Monday, June 02, 2025
'સફારી' : એક અંગત અંજલિ
![]() |
| 'સફારી'ના એક અંકનું મુખપૃષ્ઠ |
--અને એક વખત એવું પણ બન્યું કે, ‘સફારી’ બંધ થયું.
નગેન્દ્ર વિજયના તંત્રીપદ હેઠળ શરૂ થયેલું, નગેન્દ્રભાઈના તંત્રીપદ-હર્ષલ પુષ્કર્ણાના સંપાદકપદ હેઠળ ફૂલેલુંફાલેલું અને વર્ષ 2018માં હર્ષલને છોડવું પડ્યું ત્યાર પછી સંપાદકવિહોણું બનેલું ‘સફારી’ છેવટે બંધ થયાના સમાચાર ગઈ કાલે મળ્યા. નગેન્દ્ર વિજયે તાજા અંકના તંત્રીલેખમાં તેની જાહેરાત કરી. સેંકડો વાચકોના માનીતા જ્ઞાનવિજ્ઞાનના માસિક તરીકે ‘સફારી’નો દબદબો એવો હતો કે સંખ્યાબંધ વાચકોએ પરિવારનું કોઈ સ્વજન ગુમાવ્યું હોય એવી ખોટ અને એવો આંચકો લાગ્યાં.
નગેન્દ્ર વિજયનું ‘સ્કોપ’ વિશુદ્ધ વિજ્ઞાનસામયિક હતું અને ‘વન મેન શો’ હતું, જ્યારે ‘સફારી’ જ્ઞાનવિજ્ઞાનનું સામયિક. શરૂઆતનાં
પાંચેક વર્ષને બાદ કરતાં તે નગેન્દ્ર વિજય અને હર્ષલ પુષ્કર્ણાની એક ને એક અગીયાર
જેવી જુગલબંદીનું પ્લેટફોર્મ બન્યું. તેમાં રમતિયાળ શૈલીમાં પીરસાતી જાણકારી વાચકોને
માહિતીની સાથોસાથ મનોરંજન ઉપરાંત કંઈક નવું, કંઈક નક્કર જાણવાની ‘કીક’ આપતી હતી. ‘સફારી’ના સરળ લાગતા લેખનનો જાદુ એવો હતો કે એકેએક વાક્યમાં
કશીક બાંધી રાખનારી વાત હોય ને આગળ વાંચવાની ઉત્સુકતા બરકરાર રાખનારું તત્ત્વ.
‘લોકો લાંબું વાંચતા નથી’ એવા રટણનો જમાનો આવ્યા પછી પણ ‘સફારી’માં દસ-પંદર પાનાંના લેખ આરામથી છપાતા હતા. લખાણ ગમે તેટલું લાંબું હોય, પણ તે
(નગેન્દ્રભાઈનો શબ્દપ્રયોગ વાપરીને કહું તો, મમરાની ગુણ જેવું નહીં) ઠોસ હોય.
રમતિયાળ મથાળાં, અકલ્પનીય વિષયો, અવનવા વિભાગો, એક વાર વાંચવાનું શરૂ કર્યા પછી
લેખ પૂરો જ કરવો પડે એવી લખાવટ, જમાના સાથે કદમ મિલાવવાની તાસીર—આ બધી ખૂબીઓએ ‘સફારી’ને કલ્ટ સ્ટેટસ અપાવ્યું. તેનો વિશિષ્ટ ચાહકવર્ગ ઊભો
થયો અને લાંબા સમય સુધી, ઘણા કિસ્સામાં બીજી પેઢી સુધી ટક્યો.
*
‘સફારી’ અને નગેન્દ્રભાઈ સાથેની એક સમયની નિકટતા અને તેમની પાસેથી મને કેવું મહત્ત્વનું ભાથું મળ્યું, તેની વિગતે વાત ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’ પુસ્તકમાં છે. અહીં તે લખવાનું ટાણું નથી. પરંતુ 1996થી નગેન્દ્રભાઈને ‘સફારી’ની ઓફિસે મળવાના સિલસિલાની શરૂઆત થઈ, ત્યાં સુધીમાં ‘સફારી’ જામી ગયું હતું, જોકે, આર્થિક સમૃદ્ધિ હજુ દૂર હતી. હર્ષલ ‘સફારી’ સાથે બરાબર ઓતપ્રોત થઈ ચૂક્યો હતો. નગેન્દ્રભાઈની શૈલી સીધી રીતે ઘડતરની નહીં. હર્ષલને સીધેસીધું કશું કહે નહીં. કહે તો ઇશારા ને ટૂંકાક્ષરીમાં કહે. બાકીનું ઉકેલી લેવાનું. છતાં, હર્ષલ તેની જાતને બરાબર ઘડી રહ્યો હતો. તે સમય એવો હતો જ્યારે નગેન્દ્રભાઈ એટલે ‘સફારી’ અને ‘સફારી’ એટલે નગેન્દ્રભાઈ—એવું સમીકરણ (યોગ્ય રીતે જ) પ્રચલિત હતું. મારા સહિતના ઘણા લોકો એવી ચિંતા પણ કરતા કે અવસ્થાનાં અથવા બીજાં કારણોસર નગેન્દ્રભાઈનું લખવાનું બંધ થશે, ત્યારે ‘સફારી’નું શું થશે?
‘સફારી’ની ઓફિસની નિયમિત મુલાકાતો પછી નગેન્દ્રભાઈ સાથે શિષ્યભાવે નિકટતા ઉપરાંત હર્ષલ સાથે પણ દોસ્તી થઈ. એમાં પણ 1999માં અમે નગેન્દ્રભાઈના તંત્રીપદ હેઠળ ‘સીટીલાઇફ’ પખવાડિક (અમદાવાદનું સીટી મેગેઝીન) સંભાળ્યું ત્યારથી વિશેષ. હર્ષલ મારાથી થોડો નાનો. તે સમયે તેને સૌથી મોટો ધક્કો મારનારું ચાલક બળ એ હતું કે ‘આ દુનિયાએ મારા પિતાની પ્રતિભાની કદર કરી નથી ને ક્યારેક અપમાન પણ કર્યું હશે. મારે એનો બદલો લેવો છે ને મારા પિતાનું સાચું મૂલ્ય આ દુનિયાને દેખાડી આપવું છે- આ દુનિયા સમજે છે એ ભાષામાં સફળ વ્યક્તિ તરીકે તેમને સ્થાપવા સ્થાપવા છે.’ આ મારું અર્થઘટન નથી. શબ્દફેરે આ મતલબની વાત અમારે ઘણી વાર થતી હતી.
‘સફારી’ની યુનિયન ફ્લેટ્સની જૂની ઓફિસે તો નગેન્દ્રભાઈની કેબિન કહેવાય એવું ભાગ્યે જ હતું. ફ્લેટનો એક રૂમ હતો, જે હજુ આજે પણ હું આંખ મીંચું તો જોઈ શકું છું. તેમનાં ટેબલ-ખુરશીની સામે થોડા અંતરે રહેલા પલંગ પર છાપાંના-સામયિકોના ઢગ પડ્યા હોય. ત્યાં જગ્યા કરીને બેસી જવાનું. ‘સીટીલાઇફ’ની શરૂઆત ત્યાંથી થઈ હતી. હર્ષલ ત્યારે લખતો હતો, પણ તે ઉપરાંતની બાબતોમાં અને કમ્પ્યુટરમાં તો સવિશેષ માહેર બની રહ્યો હતો.
એ જ વર્ષે 1999માં ‘આનંદમંગલ’ની ઓફિસ થઈ. પછીના એકાદ વર્ષમાં હું હર્ષલની આગેવાની હેઠળ વીસમી સદીની પચાસ મહત્ત્વની ઘટનાઓના પુસ્તક (સામયિકસ્વરૂપમાં)નું કામ કરી રહ્યો હતો. ત્યારે હર્ષલનું લખાણ ઘડાતું હતું, પણ હર્ષલે નગેન્દ્રભાઈને ફક્ત કહેવા ખાતર ગુરુપદે સ્થાપ્યા ન હતા. ધીમે ધીમે એવું થયું કે ઓફિસમાં હિસાબકિતાબ અને ઓફિસ મેનેજમેન્ટથી માંડીને મેગેઝીનના લે-આઉટ, માર્કેટિંગ અને પ્રકાશનના નવા આઇડીયા વિચારવાની સાથોસાથ લખવામાં પણ તેનું પ્રદાન વધતું ગયું. ધીમે ધીમે તે લેખો ઉપરાંત સુપર સવાલ, ફેક્ટફાઇન્ડર વિભાગના કેટલાક પ્રશ્નો અને બીજું પણ એકદમ ‘સફારી’ અંદાજમાં લખવા માંડ્યો—અને ‘સંપાદકનો પત્ર’ તો ખરો જ.
હર્ષલને સૌથી મોટી ખેવના એ વાતની હતી કે નગેન્દ્રભાઈની લેખક તરીકેની પ્રતિભાને માનપાન ઉપરાંત આર્થિક સમૃદ્ધિ ને નિરાંત મળવાં જોઈએ. સંઘર્ષનો ઓછાયો સુદ્ધાં તેમના માથે ન રહેવો જોઈએ. આ પડકાર ઓછો હોય તેમ, બીજો અને વધારે મોટો પડકાર નગેન્દ્ર વિજય જેવા પિતાની છાયામાં પોતાની સ્વતંત્ર પ્રતિભા વિકસાવવાનો હતો, જે ‘સફારી’ના ભવિષ્ય માટે બહુ જરૂરી હતું. અભિષેક બચ્ચન કે રોહન ગાવસ્કર કે અમિતકુમાર જેવા કિસ્સા બહુ સામાન્ય ગણાય છે અને તેમાં કોઈને નવાઈ પણ નથી લાગતી. પ્રતાપી પિતા સાથે સતત સરખામણીનું દબાણ તો વેઠનાર જ જાણે.
| કામની જેમ વખતોવખતની ઉજવણીમાં પણ પરિવારની સામેલગીરી |
છતાં ગુજરાતી વાચકોનાં સારા નસીબે હર્ષલ અશક્ય લાગતો એ પડકાર ઝીલી શક્યો અને તેને અસાધારણ સફળતાથી પાર પાડી શક્યો. તેમાં તેની પત્ની ફાલ્ગુનીનો ભૂમિકા પણ અત્યંત મહત્ત્વની હતી. તે ખરા અર્થમાં હર્ષલની પત્ની ઉપરાંત સાથીદાર બની. હર્ષલે ‘સફારી’નું બાકીની બધી બાબતોનું સંપૂર્ણ સુકાન હાથમાં લીધું અને લેખ તથા સંપાદકીયમાં નગેન્દ્રભાઈના લેખોની સાથે ભળી જાય એવા લેખ લખવાની સિદ્ધિ પણ મેળવી લીધી. ક્યારેક નગેન્દ્રભાઈ લખી શક્યા ન હોય ત્યારે આખો અંક હર્ષલે કાઢ્યા હોય, એવી પણ સાંભરણ છે. એવી જ રીતે, નગેન્દ્રભાઈ સિવાય બીજું કોઈ લખી ન શકે એવા ‘એક વખત એવું બન્યું’ વિભાગના કેટલાક લેખ પણ આપદ્ ધર્મ તરીકે હર્ષલે લખ્યા હતા અને તે વાંચીને ભાગ્યે જ કોઈને લાગ્યું હશે કે હાથ બદલાયો છે.
‘સફારી’ માટે તેનું લખવાનું કેટલી હદે મહત્ત્વનું હતું તેનું એક ઉદાહરણઃ એક સમયે તેને મણકાની એવી કશીક ગંભીર તકલીફ થઈ કે તે બેસી પણ ન શકે. તો પછી લખવું શી રીતે? એટલે તેણે પોતાની કેબિનમાં એક પાટ મુકાવી અને તેની ઉપર વિશિષ્ટ ગોઠવણથી લેપટોપ મુકી શકાય અને સુતાં સુતાં લખી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી હતી. તે વખતનો ફોટો પણ મેં યાદગીરી તરીકે પાડ્યો હતો.
![]() |
| એક સમયે આનંદમંગલની ઓફિસે હર્ષલની વિશિષ્ટ વ્યવસ્થા (ફોટોઃ ઉર્વીશ કોઠારી) |
*
આખરે સંઘર્ષનો સમય ભૂતકાળ બન્યો
અને આર્થિક સમૃદ્ધિનો દૌર શરૂ થયો. આંબાવાડીમાં સરસ ઓફિસ અને બોપલમાં બંગલો—તે
નગેન્દ્રવિજયના લેખન અને હર્ષલના લેખન ઉપરાંત બાકીના મોરચે સફળ સંચાલનનું ઊજળું
પરિણામ હતું. તે જોઈને નગેન્દ્રભાઈ પરિવારને થઈ હશે, એટલી જ ટાઢક મારા જેવા તેમના
ઘણા ચાહકોને થઈ હતી. તે સમયે મારી સાથેના એક રેકોર્ડેડ ઇન્ટર્વ્યૂમાં નગેન્દ્રભાઈએ બહુ સચોટ રીતે કહ્યું હતું, ‘ડોશી અંધારામાં બેસીને બખિયા (ટાંકા) લેતી હોય, પણ એને ખબર જ ન હોય કે સોયમાં
દોરો નથી. હર્ષલ મારી જિંદગીમાં એ દોરો થઈને આવ્યો.’
એક સમય એવો હતો, જ્યારે ‘સફારી’ની મહિને આશરે 70 હજારથી પણ વધુ નકલો વેચાતી હતી. ‘સફારી’ વાંચવું એ ગૌરવરૂપ ગણાતું હતું. મારા જેવા જણને તેમાં ક્યારેક પ્રગટી જતો ગાંધીજી પ્રત્યેનો અભાવ કે ગોડસે પ્રત્યેનો કંઈક ભાવ કે હિટલર પ્રત્યે પ્રગટ નહીં તો પણ છૂપો ભાવ ખટકતો, છતાં ‘સફારી’માં એ સિવાય બીજું એટલું બધું આવતું હતું કે પેલો ખટકો ઓગળી જતો. ‘સફારી’ ન વાંચ્યું હોત તો જ્ઞાનવિજ્ઞાનના અનેક વિષયોમાં રસ પડવાની શરૂઆત ન થઈ હોત. તેનું એ ઋણ કાયમ મનમાં અંકાયેલું રહેશે.
કમ્પ્યુટરઃપ્રથમ પરિચય કે આસાન અંગ્રેજી જેવી લેખમાળાઓ, ‘એક વખત એવું બન્યું’, સુપરસવાલ અને સવાલજવાબની કોલમ જેવા જબરદસ્ત વિભાગો તો બરાબર, પણ જે વિષયમાં ઓછો રસ પડતો હોય તેનો લેખ (ભલે આખા અંકમાં સૌથી છેલ્લો) વાંચીએ ત્યારે પણ એમ થાય કે ઓહોહો, આ વિષયમાં પણ આટલું સરસ લખી શકાય? ‘સફારી’ની પરંપરા પ્રમાણે નગેન્દ્રભાઈ અને હર્ષલના અસલી નામ સાથેના લેખ તો માંડ એક કે વધીને બે હોય. બાકીના લેખોમાં તો ઉપનામો હોય. એટલે ક્યારેક નગેન્દ્રભાઈના લાગતા લેખ વિશે તેમની સાથે વાત કરીએ ત્યારે તે લેખ હર્ષલનો નીકળે એવું પણ બને અને ક્યારેક એનાથી ઉલટું પણ બને.
| સફારીના 200મા અંકની ઉજવણી. (ફોટોઃ ઉર્વીશ કોઠારી) |
હર્ષલ અને નગેન્દ્રભાઈ સાથેની સ્વતંત્ર નિકટતાને કારણે ‘સફારી’ની ઓફિસની દશેરા પાર્ટીમાં કે બીજાં એવાં વિશેષ આયોજનોમાં સપરિવાર સામેલ થવાનું હોય. ત્યારે એ બધી બાબતોમાં પણ હર્ષલનું અત્યંત ચીવટપૂર્વકનું આયોજન જોવા મળે. નગેન્દ્રભાઈ પણ તેમનું ત્યારનું ચુસ્ત મરજાદીપણું છોડીને, આનંદપૂર્વક સામેલ થાય. તે જોઈને હર્ષલના ચહેરા પર ઝળકતી સંતોષ અને ગૌરવની લાગણીમાં શિષ્ય અને પુત્ર બંને એકાકાર થયેલા દેખાય.
‘સફારી’ની ઓફિસ બોપલ ખસેડાયા પછીના થોડા સમયમાં બધું બદલાયું. હર્ષલને ‘સફારી’ છોડવું પડ્યું. કળ વળવાની પણ રાહ જોયા વિના અને ‘સફારી’ની હરીફાઈમાં બીજું માસિક કાઢવાના પ્રસ્તાવો ઠુકરાવીને, તેણે સ્થિતપ્રજ્ઞતાથી ‘જિપ્સી’ કાઢ્યું, પોતાની સ્વતંત્ર પ્રતિભા એકડે એકથી સિદ્ધ કરી. છતાં, ‘સફારી’ સાથેનો સંબંધ છૂટ્યો તે છૂટ્યો. તૂટ્યો તે તૂટ્યો. ત્યાર પછી...
કોઈ ગમે તેટલું ઇચ્છે, છતાં વચ્ચેનો સમય કુદાવીને અગાઉના સમયમાં પાછા ફરવાનું શક્ય બનતું નથી. એવું શક્ય હોત, તો કદાચ ‘સફારી’ હજુ ચાલુ હોત અને નવા જમાનામાં, નવા પડકારો વચ્ચે, નવા સ્વરૂપે ફૂલ્યુંફાલ્યું હોત, પણ એવું ન થયું.
--અને એક દિવસ એવું બન્યું કે...
Thursday, September 12, 2019
લદ્દાખ, ‘જિપ્સી’ અને હર્ષલ પુષ્કર્ણાઃ ગુજરાતી પત્રકારત્વની વિશિષ્ટ ઘટનાઓનો સંગમ
નિમંત્રણમાં કરાયેલી જાહેરાત પ્રમાણે કાર્યક્રમ ત્રેવડી ઉજવણીનો હતોઃ 1) પત્રકારત્વમાં હર્ષલનાં ત્રીસ વર્ષ 2) ગુજરાતના એકમાત્ર અને અનન્ય પ્રવાસ માસિક 'જિપ્સી'નું એક વર્ષ 3) નવા પુસ્તકનું પ્રાગટ્ય.
નવજીવન ટ્રસ્ટના પરિસરમાં આવેલા જિતેન્દ્ર દેસાઈ સ્મૃતિ હોલમાં રવિવારની સાંજે નજીકથી તેમ જ દૂર દૂરથી ચાહકો-સ્નેહીઓ-શુભેચ્છકો આવવા માંડ્યા હતા અને છેવટે તો હોલ ભરચક થઈ ગયો. શરૂઆતમાં પાંચ-સાત મિનીટ હર્ષલની પત્રકારત્વની યાત્રા અને બાવીસ-ત્રેવીસ વર્ષ પહેલાં નગેન્દ્રભાઈ થકી અમારો નાતો શી રીતે જોડાયો તેની, ૧૯૯૮માં અમદાવાદના ‘સીટીલાઇફ ન્યૂઝ’ મેગેઝીનમાં સાથે કામ કરવાના અનુભવોની અને બીજી થોડી વાતો થઈ. ત્યાર પછી હર્ષલે તેની સ્ટાઇલના, સંપૂર્ણપણે ટેકારૂપ અને જરાય નડતરરૂપ નહીં એવા પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનથી દોઢેક કલાક સુધી વિગતે વાત કરી.
![]() |
| યાદગાર પ્રસંગનું સ્મૃતિ-અંકનઃ હર્ષલ પુષ્કર્ણા, હમસફર ફાલ્ગુની અને પુત્ર પરંતપ L to R : Harshal Pushkarna, wife Falguni and son Parantap |
કૌટુંબિક પરંપરા, દાદા વિજયગુપ્ત મૌર્ય તરફથી પિતા નગેન્દ્ર વિજયને અને પિતા નગેન્દ્ર વિજય તરફથી પોતાને મળેલા વાચનના સંસ્કાર અને વાતાવરણ, શાળાકીય ઔપચારિક અભ્યાસમાં અરુચિ, ‘ભૌતિક વિજ્ઞાન એટલે શું?’ એવો પાયાનો સવાલ પૂછવા બદલ સ્કૂલમાં મળેલી સજા અને સાથે વિજ્ઞાનમાસિક ચલાવતા પિતાના ચિરજીવીને આટલી પણ ખબર નથી‘ એવો ટોણો, પિતાજીની વિગતવાર અને ચકિત કરનારી સમજૂતી, જિજ્ઞાસાનો આરંભ..... ધીમે ધીમે ‘સફારી’ની ઓફિસે જવાનું શરૂ થયું. પહેલાં તો સ્ટાફ માટે ચા લઈને. પછી ઓફિસકામ. સાયકલ કે લુના પર બેસીને ફેરિયાઓને મેગેઝીન પહોંચાડવાં, ઉઘરાણી કરવી...ભૂતકાળની આ બધી વાતો હર્ષલ કરતો હતો, ત્યારે સામે બેઠેલાંમાંથી ઘણાંને ફક્ત સાંભળવાની નહીં, જોવાની અનુભૂતિ પણ થઈ હશે.
‘સફારી’ ઓફિસના માહોલમાં લખવાની ઇચ્છા ન થાય તો જ નવાઈ. બીજા લોકોને ગઝલ લખવાની ઇચ્છા થાય, તે વયે હર્ષલને વિજ્ઞાનલેખ લખવાનું મન થયું. નગેન્દ્રભાઈએ પહેલાં તો બે-ચાર વાર કહ્યું, ‘હજુ વાંચ.’ પછી એક વાર લખવાની હા પાડી. રજા તો મળી ગઈ, પણ પછી વાચન વિના લેખ લખતાં કેવો પરસેવો પડી ગયો અને તેના પગલે વાચનનું મહત્ત્વ સમજાયું, તેની વાત હર્ષલે સરસ રીતે કરી. એવી રીતે, પહેલો લેખ લખવામાં અને શરૂઆતના તબક્કામાં દાદા વિજયગુપ્ત મૌર્ય તરફથી મળેલા ઉપયોગી માર્ગદર્શનનું પણ ભાવસ્મરણ કર્યું.
‘સફારી’માં તંત્રીના પુત્ર હોવું એ લાયકાત ગણાતી ન હતી. કશું હોદ્દાની કે સગપણની રૂએ ન મળે. તેના કારણે દરેક તબક્કે તેનું ઘડતર થયું-નગેન્દ્રભાઈનાં લખાણ વાંચીને, તેમને કામ કરતા જોઈને અને બહારના સંજોગોથી-વાસ્તવિકતાથી ટીપાઈને પણ. ‘સફારી’માં દાખલ થયા પછી, તેની સામગ્રી આટલી મજબૂત હોવા છતાં બે પાંદડે થવાને બદલે આર્થિક સંઘર્ષનો છેડો કેમ આવતો નથી, તેનું પ્રાથમિક કારણ હર્ષલે શોધ્યું, તોતિંગ વ્યાજે લીધેલાં નાણાં ચૂકતે કર્યાં અને ‘સફારી’ ને આર્થિક સ્થિરતા આપવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી. નગેન્દ્રભાઈ તેમની બધી શક્તિ લખવામાં કેન્દ્રીત કરી શકે, એવું વાતાવરણ સર્જવાની તેની નેમ હતી અને એમાં તે સફળ પણ થયો. મેગેઝીન ઉપરાંત થયેલાં અનેક પ્રકાશનોએ ‘સફારી’નો વાવટો ફરકાવી દીધો. ત્યારથી શરૂ થઈ સફળતાના રાજમાર્ગ પરની સફર. પરંતુ તેમનું ધ્યેય આર્થિક સફળતાથી ઓડકાર ખાઈને બેસી જવાને બદલે, વાચકોને વધુ ને વધુ શું આપી શકાય એ વિચારવાનું હતું.
નગેન્દ્રભાઈએ ૧૯૯૮માં એક બિલ્ડર-ફાઇનાન્સરના પ્રેમાગ્રહથી 'સિટીલાઇફ ન્યૂઝ' પાક્ષિક કાઢ્યું. મારા માટે તે ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલી કારકિર્દીનો પહેલો અને મહત્ત્વનો-સુખદ ટર્નિંગ પોઇન્ટ હતો. હર્ષલ માટે તે સ્વતંત્ર અસાઇન્મેન્ટ હતું. મોટે ભાગે અમે બંને એ કાઢતા. શરૂઆતના અંકો પછી તંત્રી તરીકે નગેન્દ્રભાઈનું નામ આવતું હોવા છતાં, અમારો સ્વતંત્ર હવાલો રહેતો. હર્ષલે 'સીટીલાઇફ'ના દિવસો યાદ કરીને એ વખતની અમારી એક યાદગાર સમુહ તસવીર બતાવીને કહ્યું કે 'સીટીલાઇફ' ભલે થોડું ચાલ્યું, પણ તેમાંથી એ તનાવને બદલે હળવાશથી કામ કરવાનું શીખ્યો.
'સીટીલાઇફ' પછી તરતના અરસામાં હર્ષલે સ્વતંત્ર રીતે કરેલું પહેલું પ્રકાશન હતુંઃ 20th Century: ઐતિહાસિક સદીની પચાસ અજોડ ઘટનાઓ. તેના લેખનમાં હર્ષલ સાથે હું અને હિમાંશુ કીકાણી સંકળાયા હતા. એકાદ લેખ નગેન્દ્રભાઈના 'ફ્લેશ'ના સમયના સાથી (હવે દિવંગત) દિવ્યેશભાઈ વ્યાસે પણ લખ્યો હતો. સંપાદન સંપૂર્ણપણે હર્ષલનું. એ પ્રકાશન ઘણું સફળ થયું અને હજુ પણ તેની માગ ઓસરી નથી. એવી જ રીતે, આઠેક વર્ષ સુધી હર્ષલે અંગ્રેજી 'સફારી' સફળતાપૂર્વક પ્રગટ કર્યું. પ્રકાશન વ્યવસાયનાં બદલાયેલાં સમીકરણો અને મોટા ખેલાડીઓ દ્વારા અપનાવાતી તરકીબોને કારણે, ખાસ્સો સંઘર્ષ વેઠ્યા પછી, પણ અંગ્રેજીમાં અંગ્રેજીના વાચકોને ગમે તેવું માસિક ગુજરાતમાંથી કાઢ્યાનો સાર્થક સંતોષ લઈને આઠેક વર્ષ પછી હર્ષલે તેનું પ્રકાશન આટોપી લીધું. હવે એ તેના ત્રીજા અવતારમાં ફરી પ્રગટ થયું છે.
ઉત્તરોત્તર સફળતાનાં અને આર્થિક સ્થિરતાનાં નવાં શીખરો સર કરવાની નગેન્દ્રભાઈ અને હર્ષલની યાત્રા કોઈ પણ વાચનપ્રેમીની-જ્ઞાનવિજ્ઞાનપ્રેમીની આંખ ઠારે એવી હતી. પરંતુ થોડા સમય પહેલાં તેમાં ખટકો આવ્યો. એવા સંજોગો નિર્માયા કે હર્ષલે લગભગ ત્રણ દાયકા જ્યાં સૂઝ-સજ્જતા અને સંપૂર્ણ સમર્પણથી કામ કર્યું, એ જ 'સફારી' છોડવાનું કહેવામાં આવ્યું. માત્ર 'સફારી' જ નહીં, ઘર અને ઓફિસ પણ. ત્રણ દાયકાની કામગીરીની જે કંઈ ભૌતિક ઉપલબ્ધિ હતી, તે છીનવાઈ ગઈ. આ હકીકત જીરવવાની ને જીવવાની કઠણાઈની તો વાત જ ક્યાં, તે શબ્દોમાં મૂકવી પણ કેટલી કાઠી પડે?
![]() |
| હર્ષલ પુષ્કર્ણા / Harshal Pushkarna |
૪૪ વર્ષની વયે, પોતે પણ જેમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હોય તે છોડી દેવું પડે અને ભાડાના ઘરમાં, ભાડાની ઓફિસમાં, આર્થિકથી માંડીને કારકિર્દીની રીતે નવેસરથી એકડો ઘૂંટવાનો આવે તે સ્થિતિની કલ્પના કરવી અઘરી છે. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી તેને આ સ્થિતિમાંથી પસાર થતો અને છતાંય ફરિયાદ કે કડવાશના કોઈ ભાવ વિના, ગજબની સ્થિતપ્રજ્ઞતાથી હંમેશની જેમ કામ કરતો જોયો છે. નથી કોઈ પ્રત્યે અનાદર, નથી હરાવી-હંફાવી દેવાનું ઝનૂન. એટલે જ આવા વિપરીત સંજોગોમાં તેને ગુજરાતનું પહેલું પ્રવાસ સામયિક કાઢવા જેવો મૌલિક આઇડીયા આવી શક્યો છે. તેની ઝીણવટભરી બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા અને તેને ઉત્તમ રીતે અમલમાં મૂકવા સિવાય બીજી ચર્ચામાં જાણે તેને રસ જ નથી. 'જિપ્સી'ની ઓફિસમાં એક ઓફિસ આસિસ્ટન્ટ સિવાય બીજું કોઈ નથી. હર્ષલની અડીખમ સાથી ફાલ્ગુની અને હવે કોલેજમાં ભણતો પુત્ર પરંતપ તેની પડખે છે અને એ સિવાય સેંકડોની સંખ્યામાં વાચકો-શુભેચ્છકો. એ બધાનો હર્ષલે કાર્યક્રમમાં ખરા દિલથી આભાર માન્યો. કપરા સંજોગોમાં સાથ આપવા બદલ કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી.
***
વર્ષ ૨૦૧૪ની દિવાળીમાં માં હર્ષલ લદ્દાખ ફરીને, તેના પ્રેમમાં પડીને આવ્યો, ત્યારે એ પ્રવાસ અંગે અમારે વિગતે વાત થઈ હતી. તેના આધારે મેં હર્ષલને 'સાર્થક જલસો' માટે લદ્દાખના પ્રવાસની વાત લખી આપવા આગ્રહ કર્યો. પોતાનો ઉલ્લેખ આવતો હોય એવાં લખાણ લખવામાં તેને કેટલી તકલીફ હતી એ હું જાણતો હતો. અમારી ઘણીખરી મિત્રમંડળી પણ એ માટે બહુ ઉત્સાહી નથી હોતી. પણ તેને 'સાર્થક જલસો'ની સમજ વિશે વાત કરીઃ 'આપણો વાંધો આઇ કેપિટલ રાખવા સામે છે. એમ કરવાથી લેખ આપવડાઈથી ગંધાઈ ઉઠે. પણ આઇ સ્મોલ રાખીએ તો એ જ વાત લેખની તાકાત બની જાય છે. કેમ કે, લેખમાં અધિકૃતતા ઉમેરાય છે. ' આવી ચર્ચા પછી તેણે તેની કારકિર્દીનો એ પ્રકારનો કદાચ પહેલો લેખ સાર્થક જલસો-૪ માં લખ્યો. 'જલસો'રીતિ પ્રમાણે, તે પૂરાં પચીસ પાનામાં પથરાઈને પ્રગટ થયો. આમ, હર્ષલનાં સ્મોલ આઇ કેન્દ્રી લખાણો અને લદ્દાખના લેખ સાથે એક પ્રકારનો અનુબંધ હતો. તેથી કાર્યક્રમમાં પ્રગટ થનારું પુસ્તક લદ્દાખ વિશેનું છે, તે જાણીને વિશેષ આનંદ થયો. (ત્યાં સુધી મને પણ ખબર ન હતી કે પુસ્તક શાના વિશેનું છે.) ત્યાર પહેલાં હર્ષલે તેના જ નહીં, ભારતીય પત્રકારત્વ-લેખનમાં અનન્ય કહી શકાય એવા પુસ્તક 'આ છે સિઆચેન’, તેના જ વિસ્તાર તરીકે શરૂ કરેલી 'સિઆચેન જનજાગૃતિ ઝુંબેશ' અને બીજા ખ્યાતિપ્રાપ્ત પુસ્તક 'પરમવીર ચક્ર'ની પણ વાત કરી. પરમવીર ચક્ર બાના સિંઘ સાથેની તેની મુલાકાતની વિડીયો પણ જોવા મળી.
પુસ્તકના વિમોચન માટે હર્ષલે યોગ્ય રીતે જ, લદ્દાખ કરતાં પણ વધારે કઠણ સફરમાં સરખા હિસ્સાનો સાથ આપનાર પત્ની ફાલ્ગુનીને બોલાવી. બંનેએ મળીને ‘ચાલો લદ્દાખ’ પુસ્તકનું અનાવરણ કર્યું, ત્યારે મારા જેવા ઘણાની આંખ આનંદથી ભીની થઈ હશે. એવી જ રીતે હર્ષલે 'જિપ્સી'નો બારમો અંક પણ ઝાઝી ઔપચારિકતા વિના રજૂ કર્યો અને છેલ્લે 'જિપ્સી' આઉટડોર્સની વાત કરી. (પુસ્તક અને જિપ્સીના અંકો મેળવવા માટેની લિન્કઃ http://iamgypsy.in/)
![]() |
| હર્ષલ પુષ્કર્ણા- ફાલ્ગુની પુષ્કર્ણા |
![]() |
| Harshal Pushkarna- Falguni Pushkarna releasing a book on Ladakh |
અંતે ફરી એક વાર તેણે દાદા અને પિતા પાસેથી મળેલા વારસાનો કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કર્યો અને ભવિષ્યમાં પણ નવું-અવનવું કરતા રહેવાની ખાતરી આપી. કેમ કે, તેનું ચાલકબળ નાણાં નહીં, પણ પ્રવૃત્તિ અને તેમાંથી પેદા થતી સાર્થકતાની લાગણી છે.
કાર્યક્રમના અંતે જોવા મળેલા, કાર્યક્રમની ગરિમાને અનુરૂપ એવા એક દૃશ્યથી સમાપન કરવું જોઈએ, એક બાજુ ગરમાગરમ દાળવડાંનું ટેબલ હતું ને બીજી તરફ 'જિપ્સી'ના બારમો અંક તથા 'ચાલો લદ્દાખ' પુસ્તકનું. ક્યાં વધુ ગીરદી થઈ હશે. તમે કલ્પી શકો છો. છતાં, જોઈને તેનો આનંદ માણવા માટે આ તસવીરો.
![]() |
| કાઉન્ટરઃ દાળવડાનું... |
![]() |
| કાઉન્ટરઃ પુસ્તકોનું-સામયિકનું |
Sunday, February 12, 2012
‘સાયબરસફર’ – અનોખા સામયિકને હૂંફાળો આવકાર
Monday, October 10, 2011
જગજિતસિંઘનાં ગુજરાતી ગીતો, 'જગજિત કુર્તા' અને થોડી યાદો
અગાઉની પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે, અહીં જગજિતસિંઘે અજિત મર્ચંટના સંગીત નિર્દેશમાં ગાયેલાં બે ગુજરાતી ગીત આપ્યાં છે, જે પ્લે બટન પર ક્લિક કરવાથી વગાડી શકાશે.
પહેલું ગીત જગજિતસિંઘે ગાયેલું તેમની કારકિર્દીનું સૌ પ્રથમ ફિલ્મી ગીતઃ 'લાગી રામભજનની લગની'. ફિલ્મ 'બહુરૂપી' (1969) અને બીજું ગીત, જગજિત-સુમન કલ્યાણપુરનું યુગલ ગીત. ફિલ્મઃ ‘ધરતીનાં છોરુ’ (1970)
બન્ને ગીતોના કવિ વેણીભાઇ પુરોહિત અને સંગીતકાર અજિત મર્ચંટ.
Saturday, March 13, 2010
અલવિદા, વૈદ્યસાહેબ

Wednesday, September 02, 2009
યુરેનસ બુક્સની વણનોંધાયેલી વાચનયાત્રા
Saturday, June 06, 2009
ગુજરાત વિશે કલ્પના અને ‘વર્ચ્યુઅલ રીઆલીટી’
ફિલ્મઉદ્યોગમાં અને રાજકારણમાં જ્યુબિલી ઉર્ફે જયંતિઓનું મહત્ત્વ ઘણું હોય છે. કેમ કે, બન્નેમાં આખરે ધંધાનો સવાલ છે. જયંતિઓ ઉજવવાથી પોતાની ‘બ્રાન્ડ’ ભણી નવેસરથી લોકોનું ધ્યાન ખેંચવાની કે તેમનામાં નવેસરથી ઉત્સાહ જગાડવાની તક મળે છે.
ગુજરાતના વર્તમાન મુખ્ય મંત્રી વર્તમાન રાજકારણમાં એક બ્રાન્ડ છે. ગુજરાત, તેનું હિત, તેની અસ્મિતા, તેનું ગૌરવ, તેનો વિકાસ – આ બધું મુખ્ય મંત્રી માટે સાધ્ય નહીં, પણ સાધન છે- પોતાની બ્રાન્ડ મજબૂત કરવા માટેનું સાધન. છતાં ગુજરાતની પ્રજાને તે એવું સમજાવવામાં સફળ રહ્યા છે કે આગળ જણાવેલી ચીજો તેમનું સાધ્ય છે. આમ કરવામાં જો કે તે પહેલા નથી. નજીકના ભૂતકાળમાં ‘નયા ગુજરાત’ અને નર્મદા યોજના થકી ચીમનભાઇ પટેલે આવી જ સફળતા મેળવી હતી.
વર્તમાન મુખ્ય મંત્રી કમ્યુનિકેશનની કળામાં પારંગત અને પોતાની બ્રાન્ડનું કોઇ પણ ભોગે માર્કેટિંગ કરવામાં બેશરમ છે. ગુજરાતમાં પૂર આવ્યાં ત્યારે તેમણે છપાવેલાં મદદની અપીલ માટેનાં કાર્ડમાં તારાજીગ્રસ્ત વિસ્તારોની હવાઇ તસવીર (એરીયલ વ્યુ) ઉપર પોતે હેલિકોપ્ટરમાંથી નિરીક્ષણ કરતા હોય, એવું કટઆઉટ મુકાવ્યું હતું. આફતને અવસરમાં પલટાવવો તે આનું નામ.
આવા ઉત્સાહી મુખ્ય મંત્રી ગુજરાત રાજ્યની સ્થાપનાને પચાસમું બેસતું હોય, એવા અવસરનો લાભ લેવાનું અને એ નિમિત્તે એકાદ ‘કેચી’ સ્લોગન વહેતું મુકવાનું ચૂકે? તેમણે ગુજરાતની સુવર્ણજયંતિ નિમિત્તે આપેલું ‘કેચ-ફ્રેઝ’ છેઃ સ્વર્ણીમ ગુજરાત. આ સૂત્રને અપનાવવું કે તેની ટીકા કરવી, એ બન્નેમાં સરવાળે એ સરકારી સૂત્રનો મહીમા થાય છે. એટલે ‘સ્વર્ણીમ ગુજરાત’ વિશેની કલ્પના કરવાની કસરત- તેમાં મુખ્ય મંત્રીની બ્રાન્ડના રાજકારણની ટીકા હોય તો પણ- અંતે મુખ્ય મંત્રીની પ્રચારગાડીમાં ચડી જવા બરાબર નીવડી શકે છે.
છતાં કલ્પના કરવાની જ હોય, ગુજરાતના વર્તમાન વિશે- તેના ભવિષ્ય વિશે તો, નિરાશાવાદી થયા વિના, પણ એ કલ્પનાઓ સાકાર થવાની નહીંવત્ આશા સાથે, સૂઝતી કેટલીક રમ્ય કલ્પનાઓઃ
- ગુજરાતમાં કાર્યરત આધ્યાત્મિક ફિરકા, પંથ, સંપ્રદાય, આશ્રમોના દર છ મહિને જાહેર હિસાબો કરવા માટે પ્રજાના પ્રતિનિધિઓ ધરાવતું એક માળખું રચવામાં આવે, જેની પાસે અદાલતની માન્યતા અને કાયદા દ્વારા મળેલી સત્તા હોય. નિયમિતપણે થતા હિસાબોમાં ગોટાળા જણાય, ત્યારે યોગ્ય દંડ અને સજા ફટકારીને આ ક્ષેત્રે પારદર્શકતા સ્થાપવામાં આવે. આવું જ એક માળખું સ્વૈચ્છિક સંસ્થાઓના હિસાબોની તપાસ માટે પણ રચવામાં આવે. તેમને મળેલી નાણાંકીય સહાયમાંથી જે સંસ્થાએ 50 ટકા કરતાં વધુ રકમ વહીવટી ખર્ચમાં વાપરી હોય તેને સ્વૈચ્છિક સંસ્થાને બદલે પબ્લિક લિમિટેડ કંપનીમાં ફેરવી નાખવાની જાહેરાત કરવામાં આવે.
- સ્વૈચ્છિક સંસ્થાઓ જીપ સિવાય બીજું કોઇ ચાર પૈડાનું વાહન વાપરી શકે નહીં, એવું ઠરાવવામાં આવે. લક્ઝરી કાર, સ્પોર્ટસ યુટીલીટી વેહિકલ જેવી મોંઘીદાટ ગાડીઓ વાપરનારી સંસ્થાઓને પણ આગળ જણાવ્યા પ્રમાણે, પબ્લિક લિમિટેડ કંપનીમાં ફેરવી નાખવામાં આવે.
- ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં ‘માસ મુવમેન્ટ’નો સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવે. ગુજરાતના જાહેર જીવનમાં છેલ્લા બે-ત્રણ દાયકાથી સક્રિય જાણીતા-અજાણ્યા કાર્યકરો, સંસ્થાસંચાલકો અને બિનરાજકીય નેતાઓના સારા-નરસા અનુભવોનો તેમાં લાભ લેવામાં આવે. આ અભ્યાસક્રમ હેઠળ તૈયાર થયેલા વિદ્યાર્થીઓની પહેલી બેચ સંબંધિત યુનિવર્સિટીઓમાં રાજકીય વફાદારીથી કુલપતિ બની બેઠેલાઓ સામે આંદોલન કરીને, તેમને ઘરભેગા કરે.
- નરેન્દ્ર મોદી મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જઇને પરેશ રાવલનું સ્થાન જોખમમાં મુકી દેનારા સુપરસ્ટાર ચરિત્ર અભિનેતા બની જાય. તેનાથી ફિલ્મ અને રાજકારણ બન્ને ક્ષેત્રોને ફાયદો થશે.
- હિંદી ફિલ્મોમાં છવાઇ ગયેલાં ગુજરાતી નામો વર્તમાન હિંદી ફિલ્મોની કક્ષા અને બજેટની ગુજરાતી તથા એવા જ અવનવા વિષયો ધરાવતી ગુજરાતી ફિલ્મો બનાવે. ફક્ત મેઘાણી-મુન્શી-દર્શક કે જોસેફ મેકવાન-રજનીકુમાર પંડ્યા-હરકિસન મહેતા-અશ્વિની ભટ્ટની નવલકથાઓ પરથી જ નહીં, ઇલાબહેન ભટ્ટ કે માર્ટિન મેકવાન જેવાની સંઘર્ષકથાઓ પરથી પણ ઉત્કૃષ્ટ પ્રોડક્શન વેલ્યુ ધરાવતી ગુજરાતી ફિલ્મો બને. અનિલ અંબાણી અને સ્ટીવન સ્પીલબર્ગની સંયુક્ત નિર્માણસંસ્થા તેના માટે નાણાં રોકે.
- ગુજરાત વિદ્યાપીઠ અને ભો.જે. સંશોધન ભવનથી માંડીને ગુજરાતભરનાં પુસ્તકાલયોમાં રહેલાં પચાસ વર્ષથી જૂનાં તમામ સામયિકો-પુસ્તકોનું ડીજીટાઇઝેશન થાય. ગુજરાતબહાર મુંબઇ-કલકત્તાનાં પુસ્તકાલયોમાં રહેલી સામગ્રીને પણ તેમાં આવરી લેવાય. ગુજરાતી સાહિત્ય પરિષદ અને અકાદમીનું (‘નેશનલાઇઝેશન’ની જેમ) ‘પીપલાઇઝેશન’ કરવામાં આવે.
- ઝવેરચંદ મેઘાણી, સ્વામી આનંદ, કાકા કાલેલકર, જ્યોતીન્દ્ર દવે, ચં.ચી.મહેતાથી માંડીને પ્રતિભાવાન હયાત સાહિત્યકારો વિશે ‘ડિસ્કવરી’ પર આવતા કાર્યક્રમોની કક્ષાની ડોક્યુમેન્ટરી બને. નીરવ પટેલ, સાહિલ પરમાર જેવા કવિઓની કવિતાઓ નરસિંહ મહેતા-મીરાબાઇની કવિતાઓની જેમ ઘેર ઘેર જાણીતી બને અને લોકોના મનમાં જ્ઞાતિપ્રથા અંગે શરમ તથા સમાનતાનો જુસ્સો પેદા કરે. ચંદુ મહેરિયા હજાર-હજાર પાનાંના છ ભાગમાં પથરાયેલી આત્મકથા લખે, જે દલિત સમસ્યાથી માંડીને ગુજરાતના જાહેર જીવન અને આંદોલનો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને તેના આગેવાનો તથા સાહિત્યજગત વિશેનો મૂલ્યવાન દસ્તાવેજ બની રહે.
- ગુજરાત વિદ્યાપીઠમાં ખાદી અને કાંતણને ફરજિયાત બનાવતો નિયમ દૂર થાય. ખાદીને બદલે ગાંધીના ચરિત્રનાં માનવીય પાસાં ઉભારતાં પાંચ-દસ પુસ્તકોનો અભ્યાસ, તેના વિશેની મુક્ત ચર્ચાઓ અને આંબેડકરચરિત્ર ફરજિયાત બને.
- ગુજરાતી ભાષાનાં વિજ્ઞાન-ગણિત-અંગ્રેજી-આઇ.ટી.નાં પાઠ્યપુસ્તકો નગેન્દ્રવિજય પાસે તૈયાર કરાવવામાં આવે. પ્રજાકીય નાણાંના પ્રચંડ બગાડ જેવા સાયન્સ સીટીની સેંકડો ખામીઓ દૂર કરીને, તેને નવેસરથી સજ્જ કરવાનું અને દરેક જિલ્લામાં આવાં સાયન્સ સીટીની નાની આવૃત્તિઓ ઊભી કરવાનું કામ પણ નગેન્દ્રભાઇ અને ‘સફારી’ના સંપાદક હર્ષલ પુષ્કર્ણાને સોંપવામાં આવે.
- અફસોસ અને ગંભીરતા સાથે યાદ કરવું પડતું એક નામ સ્વ. રવજીભાઇ સાવલીયાનું છે. ભાજપની સરકારો સાથે તેમને નિકટના સંબંધો હોવા છતાં, તેમની પ્રચંડ પ્રતિભાનો લાભ ગુજરાતને મળી શક્યો નહીં એ ગુજરાતનું કમનસીબ છે. વૈકલ્પિક ઊર્જા અને જળસંચયથી માંડીને બ્રહ્માંડનાં રહસ્યો અને વૈજ્ઞાનિક વિચારસરણીની બાબતમાં રવજીભાઇ ગુજરાતને મળેલું – અને ગુજરાતે જેને વેડફી નાખ્યું એવું- દુર્લભ રત્ન હતા. ગુજરાતના હિતમાં મને કોઇ એક માણસ સજીવન કરવાનું કહેવામાં આવે તો અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને હું રવિશંકર મહારાજ કે ઇન્દુલાલ યાજ્ઞિકનું નહીં, પણ રવજીભાઇ સાવલિયાનું નામ આપું. તેમના પરિચયમાં આવેલા લોકો આ વાતમાં અંગત લાગણી કરતાં વધારે પ્રમાણમાં નક્કર વાસ્તવિકતાનું તત્ત્વ જોઇ શકશે.
- રાજકારણીઓ અને તેમને પેદા કરનારું પ્રજામાનસ એકદમ સુધરી જાય, એવું તો રમ્ય કલ્પનામાં પણ આવતું નથી. હા, ગુજરાતમાં બે ટંક ભોજન વિના કોઇ ન સુએ, દરેક જણ વાંચી-લખી શકે એટલું શિક્ષિત હોય, ફક્ત પારસીઓ જ નહીં, બધા ધર્મોના ગુજરાતીઓ એકબીજા સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા હોય, ગામેગામ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ હોય...અને લોકો ફક્ત કલ્પનાઓ કરીને બેસી રહેવાને બદલે પોતાનાથી બને એટલું કામ પણ કરતા હૌય...
Saturday, March 28, 2009
સવારીઃ શેરખાનની અને સંભારણાંની
26 માર્ચના રોજ વિજયગુપ્ત મૌર્યનો 100મો જન્મદિવસ હતો. ગત થયેલા દાદાના જન્મદિવસોનું કેટલા પૌત્રોને મન મહત્ત્વ રહેતું હશે? પણ વિજયગુપ્ત મૌર્ય સામાન્ય દાદા ન હતા અને હર્ષલ (પુષ્કર્ણા) સામાન્ય પૌત્ર નથી.ગુજરાતી ભાષામાં જ્ઞાનવિજ્ઞાનના લેખનની ઉજ્જવળ અને ટકાઉ પરંપરા ઊભી કરનાર વિજયશંકર વાસુ ઉર્ફે વિજયગુપ્ત મૌર્યને અંજલિ આપવા માટે હર્ષલે એવું ગોઠવ્યું હતું કે તેમના 100મા જન્મદિવસે વિજયગુપ્ત મૌર્ય લિખિત ‘શેરખાન’ની ચોથી આવૃત્તિ તૈયાર થાય.
રાબેતા મુજબની છેલ્લી ઘડીની ધમાચકડી પછી 26મી તારીખે નવી આવૃત્તિ હર્ષલના હાથમાં હતી. સુઘડ- લે-આઉટ, સ્વચ્છ અને વાર્તારસથી સભર ચિત્રો, પહેલી અને બીજી આવૃત્તિમાં વિજયગુપ્ત મૌર્યની લખેલી પ્રસ્તાવનાનું સંકલન
કરીને મુકેલી પ્રસ્તાવના, ભાગ્યે જ અંગત ઉલ્લેખ કરતા નગેન્દ્રભાઇનું હૃદયસ્પર્શી કથન- આ ‘શેરખાન’ની નવી આવૃત્તિનાં આકર્ષણ છે.મારી પાસે ‘શેરખાન’ની બીજી આવૃત્તિ (1983) છે, પણ વાતચીતમાં હર્ષલે ત્રીજી આવૃત્તિ વખતની ઘણી વાતો યાદ કરી. 1995માં એ આવૃત્તિ થઇ ત્યારે હર્ષલને નગેન્દ્રભાઇ સાથે કામમાં જોડાયે ચાર-પાંચ વર્ષ થયાં હતાં. ‘સ્કોપ’ અનિયમિત પણ ચાલુ હતું. ‘સફારી’ પણ ખરૂં. જ્ઞાનવિજ્ઞાનના પ્રસાર માટે નગેન્દ્રભાઇએ પસંદ કરેલો રસ્તો અને એ માટેનો સંઘર્ષ આખો અલગ- અને ગુજરાતી પત્રકારત્વ-સાહિત્યમાં ‘વીસમી સદી’વાળા હાજી મહંમદ કે વિજયરાય વૈદ્યની પરંપરાનો છે- ભલે ક્ષેત્ર અલગ રહ્યાં. હર્ષલે પણ કિશોરાવસ્થા પર પુખ્તતાનું ‘એડપ્ટર’ લગાડ્યું અને કામે લાગી પડ્યો. એવા નિર્ધાર સાથે કે અણમોલ જ્ઞાનના બદલામાં અલ્પ વળતરની શોષણ પરંપરા અટકાવીને જંપીશ.
1995માં ‘યુરેનસ બુક્સ’ નામે પ્રકાશન સંસ્થા શરૂ કરી. તેનું પહેલું પુસ્તક હતુઃ શેરખાન. કઝિનના મેકિન્તોશ પર ગુજરાતી ફોન્ટમાં આખા પુસ્તકનું ટાઇપસેટિંગ, લે-આઉટ અને પ્રૂફરીડિંગ હર્ષલે કર્યાં હતાં. 1995માં મેક પર ગુજરાતી સોફ્ટવેર? હાં, ભઇ, હાં. મને યાદ છેઃ 1995માં હું મુંબઇ ‘અભિયાન’માં જોડાયો ત્યારે નગેન્દ્રભાઇનું ‘શતરંજ’ (રાજકીય કોલમ)નું મેટર પણ એ વખતે ભેદી જણાતી ગોઠવણથી સીધું મોડેમથી ઉતરતું હતું, જેને કમ્પોઝ કરાવવું પડતું ન હતું. (એ વખતે ઇન્ટરનેટ આવ્યું ન હતું. ઇ-મેઇલનો સવાલ ન હતો.)
દાદાના પુસ્તકને હર્ષલે તૈયાર તો કરી નાખ્યું, પણ અનુભવના અભાવે પુસ્તકનું ઉઘડતું પાનું અને તેની પાછળનું કિંમત-પ્રકાશક જેવી વિગતો ધરાવતું પાનું કરવાનું જ રહી ગયું. એ પ્રસંગ યાદ કરીને હર્ષલ કહે છે,’શરૂઆતની કોપી જોવા માટે આવી હતી. તેમાં ધ્યાન પડ્યું એટલે ઊભાઊભ એ પાનું કરાવીને ચોપડીમાં ચોંટાડાવ્યું.’
14 વર્ષ પછી ‘શેરખાન’ની નવી આવૃત્તિ નિમિત્તે આ સંભારણાં સૌ ‘સફારી’પ્રેમીઓ માટે.
Tuesday, February 24, 2009
ઈંગ્લીશનો ધસારો, ગુજરાતીનો ઘસારો
માતૃભાષામાં શિક્ષણ કેટલું જરૂરી અને ઉપયોગી છે, એની ભાષણબાજી સાંભળવામાં હવે ગુજરાતીઓને કંટાળો આવે છે. એના માટે માતૃભાષા પ્રત્યે પ્રેમના અભાવ ઉપરાંત ભાષાપ્રેમનાં ભાષણો-ઉપદેશો આપનારા મહાનુભાવો પણ ઓછા જવાબદાર નથી.
ગુજરાતીનાં મહત્તા-માહત્મ્ય-મહાનતા વિશે ભાવભીની વાતો ઘણી થાય છે, પરંતુ તેના ગઢમાં પડેલાં મસમોટાં ગાબડાં પુરવા માટે શું કરવું જોઇએ, એ બાબતે ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવતો નથી. પરિણામે ભાષાબચાવ ઝુંબેશો ભવિષ્યની વ્યૂહરચના વિશેની ચર્ચાસભાને બદલે ભૂતકાળનાં, ઘણે અંશે આત્મકથાત્મક, સંભારણાં વાગોળવાની નિરર્થક- બહુ તો મનોરંજક- બેઠકો બની રહે છે.
ગુજરાતી માઘ્યમ અને તેનાથી ઘણી વ્યાપક એવી ગુજરાતી ભાષાને ઈંગ્લીશના હુમલાથી સલામત રાખવા માટે શું થઇ શકે? કેટલાક ઉપાયો વિચારતાં પહેલાં ગુજરાતમાં-ભારતમાં ઈંગ્લીશનાં મૂળીયાં વિશે અછડતી જાણકારી મેળવીએ.
ઈંગ્લીશઃ પ્રવેશ અને આક્રમણ
રમૂજમાં ભારતની ‘મધરટન્ગ’ (માતૃભાષા) નહીં, પણ ‘આન્ટી ટન્ગ’ (માસીની ભાષા?) તરીકે ઓળખાતી ઈંગ્લીશની બોલબાલા વિશે એક પ્રચલિત વિધાન છેઃ ‘ઈંગ્લીશ ઇઝ નોટ માય મધર્સ ટન્ગ, બટ ઇટ ઇઝ માય મધરટન્ગ.’ (ઈંગ્લીશ મારી માતાની ભાષા નથી, પણ મારી માતૃભાષા છે.)
ત્રણેક દાયકા પહેલાં એક વિદ્વાને ભારતમાં અંગ્રેજી ભાષાને ગાય સાથે સરખાવી હતી. સરખામણીનો પહેલો મુદ્દોઃ ભારતીયો પરલોક તરી જવા માટે ગાયનું અને આ લોક તરી જવા માટે ઈંગ્લીશનું પૂંછડું પકડે છે. મુદ્દો બીજોઃ બન્ને વિશે અત્યંત આદર હોવા છતાં બન્નેની દશા ભારતમાં ભૂંડી છે.
પહેલો મુદ્દો હજુ એટલો જ સાચો છે, પણ બીજા મુદ્દે મોટો ફેરફાર થયો છે. કેટલાક અભ્યાસીઓ જેને ‘વ્હાઇટ રેવોલ્યુશન’ (‘શ્વેત ક્રાંતિ’?) કહે છે, તે પ્રક્રિયા અંતર્ગત દેશમાં હવે ઈંગ્લીશને કારણે ઘણી સ્થાનિક ભાષાઓની દશા બેઠી છે. બે-ત્રણ દાયકા પહેલાં સુધી ગુજરાત જેવાં રાજ્યોમાં ઈંગ્લીશ શીખવવા માટે ઝુંબેશ ઉપાડવી પડે એવી સ્થિતિ હતી. ગુજરાતમાં પહેલાં ઈંગ્લીશ પાંચમા ધોરણથી શીખવવું કે આઠમા ધોરણથી, એ વિશેના ગરમાગરમ વિવાદો થતા હતા. હવે ગુજરાતી શીખવવાની-બચાવવાની ઝુંબેશ કરવાના દિવસ આવ્યા છે.
ઈંગ્લીશના આક્રમણનું જોર જોતાં એવું લાગે, જાણે ભારતમાં એ ભાષા સદીઓથી મૂળીયાં નાખીને પડી છે. ઐતિહાસિક તથ્યો એ વિશે શું કહે છે?
વિશ્વભાષા તરીકે ઈંગ્લીશ છેક વીસમી સદીમાં અને એ પણ બે વિશ્વયુદ્ધો પછી સ્થપાઇ. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ આથમી ગયો, પણ બ્રિટનનાં સંસ્થાનો પૂરતું મર્યાદિત રહેલું ઈંગ્લીશનું સામ્રાજ્ય અકબંધ રહ્યું અને વિસ્તર્યું. કેમ કે, વિશ્વયુદ્ધો પછી રાજકીય-આર્થિક સુપરપાવર તરીકે ઉભરેલા અમેરિકાની મુખ્ય ભાષા ઈંગ્લીશ હતી. અમેરિકન ઈંગ્લીશ પહેલાં સમૃદ્ધિની અને પછીનાં વર્ષોમાં જ્ઞાનની ભાષા તરીકે દુનિયાભરમાં ફરી વળ્યું. ૧૯૮૫ના ‘યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રીપોર્ટ’ સામયિકમાં ઈંગ્લીશના આક્રમણ વિશેના એક લેખમાં નોંઘ્યા પ્રમાણે, એ સમયે કમ્પ્યુટરમાં સ્ટોર થયેલી દુનિયાભરની ૮૦ ટકા માહિતી ઈંગ્લીશમાં હતી અને દુનિયાની વસ્તીમાં દર સાત માણસે એક માણસ ઓછેવત્તે અંશે ઈંગ્લીશ જાણતો હતો.
ભારતમાં ઈંગ્લીશ ભાષાના પગપેસારા માટે એકતરફ ‘લીન્ગ્વીસ્ટીક ઇમ્પીરીયાલીઝમ’ (ભાષાકીય સામ્રાજ્યવાદ) જેવો શબ્દપ્રયોગ વપરાય છે, તો સી.રાજગોપાલાચારી સરખા વિદ્વાન નેતાએ ઈંગ્લીશને ‘ગોડેસ સરસ્વતીઝ ગિફ્ટ ટુ ઇન્ડિયા’ (દેવી સરસ્વતી ભારતને ભેટ) તરીકે ઓળખાવી. આ ભાષાનો તેના જન્મસ્થળ ઈંગ્લેન્ડમાં માંડ પાંચેક સદી પહેલાં ‘સાહિત્યિક શક્યતાઓ ધરાવતી ભાષા’ તરીકે સ્વીકાર થયો. છતાં ૧૭મી સદી સુધી ન્યૂટન જેવા વૈજ્ઞાનિક લેટિન ભાષામાં ગ્રંથો લખતા હતા. છેક ૧૯મી સદી સુધી ઈંગ્લેન્ડની સ્કૂલોમાં ઈંગ્લીશ ભણાવવામાં આવતું ન હતું. (સંદર્ભઃ ધ પોલિટિક્સ ઓફ ઇન્ડિયન ઈંગ્લીશ, એન.કૃષ્ણસ્વામી અને અર્ચના એસ. બર્ડે, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૧૯૯૮)
ભારતમાં ઓગણીસમી સદીમાં (૧૮૨૩માં) નીમાયેલી ‘ધ જનરલ કમિટી ઓફ પબ્લિક ઇન્સ્ટ્રક્શન’ના સભ્યોએ ઈંગ્લીશ ભાષા અને ઈંગ્લીશ મીડિયમના પ્રસારની વિરૂદ્ધમાં અભિપ્રાય આપ્યો હતો. ત્યાર પછીના દોઢેક દાયકામાં ‘ધ બોમ્બે નેટીવ એજ્યુકેશન સોસાયટી’એ મુંબઇ ઇલાકામાં ‘ડિસ્ટ્રીક્ટ ઈંગ્લીશ સ્કૂલ્સ’ (જિલ્લા કક્ષાની ઈંગ્લીશ શાળાઓ) શરૂ કરી. અંગ્રેજી રાજની વહીવટી ભાષા બનેલી ઈંગ્લીશ શીખવાની તમન્ના ‘દેશીઓ’માં જાગવા માંડી. ૧૮૩૫માં મેકોલેએ ભારતમાં ઈંગ્લીશના શિક્ષણ દ્વારા કારકુનો પેદા કરવાના સૂચન સાથે નવી દિશા ચીંધી આપી. (જાપાનની એક યુનિવર્સિટીનો ઘ્યેયમંત્ર હતોઃ ‘કારકુન કરતાં કારીગર સારો’) બીજો મહત્ત્વનો વળાંક ૧૮૫૪માં આવ્યો, જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ચાર્લ્સ વૂડે ‘વૂડ્સ ડિસ્પેચ’ તરીકે ઓળખાતા અહેવાલમાં નવી શિક્ષણનીતિની રૂપરેખા આપી. તેમાં મુખ્ય શહેરોમાં મહાવિદ્યાલયો (યુનિવર્સિટી)નો આરંભ, શિક્ષકો માટે તાલીમસંસ્થાઓની સ્થાપના અને ‘ગ્રાન્ટ-ઇન-એઇડ’ પ્રથા શરૂ કરવાનો નિર્ણય લેવાયો. એ સાથે ભારતના વહીવટી તંત્રમાં પહેલી વાર શિક્ષણવિભાગ અલગ રીતે અસ્તિત્ત્વમાં આવ્યો.
‘વૂડ્સ ડિસ્પેચ’ની દોઢ સદી પછી હવે ગુજરાતી ભાષામાં તથા ગુજરાતી ભાષાના અસરકારક શિક્ષણ માટે કોઇ ‘ડિસ્પેચ’ તૈયાર કરવો પડે એવી સ્થિતિ છે.
સુદૃઢ ગુજરાતી માટે સંભવિત ઉપાયો
ભાષા સાથે જુદા જુદા સ્તરે કામ પાડતા અભ્યાસીઓ સાથેની વાતચીતમાંથી મળેલાં ગુજરાતી ભાષાને મજબૂત કરવાનાં કેટલાંક ઉપયોગી-વ્યવહારૂ સૂચનો અહીં મુક્યાં છેઃ
કાંટાથી કાંટો કાઢવોઃ રતિલાલ બોરીસાગર આ શબ્દપ્રયોગ વાપરીને કહે છે કે અંગ્રેજી ભાષાથી જ અંગ્રેજીના મોહ સામે લડવું. એટલે કે, ગુજરાતી શાળાઓમાં પહેલા ધોરણથી અંગ્રેજી એક વિષય તરીકે દાખલ કરવું અને ઈંગ્લીશ મીડિયમમાં ભણાવાતા અંગ્રેજીની સમકક્ષ ઈંગ્લીશ ગુજરાતી માઘ્યમમાં ભણાવવું. નગેન્દ્રવિજય એટલી હદ સુધી કહે છે કે ગુજરાતી માઘ્યમમાં અંગ્રેજી પર ભાર મુકવા માટે જરૂર લાગે તો અંગ્રેજી વિષયનાં એકને બદલે બે પેપર કરી નાખવાં.
આ સૂચનો પાછળનું હાર્દ એટલું જ કે તેનાથી સંતાનનું ઈંગ્લીશ કાચું કે નબળું રહી જતું હોવાની માતાપિતાની ફરિયાદ દૂર થશે અને સંતાનના દિમાગમાં ભાષા ભેળપુરી થતી અટકશે. ઈંગ્લીશ ભાષા અંગે સરકારની ઉદાર નીતિ જોતાં ગુજરાતી શાળાઓ માટે પહેલા ધોરણથી ઈંગ્લીશ દાખલ કરવાના પગલાંને સરકાર તરફથી કોઇ મુશ્કેલી નડવી જોઇએ નહીં.
એટલું ખરૂં કે આ કામનો બોજ મામૂલી પગાર ધરાવતા વિદ્યાસહાયકો પર નાખી શકાય નહીં. સરકારે એ માટે પૂરા કદના, સારો પગાર ધરાવતા શિક્ષકોની ભરતી કરવી પડે. અત્યારે ઈંગ્લીશ મીડિયમની સ્કૂલોમાં પણ સારૂં અંગ્રેજી શીખવવાનાં ફાંફાં હોય, ત્યારે સારા અંગ્રેજી શિક્ષકો તૈયાર કરવાનું કામ પ્રાથમિક બની રહે.
માતૃભાષાનું બાકાયદા મહત્ત્વઃ ઈંગ્લીશ મીડિયમની સ્કૂલોમાં બારમા ધોરણ સુધી ગુજરાતી ફરજિયાત હોવું જોઇએ. એટલું જ નહીં, ગુજરાતીને પૂરતું મહત્ત્વ પણ મળવું જોઇએ. આ કામ સરકારી હુકમ અને ખાસ તો, તેના કડક અમલથી દ્વારા શકે. આ પ્રકારના સરકારી હુકમો સામેનો વિરોધ અદાલતોમાં પણ ટકી શકતો નથી.
પ્રજાકીય વ્યવહારમાંથી અંગ્રેજીને વિદાયઃ ગુજરાતી માઘ્યમના વિદ્યાર્થીને સારૂં અંગ્રેજી ભણાવવાની સાથોસાથ, ગુજરાતી પર પ્રભુત્વ ધરાવનાર માટે કારકિર્દીની બહોળી તકો ઉપલબ્ધ બને, એવું વાતાવરણ રોજેરોજના જીવનમાં ગુજરાતીના બહોળા પ્રયોગથી સર્જાવું જોઇએ. આમજનતાની ભાષા ગુજરાતી હોય ત્યારે રોજબરોજના જીવનમાં ધૂસી ગયેલા અને લોકો માટે અન્યાયી થઇ પડતા અંગ્રેજીને દૂર કરવું પડે. ધારાશાસ્ત્રી ગિરીશ પટેલ કહે છે કે હાઇકોર્ટમાં વકીલો અને ન્યાયમૂર્તિ બધા ગુજરાતી હોય, તો પણ કાર્યવાહી અંગ્રેજીમાં ચાલે છે. ઘણાખરા અસીલોને ખબર જ ન પડે કે પોતાનો વકીલ શું ગબડાવે છે. આવી સ્થિતિ નાબૂદ થવી જોઇએ. ભાષાનો મુદ્દો ફક્ત સાહિત્ય કે ભણેલાગણેલા લોકોને જ નહીં, ‘આમજનતા’ તરીકે ઓળખાતા સૌનાં હિત અને તેમના અધિકારો સાથે સીધો સંકળાયેલો છે.
ગુજરાતી ભાષામાં પાઠ્યપુસ્તકોનું પુનઃલેખનઃ બાળકનું શ્રેષ્ઠ ભણતર તેની માતૃભાષામાં થઇ શકે છે, એ વિજ્ઞાનસિદ્ધ હકીકત છે. પ્ર.ચુ.વૈદ્ય જેવા ગણિતશાસ્ત્રીએ અભ્યાસ દ્વારા તારવ્યું છે કે ‘ગણિત એટલે ફક્ત આંકડા’ એ માન્યતા ખોટી છે. ગણિત શીખવવામાં આંકડા જેટલું જ- તેનાથી બિલકુલ ઓછું નહીં એવું- મહત્ત્વ ભાષાનું છે.
ગુજરાતીમાં શીખવવાની વાત કરીએ ત્યારે બહુ મોટો મુદ્દો અને ચિંતાનો વિષય છે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ પાઠ્યપુસ્તકો અને સંદર્ભસામગ્રી. અત્યંત દુર્બોધ અથવા ટેકનિકલ ભાષામાં લખાયેલાં ગુજરાતી લખાણો કરતાં ઈંગ્લીશ સમજવાનું ઓછું અઘરૂં પડે છે. એટલે જ, નગેન્દ્રવિજય અને ડો.સુશ્રુત પટેલ જેવા વિજ્ઞાનમાં ઊંડાણપૂર્વકનું છતાં લોકભોગ્ય ભાષામાં લખનારા વિદ્વાનો, સમજાય એવા ગુજરાતીમાં પાઠ્યપુસ્તકો અને બીજાં સંદર્ભપુસ્તકો ઉપલબ્ધ બને તેની ઉપર ભાર મુકે છે. સરકારી પાઠ્યપુસ્તક મંડળ સરળ ગુજરાતીમાં લખી ન શકતા પ્રોફેસરોને થોડો વિરામ આપીને, વિષયનિષ્ણાતો અને સરળ ભાષામાં લખનારા લોકોને ભેગા કરવાની તસ્દી લે તો કંઇક કામ બને.
સરકારી શાળાઓની સજ્જતાઃ અત્યારના ઘણા ‘મોટા માણસો’ સરકારી નિશાળોમાં ભણ્યા છે એની ગાથા જવા દઇએ, તો પણ સરકારી નિશાળોની સંખ્યા અને સુવિધા સમય જતાં વધવાને બદલે ઘટ્યાં છે એ હકીકત છે. બોલકા વર્ગનાં સંતાનો માટે ખાનગી શાળાઓ ઉભી થઇ ગઇ હોવાથી તેમને સરકારી શાળાઓના હાલહવાલની પરવા નથી. પણ આ જ શાળાઓ ગુજરાતી માઘ્યમ અને ભાષાને બચાવવાનાં મહત્ત્વનાં કેન્દ્રો બની શકે એમ છે. એ માટે સરકાર પોતે પ્રયાસ કરે અથવા ભણતર ગરીબો માટે સુલભ રહે એ રીતે બીજાને પ્રયાસ કરવા દે, તો ગુજરાતી વિશેની ઘણીખરી ચિંતા નાબૂદ થઇ જાય.
આ યાદી હજુ લંબાઇ શકે. કેટલાંક સૂચનો અંગે વઘુ ચર્ચાને અવકાશ હોઇ શકે. છતાં, ગુજરાતીને મજબૂત કરવા ઇચ્છતા સૌએ પહેલા પગથિયા તરીકે એક પ્રતિજ્ઞા લેવા જેવી છેઃ ‘હવેથી અમે ગુજરાતી ભાષા વિશેની લાગણીસભર વાતોના દાયરા- અને ડાયરા-માંથી બહાર નીકળીને, નક્કર ઉપાયો વિશેની ચર્ચા અને ક્રમબદ્ધ-સમયબદ્ધ અમલીકરણ પર જ ઘ્યાન કેન્દ્રિત કરીશું.’
Thursday, February 12, 2009
ઈંગ્લીશ ‘સફારી’ની પહેલી વર્ષગાંઠ

Tuesday, February 03, 2009
‘સફારી’ની નવી વેબસાઇટઃ સાત ડગલાં સાયબર-આકાશમાં

‘સફારી’ના કાયમી પ્રેમીઓ અત્યાર સુધી જાણી ચૂક્યા હશે એવા ખુશખબર એ છે કે ‘સફારી’ની વેબસાઇટ હવે નવા સ્વરૂપે, સ્વચ્છ-સુઘડ-વાચકોપયોગી (રીડર-ફ્રેન્ડલી, ધેટ ઇઝ)-નવતર સુવિધાઓથી સજ્જ થઇ છે.
ગઇ કાલની રાતથી અપલોડ થયેલું વેબસાઇટનું નવું સ્વરૂપ ઘણી રીતે મઝાનું છે.
અંગ્રેજી અને ગુજરાતી એમ બે જુદા વિભાગમાં વહેંચાયેલી આ સાઇટનું સૌથી અપૂર્વ (યુનિક) પાસું છેઃ પેજફ્લીપ તરીકે ઓળખાતી વ્યવસ્થા. વેબસાઇટમાં એક વાર લોગ ઇન થયા પછી નમૂના લેખે જોવા મળતી ‘સફારી’ની નકલમાં વાચકોને છાપેલું સામયિક વાંચવા મળતું હોય એવો અહેસાસ થાય છે. કેમ કે, વાચકો માઉસની મદદથી સ્ક્રીન પરનું પાનું રીતસર અડઘું કે આખું ‘પકડીને’ ઉથલાવી શકે છે. એવી જ રીતે ‘ઇન્સ્ટારીડ’ સુવિધામાં યથાયોગ્ય ડોલર ભરનાર વાચકો આ સાઇટ પર હર્ષલ પબ્લિકેશનનાં આઉટ ઓફ પ્રિન્ટ થઇ ગયેલાં અને હાલમાં ઉપલબ્ધ પ્રકાશનો વાંચી શકે છે.
સાદગીપૂર્ણ લે-આઉટથી શોભતી આ સાઇટ પર વાચકો માટેના ફોરમથી માંડીને દરેક લવાજમધારક પોતાના ‘ખાતા’ની સ્થિતિ ઓનલાઇન ચકાસી શકે એવી અનેક વ્યવસ્થાઓ ભાઇ હર્ષલે વિશાલ અને તેમની ટીમ સાથે મળીને યોજી છે.
સફારીની વેબસાઇટ પહેલી વાર ૧૯૯૯માં તેના દંતકથારૂપ તંત્રી નગેન્દ્રવિજયના હાથે લૉન્ચ કરવામાં આવી હતી. ત્યાર પછી સમયાંતરે તેમાં પરિવર્તન થતાં રહ્યાં. પણ ટેકનિકલ મર્યાદાઓને કારણે અત્યાર સુધી તેમાં એક પણ વાર ગુજરાતી ફોન્ટ (યુનિકોડ)માં મેટર મુકવામાં આવ્યું ન હતું. સઘળો વ્યવહાર પીડીએફ ફોર્મેટ અથવા અંગ્રેજીમાં ચાલતો હતો.
ગઇ કાલથી અમલમાં આવેલા ‘સફારી’ની વેબસાઇટના આ પાંચમા અવતારમાં હવે સમગ્ર સાઇટ ખરા અર્થમાં ગુજરાતી બની છે. ગુજરાતી ભાષાને બચાવવા અંગે ચિંતિત લોકો એકવીસમી સદીમાં ગુજરાતી ભાષાને કેવી રીતે બચાવી શકાય તેના કેટલાક ઉપાયોમાંના એક ઉપાય લેખે પણ આ વેબસાઇટની મુલાકાત લે.
ગુજરાતમાં અંધજનો માટે તૈયાર થતી સફારીની શ્રાવ્ય આવૃત્તિ ઇન્ટરનેટ પર મુકવાની પણ યોજના છે, જે પરદેશમાં રહેતા અને ગુજરાતી સમજી શકતા પણ વાંચી ન શકતા લોકો માટે બહુ ઉપયોગી નીવડી શકે છે. એ જ રીતે ‘ગિફ્ટ અ સબસ્ક્રીપ્શન’ (કોઇ સ્નેહીને સફારીનું લવાજમ ભેટમાં આપવાની) યોજના પણ ટૂંક સમયમાં મુકાશે. અત્યારે ઇન્ટરનેટ એક્સ્પ્લોરર ૭ અને મોઝિલામાં પૂરેપૂરી સુવિધાઓ સાથે ખુલતી આ વેબસાઇટ ટૂંક સમયમાં એક્સપ્લોરરનાં ૭થી નીચેનાં વર્ઝનમાં ખુલે એવી થઇ જશે.
Tuesday, January 27, 2009
ભૌતિક શાસ્ત્રની વર્કશોપ અને કેટલીક ‘ભૌતિક’ બાબતો

કાર્યક્રમમાં પીઆરએલ (ફિઝિકલ રીસર્ચ લેબોરેટરી)ના બે ભૂતપૂર્વ ડીરેક્ટર સુધીરભાઇ પંડ્યા અને અમેરિકાથી આવેલા ડી.(દેવેન્દ્ર) લાલ, જે. એન. દેસાઇ જેવાં ખમતીધર નામો હતાં. કટારલેખક વિહારી છાયા અને પ્રકાશક તરીકે મહેશ દવે (ઇમેજ) પણ બીજા સેશનમાં હતા.
કેમિસ્ટ્રીના સ્નાતક તરીકે કોલેજમાં બે વર્ષ ફિઝિક્સ ભણેલો. ‘ભણેલો’ કહેવામાં અતિશયોક્તિ છે. ખરેખર તો મેં ફિઝિક્સના ક્લાસ ભરેલા ને પેપરો આપેલાં ને પાસ પણ થયેલો. છતાં લગભગ જલકમલવત્.
સદભાગ્યે મારે ફિઝિક્સ વિશે નહીં, પણ મીડિયામાં વિજ્ઞાન વિશે બોલવાનું હતું. એ મને આવડતું હતું. એટલે આવડ્યું એવું બોલ્યો. અહીં એની કથા કરવાની નથી. એ સિવાયની કેટલીક નજરે ચડેલી - કે પડેલી વાતો કરવી છે.
- અધ્યાપકોના સેમિનાર અને વર્કશોપમાં ‘સૌએ પોતાનાં ટીએ ફોર્મ ભરી દેવાં’ એ આખા સેમિનારનો કેન્દ્રીય કાર્યક્રમ અથવા કેન્દ્રવર્તી ધ્વનિ હોય એવું લાગે. એ જાહેરાત એવા સમયે અને એવી રીતે કરવામાં આવે કે મારા જેવાઓને તો એવું જ સંભળાયઃ ‘આ બધા પરચૂરણ કામમાંથી પરવારો એટલે પેલું અગત્યનું કામ-ટીએ ફોર્મ જમા કરાવવાનું- ભૂલતા નહીં.
- વક્તાઓના સમય નિયત કરેલા હોય અને તેનો છાપેલો કાર્યક્રમ વક્તાઓને આપ્યો હોય, છતાં વક્તાઓ ઘડિયાળ સામે, શ્રોતાઓ સામે કે અધ્યક્ષ સામે જુએ નહીં અને ‘હું લખીને લાવ્યો છું એટલું બોલવું મારો અધ્યાપનસિદ્ધ હક છે ને તે હું મેળવીને જ જંપીશ’ એવા તિલક-પાઠમાં આવી જાય. જે.એન.દેસાઇ જેવા સિનિયર સાહેબ એકથી વધારે વાર પોતાની ખુરશી પરથી ઉભા થઇને વક્તાને ઇંગિત કરે, શ્રોતાઓનાં ઓલરેડી દ્રવી ચૂકેલાં દિલ આ ચેષ્ટાથી વધારે દ્રવી જાય. છતાં વક્તા પર તેની કશી અસર નહીં.
- આખા દિવસનો કાર્યક્રમ થાય. રૂડાં ભોજનીયાં રખાય. કડકડતાં ટીએ બિલ ચૂકવાય. અધ્યાપકોને તો જાણે આ જ કામ હોય એટલે એમને પગાર ઉપરાંત મળનારા ટીએ બિલથી આનંદ થાય. પણ મારા જેવા બિનઅધ્યાપકોનું શું? તેમને ટેક્સીભાડા તરીકે આઠસો-હજાર-બારસો રૂપિયા મળે, પણ એક વ્યાવસાયિક તરીકે તેમની હાજરી બદલ તેમને સન્માનનીય રકમનો પુરસ્કાર મળવો જોઇએ એવો સુવિચાર આયોજકોને આવતો નથી. એટલે થાય એવું કે કાર્યક્રમ સાથે સંકળાયેલા સૌ કોઇ- ડેકોરેટર, કેટેરર અને ખુરશીવાળા સુદ્ધાંને તેમના મહેનતાણાના રૂપિયા મળે. પણ જેના થકી એ બધું છે તે બોલનારને સમાજની-સંસ્થાની સેવા કરીને સંતોષ માનવાનો. તેનો ઉપાય ફક્ત એ નથી કે આવી જગ્યાએ ન જવું. પણ હવેથી આવી જગ્યાએ શરમ મુકીને ગરીમાપૂર્વક ફી વિશે વાત કરવી.
- સાયન્સ સીટીનો હોલ હોય, ડી.લાલ જેવા પહેલી વાર સાયન્સ સીટી આવ્યા હોય, એ પ્રવચન કરે પણ આખા કાર્યક્રમના કે કમ સે કમ ડી.લાલના પ્રવચનનું પણ ઓડિયો રેકોર્ડિંગ ન મળે. અને આખા કાર્યક્રમ દરમિયાન બાજુ પર બે કમ્પ્યુટર લઇને ગડમથલ કરતા માણસો જોઇને એવું સમજે કે ‘આ લોકો કાર્યક્રમનું વેબકાસ્ટિંગ કરે છે કે શું?’ કમ્પ્યુટરના જમાનામાં આવા કાર્યક્રમોનું વિડીયો રેકોર્ડિંગ શા માટે ન થવું જોઇએ? એમાં ખર્ચનો નહીં, દૃષ્ટિનો સવાલ છે.
- સાયન્સ કમ્યુનિકેશન વિશેની વર્કશોપ હોય અને મારા સિવાય બીજા કોઇની વાતમાં નગેન્દ્રવિજયના કે ‘સ્કોપ’ના પ્રદાનનો ઉલ્લેખ ન થાય એ પણ કેવું વિચિત્ર. જેમણે આ દિશામાં સૌથી વધારે કામ કર્યું. તેમની જાણે કે નોંધ નહીં. આપણને થાયઃ આ તે ફિઝિક્સ પ્રોફેસરોનું મંડળ છે કે ગુજરાતની સાહિત્ય પરિષદ? જો કે મારી પેઢીના કેટલાક મિત્રો મળ્યા. તેમણે ઉમળકાભેર નગેન્દ્રભાઇને યાદ કર્યા, જોષીપુરાસાહેબની જેમ જ પ્રેમથી વાતો કરી અને સંપર્કમાં રહેવા કહ્યું.
- બિનીત મોદી અને લલિત ખંભાયતા પણ હતા. લલિતે ડી.લાલનો ઇન્ટરવ્યુ અગાઉ કરેલો. આજે પણ ઉત્સાહપૂર્વક લલિતે તેમની સાથે જમવાના સેશનમાં થોડી વાતો કરી. ઝીણી ઝીણી બાબતોમાં એમની ચીવટ, સહકાર આપવાની વૃત્તિ અને મોટપ જણાઇ આવતી હતી. મૂળ બનારસના પણ અમેરિકામાં વસતા દેવેન્દ્ર લાલ ધ્રુવપ્રદેશ પરના પાંત્રીસથી ચાળીસ હજાર વર્ષ જૂના બરફના થરનું અને ‘નાસા’ પાસેથી મેળવેલા ચંદ્રના ખડકોનું અધ્યયન કરી ચૂક્યા છે. ‘તમે કદી એન્ટાર્કટિકા ગયા છો?’ એવું લલિતના સવાલોની વચ્ચે પૂછ્યું, એટલે ડો.લાલ કહે,’ના, તક તો હતી, પણ મારા માથામાં સાયનસનાં એવાં પોલાણો છે કે એનો વ્યુ બતાવું તો તમને લાગે કે આ માણસને મગજ છે જ નહીં.’
Photoline L to R : 2 former PRL directors Prof. Devendra Lal & Prof. Sudhir Pandya (photo : binit modi)
























