Showing posts with label obc. Show all posts
Showing posts with label obc. Show all posts
Wednesday, September 09, 2015
ગરીબી આધારિત અનામત : વાર્તા રે વાર્તા
અનામત વિશેની ચર્ચામાં છેલ્લા ત્રણેક દાયકાથી
ઊભરતો એક મુદ્દો આર્થિક સ્થિતિ આધારિત-ગરીબી આધારિત અનામતનો છે. જ્ઞાતિવાદના
વ્યાપથી અજાણ અથવા આંખ આડા કાન કરનારા લોકોને જ્ઞાતિ તથા જ્ઞાતિઆધારિત અનામત
અપ્રસ્તુત લાગે છે. આ પ્રકારની અનામત સામે મુખ્ય બે પ્રકારના વાંધા પાડવામાં આવે
છે :
૧) દલિતો-પછાતોમાં રહેલો સમૃદ્ધ વર્ગ અનામતનો
લાભ લઇ જાય છે. એટલે ખરેખર જરૂરતમંદોને અનામતનો લાભ મળતો નથી. આર્થિક સ્થિતિ
આધારિત અનામત કરી નાખવામાં આવે, તો જેમને સૌથી વધુ જરૂર
છે એવા ગરીબોને તેનો લાભ મળી શકે.
૨) ગરીબી તો બિનદલિતો-બિનપછાતોમાં પણ છે. તો
એમને અનામતનો લાભ શા માટે નહીં? જ્ઞાતિઆધારિત અનામતને
કારણે ઉલટા જ્ઞાતિના ભેદભાવ કાયમી બને છે-વેરઝેર વધે છે.
વિશ્વમાં બીજે ક્યાંય ન હોય એવી વિશિષ્ટ અને
પેચીદી જ્ઞાતિપ્રથા ભારતમાં છે. ઊંચ-નીચની અસમાનતા વિશ્વભરમાં છે, પરંતુ
ભેદભાવ-અસમાનતાની આટલી ઝીણવટભરી વ્યવસ્થા, તેનો ધર્મમાંથી મેળવી
શકાતો આધાર અને થોડા લોકો તળે દબાયેલી બહુમતી-- એવી ગોઠવણનો જોટો જડવો મુશ્કેલ છે.
થોડા હજાર અંગ્રેજો કરોડો ભારતીયો પર રાજ કરી શક્યા, એ ‘સિદ્ધિ’નો અંગ્રેજોને
આપણે વધુ પડતો જશ આપી દઇએ છીએ. તેમના આગમનનાં સેંકડો વર્ષ પહેલાં ભારતની ઉજળિયાત
કહેવાતી મુઠ્ઠીભર જ્ઞાતિઓ લાખો ‘શુદ્રો’ પર રાજ ભોગવતી
આવી હતી. તોપ-બંદૂકની તાકાત છતાં અંગ્રેજોનું રાજ માંડ બે સદી પણ ન ચાલ્યું,
જ્યારે ઉજળિયાત કહેવાતા સમુદાયોએ માત્ર જન્મની જ્ઞાતિના આધારે ઓછામાં ઓછા એકાદ
હજાર વર્ષ સુધી રાજ ચલાવ્યું. હોદ્દા-વિશેષાધિકાર-સ્થાપિત હિતોની અનામત ભોગવી.
ગાંધીજી અને તેમના ઘણા સાથીદારોના સુખદ અપવાદને બાદ કરતાં, ઊજળિયાત કહેવાતા
વર્ગમાંથી આવતા ભારતના ઘણા મહાન નેતાઓ-સમાજસુધારકો જ્ઞાતિવાદ-જ્ઞાતિદ્વેષના મામલે
એકદમ રૂઢિચુસ્ત હતા. (એક ઉદાહરણ : લોકમાન્ય ટિળક અને તેમનું સાથીમંડળ)
આઝાદી પછી બંધારણમાં પહેલી વાર અસ્પૃશ્યતા
નાબૂદ થઇ. દલિત-આદિવાસી સમુદાયોને મુખ્ય ધારામાં સામેલ કરવા- તેમને સમાન તક આપવા
માટે તેમની વસ્તીના પ્રમાણ જેટલી અનામતની જોગવાઇ કરવામાં આવી. (ત્યાં સુધી
શિક્ષણ-નોકરી-રાજકારણમાં ઉપલી ગણાતી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ તેમની વસ્તીના પ્રમાણ
કરતાં ઘણું વધારે હતું.) રાજકીય પ્રતિનિધિત્વમાં અનામતની સમીક્ષા દસ વર્ષ પછી
કરવાની હતી. દસ વર્ષમાં સ્થિતિ સંતોષકારક લાગે તો, રાજકીય ક્ષેત્રે
અનામત નાબૂદ કરી શકાય એમ હતી. પરંતુ એ વાત શિક્ષણ અને નોકરીની અનામતને લાગુ પડતી ન
હતી. કેમ કે, તેની
પાછળનો મુખ્ય આશય આર્થિક ઉદ્ધારનો નહીં, આર્થિક સરખાઇ થકી
સામાજિક સમાનતાની દિશામાં સમાજને દોરવાનો હતો. અનામતની જોગવાઇ કરનારાને એવી આશા
હતી કે દલિતો-આદિવાસીઓને શિક્ષણ-નોકરીમાં તકો મળતી જશે, તેમ ઊજળિયાત
કહેવાતો સમાજ તેમના પ્રત્યેની ખરાબ વર્તણૂંક સુધારશે, તેમને ‘પોતાના જેવા’
ગણતો થશે અને સમાજમાં ધીમે ધીમે એકરૂપતા આવશે.
પરંતુ સદીઓથી હાડમાં ઉતરી ગયેલો જ્ઞાતિવાદ એમ
સાઠ-સિત્તેર વર્ષમાં જાય? અનામતનો ફાયદો મેળવીને
આર્થિક રીતે બે પાંદડે થયેલા લોકો પ્રત્યે ઊજળિયાત ગણાતા સમુદાયનો દ્વેષ ઓછો થવાને
બદલે વધવા લાગ્યો (‘તમારી આટલી ધૃષ્ટતા કે અનામતના જોરે અમારી
હરોળમાં આવવાનું વિચારી શકો?’) એ દ્વેષને વાજબી ઠરાવવા
માટે મેરિટનું બહાનું શોધી કાઢવામાં આવ્યું. આ જાળમાં ભલભલા અભ્યાસીઓ પણ ફસાયા અને
કહેવા લાગ્યા,‘અનામતથી જ્ઞાતિના ભેદભાવ વધે છે.’ આ તો એવી વાત થઇ
કે ઘાયલની દવા કરવાથી તેમને ઇજા પહોંચાડનાર વર્ગ ‘દવા બહુ ગંધાય છે’
એવું બૂમરાણ મચાવે અને ‘દવા લગાડવાથી ઘાયલો
પ્રત્યે લોકોની સૂગ વધે છે’ એવું નિદાન કરનારા ‘અભ્યાસીઓ’
પણ મળી આવે.
જ્ઞાતિઆધારિત અનામતનો વિરોધ કરવા અને તેમાંથી ‘છૂટકારો’ મેળવવા માટે
જોરશોરથી આર્થિક સ્થિતિ આધારિત અનામતની હિમાયત કરવામાં આવે છે. અગાઉ સ્પષ્ટ કર્યું
તેમ, અનામતનો આશય ગરીબી નહીં, સામાજિક અસમાનતા
ઘટાડવાનો છે. છતાં, દલીલ ખાતર વિચારી જોઇએ કે જ્ઞાતિઆધારિત અનામતને
બદલે આર્થિક અનામત લાગુ પાડવામાં આવે તો શું થાય?
‘આર્થિક અનામત’ની વાત કરનારા
માને છે કે તેનાથી ગરીબોને ફાયદો થશે. પરંતુ ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું છે,
એનો તેમને કોઇ ખ્યાલ છે ખરો? ઊજળિયાત ગણાતા લોકો ‘ગરીબ’ની વાત કરે
ત્યારે તેમના મનમાં દેશના નહીં, પોતાના સમુદાયના ગરીબોનો
ખ્યાલ હોય છે. તેમને લાગે છે કે આર્થિક અનામત આવી જાય તો ‘ઊજળિયાત ગરીબો’
(‘પીપલ લાઇક અસ’) તેનો લાભ મેળવી શકે. તેમને બિચારાને ઊજળિયાત
હોવા છતાં ગરીબીની નામોશી ભોગવવી પડે છે, તેમાંથી એ મુક્ત થાય.
બાકી, વાત ‘ઊજળિયાત ગરીબો’ને બદલે તમામ
ગરીબોની હોય તો તેમનું પ્રમાણ કેટલું મોટું થાય? સાવ કાચો અડસટ્ટો
માંડીએ તો પણ, અનામતની જોગવાઇને લાયક હોય એવી (નબળી) આર્થિક સ્થિતિ ધરાવતા
લોકોનું પ્રમાણ ભારતની કુલ વસ્તીમાં ૭૫ થી ૮૦ ટકા જેટલું હોય. કેટલાક અભ્યાસીઓએ
ગરીબી સાથે જ્ઞાતિનો ઠીક ઠીક પ્રમાણમાં સીધો સંબંધ હોવાનાં તારણ કાઢ્યાં છે. (બધી
નીચલી જ્ઞાતિવાળા ગરીબ નથી હોતા અને બધા ઉપલી જ્ઞાતિના અમીર નથી હોતા, પણ કુલ ગરીબોમાં
બહુમતી લોકો નીચલી ગણાતી જ્ઞાતિઓના હોય છે.) એ ચર્ચા અત્યારે બાજુ પર રાખીએ તો પણ,
આર્થિક અનામતના હિમાયતીઓ દેશની જરૂરિયાતમંદ ૭૫ ટકા વસ્તી માટે કેટલા ટકા બેઠકો
અનામત રાખશે?
ધારો કે વર્તમાન ધોરણ પ્રમાણે ૪૯ ટકા બેઠકો
ગરીબો માટે અનામત રાખવામાં આવે. પરંતુ ગરીબીમાં અનેક સ્તર- પેટાપ્રકાર હોવાના.
મજબૂત સંગઠનોનો-વગદાર સમાજનો ટેકો ધરાવનારા ગરીબો હોવાના અને બધી બાજુથી વંચિત એવા
ગરીબો પણ હોવાના. અમુક સમાજના ૮૦ ટકા લોકો ગરીબ હોવાના અને અમુક સમાજના ૩૦ ટકા
લોકો ગરીબ હોવાના. તેમાંથી કયા સમુદાયના ગરીબોને અનામતનો મહત્તમ ફાયદો મળશે?
દેખીતી વાત છે : જે સમુદાયો પહોંચતા-પામતા હોય
તેમના ગરીબોને આ પ્રકારની અનામતનો સૌથી વઘુ લાભ મળવાનો અને તેમની સાથેની હરીફાઇમાં
પછાત કે નીચા ગણાતા સમુદાયોના ગરીબો ટકી શકવાના નહીં. એક વર્ગના ગરીબોના માથે ફક્ત
ગરીબીનો બોજ હોય, જ્યારે બીજા વર્ગના ગરીબોના માથે ગરીબી ઉપરાંત
સામાજિક પછાતપણાનો અને દલિતોના કિસ્સામાં સામાજિક તિરસ્કારનો પ્રચંડ બોજ પણ
હોવાનો. આર્થિક અનામતના મેદાનામાં એ બધાને સાથે દોડાવીને ‘સમાન તક’ આપી, એવું કહી શકાય?
તાત્પર્ય એટલું કે હાલમાં જાદુઇ લાકડી સમી
ભાસતી ‘આર્થિક અનામત’ની વાતો મુખ્યત્વે થોડા વગદાર-વર્ચસ્વ ધરાવતા વર્ગોના
હિત સિવાય બીજા કોઇનું ભલું કરે એવી નથી. જ્ઞાતિ આધારિત અનામતની ઘણી મર્યાદાઓ છે
અને સાચી દાનત હોય તો તેમાં સુધારણાને ઘણો અવકાશ છે. પરંતુ આર્થિક અનામત કોઇ રીતે
તેનો ન્યાયી વિકલ્પ નથી.
Labels:
dalit,
obc,
reservation
Tuesday, June 19, 2012
લધુમતી માટે પેટા-અનામતઃ ગૂંચવાડા અને ગેરસમજણ
સરકારી શિક્ષણસંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં અન્ય પછાત જાતિઓ - અધર બેકવર્ડ કાસ્ટ્સ (ઓબીસી) OBC માટે ૨૭ ટકા બેઠકો અનામત રાખવાની સરકારી નીતિ છે. ડિસેમ્બર ૨૨, ૨૦૧૧ના રોજ ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માથે હતી ત્યારે, કેન્દ્ર સરકારે નવું ગતકડું કાઢ્યું : ઓબીસી માટેની ૨૭ ટકા અનામતમાંથી ૪.૫ ટકા (પેટા)અનામત લધુમતી માટે રાખવામાં આવશે.
મે ૨૮,૨૦૧૨ના રોજ આંધ્ર પ્રદેશની હાઇકોર્ટે લધુમતી માટે પેટા અનામતની સરકારી જાહેરાત રદબાતલ ઠરાવી. આવા સંવેદનશીલ મુદ્દે કશા આધારપુરાવા વિના, કેવળ ધર્મના આધારે નિર્ણય લેવા બદલ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે સરકારની કડક ટીકા પણ કરી.
તેનાથી શરમાયા વિના સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ. સરકાર પક્ષની દલીલ હતી કે હાઇકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટ હાલતુરત મનાઇહુકમ આપે. એવું નહીં થાય તો ૪.૫ ટકા પેટા અનામતના ધોરણે આઇ.આઇ.ટી. માટે પસંદ કરાયેલા ૩૨૫ વિદ્યાર્થીઓનું ભાવિ લટકી પડશે.
પરંતુ સુપ્રીમ કોર્ટે સરકારની દલીલ ફગાવી દીધી, ૪.૫ ટકા પેટા અનામતને કામચલાઉ ધોરણે સ્વીકારવાની ના પાડી દીધી અને સરકારે કયા આધારે લધુમતી માટે ૪.૫ ટકા અનામતનો નિર્ણય લીધો તેનાં કાગળીયાં રજૂ કરવા જણાવ્યું.
સુપ્રીમ કોર્ટના કડક વલણ પછી સરકારે આશરે ૮૦૦ પાનાંના વિવિધ દસ્તાવેજો- મુખ્યત્વે મંડલ પંચ, સાચર સમિતિ અને રંગનાથ મિશ્ર પંચના અહેવાલ- અદાલતમાં રજૂ કર્યા. તેનો અભ્યાસ કરીને સુપ્રીમ કોર્ટ વેકેશન પછી કેસ આગળ ચલાવશે. પરંતુ આટલા ઘટનાક્રમમાં પૂરતા ગુંચવાડા અને ગેરસમજણો પેદા થઇ ચૂક્યાં છે. તે વારાફરતી સમજવા-ઉકેલવાનો પ્રયાસ કરીએ.
ગેરસમજણ ૧: લધુમતી એટલે મુસ્લિમ
ડિસેમ્બર ૨૦૧૧માં કેન્દ્ર સરકારે ઓબીસી અનામતના ૨૭ ટકામાં લધુમતી માટે ૪.૫ ટકા પેટા અનામતની જાહેરાત કરી, ત્યારે તેના મનમાં મુસ્લિમોને પટાવવાનો જ ખ્યાલ હતો. ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારમાં સલમાન ખુર્શીદ જેવા કેન્દ્રીય મંત્રી કૂદી કૂદીને લધુમતી માટેની પેટા અનામતનો બચાવ કરતા હતા. એ માટે ચૂંટણી પંચનો રોષ વહોરી લેતાં પણ તે ખચકાયા ન હતા. કારણ કે ત્યારે કોંગ્રેસને ઉત્તર પ્રદેશના મુસ્લિમ મતો અંકે કરવાની લાલચ હતી. પરંતુ ચૂંટણીનાં પરિણામે દર્શાવી આપ્યું કે લઘુમતી માટે પેટા અનામતનું ગાજર કારગત નીવડ્યું નહીં. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ કશું ઉકાળી ન શકી અને લધુમતી અનામત માટે ‘શહીદી’ વહોરવા તૈયાર થઇ ગયેલા સલમાન ખુર્શીદ તેમનાં પત્નીને પણ જીતાડી ન શક્યા.
લધુમતી માટે પેટા અનામતના ચૂંટણીલક્ષી પ્રચાર અને તેના ચૂંટણીલક્ષી વિરોધમાં પાયાનો મુદ્દો બાજુ પર રહી ગયોઃ સરકારે ફક્ત મુસ્લિમો માટે નહીં, સમસ્ત લધુમતી માટે ૪.૫ ટકા પેટા અનામત જાહેર કરી હતી. ‘લધુમતી’ની વ્યાખ્યામાં મુસ્લિમો ઉપરાંત શીખ, પારસી, બૌદ્ધ, ખ્રિસ્તી વગેરેનો પણ સમાવેશ થઇ જાય. અદાલતે આ હકીકત ભણી ઘ્યાન દોરીને પૂછ્યું છે કે પારસીઓ લધુમતી હોવા છતાં તેમણે કદી અનામત માગી નથી. તો કેન્દ્ર સરકારે કયા આધારે પેટા અનામતના લાભાર્થીઓમાં પારસીઓનો સમાવેશ કરી દીધો?
એટલે, પહેલી સ્પષ્ટતાઃ સરકાર વિરુદ્ધ અદાલતનો કાનૂની જંગ અત્યારે મુસ્લિમોની પેટા અનામત માટે નહીં, પણ બધી લધુમતીની પેટા અનામત અંગેનો છે. ઉત્તર પ્રદેશમાં ખત્તા ખાધા પછી પણ કોંગ્રેસની સાન ઠેકાણે આવી ન હોય અને હજુ તે મુસ્લિમોને પેટા અનામતથી રીઝવવાનાં ખ્વાબ જોતી હોય, તો તેણે પોતાની જાહેરાતમાં ‘લધુમતી’ શબ્દ કાઢીને ‘મુસ્લિમ’ શબ્દ મૂકવો પડે.
ગેરસમજણ ૨: પેટા અનામતમાં બધા મુસ્લિમો લાભાર્થી બનશે
‘મુસ્લિમો માટે ૪.૫ ટકા પેટા અનામત’ જેવી જ બીજી ગેરસમજણ છેઃ ૪.૫ ટકા પેટા અનામતનો લાભ બધા મુસ્લિમોને મળશે. કોઇ પણ જ્ઞાતિનો ઓબીસીની યાદીમાં સમાવેશ તેના આર્થિક અને સામાજિક પછાતપણાના આધારે કરવામાં આવે છે. ધર્મ આધારિત ભેદભાવને કારણે કોઇ જ્ઞાતિ પછાત રહી હોય એવું બની શકે. છતાં, ઓબીસીની યાદીમાં તેના સમાવેશ વખતે તેનો ધર્મ ગૌણ અને પછાતપણું મુખ્ય પરિબળ બની જાય છે. ઓબીસીની યાદીમાં કઇ કઇ જ્ઞાતિ અને જાતિનો સમાવેશ થાય છે, તેની રાજ્યવાર યાદીઓ બહાર પડે છે. નેશનલ બેકવર્ડ કાસ્ટ કમિશન દ્વારા તેમાં સમયાંતરે સુધારાવધારા- મુખ્યત્વે ઉમેરા- નું કામ ચાલુ રહે છે. ઓબીસીની યાદીમાં છેલ્લો ફેરફાર ગયા વર્ષે થયો હતો.
ગુજરાતમાં પછાત (ઓબીસી)ની યાદીમાં કુલ ૧૦૪ જ્ઞાતિ-જાતિઓનો સમાવેશ થાય છે. તેમાં મકરાણી, મિંયાણા, પિંજારા, સંધી, ખલીફા, મિરાસી, ખાટકી, જત, ઘાંચી જેવી પચીસેક મુસ્લિમ જ્ઞાતિ-જાતિઓ છે. ગયા વર્ષે આરબ અને સુમરા મુસ્લિમોનો તેમાં ઉમેરો થયો છે. ડફેર અને વાઘેર જેવી જ્ઞાતિઓ હિંદુ અને મુસ્લિમ બન્ને ધર્મોમાં જોવા મળે છે અને તે ઓબીસી ગણાય છે.
ઓબીસી માટેની ૨૭ ટકા અનામતમાંથી ૪.૫ ટકાનો એક ટુકડો ધારો કે ફક્ત મુસ્લિમો માટે અનામત રાખવામાં આવે, તો પણ તેનો લાભ ફક્ત એ જ મુસ્લિમ જ્ઞાતિઓને મળે, જેમનાં નામ ઓબીસીની યાદીમાં છે. આ યાદીની બહાર રહેલા બહુ મોટા મુસ્લિમ સમુદાયને ૪.૫ ટકા અનામત સાથે કશી લેવાદેવા ન હોય.
એટલે, સ્પષ્ટતા બીજીઃ ૪.૫ ટકા પેટા અનામત લધુમતીને બદલે ફક્ત મુસ્લિમો માટે હોય તો પણ મુસ્લિમોનો બહુ મોટો સમુદાય તેનો લાભાર્થી બનવાનો નથી. આ જોગવાઇનો લાભ લેવા ઇચ્છતા સમુદાયોએ સૌ પહેલાં પોતાની જ્ઞાતિનું આર્થિક-સામાજિક પછાતપણું પુરવાર કરવું પડે. એ માન્ય થાય તો જ ઓબીસીની યાદીમાં એ જ્ઞાતિનું નામ ઉમેરાય. એટલે પ્રચલિત ગેરમાન્યતા પ્રમાણે, ફક્ત મુસ્લિમ હોવાથી કોઇ પેટા અનામતનું લાભાર્થી બની જતું નથી. તેનું પછાત હોવું સૌથી મહત્ત્વનું છે.
ગેરસમજણ ૩: પેટા અનામતો પાડવાથી અનામત નીતિનો અસરકારક અમલ કરી શકાશે
અત્યારની સ્થિતિ પ્રમાણે, પછાત વર્ગો (ઓબીસી) માટેની ૨૭ ટકા અનામત માટે સંખ્યાબંધ પછાત વર્ગો વચ્ચે ખુલ્લી અને જોરદાર હરીફાઇ ચાલે છે. સ્વાભાવિક છે કે બધા પછાત વર્ગો એકસરખા પછાત ન હોય. તેમાંથી કેટલાક બાકીના કરતાં વધારે સંપન્ન- વધારે પામતાપહોંચતા રહેવાના. શિક્ષણ અને નોકરીમાં ૨૭ ટકા બેઠકો માટેની હરીફાઇમાં સ્વાભાવિક રીતે જ, પછાતમાં ‘ઉપલા’ કહેવાતા વર્ગોનું વર્ચસ્વ રહેવાનું. તેના કારણે બીજા વર્ગોનો સમાવેશ ઓબીસીમાં થતો હોવા છતાં અને કાગળ પર તેમને ૨૭ ટકા અનામત મળેલી હોવા છતાં, આંતરિક હરીફાઇમાં તે અનામતનો પૂરતો લાભ નહીં મેળવી શકવાના.
પછાત વર્ગોમાં અંદરોઅંદરની આર્થિક-સામાજિક અસમાનતાને કારણે પેટા અનામતનો મુદ્દો ઊભો થયો. સરકારને લાગ્યું કે ૨૭ ટકામાંથી પણ પછાત મુસ્લિમોને તેમનો એક અલગ ટુકડો આપી દઇએ તો કેવું? એ ૪.૫ ટકા માટે પછાત મુસ્લિમોએ બીજા સમુદાયો જોડે હરીફાઇ કરવાની ન રહે. એથી મુસ્લિમોનો દહાડો વળે કે નહીં એ બીજી વાત છે, પણ સરકાર તો મુસ્લિમોના ઉદ્ધારક તરીકેનો દાવો કરીને મત માગી શકે. સરકારોની બુદ્ધિની પહોંચ કેટલી? કોઇ પણ સમુદાયને વોટબેન્ક ગણવા જેટલી.
પરંતુ વોટબેન્કથી આગળ વિચારતાં જણાશે કે પછાત મુસ્લિમો પણ એકસરખો સમુદાય નથી. તેમાં ચડિયાતા અને ઉતરતા, થોડા સદ્ધર અને બાકીના નબળા છે. એટલે પછાત મુસ્લિમોને સુવાંગ ૪.૫ ટકા પેટા અનામત આપી દીધા પછી પણ, જેમને સૌથી વધારે જરૂર છે એવા પછાત મુસ્લિમ સમુદાયો સુધી અનામતના લાભ પહોંચવા અંગે શંકા રહે છે.
પછાત મુસ્લિમો અંગેનું એક સર્વેક્ષણ ‘સોશ્યો-ઇકોનોમિક ડિસએબિલિટી એન્ડ અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ્સ એમંગ મુસ્લિમ્સ ઓફ અધર બેકવર્ડ ક્લાસીસ’ આયોજન પંચને સુપ્રત કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણા- એ ત્રણ રાજ્યોનાં ૭૨ ગામનાં વિગતવાર સર્વેક્ષણમાં નોંધાયું હતું કે એ વિસ્તારોના કસાઇ અથવા કુરેશી, અન્સારી અથવા જુલાહા અને મલિક- પછાત મુસ્લિમોમાં ગણાતા હોવા છતાં, તેમની સ્થિતિ ઘણા ખરા બિનપછાત મુસ્લિમો કરતાં સારી હતી.
‘ક્રીમી લેયર’ (અમુકથી વઘુ આવક ધરાવતા પરિવારો)ને ઓબીસી અનામતનો લાભ મળતો નથી એ ખરું, પણ ૨૦૦૮માં ઠરાવાયેલી રકમ પ્રમાણે, જેના વાલીની વાર્ષિક આવક રૂ.૪.૫ લાખ કે વઘુ હોય એવા લોકો ક્રીમી લેયરમાં ગણાય છે. એથી થોડી ઓછી આવક ધરાવતા પરિવારો બીજાં પછાત પરિવારો કરતાં ઘણાં સુખી હોવા છતાં, ઓબીસી અનામતના હકદાર બને છે.
આમ, અસમાન વહેંચણીની સમસ્યા પેટા અનામત પાડ્યા પછી પણ ઊભી જ રહે છે. ફરક એટલો કે પહેલાં મુસ્લિમ અને બિનમુસ્લિમો વચ્ચે અસમાન વહેંચણીની હોય, તો પેટા અનામત પછી તે મુસ્લિમોમાં અંદરોઅંદરની વહેંચણીની બને છે. પરંતુ અનામતનો આશય ધર્મઆધારિત નહીં, પછાતપણા આધારિત હકારાત્મક પગલાંનો છે અને તે જળવાતો નથી.
ગેરસમજણ ૪ : અનામત ઓબીસીના પછાતપણાનો ઉત્તમ ઉકેલ છે
દલિતો-આદિવાસીઓ માટેની અનામત અને એમના સિવાયના- અન્ય- પછાત વર્ગો માટેની અનામત પહેલી નજરે સરખી લાગે, પણ બન્નેમાં પાયાનો તફાવત છે. દલિતો સદીઓથી ભેદભાવ અને આભડછેટનો ભોગ બનેલા હોવાને કારણે અને આદિવાસીઓ સમાજની મુખ્ય ધારાથી દૂર રહ્યા હોવાથી, તેમની જ્ઞાતિ તેમના પછાતપણાનું સૌથી મુખ્ય અને સૌથી મોટું કારણ છે.
ઓબીસીના મામલે, તેમની જ્ઞાતિ ઉલ્લેખનીય હોવા છતાં સૌથી મહત્ત્વનું તેમનું સામાજિક-આર્થિક પછાતપણું છે. મંડલ પંચે ૧૯૮૦માં ઠરાવ્યું હતું કે દેશની કુલ વસ્તીમાં અન્ય પછાત વર્ગોનું પ્રમાણ ૫૨ ટકા છે. વસ્તીવધારો અને ઓબીસીની યાદીમાં ઉમેરા પછી આ પ્રમાણ ઘટવાને બદલે વઘ્યું હોય એવી પૂરેપૂરી સંભાવના છે. તેનો સાદો અર્થ એ થયો કે દેશની અડધોઅડધ વસ્તી, દલિત કે આદિવાસી ન હોવા છતાં, સામાજિક-આર્થિક રીતે પછાત છે.
અનામતની સિદ્ધાંતચર્ચા બાજુ પર રાખીને એક સાદો સવાલ થાયઃ અડધાથી પણ વઘુ વસ્તી માટે સરકારી શિક્ષણ-સરકારી નોકરીમાં અનામત જેવું અધકચરું પગલું લઇને તેનું રાજકારણ લડાવ્યા કરવું એ સાચો ઉપાય છે? કે આટલી મોટી વસ્તી પછાત રહી ગઇ એ બદલ સરકારી નીતિઓની નિષ્ફળતા કબૂલીને, પછાતપણું પ્રેરતાં પરિબળો દૂર કરવાની દિશામાં કામ કરવું, એ યોગ્ય રસ્તો છે?
Labels:
dalit,
muslims,
obc,
reservation
Subscribe to:
Posts (Atom)