Wednesday, October 15, 2014
સરકારી જાહેરખબરો અને પ્રમાણભાન
સમાચાર તો નાના હતા - અને ભવિષ્યમાં મોટા થશે કે નહીં એ કોણ જાણે- પણ, ત્રણ સભ્યોની એક સમિતિએ સરકારી જાહેરખબરો અંગે કેટલીક કડક ભલામણો સર્વોચ્ચ અદાલતને સુપ્રત કરી છે. સર્વોચ્ચ અદાલતે નીમેલી આ સમિતિએ સૂચવ્યું છે કે સરકારી જાહેરખબરોમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્ય મંત્રી સિવાય બીજા કોઇની તસવીરો મુકાવી જોઇએ નહીં.
આમ તો આ કહ્યા વિના સમજાવી જોઇએ એવી વાત નથી? પક્ષપ્રમુખના કે પક્ષના સાચવવાપાત્ર અગ્રણીઓના ફોટો મૂકવા હોય તો જાહેરખબર પક્ષના ખર્ચે આપો. એમાં સરકારી નાણાં શા માટે વપરાવા જોઇએ? પણ ‘સરકારી એટલે નાગરિકોનું’ને બદલે ‘સરકારી એટલે આપણું’ એવી ‘સમજ’ ધરાવતા બહુમતી નેતાઓને સરકારી નાણાં અંગત કે પક્ષીય લાભ ખાતર વેડફવામાં કશો ખચકાટ થતો નથી. તેમને એ પોતાનો ચૂંટણીવિજયસિદ્ધ અધિકાર લાગે છે.
સમિતિના સૂચનનો આશય ‘સરકારી જાહેરખબરોમાંથી રાજકારણ દૂર કરવાનો’ છે. એટલો જ અગત્યનો મુદ્દો સરકારી જાહેરખબરોનો અતિરેક અટકાવવાનો છે. એ માટે સમિતિએ કહ્યું છે કે કોઇ મહાનુભાવની જન્મ કે મૃત્યુ તિથિ નિમિત્તે ફક્ત એક જ સરકારી જાહેરખબર પ્રસિદ્ધ થવી જોઇએ - અને તે પણ શક્ય હોય તો માહિતી પ્રસારણ ખાતાની. આવા કોઇ નિયમના અભાવે કેવી સ્થિતિ સર્જાય છે, તે સૌ જાણે છે. નાનાં, સ્થાનિક અખબારમાં કોઇ વ્યક્તિના મૃત્યુ પ્રસંગે આખું પાનું એક જ વ્યક્તિના બેસણાની જાહેરખબરોથી ભરેલું હોય, એવી કંઇક સ્થિતિ રાષ્ટ્રિય સ્તરે સર્જાય છે. એક જ નેતાની યાદમાં અનેક મંત્રાલયો જાહેરખબરો ઝીંકે છે. સ્થાનિક અખબારોમાં આવેલી બેસણાની જાહેરાત કમ સે કમ જુદા જુદા લોકોએ ગાંઠના ખર્ચે આપી હોય છે, જ્યારે સરકારી જાહેરખબરોમાં તો બધાં મંત્રાલયો દ્વારા થતું ખર્ચ છેવટે નાગરિકોએ ભોગવવાનું આવે છે- અથવા નાગરિકો માટે ખર્ચવાની રકમમાં એટલો કાપ આવે છે.
ગાંધીજી, સરદાર, નેહરુ, આંબેડકર, ભગતસિંઘ કે સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓની જન્મ-મૃત્યુ તિથિ નિમિત્તે ‘કૃતજ્ઞ રાષ્ટ્ર’ તેમને અંજલિ અર્પણ કરે, એ વિશે કોને વાંધો હોય? પરંતુ સરકારો દ્વારા જાહેરખબરોનો એટલો અતિરેક થાય છે કે એ નેતાઓ જીવતા હોય તો તે પણ લોકોના રૂપિયાનો આવો બગાડ જોઇને કકળી ઉઠે.
‘કૃતજ્ઞ રાષ્ટ્ર’ નાગરિકોના ખર્ચે કયા નેતાને કેટલા અંશે યાદ કરશે-તેમની પાછળ જાહેરખબરોમાં કેટલા કરોડ રૂપિયા ઓછા કરી નાખશે, એનો આધાર નેતાના મહત્ત્વ પર નહીં, પણ કયા પક્ષની સરકાર છે તેની પર હોય. આ બાબતમાં કેન્દ્ર સરકારમાં દસ વર્ષ રાજ કરનારી યુપીએ સરકાર અને ત્યાર પહેલાં રાજીવ ગાંધીની કોંગ્રેસ સરકાર વાજબી રીતે સૌથી વઘુ બદનામ હતી.
કોંગ્રેસી રાજના જમાનામાં રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેમણે નેહરુની જન્મશતાબ્દિ વખતે સરકારી પ્રચારમારાનો ઉબકા આવે એટલો અતિરેક કર્યો. નેહરુના ચિત્ર સાથેનો લોગો માણસોને જ્યાં ને ત્યાં એટલી હદે દેખાવા લાગ્યો કે નેહરુ વિશે લોકોને અભાવ ન હોય તો પણ થઇ જાય. તેનું એક દુષ્પરિણામ એ આવ્યું કે શ્યામ બેનેગલે પંડિત નેહરુના પુસ્તક ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ (ભારત : એક ખોજ) પરથી બનાવેલી માતબર ટીવી સિરીયલને તેના પહેલી વારના પ્રસારણમાં મળવો જોઇએ એટલો પ્રતિસાદ ન મળ્યો. ભારતના જ નહીં, વિશ્વભરનાં ટીવી માટે બનેલાં ઉત્તમ સર્જનોમાં ‘ભારત : એક ખોજ’નો પાટલો પડે, એવી તેની ગુણવત્તા હતી. પરંતુ રાજીવ ગાંધીએ કરેલો નેહરુનો અતિરેક સામાન્ય લોકોને સિરીયલ પ્રત્યે અભાવ પ્રેરવામાં એક નિમિત્ત બન્યો.
દેખીતું છે કે રાજીવ ગાંધીએ સરકારી ખર્ચે કરેલો નેહરુ-અંજલિનો મારો પંડિત નેહરુના સ્વતંત્ર ગુણોને બદલે લોહીના સંબંધને વધારે આભારી હતો. એ વખતે ઊભરતા અને એક માત્ર દૃશ્ય માઘ્યમ ‘દૂરદર્શન’ને (બી.બી.સી.ની રાહ પર) સ્વતંત્રને બદલે (રશિયા-ચીનના મૉડેલ પ્રમાણે) સરકારી બનાવવામાં પણ રાજીવ ગાંધીનો મોટો ફાળો હતો. તેમણે દૂરદર્શનને રાજીવદર્શન અને કોંગ્રેસદર્શન બનાવી દીઘું.
ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીના કરુણ અંત અને વાજપેયીની એનડીએ સરકાર પછી વર્ષ ૨૦૦૪માં કોંગ્રેસની આગેવાની હેઠળ યુપીએની સરકાર બની, ત્યારે ફરી ઇંદિરા ગાંધી-રાજીવ ગાંધીના સરકારી સ્મૃતિ-ઉત્સવો શરૂ થયા. માતા-પુત્રની જન્મ-મૃત્યુ તિથી જેવા પ્રસંગોએ સરકારનાં અનેક મંત્રાલયો તો છાપાંમાં જાહેરખબરો આપે જ, સાથોસાથ સોનિયા ગાંધી આગળ સારા દેખાવા ઇચ્છનારા ખુશામતના ભાગ તરીકે પણ છાપામાં ઇંદિરા-રાજીવને શ્રદ્ધાંજલિઓ છપાવે.
એક ઉદાહરણ : વર્ષ ૨૦૧૧માં રાજીવ ગાંધીની વીસમી મૃત્યુતિથિ વખતે યુપીએ સરકારનાં એક ડઝનથી પણ વઘુ ખાતાંએ અને કેટલીક રાજ્ય સરકારોએ એક સાથે રાજીવ ગાંધીને અંજલિ આપતી જાહેરખબરોનો વરસાદ વરસાવ્યો. માત્ર દિલ્હીનાં (સમાચારનાં અને બિઝનેસનાં મળીને) ૧૧ અખબારોમાં એ દિવસે રાજીવ ગાંધીને અંજલિની ૬૫ સરકારી જાહેરખબરો છપાઇ. તેમાંની ઘણીખરી મોટા કદની હતી. બઘું મળીને કુલ ૩૮ પાનાં અને ઉપર એક ચોથીયું રાજીવમય હતાં.
પ્રમાણભાન કેવું નેવે મુકાઇ ગયું તેની હજુ કેટલીક વિગતો ઉપલબ્ધ છે : ‘હિંદુસ્તાન ટાઇમ્સ’નાં કુલ ૨૪ પાનાંમાંથી સવા પાંચ પાનાં રાજીવ ગાંધીને લગતી ૯ સરકારી જાહેરખબરોએ રોકી લીધાં હતાં, તો ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નાં ૩૨માંથી ૬ પાનાં પર રાજીવ ગાંધી વિષયક ૧૦ જાહેરખબરો પથરાયેલી હતી. આ બધી જાહેરખબરોની રકમ સરકારી તિજોરીમાંથી ખર્ચવામાં આવી હતી. સવર્ષ ૨૦૧૦માં રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે લોકોનાં નાણાંનો આવો જ વેડફાટ થયો ત્યારે રામચંદ્ર ગુહાએ તેની ઝાટકણી કાઢતો એક લેખ લખ્યો હતો. તેમણે જાહેરખબરો પાછળ રૂ.સાઠ થી સિત્તેર કરોડ જેટલી રકમ ખર્ચાઇ હોવાનો જાડો અંદાજ માંડ્યો હતો. છતાં, બીજા વર્ષે સરકારને કશી લાજશરમ ન આવી. જાહેર હિતની અરજીઓ પછી વર્ષ ૨૦૧૨માં પણ એ સિલસિલો ચાલુ રહ્યો.
વર્ષ ૨૦૧૩માં જાણવા મળ્યું કે ૨૦૦૮થી ૨૦૧૨નાં પાંચ વર્ષમાં આવી સરકારી જાહેરખબરો પાછળ રૂ.૧૪૨ કરોડ ખર્ચાઇ ચૂક્યા છે અને તેમાં સૌથી વધારે રકમ સાદગીના અવતાર જેવા મહાત્મા ગાંધીને અંજલિ આપવા ખર્ચાઇ. (રૂ.૩૮.૩ કરોડ). નેહરુ-ઇંદિરા ગાંધી-રાજીવ ગાંધી એ ત્રણેને તિથિઓ નિમિત્તે સરકારી જાહેરખબરના ખર્ચનો પાંચ વર્ષનો સરવાળો હતો : રૂ.૫૩.૨ કરોડ. સઆ સ્થિતિ ઘ્યાનમાં લેતાં, સર્વોચ્ચ અદાલતની સમિતિએ કરેલી એક જ જાહેરખબર આપવાને લગતી ભલામણનો અમલ થાય તે જરૂરી બલ્કે અનિવાર્ય છે.
ધુમાડાની ઝાકઝમાળ
રાજીવ ગાંધી- ઇંદિરા ગાંધીની મૃત્યુતિથી-જન્મતિથીની જાહેરખબરોમાં થયેલો અતિરેક સંબંધિત વિભાગની જવાબદારી નક્કી કરી શકાય એવી રીતથી થયો. એટલે તેમના માથે યોગ્ય રીતે માછલાં ધોવાયાં. તેની સરખામણીમાં ગુજરાતનો કેસ જરા જુદો હતો. વર્તમાન વડાપ્રધાન ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે સરકારી જાહેરખબરો અને તેની પાછળ થતા સરકારી નાણાંના ધુમાડાને તે નવી ઊંચાઇએ લઇ ગયા. પરંપરાગત પ્રસાર માઘ્યમો (પ્રિન્ટ અને ટીવી) ઉપરાંત હોર્ડિંગ જેવાં આઉટડોર પબ્લિસિટીનાં માઘ્યમોનો તેમણે પોતાના ઇમેજ બિલ્ડિંગ માટે છૂટથી ઉપયોગ કર્યો. અંજાવા આતુર લોકોને પ્રભાવિત કરવા માટે તેમણે કોઇ રાજનેતા નહીં પણ અભિનેતાની જેમ સંખ્યાબંધ ફોટોશૂટ કરાવ્યાં, વિવિધ મુદ્રાઓ અને વિવિધ પોશાકોમાં પોઝ આપ્યા. પોતાની જાતને ‘એક ચાવાળા’ તરીકે અને સામાન્ય માણસ તરીકે ઓળખાવતા વડાપ્રધાન એ વખતે પોતાની ‘ચાવાળા’ તરીકેની ઓળખ શોધી શક્યા ન હતા. એટલે જાહેરખબરોનો ભપકો કરવાના મામલે તે ચાવાળાના નહીં, રાજાપાઠમાં હતા.
સરકારી જાહેરખબરોમાં સામાન્ય રીતે રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સહિત સૌ હોદ્દેદારોની પાસપોર્ટ સાઇઝની કે થોડી મોટી તસવીર છાપવાનો ધારો હતો. અપવાદરૂપ સંજોગો સિવાય ફક્ત દિવંગત નેતાઓની તસવીરો જ મોટી છપાતી. પરંતુ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીએ લોકોને પ્રભાવિત કરવાના સફળ પ્રયાસોના ભાગરૂપે સરકારી જાહેરખબરોેમાં પોતાની તસવીરો ફિલ્મનાં પોસ્ટરોની છટાથી મુકાવવાનું શરૂ કર્યું. પ્રસંગને અનુરૂપ હાવભાવ અને પોશાકમાં તેમની જાહેરખબરોને જો સળંગ જોવામાં આવે તો બને કે કોઇ રાજનેતાના પ્રચાર કરતાં કોઇ એક્ટરનો પોર્ટફોલિયો જોતા હોઇએ એવું લાગે.
વ્યક્તિ ટાપટીપ અને ભપકાબાજીની શોખીન હોય અને પોતાના ખર્ચે આ બઘું કરે તો એ જુદી વાત થઇ, પણ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીએ આ બધા પાછળ લોકોનાં નાણાંનો કેટલા મોટા પાયે ધુમાડો કર્યો, તેની ધોરણસરની ચર્ચા જ ન થઇ અને કેન્દ્ર સરકારના વેડફાટ પ્રત્યે (યોગ્ય રીતે) કકળાટ કરતા ગુજરાતના સરેરાશ લોકોને ઘરઆંગણે થતો અંધાઘૂંધ વેડફાટ અને પ્રમાણભાનની ચૂક દેખાયાં જ નહીં. રૂપિયાના વેડફાટ ઉપરાંત એક મુદ્દો રાજનેતા તરીકેની ગરીમાનો હતો. પહેલાં મોટાં હોર્ડિંગ ને ફિલ્મ અદાઓથી છવાઇ જવાનો ખેલ ફિલ્મલાઇનમાં મૂળીયાં ધરાવતા દક્ષિણ ભારતના નેતાઓ પાડતા હતા. મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી એ ખેલ ગુજરાતમાં લઇ આવ્યા. તેનું દુષ્પરિણામ એ આવ્યું છે કે હવે તેમનાં અનુગામી મુખ્ય મંત્રી પણ જાહેરખબરોમાં પોતાની મસમોટી તસવીરો છપાવે છે. આ વાત નાજુક વિવેકની છે. એ ન સમજાય તો હજુ ચાલે, પણ જાહેર નાણાંનું તાપણું કરીને નેતાઓ પોતાના રોટલા શેકે અને વાર્યા ન વળે ત્યારે સર્વોચ્ચ અદાલતનો જ આશરો રહે છે.
Tuesday, May 07, 2013
કરૂણ ગીતથી ક્લબ સોંગ સુધીની રેન્જ ધરાવતાં પહેલાં પાર્શ્વગાયિકાઃ શમશાદબેગમ
![]() |
| shamshad begum/ શમશાદ બેગમ |
![]() |
| sawan ke nazare hain- ad, (film india) |
![]() |
| અમદાવાદમાં ગ્રામોફોન ક્લબના કાર્યક્રમમાં, સૌની અપેક્ષાથી વિપરીત, છેવટ સુધી બેઠેલાં અને કાર્યક્રમ પછી ચાહકોનું અભિવાદન ઝીલતાં શમશાદ બેગમ |
Sunday, February 10, 2013
ભારતમાં એચ.એમ.વી.-યુગના આરંભિક દાયકા : હિઝ માસ્ટર્સ ગુજરાતી વોઇસ
'આ બાર ઇંચી રેકોર્ડ આપ સાહેબ આગળ રજુ કરતાં ઘણો આનંદ થાય છે...આ જમઘટની રેકોર્ડ આપ આપના સંગ્રહમાં જરૃર રાખશો કે જેથી ઘરની શોભામાં અભિવૃદ્ધિ થાય...આ ગાયનો ઉતારતાં કંપનીને ઘણું ખર્ચ અને ઘણી મહેનત પડી છે. આશા છે કે અમારી મહેનતની આપ જરૃર કદર કરશો. વધારે લખવું આ સ્થાને અયોગ્ય ગણાશે. માટે આપ જરૃર આ રેકોર્ડ વસાવો અને આપના કુટુંબને આનંદ આપો.'
ઉપરનું લખાણ ત્રીસીના દાયકામાં 'હિઝ માસ્ટર્સ વ્હોઇસ' નામે નીકળતા એચ.એમ.વી.ના ગુજરાતી સામયિકમાંથી લીધું છે. એ જાહેરખબરનું મથાળું છેઃ '૧૨ ઇંચી કલકત્તાના પ્રખ્યાત ગવૈયાઓની જમઘટ રેકોર્ડ.'
જાહેરખબરમાં બે-ત્રણ બાબતો ખાસ ધ્યાન ખેંચે એવી છેઃ એક તો, કંપની માટે ગ્રાહક 'આપ સાહેબ' છે. બીજું, રેકોર્ડ સાંભળવાની મઝા આવે કે ન આવે, પણ તેનાથી 'ઘરની શોભામાં અભિવૃદ્ધિ' ચોક્કસ થાય છે. ત્રીજું, સંગીત ખાતર નહીં તો કંપનીની મહેનતની કદર કરીને પણ કદરદાનોએ આ રેકોર્ડ ખરીદવી જોઇએ.
અંગ્રેજ કંપની 'હિઝ માસ્ટર્સ વોઇસ' ભારતમાં આવી અને મનોરંજનના ધંધામાં પડી, ત્યારે ફિલ્મોની શરૃઆત થઇ ન હતી. કંપનીનો મુખ્ય આધાર શાસ્ત્રીય કે બીજા લોકપ્રિય કલાકારો પર રહેતો. તેમની રેકોર્ડમાં કવ્વાલ હોય ને ઉસ્તાદ-પંડિત પણ હોય, નાટકમંડળીઓ હોય ને નેતાઓનાં ભાષણ પણ આવે. પોતાની રેકોર્ડ અને ગ્રામોફોન-સંબંધિત સાધનસરંજામના પ્રચારપ્રસાર માટે કંપની સીધાંસાદાં સૂચિપત્રો (કેટલોગ) છાપતી હતી. એ ઉપરાંત 'હિઝ માસ્ટર્સ વ્હોઇસ', 'કોલંબિયા', 'ઓડિયન' જેવાં રેકોર્ડ લેબલનાં નામ ધરાવતાં, પુસ્તીકા કે સામયિક જેવો દેખાવ- મુખપૃષ્ઠ અને તસવીરો ધરાવતાં સૂચિપત્રો પણ પ્રસિદ્ધ કરતી હતી. તેમાં રેકોર્ડોની વિગત ઉપરાંત ક્યારેક કલાકાર પરિચય, તેમની તસવીરો, ગ્રામોફોન-રેડિયોગ્રામ-રેકોર્ડ વગાડવાની સોય- રિસીવર જેવી ચીજોની જાહેરખબરો આવતી હતી. ગીતોના આખા પાઠ પણ તેમાં છપાતા હતા. જેમ કે, ગામઠી ગીતા.
'હાસ્યરસના ઇજારદારો' તરીકે ઓળખાવાયેલા કરાચીના કલાકારો જયંત આચાર્ય અને જગજીવનદાસે રજૂ કરેલી 'ગામઠી ગીતા'માં થોડા સંવાદો પછી, શ્લોકના સ્વરૃપે તળપદી ભાષામાં ગીતા શરૃ થતી હતી. તેમાં થયેલા 'ભાષાકર્મ'ને લીધે એ હાસ્યરસની દટાઇ ગયેલી, છતાં જ્યારે બહાર નીકળે ત્યારે ખડખડાટ હસાવી શકે એવી કૃતિ બની રહી છે. તેનું આચમન આપવાને બદલે છ 'શ્લોક'ની ગામઠી ગીતા આખી જ ઉતારવા જેવી છે.
ધૃતરાષ્ટ્ર ઉવાચઃ
ઓલ્યો ધરતડો ઓચરે સેઃ-
ધરમ ખેતરમાં ને કૌરવ ખેતરમાં જી ઘડીકમાં બાઝી મરે
એવા મારા સોકરા ને મારા ભાઇના સોકરા
ઇ ભેળાતી થઇને હું કરે હંજયડા
ટાણે ઓલ્યો અરઝણીયો કેસ...શું કેસે?
મોટાયે મારવા નાનાયે મારવા અને માર્યાંનો નો મળે આરો
એવું જો રાજ કેદીકનું નો કર્યું તો કયો ગગો રઇ ગ્યો કુંવારો?
કરહણીયા હું તો નથી લડવાનો
ટાણે ઓલ્યો કરહણીયો કેસેઃ-
મલક બધો તારી ઠેકડી કરે અને હુંયે તે કઇકઇને થાક્યો
ખત્રીના કુળમાં તું આવો ક્યાંથી ઉંધા તે પાનીયાનો પાક્યો
અરજણીયા, મેલને મુરખવેડા
ઉંધું ઘાલીને જા કરમ કરયે અને ફળની કર મા ફકર
ફળનો દેનારો ઓલ્યો પરભુડીયો નથી તારા બાપનો નોકર
અરજણીયા, મેલને મુરખવેડા
ભરમ ભાગ્યો ને સંશે ટળ્યો અને ગનાન લાધ્યું હાસું
તું મારો મદારી ને હું તારો માકડો, તું નસાવ એમ નાસું
અરજણીયા
મોટા મોટા માતમા પુરૃષ જેણે પ્રાલ બધમાં મેલ્યો પૂળો
ઇયે બધા નથી અકરમી તો તું તે કઇ વાડીનો મૂળો
ઝવેરચંદ મેઘાણીએ લખેલા શિવાજીના હાલરડાની રેકોર્ડ (નંબર એન ૩૫૬૯) વિશે લખ્યું છે, 'મી. ઝવેરચંદ મેઘાણી બહુ જ પ્રખ્યાત લેખક છે. એમણે 'શીવાજીનું હાલરડું' નામે બહુ જ સુંદર કવીતા લખી છે અને એ કવીતા રેકોર્ડમાં ઉતારવા માટે અમારા ઉપર ઘણાં કાગળો આવ્યો. એટલે અમે મી.આણંદજી પાસે એ કવીતા સ્પેશીયલ ઉતારી. મી.આણંદજીએ પોતાના સુરીલા અવાજથી આ રેકોર્ડમાં ડોલાવી નાંખ્યા છે...'
સ્વદેશીની ચળવળ જોરમાં હતી ત્યારે આ વિદેશી રેકોર્ડ કંપની ધંધા ખાતર વિના ખચકાટે સ્વદેશીપ્રચારને લગતાં ગીત કે સંવાદોની રેકોર્ડ પણ 'ભરતી' હતી. જૂની રંગભૂમિના વિખ્યાત કલાકારો કેશલલાલ 'કપાતર' અને આણંદજી 'કાઠિયાવાડી કબુતર'ની એક રેકોર્ડમાં પત્નીએ ગાયું હતું: 'સોહામણી સાડી સ્વદેશી લઇ આવો/ હાથે કાંતેલી ને હાથે વણેલી, કેસરીયા રંગથી રંગાવો/ ઝાઝી ફેશનનું કામ જ નથી હવે ઓછા ખરચમાં ચલાવો'. પતિ વચ્ચે વચ્ચે સમજાવે 'જાડી સાડીનો ભાર લાગશે, બૂટ-મોજાંનું શું થશે, હું બે સાડી લાવ્યો તેનું શું થશે?' દરેકનો જવાબ આપતાં છેલ્લે પત્ની કહેતી હતી,'ભલી રૃપાળી મારી ખાનદાન ખાદી, દેશના કારીગરો ખટાવો/ મર્યાદા સાચવે ને ખરચો ઘટાડે, વ્હેલા પીયુજી લઇ આવો'
વિઠ્ઠલભાઇ પટેલનું અવસાન થયું ત્યારે 'ગુજરાતનું ગૌરવ, હિંદુસ્તાનનો હીરો' એવા મથાળા સાથે વિઠ્ઠલભાઇને અંજલી આપતાં બે ગીતો કંપનીએ રેકોર્ડ કર્યાં હતાં અને લખ્યું હતું, 'સ્વ.વીઠલભાઇ પટેલના સ્મારકની આ રેકોર્ડ્સ દરેક ગુજરાતીઓના ઘરમાં હોવી જ જોઇએ.' એ ગીતો હતાં: 'તેજસ્વી તારો હિન્દનો આજે ખરી ગયો' અને 'ઓ માતૃભુમી તારો મહિમા મધુર ગાજે' (નંબરઃ એન ૧૫૯૪)
ફિલ્મી ગીતોનો જમાનો આવવાનો બાકી હતો ત્યારે એચ.એમ.વી.એ ઐતિહાસિક, પૌરાણિક અને સામાજિક કથાવસ્તુ ધરાવતાં નાટકોના સંવાદોના ત્રણ-ચાર-પાંચ રેકોર્ડના સેટ કાઢ્યા હતા. તેમને એક સાથે, રેકોર્ડદીઠ લગભગ દોઢ-બે રૂપિયાના ભાવે વેચવામાં આવતા હતા. ગ્રામોફોનનાં જુદાં જુદાં મોડેલ એ વખતે રૂ.૫૦-૬૦થી રૂ.૧૬૦-૧૭૦ની આસપાસ મળતાં હતાં.
ફિલ્મી ગીતો મનોરંજનનું મુખ્ય સાધન બનતાં એચ.એમ.વી.એ દાયકાઓ સુધી તેમાં એકાધિકાર ભોગવ્યો. તેની સામે 'યંગ ઇન્ડિયા' જેવી રાષ્ટ્રિય-રાષ્ટ્રવાદી રેકોર્ડ કંપની અને તેના ગુજરાતી -અમદાવાદી માલિક દુલેરાય પંડ્યાએ થોડા સમય માટે મજબૂત પડકાર ઊભો કર્યો હતો, એની કથા ફરી ક્યારેક.
એચ.એમ.વી.ના એકહથ્થુ સામ્રાજ્ય સામે સૌથી મોટો પડકાર ટેકનોલોજીનો ઊભો થયો. ભારતમાં એચ.એમ.વી.ની માલિકી બદલાઇ ગઇ અને તે 'સારેગમ' બની, જ્યારે તેની અસલી બ્રિટિશ કંપનીને આર્થિક મંદી અને સંગીતનું ઓનલાઇન વિતરણ નડી ગયાં. એક કંપની તરીકે એચ.એમ.વી. રહે કે ન રહે, તેની તમામ વ્યાવસાયિક યુક્તિ-પ્રયુક્તિઓ સહિત વીસમી સદીની મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક ઘટના તરીકે એચ.એમ.વી. હંમેશાં યાદ કરાશે.
(નોંધઃ લેખમાં ટાંકેલાં લખાણોમાં જોડણી અસલ પ્રમાણે રાખી છે.)
Sunday, November 18, 2012
મૂંગી ફિલ્મોના યુગની બોલકી જાહેરખબરો: ગાંધીજી, સ્વદેશી અને દેશભક્તિનું વ્યાપારીકરણ
ભારતમાં ફિલ્મઉદ્યોગની શરૂઆત અને ચઢતી લગભગ ગાંધીયુગની સમાંતરે થયાં. ગાંધીજી બાળપણમાં જે નાટકથી અત્યંત પ્રભાવિત થયા હતા એ રાજા હરિશ્ચંદ્રની કથા પરથી પહેલી મૂંગી ફિલ્મ ૧૯૧૩માં બની. તેેનાં બે વર્ષ પછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. ૧૯૨૦ના દાયકામાં ગાંધીજીના નેતૃત્વ તળે દેશમાં સત્યાગ્રહની લડતનો માહોલ બરાબર જામ્યો. એ ગાળો ફિલ્મો માટે એક માઘ્યમ તરીકે સ્થાપિત થવાનો હતો. ફિલ્મો આજે નવાઇ લાગે, પરંતુ એ વખતે ફિલ્મોની સીધી અને તીવ્ર હરીફાઇ નાટકો સાથે હતી. ફિલ્મો ત્યારે ટૂંકી બનતી અને નાટકો બે-ત્રણ કલાક તો ચાલે જ અને ‘વન્સ મોર’ થાય તે જુદા. નાટકોની જાહેરખબરોમાં પણ આ વાત ગાઇવગાડીને કહેવામાં આવતી હતી (જેનો એક નમૂનો ઉપર મૂક્યો છે)
દાંડીકૂચ (૧૯૩૦) સુધીમાં ગાંધીજીનું નેતૃત્વ અને ફિલ્મઉદ્યોગ પોતાનું સ્થાન કાયમી કરવાના છેલ્લા તબક્કામાં હતાં. બીજા વર્ષે ગાંધીજી ગોળમેજી પરિષદમાં લંડન ગયા, તેના થોડા મહિના પહેલાં ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’ (૧૯૩૧) આવી. પારસી નિર્માતા અરદેશર ઇરાનીએ બનાવેલી આ ફિલ્મની બુકલેટ ગુજરાતીમાં પણ હતી. (‘આલમઆરા’ના ‘લેડીઝ સ્પેશ્યલ’ શોની વિશિષ્ટ જાહેરખબર આ લેખ સાથે છે.)
અમદાવાદમાં એક વર્ષ પછી પણ, ઘીકાંટા પાસે આવેલી નોવેલ્ટી ટોકીઝમાં ‘આલમઆરા’ રજૂ થઇ ત્યારે તેની જાહેરખબર આ પ્રમાણે કરવામાં આવી હતીઃ ‘અમદાવાદના આંગણે સ્વદેશી હીંદી, બોલતી ગાતી ફીલમ. હીંદી ભાઇઓને હાથે બનેલી હીંદની હીંદી ભાષામાં હીંદી એક્ટરોના એકત્ર બળથી તૈયાર થયેલી શ્રી ઇમ્પીરીયલ મુવીટોનની સળંગ બોલતી ફીલમ.’
‘હીંદ’ અને ‘હીંદી’નું આટલું પુનરાવર્તન કર્યા પછી પણ ‘સ્વદેશી’નો મુદ્દો વધારે ધુંટવા માટે તેમાં લખ્યું હતું ‘અત્યાર સુધી ચીત્રપટો મુંગાં આવતાં હતાં. પરંતુ હવે તમારા માનીતા એક્ટરોને સાંભળવાની તમોને ઉમદા તક મળી છે. તમો તેમને ગાતા તથા વાતચીત કરતા જોશો. ૧૦૦ ટકા બોલતી ગાજતી વાજતી ભાષણો સંવાદો ગાયનો નાચના સુંદર દેખાવો સ્વદેશી હુનરની આ કીર્તીવંત ફતેહ છે એમ તમો જરૂર કબુલ કરશો. જ્યારે અત્યારે સ્વદેશીનો જમાનો છે, ત્યારે હજારોના ભોગે તઇયાર થયેલી તથા હજારોના ભોગે જ જહેમતથી આ ફીલમ રજુ થાય છે...’
ગાંધીજીને જોકે ફિલ્મો સાથે કશો સંબંધ ન હતો અને ગોળમેજી પરિષદ નિમિત્તે લંડનરોકાણ દરમિયાન, ચાર્લી ચેપ્લિનને મળતાં પહેલાં ‘એ કોણ?’ એવું પણ ગાંધીજીએ પૂછ્યું હતું. બીજી તરફ, ફિલ્મઉદ્યોગને, કમ સે કમ માર્કેટિંગ પૂરતો સ્વદેશી અને ગાંધીજીમાં ભરપૂર રસ હતો. ઐતિહાસિક-પૌરાણિક ફિલ્મો દ્વારા પ્રાચીન ‘આર્યભૂમિ’નું ગૌરવ કરીને પ્રેક્ષકોને ખેંચવા માગતા ફિલ્મવાળાને ગાંધીજીનાં સત્યાગ્રહ અને સ્વદેશી અને આઝાદીની ચળવળમાં પોતાના ધંધાના માર્કેટિંગની ઘણી તક દેખાઇ હતી. એ ગાળાની ફિલ્મોની જાહેરખબરોમાં પણ તે જોવા મળે છે. નમૂના લેખે અહીં મૂકાયેલી ‘આદર્શ અબળા’ ફિલ્મની જાહેરખબર વાંચો.
સ્વાતંત્ર્ય સંગ્રામને સાંકળતી ઇમ્પીરીયલ સ્ટુડિયોની ફિલ્મ ‘અમારૂ હિન્દુસ્થાન’ની જાહેરખબરમાં લખાણ છેઃ ‘બ્રહ્માંડો પલટે, યુગયોગો ઉગે કે આથમે, આસમાનો તૂટે અને આખી આલમમાં અજબ પરીવર્તન આવે છતાં એ અમર આર્યાવર્તનો ઝંડો તો અફર અને અણનમજ રહેશે...એ ઝંડાધારીઓ કોણ છે? માતૃભૂમી માટે માથા કેમ મુકે છે? એ જોવા માટે આ ફીલ્મ જરૂર જોજો.’ (આ અને હવે પછીનાં દરેક જાહેરખબરીયાં લખાણોમાં જોડણી-વાક્યરચના અસલ પ્રમાણે). આટલા માર્કેટિંગથી સંતોષ ન થતાં જાહેરખબરમાં લખવામાં આવ્યું છેઃ ‘આર્યાવર્તની આઝાદી પ્રકટે માટે આ ફીલ્મ જોવા જરૂર ત્હમારા માનીતા સીનેમામાં પધારજો.’
હિંદી ફિલ્મનું એક અંગ્રેજી નામ રાખવાની એ સમયની સ્ટાઇલ પ્રમાણે ‘અમારૂ હિન્દુસ્થાન’નું અંગ્રેજી નામ હતું ‘ફાધર ઇન્ડિયા’. આ નામ આપવા પાછળનું સંભવિત કારણ અમેરિકન પત્રકાર કેથરિન મેયોનું પુસ્તક ‘મધર ઇન્ડિયા’ હશે. એ પુસ્તકમાં ભારતની નકરી બદબોઇ કરવામાં આવી હતી, એવું એ વખતના નેતાઓને લાગ્યું હતું. ગાંધીજીએ આ પુસ્તકને ‘ગટર ઇન્સ્પેક્ટર્સ રીપોર્ટ’ ગણાવ્યું હતું. એનો સંદર્ભ લઇને ‘અમારૂ હિન્દુસ્થાન’ની જાહેરખબરમાં લખાયું હતુંઃ ‘ગટર મુકાદમ તરીકે નામચીન થએલી મીસ મેયોએ પ્રચારેલા ઝેર સામે આ ચિત્રપટ અમૃત સંજીવનીસમું ઝળકી ઉઠે છે.’ (૧૯૩૦)
‘કૃષ્ણ ફિલ્મ કંપની’એ ‘નવચેતન’ના તંત્રી ચાંપશીભાઇ ઉદ્દેશીની નવલકથા પરથી એ જ નામે બનાવેલી મૂંગી ફિલ્મ ‘તાતી તલ્વાર’ની આખા પાનાની જાહેરખબરમાં મોટું મથાળું ચમકે છેઃ ‘જ્યાં વિદેશી ફિલ્મો ફરકતી ત્યાં સ્વદેશી ચિત્રપટ ચમકે છે.’ અને તળીયે સૂચના છે,‘આવતા ગુરૂવારે- સ્વદેશી કળાના ઉત્તમ નમુનાને નીરખવા તૈયાર રહેજો.’ (૧૯૩૦) બીજા વર્ષે ‘કૃષ્ણ’ની ફિલ્મ ‘અમર કીર્તી’ની જાહેરાતમાં આ પંક્તિઓ મૂકવામાં આવી છેઃ ‘અમર કીર્તી’ને કાજ, ગાંધી ગુજરાતે ભમે/ સંભળાએ વીરહાક, સ્વતંત્ર થાવા આવજો.. ત્યાર પછીનું લખાણ છે, ‘દેશ અત્યારે સળગી રહ્યો છે ત્યારે તમારી ફરજ શું છે? એ વીચારો, અને માતૃભૂમીની મદદે ટુટી પડો. પરંતુ તે પહેલાં તમે ‘અમર કીર્તી’ કેમ રાખવી તે નજરે નજર જુઓ અને શીખો...શ્રી કૃષ્ણ ફીલ્મ કુંપની કૃત જમાનાનું જ્વલંત ચીત્રપટ..અમર કીર્તી.’
૧૯૩૨માં ગાંધીજીના ભાષણની ‘ફક્ત કૃષ્ણ કંપનીએ’ ઉતારેલી ફિલ્મની જાહેરખબર પણ જોવા મળે છે. તેમાં જણાવાયું છે, ‘મહાત્માજીના દર્શનનો લાભ તથા ભાષણ સ્પષ્ટ સાંભળવા સહકુટુંબ પધારો.’
સિનેમા અંગે ગાંધીજીના મનમાં કદી ભાવ પેદા ન થયો કે ન કોઇ ફિલ્મવાળાને તેમના સીધા કે આડકતરા આશીર્વાદ હતા. ‘રામરાજ્ય’ ફિલ્મ ગાંઘીજીને બહુ ગમી હોવાની વાત જૂના વખતથી ચાલી આવતી દંતકથા જ છે. એ ફિલ્મના આર્ટ ડાયરેક્ટર અને ગુજરાતી ચિત્રકાર કનુ દેસાઇના સૂચનથી ગાંધીજીને આ ફિલ્મ બતાવવામાં આવી હતી. ત્યાર પહેલાં કોઇની ખોટી સમજાવટથી મીરાબહેને ગાંધીજીને ‘મિશન ટુ મોસ્કો’ નામની અંગ્રેજી ફિલ્મ બતાવી હતી. તેના પ્રતિભાવમાં ગાંધીજીએ ચબરખીમાં લખ્યું હતું, ‘આવા નાગા નાચ મને દેખાડવાનું શું સૂઝ્યું?’ ‘રામરાજ્ય’ની વાત આવી એટલે ગાંધીજીએ કહ્યું, ‘એક વિલાયતી ફિલમ જોવાની ભૂલ કરી. એટલે હવે બીજી કરવી જ પડશે ને?’ બહુ રકઝક પછી તેમણે ફિલમ જોઇ અને તેમને જરાય ન ગમી, એવું શાંતિકુમાર મોરારજીએ ‘ગાંધીજીનાં સંસ્મરણો અને બીજી સાંભરણો’માં નોંઘ્યું છે.
‘મારું ચાલે તો હિંદુસ્તાનભરમાંથી સિનેમા થિયેટરની જગ્યાએ કાંતણ થિયેર ઊભાં કરું. જુદી જુદી હાથકળાની સામગ્રીઓ થિયેટરમાં બનાવું.’ એવું કહેનાર ગાંધીજીને સિનેમા સામે ગંભીર વાંધા હતા. ‘મને ઘણા ખૂબ સમજાવે છે કે સિનેમા જોવાથી ઘણો બોધ મળે છે, પણ મને તો એ વાત ગળે ઊતરતી જ નથી. એક તો એ બંધિયારમાં બેસવાથી શ્વાસોચ્છ્વાસ રૂંધાય છે. હું તો બહુ નાનો હતો ત્યારે આવા થિયેટરમાં ગયો હતો...છાપાંઓમાં આપણાં નટનટીઓની જાહેરખબરો દ્વારા કેટલા ગંદા ફોટા મૂકવામાં આવે છે? અને વિચાર તો કરો કે એ નટનટીઓ છે કોણ? આપણી જ બહેનો અને આપણા જ ભાઇઓ છે. પૈસાની બરબાદી સાથે આપણી સંસ્કૃતિની બરબાદી થાય છે. જો કોઇ મને આ દેશનો વડોપ્રધાન બનાવે તો...સિનેમા થિયેટર તદ્દન બંધ જ કરાવું અથવા કદાચ એટલી છૂટ મૂકું કે કેળવણી કે કુદરતી દૃશ્યો બતાવાય તેવાં જ ચિત્રો બતાવું...હું સરકારને ત્યાં સુધી સૂચવું કે, આવી જીવન હણે એવી પ્રવૃત્તિઓ પર એવો સખત કર નાખો...’ (તા. ૨૭-૫-૧૯૪૭, ‘બિહાર પછી દિલ્હી’)
રીચાર્ડ એટેનબરોની ‘ગાંધી’ ફિલ્મ અને તેની પ્રચંડ સફળતા જોઇને ગાંધીજીએ શું કહ્યું હોત? એ બીજા લેખનો- કદાચ હાસ્યલેખનો- વિષય છે.
Sunday, November 11, 2012
ફિલ્મઉદ્યોગની શતાબ્દિનો અજાણ્યો ખૂણો: મૂંગી ફિલ્મો, બોલકી જાહેરખબરો
સમય, સમાજ અને પ્રચલિત ભાષાનું પ્રતિબિંબ સાહિત્યમાં, સમાચારોમાં અને લખાણોમાં શોધવાની પ્રથા જાણીતી છે. આ યાદીમાં જાહેરખબરોનો ભાગ્યે જ સમાવેશ થાય છે.
જાહેરખબરો- એડવર્ટાઇઝમેન્ટ્સ નથી કળા કે નથી સાહિત્ય. તેમાં સમાચાર પણ નથી હોતા ને સચ્ચાઇ પણ ઘણી વાર સંદેહાસ્પદ હોય છે. એ બઘું બરાબર. છતાં, જાહેરખબરોમાં વીતેલા સમયની ઘણી રંગછટાઓ ભળેલી હોય છે. માત્ર ધંધાદારી કે ‘પેઇડ’ હોવાને કારણે, તેમનું મૂલ્ય ઓછું આંકી શકાય નહીં. હા, એ માપવા માટેની ફૂટપટ્ટી જરા બદલવી પડે.
જેમ કે, ફિલ્મની જાહેરખબરો. એ કામ હવે મોભાદાર અને સર્જકતા માગી લેતું ગણાય છે. તેમાં છાપાં-સામયિકો ઉપરાંત વિડીયો, રેડિયો અને ઇન્ટરનેટ જેવાં માઘ્યમોનો ઉમેરો થતાં, જાહેરખબરોનું સ્વરૂપ બદલાયું છે. પરંતુ ભારતમાં ફિલ્મોનો આરંભ થયો ત્યારે પ્રસારમાઘ્યમોનો વ્યાપ - અને સાક્ષરતાનું પ્રમાણ- આટલાં વિશાળ ન હતાં. વર્ષો સુધી ફિલ્મ અને તેની સાથે સંકળાયેલી તમામ બાબતો પ્રત્યે કહેવાતો ‘સભ્ય સમાજ’ નાકનું ટીચકું ચઢાવતો હતો. પ્રતિષ્ઠિત ગણાતાં સામયિકોને ફિલ્મોની જાહેરખબરો છાપવામાં શરમ આવતી હતી ને હીણપત લાગતી હતી. પરંતુ ‘વીસમી સદી’ (હાજી મહંમદના મૃત્યુ પછી તેમના પુત્રે ચાલુ કરેલો બીજો અવતાર), ‘બે ઘડી મોજ’ જેવાં સાહિત્યિકતાના ભાર વગરનાં ભેળપુરી સામયિકોને એવો કોઇ છોછ નડતો ન હતો.
પરિણામે, ફિલ્મઉદ્યોગનાં ૧૦૦ વર્ષ નિમિત્તે જૂની- ખાસ કરીને બોલતી ફિલ્મ પહેલાંના સમયની જાહેરાતો શોધવાની થાય, ત્યારે એ ગાળાનાં ‘કુમાર’ જેવાં માતબર સામયિકો ખપ લાગતાં નથી ને ‘પરચૂરણ’ ગણાયેલાં સામયિકો ઘણુંખરું જોવા મળતાં નથી. અખબારોમાં ફિલ્મની જાહેરખબરો આવતી હતી, પણ જાહેર પુસ્તકાલયોના સંગ્રહમાં એટલાં જૂનાં અખબાર મળે નહીં.
ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’ ૧૯૩૧માં રજૂ થઇ. ત્યાર પહેલાં ૧૯૧૩થી મૂંગી ચાલુ થયેલી મૂંગી ફિલ્મોનો દૌર કેવો હતો? એ ઇતિહાસ પર પ્રકાશ પાડતાં થોડાં સંશોધન થયાં છે, પણ જાહેરખબરોના માઘ્યમથી એ સમય તપાસવાની જુદી જ મઝા છે. તેમાં આઠ-નવ દાયકા પહેલાંની ફિલ્મી દુનિયા ઉપરાંત એ સમયની ગુજરાતી ભાષા તથા પ્રચારના તરંગતુક્કાગતકડાંનો પણ આબાદ અને કંઇક અંશે રમૂજી ખ્યાલ મળે છે.
જેમ કે, માર્ચ ૧૯૨૮માં છપાયેલી ‘કોહિનૂર ફિલ્મ કંપની’ની ‘વીરાંગના’ ફિલ્મની જાહેરખબર. તેના લખાણમાં મથાળે આગાહી કરવામાં આવી છે, ‘આ અઠવાડીયામાં- સીનેમા બજારમાં મોટી ઉથલપાથલ થશે તમાશબીનોનાં ટોળેટોળાં સીનેમા મેજેસ્ટીકમાં ઉતરી પડશે. કારણ- ગંજાવર ખરચે તૈયાર કરેલી મી.દવેની લખેલી નવી કોહીનુર ફીલ્મ- વીરાંગના.’ (જોડણી અસલ પ્રમાણે) ‘આ અઠવાડીયામાં જ રજૂ થઇ છે કે જેમાં જાણીતા નટ મી.ખલીલ, મી. ગનીબાબુ ને મુંબઇની રંગભુમીનો માનીતો કોમેડીયન શીવોભાઇ, મીસ યકબાલ, મીસ હીરા વીગેરે કમાલ કરે છે.’
જાહેરખબરમાં હજુ વજન ખૂટતું હોય તેમ, તળીયે ઉમેરવામાં આવ્યું છે,‘આ ફીલ્મમાં ૧૦૦૦ આદમી, ૫૦૦ પોઠીયા, ૨૦૦ ઘોડા, ૧ ઊંટ, ૧ હાથીનો ઉપયોગ કરી આરય (આર્ય) રમણીઓનાં શીયળ, વીરતા, ક્ષમા ને ગૃહીણીના ઉચ્ચ ગુણોની અદ્ભૂત આદર્શ ઘટના રજુ કરવામાં આવી છે.’
સાર્થ જોડણી કોશ તૈયાર થયો એ પહેલાંની આ જાહેરખબરોમાં જોડણીની અને ભાષાની અપરંપાર અરાજકતા જોવા મળે છે. (એનો અર્થ એમ નહીં કે પછી એ સુધરી ગઇ.) ‘કોહિનૂર’ની જ ૧૯૨૯ની ફિલ્મ ‘વીરપૂજન’ની જાહેરખબરમાં લખ્યું છે, ‘આ ફિલ્મ ત્હમને ખરેખરા અભિનય અને લલિત્વનું ભાન કરાવશે...માટે બઘું ભૂલજો! પરંતુ આ અઠવાડીએ આ ફીલ્મ જોવાનું રખે ચૂકતા’ એવી તાકીદ કરવામાં આવી છે.
સામાજિક સમસ્યાઓના નામે ફિલ્મની જાહેરાતોમાં થતી મસાલેદાર રજૂઆતો પણ અત્યારે મનોરંજક લાગે એવી છે. કનૈયાલાલ મુનશીની નવલકથા પરથી ‘કૃષ્ણ ફિલ્મ કંપની’એ બનાવેલી ફિલ્મ ‘કોનો વાંક?’ (૧૯૨૯)ની જાહેરખબરના મથાળે લખ્યું છે, ‘હિન્દુ સમાજ માને છે- શું? યુવતિ વિધવા એટલે સંસારની પતિતા, સમાજ ત્હેને અધઃપતનની ઉંડી ગર્તામાં હોમી દે છે. એવી સંસારની પતિત કહેવાતી વિધવાની કરૂણ કહાણી ત્હમે કોઇ વખત સાંભળી છે?’ મોટા અક્ષરે ફિલ્મનું નામ લખ્યા પછી બે જ લીટીમાં અપાયેલો કથાસારઃ ‘એક વિધવાનો એક એક આંસુ સમાજનું નખ્ખોદ વાળવાનો ભયંકર ઘોરી શાપ આપી રહ્યો છે. અહા! એ વિધવાનો કરૂણ અવાઝ અને ચિતાર જોવો હોય તો, જરૂર ત્હમારા કુટુંબ સહિત આ ફિલ્મ જોવાને ચૂકવું નહિં.’
ફિલ્મની જાહેરખબરના મથાળે પંક્તિઓ કે નવા-જૂના દુહા મૂકવાનું ચલણ ઘણી જાહેરખબરોમાં જોવા મળે છે. ‘સુરેશ ફીલ્મ્સનું માસ્તરપીસ પ્રોડક્ષન’ ગણાવાયેલી ૧૯૩૦ની ફિલ્મ ‘સોનેરી ખંજર’ની જાહેરખબરમાં મથાળે પંક્તિઓ છેઃ ‘ખેલાડી પેંતરા જાણે, બીજા ખેલાડીના/ અંધારે પણ ઉંદરને, શોધશે ડોળા બિલાડીના’. આવી ‘ભેદી’ પંક્તિ પછી એક શ્વાસે રજૂ થયેલો ફિલ્મનો કથાસાર, ‘મુતસદીગીરીનો મહાન ઉસ્તાદ મુછ પર લીંબુ ઠરાવનાર બાપ, પોતાની સગી પુત્રીને રાજ ખટપટની શેતરંજની એક સોગઠી બનાવી બે ભાઇ વચે એક વેશયા તરીકે વેચાવી પોતાનો અધઃપાત સોનેરી ખંજરથી કરી મૂકે છે તેનો ત્રાસ- અતી ત્રાસ- દારૂણ ત્રાસ ઉપજાવતો ચીતાર રજૂ કરતું...’
‘મિત્ર મિત્રમાં ફેર છે, બહુધા મતલબી માન/ સમય પરે પરખાય છે, સન્મિત્ર કે શયતાન!’ એવી પંક્તિના મુગટ સાથે આવેલી ‘સન્મિત્ર કે શયતાન’ (૧૯૨૯)ની જાહેરખબરમાં ‘ફક્કડ ફોટોગ્રાફી’નું વર્ણન આ શબ્દોમાં કરવામાં આવ્યું છેઃ ‘ઉંચ્ચા ટેકરા, ડોલતા પર્વતો અને ખીણોમાં ખાબકતા ઘોડાનાં ધમાસાણોનાં દૃશ્યો શ્રી ચતુરભાઇએ કેમેરાની કાતિલ ખુબીથી ઉતાર્યાં છે. તમાશબીનોને ખરે જ તાજુબ કરે એવી આ ફીલમ જો કોઇ નહીં જુએ તે ખરેખર જીંદગીની એક અમુલ્ય તક ગુમાવશે.’
‘કૃષ્ણ’ની ફિલ્મ ‘શૂરાના સંગ્રામ’ની જાહેરાતમાં સૌથી પહેલાં વીસમી સદીનાં યુદ્ધોની ઝાટકણી આ રીતે કાઢવામાં આવી છેઃ ‘વીસમી સદીનાં યુદ્ધો એટલે? વિશ્વાસઘાત, દાવપેચ, કુટીલતા અને કાયરતાનાં પ્રદર્શનો, યાંત્રિક સાધનો અને વૈજ્ઞાનિક વિઘાતક વસ્તુઓના નિર્દય પ્રયોગો.’ પછી જાહેરખબર ‘મેરા ભારત મહાન’ના રસ્તે વળી જઇને કહે છે, ‘પરંતુ હિંદુસ્તાનના એ સુવર્ણ યુગમાં તો સામસામા શૂરાના સંગ્રામ ખેલાતા- નીતિ અને ધર્મપૂર્વક વીરનાં વેર લેવાતાં- શત્રુની મુસીબતનો લાભ લઇને કાયરતાભર્યા હુમલાઓ ન થતા- બલ્કે દુશ્મનની દીકરીને પોતાની દીકરી માની મદદ કરતા. એ જમાનાની, સોરઠના ઇતિહાસમાંથી ઉતારેલી એક વીરરસથી ભરપૂર ફિલ્મ...’ ‘આર્યન ફિલમ કુંપની’ કૃત ‘ઠકસેન રાજપૂત્ર’ (૧૯૨૯)ની જાહેરખબરમાં કરાયેલો દાવો જ વીરરસથી ભરપૂર છેઃ ‘જૂના જમાનાની શમશીર ને પટાબાજીની રમતોને ઉલથાપ આપનારા દાવપેચો જોઇને તમારામાં એક શેર તાજું લોહી આવશે.’
‘લીટલ ફિલમ કુંપની’ તેની ફિલ્મ ‘ખૂની કોણ?’ (૧૯૨૯) વિશે કહે છે, ‘અત્યારે મારફાડ ને દોડધામની ફિલમો સાધારણ થઇ પડી છે. તેમાં આ ફિલમની કળા તમને કાંઇ જુદો જ ખ્યાલ આપશે...માર મારના વરસાદમાં પણ આવજો. આવી ફિલમ જોવાની તક ફરી ફરી હાથ આવતી નથી...દિલ્ચષ્પ પ્લોટ અને વાર્તા જોઇ છક્ક થશો.’ ‘રૂક્ષ્મિણીહરણ’ (૧૯૨૯)જેવી ફિલ્મોમાં પ્લોટ તો જાણીતો જ હોય. ત્યારે દર્શકોને કહેવામાં આવતું,‘જેનું રહસ્ય તમે જાણો છો તથા વાંચ્યું હશે, પણ તેનો આબેહૂબ ચીતાર જોવા તમે ત્હમારા બાળગોપાળ સહિત જરૂર પધારો.’
(મૂંગી ફિલ્મોની અને શરૂઆતના ગાળાની બોલતી ફિલ્મોની અજબગજબ જાહેરાતો વિશે વઘુ આવતા સપ્તાહે)
Friday, July 13, 2012
દારાસિંઘને અંજલિઃ ‘હનુમાન’ બન્યા પછી તેમને કેવી મુશ્કેલી પડતી હતી?
![]() |
| DaraSingh (courtesy: santabanta.com) |
![]() |
| રંધાવા (ડાબે) અને દારાસિંઘ/ Randhawa and DaraSingh |
![]() |
| DaraSingh Wrestling Bout Ad-1 |
![]() |
| DaraSingh-Randhawa Wrestling Bout Ad-2 |
![]() |
| DaraSingh- Mumtaz |
![]() |
| Prithviraj Kapoor |
| Premnath |
![]() |
| ધર્મેન્દ્ર - પૃથ્વીરાજ કપુર/Two HeMen: young Dharmendra with Prithviraj Kapoor |
![]() |
| જય હનુમાન? |
Monday, April 30, 2012
ભારતીય ફિલ્મોની શતાબ્દિઃ આરંભથી શૂરા ગુજરાતીઓ
દાદાસાહેબ ફાળકેએ બનાવેલી પહેલી પૂરા કદની ભારતીય ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ ૩ મે, ૧૯૧૩ના રોજ થિએટરમાં સામાન્ય દર્શકો માટે રજૂ થઇ. એ ઘટનાને ૯૯ વર્ષ પૂરાં થઇને ૩ મે, ૨૦૧૨ના રોજ ૧૦૦મું વર્ષ બેસશે. આ ફિલ્મની પહેલવહેલી રજૂઆત ૨૧ એપ્રિલ, ૧૯૧૩ના રોજ થઇ હતી તેને ઘ્યાનમાં લઇએ તો, ૧૦૦મું વર્ષ બેસી ચૂક્યું ગણાય.
૯૯ વર્ષ જૂના ભારતીય ફિલ્મઉદ્યોગમાં ગુજરાતીઓનું સ્થાન, સંકુચિત પ્રાદેશિકતાની રીતે નહીં, પણ વ્યાપક પ્રદાનની રીતે વિશેષ ઉલ્લેખનીય છે. સુરતના હરીશ રધુવંશી જેવા સંશોધકે ભારે જહેમતથી હિંદી ફિલ્મઉદ્યોગનાં તમામ પાસાં સાથે સંકળાયેલા ગુજરાતીઓની યાદી તૈયાર કરીને એ પ્રચલિત માન્યતા ખોટી પુરવાર કરી છે કે ગુજરાતીઓનું પ્રદાન નિર્માતા તરીકે ફક્ત શેઠગીરી કરવા પૂરતું મર્યાદિત હતું. વીરચંદ ધરમશી જેવા પ્રખર અભ્યાસી મૂંગી ફિલ્મોના જમાનામાં ગુજરાતીઓના પ્રદાનની વિગતો ઉલેચી લાવ્યા છે. આવા થોડા સંશોધકોના પ્રતાપે, દસ્તાવેજીકરણનો રિવાજ નહીં ધરાવતા ભારતમાં, ફિલ્મઉદ્યોગની શરૂઆતનો ઇતિહાસ જળવાઇ શક્યો છે. એટલું જ નહીં, તેમની નિઃસ્વાર્થ મહેનત થકી, ગુજરાતીઓના મહત્ત્વપૂર્ણ પ્રદાન વિશેની માહિતી ઉપલબ્ધ બની છે.
ઇતિહાસ કે આંકડાને શુષ્ક ગણનારા લોકો માટે પણ ફિલ્મના ઇતિહાસમાં રસપ્રદ સામગ્રીનો પાર નથી. ઉદાહરણ તરીકે, ભારતીય (આપણા પૂરતું હિંદી અને ગુજરાતી) ફિલ્મોમાં દલિતોનું પ્રદાન. આટલું વાંચીને ઘણાં મોં તુચ્છકારથી વંકાઇ જાય એવું બને. પરંતુ જૂજ અભ્યાસીઓ-સંશોધકો સિવાય ભાગ્યે જ કોઇને ખ્યાલ હશે કે ભારતીય ફિલ્મઉદ્યોગમાં સફળતાનો પર્યાય ગણાતા પહેલા કમર્શિયલ ફિલ્મ ડાયરેક્ટર કાનજીભાઇ રાઠોડ જન્મે ગુજરાતી દલિત હતા.
![]() |
| Kanjibhai Rathod/ કાનજીભાઇ રાઠોડ |
ફિલ્મઉદ્યોગના પાયામાં રહેલા ગુજરાતી ભાટિયા દ્વારકાદાસ સંપટની ‘કોહિનૂર ફિલ્મ કંપની’માં ૧૯૨૧થી ૧૯૨૪ના ટૂંકા ગાળામાં કાનજીભાઇએ ૩૧ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતા સંપટે ‘ભક્ત વિદુર’ ફિલ્મ દ્વારા અંગ્રેજી શાસન પર પ્રહાર કર્યા. તેમાં સંપટ પોતે ખાદીધારી વિદુર બન્યા અને કૌરવો એટલે અંગ્રેજી રાજ. કૃષ્ણની ભૂમિકા, આગળ જતાં ‘શ્રીકૃષ્ણ ફિલ્મ કંપની’ના માલિક બનેલા માણેકલાલ પટેલે અદા કરી. ભારે ચર્ચાસ્પદ નીવડેલી આ ફિલ્મનું દિગ્દર્શન કાનજીભાઇને સોંપવામાં આવ્યું હતું. ‘કોહિનૂર’ પછી મુંબઇની ‘શ્રીકૃષ્ણ ફિલ્મ કંપની’માં કાનજીભાઇએ ૨૧ ફિલ્મો દિગ્દર્શીત કરી. રાજકોટની ‘સૌરાષ્ટ્ર ફિલ્મકંપની’ સાથે પણ તે થોડો સમય સંકળાયા. ૧૯૩૧માં બોલતી ફિલ્મોની શરૂઆત થઇ, એ વર્ષે મુંબઇમાં બનેલી ૧૭ બોલતી ફિલ્મોમાંથી પ ફિલ્મોમાં કાનજીભાઇનું દિગ્દર્શન હતું. (કાનજીભાઇના અંગત જીવન કે તેમના પરિવાર વિશે કોઇ વાચક વઘુ માહિતી આપશે તો આનંદ થશે.)
ફિલ્મોમાં ગુજરાતીઓના વર્ચસ્વનો પ્રારંભ મૂક ફિલ્મોથી થઇ ચૂક્યો હતો. ૧૯૧૩થી ૧૯૩4 દરમિયાન બનેલી કુલ ૧,૩૧૩ મૂંગી ફિલ્મોમાં અડધાથી પણ વઘુ ફિલ્મો ગુજરાતીઓની માલિકીની ફિલ્મકંપનીઓ દ્વારા બની હતી. ૧૯૧૭માં કલકત્તામાં સ્થપાયેલી, ગુજરાતીની માલિકીની પહેલી ફિલ્મ કંપની હતીઃ એલ્ફિન્સ્ટન બાયોસ્કોપ કંપની. ટૂંક સમયમાં ‘માદન થિએટર્સ’ નામ ધારણ કરનાર આ કંપનીના પારસી માલિક હતાઃ જમશેદજી માદન. તેમની કંપનીએ ૯૦થી પણ વઘુ ફિલ્મો બનાવી.
દ્વારકાદાસ સંપટની ‘કોહિનૂર ફિલ્મ કંપની’એ ગુજરાતી ફિલ્મ કંપનીઓમાં સંભવતઃ સૌથી વઘુ, ૯૬ ફિલ્મો બનાવી. ‘કોહિનૂર’માંથી છૂટા પડેલા માણેકલાલ પટેલે ‘શ્રીકૃષ્ણ ફિલ્મ કંપની’ના બેનર તળે ૬૫ ફિલ્મો બનાવી. અમદાવાદના રિલીફ રોડ પર આવેલું એ સમયનું ખ્યાતનામ થિએટર ‘કૃષ્ણ સિનેમા’ માણેકલાલની માલિકીનું હતું. મોટી સંખ્યામાં ફિલ્મો બનાવનાર કંપની તરીકે ૮૭ ફિલ્મો બનાવનાર‘શારદા ફિલ્મ કંપની’નો ખાસ ઉલ્લેખ કરવો પડે. તેના ત્રણ ભાગીદારો હતાઃ મયાશંકર ભટ્ટ, નાનુભાઇ દેસાઇ અને ભોગીલાલ દવે.
ગુજરાતી ફિલ્મનિર્માતાઓનું પ્રદાન ફક્ત સંખ્યાત્મક હતું એવું માની લેવાની જરૂર નથી. આ કંપનીઓ એકલદોકલ વ્યક્તિકેન્દ્રી બની રહેવાને બદલે, અનેક નવી ગુજરાતી અને બિનગુજરાતી પ્રતિભાઓનું ઉદ્ગમસ્થાન બની. સાઠથી વઘુ મૂક ફિલ્મો બનાવનાર અરદેશર ઇરાનીની ‘ઇમ્પિરીઅલ ફિલ્મ કંપની’એ ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’ બનાવી (જેમાં બીજા કલાકારો ઉપરાંત પૃથ્વીરાજ કપૂર પણ હતા). મૂંગી ફિલ્મોમાંથી આગળ આવેલાં ચંદુલાલ શાહ અને ગૌહરબાનુની ‘રણજીત મુવિટોન’, ચીમનલાલ દેસાઇની ‘સાગર મુવિટોન’ અને મૂળ પાલીતાણાના ભટ્ટ બંઘુઓ વિજય ભટ્ટ અને શંકર ભટ્ટની ‘પ્રકાશ પિક્ચર્સ’ બોલતી હિંદી ફિલ્મોના પહેલા બે-ત્રણ દાયકા સુધી મુખ્ય ફિલ્મસંસ્થાઓ તરીકે ઉભરી.
ફક્ત ધનપતિઓ કે ધંધાદારીઓ જ નહીં, કનૈયાલાલ મુનશી અને ર.વ.દેસાઇ જેવા નામી સાહિત્યકારો અને ઇંદુલાલ યાજ્ઞિક/ Indulal Yagnik જેવા કામચલાઉ ભૂતપૂર્વ અને ભાવિ નેતા પણ ફિલ્મો સાથે સંકળાયા. ઇંદુલાલે ‘પાવાગઢનું પતન’, ‘યંગ ઇન્ડિયા યાને જય ભારતી’ જેવી મૂંગી ફિલ્મોનું નિર્માણ કર્યું. મુનશી-ર.વ.દેસાઇની વાર્તાઓ પરથી ફિલ્મો બની. ‘નવચેતન’ સામયિકના તંત્રી ચાંપશીભાઇ ઉદ્દેશી અને વિખ્યાત હાસ્યલેખક ‘મસ્તફકીર’ (હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ)થી માંડીને ‘કાળરાત્રિનું ખૂની ખંજર’ના લેખક સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા જેવા ઘણા ગુજરાતી લેખકો ફિલ્મઉદ્યોગ સાથે સંકળાયા.
આશરે દોઢસોથી મૂંગી ફિલ્મોના કથા-પટકથા લેખક તરીકે મોહનલાલ દવેનો દબદબો એ સમયના ફિલ્મઉદ્યોગમાં કોઇ સાહિત્યસ્વામીથી કમ ન હતો. ફિલ્મની જાહેરખબરોમાં તેમનું નામ ચમકાવવામાં આવતું હતું. એ માન સાહિત્યકાર તરીકે જાણીતા મોટા ભાગના લેખકોને પણ મળતું હતું. કારણ કે એ વખતે ફિલ્મોનું માઘ્યમ પ્રમાણમાં ઓછું પ્રચલિત હતું અને લોકોને એ તરફ ખેંચવાના હતા.
(ફિલ્મોના ઇતિહાસની કેટલીક વઘુ વાતો આવતા સપ્તાહે)
Tuesday, March 06, 2012
રેડિયો: રોમાંચનું રજવાડું
રેડિયોના ઉલ્લેખમાત્રથી અત્યારે સત્તર સવાલ ઉભા થાયઃ એફ.એમ.? ડીટીએચ? કાર-રેડિયો? ઇન્ટરનેટ પરની રેડિયો સર્વિસ છે? કે મોબાઇલ પર એફ.એમ. આવે છે એની વાત કરો છો?
Wednesday, March 09, 2011
વિચારભુવન વિશે વિચાર

પહેલી તસવીરમાં રેલવેની ટિકીટની સાઇડપેનલ પર સરકારી જાહેરખબર છે. એ વાંચીને એવું લાગે કે ગામડાંના લોકો પોતાના ઘરનાં શૌચાલયોમાં તાળાં મારીને, ધરાર જાહેરમાં શૌચક્રિયા માટે જાય છે અને તેમને પોતાના માનસન્માનની કોઇ પરવા જ નથી. Saturday, December 18, 2010
ગેંડો છે પણ ગેંડો નથી, માલિક છે પણ માલિક નથી
જાહેરખબરોમાં ઘણી વાર જે દેખાય છે તે હોતું નથી. તેના બે નમૂના.
ગેંડા દોરીની જાહેરખબરમાં ગુજરાતીમાં લખ્યું છે ગેંડા અને દોર્યું છે રીંછ. અંગ્રેજીમાં પણ લખ્યું છે Bear.. ગેંડાને બદલે ભાલુ લખ્યું હોત તો શું જતું હતું?

Sunday, December 12, 2010
મનચાહી ડિંગ મારવાનું વિજ્ઞાન

દિવ્ય, મહા, સત્સંગ, હીલિંગ....આ બધી ચટણીઓ એવી છે કે તે નાખવાથી ગમે તેવાં વાસી મઠિયાં-પૂરી-સકરપારા-મમરાની ભેળપૂરી સ્વાદિષ્ટ બને અને ચપોચપ વેચાઇ જાય.
ઉપરની તસવીરમાં દેખાતા ભાઇ આખી વાતમાં ‘વિજ્ઞાન’ શું કરવા લઇ આવ્યા હશે? અને પોતાની મનચાહી ચીજો પ્રાપ્ત કરવા માટે આમ શહેર શહેર શા માટે ભટકતા હશે?
Monday, October 18, 2010
કહેતા ભી...,

૨૦૦૭માં ‘નટનટીઓને’ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નીમતાં રાજ્યો પ્રત્યે તુચ્છકાર વ્યક્ત કરતા અને પ્રમુખસ્વામીને ગુજરાતના કાયમી બ્રાન્ડ એમ્બેસેડર ગણાવીને તાળીઓ ઉઘરાવતા મુખ્ય મંત્રી મોદીની ભોળુડાંને મુગ્ધ કરતી સભારંજની છટા
.....૨૦૧૦માં (મુખ્ય મંત્રીની ભાષામાં) એક ‘નટ’ને ગુજરાતનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા પછી જોવા- મઝા માણવા માટે! (કારણ કે એ સિવાય તો બીજી કોઇ શક્યતા દેખાતી નથી.)
Saturday, October 16, 2010
ફાફડારથ?

બે દિવસ પછી તોળાઇ રહેલા ફાફડા-જલેબીપર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદના દાસ પેંડાવાળાએ ગુરુવારે પોતાનાં ફાફડા-જલેબીના પ્રચાર માટે પાંચ પગરીક્ષાઓ ફરતી કરી હતી. આ તસવીર આશ્રમરોડ પરની છે.
શું લાગે છે? દશેરા રાવણ પર રામના વિજયનું પર્વ હશે? કે બાકીનાં ફરસાણ-મીઠાઇઓ પર ફાફડા-જલેબીના વિજયનું?
Friday, April 16, 2010
સાચી ઊંચાઇ તો ઠીક, સાચી લંબાઇમાંથી પણ ગયા

Thursday, April 01, 2010
એનઆરઆઇને ગમ્યું તે ખરૂં?
આજના ‘સંદેશ’માં પ્રગટ થયેલી ઉપરની જાહેરખબર અંગે મિત્ર વિશાલ પાટડિયાએ ઘ્યાન દોર્યું, ત્યારે પહેલો વિચાર એ આવ્યો કે ‘જાહેરખબરોમાં પણ એપ્રિલફૂલનો રિવાજ શરૂ થઇ ગયો કે શું?’Thursday, March 18, 2010
સ્માર્ટના માથે શિંગડાં: બાઇ મેગી કહે...

Friday, February 26, 2010
અમદાવાદઃ ૫૦૦મી વર્ષગાંઠે





































