Showing posts with label bt brinjal. Show all posts
Showing posts with label bt brinjal. Show all posts

Friday, April 13, 2012

જીએમ બીયારણઃ ફાયદા-નુકસાનની સાપસીડી


એક તરફ જનીન પરિવર્તીત - જિનેટીકલી મોડિફાઇડ (ટૂંકમાં જીએમ) બિયારણના અધધ ફાયદાની વાતો કરતી ખાનગી કંપનીઓ બીજી તરફ પોતાના પક્ષે પૂરતા અભ્યાસ કે ચકાસણી કર્યા વિના, તેમને ખભે બેસાડવા ઉત્સુક સરકારો, ત્રીજી તરફ ટૂંકા ગાળાનો ફાયદો જોઇને - પૂરતી સમજણ વિના જીએમ બીયારણ અપનાવી રહેલા ખેડૂતો અને ચોથી તરફ જીએમ બીયારણ-પાકનો તથા તે વેચતી વિદેશી કંપનીઓનો વિરોધ કરી રહેલી સ્વૈચ્છિક સંસ્થાઓ- આમ ચોપાંખિયો જંગ છેલ્લા ઘણા વખતથી ચાલી રહ્યો છે.

આ જંગ બરાબરીનો બિલકુલ નથી. જનીન પરિવર્તીત બિયારણોના ધંધામાં પડેલી બહુરાષ્ટ્રિય કંપનીઓ સરકારી મંત્રીઓથી માંડીને સ્વૈચ્છિક સંસ્થાઓ, વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકો સુધીના સૌ કોઇને નાણાંકોથળીના જોરે પોતાના વશમાં કરવાની ક્ષમતા ધરાવે છે. તેનો એક નમૂનો છેઃ  ભારતના વડાપ્રધાન પર મોકલવા માટે તૈયાર કરવામાં આવેલો એક પત્ર.

વડાપ્રધાનને ‘સ્પોન્સર્ડ’ પત્ર
મૂળ અંગ્રેજી લખાણ પરથી તરજુમિયા ગુજરાતીમાં - અને બીજી સ્થાનિક ભાષાઓમાં- આ પત્રની નકલો બનાવવામાં આવી છે, જે ગામડાના ખેડૂતો તરફથી વડાપ્રધાનને  મોકલવામાં આવે એવું આયોજન છે. પત્રનો વિષય છે : ‘ભારતમાં બાયોટેક પાકોની જરૂરિયાતની તરફેણ માટે આભાર.’

‘બાયોટેકનોલોજીની વિશાળ ક્ષમતાઓ છે અને આવતા સમયમાં આપણે જિનેટિક એન્જિનિયરિંગ થકી આપણા ખેતી પાકોની ઉત્પાદકતામાં વધારો કરવો જ જોઇએ’ - એવા વડાપ્રધાનના વિધાનથી પત્રની શરૂઆત કરવામાં આવી છે. ખેતીનો ધંધો કેવો જોખમી છે તેનો અછડતો ચિતાર આપ્યા પછી પત્રમાં લખાયું છેઃ ‘અમારે પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર તરફથી બીજમાં નવી ટેકનોલોજીની જરૂરિયાત છે, જે આપણી ઉત્પાદનની સમસ્યાઓનું સમાધાન કરશે.’

કોઇ પણ ખેડૂત ‘બીજમાં નવી ટેકનોલોજીની જરૂરિયાત છે’ એવું લખે ત્યાં સુધી સમજ્યા, પણ પબ્લિક સેક્ટર ને પ્રાઇવેટ સેક્ટરની પળોજણમાં એ શું કામ પડે? પરંતુ આખો ખેલ પ્રાઇવેટ સેક્ટર દ્વારા સ્પોન્સર્ડ હોય, ત્યારે ‘આ બઘું અમે નથી કરાવતા. ખેડૂતોએ પોતાની મેળે કર્યું છે.’ એવું દર્શાવવાના બાલીશ પ્રયાસ તરીકે પ્રાઇવેટ સેક્ટરની સાથે પબ્લિક સેક્ટરનો પણ ઉલ્લેખ નાખવામાં આવ્યો હોય એવું લાગે.

પત્રમાં અત્યાર સુધીના એકમાત્ર માન્યતાપ્રાપ્ત બાયોટેક પાક  બીટી કપાસનાં ગુણગાન ગાયા પછી- તેના ફાયદા વર્ણવ્યા પછી મુદ્દાની વાત આવે છે : ‘જેવું ટેકનોલોજી થકી કપાસના પાકમાં થયું એવું જ પરિવર્તન અન્ય કૃષિ પાકો જેવા કે મકાઇ, ડાંગર અને ઘઉંના પાકોમાં પણ થવું જોઇએ. અમે અત્રે સરકારશ્રી, પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર, ગ્રામવિકાસ અભિગમ ધરાવતા એનજીઓ જેમણે સંયુક્તપણે ભાગીદારી કરી ખેડૂતોનું જીવનધોરણ સુધારવા અને ખેતી સમૃદ્ધ કરવા મદદ કરી તે બદલ સૌનો આભાર માનીએ છીએ. અમારા જેવા અસંખ્ય ખેડૂતો છે જે બે છેડા ભેગા કરવા મથામણ કરતા હતા, પણ હવે ઘણું પકવે છે, બજારમાં ઉપજનું સારું વળતર પણ મેળવે છે અને સારી જિંદગી જીવવાનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છીએ.’

જનીન પરિવર્તીત બીટી કપાસના બિયારણથી ઉત્પાદનમાં વધારો નોંધાયો છે અને ખેડૂતોને આર્થિક ફાયદો પણ થયો છે. તેને આગળ ધરીને, બીટી કપાસની હરોળમાં મકાઇ-ડાંગર-ઘઉં જેવા ખોરાકમાં વપરાતા પાકોને મૂકી દેવાની કંપનીની મહત્ત્વાકાંક્ષા છે, જે ખેડૂતોના ‘સારી જંિદગી જીવવાના સ્વપ્ન’ના નામે રજૂ કરવામાં આવી છે. સરકારને રાજી રાખવા માટે પ્રાઇવેટ સેક્ટરની સાથે એક જ શ્વાસમાં પબ્લિક સેક્ટરનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે (જેણે આ ક્ષેત્રે પ્રાઇવેટ ક્ષેત્રને સીધો કે આડકતરો ટેકો આપવાની ભૂમિકા અદા કરી છે.) સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પનારો પાડતાં અને તેમનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરતાં પણ બીટી-પ્રચારક કંપનીઓને આવડે છે.

પત્રના અંતે બીટી રીંગણ પરના સરકારી પ્રતિબંધ સામે કયા શબ્દોમાં વિરોધ રજૂ કરવામાં આવ્યો છે, એ ખાસ નોંધવા જેવું છેઃ ‘બીટી રીંગણને પ્રતિબંધિત કરી ખેડૂતોને વિશ્વકક્ષાની ટેકનોલોજીની પસંદગીથી વંચિત રખાયા છે અને સપ્રમાણિત જીવન જીવવામાં અવરોધરૂપ થયું છે. અમે આશા રાખીએ છીએ કે અન્ય પાકોમાં આવી ટેકનોલોજીના ઉમદા ફાયદાઓથી હવે પછી અમને વંચિત ન રખાય.’ અને છેલ્લે કોર્પોરેટ કંપનીના પીઆરઓની મસકાબાજી શૈલીથી લખાયું છે, ‘માનનીય વડાપ્રધાનશ્રી, અમે તમારામાં ભરોસો વ્યક્ત કરીએ છીએ કે તમે અદ્‌ભૂત હોંશિયારી ધરાવો છો અને અમારી આ વિનંતીનો સ્વીકાર કરશો કે કૃષિમાં ટેકનોલોજીને કેન્દ્રિત કરવા પૂરતું લક્ષ્ય આપવું જેથી ખેડૂતોને કૃષિ ઉપજ વધારામાં મદદરૂપ થાય. અમારું સામાજિક-આર્થિક જીવનધોરણ સુધરે અને અમારું કુટુંબ ઉચ્ચતર જીવન જીવી શકે.’

પેટમાં દુઃખાડતો પ્રતિબંધ

બે વર્ષ પહેલાં તત્કાલીન પર્યાવરણ મંત્રી જયરામ રમેશે બીટી રીંગણને મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો, એટલે બીટી-પાકોના માર્ગે ભારતનું બજાર સર કરવા માગતી કંપનીઓના પેટમાં કેવું તેલ રેડાયું છે, તેનો અંદાજ કંપનીઓ દ્વારા પ્રાયોજિત પત્રમાંથી આવી શકે છે. પરંતુ સરકારે બીટી રીંગણને મંજૂરી આપવાનું કેમ મોકૂફ રાખ્યું તેની અછડતી વાત યાદ કરી લેવા જેવી છે.

‘બીટી’ એ જમીનમાં થતા ‘બેસીલસ થુરીન્જેન્સીસ’ પ્રકારના બેક્ટેરિયાનું ટૂંકું નામ છે. આ બેક્ટેરિયા પાકને નુકસાન કરતી કેટલીક મુખ્ય જીવાતો માટે જીવલેણ ઝેર પેદા કરે છે. ખાનગી કંપનીઓના સંશોધકોએ બીટીના શરીરમાંથી (તેના ડીએનએમાંથી) ઝેર પેદા કરવા માટે જવાબદાર જનીન જુદો તારવ્યો અને એ જનીનને રીંગણના ડીએનએમાં દાખલ કરી દીધો.  તેનું અપેક્ષિત પરિણામ એ છે કે બીટીના ઝેરથી સજ્જ બીટી-રીંગણને જીવાતોનો ભય ન રહે. તેની પર જંતુનાશક દવાઓ છાંટવાની પણ જરૂર નહીં. જીવાતોનો ખાત્મો બોલાવવા માટે રીંગણનો છોડ પોતે જ (બીટીના જનીનના પ્રતાપે) ઝેર પેદા કરી લે. એ ઝેરથી જીવાતોનો ખાત્મો અને પાક સલામત.

આ વર્ણન આકર્ષક અને લલચામણું લાગે, પરંતુ તેમાં સૌથી પહેલો અને પાયાનો સવાલ છેઃ જનીન પરિવર્તીત બિયારણ ધરાવતા પાક માણસ ખોરાકમાં લઇ શકે? અમેરિકામાં મકાઇ અને સોયાબીન સહિતના ચાર પાકમાં જનીન પરિવર્તીત બિયારણને મંજૂરી આપવામાં આવી છે, પણ તેમાંથી એકેય પાક માણસના ખોરાકમાં વપરાતો નથી.  મકાઇ મુખ્યત્વે પશુઓના ખોરાકમાં વપરાય છે.

બીટી બિયારણ ઝેરી કે અનિષ્ટ છે અને તેને ધોળા ધરમે પણ વપરાય નહીં, તે એક અભિપ્રાય છે. બીટી બિયારણથી ખેડૂતો ઊંચા આવી જશે, તે બીજો પ્રચાર છે. આ મુદ્દો મૂળભૂત રીતે વિજ્ઞાનનો છે. માટે થવું એવું જોઇએ કે સરકારે વિચારધારાઓની ટક્કરમાં પડ્યા વૈજ્ઞાનિક તથ્યોની ચકાસણી કરવી જોઇએ અને તેના આધારે આખરી નિર્ણય લેવો જોઇએ. પરંતુ જનીન ટેકનોલોજી આઘુનિકતમ હોવાથી, એવું બને છે કે સરકારી સંસ્થાઓ પાસે તેની અસરો-આડઅસરો ચકાસવાનાં પૂરતાં સાધનસુવિધા-સજ્જતા કે એ વસાવવાની દાનત હોતાં નથી. ભારતભરમાં કૃષિ સંશોધન કેન્દ્રો ચાલે છે. ખોરાકમાં લેવાતા બીટી પાકોની આડઅસર તપાસવા માટે જીલ્લે જીલ્લે કેન્દ્રો ખોલવાની જરૂર નથી. એકાદ-બે કેન્દ્રો એ માટે પૂરતાં થઇ પડે.

પરંતુ આવી બિનરાજકીય બાબતોમાં બગાડવા માટે કોની પાસે સમય હોય છે? એટલે બને છે એવું કે ‘ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં’ના ધોરણે, બીટી બિયારણ બનાવનારી કંપનીઓએ જ કરાવેલાં સંશોધનોના આધારે ‘સબ સલામત’ જાહેર કરી દેવામાં આવે છે. ફક્ત સરકારો કે સ્વૈચ્છિક સંસ્થાઓ જ બિકાઉ હોય એવું માની લેવાની જરૂર નથી. સંશોધકો-વૈજ્ઞાનિકો પણ યોગ્ય ભાવ લઇને અનુકૂળ પરિણામો લાવી આપે છે અને પ્રતિકૂળ પરિણામો ઢાંકી આપે છે. સામાન્ય ખેડૂત માટે આર્થિક ફાયદાનું પરિબળ એટલું મોટું હોય છે કે પર્યાવરણ, જૈવવૈવિઘ્ય/બાયોડાયવર્સિટી જેવા વિષયો અંગે ચિંતા કરવાનું તેને પરવડતું નથી. પરંતુ બીટી-પાકો ખોરાકમાં લેવાતા થાય ત્યારે તેની અસરો અને ખાસ તો આડઅસરો વિશે સૌએ ચિંતા કરવી પડે.

પાયાના  સવાલ


આર્થિક સામ્રાજ્યવાદ ફેલાવવા માટે કોઇ પણ હદે જઇ શકતી બળુકી બહુરાષ્ટ્રિય કંપનીઓ સામે બાથ ભીડવાનું ફક્ત સરકારી અને નાગરિકી રાહે જ શક્ય છે. વૈજ્ઞાનિક પ્રગતિનો ઇન્કાર કર્યા વિના કે રાસાયણિક ખેતીનો ઝનૂની વિરોધ કર્યા વિના, બીટી-પાકોની વાત આવે ત્યારે આટલા સવાલના સંતોષકારક અને ભરોસાપાત્ર જવાબ મેળવવા જરૂરી છે.


  •  જે પાકમાં બીટી બિયારણ દાખલ કરવામાં આવે છે (દા.ત.રીંગણ) તેના જથ્થાબંધ ઉત્પાદનની જરૂર છે? કે ફક્ત જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવા માટે બીટીનો પ્રચાર કરવામાં આવે છે? તેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાથી ખેડૂતો માલામાલ થશે કે બજારમાં આવતાં રીંગણાંનો ભાવ ઘટતાં તેમને સાવ સસ્તા ભાવે વેચવાનો વારો આવશે? 
  • બીટી બિયારણના સરકારી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કેટલા વર્ષ સુધી ‘ફિલ્ડ ટ્રાયલ’ થયા છે? તેનાં પરિણામો સંશોધકોએ જાતે તારવેલાં છે કે કંપનીઓએ તૈયાર કરી આપેલાં છે? ફિલ્ડ ટ્રાયલમાં બીટી બિયારણ ધરાવતા પાકની સાથે એ જ પાકની બીજી જાતોનું સહઅસ્તિત્ત્વ શક્ય બન્યું છે? કે પછી બીટી આવે એટલે બાકીની બધી જાતોનું અસ્તિત્ત્વ જોખમમાં આવી પડે છે? 
  • કંપનીઓએ તૈયાર કરેલું બીટી બિયારણ અમુક જ પ્રકારની જીવાતો સામે રક્ષણ આપનારું હોય છે. એ જીવાતો બધા પ્રદેશોમાં હોય જ એવું જરૂરી નથી. એટલે પૂરતી ચોક્સાઇ રાખવામાં ન આવે તો એવું બને કે મોટા ઉપાડે બીટી બિયારણને મંજૂરી તો અપાઇ જાય, પણ એ જે જીવાતોથી રક્ષણ આપે છે એ જીવાત જ આખા પ્રદેશમાં ન હોય. 
  • ઉત્ક્રાંતિના કુદરતી ક્રમ પ્રમાણે, બીટીના ઝેરથી નાબૂદ થતી જીવાતો ધીમે ધીમે પ્રતિકારક શક્તિ કેળવે એ બહુ વાસ્તવિક શક્યતા છે. એવું થાય તો પછી ઝેરની માત્રા વધારતા રહેવું પડે. બીટી બિયારણ કંપનીઓની માલિકીનાં હોય છે. ખેડૂતો પોતાના પાકમાંથી બિયારણ લઇને બીજા વર્ષે તેની વાવણી ન કરી શકે. દરેક વર્ષે તેમણે કંપની પાસેથી બિયારણ ખરીદવું પડે. બીટી બિયારણ આડઅસરોની બાબતમાં નિર્દોષ સાબીત થાય તો પણ, કોઇ પણ કંપનીના એકાધિકારને અને તેમની પરની સંપૂર્ણ પરાધીનતાને મંજૂરી આપી શકાય નહીં. 
  • ખોરાકમાં લેવાતા પાકોમાં બીટીના ઝેરની અસર થાય છે કે કેમ, એ વિશે પ્રમાણભૂત અને એકથી વઘુ જગ્યાએથી એકસરખાં પરિણામ ન મળે, ત્યાં સુધી તેને માન્યતા આપી શકાય નહીં. 

 બીટી પાકોના મુદ્દે સરકારો પૂરતી ચકાસણી વિના  ઉતાવળીયા નિર્ણય લેશે તો દેશની ખેતીને જ નહીં, નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણને પણ ખાનગી કંપનીઓની ખિદમતમાં ધરી દીધા બરાબર ગણાશે.

Tuesday, February 02, 2010

બીટી રીંગણનો વિવાદઃ આખું કોળું (કે રીંગણ) શાકમાં

આજકાલ કોઇ પણ જગ્યાએ સામાન્ય કરતાં જુદું રીંગણ જોવા મળે એટલે તરત પ્રશ્ન પૂછાય છે,‘બીટી રીંગણ છે?’ અને જવાબની રાહ જોયા વિના બીજં વાક્ય ઉમેરાય છે,‘આ તો એની ચર્ચા બહુ ચાલે છે ને એટલે પૂછ્યું.’

બીટી રીંગણ વિશેની જાગૃતિ કમ, જિજ્ઞાસા જ્યાદાનો મોટે ભાગે આટલેથી અંત આવે છે. ગૃહિણીઓ બીટી રીંગણ વિશે વઘુ પૂછપરછ કરે એટલે ‘મને ખબર નથી’ના વિકલ્પે તેમના ‘બેટરહાફ’ કહે છે,‘તારે જાણવાની જરૂર નથી.’ સરકારોનું વલણ પણ ખાસ જુદું નથી. બીટી રીંગણની સંભવિત અસરો અને સાવચેતીનાં પગલાં વિશે પૂછવામાં આવે એટલે, ભારતીય પતિની ભૂમિકામાં આવી જતાં સરકારો ‘અમને ખબર નથી’ અને ‘તમારે જાણવાની જરૂર નથી’ના વિકલ્પે કહે છે,‘એ બઘું અમે જોઇ લઇશું.’

બીટી રીંગણની પ્રાથમિક અને જરૂરી માહિતી મેળવતાં પહેલાં એ યાદ રાખવું જરૂરી છે કે આ વિવાદ જૈવિક (ઓર્ગેનિક) વિરૂદ્ધ રાસાયણિક ખેતીનો નથી. આ વિવાદ બે જીવનશૈલીનો, બે વિચારધારાનો કે પૂર્વ વિરૂદ્ધ પશ્ચિમનો નથી. નફાખોર કંપનીઓ વિરૂદ્ધ ગરીબ ખેડૂતોનો પણ નથી. આ સૈદ્ધાંતિક કે આદર્શો-મૂલ્યોની ચર્ચા નથી. તેનો સીધો સંબંધ આપણા રોજબરોજના જીવન અને આરોગ્ય સાથે છે.

બીટી રીંગણની તરફેણનાં ‘ગાજર’
‘બીટી’ એ જમીનમાં થતા ‘બેસીલસ થુરીન્જેન્સીસ’ પ્રકારના બેક્ટેરિયાનું ટૂંકું નામ છે. આ બેક્ટેરિયા પાકને નુકસાન કરતી કેટલીક મુખ્ય જીવાતો માટે જીવલેણ ઝેર પેદા કરે છે. ખાનગી કંપનીઓના સંશોધકોએ બીટીના શરીરમાંથી (તેના ડીએનએમાંથી) ઝેર પેદા કરવા માટે જવાબદાર જનીન જુદો તારવ્યો અને એ જનીનને રીંગણના ડીએનએમાં દાખલ કરી દીધો.

તેનું અપેક્ષિત પરિણામ એ છે કે બીટીના ઝેરથી સજ્જ બીટી-રીંગણને જીવાતોનો ભય ન રહે. તેની પર જંતુનાશક દવાઓ છાંટવાની પણ જરૂર નહીં. જીવાતોનો ખાત્મો બોલાવવા માટે રીંગણનો છોડ પોતે જ (બીટીના જનીનના પ્રતાપે) ઝેર પેદા કરી લે. એ ઝેરથી જીવાતો મુર્દાબાદ અને રીંગણનો છોડ ઝિંદાબાદ!

બીટી રીંગણની તરફેણ કરતી કંપનીઓ અથવા માણસોના મુખ્ય દાવા આટલા છેઃ
  • પાક સલામત રાખવા માટે નાના-સામાન્ય ખેડૂતોને પણ જંતુનાશક દવાઓના ૨૫ થી ૮૦ સ્પ્રે મારવા પડે છે. તેમ છતાં, નુકસાન અટકાવી શકાતું નથી. બીટી બિયારણ વાપર્યા પછી જંતુનાશક છાંટવાની જરૂર નહીં રહે. (એટલે કે નાના ખેડૂતોનું પણ હિત થશે.)- (કંપનીઓના જ બનાવેલા) જંતુનાશકોના વઘુ પડતા ઉપયોગથી માનવ આરોગ્ય માટે અનેક જોખમ ઉભાં થયાં છે. બીટી-રીંગણની ખેતીમાં જંતુનાશકનો ઉપયોગ ન રહેતાં, તેના થકી ઉભું થતું આરોગ્યનું જોખમ ટળશે.
  • બીટીનું ઝેર (કંપનીની ભાષામાં કહીએ તો, ‘ઇનબિલ્ટ ટોલરન્સ’) ધરાવતા છોડને કારણે, નુકસાનનું પ્રમાણ ઘટશે અને મબલખ ઉત્પાદન થશે. ઉત્પાદન વધારે તેમ ખેડૂતોને આવક પણ વધારે.
  • સામાન્ય ખેતીમાં બિયારણ પાકમાંથી જ મળી રહે છે. બીટી બિયારણ વાવ્યા પછી, ખેડૂતોએ દર વર્ષે કંપની પાસેથી નવું બિયારણ ખરીદવું પડે. (બીટી રીંગણનાં બી નવા બિયારણ તરીકે કામ ન આપે.) કંપનીઓ કહે છે કે કે ‘ચિંતા ન કરશો. અમે બિયારણના ભાવ ખેડૂતોને પોસાય એવા રાખીશું.’

લોભનું બિયારણ, ભ્રષ્ટાચારનું ખાતર, અજ્ઞાનની જમીન

બીટી રીંગણને ફાયદાકારક ગણાવતા દાવાની સામે અને એ સિવાયના પણ ઘણા ગંભીર સવાલ છે.

સૌથી પહેલો પ્રશ્ન છેઃ બીટી રીંગણની જરૂર શા માટે? ભારતમાં રીંગણનો પાક પૂરતા પ્રમાણમાં થાય છે. તેની કદી અછત વર્તાઇ નથી અને તેની અછતને કારણે દુષ્કાળ પડે એવી સંભાવના પણ નથી. એ સંજોગોમાં બીટી રીંગણ ઉગાડીને, રીંગણનો મબલખ પાક ઉતરશે તો ખેડૂતો ખાટી જશે? ઉલટું, સ્થાનિક બજારોનો અનુભવ એવો છે કે પાક વધારે પ્રમાણમાં ઉતરે, તો ખેડૂતોને ફાયદો ઓછો ને નુકસાન વધારે થાય. જેનું ઉત્પાદન વધારે થઇ જાય એ શાકના ભાવ એવા તળીયે બેસે છે કે છેવટે સાવ પાણીના મૂલે રીંગણ વેચવાનો વારો આવે છે.

બીટી રીંગણના તરફદારો આંકડા ફટકારતાં કહે છે,‘છેલ્લા બે દાયકામાં ભારતમાં રીંગણનો ૫૦ થી ૭૦ ટકા પાક જીવાતો બગાડી મૂકે છે. તેને કારણે અંદાજે ૨૨.૧ કરોડ ડોલરનું નુકસાન થાય છે.’ રીંગણના પાકમાં જીવાતોનો ત્રાસ નક્કર હકીકત છે, પણ એ જીવાતોને કાબૂમાં રાખવાના (જંતુનાશકો ઉપરાંતના પણ) અનેક તરીકા છે. ઇલેક્ટ્રિક જાળી જેવા કેટલાક ઉપાયો ખેતી સાથે સંકળાયેલા લોકો સફળતાપૂર્વક વાપરે છે. કૃષિ યુનિવર્સિટી, સંશોધકો, સરકારી મંત્રાલયો અને સરકારી ખાતાં નુકસાનને અટકાવવાના સીધાસાદા ઉપાયો પર ઘ્યાન આપે અને તેની જાણકારી ખેતી કરતા લોકો સુધી પહોંચાડે, તો પાકની સલામતી બીટી રીંગણ સુધી જવાની કશી જરૂર નથી.

રહી વાત જંતુનાશકોથી થતા નુકસાનની. બીટી રીંગણના છોડમાં ઉપરથી જંતુનાશકોનું ઝેર ભલે ન છાંટવું પડે, પણ તેમાં અંદરથી જ પેદા થતા બીટીના ઝેરનું શું? બીટી રીંગણનો ઉપયોગ સીધો ભોજનમાં થવાનો હોય, ત્યારે છોડમાં પેદા થતા અને જીવાતો માટે જીવલેણ બનતા ઝેરની માણસ પર કેવી અસર થાય છે તેની પૂરેપૂરી જાણકારી હોવી જોઇએ. પરંતુ તેનો કોઇ સંતોષકારક અભ્યાસ ઉપલબ્ધ નથી. ‘સેન્ટર ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર‘ના ૨૦૦૬ના એક અહેવાલમાં નોંઘ્યા પ્રમાણે, જનીન રૂપાંતરિત ખોરાક શરીરમાં પચી જાય, તો પણ ‘ઇમ્પોર્ટેડ’ ઝેરી જનીન અકબંધ રહીને માનવશરીરમાં ભળી જાય છે. શરીરની અંદર રહીને તે કેવાં ગુલ ખીલવશે તે હજુ પૂરેપૂરૂં જાણી શકાયું નથી, પણ અત્યાર સુધી પ્રાણીઓ પર કરાયેલાં પરીક્ષણોમાં જનીન રૂપાંતરિત ખોરાક સલામત પુરવાર થયો નથી.

પૂરી અને સંતોષકારક જાણકારી વિના આંધળુકીયાં કરીને બીટી રીંગણ ઉગાડવામાં અને ખાવામાં ભારોભાર ખતરો છે. એ સમજવા માટે સામાન્ય બુદ્ધિ પૂરતી છે. માનવજનીન વૈજ્ઞાનિક ડો. જયેશ શેઠ આ ખતરાને ‘એટમબોમ્બ સાથે અખતરા’ ની ઉપમા આપે છે. તેમના મતે, જનીન રૂપાંતરિત ખોરાક માટે ચોક્સાઇપૂર્વક કશું કહી શકાય એટલું સંશોધન થયું નથી, છતાં કેન્સરની શક્યતા સૌથી વધારે પ્રમાણમાં રહેતી હોય છે.

ઝેરનાં પારખાં: શરતો લાગુ

બીટી ટેકનોલોજી સાથે ફુદડીમાં અનેક શરતો સંકળાયેલી હોય છે, જે સામાન્ય રીતે કંપનીઓ તરફથી ચર્ચવામાં આવતી નથી. પહેલી વાત એ બીટી રીંગણના છોડમાં પેદા થતું ‘ઇનબિલ્ટ’ ઝેર ૧૦૦ ટકા જીવાતોનો નાશ કરતું નથી. કંપનીઓના દાવા પ્રમાણે, બીટી રીંગણમાં પણ ૨.૫ ટકા થી ૨૦ ટકા સુધીનો પાક જીવાતોથી બગડી શકે છે.

બીજો ખતરો છે ઉત્ક્રાંતિના કુદરતી પરિબળનો. એક વાર રીંગણનો છોડ અંદરથી જ બીટીનું ઝેર પેદા કરવાનું શરૂ કરે, તો બહુ સંભવ છે કે ટૂંક સમયમાં જીવાતો એ ઝેર સામે રોગપ્રતિકારક શક્તિ કેળવી લે. એવું થાય તો છોડને ઝેરી બનાવવાનો આખો આશય જ માર્યો જાય. આ શક્યતા કંપનીઓ પણ સ્વીકારે છે. એટલે જ, એવું ઠરાવવામાં આવ્યું છે કે બીટી રીંગણ ઉગાડનારે બીટી પાકની ફરતે થોડા વિસ્તારમાં સાદાં રીંગણ પણ ઉગાડવાં, જેથી જીવાતોને ઉત્ક્રાંતિની તક ન મળે અને તે ઠેરની ઠેર રહે. આ સમીકરણ કંપનીઓ દર્શાવે છે એટલું સીઘુંસરળ હોઇ શકે નહીં. કુદરતને છેતરીને જીવાતોની ઉત્ક્રાંતિને કાબૂમાં રાખવાનો દાવો ભારોભાર જોખમી અને અવિશ્વાસપાત્ર છે. નાના ખેડૂતો બે પ્રકારના પાક ઉગાડવા જેટલી જમીન ક્યાંથી લાવે, એ પણ સવાલ છે.

ધારો કે ફ્રૂટબોરર અને શૂટબોરર તરીકે ઓળખાતી રીંગણભક્ષી જીવાતો બીટી રીંગણથી કાબૂમાં આવી પણ ગઇ, તો બાકીની જીવાતોનું શું? કુદરતી પર્યાવરણચક્રમાં એવું બને છે કે એક જીવાતનો ઉપદ્રવ દબાઇ જાય, ત્યારે અગાઉ નગણ્ય, નજીવી લાગતી કોઇ બીજી જીવાતનો ઉપદ્રવ વધી જાય. એવું થાય તો પછી ફરી કંપનીએ સંશોધન કરીને બીજા કોઇ બેક્ટેરિયાના ઝેરકારક જનીન રીંગણના છોડમાં ઉમેરવા પડે. નવો જનીનરૂપાંતરિત છોડ ન શોધાય ત્યાં સુધી શું કરવાનું? બીટી રીંગણના છોડ પર, નવી જીવાતોને કાબૂમાં રાખવા જંતુનાશક દવાઓ છાંટવાની?

બીટીનું ઝેર ભલે રીંગણના બિયારણમાં આવ્યું, પણ તેની અસર બાકીના પાકમાં થઇ શકે છે. કારણ કે બીટીનો પાક બીજા પાકથી સલામત અંતરે ઉગાડવાનું ભારતમાં વ્યવહારમાં શક્ય નથી. બીટીનું ઝેર જમીનને પણ અસર કર્યા વિના રહેતું નથી. એક ખેતરમાં બીટી રીંગણનો પાક વાવેલો હોય અને આજુબાજુનાં ખેતરોમાં સાદા પાક હોય, તો બીટીની અસર આજુબાજુ પણ થઇ શકે છે. તેનાથી બીટી ન અપનાવનારને પણ તેની અસરો ભોગવવી પડે છે.

આત્મઘાતી દોટ

આટલી બધી આશંકાઓને લીધે આંતરરાષ્ટ્રિય સ્તરે એટલું સ્વીકારાયું છે કે જનીન રૂપાંતરિત પાક અને ખોરાક અંગે હજુ ઘણા વધારે સંશોધનની જરૂર છે. ત્યાર પહેલાં તેનો ઉપયોગ કરવો એ આરોગ્ય અને પર્યાવરણની આફતોને સામે ચાલીને નોતરૂં આપવા જેવું છે. એ જ કારણથી દુનિયાના એક પણ દેશે જનીન રૂપાંતરિત ખોરાકને માન્યતા આપી નથી. (અમેરિકામાં જનીન રૂપાંતરિત મકાઇ ઉગાડવામાં આવે છે, પણ તે પશુઓના ખોરાક તરીકે વપરાય છે.) ભારતે હજુ સુધી જનીન રૂપાંતરિત પાક માટે સાવ પ્રાથમિક ધારાધોરણો નક્કી કર્યાં છે. એ ગળણી એટલી મોટી છે કે તેમાંથી બઘું પસાર થઇ જાય. એટલે બીટી રીંગણને પણ ‘જિનેટીક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી’ તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે.

પર્યાવરણ મંત્રી જયરામ રમેશે બીટી રીંગણને મંજૂરીના મુદ્દે લોકસુનાવણીના કાર્યક્રમ યોજ્યા, પણ જાહેર દેખાવોમાં સાચું ચિત્ર ભાગ્યે જ ઉપસે છે. પ્રચારના આક્રમણમાં પાવરધી કંપનીઓ આટલી બધી ગોઠવણો કરી શકતી હોય, તો લોકોના અભિપ્રાય ખરીદવાનું તેમના માટે અઘરૂં નથી.

અપ્રુવલ કમિટીમાં સર્વોચ્ચ અદાલતે નીમેલા વિદ્વાન સભ્ય, નોલેજ કમિશનના ઉપાઘ્યક્ષ અને સેન્ટર ફોર સેલ્યુલર મોલિક્યુલર બાયોલોજીના સ્થાપક-અઘ્યક્ષ ડો. પુષ્પ ભાર્ગવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કમિટીએ બીટી રીંગણને મંજૂરી આપતો જે અહેવાલ રજૂ કર્યો છે તેમાં ઘણી વૈજ્ઞાનિક ખામીઓ અને જૂઠાણાં છે. ભારતમાં થયેલું બીટી રીંગણનું પરીક્ષણ અપૂરતું અને અવૈજ્ઞાનિક છે. એ માટે દબાણો થયાં હોવાનું પણ બહાર આવ્યું છે.

છ-સાત રાજ્યોએ બીટી રીંગણનો અસ્વીકાર કરી દીધો છે. આ લખાય છે ત્યાં સુધી ગુજરાત સરકારે આશ્ચર્યજનક કારણોસર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. ખરેખર તો આ મુદ્દો રાજ્ય સરકારો પર છોડવાને બદલે, કેન્દ્ર સરકારે તેની પર નીતિ નક્કી કરવી જોઇએ અને પૂરતાં પરીક્ષણો-સંશોધનો થાય ત્યાં સુધી બીટી રીંગણ પર કડક પ્રતિબંધ મૂકવો જોઇએ. પ્રજા પોતપોતાના પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરી શકે છે.

ભારતનાં ખેતરોમાં અને આપણી થાળીમાં બીટી રીંગણનો એક વાર પગપેસારો થશે, તો તેના થકી થનારૂં સંભવિત નુકસાન સરભર કરી શકાય એવું નહીં હોય. કારણ કે તે ફક્ત રીંગણના છોડને જ નહીં, પણ જમીન, પર્યાવરણ અને તેને ખાનાર માણસોને પણ લપેટમાં લેશે.

બીટી રીંગણની મંજૂરીનું પગલું ખેતી ક્ષેત્રે ખાનગી કંપનીઓની ગુલામી ભણી દોરનારૂં છે. આ બાબતમાં મોડા જાગીશું, તો ‘જાગ્યા ત્યાંથી સવાર’નું આશ્વાસન પણ કામ નહીં લાગે.