે, તો ચોક્કસ તે ખરાબ વિચારોના સ્થાને શક્તિશાળી વિચારોનો સ્વામી બની જશે અને પછી તે ઇચ્છે તે મેળવી શકે છે.’

ઉપરની સોનેરી સલાહ કોણે આપી હશે? અગડમ્‌બગડમ્‌ કરીને અઘ્યાત્મનો ધંધો ચલાવતા કોઇ બાવાએ? ‘આપણને અઘ્યાત્મનો બહુ શોખ’ - એવો વહેમ ધરાવતા કોઇ કહેવાતા શિક્ષક-શિક્ષિકાએ? કે સામેવાળાની અસલામત મનોદશાને કારણે, પોતાનું ગપ્પાંષ્ટક ચાલી જશે, એવી ખાતરી ધરાવતા કોઇ ચલતા પુર્જાએ?

આ ત્રણે વર્ગની ક્ષમા સાથે કહેવું પડે કે આ વિધાન દીનાનાથ બત્રાનું છે.

‘પણ એ કોણ છે? અને એમની સાથે આપણે શી લેવાદેવા?’ એ સવાલનો ટૂંકો અને આપણને લાગુ પડતો જવાબ છે : ગુજરાતના શાળા પાઠ્યપુસ્તકમંડળે નવા શૈક્ષણિક વર્ષમાં બત્રાનાં સાત પુસ્તકો સહિત કુલ નવ પુસ્તકો ગુજરાતની હજારો સરકારી શાળાઓના લાખો વિદ્યાર્થીઓને માથે માર્યાં છે.

આ પુસ્તકોને ‘પૂરક વાચન’ તરીકે મૂકવામાં આવ્યાં છે- એટલે કે તેની પરીક્ષા નહીં લેવાય- પરંતુ મંડળના બે હોદ્દેદારોની સહી ધરાવતા એક પત્રમાં જણાવાયું છે તેમ, ‘આ પુસ્તકો આગામી સત્ર જૂન-૨૦૧૪થી રાજ્યની તમામ પ્રાથમિક સરકારી શાળાઓ, માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક સરકારી શાળાઓમાં તથા જિલ્લાના જાહેર વાચનાલયોમાં (લાઇબ્રેરી વાંચન) માટે મંડળના સ્વ-ભંડોળમાંથી વિના મૂલ્યે વિતરણ કરાશે...મંડળનાં આ નવાં પ્રકાશનો રાજ્યના શિક્ષણ સાથે સંકળાયેલા સૌના હાથમાં પહોંચે અને વઘુ ને વઘુ વંચાય તે માટે શાળા પાઠ્યપુસ્તક મંડળે પૂરતા પ્રયત્નો હાથ ધરેલ છે.’ (તા.૩૦ જૂન, ૨૦૧૪)

બત્રાનાં પુસ્તકોનો હિંદીમાંથી ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે. તેની સામગ્રીની વાત પછી. પહેલાં તો અનુવાદ અત્યંત રેઢિયાળ, વાંચી ન શકાય એવો અને ક્લિષ્ટ છે. તેના અડસટ્ટે મળી આવેલા કેટલાક નમૂના. (નોંધ : ભૂલો એમની એમ જ રાખી છે)

- માથા પર ચંદ્રમાની શીતળતા અને એમાં પ્રવાહિત દેવ નહિ, ગંગાનો કલોલ, ગળામાં સાપની માળા પહેરી અભયસ્વરૂપ, ત્રિશૂળધારી, ચામડાના આસાન પર બિરાજમાન શિવ હંમેશાં બધાની ચિંતા કરી, તેનાં કષ્ટોનું નિવારણ કરી સુખ વહેંચે છે. (‘શિક્ષણમાં ત્રિવેણી’, પૃ.૧૧)

- સામાજિક ચેતના માટે ભાવ પરિષ્કારમાં વૃદ્ધિનો પ્રયત્ન વર્ગ-રૂમ તથા બહાર, દ્રશ્ય-શ્રાવ્ય સાધનોથી અને સહપાઠ ક્રિયાકલાપોથી કરવો જોઇએ. (‘શિક્ષણમાં ત્રિવેણી’, પૃ.૧૯)

- તણાવ વગરના વિશ્રામ માટે કામોત્સર્ગ કરીને યોગનિદ્રામાં જવું એ જ તેની એકમાત્ર રીત છે. કામોત્સર્ગમાં પોતાના સુઝાવથી શરીરને શિથિલ કરીને જે સુઝાવ ચેતનાની ગહેરાઇમાં પહોંચાડી જાય છે, તેનાથી તણાવ દૂર અને ઊર્જાની ક્ષતિપૂર્તિ થઇ જાય છે. (‘શિક્ષણમાં ત્રિવેણી’, પૃ.૨૩)

- મૂલ્યસર્જન જીવવાના સંપૂર્ણ વ્યક્તિત્વમાં વ્યાપ્ત કરવાથી સંભવે છે. શરીર, પ્રાણ, મન, બુદ્ધિ, આત્માના પોષણથી સર્વાંગી વિકાસ થઇ શકે છે. એટલે મૂલ્ય સૃષ્ટિમાં સૌને લક્ષિત કરવા આવશ્યક છે. (‘શિક્ષણનું ભારતીયકરણ’, પૃ.૧૬)

- આચાર્યનો દૃષ્ટિકોણ- સતત કાર્ય, દીર્ધ દૃષ્ટિ, સાધનામય ભાવ તથા સ્નેહભરેલા હાથોથી બાળકની એવી મૂર્તિ નિર્મિત કરે છે જેને દેવપત્ર તરીકે ઓળખાવી શકાય. (‘શિક્ષણનું ભારતીયકરણ’, પૃ.૩૯)

‘શિક્ષણમાં ત્રિવેણી’ પુસ્તકના પાછલા પૂંઠા પર મોટા અક્ષરમાં અવતરણ છે : ‘સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌ની ત્રિવેણીમાં સ્થાન કરાવવું જ શિક્ષણનું પરમ લક્ષ્ય છે.’ દેખીતું છે કે ત્રિવેણીમાં ‘સ્થાન’ નહીં, ‘સ્નાન’  જ કરવાનું હશે. પુસ્તકોની અંદરની સામગ્રીમાં પ્રૂફની ભૂલોનો ભંડાર છે. કદાચ તેનું પ્રતિનિધિત્વ કરવા માટે જ પાછલા પૂંઠા જેવી મહત્ત્વની જગ્યા પર આવું ગાબડું રહ્યું હશે.

એવું જણાય છે કે પાઠ્યપુસ્તક મંડળે બત્રાનાં સાત અને બીજાં બે પુસ્તકો શિક્ષણક્ષેત્રે સંકળાયેલા લોકોને પ્રતિભાવ માટે મોકલ્યાં હતાં. એ લોકોમાંથી કોઇએ પુસ્તકોમાં રહેલાં અનેક ગાબડાં વિશે ઘ્યાન દોર્યું હશે કે નહીં, એ જાણવા મળતું નથી.

બત્રાનાં ત્રણ પુસ્તકોમાં વિદ્યાર્થીઓ માટેની સામગ્રી સાવ થોડી છે. મોટે ભાગે શિક્ષકોએ અને શાળાઓએ કેવી રીતે કામ કરવું જોઇએ, તેની શિખામણોનો ભંડાર છે. આ હકીકત પુસ્તકોની પ્રસ્તાવનામાં પાઠ્યપુસ્તક મંડળના હોદ્દેદારોએ પણ લખી છે. જેમ કે,

‘શિક્ષણમાં ત્રિવેણી’...પ્રાથમિક શાળાથી ઉચ્ચતર માઘ્યમિક વિદ્યાલયોમાં કાર્ય કરનારા બધા ભાઇઓ માટે ઉપયોગી સિદ્ધ થઇ શકે.’ (મુખ્ય મંત્રી ભલે મહિલા સશક્તિકરણની વાત કરે, પાઠ્યપુસ્તક મંડળના હોદ્દેદારોને ફક્ત ભાઇઓ જ દેખાય છે)

‘શિક્ષણનું ભારતીયકરણમાં ભારતીય શિક્ષણની, શિક્ષક તથા શિક્ષણસંસ્થાઓ તરફથી જે અપેક્ષા છે, તેને આ પુસ્તકમાં સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.’સઆવાં પુસ્તકો વિદ્યાર્થીઓના ‘પૂરક વાચન’ના સેટમાં મૂકવાથી વિદ્યાર્થીઓનું શું કલ્યાણ થવાનું? અને બીજા કોનું કોનું ‘કલ્યાણ’ થયું હશે?

બત્રાનું સ્વપ્ન

બત્રા કઇ મૂર્તિ છે તેનો ખ્યાલ લેખના આરંભે ટાંકેલા અવતરણથી આવી શકે છે. એ બત્રાના પુસ્તક ‘શિક્ષણમાં ત્રિવેણી’માંથી (પ્રકરણ ૧૨, પૃષ્ઠ ૨૩) લેવામાં આવ્યું છે. આ પુસ્તકની આગળ છપાયેલા ‘સંદેશ’માં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ બત્રાને ‘શિક્ષણજગત ક્ષેત્રે આઘુનિક મનીષિઓમાં અગ્રણી’ તરીકે ઓળખાવ્યા છે.

શું છે આ ‘આઘુનિક મનીષિ’નું સ્વપ્ન?

તેમનાં બે પુસ્તકોમાં ‘મિશન સ્ટેટમેન્ટ’ તરીકે મુકાયેલી ત્રણમાંની એક ‘કવિતા’ની પહેલી બે પંક્તિ છે : ‘મૈંને સ્વપ્ન લિયા હૈ, વિદ્યાલય કે નિર્માણ કા / હિન્દુત્વકી નીંવ પર, દેશભક્તિ કે આધાર પર.’  બત્રા લખે છે, ‘મૂલ્યોની ભવ્ય ત્રિગુણાત્મક મૂર્તિ- એક શબ્દમાં જે હિંદુ રાષ્ટ્રપિતા છે, તે રાષ્ટ્રમંદિરના નિર્માણ માટે આધાર બને છે.’ (શિક્ષણમાં ત્રિવેણી, પૃ.૮)

તત્કાલીન મુખ્ય મંત્રી મોદીનો સંદેશ ધરાવતા બત્રાના અન્ય પુસ્તક ‘વિદ્યાલય : પ્રવૃત્તિઓનું ઘર’માં બત્રા લખે છે,‘મેકોલે, માર્ક્‌સ તથા મદરસા પુત્રોએ રાષ્ટ્રની હદને મર્યાદિત કરવાનો ખૂબ પ્રયાસ કર્યો. નિશ્ચિત આ અપરાધ ક્ષમા કરવા યોગ્ય નથી.’ (પૃ.૧૭) એ જ પુસ્તકના ૧૮મા પ્રકરણના અંતે સુવાક્યની જેમ મુકાયેલું એક વિધાન છે : ‘ભય વિના વિદ્યા વિષ સમાન છે- અજ્ઞાત’

દેખીતું છે કે બત્રાના શિક્ષણવિચારમાં હિંદુ સિવાયના બીજા ધર્મના લોકો માટે કોઇ સ્થાન નથી - અને હોય તો એ આ પુસ્તકોમાં દેખાતું નથી. દુર્ગાદાસ રાઠોડે પોતાની પાસે રહેલી ઔરંગઝેબની પુત્રીને કુરાન શીખવવાની વ્યવસ્થા ગોઠવી હતી, એ બદલ દુર્ગાદાસની- અને ભારતીય સંસ્કૃતિની- પ્રશંસા બત્રા કરે છે, પરંતુ આઘુનિક યુગમાં અને અનેક ધર્મીઓની વસ્તી ધરાવતા ભારતમાં હિંદુ સિવાયના લોકોને તેમના ધર્મનું શિક્ષણ આપવાનું બત્રાને સૂઝતું નથી. કારણ કે તેમને તો વિદ્યાલયનું નિર્માણ ‘હિન્દુત્વકી નીંવ પર’ કરવું છે.

વક્રતા એ છે કે સ્વદેશીની માળા જપતા બત્રાને પોતાની સગવડે અંગ્રેજી અવતરણો ટાંકવાનો છોછ નથી, બલ્કે શોખ હોય એવું લાગે છે. તેમાંથી ક્યારેક એવી હાસ્યાસ્પદ સ્થિતિ પેદા થાય છે કે ઉપર ‘દેશકી સબલતા’ નામનું કવિતાભાસી ગદ્ય હોય અને એની નીચે અવતરણ હર્બટ સ્પેન્સરનું આવી પડે. (‘વિદ્યાલય : પ્રવૃત્તિઓનું ઘર)

બત્રાને જે લખવું હોય તે લખે, પણ તેને ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના માથે મારવાનો નિર્ણય ગુજરાત રાજ્યના શાળા પાઠ્યપુસ્તકમંડળનો છે. માટે, તેની સાથે સંકળાયેલા ગોટાળા અને અધકચરી સામગ્રીની જવાબદારી પણ મંડળે સ્વીકારવી રહી અને તેનો ઇલાજ પણ કરવો રહ્યો.

ગૌરવગ્રસ્ત જ્ઞાન

‘પૂરક વાચન’ માટે પસંદ કરાયેલું ‘તેજોમય ભારત’ બત્રાનું નથી. તે પ્રાચીન સંસ્કૃતિના કાલાંઘેલાં અને અધકચરી માહિતીના ગૌરવથી દૂષિત દિમાગોની પેદાશ જેવું છે. પહેલી વાર તે વર્ષ ૨૦૦૮માં પાઠ્યપુસ્તક મંડળના ઉપક્રમે પ્રકાશિત થયું હતું. આ તેની સંવર્ધિત આવૃત્તિ છે. તેમાં સત્ય, અર્ધસત્ય અને જૂઠાણાંનું ખતરનાક મિશ્રણ છે, જે કુમળા માનસને પહેલેથી જ પ્રદૂષિત કરીને ચોક્કસ દિશામાં વાળવા માટે તૈયાર કરાયું છે.

જેમ કે, આ પુસ્તકના સંપાદકો આપણાં બાળકોને એવું શીખવવા માગે છે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, તિબેટ, બ્રહ્મદેશ અને શ્રીલંકા પણ અખંડ ભારતના જ ભાગ છે  અને ‘રાષ્ટ્રના પ્રત્યેક પુત્રમાં અખંડ ભારતના સ્વપ્નનું બીજારોપણ કરવું જોઇએ...’

જ્યાં નારીની પૂજા થાય, ત્યાં દેવતાઓનો વાસ હોય છે, એવી કવિતાઓ કરનારા લોકોને આવી વખતે ફક્ત પુત્રો જ યાદ આવે છે, એ નોંધવા જેવું છે.

Tuesday, August 05, 2014

ભારત-ચીન યુદ્ધ વિશેનો ‘ટૉપ સીક્રેટ’ હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ - (૨) અને (૩)


ચીન સાથેના યુદ્ધમાં ભારતનો ધબડકો આઝાદ ભારતનાં સૌથી દુઃખદ પ્રકરણોમાંનું એક છે. તેના માટે તત્કાલીન વડાપ્રધાન પંડિત નેહરુની ગાફેલિયત ઉપરાંત ‘ફોરવર્ડ પૉલિસી’નો અવિચારી અમલ કારણભૂત હતો. ‘ફોરવર્ડ પૉલિસી’ એટલે કોઇનો કબજો ન હોય એવા સરહદી વિસ્તારોમાં આગળ સુધી ચોકીઓ સ્થાપવાની આક્રમક નીતિ, જે લેહ-લદ્દાખ (કાશ્મીર) સરહદે ચીનની ધૂસણખોરીના અને તેની લશ્કરી જમાવટના જવાબ તરીકે અપનાવવામાં આવી હતી.

નેતાઓ અને ફૌજી અફસરો વચ્ચે થયેલી બેઠકમાં પૂરતી લશ્કરી સજ્જતા પછી આ નીતિ અપનાવવાનું ઠરાવાયું હતું. પરંતુ આર્મી હેડક્વાર્ટરે સૈન્યબળ વધારવાની દરકાર લીધી નહીં. વેસ્ટર્ન કમાન્ડની ચેતવણીઓ ધરાર અવગણવામાં આવી. ‘ચીન વળતો હુમલો નહીં કરી’ એવા ઇન્ટેલિજન્સ બ્યુરોે અને બીજા કેટલાક અફસરોના ખોટા અનુમાનના આધારે ભારતીય જવાનોને આગળ ધકેલવામાં આવ્યા. પરિણામસ્વરૂપે ભારતને કારમી હાર, જાનહાનિ, નામોશી અને પ્રદેશની ખોટ વેઠવાનાં આવ્યાં.

આ ધબડકાની લશ્કરી રાહે તપાસ કરનાર લેફ્‌ટનન્ટ જનરલ હેન્ડરસન બ્રુક્સે ૧૯૬૩માં અહેવાલ સુપ્રત કર્યો, જે સરકારી રાહે હજુ ‘ટૉપ સીક્રેટ’ છે. પરંતુ ઑસ્ટ્રેલિયન પત્રકાર નેવિલ મેક્સવેલે / Neville Maxwellઅહેવાલના પહેલા ભાગનાં ૧૨૬ પાનાં પોતાની વેબસાઇટ પર ખુલ્લાં મૂકી દીધાં. તેના આધારે ગયા સપ્તાહે લેહ-લદ્દાખ (કાશ્મીર) મોરચાની સ્થિતિનો અંદાજ આપવામાં આવ્યો હતો. પરંતુ આ યુદ્ધમાં ભારત માટે કરુણતાનો પર્યાય બની રહેલા નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી (નેફા- હાલના અરુણાચલ પ્રદેશ)માં ત્યારે કેવી સ્થિતિ હતી? હેન્ડરસન બ્રુક્સ અહેવાલ/ Henderson Brooks Reportમાંથી મળતો તેનો ખુલાસાવાર જવાબ.
***

  • (સૈન્ય માટે ઉંઘતા ઝડપાવાની કોઇ જગ્યા ન હતી, એ સૂચવતા ઘણા દસ્તાવેજ હેન્ડરસન બૂ્રક્સ રીપોર્ટમાં નોંધાયા છે. તેમાંનો એક) જાન્યુઆરી ૨૯, ૧૯૬૦ના રોજ આર્મી હેડક્વાર્ટર્સે ઇસ્ટર્ન કમાન્ડ માટે ‘ઑપરેશન ઇન્સ્ટ્રક્શન નં.૨૫’ જારી કરી, જેનો આશય ‘નેફા’ના અસરકારક સંરક્ષણ માટેનો હતો. (પૃ.૩૭) 
  • ‘ઑપરેશન ઇન્સ્ટ્રક્શન નં.૨૫’ની અસરકારકતા ચકાસવા માટે એપ્રિલ, ૧૯૬૦માં લખનૌમાં ‘લાલ કિલ્લા’ના સાંકેતિક નામે ઓળખાતી લશ્કરી કવાયત યોજવામાં આવી. તેમાં સ્પષ્ટ થયું કે ‘નેફા’માં હાલ ઇન્ફન્ટ્રી (પાયદળ)ની ત્રણ બ્રિગેડ છે, એના બદલે  ખરેખર ચાર બ્રિગેડની બનેલી એક ડિવિઝનની જરૂર પડશે. ઇસ્ટર્ન કમાન્ડે વધારાની એક બ્રિગેડની માગણી કરી, પણ એ ન મળે ત્યાં સુધી, પ્રસંગ પડ્યે નાગાલેન્ડમાં તૈનાત બ્રિગેડ ખપમાં લેવાનું ઠરાવ્યું...પણ હકીકતમાં થયું ઉલટું. વધારાની એક બ્રિગેડ તો ઇસ્ટર્ન કમાન્ડને કદી ફાળવાઇ જ નહીં, પણ ત્યાં રહેલી ત્રણમાંથી એક બ્રિગેડને નાગાલેન્ડ મોકલી આપવામાં આવી, જે યુદ્ધના આરંભ સુધી ત્યાં જ હતી. (પૃ.૩૯)
  • ૧૯૫૯-૬૦માં પ્રગટ થયેલા ઇન્ટેલીજન્સ રીવ્યુમાં ‘નેફા’ સરહદે ચીનની વધતી તાકાતનો બરાબર અંદાજ માંડવામાં આવ્યો હતો. આ રીવ્યુ પ્રકાશિત થયા પછીના અરસામાં ચીફ ઑફ જનરલ સ્ટાફ, તેમના ડેપ્યુટી અને સ્ટાફના ત્રણ ડાયરેક્ટર બદલાઇ ગયા. નવા આવેલા હોદ્દેદારોએ રીવ્યુના આધારે પરિસ્થિતિનું નવેસરથી આકલન કરવું જરૂરી હતું. પણ એ થયું નહીં. (પૃ.૩૯-૪૦)
  •  જુલાઇ, ૧૯૬૧માં ઇસ્ટર્ન કમાન્ડે ‘ઓપરેશન ઇન્સ્ટ્રક્શન’માં ફેરફારો કરીને આર્મી હેડક્વાર્ટરને મોકલી આપ્યા, જેમાં ચીન તરફથી વધેલા ખતરાન લક્ષ્યમાં લેવામાં આવ્યો હતો. પરંતુ આર્મી હેડક્વાર્ટર તરફથી કોઇ જવાબ ન મળ્યો. તેનો અર્થ એ હતો કે જૂની સૂચનાઓને જ આખરી ગણવાની હતી.  (પૃ.૪૦)
  • દિલ્હીમાં રહેલા ફૌજી અફસરો કઇ હદે અંધારામાં હતા તેનો નમૂનો : છેક ઑગસ્ટ, ૧૯૬૨માં ડાયરેક્ટર ઑફ મિલિટરી ઑપરેશન્સે જાહેર કર્યું હતું કે ‘ચીનાઓ કોઇ સંજોગોમાં (ફૉરવર્ડ પૉલિસીની) પ્રતિક્રિયા નહીં આપે અને એ લડવાની સ્થિતિમાં જ નથી.’ વાસ્તવમાં ‘નેફા’ સરહદે મોટું સૈન્ય ખડકી શકાય એવી માળખાકીય સુવિધાઓ ચીન ઉભી કરી ચૂક્યું હતું. (પૃ.૪૦)
  • પ ડિસેમ્બર, ૧૯૬૧ના રોજ ચીફ ઑફ આર્મી સ્ટાફ તરફથી વાસ્તવિકતાને અવગણતી અને ધબડકા ભણી ધકેલતી કેટલીક સૂચનાઓ જારી કરવામાં આવી. જેમ કે, ‘ઉત્તર પ્રદેશ અને ઉત્તરી સીમાઓ પર લદ્દાખ જેવી તકલીફ નથી. એટલે આપણે સરહદ પર શક્ય એટલા આગળ વધવું જોઇએ અને આખી સરહદ પર અસરકારક કબજો મેળવવો જોઇએ. વચ્ચે રહેલાં ગાબડાં એ વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને કે ચોકીઓ ઊભી કરીને પૂરવાં જોઇએ. (પૃ.૪૪)
  • નેફામાં ભારત-ચીન વચ્ચેની લડાઇની શરૂઆત ૮ સપ્ટેમ્બર, ૧૯૬૨ના રોજ ધોલા પોસ્ટથી થઇ. ૬૦૦ જેટલા ચીની સૈનિકોએ ધોલા પોસ્ટને ઘેરી લીધી. ત્યાં સુધી ભારતના પક્ષે એવી જ ગણતરી હતી કે ‘ફોરવર્ડ પૉલિસી’ને કારણે ફક્ત લદ્દાખના મોરચે જ મર્યાદિત સંઘર્ષ થશે. ચીન લદ્દાખની સાથે નેફાનો મોરચો પણ સાંકળી લેશે, એવી સાદી ગણતરી માંડવામાં લશ્કરી ઉચ્ચ અધિકારીઓ કાચા પડ્યા. (પૃ.૫૩)
  • ‘નેફા’માં ભારત અને ચીન વચ્ચેની સરહદ ‘મેકમોહન રેખા’ વડે અંકાઇ હતી. પરંતુ ભારતના નકશાઓમાં થોડી ગરબડ હતી. ભારત-ભુતાન-તિબેટ વચ્ચેનો ત્રિભેટો (ટ્રાઇ-જંક્શન) ખોટી જગ્યાએ આંકવામાં આવ્યો હતો. ભારત-ચીનના સીધા સંઘર્ષની જ્યાં શરૂઆત થઇ, તે ધોલા પોસ્ટનું સ્થાન પણ નકશામાં અને જમીન પર જુદું જુદું હતું. નકશામાં તે મેકમોહન રેખાની દક્ષિણે (ભારતની હદમાં) અને અસલમાં તે મેકમોહન રેખાની ઉત્તરે (ચીનની હદમાં) હતી. નકશામાં મેકમોહન રેખાને લગતા ગોટાળા અંગે ભારત-ચીન વચ્ચે વિવાદ થઇ ચૂક્યો હતો. આર્મી હેડક્વાર્ટરને તેની જાણ હશે, પણ નીચલા સ્તરે એ વાત પહોંચી ન હતી. એટલે (મેકમોહન રેખાથી ઉત્તરે, ચીનની હદમાં) ધોલા પોસ્ટ સ્થાપવાની ગંભીરતાથી ભારતીય સૈનિકો પૂરેપૂરા વાકેફ ન હતા. (પૃ.૫૩-૫૪)

  • ૯ સપ્ટેમ્બર, ૧૯૬૨ના રોજ ઇસ્ટર્ન કમાન્ડે ૩૩મી કોર્પ્સને ધોલા પહોંચીને મક્કમ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. તવાંગ સાચવી રહેલી લશ્કરી ટુકડીઓને પણ ધોલા પહોંચવાના હુકમ અપાયા. હકીકતમાં ધોલાની ભૌગોલિક સ્થિતિ, ત્યાં પહોંચવામાં લાગતો સમય અને ત્યાં ચીનની તૈયારી જેવી પાયાની બાબતો વિશે ઇસ્ટર્ન કમાન્ડને કશો અંદાજ ન હતો. એવી જ રીતે, ધોલા પહોંચીને કરવાની કાર્યવાહી અંગે કશી વ્યૂહરચના ઘડવામાં આવી ન હતી. આ રીતનું આંધળુકિયું અને તવાંગને રેઢું મૂકી દેવાના નિર્ણય માટે ઇસ્ટર્ન કમાન્ડે જવાબદારીનો ટોપલો ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ પર ઢોળ્યો. તેમણે ફોનથી આવી સૂચના આપી હોવાનું ઇસ્ટર્ન કમાન્ડના જનરલ ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે કહ્યું. (પૃ.૫૭-૫૮)
  • ૩૩મી કોર્પ્સ આ પગલાં વિશે ઇસ્ટર્ન કમાન્ડને સતત ચેતવી રહી હતી...૪ ઓક્ટોબર, ૧૯૬૨ સુધી ઇસ્ટર્ન કમાન્ડ અને ૩૩મી કોર્પ્સ વચ્ચે રસ્સીખેંચ ચાલતી રહી. ઇસ્ટર્ન કમાન્ડ પર આર્મી હેડક્વાર્ટર્સનું દબાણ હતું. પણ તેમને અપાતા આદેશ ટેલીફોનિક હતા અને તેની કશી નોંધ રાખવામાં આવી નથી. એવી જ રીતે, ઇસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફને વચ્ચે વચ્ચે દિલ્હી બોલાવીને આર્મી હેડક્વાર્ટર્સ અને સંરક્ષણ મંત્રાલયમાં તેમની સાથે મિટિંગ થતી હતી. તેની કાર્યવાહી-નોંધો (મિનિટ્‌સ) પણ રખાઇ નહીં...વિચિત્ર બાબત એ છે કે આ (યુદ્ધના) સમયગાળામાં આર્મી હેડક્વાર્ટર્સ તરફથી ઑપરેશન ઇન્સ્ટ્રક્શનના નામે એક પણ વાર સ્પષ્ટ સૂચના જારી કરવામાં આવી નહીં. ચીનની સંભવિત પ્રતિક્રિયા અંગે નવેસરથી કોઇ આકલન કરવામાં ન આવ્યું. ઉલટું, એવી છાપ જ ફેલાવવામાં આવી કે ચીન તરફથી કોઇ મોટી પ્રતિક્રિયા નહીં આવે. (પૃ.૫૮)
  • વડાપ્રધાન નેહરુના ખાસમખાસ એવા સંરક્ષણમંત્રીની હાજરીમાં થતી (ચીન સામેની કાર્યવાહીને લગતી) બેઠકોમાં કાર્યવાહીની નોંધ રાખવામાં આવતી ન હતી. દેખીતું કારણ તેની ગુપ્તતાનું અપાતું હશે, પણ આ નિર્ણયનાં ગંભીર પરિણામ આવી શકે અને આવ્યાં પણ ખરાં. (નોંધોના અભાવે) છેવટના વિશ્લેષણમાં ભૂલભરેલા નિર્ણયોની જવાબદારી કોઇના માથે આવતી ન હતી. (પૃ.૬૧)
  • ૪ ઓક્ટોબરના રોજ ૩૩મી કોર્પ્સ પાસેથી ‘નેફા’ની જવાબદારી લઇ લેવામાં આવી અને એ કામ સંભાળવા માટે ચોથી કોર્પ્સ ઊભી કરવામાં આવી. તેના કમાન્ડર તરીકે વડાપ્રધાન નેહરુના માનીતા લેફ્‌ટનન્ટ જનરલ બી.એમ.કૌલને નીમવામાં આવ્યા. ત્યાં લગી ૩૩મી કોર્પ્સ અને ઇસ્ટર્ન કમાન્ડ વચ્ચે સતત ખેંચતાણ ચાલતી હતી. કારણ કે ૩૩મી કોર્પ્સ જમીની વાસ્તવિકતા સાથે પનારો પાડીને ઇસ્ટર્ન કમાન્ડના હોંશીલા હુકમો સામે વાંધાવચકા રજૂ કરતી હતી. (પૃ.૬૫)
યુદ્ધના પ્રાથમિક નિયમોની ઘોર અવગણના

સંરક્ષણમંત્રી કૃષ્ણમેનન સાથે નેહરુ / KrishnaMenon, Nehru

૧૯૬૨ના મુખ્ય જવાબદારોમાંના એક તરીકે પંડિત નેહરુના માનીતા સંરક્ષણમંત્રી કૃષ્ણમેનન ઉપરાંત માનીતા કાશ્મીરી અફસર લેફ્‌ટ.જનરલ બી.એમ.કૌલ ઘણા વગોવાયા. કૌલે પોતાની સફાઇ પેશ કરતું પુસ્તક ‘ધ અનટોલ્ડ સ્ટોરી’ (૧૯૬૭) લખ્યું હતું. પરંતુ ‘હેન્ડરસન બ્રૂક્સ રીપોર્ટ’ જે જૂજ અફસરો વિશે નામ પાડીને ટીકા કરવામાં આવી છે, તેમાં મુખ્ય નામ કૌલનું છે. તેમના વિશે ‘ટૉપ સીક્રેટ’ રીપોર્ટની કેટલીક ટીપ્પણી :

  • યુદ્ધની પરિસ્થિતિ લક્ષ્યમાં રાખીને વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું નહીં. ચીફ ઑફ જનરલ સ્ટાફ, તેમના ડેપ્યુટી, ડીએમઓ, ડીએમઆઇ અને બીજા સ્ટાફ ડાયરેક્ટર્સની આ ચૂક અક્ષમ્ય છે. તેમાંથી તૈયારીના અને સંતુલનના અભાવની સ્થિતિ પેદા થઇ. આ હોદ્દા ચાવીરૂપ ગણાય છે અને તેના માટે જનરલ કૌલે ચુનંદા હોદ્દેદાર પસંદ કર્યા હતા. માટે, તેમની વચ્ચે આંતરિક સંઘર્ષનો પણ સવાલ ન હતો...મોરચા પર થયેલી  ભૂલોની સરખામણીમાં, દિલ્હીમાં બેઠેલા અને યુદ્ધના બોજ-તનાવથી મુક્ત એવા કમાન્ડરોએ કરેલી ભૂલો વધારે ભયંકર છે. (પૃ.૩૨)
  • (‘નેફા’ -હાલ અરુણચાલ પ્રદેશ-ના મોરચાની જવાબદારી ૩૩મી કોર્પ્સ ના માથે હતી. આ કોર્પ્સે અપૂરતી તૈયારી અને એવા સંજોગોમાં ચીન સામે લડાઇ વહોરી લેવા સામે ઘણી ચેતવણીઓ આપી હતી. પરંતુ ઇસ્ટર્ન કમાન્ડ અને તેને દિલ્હી બેઠાં બેઠાં ફોન પર સૂચના આપનાર આર્મી હેડક્વાર્ટર્સે એક પણ ચેતવણી લક્ષમાં લીધી નહીં.) ૪ ઑક્ટોબર, ૧૯૬૨ના રોજ ‘નેફા’ની જવાબદારી ૩૩મી કોર્પ્સ પાસેથી લઇને લેફ્‌ટ.જનરલ બી.એમ.કૌલની આગેવાની હેઠળ રચાયેલી નવી ૪થી કોર્પ્સને સોંપવામાં આવી. આ કોર્પ્સમાં હજુ સૈનિક ટુકડીઓના કે શસ્ત્રસરંજામનાં ઠેકાણાં ન હતાં. તેનું સર્જન ફક્ત કાગળ પર થયું હતું. છતાં ‘નેફા’ સહિત આખી ઇસ્ટર્ન કમાન્ડ બોર્ડર ૪થી કોર્પ્સની નીચે મૂકી દેવામાં આવી...નવી રચાયેલી કોર્પ્સ પરિણામોનો વિચાર કર્યા વિના લશ્કરી કાર્યવાહીમાં કૂદી પડી.(પૃ.૬૫)
Lt.Gen.B.M.Kaul /લેફ્ટ.જનરલ બી.એમ.કૌલ
  • આર્મી હેડક્વાર્ટર્સે તેના ગુપ્ત સંદેશમાં ૪ ઑક્ટોબર, ૧૯૬૨ના રોજ  બપોરે બે વાગ્યે ચોથી કોર્પ્સની જાહેરાત કરી અને સાંજે પાંચ વાગ્યે લેફ્‌ટ.જનરલ બી.એમ.કૌલે તેજપુર પહોંચીને એ કોર્પ્સનો કમાન્ડ સંભાળી લીધો. આ કાર્યવાહી લશ્કરી અને ગુપ્ત હોવા છતાં, બીજા દિવસે દિલ્હીથી પ્રગટ થયેલા ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં એ સમાચાર મોટા મથાળા સાથે ચમકાવવામાં આવ્યા. તેમાં જણાવાયું હતું કે લેફ્‌ટ.જનરલ કૌલ ૪ ઑક્ટોબરના રોજ પહોંચી ગયા હતા અને હવે ભારતીય સૈન્ય ‘નેફા’માંથી ચીનીઓને હાંકી કાઢવા માટે સજ્જ બની જશે....હકીકતમાં લેફ્‌ટ.જનરલ કૌલે તેજપુર જતાં પહેલાં કહ્યું હતું કે તેમની ચોક્કસ કામગીરીની વિગત તો આવતી કાલના સમાચારમાં મોટાં મથાળા સાથે જાહેર થશે. (પૃ.૮૩)
  • ૩૩મી કોર્પ્સના કમાન્ડર લેફ્‌ટ.જનરલ ઉમરાવસિંઘ પૂરતી તૈયારી વિના આંધળુકીયું કરવાની વિરુદ્ધમાં હતા, જ્યારે સંરક્ષણ મંત્રાલય, આર્મી હેડક્વાર્ટર્સ અને ઇસ્ટર્ન કમાન્ડ ‘ચીનાઓ પ્રતિકાર નહીં કરે’ એવી ધારણાના જોરે, જુગાર ખેલવા તૈયાર હતા. તૈયારી કે આયોજનની લપ વિના ચીનાઓને હાંકી કાઢવાની કાર્યવાહી ઝડપથી હાથ ધરી શકાય એ માટે એવા નવા કમાન્ડરની જરૂર હતી, જે કિંમત અને પરિણામની ચિંતા કર્યા વિના મોરચે ઝુકાવી દે...સંરક્ષણ મંત્રાલય અને આર્મી હેડક્વાર્ટર્સને ચીન સામે લશ્કરી કાર્યવાહીની એટલી ઉતાવળ હતી કે તેમણે ચોથી કોર્પ્સ રચી અને એ જ દિવસે તેને મોરચાની જવાબદારી સોંપી દીધી. (પૃ.૮૩)
  • ખુદ જનરલ કૌલે તેમના અહેવાલમાં જણાવ્યું છે કે ‘પૂરતા સૈન્ય કે પુરવઠાસહાય વિના ચોથી કોર્પ્સ ઊભી કરી દેવામાં આવી.’ પરંતુ હકીકત એ પણ છે કે બઘું જાણીને તેમણે આ કોર્પ્સની આગેવાની સ્વીકારી હતી. આ બાબતે તેમને કોઇ કચવાટ હોય તો એ જ વખતે તેમણે સરકાર સમક્ષ રજૂ કરવો જોઇતો હતો...લેફ્‌ટ.જનરલ કૌલના અહેવાલ પ્રમાણે, તે રજા પર ગયા હતા. તેમને પાછા બોલાવવામાં આવ્યા. ૩ ઑક્ટોબરના રોજ તેમણે ચીફ ઑફ જનરલ સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો અને એ સાંજે તો તેમને ચોથી કોર્પ્સના કમાન્ડર નિયુક્ત કરી દેવાયા.  આ બાબત સરકાર, ચીફ ઑફ આર્મી સ્ટાફ અને ચીફ ઑફ જનરલ સ્ટાફ (કૌલ)ની ‘ચીનાઓ મોટા પાયે પ્રતિકાર નહીં કરે’ એવી માન્યતા સૂચવે છે. (પૃ.૮૩-૮૪)
  • (આગળ જણાવેલી હકીકતો પરથી) એ સ્પષ્ટ છે કે ચોથી કોર્પ્સ રચવાનો હેતુ જનરલ કૌલ અને તેમના ચુનંદા અફસરોને ઝડપી કાર્યવાહી માટે  સક્ષમ બનાવવાનો હતો...જરાસરખું પણ લશ્કરી જ્ઞાન ધરાવતો કોઇ પણ માણસ એવી કોર ઊભી કરવાનું કે તેની આગેવાની લેવાનું સ્વીકારે નહીં, જેને રચનાના પહેલા જ દિવસે મોટા લશ્કરી ઑપરેશનમાં ઉતારવાની હોય...(પરંતુ) જનરલ કૌલ એવું માનતા હતા કે તેમને થાગલા રીજનું ઑપરેશન ઝડપથી પાર પાડવા માટે જ પસંદ મોકલવામાં આવ્યા હતા અને એ સંપન્ન થાય એટલે તેમનું કામ પૂરું થઇ જશે. (પૃ.૮૪)   લેફ્‌ટનન્ટ જનરલ કૌલે આત્મકથા ‘ધ અનટોલ્ડ સ્ટોરી’માં એ મતલબનું લખ્યું છે કે ચોથી કોરમાં સાધનસામગ્રી-સંસાધનોની અછત વિશે તે પૂરેપૂરા વાકેફ હોવા છતાં, માથે આવી પડેલી ફરજથી તે પાછી પાની કરવા માગતા ન હતા. એટલે તેમણે ચોથી કોરનો કમાન્ડ સંભાળવાનો નિર્ણય લીધો.)
  • પહેલાં લશ્કરી કાર્યવાહી શરૂ કરી દેવી અને પછી સંસાધનોની અછતનાં રોદણાં રડવાં, એ ‘હાઇટ ઑફ બૅડ પ્લાનિંગ’હતી...પુરવઠાની કારમી અછત વિશે પૂરી જાણકારી હોવા છતાં ૭મી ઇન્ફન્ટ્રી બ્રિગેડને ધોલા મોકલવાનો જનરલ કૌલનો હુકમ યુદ્ધના મૂળભૂત સિદ્ધાંતોની ઘોર અવગણના જેવો હતો.(પૃ.૫૯)
  • ટુકડી સાથે ૬ ઑક્ટોબરના રોજ નીકળેલા કોર્પ્સ કમાન્ડ (જનરલ કૌલ) બને એટલી ઝડપથી ધોલા પહોંચવા માગતા હતા. ચાલીને જતાં તેમને બહુ વાર લાગતી હતી. એટલે હાથુંગલા સુધીના મોટા ભાગના રસ્તે ખુમ્મા મજૂરે તેમને ઉપાડ્યા હતા. ઘણા જવાનોએ આ દૃશ્ય જોયું અને તેનાથી જનરલ કૌલની પહેલી છાપ બહુ સારી પડી ન હતી. (પૃ.૯૦-૯૧)
  • ૭ ઑક્ટોબરના રોજ બધી ટુકડીઓ ધોલા વિસ્તારમાં પહોંચી ગઇ...સાંજ સુધીમાં જનરલ કૌલે ૧૦મી ઑક્ટોબરના ઑપરેશનની તૈયારી આદરી. સાથોસાથ, ચીફ ઑફ આર્મી સ્ટાફ અને આર્મી કમાન્ડરને સંદેશો મોકલ્યો. તેમાં સાધનસરંજામની તીવ્ર અછત વિશે જણાવાયું હતું...યોગ્ય વસ્ત્રોના અભાવે ૧૧ ઑક્ટોબર સુધીમાં ૩૦૦ જવાનોને ફ્‌લુ અને ૨૪ જવાનોને ન્યુમોનિયા લાગુ પડ્યો હતો. (પૃ.૯૧)
  • આરંભિક કાર્યવાહીમાં ચીન તરફથી ત્વરિત પ્રતિક્રિયા ન મળી. એટલે ૯ ઑક્ટોબરના રોજ જનરલ કૌલને એવું લાગ્યું કે તેમણે બહાદુરીભર્યા આક્રમણથી મોટી ફતેહ હાંસલ કરી છે અને આશ્ચર્યના તત્ત્વના પ્રતાપે બાકીની નબળાઇઓ ઢંકાઇ ગઇ છે. આ મતલબનો સંદેશો પણ તેમણે  તૈયાર કર્યો...પરંતુ બીજા દિવસે ચીને જોરદાર હુમલો કર્યો. આપણે પાછા હઠવું પડ્યું. એટલે એ સંદેશો મોકલવામાં આવ્યો નહીં. (પૃ.૯૩)

  • ૯ ઑક્ટોબરના રોજ ચીફ ઑફ આર્મી સ્ટાફે જનરલ કૌલના ૭ ઑક્ટોબરના સંદેશાનો જવાબ આપતાં લખ્યું કે ઑપરેશન નક્કી થયેલી તારીખે શરૂ કરવું બિલકુલ જરૂરી નથી. પરંતુ આરંભિક ફતેહથી ઉત્સાહીત થયેલા કોર્પ્સ કમાન્ડર (જનરલ કૌલ)ને પુનઃવિચાર કરવાની જરૂર જણાઇ નહીં. (પૃ.૯૪)
  • સિંગજાંગની લડાઇમાં પાછા હઠવું પડ્યું, એ જનરલ કૌલને વસમું લાગ્યું. એટલે તેમણે આર્મી હેડક્વાર્ટરને ગંભીર સ્થિતિની જાણ કરી અને એ વિશે વડાપ્રધાન તથા સંરક્ષણમંત્રીને જાણ કરવા માટે દિલ્હી આવવાની પરવાનગી માગી...૧૧ ઑક્ટોબરના રોજ જનરલ કૌલ અને બીજા અફસરો સાથેની મિટિંગ પછી ૧૨ ઑક્ટોબરના રોજ વડાપ્રધાન નેહરુએ જાહેર કર્યું કે થાગલા રિજ વિસ્તારમાંથી ચીનીઓને હાંકી કાઢવાનો હુકમ અપાઇ ગયો છે. પરંતુ શિયાળો બેસી ગયો હોવાથી, આ કાર્યવાહી ક્યારે કરવી એ સૈન્ય પર છોડવામાં આવ્યું છે.(પૃ.૯૫)
  • વડાપ્રધાન અને લશ્કરી વડાઓ લશ્કરી કાર્યવાહી મોકૂફ રાખવા માટે તૈયાર હતા. મોરચે રહેલા સૈનિકોની હાલત ખરાબ હતી. પુરવઠાનાં ઠેકાણાં ન હતાં. પણ જનરલ કૌલ અગમ્ય કારણોસર લડી લેવાના મૂડમાં હતા. અચાનક, ૧૭ ઑક્ટોબરના રોજ એ બીમાર પડ્યા. બીજા દિવસે દિલ્હીથી તેમને લેવા મેડિકલ ઑફિસર સાથે એક વિમાન આવ્યું. તેમને દિલ્હી લઇ જવાના નિર્ણય વિશે આર્મી કમાન્ડર કે ઇસ્ટર્ન કમાન્ડની મેડિકલ સર્વિસીસના ડેપ્યુટી ડાયરેક્ટરને સુદ્ધાં જાણ ન હતી...વિમાન સંરક્ષણમંત્રીએ મોકલ્યું હતું...કોર્પ્સ કમાન્ડરે આર્મી કમાન્ડરની રજા લેવાનું તો ઠીક, તેમને જાણ કરવાનું પણ જરૂરી ન માન્યું એ આશ્ચર્યજનક ગણાય. (પૃ.૧૦૧)
  • ત્યાર પછી જનરલ કૌલે ૨૦ ઑક્ટોબર સુધી દિલ્હીથી હુકમો આપવાનું ચાલુ રાખ્યું. ઇસ્ટર્ન કમાન્ડના વડામથક તેજપુરમાં પૂરતી તબીબી સુવિધા હોવા છતાં એ દિલ્હી કેમ ગયા એ સમજાતું નથી. હુકમો આપવા માટે તેમણે કમ સે કમ તેજપુરમાં રહેવું જોઇતું હતું.  (પૃ.૧૦૩)
***
આવી કંઇક હકીકતો છુપાવીને બેઠેલો હેન્ડરસન બ્રૂક્સ રીપોર્ટ  આખેઆખો જાહેર થાય તેની પ્રતીક્ષા રહેશે.
(સમાપ્ત)

Monday, August 04, 2014

મૂંઝવતો ન્યાય

(ગુજરાત સમાચાર, તંત્રીલેખ-સોમવાર-૪-૮-૧૪)

ગયા સપ્તાહે આવેલા બે ચુકાદા સામાન્ય નાગરિકને ન્યાયપ્રક્રિયા વિશે વિચારતા કરી દે એવા હતા. સર્વોચ્ચ અદાલતે ૧૯૯૩ના સુરત બોમ્બવિસ્ફોટ કેસના તમામ ૧૧ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા. આ તમામને રાજ્યની ‘ટાડા’ અદાલતે વર્ષ ૨૦૦૮માં દોષી ઠેરવીને દસ વર્ષથી માંડીને વીસ વર્ષ સુધીના જેલની સજા ફટકારી હતી. બાબરી મસ્જિદને તોડી પડાયા પછીના અરસામાં થયેલા સુરત વિસ્ફોટમાં એક છોકરીનું મૃત્યુ થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. એ વખતે ‘ટાડા’ -ટેરરિસ્ટ એન્ડ ડિઝરપ્ટિવ એક્ટિવિટિઝ એક્ટ- અમલમાં હતો અને આ કેસ ‘ટાડા’ અદાલતમાં ચાલ્યો હતો.

સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાથી અક્ષરધામ પર હુમલાનો કેસ તાજો થાય એ સ્વાભાવિક છે. એ કેસમાં પણ ‘ટાડા’ના મસિયાઇ ભાઇ જેવા ‘પોટા’ - પ્રીવેન્શન ઑફ ટેરરિઝમ એક્ટ- અંતર્ગત છ આરોપીઓને દોષી જાહેર કરાયા હતા. સર્વોચ્ચ અદાલતે આ વર્ષે એ તમામને નિર્દોષ છોડ્યા, ત્યાં સુધીમાં છમાંથી ચાર આરોપી ૧૧ વર્ષની જેલની સજા કાપી ચૂક્યા હતા.

સુરત બોમ્બ વિસ્ફોટ કેસમાં સર્વોચ્ચ અદાલતે બીજી બાબતો ઉપરાંત એવી ટીપ્પણી કરી છે કે ‘ટાડા’ના કાયદા હેઠળ આવતા ગુનાને લગતી માહિતી અને એકરારનામાં નોંધવા માટે ડીએસપીની મંજૂરી જરૂરી છે, જ્યારે આ કેસમાં રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરીએ જ એ મંજૂરી લાવી દીધી હતી. અદાલતે કહ્યું છે કે કાયદામાં જે કામ જે હોદ્દેદારને સોંપાયું હોય તેનાથી જ એ થઇ શકે. તેનાથી નીચલો તો ઠીક, ઉપરનો હોદ્દો ધરાવનાર પણ એ કામ કરવા જાય એ ગેરકાયદે ગણાય. પહેલી નજરે આ ‘બાલકી ખાલ’ જેવો મામલો લાગે, પણ ઉતાવળે અને મનગમતી દિશામાં કાર્યવાહી કરવા ઉત્સુક સરકારી તંત્રને કાયદાની પ્રાથમિક જોગવાઇની પણ પરવા રહેતી નથી, તે ઘ્યાનમાં રાખતાં અદાલતની કડકાઇનું મહત્ત્વ સમજી શકાય એવું છે.

સુરત બોમ્બવિસ્ફોટ અને અક્ષરધામ હુમલો- આ બન્ને કેસમાં તમામ આરોપીઓ વર્ષો સુધી જેલની સજા ભોગવ્યા પછી નિર્દોષ છૂટી જાય, ત્યારે ન્યાયપ્રક્રિયાની વિડંબના બરાબર ઉજાગર થાય છે. સર્વોચ્ચ અદાલતે જેમને નિર્દોષ ઠેરવ્યા છે એવા આરોપીઓનાં પરિવારજનોએ વેઠવી પડેલી અનેકવિધ મુશ્કેલીઓની તો શી વાત કરવી? પણ ‘સો ગુનેગાર ભલે છૂટી જાય, એક નિર્દોષ ન દંડાવો જોઇએ’ - એવા ઘુ્રવવાક્યનું હાર્દ પણ જળવાતું નથી.

આ બન્ને ચુકાદાથી સાવ વિપરીત કેસ નરોડા પાટિયા હત્યાકાંડનાં ગુનેગાર માયા કોડનાનીનો છે. હા, માયા કોડનાની ‘આરોપી’ નથી. કેમ કે, નેવુથી વઘુ લોકોની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી એ નરોડા પાટિયા હત્યાકાંડમાં ખાસ અદાલતે માયા કોડનાનીને ગુનેગાર ઠેરવ્યાં હતાં અને તેમને ૨૮ વર્ષની જેલની સજા ફટકારી હતી.  એ સજા સામે માયા કોડનાનીએ હાઇકોર્ટમાં કરેલી અપીલનો નીવેડો આવ્યો નથી. દરમિયાન, જેલવાસનાં માંડ બે વર્ષ પણ પૂરાં થાય તે પહેલાં હાઇકોર્ટમાંથી કાયમી જામીન મેળવીને તે બહાર આવી ગયાં છે.

સામાન્ય રીતે ગુનેગારને આરોગ્યની તકલીફ હોય તો તેને કેદી તરીકે જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે. પરંતુ ગુજરાત હાઇકોર્ટની બે ન્યાયાધીશોની બેન્ચે અસાધારણ પગલું ભરીને, માયા કોડનાનીને આરોગ્યના કારણસર કાયમી જામીન આપ્યા છે. તેના આધારે નરોડા પાટિયા હત્યાકાંડનાં ગુનેગાર માયા કોડનાનીને જેલમાં રહેવાની તો ઠીક, પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની જરૂર પણ રહેતી નથી.  માયા કોડનાની એક્યુટ ડીપ્રેશન, આત્મઘાતી વૃત્તિ અને ટી.બી. જેવી બિમારીઓથી પીડાતાં હોવાની રજૂઆત અદાલત સમક્ષ થઇ હતી.

અદાલતે જામીન અંગે ચૂકાદો આપ્યો ત્યારે ખાસ તપાસ ટુકડી (સિટ)ના પ્રતિનિધિની ગેરહાજરી શંકા ઉપજાવનારી હતી. ચુકાદા ટાણે ગેરહાજર રહેવાને લીધે, કાયમી જામીનના નિર્ણય પર મનાઇહુકમ માગવાની તક ‘સિટ’ ચૂકી ગઇ. બીજા દિવસે ‘સિટ’ તરફથી મનાઇહુકમ માટે રજૂઆત થઇ, ત્યારે મોડું થઇ ચૂક્યું હતું. અદાલતે કહ્યું કે અગાઉના (કાયમી જામીનના) હુકમનો અમલ થઇ ચૂક્યો હોવાથી અને ગુનેગાર જેલમાંથી છૂટી ચૂક્યા હોવાથી હવે તે મનાઇહુકમ આપી શકે નહીં.

બિમાર ગુનેગારને સારવાર માટે જરૂરી હોય એટલા સમય માટે જામીન અપાય એ માનવતાપૂર્ણ અને સમજાય એવું છે, પણ ૨૮ વર્ષના જેલવાસની સજા પામનાર ગુનેગાર ટી.બી. અને એક્યુટ ડીપ્રેશન જેવી બિમારીને લીધે, બે જ વર્ષમાં કાયમી જામીન મેળવીને બહાર આવી જાય, એ સમજવું અને પચાવવું સામાન્ય નાગરિક માટે અઘરું નીવડી શકે છે. ગુજરાત સરકારની દાનત આ મામલે સાફ હોય અને તે અદાલતી કાર્યવાહીના રસ્તે આગળ વધવા ઇચ્છતી હોય તો, તેણે નિશ્ચિત સમયમર્યાદામાં સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવી પડે. એમ કરવામાં તે ઠાગાઠૈયા, ટાળમટોળ કે દિલચોરી કરતી જણાશે, તો પીડિતોને ન્યાય અપાવવાની લડાઇમાં તે ક્યાં ઊભી છે તે સ્પષ્ટ થઇ જશે.