Showing posts with label Tagore. Show all posts
Showing posts with label Tagore. Show all posts

Monday, February 29, 2016

ટાગોર, ગાંધી અને રાષ્ટ્રવાદ

Tagore- Gandhi
રાષ્ટ્રવાદની ચાલુ મોસમમાં--કે ચાલુ રાષ્ટ્રવાદની આ મોસમમાં--આશરે એકાદ સદી પહેલાં રવીન્દ્રનાથ ટાગોરે વ્યક્ત કરેલા વિચાર તપાસવા જેવા છે. તેમણે લખ્યું હતું,‘આ રાષ્ટ્રપરાયણ દેશભક્તિ...ટોળીવાદનો છેલ્લામાં છેલ્લો અને જંગલીમાં જંગલી આવિર્ભાવ છે. એને જો નિયંત્રિત કરવામાં નહીં આવે, પાછો હઠાવવામાં નહીં આવે અને અંતે તેનો નાશ કરવામાં નહીં આવે તો એ જરૂર માનવજાતનો નાશ કરશે.

રાષ્ટ્રવાદનાં લક્ષણ રવીન્દ્રનાથે પારખ્યાં ત્યારે તેમની મુખ્ય ટીકા રાષ્ટ્રવાદના નામે સામ્રાજ્યવાદનો ફેલાવો કરનારાં કે હિંસક લોભના ચરણે બેસનારા દેશો સામે હતી. પોતાનું રાષ્ટ્ર મહાન અને તેની મહાનતાને વધારવા માટે યુદ્ધ કરવાં પડે તો એ યુદ્ધ નૈતિક-આધ્યાત્મિક પ્રવૃત્તિ ગણાયએવી માન્યતા ત્યારે પ્રચલિત હતી. અંગ્રેજોનો લોભિયો હિંસક સામ્રાજ્યવાદ, જાપાનનો ઘાતકી હિંસક શાહીવાદ, ઇટાલીના મુસોલિનીનો ફાસીવાદ, જર્મનીમાં હિટલરનો નાઝીવાદ--આ બધાના ભયંકર ચહેરા પર રાષ્ટ્રવાદનું રૂપાળું મહોરું હતું. પોતાનાં બધાં પાપને, બધાં અનિષ્ટોને તે રાષ્ટ્રવાદના નામે વાજબી ઠેરવતા, એટલું જ નહીં, તેની નવા ધર્મની માફક ઉજવણી કરતા. એટલે રવીન્દ્રનાથે લખ્યું, ‘જે પ્રજાઓ દેશભક્તિના ધર્મ તરીકે ખંતપૂર્વક નૈતિક અંધતા કેળવે છે તેઓ એકાએક કમોતે મરશે...જ્યાં પશ્ચિમના રાષ્ટ્રવાદની ભાવના પ્રવર્તે છે ત્યાં આખી પ્રજાને બાળપણથી બધી જાતનાં સાધન દ્વારા, ઇતિહાસમાં અર્ધજૂઠાણાં ઊભાં કરીને, બીજી પ્રજાઓની ચાલુ ખોટી રજૂઆતો કરીને અને તેમની પ્રત્યે પ્રતિકૂળ લાગણીઓ કેળવીને દ્વેષ અને મહત્ત્વાકાંક્ષાઓ પોષવાનું શીખવવામાં આવે છે...એ રીતે પોતાથી ભિન્ન પ્રજાઓ અને પડોશીઓ પ્રત્યે સતત અનિષ્ટની ધમકી ચાલુ રાખવામાં આવે છે. આ તો માનવતાના મૂળમાં ઝેર દીધા બરાબર છે.

ગુલામ ભારતના બંગાળ પ્રાંતમાં સામાજિક જાગૃતિની ઝુંબેશો પછી બંગાળના ભાગલા નિમિત્તે અંગ્રેજોનો વિરોધ, ‘સ્વદેશીચળવળ અને બૉમ્બનો સંપ્રદાય શરૂ થયો (જેને એ સમયે અધ્યાપક એવા અરવિંદ ઘોષનું પણ સમર્થન હતું.) પૂર્વનું--ભારતનું બઘું મહાન અને પશ્ચિમનું બઘું અનિષ્ટએ પ્રકારની મિથ્યાભિમાની લાગણીને ભારતમાં જાગેલા નવા રાષ્ટ્રવાદથી પોષણ મળવા લાગ્યું. અંગ્રેજી શાસનને બદલે અંગ્રેજોનો વિરોધ ભારતીય રાષ્ટ્રવાદનો હિસ્સો બનવા લાગ્યો. તેની સામે રવીન્દ્રનાથને વાંધો હતો. કારણ કે, તે સમગ્રપણે માનવજાતની એકતાનું સ્વપ્ન જોતા હતા.

ભાવનાશાળી અને હાડોહાડ બૌદ્ધિક એવા રવીન્દ્રનાથે લખ્યું હતું,‘હું ભારતને ચાહું છું તેનું કારણ હું ભૌગોલિક મૂર્તિપૂજામાં માનું છું અથવા હું ભાગ્યવશાત્‌ એની ભૂમિ ઉપર જન્મ્યો છું, એ નથી. પણ એનું કારણ એ છે કે એના ૠષિમુનિઓએ ઉચ્ચારેલી વાણીને એણે શતાબ્દીઓની અશાંતિ દરમિયાન સાચવી રાખી છે....ભારતની સાચી પ્રાર્થના આ છે -- જે એક છે, વર્ણવિહીન છે, અને જે વિવિધ વર્ણની પ્રજાઓનો નિહિતાર્થ જાણીને બહુ પ્રકારની શક્તિથી પૂરો પાડે છે, જે આદિથી તે અંત સુધી આખા વિશ્વને વ્યાપેલો રહે છે, તે આપણને શુભ બુદ્ધિથી સંયુક્ત કરો.

ભારતીય સંસ્કૃતિ અને તેના વારસા વિશે મોટા ભાગના રાષ્ટ્રવાદીઓકરતાં રવીન્દ્રનાથ વધારે જાણતા હતા. સ્વામી વિવેકાનંદની જેમ તેમને પણ ભારતીય સંસ્કૃતિની ખરી તાકાત તેની વૈવિઘ્યપૂર્ણ એકતામાં લાગતી હતી. એટલે, ૧૯૧૫માં નવા નવા ભારત આવેલા ગાંધીજીના વિચારોથી આકર્ષાયા છતાં, તેમની આગેવાની હેઠળ  શરૂ થયેલા અસહકારના આંદોલન સાથે ટાગોર સંમત ન હતા. તેમને લાગ્યું કે આ પ્રકારનાં નકારાત્મકઆંદોલન અનિષ્ટ પ્રકારના, સંકુચિત રાષ્ટ્રવાદને પોષણ આપશે. અહિંસક રસ્તે અને અંગ્રેજો સામે નહીં, અંગ્રેજી સત્તા સામે આંદોલન ઉપાડનારા ગાંધીજી તેમની વાત સાથે સંમત ન હતા. બહિષ્કારના દેખીતી રીતે નકારાત્મક લાગતા આંદોલન સાથે ગાંધીજીએ જે રીતે રચનાત્મક કાર્યો જોડી દીધાં હતાં, તે ટાગોરના મનમાં વસ્યાં નહીં. આ નિમિત્તે બન્ને વચ્ચે લાંબો અને જાહેર પત્રવ્યવહાર થયો. ગાંધીજીની દલીલ હતી કે તેમનો રાષ્ટ્રવાદ એકાન્તિક-સંકુચિત નહીં, પણ સર્વસમાવેશક છે.

 જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી સરનો ખિતાબ પાછો વાળનાર અને શાંતિનિકેતનની સ્થાપના કરીને અંગ્રેજી ભાષા ફગાવ્યા વિના, તેની શિક્ષણપદ્ધતિ તજી દેનાર ટાગોરનું સ્થાન કેવું હતું? અંગ્રેજો તેમને સરકારવિરોધી માનતા હતા અને ગાંધીજીના આંદોલન સાથે સંકળાયેલા કેટલાક નેતાઓ સહિત રાષ્ટ્રવાદીઓ તેમને રાષ્ટ્રિય ચળવળના વિરોધી માનતા હતા. સંકુચિત રાષ્ટ્રવાદનો વિરોધ કરતા ટાગોરના આંતરરાષ્ટ્રિયવાદનો બંગાળમાં આકરો વિરોધ થયો. આઝાદીના આંદોલન વિશે અભિપ્રાયો આપવાની તેમની લાયકાત વિશે સવાલો ઉઠાવવામાં આવ્યા. ગાંધીજીની ચરખાપ્રવૃત્તિનો વિરોધ કરનાર ટાગોરની એટલી હદે મશ્કરી કરવામાં આવી કે બંગાળી અખબારોમાં તેમની કવિતાઓની પૅરડી (પ્રતિકાવ્યો) અને તેમના વિશેની ભદ્દી કવિતાઓ પ્રગટ થઇ. ટાગોરની તળિયાઝાટક ટીકા કરવામાં કેટલાક ગાંધીવાદીઓ અને ગાંધીસંગઠનો પણ સામેલ થયાં. કેટલાકે એવું પણ કહ્યું કે ભારત આઝાદ હોત તો રવીન્દ્રનાથનાં વક્તવ્યો બદલ તેમની સામે રાજદ્રોહનો આરોપ લગાડી દેવાયો હોત.આ બધા પ્રતિભાવો એક રીતે રવીન્દ્રનાથની ચેતવણીને સાચી ઠેરવનારા હતા. કેમ કે,  ‘વર્ણાશ્રમની જેમ રાષ્ટ્રવાદના મુદ્દે ગાંધીજીની પોતાની, વ્યક્તિગત વ્યાખ્યા ગમે તેટલી ઉદાર, અહિંસક હોય, પરંતુ એ જ વ્યાખ્યા તેમના અનુયાયીઓ અપનાવે એવું જરૂરી ન હતું.

ટાગોરના વિરોધ સામે ગાંધીજીએ આદરપૂર્વક પોતાના વિચાર મૂકવાનુ ચાલુ રાખ્યું અને તેમને વિરોધી ગણવાને બદલે પૂરક ગણાવ્યા. રાષ્ટ્રવાદીઝોકને કારણે ટૉલ્સ્ટૉય પણ ગાંધીજીથી દુઃખી થયા હોવાનું  ગાંધીચરિત્રકાર રાજમોહન ગાંધીએ નોંધ્યું છે. અલબત્ત, ટૉલ્સ્ટૉયે તેમની મર્યાદિત જાણકારીના આધારે તેને હિંદુ રાષ્ટ્રવાદગણી લીધો અને રશિયાના મિત્રોને કહ્યું કે ‘(ગાંધીના) આ રાષ્ટ્રવાદે બઘુ બગાડી નાખ્યું.અહિંસક માર્ગે પરિવર્તન અને સુધારા કરવા ઇચ્છુક ગાંધીનું એક મહત્ત્વનું ધ્યેય રાજકીય આઝાદીનું પણ હતું. એ માટે રાષ્ટ્રવાદ તેમને જરૂરી લાગ્યો. રાજમોહન ગાંધીએ લખ્યું છે કે અંગ્રેજી રાજ પહેલાં અને તેના ગયા પછી પણ ભારતમાં રહેલી હિંસા પર ગાંધીજીએ ઢાંકપિછોડો કર્યો અથવા તેને નજરઅંદાજ કરી તેની પાછળ તેમની રાષ્ટ્રવાદી લાગણી કારણભૂત હતી. ગાંધીજીએ તેમના આ (રાષ્ટ્રવાદી) ભ્રમનો સ્વીકાર કરીને કહ્યું હતું કે એ ભ્રમવિના ભારત આઝાદીની નજીક ન પહોંચ્યું હોત.

ટાગોરે ચીતરેલાં રાષ્ટ્રવાદનાં અનિષ્ટો ભલે વૈશ્વિક એકતાની લાગણી જગાડવા માટેનાં હોય, પણ તેમણે દર્શાવેલાં ભયસ્થાન દેશની અંદર--દેશના લોકો માટે સાચાં પડી રહ્યાં છે. તેમણે કહ્યું હતું, ‘અથડામણ રાષ્ટ્રવાદનો પ્રાણ છે. પશ્ચિમના રાષ્ટ્રવાદના મૂળમાં અને કેન્દ્રમાં વિરોધ અને બીજાને જીતવાની ભાવના રહેલી છે અને તેનો પાયો સામાજિક સહકાર નથી...જેને શિકાર વગર ચાલે જ નહિ એવાં શિકારી વરૂઓનાં ટોળાં જેવો એ છે...(રાષ્ટ્રવાદની લ્હાયમાં) ન્યાયી માણસો પણ પોતાના વિચારોમાં અને કાર્યોમાં ક્રૂર થઇ શકે છે...પ્રામાણિક માણસો પણ પોતાનો સ્વાર્થ સાધવા માટે બીજાના માનવ અધિકારો આંધળા થઇને હરી શકે છે.


સંદર્ભ : 
1. રવીન્દ્રનાથ અને વિશ્વમાનવવાદ - સૌમ્યેન્દ્રનાથ ઠાકુરઅનુવાદ- ભોગીલાલ ગાંધી.  
2. महात्मा और कवि- सव्यसाचि भट्टाचार्य -अनुवाद-तालेवर गिरि 
3. The Good Boatman - Rajmohan Gandhi

Sunday, May 20, 2012

‘રાષ્ટ્રકવિ’ રવીન્દ્રનાથ ટાગોર અને રાષ્ટ્રવાદ: રાષ્ટ્રવાદ દુનિયામાં ફેલાયેલો અનિષ્ટનો ક્રૂર રોગચાળો છે


રવીન્દ્રનાથ ટાગોરની દોઢસોમી જન્મજયંતિનાં ઉજવણાં  સમાપ્ત થયાં. રવીન્દ્રનાથ હોય કે ઉમાશંકર, આપણને એમનાં પ્રમાણમાં નિર્દોષ એવાં કવિસ્વરૂપ વધારે ફાવે છે. ટાણાંવાર તેમને અપાતી અંજલિઓમાં કે તેમની પ્રમુખ ઓળખમાં પણ કદાચ એટલે જ તેમનું કવિપણું સૌથી આગળ હોય છે. ટાગોર જેવી પ્રચંડ સર્જક અને બૌદ્ધિક પ્રતિભાને ફક્ત કવિ અથવા જરા આગળ વધીને ફક્ત સાહિત્યકાર, સંગીતકાર કે ચિત્રકાર તરીકે યાદ કરવાનું પણ અપૂરતું છે. તેમના જેવા સર્જકો પોતાની આસપાસ બનતી ઘટનાઓથી અલિપ્ત રહી શકતા નથી. પોતાના સમય સાથેનો તેમનો નાતો એકકેન્દ્રી- કેવળ સાહિત્ય રચવા પૂરતો- સીમિત હોતો નથી. પ્રાંત, દેશ અને વિશ્વની ઘટનાઓના ધબકાર પણ તે ઝીલે છે અને એ વિશે, સાહિત્યકાર તરીકેનાં સુંવાળાં માનપાન ગુમાવવાની ચિંતા  રાખ્યા વિના, પોતાના મનની વાત કહે છે.

ટાગોર એવા જ એક બૌદ્ધિક હતા, જેમની ઉપરછલ્લી ઓળખમાં ઘણા વિરોધાભાસ લાગેઃ ‘જનગણમન અધિનાયક’ તેમણે અંગ્રેજ રાજાની સ્તુતિ તરીકે લખ્યું હોવાનો આરોપ એક સદી પછી પણ શમ્યો નથી. જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી તેમણે ‘સર’નો ખિતાબ પાછો આપી દીધો. ટાગોરે લખેલાં ગીત આગળ જતાં ભારત અને બાંગલા દેશ બન્ને રાષ્ટ્રોનાં રાષ્ટ્રગીત તરીકેનું માન પામ્યાં. પરંતુ ખુદ ટાગોર રાષ્ટ્રવાદના આક્રમક અને સંકુચિત ખ્યાલથી અળગા થઇ ગયા. રાષ્ટ્રવાદ વિશેના તેમના ખ્યાલોને કારણે, બંગાળનું ગૌરવ ગણાતા રવીન્દ્રનાથ પર બંગાળી અખબારોમાં પ્રહાર પણ થયા. કારણ કે ભારત જેવા ઉભરતા દેશ માટે રાષ્ટ્રવાદ જરૂરી હોવાની માન્યતા વ્યાપક હતી.

કેટલાક અભ્યાસીઓ માને છે કે પશ્ચિમમાં ટાગોરનાં કાવ્યોની પ્રતિષ્ઠા થઇ, એ માટે  રાષ્ટ્રવાદ વિશેના તેમના ખ્યાલો પણ જવાબદાર હતા. કારણ કે, વિશ્વયુદ્ધ પહેલાં જાપાન-જર્મની જેવા દેશોના આત્યંતિક અને અંતિમવાદી ‘રાષ્ટ્રવાદ’નાં પરિણામ દેખાઇ રહ્યાં હતાં. તેનો વિરોધ કરતા ટાગોરના વિચારો યુરોપના લોકોને એકદમ અનુકૂળ આવ્યા.

વીસમી સદીના આરંભે ભારતમાં રાષ્ટ્રવાદની લહેર જગાડનાર ટાગોર ટૂંક સમયમાં  સંકુચિત - અને અત્યારે પ્રચલિત એવા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રખર વિરોધી કેમ બન્યા? તેના વિગતવાર જવાબ સૌમ્યેન્દ્રનાથ ઠાકુર લિખિત અને નગીનદાસ પારેખ દ્વારા અનુવાદિત પુસ્તિકા ‘રવીન્દ્રનાથ અને વિશ્વમાનવવાદ’માંથી મળી રહે છે. સરોજિની હઠીસિંહ દ્વારા પ્રકાશિત આ પુસ્તિકામાં રવીન્દ્રનાથના વિચારો દ્વારા દેશપ્રેમ અને (ંસંકુચિત) રાષ્ટ્રવાદ વચ્ચેનો તફાવત બરાબર ઉભર્યો છે.

દેશપ્રેમની એક રમૂજી વ્યાખ્યા  છેઃ ‘મારો દેશ મહાન છે. કારણ કે હું એમાં જન્મ્યો હતો.’ પરંતુ રવીન્દ્રનાથે પોતાના દેશપ્રેમની સ્પષ્ટતા કરતાં લખ્યું હતું, ‘હું ભારતને ચાહું છું તેનું કારણ હું ભૌગોલિક મૂર્તિપૂજામાં માનું છું અથવા હું ભાગ્યવશાત્‌ એની ભૂમિ પર જન્મ્યો છું, એ નથી. પણ એનું કારણ એ છે કે એના ૠષિમુનિઓએ ઉચ્ચારેલી જીવંત વાણીને એણે શતાબ્દીઓની અશાંતિ દરમ્યાન સાચવી રાખી છે.’ પોતાનો દેશ ‘એક અને વર્ણવિહીન’ હોય એ તેમને ભારતની ‘સાચી પ્રાર્થના’ લાગી હતી.

ભારત બીજાં કરતાં ખાસ છે અને આઘ્યાત્મિક રીતે તેનો જગતમાં જોટો નથી, એ પ્રકારના ખ્યાલોને રવીન્દ્રનાથ મિથ્યાભિમાન ગણતા હતા. તેમની માન્યતા હતી કે અંગ્રેજ શાસકો તરફથી ભારતની સંસ્કૃતિ પર થતા હુમલાના જવાબરૂપે, ૧૯મી સદીના મઘ્ય ભાગમાં ભારતમાં પોતાની સંસ્કૃતિ વિશે મિથ્યાભિમાની વલણ પેદા થયું. આઝાદી માટેની પ્રવૃત્તિ વિકસતી ગઇ તેમ આઘ્યાત્મિક મહત્તા પર ભારતનો ખાસ દાવો છે, એવો વિચાર સાહિત્યમાં વારંવાર દેખાવા લાગ્યો. ‘ઇશ્વર કોઇ ખાસ પ્રજા પર મહેર કરે છે એવો ખ્યાલ બર્બરયુગને શોભે એવો છે’ એવું રવીન્દ્રનાથે સાફ શબ્દોમાં કહ્યું હતુ.

‘પૂર્વ મહાન ને પશ્ચિમ ભૌતિકવાદી’ અથવા ‘પૂર્વ પછાત અને પશ્ચિમ પ્રગતિશીલ’ એવાં જડ ચોકઠાંમાં રવીન્દ્રનાથ બંધાયા નહીં. પૂર્વના આઘ્યાત્મિક ચડિયાતાપણાના ખ્યાલને એમણે નકારી કાઢ્‌યો, તો પશ્ચિમની યાંત્રિક પ્રગતિ સામે પણ તેમણે સવાલ ઊભા કર્યા. ‘આપણે પૂર્વના લોકોએ આપણો દોષ કબૂલ કરવાનો છે...કોઇ અમુક ધર્મ, વર્ણ કે ન્યાતના લોકો પ્રત્યે હળાહળ તિરસ્કાર અને ક્રૂરતાથી વર્તીને આપણે માનવજાતનું અપમાન કર્યું, એ પાપ વધારે મોટું નહીં તો પણ પશ્ચિમના પાપ જેવડું તો છે જ.’ એવું કહેનાર રવીન્દ્રનાથે એવી દલીલ પણ કરી કે પશ્ચિમનો વિકાસ વિશ્વમાનવવાદના નૈતિક સિદ્ધાંતના આધારે થયો નહીં, એટલે અસમાનતા-શોષણ-ગરીબી-યુદ્ધો બઘું જોવા મળે છે.

તેમણે કહ્યું, ‘માનવજાતે વિજ્ઞાનના ક્ષેત્રમાં આટઆટલાં વિરાટ પગલાં ભર્યા હોવા છતાં માનવસમાજ આજે પણ કુદરતના લૂટારુ કાયદાથી નિયંત્રીત થતો જોવા મળે છે.’  પ્રગતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ભેદ દર્શાવતાં તેમણે કહ્યું હતું, ‘એક ચક્કર ફેરવીને એક સાથે હજારો સોયોમાં કાણાં પાડતાં કદાચ હું થોડાં વર્ષમાં શીખી જાઉં, પણ પોતાના દુશ્મનનું કે કોઇ અજાણ્યાનું અત્યંત સરળભાવે આતિથ્ય કરવા માટે પેઢીઓની તાલીમની જરૂર પડે.’  રવીન્દ્રનાથની પાયાની ફરિયાદ હતી કે પ્રગતિની લ્હાયમાં સંસ્કૃતિનું મૂળ ઘ્યેય ભૂલાઇ ગયું છે.

રાષ્ટ્રવાદનું આઘુનિક સ્વરૂપ પશ્ચિમની દેન હતી. એક તરફ સ્વાતંત્ર્યનો સંદેશ અને બીજી તરફ રાષ્ટ્રવાદની ભાવના - એ વિરોધાભાસ વિશે રવીન્દ્રનાથે કહ્યું હતું કે ‘પશ્ચિમનો આત્મા  સ્વાતંત્ર્યના ઝંડા હેઠળ કૂચ કરી રહ્યો છે, ત્યારે પશ્ચિમનો રાષ્ટ્રવાદ સંગઠન અને વ્યવસ્થાની લોખંડી જંજીરો ઘડી રહ્યો છે. માનવ ઇતિહાસમાં કોઇ પણ કાળે ઘડાયેલી જંજીરો કરતાં એ વધારે મજબૂત અને અતૂટ છે.’

આવા રાષ્ટ્રવાદ સામે રવીન્દ્રનાથે કડકમાં કડક શબ્દોમાં ચેતવણી આપી હતીઃ ‘જ્યારે લોકો પોતાની સંસ્કૃતિ કે લોહીની શ્રેષ્ઠતાના આધારે, વેપારી લોભને કારણે, બીજા દેશોનાં બજાર કબજે કરવા માટે કે બીજા દેશોનાં શોષણ માટે સંગઠિત થાય છે ત્યારે પોતાના હૃદયસિંહાહાસન પર તે માનવએકતાના આદર્શને બદલે રાષ્ટ્રવાદને સ્થાપે છે. એ વખતે માનવજાત ઉપર કાળરાત્રિ ઉતરી આવે છે... આ રાષ્ટ્રવાદ આજના જમાનામાં દુનિયામાં ફેલાયેલો અનિષ્ટનો ક્રૂર રોગચાળો છે. તે માનવજાતના નૈતિક મર્મોને હજમ કરી જાય છે.’

અત્યારનો ચીની રાષ્ટ્રવાદ અથવા ગઇ સદીના ઉત્તરાર્ધમાં અમેરિકા અને ઘણા સામ્યવાદી દેશોનો રાષ્ટ્રવાદ રવીન્દ્રનાથ ટાગોરનું નિદાન એકદમ સાચું પાડે છે. ભારતમાં પણ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના રાજકારણથી રાષ્ટ્રિય એકતાને બદલે આંતરિક હૂંસાતૂંસી અને અસ્થિરતા વઘ્યાં છે. રવીન્દ્રનાથે કહ્યું હતું તેમ, ‘રાષ્ટ્રવાદનો જન્મ અને તેનો સૌથી વઘુ વિકાસ પશ્ચિમમાં થયો હતો. તે અથડામણ ઉપર જ જીવે છે અને ફૂલેફાલે છે. કારણ કે અથડામણ એ જ રાષ્ટ્રવાદનો પ્રાણ છે...એનો પાયો સામાજિક સહકાર નથી...જેને શિકાર વિના ચાલે જ નહીં એવાં શિકારી વરૂઓનાં ટોળાં જેવો એ છે.’

કટ્ટર રાષ્ટ્રવાદ માટે જાણીતા જાપાનમાં રવીન્દ્રનાથે જાહેર પ્રવચનમાં કહી દીઘું હતું કે પ્રજા તરીકે તમારે માટે મારા મનમાં ઊંડો પ્રેમ અને આદર છે, પણ રાષ્ટ્ર તરીકે બીજાં રાષ્ટ્રો સાથેના વ્યવહારમાં તમે પશ્ચિમ જેવા જ દગાબાજ અને બધી વાતે પૂરા છો. ‘આખી પ્રજાના માનસમાં પોતાની ઉચ્ચતાનો અસાધારણ ઘમંડ ભરી દેવો, પ્રજાને પોતાની નૈતિક કઠોરતા અને પાપની સમૃદ્ધિનું અભિમાન લેતાં શીખવવું..યુદ્ધમાં જીતેલી વસ્તુઓનો ઉપયોગ કરીને બાળકોના મનમાં બીજાને માટે તિરસ્કાર પેદા કરવો, હારેલા લોકોની નામોશીને કાયમ કરવી- એ પશ્ચિમને કોરી ખાતાં ગુમડાંનું અનુકરણ કર્યા બરાબર છે.’ ઇતિહાસમાં જૂઠાણાં ઊભાં કરવાં એ પણ પાશ્ચાત્ય રાષ્ટ્રવાદનું એક લક્ષણ હોવાનું રવીન્દ્રનાથે જણાવ્યું હતું. એ પ્રકારનો રાષ્ટ્રવાદ આઝાદી પછીના ભારતમાં સામાન્ય બની ગયો છે.

જાપાને ચીન પર હુમલો કર્યો ત્યારે એક જાપાની કવિએ યુદ્ધને આઘ્યાત્મિક- બીજાને સુધારવા માટેના પરિબળ તરીકે ઓળખાવ્યું. હિટલર અને મુસોલિની પણ બીજા વિશ્વયુદ્ધ વખતે એવું જ માનતા હતા. અંગ્રેજો ગુલામ ભારતને સુધરેલું બનાવવાનો દાવો કરતા હતા અને અમેરિકાએ લોકશાહી સ્થાપવાના બહાને કેટલાં યુદ્ધ કર્યાં. એ બધાના પાયામાં રહેલું સત્ય રવીન્દ્રનાથે જાપાની કવિને લખી જણાવ્યું હતું, ‘લોકોનાં સુખ અને હકનું બલિદાન ચઢાવવાનો પોતાનો હક છે એવો દાવો જે દેશભક્તિ કરે, તે કોઇ પણ મહાન સંસ્કૃતિનો પાયો મજબૂત બનાવવાને બદલે તેને જોખમમાં મૂકશે.’

પુસ્તિકાના લેખક સૌમ્યેન્દ્રનાથે નોંઘ્યું છે કે ‘સ્વદેશી ચળવળના તેમ જ અસહકારના જમાનામાં (રવીન્દ્રનાથે) એક વાર સુદ્ધાં સંકુચિત રાષ્ટ્રવાદના મંદિરમાં પૂજા કરી નથી. તે ભારતની મુક્તિ પૂરા અંતરથી ચાહતા હતા, પણ એ રાષ્ટ્રવાદી તરીકે નહીં, પણ વિશ્વમાનવવાદમાં જેને પૂરી શ્રદ્ધા છે એવા આંતરરાષ્ટ્રવાદી તરીકે.’
 એક તરફ સંહારનાં શસ્ત્રોનો ખડકલો કરીને બીજી બાજુથી કરાતી સૂફિયાણી વાતોથી કે બહારની સંસ્થાઓથી નહીં, પણ અંતરની  ભાવનાથી સાચું માનવઐક્ય સ્થપાશે એવું રવીન્દ્રનાથે કહ્યું હતું, પરંતુ માનવજાત વારી વળતી નથી એવી વીસમી સદીની વાસ્તવિકતા એકવીસમી સદીમાં બદલાઇ હોય એવું જણાતું નથી.

Sunday, June 05, 2011

રવીન્દ્રનાથ ટાગોરને 'ફિલ્માંજલી'

('નટીર પૂજા'નું દૃશ્ય)

મુરબ્બી મહેન્દ્રભાઇ મેઘાણીએ મોકલેલા ઇ-મેઇલ પરથી જાણવા મળે છે કે રવીન્દ્રનાથ ટાગોરની 150મી જન્મ જયંતિ નિમિત્તે તેમની કથાઓ પરથી બનેલી અનેક ફિલ્મોમાંની છ ફિલ્મો ડીવીડી-સેટ તરીકે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ ફિલ્મો છે :

1) ક્ષુધિત પાષાણ (બંગાળી) - 1960-નિર્દેશકઃ તપન સિંહા
2) તીન કન્યા (બંગાળી) - 1961- સત્યજીત રે
3) કાબુલીવાલા (હિંદી) - 1961- હેમેન ગુપ્તા
4) ઘરે બાહિરે (બંગાળી) - 1984 - સત્યજીત રે
5) ચાર અધ્યાય (હિંદી) - 1997 - કુમાર સહાની
6) નટીર પુજા (મૂક-અંગ્રેજી કોમેન્ટ્રી સાથે) - રવીન્દ્રનાથ ટાગોર

વીસ મિનિટની ફિલ્મ 'નટીર પૂજા' સૌથી મહત્ત્વની એ રીતે ગણાય કે તેમાં રવીન્દ્રનાથ પોતે અભિનેતા તરીકે પણ હતા.

છ ફિલ્મોની ડીવીડીનો આ સેટ રૂ. 399ની કિંમતે ઉપલબ્ધ છે. 'લોકમિલાપ'માંથી રૂ.450નો ડ્રાફ્ટ મોકલીને આ ડીવીડી સેટ મેળવી શકાય છે.

સરનામું- લોકમિલાપ, સરદારનગર, ભાવનગર 364001, ફોનઃ 0278-2566402
ડ્રાફ્ટ 'લોકમિલાપ'ના નામનો.

Tuesday, November 23, 2010

જન ગણ મન કળાનાયક...

Nobel Prize Citation

Gandhiji & tagore at Shantiniketan

translations of Geetanjali

Hellen Keller with Tagore; her 'touching' impression of Tagore in her own handwritings

Sanskriti yatra train

રવીન્દ્રનાથ ટાગોરની 150મી જન્મજયંતિ નિમિત્તે રેલવેએ પાંચ ડબ્બાની એક ખાસ ટ્રેનમાં પ્રદર્શન તૈયાર કર્યું છે. દેશમાં ફરતું ફરતું એ પ્રદર્શન ત્રણ દિવસ માટે અમદાવાદ આવ્યું હતું. આજે છેલ્લો દિવસ હતો. (એ યાદ કરાવતો મુ.મહેન્દ્રભાઇ મેઘાણીનો ફોન પણ એમની રાબેતા મુજબની ભાર વગરની ચોક્સાઇ સાથે આવી ગયો.) એટલે આજે સવારે અમદાવાદ સ્ટેશનના એક નંબર પ્લેટફોર્મ પર ગોઠવાયેલું ‘એક્ઝિબિશન ઓન વ્હીલ્સ’ જોયું.

રવીન્દ્રનાથ ટાગોર જેવી કળાક્ષેત્રની હસ્તીને યાદ કરીને તેમના માટે આવું પ્રદર્શન વિચારવામાં આવે, એ અભિનંદનને પાત્ર છે. પ્રદર્શનમાં રવીન્દ્રનાથ, તેમનાં પરિવારજનો અને શાંતિનિકેતન ઉપરાંત વિવિધ મહાનુભાવો સાથે રવીન્દ્રનાથની ઘણી તસવીરો જોવા મળી. ‘ગીતાંજલિ’ના વિવિધ ભાષામાં પ્રકાશિત અનુવાદોનાં મુખપૃ્ષ્ઠ બહુ રસ પડે એવાં હતાં.

એક ડબ્બો રવીન્દ્રનાથનાં ચિત્રોનો જ હતો. પાંચે ડબ્બામાં ફરતી વખતે બંગાળી અવાજોમાં રવીન્દ્રસંગીતની સુરાવલિઓ સંભળાતી હતી. છેલ્લા ડબ્બામાં રવીન્દ્રનાથની છબી કે ચિત્રો ધરાવતી કેટલીક ચીજો ઉપરાંત શાંતિનિકેતનની હસ્તકલા તરીકે શોપિંગપ્રિય પ્રજાને ગમે એવી કેટલીક ચીજો –પર્સ ઇત્યાદિ- પણ હતી. ભલું થાવ આયોજકોનું કે શાંતિનિકેતનમાં બનેલાં સંદેશ-રસગુલ્લાં વેચાતાં ન હતાં.

આ પ્રકારના ઉપક્રમને આવકાર્યા પછી પણ તેમાંથી કેટલીક મૂળભૂત અપેક્ષાઓ મોટે ભાગે સંતોષાયા વગરની રહેતી હોય છે. ટાગોર-ટ્રેનમાં પણ એવું જ બન્યું.

  • ઇ.સ.2010નું પ્રદર્શન હોય અને તે ઇન્ટરએક્ટિવ કેમ ન હોય?
  • આખા પ્રદર્શનમાં ક્યાંય રવી્ન્દ્રનાથનો અવાજ અને ફિલ્મ (હાલતાચાલતા રવીન્દ્રનાથ) ક્યાંય ન દેખાય એ કેમ ચાલે? એક જાણીતી ડોક્યુમેન્ટરીમાં રવીન્દ્રનાથ ટાગોરના અવાજમાં રેકોર્ડ થયેલું જનગણમન... છે. પ્રદર્શનમાં ચારે અંતરાવાળું આખું જનગણમન... મૂકેલું હતું. તેની નીચે બટન દબાવવાથી રવીન્દ્રનાથના અવાજમાં એ સાંભળવા મળે એવી વ્યવસ્થા ન થઇ શકે? ટેકનોલોજીની રીતે એ કરવું અઘરું નથી.
  • આપણાં ઘણાં સંગ્રહસ્થાનોમાં બને છે તેમ, તસવીરોની નીચે ફોટોલાઇન ન હોય અથવા અધૂરી હોય એવું શા માટે? શાંતિનિકેતનની એક તસવીરમાં વિદ્યાર્થીઓ એક વડીલને વીંટળાઇને બેઠા હોય અને એની કશી ફોટોલાઇન જ ન હોય (- અને એ વડીલ શાંતિનિકેતનના આચાર્ય ક્ષિતિમોહન સેન હોય)...
  • આ પ્રકારનાં પ્રદર્શનોની કક્ષા જોતાં એવું લાગે, જાણે તે સ્કૂલનાં બાળકોને ધ્યાનમાં રાખીને યોજાતાં હશે. જો એમ જ હોય તો આયોજકોએ સ્કૂલનાં બાળકોની કક્ષા વિશે નવેસરથી વિચાર કરવો રહ્યો. કેમ કે ડિજિટલ યુગનાં બાળકોને આવાં પ્રદર્શનોથી કેટલી હદે આકર્ષી શકાય એ સવાલ., આ જાતનાં પ્રદર્શનમાં કોઇ ઉત્સાહી જ નહીં, જાણકાર પણ હોય એવા શિક્ષક સાથે હોય તો જ વિદ્યાર્થીઓને પણ કંઇક જાણવા મળે- અને વડીલો માટે તો એ વિકલ્પ પણ નથી
Photo Reproductions : courtesy : Sanskriti Yatra Train Exhibition